વસંતની વધાઈ -તરુલતા મહેતા 13મી ફે.2016

વાસન્તી ગઝલ ‘

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે,

સુગન્ધની સલૂણી ટપાલ  ગમે.

આજકાલ ગુલાલ ગુલાલ  ગમે,

સવિશેષ તમારો ખયાલ  ગમે.

ફૂલનો વિપુલ બહુ  ફાલ  ગમે,

વગડે છંટાતો રંગ  લાલ  ગમે.

કેસૂડાએ  ક સુંબલ ક્રાન્તિ  કરી,

ખાખરાનો મિજાજ  જહાલ  ગમે.

પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ ,

વસંતનો  પૂરો  મુદ્દામાલ  ગમે!

ફૂલની  સવારી પાલખીએ  ચઢી,

કેસૂડાની કેસરી મશાલ ગમે.

‘કોઈ  અહીં આવ્યું -ગયું  વરણાગી ?

પવનને પૂછવો સવાલ  ગમે.

પર્ણે પર્ણે ભ્રમરનો   ગુંજારવ ,

ઝાંઝરની  ઝીણી  બોલચાલ ગમે.

ભગવતીકુમાર શર્મા

‘વાસન્તી ગઝલ’થી આપ સૌને વસંતની વધાઈ આપું છું,કેસૂડાંનાં ફૂલ એટલે વસંતની પધરામણી.વસંત એટલે કામદેવનું બાણ.’મને ફાગણનું એક ફૂલ આપોજી લાલ મોરા,કેસૂડો કામણગારો રે લોલ’ કામદેવના બાણ પણ કામણગારા,તેથી જ વન વગડે કુદરતમાં જયારે વસંત ઋતુ ખીલે ત્યારે એની માદક અસરનો ગુલાલ અને સુગંધ સર્વત્ર  ફેલાય છે.

પ્રાણીમાત્રમાં અદ્રશ્યરૂપે વિરાજિત કામ વસંતમાં પ્રદીપ્ત થાય છે.તમે જ કહો આ કામદેવની વસંત એટલે કે યૌવન અને કુદરતની વસંત ભેગી થાય પછી માઝા મૂકે તો અચરજ કહેવાય?

ભગવતીકુમાર શર્મા સૂરતના સર્જક,આપણા આદ્ય સાહિત્યકાર નર્મદ પણ સૂરતના અને બીજા અનેક સાહિત્યકારોની જન્મભૂમિ સૂરત છે.આજે પણ ભગવતીકુમાર શર્મા અવિરતપણે સર્જન કરી રહ્યા છે,તે ગુજરાતી વાચકોનું સદભાગ્ય છે.

કલા -સાહિત્યરસિક સુરત શહેર અનેક કવિઓ ,સંગીતકારો ,નૃત્ય,નાટયકારોથી ધમધમતું સંસ્કારધામ જેવું છે.ત્યાંનું જમણ વખણાય,મને દસ વર્ષ સુરતમાં કોલેજના પ્રોફેસર તરીકે રહેવાનો મોકો મળ્યો હતો.ભગવતીકુમાર શર્મા,મુકુલ ચોકસી ,નયન દેસાઈ ,રવીન્દ્ર પારેખ જેવા સર્જકો સાથે બેઠકની સંગત મેં ખૂબ માણી હતી.

ભગવતીકુમાર શર્મા બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે.શરીરે નાજુક,એકવડા બાધાના,પાતળા અને અવાજ પણ હદયમાંથી ધુટાઈને આવતો હોય તેવો.પણ એમણે સાહિત્યના લગભગ બધા સ્વરૂપોને કુશળતાથી ખેડ્યા છે.તેઓ ઊચ્ચ કોટિના કવિ ,વાર્તાકાર,નવલકથાકાર,નિબંધકાર ઉપરાંત ‘ગુજરાત મિત્રના’ પત્રકાર.આજે પણ એમના લેખો નિયમિતપણે ‘ગુજરાત મિત્ર’માં આવે  છે.જેને કારણે મારી અને એમની વચ્ચે શબ્દ સેતુ જારી રહે છે.

આજની વાસન્તી ગઝલ હળવા મિજાજમાં લખાય છે.એમણે  ગઝલસ્વરૂપ પર એવું વર્ચસ્વ જમાવ્યું છે કે    ‘તેઓ ડાબે હાથે લખે તોપણ ગઝલ આપોઆપ નીકળી આવે.'(સુરેશ દલાલ ) મને કવિના શબ્દોની પસંદગી ગમે છે.રદીફ કાફિયા  એકદમ સહજ રીતે ગુથાયા છે.પ્રકૃતિમાં ચારેકોર ખીલેલી લુમ્બઝુમ્બ વસંતનું   વહાલ જાણે સુગંધની સલૂણી ટપાલ,વાહ કેવું સરસ! આખા ય કાવ્યમાં વસંતની ભૂમિકામાં પ્રેમનો રંગ મંદપણે ટપક્યા કરે છે.પ્રેમ અને વસંત પરસ્પર અનાદિકાળથી જોડાયેલા છે. કવિ ગઝલના બીજા
શેરમાં વસંતના  ગુલાબી વાતાવરણમાં દિલમાં આવતી પ્રિયની  રંગીન યાદની વાત કરે છે.વસંતનો ગુલાલ ગમે પણ ‘સવિશેષ’

 પ્રિયનો ખયાલ ગમે છે.આ ગઝલમાં ‘સવિશેષ ‘,’ક્રાંતિ ‘ જેવા શબ્દો ‘વહાલ ”ટપાલની ‘સંગતમાં ‘જહાલ ‘અને ‘મુદ્દામાલ ‘ બોલચાલ’ જેવા કાફિયા  ભગવતીકુમાર જેવા કસબી કવિ જ પ્રયોજી શકે.વસંતમાં વિવિધ રંગી ફૂલોનો ફાલ ધરતી પર રંગોળી પૂરે પણ નજરને અને મનને બહેકાવે કેસૂડાનો ‘લાગ્યો કસુંબી ‘ રંગ જે  કુદરતમાં ક્રાંતિ કરે અને આશકના દિલમાં પણ હલચલ મચાવે.

વસંતનો નજારો પતંગિયાની  રંગીન ઉડાઉડ અને પંખીઓના ટહુકાથી જીવંત બને છે.એટલે કવિ મોકળા દિલે આવકારતા કહે છે વસંતનો બધો મુદ્દામાલ ગમે.ભગવતીકુમારના  ગઝલ,ગીતો હોય કે વાર્તા,નવલકથા એમના સર્જનનો પૂરો મુદ્દામાલ વાચકને અનેરો આનંદ આપે તેવો છે,જે મેં વર્ષો સુધી માણ્યો છે.મારા સર્જન માટે પ્રેરણા પણ મળી છે.એમની ગઝલનો રસાસ્વાદ આપની સમક્ષ મૂકી,એ નિમિત્તે યાદ કરી મારી ઋણભાવનાને એમના પ્રત્યે પ્રગટ કરું છું.

ગઝલના અંતિમ શેરોમાં વસંતના માદક મહોલમાં જાણે કોઈ વરણાગીની પ્રતીક્ષા હોય તેમ પવનને પૂછે છે ‘અહી કોઈ આવ્યું-ગયું

હતું?’ ભ્રમરની ગુંજારવ સાથે કોઈના ઝાંઝરની ઝીણી બોલચાલ સાંભળવી કવિને ગમે છે.પવન ,પાણી અને પ્રેમ સુષ્ટિના અને

માનવ પ્રકૃતિના જીવનતત્વો -આધારભૂત પાયા. ત્રણે ચંચલ કેમ બાંધી શકાય?ગમે તેટલી પાળ બાંધો પણ સમાય નહી.પવનની

ભાષા ,જળની લીપિ અને પ્રેમના વાયદા –વણ ઉકલ્યા કોયડા!!!

ભગવતીકુમારના વિપુલ સર્જનમાં ‘સંભવ’,અઢી અક્ષરનું ચોમાસું’,’ઉજાગરો’ જેવા સાતેક કાવ્યસન્ગ્રહો,’ઊર્ધ્વમૂલ’અને ‘અસૂર્યોલોક’

જેવી ઇનામપાત્ર નવલકથાઓ અનેક વાર્તા અને નિબંધસંગ્રહો ગુજરાતી સાહિત્યમાં મહામૂલું પ્રદાન છે.એમના સર્જનમાં ઊંડી સંવેદનશીલતા,ઝૂરાપો અને વિષાદની સાથે સંસ્કૃતિચિતન,આજુબાજુના સમાજનું આબેહુબ ચિત્રણ,વ્યક્તિગત વિચારોનું મંથન વણાયેલું દેખાય છે,ભારતીય સાહિત્ય અકાદમી તરફથી અને બીજા અનેક પારિતોષકો તેમને મળી ચૂક્યા છે.આવા ઊચા ગજાના સર્જકને વંદન હો.

આપ સૌને ‘વેલેનટાઈ-ડે’ની પ્રેમપૂર્વક શુભેચ્છા. વસંતમાં કેસૂડાનાં કસુંબી રંગની બોલબાલા તો વેલેનટાઈમાં લાલ ગુલાબની

વાહવાહ! મને ફૂલોના બધા રંગ અને પ્રેમના બધા રૂપો ગમે છે.પ્રેમને રંગ નથી,રૂપ નથી,ભાષા નથી તો પ્રેમ શું છે? અનુભવ છે,

‘પ્રેમ બાણ વાગ્યા હોય તે જાણે’

તરુલતા મહેતા 13મી ફે.2016

આ વિશ્વ વદે છે વધામણી-

holi.jpg-padmamasi

– રંગાય મન.
ભરી છાબ રંગોની,
આવી વસંત.

– ખેલશે હોળી

વિધવા મથુરાની

કાળાશ દુર.

– ફુંટી કુંપળ

જાગે જીવન નવું,
હૈયા મહીં તો!

– આવી વસંત,

દેખાય છે બાગમાં,
મનમા નહી?

શૈલા મુન્શા તા ૦૩/૦૭/૨૦૧૫

www.smunshaw.wordpress.com

મિત્રો હોળી એટલે રંગોનો તહેવાર ,રંગો વગર આપણું જીવન એકદમ નીરસ છે.વસંતના આગમનના વધામણા થતા, હૈયામાં પ્રેમ હિલોળા લે, હોળી આવતા જ આખું વાતાવરણ ઇન્દ્રધનુષી રંગોથી રંગાઈ જાય . 

વેર-ભાવો ​ભુલાઈ જાય અને તેની જ સાથે પ્રેમથી કુંપળ ફુંટ​તા જાણે ​ જીવન નવું​ જાગે અને પ્રેમથી, ​હોળીની શુભેચ્છા આપે.હોળીનો તહેવાર એટલે વ્યક્તિને પોતાની ભાવનાઓ પ્રકટ કરવાનો રંગીન અવસર,કલ્પનાબેને વાચેલી વાત કરતા કહ્યું કે Holi એટલે   પવિત્ર,જે વીતી ગયું છે એને ભૂલી મનને ખંખેરી શુદ્ધ થઇ જાવ,તમારા આત્માંને શુદ્ધ બનાવી આત્માને જ પરમાત્મા બનાવો પછી બધે જ રંગો દેખાશે જીવન વસંતની જેમ ખીલી ઉઠશે..હોળી, જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંતોત્સવમાં વસંત વિશેનું આનાથી રૂડુ બીજું કાવ્ય કયું હોઈ શકે… અને વસંત એટલે જ મિલનની ઋતુ, મિલનનો અવસર, મિલનની ઉજાણી… અને આવા વાસંતી મિલનનો અવસર! વસંતોત્સવ..પ્રભુને બોલવા નો આવસર વસંત .પ્રભુ સાથે ના મિલન ની વાત છે.એકવાર ભીતર વસંત આવી જાય પછી બહાર ભલે ને પાનખર હોય, શું ફર્ક પડે છે!

આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને.

આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને.

આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને.

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ! આવો ને.

આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને.

આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ ભાવ! હવે તો હરિ! આવો ને.

આ ચંદની ભરી છે તલાવડી, હરિ! આવો ને;

ફૂલડિયે બાંધી છે પાંજ, હવે તો હરિ! આવો ને.

આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.

– ન્હાનાલાલ કવિ-

મિત્રો આ વિશ્વ જયારે વધામણી દે છે ત્યારે “બેઠક” કે “શબ્દોનુંસર્જન” આપ બધાને હોળી અને વસંતના વધામણા આપ્યા વગર કેમ રહી શકે  તો આપ બધાને ખુબ ખુબ શુભેચ્છા.

વસંત

મિત્રો ,
વસંત – પ્રકૃતિનો નવો જન્મ.આખી પૃથ્વી
જાણે
એક નવી નવેલી દુલ્હન..
પાનખર પછી વસંત આવે જ છે.. એ કુદરત નો ઇશારાને  સમજવાની વાત આજે પદ્મામાસી   કવિતામા    લાવ્યા છે .. માત્ર બાહરી વસંતની  વાત નથી  , પણ આપણી અંદરમાં વસતા  બારમાસી વસંત નો વસવાટ,   અહેસાસ ની વાત કહી  છે

લોકો વૃદ્ધત્વને પાનખર કહેતા હોય છે  જ્યરે માસી  ને આજે આ ૮૦ વર્ષ ની ઉંમરે પણ  પ્રેમ તથા શ્રદ્ધાથી સદા વાસંતી રહે..  અને એટલે જ કહે છે..
પળમાં વહી જાશે જો વસંત , જીવનનો આનંદ આપી .
ક્ષણ ભંગુર છે જીવન  મારૂ,  વસંત ના રંગમાં
હું તો મહાલી

.
જિંદગી ની વર્તમાન પળને માણો.


વસંત

વસંત આવી,  ધરતી  પર રંગ  બેરંગી ફૂલડાં લાવી
પંખીડાનો કલરવ લાવી, ભ્રમરનો ગુંજારવ  લાવી 

 

આંબે લીંબુ અને જાંબુ પર, સુગંધીત પુષ્પો લાવી
વૃક્ષ વેલ પર ખાટા મીઠા જાત જાતના ફળ લાવી

વરકન્યાના લગ્નની ઉત્તમ એક શુભ મોસમ આવી
માતપિતાના  સંતાનોના કરિયાવરની વેળા  લાવી


બેન્ડવાજા ઢોલત્રાંસા ને  લગ્ન ગીતની મોસમ આવી
માંડવો,   રોશની અને વરઘોડાની  સુંદરતા  લાવી.

પ્રભુતામાં પગલા ભરતા વરકન્યાની અભિલાષા લાવી
.
વસંત પંચમી’ સપ્તપદીના સંગમથી સુખી સંસાર લાવી

કુદરતના આ સંકેત ને સમજતા  મને વાર ન લાગી
વસંત ઋતુઓની રાણી,  હૈયામા વસંતની   ઓળખ લાવી.

કોણ ક્હે છે હું પાનખર છું ..હું  તો   સદા બહાર સોહાગી
ભીતર માં છે વસંત મારા , બસ એ  નવી  ઊર્મિઓ  લઇ ને હાલી

આ અણમોલ ઘડીને માણી,જાણી ને,હું વસંત પથ પર ચાલી .
મારે કરવા  જતન વસંતના, આજ  નિર્મળ મનથી હાલી.

પળમાં વહી જાશે જો વસંત , જીવનનો આનંદ આપી .
ક્ષણ ભંગુર છે જીવન  મારૂ,  વસંત ના રંગમાં
હું તો મહાલી ..
પ્રભુ, હું તો સદાય વસંત ના રંગમાં મહાલી

પદ્માબેન કનુભાઈ શાહ

વસંતઋતુની પધરામણી

વસંતોત્સવ

હે વનો લીલાં થઈ રહ્યાં…..ટેકરીઓય તે લીલીછમ
હે…લીલુ બધે વર્તાય …
હે. પાનખર હોય, શું ફર્ક પડે ..ભીતર હોય વસંત …..

વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!!

અમારા તરફથી સૌને વસંત મુબારક..

વસંતોત્સવમાં વસંત વિશેનું આનાથી રૂડુ બીજું કાવ્ય કયું હોઈ શકે… અને વસંત એટલે જ મિલનની ઋતુ, મિલનનો અવસર, મિલનની ઉજાણી… અને આવા વાસંતી મિલનનો અવસર! વસંતોત્સવ..

પ્રભુને બોલવા નો આવસર વસંત .પ્રભુ સાથે ના મિલન ની વાત છે
એકવાર ભીતર વસંત આવી જાય પછી બહાર ભલે ને પાનખર હોય, શું ફર્ક પડે છે!


આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને.

આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને.

આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને.

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ! આવો ને.

આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને.

આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ ભાવ! હવે તો હરિ! આવો ને.

આ ચંદની ભરી છે તલાવડી, હરિ! આવો ને;
ફૂલડિયે બાંધી છે પાંજ, હવે તો હરિ! આવો ને.

આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.

– ન્હાનાલાલ કવિ