૧૦-કબીરા

                       ક્બીરો મારો નિર્ભય 
આદિકાળ સાથે જન્મ આપણા સાથે સંકળાયેલ છે અને જન્મ સાથે મૃત્યુ….અને જીવન સાથે વિસ્મય,અભિપ્રાય અને ભય સંકળાયેલા હોય છે, તો ઘણીવાર પ્રશ્ન થાય ,આ જીવન પાર સહજ કેવી રીતે કરી શકાય? આ મૃત્યુનો ભય તો સુખેથી જીવવા પણ નથી દેતો . આ ભય, સમય અને માણસ બન્નેને ખાઈ જાય છે ત્યારે હું જવાબ શોધવા કબીરા તરફ વળું છુ.આ કબીરની જેમ બેફિકર અને નિર્ભય કઈ રીતે રહેવાય ? 
          કબીરા ઓ કબીરા -આ મૃત્યુ મને સમજાતું નથી.જેની સાથે દિવસ રાત વિતાવ્યા હોય ,આખું જીવન જેમની આસપાસ વિતાવ્યું હોય. કેટલી મહેનતે ઘર વસાવ્યું હોય અને બસ આમ જ એક દિવસ બધું છોડીને ચાલ્યા જવાનું……ઘરને ઉંબરેથી નીકળેલો માણસ સાંજે હેમખેમ ઘેર પહોંચશે કે નહિ ? તે આપણને અચાનક છોડીને ચાલી જાય તે કેવીરીતે સહેવાય? મૃત્યુના ભયનો અતિરેક મુંઝવે  છે મને અને હું કબીરના દોહાનું પુસ્તક ખોલું છુ.અને સામે જ પાનામાં દેખાય છે આ દોહો 
“અનજાને કો સરગ નરક હૈ,હરી જાને કો નાહી,
જે હી ભવ લોગ ડરત હૈ,સો ડર હમરે નાહી.”
         “સો ડર હમરે નાહી” આમ કહેવાથી થોડું નિર્ભય થવાય છે? મારે કબીરની વિચારધારાને જો મારા ગર્ભમાં રોપી ઉછેરવી હોય તો પણ પહેલા આ નિર્ભયતાને અપનાવવી પડશે..આ દુનિયા તો મેળો છે.એમાં જાતજાતનાં અને ભાતભાતનાં લોકોને મળવાનું થાય છે ત્યારે સજાગતા સાથે પોતાની મસ્તીમાં મસ્ત રહેતા શીખી કબીરની જેમ વેળાસર નિર્ભય થવું પડશે.કબીરના દોહા સામાન્ય દેખાય છે.પણ તેના તત્વને પકડીએ તો આપણે પણ કબીરની જેમ ગાઈ ઊઠેએ કે ..
“કોઈ નહી અપના સમઝ મના,ધન દોલત તેરા માલ ખજીના,
દો દિનકા સપના સમઝ મના,નંગા આના ,નંગા જાના,
નહી કપડાં રખના સમઝ મના,ભ્રુકૃટીમેંસે જાન નિકલ ગઈ,
મુંહ પર ડાલા ઢકના……કહે કબીરા સુન મેરે સાધો
  વો હી હૈ ઘર અપના…..”
          કબીર બધી વસ્તુ કેટલી સરળ રીતે ઉઘાડેછોગ મૂકી આપી સત્યને પ્રગટ કરે  છે.વાત એની સરળ છે કે સ્થૂળ ચક્ષુ વસ્તુને વસ્તુ રૂપે જુએ છે. અને આ અભિપ્રાય થકી જ ભય ઉત્પન્ન થાય છે.જે મારું નથી તે મારું ક્યાંથી હોય ?પોતાના મન સાથે વાત કરતા કબીર પોતાને જ ટોકે છે.ત્યારે મને પ્રશ્ન થાય છે કે શું કબીર પોતાને ટોકી ટોકીને નિર્ભય થયા હશે ?કબીરને સંત તરીકે ન લઈએ અને એની નિર્ભયતાને વિચારધારા તરીકે અપનાવીએ તો પણ આવા વિચારોને આપણામાં પોસવા આપણે આપણી જાતને ટોકવી પડે !
          મને કબીરો ગમે છે કારણ એ મારા તમારા જેવો માણસ છે.અને છતાં એ પાણીના વહેણની જેમ સહજ કઈ રીતે જીવે છે ? કશી અપેક્ષા વગરના તમારી પાસે બધું છે તે તમારું નથી તમે માત્ર તેના રખેવાળ છો તેવા સાક્ષીભાવ સાથે કઈ રીતે રહેવાય?  આ આજની પેઢીને પ્રશ્ન  થાય એ સ્વભાવિક છે.તેનો જવાબ પણ કબીર પાસે છે.
      “ઇસ તનધન કી કૌન બડાઈ”ગાનાર કબીર ઘૂંટીઘૂંટીને પોતાને જ કહે છે.આ દોહાના  અને કોઈ પણ ધર્મના અર્થ આવા સીધાસાદા કાઢીએ તો ..”કશું કાયમ ટકતું નથી, કશુંય શાશ્વત નથી, કશુંય કાયમ માટે તમારી પાસે રહેવાનું નથી. આપણું પાંચ તત્ત્વનું બનેલું ખોળિયું; એ પણ ક્ષણભંગુર છે. તો આ ક્ષણભંગુરનું મમત્વ અને મહત્ત્વ શા માટે?”
        કબીરને પણ આપણી જેમ નવાઈ લાગે છે, અચરજ થાય છે, અચંબો થાય છે અને આજ અચરજ એને આત્માની સભાનતા તરફ દોરી જાય છે.તમને મળેલા જીવનને ભયથી વેડફી નાખો તો વાંક કોનો છે ? 
કબીર પોતાને પ્રશ્ન કરે છે અને પછી પોતા ઉપર હસે છે.પોતાની અજ્ઞાનતા ઉપર આપણે હસી પણ ક્યાં શકીએ છીએ ?મને કબીરામાં સદાય જ્ઞાન ભક્તિનો સમન્વય દેખાયો છે..હું એને પ્રશ્ન કરું તો એ ભક્તિરૂપી દોહામાં એના જવાબ પીરસે છે.એના દોહા એટલે ઘૂંટાયેલી અનુભૂતિ.બીજી તરફ કવિ તરીકે કબીરને પોખીએ તો દોહાની બે પંક્તિમાં સમગ્ર અનુભૂતિવિશ્વ કબીર સમાવી શકે છે.સમજણ તો આપણે અર્થ તારવીને ઉત્પન્ન કરવાની છે.મને કબીરની રીત ગમે છે.એ પોતાને ટોકીને પોતાને સુધારે છે.કોઈ તમને ટોકે એ ગમે ખરું? પણ તમે જ તમારી જાતને ટોકીને અનુભવથી જ્ઞાન કેળવો તો ?
      હું પણ કબીરની વિચારધારાને જયારે મારામાં રોપું છું ત્યારે એને પોષવા મારે અનુભૂતિનું ખાતર નાખવું રહ્યું.મને કબીર ની નિર્ભયતા જોઈએ છે.  જે થતું હોય તે થવા કેવી રીતે દેવું. કશામાં દખલ કરવી નહિ. શું આ શક્ય છે ખરું ?કબીર વિચારધારા તો આપણને વિચારવા મજબૂર કરે છે.
       “તારું પોતાનું મન શાંત હોય તો,આ જગતમાં કોઈ દુશ્મન છે જ નહી. પોતાનો મિથ્યા અહંકાર ફેંકી દે અને ખોટા અભિપ્રાય થી બહાર નીકળ અને તારા આત્માને ઓળખ. શરીર અને આત્મા જુદા છે. આત્મા પરમાત્માનો અંશ છે તેનો અનુભવ એકવાર થશે પછી મૃત્યુનો ભય નહી રહે તું  મૃત્યને પણ સહજ સ્વીકારીશ.
        “ એકવાર યોગગુરુ બાબા ગોરખનાથ કબીરને પૂછે છે” કબીર તુમ કબસે ભયે બૈરાગી? તુમ્હારી સુરતી કહાઁ કો લાગી?”તો કબીર કહે છે”મૈં ચિત્રા કા મેલા નાહી,નાહી ગુરુ નાહી ચેલા,સકલ પસારા જિન દિન નાહી,જિન દિન પુરુષ અકેલા,ગોરખ હમ તબકે હૈ બૈરાગી.હમારી પ્રીતિ બ્રહ્મા સો લાગી,હમારી સુરતી બ્રહ્મા સો લાગી.”  આમ જેની સુરતી ને પ્રિતી પરમ સાથે જોડાએલ હોય તેને મૃત્યુનો ડર ક્યાંથી હોય ! હું તો પંદરમી સદીમાં થઈ ગએલ કબીરને શોધી રહી હતી કે જેના ગીત દેશ-વિદેશના દરેક ખૂણામાં ગુંજી રહ્યા છે.મને પણ જાણે કબીરો કહી રહ્યો છે ‘ચલો હમારે દેશ ‘.
       આજે અને આવતી કાલે આપણે કદાચ કબીરને સંત અને મહાત્મા તરીકે ન સ્વીકારીએ તો પણ આજની પેઢી એની વિચારધારાને જો અપનાવે તો કબીર સૌમાં જીવશે જ.બાહ્ય વિજ્ઞાનની શોધો કરી માણસ જયારે થાકશે ત્યારે બહારની દુનિયામાંથી નીકળીને ભીતરમાં એની ખોજ શરુકરશે ત્યારે કબીરો ફરી જીવીત થશે, સમય માણસને ખાઈ શકે છે પણ સારા સાત્વિક વિચારો ક્યારેય નાશ પામતા નથી હું પણ કબીરાને એક કોન્સેપ્ટ તરીકે મારા જીવનમાં સ્વીકારું છું. 
             “સ્વવશતા”નો સંત કબીરનો સિદ્ધાંત તો એવો અનોખો છે કે જે કદાચ વાચકોએ ભાગ્યે જ જાણ્યો હશે જેની વાત આવતા અંકે કરીશું 

 

-જિગીષા પટેલ

 

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 09 : નયનાબેન પટેલ

મિત્રો, આજનું વાચિકમ્ ‘પીળાં આંસુની પોટલી’ પ્રસ્તુત છે.

ખુલ્લી બારીએથી -રમેશ પારેખ-વાચક-રશ્મિ જાગીરદાર

રમેશ પારેખ 
કવિ સુરેશ દલાલના બે જ વાક્યોમાં, “સર્જકતાથી ફાટફાટ થતો કવિ એટલે રમેશ પારેખ.ગુજરાતી નવી કવિતા પર છવાઈ ગયેલો કવિ.
આપણા સાહિત્ય પ્રત્યે આપણ સૌની એક ખાસ ફરજ છે કે, થઇ ગયેલા  કવિઓ, લેખકો, ગઝલકારો કોઈ પણ ભુલાઈ ન જાય. આપણે એમને એમના શબ્દ દેહે હંમેશા તાદ્રશ રાખીએ. આપણી ભાષા એવા કેટલાયે કવિઓને પામીને ધન્ય થઈ ગઈ છે અને એમાં પણ એક છ અક્ષર નું નામ, જે આપણી ભાષા સાથે જ, ભાષા થકી અમર થઇ ગયું, તે રમેશ પારેખ. અને  છતાં, એવું ઘણું છે જે આપણે એમના વિષે ના જાણતા હોઈએ. અધધધ કહેવાય એટલું!
રમેશ પારેખ 1970 માં પોતાનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ક્યાં’ લઈને ઉપસ્થિત થયા ત્યારે નામાંકિત કવિઓ શ્રી ઉમાશંકર જોશી, સુન્દરમ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત વિગેરેથી ગુજરાતી ભાષા ધબકતી હતી. સાથે સાથે બાળમુકુંદ દવે, પ્રિયકાન્ત મણિયાર વિગેરે પણ સાહિત્યના ફલક પાર છવાયેલા હતા. તો વળી ગઝલ લઈને ‘ઘાયલ’, ‘ગની’ , ‘બેફામ’ ‘શૂન્ય’, ‘મરીઝ’ મુશાયરાઓની શાન હતાં. જયારે લાભશંકર ઠાકર, ચિનુ મોદી, સિતાંશુ યશશ્ચંદ્ર , શેખાદમ જેવા કવિઓ ગુજરાતી કવિતાની આબોહવા સમૂળગી બદલવા સક્રિય હતા. આ અરસામાં રમેશ પારેખના આગમન સામે મોટી ચુનોતીઓ હોવા છતાં તેઓશ્રીની કવિતામાં રહેલો આગવો આવેગ, હકીકતથી રંગાયેલો નવોન્મેષ, તાજગી અને નવીનતમ અભિવ્યક્તિ તેમના ગીત અને ગઝલને પારંપરિક પરિવેશથી દૂર કરીને નવા જ પરિમાણ અને અદકેરા રણકાર સાથે ગુજરાતી ભાષામાં અનંતનું સ્થાન અપાવી ગયા. 
રમેશ પારેખનો અવાજ એટલે નગ્ન હકીકતનો એક સચોટ રણકો, જે ધ્યાન દઈને સાંભળવો જ પડે. મનુષ્યના આંતરિક ભાવાવેગને, સંવેદનાઓને અને એના લીધે થતી ઝીણી ઝીણી હલચલને કવિએ કેટલી બારીકાઈથી કંડારી છે તે તો જુઓ! 
    ‘લાવો લાવો કાગળિયાનો દોત, સોનલદેને લખીએ રે 
    ‘કૈં ટેરવામાં તલપે કપોત, સોનલદેને લખીએ રે’ 
અહીં ‘ટેરવામાં તલપે કપોત’ માં ગુજરાતી કાવ્યની સૂક્ષ્મ સંવેદન પ્રાપ્તિની અભિવ્યક્તિ, કવિના પોતીકા અને અલગ અંદાજની ઝલક આપે છે.
રમેશ પારેખની એક ખાસિયત એ પણ છે કે પ્રણય હોય, પ્રકૃતિ હોય કે આધ્યાત્મ હોય, કે પછી, સંસ્કૃતિ-ચિંતન; એમની અભિવ્યક્તિ એ દરેક વિષયવસ્તુમાં વિદ્યુત-ગતિએ વિહાર કરે છે અને એમાંથી નીપજે છે ભાષાની વિધ-વિધ રમણા. આ કવિની કવિતાને કોઈ ઢાંચામાં ઢાળવી એટલે સૂરજને એક દાબડીમાં બંધ કરવો! 
‘વૃક્ષો પર ઢોળાતા નભના  છાંયે જંગલ જંપ્યા 
ખુલ્યા ગંધના નેણ , હવાના ઝાંઝર કંઈ જ્યાં કંપ્યા’  
ગીત-કવિતા હોય કે ગઝલ, ર.પા. જે વિષયને સ્પર્શે એને સજીવ કરવાની જડીબુટી તેમના જહનમાં હતી.
એકાદ દસકા પછી 1980 માં કવિના બે કાવ્ય સંગ્રહ ‘ખડિંગ’ અને ‘ત્વ’ પ્રગટ થયા, જેમાં પણ અનન્ય  અભિવ્યક્તિ અને લયનો જાદુઈ આવેગ અકબંધ હતો. એક ઘટના કે પ્રસંગના અંતર્જગતમાં પ્રવેશીને એની ધરોહરનો તાગ મેળવવાના પ્રયત્નમાંથી જન્મે છે, એક નવો આવિષ્કાર એક નવી દિશા તરફના મંડાણ, નવી રીતે લયના  પ્રયોજનો, કલ્પન-પ્રતિકના નિયોજનો, અને અભિવ્યક્તિની એક નાવિન્યસભર છટા!
ર. પા.ના દ્રષ્ટિકોણને છાજે તેવા એમની કવિતાઓના વિષયો પણ વિશેષ અને ક્યારેક અસામાન્ય અથવા આંચકો આપે તેવા. વળી નામ પણ કેવા! ‘ ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ’. ‘ 99 વર્ષના રાજપૂતનું ઊર્મિગીત’, ‘જન્મટીપના કેદીનું (વરસાદી) ગીત’, ’પત્તર ના ખાંડવાની પ્રાર્થના’ આ બધા અને આવા અનેક કાવ્યોમાં ર.પા. પહેલા ક્યારેય ના સાંભળ્યા હોય એવા ગીત-પરિવેશ અને લય-આંદોલનો આપે છે. 1981માં તેમનો અછાંદસ કાવ્યોનો ‘સનનન’ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. છાંદસ કવિતાઓ ના સંગ્રહ ‘ખમ્મા આલા બાપુને’ (1985)’ કાવ્ય સંગ્રહમાં ખૂબ જ નજીકથી નિહાળેલા નિરીક્ષણો દ્વારા ઉપહાસમય કથાઘટકોનું  ચિત્રણ છે. જયારે ‘ મીરા સામે પાર’ (1986) માં સચોટ અનુભૂતિ વિશ્વમાંથી જન્મેલી સગુણ-નિર્ગુણની દ્વિરંગી આત્મ-અનુભૂતિ છે.
રમેશ પારેખ વિષે લખતાં લખતાં કાગળ, શાહી અને આપણી લેખનશક્તિ પણ ઓછી પડે એવું વિરાટ એમનું કાવ્ય કવન છે. તેમણે 60 વર્ષની આયુમાં 61 હાઈકુ લખ્યાં. 2002 માં ‘સ્વગત પર્વ’ એમનો છેલ્લો કાવ્ય સંગ્રહ જે એમની હયાતીમાં પ્રગટ થયો. કવિ નો મરણોત્તર અને અંતિમ સંગ્રહ હતો ‘કાળ સાચવે પગલાં’…કેટલું સચોટ નામ! ર. પા. નું ટૂંકું 6 અક્ષરનું નામ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં અનંત કાળ સુધી સચવાઈ ગયું છે. 
લગભગ ચાર દાયકાની સર્જન યાત્રા દરમિયાન તેમણે વાર્તાઓ, નિબંધો, નાટકો અને બાળ-કાવ્યો પણ રચ્યાં છે પણ એમની ગુજરાતી કવિતાનું અતિ વિશેષ સર્જન એમને ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના કવિઓ માં સ્થાન અપાવી ગયું.
ર.પા. ને ગીત જેટલી જ પ્રીતિ ગઝલ પ્રત્યે પણ હતી. તેઓશ્રી એ 1989માં  ઘાયલની ગઝલોનું સંપાદન ‘આ પડખું ફર્યો, લે’ પ્રકાશિત કર્યું. એમના સંગ્રહ ‘ખડિંગ’ની શરૂઆત જ 35 ગઝલથી થાય છે. એમના બીજા સંગ્રહ ‘વિતાન સુદ બીજ’ માં પણ 58 જેટલી ગઝલો છે. આ ગઝલો વાંચતા જ લાગે કે, કવિ સર્જકતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન છે. 1999 માં પોતાની ગઝલોની સંગ્રહ ‘ચશ્માના કાચ પર’ પ્રકાશિત થયો. તેમને સવા ત્રણસો જેટલી ગઝલો લખી છે અને એમાં પણ એમના ગીતોની જેમ જ ‘રમેશાઈ’ કે ‘રમેશ પણું’ છલકાઈ આવે છે. જુઓ!
    ‘થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
    તું એને ધાર કાઢીને પાછો ન  મોકલાવ’
     ‘બહાર ઉભા હોત તો તસ્વીરની ચર્ચા કરત 
    અમે ઉભા છીએ તસ્વીરમાં, શું બોલીએ?’ 
રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિ કે જે ગુજરાતી સાહિત્યમાં ખુદ એક ઘટનારૂપ કવિ છે તેમના વિષે લખવું ઘણી મોટી વાત છે.  
ર.પા.ની સંરચનાઓની કે વિવિધ રચનાઓ દ્વારા કરેલી સન્નિષ્ટ સાહિત્ય સેવાનું સંકલન શ્રી સંજુ વાળા, અરવિંદ ભટ્ટ અને પ્રણવ પંડ્યાએ ‘મનપાંચમના મેળા માં’ ભાગ 1 થી 3 માં કર્યું છે જે દરેક કવિતા પ્રેમી ગુજરાતીએ અવશ્ય વાંચવા યોગ્ય છે. 
રશ્મિ જાગીરદાર 

સવિશેષ પરિચય સંકલન:
શ્રી રમેશ પારેખ નો જન્મ અમરેલીમાં.૧૯૪૦ ની સાલમાં થયો.તેમના કુટુંબમાં કોઈ સાહિત્યકાર થયેલા નથી.રમેશ પારેખે ‘કાન્ત’ના કાવ્યોથી પ્રભાવિત થઇ છંદના છંદે ચડ્યા.તેમણે ૧૯૫૮ મા જીલ્લા પંચાયતમાં  નોકરી સ્વીકારી.શરૂઆતમાં તેમણે ગદ્ય વધુ લખ્યું. ઈશ્વર પેટલીકર ની નવલકથા, ‘ તરણા ઓથે ડુંગર” એક મેગેઝીન મા વાંચીને ખુબ પ્રભાવિત થયા.ને તેમણે લખવા ની ઈચ્છા જોર કરી ગઈ.તેમણે”કાળું ગુલાબ’,’ગુલાબ નો છોડ’,અને ‘પ્રેત ની દુનિયા’લખ્યું.આમ લગભગ ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી.કવિતાઓ લખતા ખરા પણ બરાબર નથી એમ લાગતા છપાવવાનું માંડી વાળતા.૧૯૬૬/૬૭ મા અનીલ જોશી અમરેલી આવ્યાં અને તેમની મિત્રતા અને લખાણ બંનેમાં ચાર ચાંદ લાગ્યા.અનીલ જોશી ની પ્રેરણાથી તેમનું નવતર ‘કાવ્ય સર્જન’ શરુ થયું અને બસ,પછી તો ‘રમેશ પારેખ ની કલમ અવિરત ચાલી.
બાળસાહિત્યના ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમાં પણ તાજગી, નવીનતા અને સહજસિદ્ધ પ્રતિભાનાં દર્શન થાય છે,આ સાથે અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ. લોકગીતો-ભજનોને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદતાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે.તેમના ધોધમાર વરસતા સાહિત્ય સર્જનમાં વાચકો ખુબ આનંદ થી ભીંજાયા છે. 

વધુ માહિતી -https://gu.wikipedia.org/

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 10

                                                                              

ભર્તૃહરિ નીતિશતકના 24મા શ્લોકમાં કહે છે :
जयंति ते सुकृतिनो रससिद्धा: कवीश्वरा:
नास्ति  येषां यश: काये जरामरणजं भयं ।।
એટલે કે મહાન કવિઓ, જેમની કૃતિ રસપ્રચૂર હોય તેઓ હંમેશા લોકોનાં હૃદયમાં સ્થાન પામે છે. તેમના દેહવિલય બાદ પણ તેમની કીર્તિ અને યશ લોકોનાં મન અને હૃદયમાં કાયમ રહે છે. આ વાત મુનશીજીને પણ એટલી જ લાગુ પડે છે. ભલે તેઓ કવિ નથી પણ રસપ્રચુર સાહિત્યના રચયિતા છે.  આજે હું જે નવલકથાની વાત લઈને આવી છું એ ‘ગુજરાતનો નાથ’ પ્રગટ થયે લગભગ એક શતાબ્દી વીતી ગઈ. છતાં, આજે વાંચતાં એટલી જ રસપ્રદ લાગે છે. સર્જક અને સર્જન માટે તે એક બહુ મોટી સફળતા ગણી શકાય. મુનશી એવું કહે કે, નવલકથામાં બીજું કાંઈ હોય કે ન હોય પણ તેમાં રસ પડવો જોઇએ. રસ ન પડે તો એ નવલકથા નથી. ‘ગુજરાતનો  નાથ’ એવી એક ખૂબ જ રસપ્રદ નવલકથા છે. અને એટલે જ આપણે હજુ પણ તેને યાદ કરીએ છીએ.

મુનશીની પહેલી નવલકથા ‘વેરની વસુલાત’ અને બીજી ‘પાટણની પ્રભુતા’ બંનેમાં લેખક તરીકે ઘનશ્યામ વ્યાસનું નામ હતું. ‘ગુજરાતનો નાથ’ હપ્તાવાર ‘વીસમી સદી’ ગુજરાતી સામાયિકમાં  લખાવાની શરૂઆત થઈ ત્યારે તેમાં પણ ઘનશ્યામ વ્યાસનું નામ હતું પરંતુ એપ્રિલ ૧૯૧૮થી તેમનું સાચું નામ કનૈયાલાલ મુનશી એડવોકેટ તરીકે ‘ગુજરાતનો નાથ’ છપાવવાની શરૂ થઈ. એટલે કે, મુનશીનાં સાચાં નામે પહેલી નવલકથા જે પ્રગટ થઈ તે છે ‘ગુજરાતનો નાથ.’ 1919માં આ નવલકથા પ્રગટ થઈ ત્યારે કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા દોરેલાં 40 ચિત્રો તેમાં મૂકવામાં આવેલાં. કોઈપણ ગુજરાતી નવલકથામાં આટલાં ચિત્રો મૂકવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો જોકે પાછળથી એમાંથી થોડાં ચિત્રો દૂર કરવામાં આવ્યાં. તેની કિંમત હતી, ત્રણ રૂપિયા જે એ જમાનામાં ખૂબ જ મોંઘી ગણાતી.

‘ગુજરાતનો નાથ’ જ્યારે લખાઇ ત્યારે મુનશી મુંબઈમાં એક પ્રતિષ્ઠિત વકીલ બની ચૂક્યા હતા. તેઓ તેમનાં વકીલાતનાં કામમાં ગળાડૂબ હતા. આટલી વ્યસ્તતામાં ક્યારે આ નવલકથા લખી તે વિષે શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ જે લેખ લખ્યો છે તેમાંથી આપણને તેની માહિતી મળી શકે છે. ‘વીસમી સદી’ના સંપાદક જ્યારે મુનશી પાસે નવા અંક માટે નવલકથાના હપ્તાની ઉઘરાણી કરે ત્યારે મુનશી બ્રીફકેશ બાજુમાં મૂકીને ખૂબ જ સહજતાથી લખી આપે. એ તેમની તેજસ્વીતા અને કલમનો કસબ નહિ તો બીજું શું છે? આમ તો, વાર્તા અને પાત્રોની દૃષ્ટિએ જોઈએ તો ‘પાટણની પ્રભુતા’નાં અનુસંધાનમાં ‘ગુજરાતનો નાથ’ લખાયેલી છે છતાં એક સ્વતંત્ર નવલકથા તરીકે પણ તે એટલી જ રસપ્રદ છે. સાક્ષર શિરોમણિ નરસિંહરાવની કસોટીએ ચડીને પાર ઉતરેલી છે. મુનશીની વાર્તાકાર તરીકેની પ્રતિભાશક્તિ, કલાસામર્થ્ય અન્ય વાર્તાકારો કરતાં વિલક્ષણ છે. એક લક્ષણ એવું ધ્યાન ખેંચે છે કે વાચકને વૃત્તાંતના ઓઘમાં, રસપૂર્વક, વશે કે અવશે તણાવું જ પડે છે. તેમના વૃત્તાંતનો વેગ એટલો પ્રબળ હોય છે જેમાં વૃથા વર્ણનો, અનાવશ્યક પ્રસંગો કે પાંડિત્યદર્શક અપ્રસ્તુત ચર્ચાઓને કોઈ સ્થાન જ નથી. મુનશી હંમેશા ઔચિત્ય, સંયમ, વિરલતા અને સંતુલન સાચવે છે. એ તેમનો અદભુત ગુણ છે. વાચકવર્ગ પાસે સમય પણ નથી ને નકામા અસંબદ્ધ લખાણો ખમવાની શક્તિ પણ નથી. મુનશી આ વાત સારી રીતે જાણે છે એટલું જ નહિ પણ કલાના ખરા તત્વો પણ જાણે છે.

મુનશીનો બીજો ગુણ અને કળાનું સામર્થ્ય તે છે તેમનાં પાત્રોનું લક્ષણ બાંધવાની અને વિકસાવવાની અનેરી કળા, જે મુનશીની કૃતિઓને વાચકોમાં અતિપ્રિય બનાવે છે. મુનશીનું અસાધારણ સામર્થ્ય, કલા વિધાન, માનવલક્ષણ વિશે ઊંડી અન્વેષણશક્તિ તેમની કૃતિઓને અદકેરી ઊંચાઈ અર્પી વાચકોને મુગ્ધ કરે છે.

નશી કહે છે કે, અનેક ઐતિહાસિક પ્રસંગો અને કથાઓનું સંકલન કરીને આ વાર્તા લખી છે. અને ઐતિહાસિક તત્વ બને ત્યાં સુધી તેવું ને તેવું જ રાખ્યું છે. ચાર વિભાગમાં વહેંચાયેલી આ નવલકથા શરૂ થાય છે ત્યારે જયદેવ ઉંમરલાયક થઈ ગયો છે, મીનળદેવીનું જુવાનીનું જોશ ઊતરી ગયું હતું. મુંજાલ સાથેનો તેનો પ્રેમ અને સત્તાનો સંઘર્ષ શાંત થઈ ગયો છે. પરસ્પર સમાધાન અને સમજણ નો સેતુ રચાઈ ગયો છે. જયદેવ રાજા તો બન્યો છે પણ માત્ર નામનો. સત્તાનું સૂત્ર તો મુંજાલના હાથમાં છે. આથી, ક્યારેક જયદેવ અકળાય છે. એક તરફ માળવા તો બીજી તરફ જૂનાગઢનાં આક્રમણનો ભય સતાવી રહ્યો છે. તે વખતે ભરૂચથી ત્રિભુવનપાળનો સંદેશો લઈને તેનો ખાસ માણસ કાક પાટણ આવે છે. તે પણ પાટણની રાજરમતમાં જોડાઈ જાય છે. શરૂમાં તે જયદેવના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે પણ મુંજાલના હાથે મ્હાત થયા પછી તે મુંજાલ સાથે જોડાઈ જાય છે. અને સંપૂર્ણપણે મુંજાલના પક્ષમાં ભળી જાય છે. રાજનીતિમાં પક્ષપલટો ફક્ત આજની બીના નથી, ત્યારે પણ પક્ષપલટો થતો હતો! પાટણના બે શત્રુઓ છે – કિર્તિદેવ અને ખેંગાર. કાક એ બંનેને મળે છે પણ રાજનીતિની નિર્ણાયક ઘડીમાં એ મુંજાલનું ધાર્યું કરાવી આપે છે.  કાકને જ્યારે આપણે પહેલી વાર મળીએ છીએ ત્યારે એ ત્રિભુવનપાળનો સામાન્ય સંદેશવાહક અને સાધારણ યોદ્ધો છે. જ્યારે નવલકથાના અંતમાં તો જયદેવ પણ ન જીરવી શકે તેવો પ્રતિભાવંત પુરુષ અને યોદ્ધો છે.

અહીં, પાટણને માળવા અને જૂનાગઢ તરફથી આક્રમણનો ડર છે અને એ બંને સાથે યુધ્ધ થાય પણ છે. છતાં આ નવલકથાની કેન્દ્રવર્તી ઘટના આ યુદ્ધ નહિ પણ કાક અને મંજરી વચ્ચે વિકસતો જતો પ્રેમ છે. કાક પ્રત્યેના માંજરીના હાડોહાડ તિરસ્કારથી એ શરૂ થાય છે અને મંજરીની સંપૂર્ણ શરણાગતિથી એ પૂરો થાય છે. શૌર્યની પ્રતિમા સમો કાક, સૌન્દર્ય અને સંસ્કારની સામ્રાજ્ઞી મંજરી, એકલવૃક્ષ જેવો પ્રભાવશીલ મુંજાલ, પ્રૌઢ પ્રેમની દેવી મીનળદેવી, કૂટિલ ઉદો, સ્વપ્નદૃષ્ટા કીર્તિદેવ, ગૌરવશાળી ત્રિભુવનપાળ,  રસિકા કાશ્મીરાદેવી, લાજાળ મુગ્ધા સોમ, અલૌકિક રાણક જેવાં વિવિધ રંગ ધરાવતાં યાદગાર પાત્રોની સૃષ્ટિ મુનશીએ આ નવલકથામાં રચી છે. કોઈ એક જ નવલકથામાં આટલાં બધાં યાદગાર પાત્રો હોય તેવું જવલ્લે જ જોવા મળે. મુનશીની પાત્રગૂંથણીની કળા આ નવલકથામાં સોળે કળાએ ખીલી છે તો તેના સંવાદો પણ સચોટ અને ધારદાર છે. આ નવલકથાની ભાષા અને શૈલી એટલી તો સ્વાભાવિક છે કે તેનાથી ક્યારેય રસક્ષતિ થતી નથી. ગુજરાતનો નાથ કોણ? જયદેવ? ત્રિભુવનપાળ? કાક? કે મુંજાલ? એ કોયડો મુનશી વાચક સમક્ષ મૂકે છે. એ વિષે વિશેષ વાત આવતા અંકે…

રીટા જાની

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 08 : નયનાબેન પટેલ

મિત્રો, આજની વાર્તા પ્રસ્તુત છે; ડૂસકાંની દીવાલ

ખુલ્લી બારીએથી -રાજેશ વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા

Image result for રાજેશ વ્યાસ મિસ્કીન
રાજેશ વ્યાસ
           લખવું અને જીવવું બે અલગ વાત છે. આ શાયર કહે છે કે તે તેમના ઉપનામ .”મિસ્કીન” થી વધુ ઓળખાય છે .”મિસ્કીન” નો અર્થ ગરીબ માણસ થાય છે. શ્રી વ્યાસે ગઝલ, ગીત, બાળકાવ્યો, બાળવાર્તા, ચિંતનાત્મક લેખ, વાર્તા, ગઝલ વિષયક સંશોધન લેખ જેવા સાહિત્યપ્રકારો ખેડ્યાં છે.તેમણે ગુજરાતી ગઝલો અને તેના છંદ વિજ્ઞાન પર સંશોધન કર્યું છે, તે ગરીબ કઈ રીતે હોય શકે ? જાણીતા શાયર જલનમાતરીએ મિસ્કીનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન કહેવાય. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને ‘મિસ્કીન’નો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘મિસ્કીન’ એટલે ખૂણો અને ‘મિસ્કિન’ એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી કરનારો ઓલીયો ફકીર.કેટલા લઘુતમ ભાવ સાથે આ કવિ લખે છે તે જુઓ નહી તો માણસ નામ માટે વલખા મારતા હોય છે.
                   કોઈ પણ લેખક કે કવિ અથવા સાહિત્યકાર તેમના સર્જન થકી ઓળખાતા હોય છે. રાજેશ વ્યાસ ની એક રચના મને ઘણી સ્પર્શી ગઈ.વાંચતા વાંચતા હું ગઝલ સાથે વહેવા લાગી….સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં મને અજવાળું દેખાયું.
              “તારા નામના અજવાળા” 
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું”
                 “ત્યજીને પામવાની વાત” એવી સરળ રીતે રજુ કરી છે કે હું તો પુસ્તકો અને ગુગલમાં આ કવિને શોધવા માંડી.કોણ છે આનો સર્જક ? કેવી અદભુત તાકાત હોય છે વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની ! મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઊંડા તત્વચિંતક મને વધારે લાગે છે. ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી ઉતરી આવેલો અલૌકિક સંકેત.પછી તો તેમની અનેક રચના મેં વાંચી અને શબ્દો દ્વારા રચાતા ભાવવિશ્વમાં મને એમની સચ્ચાઇ અને અચ્છાઇના પડઘા દેખાણા,એમને જાણવાની ઉત્સુકતાએ મેં એમની youtube પણ જોઈ,આધ્યાત્મિક પ્રભાવનો પડછાયો એમની ગઝલોમાં અને વાતોમાં સાફ નીતરતો તમને પણ દેખાશે જ.એમની ગઝલમાં અશબ્દ અનુભૂતિનો એક નોખો સ્પર્શ આપણને સતત વાંચવા ખેંચે છે.ક્યાંક ક્યાંક એમાં છુપાયેલા ઈશ્વરના હસ્તાક્ષરના અણસાર આવે. .
                રાજેશ વ્યાસ મુખ્ય તો ગઝલકાર તે ઉપરાંત કવિ, વિવેચક, કટાર લેખક,સંપાદક, એ સિવાય નવનીત સમપર્ણ ,ગુજરાત સમાચાર,અને જનકલ્યાણ જેવા સામયિકોમાં નિયમિત રીતે લખે છે.રાજેશ વ્યાસ જન્મ : ૧૬-૧૦-૧૯૫૫ .”મિસ્કીન”આપમેળે અને આપબળે ગુલમહોરના વૃક્ષની જેમ મ્હોર્યા એના કાવ્યસંગ્રહમાં -પોતે લખ્યું છે કે :“પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.. મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ છે.તેમની ૧૯૦૦ થી આરંભાયેલી તેમની ગઝલયાત્રા અવિરત પણે નવીન રૂપ ધારણ કરતી રહી છે. તેનું ઉતમ ઉદાહરણ ૨૦૦૦ માં પ્રગટ થયેલ આ ગઝલસંગ્રહ છે.
                  એમની ‘આભાર માન’ ગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન બાદ ઓડીટોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્યાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું ? તમે કોઈની રાહ જૂઓ છો ?’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું…’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કીનની કલમે ‘આભાર માન…’ ગઝલ સરી પડી.

“કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા

શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન

કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,

ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન”

                રાજેશ વ્યાસે અનેક મુશાયરાનું સફળ સંચાલન કર્યું છે પણ “મિસ્કીન”ની ગઝલ કેવળ મુશાયરાની ચીજ નથી કે નથી માત્ર મનોરંજન,એમને સંભાળવા એક લ્હાવો છે.શ્રોતાઓને એમની ગઝલનું મુલ્ય છે.કવિ વાંચે છે ત્યારે પણ સ્વમાં ઠરીઠામ હોય એવો અનુભવ થાય છે.એમની ગઝલમાં ગહનતા છે પણ સઘન અનુભૂતિનો અહેસાસ પણ વર્તાય છે.આપણે ત્યાં એવું મનાતું કે કવિ દુઃખી જ હોય અને એમના દુઃખમાંથી જ કવિતા સર્જાય પણ આજના આ નવા કવિ એ આ નદીની જેમ હવા તટ પર તટસ્થ રહીને ઈશ્વરને અનુભવ થકી જાણ્યો છે.ક્યારેક પોતાને જ પડકાર કરીને જવાબ મેળવે છે તો ક્યારેક પ્રશ્ન કરીને ઉત્તર જાણી લે છે.કવિની પરિપક્વતા એની સરળ ભાષામાં છતી થાય છે.ક્યાય ભક્તિવેડામાં પડ્યા વિના એમના શબ્દો આંતરિક ભક્તિના પર્યાય છે.
અને એટલે જ કહે-
“તારું કશું ન હોય તો છોડીને આવ તું,”

મને એમની ઓળખ એમની  ગઝલો થકી જ છે.આખી વાતનું મૂળ છે કે રાજેશ વ્યાસને એમની ગઝલો થકી જ જાણું છું માણું છું અને સમજુ છું એ રીતે આખી વાત લખી છે બાકી એમને પ્રત્યક્ષ વાંચવાનો અને સંભાળવાનો લહાવો જ નોખો છે.

-પ્રજ્ઞા દાદભાવાળા
વિશેષ પરિચય સંકલન- રાજેશ વ્યાસનો જન્મ ૧૬ ઓક્ટોબર ૧૯૫૫ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જટાશંકર અને વિજ્યાબેનને ત્યાં થયો હતો. તેમણે અમદાવાદની શેઠ ચિમનલાલ નગિનદાસ વિદ્યાલયમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમણે મેટ્રિક શારદાગ્રામ, માંગરોળમાંથી પસાર કર્યું. ૧૯૭૮માં માનસશાસ્ત્ર અને ૧૯૮૧માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને ૧૯૮૩માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ૧૯૮૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ.ની પદવી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ તેમણે પી.એચડી. કર્યું. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં તેમના સંશોધનનો વિષય હતો
૨૦૦૫માં તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર,
૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર,
૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક “છોડીને આવ” તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. તેમના પુસ્તક “લલિતસહશસ્ત્ર” નામ ને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી ૨૦૧૧માં અને ૨૦૧૨માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો હતો.

જેમની કવિતા સાંભળીને શ્રોતાઓ ઝૂમી ઊઠે છે, એવા ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીનની જાણીતી રચનાઓ અહી સાંભળો…. 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 09

ગુજરાત હંમેશા વ્યક્તિવિશેષથી સભર રહ્યું છે. વ્યક્તિવિશેષ પણ કેવી વિશિષ્ટ! પછી તે મૂળરાજ સોલંકી હોય કે જેણે ગુજરાતનો પાયો નાખ્યો કે પછી મહાત્મા ગાંધી હોય. ગુજરાતની ભૂમિની તાસીર છે કે અહીં એવા રાજકારણીઓ, મુત્સદ્દીઓએ જન્મ લીધો છે જેનો સમાજજીવન, પ્રજાજીવન અને ઈતિહાસ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. આવી વ્યક્તિવિશેષનો પ્રભાવ અને વર્ચસ્વ આત્મસાત કરીને લોકોએ કઈંક નવું પ્રાપ્ત કર્યું છે. એની વાત મારે આજે કરવી  છે. આ વાતનું મહત્વ એ સમયે તો હતું જ પણ આજે પણ એટલું જ  છે. ગુજરાતની ગરિમાનું ગાન પાટણની પ્રભુતાનાં પદ વિના અધૂરું છે.

સરસ્વતી નદીના કિનારે વસેલ અને ગુજરાતના સ્વર્ણિમ યુગનું સાક્ષી પાટણ, ગુજરાતને ગુજરાત નામ મળ્યું તે પછી લગભગ છસો પચાસ વર્ષ સુધી પાટનગર રહ્યું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર – પાટણ એક કાળે વિસ્તાર અને વાણિજ્યમાં, શોભા અને સમૃદ્ધિમાં, વૈભવ, વીરતા અને વિદ્યામાં અગ્રેસર હતું. 2014માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું. આવું પાટણ કનૈયાલાલ મુનશીની વિખ્યાત નવલકથા પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ અને જય સોમનાથ નવલકથાઓનાં કેન્દ્રમાં છે.

આ એ નવલકથા છે, જેની અનેક આવૃત્તિઓ થઈ ગઈ છે. આ એ નવલકથા છે, જે ઐતિહાસિક નવલકથાઓમાં ફક્ત તેની લોકપ્રિયતાને કારણે જ નહિ પરંતુ તેની અનેકવિધ ગુણવત્તાના લીધે સર્વોત્તમ પુરવાર થઈ છે. આ એ નવલકથા છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રની શાળા-કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતી રહી છે.

તેના પાત્રો સોલંકી યુગનાં વંશજો છે. રાજા કર્ણદેવ અને મીનળ રાજ ચલાવી રહ્યા છે. દેવપ્રસાદ જે પોતાના જ કુળનો છે તેને દૂર કરી દીધો છે. એટલું જ નહિ પણ, રાજખટપટના ભાગરૂપે તેની પત્ની હંસાથી છૂટો પડી દીધો છે. તેને સત્તાથી બાકાત કરવામાં આવે છે. અહમથી દાઝેલા માણસને ચંદનલેપ પણ શાતા નહિ આપે. છતાં દેવપ્રસાદ અને તેના પુત્ર ત્રિભુવનને માટે પાટણનું હિત સર્વોપરી છે. મીનળને સત્તાનો ગર્વ છે કે પાટણ તે ચલાવી રહી છે. હકીકતે તે બુદ્ધિશાળી, તેજસ્વી, બાહોશ, દ્રઢ અને મુત્સદ્દી મંત્રી મુંજાલની બુદ્ધિથી રાજ ચલાવી રહી છે. પણ સમય બદલાય છે અને કર્ણદેવ મૃત્યુ પામે છે ત્યારે મીનળ મુંજાલ ને પણ દૂર કરીને એકલા હાથે રાજ કરવાં માગે છે. મુંજાલ અતિ બુદ્ધિશાળી ને પ્રતાપી વ્યક્તિ છે. એ મીનળને ચંદ્રાવતીથી અહીઁ લાવે છે. કર્ણદેવ સાથે પરણાવે છે અને તેને પ્રિય બનાવે છે. તે વ્યક્તિગત રીતે આત્મત્યાગી છે. તે પોતાની પત્નીનો ભોગ આપે છે. પોતાની બહેન હંસા જેણે દેવપ્રસદ સાથે પ્રેમલગ્ન કર્યા હોય છે તેને પણ કેદમાં નાખે છે. માત્ર મીનળ અને ભરતખંડમાં પાટણની ધજા ફરકતી રાખવાં બધું જ કરી છૂટે છે.

મુંજાલના બધા ઉપકાર ભૂલીને મીનળ જતિની વાતમાં આવી ને સત્તાના નશામાં મુંજાલને પણ દૂર કરે છે. પણ પછી હાથમાંથી બાજી સરકતી લાગે છે ને ડર લાગે છે કે ક્યાંક મુંજાલ અને દેવપ્રસાદ મળી ન જાય. દેવપ્રસાદ અને મુંજાલને મળતા અટકાવવા તે હંસાને દેવપ્રસાદ પાસે મોકલે છે. વર્ષો પછી બે પ્રેમી જ્યારે મળે છે ત્યારે બધી રાજખટપટ ભૂલી એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. ત્યારે તેઓ જે મહેલમાં છે તે મહેલને આનંદસુરી આગ લગાડે છે ને બંને એકબીજાને ભેટીને સરસ્વતી નદીમાં કૂદી પડે છે ને જાન ગુમાવે છે. આ સમાચાર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનને મળે છે. મીનળ મુંજાલને મનાવવા નગર બહાર હોય છે. અહીં ઉંમરમાં નાનો પણ તેજસ્વી  ત્રિભુવન પાટણ સંભાળે છે. મીનળ મુંજાલને મનાવે છે. મુંજાલ ત્રિભુવનને સમજાવે છે ને રાણી મીનળ પાટણમાં પાછી ફરે છે. મુંજાલ આવતા જ પાટણનું બધું તંત્ર નિયમિત અને વિનયશીલ બની જાય છે, એ મુંજાલની ધાકનો પ્રતાપ છે. મુંજાલની નજર નીચે કર્ણદેવનાં મૃત્યુને સવા મહિનો પૂરો થતાં જયદેવ પરાક્રમી ગુર્જરેશોનાં સિંહાસન પર બેસે છે. જયદેવના રાજ્યાભિષેકને ભૂલી જાય એવા દબદબાથી દંડનાયક ત્રિભુવનપાળ અને પ્રસન્નમુખીનાં લગ્ન થાય છે.

આ તો થોડી ઝાંખી આ નવલકથાની… મુનશીજીએ  કર્ણદેવ, મીનળ, મુંજાલ જેવાં ઐતિહાસિક પાત્રો લઈ તેમાં આનંદસુરી જેવાં કાલ્પનિક પાત્રો ઉમેરી કથાની એવી સુંદર ગૂંથણી કરી છે કે વાચક પોતે પણ એ કથાનો એક ભાગ બની જાય છે. મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ અને પ્રસન્ન-ત્રિભુવનની પ્રણયકથા એટલી તો સંવેદનાસભર છે કે વાચક એ પ્રેમરસમાં ન ભીંજાય તો જ નવાઈ. મુનશીની મહત્તા એ છે કે તેઓ  ફક્ત શુષ્ક ઇતિહાસ પીરસતા નથી કે પછી તેમનાં પાત્રો દ્વારા નથી નીતિ કે સદગુણોનો કોઈ સંદેશ આપવા માગતા. તેમણે તો પોતાની કલ્પનાનું સુંદર, રસપ્રચુર, ભાવપૂર્ણ વિશ્વ રચ્યું છે. તેમની કથાનાં પાત્રો તેજસ્વી, શૌર્યવાન, વીરતાનો દાવાનળ પ્રગટાવતાં, પ્રતાપી, અતુલ પરાક્રમી, પ્રેમઘેલાં ને પ્રણયી છે. તેમની કથામાં રાજરમતના આટાપાટા છે, ઘનગર્જના સમા શબ્દના પ્રવાહો છે ને ચોટદાર સંવાદો પણ છે. પાત્રો ઇતિહાસમાંથી લીધાં હોવાં છતાં મુંજાલને રાજનીતિ કરતાં જોઈએ તો આજનાં રાજકારણની યાદ આવી જાય. તો પ્રસન્ન અને ત્રિભુવનની પ્રણયકથા જાણે આજના સમયની જ હોય તેવું વાચક અનુભવે એ મુનશીની કલમનો કસબ નહિ તો બીજું શું છે?

અહી એક વાત ઊડીને આંખે વળગે છે કે, રાજકીય અંધાધુંધીમાં પણ દરેક પાટણવાસી ધર્મ કે જાતિના બધા મતભેદ અને વેરભાવ ભૂલીને પાટણની અખંડિતતાને ઊની આંચ ન આવે માટે એક થઈને ઊભા રહે છે અને એ જ છે પાટણની પ્રભુતા. આ વાત કોઈપણ રાષ્ટ્ર માટે આજે પણ એટલી જ સાચી છે. જ્યારે પટ્ટણીઓ એક થઈને ઊભા રહે છે ત્યારે જ અકબંધ રહે છે પાટણ ની પ્રભુતા.

રીટા જાની

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 07 : નયનાબેન પટેલ

મિત્રો આ રવિવારની વાર્તા  

વિનું મર્ચન્ટ વાર્તા ૨૦૨૦ -જયશ્રીબેન મર્ચન્ટ

  મિત્રો કલમ ઉપાડો અને તમારા મૌલિક વિચારોને પ્રસ્તુત કરો.

વિષય:”મને કેમ વિસરે રે”.-વિષય  “મને સાંભરે રે” પણ એ જ શીર્ષક સાથે પણ લખી શકાય અથવા જે વાર્તા લખવાના હો એને નવું શીર્ષક પણ આપી શકાય.

ઇનામ –

 1. 1st $125,
 2. 2nd $75,
 3. 3rd $51. 
 4. 2 consolation prizes of each $25.

       last date of submission April 15, 2020

Send to -pragnad@gmail.com

 1. વાર્તા મૌલિક અને કોઈ પણ મિડીયામાં પ્રકટ ન થઈ હોવી જોઈએ. ૨૦૦૦થી વધુ શબ્દોની  વાર્તા આ સ્પર્ધા માટે સ્વીકારવામાં આવશે નહીં.
 2. જો વાર્તા સત્યકથા પર આધારીત હોય તો એના આલેખન પહેલાં નીચે પ્રમાણે લેખકનું કથન હોવું જરૂરી છે: “વાર્તા સત્ય ઘટના પર આધારીત છે અને પાત્રો તથા દેશકાળના નામઠામ ગોપનીયતા જાળવવા લેખકે બદલી નાખ્યા છે.”
 3. આ બાબત અંગે આયોજકો કે નિર્ણાયકોની કોઈ જવાબદારી રહેશે નહીં. નિર્ણાયકનો નિર્ણય અંતિમ રહેશે અને તે અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

ચારેક વાર્તાઓ અહી સંદર્ભ માટે મુકેલ છે. આના પરથી સમ્જી શકાશે કે ક્યા ક્યા વિષયો પર લખી શકાય.વાત પોતાની હોય, અન્યની હોય કે સ્દંતર કાલ્પનિક હોઈ શકે. આ માત્ર થીમ છે પણ એની અંદર શું લખવું એ સર્જક પર અધારિત છે. 

 1. શરીરની બાહર-૨
 2. હરખીમાસી-૨
 3. મારું ઘર ક્યાં
 4. I. જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૯- આજ ફિર જીનેકી તમન્ના હૈ-૨

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 08

વ્હાલા વાચકો,

૧૧મી સદી હોય કે ૨૧મી સદી, કેટલીક  બાબતો ક્યારેય બદલાતી નથી. જેમકે, સ્ત્રી અને પુરુષનો પ્રેમ, મિથ્યાભિમાન, રાજસત્તાનો મોહ, રાજસત્તા માટે યુદ્ધ. સમય સાથે આ બધાની રીતભાત ને પ્રકાર બદલાય છે, પછી એ પૃથ્વીરાજ અને સંયુક્તા હોય કે મુંજ અને મૃણાલ હોય કે વિલાસ અને રસનિધિ. સંબંધો ક્યાં, ક્યારે અને કેમ ઘનિષ્ઠ થાય છે તેનું કારણ હંમેશા તાર્કિક હોય એ જરૂરી નથી.

ગત અંકમાં આપણે વાત કરતાં હતા મુનશીજીની શ્રેષ્ઠ નવલકથા ‘પૃથિવીવલ્લભ’ની.  આપણે તેના બે પાત્રો મુંજ અને તૈલપ વિશે વાત કરી. આ વખતે મારે વાત કરવી છે તેના બીજા રસપ્રદ પાત્રોની.

મૃણાલવતી :  તૈલંગણના રાજા તૈલપની મોટી બહેન, જેણે તૈલપને ઉછેર્યો, કેળવ્યો અને રાજ્યકળામાં  પાવરધો બનાવ્યો.  બધો રાજકારભાર મૃણાલની બુદ્ધિથી જ ચાલતો. પતિનું મૃત્યુ થવાથી તે સંસારથી પરવારી ગઈ હતી. તેથી અંતરની ઊર્મિઓને દબાવી દીધી, કોમળતા સૂકવી નાખી, આર્દ્રતાને જડમૂળથી ઉખેડી નાખી ને ભયંકર તપથી તેણે હૃદયને શુષ્ક ને બુદ્ધિને નિશ્ચલ બનાવી. જે રીતે તેણે પોતાની ઊર્મિઓને વશ કરી એ રીતે તેનાં રાજ્યમાં કવિઓ, નટો અને ગાયકોને દેશવટો આપ્યો, આનંદોત્સવ બંધ કર્યા, જાહેરમાં થતાં કલ્પાંત પર અંકુશ મૂક્યો. દરેક પ્રકારનો સંબંધ શુષ્ક, નિયમિત અને નિષ્કલંક થતો ગયો. પ્રેમ, ઉત્સાહ, આનંદ એ બધા મોટા ગુના હોય એવું વાતાવરણ પ્રસરવાં લાગ્યું. વૈરાગ્યના આદર્શો સિદ્ધ કરતી મૃણાલવતી તૈલંગણની  અધિષ્ઠાત્રી દેવી હતી. તેનાં હૃદયમાં એક જ ભાવ માટે સ્થાન હતું, તેના ભાઈની કીર્તિ. એ કીર્તિનો રાહુ હતો મુંજરાજ, જેણે પંદર – સોળવાર તૈલપને ધૂળ ચાટતો કરેલો. હકીકતે, મુંજ અને તૈલપના વિગ્રહમાં મુંજ અને મૃણાલની પ્રબળ ઈચ્છાશક્તિઓનું દારુણ દ્વંદ્રયુદ્ધ જ હતું.

આખરે મૃણાલ જીતી અને મુંજ હાર્યો. મૃણાલનાં હૃદયમાં સંતોષ અને ગર્વનો સંચાર થયો. છતાં કુદરતી ઉર્મિઓ, પ્રેમ અને લાગણીઓનાં જોર સામે મૃણાલ હૈયું હારી ગઈ. દેશ, કાળ, દુશ્મની, સરહદના સીમાડાઓ કે વર્ષોનું સંયમિત જીવન પણ મૃણાલને રોકી ન શક્યું. આવું જ વિલાસવતી અને રસનિધિ સાથે પણ બન્યું.

વિલાસવતી  અને રસનિધિ : તપસ્વીઓનું તપ મુકાવે તેવું મોહક લાલિત્ય, હરણ સમાં ચંચળ નેત્રો, મીઠું નાનું મુખ, ઘાટીલું નાક, જગદંબા જાણે નવયૌવના બની હોય તેવી સ્યુનરાજ, મહાસામંત ભિલ્લમરાજ અને જક્કલાદેવીની પુત્રી વિલાસવતી. એનું લગ્ન તૈલંગણના યુવરાજ સત્યશ્રાય સાથે થવાનું હોય છે પણ છેવટે તેના હાથે જ જીવ ગુમાવે છે. માળવાનો યુવરાજ ભોજ, જે માળવાના કવિના વેશે રસનિધિ બનીને આવે છે તે વિલાસનાં હૃદયનાં ઝરણાને રસિકતા, આનંદ, માયાળુપણાથી ભરી દે છે. પ્રેમ અને સહધર્માચારના પાઠ ભણાવે છે. આમ, એ નવયુવાન મુગ્ધાનું વિશ્વ બદલી નાંખે છે.

કેટલાક ધારદાર સંવાદોને માણીએ :

મુંજ : મૃણાલવતી! આવ્યાં છો તો જરા ઊભાં તો રહો.
મૃણાલ : આવી અધમતામાં પણ શું બોલવું તેનું ભાન આવ્યું નથી?
મુંજ : અધમતા કેવી?
મૃણાલ : પૂછ તારી કીર્તિને! પૂછ તારા કવિઓને! પૂછ તારી સેનાને!
મુંજ : મારી કિર્તિથી તો તૈલપની તપસ્વીની બહેન અહીંયા ખેંચાઈ આવી. મારા કવિઓથી મને જોવા આવવાનો મોહ તમને થયો. મારી સેનાના પ્રતાપથી છુંદાઈ તમે મને પકડવાનો પ્રયત્ન કર્યો.
મૃણાલ : અને કાલે તું કૂતરાને મોતે મરશે.
મુંજ : મુંજ જેવા નરપતિને એથી વધારે કીર્તિકર મરણ ક્યાંથી હોય?

મૃણાલ : તું મને વશ કરવાં માંગે છે?
મુંજ : ના, તમે વશ થવાં માંગો છો. મારી પાસે આવી તમે ભૂલ કરી. મારી પાસે આવ્યા કે સજીવન થયાં વિના રહેવાનાં નથી.
આવા ધારદાર સંવાદો વાચકને જકડી રાખે છે. ને હવે જઈએ અંતિમ દૃશ્ય તરફ.

મુંજ : કેમ મૃણાલવતી, હવે શાનું દાન આપશો? જે હતું તે તો ક્યારનું આપી દીધું!
મૃણાલ : ક્ષમા કરો મહારાજ પૃથિવીવલ્લભ, મે તમને જીવતા માર્યા.
મુંજ : તમે? મારું મૃત્યુ તો હું જન્મ્યો ત્યારનું નક્કી થયું હતું, તેમાં તમે શું કરી શકો?
તૈલપ : ચૂપ રહે ચાંડાલ!
મુંજ : શા માટે હું રહું? ચૂપ રહેવાનો વખત તો તારે છે. આ પળે તારો દિગ્વિજય પૂરો થયો. મૂર્ખ, અવંતીનાં સિંહાસન પર મારો ભોજ ગરજે છે. તારી બહેન ને તારી પ્રજા તારી રહી નથી – મારી બની છે. વિજય કોનો? મારો કે તારો?
તૈલપ : હમણાં મારો હાથી તારો વિજય દેખાડશે.

“એમાં  મારો વિજય કે તારો?  તું મને નમાવવા માગતો હતો ને હું વગર નમે જીવન પૂરું કરીશ. તું નીતિનો આડંબર ધારતો હતો ને અત્યારે રાજહત્યાનું પાપ વહોરે છે. વિજેતા કોણ? હું કે તું?” કહી મુંજ ગજેન્દ્ર સમાં ગૌરવભર્યા ડગ ભરતો ગજરાજ તરફ ચાલ્યો ને શાંતિથી તેની સુંઢને વળગ્યો ને હાથીના પગ તળે અદષ્ટ થઈ ગયો. પૃથિવીવલ્લભનો વિજયઘોષ ગાજી રહે છે.

નવલકથા અહી પૂરી થાય છે પણ પૂર્ણ થતી નથી. વાચકને જીવન, જય-પરાજય, લાગણીઓ, પ્રેમ, યુદ્ધ, પ્રતિશોધ જેવાં અનેક પાસાં પર વિચારતાં છોડી જાય છે. મનુષ્યનાં આંતરજગત અને બાહ્યજગતનો ભેદ છતો થાય છે. ઝરણું કોઈ નકશા પ્રમાણે વહેતું નથી. માનવ મન પણ એવું જ છે. જીવન અને મૃત્યુ એ માનવ અસ્તિત્વના બે અંતિમ ધ્રુવ છે. પણ જીવન શું છે? શું એ માત્ર દૈહિક કે ભૌતિક જીવન છે? વિચારદેહ કે માણસની લાગણીઓ અને વ્યક્તિત્વ એ એના ભૌતિક દેહથી વિશેષ છે?

મુંજ ભૌતિક દેહથી ભલે નષ્ટ થાય પણ એક વિશેષરૂપે તે જીવંત છે. મુંજનું આ જીવંતપણું માત્ર મૃણાલવતી કે માન્યખેટના નગરજનો જ અનુભવે છે એવું નથી. હું, તમે, આપણે સૌ એ અનુભવીએ છીએ કારણ કે મુંજ માત્ર એક રાજા કે પરાજિત યોદ્ધો નથી. મુંજ છે એક ખુમારી, જવાંમર્દીનું પ્રતિક. મુંજ એટલે જોમ અને જુસ્સો, ભાવુકતા, રસિકતા, જીવંતતા. જેમ સંગીતના જલસા બાદ ઝંકાર ગૂંજતો રહે એ સંગીતકારની કમાલ છે. લુવ્ર મ્યુઝિયમમાંથી નીકળ્યાં પછી પણ મોનાલીસાનું સ્મિત નજરે તરે છે એ લિયોનાર્ડો દ વિંશીનો કમાલ છે. એમ, ‘પૃથિવીવલ્લભ’ એ છે મુનશીની કલમનો કમાલ…..

— રીટા જાની