ખુશી મારી વહેતું નીર, રોકે એને ના કોઈ પાળ
હંસી મારી ફૂલ સુગંધ, મહેકે એ તો હર કદમ
આનંદને મળ્યું અસીમ આભ,મલકે ઉમળકે
ઓચ્છવ છે આ જીવન કેરો, ઋજુ હ્રુદય છલકે.
આપણને સૌને અનુભવ હશે કે કોઈ ખુશમિજાજ વ્યક્તિ પોતાની હાજરી માત્રથી વાતાવરણ પલટી શકે છે. યોગમાં પંચકોષના સિદ્ધાંત અનુસાર જેનો આનંદમય કોષ બરાબર છે તેને કોઈ રોગ થતાં નથી. હમણાં 20માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે ગયો. તેમાં 149દેશો પૈકી ભારતનું સ્થાન 139મું છે. ત્યારે પ્રશ્ન થાય કે ખુશી, આનંદ, હેપીનેસ પ્રાપ્ત કરવું શું આટલું મુશ્કેલ છે?
હાસ્ય એ મનુષ્યને મળેલી અનન્ય ભેટ છે. મનુષ્ય સિવાય કોઈ પ્રાણી હસી શકતું નથી. રડવા માટે કારણ હોય છે, હસવા માટે કોઈ કારણની જરૂર નથી. હાસ્ય વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દે છે, જીવંત અને ગમતીલું બનાવે છે. ખરેખર તો સ્મિત કે હાસ્ય એ સહજ છે. કોઈએ સુપ્રસિદ્ધ લેખક જ્યોતીન્દ્ર દવેને પૂછ્યું,” તમે નાના હતા ત્યારે શું કરતાં હતા?” તો તેમનો જવાબ હતો કે મોટો થતો હતો. વિનોદ ભટ્ટ, અશોક દવે કે શાહબુદ્દીન રાઠોડ રોજબરોજની , આસપાસની ઘટનાઓમાંથી જ હાસ્ય શોધી લે છે. બાળક કેવું ખડખડાટ હસે છે. પણ આપણે ઉંમર વધવાની સાથે કે જ્ઞાન વધવાની સાથે વધુ ને વધુ ગંભીર થતાં જઈએ છીએ. ભલે એકની એક જોક પર વારંવાર હસી ન શકતા હોઈએ, પણ એકના એક પ્રોબ્લેમ પર વારંવાર બળાપો કાઢી શકીએ છીએ . આપણા વાણી અને વર્તન પર આપણા વિચારોનો પ્રભાવ હોય છે. જેવું વાવો તેવું લણો. તમે ઘુરકિયા કરો તો સામે મોરના ટહુકાની આશા રાખી ન શકો. પણ જો તમે રાગ રાગિણી છેડો તો આપોઆપ વાતાવરણ સંગીતમય બનશે. શ્રી માતાજી કહે છે એમ ” તમે સદાયે જીવન પ્રત્યે સ્મિત વેરતા રહો, તો જીવન પણ હંમેશા તમારા પ્રત્યે સ્મિત વેરતું રહેશે.”
હમણાં એક સરસ વાર્તા વાંચવામાં આવી. એક રાજા હતો. તેની પાસેની તમામ સુખ સમૃદ્ધિ છતાં એ બિલકુલ ખુશ ન હતો. એક દિવસ તેની નજરે એક નોકર ચડ્યો, જે કામ કરતા કરતા ખુશીથી ગીતો ગાતો હતો. રાજાને ખૂબ આશ્ચર્ય થયું. તે પોતે સર્વ સત્તાધીશ થઈને હતાશ અને નાખુશ છે અને આ નીચી પાયરીનો સામાન્ય મજૂર આટલો ખુશ! રાજાએ તેને બોલાવીને તેની ખુશીનું કારણ પૂછ્યું. નોકરે કહ્યું, ” મહારાજ, હું ભલે એક સામાન્ય મજૂર છું પણ મારી કે મારા પરિવારની જરૂરિયાત બહુ ઓછી છે. ફક્ત માથે એક છાપરું હોય ને પેટ ભરવા ગરમ ભોજન મળે તો બહુ છે.” રાજાએ તેના મંત્રીને બોલાવીને આ વાત કરી. મંત્રીએ કહ્યું કે એ ખુશ છે કારણ કે તે 99ની ક્લબમાં જોડાયો નથી. રાજાએ પૂછ્યું કે આ 99ની ક્લબ શું છે? મંત્રીએ કહ્યું કે એ જાણવું હોય તો આ નોકરના ઘરની બહાર 99 સોનામહોર થેલી મૂકી દો. રાજાએ એમ કર્યું. નોકર તો સોનામહોર થેલી જોઈ ખુશ થઈ ગયો. તેણે સોનામહોર ગણી. તો 99 હતી. હવે તેને લાગ્યું કે કોઈ 99 ન મૂકે. તેણે અનેક વાર ગણ્યું, ચારે તરફ જોયું પણ એક સોનામહોર ન મળી. હવે તેણે નક્કી કર્યું કે તે વધુ મહેનત કરશે અને 100 સોનામહોર પૂરી કરશે. બસ, હવે તે બદલાઈ ગયો. તે ચીડિયો થઈ ગયો, ગીતો ગાતો બંધ થઈ ગયો. તે તેના પરિવાર સાથે પણ ઘર્ષણમાં ઉતરતો કે તેઓ તેને પૂરતી મદદ કરતા નથી જેથી તે 100 સોનામહોર પૂરી કરી શકે.
રાજાને તેનું વર્તન સમજાયું નહિ. તેમણે મંત્રીને પૂછ્યું. મંત્રી એ કહ્યું કે હવે તે 99ની ક્લબમાં જોડાઈ ગયો છે. 99ની ક્લબ એટલે એવા લોકો જેમની પાસે સુખી થવા માટે પર્યાપ્ત સાધનો છે, છતાં સંતોષ નથી. તેમને વધુ 1 જોઈએ છે. કારણ કે તેમને લાગે છે કે છેલ્લે આ એક મળશે પછી તેઓ સુખી થશે. સાચી વાત એ છે કે જીવનની જરૂરિયાત તો ઘણી ઓછી છે. પણ ઈચ્છા અને લાલસા વધુ છે, જેના માટે તે પોતાની ઊંઘ ગુમાવે છે, સુખ શાંતિ ગુમાવે છે. આ 99ની ક્લબની સભ્ય ફી તો શૂન્ય છે પણ તેમાં જોડાય તો આખી જિંદગી તે ભર્યા કરે છે. લિયો ટોલ્સટોયની વાર્તામાં પણ કંઇક આવું જ છે. રાજા તેને કહે છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તે જેટલી જમીન કવર કરે એટલી તેની. લોભ અને મોહમાં તે ખાધા પીધા વગર દોડ્યા કરે છે ને સૂર્યાસ્ત સમયે ઢળી પડે છે ને જીવ પણ ગુમાવે છે. દરેકે પોતાની જાતને પૂછવાનું છે કે ક્યાંક તમે તો આ રેસમાં જોડાયા નથી ને?
ચંદ્ર યાન કદાચ માનવીનું પહેલું અવકાશી કદમ હોય કે મંગળ યાનની યાત્રા, અવકાશના ઊંડાણને માપવા મથતો માનવી પોતાના મનના ઊંડાણને તો ખુશીની પળોથી ભરવા જ પ્રવૃત્તિમય હોય છે. આ ખુશીની પળો જો માણી શકાય તો તે જ માનવજીવનની અસલી વિકાસ યાત્રા છે. ખુશીની આ વિકાસયાત્રાને ક્યારેક કોઈ માઈલ સ્ટોન સાંપડે છે. ખુશી કહો કે હેપીનેસ- દરેકને મળે કઇ રીતે? પ્રશ્ન કદાચ અઘરો છે, પણ ઉત્તર એટલો અઘરો નથી. જેમ રાત અને દિવસનું સંકલન છે, તે જ રીતે ખુશી અને હાસ્યનું પણ સંકલન છે. ખુશીનું તાળું ખોલવા માટે હાસ્યરસ એ ચાવી છે. એ ચાવી જેને મળી તેનું જીવન ખુશહાલ હોય, હોઠો પર હસી છલકતી હોય, દિલના હર ધબકારે પ્રેમ અને લાગણીની વર્ષા હોય. પ્રાચીન હોય કે અર્વાચીન, દરેક સંસ્કૃતિનો પાયો છે ખુશી. જીવન રડવા સાથે શરૂ ભલે થાય, પૂરું તો ન જ થવું જોઈએ. કાલિન્દીના કલ કલ નીર હોય કે ગંગાના વહેતાં વારિ, જીવનની હર પલ છે ખુશીની સવારી. દેશ હોય કે વિદેશ, આર્કટિકથી એન્ટાર્ટીક સુધીના કોઈ પણ સ્થળે, ઊંચેરા આભની અટારીએ આંબતો માનવી પણ અંતે તો ચાહે છે ખુશીની હર પળ.
પલકોના પલકારે,
હસી છલકે કિલકિલાટ,
ખુશી મહેકે ખિલખિલાટ
હળવા રહીએ, હસતાં રહીએ
જીવન બને એક આનંદયાત્રા.
રીટા જાની
09/04/2021