“ગલ્લા ભારે રાણી! આ તો આપણો જ હાથ”
વિશ્વાસે ધરતી સામે જોયું.
ટૂંક જ સમયમાં થનાર સસરા અને સાળા પૃથ્વી સામે જોયું.
ધરતીને આંખ મારી.
પત્તાને ચુમ્મી કરી.
ચટાક કરતુ પત્તું ફેંક્યું અને બોલ્યો, “લે પૃથ્વી આપણી આ ગલ્લા ભારે રાણી! આ તો આપણો જ હાથ!”
પૃથ્વી અને વિશ્વાસ બંને એક બીજાને તાળીઓ આપીને કૂદાકૂદ કરવા લાગ્યાં…
“પપ્પા, આ બંને ચિટરીયાઓ જોડે ક્યારેય રમી રમવાનું જ નહીં” ધરતીએ હારેલો હાથ લઇ લીધો અને આખી બાજી વેરણછેરણ કરી નાખી.
“હાથ લાવ દીદી….”
“તમને અને પપ્પાને રમતા જ ના આવડ્યું દીદી..”
“તમારો હાથ ગયો..ડિક્કો…ડિક્કો” પૃથ્વી ડિક્કો…ડિક્કો અને કિટ્ટા બુચ્ચા કરે એટલો નાનો હતો નહીં. પણ રમતની ગેલમાં આવી જાય એટલે બધાં નાના જ થઇ જાય.
“હવે ઘડિયાળ જુઓ તમે બધાં..રાતના બે વાગ્યાં છે.” શોરબકોરથી જાગેલા પૃથ્વી અને ધરતીની મમ્મી ભારતીબેન ટકોર કરવા આવી ગયાં.
“અરે હા!! ધરતી કાલે તો આપણી એક્સ્ટ્રા શિફ્ટ છે. ભૂલી ગઈ કાલે પ્રજાસત્તાક દિન છે.
આપણાં ત્રણ ડૉક્ટર્સ રજા પર છે.” વિશ્વાસ તો ભારતીબેનનો કહ્યાગરો થનાર જમાઇ હતો.
એમ.બી.બી.એસના પાંચમાં વર્ષમાં ભણતાં વિશ્વાસ અને ધરતી બંને જણા સિનિયર ડૉક્ટરોના ડાબા અને જમણા હાથ હતા.
પાડોશમાં જ રહેતા વિશ્વાસે પોતાનું જીન્સ ખંખેર્યું . અહીંયા પણ બધાં બાજી સમેટીને પોતપોતાના રૂમમાં સૂવા ગયાં.
રાષ્ટ્રગાનની સાથે ધરતીના “મમ્મી સુવા દે ને, પ્લીઝ લેટ મી સ્લીપ…”ના સૂરો પણ ભળ્યાં. ઊંઘમાં તો ધરતી એવું જ વિચારતી હશે કે મમ્મી અત્યારે પલંગ ઝંઝોળીને કાલ રાતની ભડાશ કાઢી રહી છે.
બે-પાંચ સેકન્ડમાં તો બહારથી ભયાનક ચીસો અને બૂમો સંભળાવવા લાગી.
ધરતી જરાક પડખું ફેરવીને ઉભી થઇ ત્યાં તો બિલ્ડરની કચાશ કહો કે નસીબની, ધરતીની આજુબાજુ છત પરથી ઈંટના રોળં પડવાનાં ચાલુ થઇ ગયાં અને ઘડીક જ વારમાં કાટમાળનો ઠગલો થઇ ગયો.
“દીદી..દીદી..હાથ લાવ..”ની બૂમો પાડતો પૃથ્વી ધરતીને બચાવવા તો આવ્યો પણ આ વખતે ભગવાને જ પત્તુ ફેંક્યું હોય એમ ઉપર લબડતો સ્લેબ ચટાક કરતો પૃથ્વીના માથે પડ્યો.
ધરતીથી આ દ્રશ્ય જોઈને ચીસ તો નંખાઈ ગઈ પણ એ એક જ કાને હાથ મૂકી શકી. એ ચીસ પૃથ્વીને જોઈને પાડી કે પોતાનાં નિશ્ચેતન હાથ માટે…!! એ તો ધરતી જ જાણે.
અત્યાર સુધી ધરતીકંપ શબ્દ માત્ર સાંભળવામાં જ આવ્યો હતો. આ વખતે ગુજરાતની ધરતીએ એનો કડવો અનુભવ પણ કરી લીધો. ધરતીકંપના લીધે ધરતીના જીવનમાં તો વાવાઝોડું આવ્યું હતું.
પોતાનો ડોમિનન્ટ હેન્ડ ગુમાવવાનો દર્દ હતો એટલો જ દર્દ ધરતીને પોતાનો ભાઈ ગુમાવવાનો પણ હતો. સર્જન બનવું તો દૂરની વાત પણ હવે એમ.બી.બી.એસની આખરી પરીક્ષા પણ કઈ રીતે પાસ કરવી એ મોટો પ્રશ્ન હતો.
બીજી બાજુ વિશ્વાસ સાથેના સંબંધનો પણ શ્વાસ રૂંધાતો હતો.
‘થોડું ભણી લઉં, ક્લિનિક થઇ જાય પછી, મોટી બેનના લગ્ન થઇ જાય’ જેવા અવનવા બહાનાં સાથે વિશ્વાસે લગ્નના પ્રસ્તાવને આડકતરી રીતે નકારમાં આપવાનું ચાલુ કરી દીધુ હતું.
ખરેખર તો પોતાના મમ્મી પપ્પા સામે એ પોતે જ ગલ્લો હતો.
માનસિક, શારીરિક એવી અનેક કઠિનાઈઓ વચ્ચે ધરતીએ ફાઇનલ પરીક્ષામાં રાઇટર રાખીને સારા ગ્રેડ સાથે એમ.બી.બી.એસ પાસ કર્યું. એક સમયે જે સર્જન ડૉક્ટરોનો ડાબો જમણો હાથ હતી તે લોકો જ આ એક હાથવાળી સ્ટુડન્ટના પગ ખેંચવા લાગ્યાં.
પ્રોત્સાહનના નામે અનેક કડવી સલાહો પણ મળતી.
ઘણા લોકો પોતાના જેવો જ એક હાથ કે એક પગવાળો સાથી શોધીને પરણી જવા કહેતું, તો કોઈક દાક્તરી કે સર્જન બનવાના સપનાઓ બાજુ પર મૂકીને ટ્યૂશન ક્લાસ ચાલુ કરવાની સલાહ આપતું. પરંતુ ધરતીની સાથેસાથે એનાં મમ્મી-પપ્પા પણ મક્કમ હતા. બંને જણાએ બેવડી તાકાતથી ધરતીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.
અલગ અલગ રાજ્યોની મેડિકલ કોલેજોમાં વિવિધ ફેકલ્ટીઓ માટે ફોર્મ ભરવાનાં શરૂ કરી દીધા. ઘણા ખરાં તો ડિસેબિલિટીના કૉલમમાં ટિક માર્ક જોઈને જ રિજેકટ થઇ ગયાં. જ્યાં કોઈ જ ન જાય એવી દૂર દૂરના રાજ્યોની અમૂક કોલેજે ઈન્ટવ્યુ માટે બોલાવ્યાં તો પણ ખરા પરંતુ ત્યાંથી પણ વળતરમાં વણમાંગેલી ટિપ્પણીઓ અને સલાહો જ મળી.
“ધરતી એક હાથે તો કઈ રીતે સર્જરી કરી શકે?”
ધરતી ધીરે ધીરે હવે ડિપ્રેશનનો શિકાર થવા લાગી. ક્યારેક તો એવું પણ વિચારતી કે એ ભૂકંપમાં પૃથ્વી સાથે એ પણ….
વાંચનની શોખીન ધરતીને એક દિવસ વિચાર આવ્યો કે આ જ પરિસ્થિતિને જો બીજી દ્રષ્ટિથી જોઈએ અને દાક્ટરીમાં જ જો કોઈ એવી ફિલ્ડ લઈએ કે જ્યાં હાથનો વપરાશ જ નહિવત્ હોય.
“પપ્પા, મારે હવે સર્જન નથી બનવું.” ધરતીના અવાજમાં થોડો ભાર તો હતો પણ મૂડ હળવો હતો.
મમ્મી પપ્પા બંનેએ એક સાથે જ પૂછ્યું, “કેમ?” વધુમાં પપ્પાએ ઉમેર્યું, “બેટા, આટલું જલ્દી નાસીપાસ ના થઇ જા, ઈશ્વર અનેક રસ્તા દેખાડશે!”
“પપ્પા, ઈશ્વરે આંગળી ચીંધી દીધી છે. ભલે હું સર્જન ન બની શકું તો કંઈ નહીં, પણ આ ભૂકંપ અને આવી અનેક માંદગીઓ જેવી કે આજકાલ સોશ્યલ મીડિયાની માંદગી પણ ખૂબ વધી છે. તો હું મનોચિકિત્સક ડૉક્ટર બનું તો? એમાં તો એક શું બંને હાથ ન હોય તો પણ ચાલી જાય.”
મમ્મી પપ્પા તો આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઇ ગયા. ધરતી એ દ્રષ્ટિકોણ બદલ્યો એટલે નહીં પણ છેલ્લાં છ મહિનામાં ધરતી પહેલી વખત આટલી હળવાશ અનુભવતી હતી.
એમ.ડી ઈન સાયકિયાટ્રીમાં એડમિશન લેવા માટે પપ્પા અને દીકરીનો એડમિશન અધ્યાય શરૂ થયો.
શહેરની કોલેજોમાંથી એને ધક્કો મળ્યો અને રાજ્યની કોલેજોમાંથી મુક્કો…ક્યાંક કોઈ જગ્યાએ મેરીટથી અટકે તો ક્યાંક કમનસીબથી અટકે.
રાજ્યની બહારની એક મેડિકલ કોલેજમાંથી થોડા શુભ સંકેત આવ્યા. પણ તેઓના હાથમાં પણ તીર હતું. તેઓ એન.આર.આઈ સીટ ઉપર એડમિશન આપવા રાજી થઇ ગયા.
એન.આર.આઈ સીટ એટલે ચાર-પાંચ ઘણી ફી.
પૃથ્વીના ટ્યુશન માટે બચાવેલ રાખેલ સિલ્લક અહીં કામ લાગી ગઈ.
એન.આર.આઈ સીટના કારણે કૉલેજમાં ધરતીનું માનપાન વધી ગયું. કેમકે માત્ર કોલેજનું મેનેજમેન્ટ જ જાણતું હતું કે તેમણે તકનો લાભ લીધો છે.
ભણવામાં તો ધરતી પહેલેથી હોશિયાર હતી જ. સિનિયર ડોક્ટર્સના કામ કાઢી આપવાથી ક્લિનિકલ માસ્ટરી પણ હાથવગી હતી.
આ બધાની વચ્ચે જે વાંચનનો શોખ હતો અને એના અલગ જ દ્રષ્ટિકોણને કારણે અન્ય વિદ્યાર્થીઓ કરતા એ અલગ જ તરી આવતી હતી.
ડૉ ધરતીના નામની આગળ હવે ગોલ્ડ મેડલીસ્ટ ઈન સાઇક્યાટ્રી ઉમેરાયું.
ધરતીએ બે-બે આસિસ્ટન્ટ સાઇક્યાટ્રી ડૉક્ટર્સ રાખીને સાઇક્યાટ્રી ક્લિનિકની સ્થાપના એકલા હાથે કરી. “પૃથ્વી સાઇક્યાટ્રી ક્લિનિક”
થોડાક જ સમયમાં સાથે ભણતો હતો તે આકાશ સાથેની મૈત્રી પ્રેમમાં પરિણમી. ઠાવકા, વિવેકી અને પ્રેમાળ આકાશ સાથેના હસ્તમેળાપ સાથે ધરતીના બાવળા મજબૂત થયા. સેવા અને સંપત્તિ વચ્ચે ધરતી અને આકાશના ઘરે ખ્યાતિનો જન્મ થયો.
ઉખડખાબડ ભર્યું ધરતીનું જીવન હવે સમતલ થવા લાગ્યું. સવાર સાંજ માનસિક બીમાર લોકોના સમાધાન કરતાં કરતાં એટલું થાકી જવાતું કે પલંગમાં પડતાં વેંત જ ઊંઘ આવી જતી હતી.
શિયાળાની એક રાત્રે ધરતી પૃથ્વીના નામની ચીસ પાડીને એક કાને હાથ દઈને ઝબકીને જાગી ગઈ.
“શું થયું ધરતી, કેમ આટલું હાંફે છે?” આકાશે ધરતીના ખભે હાથ મૂકીને પોતાની તરફ જકડીને પૂછ્યું.
આકાશ છેલ્લા ઘણાંય દિવસથી રોજ રાત્રે મને પૃથ્વીના ભણકારા સંભળાય છે.
“હાથ લાવ દીદી…હાથ લાવ દીદી…”