
કોઈને ફોન કરો છો ત્યારે પહેલું વાક્ય શું બોલો છો ? કે, કેમ છો ?મજામાં છો ને? તબિયત સારી છે ને ? એ વાક્ય અચૂક બોલાય અને બોલવું જોઈએ, કેમ ? આ એક જાતની કોઈ વ્યક્તિને શુભેચ્છા છે !માણસ બીમાર ન પડે, નરવો રહે તે પહેલું સુખ છે. શરીરનું નીરોગીપણું માણસ માટે મોટામાં મોટું સુખ છે.ઘણીવાર આરોગ્ય, દૈનિક જવાબદારી અને વ્યવસ્થા માટે પાછલી બેઠક લઈ લે છે , પરિવારો , કારકિર્દી અને અઢળક ધન હોય છતાં માણસ ભોગવી શકતો નથી.લીલીછમ વાડીનો અહેસાસ આપણને થવો જોઇએ એ થતો નથી ,તંદુરસ્તી વગર માણસભરપૂર જીવન જીવતો જ નથી.એક સક્ષમ જીવન જીવવા માટે તંદુરસ્ત જીવનશૈલી જરૂરી છે. માટે નીરોગી રહેવાના ઉપાય શોધવા જ રહ્યા।..એક વાત નક્કી છે કે શરીર ઘોડા જેવું હોય તો જીવનમાં બધું સારું અને વ્હાલું લાગે છે ..આખી જિંદગી જે સુખ માટે દોડ્યા તે શરીરને લીધે માણી ન શકીએ તો શું થાય ? તો ચાલો જોઈએ દાદીમાનું વૈદું શું કહે છે , જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે…છે। ખુબ જાણીતા જોડકણા શરીર માટે અમુલ્ય વાતો કહે છે સ્વાસ્થ્યની ચર્ચા થાય ત્યારે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ બોલો છો ને ? બસ એના જ જેવા અનેક જોડકણા જે તમે ગાઈ ને દીકરા દીકરીને મોટા કર્યા છે હવે એજ જોડકણા આપણે આપણા જ માટે ગાઈએ .
‘પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘરે દીકરા,
ત્રીજું સુખ કુળવંતી નાર, ચોથું સુખ તે કોઠીએ જાર.’
-આંખે છાલક દાંતે લૂણ,પેટ ન ભરીએ ચારે ખૂણ.
-ખાંડ, મીઠું, સોડા ને મેંદો સફેદ ઝેર કેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી લેવાય.
-‘ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,
દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય.’
-મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના
-નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી લેવાય.’ઢી મેલ.’
-ફણગાયેલાં કઠોળ જે ખાય,
લાંબો, પહોળો, તગડો થાય.’
-‘ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
-બાફેલા ચણાને ગોળ ખાય તે ઘોડા જેવો થાય.’
-‘દૂધ, સાકર ને એલચી, વરિયાળી ને દ્રાક્ષ
ગાનારાઓ ખાય તો તેનો ખૂલે રાગ.’
-‘ઉનાળે કેરી ને આમળાં ભલાં, શિયાળે સૂંઠ ને તેલ ભલાં,
ચોમાસે અજમો-લસણ ભલાં, ત્રિફળા બારે માસ ભલાં.’
-‘મધ ને આદું મેળવી ચાટે પરમ ચતુર,
શ્વાસ શરદી સળેખમની વેદના ભાગે દૂર.’
-‘લીબું કહે હું ગોળગોળ, રસ છે મારો ખાટો,
મારું સેવન જો કરો તો પિત્તને મારો લાતો.’
-રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર,
બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
– આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ.
– જમીને ડાબે પડખે સૂવે, તેની નાડ વૈદ્ય ના જુએ.
– તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ.
– જેવું ખાય અન્ન, તેવું થાય મન; જેવું પીએ પાણી, તેવી થાય વાણી.
– હવા અજવાળા વિનાનું ઘર, તે રોગ ઉછેરવાનું દર.
– તાજું ખાય, વખતસર સૂએ તેનો રોગ સીમાડે રુએ.
– જેને ઘેર તુલસી ને ગાય, તેને ઘેર વૈદ્ય ન જાય.
– દરદ આવે ઘોડા વેગે, ને જાય કીડી વેગે.
– રોગ અને દુશ્મન ઊગતા જ ડામવા.
– પેટ સફા, દરદ દફા.
– ઝાઝો સ્વાદ તે રોગનું મૂળ.
– જે બહુ ગળ્યું ખાય, તે નિત્ય વૈદ્ય ઘર જાય
-.અન્ન અને દાંતને વેર
-અન્ન તેવો ઓડકાર
-અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
– એક જ રસ જે નિત ખાય, તે માનવ નિત દરદી થાય.
સઘળા રસ જે નિત નિત ખાય, તે માનવ ના દરદી થાય.
– ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું.
આપણું પરંપરાગત જ્ઞાન આવી કહેવતોમાં સચવાયું છે. સદીઓથી ઊતરી આવેલાં આ નીવડેલા ડહાપણે બાજુએ હડસેલીને આપણે આપણી સુખાકારીને-સ્વાસ્થ્યને જાકારો આપી રહ્યા છીએ. આજે તમારો દીકરો ને વહુ કહેતા હશે સાકર ઓછી ખાવ ,ફણગાવેલા મગ ખુબ સારા ,sprouts is Good for health.. માણસની તાસીરની પરખ અને વિકાસ તેના આહાર વિહારથી થાય છે.કહે છે જેવા અન્ન તેવા ઓડકાર।.ફ્રાન્સના લોકો સોડિયમ-શર્કરા કે ટ્રાન્સફેટ યુક્ત પ્રક્રિયા કરેલો આહાર નથી લેતાં.એક પ્રકારનો ખોરાક લેવાં કરતાં નિયમિત રીતે જુદી જુદી જાતની ખાદ્ય સામગ્રી તમને સંતોષનો અનુભવ કરાવે છે. ફ્રાન્સના લોકોેએ સ્વસ્થ અને પાતળા રહેવા આ રીત અજમાવી છે.સ્વસ્થ રહેવા માગતા હો તો આ પ્રયોગ કરી જુઓ.જ્યાં સુધી વ્યક્તિ પોતેપોતાની તબિયત વિશે જાતે ધ્યાન ન આપે ત્યાં સુધી બધી દવાઓ નકામી એ પછી ભલેને આયુર્વેદ હોય કે હોમિયોપેથી.અહીં મુદ્દો એક જ છે કે જરૃર પડે તો, દવા લો, ઉપચાર કરો, પણ મનની સોયમાં તબિયતનો દોરો જ સતત પરોવેલો ન રાખો- એવી રીતે ન પરોવી રાખો કે રોજેરોજની જિંદગીનું કંઈ ભરતગૂંથણ તમે કરી જ ન શકો! ઉપચાર કરો, પણ તબિયતની ચિંતા છોડો! છેવટે ઉત્તમમાં ઉત્તમ ઔષધિ માત્ર દારૃગોળો- મન છે, લડવાનું તો તમારે જ છે! રોગના ગમે તેવા મોટા શત્રુને હરાવવાનું કામ તમારે જ કરવાનું છે…
બસ ત્યારે આજ થી નિર્ણય કરો કે હું સારા સ્વાસ્થ્ય, સારા વિચારો અને કાર્યો દ્વારા મારી જાતે જ પ્રોત્સાહિત થતો રહીશ.હું ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે સુવાક્યને જાતે સાર્થક કરીશ.
(ગુગલ મંથન )- પ્રજ્ઞાજી
Like this:
Like Loading...