સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(10)-સરહદની ભૂમિ-રેખા સિંધલ

rekha%e0%aa%ac%e0%ab%87%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%a7%e0%aa%b2

“વી વન! ગીવ મી હાઈ ફાઈવ એકતા! (આપણે જીત્યા! તાલી દે, એકતા!)”

સોફા પરથી ઊભી થઈ હર્ષાવેશમાં બંને હાથ ઊંચા કરી હથેળીઓનો તાલ એકતા સાથે મેળવવા માટે તત્પર બની અવનિએ મોટેથી ખુશી પ્રગટ કરી. લિવિંગ રૂમ રસોડાની જોડાજોડ હોવાથી આ સાંભળી તરત જ હું પણ એ ખુશીમાં સામેલ થવા રસોડાની બહાર આવી.

1992માં બાર્સેલોનામાં રમાતી ઓલિમ્પિક રમતોને ટી.વી પર નિહાળતી મારી પંદર વર્ષની બંને જોડિયા દીકરીઓને એક રમતવીરની જીતની ખુશીથી એકબીજાને તાલી આપી ફૂદરડી ફરતી અને ઝૂમતી જોઈ હું પણ ખુશ થઈ. ઓલિમ્પિકની રમતોમાં મને તે સમયે બહુ રસ ન હતો તે છતાં ય પોતાના દેશનો રમતવીર ચંદ્રક જીતે તેની ખુશી તો થાય જ ને!

માતૃભૂમિથી દૂર પારકા પ્રદેશમાં એટલે કે અમેરિકા આવ્યાને હજુ અમને ત્રણ વર્ષ થયાં હતાં. અમારી જીવનનાવ હજુ હાલકડોલક હતી. થોડાં વર્ષો પછી કાયમ માટે વતન પાછા ફરવાની ઈચ્છા તીવ્ર હતી પણ એ પહેલાં તો બસ એક જ લક્ષ્ય હતું કે વિકસવાની જે તકો અમને મળી ન હતી તે બાળકોને મળે તેમ કરવું અને એ માટે રાત-દિવસ અમે મથ્યા કરતા હતા.

અહીં નોકરી મેળવવાનું કે કરવાનું અઘરૂં ન હતું પણ પશ્ચિમના દેશમાં પૂર્વની સંસ્કૃતિ કેમ જાળવવી? તે સમસ્યા મૂંઝવ્યા કરતી. શાળામાંથી બાળકો રોજ નવા વિચારો લઈને આવતાં અને તેનાથી ક્યારેક મન ગૌરવ અનુભવતું તો ક્યારેક ચિંતાથી ઘેરાઈ જતું. ક્યારેક અમને પ્રશ્ન પણ થતો કે અહીં આવીને ભૂલ તો નથી કરી ને?

“ઈંડિયા જીત્યું? કઈ રમતમાં?” થોડા કુતૂહલ અને વધુ આશ્ચર્યથી મેં પૂછ્યું.

“નો….. મધર!” ‘નો’ પર ભાર મૂકીને એકતા કહે “અમેરિકા!”

જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગઈ.

બંને દીકરીઓની આંખોમાં વિસ્મયનો ભાવ મને વંચાયો. તેમાં આટલી સાદી સમજ મને કેમ ન પડી તે લખ્યું હતું પરંતુ મારા વિસ્મયને સમજનાર તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર ન હતું.

ઓહ! તો આટલા ટૂંકા સમયમાં એક છત્ર નીચે રહેતો અમારો પરિવાર અજાણપણે બે દેશો વચ્ચે વહેંચાઈ રહ્યો હતો. ફરતી અદૃશ્ય સીમારેખાઓ અંકાઈ રહી હતી અને અમને કોઈને તેની જાણ સુદ્ધાં ન હતી. ઓચિંતુ જ આ નગ્ન સત્ય નજર સમક્ષ ઉપસ્થિત થયું અને મારું હ્રદય ખળભળી ઉઠ્યું હતું. એક તરફ સાંજનો ઢળતો સૂર્ય ભારતમાં રહેતાં માબાપની યાદ આપતો હતો અને બીજી તરફ ઊગતા સૂર્યને સંતાનો અમેરિકાની ધરતી પર નિહાળતાં હતાં. આ આથમતી અને ઊગતી પેઢી વચ્ચે સેતુ બનીને ઉચ્ચક મનથી અહીં વસતાં

સ્થળાંતરવાસીઓ અમે ક્યાંનાં…? તે પ્રશ્નનો ખોવાયેલ ઉતર આ પ્રસંગને અવિસ્મરણીય બનાવી મનના અતલ ઊંડાણ સુધી લઈ જાય છે.

સૌજન્ય:વેબ ગુર્જરી

રેખાબેન

https://axaypatra.wordpress.com/