
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-28 ‘પરપોટામાં ગોબો’ એની 27મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ.
એક ચાંદો આભમાં બીજો અગાશીમાં ઊગ્યો,
બેઉમાંથી કોને સાચો, કોને ખોટો પાડીએ.
બાળપણ, યૌવન, બૂઢાપો, વેશ સૌ ભજવી ચૂક્યા,
થૈ ગયું પૂરું આ નાટક, ચાલ પડદો પાડીએ.
ભૈ આ મારી નામના છે શી રીતે વહેચું તને,
બાપની મિલકત નથી કે ભાગ અડધો પાડીએ.
હા,ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ
ઘણીવાર એકલતા માણસને એટલી હદે સતાવે છે કે, સહન નથી કરી શકાતી. એક જાતનો કારમો ખાલીપો મનમાં સર્જાય છે. સાવ એકલી રહેતી વ્યક્તિ તો આવું અનુભવે તે સ્વાભાવિક છે. આવી વ્યક્તિઓ સ્હેજ બહાર નીકળીને માનવહુંફ મેળવી શકે. પણ ભર્યા ઘરમાં રહેવા છતાં જ્યારે કોઈ પોતાનું નથી એવો અહેસાસ જેને થતો હોય ને એકલતા પીડતી હોય તેને હુંફ ક્યાંથી મળે? તેનું હૈયું તો ચિત્કાર પાડી ઉઠે, જે બહાર કોઈને ન સંભળાય!
ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ.
મસ્ત મુગ્ધાના રૂપને હંમેશા ચંદ્ર સાથે સરખાવી દેવાય છે. એમાં ય પહેલી મુલાકાતમાં મનમાં વસી ગયેલી કોઈ મુગ્ધાને પ્રેમી દુરથી અગાશીમાં ઊભેલી જુએ ત્યારે એવું પણ બને કે આકાશમાં ચંદ્ર પણ ઉગ્યો હોય. આ તો બે ચાંદ થયા, એક ઉપર, એક નીચે, અને પ્રેમી મુંજાઈને વિચારે એ બેમાંથી સાચો કોને માનવો?
એક ચાંદો આભમાં બીજો અગાશીમાં ઊગ્યો,
બેઉમાંથી કોને સાચો, કોને ખોટો પાડીએ.
ખરેખર જોઈએ તો જન્મ લેનાર દરેક વ્યક્તિ અહીં એક પાત્ર તરીકે આવે છે. જીવનનાં એક નહીં અનેક પાત્રો ભજવવા પડે છે. પુત્ર, પિતા, પતિ, ભાઈ, કે દાદા અથવા પુત્રી, માતા, પત્ની, ભાભી કે દાદી આ બધા રોલ તો સગપણ અને સબંધો સાથે આવી મળતા હોય છે. એટલું જ નહીં, પોતાના જીવનમાં પણ આપણે વિવિધ પાત્રો ભજવવા પડે છે. અને વિવિધ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. પહેલાં બાળપણ, પછી યુવાની અને ધડપણ. આ છેલ્લો રોલ ઘડપણનો હોય છે. હવે બીજો કોઈ રોલ નથી. પણ એ રોલ ક્યાં સુધી ભજવ્યા કરવાનો છે? તેની કોઈને ખબર નથી. આ જીવનનું નાટક પુરૂં કરવા માટે પડદો પાડવાનું ક્યાં આપણાં હાથમાં છે?
બાળપણ, યૌવન, બૂઢાપો, વેશ સૌ ભજવી ચૂક્યા,
થૈ ગયું પૂરું આ નાટક, ચાલ પડદો પાડીએ.
વારસાગત મિલ્કત હોય તેના ભાગ પાડીને સૌ સંતાનો સરખા ભાગે વહેંચી લેતાં હોય છે. કેટલીકવાર તો વડીલોની મિલ્કત ન હોય તેમ છતાં મોટો ભાઈ ખમતીધર હોય અને દિલનો ઉદાર હોય તો નાના ભાઈ ભાંડુઓને પોતાની મિલકતમાંથી પણ ભાગ આપતો હોય છે. પણ જ્યારે વાત તેણે પોતે કમાયેલી નામનાની આવે ત્યારે તેના ભાગ તો ન પાડી શકાય કે, ન વહેંચી શકાય ને?
ભૈ આ મારી નામના છે શી રીતે વહેચું તને,
બાપની મિલકત નથી કે ભાગ અડધો પાડીએ.
જગતમાં પ્રસિધ્ધિ મેળવવી સહેલી નથી. એને માટે કંઈ એવું કરવું પડે જે કોઈએ પહેલાં કર્યું ના હોય. અશક્ય લાગે તેવું કશું કામ કરીએ તો રાતો રાત પ્રસિધ્ધિ પ્રાપ્ત થઈ જાય. આજે પણ આપણે વિજ્ઞાનની અનેક શોધો કરનાર વૈજ્ઞાનિકોને આદરપુર્વક યાદ કરીએ છીએ. પણ આ તો કવિ, તેઓ તો કોઈ ચોંકી ઊઠે તેવું કરવાની કલ્પના કરે છે. અને કહી દે છે, ચાલ પરપોટામાં ગોબો પાડીએ. ધાતુનાં કોઈ વાસણમાં ગોબો પાડવો સહેલો પણ પરપોટામાં? એ કામ તો ખલીલ સાહેબનું જ.
હા,ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
મિત્રો, મનમાં ખાલીપાનો અહેસાસ થાય તે કારમો અનુભવ છે. આવામાં શું કરવું તે સમજાતું નથી. ખલીલ સાહેબ જુદાજુદા શેરમાં સાવ જુદી જ લાગણીને રજુ કરીને આપણને વિવિધતા ભર્યો રસથાળ એક જ ગઝલમાં પિરસી દે છે. આવી જ બીજી એક ગઝલ લઈને મળીએ આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.
નમસ્કાર
રશ્મિ જાગીરદાર