વિષય પરિચય -હકારાત્મક અભિગમ-

 મિત્રો અહી આપણે એક નવો જ વિભાગ શરુ કરીએ છે. દર સોમવારે રાજુલ કૌશિક એક હકરાત્મક ઉર્જા દેતો લેખક મૂકી નવા અઠવાડિયાની શરૂઆત કરશે.

 મારા જીવનની પ્રવૃતિઓનું એક મહત્વનું કેન્દ્ર બિંદુ તે ‘બેઠક’ છે.તમે જાણોછો તેમ વિચારો જ આપણું વ્યક્તિત્વ છે, આપણા વિચારો જ આપણું ઘડતર કરે છે.વાંચન અને સર્જન દ્વારા મારે બધાને સાંકળવા છે. ઘણાને મેં અઘરું લખતા જોયા છે પણ સાચું કહું સરળ લખવું અઘરું છે. જે રાજુલબેનની  આવડત છે. દર સોમવારે એક સુંદર હકારાત્મક અભિગમ આપી  અને ‘બેઠક’ના વાચકોને સમૃદ્ધ કરશે.

મિત્રો તેમણે મારા આ સુજાવને સ્વીકારી આજથી “હકારાત્મક અભિગમ” ના શીર્ષક હેઠળ દર સોમવારે લખવા તૈયાર થયા છે.વાત અજવાળું પાથરવાની છે. 

આપ સૌ એમના આ સહકારને વધાવશો તો આનંદ થશે. 

પ્રજ્ઞા દાદભાવાળા

ચાલો લહાણ કરીએ -(૧૧) યે તો સચ હે કી ભગવાન હે -રાજુલ કૌશિક

 

ये तो सच है की भगवान है
है मगर फिर भी अन्जान है
धरती पे रूप माँ-बाप का
उस विधाता की पहचान है!

जन्मदाता हैं जो, नाम जिनसे मिला
थामकर जिनकी उंगली है बचपन चला
कांधे पर बैठ के, जिनके देखा जहां
ज्ञान जिनसे मिला, क्या बुरा, क्या भला
इतने उपकार हैं क्या कहें
ये बताना न आसान है
धरती पे रूप…

जन्म देती है जो, माँ जिसे जग कहे
अपनी संतान में, प्राण जिसके रहे
लोरियां होंठों पर, सपने बुनती नज़र

नींद जो वार दे, हँस के हर दुःख सहे
ममता के रूप में है प्रभू
आपसे पाया वरदान है
धरती पे रूप…

आपके ख्वाब हम, आज होकर जवां
उस परम शक्ति से, करते हैं प्रार्थना
इनकी छाया रहे, रहती दुनिया तलक
एक पल रह सकें हम न जिनके बिना
आप दोनों सलामत रहें
सबके दिल में ये अरमान है
धरती पे रूप…….

આ સમગ્ર જગતનું જેણે સર્જન કર્યું છે એવા જગતનિયંતાને કોણે જોયા? કોણે જાણ્યા ? પરંતુ એક વાત નિર્વિવાદરૂપે સૌએ સ્વીકારી છે કે એક પરમ તત્વ છે જે આ સમગ્ર સૃષ્ટિના રચયિતા છે. જે એને સ્વીકારે છે એ તો એને દરેક સ્વરૂપમાં શોધી લે છે. સૂર્યના આગમનથી ફેલાતા ઉજાસમાં, આથમતી સંધ્યાના રંગોમાં, શીતળતા ફેલાવતી ચાંદનીમાં, અમાવસના અંધકારમાં ટમટમતી તારલીઓમાં, કળીમાંથી પૂર્ણ સ્વરૂપે ખીલતા ફુલમાં, પવનની પાંખે ઉડી આવતી એ ફુલોની સુગંધમાં અને સૌથી વધુ સાક્ષાત સ્વરુપે માતા-પિતામાં.

આ સાક્ષાત સ્વરૂપ માતા-પિતાના સ્વીકારની વાત અત્યંત ખુબસુરતીથી રજૂ થઈ છે ફિલ્મ “ હમ સાથ સાથ હૈ” માં. ફિલ્મ “ હમ સાથ સાથ હૈ” નું આ હ્રદયસ્પર્શી ગીત મારા મનને ખુબ સ્પર્શી ગયું છે અને આજે પણ એટલું જ ગમે છે. જ્યારે સંતાનો નાના હોય ત્યારે માતા-પિતા જે પ્રેમ અને વ્હાલથી, જે સહિષ્ણુતાથી એમનું જતન કરે છે એ જ પ્રેમ , એ જ વ્હાલ અને એ જ સહિષ્ણુતા સંતાનો મોટા થાય ત્યારે પણ અકબંધ જ હોય છે. આ પ્રેમ અને વ્હાલને જે મોટા થઈને પણ માણી શકે તે જ ઇશ્વરના આ અપ્રગટ રૂપને જાણી શકે છે. માતા- પિતાના હ્રદયમાંથી વહેતું સ્નેહ ઝરણું તો એ અપ્રગટ ઇશ્વરનું વરદાન છે, જેના હોવાની પ્રતીતિથી આપણે અજાણ છીએ એવા ઇશ્વરની એ ઓળખનું આ ધરતી પરનું જીવંત સ્વરૂપ છે.

આ અવની પર આપણું અસ્તિત્વ જેના લીધી છે એવા માતા-પિતાના આપણી પર અનેક ઉપકાર છે. આપણી ઓળખ જેના થકી છે એવા પિતાની આંગળી થામીને આપણે આ પા-પા પગલી માંડતા શીખીએ છીએ ત્યારે એ જે સ્નેહથી આપણી કેડી કંડારે છે, જે હથેલીના છાંયે આપણને સુરક્ષિત રાખે છે એ આપણા પિતાની હથેલી પરમપિતા પરમેશ્વરે બક્ષેલું સુરક્ષા કવચ જ તો છે. જેમની નજરે આપણે સારા-નરસાની, સાચા- ખોટાની પરખ જોતા શીખીએ છીએ એ નજરમાં ય તો પરમપિતાની અમી દ્રષ્ટી ભળેલી નથી? સુખ અને સતત સુખની કામના કરતાં આપણા પિતાના તો જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા જ છે. ઇશ્વર જાણ કહે છે કે તારા હાથને થતા તારા પિતાના હાથના સ્પર્શમાં હું છું બસ માત્ર આ સંવેદના અનુભવતા શીખ. હું તારા પિતા સ્વરૂપે તારી આસપાસ છું જ.

અને આપણી જન્મદાતા મા?

એકવાર એક બાળકે એકદમ સહજતાથી ભગવાનને સવાલ કર્યો …. “ પ્રભુ, તમે મને અહીં તમારી પાસેથી જે નવી દુનિયામાં મોકલી રહ્યા છો ત્યાં મારું કોણ?”

પ્રભુએ હસીને જવાબ આપ્યો  “ત્યાં એક દેવદૂત તારી રાહ જોઇ રહ્યા છે.”

“પ્રભુ, પણ હું એને ઓળખીશ કેવી રીતે?”

“ એ તને એના હાથમાં લેશે એ સ્પર્શથી જ તું જાણી લઈશ..” અને બાળકે રાજીખુશીથી આ દુનિયામાં અવતરણ કર્યું.

ઇશ્વર દરેક જગ્યાએ હાજર નથી રહી શકતા માટે  આપણી સંભાળ લેવા ઇશ્વરે જે દેવદૂતનું સર્જન કર્યું એને નામ આપ્યું –“ મા”…

જેના રક્ત માત્રથી જ નહીં લાગણીથી આપણો પિંડ બંધાયો એવી મા માટે તો દુનિયાના સર્વ સુખ આપણમાં જ સમાઇ જાય છે. પોતાના સંતાનને સૌ પ્રથમ વાર હાથમાં લેતી માતાને જોઇ છે? એ વખતે બાળકના પ્રથમ સ્પર્શનું સુખ એના રોમ-રોમથી પ્રગટી ઉઠે છે.નવ-નવ માસ સુધી પોતાના ઉદરમાં જેના અસ્તિત્વનો

એહસાસ માત્ર અનુભવ્યો છે એ મા તો આપણા જન્મ પહેલાથી જ એની આંખમાં આપણા સુખનું સપનું આંજીને બેઠી હોય છે અને સતત આપણા એ સુખના સપનાને આપણી સાથે જ એના મનમાં ઉછેરે છે.નાના બાળકને હાલરડું ગાતી માની હલકમાં વેદ કે ઋચાથી જરાય ઓછી ઊંડાઇ કે ઊંચાઇ નથી હોતી. અનુભવીએ તો માની મમતામાં જ આપણને ઇશ્વરીય વરદાનનો સાક્ષાત્કાર થશે.

જ્યારે આપણે જુવાનીના ઉંબરે આવીને માતા-પિતાના એ સપનાને પુરી કરવાની પગથારે ઉભા રહીએ છીએ ત્યારે માતા-પિતાનો સ્નેહ મળ્યો છે તેના માટે પરમશક્તિ પરમેશ્વરને પ્રાર્થના કરવાનું કેમ ભુલાય? આપણી વયવૃધ્ધિ સાથે માતા-પિતા પણ વૃદ્ધત્વ તરફ એમના કદમ માંડી રહ્યા હોય ત્યારે પણ મારી જેમ મહદ અંશે સૌ એમ જ ઇચ્છતા હશે કે હરદમ એમની છત્રછાયા આપણા પર રહે. આપણી એક ક્ષણ પણ એમના વિના અધૂરી છે. માતા-પિતા જ આપણી સલામતી ઇચ્છે છે ? ના ! આપણને પણ એમની સલામતીની ખેવના હર પળ રહેતી જ હોય છે. જીવન છે ત્યાં સુધી એમની સ્વસ્થતા, સુખાકારી માટે આપણે પણ પ્રાર્થીએ છીએ ને?   આખી વાત “ હમ સાથ સાથ હૈ” માં કેટલી સુંદર રીતે રજૂ થઈ છે? રાજશ્રી ફિલ્મ એટલે પારીવારિક ફિલ્મ. આ ફિલ્મમાં પણ ચારે સંતાનોએ જે રીતે માતા-પિતાની સરાહના કરી છે એના માટે દિલ દાદ દે છે. આવું દ્રશ્ય જોઇએ ત્યારે એ આપણને  સુખદ અનુભૂતિની પારાકાષ્ટાએ લઈ જાય છે.

આજકાલ ચારેકોર ફેલાયેલી ફેસબુકની માયાજાળમાં આજે જ એક અત્યંત સંવેદનશીલ ક્લિપ જોઇ. સાંજ ઢળે એક યુવતિ જોગીંગ કરીને સાગર તટે આવીને બેસે છે. નજર સામે રેલાતા સંધ્યાના સુંદર રંગોને જુવે છે, માણે છે અને આદતવશ એના ફોટા પાડીને ફેસબુક પર અપલોડ કરે છે. બાજુમાં જ એક પ્રૌઢ મહિલા બેઠી છે. બંને વચ્ચે સંવાદ રચાય છે.

યુવતિ કહે છે કે  “મને તો આ સંધ્યાના રંગો જોવા બહુ ગમે છે.”

અને પછી એ મહિલાને પુછે છે  “તમને પણ ગમે છે?”

મહિલા જવાબ આપે છે. “ મને પણ ગમે છે કારણકે એ થોડીવારમાં મને મારા સપનાની નજીક  લઈ જશે.”

યુવતિ અસમજમાં કારણ પુછે છે..

મહિલા કહે છે “ બેટા, અમારી દુનિયા સપના અને આશા વચ્ચે ઝુલતી રહેતી હોય છે.”પછી એ યુવતિને પુછે છે “બેટા, તું હમણાં ફેસબુકની વાત કરતી હતી ને? તું ફેસબુક પર મને કોઇને શોધી આપી શકે?”

યુવતિ જરા પાસે આવીને નામ પુછે છે.મહિલા નામ આપે છે. યુવતિ એ નામધારી વ્યક્તિને ક્ષણવારમાં ફેસબુક પરથી શોધી આપે છે અને પુછે છે “ કોણ છે આ?”

એ પછીની વાત દિલ સુધી અસર કરી જાય એવી છે. મહિલા ઓળખ આપે છે અને કહે છે …

“ દિકરો છે મારો..મારાથી દૂર જતો રહ્યો છે. બહુ દૂર. બાળકો જ્યારે નાના હોય છે ને ત્યારે એ ગમે તેટલો ગુસ્સો કરે, જીદ કરે પણ મા-બાપ એમને મનાવી જ લે છે પણ જ્યારે એ  બાળકો મોટા થાય છે ત્યારે મા-બાપની નાની અમસ્તી વાત પર પણ એમને ગુસ્સો આવી જાય છે અને મા-બાપને છોડીને જતા રહે છે. મારો દિકરો પણ મને મુકીને જતો રહ્યો છે. મેં એને શોધવાનો ખુબ પ્રયત્ન કર્યો. એ ગયો ત્યારે એની પત્નિ પ્રેગ્નન્ટ હતી . અત્યારે તો એનું બાળક સાડા ત્રણ વર્ષનું થઈ ગયું હશે. મને તો એ પણ ખબર નથી કે એ દિકરો છે કે દિકરી. રોજ હું અહીં આવીને બેસુ છું અને એક કલ્પનામાં જીવું છું કે મારો પૌત્ર કે પૌત્રી કેવા દેખાતા હશે ? જ્યારે તારી પાસે ફેસબુકનું નામ સાંભળ્યું ત્યારે મને થયું કે કદાચ આજે મારી કલ્પનાને આકૃતિ મળી જશે અને બાકીની જીંદગી એ સુરત જોઇને પસાર કરી દઈશ.”

આ વિડીયો ક્લિપે મનને ઉદાસ કરી મુક્યુ. આવું પણ બનતું હોય છે ને? વૃદ્ધાશ્રમો પણ એટલે જ ઉભરાતા હશે ને? પણ ત્યારે રણમાં મીઠી વીરડી જેવું આ ગીત મનને એટલી તો શાતા આપે છે કે હજુ ય સંવેદનાઓ બચી છે. આ ગીત મને ખુબ ગમે છે કારણકે એમાં મને  મારી લાગણીઓનો પડઘો સંભળાય છે. આ ગીત મને કાલે પણ ગમ્યું હતું, આજે પણ ગમે છે અને હરદમ, હર ક્ષણે મને ગમવાનું જ છે.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

‘બેઠક’ને સજાવો-રાજુલ કૌશિક શાહ

rajul Shah

પ્રિય પ્રજ્ઞાબેન,મઝામાં જ હશો અને આ શુક્રવારે મળતી બેઠક માટે કાર્યરત પણ હશો.ગયા વર્ષમાં બે વાર સાનફ્રાન્સિસ્કોની મુલાકાત અનાયાસે લેવાની થઈ એને હું મારી ખુશનસીબી માનું છું. ક્યારેય ન જોયા હોય એવા ચહેરા આજે એટલા જાણીતા અને માનીતા બની ગયા છે. ક્યારેય ન મળ્યા હોઇએ એવી વ્યક્તિઓ માટે ક્યાંય અજાણપણું લાગતું નથી. ખુબ ઉમળકા અને અત્યંત ધગશથી તમે સૌ ‘બેઠક’ને સજાવો છો એ પણ જોયું છે. સાચે જ મઝાની વાત છે.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત….

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ગુર્જરીની મહોલાત..

જ્યારે જ્યારે પરદેશમાં દેશી ભાષા એટલે કે માતૃભાષા સાંભળવા, વાંચવા મળે ત્યારે અરદેશર ફરામજી ખબરદારની આ કવિતા અચૂક યાદ આવે.

એક સમય હતો જ્યારે અમેરિકામાં રહીને ઘરની બહાર નિકળીએ અને જો કોઇને ગુજરાતી તો શું હિન્દી બોલતા સાંભળીએ તો પણ કાન જ નહીં મન પણ ઉત્તેજીત થઈ જતું અને એ વ્યક્તિ પાસે સામે ચાલીને વાત કરવાની ઇચ્છા થતી. આવા સંજોગોમાં ગુજરાતીને જીવંત જ નહીં લોકભોગ્ય બનાવવાની પ્રવૃત્તિઓ આકાર લેવા માંડી. હ્યુસ્ટનથી શરૂ થયેલી સાહિત્ય સરિતાના સલિલ જેમ આગળ વહેતા ગયા એમ એમ સાહિત્ય રસિકો એમાં તરબોળ થતા ગયા. કેટલાક ડાયસ્પોરા લેખકો એમાં જોડાતા ગયા. સાહિત્યિક પ્રવૃત્તિ વેગ પકડતી ગઈ.

‘માતૃભાષાનું સંવર્ધન’, ‘શબ્દોનું સર્જન’ “સહિયારા સર્જન”ના ઉપક્રમે અનેકવિધ રસથાળ પિરસાતા ગયા. જેટલા વિચાર એટલા વાવેતર થતા ગયા. સહેજ પણ લખવાની ઇચ્છા ધરાવતા લેખકો માટે નિતનવા પ્રેરણાત્મક પ્રયોગો આકાર લેતા થયા. ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’ સુધી પહોંચેલી આ યાત્રાએ ‘ગીનીઝ બુક ઓફ રેકોર્ડ’ સુધીની હરણફાળ નોંધાવી છે.

ગૌરવ છે આ વાતનું અને ગૌરવ છે ગુજરાતી હોવાનું….

પુસ્તક પરબમાં શરૂ થયેલી ‘બેઠક’માં શબ્દો કંકુઅક્ષતથી ભાષાને વધાવી તેના તોરણ બંધાય છે ઉત્સાહની રંગોળીથી સજાવીને સાથના સાથિયા પુરાય છે અહીં મારું તારું નહીં પણ સૌનું સહિયારું છે. દૂર રહીને પણ આ ‘બેઠક’ ના એક અંશ હોવાનું મને ગૌરવ છે. હ્યુસ્ટનથી વિજયભાઇ અને  બૅ એરિયામાં પ્રજ્ઞાબેનની પ્રેરણા અને ભગીરથ પ્રયાસોથી ‘સહિયારુ સર્જન’ એક ઊંચાઇને આંબ્યું છે.

‘બેઠક’ જ્યારે એક નવા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે પ્રજ્ઞાબેન , કલ્પનાબેન અને રાજેશભાઇને હાર્દિક અભિનંદન અને આવતા અગામી વર્ષો સુધી ‘બેઠક’ની સફળતા માટે શુભેચ્છા.ખુબ ઉમળકા અને અત્યંત ધગશથી તમે સૌ ‘બેઠક’ને સજાવો છો એ પણ જોયું છે. સાચે જ મઝાની વાત છે.આજે જ્યારે ‘બેઠક’નો વાર્ષિક દિન ઉજવી રહ્યા છો ત્યારે આપ સૌને મારા આગોતરા અભિનંદન.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

સુખ એટલે……(19)રાજુલબેન શાહ

સુખ-સ્વાનુભૂતિ ”’

” સુખ-સ્વાનુભૂતિ ”

6669_1

સુખ અંતરની અનુભૂતિ છે.

ખલિલ જિબ્રાને લખેલી એક સાવ નાનક્ડી વાત-એક બાદશાહ એકવાર બિમાર પડયો એનો રોગ કોઇ રીતે મટતો નહોતો.એ વખતે એક ફકિરે આવીને કહ્યું કે,બાદશાહના રોગનો ઇલાજ એક જ છે.જો કોઇ સુખી માણસ્ નું પહેરણ લાવીને બાદશાહને પહેરાવવામાં આવે તો રોગ તરત મટી જાય.

ઇલાજ સાંભળવામાં તો સાવ સરળ લાગ્યો હતો.દેખીતી રીતે એમાં કોઇ મોટો ખર્ચ કે મોટી મુશ્કેલી નહોતી.પરંતુ બાદશાહના સેવકોએ સુખી માણસના પહેરણની શોધ કરીત્યારે ખબર પડી કે કોઇ વ્યક્તિ પોતાની જાતે સુખી માનતી જ નહોતી.આખરે બહુ  શોધખોળના અંતે એક સુખી માણસ મળી આવ્યો. એ માછીમાર હતો.મસ્તીથી જીવતો હતો અને પોતાની જાતને સુખી માનતો હતો.પણ જોવાની ખુબી એ હતી કે એની પાસે પહેરવા કોઇ પહેરણ જ નહોતું.

અનાદિ કાળથી માણસ  સુખની શોધમાં અટવાયેલો જ છે.દરેક ના મનમાં સુખનું એક કાલ્પનિક ચિત્રાલેખાયેલુ હોય છે જે ક્યારેય સુરેખ તો હોતું જ નથી.

ફિલસુફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા.એક મિત્રે આવીને પુછયું આટલા બધા તલ્લીન થઇને શા વિચારમાં પડ્યા છો? રસેલે જવાબ આપ્યો ”મેં એક વિચિત્ર શોધ કરી છે. જ્યારે જ્યારે હું કોઇ જ્ઞાની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતિતિ થાય છે કે સુખની હવે ક્યાંય શક્યતા રહી જ નથી,અને જ્યારે મારા માળી સાથે વાત કરતી વેળાએથી ઉલટી જ વાતની ખાતરી મને થાય છે”.

મતલબ સુખનીસતત શોધ અથવા સુખ વિશેના સતત વિચારોથી સુખ પ્રાપ્ત થવાની શક્યતા  નહિવત છે. પણ જ્યારે જે સમયે સંજોગો જે કામમાં પુરેપુરા વ્યસ્ત થઈ જવાથી અને વિચાર શૂન્યતાની સ્થિતિમાં કદાચ વધુ આનંદ રહેલો છે. જ્યારે જે મળ્યું છે તે માણી લેવાની સ્થિતિ કદાચ સુખ પ્રાપ્ત થવાનો રસ્તો તો હોઇ જ શકે.સુખની અનુભૂતિના મૂળ સંતોષવ્રુત્તિ  મહત્વની છે.

નરસીંહ મહેતાએ ગાયું છે તેમ ”ભલુ થયું ભાંગી જંજાળ,સુખે ભજશું શ્રીગોપાળ” જોકે નરસીંહ મહેતા જેવી તટસ્થતા તો કદાચ ભાગ્યેજ કોઇના મનમાં ઉદ્દભવે.પરંતુ જે આપણું છે તે જ સાચું છે તેમ માની લેવાથી સુખના સીમાડાની સરહદે તો ચોક્કસ પહોંચી શકાશે.

હજુ સુધી દુનિયામાં સુખી થવા માટે ની કોઇ પ્રિસ્ક્રીપ્શન લખાયુ કયારેક જોયું? નહીંતો આટ્લા પ્રગતિશીલ વિજ્ઞાન તેમજ મેડીકલ સાયન્સમાં સુખી થવા માટે ની પેટન્ટ તો કોઇએ ચોક્ક્સ પોતાના નામે કરી જ હોત. સુખ નામનો ગુણ માત્ર આત્મામાં જ છે.આત્માના અનંતા ગુણો છે. અને આ અનંત ગુણોમાંના પ્રત્યેક ગુણમાં સુખ્નો અનુભવ કરી શ્કાય.કોઇપણ ભાર વગર જ્યારે આત્મા નિજાનંદમાં મસ્ત બને ત્યારે સુખની શરુઆત થઇ કહેવાય.એક નાનકડું પણ સુંદર વાક્ય-

”happyness is a perfume,you cannot pour on other without getting a few drops on yourself”.

માણસ જો પોતે અંદરથી ખુશ હશે સુખી હશે તો બીજાનો આનંદ-સુખ સમજી કે સહી

શકે.બાકી તો કોઇના સુખે સુખી તો માત્ર ફકીરો કે સાધુ સંતો હોઇ શકે.

દુનિયાનો એક ક્રમ છે માણસ હંમેશા પોતાના જીવનમાં જો સૌથી વધુ જેની ઝંખના કરતો હોય તો તેને સુખ,સમ્રુધ્ધિ, સ્વતંત્રતા અને મનની

શાંતિ આ તમામ જો કોઇને આપી શકતા હોઇએ તો તે આપણને પણ એટલીજ  માત્રામાં સામા મળી જ રહેતા હોય છે.

સુખ નામનું પતંગિયુ,જેટલું તેને પકડવા મથો એટલું તમારાથી દુર ઉડતું જાય.પણ જો તમે શાંતિથી મનના ઉધમાતોથી દૂર રહી શકો તો કદાચ શક્ય છે એ આવીને ગુપચુપ તમારામાં ગોઠવાઇ જાય.

સુખી થવાના સો કિમીયા હશે પણ કોને ખબર ક્યારે કોને તે અનુરુપ આવે તે જાતે નક્કી કરવાનું છે.ક્યારેક નાના નાના આયાસો પણ સુખની અનુભૂતિ કરાવી જાય. પાંચ પકવાન ખાઇને જે સંતોષ ન થઇ હોય તેના કરતા વધુ સંતોષ કયારેક કોઇ જરુરતમંદ બાળકને બ્રેડ કે બિસ્કીટ આપીને એના ચહેરા પરના આનંદને જોઇને પણ મળી જાય.

ક્યારેક કલાકો ઇશ્વર ભકિતમાં ગાળ્યા હોય પણ ધરવ ન થાય અને અચાનક થોકબંધ માણસો વચ્ચે અલપ ઝલપ થઇ જતા દર્શન પણ અવર્ણનિય સુખ આપી જાય.

સુખનો સમય  નિશ્ચિત નથી.ક્યારે કોને ક્યા સ્વરુપે પ્રાપ્ત થશે તે  નિશ્ચિત નથી પણ એટલું તો   નિશ્ચિત છે કે સુખ અંદરની સ્થિતિ છે. સુખ અંતરની અનુભૂતિ છે.

રાજુલબેન શાહ

http://rajul54.wordpress.com/

“આ લેખ/આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને પ્રગટ થયો.