સ્પંદન-29

જીવનનું સોપાન છે
જિંદગીની શાન છે
મિત્રતા એ સહુ કોઈની
બહુમૂલ્ય રત્નમય ખાણ છે
મિત્ર વિનાની જિંદગીનું
ક્યાં કોઈ બહુમાન છે
હોય જીવનની ધૂપ છાંવ
કે ડૂબતી હો જીવન નાવ
મિત્ર જેને પણ મળે
જીવન તેનું જ ફળે.


મિત્રતા એ સંબંધ છે. સંબંધ એટલે સમ બંધ. બે મિત્રો વચ્ચે મિત્રતાનું બંધન સમાન છે.  મિત્રતા હોય તો દ્વારિકાધીશ કૃષ્ણ સુદામા માટે રાણી- પટરાણીઓને પણ ભૂલીને ખુલ્લા પગે દોડી શકે છે. મિત્ર મળવા આવે તો સંબંધ મિત્રતાનો નહીં કે કોઈ પદ – પ્રતિષ્ઠાનો. સોનાની દ્વારિકાનો નાથ પણ સુદામા પાસેથી તાંદુલની પોટલી લઈ શકે છે. મિત્ર સમક્ષ કોઈ શિષ્ટાચારની જરૂર નથી, કારણ કે મિત્રતા એ દિલનો સંબંધ છે. આ એ જ મિત્રતા છે જેણે કૃષ્ણ- સુદામાને સાંદિપની ઋષિના ગુરુકુળની યાદ વર્ષો પછી પણ તાજી કરાવેલી. સમય બદલાય, સંજોગો બદલાય, દરજ્જો બદલાય …મિલન પણ વર્ષો બાદ કે દસકાઓ બાદ થાય ….પણ મિત્રતા અવિચળ રહે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કૃષ્ણ સુદામાની દોસ્તી. સુદામા ગરીબ છે પણ કશું માગતા નથી. ખાલી હાથે દ્વારિકાથી વિદાય થાય છે પણ સુદામાપુરી આવીને શું જુએ છે? કૃષ્ણએ વગર માગ્યે એટલું બધું આપ્યું કે જે સુદામાની કલ્પના બહાર હતું. મિત્રતા સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ સંબંધ છે. મિત્રને ન કહો તો પણ તમારું મન તે વાંચી શકે છે,તમારી લાગણીઓ તે ઓળખી શકે છે.

બિંબ અને પ્રતિબિંબ, સૂર અને સાઝ, મેઘ અને વીજચમકાર, દિલ અને ધબકાર…એકબીજા માટે સર્જાય છે અને ચિરંજીવ બની જાય છે. આ જ સિલસિલાની આગેકૂચ  ક્યારેય અટકે ખરી? વિચાર અને આચાર, વર્ષા અને વર્ષાની ધાર, સૂર્ય અને રોશની, ચંદ્ર અને ચાંદની, ચંદન અને સુવાસ…આગેકૂચ કરે છે અને જીવનના એક બિંદુ પર આવી અટકે છે. આ બિંદુ પર આપણું સુખ અને દુઃખ વહેંચાય છે, ધબકાર અનુભવાય છે, આંસુઓની ધાર લૂછાય છે અને ખુશીઓની પળોનો ગુણાકાર થાય છે. આ બિંદુ એટલે દોસ્તી અને મિત્રતાનો અનુભવ કરાવે તે …મિત્ર. મિત્ર એટલે જીવનના સૂનકારમાં સૂરનો રણકાર, ફૂલોની મહેક. કદાચ ધડકતાં દિલ બે હોય પણ ધબકાર એક જ સંભળાય તો એ ધબકાર જ  છે ખરી મિત્રતા.

સંસ્કૃતમાં કહ્યું છે કે “साप्तपदीनं  सख्यम  “. એટલે કે સાત ડગલાં સાથે ચાલવાથી મૈત્રી શરૂ થાય છે. મિત્રતાની કોઇ મોસમ નથી હોતી. મિત્રતાની મોસમ તો બારે માસ હોય છે. જેની સામે તમે કોઈ પણ મહોરા વગર પ્રગટ થઈ શકતા હોય એ મિત્ર છે. જેની સાથે તમારી હતાશા, નિષ્ફળતા કે મુસીબત માટે ખભે માથું મૂકીને રડી શકતા હોય એ મિત્ર છે. જેની સાથે વાત કરવાનો કોઈ એજન્ડા ન હોય, વગર વાતે વાત નીકળે એ મિત્ર છે. જે તમારા મૌનની ભાષા પણ સમજી જાય એ મિત્ર છે.

મિત્રતા એટલે મિત્ર સાથેનો સંબંધ. મિત્રતાનો કોઈ આધાર નથી હોતો કારણ કે મિત્રતા એ જ  તેનો આધાર છે. પણ મિત્રતાનો  હેતુ  સમાન વિષય પરત્વેની રુચિ કે લાગણી છે. સંગીતની મેહફીલ હોય કે પાર્ટી હોય તો મિત્રો એકત્ર થાય તે અજાણ્યું નથી. મિત્રતાનો સામાન્ય અનુભવ એટલે શાળા કે કોલેજના મિત્રો. વર્ષો વહી જાય તો પણ આ મિત્રતાનો રંગ ક્યારેક ગાઢ બનતો જોવા મળે છે. સાથે કામ કરનાર વ્યકિતઓમાં પણ મિત્રતા જોવા મળે છે. મિત્રતા માટે પરિચય હોવો આવશ્યક છે. જે કાળની કસોટીમાંથી પાર ઉતરે એ સાચી મૈત્રી છે. ન કોઇ ધ્યેય, ન કોઇ અપેક્ષા,બસ મિત્ર સાથે માણેલો સમય અપૂર્વ આનંદ આપી જાય છે. મૈત્રીમાં બંધન નથી પણ સાથે ઉડવા અસીમ આકાશ છે. મૈત્રીમાં નિખાલસતા હોય – શું બોલવું, શું ન બોલવું-કોઇ લેખાજોખા જરૂરી નથી. ન તો મૈત્રીમાં કોઈ લેણદેણ કે સોદો હોય છે. મૈત્રી આંખોની વાત વાંચી શકે છે અને મૌનની ભાષા સમજી શકે છે. મૈત્રીમાં હોય છે સહજતા અને સરળતા. તકલીફમાં સાથ આપે,  ડરમાં હિંમત આપે, સમસ્યામાં રસ્તો બતાવે, ખુશીને બમણી કરે. જેણે  જીવનમાં થોડા મિત્રો બનાવ્યા, તે જિંદગી જીવી જાય છે, જિંદગી જીતી જાય છે. જીવનની સફળતાનો આંક વ્યક્તિના ધનદોલતથી નહિ પણ તેના મિત્રો પરથી મળી શકે છે. યાદ આવે છે પત્ર મૈત્રી. મિત્રતાને માધ્યમ જોઈએ છે. આજના યુગમાં સોશિયલ મીડિયા પણ આ માધ્યમ પૂરું પાડે છે. કદાચ વોટ્સએપ કે ફેસબુકની સફળતા પણ મિત્રતાને જ આભારી છે. પણ મિત્ર સુખદુઃખનો સાથી છે. જીવનમાં જ્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે મિત્ર સાથે આવી ઊભો રહે છે. મિત્ર એક માનસિક આશ્વાસન અને સાંત્વન છે. સાચો મિત્ર જેવો કોઈ શબ્દ નથી. જો મિત્ર સાચો ન હોય તો એ મિત્ર જ નથી.. કૃષ્ણ – સુદામાની મૈત્રી એ  આદર્શ મૈત્રીનું ઉદાહરણ છે.

ગ્રીક દંતકથામાં મિત્રતાની અદભુત મિસાલ આપતી ડેમન અને પિથીયસની વાત છે. રાજા ડાયોનીયસ એક અત્યાચારી રાજા હતો. તેણે પિથીયસને પકડીને જેલમાં પૂર્યો ને ફાંસીની સજા આપી. તેને ફાંસી આપતા પહેલાં અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. પિથીયસે તેના પરિવારને મળવાની ઈચ્છા જાહેર કરી. રાજાએ કહ્યું કે તેના બદલે બીજું કોઈ જેલમાં રહેવા તૈયાર થાય તો તે પિથીયસને રજા આપશે. પણ નિર્ધારિત દિવસે જો એ પાછો ન ફરે તો જે બદલીમાં રોકાયું હોય તેને ફાંસી આપવામાં આવશે. પિથીયસનો મિત્ર ડેમન તેના બદલે જેલમાં રહ્યો. પિથીયસ પરિવારને મળીને હોડીમાં પાછો ફરતો હતો ત્યારે પવન વિરુદ્ધ દિશામાં હોવાથી તે સમયસર પહોંચી શક્યો નહીં.  આ તરફ ડેમનને ફાંસી આપવાની તૈયારી થઈ ગઈ. તે ખુશ હતો કે તેનું જીવન મિત્રના કામમાં આવશે. લોકો કહેતા હતા કે પિથીયસે ડેમનને દગો દીધો. પણ ડેમને કહ્યું કે જરૂર કાંઈ કારણ હશે. ડેમનના ગળામાં ફાંસીનો ફંદો નાખવામાં આવ્યો. ત્યાં જ દૂરથી મારતે ઘોડે આવતા પિથીયસની બૂમ સંભળાઈ. બંને મિત્રો ભેટી પડ્યા. તેણે ફંદો પોતાના ગળામાં  નાખીને કહ્યું હવે મને ફાંસી આપી દો. ત્યાં જ રાજા આ બંનેની  મિત્રતા જોઈ ચકિત થઈ ગયો. તેણે કહ્યું કે હું આવા મિત્રોને અલગ કરવા માગતો નથી. તમે મારી સાથે પણ મિત્રતા કરો.

પૃથ્વી અને ચંદ્ર….આકર્ષણ કોને કોનું નથી? માનવી કોઈ પણ હોય, ક્યાંય પણ હોય, કદાચ ટીમટીમ કરતા તારલાઓ વચ્ચે ચંદ્રનો પ્રકાશ માણતો હોય છે. કારણ ચંદ્ર  ક્યારેક વધતો ઓછો પ્રકાશ આપે પણ શીતળતાનો સ્પર્શ હમેશાં ચાંદનીમાં જ અનુભવાય છે.  ભરતી અને ઓટનું આકર્ષણ માત્ર આપણે જ નહીં મહાસાગરો પણ અનુભવે છે. કારણ ચંદ્ર કદાચ સલામત અંતરે રહીને પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. દોસ્ત અને દોસ્તીનો આ સંબંધ પણ શીતળતાનો છે. સંબંધની ઉષ્મા સાથે  મનની શાંતિ અને દિલની શીતળતા પણ અનુભવાય છે. જીવનની ધૂપ છાંવ કહો કે સુખ દુઃખની ભરતીઓટ એ મહાસાગરનો ઘૂઘવાટ છે. પણ દોસ્તી છે મોતી, જે  મહાસાગરની ગહરાઈમાંથી મળે છે.  જીવનના સાગરમાંથી મિત્રતાનું મોતી પ્રાપ્ત થાય તો તેને દિલથી વધાવજો… કારણ જીવન અમૂલ્ય છે અને દોસ્તી પણ.

ના આયોજન, ના પ્રયોજન,
બસ કાપે દિલના યોજન
જીવનના કેનવાસ બનાવે રંગીન
ભરી દે એમાં ખુશીઓ સંગીન
નીકળે  વાત વિનાની વાત
દોડે, હૂંફ આપે, ભૂલીને જાત.
વીતે ક્યાં સમય, ના રહે સુધ
ધન્ય હું,મિત્ર! તારા એવા મૂલ.

રીટા જાની
06/08/2021

સ્પંદન-28

જીવન રહે ઝંખના એવી ગતિની,
જયાં રાહ હો સંગતિ પ્રગતિની.

મહેકે  જીવન આ રાહે, જાણે મારગનું ફૂલ,
ધૂળીયો મારગ ભલે, પણ મનમાં એનાં મૂલ.

પડછાયાના વનમાં ઉડતો તેજીલો તોખાર,
ભાવિની નહીં ભાળ, તો પણ તેગનો ચમકાર.

અટવાય છો ને કંટકોમાં, મહેકે હરદમ આ  ફૂલ
આત્મવિકાસના મારગે જે રહે સદા મશગુલ.

મહેક હો પુષ્પોની કે ચહેક હો પંખીઓની જ્યાં સંકલન છે, ત્યાં છે વિકાસ. જો કળી વિકસિત ન થાય તો મહેક ક્યાંથી? જો પંખી પાંખ ફેલાવી ઊડતું આવે નહિ તો ક્યાંથી સંભળાય તેનો કલરવ? ગુરુપૂર્ણિમા જો પૂર્વાર્ધ છે, તો જ્ઞાન અને વિકાસ તેનો ઉત્તરાર્ધ છે. ગુરુનો સંદેશ ઝીલી જે આત્મવિકાસના માર્ગે આગળ વધે છે, તેને માટે  ગુરુપૂર્ણિમા અનેરો ઉત્સવ છે.  ગતિ અને પ્રગતિના આટાપાટામાં અટવાતા જીવનનો રાહ છે નિરંતર વિકાસનો. જે પળ પળ વિકાસની મંઝિલ સર કરે છે, તેનું  જીવન સફળ અને સાર્થક બને છે. જીવનના ક્રમો વિક્રમો બની શકે તેને, જે હોય વિકાસની વાટે. આત્મવિકાસ સાથે પૂર્ણતા તરફ આગળ વધો તો સિદ્ધિના સન્માન તો સહજ છે. પણ આત્મવિકાસનો માર્ગ ક્યો?

વ્યકિત એ પરિવારનો પાયો છે. જેમ પુષ્પગુચ્છની શોભા અને સુવાસ પુષ્પોમાં છુપાયેલી છે તે જ રીતે સમાજનો વિકાસ એ વ્યક્તિઓના વિકાસ  વિના શક્ય નથી. સમાજના વિકાસની યાત્રામાં રાષ્ટ્રીયતાનું  સંયોજન થાય એટલે દેશનો વિકાસ બને. દેશના વિકાસ અને કલ્યાણ થકી જ વિશ્વનું કલ્યાણ થઈ શકે. વિશ્વ એ પરસ્પરના અવલંબન પર આધારિત છે. આ જ વાતને અર્થશાસ્ત્રીઓ વૈશ્વિકરણના નામે  ઓળખે છે. આજે જ્યારે એક વાઇરસે વિશ્વને ધ્રુજાવી દીધું છે ત્યારે વિકાસ અને વિનાશની સીમાઓની સમજ જરૂરી છે. આ સમજ ક્યારે કેળવાય? આ પ્રશ્નનો ઊકેલ કદાચ મુશ્કેલ લાગે, પરંતુ ભારતીય પરંપરા અને તત્વજ્ઞાનમાં આ ઉકેલ છુપાયેલ છે. બીજને જોઈને કોઈને પણ વિશ્વાસ ન આવે કે તેમાં તડબૂચ જેવા મોટા ફળનું રહસ્ય છે. આ રહસ્ય અને ખૂટતી કડી એટલે જ બીજનો વિકાસ, જે અંતે ફળીભૂત થઈને ફળમાં પરિણમે છે. માનવને મહામાનવમાં પરિવર્તિત કરવાનું રહસ્ય એ પણ વિકાસની જ પ્રક્રિયા છે. આ જ ચિંતનને આગળ વધારીએ તો ખ્યાલ આવશે કે વિશ્વના વિકાસનું પ્રથમ ચરણ છે- આત્મવિકાસ.

આત્મવિકાસ એટલે સ્વયંનો વિકાસ. આત્મવિકાસને આત્મા સાથે જોડીએ કે નહીં, બંને  કંઇક અંશે સમાંતર માર્ગે ચાલે છે. આત્મનો વિકાસ કર્યા વગર આત્માનો વિકાસ શક્ય નથી. આત્માનો વિકાસ એ આત્મવિકાસનો અધ્યાત્મ સાથે સંકલિત માર્ગ છે. પરંતુ જે આત્મવિકાસ કરે છે તે જ અધ્યાત્મના માર્ગને પણ અજવાળી શકે છે. કારણ કે વ્યક્તિએ મન, વચન અને કર્મનું સામૂહિક અને શારીરિક સ્વરૂપ છે. વિકાસ એટલે જ નવી દિશા અને નવી ક્ષિતિજો તરફની આગેકૂચ. આત્મવિકાસ એ ઘ્યેયલક્ષી હોય છે. માર્ગ ભલે ભિન્ન હોય પણ ધ્યેય અગત્યનું છે. યાદ આવે છે એકલવ્ય. સ્વબળે ગુરુ દ્રોણના પ્રત્યક્ષ શિક્ષણ વિના અદ્વિતિય સિદ્ધિ  પ્રાપ્ત કરતો આ એકલવ્ય આત્મવિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વર્તમાન યુગ એ દ્રોણનો નહીં પણ ડ્રોનનો છે. મહાન મનોવિજ્ઞાની ડૉ.નેપોલિયન હિલ કહે છે કે જે વસ્તુનો તમે ખૂબ જ વિચાર કરો છો, એ તમારા ચિંતનની સાથે ઘૂંટાઈને જીવનનું અદ્ભુત રસાયણ બને છે. તમે ઇચ્છો એ  પ્રમાણે જીવન ઘડી શકો છો. મણિપુરનું એક નાનું ગામ. એક નાની બાળકી જંગલમાંથી પોતાની ઉંમરના પ્રમાણમાં ખૂબ મોટો ભારો ઉંચકીને લાવે. મોટા થઈને આત્મવિકાસના માર્ગે આગળ વધતા  વધતા 2021ના ટોકિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક હાસલ કરે છે. જી હા, દેશને ગૌરવ અપાવનાર આ બાળકી છે મીરાંબાઈ ચાનુ.

મહેનત, માનસિક શક્તિ અને ધીરજ જેવા પાયાના ગુણો એક અદના આદમીને પણ  આત્મવિકાસની ઊંચાઈ પર લઈ જઈ શકે છે તેનું તાજેતરનું ઉદાહરણ છે જોધપુર નગર નિગમની સફાઈ કર્મચારી આશા કંડારા. લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન રહેતા અલગ થઈ. બે બાળકોના પાલન પોષણ કરતાં ગ્રેજ્યુએટ થઈ.  2018માં રાજસ્થાન એડમિનીસ્ટ્રેટિવ સેવા(RAS)ની પરીક્ષા આપી. તેના 12દિવસ બાદ જ તેને સફાઈ કર્મચારી તરીકે નિયુક્તિ મળી. તે હિંમત ન હારી. બે વર્ષ સુધી રસ્તા પર ઝાડુ મારતી રહી.  પરીક્ષાનું પરિણામ આવતા તે RAS માં સફળ બની અને ડેપ્યુટી કલેકટર બની, આત્મવિકાસની એક અદ્ભુત મિસાલ બની.

આત્મવિકાસ એ કોઈનો ઈજારો નથી. આત્મવિકાસ જ ઋષિ વિશ્વામિત્રને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનાવી શકે છે. વૈદિક કાળથી આગળ વધીને  મોગલ યુગમાં પ્રવેશીએ. સંગીતસમ્રાટ તાનસેન તો અકબરના નવરત્નોમાં એક હતા જ પરંતુ સંગીતની અસરથી હરણ જેવા પ્રાણીઓને પણ પાછા બોલાવી શકવાની ક્ષમતા ધરાવતા બૈજુ બાવરા પણ યાદ આવે છે. સાથે જ યાદ આવે આપણા ગુજરાતની બે પુત્રીઓ તાના અને રીરી જેણે તાનસેનનો દીપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો  શરીર દાહ મટાડવા માટે રાગ મલ્હાર ગાઈને વરસાદ પણ  વરસાવેલો. શું આ આત્મવિકાસની નાનીસૂની સિદ્ધિ છે?

આત્મવિકાસની વાત આવે તો કદાચ એક નામ અવશ્ય યાદ આવે-મહાત્મા ગાંધી. બાળપણના કંઇક અંશે શરમાળ પ્રકૃતિના ગાંધીજી વિલાયત જઈ બેરિસ્ટર થાય છે. પરંતુ કહાની એ રીતે આગળ નથી વધતી કે તે કંઈ કેટલા કેસ જીતે છે. કહાનીનો ટ્વીસ્ટ કે વળાંક આવે છે દક્ષિણ આફ્રિકાના એક રેલવે સ્ટેશન પર  તે માત્ર વકીલ મોહનદાસ ગાંધી જ નહીં પણ મહાત્મા ગાંધી તરીકે વિકસે છે. માનવ સંવેદનાઓને આત્મસાત કરીને ગાંધીજી એવા વિશ્વમાનવ બને છે કે ઇંગ્લેન્ડ જેવી મહાસત્તાઓએ પણ તેમની ગણના કરવી પડે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ માત્ર એક જ નહીં, અનેક ઉદાહરણો આપી શકે કે જ્યાં આત્મવિકાસ એ આત્મગૌરવ અને આત્મસમર્પણની ગાથા બને છે.

આત્મવિકાસ શરુ થાય છે આત્મજાગૃતિ અને આત્મગૌરવને ઓળખવાથી. માનવીની ક્ષમતાને વિકસાવવા માટે જરૂરી છે આત્મગૌરવની ઓળખાણ. જે પોતાની શક્તિઓને ઓળખીને વિકસાવી શકે તે જ કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ કરી શકે. આજનું વિશ્વ પછી તે જ્ઞાન વિજ્ઞાનનું હોય કે ઉદ્યોગ કે વ્યાપારનું- આત્મવિશ્વાસથી જે સ્વપ્રયત્ને આગળ વધે છે, પોતાના લક્ષ્યને ઓળખે છે, તે જ  સમયની રેતી પર પોતાનાં કદમોના નિશાન છોડી શકે છે. પુષ્પનો પમરાટ પામતા પહેલાં અંકુરણ કરીને સ્વનો વિકાસ કરીએ, આત્મ ચેતનાને વિકસાવીએ, અશક્યને શક્ય બનાવવાનો પુરુષાર્થ કરીએ, માનવમાંથી મહામાનવ બનવાનું સ્વપ્ન સેવી પ્રથમ ડગલું ભરીએ, કેમ કે આપણે સહુ છીએ અમૃતના અભિલાષી.

રીટા જાની
30/07/2021

સ્પંદન-27

રાખવી હોય જીવનની શાન
જોઈએ જગમાં માન સન્માન
જ્ઞાન વિના આ સપનું અધૂરું
જ્ઞાન આપે એકમાત્ર ગુરુ

જીવન તિમિર દૂર હટાવે
ઉજ્જવલ જીવનમાર્ગ બનાવે
મનમાં ન રહે મુંઝવણ ઘણી
ગુરુ છે એવા પારસમણી

જ્ઞાન ગઠરિયાં  આજે લાધી
પરમની વાત જ્યારે સમજાણી
મોહનિદ્રા સરે ગુરુ પ્રતાપે
જાગૃતિ આવે વીજ ઝબકારે

ગુરુ છે એવા પ્રકાશપુંજ
નાદબ્રહ્મની જાણે ગુંજ
સફળ જીવનનાં સહુ કાજ
ગુરુને કરીએ વંદન આજ.

અંધકારમાં પ્રકાશ એટલે ગુરુ. જીવનનૈયાનો સુકાની છે ગુરુ. કેટલીક ઘડીઓ યાદગાર હોય છે. આજનો દિન એટલે ગુરુપૂર્ણિમા, જ્ઞાન વિના અધૂરા જીવનને માર્ગ દર્શાવે તેવા માર્ગદર્શક, પથપ્રદર્શક ગુરુઓને વંદન અને સહુ શિષ્યોને  ગુરુપૂર્ણિમાએ અભિનંદન. આજના દિવસે આદિયોગી શિવજીએ આદિગુરુ બની યોગનું જ્ઞાન સપ્તર્ષિઓને આપેલું. જૈન ધર્મના 24માં તીર્થંકર  મહાવીર સ્વામીએ આ દિવસે ગાંધાર રાજ્યના ગૌતમ સ્વામીને પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા હતા. તેથી તેઓ ‘ત્રિનોક ગુહા’ના  નામે પ્રસિદ્ધ થયા, જેનો અર્થ થાય છે પ્રથમ ગુરુ. ભગવાન બુદ્ધે આ દિવસે પ્રથમ વાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. આ દિવસે ભગવાન વેદવ્યાસનો જન્મ થયેલો. મહાત્મા ગાંધીજીએ તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર  પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ તહેવાર ઉજવવાનું શરૂ કરેલું.

ગુરુપૂર્ણિમા એ એક અદભુત ભારતીય પરંપરા છે. પ્રાચીનથી અર્વાચીન સુધી, વેદકાળથી વર્તમાન સુધી, અષાઢ માસની પૂર્ણિમાના દિવસનું આગમન થાય અને શિષ્યો અહોભાવથી ગુરુને યાદ કરે, સન્માન કરે અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા અને પ્રાર્થના  કરે. ભારતીય સંસ્કૃતિ માત્ર ભૌતિકતા પર વિશ્વાસ કરનારી સંસ્કૃતિ  નથી.  તેમાં માનવીનું શ્રેષ્ઠતા તરફ જવાનું ધ્યેય અભિપ્રેત છે.  માનવી માત્ર ભૌતિક દેહ ટકાવવા માટે જ કાર્ય કરે તેવી સમજણ કંઇક અંશે અપૂર્ણ છે. જીવન એ અપૂર્ણ નહીં પણ પૂર્ણ હોવું જોઈએ. પૂર્ણતા માનવીમાં ક્યારે આવે? પૂર્ણતા એટલે શું? આ પૂર્ણતા કોની પાસેથી પ્રાપ્ત થાય એવાં વિવિધ પાસાંઓને સાંકળી લઈને જે દિવસનું પ્રાગટ્ય થયું તે ગુરુપૂર્ણિમા.

જ્ઞાન એ વિશાળ શબ્દ છે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં, પણ કયા સમયે જુદી જુદી પરિસ્થિતિમાં માનવીએ શું કરવું જોઈએ તેની સમજણ. આ સમજણ શિષ્યમાં વિકસે તે જ્ઞાન છે. સામાન્ય રીતે જ્ઞાન એટલે અક્ષરજ્ઞાન એટલે કે સાક્ષરતા એવી વ્યાપક સમજણ સર્વમાન્ય છે. પરંતુ આ સમજણ અપૂર્ણ છે. કેમ કે અક્ષરજ્ઞાન તો જ્ઞાનનો એક હિસ્સો માત્ર છે.  જ્ઞાનને જો ચલચિત્ર સાથે સરખાવીએ તો અક્ષરજ્ઞાન તો માત્ર ટ્રેલર છે. જીવનમાં અક્ષરજ્ઞાન બિનજરૂરી છે તેમ નથી પણ તે જ માત્ર જ્ઞાન નથી. ગુરુ વિદ્યા આપે અને તેનાથી પ્રેરિત થઈને શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે તેવી મૂળભૂત સમજણ છે. વિદ્યા સાધન છે અને જ્ઞાન સાધ્ય છે. તેનું સુંદર ઉદાહરણ છે અર્જુનનું. ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવે છે. પરંતુ સહુનું કૌશલ્ય અલગ અલગ છે. અર્જુનનું જ્ઞાન સર્વોચ્ચ કૌશલ્ય સાથે વિકસે છે, તે જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કરે છે ત્યારે જોવા મળે છે. ધનુર્વિદ્યા સહુ પાસે છે પણ કૌશલ્ય અને જ્ઞાન અર્જુન પાસે છે, જે તેને સફળતા અપાવે છે.

આ જ્ઞાન, આ કૌશલ્ય ભલે મહાભારતના પ્રાચીન સમયથી આવતું હોય પરંતુ આજે પણ તે જ જ્ઞાન વિદ્યમાન છે જ. અંગ્રેજી ભાષા જ લઈએ તો A થી  Z સુધીના મૂળાક્ષરોના જ્ઞાનથી જ કંઈ શેક્સપિયર કે વર્ડ્સવર્થ  થઈ શકાતું નથી. આ કૌશલ્ય દરેક વ્યક્તિએ અલગ ભલે હોય પરંતુ ગુરુ તેને ઓળખે છે અને વિકસાવીને વ્યક્તિની ક્ષમતાને પૂર્ણપણે વિકસાવે છે. તેથી જ ગુરુ હંમેશાં માનને પાત્ર છે, પૂજનને યોગ્ય છે. શિષ્ય ગુરુ પ્રત્યે આદર  પ્રગટ કરવા ઈચ્છે,  પોતાની પૂર્ણતાના પ્રેરક પ્રત્યે અહોભાવ પ્રગટ કરી ધન્યતા અનુભવે છે.

માણસ એટલે જ તન અને મનની શક્તિનો સમૂહ. આ શક્તિઓનો  વિકાસ થાય અને તેમાં સંવેદનશીલતા અને માનવતાના ગુણો ઉમેરાય એટલે તે કંઇક અંશે આદર્શ માનવી બને. આદર્શ માનવીઓ જ આદર્શ અને સ્વસ્થ સમાજ બનાવી શકે. સ્વસ્થ સમાજનો પાયો માણસના ગુણો અને નીતિમત્તાના ધોરણો પણ છે. સમાજ માત્ર બૌદ્ધિક, આર્થિક કે વૈજ્ઞાનિક તાકાત બનવાથી જ વિકાસ કરી ન શકે. આ માટે પથપ્રદર્શકની જરૂર હોય છે. અજ્ઞાનમાં ભટકતાં, રઝળતાં, ઘોરતા લોકોને ગુરુ અલૌકિક અનુભવે દોરે છે. દુર્ગુણો રૂપી બાવળિયાની ડાળે ઝૂલતા શિષ્યને ગુરુ સદગુણો રૂપી આંબલિયાની ડાળે ઝૂલતા કરે છે. યોગ્ય ગુરુ વ્યક્તિને જ્ઞાન અને સદગુણોથી સમૃધ્ધ બનાવે છે, કોઈ પણ પડકારને પહોંચી વળવા સમર્થ બનાવે છે. માનવજાતિના ઇતિહાસમાં નજર નાખીએ તો સમયાંતરે દરેક સમાજ સમક્ષ જુદા જુદા પડકારો ઉદભવતા જ રહ્યા છે. આ સામે વિજયી બનીને બહાર આવવા માટે જરૂરી છે યોગ્ય સમજણ, જે માત્ર યોગ્ય શિક્ષણ જ વિકસાવી શકે. આ કાર્ય કરવા માટે  ગુરુથી વધુ યોગ્ય કોણ હોઈ શકે? ગુરુ એ શિષ્ય માટે મિત્ર, દાર્શનિક – ફિલોસોફર  અને પથપ્રદર્શક – ગાઈડ છે. તે એવું શાંત અને સૌમ્ય નેતૃત્વ પૂરું પાડે છે, જે વ્યકિતને સફળતા તરફ લઈ જાય છે. શું ગુરુ દ્રોણ  વિના અર્જુનના ધનુષ્યનો એ રણટંકાર હોઈ શકે? ઋષિ વિશ્વામિત્રની વિદ્યા વિના રામ કે ગુરુ સાંદિપનીના શિક્ષણ વિના કૃષ્ણ પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે કે કેમ તે એક સવાલ છે. ગુરુનું યોગદાન અમૂલ્ય છે. તેને કોઈ પણ  મૂલ્ય આપીને ચૂકવી શકાય નહીં. તેને કદાચ આપવું હોય તો માન, સન્માન, આદર અને પ્રેમ જ આપી શકાય. ગુરુનો શિષ્ય સાથેનો સંબંધ માત્ર ગુરૂદક્ષિણા આપીને જ પૂરો થઈ જતો નથી. ગુરુનું ઋણ આજીવન છે, સતત છે.

ગુરુ કોણ હોઈ શકે? ગુરુ એ જે જ્ઞાનની તરસ છીપાવે, જ્ઞાનની ગંગા વહાવે, જીવનરસને છલકાવે, જીવનને ધન્ય બનાવે. શ્રીમદ્ ભાગવતના 11મા સ્કંધમાં યદુ અને અવધૂત વચ્ચેની વાતચીત છે. જેમાં અવધૂત તેના ગુરુના નામ આપી તેમની પાસેથી શું શીખ્યા તે કહે છે. ખરેખર તો આ દુનિયામાં દરેક પાસેથી કંઇક શીખવા મળે છે. દત્તાત્રેયના 24 ગુરુ હતા. દેવો અને દાનવો પણ જ્યારે મુશ્કેલી પડે ત્યારે તેમના ગુરુઓ-દેવોના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય- નું માર્ગદર્શન લેતા તેવું પુરાણકથાઓ કહે છે. છત્રપતિ શિવાજી મહારાજ પણ સમર્થ સ્વામી ગુરુ રામદાસને પૂજ્ય ગણી માન આપતા તો તાનસેન અને બૈજુ બાવરાના ગુરુ સ્વામી હરિદાસની વાત પણ સહુને યાદ હશે જ. તો ગુરુ રામકૃષ્ણ પરમહંસ, ગુરુદેવ ટાગોર અને મહાન ગુરુ શંકરાચાર્ય પણ યાદ આવે જ. ગ્રીક ઇતિહાસમાં પણ ગુરુ એરિસ્ટોટલની વાતો યાદ આવે છે. સંસારમાં જ્યાં પણ સિદ્ધિનું સામ્રાજ્ય છે, ત્યાં ગુરુ દૃષ્ટીમાન થાય જ છે. હીરો મૂલ્યવાન ત્યારે જ બને જ્યારે તેને પાસા પડે અને માનવી પણ ગુણ સમૃધ્ધ ત્યારે જ બને જ્યારે ગુરુ મળે. ઇતિહાસમાં નજર કરીએ તો પણ આ સત્ય છે અને કદાચ આપણા ખુદના જીવનમાં પણ આ જ જોવા મળશે. આપણે પણ ગુરુનું પ્રદાન ભૂલી શકીએ તેમ નથી. 

શિષ્ય માટે પણ એ આવશ્યક છે કે એ યોગ્યતા કેળવે ત્યારે જ સાચા ગુરુ મળે. ગુરુ પ્રેરણામૂર્તિ છે, ભીતરની યાત્રાના પથપ્રદર્શક છે. કાશ્મીરથી કન્યાકુમારી આપણે યાત્રાએ નીકળ્યા હોઈએ તો આપણી ગતિ પગપાળા યાત્રિકની હોય. જો ગુરુનો સાથ મળે તો એ જ ગતિ આકાશી બની શકે. ગુરુ અજ્ઞાનના અંધકારને કાપે, શંકાના વાદળને હટાવે, નિષ્ફળતાના ધુમ્મસને દૂર કરે, શાણપણથી માંજીને સ્પષ્ટતા આપે, કુંઠિત મનને મુક્તિનો માર્ગ બતાવે, જીવનની વિવિધ અવસ્થાઓની મથામણમાં વલખતા માનવીની ભ્રમણા હરે, ચિદાકાશમાં ચૈતન્યનો પ્રકાશ પાથરે. જીવનને ધન્ય બનાવનાર ગુરુને કોટિ કોટિ વંદન.

રીટા જાની
23/07/2021

સ્પંદન-26

નિજાનંદને જાણીએ , નિજાનંદને માણીએ
આનંદ એ મયુરની શાન
આનંદ એ કોયલનું ગાન
આનંદ એ જ પુષ્પનો પરિમલ
અદકેરા આનંદે જીવન વધાવીએ.

ઊછળતું મોજું દરિયાનો ઉલ્લાસ
તારલે મઢયો આકાશી આવાસ
નભના ચંદરવે તેજ કિરણ ઝળકે
સ્પંદનની ધૂપસળી ઉરે મહેકે
અદકેરા આનંદે જીવન વધાવીએ.

વિશ્વનિયંતાની આ લીલીછમ્મ વાડી
મઘમઘતી છે એની મટોડી
કણસલે ઝૂલે છે  સોનું કાચું
હલકથી ગાઇએ  ગીત સાચું
અદકેરા આનંદે જીવન વધાવીએ.

મારી લેખમાળા આજે 25 મણકા પૂરા કરીને  એક એવા પડાવ પર આવી પહોંચી છે, જેણે તેની અડધી મજલ સફળતાપૂર્વક પૂરી કરી છે.  મારા વાચકોના અઢળક સ્નેહે મને ભીંજવી છે, જેઓ ઉત્સુકતાપૂર્વક આગળના મણકાની રાહ જુએ છે.  સાથે જ મારા માર્ગદર્શકો – પ્રજ્ઞાબેન, જિગીષાબેન, તરુલતાબેન અને હરિશભાઈ થકી હું મહોરી  છું. તો ખભેખભા મિલાવી સાથ આપી આ મજલને ” સુહાના સફર” બનાવી છે મારા જીવનસાથી દિપકે.  મારા આ આનંદના સ્પંદનો વિસ્તારીને આજે તમારા સુધી  પહોંચાડવા છે.

ભોમિયા વિના કોઈને ભમવા છે ડુંગરા , કળવી છે કોઈને કેડીઓ ને  કંદરા, કોઈને એવરેસ્ટથી મિલાવવી છે આંખો  તો કોઈ  માગે પક્ષીઓની પાંખો, સહુ છે નિજ મસ્તીમાં મગન, સહુને જોઈએ પોતાનું ગગન. આ ગગન એટલે મનનો આનંદ – આ ગગન એટલે નિજાનંદ- આ આનંદ એ જ માણસની દરેક પ્રવૃત્તિનું રહસ્ય પણ છે અને કેન્દ્ર પણ.

માણસ ક્યારેક કલ્પનાની પાંખે ઉડે તો ક્યારેક મહત્વકાંક્ષાની પાંખે. તેના મનમાં તો છુપાઈ છે નિજાનંદની આકાંક્ષા. નજર પડે ગ્રીક સાહિત્યના પાત્ર ઇકેરસ પર તો થાય કે ગ્રીસના માનવીને પણ ઉડવાની શક્તિ જોઈતી હતી.  રામાયણ  તો આપણો જ ગ્રંથ અને ધ્યાનમાં આવે બાળક હનુમાનજીની વાત કે જેમાં હનુમાનજી વાયુપુત્ર હોવાના લીધે ઊડી શકતા હતા. રાવણના પુષ્પક વિમાનની કથા પણ સહુ ને ખ્યાલ છે. કદાચ આ જ વાતને આજના વર્તમાનમાં જોઈએ તો યાદ આવે રાઇટ ભાઈઓ જેમણે આજના વિમાનની શોધ કરી. આ જ કથા આગળ આવે તો આજના ધનપતિઓને પણ હવે અવકાશમાં પહોંચવું છે.  પ્રાચીન હોય કે અર્વાચીન, આકાંક્ષાનો અંત નથી – નથી સાહિત્યમાં કે નથી વિજ્ઞાનમાં. કારણ છે નિજાનંદ. નિજાનંદ એટલે જ દરેક પ્રવૃત્તિનું કારણ અને નિજાનંદ એટલે જ દરેક પ્રવૃત્તિનું પરિણામ. નિજનો-ખુદનો- આનંદ માનવની પ્રગતિ અને પ્રવૃત્તિનું રહસ્ય છે.

“દાદાનો ડંગોરો લીધો,  તેનો તો મેં ઘોડો કીધો” આ ગુજરાતી કાવ્ય યાદ કરીએ તો થાય કે આ એવા રમતા બાળકની યાદ અપાવે જેને રમતનો આનંદ જ સર્વોપરિ છે. બાળક કદાચ નિજાનંદનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે.  યાદ આવે છે…’પેલા પંખીને જોઈ મને થાય, તેના જેવી જો પાંખ મળી જાય…તો બસ  ઉડયા કરું”. બાળકના નિજાનંદને પ્રગટ કરતાં આ કાવ્યોના કવિઓને વંદન સાથે જ બાળકની આકાંક્ષા અને આનંદ ધ્યાનમાં આવે છે. બાળકના આનંદનું આ સ્વરૂપ જ આગળ વધતાં માનવીની દરેક પ્રવૃત્તિમાં પણ દેખાય છે. 
માર્કો પોલો હોય કે કેપ્ટન કૂક કે પછી ડેવિડ લિવિંગસ્ટન,  તેમના પ્રવાસનું  રહસ્ય પણ તેમના મનના આનંદમાં છે તો કોરોનાના ડરને અવગણીને પ્રવાસ સ્થાનોમાં ઉભરાતાં સહેલાણીઓના ટોળાં પણ એ જ રહસ્યનું ઉદઘાટન કરે છે કે આનંદની વાત આવે તો માણસને વીર નાયક કે હિરો બનવામાં કોઈ રોકી શકતું નથી. માનવીની પ્રવાસ કથાઓ હોય કે સાહસકથાઓ, ક્યાંક તેનો હેતુ આનંદ પ્રાપ્ત કરવાનો જ છે.

બોલીવુડ હોય કે હોલીવુડ, સદી વીસમી હોય કે એકવીસમી, દરેક કથાનું કેન્દ્ર છે મનનો આનંદ. ક્યારેક તે કહાની બનીને સાહિત્યમાં ઉભરે છે તો ક્યારેક ફિલ્મ બનીને સુપર હિટ ફિલ્મો આપે છે. તો ક્યારેક પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટનું કારણ પણ બને છે આ મનનો આનંદ. માનવીનો દરેક કર્મયોગ પણ તેનાથી મુક્ત નથી જ. દરેકનો અનુભવ હશે કે આનંદપૂર્વક કરવામાં આવતું મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે અને ઝડપથી થાય છે. તેથી વિપરીત આનંદ વગર કરવામાં આવતા કામમાં થાક, સમય વધુ લાગે છે, નિષ્ફળતા મળવાની શક્યતા પણ વધુ રહે છે.

આનંદ એ કોઈ પણ કર્મયોગનું કારણ છે.  માણસની આર્થિક, સામાજિક કે વૈજ્ઞાનિક કોઈ પણ દોડ અંતે તો આનંદ માટે જ છે. બાળક હોય કે વૃદ્ધ હોય, સંસારી હોય કે સન્યાસી આનંદથી મુક્ત રહેવાનું કોઈ ને મંજુર નથી. યોગનું અંતિમ લક્ષ્ય છે સમાધિ. કોઈને આનંદમાં સમાધિ છે તો કોઈને સમાધિમાં આનંદ. આત્મ હોય કે આધ્યાત્મ આનંદથી કોઈ મુક્ત નથી. જીવન છે પુષ્પોનો પરિમલ. આ પરિમલ એટલે જ આનંદ, પળ પળની પ્રવૃત્તિનો આનંદ.

યોગમાં ‘ પંચકોષ વિવેક ‘  છે. આપણા અસ્તિત્વના પાંચ સ્તર છે. તેમાંનું સૌથી સૂક્ષ્મ સ્તર એટલે આનંદમય કોષ. આનંદ સમગ્ર વિશ્વનું મૂળ તત્વ છે. જેમાંથી દરેક વસ્તુનું સર્જન થયું છે. આનંદમય કોષ એટલે આપણા અસ્તિત્વની સંપૂર્ણ આનંદમય સ્થિતિ, જે સંપૂર્ણ શાંતિ અને સંપૂર્ણ સ્વાસ્થ્યનો સમન્વય છે. તે જીવનની ચરમ સ્થિતિ પણ છે. આ સ્થિતિમાં કોઇ રોગ કે વિકાર રહેતા નથી  આ પદ્ધતિનો સમાવેશ  કર્મયોગ રહસ્યમાં થાય છે.

આ સમગ્ર વિશ્વ અપરંપાર આનંદ અને આશ્ચર્યથી ભરપુર છે. જરૂર છે એ માણવાની દૃષ્ટિ કેળવવાની. પ્રભુએ સર્જેલા આનંદના સરોવરને ઓળખીએ, અંતરના અનર્ગળ આનંદમાં રમમાણ રહીએ, જીવનની પળે પળમાં આનંદની સભાનતા અને ચેતના ભરીએ, ધન્યતાનો અનુભવ કરીએ, આનંદની અમૃતધારાનું પાન કરીએ. માણસનું મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદમય છે. તેને આપણા સ્મિતમાં, ઉમંગમાં, હાસ્યમાં, પ્રફુલ્લતામાં, આનંદમાં પ્રતિબિંબિત થતું નિહાળીએ અને આનંદની લહેરો પ્રસરાવીએ.

રીટા જાની
16/07/2021

સ્પંદન-25

હર પળ વહેતી સમય ગંગાને
માણો તો જરા…
હર પળ જીવનમાં નિરાળા રંગો
સજાવો તો જરા…
હર પળ છે એક નવું પુષ્પ
ખીલાવો તો જરા…
હર પળને  પ્રગતિનું સોપાન
બનાવો તો જરા…
હર પળ અનુભવની શાળા
નિતનવું પામો તો જરા…

પળનું સુખ ને પળનું દુ:ખ 
ભૂલાવો  તો જરા…
ભવના બંધન છોડી આ ભવ
શોભાવો તો જરા…
ધબકતી હર ઘડીનું સ્પંદન
જગાવો તો જરા…
હાથ લાગ્યું છે જીવનમોતી
ચમકાવો તો જરા…
પળ પળ જીવન મહેરામણ
મહાલો તો જરા…

પણ આ…જરા…નો કોઈ અંત નથી  કેમ કે હર પળ ઘડિયાળની ટિક ટિક સાથે વહે છે સમય ગંગા. જીવન આ સમયગંગાના કિનારે…આરંભથી અંત સુધી….નિરાકારથી સાકાર સુધી વહી રહ્યું છે,  ત્યારે થાય કે કેવી છે આ સમયની આ ગંગા? આપણે સહુ જીવનગંગાની લહેરોને, સમયની પ્રત્યેક પળને પસાર કરતા શું અનુભવીએ છીએ?

ક્યારેક દિવસ અને ક્યારેક રાત એવા સમયના આ વહેણને દરેક માનવી અનુભવતો રહ્યો છે. જીવનગંગામાં આવતી સમયની લહેરો સાથે તે ક્યારેક બાલ્યાવસ્થામાં રમતો હોય છે તો યુવાવસ્થામાં સમય સાથે બાથ ભીડી, ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ ના સ્વપ્નો સજાવતો હોય છે. તો વૃધ્ધાવસ્થા કહો કે જીવનનો  વિસામો  તેને એ વિચારવા મજબૂર કરે છે કે સમયના મોતી પ્રાપ્ત થયા કે માત્ર છીપલાં હાથમાં આવ્યાં?

સમય એટલે ત્રિકાળ, પણ ત્રિકાળનું જ્ઞાન કોઈ ને હોય ખરું?  યાદ આવે ત્રિકાળજ્ઞાની, ઋષિ સંસ્કૃતિ સાથે જોડાયેલો પ્રાચીન શબ્દ અર્થાત્ એવી વ્યક્તિ જેને – ભૂત, ભવિષ્ય અને વર્તમાન- ત્રણે કાળ કે સમયનું જ્ઞાન હોય. ઋષિઓ તેમના તપના બળથી એવી સિદ્ધિ પ્રાપ્ત કરતા એવું પુરાણકથાઓમાં જોવા મળે છે. તો સમય એ ચોથું પરિમાણ છે  તેવી વાત એ ભૌતિક વિજ્ઞાન પણ સ્વીકારે છે.

કેટલાકને માટે સમય અવળચંડો છે, તો કેટલાકને  સમય છેતરામણો લાગે છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય તેવું લાગે છે અને ઘણીવખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં જ સમયની વ્યાખ્યા છુપાયેલી છે. ત્રણ અક્ષરના સમયને તોડીને બે બે અક્ષર કરો તો એક શબ્દ થશે સમ અને બીજો મય. સમ એટલે સરખું ને મય એટલે મગ્ન. જે દરેક સમયને સમ એટલે કે સરખો સમજીને મય એટલે કે મગ્ન રહે તેને સમયનો  ડર  લાગતો નથી.

પવન કદીયે એક દિશામાં વાતો નથી. દરિયો કદીયે એક જ કિનારે સ્થિર થતો નથી. ઝરણું ક્યારેય અટકી જતું નથી. તો પછી સમય કાયમ એકસરખો જ રહે? સમય પણ સમયાંતરે કસોટી કરતો રહે છે. જે સમયને સમજે છે તે ક્યારેય નાપાસ કે નાસીપાસ થતો નથી.
મહાભારતમા કહ્યું છે – “अहम् कालोस्मि ”. સાદી ભાષામાં સમજીએ તો સમય એ એવી મૂલ્યવાન સાધનસંપત્તિ છે જેને ખરીદી કે વેચી શકતી નથી, ઉછીની લઈ કે આપી શકાતી નથી, એક્સ્ચેંજ કે શેરિંગ પણ થઈ શકાતી નથી. માટે સમયનું એવી જગ્યાએ રોકાણ કરો કે કામ તો થાય જ સાથે ખુશી, આનંદ, ગૌરવ પણ મળે.

સમય ધનથી પણ વધુ મૂલ્યવાન છે. ધન ચોરાઇ જાય, ખોવાઈ જાય, વપરાઇ જાય કે વેડફાઇ જાય તો તમે ફરી કમાઈ શકો, શોધી શકો. પણ વેડફાયેલો સમય ક્યારેય પાછો ન મળે. માટે સમયની એક એક ક્ષણ ખૂબ સમજી, વિચારીને વિતાવો. સમયનું રોકાણ એવું કરો કે જેથી તમારા વ્યક્તિત્વનો, કુટુંબનો,સમાજનો અને દેશનો વિકાસ થાય. ચાણક્યએ બહુ સરસ વાત કરી છે. માર્ગમાં પડેલો પથ્થર પથ્થર જ રહે છે, જ્યારે નદીમાં વહેતો પથ્થર શિવલિંગ કે શાલિગ્રામ બને છે.

સમય એક ચોર કે લૂટારો છે.  કઈ રીતે? ટેન્ડર સમયસર ન ભર્યું, શાળામાં એડમિશન તો મળ્યું પણ ફી સમયસર ના ભરી, લગ્નની ઉમરે વિચાર કરવા રહ્યા ને જાગ્યા ત્યારે યોગ્ય પાત્ર ન મળ્યું. પૈસા કમાવામાં  બાળકોને પ્રેમ, માર્ગદર્શન ન આપ્યું, ફેમિલી વેકેશન ન લીધું. શરીર સ્વસ્થ હતું ત્યારે યાત્રા પ્રવાસ ન કર્યા ને જ્યારે પથારીવશ થયા ત્યારે ચાર ધામ યાત્રા યાદ આવી. આ અને આવા અનેક ઉદાહરણ બધાને આસપાસમાં જ જોવા મળશે. માટે સમયને પારખો. સમયની ઘંટડી તમને ચેતવે છે. ઇ.સ.2006મા નોકિયા અને બ્લેકબેરીનો માર્કેટ શેર 50% હતો જ્યારે આઈફોન આવ્યો. તેઓ પોતાના પર મુસ્તાક, રિસર્ચ બજેટ અડધુ કરી નાખ્યું. તેઓ કહેતા કે આઇફોન તો રમકડું છે. પછી શું બન્યું તે ઇતિહાસ છે. કવિ  ઉમાશંકર જોશીએ ખરું જ કહ્યું છે… ”એક પગલું ખોટું ને ખોટો આખો દાખલો જ”. ઇરાકના સ્ટડ મિસાઇલ ટાર્ગેટ પર પહોંચે એ પહેલા જ અમેરિકન પેટ્રીઓટ મિસાઇલ તેને હવામાં જ આંતરી લેતા. સમયનું આવું આયોજન એટલે જ જીવન અને મૃત્યુ, હાર અને જીત વચ્ચેની ભેદરેખા.

આપણને બધું જ સમય પર ઢોળી દેવાની ફાવટ છે. આળસ આપણે  કરીએ પણ વાંક નીકળે સમયનો. પદ, પ્રતિષ્ઠા કે હોદ્દાથી પર, કોઈ પણ સંપત્તિ કે જ્ઞાનના સ્તરથી  અલગ સહુને માત્ર 24કલાક મળે છે. શંકરાચાર્ય, વિવેકાનંદ અને રામાનુજનને પણ એટલો જ સમય મળેલો. સમયનો સદુપયોગ કરવો જોઈએ તેમ કહેવામાં વડીલો, દાર્શનિકો, સમાજશાસ્ત્રીઓ કે વૈજ્ઞાનિકો સહુ એકમત છે. કોઈની રાહ જોતા હોઈએ તો સમય ધીમો ચાલે છે. આપણે મોડું થયું  હોય ત્યારે સમય ઝડપી હોય છે.  જ્યારે દુઃખી હોઈએ ત્યારે સમય જતો જ નથી તો સુખમાં ટુંકો  લાગે છે. જ્યારે કંટાળો આવતો હોય ત્યારે લાંબો હોય છે. આમ આપણી માનસિક પરિસ્થિતિ પ્રમાણે આપણે સમયને અનુભવીએ છીએ અને તેને દોષ આપીએ છીએ. સમય સમયનું કામ કરે છે, સતત ગતિ કરે છે. જેમ નદીના સતત વહેતા જળને દરિયામાંથી પાછું લાવી શકતું નથી, પણ તેને બાંધીને સદુપયોગ અવશ્ય કરી શકાય છે.   Rory Vaden કહે છે એમ 21મી સદીમાં સમયના આયોજન માટે નવા વિચાર, નવા ઉકેલ, ત્રિપરિમાણીય વિચાર જોઈએ – તાકીદ(urgency), મહત્વ(importance)  અને અર્થસૂચકતા(significance).        

સમય પર કરેલું કામ જ સફળતા અપાવે છે. સમય કોઈની રાહ જોતો નથી. સમયની ગંગા નિરંતર વહેતી જ રહે છે. તેનું આચમન અને અનુભવ લોકો, સમાજ અને સંસ્કૃતિઓ યુગોથી કરતા જ રહે છે. આ યુગોને કોઈ ઇતિહાસ કહે કોઈ સમયગંગા તરીકે વર્ણવે તો કોઈ સમયને મહાસાગર ગણે. સમયની લહેરો કે મોજાંઓથી કોઈ પર નથી. સમયની આ લહેરોમાં રાવણની સોનાની લંકા પણ છે તો ક્યાંક કૃષ્ણની સોનાની દ્વારિકા, ક્યાંક અર્જુનનું ગાંડીવ પણ છે, તો ક્યાંક મનમોહક મોરલીધર મોહનની બંસી. સમયના મહાસાગરના કિનારે જ ક્યાંક પ્રાચીન રોમ, ગ્રીસ કે ઇજિપ્તની સંસ્કૃતિઓ છે, તો અર્વાચીન વિજ્ઞાનના વિકાસથી ધબકતું વિશ્વ પણ છે.

કોઈપણ ટાઇમ કેપ્સ્યુલ સમયને બાંધી શકે તેટલી મોટી નથી. ભૃગુ અને વરાહમિહિર જેવા ઋષિઓએ સમયને અને બ્રહ્માંડને જે કક્ષા અને સ્વરૂપમાં જોયાં તે જ બ્રહ્માંડના રહસ્યો પામવા, ભાવિમાં ડોકિયું કરવા, વિજ્ઞાન આજે જેમ્સ વેબ ટેલિસ્કોપ અવકાશમાં ગોઠવવાનું  આયોજન કરી રહ્યું છે. પણ ભવિષ્ય ઉકેલી શકાય ખરું? કદાચ તેનો જવાબ પણ સમય જ આપી શકે. સમયના ખજાનામાં મોતીઓનો અંત નથી. પરંતુ સમયનું મોતી જે દરેકના હાથમાં છે તે શું છે? તે છે આપણું-માનવનું- અસ્તિત્વ. આ અસ્તિત્વ એટલે સમયના મહાસાગરના કિનારે વર્તમાનની ભીની રેતીમાં બે પદચિહ્નો …માનવી અમર નથી પણ સમય…
….અમર …અનંત…અવિનાશી…

રીટા જાની
09/07/2021

સ્પંદન-24પર્ણો પાનખરના ખર્યાં, વસંતની આવી વધામણી
બુંદો આકાશમાંથી સર્યાં, વર્ષાની થઈ પધરામણી
બુંદોની બની જાય સરિતા, હરિયાળી થઈ જાય વસુધા
ઋતુઓ આવે રળિયામણી, જીવનની પળો થાય સોહામણી
પણ ગરજે જો વાદળ દુઃખના , આ જ પળો બને બિહામણી
મુંઝાય ક્યારેક માનવમન, શું આ જ છે જીવન નર્તન
સમય હોય કે તન, મન,ધન, સહુ અનુભવે પરિવર્તન.

રાત્રિનો અંતિમ પ્રહર…ઝીણી ઝીણી ઝાકળની ભીનાશ … કૂમળી કૂંપળો હોય કે કોમળ કળીમાંથી ફૂલનું પ્રાગટ્ય હોય …પ્રભાતનું પહેલું કિરણ…રાત્રિને હટાવીને આગળ વધે છે. ફૂલોની સુવાસથી મહેક્તું અને પક્ષીઓના ગાનથી સભર વાતાવરણ આપણને સુપ્રભાત કહીને ઉઠાડે અને આપણે આંખો અધખૂલી રાખીને કહી ઉઠીએ …ઓહો, સવાર થઈ ગઈ !…ગઈ કાલ પર પડદો પાડીને આજનું આગમન થઈ જાય છે …સ્વપ્નોની દુનિયાને અલવિદા કહીને વાસ્તવિકતા સાથે કદમ મિલાવી રહેલો માનવી અનુભવે છે …પરિવર્તન. પ્રત્યેક સવારની પહેલી ક્ષણ એટલે જ પરિવર્તનનું પ્રાગટ્ય.

પરંતુ શું આ જ એક પરિવર્તનની ક્ષણ છે? ના, આ તો ગઈકાલ અને આજ વચ્ચે અનુભવાતી પરિવર્તનની પહેલી ક્ષણ છે, જેની આલબેલ દરેક પ્રભાત પોકારે છે. પણ જીવનની હર પળ પરિવર્તનની ક્ષણ છે. પળે પળે અવકાશમાં જેમ જેમ પૃથ્વીની આગેકૂચ થાય છે તેમ માનવી પરિવર્તન અનુભવે છે…અને પરિવર્તન ક્યાં નથી?…ડગલે અને પગલે પરિવર્તનની સરિતા વહેતી જ રહે છે…આ એ સરિતા છે, જેમાં બાલ્યાવસ્થાથી માંડીને જીવનના દરેક પ્રવાહોનું ..ઝરણાંઓનું સંમિલન છે…ક્યાંક તેમાં બાળક તરીકે આપણે અનુભવેલું કુતૂહલ છે, તો ક્યાંક યુવાવસ્થામાં જોયેલાં સ્વપ્નો. ક્યાંક યૌવન પરિવર્તનના પડકારોનો સામનો કરવા બાથ ભીડે છે, તો ક્યાંક વૃદ્ધાવસ્થા પરિવર્તનના પડછાયામાં વૃદ્ધત્વનો વિસામો લઈ રહી હોય છે. પરિવર્તન જીવનની પ્રત્યેક અવસ્થામાં સાર્વત્રિક છે. પરિવર્તન માત્ર તનનું જ નહિ મનનું પણ હોય છે. કોઈ માસૂમ બાળકનું કુતૂહલ આપણા હ્રુદયમાં વાત્સલ્યનો ધબકાર જગાવે તે ક્ષણ કે તારુણ્યનો સ્પર્શ અનુભવતી સુકુમાર કન્યાના મનમાં સ્પંદન જાગે તે ક્ષણ કે દિકરીને વિદાય આપતા પિતાની આંખોમાં છલકાવા મથતું આંસુ સરી પડે તે ધન્યતાની ક્ષણો છે. આ ક્ષણો હૃદય પણ અનુભવે છે …હર ધબકાર પરિવર્તન અનુભવે છે અને ચિરંતન બની જાય છે, આપણા માનસપટ પર તે ચિત્રમય બનીને જીવંત થઈ ઊઠે છે.

તન, મન કે ધન નથી કશું ચિરંતન કે નથી કશું સનાતન. સંસારમાં સનાતન હોય તો તે છે પરિવર્તન. પરિવર્તન ભૌતિક જ નહિ પણ માનસિક સજ્જતાનું પણ હોઈ શકે. પરિવર્તન વ્યક્તિને નવા જ વિશ્વમાં લઇ જવાની માનસિક સમર્થતા આપે છે. મહાભારતના યુદ્ધ વચ્ચે વિષાદયોગમાં ડૂબેલા અને મૂંઝવણ અનુભવતા અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલ ગીતાનો ઉપદેશ અને તેને પરિણામે તેનું યુદ્ધ લડવું એ પણ એક પરિવર્તન છે તો ગીતાનો આ બોધ લઈ આપણામાં કોઈ સ્વભાવગત ફેરફાર થાય અને આપણે પડકારોને ઝીલવા સજ્જ બનીએ તો તે પણ પરિવર્તન છે.

માનવ જ નહિ પણ પરિવર્તનની સાક્ષી તો સમગ્ર પૃથ્વી પણ છે જ. . પૃથ્વીના પેટાળમાંથી પ્રગટ થતો આગ ઓકતો લાવા અને સળગતા જ્વાળામુખી પર્વતો હોય કે તેને પરિણામે આવતા ભૂકંપ હોય, ધબકતી ધરા પણ પરિવર્તનથી મુક્ત નથી. મહાસાગર તો પ્રત્યેક પળે પરિવર્તનનો પહેરેદાર …દરેક લહેરમાં છુપાયેલ ચાંદનીની શીતળતા કે સૂર્યની ઉષ્મા કે તોફાનોનો તરખાટ …કંઈ કેટલીયે માનવ સંસ્કૃતિઓનો લય …ગ્રીસ, રોમ કે સોનાની દ્વારિકા …મહાસાગર સાક્ષી છે.

માનવ સભ્યતા કહો કે સંસ્કૃતિ કે ઇતિહાસ …પ્રત્યેક પાને પરિવર્તનની કહાની છે…મંત્રયુગથી માંડીને યંત્રયુગનો ઈતિહાસ હકીકતે તો પરિવર્તનનો ઇતિહાસ છે જે ક્યારેક માનવ આંખોએ જોયું, ક્યારેક અનુભવ્યું …ભૂતકાળમાં નજર નાખીએ તો ક્યાંક ન્યુટન નજરે પડે તો ક્યાંક થોમસ આલ્વા એડિસન …દુનિયાનું રાત્રિના અંધકારમાંથી પ્રકાશ તરફ પદાર્પણ. વિજ્ઞાનની હોય કે માનવની… દોટ તો અકલ્પનીય છે…પાયો છે પરિવર્તન.

અરે!… કોરોનાકાળમાં દોડતું વિશ્વ અચાનક થંભી ગયું…અને એક ક્ષણ થંભેલું વિશ્વ ..ધબકી રહ્યું છે …વિજ્ઞાન, બીઝનેસ, શિક્ષણ અને સંસ્કૃતિ સહુ આ પડકારને ઝીલી રહયાં છે, પરિવર્તનને પામી રહ્યાં છે. પણ સાથે જ એક એવી ક્ષિતિજ તરફ નજર જાય છે, જ્યારે સમગ્ર માનવજાત એક ભયનો સામનો કરી રહી છે. વિકાસની દોટમાં કુદરતનો ધબકાર ભૂલાયો છે…ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે…બરફના પહાડો હોય કે હિમખંડો પીગળી રહ્યા છે …વિકાસ પણ જાણે સમુદ્રમાં સરકી રહ્યો છે…વિજ્ઞાનની બેધારી તલવાર ક્યાંક વિકાસ તો ક્યાંક વિનાશ વચ્ચે ઝૂલી રહી છે. અને આપણે સહુ …માનવમાત્ર …તેના સાક્ષી છીએ. આ પરિવર્તન પ્રતિદિન અનુભવી રહ્યા છીએ.

આ જગતમાં કશું જ કાયમી નથી…સિવાય કે પરિવર્તન. આપણી સંમતિ હોય કે અસંમતિ, આ દુનિયા પળે પળ બદલાયા કરે છે. ઋતુઓનો ક્રમ જોઈએ કે રૌદ્ર- રમ્ય પ્રકૃતિનું સર્જન – બધું જ પરિવર્તન પામે છે. માણસને રેશમી ભ્રમણામાં રાચવું ગમે છે કે બધું યાવતચંદ્રદિવાકરો આમ જ ચાલશે. આ બધું શાશ્વત છે. પણ ચાંદની તડકામાં પરિવર્તિત થઈ જાય છે. જીવનમાં પણ જે પરિવર્તનના સત્યને સ્વીકારીને ચાલે છે, તેના જીવનમાં વસંત ખીલે છે. પણ જે પરિવર્તનને સ્વીકારી શકતા નથી, તેમના જીવનમાં પાનખર ન આવે તો જ નવાઈ. પસંદગી આપણા હાથમાં છે કે પરિવર્તનનો સ્વીકાર કરવો કે અસ્વીકાર. એટલું જ નહિ પણ ક્ષણેક્ષણને પૂર્ણતાથી જીવી લેવી. વહેવું એ નદીની આદત છે, ઝરણાની ટેવ છે, કાળનો સ્વભાવ છે.

જ્યાં ભયની બારી ખૂલે, ત્યાં વિસ્મયની, મુગ્ધતાની, કુતૂહલની, આનંદની બારી બંધ થાય. કેટલાકને પરિવર્તનનો ડર લાગે છે. પરંતુ, જે આ ડર, ભયને અતિક્રમી શકે તે જ પળે પળે નાવીન્ય, રોમાંચ સાથે અપૂર્વ જીવનને માણી શકે , આ ગેબી દુનિયાના અચરજને જાણી શકે. પરિવર્તન એક પડકાર છે તો એક તક પણ છે. જે પડકાર ઝીલે , એ જ વિકાસ પામી શકે , આનંદ અનુભવી શકે. પરિવર્તન એ પ્રકૃતિ છે. જે તેને અપનાવે તેના જ ભાગ્યમાં કળીમાંથી પુષ્પ બનવાનું સૌભાગ્ય રહેલું છે. તારલાઓ એ જ મેળવી શકે જે કાજળઘેરી રાત્રિનો અંધકાર ચીરવા તૈયાર હોય. પતંગિયા કે મીણબત્તીને ક્યારેય ન પૂછીએ કે પરિવર્તન શું છે, કારણ કે જે પરિવર્તન પામી શકે એ જ રંગો પ્રગટાવી શકે. જે ઉષ્માથી ઓગળી શકે, એ જ પ્રકાશ ફેલાવી શકે છે. જે પરિવર્તનને જાણે, એ અકળથી સકળને પામી પૂર્ણપણે જીવી જાય.

પરિવર્તનના કેન્દ્રમાં માનવ હોય કે પ્રકૃતિ-પરિવર્તન સમયનો પોકાર છે…માનવ તે માટે સજ્જ થઈ શકે, સુસજ્જ થઈ શકે પણ પરિવર્તનને ટાળી શકે નહિ…રામાયણ અને મહાભારત હોય કે કૃષ્ણનું ચરિત્ર – દરેક પાત્રો પરિવર્તનને આધીન છે. રામનું જીવન પણ આ જ વાત કહે છે. જ્યારે રાજયાભિષેક થવાનો હોય ત્યારે વનવાસ થાય. રામ પર આ પરિવર્તન આવી પડે છે અને રામ તેનો સ્વીકાર કરે છે. કૃષ્ણનું જીવન કંઇક અલગ છે. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે, કંસની સત્તાનો પ્રતિકાર કરે છે, કંસનો વધ કરે છે…દુશ્મનો સામે રણછોડરાય તરીકે સુયોગ્ય રણનીતિ અપનાવી સોનાની દ્વારિકાનું સર્જન કરે છે. આ સફળતા છે અને તેની પાછળનું રહસ્ય પરિવર્તન સામેની સુસજ્જતા છે. કૃષ્ણ પરિવર્તનને પામે છે, સમજે છે અને યોગ્ય માર્ગ અપનાવે છે. પરિવર્તન સામે યોગ્યતા કેળવવી એ કૃષ્ણનો સંદેશ છે. આવો, આપણે પણ પરિવર્તનના આ અપ્રગટ ગીતને ગાઇએ, જીવનને માણીએ. રામ અને કૃષ્ણના સંદેશને મનમાં ગ્રહણ કરી જીવનમાં પ્રગતિ કરીએ અને કહીએ – “હર દિન નયા દિન , હર રાત નયી રાત”.

રીટા જાની
02/07/2021

સ્પંદન-23

ક્ષણનો કરી સાક્ષાત્કાર
ખુશીનો ખજાનો શોધી લઈએ
જીવન હો એક પડકાર
હસતાં રમતાં જીવી લઈએ

નયનોને નડે કાજળ શી રાત
સંધ્યાના રંગો તો માણી લઈએ
કદી સત્ય બને મારા સોણલાં
આ ઘડીને તો જાણી લઈએ

હૈયે રાખી એવી હામ
હંફાવે ના કોઈ મારા શ્વાસ
પાર કરીએ સહુ તોફાન
પડકારને બનાવી સોપાન.

પ્રાચીન હોય કે અર્વાચીન, સમયની રફતાર ક્યારેય ધીમી પડતી નથી .. આંખો રાત્રે બંધ થાય અને સવારે ખુલે, એ રાતદિનની ઘટમાળ ચાલ્યા જ કરે છે. . આપણું જીવન પણ ક્યારેક સૂર્યના પ્રકાશના ચમકાર તો ક્યારેક આભમાંથી નીતરતી ચાંદનીની ભુલભુલામણીમાંથી સતત પસાર થતું રહે છે.  રાત્રિની નીરવ શાંતિને ચીરતો પવન કાનમાં  ગુંજતો રહેતો હોય છે. ઉષાના રંગો પથરાય અને મંદ મંદ વહેતો સુમધુર સલીલ તેને સ્પર્શ કરીને નવા ઉત્સાહથી દિવસની શરૂઆત કરવા પ્રેરણા આપતો હોય છે. . જીવનનાં પુષ્પોને ખીલવાની અમર્યાદિત તકો વચ્ચે વહેતું જીવન તેને ક્યારેક પૂછતું હોય છે કે હે માનવ, તને શું નથી મળ્યું? તારી સમક્ષ ક્ષણોનો મહાસાગર ઘૂઘવે છે… આ મહાસાગરમાં ખુશીઓના મોતી અપરંપાર છે. તારે તો બસ એક ડૂબકી લગાવવાની છે… આ  ખુશીઓનો ખજાનો ખોલવા માટેની ચાવી છે પ્રત્યેક પળ… આજે આ પ્રત્યેક પળને માણી લઈએ, જીવનના રહસ્યને જાણી લઈએ…

પરંતુ મોતી શોધવા નીકળેલો માનવ સફળ થશે? સાગર છે અફાટ, લહેરો છે અપરંપાર, તોફાની મોજાંઓનો માર, કેમ કરી થશે નૌકા પાર? મનને મૂંઝવે આવો વિચાર અને જીવન બને એક પડકાર… પરંતુ મરજીવાઓ નિરાશ થયા નથી, થતા નથી અને થઈ શકે પણ નહિ…કારણ છે જીવનની મંઝિલ… આ મંઝિલ પામવાની છે, પડકારનો પ્રતિકાર કરવાનો છે.

સફળતાને વધાવે સહુ સંસાર, કોઈને લાગે તે મીઠો કંસાર…   પણ સંસારની મધુરતા નથી બર્થડે કેક, જે પ્લેટમાં મળે;  તે છે એવી ભેટ, જેની પાછળ છે હર પળની ટેક… આ ટેક એટલે શું? ટેક એ પાંખોનું બળ છે, જે કોઈ પણ સફળતા  માટે જરૂરી છે. સફળતા… કોઈને લાગે સફળતાની સીડી તો કોઈને લાગે સોહામણું શિખર . સફળતા સીડી હોય કે શિખર તેના સોપાન સર કરવા માટે પાયામાં પરિશ્રમની પગથાર જરૂરી છે. આ પરિશ્રમની પ્રેરણા ત્યારે જ મળે કે જ્યારે હૈયે હામ હોય . હૈયામાં હિંમત ન હોય તો પરિશ્રમ એક બોજ બને છે અને જીવનમાં ઉત્સાહ પ્રગટતો નથી. ઉત્સાહ કે ઉમંગ વગરનું જીવન એટલે રંગ અને સુવાસ વિનાનું પુષ્પ.  શું આવાં કાગળના ફૂલોથી જીવન સજાવીને આપણા સ્વપ્નો મૂર્તિમંત થાય ખરાં? સફળતાની પગદંડી પર કદમ માંડતાં પહેલાં આપણે જાતને પૂછીએ કે હૈયે હિંમત છે? આ હિંમત ક્યારે આવે? આ હિંમત આવે  આત્મવિશ્વાસમાંથી  અને શ્રધ્ધામાંથી. એવું નથી કે ઠોકર નહિ લાગે પણ આત્મશ્રધ્ધા સાથે આગળ વધીએ તો મંઝિલ ક્યારે પણ દૂર નથી. પરિશ્રમના પગલે પગલે સફળતા સર થશે જ. આપણાં સ્વપ્નોને સિદ્ધિનું શિખર પ્રાપ્ત થશે જ.  આત્મબળ કેળવીએ તો સમયના પડકારને ઝીલી શકાશે, મુશ્કેલ પળોને નાથી શકાશે .. પ્રાચીન સમયની ભવભૂતિની વાર્તાથી લઈને આધુનિક યુગના વાસ્તવિક જીવનની  2021માં  એવરેસ્ટ સર કરવા સુધીની અનેક પ્રેરણાદાયી કહાનીઓથી આ વાત સમજીએ, જેમાં અસાધારણ હિંમતનું પ્રદર્શન કરી  જીવનમાં પડકારોનો સામનો કરી મેળવેલ વિશિષ્ટ સિદ્ધિની વાત છે.

કવિ ભવભૂતિએ લખેલી માધવની વાર્તામાં પણ હિંમતની વાત છે. યુવાન માધવ એક વાર મંદિરની બહાર બેઠો હતો ને એક હૃદયવિદારક ચીસ તેના કાને પડી. આ ચીસ તેના હૃદયને સ્પર્શી ગઈ.  મંદિરના ગર્ભગૃહમાં જવાનો રસ્તો તેણે શોધી કાઢ્યો. અંદર જઈ જોયું તો એક જણને વિકરાળ દેવી સમક્ષ વધ કરવા ખડું કરવામાં આવેલું. એ બીજું કોઈ નહિ પણ તેની પ્રેમિકા માલતી હતી.  પુજારીએ ખડગ ઉપાડ્યું સાથે જ માધવ ત્રાડ પાડી કૂદી પડ્યો. અસાધારણ હિંમત બતાવી જીવ સટોસટનું યુદ્ધ ખેલી માલતીને બચાવી લીધી.

વીર વિભીષણે મૃત્યુનો ભય ત્યજી, દશાનન રાવણના ક્રોધની પરવા કર્યા વિના  સત્ય શિખામણ આપી શારીરિક, માનસિક અને નૈતિક હિંમતનો પરિચય આપ્યો. આવી જ હિંમત જુલમનો ભોગ બનેલા યહૂદી લોકોને મુક્ત કરાવવા ઇજિપ્તના રાજા ફારાઓ પાસે જઈ હજરત મૂસાએ બતાવી હતી. આવી જ હિંમત મહમ્મદ પયગંબર સાહેબ, ભગવાન બુદ્ધ અને જીસસ ક્રાઇસ્ટે પણ બતાવી હતી.

અણધાર્યા પડકારોનો સામનો કરવો પડે એનું નામ જ જિંદગી છે.  આવા સમયે એ પરિસ્થિતિનો સામનો કરવો એ હિંમત છે. અચાનક કોઈ  પાણીમાં પડી જાય તો એ વિશાળ જળરાશિથી ગભરાઈ જવાના બદલે હાથપગ હલાવી મોજા સાથે બાથ ભીડી બચી જવું એ હિંમતનું કામ છે. આપત્તિ આવે પણ જે ટકી રહે ,હિંમતથી લડતો રહે, ઉજ્જવળ આવતી કાલ માટે આશા ધરાવે તેને માટે આશાનો સૂર્ય દૂર નથી. યાદ આવે છે  ત્સુનામી 2004 – કાર નિકોબાર ટાપુ, આંદામાન – નામ મેઘના રાજશેખર. ઉંમર 13વર્ષ. સ્થળ એર ફોર્સ સ્ટેશન આંદામાન.  ત્સુનામી આવતાં માતાપિતા અને બાળકી તણાય છે. બાળકી જુદી પડે છે. તેના હાથમાં આવે છે લાકડાનું તણાઈ રહેલું જૂનું બારણું. બાળકી તેના સહારે 2 દિવસ અફાટ મહાસાગરમાં હિંમતભેર તરતી રહે છે.

ત્સુનામી આવે કે વાવાઝોડું, જે હિંમતભેર લડે છે તે સમયની પરીક્ષા પાર કરે  જ છે. માનવીની આ હિંમતનું આજનું …. કોવિડ પછીનું ઉદાહરણ એટલે  વસઈના હર્ષવર્ધન  જોષી. 25 વર્ષના આ યુવાનની એવરેસ્ટના આરોહણનો વિજયધ્વજ ફરકાવવાની નેમ. સાથે જ વિશિષ્ટ ઇકો ફ્રેન્ડલી આરોહણ જે રીન્યૂએબલ એનર્જીનો હેતુ સિદ્ધ કરે. 2020માં પેનડેમિકના કારણે એવરેસ્ટ આરોહણ બંધ રહ્યું. 2021માં ચાર અઠવાડિયાથી એવરેસ્ટ બેઝ કેમ્પ પર તૈયારી કરતો આ યુવાન  8 May ના રોજ કોરોના પોઝિટિવ બને છે. પરંતુ લક્ષ્ય સિધ્ધ કરે છે અને 23 Mayના રોજ  એવરેસ્ટ પર વિજયધ્વજ ફરકાવે છે. કસોટી હજુ પૂરી થઈ  ન હતી. પાછા ફરતા કેમ્પ 2 પર તે તેની ટીમ અને શેરપાથી છૂટો પડી ગયો. એમ જ બર્ફીલી ઠંડી વચ્ચે 5 દિવસ ભટકતો રહ્યો પણ હિંમત ન હાર્યો…સફળ બની એક નવું શિખર સર કરવાના સંકલ્પ સાથે પાછો ફર્યો. સાહસ , સંકલ્પ, હિંમત અને પરિસ્થિતિને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ અદ્વિતીય હોય છે, જે  અશક્યને પણ શક્ય બનાવે છે.

જયાં હાથ એ હથિયાર છે…
જયાં પરિશ્રમની પગથાર છે…
આત્મશ્રધ્ધાનો અણસાર છે…
ત્યાં સફળતાની વણઝાર છે…
માનવનો જયજયકાર છે…
જો આગિયાના અજવાળે, પાંપણના પલકારે,  કાજળઘેરી રાત્રિના અંધકાર વચ્ચે પણ તમને ઉષાના રંગો ઉગતા જણાય તો સમજો કે પ્રભાતનું અરુણિમ  આસમાન આપણી રાહ જોઈ રહ્યું  છે. પુષ્પોનો પમરાટ જીવન મહોત્સવને સત્કારવા થનગને છે… કારણ કે આશા અને હિંમત , શ્રધ્ધા અને સફળતાની ક્ષણોથી સભર જીવન એટલે જ ખુશીઓનો ખજાનો, સ્વપ્નોની સિદ્ધિ અને ક્ષણોનો સાક્ષાત્કાર. બસ એક કદમ… આવું જીવન જાણી લઈએ…માણી લઈએ.

રીટા જાની
25/06/2021

સ્પંદન-22

યોગ પ્રત્યે સહુનો અનુરાગ
યોગ છે અજાયબ ચિરાગ
કાર્યસિદ્ધિ એવી છે નક્કર
રોગ સામે કાંટાની ટક્કર

તનમાં સ્ફૂર્તિ, મનમાં શાંતિ
એકાગ્ર ચિત્ત, ઓળખ આતમની
પ્રતિશ્વાસ પ્રાણનો ધોધ વહાવે
શક્તિપુંજ રોમ રોમ  પ્રગટાવે

ધ્યાનમય નયનો ઢળે છે ભીતર
યોગ થકી પામે નવ જીવતર
મહત્તા યોગની એવી નિરંતર
માનવ માનવ રહે ન અંતર.

કોહિનૂર… કહો કે પ્રકાશનો પર્વત…ભાષા બદલાય પણ નૂર સહુને અચંબિત કરે…ઝળહળતો પ્રકાશ  જે તેને બ્રિટિશ તાજમાં પણ સ્થાન આપે …કહેવાય છે કે ક્યારેક કોહિનૂર સ્યમંતક નામથી ઓળખાતો હતો અને ભગવાન કૃષ્ણએ તેને જાંબુવાન પાસેથી મેળવીને રાજા ઉગ્રસેનને આપેલો…સત્ય ક્યારેક ઇતિહાસમાં છૂપાયેલું હોય …પણ ભારતનો ઇતિહાસ એ રહ્યો છે કે તેણે સમગ્ર વિશ્વને એવી વસ્તુઓનું યોગદાન આપેલું છે જે વિશ્વના ફલક પર આજે પણ ઝળહળે છે. ભારત માત્ર હીરા કે ઝવેરાતથી સમૃધ્ધ છે તેમ નથી. ભારત વિશ્વને હંમેશ કંઇક અજોડ અને અદ્વિતીય કહી શકાય તેવું યોગદાન આપતું રહ્યું છે. આવું જ એક યોગદાન એટલે યોગ. યોગ એ વિશ્વને ભારત તરફથી પ્રાપ્ત થયેલ પુષ્પાંજલિ છે, જે પ્રાચીન હોય કે અર્વાચીન હર યુગમાં મહેકે છે.

આમ તો યોગની પરંપરા અતિ પ્રાચીન છે. મહાભારત અને ભગવદ્ ગીતામાં પણ ત્રણ પ્રકારના યોગનો સંદર્ભ મળે છે. યોગ એ જીવનશૈલી છે, જેનો ઉલ્લેખ 5000 વર્ષ પૂર્વે વેદોમાં મળે છે. પરંતુ, આજે જે વધુ પ્રચલિત છે….શાસ્ત્રીય રીતે જેનું યોગસૂત્ર દ્વારા આલેખન થયું છે….તે છે ઋષિ પતંજલિનો અષ્ટાંગ યોગ.

યોગ એટલે શું એ સમજવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે યોગ શું નથી. માત્ર આસન અને પ્રાણાયામ એટલે જ યોગ એવી સામાન્ય માન્યતા જોવા મળે છે., જે સત્ય નથી. યોગ કોઈ વ્યાયામ પદ્ધતિ નથી કે નથી ચિકિત્સા પદ્ધતિ. યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે નથી કે નથી કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ માટે. યોગ વિજ્ઞાન પણ નથી કે નથી માત્ર તત્વજ્ઞાન. યોગ એ પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધન પદ્ધતિ છે.  યોગ એ ભૌતિક જગતથી પર, બધાંમાં ઓતપ્રોત પરમ ચૈતન્યના અનુભવ માટે સાધનમર્ગ છે. યોગની વિવિધ વ્યાખ્યાઓ થઈ છે.  અને વિભિન્ન યોગ માર્ગો છે – જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, મંત્ર યોગ, લય યોગ, હઠ યોગ, રાજ યોગ, પૂર્ણ યોગ…. વિ.  સંસ્કૃત युज  ધાતુ પરથી  યોગ શબ્દ આવ્યો છે. युज એટલે જોડવું…માટે યોગ એટલે જેનાથી જોડાણ સધાય તે… જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ. છતાં સામાન્ય માનવી જે યોગને જાણે છે તે  હઠયોગ અને રાજયોગ છે. આ એવું ગહન જ્ઞાન છે કે જ્ઞાનનો મહાસાગર છે, જેનો તાગ મેળવવો મુશ્કેલ છે. માટે આપણે અહીં વધુ ઊંડાણમાં નહિ જઈએ. પણ સરળ રીતે સમજીશું.

યોગ એ પ્રાચીન ભારતીય વિદ્યા છે. પ્રશ્ન થાય કે વિદ્યા એટલે શું? વિદ્યા એ એવું જ્ઞાન છે, જે માણસની ક્ષમતા વધારે છે અને કક્ષા બદલે છે. કોઈપણ વિદ્યા મેળવ્યા બાદ વ્યક્તિની ક્ષમતા કે કેપેસીટી વધે છે. તે પહેલાં કરી શક્તો હોય તે કાર્ય વધુ સારી રીતે કરી શકે છે. જ્યારે  તેની આ ક્ષમતા વધે છે, ત્યારે તેનું વધેલું કૌશલ્ય તેની કક્ષા બદલે છે. કક્ષા બદલાય ત્યારે તે વધુ સારો માનવ બને છે. આ મહામાનવ બનવાની વાત નથી પણ માનવ તરીકે પોતાને મળેલી શક્તિઓની શ્રેષ્ઠતા મેળવવાનો તેનો હેતુ છે. માનવ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ સિધ્ધ થયો છે. પણ કઈ રીતે? માનવ યુગો પર્યંત શક્તિની આરાધના કરતો રહ્યો છે. ક્યારેક શારીરિક શક્તિ તો ક્યારેક માનસિક. આ શક્તિ તેણે જ્ઞાન કે વિદ્યાઓ વડે સંવર્ધિત કરી છે. યાદ કરીએ કે સિંહ, વાઘ, હાથી હોય કે જળચર પ્રાણીઓમાં વિશાળકાય વ્હેલ હોય, માનવી પોતાની શક્તિના સામર્થ્યથી સર્વોચ્ચ પદે બિરાજે છે. આ કૌશલ્ય ક્યાંથી આવ્યું? આ કૌશલ્ય તેણે શારીરિક અને માનસિક શક્તિના વિકાસથી પ્રાપ્ત કર્યું છે. યોગનું લક્ષ્ય ભલે શારીરિક કે માનસિક ક્ષમતા વધારવાનું ન હોય ..પણ યોગની ઉપાસના કરનાર આ ક્ષમતા સહેજે પ્રાપ્ત કરે છે.

આજે સમગ્ર વિશ્વની સમૃધ્ધિની દોટ થંભી છે અને કોરોનાની મહામારીના તોફાની સમુદ્ર વચ્ચે આરોગ્યનું વિશ્વ હાંફી રહ્યું છે. ત્યારે દીવાદાંડી બની પ્રકાશ આપે છે યોગ. યોગ આજે જીવન દૃષ્ટિ છે. દ્રશ્ય ગમે તેટલું ભવ્ય હોય પણ દ્રષ્ટિહીન વ્યક્તિ તે માણી શકતી  નથી. દ્રશ્ય નહીં પણ દૃષ્ટા અને દૃષ્ટિ જીવનપથ પર માર્ગદર્શક બને છે. આવી જીવનદ્રષ્ટિ એટલે યોગ. યોગ એક જીવનવૃક્ષ છે અને સુંદર આરોગ્ય એ તેનું ફળ .

માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે. સફળતાની સીડી પર તેનાં પગલાં ક્યારેક તેને ચંદ્ર કે મંગળની સફર કરાવી શકે તેમ છે તો ક્યારેક મહાસાગરના પેટાળની અદભુત જીવસૃષ્ટિનું દર્શન પણ કરાવી શકે છે. આ સર્વસ્વ, સિદ્ધિ, સમૃધ્ધિ અને સફળતાનો પાયો છે તેનું તન, મન અને ધન . ધનની દોટમાં દોડતો માણસ પણ જો તન અને મનનું પોષણ ન કરે તો ન તેને સમૃદ્ધિ બચાવી શકે કે ન ટેકનોલોજી. જીવન સફર રોગના પડાવ પર આવી ઊભી રહે છે અને જીવનયાત્રાને એક આંચકો લાગે છે. જીવન ઓનલાઈનમાંથી  ઓફલાઈન બનતાં વાર લાગતી નથી. સફળ ગણાતું જીવન ક્યારેક બેક્ટેરિયા તો ક્યારેક વાયરસની સામે માઈક્રોસોફ્ટ હોય તેમ લાગે છે. ચોપાસ છે અંધકાર અને ત્યારે પ્રકાશનો રાજમાર્ગ છે યોગ …ઋષિ પતંજલિએ પ્રયોજેલો રાજયોગ .   યોગ એ પ્રાચીન વિદ્યા છે જે અર્વાચીન સમયમાં પણ સચોટ અને સફળ છે.  જ્યારે બે વસ્તુઓનું  જોડાણ થાય ત્યારે નીપજે યોગ . આ જોડાણ તનનું અને મનનું હોય તો બને રાજયોગ. જેમ રાજમાર્ગ એ સહુ માટે છે તેમ જ રાજયોગ એ કોઈપણ માણસ માટે પથપ્રદર્શક છે. તે  સમગ્ર માનવજાતિના કલ્યાણનો માર્ગ છે. આજે વિશ્વ, આરોગ્ય માટે આકાશપાતાળ એક કરી રહયું છે, ત્યારે યોગ વ્યક્તિની પોતાની શક્તિને કેળવવાનો માર્ગ છે. યોગથી સ્વસ્થ બનેલ શરીર કોઈપણ પડકાર ઝીલવા સક્ષમ છે.  તે માનવીની રોગ પ્રતિકાર શક્તિને ખીલવે છે. પ્રશ્ન થાય કે આવું કઈ રીતે થઈ શકે?

ઋષિ પતંજલિનો યોગ એ અષ્ટાંગ યોગ વિદ્યા છે. તેના આઠ અંગ છે. અષ્ટાંગ યોગમાં સમાવિષ્ટ છે -યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર , ધારણા, ધ્યાન અને સમાધિ. આ અંગોમાં એક ક્રમિકતા હોવા છતાં એ ક્રમિકતા પગથિયાં જેવી નથી. તેથી સાધક જેમ જેમ વિકાસ પામતો જાય તેમ તેમ આગળના અંગોનું ઉમેરણ થતું જાય છે. માટે આ આઠ અંગોને યોગમૂર્તિના આઠ અંગો ગણવામાં આવે છે. રાજયોગ સૌમ્ય સાધન માર્ગ છે. તે મનોજય દ્વારા પ્રાણજયનો માર્ગ છે.  પાતંજલ યોગસૂત્રના અભ્યાસ પરથી લાગે છે કે મહર્ષિ પતંજલિનો દૃષ્ટિકોણ સાંપ્રદાયિક નહિ પણ વ્યાપક અને સમન્વયાત્મક છે. 

યોગનું અંતિમ ધ્યેય આત્મ સાક્ષાત્કાર છે. તેનું પ્રાથમિક લક્ષ્ય જીવનમાં સંતુલન અને નિયંત્રણ મેળવવાનું અને મૂંઝવણ અને તણાવ દૂર કરવાનું છે…જે આસાનીથી આસન અને પ્રાણાયામથી થઈ શકે છે.  કોઈ વ્યક્તિ વિચારે તેનાથી અધિક લાભ યોગ આપે છે. આજના યુગના પડકારોનો સામનો કરવામાં પણ યોગ મદદરૂપ છે.  શરીર અને મન વચ્ચે સંપૂર્ણ સંવાદિતા જાળવવા યોગિક જીવનશૈલી આધારભૂત છે. યોગ એ માત્ર નિરીક્ષણ કે બૌદ્ધિક વિચારણાનું પરિણામ નથી.  ભારતના દૃષ્ટિ સંપન્ન ઋષિઓ અને યોગીઓએ આંતરદૃષ્ટીથી જે જોયું, અનુભવ્યું તેના પરિપાક રૂપે આ ખૂબ જ વ્યવસ્થિત શાસ્ત્ર છે. માટે જ આજે વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે યોગની ઉપાસના થાય છે. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિનની શુભેચ્છાઓ…

રીટા જાની
18/06/2021

સ્પંદન-21

નદી દોડે, રાહ મિલનની
સાગર તો સત્કારે રે
ઊગે ઓતરાદે આભ ભાનુ
ઝળહળે ધરા સારીય રે
રાતે રૂપ રેલાવે શશી
શીતળ ચાંદની સોહાય રે
રંગબિરંગી ફૂલ ખીલે
પૃથ્વી કેરો શણગાર રે
જીવન જંગ જીતી જાશું
મળે એકમેકનો સથવારો રે.

સાથ , સથવારો , સંગાથ સુરમયી સંગત તો ધરાવે જ છે પણ સાથે જ પરસ્પર સહૃદયતા, પ્રેમ અને લાગણીના આકાશને આપણી સમક્ષ ખુલ્લું કરી દે છે. સાથ કોને નથી? ધરતી અને આસમાન દેખાય જુદાં પણ ક્ષિતિજ ઉપર દૃષ્ટિ પડે તો લાગે કે હંમેશાં સાથે ને સાથે.  સવારમાં આંખો ખુલે અને રાત્રે બંધ થાય તો લાગે કે સૂર્ય અને ચંદ્રનો સથવારો પણ આપણી સાથે છે જ. રંગબેરંગી ફૂલોની શાન જુઓ કે સાંભળો પંખીઓનું ગાન  લાગે કે પૃથ્વીનું સૌન્દર્ય પણ આપણી સાથે જ છે. હિમાલયના ગિરિશિખરોના સાંનિધ્ય પામતી ગંગાના  જલબિંદુઓને કોઈ પૂછે  કે એકમેકના સાથ વિના ગંગોત્રીમાંથી ગંગા પ્રગટી શકે ખરી? તો ગંગોત્રીથી નીકળતી ગંગાને સાગરનો સથવારો પામવા દોટ મૂકતી જોઈએ તો લાગે કે સાથની ઉત્કટતા કદાચ આપણને માનવ તરીકે જ છે એમ નથી પ્રકૃતિને પણ સાથ વિના ચાલતું નથી. મહાસાગરો પણ નદીઓના સાથ અને યોગદાન વગર મહાસાગર બની શકે ખરા? સાથ છે એવી કહાણી જે હર પળ હર દિલમાં સમાણી.

ઉત્ક્રાંતિના અંતિમ બિંદુ પરનો છેલ્લો મણકો એટલે માણસ – આપણે સહુ.  યાદ કરીએ  જીવનની પ્રથમ ક્ષણ – બાળકના જન્મની પ્રતિક્ષા સાથે બધાં જ અંગત માણસો – માતા પિતા કહો કે નિકટના કુટુંબીજનોનો સાથ અને જીવનની ભવ્ય શરૂઆત. જીવનના ચક્રને આગળ વધારતી ઘડિયાળની ટિક ટિક સાંભળીએ તો લાગે કે પ્રતિ ક્ષણ એક ક્ષણને બીજી ક્ષણનો સાથ હોય છે. સાથ એ સેતુ છે જે ક્ષણોને ક્ષણો સાથે જોડે છે, માનવને માનવ સાથે અને માનવને પ્રકૃતિ સાથે જોડે છે. પૃથ્વી ભલે એકલી લાગતી હોય પણ સૂર્યમંડળમાં ગ્રહોના સાથ વગર ફરી શકતી નથી.  ગ્રહોનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીને અસર કરે છે તેવું ખગોળ વિજ્ઞાન કહે છે. ગ્રહોને પણ એકબીજાનો સાથ હોય છે.  બે ગ્રહો નજીક આવે અને સાથે દેખાય તેને યુતિ કહે છે અને આ યુતિને જોવા – યુતિના સૌન્દર્યને માણવા ખગોળપ્રેમીઓ એકત્ર થતા હોય છે. તો બીજા પક્ષે ગ્રહોને એકબીજા સાથે ભેગા થવાથી શું અસરો થાય તેના અનુમાનો કરવા જ્યોતિષશાસ્ત્રીઓ પણ એકત્ર થતા હોય છે. માનવસંબંધો એક બીજાના સાથ અને સહકાર વિના શક્ય જ નથી. માનવજીવનનાં કોઈ પણ ક્ષેત્રો જુઓ -સાથ અનિવાર્ય છે.  કોર્પોરેટ જગત પણ મીટિંગ કર્યા વિના કોઈ કાર્ય કરી શકતું નથી. સફળતા મળ્યા પછી મળેલો નફો પણ શેરધારકોની મીટીંગની પ્રતીક્ષા કરતો હોય છે.

સંબંધો કોઈપણ હોય તે સાથ વિના શક્ય હોતા નથી. સંબંધો ચિરસ્થાયી પણ ત્યારે જ બને જ્યારે સાથ ચિરસ્થાયી હોય. સમયનો સાથ દરેકને અનિવાર્ય હોય છે. પણ માનવજીવનની મઝા સંબંધોના સાથમાં હોય છે. કપરા સમયમાં પરિવારનો સાથ અને હૂંફ માનવની હિંમત ટકાવી રાખે છે.  મિત્રો અને સાથીઓની સ્મૃતિ માનસપટ પરથી ક્યારેય ભૂલી શકાતી નથી એ સહુનો અનુભવ છે.  બાળપણના મિત્રો હોય કે શાળા – કોલેજના, જીવનના ગુલદસ્તાની  ખુશ્બુ આ મિત્રો થકી જ છે.

પ્રકૃતિ પરસ્પરાવલંબન પર આધારિત છે. એમાં સંપૂર્ણ જીવસૃષ્ટિનો સમાવેશ થઈ જાય. વનસ્પતિ, પશુ, પંખી, માનવી – બધાજ એકબીજા પર અવલંબે છે. વિચારોને, આ જે રસ્તા પર તમે ચાલો છો એ રસ્તો તમે બનાવ્યો નથી ..જે એક કોળિયો તમે ખાવ છો એમાં કેટકેટલાંયનું યોગદાન છે. ખેડૂતે બળદનું મદદથી ખેતર ખેડ્યું, ધરતીમાં બીજ રોપ્યાં, તેને ખાતર, હવા, પાણી, સૂર્યપ્રકાશ મળ્યા, પાક તૈયાર થયો, વેપારીએ વેચ્યો, રસોઈ બની પછી આપણી થાળીમાં ભોજન આવ્યું. તો આપણે એ બધાનો આભાર માનવો જોઈએ.

એક સરસ વાત વાંચેલી યાદ આવે છે. સૂર્યમુખીના ફૂલ સૂર્યની દિશામાં પોતાની પોઝિશન બદલે છે. જે દિશામાં સૂર્ય તે દિશામાં આ ફૂલ.  પણ જ્યારે વાદળીયો દિવસ હોય ત્યારે શું થતું હશે એવો પ્રશ્ન અચૂક થાય. કોઈ એમ કહે કે તે જમીન તરફ દિશા રાખતા હશે તો એ વાત ખોટી છે. હકીકત એ છે કે સૂર્યના અભાવમાં  તેઓ એકબીજાની સામે રહી શક્તિનું આદાનપ્રદાન કરે છે. કુદરત કેવી અદ્ભુત છે!  પ્રકૃતિ આ સુંદર સૂર્યમુખીના ફૂલો દ્વારા કેવી સુંદર શીખ આપે છે. આ જ સિદ્ધાંતને આપણા જીવનમાં ન અપનાવી શકાય? કોરોનાના આ કપરા કાળમાં ઘણા લોકો થાકી , હારી ગયા છે…ત્યારે એકમેકના સાથ અને સહકાર દ્વારા એ કાળને કેમ હરાવી ન શકાય? જરૂર હરાવી શકાય જો આપણે એકબીજાનો આધાર બનીએ, સહારો આપીએ, શક્તિ અને હિંમત આપીએ….જો લોકોમાં કવિ કરસનદાસ માણેક કહે છે એવો ભાવ આવે, એવા સ્પંદન જાગે…
“જીવન અંજલિ થાજો
મારું જીવન અંજલિ થાજો
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો
દીન દુઃખીયાના આંસુ લ્હોતાં  અંતર કદી ન ધરાજો!”

આપણી ફરજ એ બની રહે છે કે  યથાશક્તિ આપણું યોગદાન – ધન, સમય, શક્તિ, જ્ઞાન, સમય, ભોજન, સાથ, સહકાર સ્વરૂપે આપતાં રહી  વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને ચરિતાર્થ કરીએ. સફળતા  આવશે હાથ, જો સૌનો મળશે સાથ….

રીટા જાની
11/06/2021

સ્પંદન-20

હૃદય  બને કારણ વ્યથાનું
જીવન બને કંટક બિછાનું
ચિત્તને ચિંતા અકળાવે
કે મનનો ડર ગુંગળાવે

વિપદ છો આવે અચાનક
રુદન ના હોય મારું કથાનક
શ્રમની સુગંધ લાવે પવન
રંગીન ઉષાનું થાય આગમન

ચિંતા ન મનમાં આણે
તે જીવન જીવી જાણે
ભીતર શ્રધ્ધા કેરો સમંદર
નૈયા મારી લાંગરે બંદર

હઠ હોય પ્રહારો ઝીલવાની
ઋતુ આવે ફૂલોના ખીલવાની
ભલે લાગે આ ફાની જિંદગાની
જીવી જાણો તો એ છે મઝાની.

પૃથ્વી …. અવકાશમાં ઘૂમી રહેલ સુંદરતમ ગ્રહ…આસમાની રંગની પૃથ્વી અવકાશી સૌન્દર્યમાં કંઇક અલગ જ ભાત પાડે છે કેમ કે તેમાં આસમાની સમુદ્રો છે, લીલાંછમ વનો છે, ખળખળ વહેતી નદીઓ અને ઝરણાં છે અને સૌથી વિશિષ્ટ તો માનવીની ઉપસ્થિતિ છે. પ્રભુનું શ્રેષ્ઠ સર્જન છે માનવી કેમ કે તેની પાસે બુદ્ધિ છે, શક્તિ છે, ટેકનોલોજી છે અને આ બધાથી તે ધારે તે કરી શકે – હવામાં ઉડે, પાણીમાં તરે અને જાતજાતની મુસાફરી કરે, અરે પૃથ્વી જ નહીં અવકાશમાં પણ તેના પગલાં છે. પણ આવી અદભુત સિદ્ધિ ધરાવનાર માનવને કોઈ પૂછે કે શું તે પુષ્પોની જેમ હરહંમેશ પ્રફુલ્લિત રહી શકે? પુષ્પ કલિકાની જેમ નવપલ્લવિત રહી શકે? પંખીની જેમ ખુશી ખુશી નવાં ગીત છેડી શકવાનો આનંદ તેની પાસે છે ખરો? કદાચ મહદઅંશે ઉત્તર નકારમાં આવે. સહેજે પ્રશ્ન થાય કે આ આનંદ ક્યાં ગયો અને કોણે છીનવી લીધો?  આ પ્રશ્નોનો જવાબ છે ……ચિંતા.
ચિંતા … આનંદની ક્ષણોને છિન્નભિન્ન કરી શકે …માનવ સિદ્ધિના મહેલોને જમીન દોસ્ત કરી શકે, માનવ મનની અમાપ શકિતઓ હોવા છતાં તેને પાંગળો બનાવી શકે. તત્વજ્ઞાનીઓ તેને તત્વ અને જ્ઞાન બંને રીતે જાણે છે, મનોચિકિત્સકો તેને ઓળખે છે અને સામાન્ય માનવી જો એમ કહે કે તેને કોઈ ચિંતા નથી પણ દિલ પર હાથ રાખીને કોણ કહી શકે કે તેને ચિંતા નથી? ચિંતાનું સામ્રાજ્ય સર્વત્ર છે.  બાળપણની વાર્તાઓ યાદ કરીએ તો …
…..એક રાજા હતો . પ્રજાવત્સલ અને પ્રજા સુખી. પણ એક વાતની ચિંતા હતી…રાજગાદી સંભાળે તેવા સંતાનની ખોટ….રાજાને ક્યારેક કુંવરના રાજ્યાભિષેકની ચિંતા…
તો ક્યારેક કુંવરીના લગ્નની તો ક્યારેક દુશ્મનોના આક્રમણની ચિંતા. આવાં કથાનકો સાંભળીને મોટા થતાં વિદ્યાર્થીને પરીક્ષાની ચિંતા…ત્યાર બાદ નોકરી, પ્રમોશનની ચિંતા,  યુવાનીમાં  સુંદર, સુશીલ યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થશે કે કેમ તેની ચિંતા…. અને વૃદ્ધાવસ્થા તો ચિંતાનો ખજાનો. કેમ કે શરીર, ધન અને મન -બધી જ શક્તિઓની સીમા આવી જાય. આ બધામાં સામાજિક ચિંતા, આર્થિક ચિંતા , પદ અને પ્રતિષ્ઠાની ચિંતાનો સરવાળો કરીએ તો લાગે કે ચિંતાઓનું આ નકારાત્મક લીસ્ટ ઘણું લાંબુ છે કે  તેનો અંત છે કે કેમ?
ક્યારેક કોઈનો સૂર સંભળાય કે…
એમ જ કંઈ કાળામાંથી વાળ સફેદ નથી થતા.
…આમ ચિંતા આબાલવૃદ્ધ, ગરીબ, તવંગર સહુને છે.
માનવ સિદ્ધિના જુદાં જુદાં ક્ષેત્રો પર નજર નાખીએ તો લાગશે કે ચિંતા એ કોઈ ક્ષેત્ર છોડ્યું નથી. આર્થિક પંડિતોની દિલચસ્પીનું ક્ષેત્ર એટલે અર્થશાસ્ત્ર.  અર્થશાસ્ત્ર તો દરેક માનવીને  સ્પર્શે છે. આર્થિક વિકાસ થશે કે કેમ,  જી ડી પી વધશે કે નહિ અને વધે તો કેટલી વધે તેની ચિંતા આ ક્ષેત્રના સહુ લોકો કરતા જ હોય છે. ત્યાર બાદ આવે કોર્પોરેટ મહારથીઓ – સફળતાની સીડી તો તેમને સાધ્ય ખરી જ પણ ચિંતાના ક્ષેત્રો પણ ખરાં જ – કંપનીના વિકાસ અને પ્રતિસ્પર્ધા , નફો જાળવવાની , બજારમાં સ્થાન જાળવીને વિકાસ કરવાની ચિંતા. તો શેરબજાર તો ચિંતામાં શિરમોર . ચિંતા તેમાં કંઈ કેટલીયે ઉથલ પાથલ કરી શકે અને આજે ફૂલગુલાબી લાગતું હોય તે ગમે ત્યારે પત્તાના મહેલની યાદ આપી શકે અને કડડભુસ થતાં જરાય વાર ન લાગે. માનવીના સ્વાસ્થ્યનો ભાર ઉઠાવતી હોસ્પિટલો પણ ચિંતાથી મુક્ત નથી.
… આ બધું ઓછું હોય તેમ હવે આવ્યા છે નવા વાઇરસ. કોરોનાના પાનડેમિકથી ત્રસ્ત દુનિયાને  એક વાઇરસ પડકાર ફેંકી શકે છે. માનવીની સફળતાની દોડ થંભી જાય છે – ધંધા , રોજગાર ઠપ્પ અને કાલે શું થશે તેની ચિંતા આજે સાર્વત્રિક છે. વાઇરસ સામે આવેલી વેક્સિનની પણ ચિંતા કદાચ આજે સમગ્ર વિશ્વને છે. વેક્સિન મળશે કે નહિ, તે અસરદાર છે કે નહિ, કોને ક્યારે મળશે – તેવી નવી ચિંતાઓ માનવીની રોજબરોજની જિંદગીને અસ્તવ્યસ્ત બનાવી રહી છે. અતિશય સફળ એવું વિજ્ઞાન પણ જો ચિંતાની વેક્સિન શોધી શકે તો એ મોટી સફળતા ગણાશે.
પણ ત્યાં સુધી ….શું ?

ચિંતાનો ઉકેલ …ચિંતામાં જ સમાયેલો છે.  ચિંતા માનસિક હોય છે અને તેથી જ તેનો ઉકેલ પણ માનસિક જ હોઈ શકે. ચિંતા જુદી જુદી રીતે ઉદભવે છે.  પણ સામાન્ય રીતે જોઈએ તો ચિંતા એ  અદૃષ્ટ અને દૃષ્ટ વચ્ચે ઊભેલી સમયની ભેદરેખા છે. જે કોયડો ઉકેલી શકાતો નથી તેની મૂંઝવણ એટલે જ ચિંતા.  જો તે ઉકેલવાની શક્તિ આવી જાય તો ચિંતા રહે નહીં.  યાદ કરીએ કે એક સમયે માણસ માટે ઊડવું શક્ય ન હતું. રાઈટ બ્રધર્સ તેનો પોતાની શક્તિથી ઉકેલ લાવી શક્યા અને આજે હજારો માઈલ દૂર માત્ર પ્લેનમાં ઊડીને પહોંચી શકાય છે. પ્રથમ ઉકેલ આત્મશક્તિ કેળવીએ તો ઊકેલ દૂર નથી. તમે બ્રેક મારીને વાહન ચલાવી શકો નહિ. ચિંતા એ પ્રયત્નોના  પૈડાં પરની બ્રેક છે.
બીજો ઉકેલ ગીતામાં શ્રી કૃષ્ણ એ અર્જુનને કહ્યો હતો..
ફળની અપેક્ષા વિના કર્મ કરવું. જે ફળ આવે તે સ્વીકારવું. અહીં પણ ચિંતા રહી શકે નહીં.

છત્રપતિ શિવાજીની વાત યાદ આવે છે.  તેમનું નાનું સૈન્ય પૂર્વઘાટમાં આરામ કરતું હતું ને ત્રણ બાજુથી મોગલો ત્રાટક્યા. દુશ્મનોથી અચાનક ઘેરાઈ જવા છતાં ચિંતા કરવાના બદલે શિવાજીએ પોતાના સૈનિકોને ચોથી બાજુએ નાસીને ડુંગર પાછળના ખડકોમાં જવા કહ્યું. થોડી વાર પછી તેઓએ ત્રણે બાજુથી તીરનો વરસાદ વરસાવી મોગલોને ભગાડ્યા. ચિંતા કરી હોત તો ચોક્કસ હારનો સામનો જ કરવો પડે. માટે પરિસ્થિતિ જોઇને વ્યૂહ રચવો જોઈએ. જીવન સંગ્રામ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ક્રિકેટમાં પણ દરેક બોલ રમવો જરૂરી નથી. જેનામાં ક્યો બોલ રમવો અને ક્યો છોડી દેવો એની સમજ હોય તે જ સદી ફટકારી શકે છે. 

એ સમજવું જરૂરી છે કે હકીકતે ચિંતા એ સૌથી મોટો વાયરસ છે.  ચિંતા એ સમય અને શક્તિની બરબાદી છે. પરીક્ષા, નોકરી કે પ્રમોશનની ચિંતા કરવાના બદલે પ્રયત્ન અને ક્ષમતા વધારીને ચિંતાનું કારણ દૂર કરી શકાય છે.
ચિંતા એ નાની ફૂટપટ્ટી વડે અવકાશી ઊંડાઈ પામવાની ઈચ્છા છે.  જ્યારે ક્ષમતા કે કેપેસિટી કરતાં અપેક્ષાઓ અને સ્વપ્નો વધુ મોટા હોય તો ચિંતા ઉદભવે છે.  જો વાસ્તવિકતાને સમજીને વર્તવામાં આવે તો  ઉકેલ સહજ અને સરળ બને.
ભક્ત કવિ દયારામનું સુંદર પદ યાદ આવે છે..
ચિત્ત તું શીદ ને ચિંતા કરે
કૃષ્ણને કરવું હોય તે કરે .
ચિંતા એક કાજળઘેરી રાત્રિ છે અને સવાર સુધી પહોંચવા પહેલાં જ પ્રકાશ પામવાની અધીરાઈની મૂંઝવણ પણ છે. ઉગતી સવારની વાત આવે એટલે પૂર્વ- પશ્ચિમ  દિશાનો જ ખ્યાલ આવે. આપણે જો પૂર્વ દીશા તરફ જોઈએ તો સૂર્ય દેખાશે અને પશ્ચિમ દિશામાં પડછાયો. નક્કી આપણે કરવાનું છે કે સફળતાનો સૂર્ય જોઈએ કે ચિંતાનો પડછાયો.  જરૂરી છે સાચો અભિગમ, શ્રધ્ધા અને આત્મ વિશ્વાસ…
સુંદર શબ્દો યાદ આવે છે…
…..સુબહ જરૂર આયેગી
…..સુબહ કા ઇન્તેઝાર કર.

રીટા જાની
04/06/2021