બાળવાર્તા-(૧૦)ગટુ અને તેનો બડી -રોહિતભાઈ કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,
       કુશળ હશો.આ સાથે એક બાળવાર્તા મોકલું છું.
                             રામુ અને શામુ (ગટુ અને બડી )
                                                                                                    ————————

       દાદા, આજે તો મોટી વાર્તા કરવાની છે.અને દાદાએ વાર્તા શરુ કરી’.એક હતો છોકરો.આમ તો એનું નામ રમેશ હતું પણ બધાં એને ગટુ કહીને બોલાવતાં.દસ વર્ષનોગટુ ચોથા ધોરણમાં ભણતો હતો.ગટુને પક્ષીઓ બહુ ગમે.એ કબુભાઈને અને ચકીબેનને  રોજ ચણ નાખે.એક સફેદ કબુ તો એનાં હાથમાંથી દાણા ખાય અને ચકીઓ તો એનાં ખભા પર બેસી જાય.કોક વાર પોપટ આવે તો એ એને પણ મરચું ખવડાવે.જો કે એને કૂતરાનો ખૂબ ડર લાગે.કુતરાનું હાઉ-હાઉ સાંભળતા જ એનાં હાથ-પગ ધ્રુજવા માંડે.

       એક વાર શાળામાં એને મોડું થઇ ગયું.તેથી એ ટૂંકા રસ્તે જલ્દી જલ્દીથી ઘરે જઈ રહ્યો હતો.ત્યાં જ તેનાં કાનમાં હાઉ-હાઉ નો અવાજ આવ્યો.ગટુ તો ગભરાઈ ગયો.આજુ બાજુ કોઈ હતું નહીં એટલે એણે ભાગવાનો વિચાર કર્યો.કોને ખબર કેમ પણ ગટુને લાગ્યું કે આ કુતરાના ભસવાનો નહીં પણ રડવાનો અવાજ લાગેછે.રામુએ હિંમત ભેગી કરીને આગળ જઈને જોયું તો એક ગલુડિયું ખાડામાં પડી ગયું હતું અને કોઈ એને બહાર કાઢે એ માટે રડતાં અવાજે ભસતું હતું  ઉંડા ખાડામાંથી ગલુડિયાને કઈ રીતે બહાર કાઢવું એનો વિચાર કરતાં એણે પાટલૂનનો પટ્ટો કાઢી એની સાથે એનું દફતર બાંધીને ખાડામાં ઉતાર્યું.પેલાં ગલુંડીયાએ તો તરત દફતર પકડી લીધું અને પટ્ટાને પકડતું એ બહાર આવી ગયું.બહાર આવીને ગલુંડીયું તો રામુનાં પગ ચાટવા લાગ્યું.રામુ પણ ડર ભૂલીને ગલુડિયાંને પંપાળવા લાગ્યો.રામુને મોડું થતું હતું.એ તો દફતર લઈને ચાલવા લાગ્યો.પણ,આ શું? પેલું ગલુડિયું તો એની પાછળ પાછળ જ ચાલવા લાગ્યું.એ તો ગટુનાં ઘરની બહાર જ અડીંગો લગાવીને બેસી ગયું.પછી તો એ ગટુનું ખાસ દોસ્ત બની ગયું.ગટુ એ એનું નામ બડી પાડ્યું.ગટુની સાથે બડીબધે જ જાય.ગટુપણ બડી ની સાથે રમે.એને નવડાવે,ખવડાવે ને મસ્તી કરાવે.રાતે એ ગટુનાં ઘરની બહાર જ સૂઈ જાય.એક વાર તો ગટુનાં ઘરે ચોર ચોરી કરવાં આવ્યાં તો બડીએ ભસી ભસીને બધાંને જગાડી દીધાં અને ચોરોને ભગાડી દીધાં.હવે તો ગટુનું ઘરમાં પણ માન વધી ગયું.બડી પણ બહુ સમજુ.ગટુમુ ભણતો હોય ત્યારે એ ચૂપચાપ બેસી રહે.

        એમ કરતાં બે વર્ષ જતાં રહ્યા.ગટુછઠ્ઠા ધોરણમાં આવી ગયો.ગલુડિયું હવે સુંદર કુતરો બની ગયું.એ બંનેની દોસ્તી વધુ ને વધુ જામતી ગઈ.એક વાર ગટુશાળાની ટ્રીપમાં થોડે દૂર આવેલી જંગલની ગુફા જોવા ગયો હતો.શાળાની ટ્રીપ હતી એટલે ગટુ ને સાથે લીધો ન હતો.પણ બડી તો બહુ ઉસ્તાદ.ચૂપચાપ એ રામુની બસની પાછળ પાછળ ગુફા સુધી પહોંચી ગયો.કોઈને દેખાઈ નહીં એમ દૂર બેસી રહ્યો.ગુફાઓ જોઇને બધાં છોકરાઓ રમતે ચઢ્યા અને પછી ખાઈ કરીને થોડી વાર આરામ કરતા હતા.ગટુ પણ બસ પાછળ દોડીને થાકી ગયો હતો એટલે સૂઈ ગયો.ત્યાં જ ગટુએ એક સોનેરી પંખી જોયું.કીવી,કીવી,ક્વિક ક્વીક……ની તીણી સિસોટી જેવાં અવાજ કાઢતું એ એક ઝાડથી બીજા પર ઉડી રહ્યું હતું.ગટુ પણ એની પાછળ દોડતો હતો.દોડતાં દોડતાં એ એક ઢાળ પરથી લપસી ગયો.એણે બચાઓ…..બચાઓની બહુ બૂમ મારી પણ કોઈએ સાંભળી નહીં .એ એક ઝાડની છાલની સાથે નીચે લપસ્યો હતો એટલે બહુ વાગ્યું ન હતું.પણ આજુબાજુ કોઈ ન હતું એટલે  ગભરાઈને રડવા લાગ્યો.આ બાજુ ગટુનાં દોસ્તો પણ બહુ વાર સુધી ગટુપાછો ન આવ્યો  એટલે બૂમાબૂમ કરવા લાગ્યાં.આટલો બધો શોરબકોર સાંભળી દૂર રહેલો  બડી ઉઠી ગયો.એ દોડતો ત્યાં આવી ગયો.ગટુનાં દોસ્તો તો બડીને જોઇને નવાઈ પામી ગયા.બડી  બધું સમજી ગયો.રામુની ગંધને નાકથી પારખતાં એ પેલાં ઢાળ પાસે આવી ગયો.શામુ ને ખ્યાલ આવી ગયો કે ગટુ નીચે જ પડી ગયો છે.એક મિનિટનો પણ વિચાર કર્યા વગર શામુ પણ અથડાતો કૂટાતો એ ઢાળ પરથી નીચે આવી ગયો.એનાં પગમાં ઘણું વાગી ગયું હતું પણ એ તો બધું ભૂલીને ગટુની શોધમાં આગળ વધ્યું અને આખરે એણે રામુને શોધી જ કાઢ્યો.બડીને જોઇને ગટુ તો ગાંડો ગાંડો થઇ ગયો.બંને એકબીજાને ભેટી પડયાં.ગટુ તો બડીના ઘા ને પંપાળતો જ રહ્યો.પછી તો બડીની મદદથી ગટુએનાં દોસ્તો પાસે આવી ગયો અને બધાં સાથે ઘરે આવી ગયા.બોલ,બેટા વાર્તા ગમી ને ?હાં !આ વાર્તા પરથી શીખવાનું કે કૂતરાં બહુ જ વફાદાર પ્રાણી છે અને રમતમાં ગાંડાની જેમ દોડવાનું નહીં કે જેથી પાછળથી પસ્તાવું પડે.ચાલો,હવે આંખ બંધ………” દાદાની વાર્તા સાંભળતા સાંભળતા ગટુ તો ઘસઘસાટ સૂઈ ગયો.

                                                                                                                                                                                                રોહિત કાપડિયા

આભાર અહેસાસ કે ભાર (8) રોહિત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,

કુશળ હશો. આ સાથે ‘ અંતર્ગત એક લેખ મોકલું છું.

     આભાર-અહેસાસ કે ભાર

————————————–

ટેક્ષીમાં એ એક અજાણ્યા દેશમાં એનાં પરિચિતને ત્યાં જઈ  રહયા હતાં. શિયાળાની ખુશનુમા સવાર હતી. ડ્રાયવર મીઠું મીઠું ગીત ગણગણતાં ટેક્ષી હંકારી રહ્યો હતો.ત્યાં જ અચાનક એક કચરાની દુર્ગંધ મારતી ટ્રક એમની ગાડીને ખોટી રીતે ઓવરટેક કરીને જતી રહી.  એને થયું કે ટેક્ષી ડ્રાયવર હમણાં બે ચાર ગાળો ભાંડશે,

એનાં બદલે એણે  તો પાસે રહેલી પરફયુમની બાટલી ખોલીને ટેક્ષીમાં છાંટી દીધું. આગળ સિગ્નલ પર એ જ કચરાની ગાડી પાસેથી પસાર થતાં એણે ગાડીની બારીનો કાચ ખોલીને પેલાં ડ્રાયવરને કહ્યુંઆભાર.અને એ આગળ નીકળી ગયો.સહેજ આશ્ચર્ય સાથે પ્રવાસીએ પુંછ્યુંતમે ગુસ્સો કરવાને બદલે શા માટે આભાર વ્યક્ત કર્યો ?એણે હસીને કહ્યુંસાહેબ, એનાં કારણે તો મને પરફયુમ છાંટવાનું યાદ આવ્યું આપણી ટેક્ષીને મહેંકતી કરવામાં સહાયરૂપ થવા બદલ મેં એનો આભાર માન્યો.આ છે આભારની એક નવી પરિભાષા.આભાર વ્યક્ત કરીને ગુસ્સાને હાસ્યમાં ફેરવી શકાય. નકારાત્મકતાને હકારાત્મક્તામાં પલટાવી શકાય.અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે’ ના બોર્ડના બદલેઅહીં ધુમ્રપાન ન કરવા બદલ આપનો આભાર’ કેટલી સુંદર અસર છોડી જાય છે.

આપણને મુસીબતમાંથી બહાર કાઢનાર ,આપણી આર્થિક તકલીફને દૂર કરવામાં મદદરૂપ થનાર,આપણને નાની મોટી સહાય કરનાર, આપણા દુઃખમાં સહભાગી થનાર, આપણને સાચી રાહ દેખાડનાર કે જિંદગીની સફરમાં આપણને સાથ દેનાર એ બધાં  ‘આભાર’ ના હકદાર છે.આભાર વ્યક્ત કરવાથી આપણે થોડો ભાર ઉતારી શકીએ છીએ.થોડાં હલકા,થોડાં હળવા થઇ શકીએ છીએ. અલબત,આભારનાં એ ઉદગાર માત્ર મુખેથી બોલાયેલાં શબ્દો નહીં પણ હૃદયથી પ્રગટેલો ભાવ હોવા જોઈએ.આ જિંદગી ભલે આપણી હોય એ જિંદગીને ધબકતી રાખવામાં કૈંક હજારો માનવી કારણભૂત હોય છે. કદાચ આપણને એનો ખ્યાલ સહજતાથી નથી આવતો,પણ જો જરાક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ડગલે ને પગલે આપણને આપણા પર ઉપકાર કરનાર વ્યક્તિ મળે. આપણને આ ધારા પર અવતરવામાં નિમિત બનનાર માં-બાપ,આ અવતરણને સફળ બનાવનાર ડોક્ટર,નર્સ,શિશુ અવસ્થામાં આપણું દયાન રાખનાર સ્વજનો,શિક્ષા આપનાર શિક્ષકો,અન્ન ઉગાડનાર ખેડૂત,આપણા કપડાં સીવનાર દરજી,આપણા પગરખાં સીવનાર મોચી, આપણું ઘર બનાવનાર શિલ્પીઓ,મજૂરો,આપણને એક સ્થળેથી બીજા સ્થળે સહી સલામત પહોંચાડનાર રીક્ષા,ટેક્ષી,ટ્રેન કે પ્લેનના ચાલક,આપણા આંગણને અને શહેરને સ્વચ્છ રાખનાર કર્મચારીઓ,આપણામાં ધર્મનાં સંસ્કાર સિંચનાર ગુરુઓ,આપણી જીવન જરૂરીયાતોને પૂરી કરનાર વિવિધ કળામાં પારંગત એ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓ આ યાદીને જેટલી લંબાવવી હોય તેટલી લંબાવી  શકાય.આ બધાનો આભાર જો શબ્દોથી ન વ્યક્ત કરી શકાય એમ હોય તો આપણું વર્તન,આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે ઉપકાર કરનારને સંતોષનો અનુભવ થાય.

આ ઉપરાંત વહેતી હવા,ફળ-ફૂલની ભેટ આપતાં વૃક્ષો,જીવન માટે અમૃત રૂપી જળને પૂરું પાડતી નદીઓ,અડીખમ ઉભા રહીને પ્રકૃતિનું સંતુલન જાળવતાં પર્વતો,પ્રકાશ પાથરતો સૂર્ય,શિતળતા આપતો ચંદ્ર,અને આ બધાથી ઉપર આખી સૃષ્ટિનો સંચાલક પરમેશ્વર એ સર્વનો હર પલ આભાર માનવો જોઈએ.એક શાયરે બહુ જ સરસ વાત કહી છે —એ હવા ! તારી સખાવતને સલામ, ક્યાય તારાં નામની તકતી નથી.આભાર માનવાથી અહં નીકળી જાય  છે. હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જેમ શ્વાન તાણે આ વાતનો ખ્યાલ આભાર માનવાની વૃતિથી આવે. ડગલે ને પગલે આભાર માનવાથી જીવનમાં સરળતા આવે છે.બોઝિલ જિંદગી હળવી બને છે.આભાર’ના બે શબ્દો બોલવામાં ગુમાવવાનું કશું નથી પણ મેળવવાનું ગણું છે. વરસાદથી બચવા આપણે છત નીચે ઉભા હોઈએ ને કોઈક છત્રી લંબાવીને અંદર આવી જવા કહે ને આપણે આભાર માનતા અંદર ઘુસી જઈએ અને પછી છૂટા પડતા પણ આભાર માનીએ.આ ટૂંકી સફરમાં બંને થોડા થોડા ભીંજાય જતાં હોય છે ને તો પણ એકને મદદ કર્યાનો આનંદ હોય છે તો બીજાને થોડું ઓછું ભીંજાયાનો આનંદ હોય છે.આભાર એ આનંદની વહેંચણી છે.આભાર જો સાચા હૃદયથી માનવામાં આવે તો એ ભાર નહીં પણ એક એવો અહેસાસ બની રહે કે જેમાં ઋણમુક્ત થવાની ઝંખના પ્રબળ બને.

                                                રોહિત કાપડિયા

સુખ એક મૃગજળ -રોહિત કાપડિયા –

પ્રજ્ઞાબેન કુશળ હશો. આજે બુદ્ધપૂર્ણિમા છે, તેનાં સંદર્ભમાં મારી એક પ્રકાશિત વાર્તા મોકલું છું.
                                                                      સુખ – એક મૃગજળ
                                                                     —————————
          સિદ્ધાર્થ આજે ઉદાસ હતો, નિરાશ હતો,ચિંતિત હતો. આજે રવિવારની રજા હતી. ટ્રેનમાં ઘેંટા-બકરાની જેમ પીસાવાનું ન હતું. તો પણ વગર વાંકે ગઈ કાલે શેઠે આપેલો ઠપકો અને પત્નીએ મારેલું મહેણું એને અકળાવતાં હતાં. બહારની તાજગીભરી હવામાં એણે ફરી આવવાનું નક્કી કર્યું. હજુ તો બહાર પગ મૂકે તે પહેલાં જ પત્નીએ સૂચન કર્યું ” માસા કેન્સરના આખરી તબક્કામાં છે,બને તો એમની ખબર કાઢતાં આવજો.” જવાબ આપ્યા વગર એ નીચે ઉતરી ગયો. ગજવામાં પચાસની નોટ અને પરચુરણ હતું તો યે પાંચ રૂપિયા બચાવવા એણે ચાલીને હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. ચાલતાં ચાલતાં એ વિચારોની દુનિયામાં ખોવાય ગયો.
          ‘ જિંદગી….શું આ જ જિંદગી છે ? પૈસા કમાવવાની લાયમાં દિવસો,મહિનાઓ અને વર્ષો વિતી જાય.અચાનક જ એ દોડમાં શ્વાસ બંધ થઈ જાય કે પછી કોઈ જીવલેણ બીમારી ધીરે ધીરે શ્વાસ બંધ કરી દે. બધું જ અહીં રહી જાય. ગરીબ સુખી નથી તો પૈસાદાર પણ ક્યાં સુખી છે ?લાગણી,પ્રેમ અને સંવેદના શું માત્ર શબ્દકોષના જ શબ્દ બની ગયાં છે ? પૈસો જરૂરી છે પણ શું એની આગળ બધું જ નકામું છે ?શું આ ચક્ર ક્યારે ય નહીં તૂટે ? ‘ પણ એની વિચારધારા અવશ્ય તૂટી. મરવાનાં વાંકે જીવતાં એ વૃદ્ધ ભિખારીની ટહેલ “ભગવાનના નામે કંઈક આલો શેઠજી  ” સાંભળીને એ અટક્યો. શેઠજી શબ્દને વાગોળતાં ગજવામાં હાથ નાખી પાંચનો સિક્કો કાઢીને ભિખારીના પાત્રમાં મૂકી દીધો. ફરી એ વૃદ્ધ ભિખારીએ કંપતા અવાજે કહ્યું “ભગવાન તમને સદા સુખી રાખે. “સિદ્ધાર્થે હસતાં હસતાં વિચાર્યું ‘સુખ એક મૃગજળ અને મૃગજળ ક્યારે યે તરસ ન છીપાવી શકે.’
   એ વૃદ્ધ ભિખારીના કરચલીઓથી ભરેલાં ચહેરાને,લબડી ગયેલાં હાથ-પગને અને ઊંડી ઉતરી ગયેલી લાચાર આંખોને ભૂલાવવા એણે ઝડપથી ચાલવા માંડ્યું. હોસ્પિટલના પગથિયાં ચઢતાં ચઢતાં એક અજીબ પ્રકારની વાસને અનુભવતો રહ્યો. માસા ઇન્ટેન્સિવ કેર યુનીટમાં  હતાં.અંદર જવાની મનાઈ હતી. કાચના એ ગોળાર્ધમાંથી એણે અંદર નજર નાખી. મોઢા પર શ્વાસ લેવા માટે માસ્ક હતું. ગળામાં ખોરાક લેવા માટે નળી હતી.હાથમાં ઇન્જેક્શન આપવાં માટે નળી હતી. પેશાબ  આપોઆપ નીકળી જાય તે માટે નળી હતી.એવી તો બીજી કંઈક કેટલીયે નળી એનાં શરીર પરથી કોઈ યંત્ર સાથે જોડાયેલી હતી. એક ક્ષણ માટે તો તેણે થયું કે આ માણસ છે કે યંત્ર છે. યંત્ર ચાલતું રહે તેને  જીવન કહેવાય ખરું ? ત્યાં જ મુલાકાતનો સમય પૂરો થવાની ઘટડી વાગી  અને એ યંત્રવત બહાર આવી ગયો. એક મિનિટ માટે માસીને ખોટો દિલાસો આપી એ ઝડપભેર દાદર ઉતરી ગયો.
       હોસ્પિટલથી નીકળીને રસ્તા પર ઉતાવળે ચાલવા લાગ્યો. તેની ઝડપ હજુ વધે તે પહેલાં સામેથી આવતાં અવાજો ‘રામ બોલો ભાઈ રામ’ સાંભળીને અટકી ગઈ. કોઈ પચ્ચીસેક વર્ષની આસપાસના યુવાનની નનામી જઈ રહી હતી. સિદ્ધાર્થને તેની સાથે કોઈ સંબંધ ન હતો તો પણ તેણે બે હાથ જોડીને વંદન કર્યા અને મનોમન વિચાર્યું ‘ચાલો, શુકન થયાં’.પણ પછી પોતાના જ વિચારોથી એને જાત પર નફરત થઈ આવી અને તે બાજુની હોટલમાં ઘૂસી ગયો. સિગારેટનો ઊંડો કશ લેતા તેણે વિચાર્યું ‘બધે દુઃખ ને દુઃખ જ છે. બધાં જ દુઃખી છે ‘ને પછી હાથમાં રહેલાં બીયરના ગ્લાસને ઉંચો કરી બોલ્યો’ Three cheers for the life’ અને એક જ શ્વાસે એ બીયર પી ગયો. તે જ વખતે કાઉન્ટર પર રહેલી બુદ્ધની પ્રતિમાએ ભીતરને ભીતર રડી લીધું.
                                                                                                                                                રોહિત કાપડિયા

ચાલો લ્હાણ કરીએ (૬) રોહિત કાપડિયા

કોરા કાગળ પર એક મૌન લખી લઉ .
સૃષ્ટિના સર્જનની શબ્દોમાં લ્હાણ કરી લઉં

જેમની કલમથી ઉત્તમ ગણાય એવા સાહિત્યની રચના થઈ છે એવા અતિ વિખ્યાત કવિએ પોતાનું એક પુસ્તક અર્પણ કરતાં લખ્યું કે — જેની કૃપાથી મારી પ્રજ્ઞાને પ્રકાશ મળ્યો,મારાં હાથને કલમ પકડવાની તાકાત મળી અને જેમણે પ્રેમથી મારી સ્યાહીમાથી શબ્દોનું સર્જન કરાવ્યું તે સર્જનહારના ચરણોમાં .આ વાત યાદ આવતાં જ મને વિચાર આવ્યો કે કોઈ એકાદ મીઠા, મધુરાં અને અર્થસભર ગીતની રસ લ્હાણ કરવાને બદલે ચાલ ને જેણે આ સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું છે તેનાં જ સર્જનની લ્હાણ કરી લઉં. અને મન વિચારોનાં ચકડોળે ચઢ્યું.

                                    સખત નારિયેળનાં કવચમાં ભરેલા એ અમૃતતુલ્ય પાણી વિષે લખું કે પછી મોતીની જેમ ગોઠવાયેલાં એ દાડમનાં દાણા વિષે લખું. મન ને તરબતર કરી દે એવી સુગંધથી સભર અને અનાયાસે પ્રેમમાં પડી જવાય એવાં અવર્ણનીય રંગો સાથે ઝૂમતાં પુષ્પો વિષે લખું કે પછી તરન્નૂમમાં વહેતા આ વાયરા વિષે લખું. પોતાની જ મસ્તીમાં નાચતી ને કૂદતી કોઈ અલ્લડ તરુણી  જેવી આ નદીની લહેરો વિષે લખું કે પછી કોઈ અપ્સરાના પાયલમાંથી તૂટીને છૂટી પડેલી ઝાંઝરીઓનાં ઝંકારની જેમ ખળખળ વહેતા ઝરણા વિષે લખું. ભીતરમાં મોતીઓનો ખજાનો છુપાવી ઘૂઘવાટ કરતાં રત્નાકર વિષે લખું કે પછી ઘસમસતા વેગે શિખર પરથી ખીણમાં ખાબકતાં ધોધ વિષે લખું. પત્થર ચીરીને ફૂંટી નીકળતી કૂંપળ વિષે લખું કે પછી પાણીનાં બુંદને મોતીમાં પરિવર્તિત કરતી છીપ વિષે લખું. ઉન્નત શિર કરીને ઉભેલા એ અડીખમ પર્વતો વિષે લખું કે પછી અફાટ રણમાં ઉડતી એ ધૂળની ડમરીઓ વિષે લખું. ક્યારેક કાળા  ડિબાંગ વાદળોથી આચ્છાદિત ,ક્યારેક સુનહરા મેઘધનુષનાં હારથી સુશોભિત ,ક્યારેક સાવ નિરભ્ર ,ક્યારેક સૂર્યોદયનાં અપ્રિતમ રંગે રંગાયેલું તો ક્યારેક સૂર્યાસ્ત સમયે સોનેરી રંગની ઓઢણી ઓઢેલાં એ આકાશ વિષે લખું કે પછી અનેક પ્રકારની જીવસ્રુષ્ટિને પાળતી આ વિશાળ ધરા વિષે લખું. તપતા સૂરજ વિષે લખું કે પછી શીતળતા આપતાં ચંદ્ર વિષે લખું. અંધકારમાં આકાશમાં ચમકતા તારલાઓ વિષે લખું કે પછી ધરતી પર ઝબૂકતાં આગિયાઓ વિષે લખું. નવરંગી પીંછાઓનો શણગાર સજી મસ્ત બનીને નાચતા એ મોર વિષે લખું કે પછી મીઠું મીઠું બોલતા  લીલા પોપટની લાલ ચાંચ વિષે લખું. કૂકડે કૂકની પોકારથી જગાડતાં એ કૂકડા વિષે લખું કે પછી ખુલ્લી આંખે રાતે જાગતાં એ ઘૂવડ વિષે લખું. ચકલીઓના ચહેંકાટ વિષે લખું કે પછી કોયલની મીઠી કૂક વિષે લખું. બે બૂંદ પાણીની આશમાં ચાંચ ઉંચી રાખી આકાશને તાકી રહેલા ચાતક વિષે લખું કે પછી ઉંચે આભને આંબવા મથતી સમડી વિષે લખું.નિર્દોષ પારેવડાઓની પાંખોના ફફડાટ વિષે લખું કે પછી મધુરું ગીત ગાતા બુલબુલ વિષે લખું. સફેદ રૂ નાં ઢગલા જેવાં ગભરું સસલાઓ વિષે લખું કે પછી મસ્તીમાં ઊછળતાં સુવર્ણરંગી મૃગલાઓ વિષે લખું.પવનની પાંખે ઉડતાં અશ્વો વિષે લખું કે પછી દેવોનાં વાસ રૂપી ગૌમાતા વિષે લખું. મનોહર કેશવાળીથી સજ્જ ગર્જના કરતાં સિંહ વિષે લખું કે પછી ચટપટી રંગની ચટાઈ ઓઢી શિકાર પર ત્રાટકતા વાઘ વિષે લખું. વફાદારીના પ્રતિકસમ કૂતરા વિષે લખું કે પછી માંજરી આંખોવાળી બિલાડી વિષે લખું. તરકશમાંથી એક પછી એક છૂટતાં તીરોની જેમ વિચારો ફૂટી રહ્યાં હતાં. અટકવાનું નામ જ લેતા ન હતાં. થોડીક વાર મેં આંખો બંધ કરી.આંખોની સામે એનાં અસંખ્ય સર્જનો આવી ગયાં. મને થયું મેં જે લખ્યું છે તે તો એ મહાન કલાકારના વિરાટ ચિત્રનો એક આછો લસરકો છે.  અચાનક જ એક મખમલી પાંખવાળું રંગીન પતગીયું મને સ્પર્શીને સામેનાં આયના પર બેસી ગયું. આયનામાં મારું પ્રતિબિંબ નિહાળતાં જ થયું અરે ! વિચારોમાં ને વિચારોમાં સર્જનહારના શ્રેષ્ઠ સર્જન માનવ ને તો હું ભૂલી જ ગયો.માનવી પાસે દિલ છે, દિમાગ છે, પ્રેમ છે,લાગણી છે,સંવેદના છે,કરૂણા છે,શ્રદ્ધા છે, વિશ્વાસ છે.

હાં !એની પાસે નફરત પણ છે,સ્વાર્થ પણ છે,અહંકાર પણ છે,ક્રૂરતા પણ છે. લાવ માનવી વિષે જ લખું.

 ઘણું બધું વિચાર્યું.ઘણું બધું લખવું હતું પણ કોને ખબર કલમ ઉપડી જ નહીં.આખરે શિર્ષક લખ્યા પછી લેખ સાવ કોરો જ છોડી દીધો.એ કોરાં કાગળને વાંચીને સહુ રસ લ્હાણ કરી લે અને મૌનની ભાષા સમજી લે.

‘મનની મોસમ’ લલિત નિબંધ (8) ઈશ્વર 

 

ઈશ્વર એ શબ્દ જ અનેક મનમાં વિચારો અને અનેક પ્રશ્નો ઉભા કરી દે. માનતો હતો કે ઘણું બધું સડસડાટ લખાઈ જશે. પણ જેવી કલમ ઉપાડી કે મન વિચારોનાં ચકડોળે ચઢી ગયું. ઈશ્વર ખરેખર છે કે નહીં ? છે તો પછી દેખાતો કેમ નથી ? શું ઈશ્વર એટલે માત્ર એક કલ્પના ? શું આ સંતો, ઋષિઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હશે? શું તેમણે ઈશ્વરને જોયો હશે ?

શું ઈશ્વર એટલે રામ,કૃષ્ણ,મહાવીર,બુધ્ધ, જીસસ,રહીમ કે પછી ઈશ્વર એટલે પરમ શક્તિ ?શું ઈશ્વર પ્રતિમામાં છે? પણ એ પ્રતિમા તો માણસે બનાવી છે ? ઈશ્વર જો નિરંજન નિરાકાર હોય તો એની ખાતરી શું ? ઈશ્વર છે તો પછી આસ્તિકને દુઃખ શા માટે? નાસ્તિકને જલસા શા માટે ?સત્યની હાર શા માટે અને અસત્યનો વિજય શા માટે ? ધર્મનાં નામે આટલા ઝગડા શા માટે ?વિશ્વમાં આટલી બધી અરાજકતા છે, અન્યાય છે તો પછી ઈશ્વર ચૂપ શા માટે છે ? શું ઈશ્વર જ સર્જનહાર અને ઈશ્વર જ વિસર્જનકર્તા છે ?મન વિચારો કરતાં થાકી ગયું, અને બોલી  ઉઠ્યું,  “હે, ભગવાન! i give up ” ને તરત જ ભીતરથી અવાજ આવ્યો ‘હમણાં જે હું બોલ્યો કે હે, ભગવાન ! તો આ કયા ભગવાન ? કદાચ ઈશ્વર આપણી સહનશક્તિની પરાકાષ્ટાએ છે. આપણી શ્રદ્ધાની પરાકાષ્ટાએ છે. આપણી લાગણીની પરાકાષ્ટાએ છે,. આપણી સંવેદનાની પરાકાષ્ટાએ છે. આપણા વિશ્વાસની પરાકાષ્ટાએ છે.આપણાં સ્નેહની પરાકાષ્ટાએ છે.આપણી ભાવનાની પરાકાષ્ટાએ છે.આપણી બુદ્ધિની પરાકાષ્ટાએ છે.

ઈશ્વરના સાચા સ્વરૂપને આપણે ઓળખતા નથી. એની વિશાળતા, વિરાટતા ને ગહનતાનો અહેસાસ નથી કરી શકતા. ઈશ્વર ક્યાંયે નથી એમ વિચારવાને બદલે જો એમ વિચારીએ કે -ઈશ્વર ક્યાં નથી ?તો સમજાશે કે ઈશ્વર બધે જ છે. માત્ર આપણી પાસે જોવાની સાચી દ્રષ્ટિ નથી. કોઈ ફિલોસોફરે ઇશ્વરની પરિભાષા આપતાં કેટલી સુંદર વાત કહી છે – હોડીમાં મુસાફરી કરતાં દસ માણસોમાંથી નવને ડૂબાડી દે અને માત્ર મને બચાવી લે તે ઈશ્વર જ.પણ ક્યારેક એ નવને બચાવી લે અને માત્ર મને ડૂબાડી દે તે પણ ઈશ્વર જ. એક વાર જો જોવાની દ્રષ્ટિ બદલાય જાય તો બધે જ ઈશ્વરના દર્શન થાય.

દાડમનાં દાણાને હીરાની જેમ ફળની અંદર જડનાર કોણ છે ?કઠણ નારિયેળમાં અમૃત સમું પાણી ભરનાર કોણ છે ? મોરના પીંછામાં નવરંગ પૂરનાર કોણ છે ?એક બુંદમાંથી પંચેન્દ્રિય માનવ સર્જનાર કોણ છે ?નવલખ તારાં,સૂરજ ચંદ્ર અને ગ્રહોનું ગગનમાં સંચાલન કરનાર કોણ છે ?હવાનાં પ્રાણવાયુથી જીવનને ટકાવનાર કોણ છે ? આપણે કદાચ લાખ વિચાર કરીએ અને વિજ્ઞાનનો પણ સહારો લઈએ તો યે આનો સંતોષકારક જવાબ નહીં મળે.આપણી સમજ આ બધું સમજવા માટે ઓછી છે. એટલે જ જો શરણાગતિ સ્વીકારી લઈએ તો અણસમજની પરાકાષ્ટાએ ઈશ્વર છે. ઈશ્વર અદ્રશ્ય નથી પણ આપણી બુદ્ધિનાં કારણે આપણી દ્રષ્ટિ પર પડદો પડેલો છે. કેટલી સરસ વાત કહી છે -ઘૂંઘટ કે પટ ખોલ તોહે પિયા મિલેંગે .  બસ, આ પડદો ઊંચકવાનો છે. દિમાગને બદલે દિલથી કામ લેવાનું છે.

એક નાનકડી છોકરી હાથમાં પેન્સિલ લઈ કંઈક ચિત્ર બનાવી રહી હતી. કોઈકે પૂછ્યું “શું દોરે છે ?”અત્યંત સરળતાથી તેણે જવાબ આપ્યો ” હું ઈશ્વરનું ચિત્ર દોરું છું ” પેલા ભાઈએ પૂંછ્યું “ઈશ્વર કેવા લાગે છે ?”બાળકીએ એ જ નિર્દોષતાથી કહ્યું “થોડી વાર ખમી જાવ.મારું ચિત્ર પૂરું થશે એટલે તમને ખબર પડી જશે કે ઈશ્વર કેવા લાગે છે.”                                                                    

એક અક્ષરનું સ્થાન બદલી  ‘ God is no where’ ને ‘ God is now here ‘કરી દેવાનું છે. બાકી સુખ-દુઃખ ,જીત-હાર, સત્ય-અસત્ય વચ્ચેનો જંગ, લડાઈ-ઝગડા એ બધું તો કર્મસતાને આધીન છે. ઈશ્વર તો એક સુપર કોમ્પયુટર છે એ હર પ્રશ્નનો જવાબ સાચો જ આપે છે પણ એની મરજીએ, એનાં સમયે અને એની રીતે.ત્યારે એક અનોખો વિશ્વાસનો અનુભવ થાય છે.ભગવાન અહી જ છે મારામાં અને મોસમ ખીલે છે.

 રોહિત કાપડિયા

 

રોહિત કાપડિયા

હાસ્ય સપ્તરંગી -(21-શીખી લઈએ રોહિત કાપડિયા

પ્રેમ, લાગણી અને સંવેદના જ્યાં દિન-પ્રતિદિન ઘટતાં જાય છે. સુખ જ્યાં ચપટી જેટલું અને દુઃખ જ્યાં સૂંડલા જેટલું છે ત્યાં ખુશ રહેવાં માટે પહેલાં તો હસતા રહેવાનું શીખવું જરૂરી છે. કંઈક આવા જ વિચારથી કરેલી એક નાનકડી રચના મોકલું છું. જો વિષયને અનુરૂપ લાગે તો જ પ્રકાશિત કરશોજી.
                                                                                 રોહિત કાપડિયા
                                                                      શીખી લઈએ 
                                                                ————————
                                                દુઃખ, દર્દ ,વેદના તો જીવનમાં આવતાં જ રહેશે,
                                                ચાલો, હર હાલમાં હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                ચપટી જેટલાં સુખ સામે દુઃખ ભલે હો સૂંડલા જેટલાં ,
                                                થોડાને ઘણું માની, હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                 ફૂલોની જેમ કંટકોને પણ દિલથી અપનાવી લઈએ,
                                                 ચાલો નફરત ભૂલીને, હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                  ભેગું કરેલું બધું જ આખરે અહીંયા જ રહી જવાનું,
                                                  ચાલો, ત્યાગનાં રસ્તે હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                  જીવન મળ્યું છે તો શાને ઝિંદાદિલીથી ન જીવવું,
                                                  ચાલો, મોતને ભૂલીને  હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                                                                             રોહિત કાપડિયા

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(13) પ્રેમની પરિભાષા -રોહિત કાપડિયા

પ્રેમની પરિભાષા
________________

“અવિનાશ ,મને માફ કરજે. આ મારું રાજીનામું અને આ મારાં પપ્પાએ લખેલ પત્ર છે. તું   વાંચી લેજે એટલે મારો જવાબ તને મળી જશે.” વિશ્વાનાં હાથમાંથી પત્ર લેતાં અને તેનાં હાથમાં એક પત્ર મૂકતાં અવિનાશે કહ્યું ” વિશ્વા, બેસ અને આ પત્રમાં મારો જવાબ છે તે તું પણ વાંચી લે.”
વિશ્વાનો પત્ર ખોલીને અવિનાશે વાંચવા માંડ્યો .
બેટા,
તું હમેંશા કહે છે કે હું માત્ર તારો પિતા નથી પણ તારો મિત્ર, રાહબર અને ફીલોસોફર પણ છું. ગઈ કાલે પૂછેલાં તારી જિંદગીનાં એક મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ મારે તને સામો સામ આપવો જોઈતો હતો પણ એમ ન કરી શક્યો. તેથી જ આ પત્ર લખ્યો છે. તું બે વર્ષની હતી ત્યારે તારી મમ્મી સ્વર્ગલોક સિધાવી ગઈ હતી. તે દિવસથી લઈને આજ સુધી મેં તને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપ્યો છે. તારી હર ખુશીનું ધ્યાન રાખ્યું છે. તારી હર ઈચ્છા ,તારી હર માંગણી પૂરી કરી છે. ખેર ! ગઈ કાલે તે કરેલી માંગણીને હું પૂરી કરી શકું એમ નથી.
જિંદગીમાં પ્રથમવાર તારી મરજી વિરુદ્ધનો નિર્ણય લઉં છું.
તને તારી ઓફિસના માલિક અવિનાશ સાથે પ્રેમ થઇ ગયો છે. અવિનાશ , કોઈ પણ  જાતિનો, કોઈ પણ ધર્મનો હોત તો મેં એનો સ્વીકાર કર્યો હોત ,કારણકે નાત-જાતનાં બંધન પ્રેમની આડે આવે તે મને માન્ય નથી. અવિનાશ પરણેલો છે. તારાં કહેવા મુજબ તેનું લગ્ન
વડીલોનું મન સાચવવા માટેની એક દાંભિક ક્રિયા હતી. ભણેલાં ,ગણેલાં અને નાની ઉંમરે વ્યવસાયમાં ખૂબ જ આગળ વધેલાં અવિનાશ સામે ગામડાંની સાવ મામૂલી ભણેલી એની પત્ની આશા એ બંનેનો મિલાપ કજોડું જ ગણાય એમ તારું માનવું છે.  તું માને છે કે આખી જિંદગી દુઃખી રહીને સાથ નિભાવવાના બદલે હજુ જયારે તેમના લગ્નને એક જ વર્ષ થયું છે ત્યારે બંને છુટા થઈ જાય તે જ યોગ્ય છે. અલબત્ત, અવિનાશે તને કહ્યું છે કે એની પત્ની આશા રાજી ખુશીથી છૂટાછેડા માટે તૈયાર થશે તો જ તારી સાથેનો સંબંધ  એ આગળ વધારશે અને તેં કહ્યું છે કે પપ્પાની એટલે કે મારી સંમતિ હશે તો જ તું સંબંધ આગળ વધારીશ. બેટા , આશાનાં જવાબની મને ખબર નથી પણ આ સંબંધને આગળ વધારવાની સંમતિ હું નથી આપતો. બહુ જ ભારે હૈયે તારાં પ્રેમની આડે આવવાનો નિર્ણય લીધો છે. કોઈનાં હાથમાંથી જામ ઝૂંટવીને પીવાનો આપણને કોઈ અધિકાર નથી. પ્રેમમાં જે મજા છોડવામાં છે, ત્યાગવામાં છે તે મજા મેળવવામાં નથી. પ્રેમ હમેંશા સમર્પણ માંગે છે. એક પ્રેમિકા તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે જો તું વિચાર કરશે તો તને પણ લાગશે કે તું આશાને અન્યાય કરી રહી છે. ખેર ! છતાંયે જો અવિનાશ સાથેનાં સંબંધમાં તને કશું અજૂગતું ન લાગતું હોય તો તું તને યોગ્ય લાગે તે પગલું લેવાં સ્વતંત્ર છે. બાવીસ વર્ષમાં પ્રથમવાર તારી ઈચ્છા ન પૂરી કરી શકનાર
                                            તારા પપ્પા
અવિનાશની આંખ સામે પત્ર પૂરો થતાં જ ,વિશ્વાનાં પપ્પાનું એક ગૌરવશાળી ચિત્ર ઉભું  થયું. આ બાજુ વિશ્વાએ પત્ર ખોલીને વાંચતા,
વિશ્વા ,
માફ કરજે. ગઈ કાલે રોજનાં ક્રમ મુજબ આશા મારી બાજુમાં આવી. મારાં ચરણસ્પર્શ કરી ,મારાં મસ્તક પર હાથ ફેરવીને સૂઈ જવાની તૈયારી કરી રહી હતી. અત્યાર સુધી આશા તરફથી માત્ર પ્રેમ અને આદર જ મળ્યો હોઈ ,આપણાં સંબંધની વાત કઈ રીતે કહેવી તેની મૂંઝવણ અનુભવી રહ્યો હતો. એનાં દિલ પર વજ્રાઘાત થઇ એવી વાત કહેવાની હતી. મન મક્કમ કરીને મેં એનો હાથ પકડીને બાજુમાં બેસાડતાં કહ્યું “આશા, તેં મને હંમેશા પ્રેમ આપ્યો છે પણ મારો પ્રેમ માત્ર ઉપરછલ્લો દેખાવ જ હતો. તું ગામડાંની છે અને તારી તુલનાએ મારું ભણતર ખૂબ જ ઊંચું છે. વડીલોનાં વચનને નિભાવવા મેં તારી સાથે લગ્ન તો કર્યા પણ મારુ મન માનતું નથી. તું હજુ પણ ગામડાંની ઢબે જીવે છે જે મારાં જેવાં આધુનિક, સમાજ તેમ જ મિત્રવર્તુળમાં માનપાત્ર સ્થાન ભોગવતાં શિક્ષિત યુવાન જોડે કજોડાં જેવું લાગે છે. મને મારી ઓફિસમાં કામ કરતી છોકરી વિશ્વા સાથે પ્રેમ થઇ ગયો છે. અલબત્ત, તું સંમતિ આપશે તો જ હું આ પ્રેમને આગળ વધારીશ. જો તારી મરજી નહીં હોય તો હું અહીં જ અટકી જઈશ અને ભવિષ્યમાં પણ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં નહીં પડું. મનને મનાવીને હું આપણાં સંબંધને નિભાવી લઇશ .હાં ! જો તારી મરજી હશે તો તને છોડીને હું તને જરા પણ દુઃખી નહીં થવાં દઉં .તારાં મા-બાપ માટે પણ તને બોઝ નહીં થવાં દઉં .તારાં જીવનભરનાં ભરણપોષણનો હું ખ્યાલ રાખીશ . તું ઇચ્છતી હશે તો યોગ્ય પાત્ર સાથે ફરી પરણાવવાના પ્રયત્નો પણ કરીશ .”
મને હતું કે  આમ તો એ મારી ઉપેક્ષાથી ટેવાયેલી છે પણ આ વાત સાંભળતાં
જ એ રડી પડશે .ભાંગી પડશે .મારાં પગ પકડીને મને ન છોડી દેવાની વિંનતી કરશે .એનાં બદલે આંખમાં આવેલાં આંસુને લૂંછતા એ બોલી ” નાથ ,માફ કરજો .એક પત્ની તરીકે હુંl તમને ખુશ નથી રાખી શકી તેનો મને અફસોસ છે .તમે વચન નિભાવવા લગ્ન કર્યાં છે ને તેથી તમને મૂંઝારો થાય છે પણ મેં તો પતિને પરમેશ્વર ગણીને પૂજવા લગ્ન કર્યાં છે .હું તો મારાં પ્રભુની પૂજા કરીને બહુ જ ખુશ છું .પણ જો મારાં પ્રભુને મારી પૂજા કબુલ ન હોય તો જરૂરથી તમે વિશ્વા સાથે લગ્ન કરો અને ખુશ રહો . મારી ખુશી તો તમારી ખુશીમાં જ છે . મારાં ભરણપોષણની ચિંતા ન કરતાં .હું તો કોઈ નારીસમાજની પ્રવૃત્તિમાં જોડાઈ સેવાનો માર્ગ અપનાવી લઈશ .બીજાં લગ્નનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી .જૂદાં થઈને પણ હું મનથી તમને
જ વરેલી રહીશ. હાં ! પણ જીવનમાં તમને જયારે મારી જરૂરત લાગે, જયારે પણ પાછાં ફરવાનું મન થાય ત્યારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મારી પાસે આવી જજો. “બસ , આટલું કહીને સહજ રીતે સૂઈ ગઈ .વિશ્વા, એનાં સૂતાં પછી હું વિચારે ચઢ્યો.એ ગામડાંની હતી એ વાતની મને લગ્નપૂર્વે ખબર જ હતી તો એને અપનાવવી કે નહીં તેનો વિચાર મારે લગ્નપૂર્વે જ કરવો જોઈતો હતો. વડીલોનાં વચનોને નિભાવવાને બદલે મારે વિરોધ કરવો જોઈતો હતો. વાંક મારો છે તો એની સજા એને શા માટે આપું ? મારી ઉપેક્ષાને અવગણીને એણે હમેંશા મને પ્રેમ કર્યો છે. મારી નાની નાની જરૂરિયાતોનો ખ્યાલ રાખ્યો છે. વાસ્તવમાં મને પરમેશ્વર માની મારી પૂજા કરી છે. તો શું હું થોડી ઘણી બાંધછોડ કરી , થોડું એનામાં પરિવર્તન લાવી જિંદગીને પ્રેમમય ન બનાવી શકું ? એ ભણેલી નથી પણ સમજુ છે, હું ભણેલો  છું પણ નાસમજ છું. પ્રેમની પરિભાષાને એ સમજી છે જયારે હું કદાચ પ્રેમને સમજ્યો જ નથી. આવા તો કેટલાં વિચારો પછી મેં આશાને જગાડીને કહ્યું ” આશા, હું દૂર ગયા વગર જ પાછો આવી ગયો છું. મને તારી જરૂરત છે. દિલથી મને માફ કરીને તારામય બનાવી દે. “પછી તો અમે બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યાં .વિશ્વા ,ફરી તારી માફી માંગુ છું. મને સમજવાની કોશિષ કરજે.
          તારો ભાઈ અવિનાશ.
પત્ર પૂરો થતાં જ વિશ્વાની આંખની સામે આશાની પ્રેમમૂર્તિ ઉભી થઇ. એણે મનોમન આશા અને પપ્પાનો આભાર માન્યો. પોતે આપેલાં રાજીનામાંના કાગળના ટુકડા કરતાં અવિનાશના હાથ પર રૂમાલ બાંધતા વિશ્વાએ કહ્યું ” ભાઈલા ,તારી બેનની આ વીરપસલી સદાયે તારી રક્ષા કરશે અને તને ખુશ રાખશે.”
વાતાવરણ પવિત્ર પ્રેમની સુગંધથી મહેંકી ઉઠ્યું.
                        રોહિત કાપડિયા

આ મહિનાનો વિષય -કવિતા(9) રોહિત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,
                 કુશળ હશો. આ મહિનાનો વિષય છે ‘કવિતા’ .ખેર ! કવિતાના બદલે કવિતા અંગેની એક નાનકડી વાર્તા મોકલું છું.
                                                                                              રોહિત કાપડિયા
                                                                 કવિતા
                                                             —————-
                      એક મહિનામાં જો ઓપરેશન ન કરાય તો એક અકસ્માતમાં સ્વર ગુમાવી બેઠેલી એની કોકીલકંઠી પુત્રી સ્મિતાનો અવાજ કાયમ માટે ખામોશ થઈ જાય એમ હતું. ડોક્ટરે કહેલા ઓપરેશનનાં ખર્ચ માટેનાં લાખ રૂપિયા ક્યાંથી ભેગા થશે એની જ એને ચિંતા હતી. માંગવું એનાં સ્વભાવમાં ન હતું. પચાસ હજાર તો એની પાસે હતાં અને એને વિશ્વાસ હતો કે બાકીનાં પચાસ હજારનો બંદોબસ્ત ઈશ્વર જરૂરથી કરી આપશે. આજે સવારે જ કુરિયરમાં આવેલાં ‘ફૂલછાબ’ સાપ્તાહિકનાં સંપાદકના કાગળે એની શ્રદ્ધા દ્રઢ બની. સંપાદકે કાવ્ય મહોત્સવ માટે નવી કવિતા ગીત, ગઝલ, હાયકુ કે અછંદાસ રૂપે લખીને મોકલવા માટે જણાવ્યું હતું. પ્રથમ નંબરે આવનાર કવિતા માટે રૂપિયા ૫૧૦૦૦/- નું ઇનામ હતું. દસ જ દિવસમાં હરીફાઈ પૂર્ણ થવાની હતી. મનોમન એને પોતાની બધી જ કલ્પના શક્તિનો ઉપયોગ કરી એક સર્વશ્રેષ્ઠ કવિતા રચવાનું નક્કી કર્યું. એ  વિચારોની દુનિયામાં ખોવાય ગયો.
બે દિવસ વિતી ગયાં પણ એ કવિતા લખવામાં નાકામિયાબ નીવડ્યો. ઘણાં વિચારો આવે અને જાય ,એકાદ બે લીટી લખાય પણ રચના આગળ જ ન વધે. આજે જો કવિતા  મોકલાય તો જ  યોગ્ય સમયે પહોંચે એમ હતું. અફસોસ !એ કંઈ પણ લખવામાં સફળ ન થયો. આ સ્થિતિને પણ એને ઈશ્વરની મરજી ગણીને સ્વીકારી લીધી અને સંપાદકને કાગળ લખી દીધો –
                     માનનીય સંપાદક,
                                      કુશળ હશો. આપે મને યાદ કરી કવિતા મોકલવા કહ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ! આ વખતે હું કવિતા નથી મોકલતો કારણ કે ——-
                                            સહજમાં સ્ફુરી જાય તે કવિતા,
                                            સાવ અચાનક લખાય જાય તે કવિતા,
                                            આંસુની કલમે રચાઈ જાય તે કવિતા,
                                            લોહીનાં લાલ રંગે રંગાઈ જાય તે કવિતા,
                                            મોતીરૂપે શબ્દોમાં ગૂંથાઈ જાય તે કવિતા,
                                            ખુશી લયબદ્ધતામાં અંકાઈ જાય તે કવિતા,
                                           સુખ-દુખના તાણાવાણામાં વણાઈ જાય તે કવિતા,
                                           મૌનની ભાષાએ સમજાઈ  જાય તે કવિતા,
                                            શ્રધ્ધાનાં સુમનોથી મહેંકાઇ જાય તે કવિતા,
                                            પ્રેમની પવિત્રતાએ પ્રસરી જાય તે કવિતા,
                                             સમર્પણની સુવાસે મહોરી જાય તે કવિતા,
                                             હૃદયનાં આક્રોશમાં ઠલવાઈ જાય તે કવિતા,
                                             વેદના વ્યથામાં વિસ્તરી જાય તે કવિતા,
                                             ભીતરનાં ઊંડાણેથી પ્રગટી જાય તે કવિતા.
કવિતા ન મોકલી શકવા બદલ આપની માફી ચાહતો,
                                                           હમદર્દ
                      આ વાતને દસ દિવસ વિતી ગયાં. પૈસાનો બંદોબસ્ત હજુ થયો ન હતો. તો યે એને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ હતો. અચાનક જ એનાં ફોનની ઘંટડી વાગી અને સામે છેડેથી ફૂલછાબના સંપાદકે કહ્યું “આપે કવિતા ન મોકલાવીને પણ કવિતાની સાચી સમજ આપતી ગદ્ય-પદ્ય રચના મોકલાવી હતી તેને પ્રથમ પુરસ્કાર મળે છે. પુરસ્કારની રકમનો ચેક રવાના કર્યો છે. “મનોમન ઈશ્વરનો આભાર માનતાં એને સંપાદકને ધન્યવાદ કહ્યાં અને એનાં મુખમાંથી સહજ રૂપે શબ્દો સર્યા –
                      આશાનો દીપ પ્રગટાવી જાય તે કવિતા,
                      અદ્રશ્ય હાથોથી લખાઈ જાય તે કવિતા . “
     ****************************************************************************************************
                                            સહજમાં સ્ફુરી જાય તે કવિતા,
                                            સાવ અચાનક લખાય જાય તે કવિતા,
                                            આંસુની કલમે રચાઈ જાય તે કવિતા,
                                            લોહીનાં લાલ રંગે રંગાઈ જાય તે કવિતા,
                                            મોતીરૂપે શબ્દોમાં ગૂંથાઈ જાય તે કવિતા,
                                            ખુશી લયબદ્ધતામાં અંકાઈ જાય તે કવિતા,
                                           સુખ-દુખના તાણાવાણામાં વણાઈ જાય તે કવિતા,
                                           મૌનની ભાષાએ સમજાઈ  જાય તે કવિતા,
                                            શ્રધ્ધાનાં સુમનોથી મહેંકાઇ જાય તે કવિતા,
                                            પ્રેમની પવિત્રતાએ પ્રસરી જાય તે કવિતા,
                                             સમર્પણની સુવાસે મહોરી જાય તે કવિતા,
                                             હૃદયનાં આક્રોશમાં ઠલવાઈ જાય તે કવિતા,
                                             વેદના વ્યથામાં વિસ્તરી જાય તે કવિતા,

                                              આશાનો દીપ પ્રગટાવી જાય તે કવિતા,
                                              અદ્રશ્ય હાથોથી લખાઈ જાય તે કવિતા . “

રોહિત કાપડિયા

સ્પર્શ – રોહિત કાપડિયા

     સ્પર્શ
        આજે ‘ મધર્સ ડે ‘ હતો અને સાથે રવિવાર પણ હતો. અપૂર્વના મનમાં એક અજબની કશ્મકશ ચાલી રહી હતી. એની વહાલી બા ની યાદ એને તડપાવી રહી હતી. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી પણ એની સાવ જ અભણ બા એ તનતોડ મહેનત અને કાળી મજૂરી કરી એને ભણાવ્યો , ડોક્ટર બનાવ્યો ને વિદેશ પણ મોકલ્યો. મારી બા માટે મારી ખુશી એ જ સર્વસ્વ હતી. સંજોગો કંઈક એવાં નિર્માણ થયાં કે એને વિદેશમાં જ સ્થાયી થવું પડ્યું. બા ને પણ વિદેશ બોલાવી શકાય એમ ન હતું.દર વર્ષે એ એની બા ને અચૂક મળવા જતો અને પંદર-વીસ દિવસના રોકાણમાં આખા વર્ષનો પ્રેમ ભેગો કરીને લઈ આવતો.
       પ્રેમની જ ભાષા સમજતી એની બા ને એ વોટ’સ એપ પર કે ફેસ બૂક પર’ મધર્સ ડે ‘નો  મેસેજ મોકલી શકે એમ ન હતો.ફોન કરીને વાત કરવાનો પણ અર્થ ન હતો, કારણ કે એનાં બધિર કાનોમાં હવે વધુ સંભળાતું ન હતું.આમ તો દેશ વિદેશ વચ્ચેનું અંતર બા દીકરાની વચ્ચે ક્યારે ય આવ્યું ન હતું. કોને ખબર કેમ પણ આજે એને બા ના પવિત્ર સ્પર્શની ઝંખના થઈ હતી. દિવસ ઢળવા આવ્યો હતો. બા ના સતત વિચારે એનું મન ભારે થઈ ગયું હતું. એની આંખમાં અચાનક જ આંસુ આવી ગયાં ને તે સ્વગત જ બોલી ઉઠ્યો ‘બા તે મને ક્યારે ય રડવા દીધો નથી. આજે મારી આંખમાં આંસુ છે તો એ લૂંછવા આવ ને ? “ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી.આંખમાંથી આંસુ લૂંછીને , ઉભાં થઈને એણે દરવાજો ખોલ્યો.  એનો મિત્ર જે એનાં જ એપાર્ટમેન્ટમાં ઉપર રહેતો હતો તે દેશમાંથી પાછો  ફર્યો હતો. એનાં એક હાથમાં બેગ હતી ને બીજા હાથમાં એક સ્ટીલનો ડબ્બો હતો. સ્ટીલનો ડબ્બો એનાં હાથમાં આપતાં એનાં મિત્રે કહ્યું “તારી બા એ મોકલાવ્યો છે અને મને ખાસ કહ્યું છે કે આ ડબ્બો મારાં ગગાને આપીને પછી જ ઉપર જજે. “પ્રેમથી ડબ્બો હાથમાં લઈ એણે મિત્રનો આભાર  માન્યો . મિત્રના રવાના થયાં બાદ એણે ડબ્બો ખોલ્યો. ડબ્બામાં એની ખૂબ જ ભાવતી સુખડી હતી. હળવેકથી એણે સુખડીનો એક ટુકડો હાથમાં લીધો ને જાણે એની બા નાં હાથનો સ્પર્શ થયો હોય તેવો અહેસાસ થયો. એણે સુખડી ડબ્બામાં પાછી  મૂકી દીધી.એની આંખમાં ફરી આંસુ  આવી ગયાં તે ફરી સ્વગત બોલી ઉઠ્યો “બા, તે આંસુ લૂંછી પણ દીધાં ને પાછાં આ હર્ષનાં આંસુ આપી પણ દીધાં .”ને પછી તો એ ડબ્બા પર હાથ મૂકીને ક્યારે સૂઈ ગયો તેની તેને ખબર પણ ન પડી.
                                                                રોહિત કાપડિયા

  માઈફ્રોફીક્ષન વાર્તા-(8)”સર્ટીફીકેટ”-રોહીત કાપડિયા

  પાંચ વર્ષની નાનકડી સ્મિતાએ કંઈક જીદ કરતાં એની મમ્મી આશાએ એક લપડાક એનાં ગાલ પર લગાવી દીધી. રડતી સ્મિતાને બાથમાં લેતાં એનાં દાદી હંસાબેને કહ્યું “વહુ બેટા, નાનાં બાળક સાથે સમજાવટથી કામ લેવાને બદલે આમ … …
સાસુની વાતને વચ્ચેથી જ કાપતાં આશા જોરથી બોલી ઉઠી “મમ્મી, મહેરબાની કરીને તમે એનું ઉપરાણું લેવાનું રહેવા દો. તમારાં લાડને કારણે જ એ જીદ કરતી થઈ ગઈ છે. આજની છોકરીઓ સાથે કેવી રીતે વર્તવું એની તમને ખબર ન પડે. અમારી
મા-દીકરીની વચ્ચે તમે ન પડો તો સારું. હું તો રોજની આ ટકટકથી કંટાળી ગઈ છું. “રૂમમાંથી બહાર આવતાં અશોકે પણ કહ્યું
“મમ્મી, આશાની દરેક વાતમાં તને વચ્ચે બોલવાની ટેવ પડી ગઈ છે. ચૂપચાપ તમારી માળા ગણ્યાં કરોને ” .ભારે હૈયે ઉભાં થઈને હંસાબેન એમની રૂમમાં જતાં રહ્યાં. કબાટમાંથી પોતાને યુનિવર્સીટીમાંથી પ્રથમ આવવા બદલ મળેલું એમ.એ. વીથ
ચાઈલ્ડ સાયકોલોજીનું સર્ટીફીકેટ કાઢીને એને જોતા જ રહ્યાં. રડતાં જ રહ્યાં,રડતાં જ રહ્યાં….
                                                                                          રોહીત કાપડિયા