સ્પંદન-35

જીવનનો નહિ સરળ માર્ગ
જો મનમાં હશે રાગ વિરાગ
પંથ જીવનનો જતો કપાઇ
પણ પુણ્યની નથી કમાઈ
મનમાં રહે જો ત્યાગભાવના
સફળ જીવનની મનોકામના
માનવ ઈશનું સુધામય સર્જન
કલ્યાણમાર્ગે ત્યાગમય અર્ચન.

પુષ્પમય  પ્રભાત અને પ્રભાતમય પુષ્પ. સૌંદર્ય એ પામવાની સૃષ્ટિ, માણવાની સૃષ્ટિ, અનુભવવાની સૃષ્ટિ. બંને શબ્દો એકસરખા લાગે છે પણ એક નથી. પુષ્પમય પ્રભાત એટલે પુષ્પોથી ભરેલું, સુવાસથી મઘમઘતું, સુંદર રંગોથી શોભતું, સુંદર છટાઓથી પુષ્પ વિન્યાસ કે ફૂલોથી વિવિધતા સર્જતું પ્રભાત. પ્રભાતમય પુષ્પ એટલે જેણે પ્રભાત અનુભવ્યું છે. શું પુષ્પ પણ પ્રભાત અનુભવે? હા, પ્રભાતનો સ્પર્શ પુષ્પોને પણ થાય છે. જેને પ્રભાતનો સ્પર્શ થાય તે પુષ્પ ખીલી ઊઠે, જીવંત થઈ ઊઠે, કળીમાંથી પુષ્પ બન્યાનો થનગનાટ શમતો ન હોય. સુંદર રંગ, કોમળતાનો સ્પર્શ, અને સુવાસનો સંગમ તો પુષ્પની સહજતા છે. અગત્યતા છે ખીલી ઉઠવાની, જીવંતતાની અને પ્રભાતનો સ્પર્શ માણવાની.

આપણી સવાર એટલે સ્વપ્નસૃષ્ટિનો અંત અને વાસ્તવના વિશ્વનો  કદમતાલ. દરેક ક્ષણ આ કદમતાલ અનુભવે છે અને તેમાં કશુંક પ્રાપ્ત થાય છે, તો કશાકનો ત્યાગ પણ કરવો પડે છે. ક્ષણોનો વર્તમાન જીવંત ન બને તો ક્ષણ ભૂતકાળમાં સરી પડે છે અને ઇતિહાસના પટારાનો વૈભવ બને છે. આપણા અનુભવોની યાદ, આપણી યાદોની સૃષ્ટિ અને આપણો ભૂતકાળ કદાચ ભવ્ય હોય તો પણ જીવંત નથી. યાદ રહે કે પ્રભાતને પામવાનું છે, ખીલી ઉઠવાનું છે અને દરેક પળની પ્રેરણા અને આપણા પરિશ્રમને પ્રારબ્ધના પુષ્પો સાથે મેળવીને જીવનનો પુષ્પગુચ્છ સુંદર બનાવવાનો છે.

જીવન એટલે ક્ષણોની સમજણનો સરવાળો. મહાન પુરુષો કે શ્રેષ્ઠ તત્વજ્ઞાનનો ઉદભવ જીવનની સાચી સમજમાંથી ઉદભવે છે. જીવનમાં શું કરવું અને શું ન કરવું તેવા બે માર્ગોની સાચી સમજણ એ જીવનની ચાવી છે. આ ચાવીથી  સુંદર ભવિષ્યનું તાળું ખૂલે છે. આપણા સ્વપ્નો અને આપણો વ્યવહાર, સફળતાની સીડીનું રહસ્ય શું? સફળતાની સીડી  સહુના માટે અલગ છે. આપણે સફળ થયા તેમ વિશ્વ તો કહે, પણ આપણું મન અને આત્મા કહે તો જ આપણે સફળ. જીવનની સમૃધ્ધિની વચ્ચે પણ કંઇક હજુ મેળવવાની કામના કે ઈચ્છા રહે તો તે તૃપ્તિ કે સંતોષ નથી પણ અતૃપ્તિ છે. શ્રાવણની સરી ગયેલી ક્ષણોના તત્વજ્ઞાન અને આત્મચિંતનને એકત્ર કરીએ તો ક્ષણની સફળતા એ આત્મસંતોષ છે અને જીવનની સફળતા એ પણ આત્મસંતોષ છે. ભરપૂર જીવ્યાનો આનંદ, સૃષ્ટિને માણ્યાનો આનંદ અને વિશેષ પામવાની કામનામાંથી મુક્તિ એ સફળ જીવનનું રહસ્ય છે. આ રહસ્ય ધર્મોનું સત્વ છે.

યાદ આવે ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર. ‘ तेन त्यक्तेन भूंजीथा:। ‘ અહીં જીવનના પરિત્યાગની વાત નથી પણ તેના પ્રત્યે આસક્તિ કે રાગના પરિત્યાગની વાત છે. અહીં ભોગ ભોગવવાની મનાઈ નથી પણ ત્યાગીને ભોગવવાની વાત છે.  આજે માનવ દુઃખી, અશાંત અને અસંતુષ્ટ જોવા મળે છે તેનું કારણ તેની પાસે જીવન જીવવાની ઉદ્દાત દૃષ્ટિનો અભાવ છે. જીવન ઈશ્વરનું અમૂલ્ય સર્જન અને ભેટ છે. તેને પરહિતમાં શ્રેયસ્કર, સુખદ અને સર્વ મંગલકારી બનાવી જ્યોતિર્મય પથ પર પ્રયાણ કરી શકાય, જ્યારે ત્યાગીને ભોગવવાની સમાજ આવે.

જીવનમાં ભક્તિ સાથે ત્યાગને પણ કઈ રીતે સ્થાન આપી શકાય તે પર્યુષણ પર્વનો મહાધ્વનિ છે. જૈન સમુદાયનું પર્યુષણ મહાપર્વ ધર્મના શ્રેષ્ઠ આદર્શો, જ્ઞાન, ભક્તિ અને ત્યાગ તથા સહનશીલતા સાથે તપ અને ક્ષમાભાવ સાથે શ્રેષ્ઠ સામાજિકતાનો પરિચય આપે છે. ત્યાગ એ ભારત ભૂમિનો આદર્શ છે. આ આદર્શને વાસ્તવિક જીવનમાં કઈ રીતે પ્રતિબિંબિત કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અને સાથે ભક્તિનું સંયોજન અહીં જોવા મળે છે. જ્યારે ઉપવાસ સાથે સંકળાયેલ આરાધના અને અન્ય મહાતપ માનવજીવનને મોહના સ્થાને ત્યાગનો જયઘોષ કરાવે છે ત્યારે આદર્શોની ઉચ્ચતા સિદ્ધ થાય છે. જીવનનો આદર્શ મોહ નથી પણ ત્યાગ છે, જીવન એક સાધન પ્રાપ્તિની દિશા તરફની દોડ નથી પણ તપસ્યા છે. તેનો હેતુ વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેનો સમભાવ છે એવી ભાવના અહીં દ્રઢ થાય છે. આ જ સમભાવ સમાજમાં પ્રવર્તે જો પરસ્પર વ્યવહારમાં ક્ષમા ભાવના પ્રગટ થાય. ‘મિચ્છામી દુક્કડમ’ એ આનું  આદર્શ ઉદાહરણ છે. આવા ઉચ્ચ આદર્શોનું ચિંતન, મનન અને વ્યવહાર ‘વસુધૈવ કુટુમ્બકમ’ ને પણ સિદ્ધ કરે છે.

ત્યાગ એ માત્ર વિચાર જ નથી આચાર પણ છે. ત્યાગના તાણાવાણા ભારતભૂમિની તાસીર છે. ભારત રામની જન્મભૂમિ પણ છે અને કૃષ્ણની કર્મભૂમિ પણ છે. ત્યાગ કેવો હોઈ શકે? રામચંદ્રજીનું જીવનચરિત્ર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામનો રાજ્યાભિષેક સવારે થવા જઈ રહ્યો છે. માતા કૈકેયીને પિતા રાજા દશરથે ભૂતકાળમાં આપેલા વચનના લીધે રામને મળે છે વનવાસ અને કૈકેયી પુત્ર ભરતજીને મળે છે અયોધ્યાની રાજગાદી. રામ પિતાના વચનનું પાલન કરવા ગાદીનો ત્યાગ કરે છે. જ્યારે રાજ્યાભિષેકની તૈયારી હોય ત્યારે પણ આદર્શ છે વચનપાલનનો. ત્યાગ કેવો હોય તેનો આદર્શ છે એક ક્ષણમાં ગાદી છોડી શકતા રામ.  ભાઈનો પ્રેમ કેવો હોય તેના આદર્શો લક્ષ્મણ અને ભરત પૂરા પાડે છે. ભરત પણ ગાદી સ્વીકારતા નથી પણ રામના પ્રતિનિધિ તરીકે અયોધ્યાનું રાજ્ય ચલાવે છે. જ્યાં ત્યાગ અને પ્રેમના આદર્શો હોય ત્યાં ભૌતિકતા પ્રવેશી શકતી નથી.

મોહ અને ત્યાગ નું શું મહત્વ છે અને માનવજીવન મોહમાં કઈ રીતે વ્યર્થ બને છે તે સંસ્કૃત સાહિત્યમાં ભમરા અને કમળની ઉપમા આપી સુંદર રીતે સમજાવાયું છે. ભમરો કમળથી મોહિત થઈને કમળની પાંખડીઓ વચ્ચે બેસે છે. સંધ્યાકાળે કમળ બંધ થતાં જ ભમરો અંદર કેદ થાય છે.  મોહજાળમાં સપડાયેલ માનવજીવનનું પણ એવું જ છે. મોહના કારણે તે પોતાની ખરી શક્તિઓ પારખી શકતો નથી.  જીવનરસને પ્રાપ્ત કરી શકતો નથી કે વિકાસ પણ પામી શકતો નથી. માનવજીવનનો હેતુ વિકાસ છે. જે મોહ જાળને ભેદી શકે તે જ વિકાસ પામી શકે, ગુણોનું સંવર્ધન કરી શકે અને શ્રેષ્ઠતા તરફ કદમ માંડી શકે.

ત્યાગ એ ભૌતિકતા અને મોહથી દૂર લઈ જઈ આદર્શમય જીવન તરફનો વિકાસ છે. આત્મવિકાસની મંઝિલ તરફ પ્રગતિ કરાવતા આપણા આ તહેવારોમાં તત્વજ્ઞાન છે, વિવિધતા છે અને સમાજમાં સ્થાપિત કરવાના ભ્રાતૃભાવ અને પ્રેમનો સંદેશ પણ છે. આ બધાના પરિણામે માનવજીવન સમૃધ્ધ બને છે, ઉલ્લાસ અને ઉમંગ જીવનમાં વ્યાપે છે. ઉત્સવો માણીને જીવન સુવાસ પ્રગટાવીએ તો પ્રેરણાના પુષ્પો  વાસ્તવિક જીવનને સુવાસિત બનાવે છે. જીવન અને આપણું અસ્તિત્વ એ ખુદ એક ઉત્સવ છે. ઉત્સવ ઉજવીએ ત્યારે આ ઉત્સાહ પામીને ધન્ય બનીએ, શ્રેષ્ઠતાનું સર્જન કરી જીવનને જીવંતતા તરફ અભિમુખ કરીએ તો જીવન ઉમંગ અને ઉલ્લાસ સભર ફૂલ છે અને તે જ છે આપણું પ્રેરણા પુષ્પ.

રીટા જાની
17/09/2021

સ્પંદન-34


ભક્તિની ગંગા વડે હૃદય ધોવાય છે
આનંદ ઉત્સવે દિલના દ્વાર ખોલાય છે
જ્ઞાનની ગાગરમાં સાગર ઘોળાય છે
બાપ્પાની સવારીએ હૈયું હરખાય છે.

ભીતરે ન કોઇ ચિંતા, ન રહે ક્લેશ
સર્વ કાર્ય સિધ્ધ થાય હરહંમેશ
રિદ્ધિ સિદ્ધિનો પણ થાય પ્રવેશ
સ્મરણ પૂજન કરીએ શ્રીગણેશ.

તીખો તડકો અને તપ્ત ધરા, આતુર આંખો અને સુનું આકાશ, થંભી ગયેલા વાયરાની વચ્ચે કાળી વાદળી ભૂલી પડે અને ઝરમર ઝરમર વર્ષાની બુંદો ધરતીને ભીંજવે. પછી જામતું મેઘાડંબર, આસમાન નિચોવાય, સરતું  જળ સરવાણીઓને  જન્મ આપે, ક્યારેક ઝરમર તો ક્યારેક રીમઝીમ વરસાદ ધરતી ભીંજવે, ચાતકની  તરસ  છીપાય, મોરના ટહુકાથી વાતાવરણ જીવંત થાય, ઝરણાં  વહે, નદીઓ વહે, જલના તરંગો જલતરંગ બની ધરતીને તૃપ્ત કરે અને માનવમન આશા અને અપેક્ષાના ઉંબરે ઉત્સવ ઉજવવા સજ્જ થાય.

અષાઢનો આડંબર અને શ્રાવણની સરગમ મનમાં ગુંજતા હોય અને એક પછી એક ઉત્સવ જ્યારે આપણા સમાજમાં ઉજવાતા રહે ત્યારે લાગે કે આપણું જીવન ખરેખર જ ઉત્સવ છે.  અષાઢ માસ ગુરુપૂર્ણિમા સાથે ઉત્સવોને આમંત્રણ આપે તો શ્રાવણ એટલે ઉત્સવોથી સમૃધ્ધ. નાળિયેરી પૂર્ણિમા કે બળેવ સાથે રક્ષાબંધન ઉજવાય. ત્યાં જ શીતળા સાતમ અને જન્માષ્ટમી  આવે. શ્રાવણથી ભાદરવા તરફ સમયની આગેકૂચ થાય ત્યારે જૈન સમુદાય પર્યુષણ ઉજવે અને એક તરફ સંવત્સરીના મિચ્છામી દુક્કડમની ક્ષમાપનાનો પવિત્ર ભાવ તો બીજી તરફ ગણેશ ચતુર્થીનો થનગનતો ઉત્સાહ. દરેક ભારતીય મન ઉત્સવથી મલકે છે, દરેક હૈયું ઉત્સવના ઉત્સાહથી ધબકે છે. સમાજ જીવનને સ્પર્શતા જ નહીં પણ આપણા સહુના જીવનમાં ઓતપ્રોત થઈ ગયેલા ઉત્સવોનું બળ ન હોય તો સમાજ જીવન કદાચ આટલું રંગીન હોઇ શકે ખરું? ઉત્સવ ઉજવતી વખતે વિચાર પણ થાય કે ઉત્સવ શા માટે?

વર્તમાન વિશ્વ એટલે વિજ્ઞાન વિશ્વ. એક તરફ જ્ઞાનવિજ્ઞાન તો બીજી તરફ તર્કની તીરંદાજી વચ્ચે ચાલતું માનવજીવન. અર્થશાસ્ત્રની નૈયા અને વેપાર ઉદ્યોગના હલેસાંના આધારે  સંસારસાગરને પાર કરવાના અવિરત પ્રયત્નમાં જીવન લાગેલું રહે છે. ટેકનોલોજી તેની આગેકૂચને સરળ બનાવે છે પણ તેના ચક્રથી જીવનના વિવિધ ક્ષેત્રોમાં તાણ કે ટેનશન ઊભું થાય છે. ટેકનોલોજીના ફળ ચાખવા ઉત્સુક માનવી માનસિક તાણના ભારને અનુભવે છે અને જીવનમાં રોગોને આમંત્રણ આપી બેસે છે. માનવ યંત્રનો ચાલક હોવો જોઈએ તેને બદલે યંત્ર ચાલક બની જાય  અને માનવ ગુલામ એવું દ્રશ્ય સર્જાય છે. આ ઘરેડમાંથી બહાર કાઢવા ક્યારેક ચિકિત્સકો તો ક્યારેક મનોચિકિત્સકો શ્રેષ્ઠ પ્રયત્નો કરતા હોય છે. પણ આપણા સમાજશાસ્ત્રીઓએ કંઇક એવી જડીબુટ્ટી શોધી છે કે માણસ ફરી  નવપલ્લવિત થઈ જાય છે. આ જડીબુટ્ટી એટલે જ આપણા સમાજ જીવનમાં આવી પહોંચતા ઉત્સવો.

શ્રાવણની ધરતીના શૃંગાર અને ઉત્સવોની ભરમારની તૃપ્ત ક્ષણો વચ્ચે આવે છે એક એવો ઉત્સવ જે વ્યક્તિગત ભક્તિ અને સામાજિક શક્તિનો સ્ત્રોત છે. આ ઉત્સવ છે ગણેશ ચતુર્થીનો. કોઈપણ  કાર્યનો  પ્રારંભ ભગવાન ગણેશ વગર ન હોઈ શકે. વૈદિક પરંપરાનું  આ વિધિવિધાન હજુ આજે પણ એટલું જ પ્રચલિત છે. ગણેશજી એ વિઘ્નહર્તા દેવ છે. કોઈ પણ શુભકાર્યનો આરંભ ગણેશજીની પૂજા કરીને થાય છે.

ગણપતિ એટલે ગણના અધ્યક્ષ. ગણ એટલે જનસમૂહ. આજે જે ગણેશોત્સવ ભાદ્રપદ ચતુર્થીના દિવસે શરૂ થાય છે તે જનસામાન્યનો ઉત્સવ છે કારણ કે ગણપતિ રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. સુખ, સંપત્તિ અને સિદ્ધિ ગણેશજીના સાથે જ સંકળાયેલાં છે. તેથી જ વેપાર હોય કે ઉદ્યોગ કે નવા ભવનનું નિર્માણ, વાસ્તુપૂજા હોય કે લગ્નપ્રસંગ કોઈ પણ કાર્યના શ્રીગણેશ કે આરંભ ગણેશ પૂજન વિના થતા નથી. ગણેશજી એ એવા પ્રાચીન દેવ છે જે અર્વાચીન પણ છે. ગણપતિ ગણોના દેવ હોવા પાછળ એક પ્રાચીન કથા પણ છે.

એક સમયની વાત છે, જ્યારે આર્યાવર્તનું હૃદય કાશી હતું. ત્યાં નરાંતક નામના અસુરના નેતૃત્વ નીચે અત્યાચારી અસુરોએ હાહાકાર મચાવ્યો. કાશીરાજાએ અને દેવોએ ગણેશજીને  આ અસુરના અત્યાચારથી બચાવવા પ્રાર્થના કરી. ગણેશજીએ ગણો સાથે  રહીને જનતાનું સૈન્ય તૈયાર કરી નરાંતકનો સંહાર કર્યો. સર્વત્ર ગણેશજીનો જયજયકાર થયો.  કાશીના રાજાએ કહ્યું આ વિજય આપના લીધે થયો છે. આપ અમારા સેનાપતિ બનો. ગણેશજીએ પદનો અસ્વીકાર કરતાં કહ્યું કે મારું કાર્ય પૂર્ણ થયું છે હું મારા આશ્રમમાં પાછો જઈશ. શોકાતુર કાશીના નગરજનોએ ગણેશજીની સ્મૃતિ જળવાઈ રહે તે માટે એક મૂર્તિ તૈયાર કરી તેની મંદિરમાં સ્થાપના કરી. આ દિવસ હતો ભાદ્રપદ સુદી ચતુર્થીનો. ગણેશજીને વિવિધ રાજ્યોમાં થઈ આશ્રમે પહોંચતાં દસ દિવસ થયા. ગણેશજીએ કહ્યું હવે દેશ મુક્ત બન્યો છે અને ગણરાજ્ય સ્થપાયું છે, હું મારા દેહનું વિસર્જન કરીશ. ગણેશજીએ અનંત ચતુર્દશીના દિવસે નદીમાં જ યોગ દ્વારા દેહ વિસર્જન કર્યું. આ પ્રસંગના ઉપલક્ષ્યમાં આજે પણ ભાદરવા સુદી ચતુર્થીએ ગણેશની સ્થાપના થાય છે અને અનંત ચતુર્દશીએ વિસર્જન. લોકો તેમનું પૂજન અર્ચન કરે છે.

કથાઓ ભૂતકાળ ભલે હોય પણ આજે પણ જે લોક ઉત્સાહ જોવા મળે છે, ઉત્સવનું વાતાવરણ જોવા મળે છે તે દર્શાવે છે કે ગણેશ એ આપણા જીવંત દેવ છે જે જીવનમાં જોમ, કાર્યમાં જુસ્સો અને હિંમત સાથે સિદ્ધિ તરફ દોરી જાય છે. મૂર્તિનું કદાચ વિસર્જન થાય પણ ગણપતિ જીવંત છે- આપણા સહુના મનમાં અને હૃદયમાં. ભારતીય પરંપરાને અનુલક્ષીને કદાચ વેપારીવર્ગ ‘શ્રી ગણેશાય નમઃ ‘ સાથે પોતાના હિસાબો શરૂ કરે છે અને અંતમાં નફા સાથે પૂર્ણ કરે છે, ત્યારે ગણેશજી શુભ અને લાભ બંનેના દેવ શા માટે છે તે સ્પષ્ટ થાય છે.

મહાભારત કથાલેખનના પ્રારંભ પૂર્વે મહર્ષિ વેદવ્યાસને પ્રશ્ન થયો કે તેમની વૃદ્ધ અવસ્થા અને આ તો મહાભારત લખવા જેવું કાર્ય, શી રીતે થશે? તેમણે આ કાર્ય ગણેશજીને સોંપ્યું. ઋષિ વેદવ્યાસ બોલે અને ગણેશજી લખે. આમ મહાભારત સંપન્ન થયું.

ગણેશજી એટલે ગજાનન. પૌરાણિક કથાને તત્વજ્ઞાન સાથે સંકલિત કરીએ તો જણાશે કે ગજાનન એટલે સફળતાનું સમીકરણ. ગજ એટલે કે હાથી જેવું મોટું મસ્તક એટલે કાર્યના આરંભ પહેલાં વધુ વિચારો.  લંબકર્ણ એટલે બહુશ્રુતપણું, સહુનું સાંભળો. આંખોમાં વિચક્ષણતા …હાથીમાં ઝડપ કરતાં વિચક્ષણતાનું પ્રાધાન્ય છે. મોટું પેટ એટલે જરૂરી માહિતી  ગોપનીય રાખવી. વાહન મૂષક એટલે નાના અને નગણ્ય લેખાતા વ્યકિત કે વસ્તુનો કાર્યસિદ્ધિ માટે ઉપયોગ.  આવા ઉત્તમ ભાવ અને ભક્તિના વાતાવરણમાં  જ્યારે ગણેશજીનું સ્મરણ થાય, પૂજન થાય, કલ્યાણમય હેતુ હોય અને શક્તિની સંપન્નતા હોય તો કયું કાર્ય સિદ્ધ ન થાય? સ્મરણ કરીએ મંગલમૂર્તિ શ્રી ગણેશજીનું અને જયઘોષ સંભળાય – ‘જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ…’

રીટા જાની
10/09/2021

સ્પંદન-33

તેજ હો તલવાર, પણ હો મ્યાન
તો કેમ ચાલશે?
ખોવાય જો વીજ ચમકાર વાદળમાં
તો કેમ ચાલશે?
ડોલતી હો નૈયા, ન મળતું સુકાન
તો કેમ ચાલશે?
સફળતાની સીડી મળી, ખોવાયું સ્વમાન
તો કેમ ચાલશે?

માન વગરનું મયૂરાસન, સ્વમાન વગરનું સિંહાસન, આત્મગૌરવ વિનાનું જીવન ભલે સફળતાઓથી છલકાતું હોય, તો પણ આત્મસંતોષ આપી શકતું નથી. જે તલવારની ધાર તેજ નથી, જે વાદળમાં વીજનો ચમકાર નથી, તે હોઈને પણ  ન હોવા બરાબર છે. તે જ રીતે જે આંખમાં સ્વમાનનો અણસાર નથી, તેને મળતી સફળતા એ ભિક્ષાપાત્રની સોગાદ છે.

સફળતાની સીડીનું આરોહણ કરવા આજે જાણે કે હોડ લાગી છે. માણસ કોઈ પણ ભોગે સફળતા હાંસલ કરવા ઈચ્છે છે. સફળતાની કિંમત કદાચ કંઈ પણ હોય તો પણ માણસ અચકાતો નથી. પરંતુ સ્વમાન વગર મળતી સફળતા સિદ્ધિઓના સ્મશાન જેવી લાગે છે. ખોખલું જીવન આનંદ આપી શકતું નથી. પ્રશ્ન એ થાય કે જીવનની સફળતા કેવી હોવી જોઈએ? સફળતાની મૂલવણી કેવી રીતે થઇ શકે?

આજના વિશ્વ તરફ નજર કરીએ તો સામાન્ય રીતે શું નજરે પડે છે? વાંકાચૂકા, ઉબડખાબડ, મુશ્કેલ કે કંટકછાયા માર્ગ પર કોઈને જવું નથી. સૌને ગમે છે સીધો, સપાટ, સુંવાળો ધોરી માર્ગ. સૌને ખપે છે સફળતાનો શોર્ટકટ. ઇન્સ્ટન્ટ ફૂડના આ યુગમાં સિદ્ધિ, સફળતા અને મંઝિલ પણ ઇન્સ્ટન્ટ જોઈએ છે. માણસને પોતાની પર્સનાલીટી એટલે કે મહોરું પહેરી સમાજમાં છવાઈ જવું છે. એ માટે ક્યારેક સ્વમાનના ભોગે પ્રયત્નો અને પ્રપંચો કરવામાં આવે છે. પોતાની મૌલિકતા સિદ્ધ કરવાના સ્થાને ઉછીના જ્ઞાનનો આડંબર દેખાડવો છે. આપણી પાસે બાહ્ય જ્ઞાન કે પોપટિયું જ્ઞાન છે, માહિતી છે, વ્યક્તિત્વ છે પણ દુઃખની વાત એ છે કે આપણું પોતાનું કશું જ નથી… ન જ્ઞાન, ન મૌલિકતા, ન સ્વત્વ. પાછો એ ઉછીના જ્ઞાનનો ઘમંડ પણ છે. પોતાનામાં શ્રધ્ધા નથી તેથી લૂલા લંગડાની માફક કાખઘોડીના સહારે ચાલીએ છીએ. જો મુક્તિના માર્ગે આગળ વધવું હોય, સફળતાના શિખરો સર કરવા હોય તો આ કાખઘોડી ફગાવીને સ્વમાન અને સ્વાભિમાનના રસ્તે આપણા ચરણ માંડવા પડશે. જો આપબળે પગ માંડીશું તો આપણા જ પગ તળે લપાયેલો રસ્તો ઉઘડ્યા વિના રહેશે નહિ.

વાસ્તવિક જીવનમાં સ્વમાન અને સ્વાભિમાન પ્રસંગો જોવા ઇતિહાસમાં બહુ દૂર જવાની જરૂર નથી. સૌ જાણે છે કે ટ્રેનની ફર્સ્ટ કલાસની ટિકિટ હોવા છતાં આફ્રિકામાં ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવેલ મોહનદાસ ગાંધીના સ્વમાન અને સ્વાભિમાનને પહોંચતી ચોટ તેમને મહાત્મા ગાંધી બનાવવામાં  કારણભૂત બને છે અને ભારતને સ્વાતંત્રની મંઝિલ સુધી દોરી જાય છે.

એવું કહેવાય છે કે જમશેદજી ટાટાએ તાજ હોટેલ બાંધવાનો નિર્ણય કર્યો તેનું કારણ તેમને થયેલો એક કડવો અનુભવ છે. બ્રિટિશ યુગની ભવ્ય વોટસન હોટેલમાં એક વાર તેમને પ્રવેશ ન મળ્યો, કારણ કે ફક્ત ગોરા લોકોને જ તેમાં પ્રવેશ મળતો. જમશેદજી તાતાએ આ અપમાનને સમગ્ર ભારતીય સમાજનું અપમાન ગણ્યું. તેમણે એક એવી હોટેલ બાંધવાનું નક્કી કર્યું જ્યાં ફક્ત ભારતીયો જ નહીં પણ વિદેશીઓને પણ કોઈ પણ જાતના પ્રતિબંધ વિના પ્રવેશ મળે. આમ પ્રારંભ થયો વિશ્વના આકર્ષણરૂપ બનેલી વૈભવશાળી તાજ હોટેલનો.

સ્વમાનનો બીજો એક જાણીતો કિસ્સો છે. ભાવનગર નરેશ ભાવસિંહજી મહારાજે પોતાના મહેલમાં મિજબાનીનું આયોજન કરેલું. તેમાં ભાયાતો સાથે અમલદારો અને મિત્રોને પણ નોતર્યા હતા. ભોજન સાથે વ્યંગ અને હાસ્યરસ ચાલતો હતો. મિજબાની પૂરી થતાં સૌએ હાથ – મોં ધોયા. મહારાજ પણ હાથ – મોં ધોઈ પાસે બેઠેલા અધિકારીના ખેસથી લૂછવા લાગ્યા. પેલા અધિકારી પોતાની જગ્યા પરથી ઉભા થઈ ગયા. ક્રોધથી તેમની આંખો લાલ બની. તેમણે ખેસ જમીન પર ફેંકી દીધો અને કહ્યું કે સ્વમાન મને પ્રાણ કરતાં પણ વધુ વહાલું છે. મહારાજને પણ પસ્તાવો થયો. પણ એ સ્વમાની અધિકારીએ પછી જિંદગીભર ખેસ ધારણ ન કર્યો. આ સ્વમાની અધિકારી હતા  મણિશંકર રત્નજી ભટ્ટ  ઉર્ફે ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ ‘કાન્ત’.

સ્વમાન અને ફરજપરસ્તીનો બહુ રસપ્રદ કિસ્સો મહાત્મા ગાંધીના દાદા ઉત્તમચંદ ગાંધીનો છે. ગાંધી પરિવાર કુતિયાણા ગામમાંથી ઉદ્ભવ્યો હતો, જે  જૂનાગઢ રજવાડાનો ભાગ હતો. કરમચંદના પિતા ઉત્તમચંદ પોરબંદરના રાણા ખીમોજીરાજના  કારભારી  હતા. ઈ. સ. ૧૮૩૧ માં, રાણા ખીમોજીરાજનું અચાનક અવસાન થયું અને તેમના પછી તેમનો ૧૨ વર્ષનો એકમાત્ર પુત્ર, વિકમતજી ગાદીએ આવ્યો. પરિણામે, રાણા ખીમોજીરાજજીની વિધવા, રાણી રૂપાલીબા, તેમના પુત્રના વાલી (રિજેન્ટ) બન્યા. તેમની ઉત્તમચંદ સાથે ખટપટ થવાથી તેમને જુનાગઢમાં તેમના વતનમાં પાછા ફરવાની ફરજ પડી. જૂનાગઢમાં, ઉત્તમચંદ ત્યાંના નવાબ સમક્ષ હાજર થયા અને તેમણે જમણાને બદલે ડાબા હાથ વડે સલામ કરી, તેનો જવાબ તેમણે એ આપ્યો કે તેમનો જમણો હાથ પોરબંદરની સેવામાં વચનબદ્ધ છે. ફરી જ્યારે વિકમતજી ગાદી એ આવ્યો ને તેમને સ્વમાનભેર પાછા બોલાવ્યા ત્યારે ત્યાં ફરી દીવાન બન્યા.

તાજ હોટેલના જેવો જ ઝળહળતો કિસ્સો એટલે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની  સ્થાપનાની  સાથે સંકળાયેલ વાત.  આજની આ રાષ્ટ્રીયકૃત બેંકના સ્વપ્નશિલ્પી હતા સર સોરાબજી   પોચખાનવાલા, જેમણે પોતાના આદર્શવાદ, પરિશ્રમ અને કાબેલિયતથી સંપૂર્ણ  સ્વદેશી બેંકની માત્ર 30  વર્ષના યુવાન વયે સ્થાપના કરી. તેઓ જે બેંકમાં કાર્યરત હતા એ પણ ભારતીય બેંક હતી પણ બધાં જ  ઉચ્ચ હોદ્દાઓ પર યુરોપિયન હતા. એટલું જ નહિ પણ પગારમાં મોટી વિસંગતતા હતી. તેમના મેનેજરને 5000 મળે અને એકાઉન્ટન્ટ તરીકે તેમને માત્ર 200 રૂપિયા મળતા. સ્વમાની સોરાબજીએ બેન્ક મેનેજર શ્રી. સ્ટ્રિંગફેલોને રાજીનામું ધરી દીધું અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની  સ્થાપના કરી પોતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું. તેમણે ભારતીય બેન્કિંગ ક્ષેત્રે એવું અદ્વિતીય યોગદાન આપ્યું કે બ્રિટિશ સરકારે પણ તેમને નાઇટહૂડથી નવાજ્યા.

સો વાતની એક જ વાત કે સ્વમાનના ભોગે જડ સાધનોના ખડકલા કરવામાં, ફક્ત ધન એકત્રિત કરવામાં અને ક્ષણભંગુર પ્રતિષ્ઠા મેળવવામાં જીવન ન વેડફીએ. જીવનમાં ભરેલા ચેતનાના ભંડારને શોધી કાઢીએ, હૃદયને ઉત્સાહથી ભરપૂર રાખીએ.  જીવન માટીના પિંડ સમાન છે. વ્યકિત ધારે તેવો આકાર આપી શકે છે. માનવઘટને પણ અનેક પ્રક્રિયાઓ, સંસ્કારો અને ઘટનાઓમાંથી પસાર થવું પડે છે. સ્વમાન એ એવું ટાંકણું છે જેનાથી જીવનની મૂર્તિનો ઘાટ દીપી ઉઠશે. દરેકના જીવનમાં પ્રકાશ અને પ્રેરણાની પળો અચૂક આવે છે. એ પળોને ઓળખીને જીવનને સફળ અને સભર બનાવીએ. સ્વમાન અને સ્વાભિમાનના હલેસાં વડે જીવનની નાવને મંઝિલ સુધી પહોંચાડીએ.


ચોગમ જેની ખ્યાતિ પ્રસરે
સુવાસ જેની હરદમ મહેકે
આંખ ઊઠે આંબવાને આભ
હૈયે ભરી છે એવી હામ
મારગમાં હોય કંટક, ન થંભે
થાક્યા વિના સતત ઝઝૂમે
હૈયું સજાવે સ્વાભિમાને
મસ્તક સદા રહે ઊંચું સ્વામાને.

રીટા જાની
03/09/2021

સ્પંદન-32


વ્રજમાં વૈકુંઠ અનુભવાય છે
મોરલીના સૂરમાં માધવ કળાય છે
યમુનાજીના નીર ભક્તિએ છલકાય છે
મોહનની માયામાં નેણ ભીંજાય છે
મોરપિચ્છનો રેશમી સ્પર્શ થાય છે
કાનાની લગનીમાં દુનિયા વિસરાય છે
મીરાં, રાધા,ગોપી રૂપે કૃષ્ણમય બનાય છે
શ્રદ્ધાથી જય જય શ્રીકૃષ્ણ કહેવાય છે.

વિરાટનું વર્ણન એટલે ગાગરમાં સાગર. સ્વાભાવિક છે કે શબ્દો ખૂટે પણ પ્રેરણાનું ઝરણું હોય, ઈશ્વરના આશીર્વાદ હોય તો વાચા ફૂટે. જન્માષ્ટમી એ એવી ઘડી છે જે સોહામણી પણ છે અને રળિયામણી પણ. આનું કારણ છે કૃષ્ણ. કૃષ્ણ એ વ્યક્તિ જ નહિ પણ વ્યક્તિત્વ છે જે સદીઓ કે હજારો વર્ષો પછી પણ આપણને પ્રેરણા આપે છે. જીવન એ ઈશ્વરની સોગાદ છે, પણ જો તે શ્રેષ્ઠ રીતે જીવાય તો પ્રભુનો પ્રસાદ છે. આ માટે પ્રેરણા અને જ્ઞાન આપી શકે કૃષ્ણ. કારણ કે કૃષ્ણ માત્ર દ્વારિકાધીશ નથી, કૃષ્ણ છે જગદગુરુ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે.  કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ, કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે? આવા અનેક પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હ્રુદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે. આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે.

કૃષ્ણ એ વ્યક્તિ નથી પણ વિભૂતિ છે. વિભૂતિમય વ્યક્તિત્વના સ્વામી છે કૃષ્ણ. કૃષ્ણ માનવદેહમાં પણ ચમત્કારિક વ્યક્તિત્વ ધરાવે છે. કૃષ્ણ ઘનશ્યામ છે પણ તેનું વ્યક્તિત્વ છે મેઘધનુષી. તેમાં એક નહિ અનેક રંગો દેખાશે. કૃષ્ણ  રસાવતાર છે. કદાચ  માતા યશોદા તેને ખાંડણીયા સાથે બાંધી શકે તેવા નિર્દોષ બાળક છે પણ સાથે જ તેમની સમર્થતા રાક્ષસોને મારવાની છે તે સિદ્ધ કરી આપે છે. કૃષ્ણ બાળક થઈ ગોકુળના મિત્રો સાથે  ગેડી દડાથી રમી શકે છે તો સાથે જ કાળીનાગને નાથી શકે છે. સામર્થ્ય અને ગતિનું અદભુત મિશ્રણ છે કૃષ્ણમાં. ગોકુળમાં ગોપીઓ સાથે રાસ રમતા કૃષ્ણ ગોકુળ અને રાધાજીને છોડીને મથુરા જઈ કંસનો વધ કરી શકે છે. સામર્થ્ય સિદ્ધ કર્યા પછી પણ કૃષ્ણ મથુરામાં રહેતા નથી. કૃષ્ણની ગતિ છે દ્વારિકા તરફ. સામર્થ્ય અને ધ્યેયલક્ષી દ્રષ્ટિ હોય તો સોનાની દ્વારિકા વસાવી શકાય તેવો આશાવાદ કૃષ્ણના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. સુદામાના બાળમિત્ર કૃષ્ણ દ્વારિકાધીશ છે છતાં તાંદુલ સ્વીકારી શકે છે પણ પ્રત્યક્ષ કશું આપતા નથી. પરંતુ અપ્રત્યક્ષ રૂપે સુદામાને એટલું બધું આપે છે કે સુદામા માની પણ શકતા નથી. આદર્શ મિત્રતાની ભેટ અપ્રત્યક્ષ પણ હોઈ શકે તે દર્શન કૃષ્ણ કરાવી શકે છે. કૃષ્ણ અર્જુનના સખા છે અને મહાભારતના યુદ્ધમાં તેના સારથિ પણ છે.

કૃષ્ણનું  બાળપણ વાંસળી સાથે સંકળાયેલું છે.  કૃષ્ણની વાંસળીની મોહિની અનેક કવિઓએ ગાઈ છે. આ વાંસળીએ માનવ હોય કે પશુ-પંખી, બધાં પર પોતાના કામણ કર્યા છે. કૃષ્ણની બાળલીલા, પરાક્રમો નાના બાળકો જ નહીં પણ મોટાઓનાં દિલ પણ હરી લે છે. દ્વારિકાધીશ કૃષ્ણ હરહંમેશ પાંડવોના સખા, સાથી કે હિતચિંતક તરીકે આપણે જોયા છે. દ્રૌપદીના ચીરહરણના પ્રસંગે, મહાભારતના યુદ્ધ પ્રસંગે કે યુદ્ધ પૂરું થયા બાદ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર પ્રસંગે કૃષ્ણ પાંડવોની ઢાલ રહ્યા છે. પાર્થસારથી વિના પાર્થની કલ્પના અપૂર્ણ છે.

કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના.  કનૈયાલાલ મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय:  કૃષ્ણની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોરપિચ્છ સમાન છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા ….અને ઘણું બધું.

કૃષ્ણ માત્ર પ્રણાલિકા ભંજક નથી , વિનોદી અને વ્યવહારકુશળ જ નથી,  કૃષ્ણ છે સામર્થ્ય અને સ્નેહ; કૃષ્ણ છે વાત્સલ્ય અને પ્રેમ. આપણી આંખો સમક્ષ એ જ મૂર્તિ પ્રસ્તુત છે…એ જ મોહિની…કૃષ્ણ એટલે જ મોહન…મનમોહન. ભગવદ ગીતાના પ્રવકતા, બાળકોથી લઈને મોટાઓ સુધી સૌના હૃદયમાં જે વસ્યા  છે  તે કૃષ્ણ આજના આધુનિક યુગમાં મેનેજમેન્ટના વર્ગોમાં અને કોર્પોરેટ  દુનિયામાં પણ માનીતા છે. કૃષ્ણ માત્ર નેતા નથી, તે છે યુગપુરુષ.  યુગપુરુષ માત્ર અંગત લાભના મોહને ત્યજીને એક એવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સર્વનું કલ્યાણ હોય.

કૃષ્ણ પ્રગટ થાય છે,  ધર્મની શ્રેષ્ઠ સમજ સાથે, ધર્મની પ્રચલિત માન્યતાઓથી વિપરીત. ધર્મ એ કેવળ આશા નથી, ક્રિયાકાંડ નથી; રોષ, લોભ કે ભયથી પ્રેરાઈને જે કંઈ થાય છે, એ પણ ધર્મ નથી. નિર્બળતાથી ઉપર ઊઠીને જાતને ઘડવાનો સંકલ્પ એ ધર્મ છે. અને એટલું જ બસ નથી. ધર્મ એ દર્શન , સંકલ્પ અને કર્તવ્ય  છે, જેનું દર્શન કૃષ્ણના જીવનમાં થાય છે.

પરંતુ જન્માષ્ટમીએ દર વર્ષે પ્રગટ થતા કૃષ્ણ એ ‘ગોવિંદા આલા રે આલા’ વાળા બાલ સ્વરૂપ શ્રીકૃષ્ણ છે જે આપણી સામાજિક ચેતના છે. આ કૃષ્ણ નથી મુત્સદ્દી કે રાજનીતિજ્ઞ કે નથી ગીતાના જ્ઞાનમય કૃષ્ણ. આ કૃષ્ણ એ કૃષ્ણનું એવું બાલ સ્વરૂપ છે, જે દરેકને આનંદવિભોર કરી દે છે. કૃષ્ણ અનેકવિધ રંગો ધરાવનાર વિભૂતિ છે પણ જન્માષ્ટમી એ ભક્ત હૃદયમાં વિરાજમાન કૃષ્ણ બાલકૃષ્ણ છે. તેનો સબંધ દિમાગ નહિ દિલ થી છે. મન કરતાં તે હૃદયની વિશેષ નજીક છે. જો આ બાલસ્વરૂપ કૃષ્ણ આપણા  હૃદયના ભાવોમાં વ્યક્ત થાય તો  કૃષ્ણ દૂર નથી, સાથે જ છે. કારણ કે કૃષ્ણ માત્ર વિભૂતિ નથી, અનુભૂતિ છે. આ અનુભૂતિ એ જ ભક્તિ, તેનો સાક્ષાત્કાર એ જ આપણા જીવનની ધન્યતા. આ અનુભૂતિ થાય ત્યારે દિલમાં કૃષ્ણ છવાશે, રોમરોમમાં આનંદ હશે, મનમાં બંસીનો વેણુનાદ હશે. આવી અનુભૂતિ અને કૃષ્ણમય કર્મયોગની સહુને શુભેચ્છા… જય શ્રીકૃષ્ણ.

રીટા જાની
27/08/2021

સ્પંદન-31


હૃદયમાં નિર્દોષ વ્હાલનો ઝગમગાટ
આંખોમાં અમીરસ ભરેલો તરવરાટ
બાળપણની મધુરી યાદોનો સળવળાટ
મોંઘેરા મિલન થકી હાસ્ય ખિલખિલાટ
હોઠો પર ગમતાં ગીતોનો ગણગણાટ
મહેકે છે ઉષ્માભર્યા હેતનો મઘમઘાટ
ભાઈબહેનનો  રક્ષાબંધનનો થનગનાટ
જીવન સફર લાગણીએ જાય સરસરાટ.

જીવન છે પુષ્પ…અવનવા રંગો છલકાવે, પ્રતિદિન સુવાસ ફેલાવે. આ સુવાસ છે સંબંધોની. માણસ એકલો નથી, અટૂલો નથી તેનો એહસાસ પળ પળ થાય, ખુશીઓના વાવેતર થાય તો રંગોને, સુવાસને છલકાતાં કોઈ રોકી શકે નહીં અને જીવન આનંદથી છલકાતો ઉત્સવ બને.

પણ ઉત્સવ એટલે શું? ક્યારે એવું લાગે કે જીવન એક ઉત્સવ છે? માણસ એ માત્ર ભૌતિક જરૂરિયાતોથી જ આનંદ પામે છે તેમ નથી. માણસ એટલે તનની સાથે રહેલું મન. મન એ મનોભાવોનું વિશ્વ છે. જીવન રોજબરોજની ભાગદોડમાં એટલું વ્યસ્ત હોય છે કે તેને મનની વાત સાંભળવાનો જ અવસર હોતો નથી. માત્ર ભૌતિકતા જીવનને યાંત્રિક અને નીરસ બનાવે છે. એકધારું યંત્રમય જીવન અભિશાપ બને છે. આવા સંજોગોમાં ઉત્સવ જીવન પ્રાણ બને છે. ઉત્સવ દિલની લાગણીઓને વ્યક્ત થવાની તક આપે છે. નીરસ જીવન પૂર્ણતા તરફ પ્રગતિ કરે છે અને  રસમયતા તરફ ગતિ કરે છે. સમયાંતરે પ્રાપ્ત થતી આવી તકો એટલે ઉત્સવ.  ઉત્સવમાં લાગણીઓ વ્યક્ત થાય અને માનવસંબંધોની ઉષ્મા પ્રગટ થાય. આ વિચારને ધ્યાનમાં રાખી માનવ સમાજ વિશ્વમાં ઉત્સવ ઉજવતો રહ્યો છે. ભારતીય પરંપરાઓ તો સદીઓથી અને પૌરાણિક કાળથી ચાલી આવે છે.

અર્વાચીન જીવન કદાચ આધુનિક હશે પણ તેમાં એક સ્ટ્રેસ કે તાણ અનુભવનારા લોકોની સંખ્યા ઓછી નથી. ભૌતિકતા મનોભાવોને વ્યક્ત કરવામાં ટુંકી પડે છે. કૃત્રિમતાના લિબાસમાં કુદરતી આનંદ આવતો નથી. ટીવી પર પ્રવાસની સીરિયલ જોઈને સમુદ્રને જોઈ શકાય પણ સમુદ્રમાં નહાવાનો કે પગ પલાળીને આનંદિત થવાનો અવસર તેમાં મળતો નથી. આધુનિક વિજ્ઞાન ક્યારેક માનવીને મંગળના ગ્રહ પર વસતો કરી દે તો પણ વતનની માટીની સુગંધ સાથે વ્યક્ત થતા મનોભાવો ક્યારેય આપી શકે નહિ. ઔપચારિક સ્મિતથી છલકાતા સંબંધો પણ કુદરતી પ્રેમની ઉષ્મા આપવામાં અધૂરા હોય છે તે સહુનો અનુભવ છે. આથી જ ઉત્સવ એટલે એવો અવસર જે તનમાં ઉત્સાહ અને મનમાં આનંદ પ્રેરી શકે. આવા ઉત્સવો અવાર નવાર આવે અને જીવન એક ધબકાર અનુભવે. ભારતીય પરંપરામાં આવો એક ઉત્સવ એટલે જ રક્ષાબંધન.


         રક્ષાબંધન એટલે જ બહેન અને ભાઈના પવિત્ર પ્રેમ અને લાગણીનો ઉત્સવ. આ ઉત્સવ સામાજિક કરતાં કૌટુંબિક વિશેષ છે.  કુટુંબ એ સમાજનો પાયો છે.  કુટુંબનો પાયો છે આત્મીયતાની લાગણી.  કુટુંબ એ પુષ્પગુચ્છ છે અને તેની સુવાસ અને આત્મીયતા એ જ સમાજને શક્તિશાળી બનાવે છે. પરિવારની શક્તિ એટલે પરસ્પરનું ખેંચાણ અને આત્મીયતા. પરિવારની ડાળીના ફૂલ એટલે ભાઈ અને બહેન.  રક્ષાબંધન એટલે આ ડાળીના ફૂલોની સુવાસ. દર વર્ષે જ્યારે શ્રાવણ મહિનાની પૂર્ણિમા કે નાળિયેરી પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે રક્ષાબંધન ઉજવાય છે. દરેક બહેન પ્રતિક્ષા કરે છે ભાઈની. આ દિવસે રક્ષા કે રાખડી બહેન ભાઈના હાથે બાંધે છે અને ભાઈના સુખ અને કલ્યાણની કામના કરીને અંતરના આશીર્વાદ આપે છે કે ભાઈની રક્ષા થાય. ભાઈ પણ આભારી થઈને પ્રેમથી બહેનને રક્ષાબંધનની ભેટ આપે છે. પરિવારનો સામૂહિક મેળો યોજાય છે, આનંદ અને ઉત્સાહ વાતાવરણમાં છવાય છે. અગાઉ તો ગામો નાનાં અને અંતર નજીક હતાં.  ભાઈ બહેન રૂબરૂ મળી આ ઉત્સવની ઉજવણી થતી. પરંતુ આધુનિક વિશ્વ ગતિશીલ છે. ભાઈ અને બહેન વચ્ચેના ભૌતિક અંતર વધ્યાં પણ જ્યાં મનની એકતા અને લાગણી હોય ત્યાં કોઈ અંતરાય હોતો નથી. આજે પણ રક્ષાબંધનનો દિવસ એટલે ભાઈબહેનના મિલનનો દિવસ. દરેક ભાઈ પોસ્ટમેન પાસેથી રાખડી ક્યારે આવે તેની વાટ જોતો હોય છે. બહેન પણ આ પ્રસંગ ભૂલતી નથી. જ્યાં ભૌતિક અંતર માઈલોનું હોય પણ લાગણીનું અંતર ન હોય ત્યાં હરહંમેશ આ દિવસ ગૌરવ અને પ્રેમ તથા આત્મીયતા સાથે ઉજવાય છે. ક્યારેક ભાઈ ન હોય કે ભાઈ ને બહેન ન હોય તો આંખોમાંથી આંસુ ટપકતાં વાર લાગતી નથી. આ આંસુ ભાવુકતાના હોય છે. બહેન કે ભાઈનો અભાવ આ દિવસે સહુને વરતાય છે. દિવસ કદાચ પુરો થાય પણ આત્મીયતાની સરવાણીઓ સુકાતી નથી. સમયનો પ્રવાહ વહે છે, જીવન ફરી તાલમય ગતિના ક્રમમાં ગોઠવાય છે. ઉત્સવની સુવાસ અનુભવાય છે.

સરિતાના જળ અને સમયની પ્રત્યેક પળ વહેતી હોય છે. સંસ્કૃતિ પણ સમયની સરવાણી છે. આપણા ઉત્સવો પણ પ્રાચીન સંસ્કૃતિ સાથે અને ઇતિહાસના સમયખંડો સાથે જોડાયેલા હોય છે. રક્ષાબંધનનો પ્રાચીન ઉલ્લેખ ઈન્દ્રાણીએ  ઇન્દ્રને બાંધેલ રક્ષાસૂત્રમાં જોવા મળે છે. બીજી કથા બલિરાજા અને લક્ષ્મીની પણ છે, જ્યારે લક્ષ્મીજીએ બલિરાજાને રક્ષાબંધન કરેલું.  એક રસપ્રદ કથા ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીની પણ છે. જ્યારે ભગવાન કૃષ્ણના હાથમાં ઇજા થતાં લોહી વહેતું હોય છે ત્યારે હાજર દ્રોપદી પોતાની સાડીનો છેડો ફાડી કૃષ્ણ ને પાટો બાંધે છે. કૃષ્ણ પણ દ્રોપદીના વસ્ત્રાહરણ સમયે ભાઈ બનીને પોતાની ફરજ નિભાવે છે અને સતત સાડીઓ પ્રદાન કરે છે.  વસ્ત્રાહરણની વિવશતામાં દ્રૌપદીની રક્ષા કરે છે. પુરાણકાળથી આગળ વધીએ તો ચિત્તોડની રાણી કર્ણાવતી પર જ્યારે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ  આક્રમણ કરે છે ત્યારે  રાણી બાદશાહ હુમાયુને રાખડી મોકલે છે અને હુમાયુએ રક્ષા કરેલી તેવી વાત પ્રસિદ્ધ છે.  ભાઈ અને બહેનના સ્નેહને અમર કરતી કથાઓ ઉભરતી રહે છે. તાજેતરમાં લંડન સ્થિત ભારતીય મૂળની લેખિકા બિના બ્રિગ્સના બેસ્ટ સેલર  પુસ્તક “The Red Thread” માં પણ વસ્તુતઃ આ જ વિષયને લઈને વાસ્તવિક જીવનની પ્રેરણાદાયી વાતો ખૂબીપૂર્વક રજૂ થઈ છે.  

સમયના તાણાવાણા સાથે આગળ વધતું જીવન રક્ષાસૂત્રની મંગલકામનાઓ વ્યક્ત કરે છે. એક તરફ રાખડીનું બંધન અને બીજી તરફ બહેનના સંકટ સમયે રક્ષાનું વચન. વચન એ બંધન છે, પણ સ્નેહના ધાગાથી શોભતું આ બંધન – રક્ષાબંધન- એ છે જીવન ચંદન. ચંદનની આ શીતળ સુવાસિત મહેક સહુ ભાઈ બહેનના સ્નેહમાં મહેકે તેવી મંગલ કામના.

રીટા જાની
20/08/2021

અજ્ઞાતવાસ-૩૧

દુ:ખ ભરે દિન બીતેરે ભૈયા…અબ સુખ આયો રે..

મારી બેરંગ જિંદગીમાં રોજ રોજ એક એક રંગ ઉમેરાતાં જતાં હતાં.ઘોડા સાથે મારે જન્મોજનમનો નાતો હોય કે શું મને નથી ખબર! પણ ઘોડા સાથે હું રહું ત્યારે મને મારું જીવન ખૂબ આનંદમય અને હર્યું ભર્યું લાગતું. એકબાજુ Dr. Steven Buttenbauch મને ઘોડા અંગે સરસ જાણકારી એમની સાથે ફેરવી શીખવી રહ્યાં હતાં. તો અકબર એન્સીનોમાં તેના માલિક અરવિંદ પટેલનાં મારી પર ચાર હાથ હતાં. અડધા દિવસ તો તે મને તેમની સાથે ડ્રીંક પીવા બેસાડી સરસ જમાડતાં અને મારી પાસેથી ઘોડાની રેસની જાણકારી લેતાં. મને તેમની સાથે અને તેમનાં બીજા મિત્રો સાથે રેસ રમવા પણ લઈ જતાં.

 
રેસકોર્સમાં Gosden નાં તબેલામાં રહેતાં જેક વ્હીન્સી હંગેરીનો છોકરો મારો ખાસ મિત્ર થયો હતો.તે pedigree માં બહુ જ હોંશિયાર. કોઈપણ ઘોડો બતાવો,તો તેના સાત પેઢીની આખા ફેમિલીની જાણકારી,તેની બહેન,મા બાપ,માસી,મામા ફોઈ,તે કહી દેતો. આ જાણકારી થકી તે ઘોડામાં ક્યા જિન્સ છે અને તેનાં સગાં કંઈ રેસ જીત્યાં છે તેની બ્રાન્ડ વેલ્યું જાણવા મળતી.છોકરાં છોકરીને પરણાવવા જેમ કુળ જૂએ તેમ ઘોડાને રેસમાં ભાગ લેવડાવતાં તેની પણ આ pedigree જોવામાં આવતી. ઊંચી જાતના ઘોડાનો ભાવ પણ ઊંચો રહેતો.જેક વ્હીન્સીએ મને Mike harmatuck ની ઓળખ કરાવી જે ન્યુયોર્કથી આવેલ ટ્રેનર હતો. તે બે ઘોડા લાવેલો પણ તેમાં તેનો ‘skip out front ‘ઘોડો બહુ સરસ હતો.એકવાર Gosden નો ખૂબ મોંઘો ઘોડો સફેદ ‘સરુદ’ને હરાવી Skip out front જીતી ગયો. Mike તેને ફ્લોરીડાથી માત્ર ૩૦,૦૦૦ ડોલરમાં ખરીદીને પછી ખૂબ સરસ ટ્રેઈન કર્યો હતો. તે ઘોડો પણ તેનાં તબેલામાં Mike અને જેક સિવાય કોઈને ઘૂસવા દેતો નહોતો.પણ મને જોઈને અંદર તબેલામાં તેણે મને આવવા દીધો. એટલે Mike અને જેક બંને નવાઈ પામી ગયાં.

માઈક ઘોડાને grooming કરતો.મને પણ ઘોડાને આટલો પ્રેમ કરતાં જોઈ grooming કરતાં માઈકે શીખવ્યું.
ઘોડાને ગ્રુમીંગ કરવું એટલે તો સૌથી પહેલાં તેને એટલો પ્રેમ કરવો કે તે આત્મવિશ્વાસથી secure બની જાય.curry comb અને Hard brush થી તેનાં શરીરને સાફસુથરું બનાવી દેવાનું,સોફ્ટ બ્રશથી તેનાં સેન્સીટીવ પાર્ટને સાફ કરવાના,તેનાં પૂંછડીનાં વાળ અને કેશવાળીને શેમ્પુથી સાફ કરી ધોઈ ,કન્ડીશનર લગાવવાનું,તેનાં સ્પેશિયલ બ્રશથી વાળ ઓળી સરસ ચોખ્ખી ગૂંચો કે ગાંઠો વગરની રાખવાની,જેથી પૂંછડીનાંને કેશવાળીનાં વાળ ચમકદાર રહે. તેને આખા શરીરે ઘસીને માલિશ કરી નવડાવી તેનો coat ચકચકાટ કરવો જેથી ઘોડો એકદમ રૂપાળો અને પાણીદાર લાગે.આ બધું એટલાં પ્રેમથી કરવું જેથી ઘોડો તમારી બધી ભાષા ,તમારા વર્તન પરથી જ સમજી તમારા પર વિશ્વાસ મૂકે છે તમને સાંભળે છે અને તમે કહો તેમ કરે છે અને તમને તમારા ખભા પર તેની ડોક મૂકી પ્રેમ પણ કરે છે. ઘોડો તેનો પ્રેમ દર્શાવવાં પ્રેમભરી હણહણાટી કરી ,તમારા ચહેરા પર તેના ઉચ્છ્વાસ ફેંકી તમારા માટે પ્રેમ અને માનની લાગણી દર્શાવે છે.આ બધી સમજ મને માઈકે આપી.
 


તે એકલો હતો. તેના પત્ની અને બાળકો ન્યુયોર્ક રહેતા.ગ્રુમીંગ કરેલ તેનો ઘોડો spike out front જુદી જુદી રેસોમાં થઈને ત્રણ મિલીયન ડોલર કમાયો અને Gosden નાં ખૂબ ઊંચી બ્રીડનાં મોંઘા ઘોડાને હરાવી દીધો.ઘોડા સાથેની દોસ્તી શીખવતાં અમારી દોસ્તી એવી ગહેરી થઈ ગઈ કે ,માઈક મને અઠવાડિયામાં બે ત્રણ વખત સરસ મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા લઈ જતો ,તો Buttenbauch ઘોડા વિશે દાક્તરી જ્ઞાન આપતા આપતા તેમની સાથે લંચ કરવા મને કેટલીયે વાર લઈ જતાં.આમ મિત્રો અને ઘોડા સાથે દિવસનો ટાઈમ ખુશી ખુશી પસાર થતો હતો.તો સાંજે અકબર રેસ્ટોરન્ટમાં Sepeidehની પ્રેમભરી દોસ્તી સાથે રોમાંન્સ સભર સમય મને જાણે મારું જીવન અહીં જ અટકી જાય તેવો આસમાનમાં ઊડવાનો અનુભવ કરાવતો હતો.

અકબર રેસ્ટોરન્ટમાં બધાંને મારી ઈર્ષા થતી. અકબરમાં રૂપસુંદરી જેવી ઈરાની SePeidehસાથે મારે દોસ્તી હતી.બીજા યુવાનો પોતે રહી ગયાની લાગણી અનુભવતાં હતાં.Sepeideh ખૂબ શાંત સ્વભાવની હતી. રેસ્ટોરન્ટમાં આવતા યુવાનો તેમજ અરવિંદભાઈનાં સગાનાં ,પાર્ટનરનાં છોકરાઓ ,મેનેજરનાં મિત્રો બધાં તેની પર મરતાં. તે અને તેનાં માતાપિતા અમેરિકામાં ઈલીગલ વિઝીટર્સ પર આવીને રહી ગયેલા. તેની બે મોટી બહેનોએ અમેરિકન સાથે લગ્ન કરી લીધેલા. Sepeideh સવારે ભણતી અને સાંજે વેઈટ્રેસનું કામ અકબરમાં કરતી. તેનાં શાંત કામગરા સ્વભાવ અને નીતરતાં રુપને કારણે મેનેજર તેને મોટા મોટા ક્લાયન્ટનાં ટેબલ સોંપતો.અમે સાથે કામ કરતાં અને રજાના દિવસે પણ સાથે ફરતાં.મને તો આટલી સુંદર અને માયાળુ સ્વભાવની દોસ્ત મળી ગઈ હતી એટલે હું તેના પ્રેમની મસ્તીમાં મસ્ત રહેતો હતો. સાથે થોડું ઈન્શ્યોરન્સ વેચવાનું કામ પણ રજાનાં દિવસમાં કરતો હતો.જેથી પૈસાની બીજી આવક પણ મળતી રહે.


તેવામાં Gosden ની સામેનાં તબેલામાં એક તોફાની ઘોડી’ I can’t say ‘ આવી. તેનાં વિશે બહુ વાતો બધાં તબેલામાં સંભળાતી. એક દિવસ હું પણ તેને મળવા તેનાં તબેલામાં ગયો.બે વર્ષની ઉંમરે તે તબેલામાંથી ભાગી ગયેલી. પછી પાછી લઈ આવ્યા પણ કોઈનાં કાબુમાં રહેતી નહી. હું તેને મળવા ગયો અને મને જોતાંજ તે રીશેલ્યુની જેમ જ મારી પાસે આવીને ઊભી રહી ગઈ.બધાં મને જાતાં જ રહી ગયાં. તે તબેલાનો માલિક પણ મને આશ્ચર્ય સાથે પૂછવા લાગ્યો કે તેં એને શું કર્યું કે આટલી તોફાની ઘોડી ચૂપચાપ તારી પાસે આવીને પ્રેમથી ભાંભરવાં લાગી? પણ મારો ઘોડા સાથેના જન્મોજનમ્ નાં નાતાની અને કોઈ અલૌકિક અનોખા પ્રેમની વાત હું કોઈને કેમ કરી સમજાવું? અને ‘ I can’t say’ સાથે હું કેટલી વાતો કરી તેને હું શું કરું છું તે જાણશો તો તમને મારો ઘોડાપ્રેમ સમજાઈ જશે.

જિગીષા દિલીપ

સ્પંદન -30

માભોમની બેડીઓ તૂટી
ગુલામીની જંજીરો છૂટી
સ્વતંત્રતાનો સૂર્ય ઊગ્યો
મુક્તિનો અરુણ ઊગ્યો

ભલે હો કોઈ પણ પડકાર
અહિં તીખી તેગનો ચમકાર
અહિં છે વીરોનો લલકાર
અહીં ગાંડીવનો ટંકાર

તિરંગાનું કરી સન્માન
કરીએ ગૌરવનું ગાન
રાખીએ દેશની શાન
મારો ભારત દેશ મહાન.

જીવનની કેટલીક ઘડીઓ અનોખી અને અદ્વિતીય એવી ધન્યતાની ઘડીઓ હોય છે. સમયના એવા બિંદુએ આપણું અસ્તિત્વ આપણને લઈ જાય છે કે લાગે કે આથી વધુ શ્રેષ્ઠ  ઘડી કદાચ જીવનમાં હશે કે કેમ તેવો પ્રશ્ન થાય. આવી જ એક ઐતિહાસિક ઘડી એટલે આપણો સ્વાતંત્ર્ય દિન 15ઓગસ્ટ 2021. આપણી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆતની શુભ ઘડી.

જેમ પુષ્પોનું જીવન એટલે રંગ, રૂપ અને સુવાસનો શુભ સંગમ તે જ રીતે કોઈ પણ દેશપ્રેમીનું જીવન એટલે જ મન, વચન અને દેશપ્રેમથી પ્રેરિત કર્મનો ત્રિવેણી સંગમ. ત્યારે કોઈ પણ દેશપ્રેમી હૈયું ન હરખે તો જ નવાઈ. દેશ એ આપણી આ પૃથ્વી ઉપરના અસ્તિત્વની પહેચાનનું અગત્યનું અંગ છે. દેશનું ગૌરવ એ આપણું વ્યકિતગત અને સામૂહિક ગૌરવ છે. આનું તરોતાજા ઉદાહરણ એટલે ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓને મળેલા ચંદ્રકો અને તે સાથે જ અનુભવાતો હર્ષ. આ જ હર્ષ જ્યારે ભારતની ક્રિકેટ ટીમ જીતે ત્યારે ફૂટતા ફટાકડા સાથે જ આપણે અનુભવતા હોઈએ છીએ. આપણી પહેચાન ભલે સિંધુમાં બિંદુ સમાન દેખાતી હોય પણ એ ન ભૂલાય કે આપણે એ જ ભારતીય પરંપરાના વંશજો છીએ જ્યાં એક કાળે સમુદ્રમંથન થયેલું. આ સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલાં રત્નો અને અમૃત.

આઝાદ ભારત, સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન, દેશભક્તોનું જીવન સ્વપ્ન…દિશાઓ છવાઈ જાય છે દેશભક્તિના રંગોથી, દેશપ્રેમી હૈયાંઓ હરખે છે ઉમંગોથી. આ રંગ, આ ઉમંગ, આ દેશભક્તિનું ગાન, આ દેશભક્તિની શાન વિશિષ્ટ છે કારણ કે આઝાદીના અમૃત ઉત્સવમાં પ્રવેશતું આઝાદ સાર્વભૌમ ભારત દેશભક્તિના વાતાવરણમાં થનગની રહ્યું છે. હવાઓમાં છે દેશભક્તિની લહેર… આપણા રાષ્ટ્રઘ્વજ તિરંગાને સલામી આપતા વડાપ્રધાન…અને  જય હિન્દના નારાથી ગૂંજતું ગગન…સ્થળ લાલ કિલ્લો દિલ્હી. લાલ કિલ્લો સાક્ષી છે ભારતના પ્રથમ આઝાદી દિન 15ઓગસ્ટ 1947નો જ્યારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રવચન આપતાં કહેલું …”at the stroke of midnight hour, when the world sleeps, India wakes up to life and freedom.” આજે આ ધન્ય ઘડીને વધાવવાને આવી પહોંચ્યું છે 75મું વર્ષ. આપણા સહુના જીવનની ધન્ય ઘડી, એ સર્વ દેશવાસી અને દેશપ્રેમીઓને  વધામણી. આપણો હર્ષ ચરમસીમાએ  છે … મનમાં … હૃદયમાં ..દિલની ધડકનોમાં … જય હિન્દ.

જય હિન્દ એ દરેક ભારતીયના દિલની ધડકન છે. જય હિન્દ એ શબ્દ નથી, શ્વાસ છે દરેક દેશપ્રેમીનો.  એ સુવાસ છે આ ધરતીની, જેના કણ કણમાં દેશભક્તિની ગાથાઓ છુપાઈ છે. સિયાચીનની બર્ફીલી ઘાટીઓથી અરુણાચલના આંચલ સુધી, હિન્દી મહાસાગરના કિનારા હોય કે ગંગા, જમના, સરસ્વતીની પવિત્ર ધારા…સ્થળ હોય કે જળ …કે હવાઓનો પૈગામ … જય હિન્દ.

તિરંગાના ત્રણ રંગો કેસરી, સફેદ અને લીલો અને મધ્યમાં શોભી રહેલું અશોક ચક્ર. કેસરી રંગ વીરતા અને શહીદી, સફેદ રંગ પવિત્રતા અને નિર્દોષતા અને લીલો રંગ નિરંતર વિકાસ અને સંપન્નતાની પ્રેરણા આપે છે. અશોક ચક્ર છે ધર્મ ચક્ર. પરંતુ આ દેશની ચેતના રહી છે દેશભક્તિ અને દેશપ્રેમ. તિરંગાની શાન છે દેશભક્તિથી પ્રેરિત 130 કરોડથી પણ વધુ ભારતવાસીઓ. દેશપ્રેમ એ ઝરણું છે દરેક દેશપ્રેમીના  હૃદયનું, જેના માટે શહીદી વહોરવા તૈયાર છે દેશનો દરેક જવાન અને નૌજવાન. આઝાદ ભારત જે એક સમયે સ્વપ્ન હતું દેશભક્ત વીરોનું, તે આજે આપણા સહુનું ગૌરવ છે. આ ગૌરવગાથા સમયની કેપ્સ્યુલમાં સચવાઈ છે. દેશભક્તિની આ ગાથાઓમાં ક્યારેક માદામ કામા અને શ્યામજી કૃષ્ણવર્મા યાદ આવે તો ક્યારેક યાદ આવે લોકમાન્ય ટિળક. સાથે જ યાદ આવે…”સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ રહીશ.” ટિળક મહારાજના આ અમર શબ્દોથી શોભતી આ સ્વાતંત્ર્યની મશાલ આજે પણ પ્રજ્વલિત છે. આ મશાલના પ્રકાશમાં અનેક દિલોની રોશનીનું સંમિલન છે …1947ની 15ઓગસ્ટનું એ સીમાચિહ્ન તો હૃદયમાં અંકિત છે જ અને એ લોકજુવાળ,દેશભક્તિના રંગમાં રંગાયેલાં હૈયાં,  એ જયઘોષ … જય હિન્દ.

“જય હિન્દ … ચલો દિલ્હી …તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા.”..આ શબ્દો સાથે જ જીવંત થાય સુભાષબાબુની યાદ. નેતાજીના હુલામણા નામે ઓળખાતા સુભાષબાબુએ બ્રિટિશ હકુમતને હટાવવા આઝાદ હિંદ ફૌજની રચના કરેલી – ભારતની બહાર. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો. રાસબિહારી બોઝના સહયોગથી 1942માં જાપાને યુદ્ધકેદી બનાવેલા 40000 હિન્દી સૈનિકો સાથે કેપ્ટન મોહનસીંગે સ્થાપેલી આઝાદ હિંદ ફૌજના  1943માં સર્વોચ્ચ સેનાપતિ બને છે સુભાષબાબુ. એક સમયે કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયેલા સુભાષબાબુ ગાંધીજી સાથેના વિચારભેદના લીધે કોંગ્રેસથી અલગ થાય છે. બ્રિટિશ સરકારની નજરકેદમાંથી  કલકત્તાથી ભાગીને જર્મની અને બાદમાં જાપાન પહોંચેલા નેતાજીના દિલમાં છે દેશભક્તિની જ્વાળા. આઝાદ હિંદ ફૌજના સૈનિકો મ્યાનમારના રસ્તે થઈ કોહિમા અને ઇમ્ફાલ પણ કબજે કરી લે છે. સહુના દિલમાં છે દેશભક્તિ. પણ એક તરફ જ્યાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે ત્યાં બીજી તરફ પુરવઠાનો અંત અને રોગચાળા જેવાં અન્ય કારણોને લઈને આઝાદ હિંદ ફૌજનું સ્વપ્ન સિદ્ધ થતું નથી. 1945માં રંગૂનના પતન સાથે આઝાદ હિંદ ફૌજના સિપાહીઓ કેદ થાય છે. બીજી તરફ નેતાજીનું હવાઈ અકસ્માતમાં મૃત્યુ થાય છે તેવા સમાચારોની વચ્ચે લાલ કિલ્લો સાક્ષી બને છે  – લાલ કિલ્લા ટ્રાયલના નામે પ્રસિદ્ધ ખટલાનો…આરોપી છે આઝાદ હિંદ ફૌજના વીર ..શાહનવાઝ ખાન , પ્રેમ સહગલ અને ગુરબક્ષ સિંઘ.  બચાવમાં નામી વકીલો …ભુલાભાઈ દેસાઈ, તેજબહાદુર સપ્રુ અને જવાહરલાલ નેહરુ. દેશમાં એકતા અને દેશભક્તિની એક નવી લહેર જન્મ લે છે. સ્વતંત્રતાની આ લહેર જે ક્યારેક દેશવાસીઓના દિલમાં હતી તે મૂર્તિમંત થાય છે … 15ઓગસ્ટ 1947ના …એક સ્વપ્ન સિદ્ધિ …આઝાદ ભારતનો જન્મ . અમૃત મહોત્સવના આનંદમાં યાદ આવે આવાં કંઈ કેટલાંયે બલિદાનો …આત્મસમર્પણ… કાળા પાણીની સજા પામેલા સ્વાતંત્ર્ય વીરો. આજે જે આનંદ આપણે ઉજવી શકીએ છીએ તે આઝાદીની મશાલના  પાયામાં કોણ? અગણિત ચેહરાઓ દ્રષ્ટિવંત થાય છે. દેશને અહિંસાના માર્ગે આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજી, આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા નેહરુ, દેશના ઐક્યના શિલ્પી સરદારના વિશિષ્ટ યોગદાન સાથે જ નેતાજી સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક  ક્રાંતિવીર જેમણે આત્મ બલિદાનો આપ્યાં. આઝાદી બાદ પણ, સરહદો કોઈ પણ હોય, જવાનોએ કરેલી દેશરક્ષા કોને યાદ ન હોય? બલિદાનો ક્યારે ય ભૂલાયાં નથી. આજે પણ યાદ આવે છે,ગીતના શબ્દોથી યાદો જીવંત છે…..
જો ખૂન ગિરા પરબત પર
વો ખૂન થા હિન્દુસ્તાની
જો શહીદ હુએ હૈં ઉન કી
જરા યાદ કરો કુરબાની….

રીટા જાની
13/08/2021

સ્પંદન-29

જીવનનું સોપાન છે
જિંદગીની શાન છે
મિત્રતા એ સહુ કોઈની
બહુમૂલ્ય રત્નમય ખાણ છે
મિત્ર વિનાની જિંદગીનું
ક્યાં કોઈ બહુમાન છે
હોય જીવનની ધૂપ છાંવ
કે ડૂબતી હો જીવન નાવ
મિત્ર જેને પણ મળે
જીવન તેનું જ ફળે.


મિત્રતા એ સંબંધ છે. સંબંધ એટલે સમ બંધ. બે મિત્રો વચ્ચે મિત્રતાનું બંધન સમાન છે.  મિત્રતા હોય તો દ્વારિકાધીશ કૃષ્ણ સુદામા માટે રાણી- પટરાણીઓને પણ ભૂલીને ખુલ્લા પગે દોડી શકે છે. મિત્ર મળવા આવે તો સંબંધ મિત્રતાનો નહીં કે કોઈ પદ – પ્રતિષ્ઠાનો. સોનાની દ્વારિકાનો નાથ પણ સુદામા પાસેથી તાંદુલની પોટલી લઈ શકે છે. મિત્ર સમક્ષ કોઈ શિષ્ટાચારની જરૂર નથી, કારણ કે મિત્રતા એ દિલનો સંબંધ છે. આ એ જ મિત્રતા છે જેણે કૃષ્ણ- સુદામાને સાંદિપની ઋષિના ગુરુકુળની યાદ વર્ષો પછી પણ તાજી કરાવેલી. સમય બદલાય, સંજોગો બદલાય, દરજ્જો બદલાય …મિલન પણ વર્ષો બાદ કે દસકાઓ બાદ થાય ….પણ મિત્રતા અવિચળ રહે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કૃષ્ણ સુદામાની દોસ્તી. સુદામા ગરીબ છે પણ કશું માગતા નથી. ખાલી હાથે દ્વારિકાથી વિદાય થાય છે પણ સુદામાપુરી આવીને શું જુએ છે? કૃષ્ણએ વગર માગ્યે એટલું બધું આપ્યું કે જે સુદામાની કલ્પના બહાર હતું. મિત્રતા સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ સંબંધ છે. મિત્રને ન કહો તો પણ તમારું મન તે વાંચી શકે છે,તમારી લાગણીઓ તે ઓળખી શકે છે.

બિંબ અને પ્રતિબિંબ, સૂર અને સાઝ, મેઘ અને વીજચમકાર, દિલ અને ધબકાર…એકબીજા માટે સર્જાય છે અને ચિરંજીવ બની જાય છે. આ જ સિલસિલાની આગેકૂચ  ક્યારેય અટકે ખરી? વિચાર અને આચાર, વર્ષા અને વર્ષાની ધાર, સૂર્ય અને રોશની, ચંદ્ર અને ચાંદની, ચંદન અને સુવાસ…આગેકૂચ કરે છે અને જીવનના એક બિંદુ પર આવી અટકે છે. આ બિંદુ પર આપણું સુખ અને દુઃખ વહેંચાય છે, ધબકાર અનુભવાય છે, આંસુઓની ધાર લૂછાય છે અને ખુશીઓની પળોનો ગુણાકાર થાય છે. આ બિંદુ એટલે દોસ્તી અને મિત્રતાનો અનુભવ કરાવે તે …મિત્ર. મિત્ર એટલે જીવનના સૂનકારમાં સૂરનો રણકાર, ફૂલોની મહેક. કદાચ ધડકતાં દિલ બે હોય પણ ધબકાર એક જ સંભળાય તો એ ધબકાર જ  છે ખરી મિત્રતા.

સંસ્કૃતમાં કહ્યું છે કે “साप्तपदीनं  सख्यम  “. એટલે કે સાત ડગલાં સાથે ચાલવાથી મૈત્રી શરૂ થાય છે. મિત્રતાની કોઇ મોસમ નથી હોતી. મિત્રતાની મોસમ તો બારે માસ હોય છે. જેની સામે તમે કોઈ પણ મહોરા વગર પ્રગટ થઈ શકતા હોય એ મિત્ર છે. જેની સાથે તમારી હતાશા, નિષ્ફળતા કે મુસીબત માટે ખભે માથું મૂકીને રડી શકતા હોય એ મિત્ર છે. જેની સાથે વાત કરવાનો કોઈ એજન્ડા ન હોય, વગર વાતે વાત નીકળે એ મિત્ર છે. જે તમારા મૌનની ભાષા પણ સમજી જાય એ મિત્ર છે.

મિત્રતા એટલે મિત્ર સાથેનો સંબંધ. મિત્રતાનો કોઈ આધાર નથી હોતો કારણ કે મિત્રતા એ જ  તેનો આધાર છે. પણ મિત્રતાનો  હેતુ  સમાન વિષય પરત્વેની રુચિ કે લાગણી છે. સંગીતની મેહફીલ હોય કે પાર્ટી હોય તો મિત્રો એકત્ર થાય તે અજાણ્યું નથી. મિત્રતાનો સામાન્ય અનુભવ એટલે શાળા કે કોલેજના મિત્રો. વર્ષો વહી જાય તો પણ આ મિત્રતાનો રંગ ક્યારેક ગાઢ બનતો જોવા મળે છે. સાથે કામ કરનાર વ્યકિતઓમાં પણ મિત્રતા જોવા મળે છે. મિત્રતા માટે પરિચય હોવો આવશ્યક છે. જે કાળની કસોટીમાંથી પાર ઉતરે એ સાચી મૈત્રી છે. ન કોઇ ધ્યેય, ન કોઇ અપેક્ષા,બસ મિત્ર સાથે માણેલો સમય અપૂર્વ આનંદ આપી જાય છે. મૈત્રીમાં બંધન નથી પણ સાથે ઉડવા અસીમ આકાશ છે. મૈત્રીમાં નિખાલસતા હોય – શું બોલવું, શું ન બોલવું-કોઇ લેખાજોખા જરૂરી નથી. ન તો મૈત્રીમાં કોઈ લેણદેણ કે સોદો હોય છે. મૈત્રી આંખોની વાત વાંચી શકે છે અને મૌનની ભાષા સમજી શકે છે. મૈત્રીમાં હોય છે સહજતા અને સરળતા. તકલીફમાં સાથ આપે,  ડરમાં હિંમત આપે, સમસ્યામાં રસ્તો બતાવે, ખુશીને બમણી કરે. જેણે  જીવનમાં થોડા મિત્રો બનાવ્યા, તે જિંદગી જીવી જાય છે, જિંદગી જીતી જાય છે. જીવનની સફળતાનો આંક વ્યક્તિના ધનદોલતથી નહિ પણ તેના મિત્રો પરથી મળી શકે છે. યાદ આવે છે પત્ર મૈત્રી. મિત્રતાને માધ્યમ જોઈએ છે. આજના યુગમાં સોશિયલ મીડિયા પણ આ માધ્યમ પૂરું પાડે છે. કદાચ વોટ્સએપ કે ફેસબુકની સફળતા પણ મિત્રતાને જ આભારી છે. પણ મિત્ર સુખદુઃખનો સાથી છે. જીવનમાં જ્યારે કપરી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે મિત્ર સાથે આવી ઊભો રહે છે. મિત્ર એક માનસિક આશ્વાસન અને સાંત્વન છે. સાચો મિત્ર જેવો કોઈ શબ્દ નથી. જો મિત્ર સાચો ન હોય તો એ મિત્ર જ નથી.. કૃષ્ણ – સુદામાની મૈત્રી એ  આદર્શ મૈત્રીનું ઉદાહરણ છે.

ગ્રીક દંતકથામાં મિત્રતાની અદભુત મિસાલ આપતી ડેમન અને પિથીયસની વાત છે. રાજા ડાયોનીયસ એક અત્યાચારી રાજા હતો. તેણે પિથીયસને પકડીને જેલમાં પૂર્યો ને ફાંસીની સજા આપી. તેને ફાંસી આપતા પહેલાં અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. પિથીયસે તેના પરિવારને મળવાની ઈચ્છા જાહેર કરી. રાજાએ કહ્યું કે તેના બદલે બીજું કોઈ જેલમાં રહેવા તૈયાર થાય તો તે પિથીયસને રજા આપશે. પણ નિર્ધારિત દિવસે જો એ પાછો ન ફરે તો જે બદલીમાં રોકાયું હોય તેને ફાંસી આપવામાં આવશે. પિથીયસનો મિત્ર ડેમન તેના બદલે જેલમાં રહ્યો. પિથીયસ પરિવારને મળીને હોડીમાં પાછો ફરતો હતો ત્યારે પવન વિરુદ્ધ દિશામાં હોવાથી તે સમયસર પહોંચી શક્યો નહીં.  આ તરફ ડેમનને ફાંસી આપવાની તૈયારી થઈ ગઈ. તે ખુશ હતો કે તેનું જીવન મિત્રના કામમાં આવશે. લોકો કહેતા હતા કે પિથીયસે ડેમનને દગો દીધો. પણ ડેમને કહ્યું કે જરૂર કાંઈ કારણ હશે. ડેમનના ગળામાં ફાંસીનો ફંદો નાખવામાં આવ્યો. ત્યાં જ દૂરથી મારતે ઘોડે આવતા પિથીયસની બૂમ સંભળાઈ. બંને મિત્રો ભેટી પડ્યા. તેણે ફંદો પોતાના ગળામાં  નાખીને કહ્યું હવે મને ફાંસી આપી દો. ત્યાં જ રાજા આ બંનેની  મિત્રતા જોઈ ચકિત થઈ ગયો. તેણે કહ્યું કે હું આવા મિત્રોને અલગ કરવા માગતો નથી. તમે મારી સાથે પણ મિત્રતા કરો.

પૃથ્વી અને ચંદ્ર….આકર્ષણ કોને કોનું નથી? માનવી કોઈ પણ હોય, ક્યાંય પણ હોય, કદાચ ટીમટીમ કરતા તારલાઓ વચ્ચે ચંદ્રનો પ્રકાશ માણતો હોય છે. કારણ ચંદ્ર  ક્યારેક વધતો ઓછો પ્રકાશ આપે પણ શીતળતાનો સ્પર્શ હમેશાં ચાંદનીમાં જ અનુભવાય છે.  ભરતી અને ઓટનું આકર્ષણ માત્ર આપણે જ નહીં મહાસાગરો પણ અનુભવે છે. કારણ ચંદ્ર કદાચ સલામત અંતરે રહીને પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. દોસ્ત અને દોસ્તીનો આ સંબંધ પણ શીતળતાનો છે. સંબંધની ઉષ્મા સાથે  મનની શાંતિ અને દિલની શીતળતા પણ અનુભવાય છે. જીવનની ધૂપ છાંવ કહો કે સુખ દુઃખની ભરતીઓટ એ મહાસાગરનો ઘૂઘવાટ છે. પણ દોસ્તી છે મોતી, જે  મહાસાગરની ગહરાઈમાંથી મળે છે.  જીવનના સાગરમાંથી મિત્રતાનું મોતી પ્રાપ્ત થાય તો તેને દિલથી વધાવજો… કારણ જીવન અમૂલ્ય છે અને દોસ્તી પણ.

ના આયોજન, ના પ્રયોજન,
બસ કાપે દિલના યોજન
જીવનના કેનવાસ બનાવે રંગીન
ભરી દે એમાં ખુશીઓ સંગીન
નીકળે  વાત વિનાની વાત
દોડે, હૂંફ આપે, ભૂલીને જાત.
વીતે ક્યાં સમય, ના રહે સુધ
ધન્ય હું,મિત્ર! તારા એવા મૂલ.

રીટા જાની
06/08/2021

સ્પંદન-28

જીવન રહે ઝંખના એવી ગતિની,
જયાં રાહ હો સંગતિ પ્રગતિની.

મહેકે  જીવન આ રાહે, જાણે મારગનું ફૂલ,
ધૂળીયો મારગ ભલે, પણ મનમાં એનાં મૂલ.

પડછાયાના વનમાં ઉડતો તેજીલો તોખાર,
ભાવિની નહીં ભાળ, તો પણ તેગનો ચમકાર.

અટવાય છો ને કંટકોમાં, મહેકે હરદમ આ  ફૂલ
આત્મવિકાસના મારગે જે રહે સદા મશગુલ.

મહેક હો પુષ્પોની કે ચહેક હો પંખીઓની જ્યાં સંકલન છે, ત્યાં છે વિકાસ. જો કળી વિકસિત ન થાય તો મહેક ક્યાંથી? જો પંખી પાંખ ફેલાવી ઊડતું આવે નહિ તો ક્યાંથી સંભળાય તેનો કલરવ? ગુરુપૂર્ણિમા જો પૂર્વાર્ધ છે, તો જ્ઞાન અને વિકાસ તેનો ઉત્તરાર્ધ છે. ગુરુનો સંદેશ ઝીલી જે આત્મવિકાસના માર્ગે આગળ વધે છે, તેને માટે  ગુરુપૂર્ણિમા અનેરો ઉત્સવ છે.  ગતિ અને પ્રગતિના આટાપાટામાં અટવાતા જીવનનો રાહ છે નિરંતર વિકાસનો. જે પળ પળ વિકાસની મંઝિલ સર કરે છે, તેનું  જીવન સફળ અને સાર્થક બને છે. જીવનના ક્રમો વિક્રમો બની શકે તેને, જે હોય વિકાસની વાટે. આત્મવિકાસ સાથે પૂર્ણતા તરફ આગળ વધો તો સિદ્ધિના સન્માન તો સહજ છે. પણ આત્મવિકાસનો માર્ગ ક્યો?

વ્યકિત એ પરિવારનો પાયો છે. જેમ પુષ્પગુચ્છની શોભા અને સુવાસ પુષ્પોમાં છુપાયેલી છે તે જ રીતે સમાજનો વિકાસ એ વ્યક્તિઓના વિકાસ  વિના શક્ય નથી. સમાજના વિકાસની યાત્રામાં રાષ્ટ્રીયતાનું  સંયોજન થાય એટલે દેશનો વિકાસ બને. દેશના વિકાસ અને કલ્યાણ થકી જ વિશ્વનું કલ્યાણ થઈ શકે. વિશ્વ એ પરસ્પરના અવલંબન પર આધારિત છે. આ જ વાતને અર્થશાસ્ત્રીઓ વૈશ્વિકરણના નામે  ઓળખે છે. આજે જ્યારે એક વાઇરસે વિશ્વને ધ્રુજાવી દીધું છે ત્યારે વિકાસ અને વિનાશની સીમાઓની સમજ જરૂરી છે. આ સમજ ક્યારે કેળવાય? આ પ્રશ્નનો ઊકેલ કદાચ મુશ્કેલ લાગે, પરંતુ ભારતીય પરંપરા અને તત્વજ્ઞાનમાં આ ઉકેલ છુપાયેલ છે. બીજને જોઈને કોઈને પણ વિશ્વાસ ન આવે કે તેમાં તડબૂચ જેવા મોટા ફળનું રહસ્ય છે. આ રહસ્ય અને ખૂટતી કડી એટલે જ બીજનો વિકાસ, જે અંતે ફળીભૂત થઈને ફળમાં પરિણમે છે. માનવને મહામાનવમાં પરિવર્તિત કરવાનું રહસ્ય એ પણ વિકાસની જ પ્રક્રિયા છે. આ જ ચિંતનને આગળ વધારીએ તો ખ્યાલ આવશે કે વિશ્વના વિકાસનું પ્રથમ ચરણ છે- આત્મવિકાસ.

આત્મવિકાસ એટલે સ્વયંનો વિકાસ. આત્મવિકાસને આત્મા સાથે જોડીએ કે નહીં, બંને  કંઇક અંશે સમાંતર માર્ગે ચાલે છે. આત્મનો વિકાસ કર્યા વગર આત્માનો વિકાસ શક્ય નથી. આત્માનો વિકાસ એ આત્મવિકાસનો અધ્યાત્મ સાથે સંકલિત માર્ગ છે. પરંતુ જે આત્મવિકાસ કરે છે તે જ અધ્યાત્મના માર્ગને પણ અજવાળી શકે છે. કારણ કે વ્યક્તિએ મન, વચન અને કર્મનું સામૂહિક અને શારીરિક સ્વરૂપ છે. વિકાસ એટલે જ નવી દિશા અને નવી ક્ષિતિજો તરફની આગેકૂચ. આત્મવિકાસ એ ઘ્યેયલક્ષી હોય છે. માર્ગ ભલે ભિન્ન હોય પણ ધ્યેય અગત્યનું છે. યાદ આવે છે એકલવ્ય. સ્વબળે ગુરુ દ્રોણના પ્રત્યક્ષ શિક્ષણ વિના અદ્વિતિય સિદ્ધિ  પ્રાપ્ત કરતો આ એકલવ્ય આત્મવિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વર્તમાન યુગ એ દ્રોણનો નહીં પણ ડ્રોનનો છે. મહાન મનોવિજ્ઞાની ડૉ.નેપોલિયન હિલ કહે છે કે જે વસ્તુનો તમે ખૂબ જ વિચાર કરો છો, એ તમારા ચિંતનની સાથે ઘૂંટાઈને જીવનનું અદ્ભુત રસાયણ બને છે. તમે ઇચ્છો એ  પ્રમાણે જીવન ઘડી શકો છો. મણિપુરનું એક નાનું ગામ. એક નાની બાળકી જંગલમાંથી પોતાની ઉંમરના પ્રમાણમાં ખૂબ મોટો ભારો ઉંચકીને લાવે. મોટા થઈને આત્મવિકાસના માર્ગે આગળ વધતા  વધતા 2021ના ટોકિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક હાસલ કરે છે. જી હા, દેશને ગૌરવ અપાવનાર આ બાળકી છે મીરાંબાઈ ચાનુ.

મહેનત, માનસિક શક્તિ અને ધીરજ જેવા પાયાના ગુણો એક અદના આદમીને પણ  આત્મવિકાસની ઊંચાઈ પર લઈ જઈ શકે છે તેનું તાજેતરનું ઉદાહરણ છે જોધપુર નગર નિગમની સફાઈ કર્મચારી આશા કંડારા. લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન રહેતા અલગ થઈ. બે બાળકોના પાલન પોષણ કરતાં ગ્રેજ્યુએટ થઈ.  2018માં રાજસ્થાન એડમિનીસ્ટ્રેટિવ સેવા(RAS)ની પરીક્ષા આપી. તેના 12દિવસ બાદ જ તેને સફાઈ કર્મચારી તરીકે નિયુક્તિ મળી. તે હિંમત ન હારી. બે વર્ષ સુધી રસ્તા પર ઝાડુ મારતી રહી.  પરીક્ષાનું પરિણામ આવતા તે RAS માં સફળ બની અને ડેપ્યુટી કલેકટર બની, આત્મવિકાસની એક અદ્ભુત મિસાલ બની.

આત્મવિકાસ એ કોઈનો ઈજારો નથી. આત્મવિકાસ જ ઋષિ વિશ્વામિત્રને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનાવી શકે છે. વૈદિક કાળથી આગળ વધીને  મોગલ યુગમાં પ્રવેશીએ. સંગીતસમ્રાટ તાનસેન તો અકબરના નવરત્નોમાં એક હતા જ પરંતુ સંગીતની અસરથી હરણ જેવા પ્રાણીઓને પણ પાછા બોલાવી શકવાની ક્ષમતા ધરાવતા બૈજુ બાવરા પણ યાદ આવે છે. સાથે જ યાદ આવે આપણા ગુજરાતની બે પુત્રીઓ તાના અને રીરી જેણે તાનસેનનો દીપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો  શરીર દાહ મટાડવા માટે રાગ મલ્હાર ગાઈને વરસાદ પણ  વરસાવેલો. શું આ આત્મવિકાસની નાનીસૂની સિદ્ધિ છે?

આત્મવિકાસની વાત આવે તો કદાચ એક નામ અવશ્ય યાદ આવે-મહાત્મા ગાંધી. બાળપણના કંઇક અંશે શરમાળ પ્રકૃતિના ગાંધીજી વિલાયત જઈ બેરિસ્ટર થાય છે. પરંતુ કહાની એ રીતે આગળ નથી વધતી કે તે કંઈ કેટલા કેસ જીતે છે. કહાનીનો ટ્વીસ્ટ કે વળાંક આવે છે દક્ષિણ આફ્રિકાના એક રેલવે સ્ટેશન પર  તે માત્ર વકીલ મોહનદાસ ગાંધી જ નહીં પણ મહાત્મા ગાંધી તરીકે વિકસે છે. માનવ સંવેદનાઓને આત્મસાત કરીને ગાંધીજી એવા વિશ્વમાનવ બને છે કે ઇંગ્લેન્ડ જેવી મહાસત્તાઓએ પણ તેમની ગણના કરવી પડે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ માત્ર એક જ નહીં, અનેક ઉદાહરણો આપી શકે કે જ્યાં આત્મવિકાસ એ આત્મગૌરવ અને આત્મસમર્પણની ગાથા બને છે.

આત્મવિકાસ શરુ થાય છે આત્મજાગૃતિ અને આત્મગૌરવને ઓળખવાથી. માનવીની ક્ષમતાને વિકસાવવા માટે જરૂરી છે આત્મગૌરવની ઓળખાણ. જે પોતાની શક્તિઓને ઓળખીને વિકસાવી શકે તે જ કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ કરી શકે. આજનું વિશ્વ પછી તે જ્ઞાન વિજ્ઞાનનું હોય કે ઉદ્યોગ કે વ્યાપારનું- આત્મવિશ્વાસથી જે સ્વપ્રયત્ને આગળ વધે છે, પોતાના લક્ષ્યને ઓળખે છે, તે જ  સમયની રેતી પર પોતાનાં કદમોના નિશાન છોડી શકે છે. પુષ્પનો પમરાટ પામતા પહેલાં અંકુરણ કરીને સ્વનો વિકાસ કરીએ, આત્મ ચેતનાને વિકસાવીએ, અશક્યને શક્ય બનાવવાનો પુરુષાર્થ કરીએ, માનવમાંથી મહામાનવ બનવાનું સ્વપ્ન સેવી પ્રથમ ડગલું ભરીએ, કેમ કે આપણે સહુ છીએ અમૃતના અભિલાષી.

રીટા જાની
30/07/2021

સ્પંદન-27

રાખવી હોય જીવનની શાન
જોઈએ જગમાં માન સન્માન
જ્ઞાન વિના આ સપનું અધૂરું
જ્ઞાન આપે એકમાત્ર ગુરુ

જીવન તિમિર દૂર હટાવે
ઉજ્જવલ જીવનમાર્ગ બનાવે
મનમાં ન રહે મુંઝવણ ઘણી
ગુરુ છે એવા પારસમણી

જ્ઞાન ગઠરિયાં  આજે લાધી
પરમની વાત જ્યારે સમજાણી
મોહનિદ્રા સરે ગુરુ પ્રતાપે
જાગૃતિ આવે વીજ ઝબકારે

ગુરુ છે એવા પ્રકાશપુંજ
નાદબ્રહ્મની જાણે ગુંજ
સફળ જીવનનાં સહુ કાજ
ગુરુને કરીએ વંદન આજ.

અંધકારમાં પ્રકાશ એટલે ગુરુ. જીવનનૈયાનો સુકાની છે ગુરુ. કેટલીક ઘડીઓ યાદગાર હોય છે. આજનો દિન એટલે ગુરુપૂર્ણિમા, જ્ઞાન વિના અધૂરા જીવનને માર્ગ દર્શાવે તેવા માર્ગદર્શક, પથપ્રદર્શક ગુરુઓને વંદન અને સહુ શિષ્યોને  ગુરુપૂર્ણિમાએ અભિનંદન. આજના દિવસે આદિયોગી શિવજીએ આદિગુરુ બની યોગનું જ્ઞાન સપ્તર્ષિઓને આપેલું. જૈન ધર્મના 24માં તીર્થંકર  મહાવીર સ્વામીએ આ દિવસે ગાંધાર રાજ્યના ગૌતમ સ્વામીને પોતાના પ્રથમ શિષ્ય બનાવ્યા હતા. તેથી તેઓ ‘ત્રિનોક ગુહા’ના  નામે પ્રસિદ્ધ થયા, જેનો અર્થ થાય છે પ્રથમ ગુરુ. ભગવાન બુદ્ધે આ દિવસે પ્રથમ વાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. આ દિવસે ભગવાન વેદવ્યાસનો જન્મ થયેલો. મહાત્મા ગાંધીજીએ તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર  પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ તહેવાર ઉજવવાનું શરૂ કરેલું.

ગુરુપૂર્ણિમા એ એક અદભુત ભારતીય પરંપરા છે. પ્રાચીનથી અર્વાચીન સુધી, વેદકાળથી વર્તમાન સુધી, અષાઢ માસની પૂર્ણિમાના દિવસનું આગમન થાય અને શિષ્યો અહોભાવથી ગુરુને યાદ કરે, સન્માન કરે અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા અને પ્રાર્થના  કરે. ભારતીય સંસ્કૃતિ માત્ર ભૌતિકતા પર વિશ્વાસ કરનારી સંસ્કૃતિ  નથી.  તેમાં માનવીનું શ્રેષ્ઠતા તરફ જવાનું ધ્યેય અભિપ્રેત છે.  માનવી માત્ર ભૌતિક દેહ ટકાવવા માટે જ કાર્ય કરે તેવી સમજણ કંઇક અંશે અપૂર્ણ છે. જીવન એ અપૂર્ણ નહીં પણ પૂર્ણ હોવું જોઈએ. પૂર્ણતા માનવીમાં ક્યારે આવે? પૂર્ણતા એટલે શું? આ પૂર્ણતા કોની પાસેથી પ્રાપ્ત થાય એવાં વિવિધ પાસાંઓને સાંકળી લઈને જે દિવસનું પ્રાગટ્ય થયું તે ગુરુપૂર્ણિમા.

જ્ઞાન એ વિશાળ શબ્દ છે. જ્ઞાન એટલે માત્ર માહિતી નહીં, પણ કયા સમયે જુદી જુદી પરિસ્થિતિમાં માનવીએ શું કરવું જોઈએ તેની સમજણ. આ સમજણ શિષ્યમાં વિકસે તે જ્ઞાન છે. સામાન્ય રીતે જ્ઞાન એટલે અક્ષરજ્ઞાન એટલે કે સાક્ષરતા એવી વ્યાપક સમજણ સર્વમાન્ય છે. પરંતુ આ સમજણ અપૂર્ણ છે. કેમ કે અક્ષરજ્ઞાન તો જ્ઞાનનો એક હિસ્સો માત્ર છે.  જ્ઞાનને જો ચલચિત્ર સાથે સરખાવીએ તો અક્ષરજ્ઞાન તો માત્ર ટ્રેલર છે. જીવનમાં અક્ષરજ્ઞાન બિનજરૂરી છે તેમ નથી પણ તે જ માત્ર જ્ઞાન નથી. ગુરુ વિદ્યા આપે અને તેનાથી પ્રેરિત થઈને શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે તેવી મૂળભૂત સમજણ છે. વિદ્યા સાધન છે અને જ્ઞાન સાધ્ય છે. તેનું સુંદર ઉદાહરણ છે અર્જુનનું. ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવે છે. પરંતુ સહુનું કૌશલ્ય અલગ અલગ છે. અર્જુનનું જ્ઞાન સર્વોચ્ચ કૌશલ્ય સાથે વિકસે છે, તે જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કરે છે ત્યારે જોવા મળે છે. ધનુર્વિદ્યા સહુ પાસે છે પણ કૌશલ્ય અને જ્ઞાન અર્જુન પાસે છે, જે તેને સફળતા અપાવે છે.

આ જ્ઞાન, આ કૌશલ્ય ભલે મહાભારતના પ્રાચીન સમયથી આવતું હોય પરંતુ આજે પણ તે જ જ્ઞાન વિદ્યમાન છે જ. અંગ્રેજી ભાષા જ લઈએ તો A થી  Z સુધીના મૂળાક્ષરોના જ્ઞાનથી જ કંઈ શેક્સપિયર કે વર્ડ્સવર્થ  થઈ શકાતું નથી. આ કૌશલ્ય દરેક વ્યક્તિએ અલગ ભલે હોય પરંતુ ગુરુ તેને ઓળખે છે અને વિકસાવીને વ્યક્તિની ક્ષમતાને પૂર્ણપણે વિકસાવે છે. તેથી જ ગુરુ હંમેશાં માનને પાત્ર છે, પૂજનને યોગ્ય છે. શિષ્ય ગુરુ પ્રત્યે આદર  પ્રગટ કરવા ઈચ્છે,  પોતાની પૂર્ણતાના પ્રેરક પ્રત્યે અહોભાવ પ્રગટ કરી ધન્યતા અનુભવે છે.

માણસ એટલે જ તન અને મનની શક્તિનો સમૂહ. આ શક્તિઓનો  વિકાસ થાય અને તેમાં સંવેદનશીલતા અને માનવતાના ગુણો ઉમેરાય એટલે તે કંઇક અંશે આદર્શ માનવી બને. આદર્શ માનવીઓ જ આદર્શ અને સ્વસ્થ સમાજ બનાવી શકે. સ્વસ્થ સમાજનો પાયો માણસના ગુણો અને નીતિમત્તાના ધોરણો પણ છે. સમાજ માત્ર બૌદ્ધિક, આર્થિક કે વૈજ્ઞાનિક તાકાત બનવાથી જ વિકાસ કરી ન શકે. આ માટે પથપ્રદર્શકની જરૂર હોય છે. અજ્ઞાનમાં ભટકતાં, રઝળતાં, ઘોરતા લોકોને ગુરુ અલૌકિક અનુભવે દોરે છે. દુર્ગુણો રૂપી બાવળિયાની ડાળે ઝૂલતા શિષ્યને ગુરુ સદગુણો રૂપી આંબલિયાની ડાળે ઝૂલતા કરે છે. યોગ્ય ગુરુ વ્યક્તિને જ્ઞાન અને સદગુણોથી સમૃધ્ધ બનાવે છે, કોઈ પણ પડકારને પહોંચી વળવા સમર્થ બનાવે છે. માનવજાતિના ઇતિહાસમાં નજર નાખીએ તો સમયાંતરે દરેક સમાજ સમક્ષ જુદા જુદા પડકારો ઉદભવતા જ રહ્યા છે. આ સામે વિજયી બનીને બહાર આવવા માટે જરૂરી છે યોગ્ય સમજણ, જે માત્ર યોગ્ય શિક્ષણ જ વિકસાવી શકે. આ કાર્ય કરવા માટે  ગુરુથી વધુ યોગ્ય કોણ હોઈ શકે? ગુરુ એ શિષ્ય માટે મિત્ર, દાર્શનિક – ફિલોસોફર  અને પથપ્રદર્શક – ગાઈડ છે. તે એવું શાંત અને સૌમ્ય નેતૃત્વ પૂરું પાડે છે, જે વ્યકિતને સફળતા તરફ લઈ જાય છે. શું ગુરુ દ્રોણ  વિના અર્જુનના ધનુષ્યનો એ રણટંકાર હોઈ શકે? ઋષિ વિશ્વામિત્રની વિદ્યા વિના રામ કે ગુરુ સાંદિપનીના શિક્ષણ વિના કૃષ્ણ પણ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે કે કેમ તે એક સવાલ છે. ગુરુનું યોગદાન અમૂલ્ય છે. તેને કોઈ પણ  મૂલ્ય આપીને ચૂકવી શકાય નહીં. તેને કદાચ આપવું હોય તો માન, સન્માન, આદર અને પ્રેમ જ આપી શકાય. ગુરુનો શિષ્ય સાથેનો સંબંધ માત્ર ગુરૂદક્ષિણા આપીને જ પૂરો થઈ જતો નથી. ગુરુનું ઋણ આજીવન છે, સતત છે.

ગુરુ કોણ હોઈ શકે? ગુરુ એ જે જ્ઞાનની તરસ છીપાવે, જ્ઞાનની ગંગા વહાવે, જીવનરસને છલકાવે, જીવનને ધન્ય બનાવે. શ્રીમદ્ ભાગવતના 11મા સ્કંધમાં યદુ અને અવધૂત વચ્ચેની વાતચીત છે. જેમાં અવધૂત તેના ગુરુના નામ આપી તેમની પાસેથી શું શીખ્યા તે કહે છે. ખરેખર તો આ દુનિયામાં દરેક પાસેથી કંઇક શીખવા મળે છે. દત્તાત્રેયના 24 ગુરુ હતા. દેવો અને દાનવો પણ જ્યારે મુશ્કેલી પડે ત્યારે તેમના ગુરુઓ-દેવોના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય- નું માર્ગદર્શન લેતા તેવું પુરાણકથાઓ કહે છે. છત્રપતિ શિવાજી મહારાજ પણ સમર્થ સ્વામી ગુરુ રામદાસને પૂજ્ય ગણી માન આપતા તો તાનસેન અને બૈજુ બાવરાના ગુરુ સ્વામી હરિદાસની વાત પણ સહુને યાદ હશે જ. તો ગુરુ રામકૃષ્ણ પરમહંસ, ગુરુદેવ ટાગોર અને મહાન ગુરુ શંકરાચાર્ય પણ યાદ આવે જ. ગ્રીક ઇતિહાસમાં પણ ગુરુ એરિસ્ટોટલની વાતો યાદ આવે છે. સંસારમાં જ્યાં પણ સિદ્ધિનું સામ્રાજ્ય છે, ત્યાં ગુરુ દૃષ્ટીમાન થાય જ છે. હીરો મૂલ્યવાન ત્યારે જ બને જ્યારે તેને પાસા પડે અને માનવી પણ ગુણ સમૃધ્ધ ત્યારે જ બને જ્યારે ગુરુ મળે. ઇતિહાસમાં નજર કરીએ તો પણ આ સત્ય છે અને કદાચ આપણા ખુદના જીવનમાં પણ આ જ જોવા મળશે. આપણે પણ ગુરુનું પ્રદાન ભૂલી શકીએ તેમ નથી. 

શિષ્ય માટે પણ એ આવશ્યક છે કે એ યોગ્યતા કેળવે ત્યારે જ સાચા ગુરુ મળે. ગુરુ પ્રેરણામૂર્તિ છે, ભીતરની યાત્રાના પથપ્રદર્શક છે. કાશ્મીરથી કન્યાકુમારી આપણે યાત્રાએ નીકળ્યા હોઈએ તો આપણી ગતિ પગપાળા યાત્રિકની હોય. જો ગુરુનો સાથ મળે તો એ જ ગતિ આકાશી બની શકે. ગુરુ અજ્ઞાનના અંધકારને કાપે, શંકાના વાદળને હટાવે, નિષ્ફળતાના ધુમ્મસને દૂર કરે, શાણપણથી માંજીને સ્પષ્ટતા આપે, કુંઠિત મનને મુક્તિનો માર્ગ બતાવે, જીવનની વિવિધ અવસ્થાઓની મથામણમાં વલખતા માનવીની ભ્રમણા હરે, ચિદાકાશમાં ચૈતન્યનો પ્રકાશ પાથરે. જીવનને ધન્ય બનાવનાર ગુરુને કોટિ કોટિ વંદન.

રીટા જાની
23/07/2021