હેલીના માણસ | શ્વાસ પર પહેરો

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -12 એની 11મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

ગઝલ

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,

જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,

તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,

એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,

જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,

કટકે કટકે પૂરું આ જીવતર થયું.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

આપણે કેટલીક વાર જોતાં હોઈએ છીએ કે, ઘરની ગૃહિણી થોડાક દિવસ માટે કોઈ કારણસર ઘરથી દુર જાય તો ઘરમાં જાણે અવ્યવસ્થા ફેલાઈ જાય છે. કોઈ વસ્તુ તેનાં સ્થાને ના મળે. અરે ખાવાપીવાનાં ય ઠેકાણા ન રહે એવું બને. અને આવા સંજોગોમાં જ ગૃહિણીની ખરી કિંમત થાય. એવું લાગે કે મકાન તો છે પણ કશુંક જાણે ખૂટે છે. અને ફરીથી જ્યારે ઘરની સામ્રાજ્ઞીનું આગમન થાય ત્યારે બધું સરભર થઈ જાય અને ઘર ખરા અર્થમાં ઘર બની રહે. દરેક ઘરની ગૃહિણી પોતાના પતિની સઘળી તકલીફોમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. સુખદુઃખમાં ભાગીદાર બને છે. આંતરિક અને બાહ્ય ઘા ઝેલવામાં હારોહાર ઉભી રહે છે. આ સંબંધનું ઐક્ય એવું હોય છે કે, વાગે એકને તો દર્દ બીજાને થાય છે. ઘા એકને પડે અને લોહી બીજાને નિકળે છે. આવા તાદાત્મ્યને કારણે બન્નેને લાગે છે કે પોતે અધુરાં છે. પૂર્ણતા માટે જીવનસાથીનો સાથ જરૂરી છે. આ આખી ય વાત ખલીલ સાહેબ શેર દ્વારા ટુંકમાં પણ સચોટ રીતે કહી દે છે. 

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,

જે કશું ખૂટતું હતું સરભર થયું.

મકનને ઘર બનવા માટે જે કંઈ ખૂટતું હતું તે તો સાથીના આવવાથી સરભર થયું અને ઘર ત્યારે જ ખરા અર્થમાં ઘર થયું. 

આમ સાથે રહીને જિંદગીની શરુઆત કરવી પણ ક્યાં સહેલી હોય છે? કેટલી વીસે સો થાય તેનું ભાન પણ ધીમે ધીમે જ થાય છે. અનેક અગવડો, ઢગલાબંધ આફતો અને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે ત્યારે જઈને ક્યાંક સુખનો સૂરજ ઉગે છે! કવિ આ વાતને એવા ચોટદાર શેરથી સમજાવે છે કે વાત સીધી સમજાય છે. શેર જુઓ. 

જિંદગીભર જાતને તડકે મૂકી,

એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

જીવન એ શ્વાસોની આવન જાવન જ છે. એ ચાલુ તો જીવતર અને નહીં તો પછી મરણ. અને હા આ શ્વાસની ગતિ પર એક ક્ષણનો જ પહેરો હોય છે ને? એ પળ જ નક્કી કરશે આપણી જિંદગીનું માપ! અને આ જિંદગી ક્યાં એમ સરળતાથી જીવાય છે. કદિ રાહત, કદિ આફત એમ કટકે કટકે માંડ જીવતર જીવાય છે. 

મિત્રો, આ ફાની દુનિયામાં જન્મ લઈ જીવન જીવવાની ઘટના કેવી અકળ અને ક્ષણભંગુર છે, તેના તરફ અંગુલિનિર્દેશ કરતી આ ગઝલ માણવાની મઝા આવી ને? ખલીલ સાહેબની આવી જ તેજદાર ગઝલ લઈને મળીશું આવતા અંકે, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

 

‘હેલીના માણસ’ -૧ -રશ્મિ જાગીરદાર 

e0aab0e0aab6e0ab8de0aaaee0aabfe0aaace0ab87e0aaa8

નમસ્કાર મિત્રો, 
2022ના નવા વર્ષની શરૂઆતમાં જ આપ સૌને મળવાની અને મારા ગમતા કવિશ્રી વિશે ગમતી વાતો કરવાની તક મળી, તે મારા માટે ખૂબ આનંદની વાત છે. અને એટલે સૌ પ્રથમ ‘બેઠક’નો અને ખાસ તો સંચાલિકા પ્રિય પ્રજ્ઞાબેનનો દિલથી આભાર માની લઉં કે, તેમણે મારા પર અને મારી કલમ પર વિશ્વાસ મુક્યો અને મને મારા વિચારો આપ સૌ મિત્રો સાથે વહેંચવાની તક આપી અને આ સુંદર મંચ આપ્યો. 
હું આપની સમક્ષ એક શ્રેણી લઈને આવી રહી છું તેનું નામ છે, 
‘હેલીના માણસ’ 
આ શ્રેણીમાં આપણાં સૌના ગમતા અને ખૂબ જાણીતા ગઝલકાર ‘ખલીલ ધનતેજવી’ની ગઝલોને માણીશું. એમની ગઝલો એટલે આપણી ધણી મોટી સાહિત્ય સમૃધ્ધિ! એનું રસપાન કરવાનુ ચૂકી જઈએ તે કેમ ચાલે? તેમની ગઝલોના વિવિધ અર્થસભર શબ્દો અને એકધારી વહેતી સંવેદનાઓનું રસાસ્વાદ કરવાનો લ્હાવો આપણે લઈશું. થોડા સમય પહેલાં જ તેઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેમની યાદો હજુ આપણાં સ્મરણમાં છે. તેમનું વિરાટ વ્યક્તિત્વ તેમના એક એક શેરમાં પ્રતિબિંબિત થાય છે. ખલીલ સાહેબને ઓળખવા માટે આમ તો ત્રણ અક્ષરો જ પુરતા છે. ‘ખલીલ’ અને એની પાછળ ધનતેજવી જોડીને તેઓશ્રીએ પોતાના વતનના ગામને પણ અમર કરી દીધું. કિંતુ મુળ તો એ હેલીના માણસ! ઓછું કશું ના ફાવે! જુઓને તેમની કારકિર્દી! એક નહીં અનેક ક્ષેત્રે ડંકો વગાડ્યો. તેઓ કવિ, લેખક ઉપરાંત પત્રકાર, પ્રેસ અને ચલચિત્ર નિર્માતા પણ હતા. ગુજરાતી ગઝલ પર હાથ અજમાવ્યો તો ગુજરાતી ગઝલનાં દસ પુસ્તકો આપણા સાહિત્યને મળ્યાં. ભાષા સમૃદ્ધિ એટલી કે, તેમણે ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં ગઝલોના રસથાળ પિરસ્યા. તો વળી નવલકથાનાં પુસ્તકોની ભેટ પણ ધરી. ચાર ધોરણ સુધીના અભ્યાસ છતાં તેમણે કરેલી સાહિત્ય સેવાએ અનેક એવોર્ડ પણ અપાવ્યા.     
આવા ખલીલ સાહેબની રચનાઓને વાંચવી, સમજવી અને માણવી એ એક અદ્ભૂત અને સુખદ અનુભવ છે. તેમણે પોતાની ગઝલના એક એક શેરને નવી ઉંચાઈ આપી હતી. તેમનો એક એક શેર વાંચીએ ત્યારે મુશાયરો ગજવતા ખલીલ ધનતેજવી આપણી સમક્ષ તરવરે છે. દરેક મુશાયરામાં ખલીલ સાહેબને હંમેશાં સૌથી છેલ્લા રાખવામાં આવતા કારણ દેખીતું છે! તેઓ જીવંત છે તેમના શેરોમાં, તેઓની વાણી ઝળકે છે તેમના કાફિયામાં, અને મલકે છે અનોખા રદિફની ચોટદાર અભિવ્યક્તિમાં. તેમના શેરો ખૂબ સરળ ભાષામાં કહેવાયા છે, છતાં ચોટદાર તો એવા કે, આપણે તેમાં ખોવાઈ જઈએ! આપણને તે યાદ રહી જાય! બસ ખલીલ સાહેબની આ બધી વાતો મને ખૂબ ગમે છે. અને એ માણવાનો અનુભવ સતત થતો રહે તે અપેક્ષાથી તેમની ગઝલોનો રસાસ્વાદ કરવાનું મન બનાવી લીધું છે. કવિ પોતે જ્યારે લખે ત્યારે તેમના મનમાં ખાસ ભાવ હોય છે. આપણે જ્યારે એ કૃતિ વાંચીએ ત્યારે આપણને જે અર્થ કે ભાવ સમજાય તે જુદો પણ હોઈ શકે. મારે પણ મારી રીતે ખલીલ ધનતેજવી સાહેબની ગઝલને વાંચવી છે, જાણવી છે, માણવી છે અને સમજવી છે. અને આપ સૌ સાથે એમાં રહેલી સમૃદ્ધિ વહેંચવી છે. કવિશ્રી ધૃવ ભટ્ટની નીચેની પંક્તિઓ મને ખૂબ ગમે છે. કવિ તેમનાં ગીતોને સ્વરબધ્ધ કરીને ગાનાર ગાયકોને સંબોધીને કેટલી નમ્રતાથી કહે છે! કે, 
‘તમે ગાયાં આકાશભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?’ 
એ સંદર્ભમાં એવું બને? કે, ગઝલનો રસાસ્વાદ પણ કવિશ્રીની ગઝલમાં વહેતા અસ્ખલિત ભાવને ઝીલીને ભાવક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ બની રહે? બસ એ જ તો  કરવું છે!
-રશ્મિ જાગીરદાર 

હજી મને યાદ છે-૩ -દિવ્ય દર્શન -રશ્મી જાગીરદાર

હું અને સોમા આમ તો કઝીન બહેનો પણ અમારી વચ્ચે મિત્રતા ઝાઝી હતી. તે દિવસે સમય કાઢીને તે રાત રોકવા મારા ઘરે આવી. અમે સૌ મોડા સુધી વાતો કરતાં રહેલા એમાં સોમાએ કહેલી પોતાના અનુભવની વાત હજી મને યાદ છે. તેના જીવનમાં બનેલી બંને ઘટનાઓ કેટલી જુદી છતાં બંને વિસ્મયકારક હતી.

સોમા અને શ્રીકાંત બંને સંગીતનાં શોખીન હતાં. શ્રીકાંતને   ફિલ્મી ગીતોમાં વધુ રસ હતો, જ્યારે સોમા ક્લાસિકલ મ્યુઝીકની શોખીન હતી. સોમા વિશારદની ડીગ્રી ધારી હતી. તેમનાં બંને બાળકો સોમાના સુમધુર અવાજમાં ગીતો સંભાળીને જ ઉછર્યા હતાં. કહોને ગળથુથીમાં જ સપન અને હીરને સંગીત મળેલું. હીરને તો અવાજની મધુરતા પણ વરસમાં મળી હતી. તે નાનપણથી જ માતા પાસે થોડું થોડું સંગીત શીખતી ગઈ. પછી તો તેને ખુબ રસ પાડવા લાગ્યો. શાળામાં તેમજ આંતર શાળા હરીફાઈઓમાં  થતી ગીત સ્પર્ધામાં તે અચૂક ભાગ લેતી. અને ઇનામો પણ લાવતી. તે ઉપરાંત શાળાઓ માટે થતી, જીલ્લા કક્ષાની તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ તે ઇનામો જીતતી રહેતી હતી. એની આ સિધ્ધિઓને લીધે ટીવી પર ચાલતી સ્પર્ધાઓમાં પણ શાળા તરફથી તેને મોકલવામાં આવતી. આમ તેની સંગીત સાધના ચાલુ હતી. એસ એસ સીમાં પણ તેણે મુઝીકનો વિષય રાખ્યો હતો. શાળામાં તેમજ સગા સંબંધી અને મિત્ર મંડળમાં હીર સિંગર તરીકે જાણીતી થઇ ગઈ હતી. અત્યાર સુધી હીર શાળામાં સંગીત શીખતી હતી અને સોમા પાસે શીખતી. હીરનો અવાજ અને આવડત જોતાં શ્રીકાંત અને સોમાએ તેને ગુરુ પાસે વ્યવસ્થિત શિક્ષણ અપાવવાનું વિચાર્યું. સંગીત ગુરુ પ્રતીમાદેવી કુશળ સંગીતકાર અને પ્રેમાળ શિક્ષક હતાં.તેમનાં ઘણાં શિષ્યો હતા. ધીમ ધીમે હીર પોતાની આવડતથી ગુરુને પ્રિય થવા માંડી.

પ્રતિમા દેવી માત્ર સંગીતનું શિક્ષણ આપીને કામ ન્હોતાં પતાવી દેતાં. દર વર્ષે પોતાના શિષ્યો પાસે એક કાર્યક્રમ તૈયાર કરાવતાં અને હોલ રાખીને મોટા પાયે તેની રજૂઆત કરતાં. જેથી શિષ્યો પોતાનું જ્ઞાન અને આવડત રજુ કરવામાં પણ પાછા ન પડે. હીર જ્યારે કોલેજમાં આવી ત્યારે વિશારદની ડીગ્રી લઈને આગળ અભ્યાસ કરતી હતી. હવે ગામમાં તેનું નામ હતું. અને ઘણીવાર સ્ટેજ કાર્યક્રમ પણ યોજાતા હતાં. એક બાજુ તેણે કોમ્પ્યુટર સાયન્સમાં  સ્નાતક થયા પછી માસ્ટર ડીગ્રી  માટેનો અભ્યાસ ચાલુ કર્યો. આમ બંને તરફ તરક્કી ચાલુ હતી.  નાનો ભાઈ સપન પણ એન્જીનીયરીંગના છેલ્લા સેમેસ્ટરની તૈયારી કરતો હતો. સાથે સાથે તે વાંસળી વાદન પણ શીખતો હતો.બંને ભાઈ બેન જ્ઞાતિમાં પણ આગળ  પડતો ભાગ લેતાં. હવે બંનેની ઉંમર પણ એવી હતી કે, બંને માટે સારા સારા ઘરેથી માંગા આવવા લાગ્યાં.

બંને ભાઈ બહેનને અહીં ભારતમાં જ રહીને પોતાની કેરિયર બનાવવી હતી. બાકી તેઓ પોતાની માસ્ટર ડીગ્રી માટે અમેરિકા જઈ શકત. હવે થયું એવું કે જે માંગા આવતા તે પરદેશવાસી -એનઆરઆઈ તરફથી આવવા લાગ્યાં. બધી રીતે સારું પણ હોય. એટલે હીર અસમંજસમાં ઉલઝી. છેવટે અમેરિકા સ્થિત પરિવારના  એક યુવક પર પસંદગી ઉતરી. આ બધી વાતો ચાલતી હતી તે દરમ્યાન તેમની જ્ઞાતિ  તરફથી બંને ભાઈબેનનો એક સંગીતનો કાર્યક્રમ યોજાયો. આ બાજુ હીરના પાસપોર્ટ અને વિઝાની તૈયારી ચાલતી હતી. કાર્યક્રમ માટેના દિવસના બીજા દિવસની તારીખ,  હીરના વિઝા માટે બોમ્બે જવાની હતી. સાતથી સાડાદસનો કાર્યક્રમ પતાવીને રાતની ટ્રેનમાં હીર જવાની હતી. ભાઈ સપન તેની સાથે જવાનો હતો. કાર્યક્રમ  પતાવીને, સોમા અને શ્રીકાંત તેમને મુકવા સ્ટેશન ગયાં.

      શ્રીકાન્ત અને સોમા બંનેને સ્ટેશન ઉતારીને પાછા ફરતી વખતે ખુશ હતા. બાળકોની તરક્કીની  જ વાતો તેઓ કરતાં હતાં. શિયાળાની રાત અને એમા ય અમાસ પછીની બીજ હતી. ચારે બાજુ અંધારું ઘોર. વાહનો પણ ગણ્યાં ગાંઠયા. વાતોમાં મશગુલ પતિ પત્ની ઝડપથી ઘર તરફ જતાં હતાં. એવામાં તેમની કાર આગળ, ખાસા અંતરે એક સ્ત્રી ચાલતી જતી દેખાઈ. સોમા કહે, ” આ અડધી રાતે એકલી ચાલતી ક્યાં જતી હશે?” “પ્લીઝ સોમા બી ક્વાએટ.” ” અરે પણ હવે તે નજીક છે, તું હોર્ન તો માર.” ” સોમા, વિલ યુ પ્લીઝ બી ક્વાયેટ.” અને આ વાક્ય કહેતી વખતે તેણે સોમાને આંખોના ઇશારાથી પણ ચુપ રહેવા સમજાવ્યું. પણ પેલી સ્ત્રી હવે એટલી બધી નજીક હતી કે, શ્રીકાંતે તેની ગાડી જમણી તરફ વાળીને આગળ લીધી. તેમ છતાં પેલી સ્ત્રી ગાડીની આગળ જ ચાલતી દેખાઈ. તેણે સફ્ર્દ સાડી પહેરી હતી અને માથે ઢાંકેલું હતું. “કોઈ ગુજરી ગયું લાગે છે બિચારીનું!” શ્રીકાંતે ફરીથી સોમા તરફ આંખો કાઢીને ચુપ રહેવા સમજાવ્યું. તેણે  ગાડી છેક ડાબી બાજુ લીધી. હવે છેક ગાડીને અડીને ચાલવું હોય તેટલી નજીક તે ચાલતી હતી. શ્રીકાંતનો ઈશારો સમજવા સોમાએ તેની તરફ જોયું, એટલે વારમાં પેલી સ્ત્રી ફરીથી ઘણે દુર ચાલતી દેખાઈ અને હવામાં થોડી ઊંચકાઈ ને પછી અદ્રશ્ય થઇ ગઈ. શ્રીકાંતે ગાડી મારી મૂકી. ઘરે આવીને લોક ખોલતી વખતે સોમાના હાથ ધ્રુજતા હતાં. થોડી વાર શાંતિથી બેઠા પછી શ્વાસ નોર્મલ થયા. ” એ શું હતું? શ્રીકાંત.” ” સોમા તને ઇશારાથી સમજાવવા કેટલો પ્રયત્ન કર્યો, પણ તું ?” ” કેમ તને ખબર હતી કે, તે અદ્રશ્ય થવાની છે?” ” હા સોમા, મારે ઘણી વાર રાત્રે આ રોડ પરથી પસાર થવાનું થાય છે.એટલે મને ઘણી વાર આવો અનુભવ થયો છે. મારા ઘણાં મિત્રોને પણ અનુભવ થયા છે.” ” દરેક વખતે આવું જ થાય.” ” હા બસ, આ જ રીતનું થાય.”

“તને યાદ છે શ્રીકાંત? આપણે એકવાર નવરાત્રીમાં અમદાવાદ ગયાં હતાં ત્યારે કેવું થયેલું?” “હા બોલ.” અને બંને સમક્ષ એ દ્રશ્ય તાદશ થયું.

તે વર્ષે નોરતાની નોમના દિવસે, અમદાવાદમાં સોમાના માસીના ઘરે  તેમની ૭૫મી વર્ષગાંઠની  ઉજવણી હતી. એટલે રાત્રે જ પહોંચી જવાનું હતું, જેથી બીજે દિવસે સવારથી મદદમાં આવી શકાય. આઠમના દિવસે એક મિત્રને ત્યાં રાખેલા ગરબામાં હાજરી આપીને તેઓ ગાડીમાં નીકળી ગયાં. સમયસર અમદાવાદ પહોંચીને ત્યાંના ગરબાની મઝા માણવાનો ઈરાદો હતો. પણ હવે ૧૨ વાગે ગરબા બંધ થઇ જતા એટલે ઝડપથી ગાડી ચાલતી રહી. અમદાવાદમાં  પ્રવેશ વખતે જ  એક વાગવા આવ્યો હતો એટલે ગરબા તો બંધ થયા હશે એમ માનીને, તેઓ જ્યારે આંબાવાડી સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યાં ત્યારે, ત્યાં ચાર રસ્તે ઝાકમઝોળ હતી. ત્યાંની લાઈટ એરેન્જમેન્ટ અદ્ભુત જણાઈ, ૨૦૦થી વધુ ગરબે ઘુમતી સ્ત્રીઓના વસ્ત્રો અને તેમનાં રૂપ દિવ્ય જણાતા હતાં. ત્યાં ગાડી ઉભી રાખીને સોમ અને શ્રીકાંતે પણ ગરબાની મઝા લીધી. પછી વિચાર્યું, માસીને ત્યાં જઈને બધાને લઈને પાછા આવીએ એ લોકોને ખબર નહિ હોય, એટલે જ તેઓ આવ્યા નથી. ઘરે જઈને વાત કરી માસીએ કહ્યું, “અમે લોકો અડધા કલાક પહેલાં જ ઘરે આવ્યાં, ત્યારે તો ચાર રસ્તે કંઈ નહોતું.”  “માસી કોઈ કરોડપતીના ગરબા લાગે છે. એ લોકોના ડ્રેસ અને દેખાવ તો આપણે  જોયાં જ કરીએ એવા છે. આપણે તરત જઈએ. ” એની વાત સંભાળીને બધા ચાર રસ્તે પહોંચ્યાં તો, … તો ત્યાં હતું, અંધારું અને એકાંત! સૌ અચરજમાં ડૂબી ગયાં અને ઘરે ગયાં. ઘણી ચર્ચા થઇ. છેવટે માસીએ કહ્યું,” આજે આઠમ છે એટલે ૬૪ જોગણી માતાઓ ગરબે રમવા આવ્યાં હશે. અને તમે નસીબદાર છો કે, એ દિવ્ય દર્શનનો લાભ મળ્યો.”

સોમાની પહેલી ઘટના આપણેને અતૃપ્ત આત્માની અછડતી ઝાંખી કરાવે છે જ્યારે બીજી ઘટના, દિવ્ય આત્માઓના હોવાપણાની પ્રતીતિ કરાવે છે.

અસ્તુ.

રશ્મિ જાગીરદાર. 

જિંદગીકે સફરમેં -સપ્ટેમ્બર -(1)ફક્કડ ફૂવા

મિત્રો આ મહિનાનો વાર્તાનો વિષય જિંદગીકે સફરમેં  -સૌપ્રથમ રાષ્મીબેનની વાર્તા અહી રજુ કરું છું..આ સાથે હું જયશ્રીબેન મર્ચન્ટ લિખિત ધારાવાહી પણ રજુ કરીશ જે તમને લખવાની સતત પ્રેરણા આપશે.સારું વાંચન જ લેખનને સુધારશે.

ફક્કડ ફૂવા

બાળપણથી યાદ કરવા માંડીએ તો, જીવનમાં એવાં કેટલાંક પાત્રો હોય જ, જેમની છબી મન પર અંકાઈ ગઈ હોય. તેમાં ય તમે જોજો, રમુજી પાત્રો આપણને વધારે યાદ રહી જાય. એમની અનેક વાતો એવી હોય જે વારંવાર યાદ કરીને આપણે  અનુકુળ સમયે ચર્ચામાં ઉલ્લેખ કરતાં હોઈએ.આજે મને ફરીથી એ ફક્કડ ફૂવા યાદ આવી ગયા. એ હતા જ એવા. એમની વાતો સાંભળીને આપને હસી હસીને બેવડ વળી જઈએ!  

 બાફટાની આછા પીળાશ પડતા રંગની કફની અને અકબંધ ઈસ્ત્રીવાળો સફેદ બાસ્તા જેવો પાયજામો, જો તમને રસ્તામાં દેખાય તો એ બીજું કોઈ નહિ, ફક્કડ ફૂવા જ હોવાના. આખા ગામની દરેક વ્યક્તિ, આછી પીળાશ અને ઝગમગતા સફેદ રંગનું કોમ્બીનેશન જોતાં જ એમને ઓળખી જાય. પાછી ખાસ વાત એ કે, ફક્ત અને ફક્ત આ જ તેમનો હંમેશનો યુનિફોર્મ. સુરજદાદા ક્યારેક પશ્ચિમમાં ઉગવાની ઈચ્છા કરે તો કરે, અને સાગર પોતે સામે ચાલીને સરિતાને મળવા નીકળી પડે, તે કદા…ચ  બને, પણ આ ફૂવાના ડ્રેસમાં કોઈ જાતનો ફેરફાર?  બને જ નહીને!  તેમના આવા અક્કડ ઈસ્ત્રીદાર પહેરવેશને લીધેજ તેમને “ફક્કડ ફૂવા”  નામ મળેલું. ફૂવા પોતે પણ આ બીરુદથી બેહદ   ખુશ હતા.

ફક્ત દેખાવથી જ નહિ, સ્વભાવથી પણ તેઓ ફક્કડ હતા. બાપદાદાનો અઢળક પૈસો, અને ઉંચો મોભો તેમને વારસામાં મળેલા. આ કારણથી સૌ તેમનું  માન રાખતા. પોતે જીવનભર જાળવેલો વારસો હવે, આગલી પેઢીના વારસદારોને સોંપીને નિવૃત્તિનો લ્હાવો લેવા માટેનો સંકલ્પ, તેમણે  કરી લીધો હતો. અને પોતાના  પૈસાની કે મોભાની મોટાઈને ઉંચી ખીંટીએ લટકાવીને,  સહજતા, સરળતા અને ફક્કડ પણાને અપનાવી લીધું હતું. આ પરિસ્થિતિમાં ગામના દરેક જણ સાથે તેમણે ઘરોબો કેળવી લીધેલો. એટલે જ રોજ સવારે, નાહીધોઈને યુનિફોર્મમાં સજ્જ થઇને  તેઓ  નીકળી પડતા. રોજ કોઈ એક ઘર પકડી લેતા, અને ત્યાં આરામથી અલકમલકની વાતો કરતા. તેમની વાતો હંમેશાં મજેદાર, માહિતીપ્રદ  અને હાસ્ય પ્રેરક રહેતી,   એટલે સૌને તેમનું આગમન ગમતું.

ગામમાં અમારું ઘર રોડ પર જ હતું, એટલે દસ-બાર દિવસે અમને સૌને તેમનો લાભ મળતો રહેતો. દુરથી તેઓ આવતાં દેખાય એટલે જેની નજર સૌથી પહેલી તેમના પર પડે તે, બાકીના સૌને એલર્ટ કરી દે. ” ચાલો ચાલો, બધા ઝડપથી પરવારી જાવ અને ચાનું તપેલું ચઢાવી દો, જુઓ સામેથી ફક્કડ ફૂવા આવે છે.”–આ પરવારવાનું કેમ? ખબર છે? ફુવાની મઝા પડી જાય તેવી વાતો સાંભળવા બધાએ બેસી જવાનું, એ વણ કહ્યો અને સ્વ નિર્મિત નિયમ હતો. ફૂવાને તો ઓડીયન્સની  ક્યારેય ચિંતા ના હોય. એ તો ન ફકારાશથી આવે. તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે તે પહેલાં તો,આદુ-ફૂદીનાથી મઘમઘતી ચા ધરી દેવાની. તેઓ પોતાને “ચેઈન ટી ડ્રીંકર” તરીકે ઓળખાવતા. પહેલીવાર પીરસેલી ચાનો ખાલી કપ લેવા જઈએ એટલે તરતજ કહે,” ચાનો ભરેલો કપ લીધા વિના ખાલી કપ લેવા આવવાનું હોય બકા?” આ ચા માટેનો ખાસ નિયમ જળવાઈ રહે ત્યાં સુધી તેમનો અસ્ખલિત વાક્ પ્રવાહ  વહ્યા કરે.

એક દિવસ ફૂવા આવીને બેઠા અને કહ્યું, ” આજે તો મારે વહેલા ઘરે જવું પડશે. મારાં સૌથી નાનાં સાસુ આવવાનાં  છે.” “સૌથી નાનાં સાસુ?” કોઈ બોલ્યું. “હા મારા સસરા ત્રણવાર પરણેલા, એમાં આ સૌથી નાનાં. બે જ સાસુ હયાત છે, મોટા સાસુ ગુજરી ગયાં છે.” “પણ આપણા દેશમાં તો એક જ પત્નીનો કાયદો છે ને?” “કાયદો ને બાયદો, કોણ ગણે છે? નાના ગામોમાં, છેક છેવાડે બે-ત્રણ વર્ષમાં દીકરો ના જન્મે તો બીજા લગ્ન કરાવી જ નાખે. કોણ જોવા જાય છે?” “બે તો ઠીક પણ ત્રણ ત્રણ વાર?” ” લો કરો વાત! તમે ત્રણની વાત કરો છો? મારા બાપા તો પાંચ વાર પરણેલા. એમને એટલું સારું હતું કે, પાંચમાંથી કોઈ પણ બે ભેગી નહિ થયેલી.એક મરી  કે બીજી આવેલી, બીજી મરી કે ત્રીજી .. ને એમ ક્રિકેટના મેદાનમાં જેમ એક ખેલાડી આઉટ થાય કે તરત બીજો હાજર થઇ જાય  એના જેવું! એ જમાનમાં સા….બૈરાં મરતાં ય બૌ, દવાઓ ઓછી, ડોકટરો ઓછા એટલે પહેલી નહીં તો બીજી સુવાવડમાં તો વિકેટ પડી જ જાય. ને પાછી નવી ગીલ્લી નવો દાવની રમત શરુ થાય . ” 

 ફૂવાનું હકારાત્મક વલણ પણ તેમની દરેક વાતમાં જણાઈ આવતું. એકથી વધુ લગ્ન એ ખરેખર સમાજનું દુષણ ગણાય, પણ તેમાં શું સારું તે શોધી કાઢતા. તેઓ કહેતા -આપણા કુટુંબો પહેલાં કેટલા વિશાળ  અને મેન પાવરથી સમૃદ્ધ હતાં. ઘરનો લગ્ન પ્રસંગ હોય તો જાન  જેટલું માણસ તો ઘરનું જ થઇ જાય. કોઈની સાડાબારી જ નહીં. મોટાને  તો ખબર  હશે, પણ છોકરાઓ તમને મારી વાત સાંભળીને રમુજ થશે. જુઓ મારે નવ બેનો ને અમે ચાર ભાઈઓ, એટલે એક આખે આખી ઈલેવન ટીમ થઇ જાય, ઉપરાંત અમ્પાયર પણ એક પર એક ફ્રી મળી જાય. મારાં એકનાં એક પત્ની પણ મારાથી કંઈ કમ નથી. એમને નવ ભાઈઓ અને તેઓ ચાર બેનો છે! આમ બંને પક્ષે અમારી પાસે બે-બે ઈલેવન ટીમો છે. હવે આજે તો, બધાને ત્યાં ત્રીજી પેઢી પણ તૈયાર છે. હવે બોલો, અમે બધા થઈને કૌરવોને આંટી દઈએ કે નહી? 

એક દિવસ ફૂવા આવ્યા અને કહે, “આજે મારે ચા -બા નથી પીવી, મને એક મઝાની વાત  યાદ આવી છે. સાંભળી લો. હવે મા…ળી ઉંમર થઇ છે,એટલે પછી  ભૂલી જવાય છે. એકવાર હું મારે સાસરેથી  નીકળી  કપડવંજ બસમાં જતો હતો. મારી બાજુમાં એક શામળા, નીચા ને પાતળા પાંત્રીસેક વર્ષના  ભાઈ બેઠેલા હતા. આપણો તો બોલવાનો સ્વભાવ એટલે પૂછ્યું, ” શું નામ છે ભાઈ?” ” “જેન્તી” ” હા પણ સાસરીમાં બે જેન્તી છે એટલી ખબર છે,  તો તમે?” ” હું છોટા મરઘાનો જેન્તી.” હા હા ઓળખ્યા, અને બીજો તો ઘેલા અમથાનો જેન્તી ખરું કે?” હું વાતોડિયો પણ સામે પેલો મુજી, તોલી તોલીને બોલે એટલે શું વાત થાય? છેવટે અમે કપડવંજ પહોંચી ગયા. મારે ત્યાં એક મોટા ડોક્ટરની હોસ્પીટલમાં કામ હતું. અમારા દસ ગામો વચ્ચે એ સૌથી મોટી હોસ્પિટલ અને ત્યાના ડોક્ટર, સારામાં સારા હોશિયાર સર્જન ડોક્ટર – એવું કહેવાતું. આપણા રામને  પહેલી વાર કામ પડ્યું હતું. દરદીઓની ખાસી લાઈન હતી. શિસ્ત એવી હતી કે, આપણી કોઈ મોટાઈ અહીં ચાલશે નહિ, તેની ખબર પડી ગઈ હતી. મારી બાજુમાં બેઠેલો દરદી ગંભીર રીતે ગંધાતો હતો. મેં કહ્યું,’ અલ્યા કેટલા દિવસે નહાય  છે.?” ” ના સાહેબ નાવાનું તો રોજ પણ, આજે ઝાડાનું સેમ્પલ લાવ્યો  છું, એટલે બૌ વાસ મારે છે.” ” તો ઉઠ ભાઈ એને ત્યાં આઘું મૂકી આવ” તે એક તપેલું લઈને ઉભો થયો.” એ તપેલાને કોઈ નઈ ખાઈ જાય એને અહીં રાખને!” ” પણ સાબ એ તપેલામાં જ  ઝાડાનું  સેમ્પલ છે.” ઓ ત્તારી ભલી  થાય! 

આ બધી રામાયણમા જ મારો નંબર આવ્યો. ને હું સાહેબની કેબીનમાં ગયો. ડોક્ટરની ખુરસી ખાલી હતી, ને બારી પાસે ઉંધો ફરીને કમ્પાઉન્ડર જેવો કોક ફોન પર ચોટેલો હતો. મેં પૂછ્યું,” અલ્યા ડોક્ટર ક્યારે આવશે?” અને તે મારી સામે ફર્યો. ” અલ્યા, છોટા મરઘાના જેન્તી તું અહીં કમ્પાઉન્ડર છું? તો બસમાં મને કીધું નહિ ? માળો હાળો મૂંગો!” અને કૈંજ બોલ્યા વિના એ મૂંગો, ડોક્ટરની ખુરસી પર બેસી ગયો. ને ત્યારે મારી બોલતી બંધ થઇ ગઈ!   એ  બોલતી બિચારી બંધ ના થાત તો જ નવાઈ, કારણ એક તો મારો હાળો છેક સુધી બોલ્યો નહિ, કે તે ડોકટર છે. બીજું વધારે ખાસ કારણ તો એ કે, એના હાઈટ, બોડી અને રંગ એવાં કે, એ પોતાના સમ ખાય, અરે! પોતાના શું? ઇવન છોટાના(બાપના) કે, મરઘાના(દાદાના) સમ ખાય, તોય કોઈ માને નહિ, કે એ ડોક્ટર છે. પણ એક વાત કહેવી પડે, એની આંખોમાં જ્ઞાનની ચમક અને વ્યક્તિત્વમાં સ્માર્ટનેસ ચોક્કસ હતી! આ ટાણે મને અમારો નોકર જીવલો, એકદમ યાદ આવી ગયેલો. ઉંચો, રંગે ગોરો, માંજરી  આંખો, એને જો હાથમાં સ્ટેથોસ્કોપ પકડાવી  દઈએ ને, તો પછી, એ ડોક્ટર નથી, તે મનાવવા ચાર પેઢીના સમ ખાવા પડે! 

અસ્તુ.

રશ્મિ જાગીરદાર. 

તરુલતા વાર્તા સ્પર્ધા (2)અતિ સર્વત્ર- રશ્મિ જાગીરદાર

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

 

 

અતિ સર્વત્ર

“મમ્મી, જો અમરનાથના યાત્રીઓ પર ગોળીબાર થયો,”

“હાય હાય હવે  ! મારી મમ્મીને માસી પણ ગયેલા છે . શું થયું હશે?”

“મમ્મી બધું કામ પડતું મુકીને શાંતિથી આ સમાચાર જોવા બેસ એમાં બધું જણાવશે. હમણાં કહ્યું કે સાત જણાનું મોત થયું છે.”

” રીતુ દીકરી, મારી મમ્મી ના કહેતી હતી મેં પરાણે  માસી સાથે મોકલી, અને જો હવે આવું થયું .(રડે છે.)

“મમ્મી રડ ના, ધ્યાનથી સાંભળ હમણાં બધાનાં નામો આજતક પર આવી જશે.”

થોડીજ વારમાં સમાચારમાં બોલ્યા કે મૃત્યુ પામેલામાં વલસાડના .. આટલું સાંભળતાં જ શાલુ રડવા લાગી. ” મોમ જો નામ બોલ્યા જો આ લીસ્ટ  છે સાત જણનું  એમાં નાનીનું કે માસીનું નામ નથી તું રડ ના પ્લીઝ.”

” પણ બેટા, -વલસાડના- એટલું સંભાળીને હું ગભરાઈ ગઈ, તેઓ પણ વલસાડના એટલે, પણ થેંક ગોડ કે બંને બચી ગયાં છે.”

શાલુને  હવે શાંતી  થઇ મનમાં એને હાશ થઇ. તે પાછી ઘરકામ આટોપવા રસોડામાં ગઈ. મનમાં ઉચાટ હતો એટલે તે સરખું જમી પણ ના શકી. હજી રસોડામાં જ હતી ત્યાં એના પતિ  હિતેશનો ફોન આવ્યો.તેણે  કહ્યું,”શાલુ, ટીવી ચાલુ કર જો સાંભળ, અમરનાથ યાત્રીઓ પર ગોળીબાર થયો છે પણ સાસુમા અને માસીજી બંને બચી ગયા છે.”

શાલુ વારંવાર ભગવાનનો આભાર માનતી રહી.સાંજે જમી પરવારીને શાલુએ ટીવી ચાલુ કર્યું. અને ઝી ટીવી પર પોતાને ગમતી સીરીયલ જોવા બેઠી, ત્યારે હિતેશ અકળાયો તેણે કહ્યું,.”અરે શાલુ તારું ટીવી બંધ કર મારે ઓફિસનું થોડું કામ છે, તેમાં આ ટીવીના અવાજથી કેટલી ખલેલ પહોંચે છે! આજની દુનિયામાં ટીવી એ સૌથી મોટું ન્યુસન્સ છે. ઘરની સ્ત્રીઓ આખો દિવસ સીરીયલો જોવામાં એવી વ્યસ્ત હોય છે કે, ઘરની સફાઈ, ઘરની રસોઈ અને ઘરના સભ્યો વચ્ચેનાં સંબંધો પર પણ તેની ખરાબ અસર ચોખ્ખી દેખાઈ આવે છે.”  ” પપ્પા,તમારી વાત સાચી હશે પણ તમે ટીવીને ન્યુસન્સ ના કહી શકો, એના લીધે તો નાની અને માસીજી સલામત છે તે આપણે  જાણી  શક્યાં, નહિ તો, મમ્મી રડતી જ રહી જાત.”શાલુ ખુશ થઈને કહે,” બોલો જવાબ આપો હવે,”

પણ .. હિતેશ કંઈ પણ જવાબ આપે તે પહેલાં તેના મોબાઈલમાં રીંગ વાગી.'”હેલો,હા હું હિતેશ બોલું, આપ કોણ? તમારો નંબર મારામાં સેવ નથી કરેલો, શું ? મારે વાડીલાલ પહોંચવાનું છે? પણ કેમ? ઓકે હું પહોંચું છું.”

હિતેશ ,શાલુ અને રીતુ ત્રણે ગભરાઈ ગયાં , તરત જ તૈયાર થઈને ઉપડી ગયાં.હિતેશ હોસ્પિટલ પહોંચીને સીધો કાઉન્ટર  પર ગયો અને પૂછ્યું કે મને આ નંબર પરથી ફોન આવ્યો હતો,કાઉન્ટર  પરનાં ભાઈએ તરત એક નર્સને બોલાવી અને હિતેશને મદદ કરવા જણાવ્યું. નર્સે વાત સમજી લીધી પછી હિતેશને કહ્યું,” ભાઈ એક એક્ષીડેંટ કેસ છે, તેમને ભાન નથી પણ તેમની પાસેથી તમારો નંબર મળ્યો એટલે તમને ફોન કર્યો હતો, કદાચ તમે કંઈ મદદ કરી શકો.” અને તેણી હિતેશના ફેમિલીને એક રૂમમાં લઇ ગઈ. ત્યાં જોયું તો બેડ ખાલી હતો, તેણે ત્યાં હાજર નર્સને પૂછ્યું કે અહીંનો દરદી ક્યાં ? તેને જાણકારી આપી કે, તેને આઈ સી યુમાં લઇ ગયા છે.

શાલુ હવે ચિંતામાં પડી કોણ હશે? શું થયું હશે? હિતેશ અને રીતુ પણ એ જ મુજવણમાં હતાં.ખાસો કલાક બધા બેસી રહ્યા.ડોકટરો આઈસીયુમાં હતા એટલે કોઈને જવા ના દીધા. સૌને ઇન્તેજારી હતી કે કોણ હશે જેની પાસેથી હિતેશનો નંબર મળ્યો હશે, સાથે થોડી નિશ્ચિંતતા પણ હતી જ કે, આપણે  ત્રણે તો સાથે જ છીએ સલામત છીએ. અને ઋત્વિક પણ અમેરિકામાં સલામત જ હશે તેની સાથે વાત કરાય તેવો ફ્રી સમય અત્યારે છે, પણ તેની તો જોબ ચાલતી હશે, આમ ખાસ ચિંતા વગર સમય પસાર કરવાનો હતો એટલે ત્રણે નિશ્ચિંત થઈને વાતો કરતાં બેઠાં.ખાસીવાર બેઠા પછી હિતેશ અકળાયો ત્યાં બેઠેલી નર્સને કહે,” બેન, ઘણી વાર થઇ અમે ઘરે જઈએ? કાલે સવારે પાછી બધાને જોબ પણ ખરી.” ” સર મને પાંચ મિનીટ આપો હું ડોક્ટરને પૂછી જોઉં, કારણ કે તમારી જરૂર હોય ને હું જવા દઉં તો યોગ્ય ના કહેવાય.” કહીને નર્સ આઈસીયુમાં ગઈ તેને પણ દસ મિનીટ થવા આવી. બધા અકળાયા હતા પણ કરે શું? છેવટે તેમની ધીરજનો અંત આવ્યો અને નર્સ તેમજ ડોક્ટર બંને સાથે બહાર આવ્યા.

હિતેશ નર્સને કંઈ પૂછે તે પહેલાં ડોકટરે કહ્યું, “હવે તમે પેશન્ટને મળી શકો છો, ચિંતા જેવું કઈ નથી.”

બારણું ખોલીને તેઓ ત્રણે અંદર ગયા, પેશન્ટ પાસું ફરીને સૂતેલો હતો,” હેલો ભાઈ આપ કોણ છો? હવે કેવું લાગે છે?” હિતેશે પૂછ્યું. પેશન્ટ ઘેનમાં કે પછી ઊંઘમાં હોય તેમ બોલ્યા વગર પડી રહ્યો. હિતેશે બીજીબાજુ જઈને દર્દીને ઢંઢોળ્યો.પણ…પણ..

તેને ચીસ પાડી,” રુતવી….ક ” શાલુ અને રીતુ ગભરાઈને દોડ્યા બીજી બાજુ.” ઓ મારા દીકરા તું ? શું થયું ? ” શાલુ રડતાં રડતાં બોલી, ચીસો સાંભળીને ડોક્ટર તેમજ નર્સ અંદર આવી ગયાં.” ડોક્ટર સાહેબ, મને ખબર નહોતી,આ તો મારો દીકરો છે તેને શું થયું છે? ”  ” ડોન્ટ વરી મી. ..” ” સર આઈ એમ હિતેશ શાહ.” ” ઓકે  મી. શાહ, ડોન્ટ વરી, એક્ષીડેંટનો કેસ છે. પગમાં સામાન્ય ઇન્જરી છે. ભાઈ બચી જ ગયા છે, પેઈન રીલીફ માટે ઇન્જેક્શન આપ્યું છે થોડીવારમાં ભાનમાં આવશે.પણ એક્ષી ડેંટનો કેસ હોવાથી પોલીસ આવી ગઈ છે, હમણાં બધું પતી જશે પછી તમે ઘેર લઇ જઈ  શકશો.”

પોલીસ બધી પૂછપરછ અને જરૂરી કાર્યવાહી કરીને નીકળી ગઈ, ત્યાં સુધી હિતેશ અને ઘરના ત્રણે બહાર હતાં.પોલીસના ગયા પછી તેઓ રૂમમાં ગયાં ત્યારે ઋત્વિક ભાનમાં હતો. શાલુ તેની પાસે જઈને માથે હાથ ફેરવે છે,પછી કહે,” તું અહીં ક્યાંથી બેટા? તને ક્યાં વાગ્યું છે? કેવું લાગે છે તને?” ” મોમ, આઈ એમ એબ્સોલ્યુટલી ફાઈન, ડોન્ટ વરી, મારે તમને સરપ્રાઈઝ આપવી હતી એટલે કહ્યા વગર આવીને તમારા ચહેરા પરની ખુશી જોવી હતી,બીજું હું કંપનીનાં કામે બે વિક માટે અહીં છું. એરપોર્ટથી ઉબેર કરીને આવતો હતો,એક સાયકલ વાળાને બચાવવા જતાં સામાન્ય એક્ષિડેંટ  થયેલો પણ સામેની સીટ પર માથું ભટકાવાથી અને કદાચ ડરથી હું બેભાન થઇ ગયેલો, બાકી ખાસ વાગ્યું નથી મને.” ઋત્વિકના મોબાઈલ પર વોટ્સેપ,નોટીફીકેશનનો અવાજ આવવા લાગ્યો. ફરી હિતેશ ચિડાયો,” આ ટીવી, મોબાઈલ, વોટ્સેપ, બધાથી કંટાળ્યો છું.” “પપ્પા, મોબાઈલ ને લીધે તો આપણે ભાઈ પાસે સમય પર આવી ગયા, બોલો હા કે ના?”

ગાડીમાં ઘરે જતાં અને ઘરે જઈને પણ આધુનીક ટેકનોલોજી જ તેમની ચર્ચાનો વિષય રહ્યો.

 હિતેશ કહે,” હા, એની તો ના પડાય તેમ નથી,પણ આ વોટ્સેપ, ઇન્સટાગ્રામ, ફેસબુક, ટવીટર, ગુગલ+, આ બધામાં  આપણો કેટલો બધો સમય પસાર થાય છે, એના લીધે પરિવારના સભ્યો એકબીજાને થોડોક સમય પણ આપી શકતા નથી, પરિણામે કોમ્યુનીકેશન ગેપ સર્જાય છે અને એની ઊંડી અસર પારિવારિક સંબંધો પર પણ પડે છે, એટલે સુધી કે ઘણાં ઘરોમાં ઘરનાં કામો થતાં નથી બધે ઉકરડા થાય છે અને એના લીધે ઝગડા પણ  થાય છે.બોલો હા કે ના?” ઋત્વિક કહે,” હા પપ્પા, એની પણ ના  પડાય તેમ નથી. એટલે પેલી કહેવત છે ને,- એવરી થિંગ ઇન એક્ષેસ ઇઝ હાર્મફૂલ,- એને અનુસરવું જોઈએ , કારણ કે આ બધાના જ પાછા ફાયદો તો છે જ.અને એના લાભથી વંચિત રહેવું પણ આજની તાકીદ પ્રમાણે યોગ્ય નથી ખરું કે નહિ?” શાલુ કહે,” હાસતો, પણ એમાં બે વાત યાદ રાખવી પડે, (૧) આધુનિક ટેકનોલોજીના દરેક સાધન માટે કેટલો સમય ફાળવવો, તે નક્કી કરવું પડે, જેથી તેમનો લાભ પણ લેવાય તેમજ  તેના નુકશાનથી બચી શકાય અને ઘરનાં કે ઓફીસના કરવા જેવા કામો રહી ના જાય. (૨) અને બીજું તો ઋત્વિકે કહ્યું તે જ સંન્સ્કૃત માં કહું તો અતિ સર્વત્ર વર્જ્ય્તે. બોલો હા કે ના?

રીતુ કહે, “હા માવડી હા તમે કદીય ખોટા હોઈ શકો? બીજું ટેકનોલોજીનો ઉપયોગ વધુ માં વધુ થતો હોય તેવા અને સાર્વજનિક બની ગયેલાં બે માધ્યમો છે એક ટીવી અને બીજું મોબાઈલ, અને એ બંનેને લીધે આજે આપણને લાભ જ થયા છે બોલો હા કે ના? “

અસ્તુ.

રશ્મિ જાગીરદાર

બાળવાર્તા -(૬)તોફાન ભૈયા-રશ્મિ જાગીરદાર. 

નાનકડી એષા આ વર્ષે જ શાળામાં દાખલ થઇ હતી. તેના મોમ-ડેડ બંને જોબ કરતાં હતાં. વેનમાં કે રિક્ષામાં આટલી નાની દીકરીને મોકલતાં જીવ ના ચાલ્યો, બીજા મોટાં છોકરાઓ એને હેરાન કરે તો? એટલે એમનો નોકર સોમજી વર્ષોથી કામ કરતો હતો, તેની સાથે સાયકલ પર મોકલવાનું નક્કી કર્યું. શાળા પણ ખાસ દુર નહોતી એટલે વાંધો ના આવે. એ વિચારથી માતા-પિતાને દીકરી બાબતની ચિંતા ઓછી થઇ.

એક દિવસ સવારે સોમજી એષાને લઈને નીકળ્યો. હજી શાળાએ પહોંચે, તે પહેલાં જ એક ટુ વ્હીલર સાયકલ  આગળ આવીને ઉભું અને તેની સાયકલને આંતરીને ઉભી રખાવી. સોમજી ગરજ્યો “એ…ય છોકરા આંધળો છું?” “તારી પાછળ બેઠેલી આ છોકરી કેમ આટલી બધી રડે  છે?”  ” અરે એ બરાબર પકડીને નથી બેસતી એટલે હમણા બ્રેક મારી ત્યારે પડત, એટલે મેં….” ” તું ચુપ, નાની બેના તું કેમ રડે છે?” ‘ સોમજી મને માયું” ” ખબરદાર જો આટલા નાના બાળકને ફરી માર્યું તો?” ” તો શું?” “હવે હું રોજ તારી ચોકી કરીશ” ” ખસ ચાલ જવા દે , મારે મોડું થાય છે આમ તોફાનની જેમ આવીને રસ્તામાં રોકીને શું ઉભો છે!”
પછીના દિવસે સોમજી નીકળ્યો, એટલે તરત એને યાદ આવ્યું પેલું તોફાન પાછું આજે આવશે? થોડીવાર તો કોઈ દેખાયું નહિ, પણ શાળા નજીક આવી ત્યારે,એષા એકદમ બોલી ઉઠી – “તોફાન ભૈયા, તોફાન ભૈયા.” ” તારું નામ શું છે બેની?” “એષા”  “મારું નામ શું છે ખબર છે તને?” ” હા તોફાન ભૈયા” સાંભળીને ત્રણે જણા હસી પડ્યા. થોડા દિવસ આવી રીતે સોમજીની ચોકી કરી પણ કઈ જ વાંધાજનક ના જણાયું. સોમજીએ એક દિવસ કહી દીધું, ” ભાઈ આ છોકરી જન્મી ત્યારથી એને રાખું છું, તે દિવસે બ્રેક મારી ને એનું બેલેન્સ ગયેલું એટલે મેં જરા ગભરાઈને એને ટપલી મારેલી. અમારી પાછળ તું ખોટો સમય બગાડે છે,  તું બીજા જરૂરી કામે લાગ. તારું નામ શું છે?”  ” સાહિલ, નામ છે પણ આ એષાની જેમ કેટલાય બાળકો મને -તોફાન ભૈયા- જ કહે છે. એષા, તને કે તારા કોઈ ફ્રેન્ડને કંઈ પણ તકલીફ હોય, તો મને બોલાવી લેજે.”  તે દિવસે એ ત્રણ જણની ટીમ બની. સાહિલે બંનેને કહ્યું, ” ક્યાંય બાળકો કે વૃધ્ધોને કોઈ હેરાન કરતુ હોય તો મને જણાવી દેજો. આ મારો મોબાઈલ નંબર લો.”
એક દિવસ, એષા અને તેની બે સખીઓ શાળાના સમય પછી દરવાજા પાસે, લેવા આવે તેની રાહ જોઇને ઉભા હતા.એષા પણ સોમજી ની રાહ જોતી હતી. તેવામાં એક ભાઈ સાયકલ લઈને આવ્યા અને છોકરીઓ પાસે ઉભી રાખીને કહે,” આ સરસ સરસ કેડબરી કોણ ખાવાનું?” એષા બોલી ” મને આપો.” “ના ભાઈ, હું તો આ તારી સખીને આપીશ.” ” બધા સાથે બોલ્યા,” કેમ પણ?” ” જુઓ એણે કેવી સરસ બુટ્ટી પહેરી છે, એટલે, શું નામ છે તારું?” ” હીર” ” હીર ચાલો બહાર આવો તમને કેડબરી આપું.”  પણ એ જ સમયે સોમજી આવી પહોચ્યો. તેણે સાયકલ વાળાને જોયો. એટલે પેલો સાયકલ વાળો -“કાલે તને આપીશ”-કહીને જતો રહ્યો. સોમજીને  થોડો ખ્યાલ આવ્યો, તેણે  ત્રણે સાથે વાત કરીને હકીકત જાણી લીધી.અને સાહિલને વાકેફ કર્યો. બીજા દિવસે શું કરવું તેનું પ્લાનિંગ કરી લીધું. આગલા દિવસની જેમ ત્રણે સખીઓ શાળા છૂટ્યા પછી દરવાજે ઉભી રહીને, લેવા આવનારની રાહ જોવા લાગી. થોડી વારમાં પેલો સાયકલ વાળો આવ્યો. “ચાલો હીર, તમારી કેડબરી લો.” કહીને  હીરનો હાથ પકડીને દરવાજાની બહાર થોડે દુર લઈને ગયો, પછી તેને કેડબરી આપી અને તેના કાનની બુટ્ટી કાઢવા માંડી. એક બુટ્ટી નીકળી તે જ સમયે સાહિલ એકદમ તેજ ગતિથી બાઈક લઈને ત્યાં જઈને સખત બ્રેક મારી. અવાજથી અને એકએક આવેલા સાહિલને જોઇને પેલો હકાબકા થઇ ગયો. સાહિલે તેની ફેંટ પકડીને એક લાફો માર્યો અને તેની પાસેથી બુટ્ટી ખેંચી લીધી.સોમજી પણ તેને મેથીપાક આપવામાં સામેલ થયો. છેવટે પેલો ભોંય પર પટકાયો, એટલે ત્રણે છોકરીઓ મોટેથી બુમો પાડવા લાગી.” તુફાન ભૈયા-તુફાન ભૈયા …” તે દરમ્યાન ત્યાં જમા થયેલું ટોળું પણ છોકરીઓને સાથ આપીને બોલતું રહ્યું,- તુફાન ભૈયા , તુફાન ભૈયા….”
સાહિલ ૧૨મુ ધોરણ 75 ટકાથી પાસ થયેલો હતો, તેને આગળ ભણવું હતું પણ માતા-પિતાની સ્થિતિ એવી નહોતી કે તેને પૈસા ભરીને કોલેજમાં એડમીશન અપાવી શકે.એટલે તે પિતાને સમોસાની લારી ચલાવવામાં મદદ કરતો. પોતે જ્યારે સાવ નાનો શાળાએ જતો ત્યારે નાના ટાબરિયાઓને શાળાના મોટા છોકરાઓ તેમજ આજુબાજુના મવાલીઓ કેટલું હેરાન કરતા તે હકીકતથી વાકેફ હતો એટલે લારીના કામમાંથી થોડો સમય કાઢીને, તે નાના નિશાળીયાઓને  મદદ કરવા પ્રયત્ન કરતો. આજુબાજુની ઘણી ખરી શાળામાં તે બાળકોને મદદ કરતો રહેતો, એ હંમેશા પોતાના કાકાની જૂની બાઈક લઈને મદદે જતો અને પોતાની આગવી સ્ટાઈલથી એકદમ ફાસ્ટ -તોફાનની જેમ- ઘટના સ્થળે પહોંચી જતો એટલે સૌ બાળકો તેને વ્હાલથી -તુફાન ભૈયા- કહેતા.    બાળકો જેવી જ દશા સમાજમાં વૃધ્ધોની પણ હતી. તેઓને પણ ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરવા, વધુ વજન લઇ બસમાં ચઢવા ઉતારવામાં તકલીફ પડતી.બાઈક સવારો કેટલીક વાર તેમના ગળાની ચેઈન કે બીજા સોનાના દાગીના ખેંચી લેતા.અને તેઓ હેલ્પલેસ -અસહાય થઇ જોઈ રહેતા, આવા સંજોગોમાં રસ્તા પરનાં લોકો જોતાં ખરા પણ પારકી પળોજણમાં પડવાનું ટાળતા. આ બધી વાતોનો ખ્યાલ  સાહિલને નહોતો, પણ એક દિવસ તે કાકા પાસેથી બાઈક લઈને તે નીકળ્યો, ત્યારે તેણે  એક વૃદ્ધાને બંને હાથમાં વજનદાર થેલીઓ લઇ ઉભેલાં જોયાં. તેઓ ક્રોસ કરવા માટે ક્યારનાં ઉભા હતાં. સાહિલે તે જોયું, એટલે બાઈક સાઈડમાં મૂકી તેમની પાસે ગયો અને કહ્યું,” માડી, હવે લાઈન બંધ છે ક્રોસ કરી લો ને,” “પણ બેટા, આ બધું લઈને પડીશ તો?” સાહિલ પહેલાં તો હસી પડ્યો પછી કહે, ” ચાલો માડી હું તમને ઉતારી જાઉં.”
સાહિલે તે વૃધાને છેક ઘરે ઉતાર્યાં. તે ઘરમાં વૃધ્ધા રસોઈ અને પરચુરણ કામ કરતાં હતાં. તેમનાં માલિક બેને સાહિલને પુછ્યું, ભાઈ તું ઘણે  દુરથી મુકવા આવ્યો, ખાસું પેટ્રોલ બળ્યું હશે, તું શું કરે છે?” સાહિલે પોતાની વાત વિગતથી જણાવી. પેલાં માલિક બેન  તેનાથી પ્રભાવિત થયાં, તેમણે  સાહિલને પેટ્રોલના પૈસા તો આપ્યા જ, પણ આવા સારા કામો માટે જ્યારે જરૂર પડે ત્યારે મળવાનું જણાવ્યું.ઉપરાંત, તેને કોલેજમાં ભણાવવાનું પણ નક્કી કર્યું. અને ગરીબ વૃધ્ધો કેટલી હાલાકી ભોગવે છે, તેનો ચિતાર આપ્યો અને તેઓને આજ રીતે મદદ કરવા પ્રોત્સાહિત કર્યો. આવાં સારાં કામો કરવા માટેની તમામ આર્થિક મદદ કરવા તૈયારી બતાવી.
સાહિલ હવે કોલેજમાં ભણતો હતો, સાથે જ  સમાજના અબળા-નબળા વર્ગની મુશ્કેલી માં મદદગાર બનીને અચૂક પહોંચી જતો. તેની આ કામગીરીને પ્રોત્સાહિત કરવા કેટલાક ધનિકો પ્રયત્નશીલ હતા. જેઓની મદદથી સાહિલ અભ્યાસ સાથે જીમમાં જઈને શારીરિક તાકાત પણ મેળવતો જે તેને માથાભારે તત્વો સામે બાથ ભીડવામાં કામ લાગતી. સમય જતાં સાહિલ વધુ  શક્તિ શાળી બન્યો. જે કાર્ય સાહિલે શરુ કર્યું હતું તે સારી રીતે કરવા માટે કેટલાક ધનિકો તો મદદ કરતા જ હતા, પણ તેની કામગીરીથી પ્રભાવિત થઇ ગુજરાત સરકારે પણ ખાનગી રાહે,તેને જરૂરી સવલતો અને સહકાર આપવાનું શરુ કર્યું. એટલે હવે સાહિલનું કાર્ય ક્ષેત્ર શાળાઓ કે શહેર પુરતું સીમિત ના રહેતાં રાજ્ય ભરમાં ફેલાયું. હવે પૂરું રાજ્ય સાહિલને ઓળખાતું, પણ સાહિલ તરીકે નહિ, “તુફાન ભૈયા” તરીકે. સૌ કહેતા,”અનાથોનો નાથ એટલે તુફાન ભૈયા, નબળાનો બેલી એટલે તુફાન ભૈયા, બાળકોનો વડીલ સાથી એટલે તુફાન ભૈયા, અને વડીલોનો વ્હાલો બાળક એટલે તુફાન ભૈયા.”
ગુજરાતી ચિત્રોના એક ઉત્સાહી નિર્માતા અને દિગ્દર્શક તરુણ કુમારની નજરે સાહિલ ચઢ્યો. તેમને તરત જ  સાહિલની કામગીરી પર એક ગુજરાતી બાળચિત્ર બનાવવાનું નક્કી કર્યું. તેમણે  સાહિલ સાથે ઉપરા  ઉપરી બેઠકો યોજીને તેની કામગીરી સમજવા પ્રયત્ન કર્યો. સાથે સાથે બાળકોનાં જે વર્ગમાં તુફાન ભૈયા ખુબ મશહુર અને અત્યંત પ્રિય હતા, તેમની સાથે પણ બેઠકો યોજી. ત્યાર પછી સાહિલની કામગીરી દર્શાવતું ચિત્ર બનાવવા માટે હીરોની શોધ આરંભી.અનેક અટકળો અને ઓડીશનો  પછી છેવટે ઘણાં રીજેક્ટ થયા અને છેવટે કાળાશ ઢોળાયોતો સાહિલ પર!  ચિત્ર નું નામ પણ એ જ -તુફાન ભૈયા!-
આ ગુજરાતી ચિત્ર ખુબ ચાલ્યું, કેટલાય વિક્રમો તૂટ્યા અને કેટલાય નવા સ્થપાયા.અને ગુજરાતી બાળ ફિલ્મ “તુફાન ભૈયા” ને જ્યારે શ્રેષ્ઠ બાળ ચિત્ર માટેના નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી, ત્યારે જનતાના દીલોનો હીરો ફિલ્મનો હીરો પણ બની ગયો.
અસ્તુ.
રશ્મિ જાગીરદાર.

આભાર અહેસાસ કે ભાર? (2) રશ્મિ જાગીરદાર

આભાર અને આપણી સંસ્કૃતિ

કેટલાક શબ્દો એવા હોય છે, જેમનો ઉપયોગ આપણે  દીવસ  દરમ્યાન વારંવાર કરતાં હોઈએ છીએ. આભાર પણ તેમાનો જ એક શબ્દ છે. વારંવાર વપરાતા શબ્દો કેટલીક વાર તો પૂરું સમજ્યા વિના વપરાતા હોય છે. આપણા દેશમાં અને આપણી સંસ્કુતીમાં વારે વારે આભાર પ્રગટ કરવાની પ્રણાલી નથી. આજની ઉગતી પેઢી અને ઈંગ્લીશ મીડીયમમાં ભણતાં  સંતાનોના વાયે ચઢેલા વાલીઓ કદાચ મારી વાત નહિ માની શકે.છતાં કેટલાક ઉદાહરણો જોઈએ.

આપણે ગાડી લઈને ડાંગ જીલ્લાના આદિવાસીની વસ્તીવાળા ભાગમાં જતાં હોઈએ અને ક્યાંક ભૂલા પડીએ –કોઈને રસ્તો પૂછીએ તો એ આદિવાસી આપણી ગાડીમાં બેસીને છેક આપણે જ્યાં જવું હોય ત્યાં લઇ જશે. તમે તેને “થેંક યુ”  જરૂર  કહેશો અને કદાચ ૧૦-૨૦ ની નોટ પકડાવશો. પછી તમે રાહ જોઇને અડધો કલાક ઉભા રહેશો તો પણ તે તમને થેંક યુ નહિ કહે!
હજી, તમે તમારા વતનનાં નાનકડાં ગામ સાથે નાતો તોડ્યો નહિ હોય અને પરદેશથી તેમને માટે ચોકલેટ્સ, નેઈલ પોલીશ, બોડીવોશ કે એવું કંઈ લાવ્યા હો, તો તેઓ ખુબ પ્રેમપૂર્વક તે વસ્તુઓ સ્વીકારશે, તમે તેમની આંખોમાં અને વર્તનમાં રહી રહીને પ્રગટતી  આભારવશતા જોઈ શકશો પણ “થેંક યુ” સાંભળવાની તમારી તમન્ના ક્યારેય પૂરી નહિ થાય.
આજથી ત્રીસેક  વર્ષો પહેલાં બાળકો જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણતાં ત્યારે, ઘરના સભ્યો એકબીજાનાં કાર્યો અચૂક કરતાં પણ દરેક વખત થેંક્યું નહોતા કહેતા. વાત વાતમાં “થેંક યુ મોમ”, “થેન્ક્સ ડેડ” કહેતી આજની પેઢીને  કદાચ તે અસભ્યતા લાગે પણ મારી દ્રષ્ટીએ હું તેને “પોતાપણું” માનું છું. મારું કામ હું કરું કે તું બધું એકજ છે ને? આવી ઉમદા ભાવના જ તેમાં હોઈ શકે, અસભ્યતા તો હરગીઝ નહિ! તમારા ૮૦-૯૦ વર્ષના નાની કે દાદી તમને કોઈ કામ બદલ થેંક યુ ના કહે તો શું તમે તેમને અસભ્ય ગણશો?   આમ શબ્દોમાં અભાર ન  માનીને પણ અઢળક આભારવશતા તમારા દિલ સુધી પહોચાડવાની કળા — એ આપણી સંસ્કૃતિ છે.  આભાર ને “ભાર” ના સમજવાની ઉમદા લાગણી છે.
આ તો માત્ર જાણકારી છે બાકી હું પોતે દિવસમાં સૌથી વધુવાર કોઈ શબ્દ  બોલતી હોઉં તો તે “થેંક્યુ” જ છે! મેં પહેલાં કહ્યું તેમ, રોજ બોલાતા શબ્દો પણ આપણે  કદાચ પૂર્ણ પણે સમજતા નથી. એ વાત સમજવા એક બીજા બનાવની વાત કરીએ. લંડનમાં પ્રમુખ સ્વામીની પ્રેરણાથી સ્વામીનારાયણનું અદ્ભુત-વિશાળ મંદિર બંધાઈ ગયું  હતું.મંદિરમાં સમય સમયે પાંચ આરતી થતી.ભજન કીર્તન થતાં તે અલગ. હવે મંદિરથી આકર્ષાઈને કેટલાક અંગ્રેજો પ્રમુખ સ્વામીને મળવા આવ્યા. માત્ર રવિવારે ચર્ચમાં જનારા એ ભાઈઓએ પૂછ્યું કે, “આટલો સમય તમે બધા મંદિરમાં શું કરો ” અને કેમ કરો?”
પ્રમુખ સ્વામીએ જવાબ આપ્યો,” કોઈ તમારું એક નાનું કામ કરે તો પણ તમે -થેંક્યુ- કહો છો ને? તો પછી ભગવાને આપણે  માટે જન્મ આપવાથી માંડીને અસંખ્ય કાર્યો કર્યા છે તો,  તેમને થેંક્યુ  પણ થોડું વધારે કહેવું પડે ને?” સ્વામીશ્રીની આવી સચોટ અને નિખાલસ વાતોથી આકર્ષાઈને કેટલાય પરદેશીઓ સત્સંગી બન્યા છે. આમ “આભાર”ને ખરા અર્થમાં સમજવું  અને સમજાવવું એ દરેક માટે સરળ- “કપ ઓફ કોફી” નથી.
આપણે ભાર વગરના ભણતરની વાતો કરીએ છીએ , તે રીતે ભાર વગરનો આભાર એ આપણી સંસ્કૃતિ છે.  આપણા સંસ્કાર છે, એક આગવો અહેસાસ છે, જે માત્ર અનુભવી શકાય. તેને વર્ણવવા શબ્દો કદાચ વામણા બની રહે!
સમજવાની વાત છે, ના સમજે તો તું જાણે,
અનુભવવાની વાત, ના સમજે તો તું જાણે.
એક મનમાં ઉગે, પણ આથમે બીજા મને,
ઓગળવાની વાત છે, ના સમજે તો તું જાણે.
ઉપકારનો ભાર એ અસહ્ય છો લાગે તને,
ભાર નહિ અહેસાસ, ના સમજે તો તું જાણે.
માતા, પિતા  કે જગદાધારનો   આભાર,
શક્તિ બહારની વાત,ના સમજે તો તું જાણે.
આ બધી વાતો તો આપણા દેશની, આપણા સંસ્કારની, આપણી સંસ્કૃતિની. બાકી તમે પ્લેનમાં મુસાફરી કરતાં હો,અને સાંકડી જગ્યાને કારણે તમારો હાથ કે સમાન કોઈને અડી પણ જાય, તો તરત સોરી બોલી દેવાનું, નહિ તો સામેવાળો પરદેશી તમે અનપઢ -ગમાર છો, એમ માનીને  બને તેટલો વધારે તિરસ્કાર તમારી પર નીચોવી મારશે! અને જેવું તમે સોરી કહી દો, “ઇટ્સ ઓકે” કહીને સ્માઈલ આપશે.આમ જોઈએ તો સોરી અને થેંક્યુ એ બંને શબ્દો મને તો એક સિક્કાની બે બાજુ જેવા લાગે.જો તમારા  માટે કોઈ નાનું એવું કામ પણ કરે તો તમારે તેને થેંક્યુ કહેવાનું,પણ જો તમારા થકી કોઈને સહેજ પણ તકલીફ પડે તો તમારે સોરી કહેવાનું.
“આભાર” શબ્દ તમારા પર કોઈએ કરેલા ઉપકારનો ભાર હળવો કરવા સક્ષમ છે.તો “સોરી” તમારા થકી કોઈને થયેલી તકલીફનો ભાર હળવો કરવા સક્ષમ છે. આ બે નાનકડા શબ્દોએ આપણું જીવન સરળ બનાવી આપ્યું છે.બંનેનું ભૌતિક સ્વરૂપ ભલે નાનું હોય પણ તેમાં સમાયેલી ઉચ્ચ ભાવના, ઊંડી લાગણી અને તેનો અહેસાસ મોંઘામુલનાં  છે.આભાર શબ્દ બોલવો અને મનથી આભાર માનવો,એ બેની વચ્ચે સુક્ષ્મ ભેદ છે, પણ બંનેની અસર સાવ  જુદી છે. બંને વચ્ચેનો તફાવત પણ ઘણો મોટો છે. સાંપ્રત સમયની બલિહારી દર્શાવતું એક ઉદાહરણ મને અહીં યાદ આવે છે.
માતા-પિતા આપણને જન્મ આપે , ઉછેરે, ભણાવી ગણાવી તૈયાર કરે અને સરસ રીતે સેટ થવામાં પણ મદદ કરે. માત્ર આટલું કરે,  તો પણ આપણે  તેમનો આભાર માનવો પડે. પછી ભલે મોટા બંગલા-ગાડી કે બેંક બેલેન્સ ના આપે. ખરું કે નહિ? હું એક એવા ફેમિલીને મળી છું જેમાં માબાપ પાસે ૪ ઓફીસ, બે ફ્લેટ અને ઘરેણાં છે. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર. મિલકતમાંથી માત્ર એક ઓફીસ પુત્રીને આપવાનો વિચાર પુત્રને જણાવ્યો તે પળથી માબાપ તેના માટે દુશ્મન બન્યાં.બાકીની બધી મિલકત પુત્રને જ મળવાની છે છતાં, પુત્રીને આપવાની બાબતે દીકરો વહુ માબાપને ખુબ કનડવા લાગ્યા. બેન્કનું કે બહારનું કોઈ કામ ના કરી આપે, દવા ન  લાવી, આપે સાજે- માંદે  ડોક્ટર પાસે ના લઇ જાય. બોલે પણ નહિ. છેવટે દીકરીને આ બધી વાતની ખબર પડી એટલે તેને માબાપને કહ્યું,” બધું ભાઈભાભીને આપી દો, મારે કઈ નથી જોઈતું.”
દીકરીની આ વાત પર છેવટે માબાપે દીકરીનો આભાર માન્યો. હવે (દાવડા સાહેબનો) કાનો અનેક બહાના બતાવીને ભલે કહે કે મારે નથી અવતરવું, પણ એ બધી અંધાધુંધી દુર કરવા જ કાનાએ અવતરવું પડશે, ખરું કે નહિ મિત્રો? હે કાના તું જો અવતરશે તો અમે બેઠકના સૌ સભ્યો તારો ખુબ ખુબ આભાર માનીશું બસ?પ્લિઝ …
અસ્તુ.
રશ્મિ જાગીરદાર

ચાલો લહાણ કરીએ -(૯)દિવ્ય -અલૌકિક પ્રેમ -રશ્મિ જાગીરદાર

દિવ્ય -અલૌકિક પ્રેમ

દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ?
ને કેમ કરી તમને તે ફાવશે ?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

ગોકુળિયું ગામ યાદ આવશે…
ગોકુળિયું ગામ યાદ આવશે…

– મહેશ શાહ

મહેશભાઈ શાહનું આ ગીત, માત્ર એના શબ્દો આપણે  વાંચીએ તો પણ વિરહની ભાવના સંપૂર્ણ પ્રબળતાથી આપણા જહેનમાં જ નહિ,  પુરા અસ્તિત્વમાં વ્યાપી જાય. અને તેમાં ય જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયનો  મીઠો, મધુરો, મંજાયેલો,  જ્ઞાન સમૃદ્ધ  કંઠ, આવા ઉમદા શબ્દોને મળે ત્યારે ખરા અર્થમાં “સોનેપે સુહાગા”  એ કહેવત સાર્થક થાય. અને ત્યારે તમે, તમે ના  રહો, હું , હું ના રહું . અને સૌના મનમાં એક ગોકુળિયું ગામ આવીને બેસી જાય. આ રચના કરનાર પોતે એક ઊંચા ગજાનો, દિવ્ય પ્રેમનો માલિક બને તો જ આવી રચના લખાય. આવું કહેવા પાછળનો મારો આશય એ છે કે, અહીં કાના અને ગોપીના કે રાધાનાં પ્રેમની અને વિરહની જ વાત નથી . કૈંક આગવી અને વિશેષ વાતો લઈને આ ગીત આપણને મળ્યું છે.— શું છે એ વાત? તો એ વાત એવી છે કે, અહીં કાનો ગોકુલ છોડીને જાય ત્યારે,  રાધાને કે ગોપીને જે દુઃખ થાય, વિરહની જે તીવ્ર  વેદના થાય તેની વાત નથી. કે કાનને ગોકુલ છોડવાનું જે દુઃખ થાય તેની વાત પણ નથી. જશોદાના અસહ્ય દુઃખની વાત પણ અહીં નથી.  અહીં તો ખુબ ઉંચી પ્રેમ સગાઇ અને તેની દિવ્યતાની વાત છે. શું છે એ દિવ્યતા??  જુદાઈના દુઃખમાં ડૂબેલું ગોકુળિયું ગામ એવું નથી વિચારતું કે, કાનો  જશે ત્યારે અમારું શું થશે?  એ તો વિચારે છે, અમારા વ્હાલા કાના નું શું થશે? જ્યારે,– જ્યારે  ગોકુળિયું ગા…મ યાદ આવશે!!! અહીં જ આ ગીત એક નવી ઉચાઈને પામે છે અને વાચનાર તેમજ સાંભળનાર ધન્ય બની રહે છે.

સૌનો વ્હાલો કાનો, ગોકુલ ગામ સાથે, એકરૂપ થઇ ગયો હોય તેવો જોડાઈ ગયેલો. ગોકુલ અને કનૈયો એ બે જુદા હોય તેવો, અણસાર  કે અહેસાસ પણ કોઈને નહોતો.

કાના વિનાનું  ગોકુલ હોઈ જ ના  શકે. તો સાથે જ ગોકુળ વિનાનો શ્યામ પણ ક્યાંથી હોય?

આ ગોકુળીયું ગામ એટલે, ગામની સજીવ, નિર્જીવ તમામ ચીજો, ગામની જમીન ,ગામનું ગોદરું,

ખેતર, નદી, તળાવ અને જે કંઈ બાકી હોય તે બધુ ય, અને ખુદ કાનો પણ એનું અનભિજ્ઞ અંગ.

પણ …પણ કાનો તો ગયો ! કદાચ એને જવું પડ્યું.  હવે કાના વિના પ્રાણહીન અવસ્થામાં

પડેલું ગોકુળિયું ગામ, પોતાની ચિંતા નથી કરતું.  તેને કનૈયાની ચિંતા છે. તે વિચારે છે,–

–હે વ્હાલા કાના, આ દ્વારિકા નગરીમાં તમે કેમ કરીને રહેશો? તમે આપણા ગામમાંથી ક્યારે ય,

 ત્યાં સુધી ગયા નથી તમને ખબર છે?  તે આપણા ગામથી સા…વ જુદી નગરી છે. લોકો જુદા, ગામ જુદું,એવામાં તમને ત્યાં કેમ કરીને ફાવશે? અને ખાસ તો તમને જ્યારે આપણું ગોકુળિયું ગામ યાદ આવશે,ત્યારે, તમે કેવી રીતે રહેશો? કેવી રીતે ત્યાં ફાવશે?

તમને યાદ છે? અહીં આપણા ગોકુળમાં, ભર બપોરે. જ્યારે સુરજદાદાનો પ્રકોપ થાય અને

પૂરું ગામ ત્રાહિમામ પોકારે ત્યારે , તમે વાંસળીમાં  અદ્ભુત સ્વરો રેલાવતા. અને શીતળ લહેર લઈને,વાતા વાયરાની અદાથી , એ ભર  બપોરની તપ્ત તાસીરને તમે ઠારતા. અને એ છવાયેલી શીતળતામાં  “હાશ” કરીને  આખું ગામ તમારું ઋણી બની રહેતું.આ બધું તમને યાદ આવશે,ત્યારે  તમને ત્યાં કેવી રીતે ફાવશે?

વહેલી સવારે ગામનું ધણ લઈને, બધ દોસ્તો ચરાવવા નીકળી પડતા. આખા દિવસમાં તાપ, ઠંડી કે વર્ષાની હેલી કેમ ન હોય પણ ,  સાંજ પડે ત્યારે , ગાયોને સંભાળ પૂર્વક પોતાની આંખોની પાંપણમાં પૂરીને લાવતાં હોય, તેમ સલામત રીતે જ્યારે, તમે ગામના પાદરે પહોચતા, ત્યારે ગામથી પાદર સુધીનો પૂરો માર્ગ, જાણે શણગારાઈ જતો હોય. તેમ  જીવંત બની જતો. કારણ કે તમે જ એને મઠારતા. હવે જ્યારે ત્યાં એ યાદ આવશે ત્યારે …ત્યારે  તમે ત્યાં કેમ કરીને રહેશો?

કાના તને તો ખબર છે, અહીં હલકું ફૂલ  જેવું મોરપિચ્છ વાળમાં સોહાવીને આખા ગામમાં તું બિન્ધાસ્ત, બેફામ થઈને  ઘૂમ્યા કરતો. હવે ત્યાં તારે સોનાનો મુગુટ પહેરવો પડશે. મોરનું પીચ્છું કેવું હલકું!  એની સામે સોનાનો ભાર શું તારાથી સહેવાશે? એ ભાર માથે લઈને કેવું લાગશે?  આવા સમયે, તરત જ તને ગોકુલ યાદ આવશે! અને આટલે દુર રહેલા તને જ્યારે આપણું ગામ  યાદ આવશે તો…તો તને કેવું લાગશે કાના!

તમે માનો કે ના માનો પણ ચોરવું એ તમારી ફીદરત હતી. તમે પુરા ગામમાં માખણની ચોરી કરતાં, અને કેટલાયનાં  દીલ પણ ચોરતા.  તો ક્યારેક જાણે ઉદારતા દાખવતા હોય તેમ દિલ કે માખણ કશુય ના ચોરો. અને મઝાની વાત તો એ કે, દરેક જણ, તું એમનું દિલ અને માખણ ચોરે તેની રાહ જોતાં. પણ … કાના તારી બલિહારી કે, ગોવર્ધન પર્વત જેવો પર્વત તારે તાબે હતો. એવો સમર્થ તું , સૌનો સ્વામી, સૌનો વ્હાલો, સૌના દિલનો ચોર , એક રાધા પાસે ખુદ દિલ હારી જતો. આ બધું  તને યાદ આવશે ત્યારે  દ્વારકામાં તમે કેમ કરીને રહેશો?

  આવી રીતે જાણીને હારી જવાનું તારું વલણ રાજકારણમાં કેવી રીતે ચાલશે? તું જ્યાં ગયો છે તે દ્વારકામાં તો બધી રાજ રમતો રમાતી હોય, તેમાં જાતે કરીને હારવાનું થોડું ચાલે? ત્યાતો તારે ઠેર ઠેર, ડગલે ને પગલે રાજ રમત રમીને જીતવું પડશે.જીતવાની ફરજ ગણીને તારે જીતવું પડશે.

તને યાદ હોય તો અહીં ગોકુળમાં તો આખું ગામ જાણીને તારી સામે હરવા તૈયાર રહેતું. અને ખુદ તું પણ જાતે જાણી  જોઇને હારવામાં જ  ખુશ થતો. પણ ત્યાં જ્યારે પગલે- પગલે જીતવું જરૂરી બનશે ત્યારે તને ગોકુળિયું ગામ કેટલું  યાદ આવશે!!

અને અમને તો હે કાના, તારી  એ જ ચિતા છે કે, પળે પળે તારી સામે એવી ધટના ઘટશે, એવું કંઈ બનશે અને દરેક વખતે તને ગોકુળિયું  ગામ યાદ આવશે. અને હે પ્રાણ જીવન, તે વખતે તને કેવું લાગશે!  તારા વિના અમારું શું થશે? એ તો મોટો પ્રશ્ન છે જ. પણ અમને તારી ફિકર છે કાના! તને કેવી રીતે ફાવશે?  ત્યાંની દુનિયામાં કેમ તમે રહેશો?

 જેમ એક માતા પોતાના હજારો દુઃખ ભૂલીને પોતાના પ્રિય બાળકની તકલીફ વિષે વિચારવા બેસી જાય, તેવી જ લાગણીથી તેટલીજ પ્રેમની તીવ્રતાથી,  ગોકુળિયું ગામ પોતાના કાનાની  તકલીફ વિષે ચિંતિત છે. ખુદની નહિ!

કહેવાય છે કે, દરેકને પોતાના કરતાં વધુ વ્હાલું કોઈ નથી હોતું.પોતાના કરતા વધુ ચિંતા કોઈની નથી હોતી. પણ અહીં કવિ જગતના આધારની ચિંતા ગોકુલ પાસે કરાવે છે,  એ જ સાચો પ્રેમ, એ જ ઉંચો પ્રેમ,– અલૌકિક પ્રેમ.

અસ્તુ

રશ્મિ જાગીરદાર

‘મનની મોસમ’ લલિત નિબંધ (5)સલામ, એ અદભુત શક્તિને

રશ્મિ જાગીરદાર.

આજે મહિલા દિવસે લખવા માટે બીજો કોઈ વિષય ક્યાંથી સ્ફુરે? અને ચિત્ર પણ શક્તિશાળી નારીઓનું જ દેખાય, તે આજના દિવસે સ્વાભાવિક છે ખરું કે નહિ?
“દ્વંદ્વ” શબ્દ આપણા માટે જાણીતો છે, દ્વંદ્વ સમાસ પણ આપણે શીખ્યા છીએ. એ સમાસમાં એના અર્થ પ્રમાણે બે જુદા શબ્દોનું એક સ્વરૂપે- એક શબ્દ બનીને આવવું અનિવાર્ય હોય છે. એક સિક્કાને જેમ બે બાજુ હોય જ. તે અનિવાર્ય  છે. એક બાજુ વાળો સિક્કો હોય ખરો? નહીને? જ્યારે જયારે હું સિક્કાની વાત વિચારું ત્યારે એના માટે બંધ બેસતાં ઘણાં દ્વંદ્વ-જોડકાં, મારી આંખો સામે તરવરવા લાગે. અને એ બધામાં સૌથી ઉપર તરતું એક દ્વંદ્વ એટલે “સ્ત્રી-પુરુષ.”
આ જોડકું, એની પોતાની રીતે  અજોડ છે. એક ઘર બનવા માટે, સિક્કાની બે બાજુ જેટલું જ મહત્વ સ્ત્રી અને પુરુષનું છે. વિશાળ અર્થમાં જોઈએ તો સંસારની રચનામાં પણ એ બંને -સ્ત્રી અને પુરુષ- અનિવાર્ય છે. અને એટલે જ તેમને સંસાર રથના બે પૈડાનું બિરુદ પ્રાપ્ત છે. હવે આ રથને વ્યવસ્થિત રીતે ચાલવા માટે બંને પૈડા સરખાં સક્ષમ હોય તે પણ એટલું જ અનિવાર્ય છે. પણ કાશ એવું હોત! તેવું છે નહિ. એના પરિણામ સ્વરૂપે કેટલાય સંસાર રથ, ધીમી ગતિએ ચાલતા જણાય છે, તો કેટલાક તો ઢસડાતા જતા હોય તેવું લાગે છે.
મારા વિચારો જ્યારે આ પોઈન્ટ પર આવીને અટકે ત્યારે અનાયાસ જ, મારું મન એ બંને પૈડાની તુલના કરવા મંડી પડે. અને હું એને રોકી પણ ના શકું. ઘણી ખ્યાતનામ લેખીકાઓએ જ નહિ, અનેક માન્યવર લેખકોએ પણ સ્ત્રીઓને, અનેકવિધ ઉપમાઓથી નવાજી છે. કોઈએ તેને મમતાની મુરત કહી છે, તો કોઈએ ધૈર્યની ધારીણી ગણાવી છે, તો વળી સંસ્કારની સુરત તરીકે પણ તે એટલું જ નામ કમાઈ
ચુકી છે. સંસાર સાગરમાં તરતા તરતા કે ડૂબકી લગાવીને અવલોકન કરીએ, તો સ્ત્રીનાં આ તમામ સ્વરૂપો આપણે જોઈ શકીએ છીએ. ઉપરોક્ત તમામ ગુણો અને ક્ષમતાઓ ઉપરાંત જે એક અધિક મહત્વનો, તેનો પોતાનો, આગવો ગણાય તેવો ખાસ ગુણ- ખાસ વિશેષતા એટલે સ્ત્રીની સહનશક્તિ. સ્ત્રીના આ ગુણને સમજવો પણ સહજ નથી, થોડા અનુભવો અને ઉદાહરણો દ્વારા આપણે તે સમજવા પ્રયત્ન કરીએ.
દરેક કુટુંબ પર ક્યારેક તો  કોઈ અણધારી આફત કે વણમાગી મુસીબત  આવી પડતી હોય છે. તેનો સામનો કરવા સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની રીતે પ્રયત્ન તો કરે જ. પણ જોઈએ કે થાય છે શું?
એક ડોક્ટર જે આપણા દેશમાં ખુબ જાણીતા હતા અને શહેરમાં તેમની મોટી હોસ્પિટલ હતી. તેમને બે દીકરા. સાતમાં-આઠમાં ધોરણના પરિણામો પરથી જ
 તેમને લાગ્યું કે, રસાકસી ભરી હરીફાઈમાં આ છોકરાઓનો ગજ નહિ વાગે. એટલે ખાસ તેમને ભણાવવાના આશયથી તેઓ પરદેશ ગયાં. પણ ત્યાં જઈને તો તેમને લાગ્યું કે આતો એક બાજુ કુવો ને બીજી બાજુ ખાઈ જેવું થયું. છોકરાઓને ત્યાં એડમીશન સરળતાથી મળી ગયું. પણ એમડી ડોક્ટરને તો ત્યાં કમ્પાઉન્ડરની જોબ પણ નસીબ નહોતી! શરૂઆતમાં તે ખુબ ગુસ્સે થતાં. આપણે અહીં ખોટા આવ્યા. છોકરાઓને તો ડોનેશનથી એડમીશન અપાવીને ભણાવાત, પઈસા તો આપણે ખુબ કમાયા જ હતાને!  તેમની પત્ની પણ વિચારતી કુક અને સરવંટનો સ્ટાફ રાખીને ભોગવેલી દોમ દોમ સાહ્યબી મુકીને, આ વાસણ ઘસવા હું કેમ અહીં આવી હોઈશ!– આ તો શરૂઆત હતી પછી ધીમે ધીમે સ્થિતિ એવી થઇ કે, જેવી તેવી જોબ ડોક્ટર સાહેબ કરે નહિ અને જોઈએ તેવી જોબ મળે નહિ. દેશમાંથી લાવેલા પૈસા ધીમે ધીમે પગ કરતા ગયા. અને હેલ્પલેસનેસની લાગણી ડોક્ટરને ઘેરી વળી અને તે સરી પડ્યા ડીપ્રેશનમાં !
હવે ઘરની ગૃહિણી એલર્ટ થઇ ગઈ. ચારે બાજુ મુશ્કેલી તો હતી જ, તેમાં ભાંગી પડેલા પતિની અવદશા જોઈ, તેણે પોતાના સંસારનું સુકાન હાથમાં લઇ લીધું. પોતે પણ  બીકોમ થયેલી હતી પણ જોબનો અનુભવ નહોતો, છતાં એક મનોવૈગ્નાનીક ડોક્ટરને ત્યાં કલેરીકલ કામ માટે જોબ લઇ લીધી. ચાર જ દિવસ જવાનું હતું. બાકીના દીવસોમાં એક મોલમાં જેવી મળી તેવી જોબ લીધી. બાળકો હજી હાઈસ્કુલમાં હતા એટલે તેમનો ખાસ ખર્ચો નહોતો. જ્યાં જોબ હતી તે ડોક્ટરને પોતાના પતિની તકલીફ જણાવી, બને તો મદદ કરવા વિનંતી કરી. દરમ્યાનમાં તેનો ભાઈ કોઈ કામે દેશમાં જવાનો હતો તેની પાસે ત્યાંથી જરૂરી ડોલર્સ એક્ષચેન્જ કરીને મંગાવી લીધા. ત્યાં તો રૂપિયાની કોઈ કમી નહોતી. “છતી છતે, અછત” ભોગવવાનો કોઈ મતલબ નહોતો. એ નિર્ણય ખુબ સમજ પૂર્વક લીધો. પૈસાની ખેંચને લીધે  નેગેટીવ વિચારોથી ઘેરાયેલા ડોક્ટરને હવે જાણે એ થોડી  રાહત થઇ. પોઝીટીવ વાતો અને વાતાવરણ સર્જીને હતાશામાં ડૂબેલા પતિને બહાર કાઢવા તેણે  આકાશ-પાતાળ એક કર્યા. ધીરજ પૂર્વક પતિ અને બાળકોને સંભાળવામાં તેણે  પોતાની તમામ શક્તિ કામે લગાડી. સમય જતાં પેલા ડોક્ટરની સહાયથી પતિને જોબ પણ મળી. પછી તો ઘીના ઠામમાં ઘી પડી ગયું, મતલબ કે ખાધું પીધું ને રાજ કર્યું. પણ અહીં આખી વાતનો મતલબ એ થયો કે પુરુષ મુસીબતથી વહેલો હારી જાય છે, ગભરાઈ જાય છે, તૂટી જાય છે. જ્યારે સ્ત્રીની સહનશક્તિ તેને પડકારો સામે સતત ખડી રહેવાની તાકાત આપે છે. આખું ઘર દુઃખથી હતાશ થઇ જાય ત્યારે સ્ત્રીની અંદર કોઈ અદ્ભુત શક્તિ ઉદભવે છે. એ શક્તિ જ સહન શક્તિ છે. એને સમજવા માટે મને એક બીજો પ્રસંગ યાદ આવે છે.
૧૫ થી ૨૨ વર્ષની વચ્ચેના ત્રણ દીકરા અને માંડ ૪૭ વર્ષની માતા. એનો પતિ હાર્ટ એટેકમાં ગુજરી જાય છે. પહેલી પળોમાં તો બધાજ ભાંગી પડે છે, પણ પછી માતા પોતાને સંભાળી લે છે. સહનશક્તિનો સ્રોત એની અંદર ઉદભવે છે. અને અપાર પ્રેમથી પોતાના બાળકોને પાંખમાં લઈને માં કહે છે,” આપણાથી ના રડાય,મારા વ્હાલા દીકરાઓ, તમારા પિતાને  તમને રડતાં જોઇને ખુબ દુઃખ થાય. આપણે રડીને તેમને પણ રડાવવા છે? નહીને?  તો જુઓ,  હવે આપણે એમના અધૂરા કામો પુરા કરવામાં પરોવાઈ જવાનું. તો જ એ રાજી થાય! અને હું છું ને તમારી સાથે! તમારા પપ્પા ક્યાંય નથી ગયા, આપણી સાથે જછે. “
આ પ્રસંગે હાજર સૌને લાગ્યું કે, શું અહીં સહનશક્તિએ ખુદ અવતાર ધારણ કર્યો હશે?આકાશ, ધરતી, સમગ્ર જળરાશી, અને વનરાજી તમામ એક થઈને નારી પર આફતોનો ખડકલો કરે, ત્યારે પણ અડીખમ ઉભી રહે તે નારી.- અને નારીનું એ બળ એટલે સહન શક્તિ.
આવું પહાડ જેવું દુઃખ સહન કરવા માટે મહિલાએ , ધરતીના જેટલી ક્ષમતા ધારણ કરવી પડે અને તે એક નારી જ કરી શકે.  પૃથ્વી પર થતાં આટઆટલાં પાપો, અત્યાચારો, દુષ્કર્મો, આ બધું જ સહન કરનારી પૃથ્વીને આપણે માતા કહીને સન્માનીએ છીએ. તે વંદનીય છે. તો નારીને પણ આજે મહિલા દિવસે આપણે સન્માનીએ અને તેની અદ્ભુત સહનશક્તિને વંદન કરીએ.
 હે અદભુત શક્તિની સ્વામીની, તને સો સો સલામ.
અસ્તુ.
રશ્મિ જાગીરદાર.

વિનુ મર્ચન્ટવાર્તા સ્પર્ધા -(૨૨) રણને મોઝાર 

307966_10150312279626681_1228122565_n

રશ્મિ હરીશ જાગીરદાર

“હાલ્ય ને થોડો પોરો ખાઈએ રેવી” રણ ને મોઝાર રસ્તો કાપતાં કાપતાં કંટાળેલો માવજી રેવી ને કહે છે .

રેવી : – ” સામે સુરજ તો જો , ડુંગરા ઓથે ડુબવા બેઠો છે ,ને હવે પોરો ખાશું તો જાશું કેમના ?”
માવજી : – ” હવે મોટા ભા – નું ઘર એટલું આઘું ય નથી , માં ને મળી ને અમે વાતો કરશું, ભાભી ને ય પિયર જવું પડ્યું છે , એટલે  ગાંડી , તારે તો રોટલા ટીપવા બેસવું પડશે ,
     એટલે થયું કે તું થોડો થાક ઉતારી લે .”
રેવી : – ” એ ખરું પણ લ્યો, તમે  મારી આટલી લાગણી રાખો છો તો, થાક તો મારો અમથોય ઉતારી ગ્યો ! અને થોડો બાકી હશે તો માં ને મળી ને પગે લાગીશ એવો  જ
ઉતરી જાશે.”
માવજી : – ” તું કેમ આવડી મીઠડી છો ?”
રેવી : – ” એ મીઠાશ તો બધી તારા સાથ ની છે “
માવજી : – ” અરે વાહ હવે તને આવી મીઠી વાતો સુઝી ? આખે રસ્તે તો મારા થી ચાર ફૂટ પાછળ ચાલતી રહી “
રેવી : – ” અરે આ કઈ શહેરની  કોલેજ નથી, આમન્યા તો રાખવી પડે .”
માવજી : – ” કોની ? આ ઊંટ ની કે આ રણ ની રેતી ની આમન્યા ?”
રેવી : – “હાસ્તો , ઊંટ ને તો માં પોતાનો દીકરો હોય તેમ લાડ લડાવે છે તું જ કહેતો ‘તો ને?  તો મારા જેઠ થયા આ ઊંટ જી તો” — હસે  છે .
માવજી : – ” અને આ રેતી તારી નણદલ?”    હવે બંને ખડખડાટ હસી પડ્યાં , ને મસ્તીએ  ચડી ને બેસી જ ગયા ઊંટ ની બાજુ માં .
રેવી : – ” માવજી હવે મને તમારા જેવું બોલતાં થોડું ફાવી ગયું છે નહિ ? મને હવે બીક લાગે છે ‘સોના માં ‘ નો તું લાખ લાડકો હોય, પણ એક વાણીયા  ની દીકરી
   અને તેય  કોલેજ માં સાથે ભણેલી– માં મને સ્વિકારશે ?”
માવજી : – ” તારા જેવી ને ના પાડે એવી અભણ પણ નથી મારી- -સોના માં”
રેવી : – ” કેમ એવું શું છે મારા માં ?”
માવજી ; – ” એક તો તે મારા કહ્યા ય વિના પન્ઝાબી  ડ્રેસને બદલે સાડી  પહેરી,માથે ઓઢવાની પ્રેક્ટીસ કરી છે ને રિયા ને બદલે નામ પણ માં ને ગમે તેવું રાખ્યું -‘રેવી ‘- “
રેવી : – ” ચાલ સાંજ પડી જશે આપણે  ભગવાન ને પ્રાર્થના કરીએ કે માં મને સ્વીકારી લે એટલું જ નહિ પણ એ વાત થી તેઓ  રાજી પણ થાય .”
માવજી : – ” માં ધારો કે હા ના કરે , પણ હું તો તને જ પરણીશ તું ચિંતા ના કર ” તને મારી વાત માં વિશ્વાસ પડે એ માટે તો આખે રસ્તે એકલા હતા તો ય મેં અડપલું
સુધ્ધા ના કર્યું,   તું પણ પાછળ જ  ચાલતી રહી. ચાલ  ચાલ  હવે જલ્દી  પહોંચી જઈએ .”
     બંને એ ઊંટ ની સાથે તાલ મેળવતા થોડું ચાલ્યા પછી , બંને ઊંટ પર બેસી ગયા ને હંકારી મુક્યું માવજી ના ભાઈ  નું ઘર આવ્યું ત્યારે રેવી નરવસ હતી ને
માવજી ઉત્સાહ માં ! ઊંટ પરથી હાથ પકડી ને માવજી એ નીચે ઉતારી ત્યારે તો રેવી ગભરાઈ જ ગઈ , માં શું વિચારશે ? બંને ઘરના ઓટલે પહોચ્યા ત્યારે
તે આશ્ચર્ય થી જાણે સહેમી ગઈ! સોના માં હાથમાં આરતી ની થાળી લઇ ઉભા હતા અને તેમની બાજુ માં બંનેનો  કોલેજ નો  દોસ્ત નગીન ખડખડાટ હસતો
ઉભો હતો , રેવી થી રહેવાયું નહિ ,તે બોલી ઉઠી ” તું-તું અહીં ક્યાંથી ?”
સોનામાં : – ” બેટા મારા ઘર ની લક્ષ્મી ને આવકારવા માટે મને મદદ કરવા માવજી એ જ તેને મોકલ્યો ‘તો ” રેવી સનન્દાશ્ચ્રર્ય  જોઈ રહી પછી સોના માં ને
વ્હાલ થી ભેટી રહી . સોના માં એ આરતી ઉતારી આશીર્વાદ આપ્યા ,રેવી આભારવશ થઇ ઉભી હતી ત્યારેજ  સોના માં કહે, ચાલ રિયા રસોડામાં આપણે
 બધા જમવા બેસીએ , આમ શું જુવે છે તારું આ નામ મને ગમે છે તારે ખોટું ખોટું રેવી બનવાની જરૂર નથી .
ત્યારે રેવી એ માવજી સામે જોયું તો તે મસ્તી થી હસતો હતો ને બોલ્યો , ” નગીન ને મેં જ આપણી વાત કરવા વહેલો અહીં મોકલેલો માં એ સંમતિ આપી ને
તે ખુશ છે એ બધું  વોટ્સ એપ પર મને જણાવી દીધેલું એટલે તો હું નિશ્ચિંત હતો .”
રેવી : – ” તો મને કેમ કહ્યું નહિ , હું કેટલી ચિનતા માં હતી ! માં જુઓ તમારો દીકરો અત્યાર થી કેટલું પજવે છે !”
નગીન : – ” ના રિયા, માવજી એ  વોટ્સ એપ પર  લખેલું કે તું ગભરાયેલી ને ચિંતા માં એટલી સરસ લાગે છે એટલે એને  સરપ્રાઈઝ આપીએ “
રિયા શરમ થી લાલ થઇ ને આંખ માં ગુસ્સા નો ભાવ લાવી માવજી તરફ જોયું ને પછી ફરી થી સોના માં ને વ્હાલ થી ભેટી રહી .
અસ્તુ
રશ્મિ હરીશ