માતૃભાષાના દિવસની ઉજવણી-તરુલતા મહેતા

તરુલતા મહેતા

21મી ફેબ્રુઆરીએ આપણી  પ્રાણપ્રિય માતૃભાષાના દિવસની ઉજવણી નિમિત્તે આપ સૌને મારી હદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું .ગુજરાતી ભાષાકુળની કડીથી જોડાયેલા આપણે સૌ   વસુધૈવ કુટુંબક્મના વિશાળ આકાશે મીટ માંડીએ એવી અભીપ્સા સેવું છું .માતુભાષાના   વિકાસ અને સંવર્ધન માટે આપણી બે એરિયાની સંસ્થાઓ સતત પ્રવુત્ત રહે છે,તેથી  માનું ઋણ ચૂકવવાની લાગણી દિલને  શીતળ કરે છે.ગુજરાતીમાં  બોલવાનું મધમીઠું લાગે છે.આત્મીયતાના અને ઉલ્લાસના માહોલને સર્જે છે.માઇલોનું અંતર અને વર્ષોની દૂરતા  પળભરમાં સરકી જાય છે.વતનના રસ્તાઓ અને શેરીઓમાં રમતા મૂકી દે છે.પરદેશના ફ્રીવે પર પૂરપાટ દોડતી કારમાં ગુજરાતી ગીતો ‘તારી વાંકીરે પાઘલડીનું …કે ગઝલ

‘દિવસો જુદાઈના જાય છે તે જશે ..સાંભળતા કેવો આહલાદ્ક અનુભવ થાય છે !

ભાષાએ માનવ સઁસ્કુતિના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.એક જમાનામાં ભારતમાં સઁસ્ફુત ભાષાનું ચલણ હતું. એને કારણે પાંચ હજાર વર્ષ પહેલાંના ઉત્તમ ધાર્મિક મહાકાવ્યોનો આપણને વારસો મળ્યો. પછી પ્રાકૃત અને પ્રાદેશિક ભાષાઓ વિકસી.ગુજરાતી ભાષા મધ્યકાલીન યુગમાં ચારસો વર્ષ પહેલાં આપણા ભક્ત કવિઓ નરસિંહ ,મીરાં વગેરે દ્રારા પલોટાઇ અને વિકસી.આપણને ‘જે ગમે જગદીશને .કે રામ રતન ધન પાયો ‘જેવાં અમર ભજનોનો વારસો મળ્યો.200 વર્ષ પહેલાં નર્મદ ,દલપતરામ જેવા કવિઓએ અર્વાચીન ગુજરાતીભાષાને

ખોળે માથું મૂકી સેવા કરી.ત્યારપછી પંડિતયુગ,ગાંધીયુગ અને આધુનિકતાના આંગણે ગુજરાતીભાષા વિકસી રહી છે.આપણી માતુભાષાના મૂળ ઘણા ઊંડા છે.ગમે તેટલા તોફાનો આવે વટવૃક્ષ ટકી રહે છે.

કવિ યજ્ઞેશ દવે કહે છે:

‘ભાષા એ માત્ર માતા નથી

માતા તો છે જ-જન્મ આપતી ,ધવરાવતી,ખવરાવતી,નવરાવતી ,ઊછેરતી

તો ય ભાષા એ માત્ર માતા નથી

એ છે પિતા ,જે છૂટ આપે છે

મિત્ર છે,જે સાથે ચાલે છે…’

ભાષા વહેતી નદી છે જે વહેતા જીવનની સાથે હાથમાં હાથ પરોવી ચાલે છે.મારાં ગામના તળાવોંમાં લીલ અને સેવાળ થઈ ગઈ છે ,સૂકાઈને જમીનમાં તિરાડો પડી છે.કારણ કે તળાવનુ પાણી પાળીઓથી બન્ધાયેલુ છે.

  મારી માતુભાષા ગુજરાતી મારી સાથે ઊડીને અમેરિકા આવી છે.કુટુંબમાં ,મિત્રોમાં ,સન્સ્થાઓમાં,મહેફિલોમાં ,બેઠકમાં ટહુકામાં વિચરે છે.સ્ટેજ પર નાટકો ભજવે છે દાંડિયા -રાસ ગાય છે,મંદિરોમાં કથા ,ભજનો અને આરતી ગાય છે.’હાય ,બાય ની સાથે જે શ્રી કૃષ્ણ અને જય જિનેદ્ર કરે છે.અંગ્રેજીભાષા સાથે એની મૈત્રી પુરાણી છે.વહેતી નદી અનેક શહેરો ,ગામોને જીવતદાન આપતી ,ક્યારેક ફ્નટાતી ,વળાંક લેતી,કચરાથી પ્રદૂષિત થતી પણ વહ્યા કરે છે.

માતાના ગર્ભમાં ટમટમતી શિશુની આંખમાં અંજાયેલી માતુભાષા આપણને મળેલું સદભાગ્ય છે,વિશ્વમાં જ્યાં ગાંધીજીની પ્રતિષ્ઠા ત્યાં ગુજરાતીનો જય.’એ તો ગુજરાતનો તપસ્વી,મહાત્મા મોહનદાસ ગાંધી. તનમન હદયથી દેશને ચાહનાર ગાંધીજીએ માતુભાષા ગુજરાતીનું ગૌરવ કરી તેને તેજવંતી અને બલવંતી કરી છે.ગુજરાતીમાં બોલવું ,લખવું ,સર્જન કરવું ,ગીતો ગાવાનો આનન્દ અનેરો છે, તેમાંય ગરબૅ ધુમતી ગુજરાતણ જુઓ :

 ‘ચોળી ,ચણીયો,પાટલીનો ધેર ,સેંથલે સાળુની સોનલ સેર….

અંગ આખે યે નિજ અલબેલ

સાળુમાં ઢાંકતી રૂપની વેલ ‘

  પરદેશમાં વસતી  વડીલ ગુજરાતી  પેઢીનો અમૂલ્ય ખજાનો તેમની માતુભાષા છે:

‘જે ખર્ચે ન ખૂટે ,બાંકો ચોર ન લૂંટે,’

આવનાર પેઢી થોડાક ગુજરાતી વાક્યો,શબ્દો,કે ગીતની એકાદ કડીને પોતાના મનની  દાબલીમાં બીયાંની જેમ સાચવે અને દાબલી ક્યારેક ખોલી બીયાંને રોપી જલ સિંચન કરવાની શક્યતા ગુગલ જેવી સર્ચસાઇટમાં દેખાય.ગુજરાતીનો મહિમા ગાવાથી નહિ વ્યવહારમાં તેના ચલણ દ્રારા જીવંત રહેશે.એક દિવસની ઉજવણી ખરી પણ હરપલની જીભની ભાષા બને તેવી શુભભાવના સાથે વિરમું છું.

જય ગુર્જરી ગિરા

તરુલતા મહેતા 20મી ફેબ્રુ.2017

(ગુગલ પર ઇન્ટર નેશનલ મધર લેન્વેજ ડે માટેની માહિતી છે.1999માં UNESCO  દ્રારા 21મી ફેબ્રુઆરી વિશ્વ માતુભાષા દિવસ તરીકે જાહેર થયો છે.)