૧ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

મા તે મા, બીજા બધા વગડાનાં વા

ભલા ‘મા’ની સરખામણી બીજા બધા સાથે થઇ શકે ખરી? જન્મ પછી બોલાતો એકાક્ષરી શબ્દ, ‘મા’ પૂર્ણ છે જે કોઇ પણ અવતરતા જીવાત્મા માટેનો જીવનમંત્ર બની જાય છે પછી તે પશુ-પક્ષી કે માનવ હોય. માની કૂખ થકી જ સંતાનનું સર્જન થાય છે માટે તેનાથી શ્રેષ્ઠ બીજો કોઇ સંબંધ હોઇ જ ના શકે. આ બાબત સિધ્ધ કરતી અનેક કહેવતો, ગ્રંથો અને સાહિત્યનું સર્જન થયું છે.

મા પહેલાંની હોય કે આધુનિક. મા કામ પર જાય અને બાળક આયા પાસે રહેતું હોય પણ તેની આંખોમાં અને વર્તનમાં મા માટેનો ઝૂરાપો વરતાય. તેને ઘડિયાળ જોતાં આવડતું ન હોય પરંતુ માનો આવવાનો સમય તેને ખબર પડી જાય અને માનાં આવતાંની સાથે તે તેને વળગી પડે ત્યારે આ કહેવત યાદ આવી જાય. વન-વગડામાં વાયરા વાય, વંટોળીયો આવે ત્યારે દસે દિશામાં વા વહે છે જ્યારે સંતાનનાં જીવનમાં આવતાં સુખ કે દુઃખ, તડકો કે છાંયડો, દરેક સંજોગોમાં માનો પ્રેમ માત્ર પોતાનાં બાળક પ્રત્યે, અવિરત અને એકધારો રહે છે. તેની તોલે કોઇનો પ્રેમ આવી ના શકે. ઝવેરચંદ મેઘણીનાં શબ્દો, “જનનીનાં હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ” અહીં જીવંત થાય છે.

દરેક સગાઇની ઇમારતનાં પાયામાં મા નામનો મજબૂત પત્થર જીવન ચણતરમાં મહત્વનો હોય છે. જોજન દૂર રહેતાં મા સંતાનનાં જીવનમાં જોયું છે કે એક વ્યક્તિ બીજાને યાદ કરે તો સામેની વ્યક્તિને તેની જાણ થાય છે. અમ્બેલીકલ કોર્ડ કાપ્યા પછીનું પણ મા-સંતાનનું અદ્રશ્ય જોડાણ ચાલુ જ રહે છે. ઘરડી માનાં શરીર પર કરચલીઓ પડે છે પરંતુ તેની યાદ સંતાનના જીવનમાં અકબંધ રહે છે. બાળકને જન્મ આપી ઉછેર્યા પછી માની અપેક્ષાઓ બાળક માટે ક્યારેક બોજ બની જાય છે. આ કળિયુગમાં કેટલાંક નાપાક સંતાનને કે તેની પત્નીને એવું કહેતાં સાંભળ્યાં છે કે નવ મહીના પેટમાં રાખવાનું ભાડું આખી જીન્દગી થોડું ચૂકવવાનું હોય? જેના હાડહાડમાં હેત ભર્યું હોય અને જેનાં વેણવેણમાં વરદાન વરસતા હોય તેવી માને વિદેશ વસતો ધનાઢ્ય દીકરો પૂછે કે, તારા ગર્ભાશયનું ભાડું બોલ, હું ચૂકવવા તૈયાર છું! એને ક્યાં ખબર છે, આ અણમોલ રકમ તો દેવો પણ ચૂકવી શક્યા નથી ત્યારે જન્મદાત્રી, પાલનહારની આંખો લોહીનાં આસું વહાવે છે. આ વિદ્રોહને ઇશ્વર પણ માફ નથી કરતો.

કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ॥

પુત્ર કુપુત્ર થાય પણ ક્યારેય માતા કુમાતા નથી થતી. હેન્ડીકેપ, મંદબુધ્ધિ કે બહેરું-મૂંગું કે નેત્રહીન બાળક માટે તેની માતા કેટકેટલો સંઘર્ષ કરીને પોતાનાં બાળકને હસતાં હસતાં ઉછેરે છે? નારીત્વની પૂર્ણતા એટલે મા.

આજે સમયચક્ર બદલાઇ રહ્યું છે. જ્યાં સુધી બાળકનું આઇ. ડી. નથી ત્યાં સુધીજ તે માનું છે. બાળક અસહાય હોય છે, ત્યારેજ તેને પ્રેમ વાત્સલ્યની જરૂર હોય છે. ઉડતાં બચ્ચાનો સહારો મા નથી. પછી તેનો આધાર બદલાઇ જાય છે. ચકલી પણ પોતાનાં બચ્ચાની દેખભાળ ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તે ઉડતાં નથી શીખતું. તે સક્ષમ થાય છે કે ચકલી તે માળામાંથી એક પછી એક સળી કાઢી નાંખે છે. અને બચ્ચુ ફરરર કરીને ઉંચે આકાશે ઉડવા માંડે છે. તે આઝાદી અનુભવે છે, વિશાળ નભ તેનું હોય છે. એક ચકલી પાસેથી આજની માએ કેટલું બધું શીખવાનું છે. મા બાળકને જનમ આપીને તેની છાયામાં રાખીને તેને વિકસવા દેતી નથી. બચ્ચાને પાંખ આપી છે તો ઉડવા દો. બાળકને જરૂર છે તો પડખે રહો, ખાસ કરીને પરણેલા સંતાનને મા દૂર રહીને માત્ર આશિર્વાદ જ વરસાવી શકે. જ્યારે સંતાનને જરૂર હોય ત્યારે દૂરી બનાવીને દૂર છતાં પાસે રહીને મા-સંતાનની સગાઇને સાર્થક કરવાની જરૂર છે.

જન્મ આપનાર માનું સ્થાન બીજું કોઇ લઇ શકશે પરંતુ જન્મ આપનાર મા તો એજ રહેશે અને કહેવું પડશે કે “મા તે મા, બીજા બધા વગડાનાં વા”. પરંતુ સમય બદલાતાં કહેવત માટેનો દ્રષ્ટિકોણ, સંદર્ભ બદલવો જ રહ્યો. આજની મા માટે સુખી થવા માટે તેનો સ્વીકાર જરૂરી છે.