વાચક લખે છે ( ૧ ) વિજય શાહ

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે” 

 “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) 

 

પોટલી

પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે

હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે

કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.-ડૉ ચિનુ મોદી

(ડો ચિનુ મોદી મારા ગુરૂ જન્..તેથી તે હક દાવે તેમની આ તરો તાજી  ગઝલ હુ મારી સાથે લઈ આવ્યો. આ ક્ષેત્રે નિષ્ણાત હોવા વિશે ચર્ચા કરવી જરૂરી નથી પણ તેમના ચીત્તમાં ચાલતી પાછલી ખટઘડીની આ સુંદર ગઝલ વાત એમણે જ્યારે સંભળાવી ત્યારે હું અને મારો મિત્ર નરેન્દ્ર બજાજ બંને વાહ કહી ગયા…)

પ્રભુ સાથેનાં પાછલી ઘડીએ સંવાદ કરતા કવિ પહેલા શેરમાં કહે છે જીવન તો પળો ભરેલી પોટલી છે જે તેં દીધી છે તે પળોને જીવી રહ્યો છુ. ખુલાસો કરવો નથી કે તે પળો જે જીવાઇ ગઈ કે જીવાવાની છે તે સારી છે કે નરસી પણ હે પ્રભુ એક વાત સત્ય છે અને તે એ કે તે પળો પ્રભુ તેં મોકલી  છે

પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે

ખટ્ઘડી પાછલી ની સાથે અનુસંધાન સાંકડી ગલી એકદમ સુંદર્, યોગ્ય અને રોચક છે. મૃત્યુ ગમે ત્યારે આવે માટે મોહ  નિંદ્રા અને રાગ દોષોનો  ત્યાગ એ સર્વ રીતે  યોગ્ય છે અને શક્ય તેટલો સમય ગમતા કાર્યોમાં ગાળવો કહી  સુંદર સંદેશ પોતાની જાતને આપતા લખે છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે

આ જાગૃતિ છે અને પાછલી ઉંમરે આવી જાગૃતિ શાંત અને પીડા રહિત મૃત્યુ આણતું હોય છે તેવું સાધુ સંતોનું માનવુ છે પરંતુ તેમની વિચારધારા અહીં અટકતી નથી પોતાની જાતને વધુ સંબોધતા કહે છે આ સાંકડી ગલી છે જાતને સંકોચો..બીન જરુરી સર્વ છોડો.. જે સાથે નથી આવવાનું તે તો ખાસ જ છોડો કારણ કે તેને પકડી રાખવાથી છેલ્લી સફર કષ્ટ દાયક થવાની છે.. પળો ઓછી છે અને પેલો મોટા આવર્તન લેતો અને અમળાતો નાગ જેમ દરમાં દાખલથાય ને જેમ સીધો થૈ જાય તેમ હવે સીધા થઇ જાવ વાળી વાત બખુબી કહી જાય છે.

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

આ ઘડી “સ્વ”માં વસવાની છે અને “પર”થી  ખસવાની છે આ જ્ઞાન પાછલી ઉંમરે ઘણા લોકોને આવતુ નથી.. અને તેથી જ કદાચ લક્ષ ચોર્યાસીનાં ફેરા ફરતા રહે છે.વળી આવાત સમજાવવા તે સાંકડી શેરીનું ઉદાહરણ આપે છે..કે જેમાં જે યોગ્ય છે તે જ રહે છે.. મિથ્યા માન અભિમાન ને તો કોઇ સ્થાન જ નથી. તેમની વિચારધારા હજી આગળ ચાલે છે.  પ્રભુને પૃચ્છા કે ક્યાંથી ઉતારું તને ખુબ ઉંચે છાજલી છે કહી પ્રભુ પાસે માનવ સહજ મર્યાદા સ્વિકારી લઈ ગઝલને આધ્યાત્મિક રીતે તેમનુ ઉંચુ ઊડાણ વાચકને દર્શાવી જાય છે.

હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે.

પ્રભુ! તમે ઘણા દુર છો અને મારી ક્ષમતા ઓછી સમય ઓછો અને કદાચ ફરી લક્ષ ચોર્યાસીનાં ફેરામાં હું પડી જાઉં તો ? આ પ્રશ્નનો જવાબ એટલે  આગલા બે શેરો

હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે.

ખબર નથી શ્વાસોની વંશાવલી કેટલી લાંબી છે.. શક્ય છે કે તે ઘણી લાંબી પણ હોય. એક માત્ર ઉપાય છે અને તે સમયનું સ્મરણ કારણ કે સમય જ બાહુબલી છે. અત્રે પ્રભુ શબ્દનો ઉપયોગ ન કરતા સમયનું નામ દઇ કવીએ પોતે આસ્તિક કે નબળો છે તેમ છતુ ન થવા દીધું. આમેય નાટ્યકાર છે. અને પોતાના અંતિમ સમયનું નાટ્ય દ્રશ્ય એ છે કે અજાણી જગ્યાએ મૃત્યુ પામે અને પોલીસ વિચારે કે આ ઇર્શાદ કોણ છે તો તેના પ્રત્યુત્તરમા લખે છે મારું ખીસુ તપાસો તેમાં તેનો જવાબ છે

કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.

આ સુંદર ગઝલ એમના મોં એ સાંભળવાની મઝા અનેરી છે અને તે યાદ કરતા ફરી થી હું એજ ઉત્તેજના અનુભવુ છુ જ્યારે ગુરુ શિષ્યને મૃત્યુ જેવા ભારેખમ અને અઘરા વિષયને સાવ સહજ અને સરળ રીતે શીખવે. તેઓ કહેતા કે “મૃત્યુ” એ ઘટના છે જે ક્ષણમાં ઘટે છે અને તેને માટે આયુષ્યનાં પાછલા વર્ષોમાં ભયભીત રહેવું અજ્ઞાન છે.. જેમ જન્મ તમારા હાથમાં નથી તેમ જ મૃત્યુ પણ તમારા હાથમાં નથી. જે તમારા હાથમાં છે તે કરો.. સંકોચાઓ..જે સાથે નથી આવવાનું તેનો મોહ છોડો.

કહેવું સરળ છે પણ લોકોમાં જે મૃત્યુનો ભય વ્યાપ્ત છે તે સૌને સમજાવતા કવિ કહે છે સમયનું શરણ લેવું એ એક માત્ર વહેવારિક ઉપાય છે કારણ કે તે એક બાહુ બલી છે.

મેં કવીને પુછ્યુ સમય છેલ્લી ક્ષણે જો તમને નવો જન્મ ક્યાં લેવો તે પુછે તો આપનો પ્રત્યુત્તર શો હોય? જવાબ ખુબ ઉઘડેલો અને સુચારુ હતો. હું તો બીજે ભવ પણ ચિનુ મોદી જ થઇશ. જરા વિચારો આ કવી કેટલી ભરી ભરી જિંદગી જીવ્યા હશે? ના અમિરી ના મોટી મહેલાતો પણ જે જીવન જીવ્યા તેનો ભરપૂર આનંદ.. અને એજ જીવન શ્રેષ્ઠ છે તેવો અનુભવ સભર આગ્રહ….આ જવાબ તેમને ઘણા અસંતોષી અને જિંદગી સાથે ફરિયાદો કરતા નકારાત્મક માનવીઓનાં ટૉળાથી જુદા પાડી દે છે.

આમેય હકારાત્મક જીવન જીવતા સૌ વયસ્કોને જોઇને હંમેશા આદરથી મસ્તક ઝુકી જતુ હોય છે પણ ડૉ ચીનુ મોદીનો જવાબ તો સંતોષની પારાકાષ્ટા હતી. અને  આ ગઝલ

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

તે તેમના શીક્ષણાની પારાકાષ્ટા.

મૃત્યુની આજ પ્રકારની તેમની વાત તેમના ખંડ્કાવ્ય વિ-નાયક્નાં અંતિમ ષટક માં લખ્યુ છે.

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ
તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ.     50

-ચિનુ મોદી

ફરીથી ધ્યાન થી જોશો તો બાહુબલી “સમય”-” ક્ષણપતિ” તરીકે ઉભર્યો છે