"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

"બેઠક" Bethak

Vicharyatra : 16 Maulik Nagar “Vichar”

કાશ! મારું કોઈ ગામડું હોય,
એક ફળિયું રળિયામણું હોય,
ત્યાં શહેર જેવી દોડધામ નહીં.
પણ એકેએક જણ મારું હોય.

-મૌલિક વિચાર

માણસ હંમેશા સમય સાથે બદલાતો રહે છે. જો એ બદલાવનો આપણને સંતોષ હોય તો એની મજા અનેરી છે. એક સમય હતો જયારે ગામ શબ્દ સાંભળું ત્યારે કાચા-પાકા રસ્તા, છાણાથી લીપેલાં ઘરો, કાદવ, કીચડ, ધોતિયું પહેરેલાં માણસો, માથે દેગડું લઇને જતી સ્ત્રીઓ એ બધું જ નજર સમક્ષ આવતું. પણ જ્યારથી મિત્રો સાથે સ્વતંત્ર હરતો ફરતો થયો, મિત્રો સાથે તેમનાં ગામડે કાકા-મામાનાં ઘરે જતો થયો ત્યારથી ગામ અને ગામના લોકોમાં કંઈક અનોખું જ જોવાં મળ્યું.
હું તો કમનસીબ છું કે મારે તો કોઈ ગામડું જ નથી. અમારો તો પેઢીઓથી અમદાવાદમાં જ વસવાટ છે. લગભગ જે બધું જ ગામમાં છે તે બધું જ શહેરમાં પણ છે. કાચા પાકા રસ્તા, છાણ કાદવ, લારી-ગલ્લા બધું જ એમનું એમ અહીં શહેરોમાં પણ છે. બસ, ખાલી એક જ ફરક છે. ગામના લોકો એકબીજાને નામથી ઓળખે છે. જયારે શહેરોમાં ફ્લેટ કે બંગલા નંબરથી ઓળખાઈએ છીએ.

માણસો તો બધે જ સારા જ હોય છે. હોય જ ને વળી, કેમકે તેઓ માણસો છે. પણ ગામનાં માણસોની ફ્લેવર કંઈક ઔર જ હોય છે. ગામમાં ગલ્લે સરનામું પૂછીએ તો પેલો માણસ છેક સુધી આપણા ઠેકાણે મૂકી જાય અને અંતે તો આપણે તેને ગામડીયો જ કહીએ. પણ તે ગામડાનાં લોકોનો એક સ્વભાવ હોય છે. જો તેમને કોઈ સમસ્યા જણાવે તો તે તેમની પોતાની સમસ્યા સમજીને એકબીજાને મદદ કરે. અને જ્યાં સુધી એનું સમાધાન ના મળે ત્યાં સુઘી તે પડખે જ ઉભો રહે. મને તો લાગે છે કદાચ એટલે જ ત્યાં વાતાવરણમાં પ્રદૂષણ ઓછું હોય છે. આપણે નાહકના ગાડી સ્કૂટરના ધુમાડાઓને દોષ આપીએ છીએ.

સાત-આંઠ વર્ષ પહેલાંની વાત છે. હું એક મિત્ર અને એનાં પરિવાર સાથે ગણપતિનાં એક મંદિરના દર્શન કરવાં ગયો હતો. પાછા ફરતી વખતે તેનાં મમ્મીએ કહ્યું કે, “ચાલ, આપણું ગામ રસ્તામાં જ આવે છે. મામાને ત્યાં જ જમી લઈએ.” બપોરનાં બે વાગ્યા હતાં. એટલે સ્વાભાવિક છે કે તેનાં મામાના પરિવારે તો જમી જ લીધું હોય.
પેલાં મિત્રએ મામાને ફૉન કર્યો.
મામાએ કહ્યું, “અલા ભાણા…ઇમ તો કંઈ ફૂન કરવાનો હોય, આઈ જ જવાનું હોય ને.અમે તો રાજી થઇ ગ્યાં લે…..ને હાંભાળ નિરાંતે બે-ત્રણ દી’ રોકાઈને જ જજો.”
અમે લગભગ પંદર મિનિટની આસપાસ ગામની હદમાં પ્રવેશ્યાં. મારી નવાઈનો પારના રહ્યો. મારો મિત્ર અને તેનાં પરિવારના લોકો પણ વર્ષનાં વચલે દિવસે જ ગામડે જતાં છતાંય ત્યાંના છોકરાઓને મારાં મિત્રનાં નામની બૂમો પડતાં અને ફોઈબા ફોઈબા કરતા અમારી ગાડી પાછળ ધૂળની ડમરીમાં મેં દોડતાં જોયાં. જો અમારા જવાથી એ ગામના આમ બાર-ચૌદ વર્ષનાં છોકરાઓ પણ હરખમાં આવી જતાં હોય તો ત્યાંનાં વડીલોની તો વાત જ ન થાય. એનાં મામાના ફળિયાં સુધી પહોંચતા અમને બીજી પાંચ મિનિટ લાગી અને મારી ગાડીનાં હોર્ન સાથે તેમનાં કૂકરની છેલ્લી સિટીનો અવાજ આવ્યો. અને બસ, એ જ ક્ષણે આ શિર્ષકની પંક્તિ લખાઈ હતી. વીસ જ મિનિટની અંદર બટાકાનું રસાવાળું શાક અને ઘીથી લથબથ ખીચડી અમારાં માટે તૈયાર હતી.
મને મજા તો ત્યાં આવી કે, તે દિવસે મામા-મામીએ “લૂગડું”,”ડોલચું”,”ટોયલી” જેવાં તળપદી શબ્દો વાપર્યા હતાં તે બધાં જ મને પણ ખબર હતાં. અને એ સ્વચ્છ વાતાવરણમાં મેં પણ સંતોષનો એક એવો ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે, “ભલે મારું કોઈ ગામડું ના હોય પણ મારામાં પણ એક દેશી જીવ તો જીવે જ છે.”
-મૌલિક વિચાર

Vicharyatra : 15 Maulik Nagar “Vichar”

મા સૃષ્ટિ છે.

હંમેશની જેમ આજે પણ કહું છું કે આમ તો મારાં મૌલિક વિચારોની દ્રષ્ટિએ જીવનનો મળેલો એક નવો દિવસ એ ઉત્તમ અને પવિત્ર જ છે. છતાંય તારીખો અને તિથિઓની માયાજાળ પણ મને ગમે છે. થોડાંક જ કલાકોમાં આખું વિશ્વ્ “મધર્સ ડે” ઊજવશે. પોતપોતાની મમ્મીઓને ભેટ-સોગાદ આપશે. વિશ્વ એટલું જાગૃત છે કે હવે ભેટ-સોગાદની જગ્યાએ તેઓ પોતાનાં માતા-પિતાને સમય આપશે. ખરેખર, આ જાગૃતિ ફેલાવવા બદલ સોશ્યલ મીડિયાનો ખૂબ આભાર માનવો જોઈએ. આ અભિયાન સોશ્યલ મીડિયાનું ઘણું સારું અને પોઝિટીવ પાસું છે. જો મા સૃષ્ટિ છે તેમ કહીએ તો ૩૬૫ દિવસ મધર્સ ડે, બાકી બધાં અધર ડે…મા શબ્દ આવે એટલે કંઈ જ બાકી નથી રહેતું. હાલમાં જ એક વિડીયો માટે સ્ક્રિપ્ટ લખવાની હતી તો તેનું પ્રથમ વાક્ય જ મને એ સૂઝ્યું કે “મા એ શબ્દકોશનો એક અક્ષરવાળો એવો શબ્દ છે કે જેની સામે મોટાં-મોટાં ગ્રંથો પણ નાના લાગે.

મને ક્યારેક એવો વિચાર આવે કે આપણે ક્યારેય પણ સૃષ્ટિ સાથે શું સંબંધ છે તેવું ક્યારેય નથી કહેતા. તો એ જ ન્યાયે મા અને દીકરા/દીકરીનો સંબંધ પણ ન જ કહી શકાય. કેમકે મારાં અનુભવે મેં તો દરેક સંબંધમાં હંમેશા કોઈકને કોઈક કન્ડિશન જ જોઈ છે. પરંતુ મા હંમેશાં આપવાનો જ વ્યવહાર રાખે છે.
પહેલા રક્ત પછી દૂધ અને અંતમાં આંસુ.. એટલે જ માનું દિલ પ્રવાહી જેવું નિર્મળ છે. કોઈ પણ સ્ત્રી, સ્ત્રીરૂપે ગમે તે હોઈ શકે પરંતુ તે મા સ્વરૂપે માત્ર મા જ હોય છે. મા શબ્દનો પણ કોઈ પર્યાય નથી. એ જે છે, એ જ છે. આપણા તન અને મનનું જતન તે માની દિનચર્યા છે. તે પાત્રએ આપણને નવ-નવ મહિના પેટમાં ઉછેર્યા અને એનો ભાર સહન કર્યો. અને હજી થોડુંક આગળ દ્રષ્ટિ કરીએ તો તેણે આપણને આપણા સ્કૂલની બેગનો ભાર પણ ઉંચકવા નથી દીધો. મા જયારે પણ ફૂંક મારીને ગરમ ગરમ રોટલી ખવડાવતી તે કોળીયાંમાં મીઠાશ જ અનેરી હતી.

તમને ખબર છે..માએ આપણાં શોખ એ તેનાં શોખ બનાવી લીધાં અને આપણાં ચહેરાં પરનું સ્મિત એ તેનું મનોરંજન હતું. કવિઓએ કોયલનો ટહુકો ભલે મધુર વર્ણવેલ હશે, પણ માના સ્વરથી મધુર બીજો કોઈ સ્વર નથી. ગઝલકારો માટે કદાચ પ્રિયતમાના સ્પર્શમાં નાજુકતા હશે, પણ માના ટેરવાંનો એકેએક સ્પર્શ અદ્ભૂત છે.

અંતે એક ઝાંખી વાસ્તવિકતા કહું તો કુદરતે દરેકને ત્રણ-ત્રણ માના વરદાન આપેલ છે. પ્રથમ જેના કૂખે જન્મ લીધો તે જનની. બીજી, આપણો ભાર સહન કરી આપણને વીર બનાવ્યા તે માતૃભૂમિ, અને છેલ્લે આપણા સંસ્કારના પરિવહન માટેનું જે માધ્યમ બની તે માતૃભાષા.
કુદરતે આપેલ આ ત્રણેય માને શત શત વંદન.
કારણ કે,
મા જ સૃષ્ટિ છે.
– મૌલિક “વિચાર”

Vicharyatra : 14 Maulik Nagar “Vichar”

“બડા આદમી”

‘હેલ્લો, મૌલિક સર! સલામ! કૈસે હો! સબ ખૈરીયત?’, અજાણ્યાં નંબર પરથી ફોન હતો.
‘બઢીયા, સલીમભાઇ.’
‘અરે સાબ! આપને તો મેરી આવાઝ પિછાણ લી’
તુક્કો લાગી ગયો એટલે મેં પણ રંજનીકાંત અંદાઝમાં કહ્યું, ‘સલીમભાઇ યે તો સંગીતકાર કે કાન હૈ! આપ કૈસે હો?

થોડાં દિવસ પહેલાં આ સલીમભાઇનો ફોન આવ્યો હતો. ત્રણ ચાર વર્ષ પહેલાં ક્યાંય પણ અમારો મ્યુઝિક કોન્સર્ટ હોય તો આ સલીમભાઇ જ પાંચસો કિલોનો પિયાનો એમનાં છોટા હાથીમાં ટ્રાન્સપોર્ટ કરતા. અચાનક જ તેમનો ફોન આવ્યો એટલે મને લાગ્યું કે નક્કી આ માર્કેટિંગ કોલ લાગે છે. અને નીકળ્યું પણ એવું જ.
એમની પઠાણી એકસેન્ટના અને મારી ગુજરાતી એક્સેન્ટના હિન્દીમાં ખબર અંતર પુછાયા પછી એમણે મુદ્દાની વાત કરી.

‘અરે મૌલિક સર! મેરા પિછાણવાલા ગાંઉ સી આયા હૈ! અગર કિસી કુ ફ્રીજ, એ.સી રીપેર કરવાનાં હો તો વો અચ્છા કારીગર હૈ!’
‘મેં કીધું ચોક્કસ, આપકા પીચાનવાલા હૈ તો તો વો અચ્છા હી હોગા, મેં જરૂર બતાઉંગા’ મેં પણ થોડી પઠાણી બોલીમાં જ ઝીંકી દીધું.
પણ એ સલીમભાઇના આ અંતિમ વાક્યએ મને થોડી વાર તો વિચાર તો કરી મૂક્યો.
અંતમાં ફોન મૂકતા તેમણે કહ્યું કે, ‘સાબ, મેંને સોચા આપ જૈસે બડે લોગન કો ફૂન કરેંગે તો ઉસકો બહુત કામ મિલેંગા.’

હવે નાના મોટાં માણસની વ્યાખ્યા તો મને નથી ખબર પણ આ ફોન પછી મને એટલું ચોક્કસ ખબર પડી ગઈ કે ગાડી ને બંગલો હોવાથી કોઈ માણસ મોટું નથી થઇ જતું.
જો હું એને કામ જ ના અપાવી શકું તો શેનો મોટો માણસ! અને કદાચ એ કારીગરને એકાદ કામ આપીને કે અપાવીને થોડી ઘણી મદદ કરી પણ લીધી તો પણ શેનો મોટો માણસ!
બસ, આ જ નાનાં મોટાંનો તફાવત ઇન્ડિયા અને ઇન્ડિયનને ત્યાં નો ત્યાં જ રાખે છે. દેશનો વિકાસ થાય છે. માણસનો અને તેની સંપત્તિનો વિકાસ થાય છે. પણ એની વિચારશરણી તો હજી ત્યાંની ત્યાં જ છે.

આમ તો આપણામાં “પરસ્પર દેવો ભવઃ”ની ભાવના હોવી જોઈએ. અમુક અંશે તેવી ભાવના હોય છે પણ ખરા. પણ એમાં જો આપણે મદદમાં થોડી પહેલ કરી લઈએ તો આપણા વર્તનમાં પેલો “બડા આદમી”નો કીડો સળવળવાનો ચાલુ થઇ જાય છે. મારાં જેવાં માણસની પહોંચ એટલી તો નથી કે હું “બડા આદમી” સાબિત થઇ શકું. પણ આંગળીમાં જેટલા વેઢા છે બસ એટલા જ લોકોને થોડો ઘણો રોજગાર અપાવી શકું તો પણ સંતોષને રોજે રોજ માણી શકું. અને સાચો “બડા આદમી” તો આ સલીમભાઇ કહેવાય કે તેણે મારાં જેવાં કહેવાતા ઘણાં બધાં “બડા આદમી”ઓને વારા ફરથી ફોન કર્યા હશે અને એણે એનાં પહેચાનવાળાનો રમઝાન મહિનો સુધાર્યો હશે.

-મૌલિક “વિચાર”

Vicharyatra : 9 Maulik Nagar “Vichar”

“દ્રાર…ધરતીની પેલે પાર”

થોડાં દિવસો પહેલાં એક મિત્રનો ફોન આવ્યો. એ સારા ગજાનો નાટકનો કલાકાર છે. એણે નવું ઘર લીધું છે એટલે ઘરમાં વાસ્તુની પૂજા રાખેલ હતી. તેનાં જ આમંત્રણ માટે તેનો ફોન હતો. આમંત્રણ અને આભારવિધિ પતી એટલે તેણે નિખાલસપણે કહ્યું. “મૌલિક, ઘરનું નામકરણ કરવાની ઈચ્છા છે. પણ મારે માતૃકૃપા, પિતૃવંદન, કૃષ્ણનિવાસ, હરિકૃપા…આવાં નામ નથી રાખવાં.” જો નામકરણમાં તું કંઈક મદદ કરી શકે તો?!”
એક ક્ષણ પણ વિચાર્યા વગર મેં તેને કહ્યું…”દ્રાર”. ઘરનું નામ “દ્રાર” રાખ.
એને નામ ખૂબ જ ગમ્યું. વધારામાં મેં ઉમેર્યું કે જો તને એ નામ ગમ્યું હોય તો નીચે એક ટેગ લાઈન પણ લગાવી દેજે. “દ્રાર…ધરતીની પેલે પાર”

ખેર, એણે એનાં ઘરની બહાર તે નામની તખ્તી લગાડી કે નહીં તે તો તે જ જાણે. પણ મને આ વિચાર અને નામ ખૂબ ગમી ગયું.
“દ્રાર” ચાર પાંચ વખત બોલજો. ખૂબ જ દિવ્ય લાગશે! ઘરનાં દ્રાર પરથી જ ઘરમાં કેટલી અને કેવી ઊર્જા છે તે જાણ થઇ જાય.
કોઈકના ઘરે જઈએ તો આપણને ત્યાંથી ઉભા થવાની ઉચ્છા જ ના થાય. એનાં ઘરમાં એટલી હકારાત્મક ઊર્જા હોય કે તમને ત્યાં શાંત્વન અને સુકુન મળે.
એ ઘરમાં આપણી દરેક નકારાત્મક વિચારોનો નાશ થઇ જાય અને મનને હાશ મળે. ત્યાં પંખા કે એ.સી વગર પણ શીતળતા જણાય. એ ઘરનાં લોકોમાં નમ્રતા અને અનોખી જીવનશૈલી હોવાનો અનુભવ થાય. તેમનું માત્ર ઘર જ નહીં, મન પણ ચોખ્ખું હોય. એ ઘર નાનું કે મોટું મટીને ઈશ્વરનું સ્થાન બની જાય.
બસ, એટલે જ મને આ નામ ખૂબ ગમ્યું. “દ્રાર…ધરતીની પેલે પાર”

ધરતીની પેલે પાર શું છે? ત્યાં તો ઈશ્વરનો વાસ છે. હકારનો ઉજાશ છે. ઈશ્વરનું આપણી પ્રત્યેનું અને આપણું એમનાં તરફનું આકર્ષણ છે. ઈશ્વર રોજ સવારે આપણા દ્રારે આંટો મારવા આવે છે. જો તેને એ ઘરની ઊર્જા આકર્ષે તો આખો દિવસ તે ત્યાં જ વસે છે. એનું, એટલે ઈશ્વરનું, ધરતી પર “ધરતીની પેલે પાર”નું ઘર, “ઘર” સમજીને.

મને “ઘર એક મંદિર”ની ફિલસૂફી ક્યારેય નથી ગમી. કેમકે, હજી પણ મને મંદિરના સંદર્ભમાં ઘણાં ભેદભાવ દેખાય છે. કેમકે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં મેલા મન સાથે જઈ શકે પણ પવિત્ર સ્ત્રી તેનાં માસિક સમયે ન જઈ શકે. હશે, એ તો રિવાજ અને પ્રથાની વાત છે.
એટલે જ મારે મારા ઘરને મંદિર ક્યારેય નથી કહેવું. એ તો “ધરતીની પેલે પારની” જગ્યા છે. કોઈ પણ વ્યક્તિ મારા ઘરનો બેલ વગાડે તો તેને કહું કે તે બેલ નથી વગાડયો, તે તો સંગીત વગાડ્યું છે. બસ આ સાંભળતા જ એ કંઈક વિચારવા લાગે અને હસી પડે. એની મુસ્કાનથી જ મારાં ઘરમાં ઈશ્વરની એન્ટ્રી થાય.

ક્યાંય પણ હું બહાર ગયો હોઉં અને જેવો હું ઘરનાં દ્રાર પાસે આવું, ઘરમાં દાખલ થઉં એટલે મને “ધરતીની પેલે પાર” પહોંચી જવાની અનુભૂતિ થાય. શબ્દ, સંગીત, વિચાર..આ બધાં તો મારાં ઘરનું વાતાવરણ છે. એ એવું આવરણ ઊભું કરે છે કે મારા ઈશ્વર સાથેના મૌન સંવાદના અનેક શબ્દો અને વિચારોમાં સૂર ભેળવે છે.
મારાં ઘરનાં લગભગ દરેક ખૂણે પુસ્તકોરૂપી દિવા મળે. જે મારાં અને મારાં પરિવારના સભ્યનાં વિચારોને ઝળહળતા રાખે છે. સંગીતનાં વાદ્યો મને એવો અહેસાસ કરાવે છે કે હું જ્યાં છું ત્યાં બહું કિંમતી જીવન જીવું છું. હવે તો ઘરની દીવાલો પણ કયો રાગ વાગે છે તે ઓળખી જાય છે. સાચે જ, હું ખૂબ જ સમૃધ્ધ જીવન જીવું છું.

Maulik Nagar “Vichar”

Vicharyatra : 8 Maulik Nagar “Vichar”

લખાણ એટલે વિચારોથી અને વિચારોની લથબથ ખાણ.

લાઈક, શેર, ફૉલો અને સબસ્ક્રાઇબ આ ચારેય ભાઈઓ માણસની સાચી ઓળખના ડાઘુઓ જેવાં છે… આપણા વિચારોને ક્યાંય સ્મશાનમાં મોકલી દે. ખબર જ ન પડે. અહીંયા મારો મુદ્દો વિશિષ્ટપણે લખાણ માટે છે. કવિની કવિતાની કાયાનો દારોમદાર હવે આ લાઈક અને વ્યુવ્સના નંબરને આધીન છે. જ્યાં સુધી વિચારો થકી મનની સપાટીએ ના લખાય ત્યાં સુધી સાચું લખાણ બહાર નથી આવતું. લખાણ એટલે વિચારોથી અને વિચારોની લથબથ ખાણ.

પ્રકાશિત થયેલા લેખકો જ લખી શકે એવું નથી. મારા જેવાં નવ-શિખ્યાં પણ પોતાનાં વિચારોને માંજીને ભાષાનું ભાણું મહેકાવી શકે. પણ લાઈક, વ્યુવ્સના ચક્કરમાં લખાણમાંથી ઊંડાણ જતું રહ્યું છે. લોકો લખતા ડરે છે. હાલમાં જ બનેલ એક પ્રસંગ કહું.
મારાં એક સંગીતકાર મિત્રને એક ગીત લખીને આપવાનું હતું. એને એનો ભાવ ખૂબ ગમ્યો. શબ્દો, લય, ઉચ્ચાર બધાયમાં ઠાઠમાઠ હતો છતાંય એટલાં બધાં ફેરફાર કરાવ્યાં કે એ ગીતના વિચારો જ વિકૃત થઇ ગયાં. ગુજરાતી ગીતના મથાળા નીચે અઢળક અંગ્રેજી શબ્દો ભરવા પડ્યાં. અંતે મારાથી રહેવાયું નહીં. મેં એને પૂછ્યું કે “ભાઈ, પહેલાં લખેલ શબ્દોમાં તને શી સમસ્યા નડી?”
તેણે ઉત્તર આપ્યો કે “સર, શબ્દો થોડાં દેશી લાગતા’તા.” હવે મારે એને કહેવાની જરૂર ન પડી કે “ભાઈ, દેશી માણસ પાસે લખાવે તો શબ્દો દેશી જ રહેવાના.” આ પ્રસંગ પછી હવે મારો પણ આત્મા અને મારાં લખાણનો વિશ્વાસ ડગમગી ગયો. આખરે મારે એ મિત્રને કહેવું પડ્યું કે ભાઈ અડધો-અડઘ શબ્દો તો તે જ લખાવ્યાં છે. માટે હવે આ ગીતના ગીતકાર તરીકે મારાં નામની કોઈ જરૂર નથી. મારાં આ અભિગમે મારામાં પાછો આત્મવિશ્વાસ પૂર્યો. હાશ!! હું તો આ લાઈક સબસ્ક્રાઇબઅને એવોર્ડની હરીફાઈમાં નથી!

મારા મતે તો આપણી આંખને આપણું લખાણ ગમે એટલે ઉત્તમ.. આપણું જ લખાણ આપણને ફરીફરીને વાંચવાની ઈચ્છા થાય એટલે આપણો લેખ, કવિતા કે મૌલિક વિચારો સફળ.
મારું માનવું છે કે લખાણ કોઈ દિવસ સાચું કે ખોટું નથી હોતું. એવું બને કે થોડું નબળું હોઈ શકે.
અર્થ સાચો એટલે લખાણ પણ સચવાઈ જાય.
જોડણી કે વ્યાકરણની ભૂલ તો થાય ક્યારેક. એમાં લખતા ડરાય થોડી! કેમ આપણી સ્લિપ ઑફ ટંગ નથી થતી?

કાગળનું લખાણ તો માત્ર આકૃતિ છે…જે સદ્ધર છે એ તો એના વિચારો છે.. કોઈ વ્યક્તિ આજકાલનો આવેલો લેખક નથી હોતો. એ તો જન્મજાતનો લેખક છે…જન્મ્યો ત્યારથી એની માનસસપાટી ઉપર અનેક લેખો લખ્યાં જ કરે છે. એની સ્મૃતિમાં અનેક કવિતાઓ સમાયેલી હોય છે. એટલી બધી સ્મૃતિઓ એનાં નજરે લખાયેલી હોય છે…કાગળ પર કલમથી લખેલ કક્કો એ તો બધું મિથ્યા છે..વ્યક્ત કરી શકે એ જ સાચો લેખક.

મારાં અનુભવથી કહી શકું કે,
જો તમે ચાલી શકો, તો તમે નૃત્ય પણ કરી શકો.
જો તમે બોલી શકો, તો તમે ગાઈ પણ શકો.
અને જો તમે ફળદ્રુપ વિચારી શકો, તો તમે લખી પણ શકો

– મૌલિક “વિચાર”

Vicharyatra : 7 Maulik Nagar “Vichar”

મોજ મજા અને જલસા…આ ત્રણેય સુખી પરિવારના સગાં ભાઈઓ સમાન છે. અને કાળ એ એમની માસી બા..હંમેશા ખોડખાપણ કાઢ્યા જ કરે. જેને જીવનમાં મજા જ કરવી છે એને કોઈ જાતની સમસ્યા જ નથી કોઈ ફરિયાદ જ નથી. જેમ અંતર માપવા માટે મીટર, કિલોમીટર વપરાય, વજન માપવા ગ્રામ, કિલોગ્રામ વિગેરે વપરાય, તેમ જો સુખ અને દુઃખ માપવાના પણ આવા કોઈ એકમ હોત તો આપણે આવા સુખી દુઃખી લોકોનો પણ એક અલગ સંસાર કે સમાજ બનાવી દઈએ!
વાણીયા, બ્રાહ્મણ, શીખ, મુસ્લિમની જેમ જ સુખી, દુઃખી, મિડલ ક્લાસ સુખી, મિડલ ક્લાસ દુઃખી, વટલાયેલો સુખી, વટલાયેલો દુઃખી વિગેરે..

વિશેષ તો મને ખબર નથી પણ મારા અનુભવથી મેં આવા સુખી-દુઃખી માણસોને તોલે તેવો માપદંડ શોધી કાઢ્યો છે. પોતાના જીવનમાં માણસ જેટલી અને જેવી ફરિયાદ કરે તે જ તેનું માપદંડ.

ઓછી ફરિયાદ કરે તે મધ્યમ વર્ગનો સુખી, વધુ ફરિયાદ કરે તે અમીર દુઃખી અને સાવ ફરિયાદ જ ન કરે તે પરમ સુખી. વાત થોડી ભારી છે. પણ જેને સમજાઈ જાય એને આભારી છે.
જેની પાસે કશું જ હોતું નથી છતાંય તેને દરેક ક્ષણ ખુશીઓથી સંપન્ન લાગે છે. ફરિયાદ જેવી ચીજ એને યાદ જ નથી આવતી. અનેક લોકો એવા છે જેના દીવસની શરૂઆત જ ફરિયાદથી થાય છે. ઉનાળામાં તડકો નડે તો ચોમાસામાં ખાબોચિયાં નડે અને શિયાળામાં હાડકાં જકડાઈ જવાની ફરિયાદ હોય. એકેય ઋતુમાં એમને ફાવટ ન આવે.

હમણાં થોડાં દિવસ પહેલાં એક બેન મારી ઓફિસે આવ્યાં હતાં. હજી ઉનાળાની શરૂઆત નથી થઇ. છતાંય એમનાં સ્વભાવને હું પારખું છું એટલે એમનાં આવતા પહેલાં જ મેં એરકંડીશનનું તાપમાન ૧૬ ડિગ્રી કરી નાખ્યું. અને ધાર્યું તે જ થયું થોડીક જ વારમાં તે બહેન સાડીના છેડાને ગોળ-ગોળ ફેરવી પોતાને જ પંખો નાખવા લાગ્યા.
એમની કડકડતી કલકત્તી સાડીમાં જેટલી છાંટ હતી તેટલી વખત તો એ બોલી જ ગયા હશે કે “મૌલિકભાઈ, હવે તો ઉનાળામાં ત્રાસી જવાના હોં…મારાથી ગરમી સહન જ નથી થતી..” મારેય મનમાં બોલાઈ ગયું કે મારાથી તમે સહન નથી થતા.

આપણે સુખી દુઃખીનો માપદંડ તો જોયો હવે તમને આવા ફરિયાદી દુઃખી લોકોને ઓળખવા કઈ રીતે તેની સીધી અને તદ્દન સહજ રીત બતાવું. તમે ઑબ્ઝર્વ કરજો ફરિયાદી લોકોના મોંઢા હંમેશા વાંકા જ હશે. એમનાં હોઠનો ભાગ ચગદાયેલો જ હશે. એનું કારણ છે કે એમનું મોં કાયમ ફરિયાદ કરવા જ ખૂલ્યું હોય છે. એ એમનામાં કોઈ ખોડખાંપણ નથી પણ એમનાં વિચારો જ લૂલા છે. હવે તો આવાં માણસોથી ગૂગલ પણ ત્રાસી ગયું છે.

સુખી માણસનું મોઢું ખૂલે ત્યારે વાતાવરણ ખીલે. કારણકે તેમાં ફરિયાદ જેવી કોઈ ગંધ જ નથી હોતી.
એની પાસે ગાડી ન હોય પણ એ દરેક ક્ષણને ઉજવવા રેડી હોય.
તે વ્યક્તિ પાસે બંગલો કે ફાર્મ હાઉસ ન પણ હોઈ શકે પણ તે ઘરમાં ટીંગાવેલ નાનકડા હીંચકા પર બેસીને આખા વિશ્વની સફર કરી શકે.
એનું મન તો વાંચન, ચિત્રકામ, સંગીત કે યોગ જેવી પ્રવૃતિઓમાં જ વ્યસ્ત હોય.
એ સુખી જીવ પાસે ફરિયાદ કરવાનો સમય જ ન હોય. માત્ર જીવવાની અમર્યાદિત ક્ષણો હોય.
સાચો સુખી જીવ જોવો હોય તો વરસાદની મોસમમાં જયારે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે રોડ પર સૂતા મજૂરના દીકરાને જોજો.
ખરેખર તો ઈશ્વર એની મોજ જોઈને જ એનાં માટે વરસે છે.
આપણને માત્ર વરસાદ પડે છે એનો ભ્રમ જ છે. આપણને વરસાદ પડી ગયાં પછી જે ખાબોચિયું અને કીચડ થશે એની ચિંતા હોય છે. જયારે એ ઓચિંતા મળેલ વરસાદની એક એક ક્ષણ માણે છે. માટે જ આપણા માટે વરસાદ પડે છે અને એનાં માટે વરસે છે!
આજથી જ આપણે નિર્ણય કરીયે કે આજથી “નો ફરિયાદ”

  • મૌલિક વિચાાર

Vicharyatra : 5 Maulik Nagar “Vichaar”

સમયની ધીરજ…

એક સમય એવો હતો જયારે ખરેખર સમય પાસે સમય હતો. એક એક ક્ષણ મંદ ગતિએ હસતી રમતી મુસ્કુરાતી વીતતી હતી. ટપાલી તો જાણે મહેમાન જેવો લાગતો હતો. ભલેને દસ પંદર દિવસે સંદેશો મળતો! પણ એ સંદેશાની રાહ જોવાતો સમય પણ આપણને ગળ્યો લાગતો હતો. દરેક સેકંડ મધપૂડામાંથી નીતરતા ટીપાં જેવી લાગતી હતી. ઘણાં સામાયિકોમાં પેન ફ્રેન્ડ બનાવવા માટે વિદેશના નાગરિકોના સરનામાં છપાયેલાં મળતા. તેઓને આપણે મિત્રતાનો પત્ર લખીએ અને તે આપણને વળતી મૈત્રી મોકલાવે. જે દિવસે પત્ર મળે અને એજ દિવસે જો આપણે વળતો મૈત્રીનો સંવાદ મોકલીએ તો પણ આખા વર્ષમાં માંડ ૪ પત્રની આપ-લે થતી. સમય કેટલો ધીરો અને ઘેરો ચાલતો હતો!! હાલની ઘડીથી તો આપણે વાકેફ જ છીએ…!!!

મને તો એવું લાગે છે કે સમયને જ શ્વાસ ચડ્યો છે. સમય પોતાની જ ધીરજ ગુમાવી બેઠો છે. સમયની અત્યારની પરિસ્થિતિ જોઈને તો એવું લાગે છે કે ‘સમય પોતે તો હાંફે જ છે, સંગાથે આપણને પણ હંફાવે છે. ધારાવાહિકમાં કહો કે આપણા વડીલો આપણને કહેતા, “સમય બહુત બલવાન હૈ!!” સાચી વાત, એ સમય બળવાન હતો. એ જ સમય આપણને બળ આપતો હતો. આપણને કંઈક શીખવતો હતો. અત્યારે આપણે સમયના ગુલામ છીએ. સમયમાં સમાઈ ગયા છીએ. ખબર નથી પડતી કે સમય આપણી આગળ દોડે છે કે આપણે એની પાછળ ભાગીએ છીએ.

ગમે તે હોય પણ સમય હવે તેની સુંદરતા ગુમાઈ ચૂક્યો છે. થોડાંક દિવસ પહેલાં આપણા જ એક લેખક મિત્રએ એક્ઝિટની સ્ટ્રેટેજીની વાત કરી, બીજાં એક લેખક વડીલે મને ધીરજ ઉપરનો પોડકાસ્ટ મોકલાવ્યો…એનાથી મને એવું જ લાગ્યું કે સાચે જ આપણે એક આખા દિવસને છવ્વીસ કલાક સમજીને જીવવો જોઈએ. એવું કરવાથી સમયની ગતિ તો મંદ નહીં પડે પણ આપણા કલાકોનો કૌંસ વધી જશે! સમયને માન તો આપવાનું જ છે પણ એનું ધ્યાન પણ રાખવાનું છે. સમય ભલેને અમર હોઈ શકે પણ એનું સ્વાસ્થ્ય જરૂર નબળું પડ્યું છે. સમયની શુદ્ધતામાં યુદ્ધતા ભળી ગઈ છે. એક જમાનામાં લોલકની ઝડપે ચાલતા સમયમાં સૌમ્યતા હતી. સમય તો સાચું શિક્ષક કહેવાતું હતું. આજે એ જ શિક્ષકની શિસ્ત સાત ઇંચના સ્ક્રીનમાં વેડફાઈ ગઈ છે.

સમય અત્યારે સવારી પર ચડ્યો છે. આપણે તો માત્ર અશ્વ જ છીએ. સમયની નિર્દોષતા આપણે જ ખંડિત કરી છે. સમયનો મોટામાં મોટો દુશ્મન છે, “એનો સદ્દઉપયોગ”. જો આપણે સમયનો સદ્દઉપયોગ કરતાં પાછું શીખી જઈશું તો એ ચોવીસે ચોવીસ કલાક આપણા કાંડે મલકાશે. હજી પણ સમય સુધારવાનો સમય છે. સમય સાથે રહીને સમયનો સત્સંગ કરીએ, તો સમયને પણ ધીરજ આવશે.

  • મૌલિક નાગર “વિચાર”

Vicharyatra : 4 Maulik Nagar “Vichaar”

શબરી કે જબરી…

પ્રેમીઓનો પવિત્ર તહેવાર “વેલેન્ટાઈન ડે”ના ભલે બે-ત્રણ દિવસ વીતી ગયા હોય પણ એનાં વાયરા હજી શાંત થયા નથી.
મારા એક બાવીસ વર્ષના વિદ્યાર્થીને મેં પૂછ્યું કે “શું થયું ભાઈ, કોઈને પ્રપોઝ કર્યું કે નહીં?”
તો તેણે કહ્યું, “સર, મેસેજ તો ડિલિવર થઇ ગયો છે. બે ટીક પણ આવી ગઈ છે. પણ હજી એ એકની બે નથી થઇ.
મેં પૂછ્યું, “એકની બે નથી થઇ એટલે?
તેણે કહ્યું, “હજી બ્લુ ટીક નથી આવી!! અને ઉત્તર પણ..!!”
હું સમજી ગયો કે ભાઈનો પ્રેમરંગ હજી ઝાંખો જ છે.
હજી તો એક કલાક પણ નથી થયો અને લેસનના અંત સુધીમાં એને એ જ દ્રાક્ષ ખાટી લાગવા લાગી!
એણે કહ્યું, “સર, સહી બતાઉં..યે સબ ટાઈમ વેસ્ટ હૈ!!” (આ આપણા ગુજરાતીઓની ખાસિયત છે. જો કંઈ પણ વસ્તુ ભાર દઈને કહેવી હોય તો કોઈ બીજી જ ભાષામાં કહે. જાણે એ બોલ્ડ લેટરમાં કહેવાતું હોય!)
આ અમૂક કલાક પહેલાં જ બનેલો પ્રસંગ છે..શબ્દશઃ સત્ય. મને આ માનસિકતા થોડીક ગંભીર લાગી.
માણસની આ જ પ્રકૃતિ છે. “મળ્યું તો માવો..નહીં તો કડવો કાવો..”

દરેક છોકરાને એવું જ હોય છે કે એને જે છોકરી પસંદ છે એને જયારે પણ પ્રેમનો પ્રસ્તાવ મૂકે ત્યારે તે છોકરી શબરીની માફક એનાં બોર ચાખતી રાહ જોઈને જ બેઠી હોવી જોઈએ. આવાં અધીરા છોકરાઓ એ જ પ્રેમિકાથી જલ્દી બોર થઇ જાય અને એ જ શબરી જેવી છોકરી એને જબરી લાગવા લાગે. અંતે કહે કે એને ખૂબ એટીટ્યૂડ છે.

કોઈ પણ સંબંધ હંમેશા સમય માંગી લે છે. થોડાક જ કલાકોમાં કોઈ આપણા પ્રેમને સ્વીકારે એવી આશા આપણે કંઈ રીતે રાખી શક્યે! છોકરી જો સમયસર તમારો પ્રસ્તાવ સ્વીકારે તો “લવ ઇસ ઈન ધ ઍર…” અને જો સંજોગોવસાત કોઈ પ્રત્યુત્તર ન આપી શકે તો! “યે સબ ટાઈમ વેસ્ટ હૈ!!” આ છોકરમત નથી જોકરમત છે. સ્ત્રી એટલી સધ્ધર છે કે એને બીજું કશુંજ નથી જોઈતું હોતું. પણ દરેક જીવની જેમ એ પણ માન તો ઈચ્છે જ છે.

આ જમાનાના હાસ્ય કલાકારોની રોજીરોટી તો જાણે પોતાની પત્નીની ઠેકડી ઉડાડવામાં જ ચાલતી હોય તેવું લાગે છે. લોકોને હસાવવા માટે તેમની પાસે સ્ત્રી સીવાય બીજો કોઈ વિષય જ નથી. પ્રેમ ઓગાળી જાય એટલે કોઈક કલાકારને પ્રેમિકાનો મીઠો સ્વર ઘાંટા જેવો લાગે છે. તો કોઈકને એની “કાલી કાલી આંખે…”માં ડોળા દેખાય છે. હદ તો ત્યાં થાય છે કે ભરી સંગીતની મહેફિલમાં એક મિત્ર ગીત ગાય છે કે, “નયનને બંધ રાખીને મેં જયારે…..” ત્યાં જ બીજો મિત્ર બૂમ પાડે છે કે…”એ નયન ઉઘાડતો જ નઈઈઈ….નઈતો….બી….જઈશ….”
ખેર, એ તો રમૂજનો વિષય છે. પણ દુઃખ ત્યાં થાય જયારે આવા કાર્યક્રમોમાં સૂર, સંગીત, સાહિત્ય, મિજબાની બધું જ હોય છે. માત્ર ખૂટે છે તો સ્ત્રી પ્રત્યેનું માન!!

ગુજરાતી લોકડાયરાના કલાકારો હંમેશા સ્ત્રી શક્તિને માન આપતાં આવ્યાં છે. તેઓની લોક્વાયકામાં શબરી પણ હોય છે અને જોગણી પણ હોય છે. એનું મને અને આપ સૌને ખૂબ જ ગર્વ છે.
વાસ્તવમાં તો સ્ત્રીનું હૃદય સરિતા જેવું નિર્મળ છે. હરીન્દ્ર દવેનું એક સુંદર વાક્ય ક્યાંક વાંચવામાં આવ્યું હતું કે “સ્ત્રી આપણને હંમેશા કંઈકને કંઈક આપતી જ આવી છે. એક મા પહેલાં તો તેનું રક્ત વહાવીને આપણને જન્મ આપે છે, પછી દૂધ…અને અંતે આંસુ…..!” બધું જ પ્રવાહી….બધું જ નિર્મળ.
એક બહેન હોય તે હાલરડાંના મીઠાં સૂર રેલાવીને આપણને મીઠી નીંદર આપે છે.
અને એક પત્ની એનો ખભો…આખા દિવસની કડાકૂટ પછી માત્ર બે ક્ષણ એના ખભા પર માથું રાખીને આરામ કરીએ તો શ્વાસની લય પાછી આવી જાય છે.
આ બધા જ પાત્રો શબરીથી ઓછાં નથી. અને જો જબરી પણ હોય તો તેમાં પણ આપણું તો કંઈક ભલું જ હશે.

બસ, આજથી જ આખા વર્ષ માટે સ્ત્રીયોત્સવ ઉજવવાનું ચાલુ કરી દો. આપણી આ માનસિકતાના પારણા જલ્દી ઉજવાઈ જશે. આપણને આપણામાં રહેલ રામ દેખાશે.

મૌલિક “વિચાર”

Vicharyatra : 3 Maulik Nagar “Vichaar”

રોજના જેવો મારો આજ દેજે,
એકે એક પળનો હિસાબ લેજે,
લેવુ હોય તો લઇ લેજે બધુ જ રાજી થઈને,
પણ સૌથી પહેલી કડવાશ લેજે.

મૌલિક “વિચાર”

નિખાલસ માણસ હંમેશા પ્રમાણિક હોય છે. એની પાસે છુપાવવા કે સંતાડવા જેવું કશું હોતું જ નથી. એનું હૃદય તો પ્રેમ અને હકારાત્મકતાથી છલોછલ હોય છે. નિખાલસ વ્યક્તિ ક્યારેક ગંભીર બની શકે પરંતુ ગમગીન તો ક્યારેય ન બને. એની આ સૌમ્ય અવસ્થાનું કારણ બીજું કઈ જ નહીં પણ પ્રાર્થના છે. જો આપણી આત્મા ચકચકીત હોય તો આપણી પ્રાર્થના પણ દિવ્ય જ હોય. લગભગ બધાં જ મહાનુભાવોએ ક્યાંકને ક્યાંક પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું છે. પ્રાર્થના કેટલી અતૂટ પ્રવૃત્તિ છે જે આપણને આપણી સાથે જોડી રાખે છે. પ્રાર્થના થકી જ આપણે આપણામાં આપણી પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીએ છીએ.

મારી અને ઈશ્વર વચ્ચે ખૂબ જ ચોખ્ખો સંવાદ થાય છે. કોઈ સંતાકૂકડી નહીં. દરરોજ રાત્રે જમા ઉધારનો હિસાબ થાય છે. છેવટે રોજેરોજ મારી ભૌતિક સફળતા કરતા મારા સંતોષનું જમા ખાતું સધ્ધર જ થતું જાય છે. મથાળે લખેલી પ્રાર્થના જ આ સંતોષી જીવનનું પ્રમાણ આપે છે. કુદરત પાસે હું રોજના જેવો જ દરેક દિવસ માંગુ છું.
મને તો ભૂતકાળમાં કાળ અને ભવિષ્યમાં રહસ્ય જ લાગે છે. એટલે જ તો વર્તમાનને માન આપવાનું! મને તો વર્તમાનની સાચી દ્રષ્ટિ પ્રાર્થનાથી મળે છે.
આટલો બધો અઢળક પ્રેમ, સમજુ પરિવાર, વિશ્વાસુ મિત્રો, અમૂલ્ય મનની શાંતિ, પ્રમાણિક, સમજુ અને રમૂજ સ્વભાવથી છલોછલ દિવસ મળતો હોય તો એવું જીવન કોને ન ગમે!
આવાં જ રમણીય જીવનની સાથે મારી કુટેવો પણ થોડી ઉધારવી જરૂરી જ છે. હું ઈશ્વરને નાદાન ભાવે એક બાળ સહજ ભાવથી થોડું બ્લેકમેઇલ પણ કરી લઉં છું. તેમને કહું છું કે તારે આ હિસાબને સરભર કરવા મારી પાસેથી જે લેવું હોય તે લઇ લેજે. મારી ઇન્દ્રિયોથી માંડીને શ્વાસ સુધીની કોઈ પણ ચૂકવણી કરવા હું તૈયાર છું પ્રભુ! પણ…એ કંઈ પણ લે તે પહેલાં તું મારી પાસેથી કડવાશ લેજે. કુદરતને પણ આ ચતુર ભાવ ગમી ગયો છે. એને પણ ખબર છે કે જો એ માણસ પાસેથી એની કડવાશ લઇ લેશે તો એનું જીવન અમૂલ્ય થઇ જશે. હવે તો મને એ અમૂલ્ય જીવનનો ભાસ થાય છે. જેમ જેમ કડવાશ ઓછી થાય છે તેમ તેમ મને મારી આ પ્રાર્થના પર આશ બેસે છે.
મારાં અનેક વિચારોના બૂમ બરાડા હવે ઓછાં થઇ ગયા છે. દિવસ હળવો ફૂલ જેવો લાગે છે. ક્ષણની ગતિ હવે લયબદ્ધ લાગે છે. પ્રાર્થનાથી પરમાત્મા સુધી…

Vicharyatra : 2 Maulik Nagar “Vichaar”

આ વિશ્વની સૌથી મજબૂત વસ્તુ કંઈ? : “આદત”

વ્યક્તિના જીવનના દરેક દિવસ એટલે કર્મના હિસાબો લખેલી એક છપાયા વગરની પુસ્તક. એનું મુખપૃષ્ઠ એ એનો જન્મ દિવસ અને આઈ.એસ.બી.એનના બારકોડવાળું અંતિમ પાનું એટલે……..એનાં કર્મનો બારકોડ સ્કૅન થાય એટલે એ માણસના વ્યક્તિત્વનો ચિતાર મળે.
મારી આ જ કર્મના પુસ્તકરૂપી ગાડી હવે ત્રીસીના મધ્યમાં પૂર ઝડપે દોડી રહી છે. એક એક દિવસ ખુશનુમા સવાર લઈને આવે છે અને રોજ કંઈક નવુંને નવું શીખવાડી જાય છે. ઘરની છત નીચે મેં ઘણો ઓછો સમય વિતાવ્યો છે. એ જ મારાં અનુભવી જીવનને આભારી છે.
માણસ અનુભવી હોય એટલે એનામાં તત્વજ્ઞાન પણ એટલા જ સ્તરનું હોય.
ચાલો, તમને એક પ્રશ્ન પૂછું. “આ વિશ્વની સૌથી મજબૂત વસ્તુ કંઈ?”
બસ, અહીંયા જ થોભી જાઓ અને પહેલાં આ પ્રશ્નનો ઉત્તર આપો. વાહ આ બેઠકના વાંચન પ્રેમીઓએ અને સાહિત્યના સાધકોએ અનેક સાચા ઉત્તર આપ્યાં હશે!

હું પણ મારો મત અહીંયા રજૂ કરવા માંગુ છું : મારાં મતે દુનિયાની સૌથી મજબૂત જો કોઈ વસ્તુ હોય તો તે છે “આદત”. આપણી દિનચર્યાને જ જોઈ લો!
દિનચર્યાની આદત તો મને મારી મમ્મી-પપ્પા પાસેથી શીખવા મળી. હું સમજણો થયો ત્યારથી જે દિનચર્યા કરું છું તે હજી પણ પ્રવૃત છે. કેટલી મજબૂત આદત!!
મને ક્યારેક આશ્ચર્ય થાય કે આપણે બ્રશ કરવાનું, ન્હાવાનું વિગેરે ક્યારેય ભૂલતા જ નથી. એનું કારણ શું હશે?! કારણ આપને ખબર જ છે!

જો આપણને આદતની મજબૂતાઈનું હજી પણ પાક્કું પ્રમાણ જોઈતું હોય તો કોઈ વ્યસનીને પૂછજો. કોઈ પણ વ્યસની માણસ પરિવાર વગર અઠવાડિયું કે મહિનાઓ રહી શકે. પણ એનાં માવા, બીડી, તમાકુ, સિગરેટ વગર તો એક દિવસ ન ચાલે. એ પાનની પિચકારી અને ધૂમાડાની આદતની પેલે પાર રહેલી રંગબેરંગી દુનિયા જોઈ જ ન શકે. માટે જો કોઈ પણ આદત આપણી દુશ્મન બને તે પહેલાં આપણે એની સાથે ગાઢ દોસ્તી કેળવી લેવી જોઈએ. સારી આદત સારા મિત્રની જેમ ક્યારેય હાનિકારક ન હોય.

એવી જ મજબૂત આદત આપણે પ્રેમ કરવાની પાડીએ તો? રોજેરોજ કંઈક નવું શીખવાની પાડીએ તો? કંઈક નવું સાહિત્ય વાંચવાની પાડીએ તો? કેટલી તાકાત છે “આદત”માં!
હીપોક્રેટ્સ, જેઓ મેડિસિનના પ્રણેતા કહેવાય તેમણે આદત વિષે ખૂબ સુંદર વાત કહી છે. તેમણે કહ્યું છે કે, દરેક વ્યક્તિએ જીવનમાં બે આદત તો કેળવવી જ જોઈએ પહેલી કે ‘દરેકને મદદ કરવી જોઈએ અને બીજી કે જો કોઈને મદદ ન કરી શકીએ તો તેમને નડતરરૂપ તો ન જ થઈએ.’ સાચે જ તેમણે આદતને એક અલગ જ દ્રષ્ટિથી વર્ણવી છે. “મદદ કરવાની આદત…!!!” કેટલી સરળતાથી એમણે સફળતાનો માર્ગ ચીંધ્યો છે
.

દરરોજ સવારે હું અને મારો એક મિત્ર મારા ઘર પાસે આવેલા ગાર્ડનમાં ચાલવા જતા હતાં. ગાર્ડનના ચાર-પાંચ ચક્કર લગાવ્યા પછી એ એક છોડ પાસે ઉભો રહેતો અને એને નિહાળ્યાં કરતો. એક વાર મેં એને પૂછી જ લીધું કે “ભાઈ, રોજ આ છોડ પાસે ઉભો રહીને તું શું કરે છે.” અને તેનાં જવાબે મને વિચારતો કરી મૂક્યો. તેણે કહ્યું કે “પ્રથમ તો હું એનાં પર આવેલા નવા ફૂલોને ગણું છું અને પછી આ છોડ સાથે વાતો કરું છું.” એ મિત્ર બોટનીનો વિદ્યાર્થી હતો. મને થયું કે આ તો પ્રેમ અને આદત બંનેની પરાકાષ્ઠ છે.
પ્રેમની આદત પણ એક અમૂલ્ય આદત છે. કાશ! આ પ્રેમની આદત મને વારસામાં મળતી હોત તો આ વિશ્વનો સૌથી પ્રેમાળ વ્યક્તિ હું હોત. પરંતુ એ
સનાતન સત્ય છે કે આપણે જેટલો પ્રેમ વહેંચીશું એટલો જ પ્રેમ આપણને વ્યાજ સાથે પાછો મળશે. આદત ન હોય તો પ્રેમ પણ સદંતર વહેંચવો શક્ય નથી. જો હવા, પાણી, ખોરાક શરીરની જરૂરિયાત છે તો “પ્રેમ” આતમની જરૂરિયાત છે.
જો સદંતર શીખવાની આદત હોય તો પ્રેમ કરવાની આદત શીખવી અને કેળવવી ખૂબ સહેલી છે. કેમ કે, પ્રેમ કરવાનું શીખવા માટે કોઈ ડિગ્રીની કે ભણતરની જરૂર નથી હોતી. એ તો વહેંચતા જ વધે છે. આદતની કોઈ મર્યાદા નથી હોતી અને એનાં પર આપણો કંટ્રોલ પણ નથી હોતો.

વિચાર કરો કે જો આપણે રોજ કંઈક નવું શીખવાની, નિઃસ્વાર્થ પ્રેમ કરવાની, કોઈને જ્ઞાન આપવાની, વાંચન જેવી ઉત્તમ પ્રવૃત્તિને આપણી આદત બનાવીએ અને નિયંત્રણ વગર સદંતર કર્યા કરીએ તો આપણા વ્યક્તિત્વનું સ્તર કેટલું ઉંચુ હશે!!

આપણું જીવન સારું થાય તેનાં માટે કોઈ વ્રત રાખવાં કરતાં, સારી વસ્તુની લત રાખવી તે વધારે હિતાવહ છે.

  • મૌલિક નાગર “વિચાર”
%d bloggers like this: