૨૩ – શબ્દના સથવારે – રવૈયો – કલ્પના રઘુ

રવૈયો

45_1443302321

રવૈયો એટલે દહીં વલોવવાનો વાંસ, માખણ કાઢવાનું યંત્ર, વલોણું. નાના રવૈયાને રવઇ, વલોણી, ઝેરણી, છાશ કરવાનું વતરણું, રવેણી તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને blender, churnner કહેવાય છે. રવૈયાનો બીજો અર્થ રીત-રીવાજ એટલે કે custom થાય છે. વલોણાંમાં મૂતરવું એટલે સારા કામમાં અડચણ નાંખવી. પહેલાં ગામડામાં ખેડૂતોને ત્યાં દહીંનાં વલોણાં થતાં ત્યારે મોટી રવઇ ફેરવવામાં નેતરાં (દોરડા) વપરાતાં. બે નેતરાંથીજ રવઇ ફરે અને માખણ નીકળે. પરંતુ હવે વલોણાં બંધ થતાં ગોળી, રવઇ, નેતરાં, દોણી અલોપ થઇ ગયાં છે. હવે તો નાની રવઇ કે વલોણી, રસોડામાં રહી ગયાં છે અને ઇલેક્ટ્રીક બ્લેન્ડર કે ચર્નરે રસોડામાં સ્થાન લીધું છે.

પરંતુ હજુ પણ જ્યાં આપણી સંસ્કૃતિ જીવે છે ત્યાં મૂળમાં આ સાધનો પડેલાં છે, તેને તરોતાજા કરીને મમળાવવા ગમે ખરાં! તેનો આનંદ જ અનેરો છે. ગામડામાં પરોઢિયે ઘમ્મર વલોણાનો અવાજ, હાથમાં રવૈયો લઇને ગોરી મથે, ઘમ્મર ઘમ્મર ઘૂમે વલોણું મારૂં ઘમ્મર ઘમ્મર ઘૂમે … ગાતાં ગામડાની નારી ગ્રામ્ય જીવનને ધબકતું રાખતી હતી. કાઠીયાવાડમાં કાઠી દરબારોમાં ઘરનાં શણગાર રૂપે પછીત એટલે ઘરની પાછલી ભીંત પર પછીતપાટી જોવા મળતી જેમાં લગ્નપ્રસંગની આકૃતિઓથી સજ્જ પછીતપાટીમાં વલોણું વલોવતી સ્ત્રીનાં ચિત્રો હતાં. વલોણું એ ગૃહજીવનમાં નારીનું કાર્યરત જીવન દર્શાવે છે, તેમાં ભરતકામમાં વલોણાંનાં ચિત્રોનો સમાવેશ કરવામાં આવે છે. લોકમેળામાં પણ ગ્રામ્ય મહિલાનાં ભીંતચિત્રોમાં વલોણાં વલોવતી સ્ત્રીઓનાં ચિત્રો ગ્રામ્ય સંસ્કૃતિને જાગૃત કરતાં હોય છે.

પુરાણોમાં લખેલી જાણીતી વાત છે કે ઇન્દ્ર તેની સંપત્તિના ગર્વમાં ભાન ભૂલે છે ત્યારે સ્વર્ગનું રાજ્ય પાછું મેળવવા વિનંતિ કરે છે ત્યારે ભગવાન સમૃદ્રમંથન કરવાનું કહે છે જેનાંથી અમૃત નિકળે તે પીવાથી દેવો અમર થાય. સમૃદ્રમંથન માટે મંદરાચળ પર્વતની રવઇ (વલોણુ) અને વાસુકી નાગનું દોરડુ બનાવવામાં આવ્યું. દેવો અને દૈત્યો અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કરવા લાગ્યા તે વખતે મંદરાચળ પર્વત જે રવઇ બન્યો હતો તે સમુદ્રમાં ડૂબવા લાગ્યો.ત્યારે વિષ્ણુ ભગવાને કૂર્માવતાર ધારણ કરીને પોતાની પીઠ પર મંદરાચળને ધારણ કર્યો. આ પ્રસંગનુ રહસ્ય એવું છે કે સંસાર એ સમુદ્ર છે. સમુદ્રમંથન એ જીવનું મંથન છે જે સંસાર સાગરનું વિવેકથી મંથન કરી જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરશે તે સંસાર સાગરમાં ડૂબશે નહીં અને અમર થઇ જશે. મનરૂપી મંદરાચળને આધારની જરૂર હોય છે.

મનને મથે તે મન્મથ. એક વાર જો મન્મથનું વિચાર વલોણું ફરી વળે અને એ હકારાત્મક હોય તો સારૂં માખણ મળે. પરંતુ નકારાત્મક હોય તો તે વિષ બરાબર ગણાય. જેમ વલોણું દહીંને મથી નાંખે તેમ મન પણ તન, મન, બુધ્ધિ, આત્મા, બધાંને મથી નાંખે છે. જ્યારે વલોણું ચાલતુ હોય છે ત્યારે આઘાત- પ્રત્યાઘાત થવાથી દહીં વલોવાતું હોય છે. ત્યારે દહીંમાં સ્થિરતા હોતી નથી. એવીજ રીતે મનના વેગ-આવેગ આગળ બધાં લાચાર થઇ જાય છે. વલોણાંમાંથી માખણ નીકળે પણ વલોણાંને શાંતિ ના હોય. સત્ય પ્રસ્તુત થતું હોય ત્યારે તે પણ અશાંતિ જગાડીને પછી થતું હોય છે. જેના જીવનમાં મંદરાચલનું વલોણું વલોવાયુંજ નથી તેને માખણ ન મળે.

રવઇને લગ્નવિધિમાં સ્થાન મળ્યું છે. માંડવે આવેલા વરરાજાને કન્યાની માતા પોંખવા આવે છે. આ વિધિમાં લાકડાનાં નાનાં રવઇ, મૂસળ, ધૂંસરી અને તરાકથી સાસુ વરરાજાને પોંખે છે. ક્યારેક ચાંદીની રવઇ પણ વપરાય છે. આ પ્રતિકાત્મક છે. સાસુ જમાઇને માયરામાં આવતા પહેલાં જ સાવધાન કરે છે. માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ દામ્પત્યજીવનને પ્રેમમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનું શીખવે છે અને એનો જવાબ વરરાજા સંપૂટને તોડીને આપે છે.

કોઇ પ્રસંગ, સંગીત, અભિનય, વાંચન કે વક્તવ્ય એવું હોય કે તે જોવા કે સાંભળવાથી નખશીખ વલોવાઇ જવાય છે, આખાને આખા હચમચી જવાય છે. તેનાં પરિપાક રૂપે સંવેદના જન્મે છે. આ સત્સંગ રવઇનું કામ કરે છે, ફળસ્વરૂપ એક કવિ કે લેખકનો જન્મ થાય છે અને સાહિત્યનું સર્જન થાય છે!

ધ્યાનક્રિયામાં મેરૂદંડમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કુંડલીનીનાં જવાથી જે વલોણાની ક્રિયા થાય છે તેનાથી ચક્રભેદન થઇને અનેક કર્મો કપાય છે જેનાથી સાધકની સાધના સંપન્ન થાય છે. આમ રવૈયો માનવજીવનમાં વણાયેલો છે.