ન્યુમરોલોજીસ્ટની આગાહી
વિદ્યાનગરમાં હું મારી જાતને ભણવામાં અને રહેવામાં ગોઠવવાં પ્રયત્ન કરતો હતો,પણ સાઉથ મુંબઈની મારી જિંદગીને ભૂલી નહોતો શકતો.જેમના ત્યાં હું રહેતો હતો,તે ભાઈનાં મિત્ર મનુકાકા અને કાકી મને ખૂબ પ્રેમથી રાખતા.ભાઈનાં કઝીનની ફેક્ટરીમાં મને કોલેજ પછી એપ્રેન્ટીસ તરીકે જોબ ઓફર પણ કાકાએ કરી.હું ફેક્ટરી કોલેજ પછી રોજ જતો,પણ હજુ મારું મન વિદ્યાનગરમાં ગોઠતું નહોતું.એકલતામાં મૌન રહી હું હંમેશા મારી જાત સાથે જ વાતો કરતો રહેતો.ઘોડા અને રેસકોર્સ વગરનું જીવન મને સાવ નીરસ લાગતું.મારાં જીવનમાં જાણે એક સન્નાટો છવાઈ ગયો હતો.તેમજ ટીનએજનાં એ ઉન્માદભર્યા દિવસોમાં ટીનાને મળ્યા વગર હું દુ:ખ ભર્યા હીન્દી ગીતો –
“યે શામકી તન્હાઈયાં ઐસે મેં તેરા ગમ,
પત્તે કહીં,થડકે હવા આઈ તો ચૌંકેં હમ,
જેવા ગીતો સાંભળી દેવદાસ થઈને ફરતો અને મારી યુવાનીની વસંતમાં જાણે પાનખર આવી ગઈ હોય તેવું અનુભવતો.
. મનુકાકા અને કાકી ૬.૩૦ થી ૭.૩૦ ચાલવા જતાં.પછી મિત્રો સાથે ગાર્ડનમાં બેસીને લગભગ ૮.૦૦ વાગે ઘેર પાછા આવતા.ટીના અને મિત્રો કોલેજ પરનાં એસ.ટી.ડી. બુથ પરથી આ સમયે જ મારી સાથે વાત કરતાં.હું મારી ટેવ પ્રમાણે વહેલી સવારે પાંચ વાગે દોડીને છ વાગે ઘેર પાછો આવી જતો.આવીને યોગા કરતો.એ દિવસે અચાનક સવારે ૭.૩૦ વાગે યોગા સર રાજુભાઈનો ફોન આવ્યો.નકુલ,શું કરે છે વિદ્યાનગરમાં?” મેં કહ્યું કેમ સર આવું પૂછો છો?અહીં ભણવા આવ્યો છું તો ભણું છું. આમ પણ વિદ્યાનગરમાં કરવા જેવું બીજુ છે પણ શું?મેં પૂછ્યું,”તમે કેમ છો?ક્યાંથી આજે સવાર સવારમાં હું યાદ આવી ગયો?,”
યોગા સર રાજુભાઈ મારા ઘોડાજ્ઞાન અને એમની ન્યુમરોલોજીને ભેગી કરી મારી સાથે રેસમાં ઘણું કમાએલા,તેથી મારાં સર મટીને મિત્ર વધારે બની ગયા હતાં. તે યોગાસરની સાથે પ્રોફેશનલ ન્યુમરોલોજીસ્ટ પણ હતા.તેમણે કીધું,” નકુલ,એક અઠવાડિયાથી તારી કુંડળીના નંબરનો અભ્યાસ કરું છું ,તો તારા….સંપૂર્ણ યોગ વરસ પછી અમેરિકા બતાવે છે. સો ટકા,ભાઈ ,તું પાછો આવ અને અમેરિકાની તૈયારી કર.” હું મનોમન તો ખૂબ ખુશ થઈ ગયો. અને તેમની સાથે વાત કરતાં કરતાં જ ,’હાશ! હવે આ વિદ્યાનગર છૂટશે ,’ તેમ વિચારવા લાગ્યો.તેમની આ વાત જાણે મારે માટે નવી સવાર લઈને આવી અને આમ પણ મારે તો વિદ્યાનગર છોડવાનું બહાનું જ જોઈતું હતું અને હું કંઈપણ વિચાર્યા વગર મુંબઈ પાછો આવી ગયો.
હું વિદ્યાનગરથી પાછો ફર્યો અને બીજે જ દિવસે વહેલી સવારે રીશેલ્યુને મળવા પહોંચી ગયો.તે તો મને જોઈને ગાંડો થઈ ગયો હતો.તે ગોળ ગોળ ફરી ,બે પગે ઊંચો થઈ તેનો આનંદ વ્યક્ત કરતો હતો.તેનો ટ્રેઈનર પણ અમારી કેમેસ્ટ્રી જોઈ દંગ રહી ગયો હતો.અમે બંનેએ એકબીજાને ખૂબ વહાલ કર્યું.બંનેને જાણે લુંટાએલ ખજાનો પાછો મળી ગયો હતો. ડરબી જીત્યા પછી તે આગળ વધી ગયો હતો.ડરબીમાં ૨૪૦૦ મીટરની રેસ હતી,હવે રીશેલ્યુ ૨૮૦૦ મીટરની ‘સેન્ટ લેજર’રેસની તૈયારી કરતો હતો.એમાં મને મળીને તેનાંમાં નવું જોમ અને ઉત્સાહ દેખાતો હતો, તેથી તેનો ટ્રેઈનર અને જોકી બંને ખુશ હતાં.
મારાં મિત્રો પણ હું પાછો મુંબઈ આવી ગયો એટલે બહુજ ખુશ હતા.આવતાંની સાથે જ મારી ગાડીની ચાવી પરેશ ફેન્ટમે મને આપી અને કીધું,” લે ,ભાઈ તારી અમાનત સંભાળ,બાપા જોડે રોજ તારી આ ગાડી માટે જૂઠનાં ચક્કર ચલાવીને થાક્યો.”ટીના તો મને મળીને વળગીને એટલું રડી કે શાંત રાખતાં નાકે દમ આવ્યો.મેં કહ્યું”,ટીન્સ, હવે કેમ રડે છે? હવે તો હું અહીં આવી ગયો છું બાબા!”
મુંબઈ પાછો ત્રણ મહિના પછી પાછો આવ્યો હતો એટલે ઘરનાં પણ બધાં મને જોઈને ખૂબ ખુશ હતાં.ઘરનાં તો સમજતાં હતા કે હું તેમને મળવા આવ્યો છું.એ લોકોને ક્યાં ખબર હતી કે હું તો કાયમ માટે આવી ગયો છું.રુખીબા તો રાજીનાં રેડ થઈ ગયાં હતા.
બીજે દિવસે યોગા સર રાજુભાઈ ,મને ન્યુ મરીનલાઈન્સનાં બિલ્ડીગમાં આવેલ U.S.I.S.ની ઓફીસમાં લઈ ગયા. ૭૩ -૭૪ માં અમેરિકા ભણવા જવા વિદ્યાર્થીઓની એટલી ભીડ નહોતી.ત્યાં ઓફીસમાં ઈન ચાર્જ મિસ ડીસોઝા હતાં.મેં તેમને કહ્યું,”મારાં S.S.C માં ૬૯.૫% છે.મને ડોક્ટર થવું નહોતું પણ મમ્મીની ઇચ્છાવશ મેં સાયન્સમાં એડમીશન લીધું.ઈન્ટર સાયન્સમાં ફેલ થયો છું ,પણ મારે હવે કોમર્સમાં આગળ ભણવા અમેરિકા જવું છે,તો હું જઈ શકું? તો એમણે કહ્યું,” હા,બેટા,જો તું મહેનત કરીને ટોફેલમાં સરસ સ્કોર લાવે તો S.S.C.નાં તારા રીઝલ્ટ અને ટોફેલનાં સારા સ્કોર પર હું તને સારી કોલેજમાં એડમીશન અપાવી શકું. પરતું તારે ટોફેલ માટે ખૂબ મહેનત કરવી પડશે.હું આઠમાં ધોરણ સુધી ગુજરાતી મિડીયમમાં ફેલોશીપ સ્કુલમાં ભણ્યો હતો.ઘરમાં પણ ગુજરાતી વાતાવરણ એટલે મારું અંગ્રેજી ભાષા પર એટલું પ્રભુત્વ હતું નહીં.મેં નક્કી કરી નાંખ્યું કે ગમે તે થાય,મારે ટોફેલનો સ્કોર સરસ લાવવો જ પડશે તો જ ભાઈ (પપ્પા) બહેન (મમ્મી) મને અમેરિકા મોકલવા તૈયાર થશે.
મેં ટોફેલની તૈયારી શરુ કરી. એક દિવસ હિંમત એકઠી કરી બહેનને સમજાવીને કહ્યું ,”મને વિદ્યાનગર જરાપણ ગમતું નથી અને મારે અમેરિકા ભણવા જવું છે અને હું ટોફેલની તૈયારી કરવા માંગું છું તેમજ મિસ ડીસોઝા સાથે થયેલ વાતચીત અંગે પણ જણાવ્યું.
મારા માતા-પિતા શાંત રહ્યા.મને ભાઈ તો હા પાડશે તેવી ખાત્રી હતી ,પણ બહેન પણ કંઈ બોલી નહીં.કદાચ તેને મારી ભણવાની હોંશ ગમી હશે!!
મેં મારો પૂરતો સમય ટોફેલની તૈયારી માટે મિસ ડીસોઝાની મરીન લાઈન્સની ઓફીસમાં આપવા માંડ્યો.ત્યાં બધી અમેરિકાની યુનિવર્સિટીનાં કેટલોગ્સ,,ફોર્મ્સ,Linguaphone records for english pronunciation & listning practice વિગેરે હતું. મને મિસ ડીસોઝા આ linguaphone record મૂકી આપતા અને હું તે સાંભળતો.ત્યાં બેસીને રોજ એક ઈંગ્લીંશ પીક્ચર પણ જોતો. હું ટોફેલમાં highest score મેળવવા ખૂબ મહેનત કરવા લાગ્યો.ભાઈ અને બહેન પણ મને ભણતો જોઈ ખૂબ ખુશ થવાં લાગ્યા.
મારે બધી યુનિવર્સિટીમાં ડોલરમાં એપ્લીકેશન કરવા,મિસ ડીસોઝાએ મને ખૂબ મદદ કરી હતી એટલે તેમને આપવા,તેમજ મારા ગ્રીન કાર્ડની એપ્લીકેશન કરવા પૈસાની જરુર હતી.મારી મોટી બહેન નીના ત્રણ વર્ષ પહેલાં અને નાની બહેન હર્ષા એક વર્ષ પહેલાં સીટીઝન ગુજરાતીને પરણીને અમેરિકા ગઈ હતી.
રીશેલ્યુની ‘સેન્ટ લેજર રેસ’માં જીતી મેં આ બધાં પેમેન્ટ કરવા પૈસા ભેગા કરવા માંડ્યાં.મેં બહેનને (મમ્મીને)મારી બહેનોને પત્ર લખી, મારા અમેરિકા ભણવા આવવા અંગે અને મારું ગ્રીનકાર્ડ એપ્લાય કરવા માટે પેપર્સ મોકલવા અંગે વાત કરવાનું કીધું.ત્યારે ગ્રીનકાર્ડ એપ્લાય કર્યા પછી ત્રણ ચાર મહિનામાં મળી જતું.નીના અને હર્ષાએ મમ્મીનાં પત્રનાં જવાબમાં કીધું “ નકુલ હજુ અમેરિકા આવવા માટે થોડો નાનો છે,બહુ લાડમાં ઉછેરેલો છે અને મેચ્યોર નથી તો તેને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મોકલો તો સારું.અમેરિકામાં ગ્રેજ્યુએટ થવા ઈન્ડીયાનાં દસલાખ રુપિયા થાય તે પણ મોટી રકમ છે.તો ત્રણ ચાર વર્ષ પછી આવે તો તે થોડો મેચ્યોર થઈ ગયો હોય.બહેનોનાં પત્રોનો જવાબ વાંચી બહેને મારા ખભા પર હાથ રાખતા કહ્યું,”બેટા,તારે ગ્રેજ્યુએટ તો અહીં જ થવું પડશે.”
પત્રનાં જવાબથી હું નિરાશ થઈ ગયો.મેં મારી ટોફેલની બુક બંધ કરી નાંખી અને હું મનમાં જ બબડ્યો” ઓહ નો !ફરી વિદ્યાનગર???”
જિગીષા દિલીપ
મિત્રો તમે ન જોયેલા અને ન સાંભળેલા પ્રકરણ અહી મેળવી શકોશો . https://shabdonusarjan.wordpress.com/?s=%E0%AA%85%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8&submit=Search