૧૬ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

સદાબહાર એટલે હંમેશા પ્રફુલ્લ રહેતું, સદા ખીલી રહેતું…

આમ જોવા જઈએ તો આ વાત ફૂલો માટે થતી હોય એમ જ વિચારીએ પરંતુ આપણે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ છીએ સદાબહાર સૂરની એટલે કે અવિનાશ વ્યાસની અવિસ્મરણીય રચનાઓની જે સાંભળતાં આપણે ખુદ પ્રફુલ્લિત થઈ ઊઠીએ છીએ.

કેટલીક વ્યક્તિઓ માટે સમય જતાં લૅજન્ડ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ લોકો લૅજન્ડરી અર્થાત કેવળ દંતકથામાં આવતા પાત્રો તરીકે ચિરસ્થાયી બની જાય છે એમ અવિનાશ વ્યાસ માટે, એમની રચનાઓ માટે સદાબહાર શબ્દ આજે અને ભવિષ્યમાં પણ અંકિત થઈને રહેશે.

આ એક જ શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે અઢળક ગીતો ગુજરાતીઓને, ગુજરાતી ભાષાને આપ્યા છે અને એટલા માટે જ એમના માટે એવું કહેવાય કે, તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે તો જરાય અતિશયોક્તિ નહીં લાગે. એમ લાગે કે જાણે આ કલા તેમનામાં જન્મજાત હશે..

ગયા વખતે આપણે એમણે રચેલાં ‘હુતુતુતુ’ ગીતની વાત કરી હતી. સાવ અચાનક રમતાં રમતાં થઈ ગયેલી. એ રચના પાછળ એમનાં કૌશલ્યનો પાયો તો સાવ નાનપણમાં જ મંડાયો હશે એની આજે વાત કરવી છે.

આ વાત તો આપણે એમને ઓળખતા થયા એ પહેલાંની છે.

તેઓ નાના હતા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તેઓ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ‘પ્રોપ્રાયટરી’ હાઈસ્કૂલમાં ભણતા હતા જે અત્યારે ‘દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’ તરીકે ઓળખાય છે. તેઓ ભણતા હતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓની નોટબુકો એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સરસ હતું. વર્ગશિક્ષકે તે સમયના શાળાના સંચાલક શ્રી દિવાન સાહેબને વર્ગમાં બોલાવ્યા. તેમણે દિવાન સાહેબને તે ગીત વાંચવા માટે નોટ આપી. દિવાન સાહેબે તે ગીત વાંચ્યું. તેઓ તો એટલા બધા ખુશ થઈ ગયા કે, તેમણે તેની પીઠ થાબડીને શાબાશી આપી. ત્યારબાદ, અચાનક જ બોલી ઊઠ્યા : ‘અલ્યા છોકરા! તું તો ગુજરાતનો રવીન્દ્રનાથ થવાનો છે કે શું?’ પરંતુ આ નાનકડા નાગર છોકરાએ જવાબ આપ્યો : ‘ના જી સાહેબ, હું તો ગુજરાતનો અવિનાશ વ્યાસ થવાનો છું!’ – આવો હતો એમનો આત્મવિશ્વાસ અને એક ગુજરાતી તરીકેનું સ્વાભિમાન. આજે વર્ષો પછી પણ તેમના શબ્દો સાચા પડ્યા છે અને તેમના ગીતો અને ગરબા લોકહૃદયમાં ગૂંજી રહ્યા છે.

સાવ નાની ઉંમરે આવી અંતઃસ્ફુરણાં થવી એ જ દર્શાવે છે કે, આગળ જતાં આ છોકરો કેવું કાઠું કાઢશે……

નાનપણથી જ તેમને મળેલા આ વરસા માટે ખાતરીપૂર્વક એમ કહી શકાય કે, એ વારસો માતા મણીબેન તરફથી મળ્યો હશે કારણ કે મણીબેનમાં પણ સંગીત અને સાહિત્યના સંસ્કાર હતા. તેઓ પણ તે સમયમાં ગરબા લખતાં હતાં.

યુવાન અવિનાશ વ્યાસની કારકીર્દિની શરૂઆત મિલમાં નોકરીથી થઈ. એક દિવસ મિલના સમારંભમાં તેમને મિલમજૂરની ભૂમિકા ભજવવાની હતી તેમાં એમણે  એક ગીત ઉપાડ્યું : ‘કોઈ કહેશો ચાંદલિયો શાને થયો…?’ અને શ્રોતાઓએ તે ગીતને ખૂબ જ હર્ષભેર વધાવી લીધું.

અને પછી એમના જીવનનો જાણે પ્રવાહ જ બદલાઈ ગયો. તેમણે મિલની નોકરી છોડી દીધી અને નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા. મુંબઈના આકાશવાણી જ નહીં, ભારતભરના સંગીતના ચાહકોએ તેમના મધુર કંઠ અને અર્થપૂર્ણ સ્વરરચનાને આવકારી લીધી અને પછી તો જે સર્જાયો એને ઈતિહાસ જ કહી શકાય ને?

મઝાની વાત તો એ છે કે, રેડીયો પરથી પ્રસારિત થતાં ગીતોથી માંડીને આજના ડિજિટલ યુગમાં પણ અવિનાશ વ્યાસના ગીતો અણનમ છે.

હવે આગળ વાત કરીશું એવી જ નોખી-અનોખી વિવિધ રચનાઓની.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૦૫ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

0AB7B210-CC6C-4EE2-ADCD-A48846225890

સવારે ઊઠીએ ત્યારે મોટાભાગે આપણે કરસંપુટ આંખ સામે રાખીને મનોમન કહીએ છીએ.

કરાગ્રે વસતે લક્ષ્મી: કરમૂલે સરસ્વતિ
કરમધ્યે તું ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્.

પણ એ કરસંપુટને વળોટીને જ્યારે નજર સામે એક આખું અચરજ ફેલાયેલું દેખાય ત્યારે એ સવાર કેટલી સુંદર બની જાય! બસ બરાબર આજે એવું જ થયું. આજની ઊઘડતી સવાર કલ્પનાની પરે કહી શકાય એવી હતી. આમ તો આ શિયાળાના દિવસોમાં સૂર્યનારાયણ પણ જરા મોડા ઊઠે. કદાચ એમને પણ આ આખી રાતની ટાઢી બર્ફીલી ચાદર ખસેડીને આપણી જેમ બહાર નીકળવાનું મન નહીં થતું હોય! જાણે એમણે જરા અમસ્તુ ડોકિયું કર્યું ને આખું જગ ઝળહળ ઝળહળ…. રાતુંચોળ કંકુ ખર્યું ન હોય! આખું પૂર્વાકાશ. આ તો જાણે બ્રહ્મે પાથરેલા આ ચંદરવાને ઉજાળવા કંકુ છાંટણા થયા કે જગતજનનીએ આ જગતને એક નવી શરૂઆતના એંધાણ આપતા અજવાસ પાથર્યા? અને મનોમન મંદિર સર્જાયું, કાનમાં ઘંટારવ ગાજ્યો, એક દીવડો ઝળહળયો…અને અવિનાશભીઈના શબ્દો સરી પડ્યા;

માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

‘માડી તારું કંકુ’ માત્ર એક ગરબો જ છે એવું નથી પણ આ એક ચિરસ્મરણીય ભક્તિરચના છે. એટલે જ આજે અમેરિકામાં ઊઘડતાં પ્રભાતે કંકુ ખેરવતાં સૂર્યને જોઈએ ત્યારે અવિનાશ યાદ આવે. દરેક વ્યક્તિની એક આભા હોય જેના વિશે વિચારીએ તો પણ એ આભા આપણા સુધી પ્રસર્યા વગર રહે જ નહીં. ‘માડી તારું કંકુ’ જેવી આટલી હૃદયનાં તળ સુધી સ્પર્શતી રચનાની સાથે જ એના રચયિતા અવિનાશ વ્યાસની એક આભા મન પર ઊપસ્યા વગર રહે ખરી? ગીતકારના ભાવ કે ભક્તિ આપણા સુધી પહોંચ્યા વગર રહે ખરા? આજે પણ અનેક સ્વરકારો-ગાયકો તેમાં સૂર-તાલનું તેલ પૂરી ગુજરાતી સંગીતને આગળ લાવી રહ્યા છે. પણ એ દીવડાની જયોત વધુ ઊંચી કોઇએ કરી હોય તો તે અવિનાશ વ્યાસ.

સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસ માતાજીના પરમ ભક્ત હતા.‌ એમણે રચેલા માતાજીના ગરબા પણ આ ભક્તિને લઈને જ સ્ફૂર્યા હશે. અવિનાશ વ્યાસનાં પત્ની ગરબા ખૂબ સારા ગાતા અને ગૌરાંગ વ્યાસે આ ગળથૂંથીના સંસ્કારો જાળવી વારસો દીપાવ્યો છે તે બધા જાણે છે. આમ જોઈએ તો, ગરબો એટલે કે ગર્ભદીપ એ આપણી સંસ્કૃતિનું મંગળ પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને ફાળે જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું કહી શકાય. ગરબા વિશે પણ અવિનાશ વ્યાસના વિચારો-ભાવના અત્યંત સ્પષ્ટ હતા.

અવિનાશ વ્યાસ ગરબાને અનુલક્ષીને કહેતા, ‘ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલમેલ છે.’ વળી સહેજ આગળ વધીને કહેતા, ‘ગરબાને થોડું ઘણું નૃત્ય સાથેય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈપણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ.’ આમ જુઓ તો,ગરબા ગાવાની, ગવરાવવાની, સાંભળવાની આ ભવ્ય પરંપરાને અવિનાશભાઈએ જીવી છે અને એટલે જ ગુજરાતનો લોકપ્રિય અવાજ, અંદાજ, રણકાર-ઝણકાર, તાલ-લય બધું જ એ એમની રચનામાં પરોવીને પીરસતા.

અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’નાં આમુખમાં તેમણે લખ્યું છે, ‘વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્ય રચના તો વર્તુળ ખરી જ પણ એનાથીય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે.’

કેટલાકને પ્રશ્ન થાય કે ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં કે અન્ય શબ્દો કેવી રીતે આવે? તો એનો જવાબ આ છે. અવિનાશ વ્યાસે એક ગરબો લખ્યો. એમાં ગરબો કહે છે; આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રી કૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ.‌ એટલે જ આજે ગાયકો ફિલ્મોનાં ગીતો પણ ગરબાના તાલે ગવડાવે છે.

ગરબાની સાથે ચાચરના ચોકનો તો જાણે સનાતન સંબંધ. પહેલાં ક્યાં આવા ડીજે કે ધાંધલિયું સંગીત હતું? ત્યારે તો ચાચરના ચોકમાં માતાજીની છબી ગોઠવાય, અખંડ દીવો પ્રગટાવાય અને આરતીની સાથે ગરબાનો ઉપાડ થાય અને પછી રમઝટ જામે.

અવિનાશભાઈએ આ પારંપારિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃતિને અકબંધ રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં.‌ એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે. એ ગરબા છે: ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, ‘હવે મંદિરનાં બારણાં ઉઘાડો’ અને ‘માડી તારાં મંદિરિયામાં ઘંટારવ વાગે.’ સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ કહેવાય છે કે નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ છે.

અવિનાશ વ્યાસનો દર વર્ષે અંબાજી દર્શને જવાનો નિયમ હતો. માતાજીના સન્મુખ ઊભા હોય, દર્શન કરતાં જાય અને આંખમાંથી આંસુનો અભિષેક વહેતો જાય અને ગીતની રચના થતી જાય. મૂળે અવિનાશ વ્યાસ પ્રકૃતિથી જ અત્યંત સૌમ્ય અને સહ્રદયી. અવિનાશ વ્યાસને ઓળખતી એમની પેઢીની સમવયસ્ક વ્યક્તિઓ જ્યારે અવિનાશ વ્યાસ વિશે વાત કરે ત્યારે એમની વાતોમાંથીય એમનું એક ચિત્ર તૈયાર થાય. અવિનાશ વ્યાસને અત્યંત નજીકથી ઓળખતા પત્રકાર શશિકાંત નાણાવટી કહેતા, ‘અવિનાશભાઈ સ્વભાવે અત્યંત મૃદુ અને ઋજુ હૃદયના હતા. કોઈપણ વસ્તુ એમને સ્પર્શે એટલે એમની આંખમાં આંસુ આવી જતા.’

મુંબઈ ભગિની સમાજના કર્તા કલ્લોલીનીબેન હજરત કહેતાં, ‘અવિનાશભાઈ અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. માતાજી પરની અપાર શ્રદ્ધાને લઈને જ્યારે એમની સન્મુખ માતાજીને જોતાં ત્યારે એ અત્યંત ભાવવિભોર બની જતાં. આવી ભાવવિભોર મનોસ્થિતિમાંથી તો જે રચાય એને તો માતાજીના આશિષ જ હોય અને એ રચના ચિરંજીવ જ બની જાય ને? આજે અને આવતા અનેક વર્ષો સુધી અવિનાશ વ્યાસ અને એમના આટલા ભાવવાહી ગીત, ગરબા આપણને પણ ભાવવિભોર બનાવતાં જ રહેશે.

રાસબિહારી દેસાઇ કહે છે, ‘તમે સંશોધન કરો, મારી ખાતરી છે કે આપણી ભાષામાં ઉરચકોટિના કે ગણનાપાત્ર કવિઓની રચના જેટલી – જેવી ગવાઈ છે, જેને ખરેખર કવિતા કહેવાય તેવી કૃતિઓ આપણે ત્યાં સ્વરબદ્ધ થઈ છે તેટલી બંગાળ-મહારાષ્ટ્રને બાદ કરતાં ભારતની અન્ય કોઈ ભાષામાં નથી થઈ.’ લિખિત ગુજરાતી કવિતાઓની જેમ, સ્વરબદ્ધ ગુજરાતી રચનાઓ પણ પાંચ સદી કરતાં વધારે સમયથી આપણી સંગીત તૃષા જ નહીં આપણી પરંપરા અને સંસકતિના ઉપવનને પોષી રહી છે. પ્રથમ સ્વરકાર કોણ? જવાબ સાવ સહેલો છે. નરસિંહ મહેતા. ત્યારબાદ પ્રેમાનંદ અને અન્ય આખ્યાનકારોએ, માણભટ્ટોએ એ પરંપરાને જીવાડી. ત્યારબાદ આવ્યું જૂની રંગભૂમિનું સંગીત અને આઝાદીની ચળવળની પ્રભાતફેરીઓ પરંતુ સંગીતના આ લોકઢાળને આકાશવાણીએ ઘાટ આપ્યો અને શ્રુતિ તથા સૌરાષ્ટ્રની અમે શિવરંજની જેવી સંસ્થાઓએ તેનું પોત ઘડ્યું. સંખ્યામાં થોડા પરંતુ સર્જન-સમજમાં બહોળા કલાકારોએ કાવ્ય સંગીતની બારમાસી સરિતા વહાવી છે. કોઈ દિવસ નહીં વિસરાય એ નામો. ગુજરાતી કાવ્યસંગીતનું સંવર્ધન કરવામાં ત્રણ પેઢીનું પેશન રહ્યું છે પરંતુ તેમાં પણ અવિનાશ વ્યાસનું નામ સદા ઊચા સ્વરે જ લેવાશે. ગીત, ગઝલ, ગરબા, ભજન વગેરે કોઈ પ્રકાર તેમણે બાકી રાખ્યો નથી. સંગીતચાહકો કહે છે તેમણે ગુજરાતને ગાતું કર્યું તે આજે પણ સાચું જ લાગે. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસના સ્વરાંકનો પણ એવાં જ સુરીલા છે.

ગુજરાતી ફિલ્મોના સંગીતને તો બેશક અવિનાશી યુગનું નામ આપી શકાય. ગુજરાતને સંગીત અને સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર અને અસરમાં પણ કવિતાની ‘લોકપ્રિય’ અને ‘લોકશ્રવણીય’ વિરાસત અવિનાશભાઈએ આપી. આ જ વાત એમને સોળે કળાએ નખશિખ કલાકાર બનાવે છે. ‘રાખનાં રમકડાં’, ‘પાટણથી પટોળાં’, ‘ઝૂકી પડ્યો ઊચો હિમાલય’, ‘ઝમકે ના ઝાંઝર’, ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવી રચનાઓ આજે ૪૦ વર્ષનાં વહાણાં વાયાં પછી પણ તાજી છે. ચાલો એના વિષે આવતા અંકે વાત

અત્યારે તો એકવાર નહીં અનેકવાર સાંભળેલી આ ભાવભક્તિસભર રચનાને સાંભળીએ. અવિનાશ વ્યાસની આ રચના ક્ષણવારમાં તમારા માટે અશ્રુધાર વહાવવાનું માઘ્યમ બની શકે. આંખ આપોઆપ બંધ થઈને કોઈક ઉજ્જવળ, ધવલ કપાળમાંથી કંકુનાં ખરતા કણને ઝીલવા માટે મારી જેમ જ ખોબો ધરશે.

http://www.mavjibhai.com/MadhurGeeto/178_maditarukanku.htm

Rajul Kaushik

http://www.rajul54.wordpress.com

૩૩ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

આકાશી આંબાને આવ્યો છે મોર અને છે જળબિલ્લોરી

ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતા- ન્હાતા છોરાં શો કલશોર મચાવે,

કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી

આજ સુધી મનમાં વૈશાખી બપોરની એક કલ્પના હતી..ધોમધખતો, બળબળતો, શરીરને અડે તો ય તતડી જવાય એવો તાપ. ઘરની બહાર નજર પડે ને આલ્સ્ફાટની સડકોની ગરમી આંખને દઝાડે. જાણે દુર્વાસાના ક્રોધે માઝા ન મુકી હોય એમ પ્રકૃતિ પણ એના પૂર્ણ રૌદ્ર સ્વરૂપે બધુ બાળીને ભસ્મ કરવા ભભૂકતી હોય. આભની અટારીએથી લૂ વરસતી હોય અને ધરતીના પેટાળમાં જાણે લાવા ખદબદતો હોય. સૂર્યદેવની પ્રચંડ ગરમીથી દાઝેલા વૃક્ષો પણ જાણે ઊનાઊના નિસાસા જેવા વૈશાખી વાયરા વિંઝતા હોય. કાકા સાહેબ કાલેલકરે તો એટલે સુધી કહ્યું છે કે ભેંસો દૂધ દોહરાવતી વખતે જેમ આંખો બંધ કરીને નિસ્તબ્ધ ઊભી હોય એમ ઉનાળાનું આકાશ તડકાની સેરો છોડતું ઊભુ રહે છે. દિવસોના દિવસો સુધી આસપાસ ઘુમારાયા કરતો અસહ્ય ઉકળાટ અને વાતાવરણનો બફારો……બાપરે !

જો કે એ ઉનાળાનો તાપ સહીને પણ લૂમેઝૂમે લચી રહેલા એ ફૂલો પણ એવા જ સાગમટે યાદ આવ્યા. કેસૂડો લહેરાય અને ઉનાળો આવે છે એની આલબેલ સંભળાય. એ પછી તો ગુલમહોર, ગુલતોરા અને પીળો ધમરક ગરમાળો, એક બાજુ લાલ પીળા રંગોની છટા અને બીજી બાજુ શ્વેત પણ ખોબામાં લઈને ભગવાનના ચરણે મુક્યા પછી ય ખોબામાં એની સુગંધ વેરતા જાય એવા મોગરા, રાતે  મન મુકીને મહેંકી ઊઠતી રાતરાણી, મધુમાલતી અને મધુકામિની, જૂઈ અને જાસુદ, બારે મહિના ખીલી રહેતી બારમાસી… ધગધગતા ઉનાળાની સાથે પણ કેટ-કેટલી મઘમઘતી યાદો જોડાયેલી છે નહીં?

કેટલાક વર્ષો પહેલાના એવા દિવસોની યાદ આવે ત્યારે એક જ ક્ષણમાં તખ્તો બદલી નાખતી અહીંની ઋતુ સાથે આપોઆપ સરખામણી કર્યા વગર મન ઝાલ્યું રહે ખરું? વૈશાખી વાયરા કોને કહેવાય એ અહીં રહેતા, ઉછરતા બાળકોને શી રીતે સમજાવી શકાય?

મે મહિનામાં ય શીતળતા રેલાવતા આકાશી ગોખમાં છેલ્લા કેટલાય દિવસોથી સૂર્યનારાયણે દેખા જ ક્યાં દીધી છે? અજબ ગજબની અહીંની પ્રકૃતિ છે. હજુ તો હમણાં જ જાણે ઠુંઠા બાવળ જેવા દેખાતા પેલા ઊંચા ઊંચા વૃક્ષો તો જાણે જાદુગરે જાદુઈ છડી ફેરવી ના દીધી હોય એમ અચાનક જ લીલાછમ બનીને મહોરવા માંડ્યા. હજુ તો હમણાં જ જાણે ઘરથી થોડે દૂર દેખાતો રસ્તો અને એના પરથી પસાર થતા વાહનો ય જોયા જ છે સ્તો અને બસ અચાનક જ બે ચાર દિવસમાં  તો એ રસ્તાની આડે લીલોછમ પડદો લહેરાયો અને એની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જગ્યા શોધીને ફૂટી નિકળેલા પેલા લાલ, પીળા, કેસરી ટ્યુલિપ અને ઠંડા મઝાના વાયરામાં પ્રસન્નતાથી લહેરાતા ડેફોડીલ જોઇને તો મન પણ પ્રસન્ન…….જાણે કોઈ કુશળ ચિત્રકારે પીંછીના લસરકાથી ઈઝલ પર ગોઠવેલા કેન્વાસનું આખેઆખું સ્વરૂપ ના બદલી નાખ્યુ  હોય! પ્રકૃતિની આ કમાલ જોઈને જ તો મનમાં કોઈ એક વણદેખ્યા કલાકારની હાજરી વર્તાય છે ને?

વૈશાખની એ ઊના ઊના દિવસોથી સાવ અલગ અહીંનું વાતાવરણ… જાણે બે અલગ જ ઋતુ. અહીંનો વરસાદે ય મનમોજી, એને તો કોઈ ઋતુની પાબંદી ક્યાં નડી છે? એને ક્યાં કોઈ નિયમો નડે છે? એ તો ત્યારે ય ગોરંભાયેલો જ હતો અને એકદમ ધમાકાભેર એ વરસી પડ્યો  અને વરસતો જ રહ્યો અને એ પછી તો એથી ય વધુ આશ્ચર્યની વાત એ બની કે કેટલાય દિવસથી ન દેખાતા સૂર્યનારાયણે પણ અચાનક દેખા દીધી. એ દિવસ સુધીના ઘેરા રાખોડી આકાશનું ઓઢણું હળવેકથી ખસેડીને, ઘેરાયેલા ગગનની ગંભીરતા છેદીને તડકો ય ફૂટી નિકળ્યો. વરસાદની વાછટમાં ભીંજાવાની રાહ જોતા બાળકો જેમ જરાક અમસ્તી છૂટ મળે અને કેવા કૂદી પડે એવી જ રીતે ભીંજાવા દોડી આવેલા બાળકોની જેમ તડકાએ પણ વરસાદમાં ન્હાવા દોટ મુકી. એને જોઈને પેલા લીલાછમ વૃક્ષો ય રાજી રાજી થઈને ચમકી ઊઠ્યા. એમની ચમકદમકથી આખું વાતાવરણ જાણે ઉજ્જવળ-ઉજ્જ્વળ..અને એ જલબિલ્લોરીની સાથે મન પણ બિલ્લોરી .

કાવ્ય પંક્તિ ઉષા ઉપાધ્યાય

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

1-કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

શ્રાવણ હળવી ગતિએ વહી ગયો અને પાછળ છોડી ગયો એની ભીની ભીની સુગંધ. શ્રાવણના સરવડાએ ચારેકોર વાતાવરણને લીલાછમ આવરણે મઢી લીધું છે. શ્રાવણ એટલે ઉત્સવો..ક્યાંક કૃષ્ણજન્મોત્સવ તો ક્યાંક મહાવીર ભગવાન જન્મોત્સવ અને હજુ તો ગણેશ સ્થાપના કે વિસર્જનની વાતો વાગોળતા હોઈશું અને સંભળાશે નવલી નવરાત્રીના ઢોલીડાનો ધમકારો.અને આ ચારેકોર ઉત્સાહ-ઉલ્લાસ અને ઉમંગનું વાતાવરણ જ આપણા જીવનમાં અવનવા રંગો પૂરી દે છે ને! આપણે સૌ પણ રોજ-બરોજની એકધારી દિનચર્યામાંથી જરા અમસ્તી હળવાશ અનુભવીને આ ઉત્સવો માણીશું.અને ત્યારે મનમાં એક વિચાર સ્ફૂર્યો કે આપણે રામ-કૃષ્ણ કે મહાવીરના જન્મથી માંડીને એમના જીવનને પણ કેવા અને કેટલા અનેરા ભાવથી જોઈએ છીએ. આપણો જન્મ અને જીવન પણ ઈશ્વરે દીધેલી એક અનોખી- અનેરી ભેટ છે તો શા માટે આપણે પણ આપણા જન્મ અને જીવનને એક ઉત્સવની જેમ ન જીવીએ? જીવનની એક એક ક્ષણને કેવી રીતે માણી શકીએ?
આજે આપણી આસપાસ નજર સમક્ષ ચારેકોર ફેલાયેલી વનરાજી કાલે સવારે કદાચ એના રંગ બદલશે અને રંગ બદલતી આ મોસમ પણ રાજી થઈને એ જ કહી રહી છે. બસ, લીલાછમ થઈને મહોરો. અને ખરતા પહેલા પણ રંગછટાનો વૈભવ વેરતા જાવ . નોર્ધન-ઈસ્ટ એટલેકે ઉત્તરપૂર્વીય અમેરિકાના રાજ્યોમાં શરૂ થશે પાનખર. ફૉલ સીઝન. બદલાતા રંગોની છટા. આપણા જીવનના નવ રસ-રંગની જેમ પેલા સુગર મેપલ, સૂમૅક કે ડૉગવુડ પણ લાલ, પીળા, કેસરી, શ્યામ ગુલાબી, પર્પલ, ચળકતા કિરમજી આછા ભૂખરા અને તપખીરિયા રંગો ધારણ કરશે. આપણે શ્રી અવિનાશ વ્યાસ રચિત ગીત સાંભળ્યું છે..
‘લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ
ફૂલડા ખીલ્યા ફૂલડા પર ભવરાં બોલે ગુનગુન’
પણ અહીં તો આ લીલાછમ ઝાડના પાન લાલ-પીળી કે શ્યામ ગુલાબી ઓઢણી ઓઢશે તો ક્યાંક કોઈ પીળું પિતાંબર પહેરીને ઉપર કેસરી ખેસ ધારણ કરશે. રંગ કરતાં મહત્વની છે રંગછટા. રંગોનો વૈભવ. ખરતા પાન પણ નજર સામે એક વૈભવી માહોલ ઉભો કરી દેશે.
આપણું જીવન આવા જ નવરસથી તરબોળ છે તો એ પણ એક આવો જ વૈભવ બની રહે એવું કરીએ તો!
આ વૈભવ છે મનનો. પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રાણતત્વનો-પ્રાણસત્વનો. કવિઓએ પણ આ જીવમાં રહેલા શિવ અને શિવતત્વને કંઈ કેટલાય શબ્દોના સાથિયા પૂરીને કવિતા સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કર્યા છે.
કવિતા એટલે એક એવી અભિવ્યક્તિ જેમાં થોડામાં ઘણું કહેવાઈ જાય. કવિતાને શબ્દોની સરિતા સ્વરૂપે આપણે સતત વહેતી રાખવાની છે.
તો શું કહો છો આપણે પણ વહીશું આ કવિતા શબ્દોની સરિતાના વહેણ સાથે?

કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

આજથી નવી ​કોલમ શરુ  કરીએ છીએ ..કોલમ નું નામ છે  “કવિતા શબ્દોની સરિતા”-જે દર સોમવારે   આપના સૌના માનીતા લેખિકા રાજુલ કૌશિક લખશે.આવો વિષય પરિચય કરાવું. 

વિષય પરિચય –
ગુજરાતી સાહિત્યમાં પ્રાચીન યુગથી  આજ સુધીના પાના ઉખેળીએ તો અનેક કવિઓએ  અનેક કવિતાઓની રચના કરી આપણને જીવનમાં પ્રેરણા આપી છે,સરિતાની માફક કવિતા પણ જીવનમાં  પ્યાસ બુજાવે છે. મીરાં, ગંગાસતી, નરસિંહ કે કોઈપણ પદો, રચના  વાંચીએ કે ગાઈએ તો જીવનની પ્રભાત ઉઘડેને ? લોકજીભે ચડેલા અને ફરતા ફરતા કેટલાય શબ્દપરીવર્તન પામેલી પંક્તિ કે  પદોના ભાવ આજેય અંતરના તાર ઝણઝણાવી જાય છે કેમ કે એ હૃદયના અવતરણો છે, પોતીકી મુદ્રા લઈને જન્મેલા શબ્દો પંક્તિ બની આવ્યા છે. સીધા સાદા શબ્દોમાં અત્યંત સરળતાથી અને છતાં અત્યંત ઉત્કટતાથી વ્યક્ત થતા આ શબ્દોમાં એવી કલામય અભિવ્યક્તિ છે આ તીવ્રતા ભાવકને હલબલાવી જાય છે. . વાચકને વિચરતા અને વિચારતા કરી મૂકે છે અને આ જ વાત લઈને આપણે સોમવારની શરૂઆત કરવી છે . આમ જોવા જઈએ તો દરેક કવિની રચના અને તેની પંક્તિઓ એક સંદેશ આપતી હોય છે.અત્યંત ઉત્કટ, સીમાડાઓ તોડી ગાંડીતૂર બનીને વહેતી ઇચ્છા કાવ્યમાં સાદા સીધા શબ્દોમાં પણ તારસ્વરે અનુભવાય છે.જયારે મન સેડ હોય અને મુડ  બેડ હોય ત્યારે બે પંક્તિ ગણગણો તો પાછા  ચાર્જ થઇ જશો.
કવિની પંક્તિ કોડિયાં નહીં, તન ‘જગવી દે’ છે.. એક નવી ઉર્જા, નવી શક્તિ, નવો ઉત્સાહ અને નવા જીવનનું સર્જન કરે છે.નવા અસ્તિત્વનું સર્જનની તાકાત કવિની પંક્તિમાં છે.. વિચારોને યોગ્ય રીતે શાબ્દિક દેહે અવતરણ કરી પંક્તિમાં મુકાય અને તેમાં ઊર્મિઓ ,લાગણીઓ ,અનુભવતા સ્પંદનો ,કલ્પનાઓ ભળે ત્યારે  માણસને અંદરથી  છન્નછેડી  લે છે પંક્તિઓ  જીવે છે પંક્તિ  જીવાડે છે પંક્તિ  જીવવાનું બળ  આપે છે, !! પંક્તિ હ્યદયમાં ઊર્મિ જગાડવાનું કામ કરે છે. આશાનું એક ઝરણું સદાય વહેતુ રાખે છે. આપણા સૌના જીવનમાં અમુક પંક્તિ સદાય જીવતી હોય છે.એવી પંક્તિઓની વાત લઈને રાજુલબેન હવેથી દર સોમવારે “કવિતા શબ્દોની સરિતા”શીર્ષક લઈને  આઠવાડિયાની શરૂઆત કરશે. વાત સુંદર નવી શરૂઆતની છે સુંદર જીવવાની છે.જીવનને સુંદર બનવવાની છે. 
બેઠક’ના આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા

21-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-રાજુલ કૌશિક

કસ્તુરી 

હેલ્લો શમિતા..
હલ્લો મમ્મા,
કેટલા દિવસથી તને ફોન કરું છું બેટા, સાસરે શું ગઈ મમ્માને ભૂલી જ ગઈ?
ના મમ્મા, તેં જ કહ્યું હતું ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે. મમ્મા તેં શીખવાડ્યું એમ તો કરવા ટ્રાય કરી રહી હતી. સાસરીમાં સાકર ઓગળવા જેટલો સમય તો આપવો જ પડેને? અને તું યાદ નહીં આવે તો કોણ યાદ આવશે? પણ મમ્મા સાચું કહું તારી સાથે વાત કરવી જ નહોતી. તું બહુ જ યાદ આવતી હતી અને મને ખબર નહીં ખાતરી હતી કે તારો અવાજ સાંભળીશ તો મારાથી રડી પડાશે.
આ વાત થઈ રહી હતી શમિતા અને એની મમ્મી વર્ષા વચ્ચે..
શમિતા…
વર્ષાબેન અને હર્ષદભાઈને એકની એક લાડકવાયી દિકરી. લાડ લડાવવામાં ક્યાંય કોઈ કમી રહી જતી તો એ શમિતાના દાદાજી પુરી કરી દેતા. પાણી માંગે ત્યાં દૂધની નદી જ વહેવડામાં બાકી રાખ્યું હશે. એ શમિતા આજથી દસ દિવસ પહેલા જ પરણીને પરાઈ થઈ ગઈ. સાચા અર્થમાં એ પરાઈ થઈ ગઈ હોય એવું એની મમ્મા તો ક્ષણે ક્ષણે અનુભવી રહી હતી. આજે દસ દિવસે શમિતા સાથે વાત કરીને જરા એના જીવને ટાઢક વળી.
આટલા લાડકોડ વચ્ચે ઉછરેલી શમિતાએ પોતાના નિર્ણયો તો પોતાને હસ્તક જ રાખ્યા હતા. હા એ ખુલ્લા મનથી મમ્મા-ડેડા કે દાદાજી સાથે એ પોતાના મત, માન્યતા કે મતાંતર વિશે ચર્ચા કરતી અને સ્વીકારવા જેવુ સ્વીકારતી પણ ખરી. મમ્મા-ડેડા કે દાદાજીના મંતવ્યનો સ્વીકાર ના કર્યો એણે એક પોતાની મનગમતી કારકિર્દી નક્કી કરવામાં અને બીજો સ્વીકાર ન કર્યો પોતાના જીવનસાથીની પસંદગીમાં.
શમિતાએ ના તો હર્ષદભાઈના બિઝનેસમાં જોડાવાનું નક્કી કર્યું કે ના તો વર્ષાબેને બતાવેલા યુવકોમાંથી કોઈની પર પસંદગીનું મત્તુ માર્યું. એણે તો પોતાની પસંદગી ઉતારી એક અપ-કમિંગ આર્કિટેક્ટ યુવાન પર. જોતાની સાથે જ નજરને બાંધી રાખે એવા મિલ્સ એન્ડ બુનની વાર્તાઓમાં આવતા ટોલ, ડાર્ક-હેન્ડસમ દેખાતા પ્રણવ પર. શાદી.કોમ પર આવતી જાહેરખબર જોઈને એણે પ્રણવ સાથે થોડા દિવસ ચેટ કર્યું અને પ્રણવના વિચારો પર એ એકદમ ફિદા થઈ ગઈ અને ઘરમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો. પરણીશ તો પ્રણવને જ…..અને ખરેખર એ પ્રણવને પરણીને જ રહી.
અને અમેરિકન સિટિઝન શમિતાનો સંસાર શરૂ થયો એચ.૧ વીઝાધારી પ્રણવ સાથે અને એના સંસારરથમાં ઉમેરાયો પ્રણવનો પરિવાર. પ્રણવના લગ્ન માટે અમેરિકા આવેલા પરિવાર પાસે છ મહિના રહેવાનો કાયદેસરનો પરવાનો તો હતો જ.
*******
એ છ મહિના પછીની એક વહેલી સવારે ઘરનો બેલ વાગતા દાદાજીએ બારણું ખોલ્યુ.
“ આવ શમિતા.” દાદાજીના અવાજમાં આશ્વાસનભર્યો આવકાર હતો
હાથ ફેલાવીને શમિતાને આવકારવા ઉભેલા દાદાજી કંઈ આગળ બોલે તે પહેલા તો કપાયેલી ડાળ જેવી શમિતા દાદાજીના હાથ વચ્ચે ફસડાઈ પડી અને તુટી પડ્યો એની આંખોમાં આજ સુધી રોકી રાખેલા આંસુઓનો બંધ.
શમિતા આજે પાછી આવી હતી.  અને એને આવી રીતે પાછી આવેલી જોઈને વર્ષા- હર્ષદભાઈ હેબતાઈ ગયા.
“શમિતા!” ..મમ્માના અવાજમાં આશ્ચર્યનો- આઘાતનો રણકો હતો.
“એને પહેલા શાંતિનો શ્વાસ તો લેવા દો” દાદાજીએ બહાર પેસેજમાં પડેલી શમિતાની બેગ ઉઠાવીને અંદર લીધી અને બારણું બંધ કર્યું. શમિતાને લાગ્યું જાણે દાદાજીએ એક આખા ભૂતકાળની વરવી યાદોને એ બારણા બહાર છોડી દીધી. હવે કોઈ ભૂતાવળ નથી, ક્યાંય કોઈ અવઢવ નથી. હવે એને એવી કોઈ યાદો સ્પર્શી નહીં શકે જેને એ પાછળ મૂકીને આવી છે.
વર્ષાબેનનો અજંપો વધતો જતો હતો. મનમાં ઉઠતો ધ્રાસ્કો કંઇક અજુગતું બન્યાના એંધાણ આપતો હતો.
“શમિતા, આમ? આવી રીતે? સાવ અચાનક? કહ્યું હોત તો તને એરપોર્ટ લેવા આવત અને પ્રણવ ક્યાં? વર્ષાબેનના સવાલો ખૂટતા નહોતા.
“ શમિતા પાછી આવી છે, પ્રણવથી છૂટી થઈને..”દાદાજીએ એક જ વાક્યમાં કહી દીધું..
*****
 અને શમિતાએ આ છ મહિનામાં બનેલી ઘટનાઓનું પોટલું ખુલ્લુ મૂકી દીધું. “ મમ્મા, મેં એ બધું જ કર્યું જે તેં શીખવાડ્યું હતું. તું કહેતી હતી ને કે સાસરીમાં સાકરની જેમ ભળી જજે અને કસ્તૂરીની જેમ મહેંકી ઉઠજે પણ કસ્તૂરીની મહેંકને માણે એવા એ સાચના સંબંધોના માણસો નહોતા એમના સંબંધો કાચના હતા. કસ્તૂરીની મહેંકથી મોહીને એને મારે એવા શિકારી હતા. મમ્મા, ફોન પર તને હું કહેતી હતી એ બધી જ ઠાલી વાતો હતી તારા જીવને દુઃખ ન થાય ને એટલે.”
“હું તને કહેતી રહી કે મારા મમ્મીજી તો હું ઓફિસથી પાછી આવું ત્યારે બધી રસોઈ તૈયાર રાખે છે, અમે બધા સાથે જમીએ પછી પ્રણવ અને પપ્પા થઈને કિચનનું કામ આટોપે અને પછી અમે બધા શાંતિથી બેસીએ. ક્યારેક વીકએન્ડમાં સાથે બહાર જઈએ, મુવી જોઈને બહાર જમીએ…આમાનું કશું જ બન્યું નહી મમ્મા, હું ઘાણીના બળદની જેમ પિલાતી રહી.”
“પ્રણવને માત્ર રસ હતો મારી સિટિઝનશીપ અને એના આધારે મળતા ગ્રીનકાર્ડ પર. એના મા-બાપને રસ હતો એમને અને એમના ઘરને સાચવે અને કમાઈને ઘર ભરે એવી છોકરીમાં.  મા, મેં જોબ ચાલુ રાખી, તું કહેતી હતી એમ એના પરિવારને પ્રેમથી સાચવવા મથી. એણે શું કર્યું ખબર છે? મમ્મા, એને એક ઘર જોઈતું હતું, એની વાત માનીને અમે ઘર લેવાનું નક્કી કર્યું . એ ઘર પણ મારા નામે લીધું. સિટિઝન હતી ને ! પ્રોપર્ટી તો મારા નામે જ લેવાય ને! અમે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવ્યો હતો. એને ગ્રીન કાર્ડ મળ્યું અને જોઈન્ટ એકાઉન્ટમાંથી બધા જ પૈસા ઉપાડીને એ અડધી રાતે ક્યાં ચાલ્યો ગયો એની ય મને તો ખબર નથી.”
“મમ્મા, સતત હું મારી કેરિયર અને કુટુંબ વચ્ચે તાલમેલ સાચવવા પુરેપુરુ મથી પણ જ્યાં પાત્ર જ ખોટુ હોય ત્યાં ગમે એટલુ કેસર ઘોળેલું દૂધ ભરોને તો ય એની કોઈ કિંમત જ નહી. પ્રણવને તો જોઈતું હતું મની મશીન. જે નોટો છાપે અને એ માત્ર મઝા કરે. મમ્મા તને મેં કીધુ નહોતું પણ મારી પરમેનન્ટ જોબ સિવાય પણ મેં વીકએન્ડમાં જોબ શરૂ કરી હતી. બેંકનું મોર્ગેજ બને એટલું જલ્દી ભરી શકાય એના માટે એણે મને સમજાવી લીધી.મને પણ ખબર નથી પડતી કે હું એવી કેવી એના મોહમાં આવી ગઈ કે એના કીધે. એના તાલે મેં નાચ્યા કર્યું.”
“શમિતા, શાંત થા”. વર્ષાએ એક શ્વાસે બોલતી શમિતાને જરા પોરો ખાવા કીધું.
પણ આજે શમિતા ઠલવાઇ જવા માંગતી હતી.
“મમ્મા, તમે બધાએ મને રોકી હતી પણ તમારી વાત એ વખતે મારા મનમાં ઉતરતી નહોતી. હું ઝઝૂમી, ઘણું મથી મારો સંસાર બચાવવા. કયા મોઢે હું પાછી આવું તમારી પાસે?”
“બેટા, જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર અને દિકરી પરણીને પરાઈ થાય પણ માવતર તો હંમેશા એના માટે ત્યાં જ નજર બિછાવીને બેઠા હોય છે જ્યાં એ એના કંકુવાળા થાપાની છાપ છોડી ગઈ હોય છે. કંકુવાળા થાપાની છાપ ભલે ઝાંખી થાય પણ દિકરી માટેની મમતા જરાય ઝાંખી નથી થતી અને છોકરાઓ ભૂલા પડે તો મા-બાપનું ઘર તો હંમેશા એમના માટે ખૂલ્લુ જ રહેવાનું”
વર્ષા શમિતાના વાંસે હાથ ફેરવતા એને હળવી કરવાનો આયાસ કર્યો.
“ મને ખબર છે. મમ્મા પણ હું પોતે સંજોગોએ સર્જેલી કસોટીમાંથી મારી રીતે પાર ઉતરવા મથતી હતી”
“અરેરે દિકરી તેં આટલું બધું વેઠ્યું અને અમને અંધારામાં રાખ્યા? તારા નિર્ણયોમાં અમારી સંમતિ નહોતી એનો અર્થ એવો નહોતો કે અમે તારી સાથે નહોતા. તું સુખી થઈ હોત તો અમને આનંદ થયો જ હોત પણ અમે માત્ર તારા સુખના સાથી બનીએ એટલા સ્વાર્થી પણ નથી. અમારું જે કંઈ છે એ અંતે તો તારું જ છે ને?” હર્ષદભાઈની આંખો તરલ થઈ ગઈ.
ડેડી, મારામાં મને વિશ્વાસ હતો. ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઉભા થઈને ફરી એકવાર મારે મારું આકાશ સર કરવું હતું અને હું ખુશ છું આજે હું એ કરી શકી છું. દાદાજીને લગભગ બધી જ ખબર હતી. એ દૂર રહીને પણ મને માનસિક સધિયારો આપતા રહ્યા હતા. ગુંચવાયેલું કોકડું ઉકેલવા મને સધિયારો અને સમજ આપતા રહ્યા. ખાલી તમને અને મમ્માને મારે જણાવવું નહોતું. કેમકે હું મારી જાતે ખોદેલી ખાઈ મારી જ મહેનતથી પુરવા માંગતી હતી. મને ખબર હતી જે ક્ષણે તને કે ડેડીને ખબર પડશે કે તરત જ તમે મને ઉગારવા, મને સંભાળી લેવા આવીને ઉભા રહેવાના જ છો અને મારે એ જોઈતું જ નહોતું. મમ્મા-ડેડી હું એ ગુંચવાયેલું કોકડું ઉકેલીને અહીં આવી છું. પણ હા! હવે મારે ત્યાં રહેવું નહોતું. એ શહેરના તમામ રસ્તાઓ જ્યાં પ્રણવ અને હું ક્યારેક ફરેલા એ રસ્તાઓ પરથી મારે પસાર નહોતું થવું. અહીંની સરસ મઝાની જોબમાંથી ટ્રાન્સફર લઈને મેં ત્યાં કામ કર્યું ત્યારે પણ પ્રણવે કોઈ કસર છોડી નહોતી. મને મનથી અને ધનથી ખાલી કરીને એ જતો રહ્યો..  મારા મનમાં એણે કુટુંબની આખેઆખી વ્યાખ્યા જ બદલી નાખી છે. આજ સુધી તમને બંનેને એક થઈને નિર્ણયો લેતા અને એ નિર્ણયોને અમલમાં મૂકતા જોયા હતા. મને પણ એવું જ હતું કે હું અને પ્રણવ એક થઈને અમારા સંસારની ઈમારત ઉભી કરીશું જેમાં અમારી મહેનતનો રંગ અને પ્રેમનું સુશોભન હશે.
“પણ બસ હવે હું એ બધું જ ભૂલીને હું ફરી એકવાર મારી રીતે ઉભી થઈ ગઈ છું.. પોકળ અને પામર પુરવાર થયેલા સંબંધોની પેલે પાર મારી એક આગવી ઓળખ ઉભી કરીશ. હવે ફરી એકવાર મારી કારકિર્દીની એક નવી ઈનિંગ રમવા તૈયાર થઈ ગઈ છું. હું સક્ષમ હોઈશ તો ફરી એકવાર એક નવો આશિયાનો પણ ઉભો કરીશ. થોડો વખત હું નબળી પડી ગઈ હતી એની ના નહી પણ હું હારી નથી ગઈ  કે નથી મારા જીવનના એ ભૂતકાળનો ડંખ મનમાં સંઘરીને મારી જાતને કોસવાની. દરિયા કીનારે ઉભા હોઈએ અને પગની નીચે મોજુ આવે, પગને થોડા પલાળીને પાછું વળી જાય. આપણા પગ નીચેની રેતી ય સરકી જતી લાગે પણ પગ સ્થીર હોય તો આપણે સરકી નથી જતાને ? બસ એવી રીતે હું મારા પગને સ્થીર રાખીને આગળ વધીશ. પ્રણવ નામના મોજાથી મારા પગની સ્થીરતાને ડગવા નહી દઉ એ વાત પણ નક્કી. હા! થોડા દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત માણીશ અને કાલે કોઈ એક નવો સંબંધ જે મને સમજે એને સ્વીકારવા પણ તૈયાર રહીશ.”
એ શમિતા આજે આટલા વર્ષે પણ માત્ર અને માત્ર પોતાની રીતે આગળ વધી રહી છે અને એ પોતાની કંપનીમાં અને સમજુ સાથીના સહકારથી સ્થીર અને સુખી જીવનમાં ખુશ છે. કસ્તૂરી એની પોતાની સુવાસથી મહેંકી રહી છે.

રાજુલ કૌશિક

૨૭-હકારાત્મક અભિગમ-આદર્શ નેતૃત્વ- રાજુલ કૌશિક

એક અદ્ભૂત શિક્ષક, સફળ  વૈજ્ઞાનિક ,મિસાઇલમેન અને ભારતના રાષ્ટ્રપતિ, અત્યંત સાલસ ઇન્સાન એવા શ્રી અબ્દુલ કલામે એમના જીવનના કેટલાક યાદગાર પ્રસંગોના ઉલ્લેખમાં એમની સફળતાનો શ્રેય એમની માતાને આપ્યો છે.

આમ જનતા સાથે મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. જ્યારે શ્રી અબ્દુલ કલામ જ્યારે ૧૯૮૦માં ભારતના સેટ્લેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોગ્રામના પ્રોજેક્ટ ડાઇરેક્ટર બન્યા તે સમયના તેમના અનુભવ વિશે વાત કરી છે.

રોહિણી ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મુકવાના એ પ્રોજેક્ટમાં હજારો લોકો સંકળાયેલા હતા. દરેક એક વ્યક્તિનો એમાં ક્યાંક નાનો-મોટો ફાળો તો હશે જ. ૧૯૭૯માં લગભગ તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી હતી. કંટ્રોલરૂમમાં ભેગા થયેલા માટે  કોમ્પ્યૂટરની એ છેલ્લી ચાર મિનિટની ગણતરી અતિ મહત્વની હતી.  ગણતરી શરૂ થઇ….ટીક…ટીક.. ..ટીક…પણ એક જ મિનિટમાં કોમ્પ્યૂટરે ક્યાંક કશું ખોટું હોવાનો સંકેત આપ્યો. નિષ્ણાંતોની ગણતરી પ્રમાણે તો બધુ જ બરાબર હતું એટલે રોકેટ છોડવામાં પણ આવ્યું પરંતુ ઉપગ્રહ અંતરીક્ષમાં જવાના બદલે રોકેટ સમેત બંગાળની ખાડીમાં જઈને ખાબક્યું. મિશન નાકામિયાબ રહ્યું. પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ ગયો.

સ્વભાવિક પ્રેસ, જનતા સમક્ષ આ ઘટના અંગે ખુલાસો તો કરવો જ રહ્યો. ઇસરોના ચેરમેન પ્રોફેસર શ્રી સતિષ ધવને સેટેલાઇટ રેંજ શ્રી હરિકોટા પર પ્રેસ કોન્ફરન્સ બોલાવી. અહીં વિશ્વભરના પત્રકારો સમક્ષ એમણે જે વાત કરી એ જીવનભર શ્રી અબ્દુલકલામ માટે  આદર્શ લીડરશીપનું દ્રષ્ટાંત બની ગયું.

સમયે પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલ કલામ હતા એટલે એક રીતે જોવા જઈએ તો પ્રોજેક્ટની સફળતા-નિષ્ફળતાની જવાબદારી એમની કહેવાય પરંતુ ઇસરોના ચેરમેન હોવાના નાતે નિષ્ફળતાની જવાબદારી સ્વયં પર લેતા પ્રોફેસર સતિષ ધવને પ્રેસ સમક્ષ એવું કહ્યું કે વૈજ્ઞાનિકોની ટીમે ખુબ મહેનત કરી હતી પણ ટેકનિકલ સપોર્ટની ખામીના લીધે આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે.

ફરી જ્યારે ૧૯૮૨માં ઉપગ્રહ તરતો મુકવામાં સફળતા મળી ત્યારે પ્રોફેસર સતિષ ધવને એ દિવસની પ્રેસ કોન્ફરન્સ સંભાળવાની જવાબદારી અબ્દુલ કલામને સોંપી. અર્થાત નિષ્ફળતાના સમયે આગળ વધીને જવાબદારી લીધી અને સફળતાનો યશ ટીમને આપ્યો.

સીધી વાત–આગળ કહ્યું તેમ .. મોટાભાગે એવું જ બનતું હોય છે કે કાર્યમાં સફળતા મળે તો એ સિધ્ધિની યશકલગી હોંશે હોંશે સૌ પોતાના શિરે પહેરી લે પણ નિષ્ફળતાનો ભાર તો એકદમ સહજતાથી અન્યના શિરે જ નાખી દે. સારા બનવું સૌને ગમે સાચા બનવાની તૈયારી કોનામાં અને કેટલી? અબ્દુલ કલામ કહે છે કે એ દિવસે મેનેજમેન્ટનો સૌથી મહત્વનો અને ઉમદા પાઠ મને શીખવા મળ્યો. જીવનમાં ઘણીવાર એવું બને કે કોઇ પાઠશાળા કે જ્ઞાનપીઠ કરતાંય આપ અનુભવ કંઇક વધુ સચોટ અને કાયમી દ્રષ્ટાંત બની રહે.

 

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૬-હકારાત્મક અભિગમ- સુખનું સરનામું- રાજુલ કૌશિક

સમયની સાથે તાલ મેળવવાની કે જે તે ક્ષેત્રમાં ટકી રહેવાની મહત્વકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે કેટલી માનસિક સજ્જતા રાખવી પડે એનાથી આજે કોણ અજાણ છે? કેટલાક એવા છે જેમના પર પોતાના સપના સાકાર કરવાની ભરચક જવાબદારીઓ છે અને એને પહોંચી વળવાની મથામણના લીધે માનસિક તાણ અનુભવે છે તો કેટલાક એવા ય છે જેમની પાસે કલ્પના કરતાં ય વધુ સમૃદ્ધિ છે,  સાત પેઢી ખાય તો ય ન ખૂટે એવા ધન ભંડાર ભરેલા છે ત્યારે એમને સમય અને પોતાની શક્તિનો ક્યાં ઉપયોગ કરવો એની મથામણ છે.

એવા જ એક ધનાઢ્ય પરિવારની મહિલા માનસચિકિત્સક પાસે પહોંચી. અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રોમાં સજ્જ એવી મહિલાને પોતાને એવું લાગતું હતું કે એનું જીવન અર્થહિન છે. કોઇ ધ્યેય વગરના જીવનને લીધે એ અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. અહીં આ કેબિનમાં માનસચિકિત્સક પાસે આવતી વ્યક્તિ પુરેપુરી ઠલવાઇ જાય એ જરૂરી હોય છે એટલે માનસચિકિત્સકે શાંતિથી એ મહિલાની વાત સાંભળી લીધી.

ત્યારબાદ ડૉક્ટરે એમની ઓફિસ સાફ કરતી બાઇને બોલાવી. ધનાઢ્ય મહિલાને કહ્યું કે હું ઇચ્છું છું કે કોઇપણ ટ્રીટમેન્ટ ચાલુ કરું એ પહેલા આની વાત સાંભળી લો. કામ કરતી બાઇએ પોતાના હાથમાંથી સફાઇના સાધનો એક બાજુ મૂક્યા અને વાત માંડી.

એના કહેવા પ્રમાણે એનો પતિ થોડા સમય પહેલા કેન્સરથી બિમારીમાં ઝઝૂમીને  મૃત્યુ પામ્યો હતો. એનો દિકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. હવે એની સાથે કોઇ નહોતું, એની પાસે કશું જ નહોતું.  આ બેવડા આઘાતના લીધે એ એવી તો સન્ન થઈ ગઈ હતી કે એના કહેવા પ્રમાણે રાતે એ સૂઇ પણ શકતી નહોતી, ખાવાની પણ સૂધ રહી નહોતી. એ સ્મિત કોને કહેવાય એ ભૂલી ગઈ હતી. જીવવા માટે કોઇ કારણ નહોતું. અત્યંત હતાશાએ એને ઘેરી લીધી હતી અને પરિણામે એને પોતાના જીવનનો અંત આણવાની ઇચ્છા થઈ આવતી. પછી એક દિવસ એવું બન્યું કે એ ઘેર પાછી વળતી હતી ત્યારે બિલાડીનું એક નાનકડું બચ્ચુ એની પાછળ પાછળ એના ઘર સુધી આવી ગયું.

“ કોને ખબર કેમ પણ મને એ બચ્ચાની દયા આવી ગઈ. એ બાઇએ પોતાની વાત માંડી. બહાર સખત ઠંડી હતી એટલે મેં એને ઘરની અંદર લીધું. એક પ્લેટમાં થોડું દૂધ ભરીને એની પાસે મુક્યું. બચ્ચાએ પળવારમાં બધુ  દૂધ ચાટી પ્લેટ સફાચટ કરી દીધી  પછી એ મારા પગ પાસે બેસીને મારા પગને ચાટવા માંડ્યુ. કેટલાય સમય પછી મારા ચહેરા પર સ્મિત ફરક્યું. એ પછી મને વિચાર આવ્યો કે જો આટલા નાના બચ્ચા માટે આટલું અમસ્તું કર્યું તો મને મારું ખોવાયેલું સ્મિત પાછું મળ્યું તો  વધારે લોકો માટે જો કંઇ કરી શકું તો કદાચ મારા મનને વધુ આનંદ મળશે. એટલે બીજા દિવસે મેં થોડા બિસ્કિટ બેક કર્યા અને મારા પાડોશી જે કેટલાક સમયથી પથારીમાં હતા એમના માટે લઈને ગઈ. કોઇક છે જે તમારી પરવા કરે છે એ વિચારથી એ રાજી થયા. એમનો રાજીપો જોઇને મને પણ આનંદની સાથે સંતોષ થયો. તે દિવસથી હું અન્ય કોઇ માટે કંઇ સારુ કરવાનો પ્રયત્ન કરું છું, કોઇને પણ મારાથી બની શકે એટલી મદદ કરવા પ્રયત્ન કરું છું અને એના લીધે એમને ખુશ જોઇને મને પણ ખુશી મળે છે. આજે મને લાગે છે કે મારાથી વધારે સારી ઊંઘ ભાગ્યેજ કોઇને આવતી હશે. અન્યને ખુશી આપવાથી આનંદ શું છે એ મને સમજાયું છે. આજે મને મારા જીવવાનો મતલબ સમજાયો છે.”

બાઇએ પોતાની વાત પુરી કરી અને એની વાત સાંભળીને પેલી શ્રીમંત મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.એને સમજાયું કે એની પાસે દુનિયાભરની એ તમામ ભૌતિક વસ્તુઓ હતી જે એ પૈસા ખર્ચીને ખરીદી શકતી હતી પણ એણે જે ખોયું હતું એ દુનિયાભરનો પૈસો ભેગો કરીને પણ ખરીદી શકે એમ નહોતી.

સીધી વાત- આપણે કેટલા ખુશ છીએ એના પર જીવનની સાર્થકતા નિર્ભર નથી પણ આપણા થકી બીજા કેટલા ખુશ થઈ શકે છે એમાં જીવનની સાર્થકતા છે. પ્રસન્નતા એ મંઝીલ નથી પણ એક સફર છે કે જેમાં આપણે જેટલાને સામેલ કરી શકીએ સુખ એટલું બેવડાય છે. સુખની સફરને કાલ પર નિર્ભર ન રાખી શકીએ. એ તો આજે જ, આ ક્ષણથી શરૂ થવી જોઇએ. પ્રસન્નતાનો પ્રવાસ અન્ય કોઇ સમય પર અવલંબિત ન રાખતા આજથી – આ ક્ષણથી અમલમાં મુકવાનો પ્રયાસ છે- પ્રસંગ છે. તમારી પાસે શું છે એના કરતાં તમે શું કરી શકો છો એમાં પ્રસન્નતા સમાયેલી છે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૫- હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ-રાજુલ કૌશિક

જીવનના કોઇપણ રસ્તા સહેલા-સુગમ જ હોવાના , દરેક ચઢાણો સરળ જ હોવાના એવી માન્યતામાં કેટલું તથ્ય? જીવનમાં આગળ વધતા કોઇ રસ્તો  ઉખડ-બાખડ ન આવે તો એ આપણું સદનસીબ. પરંતુ જીવનમાં આવતી સમસ્યાને જોનારાના પણ અલગ-અલગ દ્રષ્ટીકોણ હોવાના. એના માટે અહીં બે વાત યાદ આવે છે.

એક છે શાહમૃગવૃત્તિ.  પક્ષીઓમાં વિશાળ અથવા કદાવર કહી શકાય એવા ઉત્તર આફ્રિકામાં જોવા મળતા શાહમૃગની પ્રકૃતિથી આપણે જ્ઞાત છીએ. જ્યારે એનો શિકાર કરવા કોઇ પીછો કરે ત્યારે એ જાત બચાવવા દોડવા કે સામનો કરવાના બદલે એ પોતાનું માથું જમીનમાં ખોસી દે છે અને એવું માની લે છે કે હવે એને કોઇ જોઇ શકશે નહીં. એનું કદ વિશાળ હોવાના લીધે એ ઊડી નથી શકતું એ સમજાય એવી વાત છે પણ જે મજબૂત પગ એને મળ્યા છે એના સહારે એ દોડવાને તો શક્તિમાન છે જ એવી સમજણના અભાવે એ માથુ રેતીમાં ખોસીને નિશ્ચિંત બની જાય છે કે હવે એને મુસીબત આંબી નહી શકે.

બીજુ ઉદાહરણ છે શાહમૃગના જેવી જ કદાવર કાયા ધરાવતા એની જેમ જ આફ્રિકામાં  જોવા મળતા જિરાફની. જિરાફનું બચ્ચું જન્મ સમયે માતાના ગર્ભમાંથી જે ઊંચાઇએથી જમીન પર પછડાય છે ત્યારે એ નવજાતને બચ્ચાને માંડ કળ વળી ના વળી અને મા એ નવજાત બચ્ચાને પોતાના પગ વડે જોરથી લાત મારે અને જરા આઘી જઈ ઊભી રહે. આઘાત લાગે એવી વાત છે નહીં? પણ એ વાસ્તવિક હકીકત છે. બચ્ચુ ઊભુ થવા પ્રયત્ન કરે ત્યાં તો ફરી એક લાત.. ફરી બચ્ચુ ઊભુ થવા જાય અને ફરી એક લાત. માન્યામાં ના આવે એવી વાત છે ખરૂં ને? અંતે લાત ખાઇ ખાઇને બચ્ચુ ફરી બીજી લાત ન પડે એના માટે ઊભુ થઇને દોડવા માંડે અને ત્યારે જઈને  માતા- જિરાફ એના બચ્ચાને વ્હાલથી ચાટવા માંડે છે. મા છે. એને ય બચ્ચુ વ્હાલું તો છે જ પણ એ જાણે છે કે જો જન્મથી જ એને આત્મ-રક્ષણ માટે સજ્જ નહી કરવામાં આવે તો નવજાત પ્રાણીનું તાજું માંસ પસંદ છે એવા જંગલી પ્રાણીઓ એને ફાડી ખાશે.

છે ને બે વિરોધાભાસી વાત?  એક છે સમસ્યાથી દૂર ભાગતી, ઉકેલ લાવવાના બદલે એને નજરઅંદાઝ કરવાની વૃત્તિની અને બીજી છે સકારાત્મક દ્રષ્ટીકોણ ધરાવતી, કોઇપણ સમસ્યાને સામી છાતીએ પહોંચી વળવા જાતને સજ્જ રાખવાની વૃત્તિની. આવી વ્યક્તિઓમાં બીજી પણ એક ખાસિયત જોવા મળશે. એ કોઇપણ સમસ્યાનો સામનો કરવાના સૌથી શ્રેષ્ઠ માર્ગના વિકલ્પ શોધશે. જો ક્યાંક કોઇ ગણતરી ખોટી પડી તો નિસંકોચ ભૂલ સ્વીકારીને અન્ય વિકલ્પ અજમાવશે. શાહમૃગની જેમ મ્હોં  તો નહીં  જ સંતાડે.

જીવન જીવી લેવું અને જીવી જાણવું , બંનેમાં ફરક તો ખરો જ..

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

૨૪ – હકારાત્મક અભિગમ- સ્વથી સર્વ સુધી- રાજુલ કૌશિક

આજે ફરી એકવાર ઘેર બેઠા વહેતી સોશિઅલ ગંગામાંથી જરા અમસ્તુ આચમન…..

એક કૉર્પરેટ કંપનીના મોટા હૉલમાં કંપનીના લગભગ બધા મેમ્બરને એકઠા કરવામાં આવ્યા હતા. પ્રસંગ હશે એ સૌને મોટિવેટ કરવાનો. હૉલમાં અર્ધ ગોળાકારે ગોઠવાયેલી બેઠક પર સૌ મોટી કંપનીને છાજે એવા સુટ-કોટ-ટાઇમાં બિરાજમાન હતા. હવે તો કૉર્પરેટ કંપનીમાં કામ કરતા સભ્યોની માનસિક તેમજ શારીરિક સ્વસ્થતાને પ્રાધાન્ય આપવાનું ચલણ અને વલણ વધતું જાય છે. ( સારી વાત છે નહીં?)

પ્રવક્તાએ સ્ટેજ પર આવીને માઇક હાથમાં લેતા આ પ્રસંગને અનુરૂપ પ્રસ્તાવતા બાંધી. થોડી મહત્વની વાતો કરીને સૌને એમની સાથે સાંકળી લેતા એક ઘોષણા કરી.

“ આજના આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા આજના આ મહત્વના કાર્યક્રમ તરફ આગળ વધતા પહેલા હું ઇચ્છીશ કે અહીં ઉપસ્થિત સન્માનીય સભ્યો આપની જગ્યાએથી ઊભા થઈને હૉલમાં ઉપસ્થિત સૌને મળે, હાથ મિલાવે અથવા એકમેકને ભેટે.”

આ માટે પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી. સમય પુરો થતા સૌ પોત-પોતાની બેઠક પર ગોઠવાયા પછી પ્રવક્તાએ ફરી એકવાર માઇક હાથમાં લેતા ઘોષણા કરી.

“આપ સૌને ખાતરી છે કે આપે સૌને મળી લીધું છે?.. કદાચ તમારો જવાબ હશે હા.. પણ હું કહીશ કે ના.. કારણ આપ સૌએ મોટાભાગનાને તો મળી લીધું પરંતુ હું પણ અહીં ઉપસ્થિત જ હતો તેમ છતાં મને તો કોઇ મળવા આવ્યું જ નહીં. એટલું જ નહીં પણ કેટલાક એવા સભ્યો પણ હતા કે  જે પોતાની જગ્યાએ જ બેસી રહયા હતા એમને પણ કોઇ મળવા ગયું નહી. કારણ?”

હૉલમાં તો કોઇની પાસે જવાબ હતો નહીં.

પ્રવક્તાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું …“કારણ માત્ર એટલું જ કે મોટાભાગના સૌ પોતાની આસપાસ સુધી જ વિસ્તરેલા હોય છે.  મોટાભાગનાને પોતાના વર્તુળથી બહાર નિકળીને અન્ય સુધી પહોંચવામાં રસ નથી હોતો. કેટલાક એવા હતા જે પોતાની જગ્યાએથી ઊભા જ નહોતા થયા. જે ઊભા નહોતા થયા એમને સામે ચાલીને મળવા કોઇ આગળ વધ્યુ નહી.

સીધી વાત- દોસ્તી માટે જો હાથ લંબાવીએ તો જ દોસ્ત મળી રહેશે. તાલી એક હાથે ક્યારેય વાગતી જ નથી. સંબંધો વિકસાવવા માટે અંતરથી અને અંદરથી ખુલવાની જરૂર છે. આ વાત છે અપેક્ષા વગર, આપમાંથી બહાર આવી અન્ય સુધી પહોંચવાની. સ્વથી માંડીને સર્વ સુધી વિસ્તરવાની. દરેક સંબંધને જો નફા-નુકશાનના ત્રાજવે તોળવામાં આવશે તો શક્ય છે કે સાચો અને સારો સંબંધ ક્યાંય પામી નહી શકીએ.  ક્યારેક સ્વાર્થ વગરના પણ સંબંધ વિકસી શકે છે એવું સમજી લેવાની ય જરૂર છે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

`