આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ
“રઘુ, હવે તારા લેપટોપને બાજુ પર મૂક અને સૂઈ જા.”
“હા, મમ્મી આ પ્રોગ્રામમાં બગ આવ્યો છે તો મારે રિસોલ્વ કરવો પડશે. વર્ક ફ્રોમ હોમ મમ્મી, યુ સી.” રઘુની ભાષા ગુજરાતી હતી પણ છટા અંગ્રેજી હતી.
રઘુના પપ્પા ડૉ. દિનકર ચૌહાણે રઘુ નાનો હતો ત્યારથી જ એમના મોટાં ભાઈને ત્યાં અમેરિકા મોકલી દીધો હતો.
દિનકરભાઇનું માનવું એમ હતું કે ત્યાં અમેરિકામાં રહે તો છોકરાનું ભણતર અને ભવિષ્ય બંને સુધરી જાય.
દિનકરભાઇ પોતે જડબાના કૅન્સરના નિષ્ણાંત હતા. અને ગુજરાતની પ્રખ્યાત સરકારી હૉસ્પિટલના હેડ હતા.
ડૉ. દિનકર અનેક મેડિકલ સંસ્થાનોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની કામગીરી પણ બજાવતા હતા.
સેવા કાર્યોમાં ડૉ. દિનકર હંમેશા આગળ પડતા જ હોય.
દીકરો રઘુ હંમેશા એમને અહિયાંથી કાયમ માટે અમેરિકા સ્થાયી થવા આગ્રહ કરતો હતો.
પરંતુ પાણીપુરી અને ભાજીપાઉંના શોખીન, ટૂંકમાં ખાવાપીવાના શોખીન ડૉ. દિનકર હંમેશા એવું કહીને ટાળી દેતા કે,
“હમણાં નહીં બેટા. રિટાયર્ડ થઇ જઈશ એટલે હું અને તારી મમ્મી બંને તારી સાથે અમેરિકા આવી જઈશું. ત્યાં સુધીમાં અમે તો દાદા-દાદી પણ બની ગયાં હોઈશું.”
હજી પણ રઘુની લાઈટ ઓલવાઈ ન હતી એટલે દિનકરભાઇ પોતે જ રઘુને સુવાનું કહેવા માટે ઊપર ગયાં.
આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ નિષ્ણાંત રઘુની સ્ક્રીન પર પંદર-સોળ જેટલા સી.સી.ટી.વી કૅમેરા જોઈને એનાં પપ્પાને એનું કામ વિસ્તારથી જાણવાની ઉત્સુકતા થઇ.
રઘુ પણ પોતાનું કામ કરતો જાય અને મોઢામાં લેયઝ વેફરના બે-ચાર કટકા મૂકતો જાય અને પપ્પાને એનું કામ સમજાવતો જાય.
ડૉક્ટરની ઉચ્ચ ડિગ્રી અને અનેક પ્રચલિત સંસ્થાઓની ટોચની પદવીઓ હોવાં છતાંય ડૉ. દિનકારને માત્ર ઑડિઓ અને વિડીયો એ બે શબ્દ સિવાય બીજી કઈ ગતાગમ ના પડી.
ખેર, રઘુની ભારત આવવાનું કારણ એક મહીના બાદ એનાં લગ્ન હતાં.
“બેટા, એક કામ કરજે કાલે તું અને મમ્મી ડ્રાઇવર સાથે સીધા હૉસ્પિટલ આવી જજો. ત્યાંથી આપણે ખરીદી કરવા નીકળીશું.” ડૉ. દિનકરને આર્ટિફિશલ ઇન્ટેલિજન્સમાં કઈ ટપ્પો ન પડ્યો એટલે એમણે પણ રઘુને ઉંઘાડવાનો વ્યર્થ પ્રયત્ન કરવાનો માંડી વાળ્યો.
પંદરથી પણ વધારે વર્ષ બાદ ભારત આવેલા રઘુએ સરકારી હૉસ્પિટલની ગંદકી વિશે સાંભળ્યું તો હતું પરંતુ જોવામાં આજે પ્રથમ વખત આવ્યું હતું.
એની મમ્મીએ તો પહેલેથી જ એને માનસિક રીતે તૈયાર કરી દીધો હતો કે “બેટા, બધી જ ઇન્દ્રિયો બંધ કરીને સીધેસીધા પપ્પાની કૅબિનમાં ઘૂસી જજે.”
રઘુએ એનાં પ્રોગ્રૅમીંગના કમાન્ડની જેમ બધું જ માન્યું પરંતુ આંખ તે કઈ રીતે બંધ થાય!!!
ચારે બાજુ પાનની પિચકારીઓ અને લોકો આમ-તેમ થૂંકતા નજરે પડ્યાં.
મેડિકલનો વપરાયેલો સામાન ગમે ત્યાં પડેલો જોયો.
બેડ શીટ્સ, પિલો કવર બધું જ ગંદી હાલતમાં ગંદકી પર પડેલું જોયું.
લિફ્ટની જાળીનો બદલાયેલો લાલ કલર જોયો.
આ બધું જ જોતાં તરત જ એણે એનાં પપ્પાને કહ્યું કે “પપ્પા આવી ગંદકીમાં તો માણસ વધારે માંદો પડે!”
પપ્પાએ પણ મોળો જવાબ આપ્યો. “શું કરીએ બેટા જે છે તે આ જ છે! એટલે તો તને અહીંયાથી હંમેશા દૂર રાખવો હોય છે.”
રઘુની બધી જ ઇન્દ્રિયો હજી પણ શાંત જ હતી.
એકાદ-બે વાક્ય સિવાય એણે બોલવાનું ટાળ્યું.
આખીય ખરીદી એણે માત્ર ઇશારાથી જ કરી.
એનું મન ક્યાંક ભટકતું હતું.
ખરીદી પત્યાં બાદ અંતે એણે મૌન તોડ્યું.
“પપ્પા આઈ હૅવ વન સોલ્યુશન!” સેવાભાવી બાપના સેવાભાવી બેટાને જાણે કૈક તુક્કો સૂઝ્યો હોય એમ ચપટી મારી.
“અલ્યાં….આવું બધું અહીંયા ના થાય…કેટકેટલી પરમિશન અને કેટકેટલી માથાકૂટ..” રઘુના પ્રસ્તાવથી તો બાપા ભડક્યાં.
રઘુની મા જો આને, “આ સમાજ સુધારકને હોસ્પિટલમાં સી.સી.ટી.વી લગાવીને કંટ્રોલરૂમ જોડે કનેક્ટ કરવાં છે. જાણે એનાં બાપની હૉસ્પિટલ હોય એમ.”
રઘુની માએ તો બંને બાપ દીકરામાં કઈ દખલ ન દીધી.
પણ અંતે રઘુ પપ્પાને કન્વિન્સ કરવામાં સફળ થયો.
જો બેટા, તારી આટલી જીદ છે તો બનાવ તારો પ્રોગ્રામ આપણે કોઈ સારી સી.સી.ટી.વી કંપની સાથે વાતચીત કરીશું પરંતુ સરકારી હૉસ્પિટલમાં આવું શક્ય નથી. “આપણે પ્રયોગ પૂરતું મેડિકલ એસોસિએશનની મેઈન ઑફિસમાં લગાવીશું.”
“જો એમાં સફળ થઈશું તો આપણે આગળ મિનિસ્ટ્રીમાં વાત કરીશું.”
રધુ તો ખુશ થઇ ગયો.
એણે તો લગ્નની તૈયારીઓ મૂકી પડતી અને એનું કૅમેરાનું પ્રોગ્રૅમીંગ કરવા મંડી પડ્યો. અવેલેબલ ડેટા કલેક્ટ કરાવી લીધાં.
ઍલ્ગરિધમ સેટ કરવાનું ચાલુ કરી દીધું.
જો કે એણે એટલી બધી મહેનત કરવાની પણ ન હતી.
આવો પ્રોગ્રામ એણે અમેરિકાની એક કંપની માટે બનાવ્યો જ હતો.
માત્ર થોડાં ઘણાં જરૂરી ફેરફાર જ કરવાના હતા.
હાર્ડવેર અને સોફ્ટવેર લગભગ તૈયાર થઇ ગયાં.
ડૉ. દિનકર મેડિકલ એસોસિએશનના પ્રમુખ હોઈ એમણે વિશેષ પરવાનગીની જરૂર ન હતી.
મેડિકલ એસોસિએશનની ઑફિસના જૂના કૅમેરા ઉતરાવીને નવા હાઈ રિસોલ્યૂશન, સેન્સર ડિટેક્શન અને ૩૬૦º ફરે તેવાં કૅમેરાનું ઈન્સ્ટોલેશન ચાલુ થયું.
ઑટમૅટિક સિસ્ટમના પ્રથમ પ્રયોગમાં જ કમિટિના બધાં જ મેમ્બર્સ ખુશ થઇ ગયાં.
બધાંના મોંઢામાંથી એક જ શબ્દ નિકળ્યો, “વાહ!”
સેવાભાવી અને દીર્ઘદ્રષ્ટા ડૉ. દિનકરના આનંદનો પાર ન રહ્યો.
એણે હાજર બધાં જ કમિટિ મેમ્બર્સને જણાવ્યું કે આપણી આ સફળતા હેલ્થ મિનિસ્ટ્રિ સુધી પહોંચવી જોઈએ.
આપણે આ નવતર પ્રયોગનું ઉદ્દઘાટન કરીશું અને એ ઉદ્દઘાટન માટે આપણે આપણા રાજ્યના હેલ્થ મિનિસ્ટરને આમંત્રણ આપીશું.
જોગાનુજોગ ૨જી ઑક્ટોબર પણ નજીક હતી.
રઘુના લગ્નને હજી થોડાં દિવસોની વાર હતી.
આવાં અનોખા પ્રયોગના સહભાગી બની ઉદ્દઘાટન કરવા માટે હેલ્થ મિનિસ્ટર પણ આતુર હતાં.
ખાદીની ગાંસડીમાં લપેટાઈને મિનિસ્ટરથી માંડીને બધાં જ કમિટિ મેમ્બર્સ અને પરિવારના સભ્યો અને બીજાં મહાનુભાવો નિર્ધારિત સમય અને તારીખે હાજર થઇ ગયાં.
એકાદ-બે ઔપચારિક ભાષણ થયાં.
રઘુના અને ડૉ. દિનકરના ગુણગાન ગવાયા.
ગાંધીજી કરતા આજે આ બંનેનું મહત્વ વધારે જણાયું.
આટલી હાઈ-ટેક સિસ્ટમ સરકારી હોસ્પિટલમાં પણ હોવી જોઈએ એવું હેલ્થ મિનિસ્ટરે સામેથી જ પોતાના ભાષણમાં જણાવ્યું.
આ સાંભળીને ડૉ. દિનકર અને રઘુની ખુશીમાં બમણો વધારો થયો.
સર્વેનો આભાર માનીને હેલ્થ મિનિસ્ટર શાહ સાહેબે જવાની પરવાનગી માંગી.
ડૉ. દિનકર પણ એમનાં સિક્યુરિટીના કાફલા સાથે જોડાઈને એમને છેક લાલ બત્તીવાળી ગાડી સુધી મૂકવા ગયા.
રઘુ અને બીજા કમિટી મેમ્બર્સ તો હજી સ્ટેજ પર જ હતા.
સફળ પ્રયોગ અને કાર્યક્રમની સફળતાની વાતો વાગોળતા હતાં ત્યાં જ રઘુના ફોનમાં નોટિફિકેશન આવી.
“વાહ…..”ની સાથે બધાના મોંઢા ખુલ્લા જ રહી ગયા.
રઘુએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ થકી પ્રિમાઇસમાં અમૂક ગેરરીતિ થાય એનાં પેરામીટર્સ સેટ કર્યા હતાં.
ઑટોમેટેડ સિસ્ટમની ઉદ્દઘાટન બાદની આ પ્રથમ નોટિફિકેશન હતી.
રઘુએ પોતે જ ડેવલપ કરેલી ઍપ્લિકેશન ખોલી.
પાછળ બધાય કમિટિ મેમ્બર્સ જાણે ગાડી અને બાઈકની “મોત કા કુઆ” રમત ચાલતી હોય તેમ ડોકાચિયું નાખીને રઘુના ફોનમાં જોતા હતાં.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ડેટાબેઝમાં દરેક કર્મચારીની વિગત નાખી હતી એટલે એમાંથી જે પણ કોઈ ગેરરીતિ દાખવે તો એ ડિટેક્ટ કરીને એમનાં ત્રણ ફોટા સાથે એનાં નામની પાવતી બની જાય અને એના સરનામે કુરિઅર થઇ જાય.
હેડીંગમાં “સ્પિટિંગ ઓન ધ વૉલ” લખ્યું હતું.
ત્રણ અલગ અલગ એંગલથી મેડિકલ એસોસિએશનના એન્ટ્રન્સના ફોટા હતાં.
કૉર્નરમાં તારીખ 0૨/૧૦/૨૦૧૪ સમય:૧૧:30 લખ્યું હતું.
દંડ : અંકે ૧૦૦૦/-
અપરાધીનું નામ : ડૉ. દિનકર ચૌહાણ.
