HopeScope Stories Behind White Coat – 30 / Maulik Nagar “Vichar”

નફ્ફટ

હાશ!! ફોન લાગ્યો તો ખરા. મનોજની હાશમાં ટાઢક નહીં પણ અકળામણ છલકાતી હતી.
“યાત્રા, ડિડ યુ પિક-અપ હૃદય?” સંગીતમાં વાગતી ક્રિસેન્ડો નોટ્સની જેમ મનોજનો ટોન પણ ધીરે ધીરે વધ્યો.
“આઈ થોટ યુ આર ગોઈંગ ટુ પિક હિમ!” યાત્રાએ એનાથી પણ બમણા ઉકળાટમાં ઉત્તર આપ્યો.
પ્રેમ લગ્નથી બનેલા આ બંને જીવનસાથીઓનો ફોન હંમેશા આવાં ભારે ભરખમ ગરમાગરમ ઝગડાઓથી અને અંગ્રેજી ગાળોથી છલોછલ રહેતો હતો.
જેમાં યાત્રાનું પલ્લું હંમેશા ભારે રહેતું.
અંતે મનોજે જ નમતું જોખવું પડતું અને માત્ર હૃદયના ભવિષ્ય માટે એ બધું જ સહન કરી લેતો હતો.

હવે તો મનોજ અને યાત્રાને જ નહીં પણ સાત વર્ષના હૃદયને પણ ખબર પડી જતી હતી કે આજે ઘરે જઈને મમ્મી પપ્પાની જામવાની છે.
ઘરનો દરવાજો ખોલતાની સાથે જ યાત્રાએ કરમાઈ ગયેલાં શબ્દોનાં તોરણ બાંધ્યા. “ટ્રાય ટુ કન્ફેસ યોર મિસ્ટેક, ડૉ. મનોજ પાટીલ.”
“યાત્રા, આપણે સવારે જ નક્કી થયું હતું કે આજે મારે બૅક ટુ બૅક સર્જરીસ છે. એટલે હૃદયને તારે સ્કૂલેથી લેવો પડશે.”
“હં..હ..સર્જરીસ??” પોતાની ભૂલ જણાતા જ હંમેશની માફક યાત્રાએ વાત બીજાં પાટે જ ચઢાવી દીધી.
“મનોજ એ માત્ર કાકા-કાકીઓના મોતિયાની સર્જરીનું કામ છે. ઈટ ઇસ નોટ એક્સપર્ટાઇઝ.” યાત્રાએ દર વખતની જેમ પાછી શબ્દોની ચાબુક મારવાની ચાલુ કરી.
“તો શું થયું યાત્રા કામ એ કામ છે.” હૃદયના લીધે મનોજની જીભ હંમેશા મોળી જ રહેતી હતી.
“તું થોડાં સમય માટે તારા ઇન્ટર્નને ચેક કરવા આપીને જઈ શક્યો હોત. યુ સી હમણાં સ્ટાફ શોર્ટેજ પણ બહુ છે.” ગોલ્ડ મૅડલિસ્ટ યાત્રા આખા ઇન્ડિયામાં માત્ર ત્રણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જનમાંથી પોતે એક હતી. જેનાં લીધે એની આંખે ઘમંડના પાટા બંધાયા હતાં.
દરેક ઝગડાની વચ્ચે યાત્રા સ્કિલડ સ્ટાફ શોર્ટેજના ટૉન્ટ સાથે મનોજની કાબિલિયત અને લગ્ન કરીને પસ્તાયા હોવાની જ વાત કરતી.
જોકે મનોજ પણ પ્રખ્યાત આંખનો ડૉક્ટર હતો.
પ્રેમાળ અને લાગણીશીલ પણ ખૂબ જ હતો. પરંતુ યાત્રા માટે એની લાયકાત એનાં જુનિયર સ્ટાફ કરતા પણ ઓછી હતી.
હૃદયને પ્રેમ કરવો એ પણ યાત્રા માટે એક માત્ર જવાબદારી જેવું જ હતું. એની મમતાની મત્તામાં પણ થોડી ઉણપ આવવા લાગી હતી.
હૃદય કુમળું નાનું નાદાન બાળક હતો પરંતુ દેખાવે એટલો પણ રૂપાળો ન હતો.
પોતાનું બાળક હોવા છતાં પણ યાત્રાને એ ખૂંચતું હતું અને એ દોષનો ભારણ પણ મનોજના માથે જ આવતો હતો.

“આજે સ્કૂલમાં પેરેન્ટ ટીચર મિટિંગમાં એનાં મૅડમ પૂછતાં હતાં કે હૃદયના મમ્મી કેમ નથી આવ્યાં?”
“એ ટીચરો તો બધા નવરા જ છે. કમ ઓન મનોજ હેન્ડલ ઑલ ધિસ્ સ્મૉલ થિંગ્સ બાય યોરસેલ્ફ.”
“ઇટ્સ નોટ સ્મૉલ થિંગ્, એ આપણા હૃદય માટે જ છે.” મનોજે આપણા હૃદય પર ઘણો ભાર મૂક્યો.
“આપણો હૃદય…..હં” મોઢામાં લાડવો મૂકીને બોલી હોય તેવાં ટોનમાં યાત્રાએ આખી વાતની મજાક બનાવી દીધી.
“યાત્રા, તું આમ હૃદયની સામે મારી સાથે આવું વર્તન કરે છે એ યોગ્ય નથી. હવે તો તું એની સાથે પણ સારું બિહેવ નથી કરતી.” મનોજે ખૂબ જ દબાયેલા સ્વરે કહ્યું.
“મનોજ તને શું ખૂંચે છે? યાત્રા તાડૂકી. “
તું હંમેશા મારી ભૂલો જ કેમ જોવે છે?” હૃદય રૂમમાં પોતાના રમકડાંઓ સાથે રમતો હતો પણ એના નાનકડા કાન દીવાલમાં જ સંતાડી રાખ્યાં હતાં.
જે દિશામાં બંનેની વાત જઈ રહી હતી એનાં પરથી લાગતું હતું કે હવે મમ્મી પપ્પાની પાછી જામશે.
વળી પાછું એમ જ થયું. પરંતુ જામવામાં થોડી વાર લાગી.
આખરે દરેક પ્રેસેંટેશનના અંતે કન્ક્લુઝન હોય એમ યાત્રાએ જ કન્ક્લૂડ કર્યું, “વર્કલોડ, સ્ટાફ શોર્ટેજ અને તારી કાબિલિયત.”
થોડી વાર તો વાતાવરણ શાંત રહ્યું.
કોણ જાણે કેમ પણ આજે મનોજનો પારો પણ થર્મોમીટરની બહાર આવી ગયો હતો.
“યાત્રા, હૃદયની પ્રવૃત્તિઓ સ્કૂલમાં બગડતી જાય છે. એનાં ટીચર….”વાક્ય પતે એ પહેલા જ યાત્રાએ ચોપડાવી દીધી.
“થાય જ ને, બાપ એવાં બેટા…હું તો પહેલાથી જ કહું છું ને!” યાત્રાની દલીલ તો તૈયાર જ હતી.
વધુમાં યાત્રાએ ઉમેર્યું કે ” આઈ ડાઉટ કે હૃદય મારો જ દીકરો…..” વાત પતી ના પતી અને યાત્રાના કહેવાતા પતિએ એને એક થપ્પડ ઝીંકી દીધી.
“હાઉ ડેર યુ….યુ એ…… અને અંગ્રેજીમાં ગાળોની વર્ષા ચાલુ થઇ.”
છુપાઈને જામેલી બાજી જોતા હૃદયના કાને આજે પહેલી વખત આવા અંગ્રેજીનાં અવનવા શબ્દો પડ્યા.
આ વખતે ઝગડાનું આયુષ્ય થોડું લાંબુ હતું. ત્રણેય જણા પોતપોતાની મર્યાદા જેટલું રડ્યાં અને સૂઈ ગયાં.
સવારે મનોજ હૃદયને સ્કૂલના કપડામાં તૈયાર કરીને બહાર હોલમાં લઈને આવ્યો.
યાત્રા એક બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને બેઠેલાં માણસ સાથે વાત કરતા જોઈ.
“મિ. શેલત, હી ઇઝ માય હસબન્ડ, નાઉ યુ ડીલ વિથ હિમ.”
“મિ. શેલતે થોડાં કાગળિયાં મનોજના હાથમાં થમાવ્યા, “મિ. પાટીલ, પ્લીઝ સાઈન ધિસ પેપર્સ.”
“સાઈન?….વ્હોટ….?” મનોજને કઈ સમજાયું નહીં.
હૃદય પણ કંઈક અવનવું થતું હતું તે જોતો જ રહ્યો.
“ડિવોર્સ પેપર્સ…ઇટ્સ ડિવોર્સ પેપર્સ..” યાત્રાએ પોતાના વાળ સરખા કરતા હિન્દી ફિલ્મની હિરોઈન બોલે એવા જ લહેકામાં બોલી.
હાથમાં ઉંચકેલા હૃદયને મનોજે નીચે મૂક્યો અને પેપર્સને ઉપરછલ્લું વાંચવા લાગ્યો.
સ્વાભાવિક છે કે ડિવોર્સ પેપરમાં એક બાપ પોતાનાં બાળકની કસ્ટડીનો મુદ્દો પહેલાં ઊઠાવે.
હૃદયની સામે જોવાં મનોજે નજર નીચી કરી તો હૃદય ત્યાં ન હતો.
પોતાના રૂમમાંથી દોડીને આવતા હૃદય ઉપર ત્રણેયની નજર પડી.
ગળામાં સ્ટેથોસ્કૉપ, લાંબો લચક વ્હાઇટ કોટ, અને આંખ પર મોટા મોટા ડાબલા જેવડાં ચશ્મા.
દોડતો દોડતો હૃદય યાત્રા પાસે ગયો અને કહ્યું, “મમ્મી તને સ્ટાફની શોર્ટેજ છે ને!! ડૉન્ટ વરી…આજથી હું પણ તારી સાથે હોસ્પિટલ તને મદદ કરવા આવીશ.”
સાંભળતાની સાથે જ યાત્રાના મોંઢામાંથી મોઢું મચકોડતા એક જ શબ્દ નીકળ્યો, “હં…હ”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – ૨૮ / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

‘ડૉક્ટર ડૉક્ટર’

“ભાભી, ચા લેશો કે કૉફી?”
“નાનકી…મારે ઑફિસ જવાનું મોડું થાય છે. ફરી ક્યારેક આવીશું. તું અત્યારે ચેક અપ પતાવી દે ને!” નાનકી સાંભળીને ડૉ. કાવ્યાને પિતરાઈ ભાઈ અનંત સાથે ગાળેલા બાળપણના દિવસો યાદ આવી ગયાં. કોઈ પણ પ્રસંગે જયારે આખો પરીવાર ભેગો થતો ત્યારે કાવ્યા ડૉક્ટર બનતી હતી અને બીજાં પિતરાઈ ભાઈ-બહેનો પેશન્ટ અને પેશન્ટના સગાવ્હાલા બનતા.
“પંદર મિનિટ પછી પાછું ચેક કરવું પડશે ભાભી હો! ભાઈનું બ્લડ પ્રેશર બહું જ હાઈ આવે છે.” ભાઈની દોર હંમેશા ભાભીના હાથમાં હોય એમ સમજીને ડૉ. કાવ્યાએ ભાભીને સંબોધીને જ પાછો ચા માટે આગ્રહ કર્યો.
અનંતભાઈની આનાકાની વચ્ચે ત્રણેય જણાએ ચાની ચૂસ્કી મારી અને કાવ્યા પાછી ડૉક્ટરના રોલમાં આવી ગઈ.
બચપણમાં કરતી હતી તેવી જ રીતે અનંતને તપાસ્યો અને એવાં જ કાકલુદીભર્યા અંદાજમાં કાવ્યાએ એ જ કીધું જે બચપનમાં રમતી વખતે કહેતી હતી.
“ભાઈ! તમારે રોજ દવા તો લેવી જ પડશે.”
સાથેસાથ નિયમિત કસરત કરવી પડશે. અને ખાવાપીવામાં ધ્યાન પણ રાખવું પડશે.”
ફરક એટલો જ હતો કે આ વખતે એ બાળપણની ‘ડૉક્ટર ડૉક્ટર’ રમત નહીં પણ હકીકત હતી.
“અંગતભાઈ છેલ્લા ચાર મહિનાથી તમે આમને આમ જ મારા ક્લીનીકે આવો છો. ચેક કરવો છો. પણ તમે ન તો દવા લો છો! અને ન તમારી લાઈફ સ્ટાઇલમાં સુધારો આવે છે.”
“પ્લીઝ ડૉન્ટ ટેક ઈટ લાઇટ્લી. ભાભી પ્લીઝ!!” અંગતના હાઈ બ્લડ પ્રેશરની ગંભીરતા પિતરાઈ બહેન ડૉ. કાવ્યના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. હી વૉઝ ઓન હાઈ રિસ્ક.
“આઈ વિલ બી કેરફુલ નાઉ, પ્રોમિસ! ચલ હવે અમારે નીકળવું પડશે કાવ્યા, કાકા કાકીને યાદ આપજે.”
“ચોક્કસ. ઘરે બે ત્રણ દિવસ નિયમિત તમારું પ્રેશર ચેક કરતા રહેજો અને મને જણાવજો.”
ઓકે કાવ્યા..બાય બાય..”
બાય ભાઈ..બાય ભાભી!!”

==============================

“અનંત કાવ્યા રોજ મને રિમાઇન્ડર મેસેજ કરીને તમારા બ્લડ પ્રેશરના રીડિંગ પૂછે છે.”
“તમે આટલાં બેદરકાર કેમ રહો છો?” અનંતનું મગજ તો માર્કેટીંગના ફંડા અને સ્ટાફની હાજરી ગેરહાજરીના લફડામાં જ પરોવાયેલું હતું. એટલે દર્શનાને મૌનનો જ સામનો કરવો પડ્યો.
અડધી મિનિટના મૌન પછી દર્શનાએ પાછું ચાલુ કર્યું. “જો કાવ્યા એમ કહેતી હોય કે ‘ડૉન્ટ ટેક ઈટ લાઇટ્લી’ તો કંઈક તો કારણ હશે જ ને!” હજી પણ અનંતના એક પણ ઉચ્ચારનું ઉદ્દઘાટન ન થયું.
હવે દર્શના પણ અકળાઈ ગઈ.
“અનંત, શી ઇસ ડૉક્ટર. ડૉન્ટ ટેક હર લાઇટ્લી, ઓકે!”
“દર્શના, આ ડૉક્ટરો તમને ડરાયા જ કરે.” અનંતે જોરથી રાડ પાડી. રાડ પાડવાની સાથે જ અનંતના હાથ ગાડી ચલાવતા ધ્રૂજવા લાગ્યાં.
“તમે ડરો એટલે જ તમે એમની પાસે જાઓને! ચિંતા ન કર મને કશુ જ થવાનું નથી. આઈ એમ સ્ટીલ યંગ.”
“અનંત શી ઇસ નોટ ઓન્લી ડૉક્ટર, શી ઇસ યૉર કઝિન ટૂ”
“તને ખબર ના પડે દર્શના, આ લોકો આવી રીતે જ ઘરાક બનાવે. આને કહેવાય માર્કેટિંગ સ્કિલ.”
ઊંચા થતા હોદ્દાની સાથે અનંતની વિચારસરણી ઉતરતી જતી હતી.
“તું હવે મારા મગજની………” અનંતે સ્ટેયરીંગ પર હાથ પછાડ્યો અને બોલતા અટકી ગયો.
દર્શનાને અનંતનો આ સ્વભાવ અને આવી વિચારસરણી જરાક પણ ના ગમી.
અણગમો દેખાડીને પણ કોઈ ફાયદો ન હતો.

“એક કામ કરીશ દર્શના? હું તને અહીંયા ઉતારી દઉં છું. તું રિક્ષામાં ઘરે જતી રહે. મારે ઑફિસ જવું પડશે. ઇટ્સ અર્જન્ટ.” દર્શનાને સમજાતું ન હતું કે અનંતને સાચે કામ હશે કે આ લપમાંથી છૂટકારો મેળવવા કામનું બહાનું કાઢે છે!”
“હમમ…” જેવાં હળવા રીપ્લાય સાથે અનંતની ગાડી પણ હળવી થઇ.
“પ્લીઝ બી કૅર…………”ગાડીમાંથી ઉતરતા દર્શના કંઈક કહેવા ગઈ પણ અનંતની ગાડી તો સમયની જેમ સરકી ગઈ.
ભર શિયાળામાં માહોલ ગરમ થઇ ગયો હતો.
દર્શનાએ રીક્ષા પકડી અને લગભગ પાંચ-દસ મિનિટના ગાળામાં જ અનંતનો ફોન આવ્યો.
“આઈ નો તમે સૉરી કહેવા ફોન કર્યો છે.!” દર્શનાએ વાળની લટો સરખી કરી અને થોડું મલકાતાં બોલી.
“હા દર્શના, સોરી યાર…ગુસ્સામાં મેં તને આલુ અવલું તીધુ……”
દર્શનાનું મલકાયેલું મોઢું હવે હસવા લાગ્યું, “આ શું કાલા કાઢો છો!”
“દલ્સના…દલ……” રિક્ષાના અવાજના કારણે કંઈ બરોબર સંભળાયું તો નહીં પણ ધડામ કરતો અવાય આવ્યો.
દર્શનાએ અનંત અનંત નામની અનેક બૂમો પાડી..પણ સામે છેડેથી માત્ર વાહનોનો ઘોંઘાટ જ સંભળાયો.
થોડી ક્ષણના અંતરાલ પછી કોઈક અવાજ આવ્યો.
“બુન..બુન…….”
સામે છેડેથી કોઈ ઉંમરલાયક વ્યક્તિનો અવાજ હતો.
“બુન, આ સાહેબના મિસિસ બોલો સો…ઇમનો એક્સિડન્ડ થ્યો સ” દર્શનાને ફાળ પડી.
“બઘવાઈ ગયેલી દર્શનાએ એ ભાઈને 108 બોલાવી અનંતને ‘સુંદર મલ્ટી સ્પેશિયાલીટી’ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું અને એ જ રિક્ષામાં પોતે પણ ત્યાં પહોંચી ગઈ.
હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના ડૉક્ટરને પ્રથમ તો આ રોડ સાઈડ એક્સિડેન્ટનો કેસ લાગ્યો. પણ પછી તેમણે જોયું કે આ તો ઓલ્ટર્ડ બિહેવિયર છે.
દર્દીને પથારીમાં જ પેશાબ થઇ ગયો છે.
ખેંચ પણ આવેલી છે.
અરેરેરે…!!! બ્લડ પ્રેશરનું રીડિંગ જોતાં ડૉક્ટરની આંખો જ પહોળી થઇ ગઈ.
બ્લડ પ્રેશર 220/170ની આસપાસ પહોંચી ગયું હતું.
અનંત અર્ધબેભાન અવસ્થામાં હતો.
અનંતના ડાબી બાજુનાં હાથ અને પગમાં લકવાની અસર જણાતી હતી.
ડૉક્ટરે સ્ટાફને ઇન્સ્ટ્રકશન્સ આપવાના ચાલુ કરી દીધા હતાં.
“કવીક…કવીક…કવીક…આમના મગજનો સ્કેન કરવો પડશે.”
“એમનાં ઘરેથી કોઈને બોલાવો……જલ્દી જાણ કરો.” ઓન ડ્યૂટી ડૉક્ટરને એક એક સેકન્ડનું મૂલ્ય ખબર હતું.”
અનંત થોડી ઘણી હલનચલન કરી શકતો હતો અને ‘મા…ય…વાઈફ…માય વાઈફ’ તૂટ્યું ફૂટ્યું બોલવાનો પ્રયન્ત કરતો હતો.
ત્યાં જ ઇમર્જન્સી વિભાગના મુખ્ય દરવાજેથી દર્શનાને દોડતી આવતા જોઈ. અને એ જ સમયે
દરરોજની જેમ દર્શનાના મોબાઈલમાં કાવ્યાનો રિમાઇન્ડર મેસેજ આવ્યો.
“ભાભી પ્લીઝ ડૉન્ટ ટેક લાઇટ્લી, ભાઈ તો મારા મેસેજનો જવાબ જ નથી આપતા એટલે જ તમને રોજ મેસેજ કરું છું. જો ભાઈ હવે દવા ચાલુ નહિ કરે અને લાઈફ સ્ટાઇલ નહિ સુધારે તો હવેથી હું એમને રાખડી નહીં બાંધુ. એમને કહી દેજો એમની કિટ્ટા :(“
ફોનના સ્ક્રીન પર દર્શનાના આંસુના એક ટીપાં સાથે ફોનની ડિસ્પ્લે લાઈટ ડીમ થઇ અને સાથે અનંતની…!

વીરાને……ક્લ્પના રઘુ

rakhi-16વીરાને,

બેનના ભીતરથી પ્રગટેલી, લાગણીથી ભીંજાયેલી,

ભાઇના ભીતરમાં પ્રેમ પ્રગટાવતી, આ રાખી,

મારા હસ્તે તુજ હસ્તને બાંધતી આ રાખી,

મંગલ કામના ભાઇ કાજે કરતી આ રાખી,

ભઇલો મારો, મન વાંછીત ફલ પાવે,

ઇશ્વરને હ્રદયમાં ધરી સર્વ કાર્ય કરે,

સદ્‍બુધ્ધી ધરી મનમાં પ્રભુકૃપા પામે,

બસ એ જ દુઆ, આ રક્ષાબંધનના પર્વે,

આ બેનની ભાઇ અને તેના પરિવાર માટે.

ક્લ્પના રઘુ

મને પહેલી રાખડી બાંધ-તરુલતા મહેતા

Brother

મિત્રો,

 શ્રાવણ માસની શ્રાવણી પૂનમ આપણે  ‘રક્ષાબંધન’ ઉજવીએ છીએ. ભાઈ-બહેનના પ્રેમને ઉજાગર કરતો તહેવાર છે.મારો પ્રિય તહેવાર છે. નાનપણમાં એમ થતું કે બહેન તરીકે મારુ   મહત્વ વધી ગયું।’મને પહેલી રાખડી બાંધ’ એમ કહેતા ચારે ભાઈઓ રાહ જોતા.રાખડી બાંધવાની,પેંડો ખવડાવવાનો અને ખાવાનો. રૂપિયો મળે તે લઈ દોડાદોડી કરવાની.રક્ષાકવચ,રક્ષણની ભાવના એવો અર્થ સમજાયો ત્યારે ટપાલમાં મોકલાતી રાખડી અમૂલ્ય લાગી. વેલેન્ટાઈન ડે ,મધર્સ ડે ફાધર્સ ડે –સૌ દિલખોલીને ઉજવવાના તહેવાર છે.પ્રેમનો અહેસાસ,તેનો સ્વીકાર અને અભિવ્યક્તિ જીવનનો ઉત્સવ છે.

પ્રેમ અને પાણી આપણા જીવનના ધારક તત્વો વિવિધ રૂપે ,રંગે,આકારે ,નામે -અનામે અનંત સમયથી સ્થળમાં અને વ્યક્તિમાં વહેતા રહે છે.પાણી ઉછળતું કે વહેતું ન દેખાય પણ જમીનના સાત પડોની અંદર હોય છે.ઉડું ખોદાય ત્યારે મીઠું જલ નીકળે,પ્રેમ -માતૃપ્રેમ ,પિતૃપ્રેમ ,સંતાનપ્રેમ,પતિપત્ની ,મિત્રપ્રેમ  દાદી દાદાનોપ્રેમ,પ્રકુતિ અને પશુપંખી પ્રત્યેનો પ્રેમ —બસ જ્યાં નજર કરો ત્યાં પ્રેમ.જેને પ્રેમ કરીએ તેનુ રક્ષણ કરવાનો ભાવ હોય છે.જેમકે અસુરોથી રક્ષણ કરવા ઇન્દ્ગાણીએ રાખડી તેયાર કરી હતી,જે દેવોના ગુરુએ ઇન્દ્રને બાંધી હતી.કુંતામાતાએ અભિમન્યુને યુધ્ધમાં જતી વખતે બાંધી હતી.યમુનાએ પોતાના ભાઈ યમને બાંધી હતી.એ સૌમાં ભાઈ-બહેનના પ્રેમની વાત નિરાલી છે.ભાઈ-બહેન બાળપણમાં સાથે રમે,જમે લડે ત્યારે  એમની વચ્ચે આત્મીયતાની એવી રેશમી દોરીનો અતૂટ સબંધ વિકસે છે,જે જીવનભર આનંદ,ઉત્સાહ અને બળ આપે છે. ક્યારેક બહારથી લાપરવાહ, લાગતા ભાઈનું  હદય અંદરથી નરમ માખણ જેવું હોય છે.ભાઈ -બહેન પરસ્પરની રક્ષા સહજ ,નિર્વાજ્ય ભાવથી કરે છે. ‘પ્રેમનો સેતુ ‘ એવી એક વાર્તા છે.

     ‘ પ્રેમનો સેતુ ‘   તરુલતા મહેતા

  1980ની  સાલમાં    અમેરિકાની ધરતી પર પગ  મૂક્યા પછી જોબ શરૂ કરી ત્યારે અમીને સમજાયું કે વીકેન્ડમાં રજા  હોય તેથી  તહેવાર ઉજવાય.કામના દિવસો -સોમથી શુક્ર અમેરીકન સમય અને કેલેન્ડરમાં જીવાતા હતા.  ભારતીય કેલેન્ડરમાં પૂનમની તીથિ પ્રમાણે શુક્રવારે ‘રક્ષાબંધન હતી,પણ તે દિવસે તેને સાંજે આઠ સુધી કામ કરવું પડે તેમ હતું.તેનો ભાઈ જોબ પૂરી થાય પછી બાલ્ટીમોરથી ડ્રાઈવ કરીને કોઈ હિસાબે હેરીસબર્ગ  આવી શકે નહિ,તેથી ફોનથી ભાઈ સાથે વાત થઈ ત્યારે અમીએ કહ્યું હતું ,’સમીર ,શનિવારે  નિરાંતે રહેવાય તેમ આવજે.’ નાની નિશા નારાજ થઈ ખાધા વિના બેસી રહી.એ મામાના દીકરા પીન્ટુ જોડે રમવા અધીરી થઈ હતી. અમીએ કહ્યું કે ,’હું ઈવાને તારી સાથે રમવા બોલાવીશ.’ નિશાનું બેબીસીટીગ કરતી ઈવા કોલેજમાં ભણતી હતી,પણ અમીને જરૂર પડે ત્યારે નિશાનું ધ્યાન રાખતી.હાલના સંજોગોમાં તેને તેના પતિ અમરની ખોટ સાલતી હતી.તેઓ ભારતથી અમેરિકામાં પરમેનન્ટ સેટલમેન્ટ માટે આવ્યાં હતાં,શરૂઆતના બે મહિના જોબ શોધવામાં નીકળી ગયા,ઘીરજ ખૂટી હતી.પાછું વતનમાં જતા રહેવાનું મન થતું હતું।તે વખતે એના ભાઈ સમીરે ટકી રહેવાની હિમત આપી હતી. છેવટે  બન્ને જણને જોબ મળી એટલે એપારટમેન્ટ રાખ્યું ,નિશાને સ્કૂલમાં દાખલ કરી.જરાક ‘હાશ’ થઈ,પણ તે ઝાઝી ટકી નહિ.વતનમાં અમરના પપ્પાને હાર્ટએટેક આવ્યો,અમરને દોડીને   જવું પડ્યુ,ઘરના બિઝનેસને સમેટવામાં સમય નીકળી જશે,એવું લાગતું હતું.અમર ફોનમાં આગ્રહપૂર્વક અમીને  કહેતો હતો કે તે પાછો અમેરિકા ન આવે ત્યાં સુધી તે  એના ભાઈ સમીરને ધેર જાય.સમીર શનિવારે એની મોટી વેન લઈ આવવાનો હતો,જેથી અમીની  બેગો ડીકીમાં મૂકી શકાય.વર્ષો પછી ભાઈને રાખડી બાંધવાનો પ્રસંગ હતો પણ અમી  દ્વિધામાં મૂકાઈ ગઈ હતી,એક તરફ અમરની વાત સાચી હતી કે તે કદી આપમેળે સ્વતંત્ર એકલી રહી નથી,નિશાને સાચવવાની,નોકરી કરવાની તેમાં અમેરિકાથી સાવ અજાણ એપાર્ટમેન્ટમાં એકલી શી રીતે રહેશે?

બીજી તરફ એ વિચારતી હતી નિશાની સ્કૂલ ,નોકરી ,એપાર્ટમેન્ટ બધું અધવચ્ચે છોડીને જતું કેમ રહેવાય?શું એનામાં હિમત નથી?તેને અમર પર ગુસ્સો આવ્યો,તેને કારણે તે અત્યારે ‘ઘરની યે નહિ ને ઘાટની પણ નહિ ‘ જેવી કફોડી હાલતમાં આવી હતી.તેને થયું સમીરને મારા મનની વાત કરું તો તે સમજશે।નાનપણમાં સમીર ધમાલિયો અને તોફાની હતો.શાંતિથી બેસી કોઈની વાત સાંભળતો નહિ.પણ હિમતવાળો હતો અને ધાર્યું કામ પાર પાડતો.વીસ વર્ષની વયે ‘સ્ટુડટ વીસા ‘લઈ અમેરિકા આવી ગયેલો.નીતા સાથે લગ્ન આપમેળે જ કરેલા.હાલ બન્ને જણા ફેડરલ ગવર્મેન્ટની જોબ કરતાં હતાં.સમીરના મોટા ‘હાઉસમાં’અમી માટે બેડરૂમ હતો.પણ અમીનું મન માનતું નથી.

શુક્રવારે રાત્રે અમી જોબ પરથી આવતી   હતી, ટ્રાફિક હતો તેથી તે  સાચવીને કાર ચલાવતી હતી,શુક્રવાર હતો એટલે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ પણ ક્યાંક પાર્ટીમાં જવા સૂમ સૂમ કરતા કાર ભગાડતા હતા.અમીને થતું હતું જાણે કોઈ હરીફાઈમાં તે સૌથી પાછળ રહી ગઈ હતી.  કદાચ સ્પીડ લીમીટ કરતાં ધીરી જતી હતી.એની પાછળની કોઈ કારે  હોર્ન માર્યું ,એટલે એ ચમકી ગઈ,એના માટે હેરીસબર્ગના રોડ   હજી નવા હતા. કાર ચલાવવાનું કઠિન લાગતું હતું. હજી મન  દેશના રસ્તા ,ટ્રાફિકની મધ્યે અટવાતું હતું.રોડ પર એને લાગ્યું કે કોઈ કાર તેને ફોલો કરે છે,તેણે તેની સ્ટ્રીટ પર વળાંક લીધો,પાછળની કારે પણ વળાંક લીધો,અદીઠ ભયથી હવે અમીની છાતીમાં  શ્વાસનું તોફાન ઉમટ્યું ,ગળામાં ચીસ  ઠરી ગઈ,અમરના શબ્દો પથ્થરની જેમ એના માથામાં વાગતા હતા ,’તારાથી એકલા નહિ રહેવાય —નહિ રહેવાય –‘થોડી વાર માટે એના ઘરનો નમ્બર ભૂલી ગઈ,ક્યાં આવી છે?તે ભૂલી ગઈ,ત્યાં એની કારની આજુબાજુ માણસોથી તે  ધેરાઈ ગઈ હોય તેવું લાગ્યું।એના એપારમેન્ટની બહાર અંદર બધે લાઈટો હતી ,નિશા ,ઇવા  તાળી પાડી હસતા હતા.એમની નજીક બીજું કોણ છે?સમીર અને નીતા ખડખડાટ હસતાં હતાં,પીન્ટુ ‘ફોઈ -આંટી ‘કહેતો દોડીને એને વળગી પડ્યો ત્યારે અમીનો ભયનો ફૂગ્ગો ફૂટી ગયો, પોતાની જાત પર હસી પડી,સમીરને ધબ્બો મારતા બોલી ,’તોફાની,બહેનને ડરાવી પાછો હસે છે.’ સમીર બોલ્યો ,’મારી વેન તેં ન ઓળખી.’ અમી કહે,’તું આટલો મોડો આજે આવીશ,તે મેં ધાર્યું નહોતું.’નીતા હસીને બોલી ,તમને સરપ્રાઈઝ આપવા જ સમીરે આજે રાત્રે આવવાનું ગોઠવ્યું।’અમીને  આનંદ થયો પણ ‘ભઇને શું જમાડીશ ?’તેની ચિંતા થઈ,આજે તેને સમય મળ્યો નહોતો,એણે સેન્ડવીચથી ચલાવ્યું હતું,અને નિશાને ને માટે મેક્રોનીચીઝ બનાવ્યાં હતાં,સમીરે બહેનની ટીખળી કરતા કહ્યું,’તું બરોબર અમેરિકન થઈ ગઈ.’ અમી મનોમન વિચારતી હતી,’હજી મારામાં આત્મવિશ્વાસ નથી કે હું  એકલી રહું’

અમીને મૂઝાતી જોઈ સમીરે કહ્યું ,’બધાં જલદી કારમાં બેસી જાવ,ઇન્ડીયન રેસ્ટોરાન્ટ ખૂલ્લું હશે.’

નીતા કહે ,’શુક્રવારે મારે કીચનની છુટ્ટી,ક્યાંક પાર્ટીમાં જવાનું હોય કે રેસ્ટોરન્ટમાં જમીએ.’

સમીરની વાતો ખૂટતી નથી,અમી તેને ઘેર આવશે તેથી તે વઘુ ખુશ હતો.અમી  સમીર કરતાં બે વર્ષે મોટી પણ કોલેજમાં સમીરની દાદાગીરી એટલી કે કોઈ છોકરાઓ અમી પાસે આવતા નહિ.દશ વર્ષ પછી ભાઈ-બહેન સાથે રહીશું એમ વિચારી અમીને આનંદ થતો હતો,પણ હાલના સંજોગોમાં હેરીસબર્ગનું બધું છોડી,હિમત હારી ભાઈને ત્યાં જવાનું એને મન નથી.

 ડીનર પતાવી તેઓ  ઘેર આવતાં  હતાં,છોકરાં કારમાં જ સૂઈ ગયાં,સમીરે અમીને પૂછ્યું :’તારા  એપાર્ટમેન્ટનું લીઝ ક્યાં સુધી છે?’

અમીને ગળામાં કઈક ખટકતું લાગ્યું।તે બોલી શકી નહિ,

સમીરે કહ્યું ,’ તું ચિંતા ન કરીશ,હું બધું જોઈ લઇશ.’

સમીરનો સેલ્ફકોન્ફિડન્સ જોઈ અમી અંદરથી ખળભળી ઊઠી.સમીર પ્રેમથી એને આજે  મદદ કરશે,પણ એમ કોઈની મદદથી અમેરિકામાં કાયમ ન રહેવાય.તેણે ઘેર જઈ સમીર સાથે વાત કરવાનું વિચાર્યું।

સમીરે સૂતા પહેલાં અમીને કહ્યું,’તું થાકી ગઈ છું કે પછી અમરને મીસ કરે છે?એકલીને ગમતું નહિ હોય મારે ઘેર શાંતિથી રહેજે.’

અમીને કહેવું છે કે મારે અહી જ રહેવું છે,મારે જોબ છે,નિશાને સ્કૂલ છે.મારામાં અને તારામાં સરખું લોહી ,સરખા જિન્સ છે, તારા જેવી હિમત મારામાં હશે, પત્ની,બહેન કે માતાનાં ચોખટા ઉપરાંતનું કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ મારી અંદર દટાઈને પડ્યું છે,જે મારે મારી જાતને ક્સીને,અગ્નિમાં તાવણી કરીને,પ્રગટ કરવાનું છે. હાલના સંજોગોમાં તું મને મદદ ન કરે તેમાં મારું હિત હશે, જે તને ,અમરને કે ખુદ મને ભાવનાને  કારણે દેખાતું નથી.અમી મોડી રાત સુધી મનોમન પોતાની જાત સાથે લડતી રહી.પડખાં ફેરવતી રહી,

અમી બિલ્લીપગે ઘરમાં આંટા માર્યા કરે છે.ન કળાય તેવી બેચેની -પીડાથી એનું શરીર અને મન પીડાય છે,એને યાદ આવ્યું નિશાના જન્મની આગલી રાત્રે પ્રસવની પીડાથી એ બેચેન હતી,કેમે કરી ઊઘ આવી નહોતી ,વહેલી સવારે અમર તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો.નિશાના જન્મ પછી તેને પીડા ભોગવ્યાની સાર્થકતા લાગી હતી.નિશાના જન્મ સાથે તેનામાં માતાનો જન્મ થયો હતો.આજે અમી તેના પોતાના નવજન્મ માટે તડપતી હતી.

અમી બારી પાસેના સોફામાં ચાંદનીના શીળા તેજમાં પવનમાં હાલતાં વુક્ષોને જોઈ રહી,ડાળીઓ ઝૂલતી પરસ્પરને સ્પર્શી જતી હતી,પાંદડાની મર્મરથી દૂરદૂરના વુક્ષોને કોઈ ભેદી સંદેશ મળતો હતો.સમીર ચૂપચાપ અમીની પાસે બેઠો,

એણે હળવેથી અમીનો હાથ દબાવ્યો,સમીરના જમણા હાથમાં એણે બાંધેલી લાલ રાખડી ચાંદનીમાં ચમકતી હતી.અમીને થયું એમનાં હાથ વુક્ષોની ડાળીઓ છે.એક નીરવ,અદ્રશ્ય પ્રેમના  સેતુને તેઓ અનુભવી રહ્યાં છે.અમીને લાગ્યું એના મનની પીડા સમીર સમજી ગયો છે,

તરુલતા મહેતા

ચાલો સંબંધોને ઉજાગર કરીએ….પ્રજ્ઞા દાદભાવાળા

BigSisterLove-681x1024

“ચોતરફ રંગો ઉમંગો થી ભર્યું વાતાવરણ

લાગણી બસ લાગણી છે કયાં  છે કોઈ આવરણ ..?”

માનવીને પરિવાર ભગવાનના આશીર્વાદથી મળે છે.રક્ષાબંધન- ભાઈ ભાંડુંનો પ્રેમ ભારતમાં ઉજવાતો આ ઊત્સવ  અનેક રીતે વિશ્વ માં જ્યાં જ્યાં ભારતીય સંસ્કૃતિ છે ત્યાં ઉજવાય છે  છે…રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનને પ્રેમની દોરીમાં બાંધે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો. આ દિવસે બહેનો, પોતાના ભાઈને રાખડી બાંધીને પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે.

આજનો બદલાતો એટલે કે અત્યાધુનિક સુવિધાવાળા સમાજમાં માત્ર ગણ્યા ગાંઠયા લોકોને જ આ પવિત્ર બંધન વિશે માહિતી હશે. જ્યારે અન્યો તો વર્ષોથી ઉજવવામાં આવતા આ તહેવારને એક તહેવારની માફક માત્ર દેખાડો કરવા માટે પણ આ તહેવારની ઉજવણી કરી રહ્યાં છે એવું ઘણા મને છે  એવું ખરેખર નથી..આપણે બધા સામાજિક પ્રાણી છે, જે એક બીજા સાથે સંકળાયેલા રહેવા માટે સ્વેચ્છાએ સંબંધોના બંધનમાં બંધાઈયે છીએ. આ બંધન આપણી સ્વતંત્રતા છીનનારુ બંધન નથી પરંતુ પ્રેમનુ બંધન હોય છે. જેને આપણે જીંદાદીલીથી જીવીએ અને સ્વીકારીએ છીએ. .

હવે  પર્શ્ન એ છે કે શું બીજી કોઈ પ્રજા રક્ષ બંધન ઉજવે છે ખરી ? તો મિત્રો એજ વાત આજે કહેવી છે…હા વિશ્વમાં   બીજા લોકો રાખડી વગર જ  Brothers and Sisters Day ઉજવી (is observed on May 02, 2014) અથવા Siblings Day(April 10 as National Siblings Day )ઉજવી ભાઈ ભાંડુંને સન્માન આપે છે એક બીજાને માન આપી એકબીજાના વિચારોને,પ્રેમને  સત્કારે છે..ભાઈ બહેનનો આ તહેવાર એકબીજાને પ્રેમથી જોડી રાખવા ઉજવાય છે.અને હૃદયમાંથી ઉજવાતો આ દિવસ સંબંધને ઉજળા કરે છે એકબીજાના જખ્મોને પૂરે છે અને પુરવાર કરે છે કે આ આધુનિક સમાજમાં ભલે સંજોગો અનુસાર છુટા પડ્યા હોઈએ પરંતુ આપણે હજી એક બીજાથી સંકળયેલા છીએ. અને નથી તો.. ચાલો સાંકળી લઈએ …ભાઈ હજી પણ તું મારા માટે ખાસ છો અને બહેન મારી પત્ની ,દીકરી કે મિત્ર ભલે હોય પણ તુ પણ મારે માટે એટલી જ ખાસ છે હું ભલે પ્રગતિના સોપાન ચડું પણ આપણે હજી પણ એકબીજાને જાણીએ છીએ આપણે બાળપણથી એકબીજાની ઉણપ, ગુણો,અને ભૂલોની દરેક ઘટનાના સાક્ષી છીએ એ કેમ બુલાય , જીવીનમાં આવતા પરિવર્તન ને સાથે જોયા માણ્યા અને અનુભવ્યા છે બધાની દ્રષ્ટીએ આપણે મોટા થયા જરૂર છીએ પરંતુ હજી આપણે એ જ ભાઈ બહેન  છીએ આપણે સાથે જ છીએ અને  રહેશું।…નાનપણના એ દિવસો કેટલા સુંદર હોય છે ને. જ્યારે પોતાના ભાઈ કે બેની સાથે જે મજાક,મસ્તી, તોફાન કરીએ છીએ..ભાઈ  તારી સાથે રમવું ઝગડવું અને રિસાઈ જવું પછી તું મનાવે તો માની જવું ,અને તેમ છતાં બધામાં નર્યો  નિસ્વાર્થ પ્રેમ જ.. આજે ફરી એ બાળપણ ,ભોળપણ,નિર્દોષ મસ્તી તાજી થઈ જાય છે.. બસ એને યાદ કરી  સંબધોને મજબુત બનાવવાના છે.

આપણે ત્યાં રક્ષાબંધન પ્રેમના બળ સ્વરૂપે ઉજવાય છે અને વિશ્વમાંભાઈબહેન દિવસ કે ભાઈ ભાંડું દિવસ  (siblings દિવસ)  સંબધોને મજબુત બનાવવા ઉજવાય છે આમ પણ ..તહેવારો સામાજીક પરિસ્થિતિને બદલવા મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકોને એકબીજાની નજીક લાવે છે, અને પારિવારિક સંબંધમાં મીઠાશ વધે છે..વર્ષો પહેલાની રક્ષાબંધનની વાર્તા-કથા વર્તમાન સમયમાં નવી પેઢીને  બોગસ-હાસ્‍યયાસ્‍પદ લાગે કદાચ .કારણ હવે કોઈ ભાઈ અભિમન્યુની જેમ સાત કોઠા પાર કરવા નથી જતો…વર્તમાનયુગમાં બહેનની રક્ષા ભાઇ કે પતિ, રાજા, સરકાર કે પોલીસ કરી શકતુ નથી… રક્ષા સબંધી વાર્તા કદાચ ખોટી પણ  પુરવાર થાય “પરંતુ માનવીની સંવેદના ઓ ક્યારેય ખોટી પુરવાર થઇ નથી થી…અને થશે પણ નહિ” … .થોડા વહેવારિક થઈએ..રાખડી એ સ્ત્રીનો આદર અને આદર્શ છે.. તો હવે બેનને રક્ષણ કરવા કરતા ભાઈના પ્રોત્સાહન ની ખુબ જરૂર છે. આ ઉત્સવમાં નારીની ગરિમા..  સ્ત્રી સન્માનની ભાવના રાખીએ તો કેમ?   જેથી સમાજમાં સંન્માન થી( બેન) એક  સ્ત્રી આગળ વધે…તો ચાલો આજે રક્ષાબંધન એક અનોખી રીતે ઉજવીએ.નવી માનસિકતા અપનાવીએ .. જેમાં ભાઈ બહેનના પ્રેમમાં બંધન નહિ  હોય પણ સમજણ હોય,તહેવારનો વહેવાર  ના હોય પણ ભરોસો  હોય,આગ્રહ ના હોય પણ આદર હોય..એકબીજાને સમજવાનો દ્રષ્ટિકોણ હોય…..  પરદેશમાં વસતા ભાઈ સાથે ,કદાચ સંપર્ક ના હોય તો પણ સંબંધ હોય   અને તેમ છતાં  લાગણીનું પણ પોષણ હોય,સંવાદિતાની સુંગન્ધ હોય,,,રાખડી બાધ્ય વગર પણ ભાઈ બહેનનો પ્રેમ અતુટ રહે છે.એકબીજાના પુરક બની. ..અખૂટ અને અતુટ પરિવારનો  સ્નેહભાવ અકબંધ જળવાય ..એક બીજાના વિચારોને સન્માનીએ .. ભાઈ કે  બહેનની ન બોલેલી લાગણીને સમજી..,નાનપણની યાદોને વાગોળી પ્રેમને સિંચીએ આખરે તો લાગણીભીના સબંધો પ્રેમ દ્વારા જ સચવાતા હોય .છે…ને .

પ્રજ્ઞાજી –

રક્ષાબંધનના ભાઈ -બહેનના પ્રેમને ઉજાગર કરતી વાર્તા ‘ અહીં એક વેળા આપણ બે રમેલા ‘ તરુલતા મહેતા

‘ અહીં એક વેળા આપણ બે રમેલા ‘
તરુલતા મહેતા

કેતન અમેરિકાથી સીગાપુર ચાર દિવસ એની કમ્પનીના કામે આવ્યો હતો.ચોમાસાના
દિવસો હતા,એટલે ઇન્ડિયામાં હેરાન થવાય તેથી તેનો વિચાર સુરત જવાનો
નહોતો,ગયા વર્ષે
કેન્સરની માંદગીમાં મમ્મી ગુજરી ગયા પછી હવે જાણે એ દિશામાં સૂર્ય આથમી
ગયો.જો કે એની બહેન ફોનમાં કહેતી કે સિગાપુરથી સુરત જરૂર આવજે,
છેલ્લા પાંચ વર્ષ મમ્મીની સારવાર કરવા

એની બહેન પ્રીતિ કુટુંબ સાથે સુરત રહેતી હતી.બનેવી વડોદરા અપડાઉન કરતા
હતા,વડોદરાનું ભાડાનું ઘર ખાલી કરી દીધેલું,પ્રીતિનો દીકરો સમીર સુરતની
એન્જીન્ય્રરીગ કોલેજમા
છેલ્લા વર્ષમાં હતો.કેતન સેનહોઝે પોતાને ઘેર જવા વિચારતો હતો ત્યાં એની
પત્ની રીમાએ ફોનમાં વાત કરી કે એ સુરત જઈ આવે તો સારું,પ્રીતિબહેનને
મમ્મીના ધરની
જવાબદારીમાંથી મુક્ત થવું છે.બનેલું એવું કે નાનપુરામાં પોસ્ટઓફિસમાં
એના પપ્પા નોકરી કરતા હતા,ત્યાં જ એક પારસીનું ઘર ભાડે મળી ગયેલું,બે
માળના ઘરમાં અગાશીમાંથી
તાપી નદી વહેતી દેખાયા કરતી,કેતનનું બાળપણ ત્યાં વીતેલું ,પાંચ વર્ષે
મોટી પ્રીતિની આંગળી ઝાલી નિશાળે ગયો હતો.પ્રીતિ અલુણાના વ્રત કરતી
ત્યારે એ જીદ કરીને કહેતો
મારે ય અલુણા કરવા છે.એટલે રીમા મસ્તીમાં કહે મારા વરે વ્રત કરેલા તેથી
સારી પત્ની મળી.એની બહેન પ્રીતિને ય મશ્કરી કરવાની મઝા આવતી,કેતને કોલેજ
પણ સુરતમાં
કરેલી,એ અમેરિકામાં સેટ થયો ,પછી એણે સુરતનું ભાડાનું ઘર મોટી રકમ આપી
ખરીદી લીઘેલું  .મમ્મી ;પપ્પા કહેતા ‘બેટા અમારું હેયું ઠર્યું ‘ આ ઘરમાં
જ અમને શાંતિ મળે છે.
કેતનના મનમાંથી વીસરાઈ ગયું હતું કે હવે એ ઘરમાં કોણ રહેશે?પ્રીતિને
જવાબદારીમાંથી મુક્ત થવું છે.આજે જાણે એની આંખ ખુલી,એ અમેરિકા રહેતો
હતો,દર વર્ષે સુરતના ઘરે
આવતો.એકાદ અઠવાડિયું રહેતો પણ પપ્પા -મમ્મીની માંદગીની ,ઘરના નાનામોટા
કામની જવાબદારી પ્રીતિએ ઉપાડી હતી.એ નાનો હતો ત્યારથી એના મનમાં એમ જ
થતું
પ્રીતિ મોટી છે એટલે એણે કરવાનું.આજે એને પીસ્તાલીશ થયા ,એ હવે નાનો નથી
એ અને અને પ્રીતિ બન્ને મોટા થઈ ગયા’,માબાપની ગેરહાજરીમાં   ‘ સુરતના
ઘરનું શું કરવું? જ્યાં એ અને પ્રીતિ  સાથે રમેલાં ,ઇટ્ટા કિટ્ટા
કરેલા,એના લગ્ન થયેલા ત્યારે વડોદરા સાથે ગયેલો,બીજે દિવસે મામા મનાવીને
પાછો સુરત લઈ આવેલા, એ ઘર જાણે યાદોનો ખજાનો હતો.પણ
જવાબદારી હતી ,એન્જીન્યર થઈ એ અમેરિકા ઊપડી ગયો,પાછળની બઘી જવાબદારી એની
બેહેને નિભાવી હતી.હવે પ્રીતિ મુક્ત રહેવા માંગે તે સહજ હતું.
શું એ ભૂલી ગયો હતો કે પ્રીતિની પોતાની જિદગી હતી ,એના પતિને પ્રીતિ
પિયરીયાને માટે ઘસાયા કરે તે ગમતું હશે ?એણે મનોમન કહ્યું ,’પ્રીતિ ,મને
નાનો ગણી માફ કરજે.’તારી
વાત સાચી છે,.સુરતનું ઘર એણે ખરીદેલું હતું.એની જવાબદારી છે પપ્પા કહેતા
‘ઘર તો ખાતું ધન ‘ આજ સુઘી ધણાં ખર્ચા થયા હશે.એણે ઇન્ડિયા જવાની
ફ્લાઈટનું
બુકિગ કરાવી લીઘુ.
કેતન રાત્રે દસ વાગે સુરત પહોચ્યો ,ટેક્ષીવાળાને ભાડું ચૂકવી સુટકેસ લઈ
ઘરનાં આગણાંમાં ઊભો રહ્યો ,વરસાદ પડતો હતો,ચારે બાજુ પાણી ભરાયા હતા ,એણે
રોડની સામી તરફ જોયું,
ક્યાંય તાપી નદી દેખાતી નથી ,મમ્મી વિહોણા ઘરમાં જતા એ અટકી ગયો હતો.પણ
તાપી નદી વગરનું એનું નાનપુરા ,એનું સુરત કેમ જોવાય ?ગયા વર્ષે એ આવ્યો
ત્યારે
રોડની સામી તરફ દૂર નદી દેખાતી હતી.હવે ત્યાં હારબંઘ તોતીગ ફ્લેટો હતા
,એના બે માળના ઘરની ઠેકડી ઉડાવતા હોય તેવા રાક્ષસકાય બિલ્ડીગોથી નાનપુરા
ફ્લેટપુર થઈ
ગયું હતું.એ  વિચારી રહ્યો મારા વીતી ગયેલા બાળપણની જેમ નદીકાંઠેના
નાનપુરાની હવે સ્મુતિ જ રહી.
‘કેતન વરસાદમાં કેમ ઉભો છે ? તને શરદી લાગી જશે ?’ પ્રીતિએ ટુવાલથી
કેતનના ભીના વાળ લૂછ્યા ,એની સુટકેસને દાદરા આગળ મૂકી,
કેતન બોલ્યો ,’તું મમ્મી જેવું જ કરે છે.હું કીકલો નથી.’
પાછળથી એના બનેવી સુરેશભાઈ બોલ્યા ,’અરે ,ક્યારની ચિતા કરતી હતી.મારો ભાઈ
વરસાદમાં હેરાન થશે.’
કેતન કપડાં બદલી જમવા બેઠો ,એની સાથે પ્રીતિ પણ જમવા બેઠી , ‘તું શું કામ
બેસી રહી ?કેતન બોલ્યો
સુરેશભાઈ ક્હે ,’આ તમારી બહેન તમારા વગર ન જમે.’ કેતનને વહેમ ગયો એના
બનેવીને આ બઘુ ગમતું નથી.
પ્રીતિ કહે ,એમના બોલવા પર તું ઘ્યાન ન આપીશ,આજે તો મેં સાવ સાદું ભાખરી
-શાક બનાવ્યું છે.’
સુરેશભાઈ જરા કટાક્ષમાં બોલ્યા ,’રક્ષાબંધનના જમણની  વાત કર ને?’
‘ઓહ ,ક્ય્રારે છે ?કેતનના અવાજમાં આશ્ચર્ય અને દિલગીરી હતાં ,એને પસ્તાવો
થયો ,એને પહેલાં યાદ આવ્યું હોત તો સીગપુરથી કોઈક ગીફ્ટ લીઘી હોત
પ્રીતિ ખુશ થતાં બોલી ,રવિવારે તું નીકળીશ,પણ સવારે રાખડી બાંધીશ ,મમ્મી
હોત તો રાજીના રેડ થાત ,આ ઘરમાં છેલ્લી રક્ષાબંધન થશે.’
સુરેશભાઈ બોલ્યા ,’કેતનભાઈ તમારી બહેને રાખડીનું જમણ શનિવારે રાખ્યું છે.’
પ્રીતિ બોલી ,’રાન્દેરથી મામા આવશે,એમનેય બહેનની ખોટ સાલે છે.’
કેતન ઉપરના માળે સૂવા ગયો.મચ્છર દુર કરવા પ્રીતિએ કાચબા છાપ અગરબત્તી
જલાવી હતી.બેડની ફરતે મચ્છરદાની હતી.એને નાનપણમાં બે વાર મેલેરિયા થયેલો
,એક વાર
ભાઈ બહેન સાથે તાવમાં પટકાયેલા ,મમ્મી કામ માટે નીચે જતાં ત્યારે એ
‘મમ્મી ,મમ્મી ‘કરતો ,પ્રીતિ ઉઠીને એની પાસે આવતી ,તાવથી ઘીકતા કેતનના
માથે
પાણીના પોતા મૂકતી ,મમ્મી આવી એને વઢતી ,તારું શરીર અંગારા જેવું ધીખે છે
,તમ્મર આવીને પડી જઈશ તો ,’
કેતનના શરીરમાં થાક હતો પણ આખી રાત એ પાસા ઘસતો રહયો.મનની બેચેની ચટકા
ભરતી હતી.આ ઘર વેચવાના નિર્ણયથી પ્રીતિ સાથે વીતેલું એનું બચપન જાણે
ખોવાઈ જતું
હતું.મમ્મી -પપ્પાની યાદોની ચિતા જલતી દેખાતી હતી ,પણ પ્રીતિએ મુક્ત
થવાની વાત કરી છે.એના પતિને પસંદ નથી.એમનું પોતાનું ઘર હોય તો એવું ન
લાગે.રીમાની ઈચ્છા
ઘર વેચી કાઢવાની હતી.આવતા વર્ષે એમનો દીકરો સોહમ મેડીકલમાં જવા વિચારતો
હતો.એને  ઘરની કીમત આવે તો મદદરૂપ થાય.સવારે એ એના કોન્ટ્રાટર મિત્રને
મળવા જવાનો
છે.
કેતન વહેલી સવારે જાગી ગયો,સુરેશભાઈ કોઈક બાબતમાં મોટેથી બોલતા
હતા.પ્રીતિ એમને શાંત પાડતી હતી.તેઓ બોલતા હતા’,આ પાંચ વર્ષમાં ભાઈના
ઘરમાં કેટલો ખર્ચો થયો
તેનો હિસાબ છે તને?એને તો ઘર વેચશે એટલે દલ્લો મળી જવાનો ,તું ફોકટમાં રાજી થવાની.’
પ્રીતિના અવાજમાં રુદન હતું.તે બોલી ,’તમને અમારા ભાઈ બહેનના પ્રેમની બહુ
દાઝ છે.મારી માની સેવા કરી તે મારી ફરજ હતી.મારા ભાઈને દલ્લો મળે ,એનું
ઘર છે,એણે મોટી રકમ
આપી હતી.હું જવાબદારીમાંથી મુક્ત થઈશ તેથી રાજી થવાની,’
‘ઘરનાં ઘંટી ચાટે ‘તેની પરવાહ નથી વડોદરા રહીને તારી નોકરી કરી હોત તો
આપણો પોતાનો નાનો ફ્લેટ કર્યો હોત.’ સુરેશભાઈ ચીડમાં બોલ્યા
સુરેશભાઈની વાતે કેતન જાણે સો મણની  શિલા નીચે દબાઈ ગયો.એનાથી બેડમાંથી
ઉઠાતું નથી.બેન -બનેવીના ઋણના વજનથી તેનું હેયું બહેર મારી ગયુ.જો એ રકમ
આપવાની
વાત કરે તો પ્રીતિ રડીને કકળી ઉઠે.કઈક એવું કરે જેથી પ્રીતિને ફાયદો
થાય.છતાં એમ ન લાગે કે એ ઉપકાર કરી રહ્યો છે.
કેતન પરવારીને નીચે આવ્યો ત્યારે સુરેશભાઈ નીકળી ગયા હતા ,પ્રીતિએ ચા –
નાસ્તો બનાવ્યાં ,પ્રીતિના ચહેરા પર ઉદાસીના વાદળ દેખાતા હતા.કેતને જાણે
કઈ સાભળ્યું જ નથી ,
ભોળાભાવે પ્રીતિને કહે ‘સમીર ક્યારે મળશે?’ બપોર પછી તું  નવરી હો તો
આપણે રીક્ષા કરીને એની કોલેજમાં મળી આવીશું.’
પ્રીતિ ખુશ થઈ ગઈ ,એ બહાર જતા બોલ્યો ‘ જમવાના ટાઇમે આવી જઈશ
,સુરતીપાપડીનું શાક બનાવજે,’
પ્રીતિ ઉત્સાહથી  રસોઈકામમાં લાગી ગઈ ,ભાઈને ભાવતું શાક ,કઢી ,લચકો દાળ
,ભાત બનાવ્યાં,સમીરને માટે ગળ્યા શક્કરપારા અને ચેવડો કર્યો,બે વાગી ગયા
,હજી કેતન આવ્યો
નહોતો ,ભાઇબંધ જોડે હોટેલમાં જમવા ઉપડી ગયો કે શું?એવો વિચાર  પ્રીતિને આવી ગયો.
બહાર ટેક્ષી ઉભી રહી ,એ ઝડપથી બહાર આવી.કેતન અને એનો મિત્ર ઘરમાં
આવ્યા,એમના હાથમાં મોટા નકશા હતા.જમીન માપવાની પટ્ટીથી કાળજીપૂર્વક માપણી
કરી ,કેતને
કોન્ટ્રાકટર મિત્ર સાથે પ્રીતિની ઓળખાણ કરાવી,કહે ‘હવે તું ફ્રી પ્રીતિ
,મારી ગેરહાજરીમાં રમેશને પેપર પર સહી કરી આપજે.’
સમીર ટાઈમસર આવી ગયો.કેતન એની રાહ જોતો હતો.પ્રીતિ નવાઈ પામી બોલી ,’અમે
તને મળવા આવવાના હતા.’
કેતને કહ્યું ,’હું બીઝી હતો તેથી મેં સમીરને ફોન કર્યો હતો.,’
મામા ભાણાને વહાલથી ભેટી પડ્યા,એણે રમેશ સાથે ઓળખાણ કરાવી કહ્યું ,’સમીર
બે મહિના પછી પરીક્ષા આપી ફ્રી થશે.તમે બન્ને આ નકશામાં છે ,તે પ્રમાણે
,તમને
યોગ્ય લાગે તેમ કરજો,’
પ્રીતિને કઈ સમજાયું નહિ ,કેતન ઘર વેચી દેવાને બદલે બીજો પ્લાન કરે છે.પણ
એમાં સમીર શું કરવાનો?
કેતન કોઈ બોજથી હળવો થયો હોય તેમ આનંદમાં હતો,તેણે બહેનને કહ્યું ,’અમે
ત્રણ જમીશું તો તારી રસોઈના તળિયા દેખાશે,બોલ શું કરીશું ?’
પ્રીતિ બોલી ,’બીજા નાસ્તા છે.તમે નિરાતે જમવા બેસો ‘ .
સૌ જમવાનું પતાવી બહાર જતા રહ્યા,પ્રીતિના મનમાં અનેક પ્રશ્નો મુઝાતા હતા
પણ કેતન રાત્રે મોડો ઘેર આવ્યો,
બીજે દિવસે જમણની ધમાલ ચાલી ,મામાની સાથે કેતન વાતો કરતો હતો.સુરેશભાઈને
ઘરનું જાણવાની તાલાવેલી હતી ,કેતને ટુંકમાં જણાવ્યું ,’ગોઠવાઈ ગયું
છે.તમારે હવે
કોઈ જવાબદારી નહિ ,ઘણા વર્ષો તમે સંભાળ્યું ,હું તમારો ઋણી છુ.’
પ્રીતિની આંખમાં પાણી આવી ગયાં ,’આ શું બોલ્યો ભાઈ?,’
રવિવારે સવારે પ્રીતિએ  હોશથી કેતનને રાખડી બાધી,પેડો ખવડાવ્યો ,કેતને
પ્રીતિને કહ્યું ,’આપણે નાના હતા ત્યારે  વારાફરતી દાવ લેતા,હવે મારો
વારો ,હું તને રાખડી બાઘુ,’
સુરેશભાઈ અને પ્રીતિનું  હસવું રોકાતું નથી,’હજુ તારું બાળપણ ગયું નહી
,બઘી વાતમાં બહેનની કોપી કરવાની.’ તેઓ બોલ્યાં
કેતને પ્રીતિને રાખડી બાધી,સુરેશભાઈ જોતા રહી ગયા ,કોઈ ભેટનું પેકેટ
દેખ્યું નહિ ,એમના ચહેરા પર નારાજગી હતી.
કેતનની  ટેક્ષી નાનપુરાના રોડથી એરપોટ તરફ ગઈ, પ્રીતિ ‘ આવજે ‘ કહીને
આગણામાં ઊભી હતી ,ચાર ,પાંચ  સાત  —અસંખ્ય પાપા પગલીઓની  દોડાદોડ જાણે
તે જોતી હતી.
સમીરના હાથનો સ્પર્શ તેના ખભાને થયો ,તે ચમકી ગઈ.સુરેશભાઈ પાસે આવ્યા
,તેમણે પૂછ્યું ,’તું  શું કહે છે સમીર?’
સમીરે કહ્યું ‘મમ્મી,તને ખબર છે,મામાએ  અહી સોહમ એન્ડ સમીર એપાર્ટમેન્ટનો
પ્લાન બનાવ્યો છે,રમેશભાઈ કોન્ટ્રાટર ,હું અને સોહમ પાર્ટનર છીએ.’

,તરુલતા મહેતા આઠમી ઓગસ્ટ 2014
સૌ મિત્રોને રક્ષાબંધનની હ્રદયથી શુભેચ્છા ,
જગતમાં સોથી વડી,
સ્નેહની કડી.

મારા વીરાને

 આજના શુભ દિવસે એક કવિની બે પંક્તિઓ યાદ આવે છે

પવિત્ર સંબંધના પ્રતિક સમો રક્ષાબંધન તહેવાર

“ચોતરફ રંગો ઉમંગો થી ભર્યું વાતાવરણ

લાગણી બસ લાગણી છે કયાં  છે કોઈ આવરણ ..?”

 કોઈ પણ જાતના આવરણ વગરનો ભાઈ બેનનો નિર્મળ પ્રેમ

 મને યાદ છે, ભાઈ  તારી સાથે રમવું ઝગડવું અને રિસાઈ જવું પછી તું મનાવે તો માની જવું ,અને તેમ છતાં બધામાં નર્યો પ્રેમ જ નીતરતો હોય..

ભાઈ બેન એટલે સંવેદના સંવેદના અને  લાગણી.પછી એક નાનો  બાળ હોય કે કૃષ્ણ ભગવાન .આ એક જ બંધન એવું છે જે દરેક ઈચ્છે .આપણા સૌની સંવેદનાઓ કલ્પનાબેને નીચેના કાવ્યમાં   વ્યક્ત કરી  છે તો મિત્રો એને માણો

  આવા શુભ અવસરે ,આજે બધી બહેનોના  ભાઇઓ અને ભાઇઓની  બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..! .

મારા ભાઈઓ ને પણ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

મારા વીરાને

હું તો બાંધુ હેતથી રાખી, મારા વીરાને . . .

રંગીન સપનાનો શહજાદો મારો ભઇલો,

તેના સપના કરે સાકાર, મારો શામળીયો. મારા વીરાને . . .

પ્રીતના રંગે રંગાયેલી રાખી,

પ્રેમ નીતરતી બાંધી રાખી,

જેનો ભાઇએ કર્યો સ્વીકાર. મારા વીરાને . . .

સેલુ ફાડીને કાનાને બાંધ્યો ને,

દ્રૌપદીનાં પૂર્યા ચીર કાનાએ,

એ રાખીના ધાગામાં, બંધાય મારો વીરો. મારા વીરાને . . .

આ ભાઇ-બેનની પ્રીતડી સદાય ઘૂંટાતી રહે,

એક-બીજા માટે બંદગી કરતી રહે,

સુખ-શાંતિ, અને રહે સમ્રુધ્ધિ,

દિર્ઘાયુ બનીને રાજ કરે. મારા વીરાને . . .

રક્ષા-કવચ બની રહે, આ અનમોલ રાખી,

એ અરજી, આજના દિને. મારા વીરાને . . .

કલ્પના રઘુ


રક્ષાબંધન -પદમાબેન કનુભાઈ શાહ

                                      આજે રક્ષાબંધનની કવિતા મોક્લુછું.

                                          રક્ષાબંધન

શ્રાવણ સુદ  પૂર્ણિમાનો દિવસ એજ રક્ષાબંધન પર્વ. દરિયાના પ્રચંડ મોજા ઉછળતા હોય, સુસવાટા ભર્યો ઠંડો પવન ફૂકાતો હોય, વિજળી ઝબકારા મારતી હોય,વાદળના ગડગડાટ થતા હોય અને બેન એના લાડકવાયા ભાઈની રાહ જોતી હોયમારો ભાઈ ક્યારે આવશે??  મારા ભાઈના હાથે સુંદર રાખડી બાંધુ, એને મીઠાઈ જમાડુ અને અંત:કરણ પૂર્વક આશીર્વાદ આપુ. પ્રભુને પ્રાર્થના કરૂ કે એને સર્વ સુખ, સંપત્તિ ને દીર્ઘાયુ આપો. ભાઈ અને બેન બંનેનો સંસાર સુખમાં રહે, આનંદમાં રહે.આમ રક્ષાબંધન પર્વ ખૂબ ઉમંગ અને સ્નેહથી ઉજવાય છે.

જીવનની ગમે તેવી મુશ્કેલીમાં ભાઈ બેન એક બીજાને સદાય સહાય કરવા તત્પર રહી ફરજ બજાવાનું ક્યારેય ચૂકતા નથી. લાગણી અને સ્નેહભર્યો આ તહેવાર ભારતમાં ખૂબજ ઉત્સાહથી ઉજવાય છે. રક્ષાબંધનનો પર્વ આવે તે પહેલા મહિના બેમહિના અગાઉ સુંદર ડીઝાઇનની રંગ બેરંગી જુદી જુદી રાખડીઓ બઝારમાં વેચાય છે.

બ્રાહ્મણો આ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલે છે. ગાયત્રી માતાનું પૂજન કરે છે ને સૂર્ય ઉપાસના કરે છે.
માછીમાર ઢીમર કોમના લોકો ધંધા માટે તેમની નાવને શણગારીને દરિયામા વહાણવટાથી પરદેશ જવા રવાના થાય છે . આ દિવસને તેઓ ઘણો શુકનવંતો ગણે છે.

મહાભારતનો યાદગાર અને અતિ અદ્દભૂત પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ. શ્રી કૃષ્ણ દ્રૌપદીને પોતાની બેન માનતા હતા. જયારે દુષ્ટ  દુ:ષાશન ભરી સભામાં દ્રૌપદીને બળપૂર્વક ખેંચી લાવ્યો અને હારેલા પાંડવોની પત્ની ગણી તેનું પહેરેલુ ચીર — વસ્ત્ર ખેંચવા લાગ્યો ત્યારે નિ:સહાય દ્રૌપદી શ્રી કૃષ્ણને પોકારવા લાગી, હે કૃષ્ણ!! મારી લાજ બચાવો, હું એક અબળા નિ:સહાય છું ત્યારે શ્રી કૃષ્ણએ બેન દ્રૌપદીના અદ્દદૃશ્ય ને  અદ્દભૂત  રીતે ૯૯૯ ચીર પૂર્યા. દુ:ષાશન વસ્ત્રો ખેંચીને થાક્યો અને પસીને રેબઝેબ થઇ ગયો. આ પ્રસંગ ભાઈ અને બેનના નિ:સ્વાર્થ સ્નેહનું ભવ્ય ઉદાહરણ છે.   

 

 

રક્ષાબંધન

ભારતની આ ભવ્ય ભૂમિનો ભાવ ભર્યો તહેવાર
ભાઈબેન નિ:સ્વાર્થ સ્નેહથી ઉજવે આ પર્વ રસાળ
રંગબેરંગી હીરા મોતી રેશમની રક્ષા ભાઈને બાંધે હાથ
બંને પ્રાર્થે એકબીજાનો સુખી રહે સ્નેહભર્યો સંસાર
સુખદુ:ખના સમયે જીવનમાં એકમેકની રાખે સૌ સંભાળ
જીવન ચક્ર સદાયે ફરતુ છતાંય અખંડ પ્રેમ રહે સ્નેહાળ
કુદરતનો ક્રમ ચાલે જગમાં ચડતી પડતી સદા બદલાય
એકબીજાના હેત હૈયામાં સદાય જીવન  ભર ઘૂંટાય
લોહીની સગાઇ ભાઈ બેનના રગરગમાં રહેશે છવાઈ
અપૂર્વ સ્નેહ સ્પંદન હૈયે અવિરત મહિમા રહેશે સ્થાઈ

મહાભારતમાં બેનદ્રૌપદીએ શ્રીકૃષ્ણની લોહી નીતરતી આંગળીએ
પાલવ ફાડીને પાટો બાંધ્યો સ્નેહથી શ્રી કૃષ્ણની આંગળીએ
જ્યાં અષ્ટ પટરાણીઓ દોડી મહેલમાં લેવા ચિંદરડી પાટા માટે
જયારે ભરી સભામાં દુષ્ટ દુ:શાસને ચીર ખેંચ્યા ભાભી દ્રૌપદીના
આર્તનાદ સુણી શ્રી કૃષ્ણએ પૂર્યા ૯૯૯ ચીર રોતી બેન દૌપદીના
સ્નેહાંકિત સગાઇ બેન ભાઈની ચિરંજીવ રહેશે યુગ યુગ આ જગમાં

પદમાબેન કનુભાઈ શાહ