૪૪ – શબ્દના સથવારે – રાખ – કલ્પના રઘુ

રાખ

રાખ એટલે રખાત, ઉપપત્ની, ઉપનાયિકા, વાની, વસ્તુ બળી ગયા પછી વધતો ભૂકો અથવા અવશેષ, ખાખ, ભસ્મ, રાખોડી, રખ્યા, ધૂળ જેવું કોઇપણ તુચ્છ દ્રવ્ય, કિંમત વગરની નિર્માલ્ય ચીજ કે વસ્તુ, રહેવા દે, ફોગટ. અંગ્રેજીમાં ‘ashes’, ‘worthless things’.

ભસ્મને રાખ કહેવાય છે. પરંતુ યજ્ઞની કે મંત્રેલી રાખને, વિભૂતિને કે ભભૂતને ભસ્મ કહેવાય છે. આયુર્વેદમાં વૈદ્ય દ્વારા રસાયનપ્રયોગથી બનાવેલ ધાતુઓ વગેરેની ખાખ, મારેલી ધાતુ જે ઔષધિમાં વપરાય છે તેને ધાતુની ભસ્મ કહે છે. મોરપંખ, પરવાળા, તામ્ર, લોહ, સુવર્ણ, પારા, હીરામોતી, એમ જુદીજુદી ભસ્મો જુદીજુદી માત્રા દ્વારા ઔષધ તરીકે વપરાય છે. પહેલાં લોકો રાખથી વાસણ માંજતાં હતાં.

શૈવ સંપ્રદાયવાળા માને છે કે, ગાયનું છાણ અધ્ધરથી જ ઝીલી લઇ તેનાં છાણાં કરી તેને અભિમંત્રીત કરીને બાળવામાં આવે તે ગોમયની ભસ્મ પૌષ્ટિક અને કામદ કહેવાય છે માટે તેને રક્ષા કહેવાય છે. આયુષ્યની, ધનની, સંતાનની, મોક્ષની ઇચ્છાવાળાઓએ આ ભસ્મ ધારણ કરવી જોઇએ. આખે શરીરે વિભૂતિ ચોળવી, એ ભસ્મસ્નાન કહેવાય છે. ભસ્મને શુધ્ધ કર્યા પછી ત્ર્યંબકં વગેરે મંત્રોથી તેને ચોળવી અને પછી નમઃ શિવાય એ મંત્રથી કપાળ, કંઠ, બાહુ, હ્રદય, પડખાં, સાથળ વગેરે અવયવો પર ધારણ કરવી તેથી શુધ્ધ બ્રાહ્મણપણું પ્રાપ્ત થઇ શકે છે. તેનાથી શિવસ્વરૂપ ઓળખી શકાય છે અને મહાદેવ પ્રસન્ન રહે છે એવી માન્યતા છે. યજ્ઞમાં આહૂતિ આપેલી સમિધ અને ઘી હોમીને જે ભાગ શેષ રહે છે તેને ભસ્મ કહે છે. રાખ શબ્દ સાથે પવિત્રતા ભળે ત્યારે તે ભસ્મ, વિભૂતિ કે ઉદી તરીકે ઓળખાય છે.

સાઇબાબાની દિવ્ય ઉદીના પ્રસાદનાં ચમત્કારો ખૂબ જાણીતા છે. અસલમાં બાબા લાકડાં ધૂણીમાં નાંખતા, તેને દિન-રાત જલતી રાખતાં. આ ધૂણીની અગ્નિની રાખને પોતે ઉદી કહેતાં. ઉદી દ્વારા બાબા બોધ દેતાં હતાં કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. વિશ્વનું આ બહાર દેખાતું સ્વરૂપ રાખ જેવું ક્ષણિક છે. પંચતત્વનું બનેલું આ શરીર સઘળા ભોગ ભોગવ્યા પછી પડી જશે અને તેની રાખ થઇ જશે એ સ્મરણમાં રાખવા ખાતર જ બાબા ભક્તોમાં ઉદી વહેંચતા. આ ઉદીની રાખ આજે પણ શીરડીમાં વહેંચાય છે જેનાથી શારીરિક તેમજ માનસિક રોગો તેમજ અન્ય પ્રકારનાં પ્રશ્નોનું નિરાકરણ સહજ રીતે થાય છે. પહેલાં કપાળ પર પછી ગળા પર લગાવીને તેનું ભક્ષણ કરવું, આ ઉદી લગાડવાની પધ્ધતિ છે. બાબા કહેતાં હતાં કે જ્યારે હું મારા શરીરને છોડીને ચાલ્યો જઇશ ત્યારે પણ હું ભક્તોની કામના પૂર્ણ કરવા માટે અવશ્ય આવીશ.

હોળીની ભસ્મ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઉપયોગી છે. તેને વિધિસર રીતે કરવાથી તમારાં દુર્ગુણો દૂર થઇ સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય છે. હોળી પ્રાગટ્ય વખતે પંચતત્વો તેમાં સંકળાયેલા હોય છે. પૃથ્વી તત્વ એટલે જમીન ઉપર જ લાકડાથી હોળી પ્રગટે છે, અગ્નિ તત્વ એટલે હોળીનું પ્રાગટ્ય થાય છે, વાયુ તત્વ એટલે પવનની દિશા મુજબ વરતારો કરવામાં આવે છે અને જળ સાથે પ્રદક્ષિણા કરવામાં આવે છે એટલે જળ તત્વ જોડાયેલુ છે અને આકાશમાં રહેલાં દેવોનું સ્મરણ પ્રદક્ષિણા દરમ્યાન કરતાં ધૂણી આકાશમાં જાય છે આમ પાંચ તત્વોથી બનેલી હોળીની ભસ્મ ખૂબજ પવિત્ર ગણાય છે.

ભગવાન શિવનું મહાકાલ સ્વરૂપ ઉજ્જૈનમાં બિરાજમાન છે. તેમની ૬ આરતીઓમાં સવારે ૪ વાગે થતી ભસ્મ આરતી ખાસ છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીનકાળમાં દૂષણ નામના રાક્ષસને ઉજ્જૈનમાં શિવે ભસ્મ કર્યો હતો અને તે રાખથી તેમણે પોતાનાં પર શ્રૃગાંર કર્યો હતો ત્યારથી ભગવાન શિવ ત્યાં નિરાકાર શિવલિંગ સ્વરૂપે વસે છે અને તેમની ભસ્મથી આરતી થાય છે. અહીં સ્મશાનમાં સળગતી સવારની પહેલી ચિતાની ભસ્મથી ભગવાન શિવનો શ્રૃગાંર કરવામાં આવે છે. શિવમહાપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ ભાલમાં નિત્ય ભસ્મનું ત્રિપુંડ અથવા તો તિલક કરે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. યજ્ઞકુંડની ભસ્મનું નિત્ય તિલક કરવાથી જીવન મંગલમય બને છે. શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. રાખ દ્વારા તેઓ સંદેશ આપે છે કે આ ભસ્મની જેમ આપણું શરીર એક દિવસ માટીમાં ભળી વિલિન થઇ જશે માટે નશ્વર શરીર પર ગર્વ ના કરવો જોઇએ. રાખ માટે એક તર્ક એવો છે કે શિવજી કૈલાસ પર્વત પર નિવાસ કરે છે ત્યાં અતિશય ઠંડી હોય છે. ભસ્મ શરીરનાં આવરણનું કામ કરે છે જે ચામડીનાં છિદ્રો બંધ કરી દે છે જેથી સાધના કરનાર સંન્યાસીને ઠંડી કે ગરમી મહેસૂસ થતી નથી. અઘોરી તેમજ નાગા બાવા પણ શરીરે ભભૂત ચોળીને રહેતાં જોવા મળે છે.

કામદેવને ભસ્મ કરનાર શિવજી હતાં. શિવ ભસ્મને વૈભવ સમજે છે. આ પ્રકારનું જ્ઞાન માનવનાં તમામ દોષોને ભસ્મ કરે છે.અવિનાશ વ્યાસની એક રચના ખૂબ જાણીતી છે, જે સૂચવે છે, માનવ માત્ર રાખનાં રમકડાં છે જે મૃત્યુલોકની માટીમાંથી રામે બનાવ્યાં છે અને આ ધરતી પર રમતાં મૂક્યાં છે.