મૌન
જો આપણે એવું વિચારતા હોઈએ કે “મૌન” શબ્દકોશમાંનો એક શબ્દ છે. તો આપણી સમજ હજી પણ અધૂરી જ છે. “મૌન” તો એક ભાષા છે. આ ભાષામાં કોઈ શબ્દો નથી છતાં પણ એ સચોટ રીતે અભિવ્યક્ત કરી શકે છે. કોઈ પણ કવિ પોતાની કવિતા ભલે ગમે તે ભાષામાં કલમથી લખે પણ સૌથી પહેલાં તે કવિતા કે લેખની ઉત્પત્તિ મૌનમાં જ થતી હોય છે અને એ જ મૌનને કાળા, ભૂરા કે લાલ રંગથી આકાર મળે છે.
કોઈ પણ લેખક એની માનસ સપાટી ઉપર એનાં વિચારોની મૌનથી કોતરણી કરે તો તે કાવ્યો, તેનાં વિચારો જગતભરમાં ગૂંજે છે. કોઈ સચોટ આધ્યાત્મિક કે પ્રેરણાત્મય વક્તા પોતાનાં વક્તવ્ય પહેલાં પોતાનાં મૌનને સાંભળે તો એના એક-એક વાક્યથી શ્રોતાઓને પારદર્શક દિશા દર્શન મળે. જો કોઈ ગાયક પોતાનાં મધુર કંઠે નીકળતા સૂરો પહેલાં મૌનનો રિયાઝ કરે તો તેનાં સૂરોને અવિરત વેગ મળે. મૌનની ભાષા કાનથી સંભળાતી નથી, તે કંઈ આંખથી જોવાતી પણ નથી. તે તો આપણાં રુંવાટાથી જ અનુભવાય છે.
શબ્દથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થઇ શકે પરંતુ મૌનથી તે સમસ્યાઓનું નિરાકરણ અને ઉકેલ આવી જાય છે. મૌનમાં અદ્રશ્ય તાકાત સમાયેલી છે. ધ્યાન માત્ર આંતરિક કોલાહલને શાંત પાડે છે. પણ મૌન આંતરિકથી બાહ્ય શાંતિ સ્થાપે તે વર્તુળ છે. મૌન એ આપણી એવી મિલકત છે જે આપણી પાસેથી કોઈ છીનવી નહિ શકે.
હમણાં થોડા દિવસો પહેલાં મારાથી બેવડી ઉંમરના મારા એક વિદ્યાર્થીએ મને પૂછ્યું, “કે સાહેબ તમે તો સંગીતના માણસ અને ઉપરથી કવિતાઓ પણ લખો એટલે તમને “પ્રેમ”ની વ્યાખ્યા તો ખબર જ હોય ને! તમારા મતે “પ્રેમ” એટલે શું?” મારાં માટે જવાબ આપવો અઘરો હતો કેમકે તે અંકલ પણ સારું એવું લખે છે. એટલે એમની પાસે પણ તર્ક અને દલીલ બંને ભારોભાર હોવાનો મને પરચો છે. છતાંય મારા ઉત્તરને તેમણે બાથ ભરીને સ્વીકાર્યો. મેં તેમને કહ્યું,”અંકલ, જો કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રેમિકા, પત્ની કે તેના કોઈ પણ પ્રિયજનના ના બોલાયેલા શબ્દો પણ સાંભળી શકે તે જ “પ્રેમ”. કેટલી સાચી વાત છે. ઈશ્વર પણ આપણી સાથે મૌન વહેવાર જ રાખે છે ને! છતાં પણ આપણને તેમનાં પર અતૂટ શ્રધ્ધા છે.
મને તો એવું લાગે છે કે હવેથી મારે “મૌન”ની પણ ૧૦૮ મણકાવાળી માળા ફેરવવાનું ચાલું કરી દેવું જોઈએ.
-મૌલિક વિચાર