લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે- દેવિકાબેન ધ્રુવ –મણકો -8

કવિતા
 
 લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
ક્ષણે-ક્ષણમાં જીવે સાચું  જીવન  તેનું તો ઓચ્છવ છે.
અગર તન-મન ને ધન દિન રાત જેના હોય લીલાંછમ
નથી એ વાતમાં  બેમત  કે તેનું  મૃત્યુ  મોસમ છે.
હજારો એકલાં જીવોને શું વાડી કે શું વગડો,
ગમે ત્યારે મળી આવે જે, એ આનંદ-ઉત્સવ છે.
હો વાડી દ્રષ્ટિની પહોળી, વળી તો વાત જુદી છે.
વસંતોની  પછીની પાનખર  નિયતિનો ઉત્સવ છે.
અને પ્રારબ્ધની પતરાળીમાં, પુરુષાર્થનું ભોજન ,
જે પામે માનવી, જીવન મરણ તેનું  મહોત્સવ છે.
લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
લીલી વાડી જુએ મનથી જરૂર તો મૃત્યુ ઉત્સવ છે.

દેવિકા

 Devika Dhruva.
http://devikadhruva.wordpress.com

લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે- વિનોદ આર. પટેલ–મણકો -7

vinod patel

મરણનું સ્મરણ

મનુષ્યના જન્મથી જ શરુ થતી અને એના મૃત્યુથી અટકી જતી એની જીવન સફરના મુખ્ય સાત પડાવ છે:જન્મ, બચપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મરણ .માણસ જન્મે છે ત્યારે જ તે મૃત્યુની ટીકીટ કપાવીને જીવન રૂપી રેલગાડીની સફર શરુ કરે છે.આ સફર દરમ્યાન જો કોઈ અણધાર્યો અકસ્માત નડે નહિ તો અંતે રેલગાડી મૃત્યુના અંતિમ સ્ટેશને આવીને વિરામ લે છે .દરેકનું ઘડપણમાં જ મરણ થશે એ નક્કી નથી .કોઈ પણ ઉંમરે એ આવીને ઉભું રહે છે. કમળની પાંખડીઓ ઉપર નૃત્ય કરતા પાણીના બુંદ જેવી આ જિંદગી તરલ અને ચંચલ છે.” જે ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય ,એ નિયમ છે અવિનાશનો ,જે જાયુ તે જાય .” માણસના જીવનનો દરેક સૂર્યોદય એના નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામે છે .જોશ મલીદાબાદીનો એક શેર છે

:” જીતની બઢતી,,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી હૈ “

લાચાર હરણું જેમ વાઘના પંજામાંથી બચવા બધા પ્રયત્નો કરી છુટે છે છતાં એની પકડમાંથી છૂટી શકતું નથી એમ મૃત્યુની પકડમાંથી કોઈ બચી શક્યું છે ખરું ? માણસ જીવન, ધર્મ ,આત્મા ,પરમાત્મા વિગેરે વિષયો ઉપર ઊંડું ચિંતન કરતો હોય છે પરંતુ મરણનું સ્મરણ કરવાનું એ હમેશા ટાળતો હોય છે.મોત ઉપર મનન કરવાના વિચાર માત્રથી જ જાણે કે એ ગભરાતો ન હોય ! ફ્રેંચ ફિલસુફ પાસ્કલે લખ્યું છે કે ” મૃત્યું સતત પીઠ પાછળ ઉભું છે પણ મૃત્યુંને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે.મૃત્યુંને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.”

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બોધ આપતાં કહ્યું છે કે જેણે જ્ન્મ લીધો એનું મૃત્યું નિશ્ચિત છે અને જેનું મરણ છે એનો જન્મ નક્કી છે તેથી
આવી ન જ ટાળી શકાય એવી બાબતનો શોક કરવો તારા માટે યોગ્ય નથી .વધુમાં ગીતામાં
કહેવાયું છે કે જેવી રીતે કપડાં જૂનાં થતાં તેમને ત્યાગીને આપણે નવાં કપડાં પહેરીએ છીએ,
તેવી જ રીતેએક દેહ જીર્ણ થતાં તેને ત્યજીને માણસ બીજો દેહ ધારણ કરે છે .આમાં દુખી થવા
જેવું શું છે?…….ગીતામાં દેહની ક્ષણભંગુરતા, આત્માની શાશ્વવતતા અને પુનર્જન્મ સહીત શ્રી કૃષ્ણ મુખે સારી એવી ચર્ચા કરવામાં આવી છે.મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે” જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે,તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ. ….એજ તો લીલી વાડી…..એને….ઉત્સવ કહો

સાગરનું ટીપું સાગર સાથે મળી જઈને તેનું સામર્થ્ય તથા તેનું ગૌરવ પ્રાપ્ત કરવાને માટે તેની સાથે પાછું મળી જાય છે તે પ્રમાણે ચાલ્યો ગયેલો આત્મા સર્વશક્તિમાન સાથે એકરૂપ થતા પહેલાં કેવળ પોતાનો પુરુષાર્થ કરવાને જ આ દુનિયામાં આવે છે”

સ્વ. કાકાસાહેબ કાલેલકરે મૃત્યુને પરમ સખા એટલે કે એક મિત્ર તરીકે ગણાવ્યું છે…..

એમના કહેવા પ્રમાણે ખરેખર તો મરણમાં દુખ નથી .જેને આપણે દુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠીને જીવવાનું દુખ છે. એ દુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુઃખમાંથી છુટકારો કરે છે.દુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી. શરીર માટે ઊઘ જેટલી પૌષ્ટીક છે તેટલું જ પ્રાણ માટે મૃત્યુ પૌષ્ટીક છે .જીવનથી થાકેલા માંદા માણસોને યોગ્ય સમયે મૃત્યુ આવે તે ઈષ્ટ છે. પાકેલું ફળ પોતે જ નીચે પડી જ્મીનમાં દટાઇ જઈને નવો પ્રવાસ શરુ કરવા માટે વૃક્ષ-માતાનો સંબંધ છોડી દે છે તે પ્રમાણે માણસે પોતાનું જીવન પુરું કરીને તે પછી અનાસક્ત ભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઈએ અને નવી તક માટે પરવાના રૂપ થનાર મરણનું સ્વાગત કરવું જોઈએ.

એકાદ પ્રિય વ્યકિતનું મૃત્યુ થતાં આપણને દુઃખ થાય તે સ્વભાવિક છે ,કારણકે આપણે તેની સાથે મમતાની લાગણીથી જોડાએલા અને તેનો સહવાસ ગુમાવીએ છીએ. કયારેક એવું મૃત્યું આપણી દૃષ્ટિએ અનિષ્ટ હોવા છતાં મરનારની દ્રષ્ટિએ તે ઇષ્ટ અને હિતાવહ હોઈ શકે છે. એવે વખતે આપણે આપણું દુખ ગળી જવું જોઈએ..માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે ,તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પુરું કરતાં પણ આવડવું જોઈએ. જેઓ દીર્ઘાયુ હોય છે તેમનું એક દુખ એ છે કે તેમને ઘણાનાં મરણના સમાચાર સાંભળવા પડે છે.દુનિયા છે જ નાશવંત ,એમાં લોકો જેમ જન્મે છે તેમ મરે પણ છે.એનું દુખ તે શું કરવાનું? જાણીતા લેખક એચ.જી.વેલ્સનું એક સુંદર કથન છે કે :”મૃત્યું નામની નર્સ આવીને માણસને કહે છે કે હે મારા પ્રિય બાળક !તારાં બધાં રમકડાં એમની જગ્યાએ ગોઠવી દે, હવે તારો સુવાનો સમય થયો છે.”

પોતાના ખુબ જ ટૂંકા જીવન દરમ્યાન દેશ પરદેશમાં બોધ વચનો તેમજ ધર્મિક સાહિત્યથી હિંદુ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી,, જિંદગીને ભરપુર પ્રેમ કરી, આધ્યત્મિક જીવનનો અમર વારસો પાછળ મૂકી જનાર સ્વામી વિવેકાનંદનાજીવનનો એક પ્રસંગ મરણનું સ્મરણ શા માટે સતત રાખવું જોઈએ એની સ્પષ્ટતા કરે છે.પોતાની અમેરિકાની મુલાકાત દરમ્યાન શિકાગોમાં એમનું ધાર્મિક પ્રવચન પુરું કર્યા પછી સ્વામીજી એમના સ્થાને બેઠા ત્યારે એક ઉત્સુક શ્રોતાજને ઉભા થઇને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો” સ્વામીજી ,એવી કઈ બાબત છે જેને માણસે આખા જીવન દરમ્યાન સતત યાદ રાખવી જોઈએ ? ઘણા સભાજનોએ મનમાં ધારણા કરી હશે કે તેઓશ્રી ‮‬‬માણસે પોતાના આરોગ્યને કે ભગવાનને હમેશાં‬ યાદ રાખવા જોઈએ એમ કહેશે. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે સ્વામીજીએ સસ્મિત ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યોકે “મૃત્યું “. પોતાના આ જવાબની સ્પષ્ટતા કરતાં એમણે આગળ કહ્યું કે”મૃત્યુને હમેશાં એટલા માટે યાદ રાખવું જોઈએ કેમકે એથી આપણાં કાર્યોથી કોઈને દુખ નહી પહોંચે, આપણે હમેશાં સત્ય બોલીશું ,આપણે મનુષ્ય જાત પ્રત્યે વધુ પ્રેમ દાખવીશું.

આ જીવન નાશવંત છે એનું હંમેશા સ્મરણ થયા કરશે. આ જિંદગી સતત બદલાતી રહે છે.બીજાઓને મ્હાત કરવા કે છેતરવા માટે આ જિન્દગી નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ પણ ચીજ તમારા જીવનના અંત પછી તમારી સાથે આવવાની ન હોય તો પછી એની શું કિંમત છે ?એટલા માટે મૃત્યુનું હંમેશાં સ્મરણ રાખવાથી આ બધું સ્પષ્ટ સમજાતું જશે અને વર્તમાનમાં તમને વધુ નમ્ર બનાવશે અને તમને પાપો કરતાં અટકાવશે. મરણ સામું દેખાતું હોય ત્યારે પાપ કરવાની હિંમત ચાલતી નથી.”

જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ જીવન અને મૃત્યું પણ એક જ છે. એટલા માટે માણસે મનમાં મરણની જરા પણ ચિંતા કે ડર રાખ્યા સિવાય કોઈ પણ જાતની શરત વિના ભગવાનની મહામુલી ભેટ એવા જીવનને ભરપુર પ્રેમ કરવો જોઈએ..જીવનનો એક છેડો મરણને અડકતો હોઈ એની અનિશ્ચિતતા અને અનિવાર્યતાને સ્મરણમાં રાખતા રહી છેવટની ઘડી અત્યંત પાવન , પુણ્યમય અને મધુર કેવી રીતે થાય એ માટે જીવન દરમ્યાન અભ્યાસપુર્વક કાર્ય કરતા રહીશું તો આપણે જીવન તેમજ મરણના સ્વામી થઈને રહીશું. જીવનનો દાખલો આપણે એવી રીતે ગણવો જોઈએ જેથી
મરણનો જવાબ સાચો આવે.

જેનો અંત સારો એનું સઘળું સારું.માણસ એક સદગૃહસ્થ કુટુંબમાં જન્મે એ એક અકસ્માત છે પણ એક સદગૃહસ્થ તરીકે મરણ પામે એ એના જીવનની એક સિદ્ધિ છે.

આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ તમારી રહેણી કરણીથી બીજાઓના હૃદયમાં કેવું અને કેટલું જીવ્યા,તમારા જીવનના લોખંડમાંથી પ્રેમના પારસમણી વડે કેટલું સોનું નીપજાવ્યું એ જ મહત્વનું છે.કોઈ લેખકે સાચું કહ્યું છે કે મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે. જિંદગી લાંબી હોય કે ટૂંકી જેને સારી રીતે જીવતાં આવડ્યું છે એવી વ્યકિત મરણનો કોઈ ડર મનમાં રાખ્યા સિવાય હસતા મુખે એક ઘેર આવેલા મહેમાનની જેમ એનો સત્કાર કરે છે અને મૃત્યું પછી પણ એના જીવનની સુગંધનો પમરાટ જગમાં મુકતો જાય છે.—લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે

આ લેખના અંતે જાણીતા ભજનિક અનુપ જલોટાના મધુર કંઠે ગવાતા સંત કબીરના દુહાના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે:
” જબ તુમ જગમે આયા ,જગ હસા તુમ રોય ,ઐસી કરની કર ચલો ,તુમ હસો જગ રોય .”

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ઉપરના મારા ચિંતન નિબંધના વિષયને અનુરૂપ મારી એક કાવ્ય રચના “ યાદ રાખ,દેહની અંતે થઇ જશે રાખ “ ન્યૂયોર્કથી પ્રકાશિત ગુજરાત ટાઈમ્સના તારીખ ૭મી ઓગસ્ટ,૨૦૦૯ના અંકમાં પ્રગટ થઇ હતી એ અહીં થોડા જ ફેરફાર સાથે મારા આ બ્લોગમાં રજુ કરું છું.

યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

માંનવી કદી અમર ન હતો કે ન છે એમ છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે સ્મશાને બધું પાછળ છોડીને.
ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.
ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

સાન ડિયાગો                                    વિનોદ આર. પટેલ

લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે. -ફૂલવતી શાહ

Mom 75th birthday ” લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે. “

 

પ્રિય વાંચક ભાઈ / બેન ,
” લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે. ” આ શીર્ષક ઉપર ઘણું બધું લખાયું અને  આપણે વાંચ્યું પણ ખરું. મને કંઈક જુદો વિચાર આવે છે. આ ઉત્સવનો અનુભવ  કોને થવાનો છે? ઉત્સવ મરનાર  વ્યક્તિ માટે  કે તેની આસપાસ સંકળાયે વ્યક્તિઓ માટે ? જ્યાંરે ચારે બાજુ પુત્રો, પુત્રવધુઓ ,પુત્રીઓ ,જમાઈઓ ,પૌત્રો,પૌત્રિઓ,દોહીત્રા તેમજ ભાઈ ભાંડુઓ નાં કુટુંબીજનો આનન્દ કિલ્લોલ કરતાં હોય , ઘરમાં મહેમાનોની આગતા સ્વાગતા થતી હોય ,ઉદાર હાથે દાન દક્ષિણા અપાતી હોય અને  વડીલ માટે સૌના દીલમાં પ્રેમ અને માન  હોય  ત્યારે સ્વપ્નામાં પણ કોઈ મારવાનો વિચાર કરે ખરો ? આવા આનંદિત વાતાવરણ માં વડીલ વિદાય લે તો તે પણ શાંત જળ માં પત્થર  ફેંકી ઉત્પાત પેદા કરવા જેવું ગણાય .સૌના આનંદ માં વિક્ષેપ પડશે. આને ઉત્સવ કેમ મનાય? વર્તમાન  પરિસ્થિતિ આનંદિત હોય ત્યારે મૃત્યુંનો વિચાર આવે તો પણ માણસને ખબર નથી કે મૃત્યુ ક્યારે આવશે?   અથવા તો મૃત્યુ બાદ  જીવાત્મા ની શું પરિસ્થિતિ હશે એ પણ એને ખબર નથી. કોણ માતાપિતા મળશે,કેવું કટુંબ હશે, કે કેવો જન્મ મળશે તેનું કઈ જ જ્ઞાન નથી   .નવી જીંદગી નવો દાવ. ફરી એકડો શીખવાનો. આવા અનેક પ્રશ્નો માનસિક ઉદ્ભવતા હોય.આનાં કરતા ચાલુ પ્રવાહ માં આનંદિત જીંદગી જેટલી જીવાય તેટલી સારું. એને જ  ઉત્સવ મનાય . એ સમય જ તે  વ્યક્તિ તેમજ તેમના કુટુંબ માટે  સાચો ઉત્સવ છે.
હું નાની  હતી ત્યારે મારા માતુશ્રી સાથે એક ભજન ગાતી હતી.તેની એક ટુંક  અહી લખું છું.
” પળ વાર જ  મોત  તું થોભ ભલા , મરવું મુજને હજી નાં ગમતું
.          નીરખી બધી આશા હજી નાં લગી, નીરખું તુજ ચક્ર  શિરે ભમતું…..પળવાર .”
પરંતુ  લીલી વાડી ને બદલે વીખરાયેલા વનમાંથી  પસાર થતી વ્યક્તિ ને મૃત્યુ  આશીર્વાદસમાન  લાગશે. શારીરિક શક્તિ હણાઈ ગઈ હોય, સાર સંભાળ લેનારા દુ:ખ જોઈ નાં શકતા હોય, શારીરિક, માનસિક અને આર્થિક પરિસ્થિતિ અનુકુળ નાં હોય ,  આસપાસ નાં લોકો  તુચ્છકાર કરતા હોય  તેવે સમયે મૃત્યુ એ  સાચો ઉત્સવ છે. મરનાર વ્યક્તિ દુ:ખ માંથી છૂટે છે અને  તેની સાથે સંકળાયેલા પણ વિશ્રામ અનુભવે   છે. સ્વજન  ગુમાવ્યાનો શોક જરૂર થશે ,આખોમાંથી આંસુ ટપકશે છતાં એ મૃત્યું  મરનાર માટે ઉત્સવ છે.અને સ્વજનો એ પણ પોતાનું આત્મીયજન દુ:ખ મુક્ત થયાનો  સંતોષ માનવો જોઈએ.વાસ્તવિકતા એ છે કે મળેલા અમૂલ્ય જીવનનો લાહવો જેટલો આનંદ પૂર્વક લેવાય તેટલો બધા સાથે મળીને લો અને મૃત્યુની બીક ન રાખો. દરેક જન્મેલાને મારવાનું છે જ. એ જ્યારે આવે ત્યારે આનંદ પૂર્વક વધાવો .
ફૂલવતી શાહ

લીલી વાડી જોયા પછીનું મૃત્યુ ઉત્સવ છે-પદ્માબેન કનુભાઈ શાહ

DSC_2263               લીલી  વાડી જોયા પછીનું મૃત્યુ ઉત્સવ છે.મણકો -5

લીલી વાડીનો શબ્દ જ ઘણો રળિયામણો લાગે છે , લીલા ઘાસ અથવા દુર્વાની સુંદરતા અને કોમળતા મખમલ જેવી મુલાયમ લાગે છે , એજ અર્થમાં પરિવારમાં વડીલની હયાતી અને એમની શીતળ છત્ર છાયામાં ઉછરતો પરિવાર ખુબ જ ભાગ્યશાળી ગણાય છે.  વડીલોનું માર્ગદર્શન જીવન જીવવાની ઉત્તમ કેડી બતાવે છે.જે પરિવારમાં સ્નેહ સંપ અને આનંદ ઉભરતો હોય ત્યાં જરૂર વડીલોના આશીર્વાદ ફળ્યા હોય તેવું દેખાય છે.

વડીલની દેખરેખમાં બાળકો ઉછરતા હોય ત્યાં શિસ્ત અને એક બીજા પ્રત્યે અનુરાગ અને આત્મીયતા વધુ દેખાય છે.વડીલની દેખરેખમાં બાળકો ઉછરતા હોય ત્યાં શિસ્ત અને એક બીજા પ્રત્યે અનુરાગ અને આત્મીયતા વધુ દેખાય છે.

આજકાલઘણાપરિવારમાંશનીરવીસાથેજમવાબેસતાહોયઅનેબધાનાભાણામાંસરખીવાનગીપીરસેલીહોય, ડાયનીંગટેબલપરનાનામોટાસાથેજમવાબેસેલાહોયતેવુંદ્રશ્યજોતાજલાગેકેઆપરિવારઉપરપ્રભુકૃપાવરસીરહીછે. વડીલોતરફથીલાડપ્યારથીબાળકનેજીવનજીવવાનીકેળવણીમળેછે.સ્વચ્છતાજાળવવી,સેવાપૂજાકરવી,વ્યવસ્થારાખવીવિ.વિ.નુંઅનુસરણસંતાનોવડીલોપાસેથીશિખેછે.માતાપિતાનેબાળકની કેળવણીની   જવાબદારીઓછીરહેછે.

જયારે પણ ઘરના વડીલો માંન્દાસાજા હોય ત્યારે નાના બાળકો આગળ પાછળ રમતા હોય તો એમને માંદગીની વેદના ઓછી લાગે છે.એમનું ધ્યાન બાળકો તરફ દોરાય છે.બાળકોના માથે વડીલોના હાથ ફરતા હોય તો બાળકો જલ્દી મોટા થઇ જાય છે.

મૃત્યુને બિછાને પડેલા વડીલોની કાળજી મોટા પરિવારમાં બહુ સારી થાય છે. એકલવાયા વડીલોને માંદગી ના બિછાને સમય વિતાવવો દુષ્કર લાગે છે.એમની સારવારમાં સારા સંતાનો ખડે પગે સારવાર કરે છે.જ્યારે એકલવાયા વડીલો માંદગીના બિછાને કેટલીય વાર રિબાતા દેખાય છે.

જયારે ભર્યા કુટુંબમાં વડીલ દેવલોક થાય   છે ત્યારે એનો પરિવાર ચારેબાજુ શાંતિથી બેસી પ્રભુ સ્મરણ   કરતા હોયતો વડીલ એના છેલ્લા શ્વાસ બહુ નિરાંતથી છોડે છે.તેવું ક્યારેક જોયુ છે.જયારે વડીલ દેવલોક થાય છે ત્યારે એમના સ્વભાવની,એમની ભાવનાઓની યાદ પરિવારમા કાયમ સ્મૃતિમાં રહેછે.

જીવન જીવવાની કળા વડીલોના સહેવાસમાં જ કુમળા બાળ માનસ જોઈ જોઈ ને જ આચરણ મા ઉતરી આવે છે.માટેજ કહેવાય છે કે જે પરિવારમાં વડીલોના સાનિધ્યમાં સંતાનો ઉછર્યા હોય ત્યાં બાળકોમાં સ્નેહ સમતા અપોઅપ ઉતરી આવે છે. આમ આનંદિત પરિવાર જોઇને વડીલના ચહેરા પર શાંતિ દેખાય છે. આમ લીલી વાડી જોયા પછીનું મૃત્યુ ઉત્સવ જેવુ જણાય છે.

પદ્માબેન કનુભાઈ શાહ

સનીવેલ   કેલી.

 

લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે.-તરુલતા મહેતા

photo-1-e1399487161796લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે.મણકો -4
પ્રકુતિમાં વસંતનો ઉત્સવ પછી પાનખરનો ઉત્સવ ઉજવાય તેનો નજારો મને અમેરિકામાં આવ્યા પછી વીસેક વર્ષો પૂર્વે હું નોર્થ કેરોલીનામાં હતી  ત્યારે જોવા મળેલો,’ફોલ’ના સોંદર્યને જોવા આવતા પ્રકુતિ પ્રેમીઓથી અમારી મોટેલના બધા રૂમો ભરાઈ જતા.પછી લાલ ,મરુન,પીળા રંગબેરંગી ખરતા પાનને જોઈ થતું કે વૃક્ષો આંસુ સારે છે કે શું? ના,ના,એ તો મારી ભ્રમણા,વૃક્ષોનો ઘડીક વિસામો, મોંનનો ઉત્સવ.નવાની તેયારી.,બસ મારો અંત પણ મોંનનો ઉત્સવ, અરે પ્રેમસમાધિમાં પણ મોન જ હોય છે ને! આપણા સંતાનોની સુખી,લીલીછમ વાડીને લેહરાતી જોઈ ,એટલું જ નહિ સ્વની જન્મ,બાળપણ,યુવાની અને જરા અવસ્થાની લીલીછમ વાડીમાંથી ખટમધુરાં ફળોનો આસ્વાદ માણ્યા પછીનો તૃપ્તિનો ઓડકાર એટલે મુત્યુ,મંગલકારી મહાપ્રયાણ,આ હું લખી રહી છું,ત્યારે મૃત્યુ વિષેના ચિતન ઉપર  વેદઉપનિષદથી આજ સુધીના બઘા જ ફિલોસોફરે લખેલી વાતો મારા મનમાં સાગરના મોજાની જેમ ઉછળે છે.પણ હું અંગત રીતે અંતઘડીએ શું કરીશ?આ માયા,મમતાના મૂળીયાને મૃત્યુ તો એક ઘાએ કાપી દેશે,ત્યારે કોઈની વાત યાદ આવશે? મેં પ્રભુની કુપાથી આનદપૂર્વક જીવન પસાર કર્યું,જન્મ ,લગ્ન ,સંતાનપ્રાપ્તિ એમ ઉત્સવોની પરમ્પરા ઉજવી.મારા અંતરઆત્માને સતત જગાડું છુ કે જાગ,નામ તેનો નાશના સત્યને પામવાના સૌથી નિરાળા અનુભવ માટે જાગ.એક રહસ્યમય,રોમાંચક ઉત્સવને માણવા જે લીલી વાડી છે તેને ત્યાગીને ભોગવ.ટ્રેન ઉપડે ત્યારે બઘુ છૂટી જાય છે.બીજે જવાનો આનદ મનમાં થનગને છે.જે આશા અને ઉલ્લાસથી જીવન ઉજવ્યું છે તેવા હકારાત્મક અભિગમથી અંતિમ ઉત્સવ ઉજવાય તો કેવું રૂડું! હવે મારા મનને પ્રશ્ન પૂછું કે કોઇપણ પરિસ્થિતિમાં આનંદ ક્યારે મળે?’ હું ‘ પણું કર્તા ભાવના અહમને છોડી આવનાર દરેક પળને આવકારી લઉં,સહજતાથી પળને કાર્ય -કારણ કે ફળની અપેક્ષા વિના પસાર થવા દઉં. અંતિમ સમયના અનુભવની સાધના
માટે તે જ કેડી છે.ખૂબ સાંકડી ,નિરવ ,એકલ પંથી ,સ્વયં પ્રકાશિત.આ ઉત્સવ વિયોગી થયેલા જીવનો,આત્માનો પરમાત્મા સાથેના મિલનનો. એમ તો લગ્નનો ઉત્સવ પણ મિલનનો છે,પણ ઉજવણીમાં ભેદ છે.આ અંતિમ ઘટનાની ઉજવણી સોએ સ્વની સાથેના જોડાણથી કરવાની છે.ના બંધુ ,ના મિત્ર,ના માતા કે પિતા કે ગુરુ,બસ એક અપાર શાંતિ,અનંત સમય અને સનાતન સત્યમાં નિ :શેષ ભળી જવાનું ,વિલીન થઈ જવાનું.મર્યાદિત સમયની જાવનયાત્રા અનંત સમયમાં પાણીમાં દોરેલી  રેખાની જેમ ભળી જાય.જન્મનો એક માર્ગ પણ મુર્ત્યુ ના અગણિત.જ્યાં વાચા,ચક્ષુ આદિ પાંચે ઇન્દ્રિયોનો વિરામ ત્યાં એના અનુભવને કોણ કહી શકે? ગમે તેટલું કહેવાય પણ અપૂરતું,પ્રેમના વિષે દુનિયા બધાના  કવિઓ ,સર્જોકોની કલમ પુરતું કહી શકી નથી,મુતત્વ ઇન્દ્રિયાતીત પરમાત્મા સાથેના પ્રેમની અંગત ગોષ્ઠી , અનંત,અલોકિક પ્રેમનો તાતણો,અદીઠ અગોચર સ્થૂળમાંથી સુક્ષ્મમાં સરી જવાનો ઉત્સવ.એ તો શબ્દાતીત!

  કેવો સરસ ભાવ મનમાંથી ઉઠે છે,પણ આ શરીરની પીડા ફરિયાદો કરે છે,ઘડી ઘડીએ મનને પીડામાં ખેચે છે,કેમ જાણે પીડામાં મધ હોય તેમ મનરૂપી મધમાખી ત્યાં જ જાય છે.ઘડીક પહેલાના ડહાપણને કોરે મૂકી દે છે.પયગંબરો ,ફિરસ્તાઓ ,સંતો મહાત્માઓ શરીરને જડ માની વેદના ,પીડાને સહન કરી પરમતત્વને પામે છે.પણ હું તો અતિ સામા ન્ય,રમતમાં વાગે લોહી નીકળે દુઃખ સહન ના થાય એટલે ‘ઓ’મા,’ઓ ‘ પ્રભુ પોકારું,મારી મા માંદગી છતાં લાંબી જીવનયાત્રામાં  કયા સહારે હસતી રહેતી હતી.જયારે કોઈ એમની પાસે જાય ત્યારે વહાલ કરી મીઠું હસે.વિસ્મુતિને કારણે પોતાના -પારકાનો ભેદ ભુંસાઈ ગયો હતો.બઘાને જય શ્રી કુષ્ણ કે જે સાઇ કે પછી જે મહારાજ કહી પ્રેમથી બોલાવે,સંપૂર્ણ પ્રભુને શરણાધીન,જ્યાં બુઘ્ઘી ,તર્ક ,દલીલ કે સાયન્સ કે ટેકનોલોજી પાસે  શરીરની વેદનાને પાર કરવાનો રસ્તો નથી ત્યાં પ્રભુની શરણાગતિની  હુંફાળી છાયા પરમાનદનો અનુભવ કરાવે.મિત્રો ,મીની ડેથ જેવી રાત્રીની નિદ્રાને ટાણે માયાની પળોજણને અલવિદા કહી સ્વમાં લીન થવાનો રિયાઝ કરીએ ,નિરવના ઉત્સવનો નિ :શબ્દ આનંદ માણીએ તો કેવું.વિરામ ખરો, પૂર્ણવિરામ પરમાત્માને આઘીન.


તરુલતા મહેતા 

“લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે”-પદમાં-કાન

padma- kantલીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે

શ્રી ગણેશાય નમઃ            ઓમ                           શ્રી સરસ્વતીએ નમઃ

“લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે”-મણકો-3

આજનો વિષય ‘લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે’ પ્રથમ આપણે લીલી વાળીને સમજીએ.લીલીવાડી એટલે આપણા ઉધ્યાનમાં એકએક મોટા વૃક્ષથી માંડીને નાનામાં નાના છોડવા ,વેલીનો પૂર્ણ વિકાસ થયો હોય.ફળ ફૂલથી ઉભરાતું ઉદ્યાન. તેને જોતા મનને આનંદ થાય છે.એવી જ રીતેજીવન ઉદ્યન્મા આપના પરીવાર્ માં એક સંસારિક સુખ જોઈએ તે બધું મળ્યું છે,પુત્ર પોત્ર પ્રપોત્ર દોહિત્ર બધાની પ્રગતિ સારી થઈ રહી છે.ઘરમાં બધા પ્રેમ લાગણીથી હળીમળીને રહે છે.આવા પ્રેમ સભર ઉદ્યાનને નીરખતા ક્યાય કશી ઉણપ વર્તાતી નથી.આપણું કર્તવ્ય બરાબર બજાવ્યું છે.એમ સંતોષ માને છે.હવે કોઈ ઇચ્છા બાકી નથી રહી એમ લાગે છે.

આપણું જીવન એક યાત્રા છે.યાત્રા દરમ્યાન ઘણા બધા મુસાફરોનો મેળાપ થાય છે.સગા સંબંધી મિત્રો વગેરે .અનેક જન્મોના કર્માનુસાર આ દેહ આપણેને મળે છે.તેમાં જેનાથી લગાવ થાય છે તેનો અર્થ્કે કે તે વસ્તુ કે વ્યક્તિ આપણને ગમે છે ને ગમવું એટલે એક આનંદની અનુભૂતિ તે કરાવે છે.’જીંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો’ અહિયાં કમાઈ એટલે પેસો નથી. તમને બધાનો પ્રેમ કેટલો મળ્યો છે/સારા કામ કેટલા કર્યા છે, અહિયાં લેનદેનીનો સંબંધ મોટો છે .આને લગતી કહેવત લેણું હોય તો લાકડાથી ય લેવાય. નહિ તો માથાના વાળ પાથરો તોય કહેશે કે મને ખુંચે છે.જીવન દરમ્યાન બધાની સાથે સારું રાખવું શક્ય નથી પણ સમજદારીથી જીવનનો કોયડો ઉકેલવા પ્રયત્ન કર્યો હશે તો જીવનમાં બાદબાકી કરતા સરવાળાનું પલ્લું ભારે હશે. આ પરિસ્થિતિને પણ આપણે લીલી વાડીનો એક હિસ્સો કહી શકાય.વળી એક દેહ રૂપી વાડી છે.તેને યમ નિયમમાં રાખી તંદુરસ્ત રાખી હશે તો તમારી જીવન સંધ્યાખીલી ઉઠશે.તે પણ તમે અમુક સમય સુધી માણી શકશો .કારણ કે ગીતાના કથન અનુસાર દેહ નાશવંત છે ને આત્મા અમર છે.એટલે દેહના મૃત્યુથી મારી યાત્રા તો વણથંબી ચાલુ જ રહેવાની છે તો આ કાયા ક્યાં સુધી સાથ આપી શકશે/ ને આ વિચાર આવતા તરત જ કોઈની પ્રાર્થનામાં સાંભળેલું ભજન યાદ આવે છે નેને તેનો મર્મ સમજાય છે, શબ્દો છે

‘’પંખીડાને આ પીંજરું જુનુજુનું લાગે રે ,બહુ રે સમજાવ્યું તો યે પંખી નવ પીંજરું માંગેરે’’

નેઅહિયા મૃત્યુ એ ઉત્સવ બની જાય છે.અહિયાં મૃત્યુમાં જનારને જીવવા કરતા જવાની તાલાવેલી લાગી હોય એક નાના બાળકની જેમ હઠ લીધી હોય તેમાં જ તેનો આનંદ વર્તાય છે. તેના આપ્તજનોને તેના વિયોગનું દુખ જરૂર થાય છે પણ વાતાવરણમાં દુઃખનો કકળાટ જોવા નથી મળતો.ને જેવી પ્રભુની મરજી ,પ્રભુને ગમ્યું તે ખરું એ શબ્દોના સહારે મનને સમજાવે છે.,નેસ્વીકારી લે છે.એક દીકરીને સાસરે વળાવતા તેના વિયોગ નું દુખ સાથે સાથે દિકરીતેના નવા સંસારમાં પગરણ માંડી રહી છે,તેની ખુશી અનુભવાય છે .થોડું જુદું પણ થોડું એવું આપણા સ્વજનની વિદાય વેળાએ અનુભવીએ છીએ.

છેલ્લી એટલે આપણા આત્મારામની વાડી છેલ્લો મુકામ/ અમારા પૂજ્ય બાપુજી જેની પાસે અમે બાળપણમાં શિક્ષા લેવા જતા હતા .એક દિવસ તેમના થોડા શિષ્યો સાથે આળંદી ગયા.નિત્ય ક્રમ મુજબ બાપુજી હમણાં ધ્યાનમાંથી ઉઠશે એમ સમજી બધા તેમની રાહ જોતા બેઠા હતા .થોડો સમય વીતી ગયો.બધાના મનમાં શંકા ઉઠી ને બારણું તોડ્યું ને જોયું તો બાપુજી ચાદર ઓઢીને ચીર નિદ્રામાં પોહી ગયા હતા. વળી જૈનમાં ઘણા સંથારો એટલે કે અન્નજળનો ત્યાગ કરી પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા દેહ છોડે છે. એ બધું શું સૂચવે છે? ખરેખર /તે જીવ તો તેની અંતિમ ઈચ્છા પૂરી કરી ઉત્સવ મનાવે છે. ત્યાં બીજું કોઈ જ નહિ .

ફક્ત હું ને તું ,તું ને તું જ્યમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
એકએક બુંદ અભિષેક મંત્ર જાપ થકી
પ્રેમ ભક્તિથી ભીંજવી હૃષ્ટપુષ્ટ કીધી
આત્માની લીલી વાડી નિહાળી
પાછુ ના જોઉં હું વળી વળી લળી લળી
હું તો ઉત્સવ મનાવવા ચાલી/

પદમાં-કાન

લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે … -કલ્પના રઘુ

2010- KRS - Copyલીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે …મણકો-2

 

આદ્યાત્મિકતામાં ડૂબેલો માનવી હરક્ષણ મૃત્યુ માટે તૈયાર હોય છે. પરંતુ, સંસારી જીવડો હરપળ કર્મો ફેડવામાં અને લેણાદેણી ચૂકવવામાં ડૂબેલો હોય છે. મૃત્યુનું જ્ઞાન હોવાં છતાં મૃત્યુ માટે તૈયાર હોતો નથી. તેને મૃત્યુનો ડર અને જીવવાની જીજીવિષા હોય છે.

જીવનનાં વિસર્જનનો સમય એટલે સન્યાસ. જીવનનાં દરેક આશ્રમ પસાર કરીને છેલ્લે સન્યાસાઆશ્રમમાં પ્રવેશ કરીએ, ત્યારનો સમય લીલીવાડી જોયા પછીનો છે એટલેકે લગભગ ૭૫ વર્ષ પછીનો, જ્યારે વ્યક્તિ સાંસારીક જવાબદારી નિભાવીને જીવનને બીજે કિનારે પહોંચી ગઇ હોય છે. સન્યાસઆશ્રમમાં એમ કહેવાય છે કે સમાજ કે નજીકની વ્યક્તિ તમને kick મારે એ પહેલાં તમે kick મારો એટલાં તમે સુખી થશો. જીવનને પેલે પારનું મૃત્યુ એ એક કડવું સત્ય છે. જેમ ઉગતા સૂર્યનું એક સૌંદર્ય હોય છે તેવીજ રીતે અસ્ત પામતો સૂર્ય પણ એક ગરિમા સાથે નિખરેલો હોય છે. જીવનની આ પરિસ્થિતિ એ જીવનની પરાકાષ્ઠા છે. મૃત્યુ જીવનનું પૂર્ણવિરામ છે.

जातस्य हि ध्रुवों मृत्युः। જે જન્મ્યો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. માનવનાં મૃત્યુ માટે કારણ જોઇએ છે. ઇશ્વરને થાય છે તેનું સર્વોત્કૃષ્ટ સર્જન (મરનાર વ્યક્તિ) પૃથ્વીના બદલે સ્વર્ગમાં હોવુ જોઇએ, એટલે તેને બોલાવી લે છે. પછી કારણ ગમે તે હોય. યમરાજાના ભાથામાં શસ્ત્રોની ખોટ નથી હોતી. જીવંત વ્યક્તિ એકાએક અતીત બની જાય છે … કેલેન્ડરનાં ફાટેલાં પાનાની જેમ … ૬ ફૂટની વ્યક્તિ અસ્થિની રાખ બનીને એક કુંભમાં સમાઇ જાય છે.

ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે: ‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

આત્મા કદી મરતો નથી, શસ્ત્રો તેને છેદી નથી શકતાં. અગ્નિ તેને બાળી નથી શકતો … તો પછી મૃત્યુ શેનું છે? શરીરનું મૃત્યુ એટલે … આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે … એક નવા પંથે પ્રયાણ કરે છે.

જૂનું મકાન ત્યજીને, જૂનાં કર્મો ફેડીને, નવાં કર્મો કરવાં, નવું શરીર ધારણ કરે છે તો એ એક પ્રકારનો ઉત્સવ જ કહેવાયને!! A Grand celebration … જીવને શિવનું તેડુ આવે તેનાથી રૂડો ઉત્સવ શું હોઇ શકે? તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે એક માત્ર મૃત્યુજ નિશ્ચિત છે અને જે નિશ્ચિત છે તેને સ્વીકારે જ છૂટકો છે. માટે મોતનો માતમ ના હોય જશન જ હોય.

લીલીવાડી જોયા પછી મૃત્યુને ઉંબરે ઉભેલી વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ બન્ને ઉત્સવ બને છે તે માટે લાઓત્સેનું આ એક ઉદાહરણ પૂરતું છે. લાઓત્સે એક ઝાડ નીચે વિશ્રામ કરતાં હતાં, એવામાં ઉપરથી એક પીળું-પાકું પાન ખર્યું. એ જ્યાં સુધી લીલુ હતું ત્યાં સુધી ઝાડની ડાળ સાથે જોડાયેલું હતું. ખેંચો તો પણ છૂટું પડવા તૈયાર ના હતું. અને જોર કરીને તોડીલો તો એમાંથી ક્ષીર નીકળે જે એક પ્રકારનો રક્તપાત કહેવાય. જ્યાં સુધી આસક્તિ હોય ત્યાં સુધી પીડા અને વેદના તેનો પીછો નથી છોડતી. પરાણે છોડવું પડે તો મૂળ સહિત ઝાડને ઉખેડવામાં આવે ત્યારે ભૂમીની જે હાલત થાય એજ હાલત સંસાર પ્રત્યે આસક્તિ રાખીને જીવતી વ્યક્તિની મૃત્યુ સમયે થાય છે. અને આ ઘટના એક ગુરૂમંત્ર બની જાય છે.

ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો, પતિ કે પત્ની, બાળકો, સગાં-સંબંધીઓ તમને જોઇ રડી રહ્યાં છે. હવે એમના જીવનમાં કોઇ આનંદ-ઉલ્લાસ નહીં આવે એવું ક્ષણભર તમને લાગશે. તમેજ તેમનું સર્વસ્વ હતાં, સુખનું કારણ કે ઉત્સવનું નિમિત્ત હતાં તેવું લાગશે. જીવતે જીવત તમને જે જોવા-અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછી જોવા અને જાણવા મળશે.

બસ … થોડી સબૂરી … અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો તમને જોવા મળશે. આજે જે મીઠાઇ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો જ સવાલ છે. આજે રંગીન કપડાં થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આજ ઘરમાં ઉત્સવનું વાતાવરણ આવી જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે. અહીં કોઇના વીના કાંઇજ અટકતું નથી. કોઇના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી.

અહીં નીદા ફાજલીનું લખાણ યાદ આવે છે …

‘મારા પછી મારી યાદ એવી ભૂલાઇ ગઇ, પાણીમાંથી આંગળી કાઢી, જગ્યા પૂરાઇ ગઇ …’

દરેક વ્યક્તિ તેની રૂટીન જીન્દગીમાં ગોઠવાઇ જાય છે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે … થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદ થશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિચિહ્ન જેવી લાગે છે … જતે દિવસે કોઇ ખૂણામાં ચાલી જશે, અથવા જગા રોકી રહી હોય તેવું લાગશે. આજે તમારા માટે બધું કરવાની લાગણી દેખાઇ રહી છે, તેનાં સ્થાને ક્યારેક બેંક-બેલેન્સ, વીમો, વસિયતનામું કે સંપત્તિની વહેંચણીની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવુંજ થતું રહ્યું છે અને થતું રહેશે. કારણ? કારણકે ઇશ્વરે માનવને સ્મૃતિ સાથે વિસ્મૃતિની અણમોલ ભેટ આપેલી છે. અને બીજું, આગમન સાથે ગમન પણ ના હોય તો? પૃથ્વી પર ભાર વધી જાય અને દરેક કુટુંબમાં એક સાથે કેટલી પેઢી?!! માટે ઇશ્વરે બેલેન્સ કરવા માટે જીવન-મૃત્યુની ઘટમાળ સુંદર રીતે ઘડી છે. માટેજ મૃત્યુને સ્વીકારો.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલું ગુમાન ઘટી જશે. તમે વાસ્તવિક્તાની ધરતી પર જીવી શકશો. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશેની સમજ અપનાવીને શેષ જીવનને ઉત્સાહભર્યુ બનાવવાથીજ જીવન અને મૃત્યુ ઉત્સવ બની જશે. જીવનને વહેતુ રાખીને મૃત્યુને સાર્થક બનાવવાનો પ્રયત્ન એટલેજ આત્મજ્ઞાન, જાગરૂકતા. આ આત્મજ્ઞાન થકી સંસારમાં તમારે જે કર્મો કરવાનાં છે તે ઇશ્વરને સાક્ષી રાખીને કરવા જોઇએ. જેથી બીજા જન્મે તે લઇ જવા ના પડે. કારણકે કર્મ એજ જીવન છે. શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે, કર્મ કરવામાં, કર્મ ભોગવવામાં ઇશ્વરને સાક્ષી રાખો. તમામ કાર્યો તેને અર્પણ કરો. પછી જીવન અને મૃત્યુમાં કોઇજ ભેદ નહીં રહે. હર પળ એક ઉત્સવ બની જશે.

આપણે આત્મા અને પુનર્જન્મમાં માનતા હોઇએ અને એક સામાન્ય દ્રષ્ટિકોણથી વિચારીએ તો લીલીવાડી જોઇને મરનાર પાછળ ઉત્સવ એટલેઃ લાડુ-મિઠાઇનું જમણ, પુણ્ય-દાન કરવું, મરનારને ગમતાં વિધિ-વહેવાર કરવા, મરનારને ગમતાં ભજન-ધાર્મિકવિધિ કરવી, મરનારને ગમતી વાતો વાગોળવી, મરનારે આપેલ સંસ્કાર-વારસો જાળવવા પ્રયત્નશીલ રહેવું, તેમણે ચીંધેલા રસ્તે ચાલવું, કુટુંબના વડીલનાં મૃત્યુ બાદ થનાર વડીલે કુટુંબનાં અન્ય સભ્યોની કાળજી રાખીને મૃતાત્માને શાંતિ મળે એ માટે પ્રયત્નો કરવા. મરનારને યાદ કરીને રોક્કળ ના કરવી. તેના આત્માને મુક્તિ મળે તે માટે તમે તેને છોડશો તો જ તે ઉર્ધ્વગતિને પામી શકશે અને મૃત્યુ મંગલમય બની શકશે. જો તમે માનતા હો કે મરણ બાદ મૃતાત્મા આજુબાજુ ફરતો હોય છે, તો લાગણીનાં બંધનમાં બાંધીને દુઃખી શા માટે કરવો? મૃત્યુનો સહજતાથી સ્વીકાર અને મરનારની ઇચ્છાઓની પૂર્તિ એટલેજ ઉત્સવ.

કલ્પના રઘુ

લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે…-Pragnaji-પ્રજ્ઞા દાદભાવાળા

picture004

લીલી વાડી જોયા પછીનું મૃત્યુ તો ઉત્સવ છે…..મણકો-1

મૃત્યુની અમંગલતાને હટાવીએ તો  મૃત્યુ પણ મંગલ મહોત્સવ છે. મૃત્યુ હંમેશા માનવીની જીજ્ઞાસા, ભય તેમજ કુતૂહલનો વિષય રહ્યું છે..કારણ આ દેહ છોડ્યા પછી આત્મા ક્યાં જાય છે એ કોઈ જાણી  શક્યું નથી ,માનવીએ મૃત્યુ ના રહસ્યો ઉ૫રથી ૫ડદો ઉઠાવવા માટે ભરપુર પ્રયત્નો ૫ણ કર્યા છે હજી પણ થાય છે તેમ છતાં  કોઈને ઈચ્છા મૃત્યુ મળતું નથી માટે જ મૃત્યુ જેવી ઘટના થી સામાન્ય વ્યક્તિ  ભયભીત છે.મૃત્યુ  શબ્દને ઉત્સવ કહેવા માટે  ખુબ હિમત જોઈએ।..અહી મૃત્યુ ને સમજવાનું છે .મૃત્યુ ના  શોક, મોહ અને ભયને હરાવવાની શક્તિ માત્ર સ્વીકારમાં છે …અને એજ સત્ય છે  પૃથ્વી પર કાયમી કશું જ નથી,એ જાણ્યા પછી તેનો સ્વીકાર એ એક ખુબ મોટો અનુભવ છે..તત્વદર્શન જેવો જ। …જન્મ આપતી વખતે ગર્ભનાળથી વિખૂટું પડતું બાળક, એ માતા થી વિખૂટું થાય તો જ જન્મ શક્ય છે માતાના ગર્ભમાંથી વિખુટા પડવું।.. અને એક બાળક ના જન્મ સાથે  નવ જીવનમાં એક પુન:સંધાન।….. જન્મ  અને મૃત્યુ વચ્ચેનું એક સંધાન એ જ તો જીવન  …માતા ગર્ભ માંથી નીકળતી વેળા વેણ ની અસહ્ય વેદના અને એ પળને પેલે પાર ખુશી .. એના બાળકનો જન્મ,… એક ઉત્સવ। ….એવી જ એક પળ હોય છે જયારે જીવ આ દેહનું બંધન ત્યજીને અનંતની સફરે જતો રહે છે પુન:સંધાન…માટે જ મૃત્યુ બાળકના જન્મ જેટલી એક કરુણ-મંગલ ઘટના.એક સત્ય એક વાસ્તવિકતા  અને દુનિયાનું  સૌથી મોટું આશ્ચર્ય …તમારા મૃત્યુ પર લોકો રડે નહિ અને ઉત્સવની જેમ ઉજવે તો સમજજો કે તમે ચિરંજીવ છો… જીવનના બે બિંદુ વચ્ચે દરેક  માનવી કોઇને કોઇ ઉદ્દેશ્યની પૂર્તિ થકી ચિંધેલા કર્યો કરી ચાલ્યા જાય છે . જે સ્વજની સાથે જિંદગીની અનેક ક્ષણ માણી અનુભવી એને યાદ કરવાથી આંખ છલકાય પણ ખરા!. …….પરંતુ …..પાનખર ખરની ની જેમ એક એક જિજીવિષાના પાન ખેરવ્યા પછી પણ લીલી વાડી મૂકી ને જનાર માટે મૃત્યુ વસંત જેવો ઉત્સવ જ હોય શકે ..શ્રમ, સ્વાશ્રય તથા સમર્પણની સુવાસ એજ તો લીલી વાડી …ભર્યા ફળિયાનું આંગણું એજ તો લીલી વાડી અને આપણું આંગણું અજવાળીને ગયેલાના  જીવન કાર્યોની સુગંધ એમના મૃત્યુ પછી પણ આપણ ને  તરોતાજા રાખે છે ને ! એજ તો લીલીવાડી।… જીવનની પ્રત્યેક ક્ષણ ને ખળ ખળ  વહેતા પ્રવાહ ની જેમ જેણે  માણી છે  ને એજ તો લીલી વાડી।… એક ક્ષણથી બીજી ક્ષણ સુધી જીવું છું….. જીવનની પ્રત્યક ક્ષણ પારંગતી પરિવર્તનતાને નિહાળી  છે ને એજ તો લીલી વાડી। … . જીવનને વિશિષ્ઠ રીતે જોયું ,પોખયું  અને નિહાળયું અને અનુભવ્યું છે એજ તો લીલી વાડી! ..’સ્વેચ્છા-મૃત્યુ’નો નિર્ધાર એજ તો લીલી વાડી … . જીવનની વૃતિ પ્રવૃત્તિ ને સમજીને સ્વીકાર એ જ તો લીલી વાડી। .,મૃત્યુ ને મંગલમય મહોત્સવરૂપે માણવાની સમજ એ જ તો લીલી વાડી . જીવતા જગતિયું અને એ સમજદારી એજ લીલીવાડી।…જીવનમાં સંતોષ,શાંતિ અથવા નિરાંત અથવા સુખ બસ એજ લીલીવાડી…પોતાના હર્યા-ભર્યા કુટુંબના અતિસુખના સાગરને મનની આંખથી એ માણસ માણી એજ તો લીલી વાડી। …એથી પણ વિષેસ જિંદગી જીવ્યાનો સંતોષ એ જ તો લીલી વાડી।… એ સંતોષના ઓડકાર ખાધા પછી  નવી શરૂઆત …એને ઉત્સવ કહો। . એ  પામ્યા પછી તો જ મૃત્યુ મહોત્સવ બનીને મહેકતું રહેશે.’… “મૃત્યુ” એક અનિવાર્ય અંત છે  અને નવી શરૂઆત એક બાળકના જન્મ જેટલી જ શરૂઆત .. આતો બાળકના જન્મ ના વધામણા જેવી વાત થઇ તો…શોક શેનો ?…..રાહ જુદો  જ  જો  ફંટાય  તો  અંત ન કહો..શ્વાસની  લીલા  સમેટાય   તો  મૃત્યુ ન કહો..પરિવર્તન ની પ્રક્રિયા ને કરુણ ન કહો  .  .મ્હેકમાં મ્હેક  મળી  જાય  તો  એને ઉત્સવ કહો…તેજમાં તેજ   ભળી  જાય  તો  એને ઉત્સવ કહો….મૃત્યુ આવે ત્યારે વૃંદાવનની જેમ સ્વીકાર એજ તો  ઉત્સવ।….એજ ક્ષણયોગ .. છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય.. અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન…… અને ત્યારે  જ તો મૃત્યુ બને ઉત્સવ .. ,..  સ્વજન ને એમની યાદ…  રમણીયતા પમાડે એને  ઉત્સવ કહો….જેની યાદમાં અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય…. એના પ્રાણના વિસર્જન નો શોક શું હોય ખરો ?…મૃત્યુ  માત્ર એક  બદલાવ જ.એક નવો આયામ…આવા નવ સૃષ્ટિમાં રૂપાંતરને ….કહો  પુન:સંધાન..આવા  મૃત્યુને.. આપણે અશુભ કહીશું કે પરમ મંગળ? કે  એક પરમ કલ્યાણસ્વરૂપ શુભ ઘટના ?! મૃત્યુ એ તો પુન:સંધાન છે.નિરર્થક વૃદ્ધત્વ પછી પ્રાપ્ત થતું મૃત્યુ એ તો નવસર્જન માટેનું માંગલિક પર્વ છે તો મંગલમય મહોત્સવ થયો ને ? આ પ્રશ્નનો જવાબ શોધવામાં વિવેકી પુરૂષ પોતે પોતાનામાં એ પુન:સંધાન.નો અનુભવ કરે છે એક દેહમાંથી મુક્ત થયેલો આત્મા નવી શક્તિ અને નવી સ્ફૂરણા પ્રાપ્ત કરીને પુનર્જન્મરૂપી વસ્ત્ર પરિધાન કરે એવો પરમ પવિત્ર મંગલ પ્રસંગ છે, અવસર છે.મૃત્યુ શુભ અવસર  છે, તો એ ઉત્સવ જ હોય શકે…એને  વધાવી લેવું  જોઈએ… “આત્માની અનુપસ્થિતિ એ મૃત્યુ.” હવે તો દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી…પરંતુ જીવનની સુવાસ નિરાકાર છે ને ?કરેલા કર્મ જ પ્રિયજનને સુવાસરૂપે ફેલાતા રહેશે….ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા . પોતાના મૂળ (નિરાકાર પ્રભુ પરમાત્‍મા)માં વિલિન થઇ જાય છે..ત્યારે પાંપણ ભીની કર્યા વિના સ્વજનને  આપવી છે વિદાય ..અઘરી વાત છે  છે.. પણ આંખમાં આશુ બે કારણ સર આવે છે એક શોકના અને એક આનંદના,. મુખારવિંદનાં દર્શન નહીં થાય એનો કારમો વસવો અહી સ્વજનને ગુમાવ્યાનો શોક અને અને તો બીજી તરફ  આનંદ લીલીવાડી સમાન જીવનની સુવાસનો ।…માટે આશું તો આવવાના ….આપણી વ્યક્તિ ની વિદાયથી દુઃખ થાય અને ખોટ પણ વર્તાય ,અને હૃદય અને  બે હાથ અચાનક જોડાઈને પ્રાર્થના કરતા કહે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો….અને એ પ્રાર્થના મનને અચનાક વિચાર કરતા મૂકી દે.. કે અને મન કહેવા માંડે કે મારા સ્વજનનું મરણ એ તો જીવનની જ પૂર્ણતા,  સંપૂર્ણતા છે…આવી મનની  લીલી વાડી જોયા પછીનું એમનું મૃત્યુ તો ઉત્સવ જ  છે ને…આત્‍મા નિરાકાર પરમાત્‍માનું જ સુક્ષ્‍મરૂ૫ છે. .”આજ સુધી એમના આત્‍મામાં  મેં પરમાત્મા જોયા ….પ્રભુ હવે આપમાં એમને નિહાળીશ..”

કશુંકથી છૂટવા કશું પામતા

શોક શેનો થાય હુર્દયને ?

બાળકના જન્મ સમો

આ અનુભવ થાય આજ મને

રે પરિવાર જનો શોક

ન કરશો મૃત્યુ ને સમયે

બસ આતો પુન:સંધાન.

કરુણ-મંગલ ઘટના  

મૃત્યુ : કરુણ-મંગલ ઘટના

 pragnaji-પ્રજ્ઞા દાદભાવાળા