વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા નું પરિણામ -સૌને અભિનંદન

મિત્રો વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ગયું છે.
પ્રથમ ઇનામ -માનસ-છાયા ઉપાધ્યાય -આણંદ-$૧૦૧
બીજું ઇનામ -ડે-નાઈટ ગ્લાસીસ–અજય સોની -કચ્છ -$૭૫
ત્રીજું ઇનામ બે વાર્તામાં વિભાજિત થયું છે.-$૨૫
૧-મારું અસ્તિત્વ -પ્રજ્ઞા દાદ્ભાવાળા-
૨-પડછાયો -શ્રદ્ધા ભટ્ટ 
આશ્વાસન ઇનામ પણ બે વાર્તામાં વિભાજિત થયું છે.-
૧-એનું સત્ય -રાજુલ કૌશિક
૨-ચૂટકીભર સિંદુર -કલ્પના રઘુ 
પ્રથમ ઇનામ -26-માનસ
ઊંઘ પુરી થયાનો ભાવ જાગ્યો. રહી સહી નિંદરને ખસેડવા તેણે શરીર પરથી ચૉરસો હટાવી બંધ આંખે જ આળસ મરડી.
“મરડાવાને બદલે શરીર આમ વળ્યું કેમ ?” તેલ પાયેલી રાશ જેવી લીસ્સી અને બળુકી અનુભૂતિએ તેની ઊંઘ ઉડાડી દીધી હતી. “શું હું ઊંઘમાંથી જાગી છું કે નવો જન્મ પામી છું?” તેને સવાલ થાય છે. જે સ્થળે શરીર ફેણ માંડીને બેઠું છે, તે
તેને અજુગતુ લાગે છે. સામેની દિવાલેથી  ફેંકાતી ફિલ્ટર્ડ, ઠંડી હવા આમ તો સર્પદેહને ધર્માનુસાર કનડવી જોઈએ. “મને કેમ અહીં અનુકુળ લાગી રહ્યુ છે? આ સ્થાન તો કોઈ મનુષ્યનેઅનુકૂળ છે. હું અહીં કેવી રીતે હોઈ શકું? જો કે, આમ વિચારવું એ મનુષ્યજન્ય નથી શું? તો શું હું સર્પ નથી?” 
આ બધા વિચારોને છેડે તેના ચિત્તમાંથી ભારે વિજ પ્રવાહ પસાર થઈ જાય છે, જેને કારણે તેની સ્મૃતિ ફેણ માંડી બેઠી થઈ જાય છે. “હું તોમાયા છું. આ મારો બેડરૂમ છે.” એ સાથે, માયાની આંખ સામે માયાની કાયા આવી જાય છે. શરીરમાં અનુભવાતો પરિચિત કંપ તેને દુવિધામાં નાખે  છે. “ઓહ! કેવું સ્વપ્ન હતું!” જો કે, પેલી લસલસતી બળુકી અનુભૂતિ માયાને એટલી જ વાસ્તવિક લાગે છે. એકસાથે સંસ્મરણ અને સ્વપ્નવત્ લાગતી એ અનુભૂતિની કાર્યકારણ ગડ બેસાડવા જાય, ત્યાં માયા જુએ છે કે તેની ત્વચા પર  સાપની ચામડી ચઢી રહી છે.
“ડર કે આશ્ચર્ય કેમ નથી થતું ? છટ્, સ્વ અંગે પોતાને નવાઈ થોડી હોય? પણ, કયો સ્વ? આ નજર સામે સળવળે છે તે કે જે આ વિચારે છે તે?” ત્યાં તો, માયા જુએ છે કે સાપના તરંગરુપ વળાંકોમાંથી એક એક જોડી હાથ પગ સ્તન હોઠ કાન વગેરે પ્રસરી રહ્યાં છે. “ઈચ્છાનું બળ અમાપ હોય છે. શું આ શરીરબદલાની રમત મારી જ ઈચ્છાશક્તિનું પરિણામ છે?”
માયા વિચારે છે.
“હા. મન ત્યાં માળવા. માળવા સર કરી જ લેવું હવે તો !”
રાશ જેવું શરીર તંગ થઈ ફૂંફાડો ફેંકે છે. “ઘણું સહ્યું. ખબર પાડી દઉં બધાને. સારું થયું ટેવવશ આને સંગ્ર્હ્યો! હવે તો કામ કાઢી જ લઉં.” મનને ખૂણે લપાયેલો સાપ બેઠો થઈ બબડે છે. વિષની બધી કોથળીઓનાં મોં એક સાથે ખુલી ગયાં છે. આ આવી મળેલ તકનો ઉપયોગ કરી લેવાનું માયાસર્પ આયોજન કરે છે. જડી આવ્યા પછી સર્પપણુ જતું રહેવાનું નથી. પણ, તેને ઉતાવળ છે હિસાબ કરી નાખવાની.તે શરુઆત નજીકથી કરવા ધારે છે. પણ, અત્યારે એવું કોઈ જડતું નથી કે જેને દંશ દઈ શકાય. તેના ઈન-લૉએ પુછાવ્યું હતું રહેવા આવવાનું. કહેતા હતા કે, “મુન્નાનો ભમરડો મળ્યો,માળિયું સાફ કરતાં કરતાં. એટલે, તમને બધાને મળવાનું
મન થઈ આવ્યું છે.” માયાસર્પ મનમાં જ ગોઠવે છે, “આવવા દો એમને.” પણ, એ આવે ત્યાં લગી? માયાસર્પ યાદી બનાવે છે:દંશ યોગ્ય સગાં, ફૂંફાડાને લાયક સહકર્મી અને બૉસ, વિંટાઈ જઈ કરોડ તોડવી પડે તેવા પાડોશી, આખે આખા ગળી જવા પાત્ર પિયરીયા. વિષાક્ત ઉચ્છવાસ ફેંકતા નસકોરાં જાણે કે બોલે છે,
“શું નથી કર્યું આ બધા માટે! પણ, કોઈને કદર ખરી?” પછી તે ગણતરી
માંડે છે, “સાપપણાને સાર્થક કરવા જેટલા વિકલ્પો તો છે મારી પાસે.” જો કે, માયાનું મન સાપના શરીરમાં ય એ જ વિકલ્પો સાથે સંકળાયેલા સુખદ સંસ્મરણોનો મીઠો કંપ આપી જાય છે. એ
સ્મૃતિથી માયા મુંઝાય છે અને કાંચળી ઉતારે તેવા અણીદાર સવાલો પોતાને પુછી બેસે છે, “ક્યાંથી પ્રવેશ્યું આ ઝેર? કદરનું કાટલું શેના થકી ઘડાયું? હકની લડતે
સિક્કાની બીજી બાજુને ઘસી નાખી છે કે શું?” પણ, પેલી રાશ વળ છોડે એમ નથી. જે બાબતોને તે કડવો ઘૂંટ સમજી ગળી ગઈ હતી, તેમને ગાળવાનું ચૂકાઈ ગયું લાગે છે.
નાની નાની વાતો ક્યારે સાપ જેટલી લાંબી અને ઝેરી થઈ ગઈ તેનો માયાને ખ્યાલ પણ ના આવ્યો. સર્પ મંડિત માયાની યાદીમાં કોઈ બાકાત નથી; ના કોઈનો મુન્નો, ના એની અને મુન્નાની મુન્ની. આ વાત ધ્યાનમાં આવતાં જ માયાનો માતૃદેહ બચાવમાં કંપે છે, “ના, ના. મુન્ની ના હોય આ યાદીમાં.
મારી મુન્ની !” કોઈ ઊંડા કુવામાંથી અવાજ પડઘાય છે, “સાપણ પોતાના ઈંડા ય ખાય!” એક ઝાટકે માયા પાછી પ્રકટી આવે છે. હડી કાઢતા પાશવી શ્વાસ ક્રમશઃ માનવીય લય પામે છે.છતાં, હજી કોઈ ઝીણી કાંકરી ચોંટેલી છે તેના ચિત્ત પ્રદેશમાં.જે નડે તો છે જ, સાથે સાથે તેના હોવાપણાની યાદ પણ અપાવે છે. એક ખૂંચતો કણ માયાની ચેતના પર હાવી થઈ ગયો છે.
ઈચ્છાબળથી અંજાયેલ સર્પિણી માયા નીકળી પડી છે.સચરાચરમાં સરસરાટ. કોઈને તેનું આ રુપ અજાણ્યું નથી લાગતું એની તેને ય નવાઈ લાગે છે. “કોઈ મને ધ્યાનથી જોતું નથી કે પછી મારું આ રુપ મારા ધ્યાનમાં આવતા પહેલાં બધાને ખબર છે? કે પછી આ ઉઘાડી સ્વિકૃતિ છે! ” બેવડી વૃત્તિઓમાં રમી રહેલો માયાજીવ પોતાની અસલિયત ઓળખવા મથે છે. એક તરફ તેને સત્તાનો મદ આકર્ષે છે અને બીજી તરફ કોઈ પુર્વ પરિચિત નમણી શક્તિ તેને સાદ દે છે.માયાસર્પ જુએ છે, બધી આંખમાં, ક્રમશ: બચાવ પ્રયુક્તિ,ફફડાટ, શરણાગતિ અને પોતાની વિજય પતાકા. જો કે,કેટલીક વ્યક્તિઓ છે, જે ઉત્ક્રાંત “ૐ”ને પચાવવામાં રત છે.પણ, વિજયાસક્ત તાકાત ચાખી ગયેલ પાશવીય ચિત્તને,એમને ગણતરીમાં લેવાની જરૂર નથી જણાતી. અમુક તેના જેવાંય છે. એ બેવડા ચિત્તવાળામાંથી કેટલાક, તેની માફક,અચાનક આવી મળેલ તાકાતથી અભિભૂત છે અને તેને બેલગામ વાપરવા પર ઉતરી આવ્યા છે. કેટલાક હજી ‘હું કોણ છું?’ના પ્રશ્નાર્થમાં અટવાયેલા છે. એમાંના મોટાભાગના કાં તો ફૂંફાડા કાં તો તાકાતથી અંજાઈને એરુજુથમાં જ ભળવાના છે.
સર્પ જુથના વધી રહેલા ઝેરીલા વર્ચસ્વ પછી પૃથ્વી પાતાળલોકમાં ફેરવાવામાં ઝાઝી વાર જણાતી નથી. “અગાઉ પણ આવી તક ઊભી થઈ જ હશે ને!” માયાને ભણેલો ઈતિહાસ યાદ આવે છે.
“થઈ હશે નહીં, થઈ હતી, થતી રહી છે. પૃથ્વી પર રાજ કરવાની ઝેરી એષણાઓ ક્યારેય શમી નથી. તો પણ, કેમ માનવતા જ જીતી છે?”પોતાના આ વિચારો અંગે રાજી થવું કે શોક કરવો તે માયાજીવ નક્કી નથી કરી શકતો. બીજા સ્થળોએથી પણ ઠંડા લોહીકુળના વંશજ ઉઘાડેછોગ દરમાંથી બહાર નીકળ્યાના સમાચાર છે. આખરે શિતનીદ્રા પુરી કરવાની તક મળી છે સર્પકુળને. ઠંડું લોહી ઉકળ્યુ છે. “નમ્રતા એટલે નબળાઈ.” એ તેમનો મુદ્રાલેખ છે. સત્તાધારી તાકાત સહનશીલતાને ફગાવે છે. “અનુકુલન? સાહચર્ય ? વૈવિધ્ય? ના! અમે જ હવે. કાં અમારી સાથે કાં અમારી સામે.” એવા આક્રમક વલણ સાથે તેઓ સત્તા કેન્દ્રો પર ગૂંચળું વળી જામી પડ્યા છે. મનોરંજનમાં મસ્ત જીવોને તો આસપાસ શું ચાલી રહ્યું  છે તેની સુધ પણ નથી. “આજકાલ સાપ બહું દેખાય છે.”
એમ સ્ટેટ્સ અપડેટ કરવાની સોશીયલ મિડિયા ફરજ
નિભાવી, સ્ટેન્ડ અપ કૉમેડી પર;નું સ્માઈલી ચીપકાવી, ગુંચળુ થઈ વ્યવસ્થા તંત્રમાં મણકો બની પરોવાઈ જાય છે તેઓ. નવા નવા રમકડાંથી રાજી થવા લાગેલી, રોજ નવી નવાઈ માંગવા લાગેલી આ બેપગી જાતે,જુઓ ને, “અમને ય ફૉર આ ચેઈન્જ વધાવી લીધા છે !”એમ એરુસમુહ હાસ્યના હિંસકારા કરે છે. “એય ને હવે ફૂંફાડા,સુસવાટા, સરસરાહટ, દંશ અને ઝેરની પિચકારી. સાપને મન મળે તો શું શક્ય નથી!” પણ, મનની જ મોંકાણ છે. “આ લાગણી કોની છે?” વળી વળીને મનુમન બેઠું થઈ સવાલો ઊભા કરે છે, મીઠી લાગણીઓ તાજી કરે છે.વાતે વાતે છાસીયા કરતી અને ઝેર ઑકતી લુલી પાછળથી વળી વળીને માયા બેઠી થાય છે. “સત્તા હાથવગી લાગે ત્યારે આમ હારી જવાનું મન કોને થાય છે?” ગૂંચળું છોડી, કરોડરજ્જુ પર બેઠું થતાં જ માયા મન સ્નેહભીની સ્મૃતિઓમાં સરકી જાય છે.
“એમના મુન્ના પાછળ ઘેલા કાઢતા સાસુ-સસરા; સંગીત માટે ઝૂરતો ને ખાનગીમાં ગીત ગણગણ્યા કરતો અકડુ બૉસ; છેવટે લીમડીના બહાને ઘરમાં ડોકું કરી, મીઠી ઈર્ષાને બહાને મારા સુખથી રાજી થતી પાડોશણ; મારી ઉપલબ્ધિઓને પોતાની માની ફુલાતા પિયરીયા.” માયાની દ્રષ્ટિ એ જ દ્રશ્યો સાફ નજરે જુએ છે.તેની નાભીમાંથી ધ્વનિ ઉઠે છે, “શક્તિ તો સહન કરવામાં છે. ઉપવાસ કરે માયા, મુન્ની માટે, મુન્ના માટે.”
સાપની પ્રકૃતિમાં તરબોળ હોવા છતાં, માયામન પોતાનું દાપુ માગતું હાજર થઈ જાય છે, નિયમિતપણે. ફૂંફાડો માર્યા પછી તે પસ્તાવાના ઝરણે માથાબોળ સ્નાન કરે છે. સાપ વૃત્તિમાં લાબો સમય રહ્યા પછી પણ, સંસ્કૃત મન વારે તહેવારે હાજર થવાનું ચુકતુ નથી. ઈચ્છાની ઉપરવટ, રસાયણોની રમઝટની પાર જઈ માનવીય ડહાપણ કરોડરજ્જુ પર ઊભું થઈ આવી ચઢે છે. એ પાછું એકલું નથી ઊંચકાતુ, માનવતા એના પડછાયાની જેમહાજર રહે છે. તેને કારણે, પોતાનામાંના સાપને જોયાનો અનુભવ માયાને શરીરમાં સચવાયેલી જુદી જુદી પશુતા ઓળખાવામાં ઉપયોગી થાય છે. આવેગોનો ઉન્માદ તેને
સમજાય છે. જંગલના નિયમ અને જીવનના લયને તે પોતાની ભીતર અનુભવે છે. હિંસ્ત્ર વૃત્તિઓને ઠારીને,વાળીને, ઓગાળીને રચાયેલા, ધર્મની ય પારના દેશની સ્થિતિ તેની અંદર પોતાની હાજરી વ્યક્ત કરે છે. પશુતાની ઉપસ્થિતિમાં પોતાની માણસાઈ તેને વધુ તિવ્રતાથી પરખાય છે. કોષના રસાયણ લાખ કોશિશ કરે ટેવોના ચક્રને
ફરતું રાખવાની, માનવતાની માસ્ટર કી તે ચક્રને સ્વિચ ઑફ કરી દે છે. સાપને છછુંદર ગળી જાય છે. મોટા થઈ ગયેલા મુન્ના સાથે સંલગ્ન થયેલી ગ્રંથીઓ ભમરડાવાળા મા-બાપના કૉલ ઝીલવા લળી પડે છે. આવી સ્નેહસ્નિગ્ધતા જ સાપણની ઈચ્છાશક્તિને લપસાવે છે. ઊભા રહેવા ઘડાયેલી કરોડરજ્જુ  દંડવત્ માંડે છે મમ્મી-પપ્પા સામે અને સાવ ઓગળી જાય છે
મુન્ના-મુન્ની સામે. સાપ તો શું, જનીનમાં સચવાયેલી બધી પૂર્વપશુતાને અતિક્રમે છે પ્રેમ રસ. માયા જુએ છે કે ક્રોમોઝોમમાં સચવાઈ પડેલો સાપનો કણ આખરે પ્રેમ રસમાં ઓગળી જાય છે. જાણે કે, અગ્નિ સંસ્કાર પામ્યા પછી ગંગામાં સર્પપણાની રહી સહી રાખને મુક્તિ સાંપડે છે.
માયાની આંખ ખુલી ગઈ છે. જાગવામાં મોડું થયું છે. ઘી સભર ધુમાડાની ગંધથી દોરવાઈ તે આંગણે પહોંચે છે. મુન્નો કહે છે,
“સવાર સવારમાં તારા પ્રિય સોવેનિયરને અગ્નિદાહ દેવો પડ્યો. કિડીઓએ ફેણ કોતરી ખાધી. કાંચળીની પૂંછડી જ બચીતી અને એ ય તને જોવી ના ગમે તેવી.”
મમ્મી- પપ્પાના જાપની પશ્ચાદભૂ સાથે, મુન્નાના જમણા હાથને પોતાનો જમણો હાથ અડાડી માયા આહુતિમાં
સહભાગી થાય છે.
_છાયા ઉપાધ્યાય
આણંદ
9427857847
*********************************************************
બીજું ઇનામ 24-ડે-નાઈટ ગ્લાસીસ
 એ માણસ દૂરથી આવતો હોય તો પણ તમે એને ઓળખી કાઢો. એક તો એની ચાલના કારણે, અને બીજા એના સફેદ વાળ. જાણે જન્મથી જ સફેદ હોય એમ વાળમાં સમ ખાવા પૂરતી પણ કાળાશ નહીં. આ વાતનો તેને લગીરે અફસોસ નહીં. એક જમાનામાં પોતાના કાળા વાળ પર ગુમાન હતું. બોલબેટમ અને રાજેશખન્નાકટ વાળ. એક લટ હવામાં રમતી રાખતો. એકાદ-બે ફોટા પણ પડાવેલા. પણ હવે એ બધી વાતોનો એને મન કોઈ મતલબ ન હતો. એ બધુ પાછલા જન્મ જેટલું દૂર અને ધુંધળું લાગતું હતું. આંખ સામે જે દશ્ય હતું એ વિચારોને દૂર જવા માટે રોકતું હતું. એની ચાલ સાવ ધીમી અને બેમતલબની હતી. એ ગમે તે કામે જતો હોય, ગમે તે વિચારતો હોય એની ચાલ પર કોઇ અસર ન પડતી.
એ દિવસ ચઢ્યે બહાર આવતો. નજર નીચી રાખીને ચોક્કસ ગતિમાં પોતાની ધૂનમાં ચાલ્યો જતો.આંખો પર ડે-નાઈટ ચશ્મા પહેરતો. સામે જોનારને એની આંખોમાં કશું ન દેખાતું. ઘરમાંથી બહાર નીકળતાં જ આંખો તડકામાં કાળા થઇ જતા ચશ્માના કાચ પાછળ છૂપાઇ જતી. કોઈ સાથે કશી વાતચીત ન કરતો. હાથમાં વરસોથી એક મરૂન રંગની થેલી રહેતી. જે જતી વખતે ખાલી અને આવતી વખતે ભરાયેલી રહેતી. જતી વખતે એ એકચોટ તો થેલી લેવાનું ભૂલી જ જતો. પછી ગૅટનો આગળિયો ખોલીને વચ્ચે ઊભો રહી જતો. હવામાં ડોલતાં આસોપાલવને જોયા કરતો. પીળા પડી ગયેલા પાંદની ખરવાની રાહ જોતો હોય એમ જોઈ રહેતો. એ કશુંક બોલવાનું વિચારતો અને પાછળ નજર કરતો. ત્યાં જ એની નાની દીકરી થેલી લઈને એની સામે ઊભી રહી
જતી. એને ન જોવું હોય તો પણ એની નજર દીકરીના ચહેરા પર અછડતી ફરી વળતી. અવાવરું વાવમાં જોતો હોય એમ જોઈ લેતો. કશુંયે કળાતું નહીં. કાળા, કૃષ ચહેરા પર આંખના ડોળા અલગથી લગાવ્યા હોય એવું લાગતું. ચહેરા પરના ભાવ શોધવા ઘડીક જોઈ રહેતો, પણ કશું સમજાતું નહીં. એની દીકરી પેંડા લાવવાનું કહેતી. એ માથું હલાવીને હા પાડી દેતો. લગભગ એકાદ મહિનાના અંતરે ઘરમાં પેંડા આવતા. પોતે જ લઇ આવતો. પરંતુ પોતે એમાંથી એકેય પેંડો ન ચાખતો. જે મહેમાનો માટે પેંડા આવતા એ આવીને ખાઇને જતા રહેતા. પછી રાહ જોવામાં ને જોવામાં બીજીવાર પેંડા લઇ આવવાનો સમય આવી જતો. હવે તો એ સમય પણ લંબાતો જાય છે.
બીના, બિટ્ટુને રાખજે. હું ન્હાવા જાઉ છું. અંદરથી અવાજ આવતો અને બાપ-દીકરી નોખા પડી જતા.
અંદરથી બિટ્ટુને બચી ભરવાનો અવાજ છેક બહાર સુધી ખેંચાઇ આવતો. એ સાંભળ્યા વિના જ ચપ્પલ ઘસડતો શેરીમાં ચાલ્યો જતો. થોડું ચાલ્યા પછી ભૂલો પડી ગયો હોય એમ આમતેમ જોયા કરતો. પરિચિત દ્શ્ય છે એની ખાતરી થતી પછી આગળ વધતો. મનમાં સતત અવિશ્વાસ રહેતો કે ક્યાંક બીજે જઇ રહ્યો છું. એને હંમેશા ભાગી છૂટવાની ઈચ્છા થતી. ઘરેથી નીકળતી વખતે થતું જ કે પાછાં નથી આવવું. પરંતુ પગ ફરી પાછા ઘરે જઈ પટકાતાં. અને ફરી પાછું એજ બધું. પરિચીત ઘસાઈ ગયેલા દશ્યોની હારમાળા. આંગણામાં ફેલાયેલા આસોપાલવના બેઠા ઘાટના ઝાડ નીચે બેઠો બેઠો જોયા કરતો. બિટ્ટુ, બીના, મોટી, ઘરની અંદરની સામેની દીવાલ પરનો આછો પડી ગયેલો વાદળી રંગ અને એમાં અલગ પડી જતી હાર ચડાવેલી તસવીર. બધું અંદર ઘુમરાયા કરતું. બિટ્ટુ ચાર વરસનો થવા આવ્યો હતો. મોટી કાંઇ નિર્ણય લેતી ન હતી. નાનીના ચહેરાની નિસ્તેજ ચામડી જોઇને જીવ બળ્યા કરે છે. મોટી કશી વાત જ નથી ઉચ્ચારતી. અને એ બાપ ઊઠીને દીકરીને શું કહે.
એને તો હજી એ પણ નથી ખબર કે શું વાંધો પડ્યો હતો અને હવે આગળ શું કરવાનું છે. એની મા હોત તો બધું પુછત. એ હોત તો કદાચ દશ્ય પણ કાંઈક અલગ હોત. હવે તો મોટીને કશું યાદ જ ન હોય એ રીતે વર્તે છે.
રાત-દિવસ ઊગીને આથમી જાય છે. રોજ ચાલ્યું આવતું દ્શ્ય ભજવાય છે અને એ જોયા કરે છે.
સવારે બાથરૂમમાં ન્હાવા ગયેલી મોટી અડધા કલાકે બહાર નીકળતી અને નાની ન્હાવાની રાહ જોતી હાથમાં ટુવાલ લઇને બહાર બેસી રહેતી. એને ન જોવું હોય છતાંય બાથરૂમમાંથી બહાર આવતી મોટીનાં ચહેરા સામું જોવાઇ જતું અને મનમાં અપરાધભાવ જાગી જતો. મન કશીક ગણતરીઓમાં પડી જતું. આંખ સામે ઘરની
પાછળના ભાગમાં આવેલા જૂના કૉમ્પ્લેક્ષની અંધારી શેરી આવી જતી.
ઘણીવાર મોટી સાંજટાણે બહાર જતી.બિટ્ટુ ઘરે રમતો હોય. નાની ઘરના કામમાં પડી હોય અને એનો જીવ ચચરવા માંડતો. નાનીને પૂછતો પણ એને કશી ખબર ન હોતી. કપાળ પરના સળ વધુ ઘાટા થઇ જતાં. એ પગ ઘસડતો બહાર નીકળતો. સાંજની પાછળ અંધારુંપડ્યું હોય એમ આકાશ રંગ બદલવા લાગતું. આમતેમ દોડતી નજર કૉમ્પ્લેક્ષની અંધારી શેરી બાજૂ અટકતી અને પગ થંભી જતા. એને થતું કે આંખ પરના ડૅ-નાઇટ ચશ્માના કાચ તડકા વિના જ કાળા થઇ ગયા છે. શેરીમાં કશું નથી દેખાતું. અચાનક અંધારામાંથી મોટી બહાર આવતી. નીચા મોઢે સડસડાટ ચાલી જતી.
બહાર ગલ્લે ઊભેલા માણસો એની ચાલને જોયા કરતા. એના ચહેરા પર કાળાશ લીંપાઇ જતી. એને ચક્કર જેવુંઆવી જતું. અજાણી ગંધ નાકમાં ભરાઇ જતી. એ મોટીના પગલે ઘર બાજુ વળતો. ઘરે આવતાં જ અગરબત્તીની સુગંધ ઘેરી વળતી. પરાણે એના હાથ જોડાઇ જતા. લીન થઇને કશુંક ગણગણતી નાનીનો ચહેરો જોયા કરતો
અને બાથરૂમમાંથી બહાર આવીને મોટી એની બાજુમાં ગોઠવાઇ જતી. એ બન્નેના ચહેરાને વારાફરતી જોઈ રહેતો.
એ પછી આંખ સામેની મૂર્તી તરફ જોવાનું મન ન થતું.
આવું ઘણીવાર બનતું. હવે એ પુછવાનું પણ ટાળતો. એકાદવાર મોટીને સામે બેસાડીને વાત કરી લેવાનો વિચાર આવેલો. પણ એના માટે વાત કરવા જેટલી હિંમત એકઠી કરવી મુશ્કેલ બની જતી. એ કળાવા જ નથી દેતી કે એના મનમાં શું ચાલે છે. એ વિચારે ચડી જતો. એના વિચારો આગળ જતાં જ કૉમ્પ્લેક્ષની અંધારી શેરી પાસે અટકી જતાં. આગળ કશું જોઈ શકાતું નહીં. એ અંધારાથી ડરી જતો અને આંખો ઢળી જતી.
મોટી વિશે જાતજાતના વિચારો આવતાં. ક્યારેક ન ઈચ્છવા છતાં ખરાબ દ્શ્ય આંખ આગળ આવી જતું. માથુ નકારમાં ધુણાવતો પણ ચોંટી ગયેલા વિચારો ન ખરતા.
એ દરરોજ રસોડામાંથી ખરલમાં ચટ્ટણી વાટવાનો આવતો અવાજ સાંભળતો અને ખિન્ન થઇ જતો. નાની શાક સમારતી. લોટ બાંધી રાખતી. પણ વઘાર તો મોટી જ કરતી, રોટલી પણ મોટી જ ઉતારતી. એ કામો ક્યારેય નાનીના હાથમાં આવતા જ નહીં. એ બાબતે નાની હંમેશા નાની જ રહેતી. મોટી સાથે રહીને પણ નાની કેટલીક વાતો શીખી ન હતી. આ વાતનો આનંદ કરવો કે અફસોસ એ તેને સમજાતું ન હતું.
બિટ્ટુ હવે જાત-જાતના સવાલો પુછતા શીખ્યો હતો. ઘણીવાર એવું કશું પૂછી બેસતો જેનો કોઇ પાસે જવાબ ન હોય. બિટ્ટુના સવાલ પછી ઘટ્ટુ મૌન છવાઇ જતું. પછી એ ઊઠીને બહાર ચાલ્યો જતો. પોતાની રોજની જગ્યાએ આસોપાલવના ઝાડ નીચે બેસી રહેતો. ત્યાં બેસીને નાનીને બિટ્ટુ સાથે રમતી જોયા કરે. બિટ્ટુ રમતમાં
નાનીની છાતી પર હાથ મારતો અને નાની સ્હેજ ધ્રુજી જતી. જે એને આટલા દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ આવતું.
મોટીએ ધોયેલા કપડા સંકેલતી વખતે અમુક કપડાં હાથમાં આવતાં નાનીના હાથ અટકી જતા. આવું ઘણું બધું બનતું. જે એની આંખોથી અછાનું ન રહેતું. પણ એ આંખ આડા કાન કરી દેતો. ફિલ્મની રીલની જેમ સતત એની આંખ સામેથી દ્શ્યો પસાર થઇ રહ્યા હતા. અને તે જોયા કરતો હતો.
મોટીની બહાર અવર-જવર વધી હતી અને એ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળતો. જ્યારે પણ બહાર જતો ત્યારે એને થયા કરતું કે આસપાસની આંખો એને જોયા કરે છે. સતત વીંધ્યા કરે છે. દરેક વખતે વીંધાવાની હવે એનામાં શક્તિ રહી ન હતી. ક્યારેક નાની વસ્તુ લેવા બહાર જતી ત્યારે શેરીના કૂતરાં એની સાથે અડપલાં કરતા સાથે ચાલ્યા જતા. એ જોઈને ખિન્ન થઈ જતો. નાની કૂતરાંને રમાડતી ચાલી જતી. બહારનું કામ હોય તો એ મોટીને કહી દેતો. મોટી જતી અને આવતી એ દરમ્યાન એનામાં અને પોતાનામાં ઘણો ફરક પડી આવતો. મોટીના ચહેરા પરથી ટપકતો ચીકણો સંતોષ એ ઝીલી ન શકતો. એને લાગતું કે એના ચશ્માના કાચ હંમેશા માટે કાળા રહે તો સારું. બિટ્ટુ મોટો થતો જતો હતો અને નાની નાની જ રહી હતી. એની આંખ સામેના દશ્યોમાં ખાસ ફરક પડ્યો ન હતો. ઘરની દીવાલનો રંગ આછો પડી ગયો હતો અને તસવીર પરનો હાર બે વરસથી બદલ્યો ન હતો. ક્યારેક વળી એનું ધ્યાન એ બાજૂ જતું, એ સિવાય દીવાલના ધાબા સાથે તસવીર ભળી ગઈ હતી. તસવીરમાં સમાઇને પણ એણે ભળી જતા આવડ્યું હતું.
આસોપાલવનું ઝાડ જાણે એનું સાથી બની ગયું હતું. એના સવાર-સાંજ ઝાડ નીચે પસાર થતા. ક્યારેક ભૂલું પડેલું પક્ષી ટહૂકો કરતું તો એ રાજી થઈ જતો. ઘરમાં સ્થિર થઈ ગયેલી એની નજર પાછી ખેંચાતી. ટહૂકા સાંભળી ભીતર શાતા વળતી. અંદરનો કોલાહલ થોડીવાર માટે શાંત પડી જતો. હમણાંથી આસોપાલવના ઝાડમાં ચકલીઓની આવન-જાવન વધી હતી. સાંજે તો આખું આકાશ સાથે લઇને ટોળું આવી ચડતું. આસોપાલવના પાંદ ઢંકાઈ જાય એટલી બધી ચકલીઓ આવતી. તીણા અવાજથી આંગણું ભરાઈ જતું. ચકલીઓને અવાજ કરતી સાંભળીને એ ક્ષણિક મલકાઈ ઊઠતો. એનું સ્મિત એના વિશ્વાસભંગનું પ્રતિક હોય એવું લાગે. એને વિશ્વાસ ન હતો કે એના આંગણે પણ અજાણ્યું કોઈ આવશે. અને ચકલીઓને જોઇને એ ધરાર ખોટો પડતો. ચકલીઓનો અવાજ સાંભળીને નાની દોડતી બહાર આવીને ઉંબર પાસે ઊભી રહી જતી. આસોપલવના ઝાડને નિસ્પલક જોઈ રહેતી. એની આંખોમાં સળવળાટ ઝીલાઇને ખોવાઈ જતો. એ જોયા કરતો પહેલાની જેમ. ભીતર કશુંક શરૂ થતું અને સમી જતું. નાની આખો દિવસ ઘરનું કામ કર્યા કરતી. સાંજે ઘડીક નવરી પડતી તો અગાસી પર ચક્કર લગાવવા જતી. એ છૂપાઈને એને જોયા કરતો. આસપાસના ઘરોની ખાલી અગાસી અને નાનીની ચારેબાજૂ ફરતી ખાલી નજર એને આરપાર નીકળી જતી. અંધારાની રાહ જોયા વિના જ નાની નીચે ઊતરી આવતી.
ઝડપથી પસાર થઈને અંદરના રૂમમાં પલંગ પર ઊંધી પડી રહેતી. નાની નીચે ઊતરતી એ પછી તરત જ પોતે ઊપર ચડતો. ચારેબાજૂ જોઈ લેતો. એની નજર કોમ્પ્લેક્ષની બેરંગ દીવાલો પર ચોંટી જતી અને ભીતર ચિરાડો પડતો. જાણે એનો પડછાયો અગાશી પર પડતો હોય તેમ એ પાછળ ખસી જતો.
અંદર નાની પાસે જઈને બેસવાનું મન થતું. ધ્રૂજતા શ્વાસને પંપાળીને વાસો પસવારવાની ઈચ્છા થઈ આવતી. પરંતુ એના પગ અટકી જતા. એ કશુંયે ન કરી શકતો. એની આસપાસ કોમ્પ્લેક્ષનું અંધારું ઘેરાઈ આવતું. નજર આસપાસ ફરી વળતી. મોટી ક્યાંય દેખાતી નહીં અને એને ફાળ પડતી. માંડ ચાલતા પગ ઊંબર પાસે જ અટકીને પાછા વળતા. એ આસોપાલવના ઝાડ નીચે બેસી રહેતો. નજર બહાર લંબાયેલી રહેતી. અંધારું ઢોળાઇને રેલાઇ જતું પછી રોડલાઈટ ઢોળાયેલા અંધારાને એકઠું કરવા આવતી. ત્યાં સુધી એની નજર શેરીની ધૂળ સરખી ચોંટેલી રહેતી. એ અંધારું ફંફોસતી નજરે ઘડીક લંબાયેલી શેરીના છેડે તો ઘડીક ઘરના અંધારામાં
જોઈ રહેતો. આંખ સામે કાળાં ધાબા છવાઇ ગયા હતા. કશું દેખાતું ન હતું. બેસી શકાતું ન હતું. ઊઠીને અંદર જવાનું મન થતું પણ શેરીના મોઢે છવાયેલો અંધકાર એને ત્યાંથી ખસવા દેતો ન હતો. જેટલી દૂર પહોંચે એટલ દૂર નજર તાણીને એ જોયે રાખ્યું. અંધારામાં એક ટપકું દેખાતું હતું. એક ઓળો ઉતાવળી ચાલે આ તરફ આવી
રહ્યો હતો. એની પાછળ જમીન સુંઘતું કૂતરું પણ આ બાજૂ આવી રહ્યું હતું. એને રીતસરની ફાડ પડી. એને લાગ્યું જાણે તેના ડેનાઈટ ચશ્માના કાચ તડકા વિના જ કાળાં થઈ ગયા છે. એણે ઝડપથી ઘરની અંદર જવા પગ ઉપાડ્યા.
* * *
Ajay Soni,Ram nagar, plot no. 99-A
Anjar-370110,Dist. Kutchh
Mo. 9033843805
************************************************

ત્રીજું ઇનામ -17-મારું અસ્તિત્વ

ડોરબેલ વાગે છે. સ્નેહા દરવાજો ખોલે છે,સામે સુધા અને સુકેતુ ઉભા છે ,બંનેના મોં પર આશ્ચર્ય સાથે ગભરાટ દેખાય છે અને સુકેતુ બોલે છે,
“બધું બરાબર છે ને?”
“હા અને ના”
“એટલે?”
“આમ અચાનક ફોન કરી ને બોલાવ્યા તો શું થયું?”
 સ્નેહા મૌન છે. ત્યાં સુધા ઉતાવળી થઇ બોલે છે “હવે કૈક બોલીશ ?”
“શું થયું?”
જવાબ આપવાને બદલે સ્નેહા રડવા માંડે છે.
“શું કામ…રડે છે કહીશ?”
સુકેતુ સુધાને ઈશારો કરી ચૂપ રહેવા કહે છે. સુકેતુ ધીરેથી બોલે છે, “તું  પાણી પીને શાંત થા પછી વાત કર … .”
થોડો વખત માટે સહુ મૌન રહે છે,કોઈ કઈ બોલતું નથી અને મૌન દરમ્યાન બધા સંબંધો જાણે પડદાની જેમ ખુલે છે.
સુધા અને સુકેતુ , સંકેતના ખાસ મિત્ર। સ્નેહાની મિત્રતા સુધા સાથે લગ્ન પછી થઇ… સુધા ઘણી સમજુ અને ફ્રેન્ડલી એટલે મિત્રતા થતા વાર ન લાગી અને હવે તો સ્નેહાની જાણે ખાસ મિત્ર થઇ ગઈ સ્નેહા અને સુધાને બંનેને બાળક નથી સુધા જોબ કરી સમય પસાર કરે છે તો સ્નેહા ક્યારેક વાંચન તો ક્યારેક  સંગીત શીખી જિંદગીમાં રંગ પૂરવાની કોશિશ કરે છે પણ એકલતા એને કોરી ખાય છે.
સુધા મૌન તોડતા બોલી,  “હવે ઓકે છો તો વાત કર ..”
“સંકેત ઘર છોડીને ગયા!”
“ક્યાં ગયા ?”
સુકેતુ બોલ્યા, “ક્યાં જવાનો? આવશે હું એને નાનપણથી ઓળખું છું.”
“ના આ વખતે નહિ આવે.”
“મને છોડીને ગયા છે.”
“ના હોય !”
“હા એમને એક છોકરી સાથે પ્રેમ છે.”
સુકેતુ બોલ્યો, “પ્રેમ અને સંકેત ?..હોય જ નહિ ,કદાચ શારીરિક આકષર્ણ કે કોઈ બિઝનેસ ફાયદો હશે.”
“ના મને પણ એમજ હતું પણ આજે તેમણે મને કહ્યું કે મને આશા ગમે છે હું એને લગ્ન પહેલાથી ચાહું છું હવે તારી સાથે મારાથી નહિ રહેવાય અને સવારે પોતાની બેગ લઈને ચાલ્યા ગયા.”
સુધા બોલી, “તે એને રોક્યા કેમ નહિ ?”
“કયા હક્કથી રોકુ ?મારા બધા અધિકાર એણે ડિવોર્સ પેપર આપી લઇ લીધા,અમારા લગ્ન એમના માટે માત્ર સમજૂતી હતી, કદાચ માબાપને ખુશ રાખવાની કોશિશ. ગઈ કાલે એમની કાર બગડી ગઈ હતી એટલે કોઈની કારમાં આવ્યા હું રોજની જેમ એમની રહ જોતી બારીએ ઉભી હતી.કાર આવી એ ઉતર્યા સાથે એક સ્ત્રી પણ ઉતરી એમણે  એને આલિંગન આપ્યું અને ચુંબન કરી છુટા પડ્યા મેં આ જોયું,.. હું હચમચી ગઈ..તેમ છતાં એમણે ડોરબેલ વગાડી ત્યારે મેં આંસુ લૂછી સ્મિત સાથે એમને આવકાર્યા, જમવાનું પીરસ્યું પણ એમણે ના પાડી, “ભૂખ નથી” હું  અંદરથી દાઝેલી હતી એટલે બોલી.. તો શેની ભૂખ છે કહેશો ?અને એ મારો પ્રશ્ન સમજી ગયા, મને કહે મારે તારી સાથે વાત કરવી છે, હું ઘણા વખતથી વિચારતો હતો પણ કહી ન શક્યો,.. હવે આપણે છૂટા થવું પડશે હું આશાને ચાહું છું અમે સાથે કામ કરીએ છીએ અમારા વિચારો પણ ખુબ મળે છે તું હવે મારી  સાથેના લગ્ન બંધનમાંથી મુક્ત છે. આ પેપર પર સહી કરી મોકલજે।..મને થયું કે જાણે કોઈએ મારા ઘર પર ધાડ પાડી ,એ બોલ્યા આ ઘર તારું છે. આમ પણ તારા પપ્પાએ વારસામાં આપ્યું છે મારુ નામ હું કાઢી નાખીશ ,તને જોઈએ તો ભરણપોષણના પૈસા પણ આપીશ, હવે તારે મારી રાહ નહિ જોવી અને એ સવારે ચાલ્યા ગયા..”  રડ્યા વગર બધું એક શ્વાસે સ્નેહા બોલી ગઈ. 
સુધા એની નજીક ગઈ અને વાંસા પર હળવે હળવે હાથ ફરવવા માંડી
સુકેતુ બોલ્યો, “તો હવે તારે  શું કરવું છે ?”
સ્નેહા મક્કમ થઇ બોલી, “મેં સહી  કરી દીધી છે તમે કાગળ આપી આવો.”
“તું કહે તો અમે એને સમજાવીએ ?”
“ના.”
સુધા બોલી, “ ઉતાવળ કરી જવાબ નહિ આપતી સ્નેહા એને તો… પણ તું શું કરીશ ?અને તારી બાકીની જિંદગીનું શું ? આમ પણ એકલી સ્ત્રીને સમાજ જીવવા દેતો નથી.”
  “સુધા છૂટાછેડા એ જ આખરી રસ્તો છે મારા માટે,.. એમ એકલા જીવવું સહેલું નથી મને ખબર છે પણ આનાથી મોટું દુઃખ મને શું આવશે ? મારો નિર્ણય પાક્કો છે હું એને છૂટાછેડા આપીશ.”
સુધા અને સુકેતુ બંને એને સમજવામાં નિષ્ફળ ગયા એમણે બધી છૂટાછેડાની કાર્યવાહીમાં સ્નેહાને મદદ કરી અંતે સંકેત અને સ્નેહા છુટા પડી ગયા અને સ્નેહા નવા જીવનમાં પોતાને ગોઠવવા માંડી. સ્નેહાને સુધાની ઓફિસમાં કામ પણ મળી ગયું  દિવસો પસાર થવા મંડ્યા, ક્યારેક સ્નેહા,સુધા સુકેતુ સાથે પિક્ચર જોવા કે ડિનર લેવા જતી. સંકેત વગર આ મિત્રતા અને સંબંધ સચવાઈ રહ્યા, સુધા અને સ્નેહા રોજ ઓફિસે મળતા અને બંને લંચમાં સાથે જમતા,ક્યારેક સુકેતુ પણ આવી જતો.પણ તે દિવસે લંચ સમયે સ્નેહા ખુબ અકળાયેલી દેખાઈ.
સુધાએ સ્નેહા પૂછ્યું, “બધું બરાબર છે ને ?”
“હા અને ના”
“આ  હા અને ના માં મારે શું સમજવાનું ?”
“નથી માટે ના અને હા, મારે માં બનવું છે ?”
“શું ?”
“હા મારે માં બનવું છે સ્ત્રી જયારે માં બને ત્યારે સંપૂર્ણ સ્ત્રી બને છે.”
“તો લગ્ન કરી લે.”
“મારે લગ્ન નથી કરવા હવે હું હવે કોઈનો વિશ્વાસ નહિ કરું શકું.”
“તો કોઈ બાળક દત્તક લઇ લે.”
“ના મને મારા ગર્ભનું બાળક જોઈએ છે.”
“અચ્છા પણ મને કહે તને અચાનક આમ માં બનવાનો વિચાર કેમ આવ્યો ?”
સ્નેહા ચુપચાપ બેઠી રહી અને કંઈ પણ બોલ્યા વગર ઉભી થઈને જમ્યા વગર ચાલી ગઈ. ઑફીસેમાંથી તબિયત સારી નથી એમ કહી રજા લઇ ઘરે ગઈ,સાંજે સુધા એને મળવા સુકેતુ સાથે ગઈ પણ સ્નેહાએ હું ઠીક છું એમ કહી વાતને ટાળી. સુકેતુના સમજાવાથી બોલી, “મારે માં બનવું છે.”
“તો તારે બીજા લગ્ન કરવા છે?”
“ના મારે લગ્ન નથી કરવા.”
“તો બાળક દત્તક લેવાય ને ! બહુ મોટી વાત નથી.”
“ના સુકેતુ શું તમે મદદ ન કરો ?”
સૌ કોઈ મૌન થઇ ગયા.
સુધા બોલી, “ચાલ તું આરામ કર, સુકેતુ આપણે નીકળશું.” 
“સ્નેહા યુ નીડ રેસ્ટ.” સુકેતુએ આમ બોલી રજા લીધી.
સુધાએ ગાડીમાં ફરી વાત ઉખેડી.
“આ સ્નેહાનું  ચસ્કી ગયું છે. લગ્ન કર્યા વગર માં બનવું છે દત્તક નથી લેવું બાળક..”
“તો કોણ એને માં બનાવશે ? અને સમાજ શું કહેશે અને તું એને શું મદદ કરવાનો ?સુકેતુ એને ખબર નથી કે આપણે પણ ક્યાં માબાપ બન્યા છે?”
“સુધા આમાં આપણી વાત ક્યાંથી આવી?”
“તેં સ્નેહાને સમજાવી હવે એને જે કરવું હોય તે કરે ..આ વાત અહીંથી જ બંધ કર એ અત્યારે કન્ફ્યુઝ છે.”
સુકેતુ સમજી ગયો એણે સુધાને બાથમાં લઇ હૂંફ આપી અને સુધા અને સુકેતુ બધું ભૂલી ઘરે જઈ એક બીજાને વીંટળાઈને સુઈ ગયા.
એક દિવસ સ્નેહાએ સુકેતુને ફોન કર્યો. “મારે તમને મળવું છે સાંજે મારા ઘરે કોફી પીવા આવશો ને ?”
“ના આજે નહિ સુધા બહારગામ ગઈ છે.”
“એટલેજ બોલવું છું તમને એકલા મળવું છે”. 
“ઓ નો!.. એ શક્ય નથી.”
“તમે કોશિશ કરો તો બધું શક્ય છે સુકેતુ.”
“જો સ્નેહા આ વાતની સુધાને ખબર પડશે તો નારાજ થશે. અમે આવશું તો બન્ને સાથે જ આવશું.”
“સુકેતુ એ તમને નહિ આવવા દે મને ખબર છે.”
“સ્નેહા આ તો હદ થઇ ગઈ, તો પણ તે મને ફોન કર્યો ?”
“સુકેતુ વિચારી ને ફોન કરજો તમે મારા પણ મિત્ર છો.”
સાંજે સુકેતુને થયું જરા જઈને વાત કરું,આમ પણ સુધા બહારગામ ગઈ છે એને ખબર નહિ પડે અને એ સ્નહેના ઘરે પહોંચી ગયો. સુકેતુએ ઘણા વિચારો સાથે ડોરબેલ વગાડી. સ્નેહા એ દરવાજો ખોલ્યો, સ્નેહા સુંદર લાગતી હતી ના.. આજે કૈક અલગ જ લગતી હતી. સુકેતુને આવો કહી સ્નેહાએ એને સ્મિત આપી હગ આપવાની કોશીશ કરી પણ સુકેતુ થોડો સંકોચાયો, સ્નેહા રમતિયાળ હસી.સુકેતુને તુંકારે  બોલાવતી બોલી.
“બોલ શું લઈશ ? કોફી કે ડ્રિન્ક બનાવું ?”
“કંઈ નહિ,ચલ આપણે જલ્દી વાત પતાવી છુટા પડીએ.”
“શું ઉતાવળ છે આમ પણ ઘરે રાહ જોનારી તો નથીને? ક્યારેક મારી સાથે પણ પ્રેમથી વાતો કરશો તો મને ગમશે.” સ્નેહા થોડી નજીક બેઠી.
“જો સ્નેહા મારે બીજા કામ છે ચાલ તારે શું વાત કરવી છે એ વાત ઝટ પતાવી દે.”
“મેં તમને કહું હતું ને મારે માં બનવું છે.”
“આ માં બનવાનું ભૂત તને કેમ વળગ્યું છે?”
“જો મારી વાત સાંભળ. થોડા દિવસ પહેલા હું મારી દવા લેવા ડૉક્ટર પાસે ગઈ હતી મારો વારો આવે ત્યાં સુધી હું ડૉક્ટરની ઓફિસમાં ગૅલેરીમાં ઉભી ફોન કરી રહી હતી ત્યાં મારી નજર નીચે એક પ્રૅગનૅન્ટ સ્ત્રી ઉપર ગઈ એનો પતિ એને સાચવીને ગાડીમાં બેસાડી રહ્યો હતો એ બીજું કોઈ નહિ આશા અને સંકેત હતા મારા રૂઝાઈ ગયેલા ઘા પર ફરી જાણે કોઈએ ઘા માર્યો,મને સંકેત હમેશા કહેતો કે હું તૈયાર નથી મારે માં બનવું હતું અને આ ઘાએ મને આરપાર વીંધી નાખી જાણે મારા અસ્તિત્વ ઉપર કોઈએ ઘા ન કર્યો હોય ! હું બેચેન થઇ ગઈ છું, આ મારા સ્ત્રીત્વ પર મરેલો ઘા હતો હું પણ માં બની શકું તેમ હતી પણ એ મને અવગણતો રહ્યો મને ખબર ન પડે તેમ એણે મારો માતૃત્વનો અધિકાર જાણે આશાને આપી દીધા, મને માં બનવું છે તું મને મદદ કરીશ ?” અને સ્નેહાએ સુકેતુનો હાથ જોરથી દબાવતા કહ્યું, “તમારા સિવાય હું કોઈ પર હવે વિશ્વાસ નથી કરી શકતી.”
“સ્નેહા તું આ શું બોલે છે?”
“પ્લીઝ હેલ્પ મી.” સુકેતુ એની આંખોમાં જોઈ રહ્યો, બે ક્ષણ માટે એના દિલમાં પણ બાપ બનવાના અરમાન જાગી ઉઠ્યા, સુધાના ગર્ભાશયના પ્રોબ્લેમને લીધે તે પણ બાપ બની નહતો શક્યો. એણે હાથ પાછો ખસેડી લીધો. હવે મારે જવું જોઈએ એમ કહી કોફી મૂકી સુકેતુ બહાર જવા ઉભો થયો, સ્નેહા જતા સુકેતુને ભેટી રડવા માંડી. સુકેતુના હાથમાંથી બેગ પડી ગઈ, તેના હાથ એની પીઠ પર વીટળાઇ સ્નેહાને પંપાળવા માંડ્યા. 
ત્યાર પછી સુકેતુએ ક્યારેય એના ફોન ઉપાડ્યા નહિ. દિવસો પસાર થવા માંડ્યા પણ સ્નેહાએ પોતાની જીદ ન મૂકી, પહેલાની જેમ હવે સુધા અને સુકેતુ સ્નેહાના ઘરે આવતા નહિ , બંને પહેલાની જેમ લંચમાં મળતા સાથે જમતા પણ અને અલકમલકની વાતો કરતા પણ સ્નેહા માં બનવાની વાત સુધા પાસે ઉચ્ચારતી નહિ, સુધા હવે માં બનવા ખુબ એકટીવ બની ગઈ હતી.વજન પણ થોડું ઘટાડવા માંડી હતી. સુકેતુ પણ હવે સુધાની ટ્રીટમેન્ટ માટે અધીરો બન્યો,બંને ડૉક્ટરનીસલાહ મુજબ બધા જ પ્રયત્ન કરી રહ્યા હતા એવામાં એક દિવસ સુકેતુને જુના મિત્ર ર્ડો બાસુ ચેટર્જીનો ફોન આવ્યો.
“હાય  સુકેતુ કેમ છો ? ઓળખ્યો ?”
“અરે બાસુ તું ,અહીં મુંબઈમાં  આવ્યો છે ?”
“હા હવે અહીં મુંબઈમાં ક્લિનિક સ્ટાર્ટ કરવું છે તારી મદદ જોઈતી હતી તું ફ્રી  હોય તો સાંજે મળીએ ?”
“આજે નહિ સુધા બિઝનેસ ટ્રીપ પર ગઈ છે તું પરમ દિવસે અમારા ઘરે જમવા આવ
ના યાર દારૂ પીવો છે, આવ આજે સાંજે પીશું ખાસું અને વાતો કરશું .”
“સારું સાંજે મળીએ તારી રૂમ પર.”
“હા,સારું.”
કોંટિનેંટલ તાજ રૂમ  નંબર 855માં બંને મિત્રો પ્રેમથી મળ્યા અને ડૉક્ટરે પોતાના વ્યવસાયની વાત કરી, ગાયનેક તરીકે ઘણું કમાયો  બસ હવે નવું કરવું છે.”
ગાયનેક શબ્દ સાંભળીને સુકેતુનો અંદરનો બાપ જાગી ઉઠ્યો તેણે સુધાની વાત કરી “તો। .. મારી પત્નીને માં બનાવી શકાય ખરું ?”
“હા પણ થોડો ખર્ચાળ પ્રોસેસ છે પણ શક્ય છે તું કાલે બધા રિપોર્ટ લઈને અને તારી પત્ની સાથે આવ. ઘણી સ્ત્રીની સમસ્યા મેં ઉકેલી છે.”
પછી તો સુકેતુના ર્ડો બાસુને ત્યાં આંટા વધી ગયા, અનેક મોંઘી ટેસ્ટ પછી એક દિવસ ડૉ બાસુ એ કહ્યું બંને આવો તમને વાત કરવી છે.
બંનેને  સમજાવતા બાસુ એ કહ્યું,  “સાંભળો એક સર્જરી કરવી પડશે -ટ્યુબલ સર્જરી.,હાઇડ્રોઝલપિનક્સ એ એવી સ્થિતિ છે જે ફાલોપિઅન ટ્યુબને અવરોધિત કરે છે અને ગર્ભાશયની બહારના ભાગ નજીક સીરમ સાથે ભરાઈ જાય છે.આ ટ્યુબને ફેલાવવા અથવા નવી ટ્યુબ ખોલવા માટે લેપ્રોસ્કોપિક સર્જરીની કરવી પડે છે. એની ટેસ્ટ અને શસ્ત્રક્રિયા થોડી નાજુક, મોંઘી અને ટફ પણ હોય છે પણ દુર્લભ નથી છે, તમારા ટ્યુબ્સ (સૅલ્પિંગક્ટોમી) દૂર કરવા પડશે અથવા બીજા શબ્દમાં કહું તો ગર્ભાશયની નજીકની ટ્યુબને ક્લિયર કરવાથી ગર્ભાવસ્થાના તમારા ચાન્સીસ વધુ બને છે પણ ચિંતા જેવી વાત નથી અંતે કહ્યું સુધા હવે માં બની શકશે એને એક મોટો ખર્ચો છે. સુકેતુ થોડો મુંઝાયો પણ બાસુ સમજી ગયો એટલે બોલ્યો, “સુકેતુ તું કાલે મને મળ, બધું વિગતથી સમજાવીશ, સુધા બધુ સરસ થઇ જશે. ઓલ ઇસ વેલ.”
બીજે દિવસે સુકેતુ બસુને મળવા કિલનિક પર ગયો, ડો બાસુ બોલ્યો, “સુકેતુ હું તારી મુંઝવણ સમજી ગયો ખર્ચની ચિંતા તને સતાવે છે ને? મારી પાસે એક ઉપાય છે તું તારા સ્પર્મ ડોનેટ કર. સુધાને ખબર નહિ પડે અને આ વાત ગુપ્ત રહેશે તેના બદલામાં સ્પર્મ લેનાર તારી પત્નીના ઓપેરશન માટે પૈસા આપશે.”
ખુબ વિચારણા અંતે સુકેતુ તૈયાર થયો. સુધાએ છ મહિનાની રજા લઇ લીધી. સુધાનું ઓપેરશન સફળ રહ્યું તેને મહિના રહ્યા, તે દિવસે સુકેતુએ સ્નેહાને ફોન કરી ગુડન્યૂઝ આપ્યા. સુધાએ એના શ્રીમંતના પ્રસંગે સ્નેહાને પણ બોલાવી અને ત્યારે સ્નેહા પણ બધાના આશ્ચર્ય વચ્ચે મોટું પેટ લઇ ગર્વ સાથે આવી. સ્નેહા ને જોતા બધા ડઘાઈ ગયા. સંકેત અને આશા પણ ત્યાં હતા.
સુકેતુએ પૂછ્યું, “એકલી આવી છો? કયાં છે તારા પતિ?”
સુધા વચ્ચે બોલી, “તે લગ્ન કરી લીધા અને કહ્યું પણ નહિ ?”
સ્નેહા બધા સાંભળે તેમ બોલી. મેં મારુ અસ્તિત્વ પાછું મેળવી લીધું. હવે માતૃત્વ મેળવવા સંભોગની જરૂર નથી. મને સ્પર્મ ડોનર મળી ગયો  
અને ડૉક્ટર બાસુ સિગાર પેટાવાનો ડોળ કરતા મરકતા રહ્યા.
Pragna dadbhawala
*****************************************************************************************************
ત્રીજું ઇનામ 23-પડછાયો
બહાર ફેલાયેલું એકાંત જરા જેટલું ય સ્પર્શી ન શકે એટલો કોલાહલ મચ્યો છે ભીતર. મનના પડ એક પછી એક ઉલેચાઈ રહ્યા છે.
સમયની કોઈ સીમા જ ન રહે એવી રીતે પ્રસંગો આંખ સામે આવ્યા કરે છે. ક્યાંથી ને શા માટે શરૂ થયું આ? વિચારું છું તો કોઈ એક
ચોક્કસ સમયને પકડી જ નથી શકાતો. વીતી ગયેલી કાલ ને આજ વચ્ચે ઘણી ઘટનાઓ આવી ને ગઈ. આજે એ બધી જ એકમેકમાં
ગૂંથાઈને એક નવા જ સમયનું નિર્માણ કરી રહી હોય એમ અલગ અલગ દ્રશ્યો મન પર ઉપસતા જાય છે.
આજ સવારની જ વાત…
‘ધ્યાન ક્યાં હોય છે હમણાંથી તારું ચિત્રા? આવી બેદરકારી?’ શશીના અવાજની સમાંતર જે અવાજ સંભળાયો એ કોનો હતો?
ઊંડે ઊંડેથી આવતો એ અવાજ કેટલો પરિચિત હતો! મેં ચોંકીને શશી સામે જોયેલું. તવી પર રોટલીને બદલે મૂકી દીધેલા મારા હાથ પર એઠંડા પાણીની ધાર કરી રહ્યો હતો. સાથે સાથે ગુસ્સો ને ચિંતા મિશ્રિત સૂચનાઓનો મારો પણ ચાલુ જ હતો. પણ મારે કાને ક્યાં કંઈ પહોંચતું હતું? હું તો ત્યાંથી વહી નીકળી હતી. કેટલાંય વર્ષો પાછળ, જ્યારે કોઈએ આવી જ રીતે મને ધમકાવી હતી. મારી બેદરકારી પર આવો જ ઠપકો આપ્યો હતો.
‘ તું બહુ બેદરકાર છે ચિત્રા. ધ્યાન ક્યાં હોય છે તારું?’ ઠપકા ભરેલા અવાજે એ છોકરો મને પૂછી રહ્યો હતો.
ને મેં મારી કાળી આંખો એના પર ઠેરવી દીધી હતી.
‘ચાલ, હવે બરનોલ લગાવી લે. આજે જમવાનું બહારથી જ ઓર્ડર કરી દઉં છું.’ શશીના અવાજના ધક્કાથી એ થીજી ગયેલો સમયચોસલમાં વિભાજીત થઈ ગયેલો ને હું જોતી રહેલી સમયના ટુકડાઓને મારી આસપાસ વિખરાતા. વાળમાં દર બે મિનિટે હાથ
ફેરવતો એ છોકરો કૈંક કહી રહ્યો હતો ને હું એને ચીડવતી એની પાછળ ભાગી રહી હતી. આગળ વધીને એને રોકવા ગઈ ત્યાં તો સામે જ શશી! ઓઝપાઈને મેં મોં ફેરવી લીધેલું!
“બહુ દુખે છે?” શશીએ પૂછેલું.. શું કહું એને? કઈ વેદના વધુ તીવ્ર હતી, હાથની કે હૈયે ઊગું ઊગું થતાં એ એક નામની?
“મટી જશે એ તો.” કહેતા મેં વાત વાળી. કિચનમાં બધું વ્યવસ્થિત કરવા લાગી. ટેવવશ જમણા હાથે વસ્તુ લેવા ગઈ ને પેલી વેદનાએ હાજરી પૂરાવી.
“તું રહેવા દે ને. હું કરી લઈશ.” શશી તરત જ આવ્યો. એની એ તરલ આંખોથી બચવા આરામનું બહાનું કરીને હું ઉપર ચાલી ગઈ.
બેડરૂમનું બારણુ બંધ થયું ને મનનો સજ્જડ વાસેલો દરવાજો ઊઘડી ગયો. કાળા લહેરાતા વાળમાં હાથ ફેરવ્યા કરતો એ છોકરો સામે આવી ઊભો.
શું થઈ રહ્યું છે આ મને? આટલા વર્ષે હવે એ નામ કેમ રહીરહીને યાદ આવે છે? મનના ગોપનીય ખૂણે ઊંડે ઊંડે ધરબી દીધેલો એ સંબંધ સાવ જ સપાટી પર આવી ગયો હતો. અડીને અનુભવી શકાય એટલો નજીક. ક્યારેક આ અનુભવ કેટલો સભર હતો! ને
અત્યારે? કશું નક્કી જ ન કરી શકાયું.
શશી સાથેનું જીવન એટલું તો ભરપૂર જીવ્યું હતું કે અત્યારે આટલા વર્ષે અચાનક જ એ ચહેરો આમ વારંવાર યાદ આવવો. નવાઈ લાગી રહી હતી મને. અમારું મળવું, હળવું ને પછી છૂટા પડવું – એક આખું આયખું જીવી હોઉં એ રીતે મેં એ બધા જ અનુભવ
માણ્યા હતા.
‘તું હંમેશા ઓછું જ બોલે છે કે પછી મારા સાથની અસર છે?’ એણે ત્રીજી જ મુલાકાતમાં પૂછેલું. આકાશવાણીના દસ દિવસના કાર્યક્રમ દરમિયાન ફાજલ સમયમાં અમે બહાર આવેલા પલાશ નીચે બેસીને વાતો કરતાં. કેવો લીલોછમ સમય હતો એ! એ અવિરત
બોલતો રહેતો. એની જોબ વિશે, એના પરિવાર વિશે, એના શોખ વિશે. ને હું સાંભળ્યા કરતી.અમને ઘેરી વળેલી પલાશના ફૂલોની લાલાશ પણ વિખરાવા લાગે ત્યાં સુધી અમે ત્યાં જ બેસી રહેતાં. પછી એ ઠેઠ ઘર સુધી મૂકવા આવતો. કયારેક ઘેર પણ આવે. મમ્મી પપ્પા સાથે વાતો કરે ને વિદાય લે. હું ઝાંપે વળાવવા જઉં ને એ દેખાતો બંધ ન થાય ત્યાં સુધી એની ટટ્ટાર પીઠને અને પાછળ લગાવેલી એની બેગને જોયા કરું.
શશી પણ તો એ જ રીતે પાછળ બેગ ભરાવતો!
સગાઈ પછી જ્યારે શશી પહેલીવાર ઘેર આવ્યો ત્યારે મારાથી પૂછાઈ ગયું હતું, “ તમે આ બેગ હંમેશા સાથે જ રાખો છો?”
મારા જ પ્રશ્નનો અફસોસ થયો હતો. સરખામણીને અવકાશ જ નહોતો છતાંય….
તે દિવસે છૂટા પડતી વખતે ઘરના ઝાંપે શશીએ કહેલું, “તને હું ખભે બેગ લટકાવું એ ન ગમતું હોય તો હવેથી નહિ રાખું.”
હું નિશબ્દ એને જોઈ રહેલી. બાય કહીને એ ચાલ્યો ગયો ત્યારે ય હું ત્યાં જ ઊભી રહેલી. મારી આંખોથી દૂર થતો એ વ્યક્તિ કોણ હતો એ ભૂલી જઈને હું એકીટશે એ બેગને તાકતી રહી હતી.
શશીએ એ પછી ક્યારેય ખભે બેગ નહોતી ભરાવી.
સમયની ગણતરી જ ભૂલી ગઈ છું એવું લાગે છે. વીતેલો ને વર્તમાન સંબંધ એકમેક સાથે ભળીને મને છળી રહ્યા છે ને હું નિઃસહાય લાગણી નામની રમતનું પ્યાદું બનીને રહી ગઈ છું. સાવ નાની એવી વાતથી શરૂ થયેલી આ સફર મને વારેવારે ભૂતકાળમાં ખેંચી રહી છે; જ્યાં મારો વર્તમાન પણ પાછળ ઢસડાયા કરે છે.
હજી બે દિવસ પહેલાંની જ વાત. બધા સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા ને શશીએ કહેલું, “ આજે દૂર દૂર રખડવાની ઈચ્છા થઈ છે તારી સાથે. આવશે?”
“ તું કહે ને હું ના પાડું એવું બન્યું છે ક્યારેય?” શબ્દો આપોઆપ મોંએ આવી વસ્યા હતા. પણ આ શું?
સામે શશીને બદલે આ કોનો ચહેરો દેખાયો? વાળમાં આંગળી ફેરવતો એ છોકરો ઊભો થયેલો ને સાથે મને ય ખેંચી ગયેલો. દૂર દૂર… કેટલાંય વર્ષો પાછળ.
સડસડાટ ભાગતી બાઇક ને એમાં ફરફર ઉડ્યા કરતા એક છોકરીના વાળ. પવનનો સતત સાથે વહેતો અવાજ ને મોટા અવાજે થતી એમની વાતો. ખુલ્લા ચહેરા પર થપ થપ પથરાતી ઠંડી હવા ને એને લીધે આંખમાંથી નીકળ્યા કરતું પાણી. એ આખેઆખા દ્રશ્ય સાથે જડાઈને હું મૂર્તિમંત બની ગયેલી. શશી, બાળકો, મારું ઘર, સામે ચાલતું ટીવી – આ બધાથી દૂર નીકળી ગઈ હતી હું.
શશીએ શું વાંચ્યું હશે મારા ચહેરા પર? અત્યારે વિચારું છું તો જવાબ નથી મળતો. પછી તો બહાર જવાની વાતને આડે પાટે ચડાવી
દીધેલી શશીએ.ખરેખર વાત બદલાઈ હતી કે એક નવી જ વાત શરૂ થઈ હતી? સમયના અલગ અલગ ખંડોમાં થતી મારી સફર તે દિવસથી અટકી જ
નથી. આજે પણ એવું જ થયું ને? પાટલા પર ફરતી રહેલી રોટલીની જેમ મારું મન પણ ચકરાવે ચડયું હતું. અંતરના ઊંડાણથી એક નામ સતત પીછો કરી રહ્યું હતું. વહાલથી મૃદુ અવાજે મારું નામ પોકારતો એ છોકરો ને એની આંખોનું ઊંડાણ હવે અસહનીય બની ગયું હતું. હું આખી બે અલગ અલગ સમયખંડમાં વિભાજીત થયા કરતી. ન તો વર્તમાનમાં રહી શકું કે ન તો ભૂતકાળને વાગોળી શકું.
મનના ખંડોમાં રહેલ બે અલગ અલગ નામ મને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચ્યા કરતા ને હું આખેઆખી વલોવાઈ જતી. મનની આવી સ્થિતિમાં રોજિંદા કામોમાં ભૂલ કરી બેસતી. આજે કરી એવી. પાટલા પર વણેલી રોટલી પડી રહી ને તવી પર હાથ જ મૂકી દીધો. મનના ચેતાતંતુઓને વેદનાની જાણ થાય ત્યાં સુધીમાં તો આખો હાથ લાલ થઈ ગયેલો. શશી કેટલું ખીજવાયો હતો? અદ્દલ એની જેમ જ.
પલાશની નીચે જ બેઠાં હતાં તે દિવસે ય. ફ્રુટ સમારતા હું એની વાતો સાંભળી રહી હતી. એક પગ પલાશના ઓટલે ટેકવીને એ દૂર જોતો પોતાના ભાવિ વિશે વાત કરી રહ્યો હતો. એની બરાબર પાછળથી ધીરે ધીરે અસ્ત થતા સૂર્યની ઝાંય પલાશના કેસરી ફૂલો સાથે એકરસ થઈને એના ચહેરા પર પડતી હતી. ભવિષ્યનું એક સુંદર ચિત્ર એની આંખોમાં રચાતું હતું. હું એ જોવામાં સઘળું ભૂલી ગયેલી
ને છક…. જમણા હાથમાં લાંબો ચીરો પડી ગયેલો.
‘તું બહુ બેદરકાર છે ચિત્રા. ધ્યાન ક્યાં હોય છે તારું?’ અકળાઈને એ બોલેલો. મેં હંમેશની જેમ મારી કાળી મોટી આંખો એના પર ઠેરવી દીધેલી.
આ શું? તવી પર મૂકાઈ ગયેલા મારા જમણા હાથની લાલાશ વચ્ચે એ ચીરો ઉપસી આવ્યો કે શું?
‘જોતો કેટલું લોહી નીકળે છે, ને તું હસે છે? સુધરી જા. ક્યારેક હું નહિ હોઉં ત્યારે…’
‘શાંતિ થશે તું નહિ હોય ને તો..’
જમણા હાથમાં થતી તાજી કાળી બળતરા જાણે એના ન હોવા સાથે એકાકાર થઈ ગઈ. એણે બરાબર જ કહ્યું હતું. એ નહિ હોય ત્યારે..
ધડામ… પવનને લીધે મેઈન ડોર ભટકાઈને બંધ થયું. શેરીની ટ્યુબલાઈટનો શેરડો બારણાંમાંથી ખસીને બારીમાં ગોઠવાયો. કેટલાં
સમયથી હું આમ જ બેઠી હોઈશ? શશી ને બાળકો બહાર ગયા હતા. તબિયત ઠીક નથી – નું બહાનું સામે ધરી હું ઘેર જ રહી હતી.
હવે ઊભું થવું જોઈએ – વિચારી સોફા પરથી ઊઠવા ગઈ ને સામેની દીવાલ પર આકાર ઉપસ્યો.
હાથમાં હાથ પરોવી ચાલ્યા જતા બે પડછાયા. કયારેક એમાંનો એક બીજા હાથથી વાળમાં હાથ ફેરવી લેતો. અને એ જોઈ બીજો આકાર નખશીખ ઝંકૃત થઈ ઊઠતો.
પડછાયાને બાંધી શકાતા હોત તો? વિચારને અમલમાં મૂકું ત્યાં તો સામેના બે ય પડછાયા અલગ થઈ ગયા. હવે ત્યાં ફક્ત એક જ
આકાર છે. ઝાંપે અઢેલીને ઊભેલો. એની નજર પેલા દૂર થઈ ગયેલા બીજા આકારની પાછળ ક્યાંક ખોવાઈ ગઈ છે.
લગ્ન પછી એક દિવસ હું ને શશી સાંજે ફરવા નીકળેલા. આગ્રહ શશીનો જ હતો. સાવ બાલિશ વિચારે મન પર કબજો જમાવ્યો.
મનમાં સાથે ને સાથે રહેલો પેલો પડછાયો મેં શશીના પડછાયા સાથે માપી જોયો. શશીનું શરીર ને એનો પડછાયો જાણે બે અલગ અસ્તિત્વ હોય એમ એના પડછાયામાં મને દેખાયો વાળમાં હાથ ફેરવતો એ છોકરો. ભાન ભૂલી હું એ પડછાયાના હાથમાં હાથ
પરોવી બેઠી અને….
“શું કરે છે ચિત્રા? આમ હાથ પકડી રાખશે તો મારાથી ઝડપથી નહિ ચલાય.” શશી સાથે કદમ મિલાવતાં પછી તો એ પડછાયાનો હાથ ક્યારેય થામી જ નહોતો શકાયો.
અમુક તમુક જગ્યાઓ બાદ કરતાં શશી બધે જ છવાયેલો હતો. ને છતાંય જ્યારે એના આ શહેરમાં હોવાના ઉડતા ખબર મળ્યા ત્યારે કેમ વિચલિત થઈ જવાયું? ફોન હતો મિત્રનો ને એમ જ એની વાત નીકળી. સાવ ઔપચારિક. કેટલા વર્ષે એ નામ કાનમાં પડ્યું ને શાંત જીવનમાં વમળો ઊભા કરી ગયું. અતીતના એ ખટમીઠાં સ્મરણોને આજ સુધી પાછા ઠેલ્યા હતા પણ આજે એ બધા જ એકસામટા ઘેરી વળ્યા હતા. ક્યારેક માણેલો એ મીઠો અનુભવ હવે વધુ નકારી શકાય એમ જ નહોતો. ભૂતકાળનું એ સત્ય મારા આજના સત્યને પડકારી રહ્યું હતું.
મને થયું, બહાર નીકળવું જોઈએ. મનની અવઢવ શાંત કરવા થોડું ચાલી આવું એમ વિચારી હું બહાર નીકળી. હવામાં પ્રસરેલી ઠંડક અંદર સુધી ઊતરી ગઈ. શશી હોત તો શાલ લેવા પરાણે પાછી મોકલી હોત.
‘આ જતી ઠંડીને આવકારવાની હોય. શાલ ઓઢીને એને જાકારો ન દેવાય.’ ફરી એ જ અવાજ. એ અવાજને અનુસરતી હું ચાલી નીકળી. રસ્તો એમ જ કપાતો ગયો ને આખરે એક જગ્યાએ પહોંચી મારા પગ થંભી ગયા. મારા જ શહેરમાં આવેલી આ જગ્યાથી હું
પરિચિત નહોતી. શશી સાથે આ બાજુ ક્યારેય આવી જ નહોતી. થોડો છેવાડાનો વિસ્તાર હતો. હું કેટલી દૂર સુધી આવી ગઈ હતી
એ વિચારને સામે દેખાતાં દ્રશ્ય એ પળવારમાં ખંખેરી નાંખ્યો.
 
મારી સામે હતું – ઘટ્ટ કેસરી રંગથી લદાયેલું પલાશ!
સમયની પાંખ પહેરીને વર્ષો પહેલાંની આવી જ એક સાંજ મારી સામે ઉતરી આવી. એ સાંજે ય અમે પલાશ નીચે જ મળ્યા હતા.
ફૂલોથી લથબથ કેસરિયું પલાશ. માથે ઝળુંબતી એની ડાળનો ભાર અમારા મન પર હાવી થઈ રહ્યો હતો. મૌનનું એ અદ્રશ્ય આવરણ ભેદીને વાત કરવાની બેમાંથી એકેયની હિંમત જ નહોતી થઈ .હું બસ આંખ બંધ કરીને એનો હાથ હાથમાં લઈને બેસી રહેલી. કેટલાય સમય પછી આંખ ખૂલી તો જોયું, મારી આસપાસ કેસરી ફૂલોની આખી જાજમ પથરાઈ ગઈ હતી. પડું પડું થતાં પલાશના ફૂલોની
વિદાય થઈ ચૂકી હતી.
સમય સાથેની સફરમાં આજે ત્રિભેટે આવીને ઊભી છું. પલાશના થડ નજીક જતાં મારા પગ થંભી ગયા છે. હું અનિમેષ એને જોઈ રહું છું ને મારી આંખ સામે એક આકાર ઉપસી આવે છે. પલાશને અઢેલીને ઊભો એ ઝાંખો ઘૂંઘળો આકાર કોનો હશે એ ખબર નથી
પડતી. મેં ક્યાંય સુધી જોયા કર્યું. ધીરે રહીને એણે પોતાનો એક હાથ ઊંચો કર્યો ને….
પડછાયાનો ચહેરો કળી શકાતો હોત તો?
 શ્રદ્ધા ભટ્ટ
1803-words

 *************************************************

આશ્વાસન ઇનામ 14-ચુટકી ભર સિંદૂર
સમાજના દંભીલા આવરણ સામે પડકાર ઝીંકતી એ સ્ત્રીનાં સાચા આંતરિક રૂપનું અનાવરણ થતાં તેનું નગ્નસ્વરૂપ પ્રગટ થયું. સ્ત્રી એક ન કળી શકાય તેવી શક્તિ છે. બિલાડીથી ડરે પરંતુ કાળી કાજળઘેરી બિહામણી રાત્રે પ્રેમીને મળવા જાય. એને કલંકીની બનતાં વાર ન લાગે. તો વળી ક્યારેક પ્રેમમાં સૂધબૂધ વિસરી જાય એનું નામ સ્ત્રી.
આજે ઉષ્મા પટેલ, વીર દેસાઈ સાથે, એક વિશાળ હાઉસના પોર્ચમાં ફરારીમાંથી નીચે ઉતરી. કારનું ડોર પણ જેણે ખોલવું ના પડે તેવી દોમદોમ રાજવી સાહ્યબીમાં વીર દેસાઈ સાથે વીસ-વીસ વર્ષથી ઉષ્મા રહેતી.. વીર દેસાઈ રાજકીય ક્ષેત્રે ઊંચી પોસ્ટ પર હતા. ઉષ્મા પટેલે રાજકારણમાં પી. એચ. ડી. કર્યું હોવાને કારણે તેઓ રાજકીય સમસ્યા અંગે સારી ચર્ચા-વિચારણા કરતાં. ઉષ્મા પટેલનાં સલાહ-સૂચન વીર દેસાઇને
તેમના ક્ષેત્રમાં ઉપયોગી બની રહેતાં. તે એક સોશિયલ વર્કર હતાં. સમાજમાં ખૂબ જ ઉપયોગી એવું આ યુગલ સન્માનને પાત્ર હતું. રોજ સાંજ પડે, અવનવા મેળાવડામાં ડાયસ પર પ્રવચનો આપીને તાળીઓનાં ગડગડાટ સાથે બીજા દિવસે પ્રતિષ્ઠિત અખબારોમાં મુખ્ય હેડ લાઈન સાથે ચર્ચાનો વિષય બનવું એ તેમનું રૂટીન હતું. નવલ પટેલ જે
ઉષ્મા પટેલનો પહેલો પતિ હતો. તે લગ્નનાં ૨૦ વર્ષ બાદ કેન્સરની બિમારીમાં મૃત્યુ પામ્યો હતો. તેનાથી સમાજ વાકેફ હતો. પરંતુ હાલમાં નવી પેઢીને એ જ ખબર હતી કે વીર દેસાઇ, ઉષ્મા પટેલનો પતિ છે.
ઉષ્મા પટેલ અને વીર દેસાઈ વેકેશન સમયમાં ગોલ્ફ, ચેસ, બિલીયર્ડસ, બોટીંગ કરીને રોયલ શોખોથી
જીંદગીને જીવી જાણતાં હતાં. નવરાશનો સમય પોતાનાં ફાર્મહાઉસમાં ગાળતાં. બન્નેને હોર્સરાઇડીંગનો
નવાબી શોખ હતો. વીર દેસાઇ ક્યારેક ફોરેન ટૂર પર જાય ત્યારે ઉષ્મા પટેલનો સાથ રહેતો તો વળી ક્યારેક સંવેદનશીલ ઉષ્મા પટેલ, એકાંત મળે ત્યારે તેના જીવનના રંગોને શબ્દ-કલમ દ્વારા કવિતા સ્વરૂપે ઉતારતાં.મિત્રોના મેળાવડામાં તાળીઓ અને વાહવાહ વચ્ચે આ કવિતાઓ તેમના કંઠમાંથી વહેતી. આનો નશો શરાબની ચૂસકી સાથે વીર દેસાઈ લેતા જેનો સમાજ સાક્ષી હતો. ઉષ્માની આંખોમાં, કંઠમાં, લખાણમાં શરાબથી પણ વધુ નશીલાપણું અને લચીલાપણું હતું, જેમાં વીર દેસાઈ હંમેશા ડૂબેલો રહેતો. વીર દેસાઈ તેના ક્ષેત્રમાં ટોપ ઉપર હતો. તેનીસફળતાના મૂળમાં અડીખમ ઉષ્મા પટેલ હતી. સાચા શબ્દોમાં કહીએ તો વફાદાર, જાજરમાન સાથી, સહધર્મચારિણી!
વીર ઉષ્માને જ્યારે જોતો ત્યારે હાથમાં શરાબની પ્યાલી હોય પરંતુ પીતો હોય નખશિખ ઉષ્માને!
ઉષ્મા પટેલ તેની પાછલી જિંદગી, પહેલો પતિ ભૂલી ચૂકી હતી. વીર દેસાઈનો ભૂતકાળ કોઈ જાણતું ન હતું.પરંતુ નજીકના વર્તુળમાં ઉષ્મા પટેલ અને વીર દેસાઈ ભરેલાં છતાંય અધૂરા લાગતાં. અમદાવાદમાં ઉજવાયેલ એક ખાનગી સમારંભમાં ઉષ્મા પટેલે જોડકાં યુવાનોની ઓળખાણ કરાવી કે વીર દેસાઇ તેમના પિતા છે. એટલું જ! એદિવસે વીર દેસાઈ એક પિતા તરીકે સમાજ સમક્ષ જાહેર થયાં. પરંતુ તેઓની માતા કોણ? એ સત્ય ઢંકાયેલું જ રહ્યું.
ઉષ્મા એક સ્ત્રી હતી પરંતુ માતા બની શકી ન હતી તેનો અફસોસ તેને હંમેશા રહેતો. વીરના સંતાનો તેને માતા તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં. પરિણામે ઉષ્મા તેના આ દુઃખને દબાવવા દારૂના નશામાં રહેતી. ઉંમર વધતી જતી હતી. સ્ટ્રેસ અને ગમ ભૂલાવવા જામ ઉપર જામ ઉષ્માનાં અસ્તિત્વને ખળભળાવી દેતાં.
જૂહૂ ક્લબ આયોજિત એક એવોર્ડ સમારંભમાં જ્યાં શહેરની અનેક સન્માનનીય વ્યક્તિઓ આવી હતી, તેમાં વીર દેસાઈને એવોર્ડથી સન્માનવાનાં હતાં. સવારથી જ ઉષ્મા ખુશ હતી. તેના માટે ગૌરવ લેવા જેવો અવસર હતો.કપાળમાં મોટો ચાંદલો કરીને, ૫૦ હજારનું વીરને ગમતું મરુન કલરનું પટોળું પહેરીને ગુજરાતી સાડીમાં તૈયાર થઈને,હીરા-કુંદનનો સેટ પહેરીને ઉષ્મા પટેલ તૈયાર થઈ ગઈ. વીરને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળવાનો હતો.
સમારંભ પત્યા બાદ તેમનો ઇન્ટરવ્યુ લેવા માટે મીડિયાના માણસો તેમને ઘેરી વળ્યાં.ઉષ્મા ભૂતકાળમાં ડૂબી ગઇ. ભૂતકાળ ભૂલાઇ ગયો હતો પરંતુ મૃત પતિ નવલની યાદોએ જાગૃત બનીને તેના અસ્તિત્વને ઢંઢોળી કાઢ્યું. નવલ શુષ્ક હતો. તેને બાળક આપવામાં તે અસમર્થ રહ્યો હતો. પરંતુ તે એક લેખક અને પ્રોફેસર હતો. લખવાનો શોખ બંનેને નજીક લાવ્યો હતો. બંને પ્રેમલગ્ન કરીને સાધારણ જીંદગી જીવતાં હતાં. વીર મુંબઈ રહેતો હતો. પરંતુ ક્યારેક અમદાવાદ આવે ત્યારે તેમના મિત્ર વર્તુળમાં પાર્ટીઓ કરતો. ઉષ્મા અને વીર એકબીજાથી આકર્ષાઈને અંતર રાખીને યારી નિભાવતાં. ઉષ્માને ક્યારેક લાગતું કે “વીર મારો સ્વપ્ન પુરુષ છે. મારા જીવનમાં વીર હોત તો કેવું સારું હતું?” લગ્નના વીસ વર્ષમાં કેન્સરમાં નવલ પટેલનું મૃત્યુ થયું. નિઃસંતાન ઉષ્માના રૂપ પાછળ વીર આમેય દિવાનો હતો. ૭૦ વર્ષે પણ ઉષ્માનું રૂપ વીરને બાંધી રાખવા માટે કામણગારુ હતું.
પ્રીતિ સયાની, પી. એન. એન. ટીવી વાળાનો અવાજ સાંભળીને ઉષ્મા ચોંકી ગઈ! “મેમ, આજે એવોર્ડ લેવા માટે વીર સર સાથે બે સ્માર્ટ યંગ બોય ગયા હતાં, તો આપ કેમ સ્ટેજ પર નહીં ગયા?”
“મેમ, એનાઉન્સમેન્ટ થયું, મિસ્ટર એન્ડ મિસિસ વીરને આ એવોર્ડ લેવા માટે ઈનવાઇટ કરું છું તો આપ કેમ નહી ગયાં?” ટોળામાં ગણગણાટ હતો.
“ઉષ્મા મેમ, વીર દેસાઇનાં પત્ની નથી. એ તો લિવ-ઈન રિલેશનશીપમાં રહે છે.”
“શું વાત કરો છો?”
“આટલા વર્ષોથી?”
“હા”
“તો લગ્ન કેમ નથી કર્યા?”
“તેઓ દરેક ક્ષેત્રમાં બોલ્ડ છે, તો જાહેરમાં સ્વીકાર કેમ નથી કરતાં કે તેઓ પતિ-પત્ની નથી.”
“અમને તો એમજ હતું કે તેઓ દંપતી છે.” વગેરે વગેરે.
આ પ્રશ્નોની ઝડીમાંથી છટકીને ઉષ્મા-વીર કારમાં ગોઠવાયાં. ફરારી સડસડાટ વીર-સદન પાસે આવીને અટકી. હવેલીમાં પ્રવેશ કરતાં ઉષ્મા બારણામાં બેભાન બનીને ફસડાઇ પડી. તરત જ વીરે એમ્બ્યુલન્સ બોલાવી અને બીચ-કેન્ડી હોસ્પિટલમાં ઉષ્માને દાખલ કરવામાં આવી. વીર ફસડાઈ પડયા હતા. નિષ્ણાત ડોક્ટરોની ટ્રીટમેન્ટ શરૂ થઈ. યુ. એસ.થી જાણીતા વર્લ્ડ ફેમસ ન્યૂરો સર્જન ડૉ એન્ડરસનનો કાફલો ઉષ્મા પટેલની સારવાર માટે આવી ગયો. તાત્કાલિક બ્રેઇન સર્જરી કરવામાં આવી. એક મહિનો વીતી ગયો. વીર બધું કામ સ્થગીત કરીને ઉષ્મા સાથે હોસ્પિટલમાં રહે છે. વીર દેસાઇ મિત્રોના ખભે આંસુ ખાળતાં બોલ્યા, “શું હતું
અને શું થઇ ગયું? હું મોર છું પણ આજે મારો ટહૂકો ભૂલી ગયો છું.” એક દિવસ અડધી રાતે ઉષ્મા ઊંઘમાં બબડવા માંડી. “વી…ર”અને અર્ધ બીડાયેલી આંખે ઇશારાથી કંઇક કહી રહી હતી. વીરના જીવમાં જીવ આવ્યો. કોઈકે કહ્યું તેની ઇચ્છા ઘેર જવાની લાગે છે.
વીરે ઘરના વિશાળ રૂમમાં નર્સો અને લેટેસ્ટ ઇક્વીપમેન્ટ સાથે હોસ્પિટલ સુસજ્જિત કરી દીધી.
ક્યારેક ઉષ્મા આંખો ખોલતી. વીર પર અપલક મીટ માંડતી. તેની વાચા બંધ થઈ ગઈ હતી. તેણે વીરનો હાથ પકડી પોતાના માથા પર મૂકવા પ્રયત્ન કર્યો. તેના માનસિક તણાવનું કારણ સમજી જતાં વીરને વાર ન લાગી. વીર બોલ્યો, “અરે ગાંડી, આજે પણ હું તારી સેંથીમાં સિંદૂર પૂરવા તૈયાર છું. એક ચુટકી ભર સિંદૂરની કીંમત મારે તને ગુમાવીને ચૂકવવી પડશે તેવી જો ખબર હોત તો આ મેં વર્ષો પહેલાં કરી દીધું હોત. પરંતુ પત્ની અને પતિનું લેબલ તો આપણે બંનેએ લગાવેલું. શું મળ્યું? આજે આપણે જે જીવી રહ્યા હતાં તે જિંદગીમાં શું ન હતું આપણે બંને એકબીજા સાથે મધુરા છીએ પણ તારા વગર હું અધૂરો છું.” વીરે ઉષ્માની સેંથીમાં સિંદૂર પૂર્યું.
વીર અને ઉષ્માના હાથની પકડ મજબૂત થઈ. ઉષ્માના મોંઢા પર હાશ અને સંતોષની લહેર જોઈને હાજર રહેલાં સૌમાં આનંદની લહેરખી દોડી ગઈ. બંને સંતાનો ઉષ્મા પટેલને મોમ કહીને ભેટી પડ્યાં. કોરીડોર
મહેમાનોથી હકડેઠઠ ભરાયેલો હતો. સ્ક્રીન પર ઉષ્મા પટેલ અને વીર દેસાઇનું સુભગ મિલન જોઇને
લોકોની આંખો સજળ બની ગઇ. હર્ષોલ્લાસ અને તાળીઓથી સૌએ તેમના સંબંધનાં નવા નામને
વધાવી લીધું. જાણે કે સમાજે તેમના સંબંધ પર મહોર મારી દીધી. ઉષ્માના કપાળ પરનો ચાંદલો અને
સિંદૂર, આંખમાંથી નિકળતો અશ્રુધોધ તેને નવોઢાનું રૂપ આપતો હતો.
બીજા દિવસનાં અખબારોની હેડલાઈન હતી “ચૂટકી ભર સિંદૂર”
Kalpna raghu

15- ‘એનું સત્ય’

“હેલ્લો મેમ” એક સાધારણ દેખાવના યુવકે એકદમ અદબથી સીધુ જ મારી સામે તાકતા કહ્યું.
“હાય…”જવાબ આપવામાં જરા વાર તો લાગી પણ વિવેક તો હું પણ ચૂકી નહી.
“આઈ એમ શેહઝાદ” હજુ પણ એ જ તમીજ, એ જ અદબથી બોલ્યો.
આમ તો એને હું ખાસ ન ઓળખું પણ રોજ-બરોજ જોવાતા ચહેરામાં પણ ધીમે ધીમે એક ઓળખ ઊભી થતી જાય.
“આઇ એમ વિશ્રુતિ .”
“હું ઓળખ આપવાની કોઈ ઈચ્છા ધરાવતી નહોતી પણ કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું. એનું કારણ એક તો એ હતું કે અજાણ્યા દેશમાં આવે મને માંડ બે મહિના જ થયા હતા. મુંબઈની ઝેન્સાર થકી મારું પોસ્ટીંગ ત્યાં સેન્ટ્રલ  લંડનની માર્ક્સ એન્ડ સ્પેન્સરની હેડ બ્રાંચમાં થયું હતું. એ ઉંમર હતી કશુંક નવું શીખવાની. નવી દિશાઓ ખુલતી હતી એ દિશાઓમાં દોટ મુકવાની. ઘરમાંથી તો સાવ આવી રીતે આટલે દૂર મોકલવાની મમ્મીની જરાય ઈચ્છા નહોતી. એકવાર કંપનીના કામે  બે-ત્રણ મહિના માટે બેંગ્લુર કે પુને જવાનું થયું હતુ પણ છેવટે એ હતું તો સ્વદેશમાં જ ને અને રજાઓમાં ઘેર આવતા ક્યાં ઝાઝો સમય લાગવાનો હતો એટલે ત્યાં સુધી મમ્મીને કોઈ વાંધો નહોતો પણ દેશ બહાર મોકલવાની એની જરાય ઈચ્છા નહોતી. એ વખતે હામ બંધાવી પપ્પાએ. ફાર્માસ્યુટીકલ કંપનીમાં રિજ્યોનલ મેનેજર હતા એટલે એમને ય ઘણું ટ્રાવેલ કરવાનું રહેતું. પપ્પા આમ પણ મોજીલા. ક્યાંય પણ એમને અતડું ના લાગે. પપ્પાનો સ્વભાવ પણ એવો કે ગમતાનો ગુલાલ કરીને રહે એટલે એમની સાથે સૌને મઝા આવે. પપ્પાએ મારી ઈચ્છા પારખીને મને પુરેપુરો સપોર્ટ આપ્યો અને મમ્મીને રાજી કરી લીધી.
“જયુ, લંડન કેટલું દૂર? આઠ કલાક જ ને? અરે વિશુની યાદ આવે તો આમ ચપટી વગાડતામાં પહોંચી જવાય. એકવાર વિશુને જવા દે. તને ય લંડન જવા- જોવા મળશે.” મમ્મીને એ ઘણીવાર લાડથી જયુ કહેતા. છેવટે પપ્પાએ મમ્મીને મનાવી લીધી અને હું પહોંચી લંડન. એની તો તને ખબર જ છે ને નીના?”
વિશ્રુતિ એનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ પુરો કરીને પાછી મુંબઈ તો આવી ગઈ હતી પણ એ વર્ષે અનુભવેલા આતંકના ઓળા હજુ એના મનને વિક્ષુબ્ધ કરી નાખે છે. એ ખોફ હજુ એના મનને ઝંઝોડી નાખે છે. એ ખોફ માત્ર બનેલી ઘટનાનો નહોતો પણ સાથે ખોફ હતો એ ઘટના સાથે જોડાયેલી વ્યક્તિની યાદનો.
સામે પડેલી પાણીની આખી બોટલ એકી શ્વાસે ગટગટવી ગઈ અને તેમ છતાં એના અવાજમાંથી કંપારી ઘટી નહોતી. વિશ્રુતિની અને મારી દોસ્તીને આજ-કાલ કરતાં ૨૫ વર્ષ થઈ ગયા. સાવ નાનપણથી અમે સાથે ઉછર્યા, સાથે ભણ્યા. સમય જતાં હું દિલ્હી સ્થાયી થઈ અને એ મુંબઈમાં જ રહી પણ દૂર રહીને ય અમારી દોસ્તી વધુને વધુ ગાઢી થતી ગઈ. આજે ઘણા વર્ષે મુંબઈ આવવાનું થયું અને અમે નિરાંતે મળ્યા. એક વાત હતી આજ સુધી જોયેલી વિશ્રુતિમાં ક્યારેય ભયનું નામ નહોતું જોયું પણ આજે ય એ આટલા વર્ષ જૂની વાત યાદ આવતા જ થથરી ઊઠે છે.
જે વાત કરતી હતી એ સમય હતો ૨૦૦૫નો.અત્યારે પણ જ્યારે જ્યારે ટેરરિસ્ટ ઍટેકના સમાચાર સાંભળે છે વિશ્રુતિ ભયથી કાંપી ઊઠે છે.
“નીના, સાચું કહું છું પહેલી નજરે તો મને એ શેહઝાદમાં એવી કોઈ ખાસ વાત જ નહોતી દેખાઈ કે એની સાથે ફરી મુલાકાત કરવાની પણ ઈચ્છા થાય.” પાણીની બોટલ પુરી કર્યા પછી ફરી વિશ્રુતિએ વાત માંડી.
“રોજે એક જ ટ્રેનમાં સાથે જ થઈ જતા અમે. સાવ ત્રેવીસ વર્ષનો  સામાન્ય કદ કાઠી ધરાવતો એ યુવાન મળે એટલે કાયમ સામેથી સ્માઈલ આપે. ગુડ મોર્નિંગ વિશ કરે ને કરે જ. મને આમ તો સાવ અજાણ્યા સાથે ભળવામાં જરા સંકોચ તો રહેતો જ પણ ધીમે ધીમે એણે જ મારો સંકોચ ઓગાળી નાખ્યો.,પહેલાં તો ટ્રેન-સ્ટેશને ટ્રેન આવે ત્યાં સુધી રાહ જોવા પુરતા જ ઊભા રહેવાનું થતું. તને  ખબર છે નીના? લંડનમાં કોઈપણ ટ્રાન્સપોર્ટ માટે ચાર મિનિટથી તો વધારે રાહ જોવાની જ ના હોય એટલે એ જે બે- ચાર મિનિટનો ગાળો હોય ત્યારે હેલ્લો…હેલ્લો થઈ જતું. પછી તો એવું ય બનવા માંડ્યું કે એક સાથે ઊભા હોઈએ અને ટ્રેન આવે એટલે સાથે જ ચઢીએ અને સાથે બેસીએ. કારણ તો ખાસ કશું જ નહીં પણ માત્ર મનથી એશિયન હોવાપણું જ આમાં કામ કરી ગયું. બ્રિટીશરો હજુ પણ થોડા અકડુ અને અતડા તો ખરા જ જાણે દુનિયા પર રાજ કરી લીધું એટલે એમની સર્વોપરીતા એમના મનમાં દ્રઢ થઈ ગઈ છે. રોજ એક સાથે મુસાફરી કરતાં હોઈએ પણ સામે જોવાના બદલે એમના ટૅબ્લૉઇડમાં માથા ખોસીને બેસી રહે એટલે ક્યારેક આવા છૂટા-છવાયા એશિયન મળી જાય તો જાણે જાતભાઈ મળ્યા જેવું લાગે એ ન્યાયે હું અને શેહઝાદ થોડીઘણી વાતો કરતાં થયા.”
વિશ્રુતિ જરા શ્વાસ લેવા અટકી.
“શેહઝાદ ઘણીવાર વાતોએ ચઢતો. એ એની ઉર્દૂ મિશ્રિત હિન્દિ લઢણ સાથેના ઉચ્ચારોમાં ભાષા શુદ્ધિ હતી. સાથે અંગ્રેજી પર પણ સરસ પ્રભુત્વ હતું. સાફ વાત કરવાની એની રીત પકડી રાખે એવી હતી. ઘણીવાર એ દેશ -વિદેશના એજ્યુકેશનથી માંડીને દેશ -વિદેશની પ્રણાલી, માન્યતા, ધર્મ વિશે જાતજાતની વાતો કરતો. એની વાતોમાં ક્યાંય પક્ષપાત કે એકતરફી વલણ નહોતું પડઘાતું સાંભળ્યુ. એ દરેક વાત ખુબ સ્વસ્થતા અને તટસ્થતાથી કરતો પણ એ જ્યારે પોતાની વાત કરતો ત્યારે એમાં થોડી અસ્વસ્થતા ભળતી. ક્યારેક એ કોઈ વાત છેડીને એકદમ ચૂપ થઈ જતો ત્યારે મારા મનમાં એની અસ્વસ્થતા માટે એક કુતૂહલ રહેતું પણ  કોઈની અંગત પળોમાં ચંચૂપાત કરતા મને મારો વિવેક આડો આવતો.”
“વચ્ચે થોડા દિવસ એ ના દેખાયો. ખાસ કોઈ ફરક ન હોવા છતાં પણ એની ગેરહાજરીની નોંધ તો મારા મનમાં લેવાઈ ગઈ. કોઈ અજાણ્યો ખાલીપો જાણે મને ઘેરી વળ્યો ના હોય એવો ભાવ ઊઠીને શમી જતો. આમ જોવા જઈએ તો એક સ્ટેશનથી ઉતરવાના સ્ટેશન સુધીનો સાથ એટલે વાત ત્યાં જ પતી જતી અને હું ઓફિસે પહોંચીને મારા કામે લાગી જતી. આખા દિવસથી માંડીને બીજી સવાર સુધી ય મનમાં એનો વિચાર સુધ્ધા નહોતો ફરકતો પણ જેટલા દિવસ એ ના દેખાયો એટલા દિવસ મનમાં એનો વિચાર આવી જતો.   એમાં બીજુ કંઇ નહીં ખાલી એક જાતનું વાતોનું વળગણ જ હતું એવું મારા મનમાં નિશ્ચિત હતું. વળી પાછો એ બેચાર દિવસે દેખાયો. દૂરથી જ એણે હાથ ઊંચો કરીને એણે પોતાની હાજરી નોંધાવી અને ટ્યુબ આવે એ પહેલાં જ દોડતો આવી પહોંચ્યો. સાચું કહું તો એની ઉતાવળ મને ગમી પણ ખરી. જાણે એવું લાગ્યું કે હું જ માત્ર એની રાહ જોતી હતી એવું નહોતું કદાચ એને પણ મને મળવાની ઉત્સુકતા હશે. કેવું છે આપણું મન નહીં ? એ મનગમતા અર્થ શોધી જ લે છે..”
વિશ્રુતી વળી ચૂપ થઈ ગઈ જાણે પાછી ભૂતકાળમાં સરી ગઈ. મને ય થોડો મનમાં ફડકો તો થયો જ કે વિશ્રુતિ…ક્યાંક એ શેહઝાદ તરફ ઢળી તો નહીં હોય ને? થોડી ક્ષણો એ ભૂતકાળમાં ખોવાયેલી રહી. એના ચહેરા પર કેટલાય ભાવ આવ્યા.
“વિશ્રુતિ…..”  મારે જરા એને ઢંઢોળવી પડી..
“અહીંયા જ છું નીના, મારે પાછા એ સમયખંડમાં રહેવું નથી. હા ! તો હું ક્યાં હતી?”
“લંડન ટ્યુબ સ્ટેશન પર વિશુ, પણ પછી શું થયું એ કહીશ મને? હવે તો રાહ જોવાની મારામાં ય ધીરજ નથી.”
જરા મ્લાન હસીને એણે વાતનું અનુસંધાન સાધી લીધુ.
“એ ગયો હતો વૉટરરાફ્ટ માટે વેલ્સના સ્નોડોનિયા. ખુબ ઉત્સાહમાં હતો. જાણે એક સામટુ બધુ જ કહી દેવાની ઉતાવળ હોય એમ એકધારુ એ બોલ્યે જતો હતો અને હું? હું એની વાતોમાં વૉટરરાફ્ટની જેમ તણાતી જતી હતી. એ એટલી બધી વાતો કરતો પણ એમાં ક્યાંય એના વિશે એ કશું જ કહેતો નહીં. જાણે એક જાતની લક્ષ્મણરેખાની પેલે પાર એ હતો અને એ રેખા ઓળંગીને એની તરફ જવાની મારી તૈયારી નહોતી. કદાચ હિંમત પણ નહોતી. આ રોજની સવારે ૮-૪૦ની મુલાકાત સિવાય અમે ક્યારેય, ક્યાંય, કશે જ મળવા અંગે વિચારતા પણ નહોતા.  બસ આ રફતારમાં જ બીજો એક મહિનો પણ પસાર થઈ ગયો.”
જરા શ્વાસ લેવા એ થંભી. મારે તો માત્ર એ ક્યારે બોલે એની જ રાહ જોવાની હતી. હું એની સામે તાકતી બેસી રહી.
“નીના, એ દિવસે પણ રોજીંદી ૮-૪૦ની ટ્રેન આવી પણ એ દેખાયો નહીં. ચીઢ ચડી મને એની ઉપર. વળી પાછો ક્યાં ગયો? મનને તો મેં ટપાર્યું કે એણે શા માટે મને એની રોજનીશી વંચાવવી જોઈએ? તું એની કોણ થાય છે કે એ આવશે કે નહીં આવે એ તને કહેવું જ જોઈએ? શા માટે આવી અપેક્ષા તારે પણ રાખવી જોઈએ? મનને ટપાર્યા પછી ય ટ્રેનમાં ચઢતા સુધી પાછું વાળીને જોયા કર્યું. એ આશાએ કે કદાચ મોડો પડ્યો હોય અને આવી જાય. પણ ના, મારી નજર દરેક વખતે ઠાલી જ પાછી વળી.. ટ્રેનના ઑટમૅટિક દરવાજા બંધ થયા ત્યાં સુધી થતું કે હમણાં જ એ દોડતો આવીને મારી લગોલગ ઊભો રહેશે.”
વળી પાછી વિશ્રુતિનો ચહેરો લાલઘૂમ થવા માંડ્યો. શ્વાસ લેવા માટે જોર કરવું પડતું હોય એમ નાકના નસકોરા ફુલવા માંડ્યા. એટલી સખતીથી મારો હાથ પકડ્યો કે મારા કાંડા પર એના સોળ ઊઠ્યા.
“ Are you ok વિશુ?….વિશુ.. શું થયું? તું તો કહેતી હતી ને કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું તો પછી એ ના આવ્યો એના માટે આટલી અપસેટ કેમ થઈ ગઈ?”
“સારું હતું કે વાતોના વળગણ સિવાય બીજું કશું જ નહોતું નીના, કહું કેમ? ૮-૪૦ની અંડરગ્રાઉન્ડે વેગ પકડ્યો જ હતો અને કાન ફાડી નાખે એવો ધડાકો થયો. ટ્રેન ઊભી રહી ગઈ. ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા. સખત ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી એ સમયે. પેસેન્જરને સલામત બહાર આવવા માટે ઈમરજન્સી ગેટ ખોલી નાખવામાં આવ્યા. બધા ધડાધડ કરતાં બહારની તરફ દોટ મુકવા માંડ્યા. બહાર નિકળ્યા પછી ખબર પડી કે અંડરગ્રાઉન્ડ ટ્રેનો પર થોડી સેકંડોના અંતરે બોંબ વિસ્ફોટ થયા હતા. ભયાનક વાતાવરણ હતું આવામાં સૌ પોતાની જાતને બચાવવામાં જ હોય ને પણ નીના, આવા સમયે પણ મને સૌથી પહેલા એ યાદ આવ્યો. ક્યાં હશે એ? સલામત તો હશે ને?” અને વિશ્રુતિ ખામોશ.
“ વિશુ, શું થયું પછી? એ બચી તો ગયો હશે ને?”
“કોને ખબર એનું શું થયું હશે એ દ્વિધામાં હું અટવાયા કરી. ક્યાં શોધું? કેવી રીતે એના હાલ જાણું? નીના જાણે મારું મન બહેર મારી ગયું હતું. કશું જ સૂઝતું નહોતું..”
“ શાંત થા વિશુ, તું કહે છે કે તારા મનમાં એના માટે એવો કોઈ ખાસ ભાવ નહોતો તો પછી………..”
“હા, નહોતો જ પણ એક હમસફર તરીકે તો એને જાણતી હતી ને? બની શકે એ હમસફર કરતાં પણ વિશેષ બની ગયો હોય. જે હોય પણ મને એની ચિંતા કોરી ખાતી હતી એ વાત તો હું સમજી શકી હતી. હું બચી ગઈ પણ જે કારમાં બોંબ બ્લાસ્ટ થયા હતા એમની જે દશા હતી એની હું સાક્ષી છું. કેટલાય ઘવાયા, કેટલાય દાઝ્યા અને કેટલાના અપમૃત્યુ થયા એની જાણ તો પછી થઈ પણ હજુ એ સમય, એ દ્રશ્ય મને વિચારું છું તો ય ડરામણું લાગે છે.”
“ હા! પણ પછી એનું શું થયું એની કંઈ ખબર પડી ખરી?”
“પડીને નીના, મોડી મોડી પણ ખબર તો પડી જ. એ ક્ષણે તો મને એવું જ થયું કે એના વિશે હું ભ્રમમાં જ રહી હોત તો સારું થાત. બહુ બહુ તો થોડા દિવસ એની ચિંતા કરીને કદાચ એને શોધતી રહેત અથવા પહેલાંની જેમ ક્યાંક ગયો હશે એમ વિચારીને એની રાહ જોવામાં, એના વિશે વિચારવામાં સમય નિકળી જાત.
“વિશુ, વાતમાં મોણ નાખ્યા વગર એનું શું થયું એ જલદી બોલ. એ ઘવાયો હતો? એ દાઝ્યો હતો કે અપમૃત્યુ પામ્યા એમાનો એક હતો?”
“એવા સમાચાર હોત તો નીના એને ગુમાવ્યાનું મને સખત દુઃખ થાત. કદાચ એ ઘા મારા માટે ચોક્કસ કારમો હોત પણ અંતે એના આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના તો કરત જ પણ એના એ મોતને તો ઈશ્વર પણ માફ નહીં કરે. નીના, એ દિવસે એક નહીં ચાર જગ્યાએ બોંબ બ્લાસ્ટ થયા હતા. થોડા દિવસ પછી સસ્પેક્ટેડ સ્યુસાઈડ બોંબરની તસ્વીરો જોઈ. તું માની શકે છે કે જેની સાથે વાતોનું વળગણ હતું એવો એ શહેઝાદ તો એમાનો એક હતો?”
“વિશુ….?”
“એક દિવસ મને એણે મારા નામનો અર્થ પૂછ્યો હતો. વિશ્રુતિ એટલે પ્રખ્યાતિ- પ્રસિદ્ધિ મેં કહ્યું. એ બોલી ઊઠ્યો, અરે વાહ! તો તો બહુ સમજી વિચારીને તારું નામ રાખ્યું હશે. તું કંઇપણ કરીશ તો તને ખ્યાતિ મળશે, નામના મળશે રાઈટ? પછી મેં એને જ્યારે એના નામનો અર્થ પૂછ્યો તો એણે શું કીધું ખબર છે? ખભો ઉછાળતા એણે કહ્યું કે મને મારા નામનો અર્થ તો નથી ખબર પણ ચાલને તું ખ્યાત તો હું બદનામ. તું. પ્રખ્યાત થઈશ અને હું બદનામ. જેના જેવા કરમ, જેની જેવી તકદીર. ઘણીવાર એ આવી રીતે અસંદર્ભ વાત કરી લેતો. એને પોતાની જાત પર મજાક કરવાની ટેવ હતી એમ માનીને મેં એની જેમ હસી કાઢ્યું પણ જે દિવસે એની અસલિયતની જાણ થઈ ત્યારે સમજાયું કે એ માત્ર મજાક નહોતી. એ જ એનું સત્ય હતું. એ જ એની તકદીર હતી. એ જ એનું કર્મ હતું. એ કહેતો હું તો આજે અહીં છું શક્ય છે કાલે ન પણ હોઉં. આજે તને મળ્યો છું કાલે ના પણ મળું પણ  અને સાચે જ એ જેવો અચાનક મારા જીવનમાં આવ્યો એવો જ અચાનક ચાલ્યો ગયો. મારી નજર સામેના ધુમાડામાં જ એ વિલીન થઈ ગયો પણ સાચું કહું તો કોઈપણ અજનબી પર વિશ્વાસ ન મુકવાનું મને શીખવતો ગયો.” આકાશની પેલે પાર ધુમાડામાં ભળી જતા શેહઝાદને જોઈ રહી હોય એમ એ સ્થિર હતી. ત્યારના એના ચહેરા પર અકળ ભાવ આજ સુધી હું સમજી શકી નથી.
અને હવે તો હું પણ કોઈપણ  સ્યુસાઈડર એટેકના સમાચાર સાંભળું છું ત્યારે મારા મનમાં એક ન જોયેલા શેહઝાદની ધૂંધળી છબી તો તરી જ આવે છે.
Rajul Kaushik
 

વીનું મર્ચન્ટ વાર્તા ,નિબંધ સ્પર્ધા -૧૫-પ્રજ્ઞા દાદ્ભાવાળા

અષાઢી મે​ઘલી રાત
હું ઓરડામાં એકલી બેઠી છું. આજે અષાઢનો પહેલો દિવસ… આ દિવસે એમને આકસ્માત થયો હતો.  દીવાલ પરની ઘડિયાળ ટક ટક અવાજ કરી કહે છે, આજે એક વર્ષ થયું છે !

સામે પલંગમાં એમનું ચેતના વગરનું શરીર વેન્ટિલેટરથી શ્વાસ લે છે…વિચાર આવે છે, વરસાદ આવે તો એમને પાણી છાંટી જગાડું… એમની જાગવાની રાહ જોતાં અષાઢ ફરી આવી ગયો અને મન વિચારે ચડે છે.

તે દિવસે દશે દિશાએ વાયુ ફુંકાઈ રહ્યો હતો. એ આંતકવાદી પવન મારા ઘરમાં ઘૂસી મારા પડદા, કાગળો ઉડાડવા સાથે મારી સાડીના છેડા સાથે ચેડાં કરતો હતો. કાળાં ડિબાંગ વાદળે સૂરજને કેદ કરી પોતાના કબજામાં લઈ ઘરમાં અંધારું સર્જ્યું હતું. જાણે કંઈ લૂટવા ન આવ્યો હોય… મને એક ક્ષણ વિચાર પણ આવ્યો હતો.આ અષાઢી મેઘ છે કે આંતકવાદી ? કોઈના આવવાની ખબર દેતું અંબર ગાજી રહ્યું હતું. ચેતવણીસૂચક ટોર્ચ લાઈટ જેવી વીજ ઝબકતી હતી.

સામન્ય રીતે વરસાદ આવે એટલે હું કામકાજ પડતાં મૂકી, બધું જ ભૂલી જતી. મને વરસાદ ખૂબ ગમતો. મને એમનો સ્પર્શ યાદ આવતો, એમની સાથે વરસાદમાં ભીંજાવાની સંવેદના મને જાગૃત કરી દેતી. હું બારીની બહાર મેઘને જોઈ રહી હતી અને ત્યાં જ ફોન રણક્યો…

તમે સંકેત શાહનાં પત્ની છો ?

મેં કહ્યું હા.

જુઓ હું કહું છું તે વાત શાંતિથી સાંભળો……

હું ડઘાઈ ગઈ. હલ્લો !

હલ્લો…સાંભળો, તમારા પતિનો અકસ્માત થયો છે, ડરતા નહિ પણ આપ ઘરની કોઈ વ્યક્તિ સાથે આ…હૉસ્પિટલે જલદી આવો.

હું કંઈ પણ બોલું તે પહેલાં એક મોટી વીજળી પડી.
 

અષાઢી મેઘલી રાત એટલે મારે માટે ભૂરી ઝાંયમાં વેદના અને સંવેદનનું રસાયણ. અષાઢી મેઘ નામનો આનંદ ઉત્સવ હવે નથી રહ્યો. બંધ બારી હવે પછડાતી નથી. વાદળના અવાજો અંબર ગજાવતા નથી પણ એક ભયાનક સૃષ્ટિ ઊભી કરે છે. પવનમાં વીંઝણો નહીં, તોફાન દેખાય છે અને પાણીના ટપ અવાજથી ધબકારા વધી જાય છે. કોને દોષ દઉં – અષાઢ, મેઘ, પવન અને રાત…. આ બધા જ કુદરતના અંશો અને સંકેતો.

માત્ર અષાઢની મેઘલી રાત જ કેમ ? આમ જોવા જઈએ તો પવન એક પડકારે તેવું તત્ત્વ છે. પવન પણ કેવો ? લજ્જાળુ સ્ત્રીના પાલવમાં ભરાઈને એને સઢમાં ફેરવી નાખતો પવન; સ્ત્રીના શરીરની તિરાડમાંથી પ્રવેશી આંતક ફેલાવતો પવન, બે પ્રેમીને ઘૂઘવી નાખતો પવન, વાતાવરણમાં તોફોન સર્જતો પવન, હાથના રુંવાડાં ઊભાં કરી દેતો પવન, દીપની સ્થિર જ્યોતને ભેટવા મથતો પવન…તો ક્યારેક બંધ કરેલી બારીની ફાડમાંથી યાદોની જેમ ચોર પગલે પ્રવેશતો પવન…અને પેલો સુકાયેલાં પાંદડાંની વચ્ચે સરસર સરી ભય સર્જતો પવન. ક્યારેક વળી પકડદાવ રમતો શિશુ જેવો પવન, ખંડેરમાં ઘુમરીઓ ખાતા અવાજના પડઘા બની ઇતિહાસને જીવંત કરતો પવન. ઇતિહાસ સાથે સંવાદ સાધવાનું એક માત્ર સંપર્કમાધ્યમ પવન ! બસ એને જોવાનો નહિ કાનથી, આંખથી અને સ્પર્શથી માણવાનો…..

આ વરસાદ અને પાણીનાં ટીપાંની તો વાત જ ન કરતા.. પવન સાથે પાણીનો ફરફરાટ અને સરસરાટ, પાણીનાં ટીપાંનો એ સ્પર્શ હજી ભુલાતો પણ નથી. બધી જ સરહદ તોડી અસીમ સાથે જાણે નાતો ન બાંધતાં હોઈએ તેવું લાગે. બાળપણમાં છબછબિયામાં પાણીનો એ સ્પર્શ, કિશોરાવસ્થા અને કૉલેજકાળના દિવસોમાં વરસાદમાં ભીજાવાનો અને જાતને કોઈ જોતું હોય ત્યારે સંકોરી પલળવાનો એક અનેરો આનંદ હતો.

આજેય એકાએક પડેલા વરસાદના ઝાપટના અવાજથી અહીં જાગી જવાય છે.

એક સમય હતો જયારે મેઘરાજાની પધરામણી ઉત્સવ લાગતી, ગગન ગરજે અને મોરલા ટહુકે અને માથે ચમકતી વીજ, બસ પછી પૂછવું જ શું ? હવે કોઈ વાદળ વિષે પૂછે છે અને અને હું કહું છું, વાયુત્વની આંગળી ઝાલીને આકાશમાં ભટકતું જલત્વ એટલે વાદળ. હવે વાદળની વ્યાખ્યા મારે માટે બદલાઈ ગઈ છે..વાદળ એટલે અસંખ્ય ટીપાંનું બંધન, વરસાદ એટલે ટીપાંઓની મુક્તિ અને આ ગોરંભાયેલું આકાશ પણ કેવું ? એક ઝંખનાનું પ્રતીક. વરસવા આતુર પણ ન વરસતું હોય તેવું આકાશ.

પણ, હવે વરસાદ ગમતો નથી; એક અકળ અકથ્ય મુંઝારો અનુભવું છું. ભીતરમાં કંઈક ડૂમાતું હોય તેવું લાગે છે આ આકાશ, મેઘ, વીજળી – કદી ભૂલી ન શકાય તેવો અષાઢી રાતનો મારી ઉપરનો આંતક મને ડરાવે છે. હું ફફડી ઊઠું છું. હવે વીજળીના ચમકારામાં બિહામણા પડછાયા દેખાય છે. વીજળી ક્યારે પડશે અથવા ગમે ત્યારે પડશે તે ડરથી કંપી ઊઠું છું.વરસાદી વાતાવરણ સાથેનો સંબંધ હવે બદલાઈ ગયો છે. શું એ રોમાંચક ક્ષણ આટલી બિહામણી હોઈ શકે ? ધ્રુજી જવાય છે !

આજે અષાઢી રાત છે પણ બારી બંધ છે. હૉસ્પિટલના શાંત વાતાવરણમાં એક કાળું વાદળ દેખાય છે અને એક ટીપું ગાલ પર ટપ કરતું પડે છે. એક ટીપું એમના હાથ પર પડે છે, એક ટીપું એમની આંખો પર પડે છે, કોઈ હલનચલન નથી ત્યારે ટપ ટપ ટપ ટીપાં પડ્યે જ જાય છે. અને બીપ બીપ બીપ કરતાં હોસ્પિટલનાં યંત્રો મને આંચકા સાથે જગાડે છે અને ‘ટપ ટપ’નો લય તોડે છે. એકસાથે આવેલા આઘાતથી મૂક હું એમના શરીરને જોઈ રહું છું. અને ફરી વિચારે ચડું છું.

આમ જોવા જઈએ તો આષાઢી રાતનો મહિમા જ જુદો અને મિજાજ પણ જુદો. કોઈને કેફ વરસાદનો તો કોઈને મનનો; અને દરેકના અર્થ છાપરે છાપરે સાવ નોખાં, ક્યાંક કહેવાય એને અડપલાં, ક્યાંક કહેવાય એને તિખારા. ક્યાંક એકલતા તો ક્યાંક વિરહ; ક્યાંક કાલિદાસના યક્ષની તડપ… અષાઢ તો સૌના મનમાં હોય છે જ્યાં સ્મરણોની વીજ ઝબૂકે છે, જ્યાં વીતેલો સમય વાદળોની જેમ ગરજે છે તો ક્યાંક વિટંબણાનાં વાદળો મનને ઘરી વળે છે. બીજી રીતે વિચારીએ તો અષાઢી રાતે વરસાદ એ ન દેખાતો જીવનનો વૈભવ છે. એક મખમલી સ્પર્શ, તેમાં ચામડીનું સુખ છે, સ્પર્શનો ઝણઝણાટ છે, આંખને યાદોનું સૌન્દર્ય છે અને નાકને માટીની સોડમ છે તો કાનને મોરલાના ટહુકાનો આનંદ અને જે નથી પામતા તે સાવ કોરા કટ…

આભમાં અષાઢનાં ઘટાટોપ વાદળાંનો તોર બંધાઈ ગયો હોય, કલેજાં ચીરતી વીજળી વળાંક લઈ રહી હોય, મેઘગર્જનાએ મસ્ત બનેલા મયૂરોને યોષિતાઓ વિંટળાઈ રહી હોય અને વરસાદનું વાવાઝોડું ઊપડે ત્યાં તો બપૈયાના કંઠમાં ઝબોળાઈને પિયુ પિયુના શબ્દો સૂર બની ટહુકે. ચૈત્ર-વૈશાખના તાપથી તપેલી તરસી ધરતી પર અષાઢનાં અમીછાંટણાં ટપટપ છંટાય. ધરતી ભીંજાય અને છૂટે સોડમ ધરાની.. ગાતું હૈયું, બોલી ઊઠે….અષાઢને દિવસે તમે મળો અને ન પલળો તો તમને મેઘધનુષના સોગંદ. અને બસ છમછમ પાણી હથેલીઓમાં જીલતાં ચોમાસું ભીતર ફરફર કરતું ભીંજવી જાય.

અષાઢી રાતની ​તુલના થઈ શકે નહિ. ​એનું પોતીકું સૌંદર્ય છે. ​એના ​​ઉન્માદક વૈભવ આગળ ​બીજું સૌંદર્ય ફિક્કું લાગે. ​ વરસાદનો ​માદક વૈભવ માનવહૃદય પર અનેરું કામણ કરે. કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કેડીઓ તરફ દોરી જાય છે​ અને ​કવિનું ભીંજતું ભીતર…આ અનોખા મિજાજને અનોખી રીતે આલેખે. કવિની વાત આવે તો કાલિદાસ અને ટાગોર યાદ આવે. એમનાં સર્જનો વાંચીએ તો વગર વરસાદે ભીંજવી દે. આખા ને આખા તરબોળ કરી દે. આમ તો કોઈ પણ કવિ કોરા રહી ન શકે, અને પોતાની કવિતાને કોરી રાખી ન શકતા કવિની પંક્તિ યાદ આવે. 

ચાલ વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાના હો કે દરિયાવ, તરસતા જઈએ. –હરીન્દ્ર દવે

યાદ આવે એ દિવસો. તે અષાઢી સંધ્યાએ થોડી વાદળીઓ કેવી વરસી હતી અને આછી માટીની સુગંધ ખુલ્લી મારી બારી વાટે પ્રવેશી ગઈ અને વરસાદે એમની વગર હાજરીએ મને પલાળી હતી. માટીની સુગંધ ઘરમાં ધૂમી વળી. એક નોખો જ પમરાટ ફેલાવી રહી હતી. હું નવોઢાની જેમ એમના સ્પર્શને પામવા અધીરી હતી, પણ બારીની બહાર મળ્યું કેવળ અંધારભર્યું અને બિહામણું ગાઢ આકાશ ! વીજળી ચીરે વ્યોમને એમ મને, તે દિવસે વેદનાએ ચીરી નાખી. એ વીજળી આજે પણ મારા આખા આ આયખાને દઝાડે છે. હવે એ માદકતા નથી. હવે ઊજળા દિવસ પણ નથી.. નથી એ થનગનાટ કે તરબોળ કરતી એ સંવેદના. નથી ડિબાંગ મેઘની સવારીમાં મહાલવાનો રોમાંચ. છે બસ અષાઢી માસમાં ઘોર અંધારી બિહામણી રાત અને આંખમાં શ્રાવણ–ભાદરવો ! ચાતક બની ગઈ છે મારી આંખો, જે એમની આંખોના ખૂલવાની રાહ જુએ છે !

બસ, આ પવન, આ વરસાદ આ અષાઢી મેઘલી રાત; મારો એક નોખો સંબધ એને જાણવાનો, યાદો થકી માણવાનો. અષાઢ મહિનો, વાદળ, પવન, મેઘલી રાત બધાંના નોખા અર્થ, નોખી સ્મૃતિઓ આવ્યા જ કરશે…અષાઢ આવતાં વગર કહે વાતાવરણ સર્જાશે, કુદરત એમ થોડી મારાથી રૂઠશે.

અકસ્માતે એમની સ્પર્શેન્દ્રિયને લગભગ જુઠ્ઠી કરી નાખી છે. છતા હું એમની નિસ્તેજ આંગળીના ટેરવે સ્પર્શ કરી મારા હાથેથી પંપાળું છું. કદાચ એમની નાડીમાં કંપનો આછેરો સંચાર થાય.. અને… અને હું વિચારું છું..વરસાદનાં ટીપાંથી સ્થિર પાણીમાં એકાએક સળવળાટ થાય તેમ તેમના શરીરમાં ચેતના આવશે… ઊંઘના ભારને અળગો કરી બેઠાં થાશે…

હૉસ્પિટલમાં તિથિના કેલેન્ડર કે પંચાગ નથી હોતાં. છતાં કશું જ બન્યું નથી તેમ એ આળસ મરડી બારી બહાર જોતાં કહેશે ..આજે અષાઢી બીજ છે ?

અચાનક, એમનો  સહેજ જ થયેલો સળવળાટ મારી આંખ નોધે છે ! અને આટઆટલા લાં…..બા સમય પછી આવી રહેલી એમની જાગૃતિ મને કચ્છી માડુની જેમ અષાઢી બીજના નવા વર્ષની વધાઈ આપતાં કહે છે, “નયે જીવન જી વધાયું !!

વીનું મર્ચન્ટ વાર્તા ,નિબંધ સ્પર્ધા -14-રશ્મી જાગીરદાર

રાત એક વાત અનેક!

અષાઢ શબ્દ સાથે આપણે જોડકું બનાવવું હોય તો સૌથી પહેલાં કયો શબ્દ યાદ આવે? આમ જોવા જઈએ તો અષાઢ સાથે મેઘ આવી શકે,વર્ષા આવી શકે,ઘટા આવી શકે, મેઘદૂત આવે, પણ બિલકુલ બંધ બેસતો શબ્દ એટલે મારી દ્રષ્ટીએ, કાલીદાસ. કાલીદાસે મેધદૂતની રચના ન કરી હોત, અષાઢસ્ય પ્રથમ દિવસે ન  લખ્યું હોત તો ? તો કદાચ અષાઢ માસ આટલો જાણીતો ના બન્યો હોત. ઘર ઘરમાં સૌનો માનીતો ન બન્યો હોત. જુઓને બીજા બધા આપણા ગુજરાતી મહિનાઓ -કારતક, માગશર, પોષ, મહા, એ બધાના તો ક્રમવાર નામ પણ આપણને કદાચ યાદ ના આવે. અને નવી પેઢીનાં અંગ્રેજી માધ્યમનાં બાળકો અને તેમનાં  માતાપિતા તો  કોઈ કારતક કે માગશર બોલે તો ઝટ પૂછશે,”વોટ ઈઝ ધેટ?”  કાલીદાસને લીધે અષાઢ મહિનો કદાચ જગતભરમાં જાણીતો થયો છે. કાલિદાસનું અતિ પ્રસિદ્ધ કાવ્ય, મેઘદૂત એક ઉંચી કક્ષાનું શૃંગારરસથી ભરપુર કાવ્ય છે. તેમાં સૌંદર્યરસનું પણ ભરપુર પાન કરાવ્યું છે. તેનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું હોવાથી તે લોકભોગ્ય પણ બન્યું છે. જ્યારે આપણે અષાઢની વાત કરીએ કે, અષાઢી મેઘલી રાતની વાત કરીએ ત્યારે, કાલિદાસ અને મેઘદૂત શબ્દો વગર તે અધુરી લાગે. બલ્કે કહોને કાલિદાસના ઉલ્લેખ વિના અષાઢની મેઘલી રાત વિષે લખવું શક્ય જ નથી અને યોગ્ય પણ નથી. કવિ, લેખકો અને સાહિત્યકારોનો સૌથી લાડકો મહિનો પણ અષાઢ જ છે. ભાગ્યે જ કોઈ કવિ કે લેખક હશે, જેણે પોતાની અસંખ્ય રચનાઓમાંથી એકેયમાં અષાઢનો ઉલ્લેખ ના કર્યો હોય. આપણે જ્યારે, અષાઢની વાત કરીએ, અષાઢી સાંજનાં મેઘા ડમ્મરની વાત કરીએ ત્યારે, આપણા વ્હાલા રાષ્ટ્રીય શાયર, ઝવેરચંદ મેઘાણીજીને યાદ ના કરીએ તે કેમ ચાલે ? તેઓશ્રીએ રચેલા અષાઢી લોકગીતથી આપણી ગુજરાતી ભાષાને, ગુજરાતને અને ગુજરાતીઓને દેશભરમાં ઓળખ મળીછે. એ શબ્દોથી  સમૃદ્ધ અને  સ્વરોથી સજ્જ, સુરીલું ગીત ગણગણવું ખુબ ગમે તેવું છે.અને વાંચીએ કે સંભાળીએ ત્યારે પણ એ અદ્ભુત રચના એટલી જ રમ્ય લાગે છે.આ રહ્યા એના સુંદર શબ્દો-
અંબર ગાજેને મેઘા ડમ્મર ગાજે,
અષાઢી સાંજનાં અંબર ગાજે.
ગરવા ગોવાળિયાના પાવા વાગે,
પાવા વાગે ને સુતી ગોપી જાગે…અષાઢી સાંજનાં અંબર ગાજે.

અષાઢી સાંજે ગરજી ગરજીને વરસતા વરસાદને વર્ણવવા કવિએ કેવા સુંદર શબ્દોને ગીતમાં અને પ્રાસમાં અદ્ભુત રીતે વાણી લીધા છે.

અષાઢનું આગમન ખુબ રંગીલું હોય છે.એટલું બધું કે આપણને એના ઓવારણાં લેવાનું મન થઇ જાય. સમગ્ર સૃષ્ટિ જાણે નવા વાઘા ઓઢીને તૈયાર થઇ જાય છે. આછી ભૂરાશ ધારણ કરીને કાયમ એક સરખું દેખાતું આકાશ પણ કેવા તાજા કપાસના ગોટાથી શણગાર્યું હોય, તેવા વાદળોના વાઘા ઓઢી લે છે. તો વળી જોત જોતામાં એ જ વાદળો,  શ્યામ, ઘનશ્યામ રંગ ધારણ કરીને ગાજવા માંડે. મને બરોબર યાદ છે, અમે નાના હતાં ત્યારે વાદળોના જોરદાર ગગડાટથી ડરીને લપાઈ જતાં અને પુછતાં,” આ શું  થાય છે?” ત્યારે ઘરનાં વડીલો કહેતાં, એ તો ડોશીમા આકાશમાં પથ્થર ગબડાવે છે! એનો અવાજ છે. આપણને કશું ના કરે. અને અમારું નાનકડું મન ડોશીમા અને તેમના પથ્થરની કલ્પનામાં એવું ગુંથાઈ જતું કે, ગડગડાટથી ડરવાનું ય ભૂલી જતાં! અને  એક નજરે આકાશમાં તાકી રહેતાં કદાચ અમને એ ડોશીમા કે એનો પથ્થર ક્યાંય દેખાય તો!  પણ એ તો દિવસ હોય ત્યારે!
અષાઢની મેઘલી રાતની તો વાત જ અનોખી. એ રાતનો નજારો તો અદ્ભુત પણ ખરો, આહ્લ્હાદક પણ ખરો અને સાચું કહું, તો થોડો બિહામણો પણ ખરો! હં. આભલે જલધરનાં ટોળા એવાં ઉમટે કે, ચાંદલિયો છુપાઈ જાય, ટીમટીમ કરતા અગણિત તારલા ય સંતાવા મથી રહે. અને અવની ય  જાણે અંધાર ઓઢીને છુપાવાની ચેષ્ઠા કરે!  આ ટાણે દિવસ દરમ્યાન રાહ જોઇને વરસાદની રાહ તાકી રહેલા મોરલા થનગની ઉઠે, ગહેકવાની ક્રિયા આરંભે, પોતાનાં ખુબસુરત, રંગીન, પીંછા ફેલાવીને કળા કરે,  થનગાટ કરે. અને ત્યારે ધરતીના જાયા સૌ સમજી જાય કે  હવે મેઘાના આવવાનાં એંધાણ થયાં. તે સાથે જ રૂ જેવાં શ્વેત વાદળો ય ધીમે ધીમે શ્યામ રંગ ધારણ કરી લે.અને કાળા ડીબાંગ સ્વરૂપમાં પરિવર્તિત થયેલાં એ  વાદળોની વચ્ચે જ્યારે પૂર્ણ પ્રકાશિત વીજળીનો ચમકાર થાય, નભના કપાળે આપોઆપ જ તેજ લીસોટો તણાઈ જાય ત્યારે ખરેખર લાગે કે, બસ હમણાં જ વરસાદ તૂટી પડશે! પણ આતો ભાઈ વરસાદ! વરસે તો કદીક મોતી-સેર બનીને હળવે હળવે વરસે. તો વળી ક્યારેક મુશળધાર બનીને ઝડી વરસાવે! તો ક્યારેક વાવાઝોડું લઈને  ધુંઆધાર વરસે.
આવી જુદી જુદી ઘટનાઓને આપણું મન પોતાની સ્થિતિ-હાલત મુજબ  જુદી જુદી રીતે સાંકળે. કોઈ દુખિયારી કે વિરહિણીનું મન એવી ભાવનાઓથી રંગાયેલું હોય છે કે  આભ અને અવનીને જોડતી, વર્ષાની સેરને- એની જલધારને પણ તે  અંબરનાં  આંસુ રૂપે જોશે. અવનીએ ઓઢેલા અંધારપટને પોતાના જીવનમાં વ્યાપેલા અંધકાર સાથે સરખાવશે. અને નિરાશામાં ગરકાવ થઈને પોતાના જીવનને કદીય પૂરી ના થનારી રાત, અરે જેનું કોઈ સવાર નથી તેવી કારમી રાત ગણીને ગમગીન બની રહેશે.  આ  એજ ક્ષણો હોય છે જે વ્યક્તિને આપઘાત કરવા પ્રેરે છે.જો આવી નકારાત્મકતા માહોલમાં સંપૂર્ણપણે છવાઈ જાય તો ચોક્કસ કોઈ અઘટિત ઘટના ઘટી જાય.
એ જ મેઘલી રાત, એ જ ગોરંભાયેલું ગગન, એ જ વાદળના ચારણે ચળાઈને ચમકતા તારલા, એ જ અવનીએ ઓઢેલી અંધાર પટની ઓઢણી અને એ જ ચાંદલીયો. પણ જ્યાં જોનાર બદલાય, જોનારની દ્રષ્ટિ બદલાય, ત્યાં વાત કંઈ જુદી જ બની જાય. જેનું મન ખુશ હશે તેને આ જ માહોલ આનંદપ્રદ અને અતિ રમણીય લાગશે. પોતાની પ્રિયતમાને ઝંખી રહેલા કોઈ પ્રેમીને તેમાં કાલિદાસના મેઘ રૂપી દૂતના દર્શન થશે અને તે મલકાઈ ઉઠશે. પોતાનાં પરદેસી પીયુની રાહ જોઈ રહેલી નવોઢાને એ રાત એવી મસ્ત-મદહોશ કરનારી લાગશે કે, એને હૈયે હરખની હેલી  છલકાઈ ઉઠશે. તો કોઈ મનના માણીગરનાં સપનાં જોતી અલ્લડ યોવનાને એ રાત પ્રથમ મિલનનાં ઈજન સમી લાગશે. કોઈ પ્રેમી યુગલને આ આખો માહોલ પ્રેમમાં પાગલ થઈને, લાજને નેવે મુકીને એકબીજામાં ખોવાઈ જવાની ઉત્કંઠા જગાડશે . આમ અષાઢી મેઘલી રાત કોઈ માટે શીતળ જળ બનીને તરસ છીપાવનારી બની રહે છે  તો  કોઈ માટે ચારે બાજુ વરસતા પાણી વચ્ચે પણ તરસ્યા રહેવાની સજા રૂપ  બની રહે છે. એવું કેમ હશે?
શું અષાઢની મેઘલી રાત પાસે, કોઈને સુખનું વરદાન આપવાની કોઈ અલૌકિક શક્તિ હશે? કે પછી કોઈને દુઃખી થવાનો શ્રાપ આપવાની આસુરી શક્તિ હશે? લાગે છે તો એવું જ નહિ? કારણ કે એ જ અષાઢી મેઘલી રાતનો માહોલ છે જેમાં ભીનું આકાશ,ભીની ધરતી, ભીની જળધારા, ભીની હવા,ભીની માટી, ભીનું તન, ભીનું મન,અને ભીની ચાદર ઓઢીને ઉભેલી વનરાજી. આ બધું ય હોય તો એનું એજ, કિન્તુ એ  કોઈને સુંદરતા બક્ષે, કોઈને ખુશી આપે, કોઈને ઉત્સાહ અને ઉન્માદ બક્ષે, કોઈને મિલનની સોગાત બક્ષે તો કોઈને વિરહની મીઠી આગમાં તડપાવે! આવી  બધી સુખદ ઘટનાઓ પ્રાપ્ત કરનાર સદભાગી તો એ  મઝાના માહોલમાં  રમમાણ બનીને મહાલે. સુખ સાગરમાં હિલોળા લે. અને એને પોતાના જીવનની યાદગાર પળોમાં સમાવી લે. પરંતુ  એ જ અષાઢી મેઘલી રાત કોઈને માટે કેવી કારમી બની જતી હશે! જેણે પોતાનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય, પોતાનાં કોઈ વ્હાલસોયા સ્વજનને  ગંભીર માંદગી હોય, કોઈને પોતાના કારોબારમાં જબરજસ્ત મોટું નુકશાન થયું હોય, ક્યાંક જોરદાર હાર મળી હોય, જીવનમાં ક્યાંક અસફળતાનો સામનો થયો હોય.
તો શું આપણે  એમ માની  લેવું કે, સુખ અને દુઃખ જો ક્યાંય  હોય તો એ આપણી અંદર જ છે.  આપણા મનમાં જ છે. ખરેખર તો, કોઈ માહોલની, કોઈ રાતની, કોઈ વાતની,કોઈ વ્યક્તિની કે કોઈ પ્રસંગની હેસિયત એટલી બધી  હોતી જ નથી,  જે તમારા મનને દુઃખી  કરી શકે! કે પછી સુખી કરી શકે! હા તમને સુખી કરનાર,  જો કોઈ હોય તો તે માત્ર અને માત્ર,તમે જ છો, ખુદ તમે જ છો. તમે ખુદમાં વિશ્વાસ કરો  મને નથી લાગતું, કે આપણી ઈચ્છા વગર કોઈ ગમગીની આપણા મન પર છવાઈ જાય. અષાઢની મેઘલી રાત વિષે એક વાત મારે ખાસ કરવી છે. આવી મેઘલી રાત હોય, અમાસનો કે તેની આસપાસનો અંધારિયો દિવસ હોય.એવામાં કોઈ મુસાફરીએ નીકળે. પછી ભલે એ મોંઘી દાટ ફેરારી કારમાં નીકળે, ઘોડાગાડીમાં નીકળે, રિક્ષામાં  નીકળે કે પછી પગપાળા.એ મુસાફર રસ્તામાં જ હોય ને રાત પડી જાય. ચારે તરફ અમાસનું અંધારું, નભને ઢાંકતા કાળા ડીબાંગ વાદળનો અંધકાર, ઘનઘોર ઘટાના બિહામણા ઓછાયા, ધોધમાર -મુશળધારે વરસતો વાયરા સભર વરસાદ અને દુર દુર રડતાં કૂતરાનો ભય સૂચક અવાજ. આવામાં રસ્તા પર બીજું કોઈ ના હોય! ત્યારે? ત્યારે શું? અચાનક મુસાફર પોતાની ઝડપ બમણી કરી દેશે. એને એ માહોલમાંથી, એ વાતાવરણમાંથી ભાગવું છે – છૂટવું છે!  ડરના માર્યાં જ તો! અને પછી તો આપણા જ પગલાનો અવાજ પણ આપણને ડરાવશે.અને પેલો પગપાળો ચાલનારો બિચારો મુઠ્ઠી વાળીને દોડશે! પણ પેલી ફરારી કે બીજું વાહન?  એ ભગાવશે બે ફામ! આમ અષાઢની મેઘલી રાત ડરામણી તો બની જ રહેશે પણ ગોઝારા અકસ્માતનું કારણ પણ બની શકે.પણ ના, આપણે એવી રીતે ડરને  આપણા દિલ કે દિમાગ પર હાવી નથી થવા દેવાનો. ડર લાગે તો ગાના ગા. એ મુજબ આપણા અનેક કવિઓએ રચેલ અષાઢી સાંજના ગીતો, અષાઢી મેઘલી રાતના ગીતો ગાઈને ડરને અને નકારાત્મકતાને ભગાડી દેવાના છે. અને એ અષાઢ, એ મેઘલી રાત અને એમાં સર્જાયેલા મેઘા ડમ્મરના સુભગ, ત્રિવેણી સંગમને માણતાં માણતાં આપણી જીવન સફરને સરળ બનાવી પાર કરવાની છે.

વીનું મર્ચન્ટ વાર્તા નિબંધ સ્પર્ધા -૧૩-કલ્પના રઘુ -ઇનામ વિજેતા -2

અષાઢની મેઘલી રાત

‘એક બંગલા બને ન્યારા … ‘ રેડિયામાં આવતા આ ગીતનાં શબ્દો સાંભળતા અર્ધચેતન અવસ્થામાં કાચની મોટી બારી પાસે મારી પથારીમાં પડેલી હું સફાળી જાગી ગઇ … અને સાડલાનો છેડો સરખો કરતાં પરાણે બેઠી થઇ. ૭૫ વર્ષની આ રૂપાળી કાયા પર નજર કરી લાકડીના ટેકે રસોડામાં જઇ પાણીયારે માટલામાંથી પ્યાલો પાણી પીધું. મારું અર્ધજાગૃત મન હવે પૂરું જાગી ચૂક્યું હતું. ઘરમાં કોઇજ ન હતું. હું અને માત્ર હું અને મારા પ્રોફેસર! હુ જાણું છું કે એ ક્યાંક મારી આસપાસ છે. મને જોઇ રહ્યાં છે. ‘પણ પ્રોફેસર હું તમારી જ શિષ્યા. આમ હાથતાળી આપીને ચાલ્યા જાઓ … હજુ સોળ દિવસ થયાં છે, તમારે ગયે! થોડું જ છેટુ છે. ગુરુ કરતાં આ ચેલી સવાઇ નીકળશે. જોજો હું આ આવી … ‘

અને … પાંપણે આસુંઓના તોરણ સજાવી ભગવાનનાં પાઠની ચોપડીઓની થેલી લઇને હેમાબેન હિંચકે બેઠાં. તકીયે અઢેલીને જાતને હળવી કરી. અષાઢી મેઘનાં ગડગડાટમાં અને વીજળીના કડાકામાં હિંચકાનો કિચૂડ કિચૂડ અવાજ સંભળાતો બંધ થયો. ભૂતકાળનો ભૂતાવળ ઘેરી વળ્યો. ત્રણ મહિના પહેલાં અમેરીકાથી અમદાવાદ, દસ વર્ષે આવ્યાં હતા. કેવો સુંદર પરીવાર હતો?! અમે બે, અમારાં બે. બેમાંથી ચાર અને સાસુ સસરા. ચાર બેડરૂમનો આ બંગલો કલશોર કરતો હતો. મહેમાનોની અવરજવર પણ ભારે રહેતી. ‘અતિથિ દેવો ભવઃ’ મારા ઘરના સંસ્કાર હતાં. લગ્નજીવનનાં આટલાં વર્ષો સડસડાટ પસાર થઇ ગયાં. રોહન અને આર્યા, અમારા માળાનાં બે પંખીઓ જોતજોતાંમાં અમેરીકા ઊડી ગયાં. બા-બાપુજી પણ સ્વર્ગે સિધાવ્યા. બંગલો સૂનો પડી ગયો. પ્રોફેસર પણ રિટાયર્ડ થઇ ગયાં. કહે, ‘ચાલને, રોહન અને રાહી, આટલું બધું કહે છે તો ત્યાં જઇને રહીએ. અહીં આપણે બે એકલાંજ છીએ. ત્યાં બાળકો સાથે પાછલી જીન્દગીમાં મજા આવશે!’ મેં મજાક કરી, ‘કેમ? જ્યારે કોલેજમાં મને ભણાવતા હતા ત્યારે તો આપણે બન્ને એકબીજામાં ખોવાઇ જતા અને ફોન પર પણ આખી રાત વાત કરતાં. સવાર ક્યારે પડતી, ખબર જ નહોતી પડતી. ભગવાને હવે આપણને અહીં એકલા રહેવાનો સમય આપ્યો છે ત્યારે તમારે બાળકો સાથે રહેવું છે? આખી જીન્દગી મેં બધા માટે જાત ઘસી. આપણાં લવ-મેરેજ હતાં તો પણ. અને હવે આપણે બન્ને, આપણા માટે જીવીએ. શું કહો છો, પ્રોફેસર?’

જવાબમાં આર્યાનો અમેરીકાથી ફોન આવ્યો. ‘મારાં માટે તો તમે અમેરીકા ના રહ્યાં પણ રોહન, રાહી અને નાની રીતુ માટે તો આવો!’ એની પહેલી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવાની છે.’ પછી તો રોહન અને રાહીનાં આગ્રહથી બિસ્તરાં-પોટલા લઇ, ઘરને તાળા વાસી બન્ને, અમેરીકા ઉપડી ગયાં.

દીકરીનું બેબી સીટીંગ, ઘરની સંભાળ, રસોઇ, લોન્ડ્રી, બધું જ ધીમે ધીમે મેં અને પ્રોફેસરે સંભાળી લીધું. દસ વર્ષ થવાં આવ્યાં. અનેક તડકા છાંયડા જોયા. મા અને સાસુના સંસ્કારે દીકરીને ઘેર ના રહ્યાં પણ દીકરાનું ઘર પોતાનું ગણીને પરોવાયા. ક્યારેક મનને ક્લેશ થાય. ઘર છે એટલે વાસણ ખખડે પણ ખરા! પણ કર્મનાં ફળ માનીને હું અને પ્રોફેસર, એકબીજાને સાંત્વન આપીએ અને બને તો બનેલી ઘટનાને નજરઅંદાજ કરીને, હશે! ચાલ્યાં કરે કહીને હળવી બનાવીએ. પ્રોફેસરને ૮૨ અને મને ૭૫ થવાં આવ્યાં. હવે શરીર પણ સાથ નહોતું આપતું. કામ કરવાની ઝડપ પણ ઘટી ગઇ હતી. યાદશક્તિ નબળી થતી જતી. દવા લેવાનુ ભૂલાઇ જતું તો ક્યારેક હાથમાંથી વસ્તુ પડી જતી. રોહન, રાહી અને રીતુ સાથે તો ક્યારેક મારી દીકરીનાં પરિવાર સાથે આનંદમાં દિવસો જતાં. પરંતુ સુખ ક્યાં ઝાઝુ ટકે છે?

એક દિવસ રોહને કહ્યું, ‘મમ્મી-પપ્પા, હવે તમે બેનનાં ઘરે રહો તો કેવું? રાહીનાં મમ્મી-પપ્પા અહીં રહેવા માંગે છે. તેમને દીકરા સાથે નથી ફાવતુ અને આમેય માને દીકરી સાથે વધુ ફાવે!’ ઓચિંતા આ ધડાકાથી મારું અને પ્રોફેસરનું મનોજગત ધ્રુજી ઊઠયું. પ્રોફેસરને ક્યારેક તબીયતનાં પ્રશ્નો રહેતાં. તરતજ મેં વાતને હાથમાં લેતાં કહ્યું, ‘જરૂર બેટા! એમાં કંઇજ ખોટું નથી. દીકરીને ઘેર ના રહેવાય એ તો જુનવાણી વિચાર કહેવાય. પરંતુ અમે હવે અહીં રહીને મોર્ડન બની ગયા છીએ અને આર્યાનું ઘર અહીંથી નજીક તો છે! શું ફેર પડે છે, અહીં રહીએ કે ત્યાં? પરંતુ તે પહેલાં અમે અમદાવાદ જઇ આવીએ.’

બીજે જ દિવસે ત્રણ મહીનાની રીટર્ન ટીકીટ કઢાવીને અમે અમદાવાદ આવ્યાં. આર્યાની બહેનપણી મીતીએ ઘરને સાફ કરાવીને બધી વ્યવસ્થા કરી હતી. કામવાળી છોકરી સોનુ પણ અમારા માટે રાખી હતી. આંગણાંમાં છોડ વગરનાં કૂંડા હતાં. તુલસી ક્યારો સૂકાઇ ગયો હતો. બાગ વેરાન થઇ ગયો હતો. એકા હાશ! સાથે હું અને પ્રોફેસર હિંચકે બેઠાં. પ્રોફેસર કહે, ‘હેમુ, ગમે તેમ તોય આ આપણું ઘર! તારી બહુ ઇચ્છા હતીને કે બન્નેએ એકલાં રહેવું છે, માટે જ ભગવાને આ દિવસ આપ્યો.’ મેં કહ્યું, ‘પ્રોફેસર, હવે નામ ના લેતાં, અમેરીકાનું. હવે તો જેટલું જીવશું, સાથે જીવશું અને મરશું પણ સાથે. મારે જીવનમાં ક્ષણોને જીવવી છે.’

મીતી આવે છે અને ખૂટતું કરતુ આપી જાય છે. નવરાશનાં સમયે દીકરીની જેમ અમારી સંભાળ રાખે છે. હું તેની સાથે મારાં દિલની બધીજ વાતો કરું છું. તે કહેતી, ‘માસી, તમને નથી લાગતું કે રોહન અને રાહીએ આ ખોટું … ‘ અને મીતીના મોં પર હાથ મૂકીને હેમુબેન વાતને ત્યાંજ અટકાવી દે છે. પ્રોફેસર પણ આજ રીતે રહે છે. સવાર-સાંજ પાઠ-પૂજા, મિત્રોને મળવાનું, ટી. વી. જોવાનું. પ્રોફેસરની દવાનું ધ્યાન, તેમને ભાવતુ ભોજન બનાવવું અને તેમની આગળ પાછળ રહીને દરેક પ્રવૃત્તિઓ કરવી એ હેમાબેનનું જીવન બની ગયું.

અચાનક એક દિવસ, સીનીયરોના સત્સંગમાંથી આવ્યા બાદ, પ્રોફેસરે કહ્યું, ‘ચાલને હેમુ, આપણે આપણાં મૃત્યુનું રીહર્સલ કરીએ!’ હેમાબેન ધ્રૂજી ઉઠ્યાં. ‘હું રહ્યો પ્રોફેસર, આખી જીન્દગી તને શીખવાડતો આવ્યો છું. મારું ધ્યાન તુ રાખે છે. હું તારા પછી જઉં તો પ્રશ્ન જ નથી. પરંતુ પહેલાં જઉં તો તારે શું કરવાનું એ તો તને ખબર હોવી જોઇએ.’ પ્રોફેસરે બેન્ક એકાઉન્ટ, લોકર વિષે, મકાનનાં કાગળો, બીજી એફ. ડી.નાં પેપર્સ અને વીલ વિષે, બધીજ માહિતિ આપી. લોકરની ચાવીઓની જગ્યા બતાવી. પાવર ઓફ એટર્ની અને બીજા કાગળોમાં અને થોડાં કોરા કાગળોમાં સહીઓ કરી અને કરાવી. ત્યારબાદ, નોમીનેશન વિષે માહિતગાર કરી, મોબાઇલની બધી એપ શીખવાડી. મારી અને એમની બધી દવાઓનુ લીસ્ટ અને દવાઓ કેવી રીતે લેવાની તે જણાવ્યું. ડૉક્ટરોનાં અને બધી એજન્સીઓનાં, સગા-સંબંધી, મિત્રોનાં ફોન નંબરની ડાયરી અપડેટ કરાવી. મરણ પછી ડેથ-સર્ટીફીકેટ અને અન્ય દસ્તાવેજનું સમજાવ્યું. આ તમામ બાબતો લખેલો એક ચોપડો તૈયાર કર્યો. તે હું જ્યાં પણ રહું, મારી સાથે રાખવા જણાવ્યું. દરેક સાથેની લેણા-દેણી તેમજ બીલો ચૂક્તે કર્યાં.

રથયાત્રાનો દિવસ આવ્યો. આ દિવસે અમારો સવારે જગન્નાથજીના મંદિરે જવાનો નિયમ. રથયાત્રા નીકળતાં પહેલાં દર્શન કરી લઇએ. વહેલી પરોઢે અમારી બાંધેલી રીક્ષાવાળા કરશનભાઇને બોલાવ્યા હતા. તેમાં બેસીને દર્શન કરવા ગયા. ત્યાં ઘણું દાન કર્યુ. ગાયને ઘાસ ખવડાવ્યું અને મને કહે, ‘મરણ પાછળ ગાયનું દાન કરવું સારૂં.‘ કોથળીમાં ગૌમૂત્ર અને છાણ લીધું. ઘરે આવ્યા. આજે માલપૂડા, ગાંઠીયા, મગ, જાંબૂનો પ્રસાદ ખાધો હતો તેથી સોનુને રસોઇ બનાવવાની ના પાડી હતી. શાંતિથી બપોરે સૂઇ ગયા. સોનુ પણ રથયાત્રા જોવા ગઇ. અમે બન્ને શાંતિથી સંધ્યાટાણે ઉઠ્યા પણ કોણ જાણે આજ જીવને જંપ નહોતો.

પ્રોફેસર કહે, ‘સંધ્યાકાળ થઇ ગઇ છે. મૃત્યુના રીહર્સલનો છેલ્લો પાઠ આજે બતાવી દઉ. દિવસ સારો છે. અષાઢ સુદ બીજ, રથયાત્રા. વરસાદ પણ રથને પલાળીને અટકવાનુ નામ નથી લેતો. ઘરમાં કોઇ નથી તો ચાલને તને સમજાવી દઉં. એમ કહીને પ્રોફેસરે દિવાનખંડમાં ઉત્તર-દક્ષિણ છાણનો ચોકો કર્યો. ઉપર જવ-તલ, તુલસીની સળીઓ નાંખી અને હસતા હસતા ઉપર સૂઇ ગયા. મને કહે, ‘આ મારા કપડા તો કોરાજ છે. અને હા, તુ અમેરીકાથી લાવે છે, લઇ જાય છે એ આપણાં બન્નેના નવા કપડાના, સોનાની કરચ, તુલસીની માળા, તારો સુહાગણનો શણગાર, એ પોટલાં તો તૈયારજ છે ને? ચાલ હવે જો મારા મોઢામાં તુલસી પત્ર મુકવાનું અને ગંગાજળ તો પૂજામાં છે જ. અને હા … ‘

બસ, ત્યાં તો વિજળીના કડાકા સાથે લાઇટો જતી રહી અને મને કહ્યું, ‘બાજુની રૂમમાં ભગવાન પાસે હમણાં દિવો કર્યો હતો તે લઇ આવ તો કંઇ દેખાય.’ હું દિવો લઇને આવી દિવાનાં પ્રકાશમાં મને હાથ જોડીને જ્ય શ્રીકૃષ્ણ કહ્યું અને બસ … હું જમીન પર બેસી ગઇ. મુશળધાર વરસાદ, એમની બીડાયેલી આંખો જોઇ મેં પોક મૂકી, ‘પ્રોફેસર, આમ મને એકલીને મૂકીને જશો એ નહીં ચાલે … અને હું એમની છાતી પર ફસડાઇ પડી. મારો સંસાર-દીપ બૂઝાઇ ગયો. હું બેહોશ બની ગઇ.

મીતી ફોન કરતી. ફોન ના ઉપડતાં, ટોર્ચ લઇને ઘરે આવી. બીજી ચાવીથી તેણે લોક ખોલ્યું. કંઇ ન સમજાતા, પડોશીઓને ભેગા કર્યા. ડૉક્ટર બોલાવ્યા. ડૉક્ટરે ઇન્જેકશન આપી મને સ્વસ્થ કરી. હું ભાનમાં આવી. પ્રોફેસરે ભણાવેલા પાઠ મુજબ હવે મારે કાર્ય કરવાનું હતું. મારું બહારનુ શરીર કામ કરતુ રહ્યુ. મન અંદર તરફ! મારી આંખો આસપાસ મારા પતિને શોધી રહી હતી. બે દિવસમાં અમેરીકાથી દીકરા-દીકરી પરિવાર સાથે આવી ગયાં. તેમના શરીરને તેમનાં કહ્યાં પ્રમાણે સજાવીને ચિતા ભેગુ કર્યુ. દીકરા દ્વારા અંતિમ એવા અગ્નિસંસ્કાર થયા. હું રિવાજો પ્રમાણે લૌકિક ક્રિયાઓ કરતી રહી. પરંતુ મારો માંહ્યલો મરી રહ્યો હતો. ૧૩ દિવસ પરિવારમાં સૌ સાથે રહ્યા. રોકકળ, ભજન, ભોજન, વિધિ બધું પરવારીને સૌ સૌના ઘેર ગયા. પંખી ઉડી ગયા પરદેશ પણ મોટે ગામ જવા સૂતેલા એ મારી આસપાસ મારા વિચારોમાં જીવતા રહ્યા.

આજે ૧૬મો દિવસ છે. વીલની, બેન્કની તમામ વિધિ પતાવીને શાંતિથી હું બેઠી છું. મારે પતિ સાથે ક્ષણોના મહેલમાં જીવવુ હતુ પરંતુ નસીબે દરવાજો બંધ કરી દીધો. સંધ્યાકાળનો દીવો કર્યો. એવીજ અષાઢી મેઘલી રાત. ચારે બાજુ પ્રોફેસરની શીખ સંભળાય છે. પ્રોફેસર માટે ગાય આપી હતી. મને થયું વૈતરણી નદી તરીને તેમના સુધી પહોંચવા માટે મારે પણ ગૌદાન કરવુ પડશે. લાવને હું મીતીને ફોન કરીને આ વાત કરું. મેં ફોન જોડયો. ‘મીતી, બેટા, મારે કાલે ગૌદાન કરવું છે. તુ આવીશને? આજે મને કંઇ મજા નથી. પણ ચિંતા ના કરીશ. મારે વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા છે. એ સંપૂટ પૂરો થાય પછી જ હું સૂઇ જઇશ. બાય બેટા. ગુડ નાઇટ. જય શ્રીકૃષ્ણ.’

હેમાબેન હિંચકા ઉપર તકિયો અઢેલી પાઠ કરવા બેઠા. હેમાબેનના ફોને મીતીને ઉંઘવા ના દીધી. છેવટે વરસાદી રાતે તે અને તેનો પતિ, હેમાબેનને ઘેર આવ્યાં. ડોરબેલનો જવાબ ના મળતાં, બારણુ ખોલીને અંદર આવ્યાં. ઓરડો ધૂપથી સુગંધિત હતો. દિવાનખંડમાં હિંચકા પર તકિયાને અઢેલીને હેમાબેન બેઠા હતા. વિષ્ણુસહસ્ત્રની ચોપડી નીચે પડેલી. આંખ પર ચશ્મા પડુ પડુ થતા હતા. માળા પડી ગઇ હતી. બાજુમાં ચિઠ્ઠી અને ચાવીનો ઝુમખો હતો. લખ્યું હતું, ‘મારું દેહદાન કરજો. કોઇ શોક ના કરતા. હા, ગાયનું દાન કરજો. પ્રોફેસર મારી રાહ જુએ છે. અમેરીકાથી કોઇ દોડાદોડ કરીને ના આવતા. ત્યાં સુધી મીતી સંભાળશે. બધું જ ચોપડામાં લખ્યું છે, જે કબાટમાં છે.’ મોટા કડાકા સાથે જાણે ઘર પર વિજળી પડી! એક ચિર સ્તબ્ધતા છવાઇ ગઇ …!!!

વીનું મર્ચન્ટ વાર્તા -નિબંધ સ્પર્ધા-12-વૈશાલી રાડિયા

(કેટેગરી-નિબંધ)- પ્રથમ ઇનામ વિજેતા 

અષાઢી મેઘલી રાત

ઘનઘોર ઘટા મદમસ્ત છટા

ધૂપ હટા આ મેઘ જટા

તું ગરજ ગરજ તું વરસ વરસ

અંગ અંગ બસ તરસ તરસ

 

વાતાવરણમાં કુદરતી પલટો આવી જાય અને હવામાં એક માદક સુગંધ ફેલાતી જાય, મેઘના તોફાની અડપલાં થાય ત્યાં જ તરસ્યું મન થનગનવા લાગે અને પ્રકૃતિના તમામ જીવો એક અજબ સંવેદનમાં તરબતર થઇ જાય. મનગમતી ઢેલને પોતાની પાંખમાં સમાવવા મોરલો પોતાની તમામ કળાથી પોતાને નીરખતા તમામ જીવોમાં થનગનાટ ભરી દે. ગરમીથી ત્રાસેલા દરેક પ્રાણીઓનું અંગ-અંગ તરસ્યું થઇ એક ઉન્માદમાં આવી આઠ-આઠ મહીનાથી સુકાયેલા હોઠ પર પહેલા જલબુંદો ઝીલવા તૃષાતુર થઈને જળભર્યા મેઘ તરફ મીઠું સ્મિત અને સાથે મનમાં પ્રેમનું ગીત ભરી નજરુંના બાણ ચલાવે. કુંવારી અંગડાઈઓ ચાતક જેમ મેઘ સામે લટકા કરી આતુર થઇ ભીંજવી દેવા આહવાન કરે, દાદુર-પપીહા ગળું ફાડીને આનંદ વ્યક્ત કરે અને દરેક હૈયામાં ને આંખોમાં કાલિદાસનો ‘મેઘદૂત’ આવીને વસી જાય ત્યારે કેલેન્ડર જોયા વિના પ્રકૃતિપ્રેમી હૈયા સમજી જાય કે અષાઢ મહિનાના પગરણ થઈ ગયા. અષાઢી મેઘલી રાત તરફ આગળ જતાં પહેલાં એનો પૂર્વમાહોલ સમજાવતી સોહામણી સંધ્યા કેમ ભૂલાય?

પ્રકૃતિની દરેક ઋતુ એનું આગવું મહત્વ અને ખાસ સંદેશ લઇ પોતાનો પ્રવાસ કરે છે. આપણા સત્તાવીસ નક્ષત્રોના નામ પરથી આપણા દરેક ગુજરાતી મહિનાના નામ છે. જેમાં ઉત્તરાષાઢા અને પૂર્વાષાઢા નક્ષત્ર પરથી આપણા નવમા મહિના અષાઢ માસનું નામ મળેલ છે. અષાઢ માસમાં પ્રકૃતિ રંગીન બની નવા કલેવર ધારણ કરી ખીલી ઉઠે છે. તે સાથે અષાઢ માસમાં બીજના ભગવાન જગન્ન્નાથ અને ગુરૂપૂર્ણિમાના પર્વ એ ધાર્મિકતાને પણ વેગ આપે છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ તો અષાઢ માસમાં મોળાવ્રત, જયાપાર્વતી, દીવાસાનું જાગરણ, જૈનોના ચાતુર્માસ વગેરે વ્રતો આવે છે, જે આપણી હેલ્થ માટે બેસ્ટ છે. વ્રતો વધારે સ્ત્રીઓ માટે જ કેમ છે? એનું પણ એક વિજ્ઞાન છે. સ્ત્રીના શરીરની રચના કુદરતે નવસર્જન માટે પસંદ કરી છે તો એ માટે એનું શરીર બંધારણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ જરૂરી છે. પહેલાના જમાનામાં જીમ કે આજના જેવા ડાયેટીશિયન નહોતા એટલે શાસ્ત્ર સાથે જોડી ઉપવાસનું મહત્વ વણી લીધું, જેથી ધર્મના નામે પણ વિજ્ઞાન એનું કામ કરતુ રહે! અને અષાઢ માસ સાથે આ વાતનો સંદર્ભ જરા ઊંડાણથી જોઈએ તો સ્ત્રીને નવસર્જન માટે જે તંદુરસ્તી તેમજ પરિશ્રમની જરૂર પડે છે એ માટે તેમજ એ નવસર્જન પછી ચેતનવંત રહેવા અને શરીરના લચીલાપણાને જાળવવા એક પ્રકારનું ડાયેટિંગ જરૂરી છે. કેમકે આ ઋતુ કામદેવની પણ ઋતુ છે. ગર્ભધારણની આ ઋતુમાં દરેક પ્રાણી કામદેવના મોહપાશમાં સપડાયા વિના રહી નથી શકતો. તો શરીર સૌષ્ઠવ અને લચીલાપણું જળવાઈ રહે તે પરાપૂર્વથી શાસ્ત્રોમાં પણ કહેવાયું છે.

અષાઢ માસ શૃંગાર રસનો પણ સ્વામી કહી શકાય. એમાં પણ આવા અષાઢી માહોલમાં ઝવેરચંદ મેઘાણી યાદ આવ્યા વિના ના રહે, ‘અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે…માતેલા મોરલાના ટહુકા ગાજે…’ આ માતેલો શબ્દ તો મેઘાણીની કલમે જ શોભે હો! આવી આ સાંજ હોય પછી જયારે અષાઢની મેઘલી રાત જામે અને મેઘ, મલ્હાર, મયુર અને મેઘદૂત આ ચારના ચોખંડામાં જે મેઘલી માઝમ રાત ઉજાગર થાય ત્યારે એક નવી જ સૃષ્ટિ રચાતી હોય! મેઘનું કાળું ડિબાંગ સામ્રાજ્ય ચારેકોર અવનીને ભીંસી રહ્યું હોય એમ ક્યારેક વીજળીનો ચમકારો થતા જે ડરામણી રોશની જોવા મળે અને સાથે વાયરાનું તોફાન કહે મારું કામ. અષાઢની મેઘલી રાત એટલે શરૂઆતી વરસાદ જે ઘણા મહિનાઓથી તૃષાતુર ધરતીને મળવા આતુર હોય. લાંબા વિયોગ બાદ આવતી મેઘલી રાતોમાં મન મૂકીને અવનીના મિલન માટે અંબર વરસી પડે ત્યારે વૃક્ષો સંગીતમય બની ડોલી ઊઠે, વાયરા સુસવાટા મારી આનંદ પ્રગટ કરે, વિજળીરાણી ચમકી-ચમકીને જાણે આ નાચતી સૃષ્ટિમાં તેજ લીસોટા કરી ડાન્સિંગ ફ્લોર પર લાઇટીંગ કરતી હોય એમ આવ-જા કરે જેના અજવાશે કોઈ મુગ્ધા યૌવનાને સપના ફૂટે અને કોઈ વિરહી હૈયા આ અષાઢી મેઘલી રાતનું સૌદર્ય જોતાં-જોતાં એકમેકના વિજોગમાં એ મેઘલી રાતે કાલિદાસના યક્ષની જેમ તડપીને રાતો ઉજાગરો વેઠે. અને યુગલો આ મેઘલી રાતનું સૌંદર્ય જોવાને બદલે ફક્ત કાનથી માણે અને મખમલી રજાઈ અને મનગમતી મખમલી હૂંફમાં મલ્હાર રાગીણી સાથે એક થઈને મસ્તીમાં ખોવાઈ જાય.

અષાઢી રાત એનું રૂપ બતાવે અને ગરમીથી ત્રાસેલા સજીવો  છૂટકારા સાથે શીતલ અને સુંવાળી રાતની મીઠી ઘેનભરી અને સુખભરી રાતની આગોશમાં લપેટાઈ જાણે મહિનાઓનો થાક ઉતારે! મેઘલી રાતને માણતા પહેલાં એની પૂર્વતૈયારી હોય તેમ અષાઢી ભીની સાંજ  અને ભજીયા સાથે અષાઢી મેઘધારામાં ભીંજાઈને રોમ-રોમ પુલકિત કરવાનો અવસર તો કોઈ જડભરત જ ચૂકી શકે! અષાઢી રાતના સોણલા સજાવતા પહેલા અષાઢી મેઘલી સાંજના આછા ઉજાશમાં કાળા ડિબાંગ મેઘની સવારીમાં મહાલવાનો રોમાંચ વરસાદના દેવ ઇન્દ્રને પણ કદાચ દુર્લભ હોતો હશે એવું મને તો લાગે! આ મોસમ પણ કેવી! તમે પ્રેમિકા કે પત્ની સાથે જાહેરમાં સ્નાન કરી શકો અને ઉર્મિઓને અષાઢી જલબુંદોના સ્પર્શમાં ભીંજવીને ગુલાબી થઇ શકો! અને આવનારી મેઘલી રાત માટે રોમેન્ટિક થઇ શકો.

રાત પડે ને ચારે તરફ પવન સાથે પાણીનો ફરફરાટ અને સરસરાટ. જ્યાં નજર કરો ત્યાં બસ નહાતા રસ્તા અને વરસતા આભ અને તરસતી ધરતીનું મિલન! આભ અને ધરતી એકાકાર થઇ મિલનની મસ્તીમાં મલ્હાર સંગ થીરકતા કોઈ સમાધિમાં લીન થઇ એકમેકમાં ઓતપ્રોત થતાં લાંબા વિરહને ચૂર-ચૂર કરતા દેખાય! એ મેઘલી રાતે એને કોઈની તમા ના હોય અને કોઈ સજીવો પણ જાણે એ મિલનમાં ખલેલ પાડવા માંગતા ના હોય એમ ઝમઝમ રાત અંધકારમાં પણ એક આગવું સૌંદર્ય લઇ વહેતી રહે અને જલધારા થકી મેઘ એની વિરહી પ્રિયા અવનીને ચૂમતો રહે અને અવની ઘૂંટડે ઘૂંટડે એ પ્રેમરસનું પાન કરતી રહે અને તૃપ્ત થઇ સૂકાં હૈયાને ભીંજવી નવી લીલીછમ કૂંપળો કોરવા માટે પોતાની ગોદમાં એ પ્રેમધારા ઝીલતી રહે! પિયુમિલનના આગમને હરિયાળી ઓઢણીમાં સોળે શણગાર સજવાના ઉન્માદમાં અવની લાંબા વિરહ બાદ અષાઢી મેઘલી રાતમાં એવી લાગે જાણે કોઈ નવવધુ પ્રથમ મિલનની મસ્તી માણી રહી હોય!

અષાઢ માસ આદાન એટલે કે આપવાનો મહિનો છે. આ માસમાં તમે કોઈને જે આપશો એ કુદરત તમને દસગણું કરીને પાછું આપશે એમ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે. તો અષાઢસ્ય પ્રથમ દિવસે… રેઈનકોટ, છત્રી, ગમશુઝ બધું ફગાવીને એ મેઘલી સાંજે આપણા જીવનમાં રહેલી આપણી અતિ પ્રિય વ્યક્તિને એને ગમતું કશુંક અણમોલ આપીએ તેમજ આપણી સાથે જોડાયેલા પૃથ્વીના કોઈ પણ સજીવોને આનંદ સાથે શાંતિની ભેટ આપી શકીએ તો કુદરત દસગણું કરીને એ રીટર્ન ગીફ્ટ આપે ત્યારે વિશ્વની એ મેઘલી રાતનું સૌંદર્ય કેવું સોળે કળાએ ખીલે ઉઠે? એક એવી નિર્જીવ વસ્તુ પણ છે જે આ મેઘલી રાતમાં સજીવ લાગી શકે! તમને થશે કે આ લખવાવાળાને અષાઢનો નશો ચડ્યો કે શું? પણ વિચારો, તમે ક્યારેય અનુભવ્યું કે નિર્જીવ ભીંતો આ મેઘલી રાતે ભીંજાઈ ત્યારે કેવી શીતલ બની જાય છે? તપ્ત ભીંતો અને તૃપ્ત ભીંતો આપણે બધાએ જોઈ છે. તૃપ્તાથી એનો પણ રંગ બદલાઈ જાય છે અને સદ્યસ્નાતા ભીંતો પણ કોઈ નવવધુ જેમ પોતાના પિયુ પાસે ધીમે-ધીમે એક-એક આવરણ હટાવતી જાય તેમ એ પોતાના પોપડા ખેરવતી જાય અને નવા શણગાર સજવા કોઈ માનુની જેમ જીદે ચડતી હોય એમ લાગે! જો નિર્જીવ વસ્તુને મેઘલી રાતની આવી મસ્તી ચડે તો સજીવોનું તો પૂછવું જ શું? સાથે ભીંતોમાં અફળાતા વ્રુક્ષો ડોલતાં-ડોલતાં એ મદભરી રાતોમાં એના કાનમાં સુંવાળું પીંછું ફેરવતા હોય એમ મીઠો સ્પર્શ આપે અને ગણગણતા હોય એમ લાગે કે.. લે, તારા પિયુ સાથે મન ભરીને ભીંજાઈ લે..હું છું ને! કોઈ નહિ જોવે તમને! વ્રુક્ષોનો આ મીઠો છાંયડો આપવાની અને કોઈ પણ પરિસ્થિતિમાં મદદરૂપ થવાની ભાવના મનુષ્યો સમજી જાય તો?! તો સારું, નહિ તો શેષ જીવનમાં આવી મેઘલી, મસ્તીભરી, પ્રેમ અને પ્રાણને પોષનારી અષાઢી મેઘલી રાતો કેટલીક આવશે કહો જોઈએ?  

અષાઢી મેઘલી રાતની રૂપાળી વાતો ને રંગીન કલ્પનાઓની વાતો તો ખૂટશે જ નહિ. આપણા ગીતોમાં પણ મન મૂકીને એ મળશે. એક ઝલક.., વા વાયા ને વાદળ ઉમટ્યા… દ્વારા આ મોસમમાં ગોપીઓ શ્યામને આવકારે એ ભાવ કેવો ભવ્ય! મેઘાણીની અષાઢી સાંજના અંબર ગાજેમાં..વીરાની વાડીમાં અમૃત રેલે ને ભાભી ઝરમર ઝાલે.. અહાહા..ઘનઘોર ઝરે ચહું ઓર મોર બની થનગાટ કરે મન… કે પછી હિન્દી ફિલ્મ ગીતો… સાવન આયા ઝૂમકે…બરસો રે મેઘા મેઘા કહી પુકારતી સુંદર શ્રેયા ઘોસાલ…એક લડકી ભીગી ભાગી સી…કોઈ મુગ્ધ કન્યા પર રચાયેલી રચના. દરેક ગીત બનતા પહેલા અષાઢી મેઘલી રાતના અનુભવમાંથી પસાર થયું જ હશે ને!

મેઘલી રાતની રોમેન્ટિક વાતોથી કોઈ ધરાવાનું નથી. પણ આપણે મેઘલી રાતની વાત માંડીને બેઠા જ છીએ એટલે બધા સ્વરૂપના દર્શન કરીએ ત્યારે જ એ રાતના બધા રાઝ જાણી શકીએ. જેમ અષાઢ માસમાં ચાર માસ માટે ભગવાન પોઢી જાય છે અને આપણે દેવઉઠી એકાદશી ઉજવીએ અને ભગવાનના એક જ દિવસમાં બધા પહોરના સ્વરૂપના દર્શન કરીએ તેમ અષાઢની મેઘલી રાતના પણ ઘણા સ્વરૂપ હોય છે. કચ્છી માળુ માટે નવા વર્ષનો આનંદ તો અષાઢની ભડલીના વર્તારા પર જીવતા કિસાનોણી ખુશી જેના થકી ભારત દેશની ભોમકા સમૃદ્ધત્વને વરે છે. ત્યારે એમના માટે અષાઢની મેઘલી રાત ફક્ત રોમાન્સ નથી પણ વર્ષ આખાની જીવાદોરી છે. એમના માટે એ મેઘલી રાત ઉપર સુખ કે દુ:ખના એક વર્ષના લેખાં-જોખાં હોય છે. વધુ વરસાદ કે પ્રમાણસર વરસાદ એના પાકને લહેરાતો કરવા માટે ઘણી અસર કરે છે એટલે એમના માટે અષાઢી મેઘો એ પ્રાણપ્રિય સાથે પ્રાણપૂરક પણ છે. અષાઢની મેઘલી રાતો પર એનું આખું વર્ષ મદાર રાખે છે એટલે એની નજરે એ રાતો કેવી હોય એ જોવા તો ખેડૂના ઘરે જન્મ લઈએ ત્યારે સમજાય! એ કોઈ પુસ્તક કે કોમ્પ્યુટર પર આંગળીઓ ઘૂમાવી કે ગુગલમાં જોયે ના સમજાય! શહેરી મુગ્ધા અને આપણી ભારતીય ગ્રામ્ય મુગ્ધા બન્ને માટે અષાઢની મેઘલી રાતનું સૌંદર્ય અલગ ભાવ સાથે ઊભરે છે. કોઈ કાફેના કાચમાંથી કોફીના મગમાં ચૂસકી લેતાં કોઈ ગમતી વ્યક્તિ સાથે એ રાતનું સૌંદર્ય માણવું અને વાવેલા બીજવાળા ખેતરમાં આંખો પર છાજલી કરીને મુગ્ધતાથી મેઘને આહવાન આપી રાતે ઘાઘરો વાળી ખેતરમાં પાણી વાળતાં એ ભીનાશને માણવી એ બન્ને યૌવના માટે અષાઢી મેઘલી રાતનું સૌંદર્ય પોત-પોતાના દિલમાં છે. એક જ રાત, એક જ વરસાદ, એક જ અષાઢ, પણ તરસ અલગ એ છે મેઘલી રાતની અનોખી વાત.

એક વર્ગ એવો પણ છે જેને માટે અષાઢી રાતનો મેઘ આફત લાવે છે. એમને રોમાન્સ કે કાલિદાસના મેઘદૂત કે ભજીયા સાથે નિસ્બત નથી. એમને અષાઢી મેઘલી રાતે પોતાના પરિવાર અને બાળકોને છતમાંથી ટપકતા પાણીમાં કેમ સુવાડવા અને વરસાદની રાતે ઘરમાં પૂરાઈ રહેવાથી કામ વિના બીજા દિવસનો પેટનો ખાડો કેમ પૂરવો એ સમસ્યા મોટી લાગે છે. પાણી તો એમને પણ જોઈએ છે પણ એમને મેઘલી રાત વધુ સતાવે છે. મેઘો મહેર કરે ત્યાં સુધી વાંધો નથી પણ જો મેઘો કહેર કરે તો કાચા ઝૂંપડાની ભીની દીવાલો અને ટપકતી છતમાંથી એમને એ મેઘો કેવો લાગે એ રાતની વાત એમના મેઘલી રાતના ઉજાગરામાં એમની આંખોના એક અજાણ્યા ભયમાં ડોકાતી હોય છે! સાથે એના જેવા ફૂટપાથ પર રહેનારા અને સોનારા માટે તો મેઘલી રાતો ફક્ત ભીનો અંધકાર નહિ, ભીના શરીર સાથે આંખોમાં અષાઢ માસમાં જ સાથે શ્રાવણ ભાદરવો પણ લાવી દે છે!

અસમાનતા તો રહેવાની જ, પણ એ માટે ઉદાસ થઇ અષાઢનો રોમાન્સ અને મજા કાલિદાસના યક્ષની જેમ વિરહના ગીતોમાં મેઘ સંદેશમાં વહાવવાની જરૂર નથી. પણ મેઘલી રાતે જેમ વીજનો ઝબકાર થાય તેમ એ અંધારી રાતમાં એક પ્રકાશ પાથરીએ કે આપણા રોમાન્સ સાથે અન્યનો વિચાર કરી ક્યાંક વ્રુક્ષોને ખીલવામાં ભળીએ અને કાપવામાં નડીએ! ક્યાંક કોઈ ભૂખ્યા પેટ માટે ભોજન કે કોઈના ઝૂંપડાના અંધારા માટે એક નાનો દિપક બની શકીએ તો અષાઢી મેઘલી રાતનો અંધકાર પણ ક્યાંક રોશન કરી શકીએ, કદાચ!

અષાઢી મેઘ ને મેઘલી રાત

અધૂરા-પૂરા રોમાન્સની રોમેન્ટિક વાત

પ્રકૃતિ, પ્રાણ અને પ્રકાશની જાત

સમજો તો પાડજો ક્યાંક અનોખી અષાઢી ભાત!

 

 

વીનુ મર્ચંટ વાર્તા સ્પર્ધા- અષાઢી મેઘલી રાત-૧૧

હીરાબા ભર ઊંઘમાંથી એકદમ જાગી ગયા,બહુ જ ખરાબ સપનુ જોયું હતુ. આખું શરીર પરસેવે રેબઝેબ હતું. પાસે પડેલ લોટામાંથી થોડું પાણી પીધું અને હાશકારો અનુભવ્યો કે હાશ! આતો સપનું હતું. બારીનો પડદો ખસેડીને જોયું તો ગયા શનિવારથી શરુ થયેલ અષાઢી વરસાદની હેલી બંધ થવાનું નામ નહોતી  લેતી. બંગલાના કંપાઉંડમાં ભરાયેલ દેડકાનો ડ્રાંઉ ડ્રાંઉ અવાજ અને વરસતા વરસાદથી બચવા જગ્યા શોધતા ભસતાં  કૂતરાનો અવાજ હીરાબાને દેડકાં અને કૂતરાં રડી રહ્યા હોય તેવો ભાસતો હતો. અરે સાત દિવસના વરસાદથી નમી ગયેલ ઝાડ પરથી પડતા પાણી પણ તેમના સપનાની સાક્ષી રુપે બાને ઝાડ રડતાં હોય એવુ લાગતું હતું .આ અમાસની અષાઢી મેઘલી રાતમાં ચંદ્ર કાળા ભમ્મર વાદળોની વચ્ચે છુપાઈ ગયો હતો અને આકાશમાં એકપણ ચમકીલો તારો દેખાતો નહોતો .આખી સૃષ્ટિ બાના મનના ગભરાટનું પ્રતિબિંબ બની ગઈ હતી. દિકરી પ્રતિક્ષા ને નવ મહિના પૂરા થઈ ગયા હતાં .ગઈકાલ સાંજથી તેની તબિયત ઢીલી હતી.આની આગળની ડિલિવરીમાં ટવીન્સ આવીને તરત ગુજરી ગયા હતાં .તેને ત્રણ દીકરીઓ તો હતી જ શ્રીયા દસ વર્ષની,પ્રિયા સાત વર્ષની ને રીયા ચાર વર્ષની અને દીકરીઓ તેને જાનથી પણ વધારે વ્હાલી હતી પણ કોણ જાણે કેમ ડાહી અને સમજુ પ્રતિક્ષાને દિકરો તો જોઈતો જ હતો. એ ૧૯૭૦ના જમાનામાં દીકરા ને દીકરીમાં સમાજમાં ખૂબ ભેદ હતો. ભાઈ નહી હોય તો મારી દીકરીઓને પિયરવાટ બંધ થઈ જશે. સસરાની કરોડો રુપિયાની મિલકત જેઠના દીકરાઓને સસરા આપી દેશે .આમ ઘર અને સમાજના દબાવ હેઠળ આવી પ્રતિક્ષા એક પછી એક બાળક ને જન્મ આપતી રહી.આ એની પાંચમી ડીલીવરી હતી અને તબિયત જરા નરમગરમ જ રહેતી હતી. હીરાબાને મન એમ હતું કે આ અમાસની કાળી ભારે રાત નીકળી જાય તો સારું પણ ત્યાં તો ટેલિફોનની ધંટડી વાગી. બાને અમાસ નહોતી જોઈતી પણ “વહી હોતા હૈ જો મંજૂરે ખૂદા હોતા હૈ”

બા એ ફોન ઉઠાવ્યો અને સામે છેડેથી પ્રતિક્ષાના પતિ પ્રદીપે કીધું ”બા પ્રતિક્ષાને લઈને દવાખાને પહોંચુ છું તમે સીધા ત્યાં આવી જાવ. દવાખાને જતાં પહેલા પ્રતિક્ષાએ દીકરીઓના માથે ચુમી ભરી ઓઢવાના સરખા ઓઢાડયા .ડિલિવરી પછી દવાખાનેથી સીધી બા ને ત્યાં જવાની હોવાથી પ્રદીપ પર સૂચનાઓ નો વરસાદ વરસાવી દીધો અને વચ્ચે વચ્ચે આવતા દરદના દુઃખના સિસકારા સાથે બોલી” જો દીપ કાલથી કલબ જવાનું બંધ ,મારી દીકરીઓ સ્કૂલેથી આવે એટલે તૈયાર કરી મારી પાસે લઈ આવજે, મારી રાજકુંવરીઓનું  મોં જોયા વગર મારો દિવસ જશે નહીં”.નાની રીયા જરા જિદ્દી હતી એટલે પ્રતિક્ષાએ તેના માટે ખાસ સૂચવ્યું “જો રીયુ સાથે સમજાવીને કામ લેજે  એને જરા પણ રડાવીશ નહી,બેચાર દિવસનો જ સવાલ છે હું દવાખાનેથી ઘેર જાઉં પછી તો બાના ઘેર મારી પાસે જ આવી જશે”.આમ વાત કરતા ગાડીમાં બેસી દવાખાને પહોંચતા તો દરદ તડામાર આવવા લાગ્યું .દવાખાને પહોંચ્યા ત્યાં ડ્રાઈવર બાને લઈને આવી ગયો હતો. બાની અનુભવી આંખો એ જોઈ લીધુ હતું કે દર સેંકડે આવતા દરદમાં મિનિટોમાં જ ડિલિવરી થઈ જશે એટલે તે પ્રતિક્ષાનો હાથ પકડી તેને લેબર રુમમા મૂકી આવ્યા.”મારી દિકરી ને આવખતે દિકરો દેજે મારા વ્હાલા” એમ ભગવાન ને પ્રાર્થના કરતા વેઈટિંગ રુમમાં ઉચાટ ભર્યા ચિત્તથી આંટા મારતા રહ્યા .બાના ચિત્તમાં જે ચિંતા ને બેચેની હતી તેમાં આ અષાઢી મેઘલી અમાસની રાતના જોરદાર વીજળીના કડાકા અને વાદળોના ગડગડાહટથી થતાં બોમ્બના ભડાકા જેવા કાન ફાડી નાંખતા અવાજો વધારો કરી રહ્યા હતાં .બા ના સરવા કાનને તો આ અવાજ વચ્ચે પણ બાળકના રડવાનો અવાજ સાંભળવો હતો. ઓપરેશન થિયેટરમાં ચાર પાંચ નર્સો ઝડપથી અંદર બહાર કરવા લાગી. બા જરા ગભરાયા,બા  નર્સ અંદર ગઈ એટલે થિયેટરના બારણે કાન દઈને અંદરની પરિસ્થિતીનો તાગ કાઢવા મથ્યા ત્યાં તો એક વીજળીનો જોરદાર ચમકારો થયો અમાસના અંધારાને ચીરીને એક સેંકડ માટે પૃથ્વી પર સફેદ વાદળી ઝાંયવાળો પ્રકાશ રેલાઈ ઓલવાઈ ગયો.આ સાથે જ બાએ બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો ને હાશ મારી દિકરી છૂટી થઈ તેનો હાશકારો અનુભવ્યો અને થોડીવારમાં તો એક નર્સ બહાર આવી અને

“બા પેંડા ખવડાવો તમારા ઘેર દિકરો આવ્યો છે” ના આનંદના સમાચાર આપ્યા.બા ની ખુશીનો પાર ન  રહ્યો.બા એ ખુશી સાથે બટવામાંથી  સો ની નોટ કાઢી તેને આપી ને પૂછ્યું “મને કયારે મા દિકરાને મળવા દેશે?”બા થોડીવારમાં બોલાવું કહી નર્સ અંદર ગઇ. પ્રદીપ દવાખાનાના વરંડામાં આંટા મારતો હતો.  બા એ ખૂબ ઉત્સાહ સાથે તેને દિકરાના સમાચાર આપ્યા અને પ્રતિક્ષાને રૂમમાં લાવે ત્યાં સુધીમાં દવાખાનાની પાસે જ આવેલ તેના ઘેર જઈને દિકરો આવ્યાના સમાચાર બધાને આપવા અને ચા ને સૂંઠ,સવાનું પાણી લઈ પાછા આવવા કીધું .
દિકરાને નવડાવીને નર્સે બા ના હાથમાં મૂકયો. પ્રતિક્ષાએ પૂછયું “બા બાબો કોના જેવો લાગે છે? મારો રણછોડજીના મંદિર માં થાળ કરજે” આટલું બોલતાં બોલતાં તો તેને પરસેવો થઈ ગયો. શ્વાસ ફૂલવા લાગ્યો. બાબાને નર્સને આપી બા પ્રતિક્ષાને કપાળે હાથ ફેરવવા ગયા ત્યાં તો તેનું શરીર સાવ ઠંડુંગાર,પરસેવે રેબઝેબ તેના ઉપર નીચે ઓઢેલ ચાદર ને કપડાં લોહીથી લદબદ!!! બાએ સાથે લાવેલ સાડલો ઓઢાડી તરત ડોકટર ને નર્સને બોલાવવા બૂમાબૂમ કરી મૂકી. ડોકટર  અને નર્સોએ ઓક્સિજન ,લોહી બંધ થવાના ઈંજેક્શન સાથે ગ્લુકોઝ અને લોહીના બાટલા ચડાવવા માંડ્યા .બીજા બે ત્રણ વધુ નિષ્ણાત ડોકટરોને બોલાવ્યા. બધા એ મળી ખૂબ મહેનત કર પણ લોહીનો અસ્ખલિત પ્રવાહ બંધ ન થયો .ગર્ભાશયનું હેમરેજ થઈ ગયું હતું. ડોક્ટરના બધાજ પ્રયત્ન નાકામ રહ્યા .હજુ તો સાસરાને પિયરના વિશાળ કુંટુંબીજનો ને પ્રદીપે દિકરાના જન્મના આનંદના સમાચાર આપ્યા હતા. બંને પરિવારના લોકો આ આનંદનો ઉત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં તો પ્રતિક્ષા બધાને પ્રતીક્ષા કરતાં છોડીને ચાલી ગઈ.  હા ,હીરાબાનું બિહામણું સપનું સાચુ પડી ગયું.

નવજાત દિકરાએ તો હજી માની કૂખમાં રહી સાંભળેલ માના હ્રદયના ધડકારા સાંભળવાની આદત નહોતી છોડી, હમણાં જ તેની નાડ કાપી હતી તેનું લોહી પણ સૂકાયું નહોતું ,માના  ધાવણનો સ્વાદ દીકરાએ નહોતો ચાખ્યો ને મા તેને નોંધારો મૂકી ને આ ફાની દુનિયા છોડી ચાલી ગઈ.હમણાં જ બોલતી ચાલતી પ્રતિક્ષા હવે શબ બની ગઈ  હતી.  હીરાબાની લાડકી ચાર માસૂમને મૂકીને દુનિયા છોડી ગઈ હતી.હીરાબાના માથે આભ તૂટી પડ્યું હતું. પ્રતિક્ષાના મૃતદેહને તૈયાર કરી હીરાબાના વિશાળ ડ્રોઈંગ રૂમમાં લાવ્યા હતા. હૈયાફાટ રુદન કરતાં કરતાં ચારે ભાભીઓએ વ્હાલી નણંદને સૌભાગ્યના સોળે શણગારથી  સજાવી હતી. વહી ગયેલા લોહી ને  તાજી ડિલિવરીને લીધે મોં પરના સોજાને લીધે તેનો ગોરો ચહેરો વધુ ગોરો ને ગોળમટોળ લાગતો હતો. કાળા વાંકડીયા વાળ,કપાળમાં મોટો ચાંલ્લો, કંકુ ભરેલ સેંથો ને તેમાં લાલ જડતર મોતીની લટકતી દામણી અને તેને જ મેચીંગ અણીયાળા નાક પર શોભતી નથ. ……જરકશી રુપેરી તોઈની બોર્ડરને સાચા ચળકતા બાદલા ભરેલ લાલ ગવનમાં ચિરનિદ્રામાં પોઢેલ  પ્રતિક્ષા જાણે હમણાં ઊભી થઈને બોલશે તેમ તેના છેલ્લા દર્શન કરવા આવતા દરેક આપ્તજન આંસુ ભરેલી આંખે ને ભારે હ્રદયે વિચારતા હતા……..બહોળો સાસરી અને પિયરનો પરિવાર ઘર કંપાઉંડ અને રસ્તા પર સમાતો નહતો.

રૂઆબદાર, મિલમાલીક પ્રતિક્ષાના સસરા વ્હાલસોયી દિકરી જેવી પુત્રવધુને ગુમાવી બેબસ થઈ ગયા હતાં. ભાઈઓ ,બહેનો ભાભીઓ ,જેઠાણી બધાં માથા પછાડી આક્રંદ કરતા હતા. કોણ કોને આશ્વાસન આપે? પ્રતિક્ષા એવી હોશિયાર ,પરગજુ અને સાલસ સ્વભાવની હતી કે દરેક ના હ્રદયમાં તેનું આગવું સ્થાન હતું .પ્રદીપ તો પકડાયો પકડાતો નહતો. પ્રતિક્ષાના બેજાન શરીર ને ચુમતો ને નજીરવી શકાય તેવા દુઃખથી પ્રેમાલાપ કરતા પ્રદીપના વેણ વજ્ જેવી છાતીવાળા પુરુષોને પણ રડાવી દે તેવા હતા. અરે! પેલી ફૂલ જેવી ત્રણ દિકરીઓ તો સાવ હતપ્રભ બની ગઈ હતી.ભાઈને દવાખાનેથી લઈને મા આવવાની હતી ને તેને કયાં લઈ જાય છે???  ‘દિકરો તો જોઈએ જ’-   એ જિદ્દે  ત્રણ દીકરીઓ ને દિકરાને નોંધારા ને નમાયા છોડી મા ચાલી ગઈ…………..

આજે એ જ અમાસની અષાઢી મેઘલી રાત છે.આજે પ્રતિક્ષાની  પિસ્તાલીસમી વર્સી છે. શ્રીયાની દુબઈના દરિયા કિનારાની વિશાળ વિલાના પોર્ચમાં ત્રણે બહેનનો અને મામા-મામી  પૂજા ને પ્રાર્થના કરીને બેઠા છે. મા ના ફોટા સામે જોઈને મામી ને કહેછે, ”ભગવાન બધું કરજો પણ નાની ઉંમરમાં કોઈની મા ન મરજો .જેની
મા મરે એને દસે દિશાના વાયરા જીવનમાં વેઠવા પડે છે.જીવનની હરેક પળે સુખમાં ને દુઃખમાં મા ના અખૂટ,અણમોલ પ્રેમની ખોટ અમારા બાલ મનને ઝંઝોડી નાંખતી હતી.માનો કોઈ પર્યાય નથી.અમે સ્કૂલેથી પાછા ફરીએ તો કોઈ ઝાંપે અમારી રાહ જોવાવાળુ નહોતું. તમને શું ભાવે છે? આજે કેમ ભૂખ નથી? એવું કોઈએ પૂછયું નથી.નાસ્તાના ડબ્બામાં માના હાથના ઢેબરા,સુખડી કે પુરી ખાધા નથી. કેન્ટીનના સમોસાથી પેટ ભર્યા છે.યૌવનની મુગ્ધાવસ્થામાં પિરીયડ,સેકસ અને પહેલા પ્રેમની મુંઝવણમાં માના પ્રેમ ને હૂંફ ભરેલ ખોળા ને યાદ કરી રાતોની રાતો રડયા છીએ. રીયુ જેને ખૂબ પ્રેમની જરુર હતી ને તેના પ્રેમ વિહીન વિતેલ બાળપણથી
સર્જાયેલ તેની મન:સ્થિતીનુ વર્ણન કરવું મુશ્કેલ છે. ત્રીસ ને ચાલીસની ઉંમરે દેખાવડી,હોશિયાર અને શ્રીમંત પ્રિયા ને રીયાએ જાતે જ સમાધાન કરી લગ્ન કરવા પડયા હતા. સાસરાના સુખ દુઃખના વાતના વિસામા પણ મા વગર કોને કહે? “ આમ  હરેક પળે માના પ્રેમ વગર વલખતી દીકરીઓની આંસુ ભરી આપવીતી અમાસની અષાઢી મેઘલી રાત કરતાં પણ વધુ કાજલઘેરી હતી…………

 

વીનું મર્ચન્ટ વાર્તા સ્પર્ધા-10-નિશા શાહ

અષાઢી મેઘલી રાતે

મનુષ્ય જીવન અનેક ઘટનાઓથી ભરપૂર ઘટમાળ જેવું છેઃ પ્રારંભ થી અંત સુધી અનેક ઘટનાઓ પ્રશંગો જીવન માં બનતાં જ  રહે છે જે પોતાની સારી નરસી અમીટ છાપ વ્યક્તિ ના મન પર છોડી જાય છેઃ આવી જ કેટલીક અવિષમરણીય યાદ કે ઘટના જે કહો તે મારા આંતર મન માં છૂપાયેલી છે જેમાંથી એ અષાઢી મેઘલી રાત ને તો હું કેમ વિષરું ?પપ્પાજી ની સરકારી નોકરી હોવાથી રાજ્ય માં ક્યાંય પણ બદલી થતી.એ રીતે અમે એક નાનકડા ગામ કલમસર  માં રહેતા હતા.પપ્પાજી ડૉક્ટર હોવાથી આસપાસ દૂર સુદૂર થી પણ દર્દીઓ એમની પાસે ઉપચાર હેતુ આવતા. વળી પપ્પાજી નો સ્વભાવ પણ એટલો બધો માયાળુ ને સેવાભાવી હતો કે દરેક દર્ર્દી એમની પાસે આવી અમારા ઘરનો સદસ્ય જ બની જતો ને સંબંધો નો સેતુ આપોઆપ જ રચાઈ જતો

એ રથયાત્રા નો દિવસ હતો એવા જ અમારા એક સંબંધી ને ત્યાં એમના પુત્ર ના મુંડન પ્રસંગે જવાનું હતું એમનું ગામ આમતો અમારા ગામ થી ચારેક ગાઉ દૂર હતું આજથી પચાશ વર્ષ પહેલા તો અંતરિયાળ ગામોમાં વાહન વ્યવહાર ની વ્યવસ્થા જ ક્યાં હતી ? એટલે આટલું  ચાલવું તો સામાન્ય લેખાતું આવી પગપાળી યાત્રા માં સૂના રસ્તા ,કેડીઓ ,ઝરણાઓ વગેરે તો વટાવવાં જ પડતા પણ ત્યારે બીક જેવો શબ્દ કદાચ અમારાં શબ્દકોશ માં હતો જ નહીં।

  બે એક કલાક બાદ તો યજમાન ને ત્યાં પહોંચી ગયા.પ્રસંગ ખુબ જ સરસ રીતૅ માણ્યો ,ખાધું પીધું  મજાની મહેમાનગતિ માણી પાપાજી ડૉક્ટર હોવાથી અમને સૌને માનપાન પણ વિશેષ મળતાં અમે બધા અમારા રવિવાર ની રજા નો ભરપૂર આનંદ માણતા હતા બપોર પછી જરાક સૂર્ય ઢળતાં જ અમે સૌની વિદાય લઈ ઘેર જવા નીકળી પડ્યા

હજી તો માત્ર અડધો કલાક એકાદ ગાઉ જેટલું જ અંતર કાપ્યું હશે ત્યાં તો કોણ જાણે પવને એકદમ ગતિ પકડી અતિ વેગ થી ફૂંકાવા લાગ્યો ખુલ્લા આકાશ માં એકાએક ઘનઘોર વાદળો ધસી આવ્યા ક્ષિતિજ માં થી ધીરે ધીરે પોતાનો રથ ઉતારતાં  સૂર્ય દેવતા જાણે ઘનશ્યામ વાદળો ની પાછળ અદ્રશ્ય થઇ ગયા ચોતરફ એકમેક  સામે ધસી આવતા વાદળો ની ભયાનક ગડગડાટી ઓ થી વાતાવરણ ગુંજવા લાગ્યું અને હજી  તો કંઈ સમજીયે કે વિચારીએ ત્યાં તો ધોધમાર ,મૂશળધાર વરસાદે સમગ્ર શૃષ્ટિ  ને ઘેરી લીધી હવે ચોતરફ અંધકાર પણ વ્યાપ્ત થવા  લાગ્યો અમે સૌ ખુબ મૂંઝાઈ ગયાં ના પાછાં જવાય કે ના આગળ વધાય વીજળી ના તેજ કડાકાઓ ની વચ્ચે ઝાડ નીચે પણ ન ઉભા રહેવાય ત્યાં જ અચાનક દૂર પહાડો પાર વીજળી ત્રાટકી અને એ તેજ લિસોટા માં પપ્પાજી ને થોડેક જ દૂર નાનકડા મંદિર નું શિખર દેખાયું પપ્પા અમને સૌ ને ધીરે ધીરે દોરી ને એ તરફ જવા લાગ્યા કદાચ ઈશ્વર તરફની અગાધ આસ્થા જ અમને  તે દિવસે એના પ્રાંગણ માં દોરી ગઈ હશે જે એના અમૂલ્ય આશીર્વાદ થી જરાય કમ ન હતીઃ

        અમે સૌ મુશળધાર વરસાદ માં ખુબ પલળી ગયા હતા પવન ના સુસવાટા ઠંડી માં વધારો કરી રહ્યા હતા ને ઠંડી થી થરથર કંપતા હતાં એક તરફ રાત્રિ નો સંન્નાટો ને બીજી તરફ મુશળધાર વરસાદ પ્રકૃતિ પાર પોતાનો પ્રભાવ જમાવી રહ્યા હતાં ત્યાં તો વળી વીજળી ના ચમકારે અમે ફણીધર સર્પ ને ત્યાં થી તીવ્ર વેગે પસાર થતો જોયો અમે ત્રણે ભાઈ બહેન તીણી ચીસ સાથે મમ્મી પપ્પા ને વળગી પડ્યા શરીર માં  આછી ધ્રુજારી વ્યાપી ગઈ પરંતુ ચમત્કાર ગણો કે આશ્થા એ નાગરાજ અમને કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર એમના રસ્તે પડી ગયામંદિર ની છત ,દિવાલો ,ઓટલા એ અમને સૂસવાટા ભેર આવતા પવન ,વરસાદ થી તો બચાવી જ લીધા પણ એ ભયાવહ રાત્રી એ મારાં સમગ્ર અસ્તિત્વ ઉપર એક ભયાનક  ચિત્ર તો અંકિત કરી જ દીધું પો ફાટ તાં જ ફરીથી સૂરજદાદા પોતાની મંથર ગતિ એ વાદળો ની પેલે પાર થી આકાશ માં ડોકિયાં કરવા માંડ્યા એ આષાઢી બીજ રથયાત્રા ની ભયંકર મેઘલી રાત ની યાદ  મારા સમગ્ર અસ્તિત્વ ને આજે પણ અજંપા થી ભરી દે છેઃ

વીનું મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -અષાઢની મેઘલી રાત -૯-સપના વિજાપુર

દિયરવટુ

એ વરસાદી અષાઢી રાત હતી.. આકાશ વાદળ થી ઘેરાયેલું હતું!! ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો!! સુનસાન રસ્તાઓ!! અને પાણીનો ટપક ટપક અવાજ!! અને વૃક્ષો પગથી માથાં સુધી ભીંજાઈ ગયાં હતાં. ઠીઠુરાયેલા પંખીઓ પોતાના પ્રેમીની સોડમાં લપાઈ ગયા હતાં અને એ એકલી પથારીમાં પડખા બદલી રહી હતી!! આજ બસ એને નિર્ણય લેવો હતો!! આજ આ બનાવટી દુનિયાને છોડી દેવી હતી!! સવાર પડે સ્મિત લઈને ઉઠવું અને રાત પડે ઉદાસી લઈને સૂવું!! આ બનાવટ જ છે ને!! એ કેમ ખુલ્લા દિલથી હસી નથી શકતી કે ખુલ્લા દિલથી રડી નથી શકતી!! ખાલીદનો અસલી ચહેરો એ દુનિયાને બતાવી શકતી નથી!! કેટલી મજબૂર હતી એ!! આજ તો  ખાલીદે હદ કરી નાખી હતી!!  આજ તો નિર્ણય લઈ લેવો છે!!

કેટલા સમયથી ખાલીદના મેણા ટોણાંથી કંટાળી ગઈ હતી..ક્યાં સુધી સુધી સહન કરવું? આજ એની સહન શક્તિએ જવાબ આપી દીધો હતો.કદી પતિનો પ્રેમ પામી શકી ના હતી!! પણ સમજુતી કરીને પણ ખાલીદને જીવતા આવડતું નથી!! બસ એકની એક વાત કરી એણે જીવનને જહન્નમ બનાવી દીધું હતું.ઉસ્માનની વાત અથવા એના પિયરીયાની વાત!! બધિર કરી નાખે એવા મેણા ટોણા!!

ખાલીદના મોટા ભાઈ ઉસ્માન સાથે એના લગ્ન થયેલા!! ઉસ્માને એને ખૂબ પ્રેમ આપ્યો!! એટલો પ્રેમ કે આડોશીપડૉશી બધાં એને લયલા મજનુ કહેતા!! અને એ કેવી શરમાઈ જતી!! ઉસ્માન પણ અને પ્રેમથી લયલા કહીને બોલાવતો!! જીવનની હર ક્ષણ પ્રેમમય હતી!! બન્ને ને એક બીજા વગર ચાલતું જ ન હતુ!! દો જીસ્મ મગર એક જાન જેવું હતું!! એને યાદ આવી ગયું!! કે જ્યારે કોઈ પણ પ્રસંગમાં જવા તૈયાર થતી તો ઉસ્માન એના કપડા તૈયાર કરી આપે ઈસ્ત્રી કરે મેચીંગ જ્વેલરી કાઢે અને છેવટે એનો સરસ ચોટલો પણ વાળી આપે!! અને તૈયાર થાય એટલે ગાલ પર ટપલી મારી કહે,” મારી લયલા!” અને પ્રેમથી એને જ્યાં જવું હોય ત્યાં મૂકી પણ આવે!!અને જ્યાં સુધી એ ઘરે ના આવે તો ઉસ્માન બારીમાં એની રાહ જોઈને ઉભો રહે!!

એને એ અષાઢી રાત યાદ આવી ગઈ!! એક વાર ઉસ્માન ઘરના બધાં લોકો સૂઈ ગયા, તો  ચૂપચાપ એનો હાથ પકડી એને અગાશી માં લઈ ગયેલો!!હોઠ પર આંગળી રાખી ચૂપ રહેવાનો ઈશારો કરતો હતો!! અષાઢી રાત હતી!! વાદળ ઝરમર વરસી રહ્યા હતાં!! વાદળની આડમાં ચંદ્રમા છુપાઈ છુપાઈને ઈશારો કરી રહ્યો હતો!! આવી આંખ મીંચામણી ઉસ્માન પણ  કરી રહ્યો હતો!!હાથ ખેંચી અગાશી માં લઈ ગયો!!” અરેરે..!! હું પલળી જઈશ!!” એ બોલતી રહી!! અને ઉસ્માને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને કહ્યું,” આજ તને એવી ભીંજવીશ કે..”અને એને છાતી સાથે લગાવી દીધી !!બન્ને ઝરમર વરસાદમાં અને આછી ચાંદનીમાં ભીંજાતા રહ્યા!!

બીજા દિવસે ઉસ્માનને કામથી સૂરત જવાનું થયું!! થોડી ઉદાસ લાગતી સાયરા કંઈક બડબડ કરતી રહી!! પણ ઉસ્માન હસતો રહ્યો!! અંતે  ઉસ્માનને ખાવાનું આપી!! એ કપડાની બેગ ભરવા લાગી!! ખાલીદ પણ કોલેજથી ઘરે આવેલો!! એ પણ “ભાભી લાવો મદદ કરુ!!” કહી બેગ ઊંચકીને કારમાં લઈ ગયો!! અને ઉસ્માન ઓરડામાં આવ્યો!! એણે સાયરાને છાતી સરસી ચાંપી દીધી!! અને મીઠું સ્મિત કરતા કહ્યુ!! જલ્દી પાછો આવું છું!! સાયરાની રડતી આંખો લૂંછી લીધી!! આમ તો ઉસ્માન કામથી ઘણી વાર બહાર જતો. પણ ખુદા જાણે કેમ આ વખતે દિલ વધારે જોરથી ધડકતું હતું.. અલ્લાહ ખૈર કરે!!

એ સુરત જવા નીકળી ગયો!! સાયરા એકલી પડી ગઈ!! કોઈ જગ્યાએ દિલ લાગતું  ન હતું! ઉસ્માન વગર જાણે જીવન જ થીજી ગયુ!! અને રાતે તો પથારી જાણે સાપની જેમ ડસતી હતી!! દોઢેક વાગ્યો હશે!! ઊંઘ તો આવતી જ ના હતી!! અને ફોનની ઘંટડી વાગી!! સમાચાર આવ્યા કે ઉસ્માનની કારનો અકસ્માત થયો છે અને ઉસ્માન ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યો છે!! સાયરાની માથે આભ તૂટી પડ્યું!! ના ના એ તો બને જ નહી!! ઉસ્માન મને છોડી ને જાય જ નહીં!! અમારો વાયદો હતો જિંદગીભર સાથ નભાવવાનો!! ના ના !! કરતી એ બેહોશ થઈ જમીન પર ઢળી પડી!! ઉસ્માનનું મય્યત ઘરે આવ્યું. પણ સાયરાને હોંશ ના હતા!ં લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા કે સાયરાને હોંશ આવે તો ઉસ્માન દફન થાય એ પહેલા મોઢું જોઈ લે અને બોલ્યું ચાલ્યું માફ કરાવી લે!!પણ સાયરાએ આંખો ખોલી જ નહીં જાણે કે આ ભયંકર હકીકતનો સામનો કરવા માગતી ના હોય એમ!! ઉસ્માનને દફન કરી દેવામાં આવ્યો!! ત્રણ દિવસ સાયરાને  ન્આઈ વી ઉપર રાખવામાં આવી એણે આંખો ખોલી તો એની દુનિયા લૂટાઈ ગઈ હતી!!

ઈસ્લામ ધર્મ પ્રમાણે ચાર મહીના ઈદ્દતના પૂરા થવા આવ્યાં!! એક એક દિવસ રડી રડીને કાઢ્યો!! ઉસ્માન પાછો ના આવ્યો!! હવે શું? જીવ્યા વગર તો છૂટકો જ ન હતો!! સાસુ સસરા એ અને મા બાપે સાયરાનું દિયરવટું કરવાનું નક્કી કર્યુ!! ખાલીદની ઈચ્છા ના હતી કારણકે સાયરાને હમેશા ભાભી તરીકે જોયેલા!!  અને સાયરાની પણ ઈચ્છા નહીં કારણકે ઉસ્માન સિવાય એ કોઈની કલ્પના જ કરી શકતી ના હતી!! પણ બસ બન્નેની મરજી ચાલી નહી! એ ખાલીદ સાથે જોડાઈ ગઈ મને કમને!! મા બાપની ઈચ્છાને માન આપ્યુ!!

પણ ખાલીદ ઉસ્માન જેવો ના હતો!! ખાલીદ સ્વભાવે શક્કી!! મેણા ટોણા મારવામાં માહેર!! એ સાયરાને હમેશા અપમાનિત સ્થિતી માં રાખતો!! મૃત ઉસ્માન વિષે સંભળાવું!!ઉસ્માનના નામનું મેણુ રોજ મારી એ ઉસ્માનને સાયરામાં જીવંત રાખતો!! સ્વભાવે ખરાબ !! એટલો ખરાબ કે બીજા પતિ પત્નિ વચે તકરાર ઊભી કરાવે!! લોકોના ઘર ભંગાવે!!એકબીજાની નિંદા કરી દોસ્તી તોડાવે!! બની શકે એટલા ગામના લોકો એનાથી દૂર રહે કે આ માણસ આપણને કૈક નુકસાન કરાવશે!!વળી બીજી સ્ત્રીઓ સાથે સંબંધ પણ રાખે!! પત્નિની હમેશા ઉપેક્ષા કરે!! આવા પતિ સાથે સાયરાને બાંધી દેવામાં આવી હતી! જબરદસ્તી ના સંબંધથી સાયરાને એક દીકરો પણ થયો!! કાશ… આ અરમાન ઉસ્માને પૂરા કર્યા હોત!! પણ ના ખાલીદથી એને દીકરો થયો!! આ દીકરો સાયરાની જાન બની ગયો!!પણ ખાલીદ તો જેમ સાયરાની અવગણના કરતો એજ રીતે દીકરાની પણ અવગણના કરતો!! કારણકે એને આ સંસારમાં જીવ જ ન હતો!! બહાર ફરવું, પર સ્ત્રીઓની સોહબત રાખવી, કોઈ કમાણી કરવી નહીં ઘરમાં આવે તો ગુસ્સાથી આવે!! આવી હાલતમાં સાયરા પણ શી રીતે સંસાર ચલાવે કે પતિને પ્રેમ આપે!!

આ આપણા સમાજની નબળાઈ કહેવાય કે સ્ત્રીના બીજા લગ્ન કરતા પહેલા સ્ત્રીનો અભિપ્રાય પૂછવામાં  ના આવે!! હું ધર્મને દોષ નથી દેતી કારણકે ધર્મગ્રંથ પ્રમાણે સ્ત્રીના નિકાહ સ્ત્રીની ઈચ્છા વીરુધ થઈ જ ના શકે!! હું તકિયાનુસી સમાજનો દોષ કાઢું છું..કે બે જીવનને આ રીતે બરબાદ કરવામાં આવ્યા!! સમાજ નક્કી કરે છે કે હવે આ છોકરીનું  શું થશે તો વળગાડો લાકડે માકડું!!પણ આવા સમયે સ્ત્રીએ પોતાનો અવાજ ઊઠાવવો જોઇએ જિંદગી નો સવાલ હોય છે!! કોઈ એક બે દિવસની વાત નથી કે મુસાફરી પૂરી થઈ અને સ્ટેશન આવ્યું અને ઉતરી ગયાં!!

સાયરા બારીમાંથી વાદળ ભર્યા આકાશને તાકી રહી હતી!! બાજુમાં સાત વરસનો ઝહીર સુતો હતો!! એ ધીરે ધીરે એનાં માથા પર હાથ ફેરવી રહી હતી!! બહાર આકાશ વરસી રહ્યુંં હતું અને અહીં સાયરાની આંખો ચોમાસુ બની હતી!! ઉસ્માન ઉસ્માન તમે ક્યાં છો? તમે મૂકીને મને શા માટે ગયાં? જુઓ તમારી લયલાની હાલત ખાલીદે શી કરી છે?? આજ જુઓ મારા પર હાથ ઉઠાવ્યો છે જુઓ આ હાથ આ ચહેરો એના મારથી લીલા ચાઠાં પડી ગયાં છે!! એને ઝહીરને પણ ખૂબ માર માર્યો!! તમે  કેમ ના આવ્યાં મને બચાવવા? તમે કેમ ના આવ્યાં? હું શું સમજું તમારો પ્રેમ પણ એક દેખાવ હતો? ના ના તમે ખુદાની મરજી આગળ સર ઝુકાવ્યું!! વળી કહે છે ને સારા માણસની ત્યા પણ જરૂર છે!! પણ  તુમ ના જાને કહા ખો ગયે હમ ભરી દુનિયા મે તન્હા હો ગયે” પણ જોયું ને ઉસ્માન મારે શું કરવું? તમે કહો? હું ખાલીદના માર ખાઉં કે છોડી દઉં? આજ રાતે મારે નક્કી કરવુ છે!!હવે બસ!! મારી સબર એ દામન છોડી દીધો છે!!મેણા ટોણા, બીજી છોકરીઓ સાથે સંબંધ અને અપમાનજનક દશામાં જીવી!!પણ જ્યારે વાત માર સુધી પહોંચી છે મારે નક્કી કરવું પડશે!!

બારી બહારનું આકાશ એને તાકી રહ્યું હતું!! આ મોટો ભવસાગર અને હુ એકલી મારા દીકરા સાથે!! આ આકાશ રડે છે..આ ધરતી એનાં આંસું જીલે છે!! અને મારા આંસું આ તકિયાની ખોળ માં વિલીન થાય છે એને જીલવાવાળુ કોઈ નથી!!વાદળ વેર વિખેર આકાશમાં ફરી રહ્યા છે..મારા વિચારો પણ વેર વિખેર છે!! જિંદગીના ફેંસલા લેવા સહેલા નથી!! સાત વરસનાં ઝહીરને લઈને ક્યા જાય!! મા બાપને ઘરે જવાનો અર્થ નથી!! એ લોકો સમજાવી પાછી મૂકી જશે!! આઠ ચોપડી પાસ સાયરા કઈ કામ કરવા ને પણ લાયક ના હતી!! એને એક બહેનપણી એ કોઈ એન જી ઓ નું કાર્ડ આપ્યુંં હતું તે યાદ આવ્યું તે ધીરેથી ઊભી થઈ ને કબાટમાં કાર્ડ શોધવા લાગી!!ખાલીદ હજું ઘરે આવ્યો ના હતો. સાસુ સસરા બાજુના ગામમાં કોઈ સગાને ઘરે ગયેલા!! હાશ કાર્ડ મળી ગયું!! કાર્ડમાં ફોન નંબર એડ્રેસ બન્ને હતાં!! ઝહીરના કપડા અને પોતાના કપડા ભરી એ સૂમસાન રસ્તા પર નીકળી પડી!! દૂર દૂર સુધી ક્યાં રિક્ષા ના હતી!! ઝરમર ઝરમર વરસાદ હતો!! આકાશ માં અધૂરો ચંદ્રમા દેખાતો હતો!! તારાનું નામનિશાન ના હતું!!

દૂરથી એક રિક્ષા આવતી દેખાઈ!! એણે હાથ કરી રિક્ષા ને ઊભી રાખી!! રિક્ષા મા બેસી એણે કાર્ડ બતાવ્ય્ં કે આ સરનામે લઈ જાઓ!! રિક્ષા ચાલુ થઈ અને એ મોઢાને દુપટ્ટા થી ઢાંકવાઆ પ્રયત્ન કરી રહી હતી!! કદાચ રિક્ષા વાળો એને ઓળખી ગયો હતો!! અંદરથી એ થરથર કંપી રહી હતી!! રિક્ષા વાળો એક દુકાન પાસે ઉભો રહ્યો!! અને કહ્યુ એક મિનીટમાં આવ્યો બેન!! અને દુકાન પર જઈ કોલ કરવા લાગ્યો!! એ ગભરાઈ રહી હતી!! અને એ પાછો આવ્યો. થોડે દૂર જઈ પેટ્રોલ લેવું છે કહી પેટ્રોલ પંપ પર ઊભો રહ્યો!!

થોડીવાર માં ખાલીદ સ્કુટર લઈને આવ્યો!! રિક્ષા માં બેઠેલી સાયરાને ચોટલા થી પકડી  એક તમાચો મારી દીધો!! ઝહીર અને સાયરાને રિક્ષામાં ઘરે લઈ આવ્યો!! સાયરા રડતી રહી કકળતી રહી!! પણ ખાલીદ ના હ્ર્દયમાં દયાનો છાંટો પણ ન હતો!! સાયરાને પથારી પર પટકી બહારથી તાળું મારી બહાર નીકળી ગયો! આકાશ હજુ આંસું વહાવી રહ્યુ હતું. સાયરાની આંખો આકાશ કરતા પણ વધારે વહી રહી હતી!! આ અષાઢી રાતની ઢળવાની રાહ જોઈ રહી હતી!! શું કરું જીવ આપી દઉં? પણ ના પછી ઝહીરનું કોણ!! ઝહીરને સાથે લઈ મરી જાઉં!!! ના ના ઝહીરનો શું ગુનો છે? જે જિંદગી ખુદાએ આપી એને લેવાનો હક ફક્ત ખુદાનો જ છે!! ખુદાએ આપઘાતને ગુનો કરાર દીધો છે!! આપઘાત એટલે ખુદાથી ના ઉમ્મીદી!! અને ખુદાથી એ ના ઉમેદ ના હતી!! ખુદા જરૂર રસ્તો નીકાળશે!!

આ લાંબી રાતની સવાર પડી!! ભલે દુઃખનો બોજ ગમે તેટલો હોય અને દુખ ગમે તેટલું વિસ્તરેલું હોય પણ પણ એ દુખ ભરી રાતની સવાર જરૂર પડે છે!! કહે છેને દરેક વાદળને ચાંદીની કોર હોય છે!!જાણે ઉસ્માન કહેતો હતો,” યહ સફર હૈ બહોત કઠીન મગર ન ઉદાસ હો મેરે હમ સફર” સાયરાની સવાર પડી!!દ્રઢ નિશ્ચય સાથે એ પથારીમાંથી ઊભી થઈ!!ખાલીદે દરવાજો ખોલી નાખ્યો હતો!! ઝહીરને ઉઠાડી સ્કુલમાં મોકલ્યો!!પોતે કામ કરતી રહી!! બપોરે એ ઝહીરને સ્કુલમાં થી લઈને સીધી એની મિત્રને ત્યાં ગઈ!! ગઈ રાતની વાત રડી રડીને બતાવી!!! એની મિત્ર એને આશ્વાસન આપતી રહી અને પાણી લાવીને આપ્યું!! પછી એન જી ઓને ફોન કર્યો!! મિસ ફરહા જે એન જી ઓ ચલાવતી હતી એને હકીકત જણાવી!! મિસ ફરહા એ સાયરાને ત્યાંજ રોકાવાનું કહી એક કાર મોક્લી આપી!! સાયરા એ કારમાં એન જી ઓ માં પહૉંચી ગઈ!! સાયરાને એ લોકોએ રક્ષણ આપ્યું અને ખાલીદની સામે કેસ કરી, ખુલાની અરજી કરી!! સાયરાને શિક્ષણ પણ આપવામાં આવ્યુ!! અને શીવણ ક્લાસ તથા અચાર પાપડ બનાવવની નોકરી પણ આપી!! અત્યારે સાયરા ઝહીરને ઉછેરી રહી છે!! ઉસ્માનની યાદ દિલમાં છુપાવી જિંદગીની સામે દોટ મૂકી છે!!! માનસિક ત્રાસ ના હોય તો માણસ પ્રગતીના સોપાન ચડી શકે છે!! એક આંગળી પકડનાર હોય તો મુશ્કિલ થી મુશ્કિલ સમયનો સામનો થઈ શકે છે!! અહીં ઘણી સાયરા છે !! જરૂર છે તો મિસ ફરહા જેવી એન જી ઓ ની!!સમાજ શોષણનો ભોગ બનેલી મહિલાઓની સુરક્ષા માટે આવી સંસ્થાની ખૂબ જરૂર છે!

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૮

અમરાપુર નામના નાનકડા   ગામ ના પ્રતિષ્ઠિત શેઠ  રાયચંદ નો એક નો એક દીકરો પ્રમોદરાય , ભણી ગણી ને પણ આ  નાનકડા ગામ માં જ રહ્યો એ આખાય ગામ માટે આશ્ચર્ય ની અને આનંદ   ની વાત હતી.

પિતા  ના કાપડ ના વ્યવસાય માં જ પોતાની  કારકિર્દી શરુ કરવામાં પ્રમોદરાય ના બે આશય હતા એક તો . માતા પિતા  આ ગામ છોડી ને ક્યાંય આવવા તૈયાર નહોતા ,અને પોતે માતા પિતા ને એકલા ગામ માં મૂકી ને અન્ય કોઈ જગ્યા એ જઈ  ને સમૃદ્ધ થવા ઈચ્છતો નહોતો . આને પ્રમોદરાય ના વ્યક્તિગત સંસ્કાર માનવા કે તેના માતા પિતા નું પ્રારબ્ધ , એ ગામ વાળા માટે  ચર્ચા નો વિષય હતો .

પિતા  રાયચંદે   , પ્રમોદરાય નું લગ્ન  ગામ ની જ એક સુશીલ કન્યા  માલતી સાથે કરાવ્યું . માલતી એ પણ શહેર  નો મોહ છોડી ને ગામ માં જ રહેવાની પ્રમોદરાય ની વિચારધારા ને  હોંશે હોંશે સ્વીકારી લીધી .

સમય  વહેવા  લાગ્યો અને  પ્રમોદરાય પણ  એક પુત્ર નો પિતા   થયો.. પુત્ર શિવાંશ પણ ભણવામાં   ખુબ હોશિયાર અને દેખાવડો હતો. બી  . એ સુધી ભણ્યા પછી પ્રમોદરાયે ઈચ્છ્યું   કે તે હવે પિતા ના વેપાર માં ધ્યાન આપે તો પોતે નિવૃત્ત   થાય .પણ શીવાંશે આ નાનકડા ગામ માં રહેવાની ઘસીને ના પાડી અને નજીક   ના શહેર માં કાપડ નો વ્યવસાય શરુ કર્યો .એક દસકા માં જ તે ખુબ સમૃદ્ધ  અને પ્રતિષ્ઠિત વેપારી બની ગયો અને કાપડ બજાર એસોશિએશન નો પ્રમુખ બની ગયો .એણે   પ્રમોદરાય ને અને માતા માલતી ને ગામ છોડવા કાલાવાલા કરી ને મનાવી લીધા .

હવે  પ્રમોદરાય અને માલતી    બધું જ સમેટી ને ગામ છોડી ને   દીકરા શિવાંશ સાથે રહેવા શહેર માં   આવી ગયા . દીકરા સાથે તેઓ આનંદ થી દિવસો પસાર કરતા  હતા . પુત્રવધુ આરતી પણ ખુબ સંસ્કારી અને માયાળુ હતી .આખોય પરિવાર ખુબ આનંદ   અને સ્નેહ થી રહેવા લાગ્યો . પ્રમોદરાય પણ બપોરે બે ત્રણ કલાક દુકાને બેસવા   જતા .

સમય વહેતો ગયો  અને આ સુખી પરિવાર ને કોઈક   ની નજર લાગી હોય તેમ ધીમે ધીમે  દીકરા વહુ નું વર્તન બદલાવા લાગ્યું . વેપાર  ની વ્યસ્તતા ને લીધે દીકરો પણ સમય આપી શકતો નહિ અને વહુ  તેના સંસાર માં . “ આખરે  તો આપણે  બે જ “ એ   ઉક્તિ ના આધારે   હવે પ્રમોદરાય અને માલતી  જ એક બીજા ના આધાર બની રહ્યાં .સમયે   બંને ને ખુબ નજીક લાવી દીધા .બંને માં રહેલી સમજણ શક્તિ , સહન શક્તિ  અને પ્રેમ ને લીધે તેઓ એક બીજા ના પર્યાય બની ગયા .ઉમર સાથે આવતી સામાન્ય   બીમારીઓ અને ,અશક્તિ , આવતાં ગયા . એકબીજા ની કાળજી લેવી , સમય સમયે દવા ઓ આપવી ,સાથે બગીચા માં ફરવા જવું અને ભૂતકાળ  ને વાગોળવો એ નિત્ય ક્રમ બની ગયો . બંને એકબીજા ની જરૂરિયાત બની ગયા .

હવે પ્રમોદરાય  માલતી વગર એક કલાક  પણ રહી શકતા નહિ ,ક્યારેક માલતી એક બે કલાક   બહાર જાય તો એકાંત અને એકલવાયું અનુભવતા અને ખુબ ખુબ માનસિક   બેચેની થી પરેશાન થઇ જતા .

શિવાંશ   અને આરતી પોતાની વ્યસ્ત  જીંદગી માં પિતા માં આવેલા  આ પરિવર્તન ને જોઈ શક્યા નહિ  અને માતા પિતા   ને સમય ફાળવી શક્યા   નહીં .ઘડપણ માં માતા પિતા ને સમય આપવો  એના જેવું એકેય પુણ્ય નથી

એક દિવસ વહેલી સવારે  માલતી ને છાતી માં થોડી  ગભરામણ થઇ અને પ્રમોદરાય ને જગાડે તે પહેલા જ તેણી નું   પ્રાણ પંખેરું ઉડી ગયું . પ્રમોદરાય સાવ નિરાધાર થઇ ગયા .તેમને માટે આ આઘાત   અસહ્ય હતો.તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા. હવે તેમને કોઈ સાથે વાત કરવી ગમતી નહીં .આખો દિવસ  ચુપચાપ બેસી રહેતા .બગીચા માં પણ તેઓ એક બાંકડા પર મોંન બેસી રહેતા અને કંઇક વિચાર્યા કરતા . દીકરા  વહુ તરફ થી પણ તેમને સહારો મળતો નહિ .તેમને રાત્રે ઊંઘ પણ આવતી નહીં .

એક દિવસ  રાત્રી એ તેમને  પોતાની રૂમ માં કોઈ સ્ત્રી નો પડછાયો  દેખાયો .બેઠા થઇ ને જોયું તો પ્રેત સ્વરૂપે   માલતી જ હતી . પ્રમોદરાય ની દશા જોઈ ને તે ખુબ દુખી હતી .પ્રેત ને પણ લાગણી હોય છે  એ હકીકત છે . માલતી એ તેમને પોતાની પાછળ આવવા ઈશારો કર્યો . તે પ્રમોદરાય ને બગીચા માં  લઇ ગઈ અને બે ય જણા એ સાથે બેસી ને ખુબ વાતો કરી .વહેલી સવારે પ્રમોદરાય પાછા આવ્યા . તેઓ  આજે આનંદ માં હતા .

પ્રમોદારયે   કોઈ ને આની વાત  કરી નહિ અને હવે થી આ  નિત્યક્રમ થઇ ગયો .

એક દિવસે  પુત્રવધુ એ  તેમને રાત્રે  બહાર જતા જોયા . તેને વહેમ આવ્યો અને  તેણી તેમની પાછળ ગઈ . પ્રમોદરાય ને કોઈક  સ્ત્રી સાથે વાતો કરતા જોયા અને પછી તે સસરાજી ના  ચારિત્ર્ય પર શંકા કરવા લાગી .તેણીએ શિવાંશ ને ચઢાવ્યો  અને વગર વિચારે હવે શિવાંશ પ્રમોદરાય ને ખરું ખોટું ખુબ સંભળાવતો . પ્રમોદરાય તેમને સમજાવવા  પ્રયત્ન કરતા પણ વ્યર્થ .

હવે  તો પુત્ર  શીવાંશે ત્રાસ   આપવાનું શરુ કર્યું  .ક્યારેક અપમાન કરતો   તો ક્યારેક હાથ પણ ઉપાડતો .પ્રમોદરાય ખુબ દુખી થતા પણ સાચી વાત કહી શકતા  નહિ અથવા કહેવા ઈચ્છતા નહિ . કોઈ તેમની વાત પર વિશ્વાસ નહિ કરે એની તેમને ખાતરી હતી . હવે તેઓ આખો દિવસ  કશું જ બોલતા નહીં

પ્રમોદરાય ની ઈચ્છા  વિરુદ્ધ તેમને માનસિક સારવાર   આપવાનું શરુ કરવામાં આવ્યું .ક્યારેક  દવા ના ડોઝ સાથે વીજળી નો કરંટ પણ આપતા પ્રમોદરાય આમાંથી  છૂટવા ખુબ પ્રયત્ન કરતા પણ દરેક પ્રયત્ન ને પાગલ અવસ્થા સમજી ને   વધારે જોહુકમી કરવામાં આવતી . તેમની રૂમ ને બહારથી રાત્રે તાળું મારી દેવામાં  આવતું .જેથી તેઓ બહાર ના જઈ શકે . આવી પરિસ્થિતિ માં તેઓ ખુબ કાલાવાલા કરતા , આજીજી કરતા ,હાથ  જોડતા ,અને રડતા .પણ દીકરા વહુ પર આની કોઈ અસર થતી નહીં .રોજ રાત્રે પત્ની માલતી ના પ્રેમ ને પામવા  તેઓ તલસતા . હવે તો પ્રેત ની સાથે પ્રિત થો તેઓ દેવદાસ જેવા થઇ ગયા .હતા અને આખો દિવસ માલતી ના નામ નું રટણ કર્યા  કરતા .

આજે  અષાઢ ની  મેઘલી રાત છે.  તારા ઓ અને ચંદ્ર ની શીતલ  ચાંદની છે .કોણ જાણે કેમ પણ પ્રમોદરાય  ને માલતી ખુબ ખુબ યાદ આવે છે. એકલા એકલા  રૂમ માં બેઠા બેઠા રડે છે . અને ત્યાં મગજ માં એક વિચાર  આવ્યો .ભગવાને જ કેવો સુંદર ઘટ ઘડ્યો છે કે દીકરો શિવાંશ અને  પુત્રવધુ આરતી તેમના મિત્ર ના લગ્ન માં ગયા છે .લગ્ન માં ધાર્યા  કરતા ઘણું મોડું થઇ ગયું . રાત્રે એક વાગ્યા સુધી તો તેઓ આવ્યા નહોતા .એટલે તેમનો રૂમ   ખુલ્લો જ હતો . તેઓ રાત્રે એક વાગે ઘર ની બહાર નીકળી ગયા .અને પાસે ના બગીચા માં માલતી ના પ્રેત ને મળવા  દોડી ગયા . એજ બગીચો , એજ બાંકડો અને અષાઢ ને મેઘલી રાત .,… એક કલાક , બે કલાક પણ માલતી આવી જ નહિ .. પ્રમોદરાય ખુબ રડ્યા છે ..માલતી  માલતી ના પોકારો પાડતા પાડતા જ તેમણે અંતિમ શ્વાસ લીધો છે .

વહેલી સવારે   શિવાંશ અને આરતી  ઘરે આવ્યા છે.અને જોયું તો પ્રમોદરાય  એમની રૂમ માં નથી .તરત જ બંને બગીચા માં દોડ્યા છે . એજ બાંકડા   પર પ્રમોદરાય નો મૃતદેહ પડ્યો છે .અને હાથ માં એક કાગળ હતો .

માલતી   હું ખુબ દુખી  છું . તારા વગર  જીવવાનું મુશ્કેલ થઇ ગયું છે .આખાય   ઘર માં હવે હું વધારે નો થઇ ગયો છું. તારા  વગર ની જિંદગી દોજખ બની ગઈ છે . સાચું કહું તો હવે  મારું કોઈ નથી .હું સાવ એકલો છું હું ખરે જ હવે આ ઘર  અને જગત માટે વધારે નો થઇ ગયો છું

કાશ  .. એક વિધુર   ની વેદના ને આ લોકો    વાંચી શક્યા હોત …

કાશ  ..મારી સંવેદના   ને આ લોકો સમજી શક્યા  હોત …..

કાશ …પ્રેત સાથે ની મારી  પ્રિત ને આ લોકો પચાવી શક્યા હોત  ….

કાશ  … મારી  લાગણીઓ ને ઊર્મિ ઓ ને આ લોકો એ   અકાળે મારી નાખી ના હોત …

કાશ  … દવા  અને ડોક્ટર   ને બદલે મારી સાથે આ લોકો   સ્નેહ થી વર્ત્યા હોત …

કાશ ….મારી   માલતી ને આ લોકો એ   મને રોજ મળવા દીધી  હોત

માલતી…     માલતી મને  બોલાવી લે અને   સાચે જ માલતી એ બોલાવી લીધા .

આ  કાગળ   વાંચી ને  શિવાંશ ખુબ રડ્યો   અને કહ્યું સાચે જ  અમે તમને સમજ્યા હોત  તો આજે તમે જીવતા હોત.  અમે જ તમને મારી નાખ્યા . અમને   માફ કરજો પિતાજી અમને.

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -અષાઢની મેઘલી રાત -૭-રોહિત કાપડિયા

         ” અશેષ,આ અષાઢની મેઘલી રાતનું તોફાન હર પળ વધી રહ્યું છે.બારે મેઘ ખાંગા થયાં છે.ચારે બાજુ કેડ સમાણા પાણી ભરાયાં છે.આખી સોસાયટી પાણીમાં તરી રહી હોય એવું લાગે છે આપણે પણ આપણા બંગલામાં નીચેના માળેથી ઉપર આવી ગયાં છીએ.કંઈ કેટલીયે મહેનતથી સજાવેલું આપણું રાચ-રચીલું પાણીમાં તણાઈ ગયું છે.જો આવો જ વરસાદ ચાલુ રહેશે તો પાણી ઉપર આવી જશે અને આપણી પાસે બચવાનો કોઈ ઉપાય નહીં રહે.લાઈટ પણ ઉડી ગઈ છે.આ વીજળીનાં ચમકારા અને વાદળોની ગર્જના વાતાવરણને વધુ ભયાનક બનાવે છે.આવી જ એક મેઘલી રાતે…..કંઈ નહીં.જવા દે.મને બહુ ડર લાગે છે. મારો હાથ પકડી રાખજો.”આશાની વાત સાંભળીને અશેષે થોડી હળવાશથી કહ્યું “ગાંડી,આટલી બધી ગભરાય છે શા માટે ?આપણે બંને સાથે હોઈએ ને મૃત્યુ આવી જાય તો એનાથી રૂડું શું ?ને જો જીવી ગયાં તો આપણે સાથે મળીને ફરી એક વાર આપણો બંગલો નવેસરથી સજાવીશું.કદાચ,ઈશ્વર આપણાં બંગલાના રાચ-રચીલાથી ખુશ નહીં હોય એટલે જ એ વરસાદના બહાને બધું તાણી ગયો અને આપણને નવસર્જનની તક આપતો ગયો.જે પરિસ્થિતિમાં આપણે કંઈ કરી શકીએ એમ ન હોઈએ ત્યારે ઈશ્વરની મરજીને ચૂપચાપ સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. જો વરસાદનું જોર પણ તારો ડર જોઈને ઓછું થઈ ગયું છે.થોડાં સમયમાં તો પાણી ઉતારવા પણ માંડશે.ખેર !થોડી વાર આપણે ઉપર જ રહેવું પડશે.ચાલ,થોડી મીઠી મીઠી વાતો કરીએ.અરે હાં! તું કંઈ કહેતી હતી કે આવી જ મેઘલી રાતે…અને પછી તે વાત જવા દીધી.તો શું થયું હતું આવી કોઈ રાતે ?જો મને જણાવવામાં તને વાંધો ન હોય અને કહેવાથી તારા મનનો બોઝ હળવો થાય હોય એમ હોય તો જ કહેજે.”
              “અશેષ,એ વાત કહેવામાં ખચકાટ તો થાય છે,પણ તમારાં પ્રેમ આગળ મને દંભી રહેવાનું યોગ્ય નથી લાગતું.આજે મોત જ્યારે આટલું નજીકથી પસાર થઈ ગયું છે,ત્યારે હું જિંદગીની એ વાતને છુપાવવા નથી માંગતી.આમ પણ પાણી નહીં ઉતરે ત્યાં સુધી આપણે ઉપર જ રહેવાનું છે .તો ચાલ,મારો અતીત તારી પાસે ખુલ્લો કરું.આપણા લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં.આ પાંચ વર્ષમાં તે મને અસીમ પ્યાર આપ્યો.મારી હર ઈચ્છા,હર ચાહત અને હર માંગણી તમે પૂરી કરી.લગ્ન પછીનાં શરૂઆતના મહિનાઓમાં તો હું તમારાં સાથથી અકળાતી અને દૂર રહેવાં ચાહતી.તમે ઘણીવાર પ્રેમથી સ્પર્શ કરવાં જતાં તો હું દૂર ખસી જતી.રાતે પણ આપણા વચ્ચે થોડું અંતર રહે તેમ હું ઈચ્છતી.તમને કદાચ મારી આવી વર્તણૂકથી તકલીફ તો થતી હશે, પણ તમે ક્યારે પણ મને કોઈ પ્રશ્ન કર્યો નહીં કે તમારી નારાજગી જતાવી નહીં.તમને વગર વાંકે સજા આપતાં મારું મન મને ડંખતું હતું, પણ હું લાચાર હતી.જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ મારામાં થોડો બદલાવ આવતો ગયો.તમારાં અવર્ણનીય પ્રેમે મને અતીતને ભૂલવામાં સફળતા આપી.મેં પણ પછી તો બધો સંકોચ દૂર કરી તમને સાચા દિલથી પ્રેમ કરવાં માંડ્યો.અલબત,આવી કોઈ અંધારી રાતે અતીત ફરી ટકોરા મારવાની કોશિષ કરતો,પણ હું તરત જ તમારામાં ખોવાઈ જતી.તો, સાંભળો મારાં અતીતની એ વાત.”
              “મધ્યમ આવક ધરાવતાં સુખી પરિવારની હું એકની એક દીકરી હતી.સાવ સામાન્ય કહી શકાય એવાં મારાં રૂપરંગ હતાં.જો કે પપ્પાના માટે તો હું પરી હતી.મારાં પપ્પા કર્મકાંડી બ્રાહ્મણ હતાં.સ્વભાવે થોડાં ગરમ પણ મારાં માટે તો સાવ જ ગાંડા હતાં.હું પાણી માંગુ તો મને દૂધ મળતું.ભણવામાં હું ખૂબ જ હોંશિયાર હતી.શાળાના મારાં દરેક સુંદર પરિણામે એમની છાતી ગજગજ ફૂલતી.ભણાવી ગણાવીને સુખ સંપન્ન પરિવારમાં પરણાવવાની એમની ઈચ્છા હતી.એ કારણે જ મારી મમ્મીની અનિચ્છા હોવાં છતાં એમણે મને કોલેજનાં અભ્યાસ માટે મુંબઈ મોકલી.આપણા શહેરમાં કોલેજ હતી પણ એમની ઈચ્છા તો મને શ્રેષ્ઠ કોલેજમાં ભણાવવાની હતી.હોસ્ટેલમાં રહીને મેં દિલથી ભણવા માંડ્યું.ચાર વર્ષના કોર્સમાં ત્રણ વર્ષ તો મેં બહુ જ જ્વલંત સફળતાથી પસાર કર્યા.ચોથા વર્ષનાઁ પ્રથમ છ મહિના પણ પસાર થઈ ગયાં.તે અરસામાં જ કોલેજનાં પચાસ વર્ષ પૂર્ણ થતાં હોવાથી એક સાંકૃતિક કાર્યક્રમ યોજાયો હતો.અત્યંત ભવ્ય રીતે આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અનુપે ‘જિંદગી એક પડકાર’ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું.પ્રભાવશાળી અવાજમાં એણે પોતાનાં વિચારો એટલાં ઊંડાણથી અને અસરકારક રીતે રજૂ કર્યા કે જિંદગીમાં પ્રથમવાર મારાં દિલમાં કોઈ છોકરા માટે ભીતરથી ભાવ ઉઠ્યા.કાર્યક્રમ પૂર્ણ થયાં પછી મેં અનુપને મળીને અભિનંદન આપ્યાં.પ્રથમવાર થયેલાં અમારાં નેત્ર-મિલનમાં જ પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા.કોલેજનાં એ અંતિમ વર્ષના છેલ્લાં ચાર મહિનામાં અમે અનેક વાર મળ્યાં.અનુપ ખૂબ જ સંસ્કારી હતો અને તેથી જ સ્પર્શની ઇચ્છાથી દૂર અમે મળતા રહ્યાં અને એક-બીજાને સમજતા રહ્યાં.અનુપની જિંદગીની ફિલસૂફી,પ્રેમની પરિભાષા,ઈશ્વર અને ધર્મની ઊંડી સમજ મને  વિચાર કરતાં મૂકી દેતાં.મેં અમારાં પ્રેમની અને જીવનભર માટે સાથે બંધાવાની વાત મારાં ઘરે કરી ન હતી.મુંબઈથી પાછાં ફર્યા બાદ મમ્મીની ઓથ લઈ પપ્પાને એ વાત કરી મનાવી લેવાશે એની મને ખાતરી હતી.અનુપ અમારી જ્ઞાતિનો ન હોવાથી પપ્પા નારાજ તો થશે પણ એની લાડકી દીકરી ખાતર માની પણ જશે એનો મને વિશ્વાસ હતો.જે દિવસે મારાં અંતિમ વર્ષની પરીક્ષાનું પરિણામ આવશે તે જ દિવસે પપ્પાને વાત કરવાની મારી ઈચ્છા હતી.ખેર! વિધાતાને કંઈક જૂદું જ મંજૂર હતું.હું મારી પસંદગીની વાત પપ્પાને કરું તે પહેલાં જ મારી કિસ્મતમાં અંધારું છવાઈ ગયું.મારો સ્વપ્નાનો મહેલ કડડભૂસ થઈને પડી ગયો.
                  અષાઢની આવી જ મેઘલી રાત હતી.સવારથી અનુંપનો ફોન આવ્યો ન હતો તેથી હું બેચેન હતી.મારો ફોન પણ લાગતો ન હતો.મુંબઈથી પાછાં ફર્યા બાદ એકે દિવસ એનો ફોન આવ્યો ન હોય એવું બન્યું ન હતું.વરસાદ જેમ જેમ વધતો જતો હતો,મારું મન અમંગળ શંકાઓથી ઘેરાતું જતું હતું.રાતનાં અગિયાર વાગ્યાં હતાં તો યે ઊંઘ આંખમાં આવવાનું નામ લેતી ન હતી.ત્યાં જ ફોનની ઘટડી વાગી.મેં ખુશીથી પાગલ થતાં ફોન ઊંચક્યો.પણ એ ફોન અનુપનો નહીં પણ મારી કોલેજની મિત્ર વર્ષાનો હતો. અનુપનું એક ગમખ્વાર સ્કૂટર અકસ્માતમાં મૃત્યુ થયું છે તે સમાચાર આપવાં તેણે ફોન કર્યો હતો.ફોન પર એ સમાચાર સાંભળતા જ મારાં હોશકોશ ઉડી ગયાં.મારી સાથે વિધાતાએ ક્રૂર મજાક કરી હતી.જિંદગી મારાં માટે એક પ્રશ્ન બની ગઈ હતી.મમ્મી સિવાય મેં બીજા કોઈને આ વાત કરી ન હતી,તેથી મારું દુઃખ પણ મમ્મી સિવાય બીજા કોઈ પાસે વ્યક્ત કરી શક્તિ ન હતી.મમ્મીએ આ કપરા સંજોગોમાં મારો સાથ આપ્યો.ત્યાં જ તમારાં ઘરેથી મારાં હાથ માટે માંગુ આવ્યું.જ્યાં જીવવામાં જ મને રસ રહ્યો ન હતો,ત્યાં લગ્નની વાત તો મારી સમજની બહાર હતી.પપ્પાને જો છોકરો જોવાં માટે નાં કહીશ તો પપ્પા નહીં માને માટે એક વાર તું છોકરો જોઈ લે પછી પસંદ નથી એમ કહીને ના પાડી દે જે .મમ્મીએ મને એમ કહીને મનાવી લીધી.જો કે તમારી સાથે પ્રથમ મુલાકાત થઈ તે પછી એમ લાગતું હતું કે તમે સામેથી જ નાં પાડી દેશો.તમારી પાસે રૂપ,ગુણ અને સંપતિ ત્રણે ય હતાં, જ્યારે તમારી તુલનાએ હું ત્રણેમાં પાછળ હતી.પણ મારાં આશ્ચર્યની વચ્ચે તમારી હા આવી.મારાં માટે તો નાં પાડી શકવા માટે કોઈ કારણ જ ન હતું.અલબત,તમારી સાથેની એ પ્રથમ મુલાકાતમાં તમારાં વિચારો માટે પણ મને માન થયું હતું.મમ્મીએ’ દુઃખનું ઓસડ દહાડા’એમ કહી મને સમજાવી લીધી.પછી તો આપણા લગ્ન થઈ ગયાં.એ પછીની બધી જ હકીકત મેં તમને જણાવી દીધી છે.અશેષ,અનુપ મારો પ્રથમ પ્રેમ હતો પણ અમે ક્યારે ય અમારી મર્યાદા ઓળંગી ન હતી.અમે તો એક-બીજાને સ્પર્શ પણ કર્યો ન હતો.શરૂ શરૂમાં હું એને ભૂલાવી શકી ન હતી,પણ લગ્નનાં છ મહિના બાદ તો તમારાં અસીમ પ્રેમમાં મેં એને લગભગ ભૂલાવી જ દીધો છે.આટલા વિસ્તારથી મેં વાત એટલે કરી કે તમે સચ્ચાઈને બરાબર સમજી શકો.આ વાત આટલા વર્ષ સુધી છુપાવી તે બદલ મને માફ કરવી કે નહીં એ હું તમારાં પર છોડું છું.હાં !મારાં આ ગુનાની તમે જે સજા આપશો તે મને મંજૂર છે.”
                  રડતાં રડતાં અતીતની કથા કહેતી આશાને ગળે વળગાડીને પ્રેમથી એનાં માથા પર હાથ ફેરવતાં અશેષ હસીને બોલ્યો”આશા,તારી વાત સાંભળીને મને લાગે છે કે મારે તને સજા આપવી તો પડશે જ.પણ એ પહેલાં મારે પણ તને અતીતની એક ન કહેલી વાત કહેવી છે.અનુપ,તારો પ્રથમ પ્રેમ હતો ,તો મારો એ ખાસ મિત્ર હતો.દસ વર્ષ પહેલાં અમે અહીં રહેવાં આવ્યાં, તે પૂર્વે હું અનુપની બાજુમાં જ રહેતો હતો.અમે બંને લંગોટિયા મિત્ર હતાં.અનુપે તારા વિષે મને બધું જ જણાવ્યું હતું.અષાઢની જે મેઘલી સાંજે એનો સ્કૂટર અકસ્માત થયો ત્યારે હું ઓફિસનાં કામે મુંબઈ જ હતો.સવારે જ અમે મળ્યાં હતાં,અને રાતે પાછાં મળવાના હતાં.અફસોસ ! અમે મળીયે તે પહેલાં તેનાં અકસ્માતનો ફોન આવ્યો.અનુપ મને યાદ કરતો હતો એ  જાણીને હું ભાગતો હોસ્પિટલ પહોંચ્યો.અનુપના ઘરના બધાં જ અવાક થઈ ગયાં હતાં ને ઈશ્વરને પ્રાર્થના કરતાં હતાં. ત્યારે જ અનુપે મને પાસે બોલાવીને તૂટક તૂટક શબ્દોમાં કહ્યું “અશેષ,મારી જિંદગીની આ અંતિમ ઘડીઓ છે.તું તો આશા વિષે બધું જ જાણે છે. મારાં વગર જીવવું એનાં માટે બહુ કપરું હશે.તું મને વચન આપ કે આશાને કંઈ પણ જણાવ્યા વગર તું એનો હાથ……ને એણે મારો હાથ છોડી દીધો. બસ પછી તો મારાં ખાસ મિત્રને આપેલું વચન  પૂરું કરવાં મેં તારો હાથ સામેથી માંગી લીધો.આશા ,હું તારાથી બહુ જ ખુશ છું.બોલ,હવે શું સજા આપું ?”અશેષને વળગીને આશા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.આશાને છાની રાખતાં અશેષ બોલી ઉઠ્યો “એય,બસ કર રડવાનું,નહીં તો તારાં આ આંસુઓથી ફરી પૂર આવી જશે.”અષાઢની એ મેઘલી રાત પ્રેમની પાવનતાથી મહેંકી ઊઠી.