૧૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

મન હોય તો માળવે જવાય

માળવે જવા માટે મન જરૂરી છે પણ મન છે શું? મન કેવું હોવું જોઈએ? મનનું સ્વરૂપ અલૌકિક છે. તેનું ભૌતિક સ્વરૂપ હોતું નથી. મનની ગતિ વાયુથી પણ વિશેષ હોય છે. યોગશાસ્ત્રમાં મનને ચિત્ત કહેલ છે. મન એવી ઈંદ્રિય છે કે જે શરીરની બીજી ઈંદ્રિયોને તેમનાં કાર્ય, તેમની ફરજો કરવાની પ્રેરણા આપે છે. બૌધ્ધ ધર્મ તેને છઠ્ઠી ઈંદ્રિય કહે છે. યોગ દ્વારા તેને જાગૃત કરી શકાય છે. મન એટલે મતિ, મનસ્વિતા, મનોબળ. મનની એકાગ્રતામાં વિલક્ષણ શક્તિ હોય છે. ઐતિહાસિક પાત્ર એકલવ્ય, મનની એકાગ્રતાને કારણે ધનુર્વિદ્યા શીખ્યો હતો. મનનાં ત્રણ મૂલભૂત કાર્યો હોય છે. વિચારવું, અનુભવવું, ઈચ્છા કરવી. આજનો માનવ સમુદ્ર કે આકાશને આંબી શક્યો છે પરંતુ તે એકમેકનાં મન સુધી પહોંચી શક્યો નથી. મન વિષે ઘણું લખાયું છે છતાં માનવ તેને સમજી શક્યો નથી.

કબીરજી કહે છે, “મન મર્કટ મન ચાતુરી, મન રાજા મન રંક”. મન ચંચલ છે માટે તેને મર્કટની ઉપમા આપવામાં આવી છે, જયાં વિચારોનું ઘોડાપૂર ચાલતું જ રહે છે. તેને કાબુમાં રાખવું જોઈએ નહીતર મોટી હોનારત સરજાઈ શકે. શરીર રથ છે. આત્મા રથનો માલિક છે. ઈન્દ્રિયો ઘોડા છે. મન લગામ છે. ઘોડાઓને સંયમની લગામથી કાબૂમાં રાખવાથી શરીરરૂપી રથ સીધો ચાલે છે. માનસિક સ્થિરતા કરતા જીવનમાં કંઈ અગત્યનું નથી. મન જો અસ્થિર થાય તો ગમે તેવો મોટો માણસ ઝીરો થઈ જાય છે. તે ધાર્યું કરી શકતો નથી. મનને ખાલી કરીને માંજતા શીખવું જોઈએ. કચરો આંતરડાંનો હોય કે મનનો, આપણે એને સહેલાઈથી છોડતા નથી. “મન દુરસ્ત તો તન તંદુરસ્ત.” શારીરિક ઉપવાસની આપણને આવશ્યકતા હોય છે તેવી જ રીતે રોજ થોડી મિનિટો માટે માનસિક ઉપવાસ એટલેકે ધ્યાન પણ કરવું જોઈએ.

મનને કેળવવું રહ્યું. મનની સંવેદનશક્તિ, જાગૃતતા, બુદ્ધિનો આધાર મનની કલ્પનાશક્તિ પર છે. મનને સકારાત્મક બનાવવા માટે “થ્રી ઈડીયટ્સ”નો “all is well” મંત્ર અપનાવવો જોઈએ.પોતાની જાતને પ્રેમ કરો, જાતમાં વિશ્વાસ કરો, જાતને માફ કરો અને પોઝીટીવ સજેશન્સ આપો, જેનાથી હોરમોનલ ચેઈન્જ આવે અને મન તમારું ગુલામ બનીને તમારું ધાર્યું કામ કરી શકે. સુખી થવા માટે મનના અવરોધો દૂર કરવા જરૂરી છે. મનની મોસમમાં હંમેશ વસંત હોવી જોઈએ.

આપણા મન બે પ્રકારના હોય છે. જાગૃત મન અને અર્ધજાગૃત મન. જાગૃત મન પાસે બુધ્ધિ અને તર્ક હોય છે. અર્ધજાગૃત મન પાસે અનલીમીટેડ શક્તિ હોય છે. મનને જરૂરી દિશામાં વાળવા માટે હિપ્નોટીઝમની તરકીબ ખૂબ અસરકારક હોય છે, જે ભલભલાનાં માનસને કન્ટ્રોલમાં લઈ લે છે. ટેલીપથી પણ શુદ્ધ અને મક્કમ મનથી શક્ય બને  છે. પરિણામે આંતરમનમાંથી આંતરસ્ફુરણા પ્રગટતી હોય છે જેમાં અદ્રશ્ય સહાયકો મદદ કરતા હોય છે.

માણસ મનથી વિકલાંગ હોય છે. ઇચ્છાશક્તિ માણસને ધરાથી ગગન સુધી પહોંચવા સક્ષમ બનાવે છે. “મન હોય તો માળવે જવાય.” હિમાલય જેવી સમસ્યાઓ મક્કમ મનવાળી વ્યક્તિઓ ચમત્કારીક રીતે સુલઝાવે છે. હકારાત્મક મન આગળ ઈશ્વરને પણ ઝૂકવું પડે છે. નકારાત્મકતાની ઉધઈ માણસના મનને કોરી ખાઈને જીવનને ખોખલું બનાવી દે છે. કેન્સર જેવી બીમારી પણ મક્કમ મનવાળા રોગી દૂર કરી શકે છે.

મનને રવઈ સાથે સરખાવવામાં આવે છે. મનને મથે તે મન્મથ. એક વાર જો મન્મથનું વિચારવલોણું ફરી વળે અને હકારાત્મક હોય તો સારું માખણ મળે પરંતુ નકારાત્મક હોય તો તે વિષ બરાબર ગણાય. જેમ વલોણું દહીંને મથી નાંખે તેમ મન પણ તન, બુધ્ધિ, આત્માને મથી નાંખે છે. મન: એવ મનુષ્યાણામ્કારણમ્બંધ મોક્ષયો:” મન તો મોક્ષે લઈ જનાર નાવડું છે. મનને અને  ચંદ્રને સીધો સંબંધ છે. મનુષ્યની વૃત્તિઓ પર, જે રીતે તે કાર્ય કરે છે તે ક્રિયાઓની પાછળ ચોક્કસ કારણો હોય છે. ક્યારેક એવું બને છે કેમન કહે હું માળિયે બેસું ને કરમ કહે હું કોઠીમાં બેસું“. કોઈપણ રોગ આવતા પહેલા મનોમય શરીર બગડે છે. મન જે જે વિચારે છે, તે તરંગોની અસર તે સમયે શરીર પર થવી શરુ થાય છે. માટે શરીરમાં ગ્રંથિઓની ગાંઠો ના વળે તે માટે સજાગ રહેવું જોઈએ. માટે સત્સંગ, ઉપવાસ, મૌન, ધ્યાન વગેરે કરીનેશરીરને અને મનને શુદ્ધ કરીને તમે ધારેલું કરીને અંતરાત્માનો અવાજ સાંભળી શકો છો.

મનનો પટારો પણ અતિ વિશાળ હોય છે. તેમાં ભૂતકાળની યાદો, ફરિયાદો, ભવિષ્યનાં સપના,લાગણીઓ ઢબૂરાઈને પડી હોય છે. તે અંદર રહીને મલકે છે તો ક્યારેક છલકાઈને રડે છે તો ક્યારેક હસે છે. જીવનની નાની પળો મનના પટારામાં સંઘરાયેલી હોય છે. કોઈ પોતાનું હમસફર, સમદુ:ખીયા કે સહભાગી મળી જાય ત્યારે મનને ખોલવાનું મન થઈ આવે છે, મન ભરાઈ જાય છે, મન મૂકીને પળોને વાગોળવાનું મન થઈ આવે છે. મન માઝા મૂકે છે. મનનો મોરલો નાચી ઉઠે છે અને એમાંય મનનો માણીગર મળી જાય તો પરિતૃપ્તિના આનંદથી મન તૃપ્ત થાય છે. અને માળવે જવાનું મન થાય છે. મનને ઘણું બધું કરવું હોય છે ત્યારે ગૌરાંગ ઠાકોરની રચના યાદ આવે છે,

આ જગતને ચાહવાનું મન થયું,

લ્યો મને માણસ થવાનું મન થયું.

એક કૂંપળ ફૂટતી જોયા પછી,

ભીંત તોડી નાંખવાનું મન થયું.

આ તરસ સૂરજની છે કહેવાય ના,

અમને નદીઓ ઢાંકવાનું મન થયું.

જાળ ને જળ એક સરખાં લાગતાં,

માછલીને ઊડવાનું મન થયું.

કોણ જાણે કોઇ રમત રમતાં હતાં,

બેઉ જણને હારવાનું મન થયું.

મન મુજબ જીવ્યા પછી એવું થયું,

મન વગરનાં થઇ જવાનું મન થયું.

અને……મન વગરનો  માનવ એટલે નિષ્પ્રાણ, જડ, શબવત! એક અંતિમ મહોરું, મન વગરનું!!!