‘મધર્સ ‘ડે

મિત્રો ,

આપ સૌને ‘મધર્સ ‘ડે ‘ની મારામાં રહેલા માતુત્વ તરફથી અંતકરણપૂર્વકની શુભેચ્છા.માતાને બાળકના જન્મની ધન્યતા અનુભવવા માટે પ્રભુએ કૃપા કરી છે.પણ મેં મિત્રોના સંબોધનમાં પિતાનો સમાવેશ કર્યો છે .સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પરનું અર્ધાંગ છે.મા અને બાપ તેમના સેતુરૂપ બાળકને પૂરા સમર્પણ અને પ્રેમથી ચાહે છે,ઊછેરે છે.આજકાલ સિંગલ ફાધર બાળકની મા અને પિતા બનતા હોવાના કિસ્સા જાહેરમા ચર્ચાતા થયા છે. .પિતા મોટેભાગે બહારની જવાબદારી અને કુટુંબના ભરણપોષણમાં વ્યસ્ત તેથી  બાળકને સમય ફાળવી શકતો નથી.બાળકને સ્તનપાન કરાવતી માં,એને નવડાવતી,એનાં મળમૂત્ર સાફ કરતી મા બાળકની કોણ છે?આદરણીય કવિ મુ.ભગવતીકુમાર તેનો ઉત્તર આપે છે:

માં મારી મિત્ર

મા મારી પહેલી મિત્ર

અને શ્રેષ્ઠ અને છેલ્લી પણ ….

બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થ ,

તે નહીં તો અપેક્ષાનું બારીક કણું આવી જાય
પછી ઉઝરડો ,તિરાડ
ઉદારતાથી ક્ષમા કરીએ એ વાત જુદી
થીગડું ..અને ભીંગડું રહી જાય
પતિ પત્નીની મૈત્રી આદર્શ પણ વિરલ
હું-પદની ત્વચા એમ શાની ઝટ ઊખડે ?
નખ જરા આદિ જાય ,લોહીની ધાર થાય
હિંડોળાની ઠેસમાં ,પાનનાં બીડામાં ,
ખભે મુકાતા હાથમાં ,બાળકો પ્રત્યેની મીટમાં
નેજવાની છાજલીમાં દાંમ્પત્ય ઓગળે અને મૈત્રી મહોરે તો ભયો ભયો
પણ પરસેવાની ગંધ જુદી તે જુદી જ
માને તો આકાશ જેટલું ચાહી શકાય
દેવમૂર્તિની જેમ પૂજી શકાય
અને પાછું એવું કશું વિચારે -ઈચ્છે કે માગે નહિ
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની ગંધ
એ સાથે લઈને જ જાય ઈશ્વર પાસે!
અને ઈશ્વર સુગંધ સુગંધ !
ભગવાનની યે મા તો હશે જ ને?
(ભગવતીકુમાર શર્મા )
‘જનની જોડ નહીં જડે ‘ એવાં માતુપ્રેમનાં અઢળક કાવ્યોમાંથી ‘મા મારી પહેલી મિત્ર ,શ્રેષ્ઠ અને છેલ્લી પણ ‘ મારા મનમાં વસી ગયું .વિસ્મૃતિના ટાપુ પર બેઠેલી મારી માએ એના અંતિમ દિવસોમાં મારી ઓળખને ભૂંસી નાંખી હતી ત્યારે મને સમજાયેલું કે મારી જન્મદાત્રી મા જે મારી પહેલી ,શ્રેષ્ઠ અને છેલ્લી મિત્ર મેં ખોઈ હતી.હવે કોની આગળ હદયનો વલોપાત ,ઊકળાટ ,ઊભરો ઠાલવવાનો! બાને શબ્દોમાં કહેવાની પણ ક્યાં વાત હતી? એ તો કરમાયેલું મોં ,ભીની આખો કે ઢગલો થઈ સુનમુન બેઠેલી દીકરીની વાત જાણી જાય.સાચા મિત્રો પણ શબ્દોની લેવડદેવડ કર્યા વિના સમજી જાય છે.
દુનિયામાં મિત્રો તો ઘણા હોય ,તેમાંના કેટલાક બાળગોઠિયા ,ખૂબ નિકટના પણ હોય ક્યારેક અપેક્ષાને કારણે તિરાડ પડતી હોય છે,કૃષ્ણ સુદામાની ‘તને સાંભરે રે ‘
એવી સાંદિપની ઋષિના આશ્રમની મૈત્રી.ગરીબ મિત્રની પત્ની કૃષ્ણ પાસે મોકલે છે,ભગવાન તત્કાલ સુદામાને હાથમાં કાઈ આપતા નથી તેથી સુદામાને માનહાનિ અને દુઃખ થાય છે,પછી ઘેર જાય છે ત્યારે ભગવાનની કૃપા જુએ છે.પતિ-પત્નીમાં પણ અહમ ટકરાયા કરે.ગાંધીજીએ પત્નીને કસ્તુરબા કહ્યા પછી તેમને મિત્ર માન્યા.અહમ ઓગળે માના પલ્લુમાં ગમે તેટલી ઊંચાઈ પર જગતમાં પહોંચો મેલો મેલો તો ય માનો ખોળો
છેલ્લી પંક્તિઓમાં માના અપાર ,નિસ્વાર્થ પ્રેમને પ્રભુરૂપ ગણે છે,પ્રભુએ પોતાના રૂપને માના સ્વરૂપે ઘડી તેથી મા બાપનો આદર એજ મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ અંત સુધી માના અંશરૂપે આપણામાં રહે છે.અંતની પન્ક્તિઓ માટે કવિને સલામ માના ખોળાની બાળકના પેશાબની ગંધ ઈશ્વરને
સુગંધમય કરી દે કારણ મા ઈશ્વરરૂપ છે.એક બાળક જેવો નિર્દોષ પ્રશ્ન ‘ભગવાનને ય મા તો હશે જ ને ?’ કેટલો ગહન પણ સરળ પ્રશ્ન।પ્રેમનું પિષ્ટપેષણ ન હોય1 ,પોથી પઢી પ્રેમ ન પામી શકાય એતો અનુભવ છે.’મુંગા કેરી સર્કરા ‘
હેપી મધર્સ ડે
તરૂલતા મહેતા 12મીમે 2017

ઇન્દુ શાહ →મા

maa

મા થકી અસ્તીત્વ મારું
મા થકી અસ્તીત્વ સૌનું
જગત આખું માથી રચાયું

મા શબ્દથી મમતા શબ્દ થયો
મા તુજ મમતા કદી ન વિશરું

હું મુઝાય નિર્ણય નકરી શકી
મા તે હાથ જાલી સમજણ આપી

અગણીત તારા ઉપકાર ન ભૂલું
તુજ સંસ્કારે જીવન સાર્થક ગણું

દાંપત્ય, સંતાન, પૌત્ર પૌત્રી
આજે  સર્વ સુખ જે જે પામી

અગણીત તુજ આશીર્વાદ ગણું
માત્રુ દિને કોટી કોટીપ્રણામ કરું

 

માં -હેમંત ઉપાધ્યાય

   માં 
 
 
મને  શબ્દ   એક જ વહાલો       માં
હોઠે   સુકાય  ના એક જઅક્ષર   માં
રાત   દિન  રટણ      એક   જ     માં
હર પલ  એક જ        સ્મરણ       માં
ખાતા પી તા  નામ એક જ        માં
રમતા   કુદતા    યાદ  એક જ    માં
પુસ્તક    માં પણ   દેખાય   મુજ ને    માં
ચારે    દિશા  એ    દીસે     મુજ ને   માં
 પૂનમ નો એ ચંદ્ર    ખીલ્યો
“માં ” નો મુજ સાદ  ઝીલ્યો
ગજાવી  ભૂમિ મેં  એ   સાદ થી 
તડપ્યું  દિલ    ખુબ  એ નાદથી  
ત્યાં તો મળી મને મારી માવલડી 
જોઈ એને  સુકાય  ના  હેમંત ની  આંખલડી 
 
 
 
ઓમ માં   ઓમ  
 
હેમંત ઉપાધ્યાય 

સ્પર્શ – રોહિત કાપડિયા

     સ્પર્શ
        આજે ‘ મધર્સ ડે ‘ હતો અને સાથે રવિવાર પણ હતો. અપૂર્વના મનમાં એક અજબની કશ્મકશ ચાલી રહી હતી. એની વહાલી બા ની યાદ એને તડપાવી રહી હતી. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી પણ એની સાવ જ અભણ બા એ તનતોડ મહેનત અને કાળી મજૂરી કરી એને ભણાવ્યો , ડોક્ટર બનાવ્યો ને વિદેશ પણ મોકલ્યો. મારી બા માટે મારી ખુશી એ જ સર્વસ્વ હતી. સંજોગો કંઈક એવાં નિર્માણ થયાં કે એને વિદેશમાં જ સ્થાયી થવું પડ્યું. બા ને પણ વિદેશ બોલાવી શકાય એમ ન હતું.દર વર્ષે એ એની બા ને અચૂક મળવા જતો અને પંદર-વીસ દિવસના રોકાણમાં આખા વર્ષનો પ્રેમ ભેગો કરીને લઈ આવતો.
       પ્રેમની જ ભાષા સમજતી એની બા ને એ વોટ’સ એપ પર કે ફેસ બૂક પર’ મધર્સ ડે ‘નો  મેસેજ મોકલી શકે એમ ન હતો.ફોન કરીને વાત કરવાનો પણ અર્થ ન હતો, કારણ કે એનાં બધિર કાનોમાં હવે વધુ સંભળાતું ન હતું.આમ તો દેશ વિદેશ વચ્ચેનું અંતર બા દીકરાની વચ્ચે ક્યારે ય આવ્યું ન હતું. કોને ખબર કેમ પણ આજે એને બા ના પવિત્ર સ્પર્શની ઝંખના થઈ હતી. દિવસ ઢળવા આવ્યો હતો. બા ના સતત વિચારે એનું મન ભારે થઈ ગયું હતું. એની આંખમાં અચાનક જ આંસુ આવી ગયાં ને તે સ્વગત જ બોલી ઉઠ્યો ‘બા તે મને ક્યારે ય રડવા દીધો નથી. આજે મારી આંખમાં આંસુ છે તો એ લૂંછવા આવ ને ? “ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી.આંખમાંથી આંસુ લૂંછીને , ઉભાં થઈને એણે દરવાજો ખોલ્યો.  એનો મિત્ર જે એનાં જ એપાર્ટમેન્ટમાં ઉપર રહેતો હતો તે દેશમાંથી પાછો  ફર્યો હતો. એનાં એક હાથમાં બેગ હતી ને બીજા હાથમાં એક સ્ટીલનો ડબ્બો હતો. સ્ટીલનો ડબ્બો એનાં હાથમાં આપતાં એનાં મિત્રે કહ્યું “તારી બા એ મોકલાવ્યો છે અને મને ખાસ કહ્યું છે કે આ ડબ્બો મારાં ગગાને આપીને પછી જ ઉપર જજે. “પ્રેમથી ડબ્બો હાથમાં લઈ એણે મિત્રનો આભાર  માન્યો . મિત્રના રવાના થયાં બાદ એણે ડબ્બો ખોલ્યો. ડબ્બામાં એની ખૂબ જ ભાવતી સુખડી હતી. હળવેકથી એણે સુખડીનો એક ટુકડો હાથમાં લીધો ને જાણે એની બા નાં હાથનો સ્પર્શ થયો હોય તેવો અહેસાસ થયો. એણે સુખડી ડબ્બામાં પાછી  મૂકી દીધી.એની આંખમાં ફરી આંસુ  આવી ગયાં તે ફરી સ્વગત બોલી ઉઠ્યો “બા, તે આંસુ લૂંછી પણ દીધાં ને પાછાં આ હર્ષનાં આંસુ આપી પણ દીધાં .”ને પછી તો એ ડબ્બા પર હાથ મૂકીને ક્યારે સૂઈ ગયો તેની તેને ખબર પણ ન પડી.
                                                                રોહિત કાપડિયા

મા અને માતૃભાષા(૪) -વિજય શાહ

માતૃદિને

અમેરિકામાં અમે મા ને બહું જ લાડ લડાવીએ

ગુલાબ, સ્ટ્રૉબેરી ચોકલેટ અને તેને મનગમતી ભેટ આપીયે

આખો દિવસ તેની સાથે વિતાવીયે…

તેણે અમને આપેલ જ્ઞાન, પોષણ, સાર સંભાળ અને ઉછેર માટે શત શત આભાર પણ માનીએ…

પણ માત્ર એક જ દિવસ.

જ્યારે ભારતમાં માતૃદિન જ ના ઉજવાય.

આજે બા તું અદેહી છે. પણ

તું સદાયે જીવંત છે અમારા મનમાં અમારા હ્રદયમાં

સાથે સાથે જીવંત છે

તેં પાયેલ માતૃભાષાનાં અમર ધાવણ પણ…

જેણે મને આજે જે હું છું તે બનાવવાનો પાયો નાખ્યો.

સમજણ કેળવી

મા અને માતૃભાષા તમને સદા શત શત સલામ.

વિજય શાહ

‘પારણું ઝૂલે’ – તરુલતા મહેતા

મિત્રો,

જિંદગીના પ્રત્યેક દિવસો માના પ્રેમ અને આશીર્વાદની ઝીણી ઝરમરથી ભીજાયા કરતા હોય છે  પણ સહજ મળતી આ પ્રેમવર્ષાને જીવનની બીજી પ્રવુત્તિની છત્રી ઓઢી, તેની આડમાં બેધ્યાનપણે કોરા રહી જઈએ છીએ.કેટલીક વાર માતા કેરિયર બનાવવામાં અને બીજી ફરજો નિભાવવામાં સંતાન સાથેની નિકટતાને ખોઈ બેસે છે,ત્યારે ‘મધર’ડે ‘મંદીરમાં રણકતા ધંટ જેવો હદયને જગાડી જાય છે.મારી વાર્તા દ્રારા ‘મધર’સ ડે ‘ની શુભેચ્છા આપ સૌને પાઠવું છું.

‘પારણું ઝૂલે’      તરુલતા મહેતા

કેલેન્ડરમાં ‘મધર’સ ડે ‘ જોતાં પ્રગતિ હરખાઈ ઉઠી,આ વર્ષે એના માટે સોનાનો સૂરજ ઉગ્યો હતો.એણે ખુશાલીમાં મમ્મીને ફોન જોડ્યો પણ એની મમ્મી નિશિતા  હમેશની જેમ કસ્ટમર સાથે બીઝી હતી .એમ તો ધણા વખતથી એ મમ્મીને એની ખુશીની વાત કહેવા વિચારતી હતી પણ એનાથી કહેવાતી નહોતી.નાનપણથી જ એની મમ્મીનું  એકતરફી વલણ હતું. માત્ર તેણે જ પોતાની દીકરીને સારી કરિયર બનાવવી ,ખૂબ કમાવું તેમ કહ્યા કરવું.પ્રગતિની કોઈ વાત સાંભળવાનો તેની પાસે સમય નહોતો.
છેલ્લા પાંચ વર્ષથી ડોક્ટરનું ભણીને સેટ થવામાં પ્રગતિ પણ પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ હતી.પણ ગયા વર્ષે બનેલી તે  વાતે એની ત્રીસીની વયમાં વળાંક આવી ગયો હતો,ત્યારે તે અને એરિક હોસ્પિટલમાં રાતની ડ્યુટી પર હતાં,સર્જરી પતાવી તેઓ ઈન્ટેન્સિવ કેરના  વિભાગમાંથી   બહાર આવ્યાં.

‘મને તરસ લાગી છે,’

પ્રગતિએ  બાથરૂમ તરફ જતાં   એરીકને કહ્યું.

‘મારું મો પણ સૂકાય છે’ એરિકે બે ઠંડી બોટલો ટેબલ પર મૂકી.

છેલ્લા ત્રણ કલાકથી તેઓ બન્ને જણાં બીજા બે ડોક્ટરોની સાથે ઈન્ટેસીવ રૂમમાં હતાં.

પ્રગતિએ  હાથ ધોવા માટે ગરમ પાણી ચાલુ કર્યું પણ સુંવાળા સાબુના ફીણને હાથ પર ધસતાં મનમાં એક પ્રકારની કૂમળી કૂમળી ફરફરાટ થઈ,માની કૂખમાં ધડકતા ગર્ભ જેવી,એ એની બે હથેળીઓમાં સાબુના ફીણને ઝૂલાવતી રહી.થોડી મિનિટો પહેલાં એના હાથમાંની નવજાત બાળકીના ‘ઉંવા  ઉંવા ‘ના કૂણા કૂણા અવાજને સાંભળી રહી,રૂમમાં સૂતેલી માતા સીસેકશનને કારણે ખૂબ થાકી ગઈ હતી,નબળી લાગતી હતી,પાણીનો ગ્લાસ પણ પકડી શકતી નહોતી પણ જેવી બાળકીને એના હાથમાં મૂકી એટલે જતનથી એને ચૂમવા લાગી અને કોઈની નજર ન લાગે તેમ ધાવણ ઊભરાતી છાતીમાં છુપાવી દીધી,તે વખતે એનો    યુવાન ચહેરો    પ્રભાતના બાળસૂર્યની લાલિમાથી ખીલી ઊઠ્યો હતો,જગતની બધી સમુદ્ધિ તેણે હાંસલ કરી લીધી હોય તેવા  આનંદ અને ગર્વમાં તે હતી. તેણે  દીકરીને તેના પિતાના હાથમાં તાજા ખીલેલા પુષ્પની ભેટ જેવી  મૂકી.
પિતાએ બાળકીને છાતીસરસી રાખી સલામતીની હુંફ આપી ત્યાં તો દાદી ,નાની માસી મામા ..આખું કુટુંબ હર્ષની કિલકારી કરવા લાગ્યું.એક શિશુના જન્મથી સગાઈના કેટલાં તંતુઓનો માળો રચાયો હતો!

એરિકે એને બોલાવી ,’શું કરે છે?,મેં  તારા માટે પાણીની બોટલ અહી મૂકી છે. કલાકનો બ્રેક છે,જરા ફ્રેશ થઈએ.

પ્રગતિ એક શ્વાસે પાણી પીવા લાગી પણ ગળું તો તરસ્યું ને તરસ્યું,એની છાતીમાં,એના ગર્ભમાં વર્ષોનો દુકાળ પડેલો તે અનુભવી રહી.તેના   સૂકા હોઠમાં  ‘તરસ ..તરસની ઝંખના જાગી હતી.

‘આર યુ ઓ.કે.પ્રગતિ ?’એરિકે નરમાશથી એના હાથનો સ્પર્શ કર્યો,પ્રગતિ એને બાહુપાશમાં લેવાની હોય તેમ એકદમ નિકટ આવી એટલે એરિક બોલ્યો ,’ડીયર,વી આર ઓન ડ્યુટી ‘

તે વખતે પ્રગતિની આંખોમાં  કોઈ આગવા તેજની ચમક આવી ગઈ.ત્રીસ વર્ષના ઉબરે ઊભેલી એક સ્ત્રી એની કૂખમાં અંકુર ફૂટયાની

પળને ઝંખી રહી.

 ઉનાળાની રાત્રે નવેક વાગ્યે તેઓ તેમના લેક-વ્યૂ એપાર્ટમેન્ટની ત્રીજા માળની બાલ્કનીમાં બેસી વાઈનની સાથે ડીનર લેતાં હતાં.  વિશાળ મીશીગન લેકની લાઈટો જાણે તરતું આકાશ હોય તેવું સુંદર હતું.પ્રગતિ એરીકની પાસે સરી,એના શ્વાસ એરીકના કાનને ઉષ્મા આપતા હતા,પ્રગતિ  એરિકને કહે છે ‘ મને લાગે છે કે આપણી બીઝી જિદગીમાંથી વર્તમાનની આનન્દમય પળો સંતાકુકડી રમતી ગાયબ થતી જાય છે.’
એરિક બોલ્યો’,હા ‘મોટાભાગની સવાર -સાંજ હોસ્પિટલમાં દર્દીઓ સાથે વીતી જાય છે.’
તળાવનો વ્યુ માણવા માટે તેઓએ  આ મોધું

એપારટમન્ટ લીધું હતું.બન્ને રેન્ટ વહેંચી લેતાં.ત્યારે તેઓ એક બેચમાં ભણતાં મિત્રો હતાં,બન્ને એકબીજાની કમ્પની માણતાં  હતાં, કયારે સહજ રીતે એકબીજાને મિસ કરતા અને પ્રેમ કરતા થઈ ગયાં તેનુ  તેમને પોતાને વિસ્મય થયું.પહેલી નજરનો પ્રેમ થઈ જાય તેવી મુગ્ધા અવસ્થા નહોતી પણ પ્રેમ એટલે જ મુગ્ધ થવાની સ્થિતિ એ તેમને એકબીજાના સહવાસમાં સમજાયું.

એરીકે એના આઈ  ફોન પરના મેસેજને જોઈ કહ્યું ,’આપણે જવું પડશે.’ પ્રગતિના ચહેરા પરથી તળાવ પરની લાઈટનું અજવાળું ખસી ગયું,બાલ્કનીમાં  ટેબલ પર બે ખાલી ગ્લાસ અને બે ખાલી ખુરશીઓ પવનમાં ઝૂરતી રહી.

પ્રગતિ અને એરિકે લગ્ન જેવા કોઈ બંધનની ઝંઝટ વિના બાળકનું પ્લાનીગ કરી દીધું.આમ તો હજી એમની હોસ્પિટલની જોબ ટેમ્પરરી હતી.પણ બરોબર સેટ થવાય તેની રાહ જોવામાં બીજા કેટલાય વર્ષ વીતી જાય, પ્રગતિને એ મંજૂર નહોતું.
એરિકના પેરેન્ટસ કેનેડા રહેતાં હતાં.એરિકે આપેલા ખુશીના સમાચારે રાજી થયાં હતાં. પ્રગતિ પોતાની મમ્મીને કહેતાં મૂઝાતી હતી ,એને ખાત્રી હતી તે નારાજ થવાની છે,દીકરી પોતાનું ઘર લે,સેટ થાય પછી કુટુંબની જવાબદારીમાં પડે તેમ તે આગ્રહ રાખતી.
નિશિતા એના મિત્રો  સાથે રેસ્ટોરન્ટમાં ડીનર પતાવી રાત્રે દસેક વાગે ઘેર આવી ગરાજમાં કાર પાર્ક કરી રહી છે,એના  સેલ ફોનની રિગ વાગતા એણે ફોન  સ્પીકર પર મૂક્યો  વાત કરવા લાગી.એની શિકાગો રહેતી દીકરી પ્રગતિનો  ફોન હતો.
‘કેમ આજે હોસ્પિટલમાં  ડ્યુટી નથી ?મમ્મી બોલી

તે કહેતી હતી ,’ મમ્મી, આજે થાકીને ઠૂસ થઈ છું,હમણાં સાવર પતાવીને સૂઈ જવાની છું ‘
નિશિતા બોલી,’હું ય થાકી ગઈ છું,કાલે નિરાંતે વાત કરીશું ‘.
પ્રગતિના અવાજમાં અધીરતા આવી તેણે કહ્યું ,’મમ્મી તને નિરાંત ક્યારે હોય છે?કાલના કેટલાય પ્લાન તારે હશે,મારે ય  ગમે ત્યારે ડ્યૂટી આવે,નિરાંત શબ્દનો તો જાણે આપણાં  જીવનમાંથી નિકાલ થઈ ગયો છે.’
નિશિતાએ હમેશની જેમ ઉત્સાહ આપતા કહ્યું ,’આમ અકળાય છે શું?ઘરનું,બહારનું બધું કરીએ એટલે બીઝી તો રહેવાય પણ કોઈની સાડાબારી તો નહી,મનના રાજા’.
પ્રગતિ સહેજ ચિડાઈ, ‘ સમયના ગુલામ.’

આજે પ્રગતિનો મૂડ મમ્મીની વાત સાંભળવાનો નહોતો,એની મમ્મી ક્યારેય નિરાંતે એની પાસે બેઠી નથી,એના પાપાની એને સ્મૃતિ નથી,એના દાદી કહેતા હતા,મમ્મીને ફેશનડીઝાઈનર થવું હતું એટલે ત્રણ વર્ષની પ્રગતિને મૂકીને તે મુંબઈ ભણવા જતી રહી હતી,બે વર્ષ એના પાપાએ અને દાદીએ પ્રગતિને સાચવી પણ પછી મમ્મી -પાપા કાયમ માટે છુટા થઈ ગયા.

નિશિતા ગ્રીનકાર્ડ લઈ સાત વર્ષની પ્રગતિ  સાથે મામાને ત્યાં લોસ એન્જલસ આવી.એની મહત્વાકાંક્ષા પોતાની ડીઝાનર શોપ ખોલવાની હતી,દસ વર્ષ પછી કોઈની પાર્ટનરશીપ સાથે નિશિતાની   ‘ભૂમિકા ‘બુટીક શોપ અસ્તિત્વમાં આવી ત્યારે સત્તર વર્ષની પ્રગતિ  હાઇસ્કુલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. તે કોલેજમાં ભણવા જતી રહી.
વર્ષો પહેલાં ઇ ન્ડિયાથી તે અને એની મમ્મી લોસ એન્જલસના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સાત વર્ષની પ્રગતિ ખૂબ ખુશીમાં મમ્મીની આંગળી પકડી દોડતી હતી.તેની કાલીધેલી બોલીમાં આશ્ચર્યમાં પ્રશ્નો પૂછતી હતી,

‘મમ્મી આને શું કહેવાય?,પેલું શું છે?,મારી સ્કૂલ કેવી હશે?તું મારી સ્કુલમાં આવીશ ?

એ પ્રશ્નોના જવાબ આજસુધી પ્રગતિને મળ્યા નહોતા.ક્યારેક એને થતું જિદગી પણ શું  એક પ્રશ્ન જ  છે?

નિશિતા તે વખતે બરોબરના ટેન્શનમાં હતી.અનેક ચિંતાઓ એને ઘેરી વળી  હતી ,તે વિચારતી હતી,નવા દેશમાં કેમ કરીને પગભર થઈશ?દીકરીને કોણ સાચવશે?મારાં સપનાં પૂરા કરવાની ધગશમાં મેં કોઈ ભૂલ કરી છે?એના માં-બાપ,પતિ,સાસુ ..અરે મિત્રો અને હિતેચ્છુઓ સૌ કોઈ નારાજ હતાં.એના મનમાં ડીઝાઈનર બનવાનું સ્વપ્ન ગર્ભમાંના બાળકની જેમ જન્મ લેવા તડપતું હતું.પ્રેમ,લાગણી,સમાજના ધારાધોરણ,ટીકા,સલાહ કોઈ એના સપનાને રોકી શક્યું નહી,દેશમાં શક્ય ના થયું તો તે પરદેશ આવી હતી.

મનને મનાવી લેતાં પ્રગતિએ મમ્મીને કહ્યું ,’આ વર્ષે ‘મધર ‘સ ડે માં તું શિકાગો આવજે.’

નિશિતાને પોતાની દીકરી આજ્ઞા કરતી હોય તેવું લાગ્યું,એક વિચાર વીજળીની ઝડપે પસાર થઈ ગયો,તે કહી દે કે તેને ધણું કામ છે પણ આજે પ્રગતિને કંઈ કહી શકી નહિ.
શનિવારની રાત્રે શિકાગોના ઓહેરા એરપોર્ટની બહાર કારની રાહમાં ઉભેલી  નિશિતા દૂર જોતી હતી પણ સામેની હોન્ડા વેન તરફ તેનું ધ્યાન નહોતું ,એને એમકે પ્રગતિ બી.એમ. ડબલ્યુ લઈને આવશે.

‘મમ્મી ,કારમાં બેસી જાવ.’ પ્રગતિએ કારનો કાચ ખોલી કહ્યું ‘જલદી કરો પ્લીઝ ‘
મમ્મી પૂછતી હતી ,’આવી મોટી ફેમીલી કાર કેમ રાખી છે?’ પ્રગતિને એની મમ્મીને ભેટી પડી વધાઈ આપવી હતી પણ વચ્ચે ઠંડી હવાએ શબ્દોને થીજાવી દીધા.

નિશિતાને લાગ્યું એની દીકરી એને હુકમ કરી રહી છે,એણે હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું ‘કેમ બહુ ઉતાવળ કરે છે?.એને કોઈ જવાબ આપવાને બદલે પ્ર ગતિ  બોલી ‘ઘેર જતાં પહેલાં આપણા માટે પિત્ઝા લેતા જઈએ,મને ઇન્ડીયન ફૂડની વાસ નથી ગમતી,દાળ જોઇને ઉબકો આવે ,’ કદાચ એની મમ્મી પૂછી બેસે કે કંઈ સારા ન્યુઝ છે કે શું? તો માં-દીકરી ભેટી પડી હરખધેલા થઈ નાચીએ.

નિશિતાને લાગ્યું એની દીકરીના સ્વાદ,પસંદ બધું બદલાઈ ગયું છે.

તેઓ ઘેર પહોચ્યાં ત્યારે એરિક નાઈટ ડ્યૂટી માટે નીકળી ગયો હતો.મમ્મીને ગેસ્ટ રૂમ બતાવી પ્રગતિ બોલી,’મોડી રાત થઈ ગઈ,હું
થાકી ગઈ છું .ગુડ નાઈટ ”એ ધીમા પગલે એના બેડરૂમમાં ગઈ.
નિશિતાને નિરાશા થઈ,એની ડોક્ટર દીકરી લેક વ્યૂ પરના એપારમેન્ટને બદલે  સામાન્ય ધરમાં રહેતી હતી.

એના મનમાં અનેક પશ્નો ચગડોળે ચઢ્યા હતા.  દીકરીને પૂછવું હતું ,’બે જણ માટે ત્રણ બેડરૂમનું ઘર કેમ લીધું છે?એરિક જોડે કેટલા વર્ષથી રહે છે?દીકરીના ઘરમાં તે કોઈ સાવ અજાણી વ્યક્તિ હતી.
એ રાતભર પડખા ધસતી રહી.તેણે  બાથરૂમ જવા ભૂલથી સામેના રૂમનું બારણું ખોલ્યું.કોઈ રહસ્યમય પ્રદેશ જોયો હોય તેમ ઊભી રહી ગઈ,શબ્દો,પ્રશ્નો,માન્યતા,વિચારો,ઈગો સૌની પારના નિર્દોષ જગતમાં તે આવી હતી. અહી આછા પ્રકાશમાં એક નાનકડો બેડ,બાળક બેસે તેવાં ટેબલ ખુરશી,ઝૂલતાં પારણા જેવી ક્રીબ,ટેડી બેર તેણે જોયાં,સ્વીચ પર તેની આંગળી અટકી ગઈ,રખેને લાઈટના અજવાળાથી તેની થાકીને સૂતેલી દીકરી જાગી જાય !  તે સવારની રાહ જોતી ત્યાં જ નાનકડા બેડમાં તેની લાડલીને  ગોદમાં લઈ સૂતી રહી.

‘હેપી મધર’સ ડે ના મીઠા ટહુકાથી ઘર ગુંજતું હતું.

તરુલતા મહેતા 1લી મે 2016

‘નાના હતા ત્યારે રડતા રડતા બા યાદ આવતી ,

હવે બા યાદ આવે ત્યારે રડી પડાય છે.( વિપિન પરીખ )

મારી માવલડી-રશ્મિ હરીશ

   12592778_10153487609357893_6464449022975040803_n

  મંગુભાઈ ઈનામદાર અને અંબાબેન ઈનામદાર ને ત્યાં  એક કન્યા રત્ન જન્મ્યું ! જમાનો તો એ હતો, જયારે નવજાત બાળકીને  “દૂધપીતી ” કરવાનો રીવાજ 

હજી અસ્ત નહોતો થયો , જો કે હા , આ પ્રથા અસ્ત તો આજે પણ ક્યાં થઇ છે ? ફર્ક હોય તો એટલો  જ  કે, ત્યારે દીકરી ઓ ને જન્મ લેવાનું સૌભાગ્ય (!) તો 

સાંપડતું મારી માવલડીજ, આજકાલ તો જન્મ પહેલાં જ …!આ ઈનામદાર કુટુંબમાં જે કન્યા રત્ન પ્રગટ્યું, તે એક તો ઊંચા ખાનદાન, મોભાદાર ઘર અને પુણ્યશાળી માબાપનું પ્રથમ સંતાન હતું . વળી રત્ન  શબ્દ પણ તેણે માટે અતિ યોગ્ય હતો, કારણ કે મોતી રંગ નો વર્ણ ,રૂબી ની ઝાંય પથરાઈ  હોય, તેવો આછેરો રક્ત રંગી ચહેરો, અને સોલીટેર હીરા મઢ્યા હોય તેવી સ્વચ્છ પાણીદાર આંખો ! સાચે જ રત્ન નો ભંડાર લઇ ને જન્મેલી આ કન્યા નું નામ  “કંચન” સિવાય બીજું શું રાખી શકાય? કંચન તો સાચે જ પેલી પરી કથા ની કુંવરી ની જેમ દિવસે ના વધે તેટલી રાતે વધતી ગઈ, અને આ કંકુ પગલી કન્યાના શુભ પગલે માબાપ ને ત્યાં ત્રણ પુત્ર રત્નો પણ જનમ્યાં.એને  એક નાની બેન પણ હતી. સૌ ભાંડુડા  કંચન ને “મોટાં બેન” કહેતાં.

 એકવાર ગામ માં એક જ્યોતિષી આવ્યા , સૌ એ એમને ઈનામદાર ના ડહેલે  બેસવા કહ્યું , અને ગામ ના લોકો પણ પોતાનું ને ખાસ તો પોતાની દીકરીઓનું ભવિષ્ય જાણવા ત્યાં એકત્રિત થયા . સૌથી પહેલો નંબર કંચનનો આવ્યો કરણ કે તેણે ૧૧મુ વર્ષ પૂરું થઇ ને ૧૨ મુ વર્ષ બેઠું હતું અને કન્યા ને ૧૨-૧૩ વર્ષે પરણાવી દેવાનો વણકથ્યો નિયમ હતો તે જમાનામાં. જ્યોતિષીએ કંચનના બંને હાથમાં માછલીનું ચિન્હ જોઈ ને ભવિષ્ય  ભાખ્યું કે, આ કન્યા તો કોઈ રાજવી કે ગામધણીનું ઘર ઉજાળશે! અને સાચે જ જ્યોતિષી ની આગાહી સત્ય ઠરી, જયારે કંચન ના વિવાહ કમ્બોલા ને એવાં ત્રણ ગામ ના ધણી શિવરામ ઈનામદાર ના સુપુત્ર ઠાકોરલાલ ઈનામદાર સાથે થયા. કંચન ને એકવાતની ખુશી જીવનભર રહી કે, લગ્ન પછી પણ તેની અટક ઈનામદાર જ રહી!  આવું ભાગ્ય દરેક દીકરીને ક્યાં મળે છે?!

લગ્ન એટલે શું તેની પણ ઝાઝી જાણ વગર  ગણેશ આગળ બેઠેલી કંચનના મન નાં ભાવ કેવા હશે? થોડો ઉત્સાહ, થોડી અમૂંઝણ, થોડી અનિશ્ચિતતા ને અનેક ગણી આશા..!જાણે, ભીંતે ચીતરેલા ગણેશને તે પૂછે છે “ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો , આ મીંઢળ હું બાંધું ? આખા તે આયખાની મઘમઘતા કંચવાને, પારકી તે ગાંઠ થી હું ગાંઠું…?”પાંચીકા રમવાની ઉમરે સાસરે જવું, ને તેમાય એ જમાનામાં તો ઘૂંઘટ ઓઢી ને કામ કરવું કેટલું દોહ્યલું! પણ કંચન તો જેમ પિતા ને ત્યાં નોકર ચાકરો માં ઉછરેલી તેમ જ સાસરે પણ હતું . અસીમ સુંદરતા સાથે અપ્રતિમ બુદ્ધિમત્તાવાન કંચને સાસરે આવતાં જ પોતાનું સ્થાન અને કામ સમજી લીધા. જાણે લગ્ન ની ભેટ સ્વરૂપે મળ્યો હોય તેમ, પતિની આગલી મૃત પત્ની નો પુત્ર તેને, લગ્ન વખતે જ  પ્રાપ્ત થયો હતો. તેના ઉછેર અને સંસ્કાર સિંચન નું કાર્ય તેણે એવી રીતે ઉપાડી લીધું કે, પાછળથી તે દીકરા  ને સરકાર  તરફ થી પ્રમાણિકતા નું પ્રમાણપત્ર પણ મળેલું! રાજકારણ માં સહજ હોય છે, તેમ સસરા- પથીચંદ ઈનામદારના મૃત્યુ પછી તરત કોઈ એ ગાયકવાડ સરકારમાં લખાણ મોકલ્યું કે, “મરનાર ગામ ધણી ને કોઈ વારસદાર નથી તો ધણીપણું ખાલસા કરવું!” આમાં કેટલાક અભણ ગામ લોકો અને કેટલાક વિરોધીઓ એ સહી પણ કરેલી, એટલે ગામો ખાલસા થયાં ને સાલિયાણું બંધ થયું! આવા કપરા સંજોગોમાં કોઈ પણ તૂટી જાય પણ પતિ પત્ની બંને હિંમતવાળા, બાહોશ અને સાહસિક હતા. કંચને પતિ ને હિંમત આપીને તેઓ એ સરકાર માં હાજર થઇને જણાવ્યું કે,  “હું પોતે વારસદાર છું” પણ કમાનમાંથી નીકળેલા તીરની જેમ ખાલસા થયેલા ગામનો હુકમ પણ પાછો ન વળ્યો તે ન જ વળ્યો … પણ આવા  બનાવો થી ડરી જાય કે ભાંગી પડે તેમાંનું આ દંપતી નહોતું, તેમનું ઘરબાર, પિતાએ બંધાવેલી શાળા, સ્વામીનારાયણનું મંદિર અને મંદિર ખાતે આપેલી ૨૦ વીઘા જમીન અને આખે આખું ગામ મૂકી ને ભાગ્ય અજમાવવા નીકળી પડ્યું આ અજોડ દંપતિ.

ઈનામદાર દંપતિ પોતાના એકમાત્ર પુત્રને લઇ ધરમ પુર રાજ્ય માં પહોચીને રાજા ને વાત કરી, અહીં પણ ત્રણ ગામો ની જવાબદારી સ્વીકારી,  ગામમાં ત્યારે આદિવાસી ઓના છુટા છવાયા ઝુંપડા સિવાય કાંઈ નહોતું. ધીમે ધીમે મહેનત થી જમીન ને ખેતી લાયક બનાવી, જુદા જુદા અનાજ, કઠોળ,  તેલીબીયા અને કેરી તેમજ બીજા ફાળોની ખેતી ચાલુ કરી . ગામના લોકોનું પણ ધ્યાન રાખ્યું . ત્રણે ગામ માં પાણી માટે કુવા, કરીયાણાની દુકાન અને શાળા બંધાવી.કંચન બેન, પોતાના પરિવાર સાથે એમાં ના જ એક ગામ “ધોધડ કુવા” માં રહેવા લાગ્યા . એ જ ઘર માં તેમનું કુટુંબ વિસ્તર્યું , તેમને બીજા બે પુત્રો અને ત્રણ પુત્રીઓ જન્મ્યા જેનાથી તેમનું ઘર ભર્યું ભાદર્યું અને આનંદપૂર્ણ બની રહ્યું.તેઓ પોતાના ખેતર માં ડાંગર નો પાક સૌથી વધુ કરતાં કારણકે વરસાદ વધારે પડતો અને આબોહવા પણ અનુકુળ રહેતી. આ ઉપરાંત તમામ કઠોળ અને તેલીબીયા તેમજ  શાકભાજી પણ ઉગાડતાં, જેથી વર્ષ ભર ની ખાદ્ય સામગ્રી ઘર ની જ મળી રહેતી. આ સિવાય પણ ઘણી જમીન બાકી રહેતી જેમાં ઘાસ ની ખેતી કરવામાં આવતી હતી આ ઘાસ ની ઘાસડી ઓ પ્રેસ માં તૈયાર થતી ને  રેલ્વે દ્વારા મુંબઈ મોકલાવાતી. ઈનામદાર શેઠ પોતે આ બધા બહારના કામો માં, તેમજ ખાલસા થયેલા ગામધણીપણાના ગાયકવાડ સરકારમાં ચાલતા કેસ માટે એમ બહારના કામો માં વધુ વ્યસ્ત રહેતા એટલે ખેતી નું બધું કામ કાજ કંચન બેન ની દેખરેખ હેઠળ ચાલતું. આમ તેમનું જીવન સરસ રીતે વહેતું હતું.

       આવા નાનકડા ગામોમાં પાણી, વીજળી કે વાહન ની કોઈ જ સગવડ નહોતી તો પછી ગામ માં ડોક્ટર, દવાખાના કે સારવાર તો હોય જ ક્યાંથી? પરિણામે દર વર્ષે અનેક લોકો સારવાર ના અભાવે જીવ ગુમાવતા, આવા માં કંચન બેન ના બે નાના દીકરાઓ પણ હોમાયા એકની ઉમર પાંચ અને બીજાની અઢી વર્ષ. પોતે ઘોડાગાડી રાખતા પણ ચીલ ઝડપે  વધતી  માંદગી ની સામે ઘોડા ગાડી ની ઝડપ ઘણી ઓછી પડતી!  ખરેખર તો સામાન્ય લાગતી માંદગી, ડોક્ટર, દવા, અને સારવાર ના અભાવે તો ક્યારેક સમયસર વાહન ન મળવાથી શહેર ની હોસ્પિટલ માં સમય સર ના પહોચવાને કારણે માંદગી ઘાતક બનતી. પોતાના બબ્બે પુત્ર ને એક-દોઢ વર્ષ ના ગાળા માં ગુમાવનાર માબાપની દશા કલ્પનાતીત હતી . બંને ભારે સમજુ હતા, તેઓ એકબીજાને આશ્વાસન આપવા પ્રયત્ન કરતાં અને કારમાં ઘાને કાળજે સમાવી સ્થિતિ સામાન્ય કરવા મથતા, ક્યારેક પતિ તો ક્યારેક પત્ની સાવ ભાંગી પડતા,  પણ સમજદારી થી એકબીજા ને સંભાળી લેતા. અંતે બંને એ નિર્ણય કર્યો કે આપણે દીકરીઓ ને દીકરાથી સવાઈ ગણીને ઉછેરીશું અને ભણાવીશું અને સાચે જ જયારે છોકરા ઓ પણ માંડ  વર્નાક્યુલર ફાઈનલ ની ડીગ્રી લેતા, ત્યારે આ માબાપે ત્રણે દીકરીઓ ને કોલેજ ભણવા મોકલી. એટલું જ નહિ પોતે, વલસાડ જીલ્લાના પોતાના ત્રણે ગામોમાં  શાળા  બંધાવી ને કેળવણી ને ઉત્તેજન આપ્યું અને આ કારણથી ૧૯૬૨ ની સાલ માં તેમના સંતાનો અને માબાપને ખંભાત અત્રાપી મંડળ ના ઉપક્રમે , ત્યારના શિક્ષણ પ્રધાન શ્રી મગનભાઈ બારોટ તરફથીબિરદાવવામાં આવ્યા. 

પોતાના ગામોમાં પાણી માટે કુવા, જીવન જરૂરિયાત ની ચીજો માટે કરીયાણા ની દુકાનો અને ગામ ના બાળકોની કેળવણી  માટે, શાળાઓ ની વ્યવસ્થા તો કરી પણ, હજી લોકોને માંદગી થી રક્ષણ મળે તે માટે, કૈક કરી છૂટવાના વિચાર ને અમલ માં મુકે તે પહેલાં જ , ૧૯૫૫ ની સાલમા “સમાજવાદ ઝીન્દાબાદ” ના સૂત્ર સાથે લાલ ટોપીધારી સમજ વાદ દ્વારા મોટા જમીન માલિકો સામે આંદોલન ચલાવ્યું.  દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બનતું ગયું.  ગામના આદિવાસી લોકોને માલિકો ને ત્યાં મજુરી ના કરે  તે માટે સમજાવ્યા. ખેતી નું કામ ઠપ્પ થઇ ગયું! આવામાં કંચનબેન અને શેઠે પોતાના પંચમહાલ જીલ્લામાંથી મજુરો લાવી ને ખેતી નું કામ ચાલુ રાખવાના મરણીયા પ્રયાસો આદર્યા.

આ બાજુ સમાજવાદનું આંદોલન પણ પુરજોશથી ચાલુ હતું. તેમના આગેવાનો, જ્યાં આવી રીતે ખેતી નું કામ ચાલુ હતું ત્યાં ૫૦૦૦ થી ૬૦૦૦ મજૂરો ના ટોળાઓ લઇ ને ઉભા પાકમાં,આગ લગાડવાનું ચાલુ કર્યું. સતત સાત વર્ષો સુધી આંદોલન ચાલતું રહ્યું ને ઉભા પાકો ખેતર માં બળતા રહ્યા. આવી કટોકટી માં કંચન બેને , પોતાની બે- બે દીકરીઓના એક સાથે લગ્ન લીધા, તેજ વખતે મોરાર જી દેસાઈ નો “ગોલ્ડ એક્ટ” પણ લાગુ હતો !!! બબ્બે દીકરી ઓ ના કરિયાવર કરતા આ ઈનામદાર દંપતી કેવું હેરાન થયું હશે?પણ આવા બાહોશ, સાહસિક, હિંમતવાન અને ધિરજવાન દંપતી, હંમેશ ની જેમ આ કસોટી માંથી પણ પાર ઉતર્યાં .

 જીવન સંઘર્ષ સામે લડતા લડતા થાક તો લાગેજ, પણ થાક ખાવાનો સમય તો ભગવાન જ આપી શકે, એ ન્યાયે  વધુ સમય મળે તે પહેલાં જ કંચન બેન ના પતિ ને ઉપર જણાવેલા બધા કારણો અને ટેન્શનો ને લીધે , લકવા નો એટેક આવ્યો. અને તે સમયે પણ ડોક્ટર, દવાખાના અને સારવાર ના અભાવે, અને ખાસ તોઝડપી વાહનો ના અભાવે  મોડું તો થયું જ પરંતુ બોમ્બે માં મરીન લાઈન્સ આવેલી “બોમ્બે હોસ્પિટલ” માં દાખલ કર્યા, ત્યાં ત્રણેક મહિના રાખીને સેવા અને સારવાર કરીને કંચનબેન પોતાના પતિ ને સાજાસમા લઇ ને ઘરે આવ્યા, જોકે માંદગી એ પોતાની અસર તો છોડી જ હતી!  પરિણામે હવે જીવન ના દરેક ક્ષેત્રે બધી જ જવાબદારી કંચન બેન પોતે ઉઠાવવી પડતી. તેઓ ની આસપાસ ની જમીન ના માલિકો  તો સમાજ વાદ ના આંદોલન થી થાકી ને ખેતી કામ બંધ કરી,ક્યાર ના શહેર જતા રહ્યા હતા. પણ કંચનબેને એકલે હાથે સંઘર્ષ કરી ને ખેતી ચાલુ રાખી . એમના આ બહાદુરી ભર્યા કામો ને લીધે આજુબાજુ ના સૌ જમીનદારો તેમને “ઝાંસીની રાણી” કહી ને બિરદાવતા!

      આ “કંચનબેન” તે જ મારી માવલડી! આ તેજસ્વી મહિલા વિષે એક નવલકથા પણ લખી શકાય, પણ શબ્દોની મર્યાદા જાળવીને કહું તો, તેમણે તેમને ભાગે આવેલું,દરેક કાર્ય અને જવાબદારી, પુરી નિષ્ઠાથી અને સફળતા પૂર્વક નિભાવી હતી .પોતાના બધા બાળકો ને ભણાવ્યા જ નહિ ગણાવ્યા પણ ખરા. પોતે આચરણથી સદગુણો સીંચ્યા. સૌને સારા ઠેકાણે પરણાવ્યા, બધાજ રીવાજો નિભાવ્યા, એટલે સુધી કે બધા પૌત્ર-પુત્રીઓ અને દોહિત્ર-દોહીત્રીઓ ના પ્રસંગો પણ રૂડી પેરે ઉજવ્યા .આ બધી ખૂબીઓ ઉપરાંત પોતાના માયાળુ, દયાળુ અને ઉદાર સ્વભાવ તેમાં જ હંમેશા હસતી રહેતી, પાણીદાર આંખો, અને ઉંચી બુદ્ધિમત્તા,એ તેમની આગવી ઓળખ હતી. તેમના સંપર્ક માં આવનાર સૌ કોઈ ક્યારેય ભૂલી નહી  શકે. તેમના જીવન નો આ પ્રસંગ ના કહું તો  તેમનામાં રહેલા અખૂટ આત્મવિશ્વાસ  માટે અન્યાય ગણાશે – તેમના એક દોહિત્ર નો મિત્ર જયારે આવે ત્યારે તેમને પગે લાગતો, વાતો માં તેમણે,  જાણી  લીધું કે. તે ઘણો ગરીબ છે ને આગળ ભણવું પણ શક્ય નથી .

 એક વાર બેસતા વર્ષ ના દિવસે તે આવી ને “બા” ને પગે લાગ્યો તેમણે  ૧૦ રૂપિયા ની નોટ કાઢીને કહ્યું,–” લે બેટા, આ સાચવી ને  રાખજે. જો મારા બંને હાથ માં  માછલી ઓ છે એટલે મારા આશીર્વાદ ફળે જ છે, તું પાંચ  વર્ષ માં જ તારી પોતાની ગાડી લઇ ને મને પગે લાગવા આવજે, જા દીકરા તને મારા આશિષ છે”  અને તમે નહિ માનો, ખરે ખર તે છોકરો બા ની હયાતી માં જ પાંચ વર્ષ પુરા થાય તે પહેલાં જ, પોતાની ગાડી આવ્યો અને કહ્યું ,” જુઓ બા તમારી ગાડી!” ફરજંદ કોઈ નું પણ હોય તે ના ભણે તે ન  ચલાવે, તેની બધી જરૂરિયાત પૂરી પાડે ને, કહે “લે હવે ભણ!”

 મારા અનુભવે મને સમજાયું છે કે, દીકરી ને માતાના ગુણો જ દેખાય , દોષ તો શોધ્યા ના જડે, હા, દીકરાને કદાચ જડી આવે તે પણ લગ્ન કરે પછી જ!મારી માવલડી નો એક દોષ (ખરેખર તો ગુણ જ!) મને જડ્યો બહુ જ સંશોધન કર્યાં પછી! તેઓ અત્યંત શિસ્ત પ્રિય અને સમયના પાબંદ હતાં, અને અમને બાળકોને કડક રીતે આ બધું પળાવતાં તેમાં અમારી ચૂક થાય તો ખૂબ ગુસ્સે થતાં! અને એ ગુસ્સે થાય ત્યારે એમની બહું બીક લાગતી! અત્યારે પણ એવું કઈ થઇ જાય તો તરત મન માં થાય કે “હમણા બા બોલશે!” 

બા નું માતૃત્વ એના પોતાના બાળકો ઉપરાંત તેના સંપર્ક માં આવતી તમામ વ્યક્તિઓ માટે એક હૂંફાળી છાયા સમું બની રહેતું. અમે નાના હતા ત્યારે અમારી પરીક્ષા કે નોકરી ના ઇન્ટરવ્યુ કે હરીફાઈ વખતે અમે બા ને કહેતા કે તું પ્રાર્થના કરજે તારા ભગવાન ને! વર્ષો પછી અમારા બાળકો ના તમામ અગત્યના અને સારા કામ વખતે અમે સૌ બાને આ જ વાક્ય વારંવાર કહેતા રહેતા. 

 એક વાર બા ને કહીએ પછી અમને જરાય શંકા નહોતી રહેતી. જેટલી શ્રધ્ધા અને વિશ્વાસ અમને બાની પ્રાર્થના માં હતાં, એથીએ વધુ શ્રદ્ધા અને વિશ્વાસ બાને એના ભગવાન માં હતો.