૧૮-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન

માતૃત્વની મહેક

અશેષ, પરંતુ
    આપણાં લગ્નને ત્રણ વર્ષ પૂરા થયાં. આ ત્રણ વર્ષમાં તેં મને ઘણો પ્રેમ આપ્યો. રાજાની રાણી જેવું સુખ આપ્યું. એશ-આરામ અને સુખ સાહ્યબીના સાધનોમાં જ મારે જીવવાનું હતું. છતાં પણ મને ભીતરમાં કંઈક ઓછપ લાગતી હતી. શું ઓછપ હતી તે જણાવતાં પહેલાં થોડી મારી અતીતની વાતો કહીશ.
   શ્રીમંત પરિવારમાં મારો જન્મ થયો હતો. એકનું એક સંતાન હોવાથી હું મમ્મી અને પપ્પા બંનેની ખૂબ જ લાડકી હતી. ખૂબ જ લાડકોડમાં મારૂં બાળપણ વિત્યું. પપ્પા તો મને દીકરી નહીં પણ દીકરો જ ગણતાં હતાં. પપ્પાએ મારા બધા જ શોખ પૂરાં કર્યાં હતાં. સંગીત મને અત્યંત પ્રિય હતું અને એની તાલીમ પણ મેં લીધી હતી. ખાવાનું બનાવવાનો પણ મને બહુ ગમતું. બધાં જ મને સ્વાદ સામ્રાજ્ઞી કહીને બોલાવતાં. ભણતરમાં પણ મેં એમ. એ ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ બધી પ્રવૃત્તિ સાથે પપ્પાએ અમારા કુટુંબ અને સમાજનો વિરોધ સહન કરીને પણ મને ઘોડેસવારી, ક્રિકેટ, ચેસ અને કરાટેની તાલીમ અપાવી હતી. વક્તૃત્વમાં પણ મને કોઈ પહોંચી શકે નહીં. ‘વુમન્સ ડે’ પર મેં સ્ત્રીની શક્તિ, સ્ત્રીની પહોંચ, સ્ત્રીની ખૂબીઓ અને સ્ત્રીની મહાનતાને સાંકળીને આપેલા વક્તવ્યમાં મને આંતર રાષ્ટ્રીય કોલેજ સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળ્યું હતું. રૂપ, ગુણ અને સંસ્કારના ત્રિવેણી સંગમ જેવી મારી પ્રતિભા હતી. મારા બધા જ શોખ અને મારી બધી જ ઈચ્છા પૂરી કરી શકે એવા રાજકુમાર સાથે મને પરણાવવાની મારા પપ્પાને ઈચ્છા હતી. ખેર! વિધાતાને કંઈ જૂદુ જ મંજૂર હતું.
     મારા પપ્પાને ધંધામાં અચાનક જ મોટી ખોટ સહન કરવી પડી. નુકસાન અકલ્પનીય હતું. તારા પપ્પાએ એટલે કે પપ્પાજીએ મારા પપ્પાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ તો લંબાવ્યો પણ સાથે મારા હાથની પણ તારાં માટે માંગણી કરી. મારા પપ્પા આ માંગણી સ્વીકારવા તૈયાર ન હતા. તમારૂં કુટુંબ ખાનદાન છે અને સમાજમાં તમારૂં નામ છે એ વાત પપ્પા જાણતાં હતાં પણ તેમને એ ખબર હતી કે તમારી વિચારસરણી જૂની છે. તમારી રૂઢિચુસ્તતાનાં કારણે મારાં બધાં જ શોખ પર જો આ સંબંધ માટે હા પાડવામાં આવે તો પૂર્ણવિરામ મૂકાઈ જાય એમ હતું. મારા પપ્પાને આ વાત મંજૂર ન હતી. મમ્મી પાસેથી જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મેં પપ્પાને કહ્યું કે જો તમે મને સાચા અર્થમાં દીકરો માનતા હો તો તમારી તકલીફનાં આ સમયે મને કામમાં આવવા દો. મને આ સંબંધ બાંધવામાં કોઈ જ વાંધો નથી. હું રાજીખુશીથી અને દિલથી આ બંધનમાં જોડાઈશ. હું ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરૂં. આમ પણ તમારા ભાવિ જમાઈના ભણતર અને સંસ્કારીતાની મને જાણ છે. એમના સાલસ સ્વભાવ સાથે હું મારા શોખને જૂદા સ્વરૂપમાં ઢાળી દઈશ.
         પછી તો આપણા લગ્ન થઈ ગયા. મધુરજનીથી પાછા આવ્યા બાદ બીજા જ દિવસે સવારે મમ્મીજીને પગે લાગીને મેં હોંશથી કહ્યું “મમ્મીજી આજે તો મારાં હાથે નવી જ વાનગી બનાવીને હું બધાને ખવડાવીશ.” પણ મારી વાતને વચ્ચેથી જ કાપતાં મમ્મીજીએ કહ્યું “આપણે ત્યાં એ બધી નવા જમાનાની વાનગીઓ નહીં ચાલે. તારે આ ઘરની પ્રણાલિકા મુજબનું ખાવાનું જ બનાવવાનું છે.” મેં મનને મનાવી લીધું. થોડા દિવસ પછી મેં સંગીતના વર્ગ ઘરે ચાલુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ મમ્મીજીએ કહ્યું “આપણા કુટુંબમાં આવા બધા કામ ન શોભે”. મેં આ વાત પણ સ્વીકારી લીધી. મારા ભણતરનો ઉપયોગ થાય એ માટે મેં શાળામાં ભણાવવા જવા માટે પરવાનગી માંગી. મમ્મીજીએ તરત જ કહ્યું “આટલી દોમદોમ સાહ્યબી છે તો તારે પંતુજીની નોકરી કરવાની શી જરૂર છે?”.
આવા તો ત્રણ વર્ષમાં અનેક પ્રસંગ બન્યાં પણ મેં ક્યારેય તમને ફરિયાદ નથી કરી. તમને આ વાતો અંગે પહેલા નથી પૂછ્યું કારણ કે મને ખબર હતી કે મંજૂરીની મહોર તો મમ્મીજી જ મારી શકે. અલબત્ત, મમ્મીજી મને પ્રેમ જરૂર કરતાં હતાં.
           બે મહિના પહેલા જ્યારે મને મા બનવા માટેનાં એંધાણ દેખાયા ત્યારે તો ઘરમાં બધા જ ખુશ થઈ ગયાં. મમ્મીજી તો મારૂં વિશેષ ધ્યાન રાખવા લાગ્યા. તે દિવસે મેં સહજભાવે કહ્યું કે મને તો પહેલી બેબી આવે તો બહુ ગમશે ને ત્યાં જ મમ્મીજી પ્રથમ વાર કંઈક ગુસ્સા સાથે બોલી ઉઠયાં” ખબરદાર, બેબીનો વિચાર પણ કરતી નહીં. પહેલો તો બાબો જ જોઈએ. ને હાં! હમણાં બહાર કોઈને આ વાત જાહેર કરતી નહીં. હું કહું તે પછી જ આ સમાચાર તું તારા ઘરે જણાવીશ.”ત્યારે તો હું કંઈ સમજી નહીં એટલે ચૂપ રહી પણ ગઈકાલે જ્યારે તમે કહ્યું “આશા, કાલે આપણે ડોક્ટર પાસે જવાનું છે. મમ્મી સાથે આવશે. ડોકટર મમ્મીની ખાસ બહેનપણી છે. આમ તો ગર્ભ પરિક્ષણની મનાઈ છે પણ આપણને ખાનગીમાં જાણવા મળી જશે. બાબો હશે તો તો સારૂં જ છે પણ જો બેબી હશે તો મમ્મીની ઈચ્છા છે કે ગર્ભપાત…” મેં તમને વચ્ચેથી જ અટકાવી દીધાં. ત્યારે તો હું ખામોશ રહી. મારૂં સ્ત્રી સ્વાતંત્ર્ય સોનાની બેડીમાં જકડાયેલું હતું તો યે તમારા પ્રેમમાં મેં ઘણું બધું મેળવી લીધું હતું. તમારા પ્રેમાળ સ્વભાવની ઓથમાં મને પિંજરાના સળિયાઓના બંધનમાં ઊડવાનું પણ મંજૂર હતું. ખેર! આજે જ્યારે મારા માતૃત્વ સામે પડકાર થયો છે ત્યારે હું ચૂપ નહીં રહું. હું ઈચ્છું છું કે સોનોગ્રાફીમાં મને બેબી હોવાનું જ નિદાન આવે. હું એ બેબીને તમારા બધાની ઈચ્છા નહીં હોય તો પણ જન્મ આપીશ. ગઈકાલની વાતથી મને તમારા પ્રત્યે થોડી નફરત થઈ અને થોડી દયા પણ આવે છે. મમ્મીજીની જેમ તમને પણ બેબી નહીં જોઈતી હોય તો હું તમારા માર્ગમાંથી ખસી જવા તૈયાર છું. કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર હું રાજીખુશીથી તમને ફારગતિ આપીશ. તમારા બીજા લગ્ન જલ્દીથી થઈ જાય તે માટે હું પ્રાર્થના કરીશ. હા!  હું મારા પિતા પર બોજ નહીં બનું. મારા ભણતરનો ઉપયોગ કરીને હું મારા બળ પર બેબીને મોટી કરીશ. તમારો ત્રણ વર્ષ સુધીનો પ્રેમ મારી જિંદગીની અમૂલ્ય સોગાદ બની રહેશે. આપની ઈચ્છા સાંજે ડોક્ટર પાસે જતાં પહેલાં જણાવશો. તમારી જ આશા.
              સવારના ઓફિસે જતાં પહેલાં અશેષને આપેલા આ પત્રના જવાબમાં આશા ફોનની રાહ જોઇ રહી હતી. કંઈ કેટલી મંગળ અમંગળ કલ્પનામાં એ ઘેરાયેલી હતી. ત્યાં જ અશેષ અચાનક જ બપોરના ધરે આવી ગયો. દરવાજાથી પ્રવેશતાં જ એણે પ્રથમ વાર ઉંચા અવાજે કહ્યું “આશા, આજે તો તારા હાથની કોઇ નવી જ વાનગી ખાવી છે ને લે આ પરી જેવી બેબલીનાં ફોટા. આપણાં શયનખંડમાં ચારે બાજુ લગાવી દઈશું.” અશેષે બધાની વચ્ચે જ જાણે એમની ઈચ્છા દર્શાવી દીધી હતી. આશાને એનો જવાબ મળી ગયો. એની આંખો આંસુથી છલકાઈ ઉઠી. વાતાવરણમાં માતૃત્વની મહેક પ્રસરી ગઇ.

રોહિત કાપડિયા

વિનુ-મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (5) ડાઘ 

0240f5bc-a3fd-425b-a3a3-9b9771969546

રોહિત કાપડિયા

 નાનપણથી જ અમી લાગણી અને સંવેદના સભર જીવન જીવતી હતી. માત્ર બાર વર્ષની ઉમરે મમ્મીને ગુમાવી દીધાં બાદ ભણવાની સાથે એણે ઘર પણ સંભાળી લીધું હતું. એનામાં એ સૂઝ અને સમજ કેવી રીતે આવી ગયાં એની ખુદને જ ખબર ન હતી .પિતાજી અને નાનાભાઈની એણે એટલી હદે કાળજી રાખી કે મમ્મીના અવસાનની ઘરમાં ક્યારે ય કમી લાગી નહીં. અમી ની હર ક્રિયા, હર વાત, હર ચાલમાં એનાં પપ્પાને તો જાણે પોતાની પત્ની સુધાની જ છાયા ભાસતી હતી. આ બધી જવાબદારી નિભાવતાં એણે પોતાનો ઉચ્ચ અભ્યાસ પણ પૂર્ણ કર્યો. એક મહત્વની અને માનભર્યા પદ પર એણે નોકરી પણ ચાલુ કરી. ખુદને અનેક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું એટલે જ એને બીજા સામાન્ય માણસોની પણ એટલી જ ચિંતા થતી. ઈશ્વર પ્રત્યેની એની શ્રધ્ધા અતૂટ હતી. એક શોખ તરીકે એ કવિતા પણ લખતી. પ્રેમ, લાગણી, સંવેદના, શ્રધ્ધા વિશ્વાસ અને જીવંતતાથી તેની કવિતા છલકાતી. 

 

તે દિવસે તેનાં નિત્યક્રમ મુજબ સાંજે ઓફિસેથી છૂટીને ઘરે આવી રહી હતી. મોસમ અચાનક જ બદલાઈ હતી. સખત ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કાનમાં પવન ન પ્રવેશે તે માટે એણે કાનમાં ઈયર પ્લગ નાખી દીધાં હતાં. સામાન્ય ગતિથી એ સ્કુટર પર આગળ વધી રહી હતી. રસ્તામાં આવતાં પુલ પરથી એનું સ્કુટર પસાર થઈ રહ્યું હતું. એની બરાબર પાછળ એક બસ આવી રહી હતી. વધુ પડતી ઠંડીનાં કારણે એનાં હાથ થોડા જકડાઈ ગયાં હતાં અને કદાચ એથી જ એણે પોતાનું સંતુલન ગુમાવ્યું. સ્કુટર થોડી પળ માટે તો આડું અવળું થઈ ગયું પણ પછી કાબુમાં આવી ગયું. ઈશ્વરનો પાડ માનતાં એણે ઝડપથી ઘરે જવાનું નક્કી કર્યું. જરાક જ આગળ જતાં એનાં ઈયર પ્લગથી બંધ કાનમાં કંઈક ધમાકાનો અવાજ આવ્યો પણ એ અવાજને અવગણીને આગળ વધી. બીજે દિવસે સવારે છાપાના પ્રથમ પાનાં પરનાં સમાચાર ‘ સ્કુટર સવારને બચાવવા જતાં નદીમાં ખાબકેલી બસ.૩૮ નાં મોત.’વાંચતા જ એ ધ્રુજી ઉઠી. એનાં હાથમાંથી છાપું પડી ગયું. સમાચાર પૂરી રીતે વાંચ્યા પછી એને ખાતરી થઈ ગઈ કે આ અકસ્માત માટે એ જ જવાબદાર હતી. બસ, એ જ પળથી એ શૂન્ય બની ગઈ, સ્તબ્ધ બની ગઈ, જડ બની ગઈ. 

 

મનોમન આડત્રીસ જિંદગીના મોત માટે કારણભૂત હોવાનો ડાઘ એનાં દિલ પર લાગી ગયો. લાખ સમજાવટ છતાં પણ એ ન સમજી શકી. જીવનમાંથી એનો રસ જ ઉડી ગયો. એનું લાગણીશીલ હૃદય ભાંગીને ભુક્કો થઈ ગયું. જે જિંદગીને એ જીવંતતાથી જીવવા માંગતી હતી તે જિંદગી હવે ક્યારે ખતમ થઈ જાય એની રાહ જોવાં લાગી. સતત ખુદ્કુશીના વિચારો એનાં મનમાં રમવા લાગ્યાં. એની કવિતાના વિષયો હવે દર્દ,પીડા,વેદના,વ્યથા,આંસુ અને મોત બની ગયાં. પિતા અને ભાઈની સમજાવટથી થોડા સમય બાદ એણે પોતાની જિંદગી મન મનાવીને જીવવાનું ચાલુ તો કર્યું  પણ પેલો ડાઘ હમેંશા એનાં દિલોદિમાગ પર સવાર રહેતો. નોકરીમાં કામમાં ડૂબી જઈને એ પ્રસંગને ભુલાવવાનો પ્રયત્ન તો એ કરતી પણ એકાંતની પળોમાં એ ડાઘ વધુ ને વધુ સતાવતો.સતત કામ કરતાં રહેવાથી એ નોકરીમાં  ઘણી આગળ વધી ગઈ.હવે તો લગ્ન માટે ઘણાં છોકરાઓનાં માંગા એને સામેથી આવતાં હતાં. ખેર! એ ખામોશી અને શૂન્યતાની દુનિયામાંથી બહાર જ આવી શકતી ન હતી. લગ્ન કરતાં એને મોત વધારે વહાલું લાગતું હતું.

 

આજે એ એની કંપનીને પોતે તૈયાર કરેલાં પ્રોજેક્ટ માટે મળેલો શ્રેષ્ઠતાનો એવોર્ડ લેવા પ્લેનમાં દિલ્હી જઈ રહી હતી. ઉદ્યોગમંત્રીનાં હાથે એ એવોર્ડ એને મળવાનો હતો.એક અનન્ય આનંદની એ ઘટના હતી અને તો પણ તે ઉદાસ હતી. ઊંચાઈએ ઉડી રહેલા પ્લેનની બારીમાંથી દ્રષ્ટિગોચર થતા રૂ ની પૂણી જેવાં સફેદ વાદળો એની ઉદાસીમાં વધારો કરી રહ્યાં હતાં. એનાં દિલ પર લાગેલા ડાઘને વધુ સાફ અને સ્પષ્ટ બનાવી રહ્યાં હતાં. એ વિચારી રહી હતી કે ઉડતા ઉડતા એ બહુ જ ઉપર પહોંચી જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું જ નથી. ત્યાં જ એના કાનમાં એક કરડાકીભર્યો અવાજ સંભળાયો ‘હેન્ડ્સ અપ, અમે પ્લેન હાઈજેક કર્યું છે. સરકાર જો અમે કહેલ કેદીને મુક્ત નહીં કરે તો અમે આખા પ્લેનને ઉડાવી દઈશું. અમારી સરકાર સાથે વાટાઘાટ ચાલુ છે. જો કોઈએ પણ જરા જેટલી પણ હિલચાલ કરી છે તો આ ગોળી એની સગી નહિ થાય. જાન પ્યારી હોય તો ચુપચાપ બેસી રહેજો. ‘ આખા વિમાનમાં સન્નાટો છવાઈ ગયો. બધાં જ એમનાં ઈષ્ટદેવને યાદ કરવાં લાગ્યાં. એક પળ માટે તો એ પણ ગભરાઈ ગઈ. પણ બીજી જ ક્ષણે તેનાં મનમાં વિચાર આવ્યો કે જો મોત આવી જાય તો મનમાં સતત ચાલતા આ તુમુલયુદ્ધમાંથી મુક્તિ મળી જાય.હજુ એ કંઈ આગળ વિચારે તે પહેલાં તો એની આગળની સીટ પર બેઠેલાં પ્રવાસીએ કંઈક હિલચાલ કરતાં પેલા ખૂનખાર આતંકવાદીએ એ પ્રવાસીને ગોળીથી ઉડાવી દીધો. એક જ પળમાં લાલ રંગના ગરમ લોહીનો રેલો તેનાં પગ પાસે આવી ગયો. કોને ખબર કેમ પણ એ લાલ રંગના લોહીને જોઈને તેની આંખોમાં ખુન્નસ આવી ગયું. લાશ ખસેડવા એક પળ માટે આતંકવાદીએ બાજુ પર મુકેલી બંદૂકને ચીલઝડપે ઉઠાવી લીધી,અને આંખ મીચીને તેનાં પર ગોળીઓ ચલાવી દીધી. પ્લેનની કોક્પીટમાંથી બહાર આવેલો બીજો આતંકવાદી કંઈ સમજે તે પહેલાં બંદૂકમાં બાકી બચેલી ગોળીઓનો વરસાદ તેનાં પર કરી દીધો. લોહીનાં બીજા બે લાલચટાક રેલા વહેવા લાગ્યાં.એ લાલ રંગે એને કંપાવી દીધી. એ ચક્કર ખાઈને પડી ગઈ. પડતાં પડતાં  વિચાર્યું કે વધુ બે મોતથી તો એનો પેલો ડાઘ વધુ ઘેરો બન્યો છે. પછી તો એ બેહોશ થઈ ગઈ. થોડા સમય પછી જ્યારે એ ભાનમાં આવી ત્યારે પ્લેનના તમામ મુસાફરો એની આસપાસ હતાં. બધાએ એને લાખ લાખ શુભેચ્છા આપતાં કહ્યું કે તમારી સમયસુચકતાથી ૩૪૦ પ્રવાસીઓનાં જાન બચી ગયાં છે. આતાક્વાદીઓ જેહાદી હતાં અને તેઓ તેમની પાસે રહેલાં બોમ્બનો ઉપયોગ કરતાં પણ અચકાતે નહીં. સરકાર કંઈ નિર્ણય લે કે કોઈ મદદ મોકલે તે પહેલાં તો એ લોકો કદાચ વિમાનને ફૂંકી મારતે. તમે અમને બધાંને નવજીવન આપ્યું છે. આ બધું સાંભળતા એની આંખો ભીની થઈ ગઈ. 

 

પરમકૃપાળુ પરમાત્માનો મનોમન આભાર માનતાં એને લાગ્યું કે ઈશ્વરે એનો ડાઘ વધુ ઘેરો બનાવીને કાયમને માટે ભૂંસી નાખ્યો છે. ઘણાં લાંબા સમય પછી એનાં મુખ પર હાસ્ય ફરી વળ્યું. એ નિરાંતનો શ્વાસ લઈ શકી. ફરી જીવનને જીવંતતાથી જીવવા તૈયાર થઈ ગઈ. એનાથી સહજ ભાવે લખાઈ ગયું —

 

                                        ગજબ છે રીત તારી ,ઓ! ઈશ્વર, 

                                        રીસાઈ ગયેલાને મનાવવાની,

                                         ઓષ્ટ સુધી આવેલાં આંસુંઓને 

                                          મધુરાં સ્મિતમાં પલટાવવાની.   

                                                                                                       રોહિત કાપડિયા 

       

“ગૌરવ દિવસ “

માનનીય વિજયભાઈ / પ્રજ્ઞાબેન,
                  કુશળ હશો.
                          મા સરસ્વતીની અસીમ કૃપાથી , અનેક વિદેશસ્થિત પણ દિલથી સંપૂર્ણ દેશપ્રેમી એવી કલમો દ્વારા રચાયેલ સુંદર કૃતિઓ જ્યારે પ્રજ્ઞાની પ્રવીણતા થકી એક દળદાર ગ્રંથમાં સંકલિત થાય છે ત્યારે માતૃભાષાનો અનેક હેમવંત તેજસ્વી કિરણોથી ઝળહળતો સૂર્યરથ વિજયપથ પર આગેકૂચ કરતો સફળતાના શિખરે પહોંચી નવી ઊંચાઈને આંબે એ જ પરમાત્માને અંત:કરણથી પ્રાર્થન,આજનો દિવસ “ગૌરવ દિવસ ” તરીકે ગુજરાતી ભાષાનાં ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. બેન પ્રજ્ઞાબેન, વિજયભાઈ, હેમાબેન, પ્રવિણાબેન તથા કિરણભાઈને સાચા દિલથી લાખો સલામ. ભવિષ્યમાં પણ ગુજરાતી ભાષાની મીઠી માધુરી સુગંધને આ રીતે જ વિશ્વભરમાં ફેલાવો એ જ શુભેચ્છા.
                                                                     રોહિત કાપડિયા

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(13) રોહિત કાપડિયા

                                                          મનોવ્યથા
                                                     ———————
                                  ઘરથી બહુ દૂર આવીને ,ઘર તો વસાવી લીધું.
                                  સુખ- સાહ્યબીનાં સાધનોથી એને ભરી તો દીધું.
                                  ન જાણે તોયે કેમ બહુ એકલું એકલું લાગે છે.
                                  ખુશ્બુવિહોણા ફૂલોથી જાણે ઉપવન સજાવી લીધું.
                                  એ પ્યારથી બોલાવનારા ભાઈ-બહેન ક્યાં છે ?
                                  આંગળી પકડી રાહ ચીંધનારા પિતા ય ક્યાં છે ?
                                  કદાચ રાહ મળી જશે, જૂઠો પ્યાર પણ મળી જશે,
                                  દુઃખ-દર્દ મટાડનારો મા નો પ્રેમાળ સ્પર્શ ક્યાં છે ?
                                  હોમ થિયેટરમાં એકલો સિનેમા તો જોઈ લઉં છું,
                                  વીક એન્ડમાં મિત્રો સાથે મસ્તી પણ કરી લઉં છું,
                                  તો પણ સમય ક્યારેક અટકી ગયેલો લાગે છે.
                                  ચહેરો હસતો રાખીને હું ભીતરમાં રડી લઉં છું.
                                  અહીં મોસમ હર પળ એનો મિજાજ બદલે છે.
                                  અહીં સૌંદર્ય પ્રકૃતિનું હર પળ રંગો બદલે છે.
                                  તો પણ મનમાં ઊંડે ઊંડે ઉદાસીનતા લાગે છે.
                                  તહેવારો વગર એ બધું ય નીરસ લાગે છે.
                                  આવી પળે હું ઈશ્વરની છબીને નિહાળી લઉં છું.
                                  ઈશ્વર તો સર્વત્ર છે, એ વિચારે હસી લઉં છું.
                                  મારી એકલતા અને ગમગીનીને ભૂલી જઈને,
                                  વિશ્વાસથી મંઝીલ પર હું આગળ વધી લઉં છું.
                                                                                      રોહિત કાપડિયા

માઈફ્રોફીક્ષન વાર્તા-(9)”સ્વાદ ”-રોહીત કાપડિયા

સાત વર્ષ પછી વિજય અમેરિકાથી એનાં વતન આવી રહ્યો હતો. એને ખાતરી હતી કે રાતનાં બે વાગે ઘરે પહોંચીશ તો યે મમ્મી એની ભાવતી પૂરણપોળી ખવડાવીને જ રહેશે. ઘરે પહોંચીને જમવામાં ગરમ પૂરણપોળી આવતાં જ એ મનોમન હસી પડ્યો. મમ્મીએ પ્રેમથી પૂરણપોળીનો ટુકડો એનાં મોઢામાં મૂકતાં એની આંખ આંસુથી છલકાઈ ગઈ. વર્ષો પછી એ જ સ્વાદ એ જ મીઠાશનો અનુભવ કરતાં એણે પણ પૂરણપોળીનો એક ટુકડો કરીને મમ્મીને ખવડાવવા હાથ લંબાવ્યો. પણ મમ્મીએ તો મોં પર હાથ મૂકી દીધો. ઘણું કીધું તો યે એ ખાવા તૈયાર નહીં થઈ. ત્યાં જ પપ્પાએ આવીને કહ્યું “બેટા, એ નહીં ખાય. તું ગયો તે દિવસથી એણે તારી જિંદગી સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરતાં બધી જ મીઠાઈઓનો ત્યાગ કર્યો છે. “એ સાંભળતા જ વિજયને ભાવતી મીઠી પૂરણપોળીનો સ્વાદ અચાનક જ બેસ્વાદ થઈ ગયો.
                                                                                   રોહીત કાપડિયા

ફિલ્મ સમીક્ષા

માનનીય પ્રજ્ઞાબેન,

           કુશળ હશો. આ મહિનાનાં ફિલ્મ સમીક્ષાના વિષય પર લખવા અનુરાગ કશ્યપની ટૂંકી ફિલ્મ જોઈ .લેખન પ્રવૃતિ શરુ કર્યાં પછી સમીક્ષા લખવાનો આ પ્રથમ પ્રસંગ હતો. લખવાની શરૂઆત કરતાં જ એક વિચાર આવ્યો —માનવીની જિંદગી એક ફિલ્મની વાર્તા જેવી જ હોય છે. જો દરેક માનવી ખુદની ફિલ્મના રીલને થોડીક વાર થંભાવીને પાછળની ફિલ્મ ફરી જોવાની કોશિષ કરે એટલેકે ફ્લેશબેકમાં  જાય અને પછી એની સમીક્ષા લખવા બેસે તો , ક્યાંક સુખનો ગુલાલ ઉડતો જોવા મળે,તો ક્યાંક દુખની શ્યામળ છાયા જોવા મળે. ક્યાંક વસંતનો વૈભવ મળે તો ક્યાંક પાનખરની ઉદાસી મળે. ક્યાંક સૂરીલું સંગીત સાંભળવા મળે તો ક્યાંક કોલાહલ સંભળાય. ક્યાંક નીરવ શાંતિ હોય તો ક્યાંક વ્યર્થ સંવાદ હોય. ક્યાંક પ્રેમ-લાગણી- સંવેદના હોય તો ક્યાંક શુષ્કતા અને જડતા હોય. ક્યાંક સમર્પણની સુવાસ હોય તો ક્યાંક સ્વાર્થની દુર્ગંધ હોય. ક્યાંક ભારોભાર જીવંતતા હોય તો ક્યાંક મૃત્યુનો અહેસાસ હોય. આ બધી જ પરીસ્થિતિની  તટસ્થ ભાવે સમીક્ષા કરીએ તો આપણે આપણાં પાત્રને ભજવવામાં કેટલા ન્યાયી હતાં ,કેટલો અન્યાય કર્યો હતો. ક્યાં શું ચૂકી ગયા હતાં. ક્યાં અહં નડ્યો હતો. ક્યાં પ્રસંશા નડી હતી.  ક્યાં આપણે ખોટા હતાં. ક્યાં આપણે સાચા હતાં. ક્યાં સહજતા, સરળતા અને સાલસતા કામે આવી હતી. ક્યા સંસ્કારોની સુવાસ ફેલાવી હતી એનો ખ્યાલ આવે. અને પછી આપણે જ આપણાં રાહબર બની બાકી રહેલી ફિલ્મને ભજવીએ તો એ સર્વાંગ સુંદર બની શકે. જીવન સાચા અર્થમાં સાર્થક બની જાય. મૃત્યુનો ડર ગાયબ થઇ જાય.અંતિમ પળો વસમી નહીં પણ ઉત્સવ સમી બની જાય. પડદો પડી જાય પણ નામ ગુંજતું રહી જાય.

                                                                                   રોહીત કાપડિયા