શબ્દને મળે સૂરનો સથવારો તો નીપજે અમર સંગીત. શબ્દને મળે સંસ્કૃતિનો સથવારો તો નીપજે સાહિત્યની અમર કૃતિ. એવી જ એક કૃતિ છે ‘જય સોમનાથ’. મુનશીજીની કલમની પ્રસાદી એટલે ‘જય સોમનાથ’. દરેક સંસ્કૃતિ એ વિવિધ સમયખંડોની સરવાણી છે. ગુજરાતની સંસ્કૃતિ પણ ઇતિહાસના વિવિધ કાલખંડનો સરવાળો છે. આવા એક કાલખંડની પ્રસ્તુતિ છે ‘જય સોમનાથ’.
સમયની સરિતામાં…
આવા એક કાલખંડના કિનારે ..
ઇતિહાસ કરવટ બદલે છે…
ઇ સ 1024…
જ્યારે મુસ્લિમ આક્રમણકાર મહમૂદ ગઝનીએ ભારત પર આક્રમણ કર્યું. ગુજરાતના દરિયાકિનારે આવેલા સુપ્રસિદ્ધ સોમનાથનું શિવ મંદિર તોડી, તેની મૂર્તિ ખંડિત કરી, અઢળક સંપત્તિ અને મૂર્તિના ટુકડા પોતાના વતન લઈ ગયો. એ ઐતિહાસિક વિગતોને પોતાની કલ્પના સાથે મઢી મુનશીએ આ નવલકથા લખી છે. વીર રાજપૂતોએ ભેગા મળી સોમનાથનું રક્ષણ કરવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા હતા. એ શૌર્યકથાની પશ્ચાદભૂમાં કથાનાયક ભીમદેવ સોલંકી અને દેવનર્તકી ચૌલાની પ્રણયકથા મુનશીએ આલેખી છે. આ કથાનું સૌથી સબળ પાસું મુનશીની શૈલી અને પ્રસંગોનું વર્ણન છે. તેમાં પણ મહંમદ ગઝનીનું આક્રમણ, રાજપૂતોની વીરતા, ઘોઘા રાણાની યશગાથા, યુદ્ધનો આબેહૂબ ચિતાર, ભીમદેવ અને ચૌલાનો પ્રણય પ્રસંગ, સોમનાથ ભગવાન સમક્ષ ચૌલાનું નૃત્ય, રણની આંધીનું વર્ણન તથા બંને તરફના લશ્કરોનું વર્ણન નવલકથાનું આકર્ષણ છે.
આજે માણીએ આ પ્રેમ અને શૌર્યની કથા ‘જય સોમનાથ’ને. અને મળીએ આ નવલકથાના થોડા પાત્રોને સાથે માણીએ થોડા પ્રસંગો અને શબ્દચિત્રો…..
આજે જ્યારે સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સોનેરી બન્યું છે તો ત્યારનું સોમનાથ કેવું હશે એ જાણવામાં આજના વાચકને જરૂર રસ પડશે. સોમનાથની સમૃદ્ધિ અને જાહોજલાલીની ચર્ચા દેશપરદેશમાં થતી. એ જ તો કારણ હતું કે વિદેશી આક્રમણકારો અફાટ રણ વીંધી સોમનાથ સુધી આવ્યા. સોમનાથ શિવાલય નહોતું આલય કે નહોતું શહેર. સદીઓની શ્રદ્ધાએ તેને દેવભૂમિસમું સમૃદ્ધ અને મોક્ષદાયી બનાવી મૂક્યું હતું. લોહચુંબકથી ખેંચાતા હોય એમ યાત્રાળુઓ સોમનાથના પરમ પૂજ્ય શિવાલય તરફ આવતાં ને સુર્યતેજમાં ઝગમગતા ભગવાન શંકરના પાટનગર પર ભક્તિસભર નયનો ઠારતા, તેનાં હજાર મંદિરશિખરોની ધજાઓનાં નર્તન વડે હૈયાં ઉત્સાહઘેલાં કરતા, સોમનાથના મંદિરના સોનાના કળશના મોહક તેજથી મુગ્ધ થતા અને તેની ભગવી મોટી ધજાના વિજયમસ્ત ફરકાટમાં મોક્ષમાર્ગ નિહાળતા. નગરના મુખ્ય દ્વાર પર પહોંચી હોંકારો કરતા, ‘જય સોમનાથ’નો ઘોષ કરતા. મંદિરના દરવાજાની બે બાજુએ અદભુત કોતરકામવાળી દીપમાળો હતી. આગળ ભવ્ય અને વિશાળ સભામંડપ હતો, જ્યાં પાંચ હજાર માણસો એકસાથે દર્શન કરી શકતાં. આગળ ગર્ભગૃહમાં ત્રણ ભુવનના નાથ -ભગવાન સોમનાથ- બિરાજતા. આ જ્યોતિર્લિંગ પર દિવસરાત રુદ્રી થતી. તેમની સામે સભામંડપમાં સૂર્યોદયથી મધ્યરાત્રિ સુધી સતત નૃત્ય થતું. આરતી સમયે દીપમાળો પર હજારો દીવાઓ પ્રગટતા, સભામંડપમાં સોનેરી દીપીઓ પર બત્તીઓ સળગતી, છત પર, થાંભલાઓ પર, ચીતરેલા ત્રિપુરારિના પરાક્રમો જાણે સજીવન થતાં, ચાર ચાર થાંભલાઓ વચ્ચે સોનાની સાંકળે લટકતાં ઘંટોના નાદ થતાં, ગર્ભગૃહની છતમાંથી લટકતા રત્નજડિત દીપકમાં દીવાઓ બળતા અને વચ્ચે છાતી સમાણું ઊંચું, પુષ્પ અને બીલીપત્રોના ઢગમાં છુપાયેલું સોમનાથનું લિંગ કૈલાસનો ભાસ કરાવતું. તેની ઉપર સોનાની જલાધરીમાંથી પાણી પડતું ને પ્રલય સમુદ્રની ગર્જના હોય તેમ ‘જય સોમનાથ’નો ઘોષ ચોમેlર ફરી વળતો ને આખું પ્રભાસ સોમનાથમય થઈ જતું.
આવા ભવ્યાતિભવ્ય, દેવોના દેવ એવા સોમનાથનો વિનાશ કરવાનું વ્રત લઈ ગરજનનો હમ્મીર મહમ્મુદ રણ ઓળંગી ચડી આવ્યો હતો. આ જ હતો એ મ્લેચ્છ જેણે કનોજ, કલિંગર, નગરકોટ ને મથુરાને જમીનદોસ્ત કર્યા હતાં. તેણે મથુરાના વિપ્રવર્યોને ગરજનના બજારમાં સાડા ત્રણ રૂપિયે વેચ્યા હતા. તે હતો ગઝનીનો સુલતાન. ચૌદ વર્ષે તેણે ગઝનીના ભયંકર વીરોમાં પણ કીર્તિ મેળવી હતી. ગરીબ છતાં ધન મેળવ્યું હતું. સત્તાહીણો છતાં સત્તા મેળવી હતી. ખોરાસાનની હકુમત મેળવી તેણે ગઝનીની અમીરાત ભાઈ પાસેથી ઝડપી લીધી હતી. જેને એ હાથ અડકાડતો એ શરણે આવતું ને જે ઈચ્છતો તે એને મળતું. પિતાને પંથે જઈ એણે હિંદનું અઢળક ધન લૂંટવું શરૂ કર્યું. હિન્દુ રાજાઓ એની મહેરબાની માગતા થયા. ગ્વાલિયર, કનોજ, દિલ્હી ને સપાદલક્ષના સંયુક્ત સૈન્યો એના પ્રખર પ્રતાપ આગળ અનેક વાર ઓગળી ગયા. ધનના ઢગ સમું નગરકોટ એણે હાથ કર્યું. એને મૂર્તિભંજકની અમર કીર્તિ પ્રાપ્ત કરવાનો મોહ લાગ્યો ને તે ઇસ્લામનો વિજય સમશેર બન્યો. જાહોજલાલીમાં ભવ્ય એવા મથુરાના મંદિરો ભસ્મીભૂત કરી દેવોના મુકુટકુંડલો એના જનાનાને શોભવતાં થયાં. પૂજ્ય ગણાતા પંડિતો ગઝનીના ગુલામ બની વેચાયા. એના શૌર્યની સીમા ન હતી. એણે ઇસ્લામનો ડંકો જગતભરમાં વગાડવો હતો. સ્થાપત્યે ગઝનીને શણગારવું હતું. સમૃદ્ધિએ એનું સિંહાસન દીપાવવું હતું. મૂર્તિપૂજાનો એ દ્વેષી હતો. એ રાજપૂતોને સંહારતો ને એમનું અડગ શૌર્ય જોઈ મુગ્ધ બનતો. એણે મુત્સદ્દગીરીથી મહાન સેનાનો વ્યૂહ ઊભો કર્યો હતો. અત્યારે એ ધન લૂંટવા આવ્યો હતો. રાજપૂતો પોતાના નાનકડાં રાજ્યોની ટુંકી મહત્તામાં પોતાને સુરક્ષિત સમજતા. તેઓ સરળ, અડગ, ટેકી ને શૂર તો હતા પણ અભિમાનમાં સામાનું બળ પારખવાને અશક્ત હતા. તેઓ જંગના રસિયા હતા પણ ભેગા મળીને લડવાના કાયર હતા. એટલું જ નહિ પણ એક દેશની દાઝ કે એક ધર્મની ભાવના કરતાં સંકુચિત સત્તાશોખ કેળવવા તત્પર હતા. જેનો ભરપૂર ફાયદો હમ્મીરે ઉઠાવ્યો.
‘જય સોમનાથ’ ઇતિહાસના કાલખંડની ક્ષણોને જીવંત કરે છે. આ જીવંતતાનું નિરૂપણ મુનશીજી એવી સુંદર રીતે કરે છે કે આપણને પ્રતીતિ થાય છે કે આ પળો આપણને કંઇક ઇતિહાસબોધ આપી રહી છે. આપણી આજ એ અનેક ગઈ કાલનો સરવાળો છે. કથાનું વિષયવસ્તુ ભલે ઐતિહાસિક હોય પણ તે માત્ર ઇતિહાસ નથી. ભગવાન સોમનાથની પૌરાણિક કથા પ્રમાણે સોમનાથ એ શિવજીનું જ્યોતિર્લિંગ છે. સોમ એટલે ચંદ્ર. ચંદ્રને મળેલા શ્રાપને લીધે પ્રતિદિન ક્ષીણ થઈ રહેલો ચંદ્ર શિવજીનું આરાધન કરે છે. ચંદ્ર ક્ષીણ થતાં બીજના ચંદ્રની કક્ષાએ પહોંચે છે, ત્યારે ભગવાન શિવ પ્રગટ થઈ ચંદ્રને વરદાન આપે છે અને ચંદ્ર બીજના ક્ષીણ ચંદ્રમાંથી વૃદ્ધિ પામી પૂર્ણિમા સુધી પહોંચે છે. ચંદ્રની આ ગતિ જેને આપણે ચંદ્રની કળા કહીએ છીએ તે અપૂર્ણતાથી પૂર્ણતા તરફની ગતિ છે. જીવન તેની કોઈ પણ ક્ષણે અપૂર્ણતાથી પૂર્ણતા તરફની ગતિ જ છે. આ જ રૂપકના પગલે આપણી સાહિત્યયાત્રા પણ પૂર્ણતાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે…
અપૂર્ણથી પૂર્ણ…
બિંદુથી સિંધુ સુધીની યાત્રામાં …
સવિશેષ આવતા અંકે…
રીટા જાની