મા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના

મારી માવડી અનસૂયાબેન જ્યંતિલાલ શાહ 

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

                                                     ​મા’  એક નવા પંથે પ્રયાણ કરી ગઈ 

આજે માનું જીવંત અસ્તિત્વ અમારી વચ્ચે નથી. 

પરંતુ ​

એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને 
​આજે પણ અહી આટલે દુર આલિંગન  આપે છે.

 આજે તમે સહદેહે હાજર નથી… પરંતુ 

​’મા’ તમારી સહજતા, તમારું સમર્પણ, સારી જોવાની સતત ક્ષમતા 

જીવનની દરેક ક્ષણનો રાગ દ્વેષ રહિત તમારો સહજ સ્વીકાર  

અમને જીવનમાં સતત માર્ગદર્શન આપતા 

આપના  જીવંત અસ્તિત્વનો અહેસાસ કરાવશે..

મા  અમે તમારો એક માત્ર અંશ 

પણ

 ​અમા​રા અણુ એ અણુ એટલે મા…તમે . 

 મા તમે જીવનને વિશિષ્ઠ રીતે જોયું ,પોખયું  અને નિહાળયું અને અનુભવ્યું છે. 

જિંદગી જીવ્યાનો સંતોષ એ સંતોષના ઓડકાર ખાધા પછી  આપની આ નવી શરૂઆત..

પાનખર ખરની ની જેમ એક એક જિજીવિષાના પાન ખેરવ્યા પછી

પણ લીલી વાડી મૂકી ને જાવ છો .

માના પ્રાણના વિસર્જન

 એટલે આપનું છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય..

અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન…એજ ક્ષણયોગ ..

હવે આપના  દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી…

પરંતુ જીવનની સુવાસ નિરાકાર છે ને ?

આપના કરેલા કર્મ જ  સુવાસરૂપે ફેલાતા રહેશે….

અમે જાણીએ છીએ  ​’​મા’ કદીએ મૃત્યુ પામતી નથી. 

“આજ સુધી એમના આત્‍મામાં  મેં પરમાત્મા જોયા ….

પ્રભુ હવે આપમાં માને નિહાળીશ..”

ક્ષરલોકના અંધારેથી નીકળીને

માની અક્ષરલોકના અજવાળાંની યાત્રામાં,

પાંપણ ભીની કર્યા વિના  આપવી છે  આજે વિદાય.. 

દેહ વિલય :૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૭
સમય : આજે સવારે ૬.૫૫ -અંતિમ વિદાય -૧૦.૩૦
પોરબંદર નિવાસી -હાલ મુંબઈ -દાદર 

આજની પ્રાર્થના

મિત્રો,

છેલ્લા કેટલા વખતી કોઈને કોઈ સ્વજન, મિત્ર કે આપણી કોઈ વ્યક્તિ કહી શકાય તેમના મૃત્યુના સમાચાર  મને મળે છે,આજે જ અચાનક બે એરિયાના કેલીફોર્નીયા ગુજરાતી  સમાજના મોભી એવા નારણજીભાઈ પટેલના અવસાનના સમાચાર આવ્યા.

લાડ લડાવનાર અને માથે હાથ ફેરવનારસ્વજન/માતૃ/પિતૃ/સ્વજનનેગુમાવવાની ખોટ કોઇપણ રીતે પૂરી કરી શકાય એવી નથી હોતી.આપણી વ્યક્તિ ની વિદાયથી દુઃખ થાય અને ખોટ પણ વર્તાય ,અને હૃદય , બે હાથ અચાનક જોડીને પ્રાર્થના કરતા કહે પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો….અને મનને અચનાક વિચાર કરતા મૂકી દે…

આજે “મૃત્યુ” વિષે વાચેલું અને વિચારેલું પ્રસ્તુત કરું છું.

મહાભારતમાં યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે જેમાં યક્ષ પ્રશ્ન પૂછે છે કે

દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ?

अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम्।

शेषा: स्थावरमिच्छन्ति किमाश्चर्यमत: परम्॥

(–મહાભારત, વનપર્વ)ત્યારે યુધિષ્ઠિર ઉત્તર  આપે છે કે “આ સંસારમાં રોજરોજ પ્રાણીઓ મૃત્યુ પામે છે ). છતાં બાકીના મનુષ્યો એવી આશા સાથે વર્તે છે કે પોતે અમર છે અને શાંતિથી જીવે છે એથી બીજું આશ્ચર્ય શું હોઇ શકે ? “

દરેક મનુષ્ય જાણે છે કે “મૃત્યુ” એક અનિવાર્ય અંત છે ગરુડ પુરાણમાં વર્ણન  છે કે जातस्य हि र्ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च|| ६ (अ) – (અગિયારમો અધ્યાય) અર્થાત : જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ નિશ્ચીત છે અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ અવશ્ય છે. કાળ કોઈને છોડતું નથી.અને કડવું સત્ય એ છે કે જીવનની એ ક્ષણ સાચવવી બહુ જ કઠીન છે.  જો વિશ્વાસ ન થતો હોય તો આ સ્થિતિનો વિચાર કરી જુઓ….અહી મૃત્યુ થી ડરવાની કે ડરાવવાની વાત નથી। …સજાગ થવાની વાત છે ,અટકવાની વાત છે …શું મેં કોઈને દુભવ્યા છે ? શું હું કોઈની માફી માંગતા અટકી છું ?,કે પછી કોઈએ માફી માગી હોય પણ મેં મારા અહમને પોસતા એમને માફ નથી કર્યા ?  શું મારી પાસે કોઈ એવો સમય રહેશે જેમાં હું મારી જાતને પાછી વાળી  શકીશ?

પ્રકૃતિના નિયમ અતૂટ હોય છે. તેમાં દરેક પ્રાણી બંધાયેલો છે.પ્રભુ દરેક વ્યક્તિને કોઈ કામ સોપી અહી મોકલે છે તો એ કર્યો પુરા કરવા અને પુરા કરતા રાગ દ્વેશ થી દુર રહેવું,હવે એમ વિચાર આવે કે “જાગ્યા ત્યારથી સવાર” .

આ આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેધ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી,અચળ, સ્થિર તેમજ સનાતન છે.

નારણકાકા સમાજ માટે બધું કરી છુટ્યા,જે કંઈ સમાજ તરફથી મળ્યું તે વ્યાજ સહિત જીવનના અંતિમ પડાવ સુધી પાછુ આપવાની કોશિશ કરી…હે પ્રભુ, નારણકાકાની જેમ  પ્રેમ કરતા અમને શીખવજે.અમે સારા કર્મ કરીએ.મારી પાસે  ગમે તે શક્તિ , સત્તા કે સામર્થ્ય આવે પણ નમ્રતા ન જાય તેવું બળ આપજો.

હે, પરમેશ્વર, આપ દયાળુ પણ છો. અમારા ઘવાયેલા દિલની અને અંતરની લાગણી આપ હરહંમેશ સાંભળો જ છો, અમને એવો વિશ્વાસ છે. હે પ્રભુ, જે આત્માને અમારા સ્વજનના શરીરમાંથી આપે લઇ લીધો છે, તે આત્માની આગળની ગતિ સુખમય, આનંદમય અને પ્રગતિકારક બનાવો.ભક્તિમાં મન રાખીએ,નિર્લેપતાથી જીવીએ અને અંત:કરણથી સ્વજન ને વિદાય આપીએ કારણ જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !   બસ આ વાતનો સ્વીકાર થશે તો…મૃત્યુ બહુ આકરું નહિ લાગે