બાળવાર્તા -કુંતા શાહ

મિત્રો કુન્તાબેન ની આ બાળવાર્તા ગયા મહિનાનો વિષય છે. આ મહિનાનો વિષય છે

 તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) આજે નવા સર્જંક ઈલાબેને મોકલી છે તેને વધાવશો.

હજુ તો ગાડીને પાર્ક નથી કરી કે દર વખતની જેમ ચાર વરસનો રાજુ અને બે વરસની મીના દોડતા દોડતાનાની આવી, નાની આવીચીખતા ગાડીનો દરવાજો ખોલવા પહોંચી ગયા.  નાનીએ બહાર પગ મૂકતાં બેઉ એમને વળગીને કૂદવા લાગ્યા.  આઠ મહિનાની પારુ પણ મા, રતીના હાથમાંથી છુટવાના પ્રયત્નો કરી નાની પાસે જવા માટે કકળાટ કરવા લાગી.  રતી જોઇને હંમેશની જેમ મલકી ઉઠી.  ઘરમાં આવતા જ નાનીએ પારુને વહાલથી બાથમાં લઇ ઘણી બધી બચ્ચીઓ કરીને રમાડી..

રાજુએ પુછ્યુનાની, આજે કઇ વાર્તા કહેશો?”

રતી જાણતી હતી કે વાત કેમ આગળ વધશે. મા બધા હિસાબ પહેલા લેશે પછી વાર્તા!

નાનીનએ રાજુને પુછ્યુ “આજે કઇ તારીખ છે?”

“ચોવિસમી જુન.”

“મીના, આજે કયો વાર છે”

“શનિવાર”

“ગઇકાલે કયો વાર હતો?”

“શુક્રવાર.  અને એને આગલે દિવસે ગુરુવાર હતો.  આવતી કાલે રવિવાર છે.”

“ગઇકાલે માધવીબહેન શું શિખવાડિ ગયા, રાજુ ?”

“સા રે,  રે , મ, મ પ, પ ધ, ધ ની, ની સા, સા ની, ની ધ, ધ પ, પ મ, , રે, રે સા

રાજુ અને મીનાએ સાથે જ ગાઇ સંભળાવ્યુ.

બાળ વાર્તા – (17)મા મને છમ વડુ- હેમાબેન પટેલ

આપણી સંસ્કૃતિને સલામ છે, બાળકો માટે તેની વય પ્રમાણે અનેક વાર્તાઓ લખાઈ છે. બાળ વાર્તાઓથી બાળકોને મનોરંજન મળે, પ્રેરણા મળી રહે અને તેમાંથી કંઈક શીખ મળે એ હેતુ ધ્યાનમાં રાખીને વાર્તાઓ લખવામાં આવતી હતી. વાર્તાના વક્તા હમેશાં દાદા-દાદી જ હોય અને શ્રોતા નાના બળકો. દરેક દાદા-દાદીને અનુભવ થયો હોય છે. એક વાર્તાથી સંતોશ ના થાય ઘણી વખત બે કે ત્રણ વાર્તા કહીએ ત્યારે બાળકો સુઈ જાય.

ગટુ અને બટુને દાદી વાર્તા ના કહે ત્યાં સુધી ચેન ના પડે. દરોજ નવી વાર્તા સાંભળવા બેસી જાય. દાદીએ કહ્યુ આજે હું તમને ગમે એવી સુંદર વાર્તા સંભળાવીશ., જાદુઈ પરીઓના દેશમાં લઈ જઈશ. તો ચાલો ગટુ-બટુ તમે લોકો તૈયાર છોને ? બંને જણા જોરમાં બોલ્યા હા દાદી અમે તૈયાર છીએ.

નાના ગામમાં એક ભ્રામંણ રહેતો હતો, એ બહુજ ગુસ્સા વાળો હતો. તેને સાત છોકરીઓ હતી.ગૉરાણી અને છોકરીઓને ભ્રામંણની ખુબજ બીક લાગતી હતી.આ ગૉરમહારાજ ગામમાં કથા વાર્તા અને પુજા કરીને તેમનુ ગુજરાન ચલાવતા હતી. સ્થિતી સામાન્ય, અને ઉપરથી સાત સાત છોકરીઓ ! ગૉર અને ગૉરાણી બીચારાં શું કરે ? માંડ માંડ ઘર ચાલતું હતુ. એક દિવસ ભ્રામંણને ભજિયાં ખાવાનુ મન થયુ. ગૉરાણીને કહ્યુ આજે ભજિયાં બનાવજો. ગૉરાણી કહે ચણાનો લોટ નથી. ગૉર કહે ચાલ હું સગવડ કરુ છું. કોઈ યજમાનને ઘરે ગયા અને લોટ માગી લાવ્યા. લોટ આપીને ગૉર ગામમાં ગયા. ગૉરાણી વિચારે છે, લોટ પુરતો નથી. જો હુ ભજિયાં નહી બનાવુ તો પણ મારી ઉપર ખીજાશે.

ગૉરાણીએ સાતેવ છોકરીઓને ઉંઘાડી દીધી અને ચુપચાપ ભજિયાં બનાવવા બેઠાં. ગરમા ગરમ તેલમાં ભજિયુ મુક્યુ અને છમ અવાજ આવ્યો, અવાજ સાંભળીને એક છોકરી જાગી ગઈ ને જોયુ મા ભજિયાં બનાવે છે તરત જ બોલી મા મા મને છમ વડુ. ગૉરાણીનુ હ્રદય પીગળ્યુ આખરે મા છે ને, સંતાન ખાવા માગે અને મા ના આપે એવું કદી બને ? ગૉરાણીએ તેને એક વડુ આપ્યુ અને કહ્યુ ચુપચાપ ખાઈ લે, તારી બેનો ઉઠી જશે. બીજુ મુક્યુ ફરીથી છમ અવાજ આવ્યો, અને બીજી છોકરી દોડતી આવી, મા મા મને છમ વડુ.આમ એક પછી એક સાતેવ છોકરીઓ જાગી ગઈ અને અડધાં વડાં ખાઈ ગઈ.ગોરાણી તો હવે મુશ્કેલીમાં મુકાયાં, ખીરુ થોડુ જ છે ગૉરને વડાં પુરતા નહી મળે તો ગુસ્સે થશે શું કરું ? વિચાર આવ્યો અને બીકમાં ખીરાની અંદર ચુલાની રાખ ભેગી કરી દીધી. છોકરીઓને તેમની રુમમાં મોકલી દીધી. ગૉર આવ્યા અને જમવા બેઠા, વડાનુ પહેલુ બટકુ ખાધુ અને મોઢામાં કરકર આવી ! ગૉર ભડક્યા આ વડામાં કરકર ક્યાંથી આવી ? ગૉરાણી બોલ્યાં તમે હાથ નહી ધોયા હોય, ગૉર ફરીથી હાથ ધોઈને બીજુ વડુ મૉઢામાં મુક્યુ ફરીથી કરકર આવી, ગૉરાણી બોલ્યાં તમે કોગળા કરી આવો.ગૉર કોગળા કરીને ફરીથી ખાવા બેઠા અને વડામાં કરકર ! હવે તો ગોરમહારાજનો પારો સાતમા આસમાને પહોચ્યો, બોલ તેં શું કર્યુ ? બધાં જ વડાંમાંથી કરકર આવે છે ? હાથ પક્ડીને ગૉરાણીને ઉભાં કરી દીધાં. છોકરીઓ રૂમના બારણા પાછળથી સંતાઈને સાંભળતી હતી.બધી ઘભરાઈ અને થરથર ધ્રુજવા લાગી, આજે આપણુ આવી બન્યુ.

ગૉરાણીએ બીતાં બીતાં કહ્યુ મેં સાતેવને રુમમાં સુવાડીને પછીથી વડાં બનાવવા બેઠી, બધી એક પછી એક આવીને વડાં માગવા લાગી અડધાં ખાઈ ગઈ, લોટ ઓછો હતો એટલે રાખ ભીગી કરીને બનાવ્યાં. ગોર વધારે ભડક્યા અક્ક્લ વગરની  ખીરુ ઓછુ હતુ તો તેમાં રાખ ભેગી કરાતી હોય ? ખીરું થોડુ હતું તો થોડાં બનાવવાં જોઈએને ? બુધ્ધિનો ઉપયોગ કરીને કામ કરતાં શીખ.

ગૉર તો ગામમાંથી ગાડુ માગી લાવ્યા અને સાતેવ છોકરીઓને બેસાડીને જંગલમાં મુકી આવ્યા ગૉરાણી અને છોકરીઓએ કેટલા કાલા વાલા કર્યા ફરીથી અમે આવી ભુલ નહી કરીએ, ગૉરમહારાજે એક ન સાંભળ્યુ. ગૉરાણી ચોધાર આંસુએ રડે છે.સાંજ પડી પ્રકાશ ઓછો થઈને અંધારુ થવા લાગ્યું. મોટી બધી બહેનો અલગ અલગ ઝાડ પર ચડી ગઈ સૌથી નાની ઝાડ ચડતાં આવડે નહી, કેટલી વિનંતી કરી પણ બહેનો તેને ઝાડ ઉપર સાથે ના લઈ ગઈ, ભુખ લાગી છે, આંબાના ઝાડ હતા બધી બહેનોએ કેરીઓ ખાધી નાની બહેન માગે તો તેની ઉપર ગોટલા ફેંકે કોઈને તેની દયા ન આવી. નાની બહેન રડે છે.

નાની બહેન જે નીચે હતી તેને સુસુ લાગ્યુ એટલે તેણે કહ્યુ બેન મને સુસુ કરવા લઈ જાઓ, તો બહેનો બોલી જા પેલી નાની ટેકરી જેવુ દેખાય છે ત્યાં જઈને કરી આવ. નાની છે ડર લાગે છે પરંતુ શું કરે ? ઘભરાતી ઘભરાતી ગઈ અને એતો ત્યાં ધુરમાં રમવા લાગી ત્યા તેને મોટો ખીલો મળ્યો , ખાડો કરવા લાગી, બીજુ સાધન શોધી લાવી અને ખાડો ઉંડો કર્યો તેને પગથિયા દેખાયા, એક જાદુઈ પરી આવીને નાનકીનો હાથ પકડીને તે પગથિયા ઉતરી નીચે લઈ ગઈ, શું જોવે છે ? રંગ બેરંગી પતંગિયાં અને પુષ્પોથી મહેકતો સુંદર બગિચો, કલરવ કરતાં પક્ષિઓ,  આહા કેટલા બધા ઓરડા ! તે પણ મિઠાઈ, ચોકલેટ, ફળો અને જાત જાતના પકવાન, રમકડાં અને સુંદર વસ્ત્રોથી  ભરેલા ! એક પછી એક બધા ઓરડા ફરીને જોયા, ભુખ લાગી હતી એટલે ધરાઈને ચોકલેટ અને મિઠાઈ ખાધી. પેટ ભરાયુ એટલે શાંતિ થઈ, તેને વિચાર આવ્યો મારી મોટી બહેનોને હું બોલાવી લાવુ. ભેગા સાથે મળીને અમે મોજ કરીશું. ઉપર આવી ઝાડ આગળ જઈ બુમો પાડી બધા નીચે આવો મને એક ભોયરુ મળ્યુ છે જે પરીઓનો દેશ છે, બધી બહેનો ફટાફટ નીચે આવી, નાની બહેન બહેનોને લઈ ભોયરામાં ગઈ. ભોયરુ જોઈ બધી ગાંડી ઘેલી થઈ ગઈ નાનકીને ઉંચકીને વ્હાલ કરીને આનંદ વિભોર બની નાચવા લાગી. ભુખ્યા હતા એટલે ખાધુ અને નાનકીને કહેવા લાગી, નાનકી અમને માફ કરી દે, તું ભુખી હતી અને અમે તારા તરફ કેરીને બદલે ગોટલો ફેંક્યો અમે મઝાથી ખાતા હતા અને તૂં ભુખી હતી.તારા તરફ ખોટો વ્યવહાર કર્યો તો પણ તેં અમારા માટે સારુ વિચાર્યુ.અમને એટલું તો સમજાયું સાફ દિલ હોય એને જ પરી આવીને મદદ કરે. બધી બહેનો થાકેલી હતી, પેટ ભરેલુ હતું સુઈ ગઈ.

ગૉર અને ગૉરાણીને રાત્રે ઉંઘ નથી આવતી. ગૉર ગુસ્સામાં છોકરીઓને જંગલમાં મુકી આવ્યા પરંતુ હવે પસ્તાય છે અને છોકરીઓની ચિંતા થવા લાગી. જંગલમાં વાઘ-વરુ, અરે ભગવાન આ મેં શું કર્યું ?

બીજે દિવસે ઘરે ગૉરાણીને છોકરીઓની ચિંતા થઈ એટલે ગોરને કહ્યું જાવ અને છોકરીઓને પાછી ઘરે લઈ આવો. ગૉર-ગૉરાણી છોકરીઓને શોધતાં જંગલમાં આવ્યાં અને હોંક મારી બુમો પાડવા લાગ્યાં. છોકરીઓએ બુમ સાંભળી એટલે સૌથી મોટી બહેન આવીને માતા-પિતાને ભોંયરામાં લઈ ગઈ. ગોર ગોરાણી ભોંયરુ જોઈ ખુશ થયાં. બધી બહેનોએ વાત કરી આ નાનકીને લીધે અમે અહિયાં પહોંચ્યા છીએ. ગૉર-ગૉરાણીએ નાનકીને લાડ કર્યાં અને ગૉરમહારાજે  ગૉરાણી અને છોકરીઓની માફી માગી. જે છોકરીઓને ભાર રૂપ સમજતા હતા તે છોકરીઓ બહાદુર અને સાહસી નીકળી, દુખમાં પણ સુખનો રસ્તો શોધી કાઢ્યો.

હવે પછી ગોરમહારાજનો પરિવાર સૌ ખુશી આનંદમાં રહેવા લાગ્યાં.

દાદીમાએ ગટુ અને બટુને પુછ્યુ બેટા વાર્તા સાંભળી તમને શું શીખવા મળ્યુ ? ગટુ કહે કોઈ પણ સંજોગો હોય એક બીજાનો સાથ ના છોડવો જોઈએ. જ્યાં સંપ હોય ત્યાં સુખ-શાંતિ હોય છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતી આવે તેનો સામનો કરીને ખુશ રહેતાં શીખવાનુ છે. બટુ કહે દાદીમા ગુસ્સો બહુ જ ખરાબ કહેવાય , માણસે ગુસ્સાને કાબુમાં કરતાં શીખવું જોઈએ.

હેમાબેન પટેલ

બાળવાર્તા- (૧૬)રિન્કુ અને તેના ચારપગી મિત્રો-અમેતાબેન ધારિયા

મિત્રો આજે આપના બ્લોગમાં નવા મિત્ર ભારતથી આવ્યા છે તો એમના વિચારોની સર્જકતા ને માણતા સ્વાગત કરીએ. અમિતાબેન બેઠકમાં આપનું સ્વાગત છે. મિત્રો આપના અભિપ્રાય આપી સ્વાગત કરવાની જવાબદારી પણ તમારી છે. 

ગટુ અને બટુ ચાલો આજ કહુ હું તમને, એક સુંદર મજાની વાર્તા,

નાનકડા એક બાળની, મસ્ત ધમાલી વાર્તા.

“ઉઠને…. ઉઠને.…”

“મમ્મી, આ જોને, ફીકા અને બોકા નથી ઉઠતા. મારે તેમની સાથે રમવું છે”.

નાનકડો રિન્કુ મમ્મીને તેના પાળેલાં ડોગી ફીકા અને બોકા ની ફરિયાદ કરી રહ્યો હતો.

મમ્મી પપ્પા રિન્કુની વર્ષગાંઠ પર આ બે ડોગી લઇ આવ્યા હતા, જે તેને બહુ જ વ્હાલા હતા. રિન્કુએ જ તેના નામ ફીકા અને બોકા રાખ્યા હતા. આખો દિવસ તેની સાથે ધીંગામસ્તી કરે. રિન્કુના મિત્રોને પણ ફીકા અને બોકા સાથે રમવાની બહુ જ મજા આવતી હતી.

રિન્કુ મિન્ટુ પિન્ટુ ચિન્ટુ, ફીકા બોકા સાથે,

નાચે કુદે પડે આખડે, સૌ મળી સંગાથે.

એક દિવસ નાનકડો રિન્કુ મમ્મીને કહી રહ્યો હતો, “મમ્મી, મારા બધા મિત્રો ઘરે આવે છે અને અમે કેટલી બધી મજા કરીયે છીએ. તો ફીકા અને બોકાના મિત્રો ને પણ ઘરે બોલાવને.”

મમ્મી આશ્રર્યચકિત થઇ ગઈ. “બેટા, એના મિત્રો ક્યાં છે?”

“મમ્મી યાદ છે તને, આપણે ફીકા અને બોકાને લઈને ઝૂ માં ગયા હતા. ત્યાં તે વાઘ, સિંહ, ચિત્તા, હાથી, શિયાળ, એ બધાને જોઈને કેટલા ખુશ થતા હતા ને બધા કેવી સરસ વાતો કરતા હતા.”

“હં….. યાદ આવ્યું, એ દિવસે તમને બધાને ઝૂ માં બહુ મજા આવી હતી. તમારે બધાએ ઘરે પણ નહોતું આવવું, ત્યાં જ રમવું હતું.”

“તો મમ્મી, એ બધાને આપણે ઘરે બોલાવીએ તો, ફીકા અને બોકાને કેટલો બધો આનંદ આવશે.”

મમ્મીના મુખ પર સ્મિત આવી ગયું, જાણે તેને એ વાતનું સ્મરણ થયું હોય કે એક જમાનામાં તે પણ નાની બાળકી હતી અને મમ્મી પપ્પા પાસે આવી જ બાલસહજ વાતો કરતી હતી.

મમ્મી વિચારી રહી હતી કે, બાળકો કેટલી ઉત્સુકતાથી પોતાની નિર્દોષતા પ્રકટ કરી શકે છે. તેઓના દિલમાં સૌ  માટે એક સરખો નિસ્વાર્થ પ્રેમ હોય છે. કાશ, બાળપણ પસાર થયા પછી પણ આવો જ નિખાલસ પ્રેમ બરકરાર રહેતો હોય તો.

મમ્મી એ રાત્રે પપ્પા ને રિન્કુ સાથેની વાતચીત કહી. થોડીવાર પપ્પા વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, “રિન્કુની ખુશી માટે કંઈક તો કરવું જ પડશે.”

નાસ્તાના ટેબલ પર પપ્પાએ ઝૂ માં જઈ બધા પ્રાણીઓને આવકારવાની વાત કરતા જ રિન્કુ, ફીકા, બોકા ખુશી થી ઝૂમી ઉઠ્યા.

સાંજે બધા ઝૂ માં ગયા. ફીકા બોકાને જોઈને બધા પ્રાણીઓ આનંદમાં આવી ગયા અને ઘરે આવવાનું આમંત્રણ સાંભળીને તો બધા હા હા… હી હી… ચિચિયારીઓ કરવા લાગ્યા અને ખુબ જ ખુશ થઈને નાચવા કૂદવા લાગ્યા.

શનિવારની સવાર ફીકા, બોકા, રિન્કુ અને તેના દોસ્તો માટે સોનેરી સવાર હતી. બધા ફટાફટ તૈયાર થઇ ગયા. મમ્મી પપ્પા પણ આવનાર મહેમાનોની તૈયારીમાં લાગી ગયા. ઝૂ ના બધા પ્રાણીઓ પણ બહુ જ ગેલમાં હતા.

રિન્કુ અને તેના મિત્રો બાલ્કનીમાં ઉભા રહી દૂર સુધી નજર કરીને આવનારા દોસ્તોની રાહ જોઈ રહ્યા હતા. જેવા બધા આવતા દેખાયા, એટલે બધા નીચે દરવાજા પાસે આવી, ધમાલ અને ચિચિયારીઓ સાથે તેઓને આવકારવા દોડી ગયા.

સોહમસિંહ ની પાછળ પાછળ, લાંબી સવારી આવે છે,

ફીકા, બોકા, રિન્કુ, મિત્રો, આવકારવા દોડે છે.

મમ્મી પપ્પા પણ ત્યાં આવી ગયા. પપ્પા સામે દેખાતો અદ્દભુત નજારો કેમેરામાં કેદ કરવા તૈયાર થઇ ગયા.

પપ્પા બોલ્યા, “વાહ… શું દૃશ્ય છે!”

સોહમ સિંહ તેના સોહુ ને પીઠ પર બેસાડી આવતો હતો. તેની પાછળ વોઘમ વાઘની આંગળી પકડીને વોઘુ ચાલતો હતો. તોહમ ચિત્તા સાથે તોહૂ, બોથમ હાથી ની પૂંછડી પકડીને બોથુ, રોહમ રીંછ ની આગળ રોહુ, જોરમ જિરાફ પાછળ જોફુ, યોહમ શિયાળ સાથે યોહુ, હેરમ હરણ સાથે નાચતું હોરુ, અને બધાથી છેલ્લે પોકન મોર પોતાના રંગબેરંગી પીંછાઓને ફેલાવીને નાચવામાં મશગુલ હતું.

બધા ભેગા થતાં જ હલ્લાગુલ્લા… હો હા… હી હી… કોલાહલ મચી ગયો… શોરબકોર અને ધમાલનો રોમાંચ વ્યાપી ગયો.

મમ્મી પપ્પા એ બધાંનું ઉમળકાથી સ્વાગત કર્યું. મમ્મીએ બધા માટે જ્યુસ, જાતજાતના અને ભાતભાતના ફળો, ફાફડા, જલેબી, ગાંઠિયા, બ્રેડ બટર, બિસ્કિટ, ચોકલૅટ રાખ્યા હતા. બધાએ ઉત્સાહપૂર્વક ખાધું અને પછી રમવા લાગ્યા.

દોડાદોડી પકડાપકડી, સંતાકૂકડી ધમાચકડી,

બોલ ફેંકે ને ડિસ્ક ફેંકે, ચીલ્લરપાર્ટી મજા કરે.

પતંગિયા ની પાંખે ઉડતા હોય એમ કૂદાકૂદ, ગેલગમ્મત, તોફાન, મોજમજા કરતાં હતા. કોઈ હાથી ઉપર સવારી કરતું હતું, તો કોઈ શિયાળ સાથે દોડાદોડ કરતું હતું, કોઈ વળી સિંહ અને વાઘ પાસેથી ગર્જના કરતા શીખતું હતું, તો કોઈ વળી જિરાફ ની ડોક પર ટીંગાઇને ઝૂલા ખાતું હતું. કોઈ ચિત્તા સાથે રેસ લગાવતું હતું, તો કોઈ હરણ સાથે ભાગતું હતું. આનંદનો માહોલ હતો. એટલામાં હાથીભાઈ પોતાની સૂંઢ માં પાણી ભરીને બધાંને ભીંજવવા લાગ્યા. બધા બાળકોએ ‘આવ રે વરસાદ ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક’ ગાવાનું શરુ કર્યું. મોર પણ સાતે કળાએ ખીલી ઉઠ્યો હતો. ફીકા, બોકા તો વાઉ..વાઉ..કરીને સોહુ, વોઘુ, તોહૂ, બોથુ, રોહુ, જોફુ, યોહુ, હોરુ સાથે છુપાછુપી રમતા, ધમાલમસ્તી, ઉછળકૂદ કરતાં ને ગુલાંટિયા ખાતા મોજ માણી રહ્યા હતા. આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો.

બાળકો પાનખરમાં પણ વસંતનાં વાયરા લાવી શકે છે.

પપ્પાએ મ્યુઝિક ચાલુ કર્યું ને બધા મિત્રો નાચવા લાગ્યા. રિન્કુ નું મનપસંદ ગીત ‘લકડીકી કાઠી, કાઠી પે ઘોડા’ પર તો ધમાલ મચી ગઈ. મોર તો મન મૂકીને રંગબેરંગી પીંછાઓને પસારી મનમોહક નૃત્ય કરતો હતો, જાણે ઢેલ ને રીઝવતો હોય.

મમ્મીએ પપ્પાને કીધુ, “દ્વાપરયુગમાં કાનુડો ગોપ ગોવાળો અને વાનરસેના સાથે આમ જ લીલા કરતો હશે ને.”

બધા થાકીને લોથ પોથ થઇ ગયા, ને ઘાસ પર આળોટવા લાગ્યા.

મમ્મી એ ટેબલ પર બધું અવનવું, મનગમતું અને બધાને ભાવતું ખાવાનું ગોઠવી દીધું. પરાઠા, નાન, રોટલી, પુરી, બટાટા, પનીરમટર, છોલે, ભીંડા, કોબી ના શાક, ગુલાબજામુન, શ્રીખંડ, બટાટાવડા, કચોરી, ઢોકળા, સમોસા, પુલાવ, કઢી, પાપડ, અથાણાં. ને વળી સાથે પીઝા, પાસ્તા પણ હતા.

“ચાલો બધા, જમવાનું તૈયાર છે.” મમ્મીએ બૂમ મારી. પણ બધા એટલા થાકી ગયા હતા કે કોઈ ઉભું જ ના થયું.

“મમ્મી અમે બધા બેઠા છીએ, તું ખાવાનું પીરસી દે ને”. “ઓકે બેટા”. મમ્મી એ જવાબ આપ્યો અને બધા લાઈન માં ગોઠવાઈ ગયા. મમ્મી પપ્પા બધાને તેમનું ભાવતું ભોજન આગ્રહપૂર્વક પીરસવા લાગ્યા. પપ્પા કેમેરાથી આ યાદગાર ક્ષણો ના ફોટા પણ પાડી રહ્યા હતા.

અંધારું થવા આવ્યું હતું. બધા મિત્રોને છુટા પડવાનો સમય થઇ ગયો હતો. ઝૂ ના બધા મિત્રો ફીકા, બોકા, રિન્કુ અને તેના મિત્રો નો આભાર માનવા લાગ્યા અને તેમના ઘરે આવવાનું આમન્ત્રણ પણ આપ્યું.

આનંદ મંગલ ઉલ્લાસ સાથે, એકબીજાને ભેટે છે,

ગેલભરી મુસ્કાન સાથે, સૌને વિદાય આપે છે.

આવજો…આવજો. …વાઉ…વાઉ ના અવાજો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

***************@@@@@*************

અમીતા ધારિયા

બાળ કથા ….(15)જે કંઇ થતું હશે તે સારા માટે જ હશે ! …. લેખક- વિનોદ પટેલ

ગટુ  અને બટુ આજે ખુશ હતા. દાદાના મિત્ર વિનોદ કાકા ફરી એમના ઘરે આવ્યા,હજી તો આવે તે પહેલા જ  ગટુ એ બટુને બોલાવી લીધી તું જલ્દી અહી રોકાવા આવ મજા પડશે અને આવતા ની સાથે જ વિનોદ કાકાના હાથ પકડી બંને બાળકો બોલ્યા દાદા જલ્દી વાર્તા કહો …

અને વિનોદ કાકા બોલ્યા ..

આફ્રિકાના એક રાજ્યના રાજા અને તેના એક જીગરજાન મિત્ર ની આ વાત છે. આ રાજા અને તેનો મિત્ર નાનપણથી જ સાથે ઉછરેલા, રમેલા અને મોટા થએલા. તેઓ બન્ને હંમેશાં દિવસનો મોટા ભાગનો સમય સાથે રહીને જ વિતાવતા હતા.

રાજાના આ મિત્રને એક એવી વિચિત્ર ટેવ હતી કે દિવસ દરમ્યાન જે કોઈ બનાવ બને ,સારો કે ખોટો , તો તરત બોલી ઉઠતો જે કંઈ થાય છે તે સારા માટે. જો કઈંક ખોટું બન્યું હોય તો પણ  હમેશાં એ જ શબ્દોનો ઉપયોગ કરતો.એક દિવસ રાજા અને એનો આ મિત્ર સાથે જંગલમાં શિકાર કરવા ગયા.મિત્ર રાજાની બદુકમાં દારૂગોળો નાખીને તૈયાર કરીને બંદુક શિકાર કરવા રાજાને આપે અને રાજા શિકાર કરે.

એવામાં એવું બન્યું કે મિત્રને બંદુક તૈયાર કરવામાં કઈંક ભૂલ રહી ગઈ હોય કે ગમે તે હોય,જ્યારે રાજાએ શિકાર તરફ બંદુક તાકી એની ચોંપ દબાવી કે અકસ્માતે એના હાથનો અંગુઠો કપાઈને છુટો પડી ગયો અને પીડાથી રાજા નીચે બેસી ગયો.એનો મિત્ર એની હંમેશની ટેવ મુજબ બોલી ઉઠ્યો જે કઈ થાય છે તે સારા માટે.

દુઃખમાં પીડાતા રાજાએ જ્યારે એના મિત્રના આ શબ્દો સાંભળ્યા ત્યારે ખુબ  ગુસ્સાપૂર્વક બોલી ઉઠ્યો મારા હાથનો અંગુઠો કપાઈને જુદો થઇ નીચે પડ્યો છે ને તું કહે છે એ સારું થયું! રાજાએ એના મિત્રને સજા રૂપે એની સાથેની મિત્રતાને ભૂલી જઈને એને જેલમાં પૂરી દીધો.

આ બનાવને પાંચેક મહિના વિત્યા પછી એક વખત રાજા શિકાર કરવા જ્યારે જંગલમાં ગયો ત્યારે શિકારના પ્રાણીનો પીછો કરતાં કરતાં ઘણો દુર નીકળી ગયો. એ જાણતો ન હતો કે એ જંગલના જે વિસ્તારમાં આવી પહોંચ્યો હતો ત્યાં મનુષ્યભક્ષી દિવાસીઓની વસાહત હતી.આવા કેટલાક આદિવાસીઓએ રાજાને જોયો અને દોડીને એને પકડી અને ઘાસના વેલાઓથી બરાબર બાંધીને એમની વસાહતમાં લઇ ગયા.

એ પછી રાતે આ મનુષ્યભક્ષી આદિવાસીઓની વસાહતની બધી જ વસ્તી જાણે મોટો ઉત્સવ હોય એમ ભેગી થઇ ગઈ અને નાચગાન કરવા લાગી.રાજાના માંસને પકવવા માટે રાજાની આંખે પાટો બાંધીને,લાકડાનો ઢગલો જ્યાં કર્યો હતો ત્યાં લઇ ગયા.લાકડાં ઉપર રાજાને સુવાડીને આદિવાસીઓ જ્યાં અગ્નિ ચાંપવા જતા હતા ત્યાં એક આદિવાસીની નજર રાજાના કપાએલા અંગુઠા પર પડી.

હવે આ આદિવાસીઓમાં જુના વખતથી એવી ધાર્મિક માન્યતા ચાલી આવતી હતી કે જે માણસના શરીરનું કોઈ અંગ ખંડિત થયેલું હોય એવા માણસનું માંસ તેઓ ખાઈ શકે નહિ.રાજાના હાથનો અંગુઠો પહેલાંથી જ ક્પાએલો હતો તેથી એમના રીવાજ અનુસાર એનું માંસ એમનાથી ખાઈ ન શકાય.આ કારણથી એ લોકોએ રાજાને બંધનમુક્ત કર્યો અને એને  જવા દીધો.

રાજા ખુશ થતો પોતાના રાજમહેલમાં પાછો આવ્યો.જેને રાજાએ જેલમાં પૂર્યો હતો એ એના મિત્રની એને અચાનક યાદ આવી અને એનો અંગુઠો જ્યારે કપાયો હતો ત્યારે એણે કહેલા શબ્દો જે કંઈ થયું તે સારા માટે યાદ આવ્યા.પોતાના આ મિત્રને જેલમાં પૂરી સજા કરવા બદલ એને ખુબ પસ્તાવો થયો.

રાજા જાતે જેલમાં જઈ મિત્રને જેલમાંથી મુક્ત કરી એને ભેટી પડ્યો.રાજાએ આદિવાસી લોકોની વસાહતમાં જે કંઈ બન્યુ હતું એની મિત્રને વાત કરતાં કરતાં કહેવા લાગ્યો કે મિત્ર તારા શબ્દો સાચા હતા કે મારો અંગુઠો કપાયો તે સારું થયું.જો મારો અંગુઠો કપાયો ન હોત તો આદિવાસીઓએ મને જીવતો જ સળગાવી દીધો હોત.તને ગુસ્સામાં જેલમાં ગાંધી રાખ્યો એ બહું જ ખોટું થયું .મારી ભૂલ બદલ મને માફ કર. મારે એવું કરવું જોઈતુ ન હતું”.

રાજાના આ શબ્દો સાંભળીને એનો મિત્ર હસવા લાગ્યો અને બોલ્યો મને જેલમાં તમે પૂર્યો એ ખોટું નહી પણ બહુ જ સારું થયું ,જે કઈ થાય છે તે સારા માટે જ થતું હોય છે .

રાજાને આ સાંભળી આશ્ચર્ય થયું અને મિત્રને પૂછ્યું મને ખબર ન પડી કે તને મેં તને જેલમાં પૂર્યો એ સારું કેવી રીતે થયું કહેવાય ?”મિત્રે ખુલાસો કરતાં રાજાને કહ્યું જો હું જેલમાં પુરાએલો ન હોત તો હંમેશ મુજબ શિકાર કરતી વખતે હું તમારી સાથે હોત અને તમારી સાથે મને પણ આદિવાસીઓ પકડીને લઇ ગયા હોત.તમારો ક્પાએલો અંગુઠો જોઈને એ મનુષ્યભક્ષી આદિવાસીઓ તમને તો છોડી દેત પણ મને તો તેઓએ જીવતો જ સળગાવી દીધો હોત.બોલો હું જેલમાં હતો એ સારું થયું કહેવાય કે ન કહેવાય !

આ સાંભળી રાજાએ કાનની બુટ પકડી અને મિત્રને જીવનમાં બનતા ખરાબ બનાવો પ્રત્યે પણ સકારાત્મક રીતે જોવાની એના મિત્રની અનોખી દ્રષ્ટિ માટે ધન્યવાદ આપ્યા.

આ કથામાંથી બોધ એ લેવાનો છે કે જીવનમાં સારા તેમ જ ખરાબ પ્રસંગો બનતા રહે છે.જ્યારે કંઈક ખરાબ બને ત્યારે નાસીપાસ ન થવું.કદી આશાવાદ ન ગુમાવવો.સકારાત્મક દ્રષ્ટિથી વિચારવું.આ જગતના તારણહાર પરમકૃપાળુ પરમાત્મા જે કંઈ કરતા હશે એ કદાચ સારા માટે જ કરતા હશે એવી મનમાં હમેશાં શ્રધ્ધા રાખવી.ઉતાવળું પગલું કદી ના ભરવું.

વાર્તા પૂરી થઇ ગઈ પણ વિનોદ્કાકા અને બાળકોની દોસ્તી શરુ થઇ ગઈ….

બાળકો એ વિનોદ કાકા પાસે પ્રોમિસ લીધું કે તમે ન આવો તો પણ સ્કાઇપ પર અમને વાર્તા કહેશો ને ? અને વિનોદકાકા એ કહ્યું હા હવે મારી તબિયત અને ઉમરના હિસાબે કદાચ નહિ આવું પણ સ્કાઇપ પર જે બાળકોને વાર્તા સાંભળવી હશે તેને જરૂર કહીશ. મને પણ તમારી સાથે ખુબ મજા પડે છે.

વિનોદ  પટેલ, સાન ડીએગો

બાળ વાર્તા -(૧૪)જુ અને રાજકુમાર-પન્નાબેન શાહ

ગટુ અને બટુ સાંભળો આ વાર્તા

જુ અને રાજકુમાર
બાળ વાર્તા ને બાળગીતો નું નામ આવતા જ બચપણ યાદ આવી જાય . જ્યારે હું બાળકો ને વાર્તા કહેવા બેસું પછી કાંઈ જ સાદ ના આવે . આજે હું જુ અને રાજકુમાર ની વાર્તા કહીશ .
એક રાજા હતા . રાજાજી ને એક રાજકુમાર તથા એક રાજકુમારી હતાં . બન્ને બાળકો ખુબ પ્રેમાળ ડાહ્યા ને સમજુ . રાણીમા મમતાળુ અને દયાળુ . રાજાજી મજાકીયા ને હસમુખ રહદય ના . રાજકુમાર ને વાર્તાઓ સાંભળવી ખુબ ગમે ને રાજકુમારી ને ગીતો .. રાજકુમાર તેના દાદીમા પાસે ગયો . “”દાદી દાદી વાર્તા કહો . નવી વાર્તા હોં ને!!!! દાદી એ વાર્તા કહેવા માંડી ,
એક વાર રાણીબા ના માથા માં જુ પડી . રાણીબા તો બિચારા માથું ખંજવાળવા માંડ્યા . માથું ખંજવાડી ને પરેશાન થઈ ગયા . છેવટે કંટાળી રાણીબા નદીકિનારે ગયાં. નદી માં નાહ્યા . નહાતાં નહાતાં જુબેન પાણી મા પડી ગયાં. અરેરેર્રેરે , જુબેને પાણી પીલીધું ને તેમનું પેટ ફાટી ગયું . નદી એ જુબેન ને કહ્યું જુબેન, આ શું થયું ??!! જુબેન બોલ્યા , નદી બેન નદીબેન , શું વાત કરું?! “” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી “””” ને નદી નું પાણી લોહી લોહી થઈ ગયું . નદીબેન રડવા માંડ્યા . નદી ને કિનારે એક મોટું ઝાડ હતું . તેની ડાળે કાગડાભાઈ બેઠેલા . કાગડાભાઈ એ નદી નું પાણી લાલ જોયું . કાગડાભાઈ પુછી બેઠા , “” નદીબેન નદીબેન લાલ કેમ ??! ને કેમ રડો છો????! નદીબેન બોલી ઊઠ્યા ,
“” રાણી બેઠા નહાવા, જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો “”
ને તે સાથે જ કાગડાભાઈ કાંણાં થઈ ગયા .
ત્યાં તો વાર્તા કહેતા દાદીમા એ રાજકુમાર ને પૂછ્યું . બેટા વાર્તા માં શું કહ્યું
રાજકુમાર કહ્યું કાગડો કાંણો થઈ ગયો . દાદીમા એ વાર્તા આગળ ધપાવી.
કાગડાભાઈ ને અફસોસ થયો , ” મારા કયાં ભોગ લાગ્યા કે હું નદી બેન ને પુછી બેઠો !!!! નિરાશવદને કાગડાભાઈ બાવળ ના ઝાડ પર જઈ ને બેઠા . બાવળભાઈ એ કાગડાભાઈ ને કાંણાં જોયા . બાવળભાઈ એ ખબર પુછી ,
“” કાગડાભાઈ કાગડાભાઈ કાંણાં કેમ ???! ”
કાગડાભાઈ ઉવાચ, “” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો “”” ને તે સાથે જ બાવળભાઈ વાંકા વડી ગયા . બાવળભાઈ ભગવાન ને કોશવા લાગ્યા . હે ભગવાન !!!!! તમે મને શું કુબુદ્ધિ સુજાળી . કાગડાભાઈ ને પુછી બેઠો ને કમરે થી વળી ગયો . બાવળભાઈ સુનમુન થઈ ગયા .
બાવળ ના ઝાડ પાસે રોજ એક સુથારભાઈ આવે . આજે બાવળ ને વળેલો જોઈ સુથારભાઈ બોલી ઉઠયા , “” બાવળભાઈ બાવળભાઈ , વાંકા કેમ !!!? “” બાવળભાઈ બોલ્યા , પુછો મા , રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો.!!!!!” ને સુથારભાઈ લુલા થઈ ગયા . લુલા સુથારભાઈ રડતા રડતા ઘરે ગયા . ઘરે જઈ ખાંધી પીધા વગર સુઈ ગયા .બીજા દિવસે સવારે સુથારભાઈ ઘરેથી વહેલા કામે નીકળી ગયા. રસ્તા માં મોદીકાકા મળ્યા . સુથારભાઈ ને લુલા દેખતાં બોલ્યા , “”” શું ભાઈ હાથે એકદમ શું થઈગયું ??! “” સુથારભાઈ ને થયું આ મોદીકાકા એ તો મારી દુખતી નસ ને દબાવી!? છતાં પણ છૂટકો નહતો .
અરેરે, મોદીકાકા ખબર છે ?? ” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો ને મોદીકાકા બહેરા “” ને તે સાંભળતા જ મોદીકાકા બહેરા થઈ ગયા .
મોદીકાકા તો પછી તેમની ધુન માં ભજન ગાતાં ગાતંા તેમની કરિયાણા ની દુકાનો જઈ ને બેઠા . દાદીમા પાછા રાજકુમાર ને પુછવા લાગ્યા , બેટા , વાર્તા કયાં સુધી આવી !!! રાજકુમારે કહ્યું દાદીમા મોદીકાકા સાચે જ બહેરા થઈ ગયા!? દાદીમા ને વિશ્વાસ બેઠો કે મારો લાડલેા મને સાંભળે તો છે! મા એ વાર્તા આગળ ધપાવી . મોદીકારા ની દુકાને રાણીમા એ દાસી ને ધાણી લેવા મોકલી . “”દાસી એ મોદીકાકા ને રામ રામ કર્યા ને કહ્યું મોદીકાકા ૫૦૦ ગ્રામ ધાણી આપો , મોદીકાકા એ ધાણી ને બદલે પાણી સાંભળી દાસી ને પાણી નો ગ્લાસ આપ્યો . દાસી સમજી કે મોદીકાકા એ પાણી આપ્યું છે તો પી લઉં , પાણી પીધા પછી દાસી એ કહ્યું મોદીકાકા મને ધાણી જલદી આપો . રાજમહેલ જવાની ઉતાવળ છે . મોદીકાકા તો ફરી પાણી લાવી ને દાસી ને આપ્યું . દાસી ને રાઈ નો પહાડ નહોતો કરવો તેથી ઈશારા થી કાન પર હાથ મુકી ને મોદીકાકા ને શું થયું છે તે જાણવા નો પ્રયત્ન કર્યો ત્યાં જ મોદીકાકા ઊવાચ ,
“”” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણેા , બાવળ વાંકો , સુથાર લુલો , મોદી બહેરો , દાસી ઢોલ વગાડે “” ને તે સાથે જ દાસીબેન તો મોદીકાકા પાસે થી ઢોલ લઈ વગાડતા વગાડતા રાજમહેલ પહોંચ્યા . રાણીમા તો દાસી ને ઢોલ વગાડતી જોઈ ને અચંબા માં પડી ગયા . રાણીમા અે કહ્યું , દાસી , આજે કાંઈ બહુ ખુશ લાગેછે ને !!ભાઈ !, દાસી તો ઢોલ વગાડતા બોલી ,””રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા, નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો, મોદી બહેરો , દાસી ઢોલ વગાડે ,ને રાણીમા નાચ્યા જ કરે ભઈ નાચ્યા જ કરે! ૦””
ને રાણીમા તો સુંદર નાચવા માંડ્યા , બસ નાચવા માંડયા !. રાણીમા નાચતા નાચતા તેમના શયન કક્ષ માં ગયા ।
ત્યાં તો દાદીમા ફરી ઉવાચ, રાજાબેટા ,હવે બોલો દાસી એ શું કહ્યું?! રાજકુમારે કકહયું , રાણીમા ને નાચીને થાક ના લાગે?! દાદીમા તેમના કુંવર ની વાત સાંભળી ને હસી પડયાં . ને બોલ્યા , રાણી ને નાચતા જોઈ રાજાજીતો હસતાં હસતાં બોલ્યા , રાણીજી પિયર થી કોઈ સંદેશો આયો છે કે શું ?!! ખુશહાલ લાગો છો!! ત્યાં જ રાણીીસાહેબા બોલ્યા “” રાજાજી,આજે તો જબરી રમુજથઈ છે , ખબર છે !!! રાણી બેઠા નહાવા, જુ કા પેટ ફાટા, નદી લોહી લોહી, કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો, મોદી બહેરો , દાસી ઢોલ વગાડે , રાણીજી નાચ્યા કરે, ને———-રાજાજી તાળી પાડે “”ને રાજાજી તો તાળી પાડતા જાય ને હસતા જાય . “”” ત્યાં તો રાજાજી ની રાજકુંવરી દોડતી આવી ને રાજાજી ને વળગી પડી , પાપા પાપા તમે કેમ clapping કરો છો ! બેટા , રાણી બેઠી નહાવા, જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો, બાવળ વાંકો, સુથાર લુલો , મોદી બહેરો, દાસી ઢોલ વગાડે , રાણીજી નાચ્યા કરે , રાજાજી તાળીઓ પાડે ને રાજકુંવરી વાયોલિન વગાડે , ને રાજકુંવરી music 🎶 વગાડવા માંડી ને રાજકુમાર તો આ અવાજ મા જ ઊંધી ગયો તે ઊંધી ગયો ને દાદીમા વાર્તા ને સુખદ અંત આપવા તેમના લાડકા ના ઊઠવા ની રાહ જોઈ રહ્યા છે !!,,,
Moral : વાર્તા ના દરેક પાત્ર નો વારંવાર ઉપયોગ કરી ને બોલવાથી યાદશકિતનો વિકાસ થાય છે . બાળકો ના સર્વાંગી વિકાસ મા બાળવારતાઓ બાળગીતો નું સ્થાન ખુબ મહત્વ નો ભાગ ભજવે છે . આપ સૌ આ વાર્તા ને એક બાળ નૃત્ય નાટિકા તરીકે ભજવી શકો.
આભાર . પન્ના રાજુ શાહ (આસ્થા ) ૨૪ /૬/૨૦૧૭
pannarshah.3@gmail.com

બાળવાર્તા -(૧૩)દે તાળી- રાજુલ કૌશિક

ગટુ અને બટુ હમણાંથી ખુબ ખુશ હતા.

બટુ બોલ્યો  “ગટુ, દે તાળી… હવે તો સમર વેકેશન. થોડા દિવસ સ્કૂલ બસની રાહ નહીં જોવાની. હોમ વર્ક નહીં કરવાનું. ભારેખમ પ્રોજેક્ટ નહીં કરવાના. બસ ખાવા પીવાનું અને મોજ મસ્તી કરવાની.”

ગટુ તાળી દેતા બોલ્યો “ હા , સવારે વહેલા નહીં ઉઠવાનું. રાત્રે વહેલા નહીં સુવાનું. સ્કૂલ ચાલુ હોય ત્યારે મમ્મી તો રાત પડે આઠ વાગે અને કહી દેતી. “ Early to bad, early to rise. That is the way to be healthy wealthy and wise.” અને આપણો બેડ ટાઇમ થઈ જાય. વેકેશનમાં તો આપણે બાઇસિક્લ લઈને બહાર કોમ્યુનિટી ક્લબ હાઉસમાં રમવા જઈશું, સ્વીમિંગ કરવા જઈશું. કેટલા બધા ફ્રેન્ડ્સ આવશે ?

ગટુ અને બટુ બે જોડીયા ભાઇઓ પણ ભાઇ કરતાં ભાઇબંધી વધુ. મમ્મીએ શીખવાડેલી સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ વાળી કવિતાને બરાબર પચાવી જાણેલી એટલે બંને વચ્ચે ક્યારેય મનભેદ કે મતભેદ પણ થતા નહીં , ઝગડો તો ક્યારેય નહીં.

સ્કૂલમાં સમર વેકેશન શરૂ થઇ ગયુ હતું એટલે ખુશ ખુશ હતા. આમ તો એમને સ્કૂલે પણ જવાનું બહુ ગમતું. ત્યાં ય કેટલા બધા દોસ્તારો હતા. બધા સાથે ગટુ અને બટુ સંપીને રહેતા અને રમતા. અહીં કોમ્યુનિટીમાં પણ એમના જેટલા બીજા બહુ દોસ્તારો બની ગયા હતા પણ સ્કૂલ ચાલુ હોય અને શિયાળાના ઠંડી હોય એટલે ઘરથી સીધા સ્કૂલે અને સ્કૂલથી સીધા ઘેર આવી જવાનું એટલે ઝાઝુ કોઇને મળવાનું , કોઇની સાથે ભળવાનું થતું નહીં. સમર વેકેશન હોય ત્યારે જ બધાની સાથે મળવા અને રમવા મળતું.

આમ તો સ્કૂલમાં સમર વેકેશન શરૂ થઈ ગયું હોય પણ એમ કંઇ મમ્મી પપ્પાને થોડી રોજે રજાઓ મળે ?  મમ્મી –પપ્પાએ ગટુ-બટુની રજાઓનો સરસ ઉપયોગ થઈ શકે અને એમનો પણ સરસ રીતે સમય પસાર થાય એનું આયોજન કરી લીધું હતું.

કોમ્યુનિટીમાં ગટુ- બટુ જેવડા એમના દોસ્તારોના મમ્મી-પપ્પા સાથે મળીને સૌનું નજીકના સમર કેમ્પમાં નામ રજીસ્ટર કરાવી લીધું હતું. અહીં અલગ અલગ પ્રવૃત્તિની સાથે  બાળકોને ગીત-સંગીત અને અભિનય પણ શીખવાડતા હતા. એમાં તો સૌને બહુ મઝા આવતી.ગયા વર્ષે લિટલ સિમ્બાની વાર્તાઓની એનિમેશન ફિલ્મ બતાવવામાં આવી હતી અને કેમ્પના અંતે બધા બાળકોને  લિટલ સિમ્બાના અલગ અલગ પાત્રો સોંપીને નાટ્યોત્સવ જેવું કર્યું હતું. ગટુ-બટુને પણ સ્ટેજ પર પરફોર્મ કરવાની મઝા પડી હતી.

આ વર્ષે પણ પિટર પેનની વાત લઈને સૌને અલગ અલગ પાત્રોમાં અભિનય કરવાનો હતો.

આ વીક ફોર્થ જુલાઇનું લોંગ વીક એન્ડ હતું. સમર વેકેશન શરૂ થઇ ગયું હતું એટલે ગટુ-બટુ તો આ સમર કેમ્પમાં એમની રીતે મઝા માણતા હતા પણ મમ્મી-પપ્પા સાથે બહારગામના મિનિ વેકેશનની મઝા તો જુદી જ હોય ને?  આમ પણ  ફોર્થ જુલાઇના લોંગ વીકએન્ડમાં સમર કેમ્પમાં ય રજાઓ હતી એટલે આ મિની વેકેશનમાં મમ્મી-પપ્પાએ રોજે રોજ જુદી જુદી જગ્યાએ જવાનો પ્લાન કર્યો હતો. ગટુ-બટુ તો એકદમ ખુશ ખુશ હતા. આગલા દિવસે નક્કી થઈ જતું કે બીજા દિવસે ક્યાં જવાનું છે .

આવતી કાલે સ્ટોન માઉન્ટન જવાનું નક્કી કર્યું હતું . ગટુ-બટુ મોટા થઈ ગયા એટલે મમ્મી-પપ્પાથી અલગ પોતાના રૂમમાં જ સુઇ જતા. બંને માટે એમને ગમતા ગ્રીન રંગની દિવાલ મમ્મી-પપ્પાએ જાતે જ રંગી હતી. ગટુ-બટુએ પણ એમાં ઘણી મદદ કરી હતી. બંક બેડ માટે આઇક્યા ફરનિચર શૉ રૂમમાં શોપિંગ કરવા ગયા ત્યારે પણ ગટુ-બટુ સાથે જ ગયા હતા. એમને ગમતો બંક બેડ અને એની પર સરસ મઝાની ગ્રીન અને યલો કોમ્બિનેશનવાળી ફૂલોની ભાતવાળી બેડશિટ પણ જાતે જ પસંદ કરી હતી . રૂમમાં કપડા ગોઠવવાનું ક્લોઝેટ અને સ્ટડી ટેબલ પણ એમાં મેચ થાય એવા લીધા હતા. પપ્પા કહેતા પોતાનું કામ જાતે કરીએ તો એની મઝા જુદી જ હોય અને અહીં ક્યાં કોઇ કામ અઘરા લાગે છે?

અત્યારે પણ બંને પોતાના બંક બેડ પર સુતા સુતા વાતોએ વળગ્યા..

“કેટલી મઝા આવશે નહીં બટુ?”  

“ હા, પહેલા ગયા ત્યારે પણ આપણને ખુબ મઝા આવી હતી. ત્યાં ટ્રેઇનમાં બેસીને આખુ ય સ્ટોન માઉન્ટન જોવાનું . વચ્ચે વચ્ચે સ્પીકર પર એને લગતી જાણકારી આપે એ પપ્પા આપણને બરાબર સમજાવે એટલે વધારે મઝા પડે. યાદ છે ગટુ ? ગયા વખતે તો પેલા ઓલ્ડ મેન કેવા મોટા મોટા બબલ્સના શેપ બનાવતા હતા અને થ્રી ડી થીયેટરમાં શૉ જોવાની મને તો મઝા પડી હતી. પણ એક વાત કહુ? મને તો પેટીંગ ફાર્મમાં વધારે મઝા પડી હતી. કેવા સુંવાળા ફરવાળુ બકરું અને એનું બચ્ચુ હતું? બચ્ચુ તો બહુ જ ક્યુટ હતું. મને તો એના માટે બિમ્બો નામ ગમ્યુ હતું. બીજે ક્શે ઝૂમાં જઈએ તો બસ ખાલી એમને દૂરથી જ જોવાના પણ અહીં તો એમની પાસે જઈને એમને ખવડાવવાની અને ટચ કરવાની કેવી મઝા પડી હતી નહીં?  મને તો ડીયર પણ ગમી ગયા હતા.”

“ હા એ વાત સાચી બટુ, અને મને તો ફેરી રાઇડ પણ બહુ ગમી હતી.

“અને પેલી સ્ટોન માઉન્ટનના ટોપ પર લઈ જતી પેલી ટ્રોલી ? એમાં બેસીને ઉપર જઈએ ત્યારે નીચે બધુ કેટલું નાનું-નાનું દેખાતું ? અને છેક ઉપરના ટોપ પર જઈને તો બાપરે ! કેટલે બધે દૂર સુધી આખું સિટી દેખાતું ? સાંજે  ડાઉન ટાઉનમાં ફોર્થ જુલાઇના ફાયર વર્ક્સ ચાલુ થાય એ પણ દૂરથી કેટલા સરસ લાગે છે નહીં? રાત્રે સ્ટોન માઉન્ટન પર લેસર શૉ જોવાની ય મઝા આવશે. આ વખતે તો આરવ-રિયા અને રિશ પણ સાથે છે ને એટલે આપણે ટ્રેકિંગ પણ કરીશું હોં ને?”

બસ આમ વાતો કરતાં કરતાં બંને ક્યારે ઉંઘમાં સરી પડ્યા એની બેમાંથી એકે ને ખબર ના રહી અને સીધી પડી સવાર.

ગટુ-બટુ, મમ્મી-પપ્પા અને એમની બાજુમાં રહેતા આરવ-રિયા, એમના મમ્મી-પપ્પા, રિશ અને એના મમ્મી-પપ્પા.. ત્રણ કાર લઈને જવાનું હતું. આમ તો સ્કૂલે જવાનું હોય અને અને વહેલા ઉઠવું પડે તો કેટલો કંટાળો આવતો ? પણ આ તો મોજ-મઝાના દિવસ એટલે મમ્મી-પપ્પાને ઉઠવાનું કહેવું એ પહેલા જ ઉઠીને ઝટપટ ઉઠી જતા.  આજે પણ વહેલા ઉઠીને દૂધ- સીરિયલ અને ટોસ્ટ-બટર ખાઇને તૈયાર થઈને આરવ-રિયા- રિશની રાહ જોવા લાગ્યા .એમને ખાતરી હતી કે એ લોકો પણ એમની જેમ જ ઝટપટ તૈયાર થઈને હમણાં આવી જ જશે.

સવારે દસ વાગે નિકળવાનું હતું.  રવિવાર હતો એટલે ચર્ચનો સમય, ચર્ચનો સમય હોય એટલે ટ્રાફિકની ચિંતા નહીં અને સડસડાટ સ્ટોન માઉન્ટન પહોંચી જવાય એવું આગલી સાંજે પપ્પા મમ્મીને કહેતા હતા.

પિકનીક પર જવાનું હતું એટલે કારની ટ્રંકમાં ચિપ્સ , કુકી, મફિન, ડ્રાય ફ્રુટ્સ, મમ્મીએ બનાવેલી સેન્ડવિચ,  ફ્રેશ ફ્રુટ્સ, ચોકલેટ્સ, બધુ મુકાઇ ગયું. કૂલરમાં પાણીની બોટલો અને જ્યુસ પણ મુકી દીધા અને જેવી ગાડી કાઢવા પપ્પાએ ગરાજ ડોર ખોલ્યું તો  આ શું? બહાર એક નાનકડું કુરકુરિયું થરથરતું ઉભુ હતું. ગટુ-બટુ, આરવ-રિયા અને રિશ તો બૂમાબૂમ કરવા માંડ્યા. આમ તો એમને પણ ડૉગી બહુ ગમે અને એની સાથે રમવાનું પણ બહુ ગમે. મમ્મી –પપ્પાને કેટલી વાર ડૉગી લઈ આવવાનું કહ્યું પણ મમ્મી હંમેશા કહેતી કે પહેલા તમે તમારી જવાબદારી લેતા શીખો પછી ડૉગીની કેટલી જવાબદારી લઈ શકો એ નક્કી થાય. થોડા મોટા થાવ પછી વિચારીશું.

ગટુ-બટુને કેટલીય વાર વિચાર આવતો કે આ જવાબદારી એટલે શું?

મમ્મી સમજાવતી “ આપણા કામ આપણે ચોકસાઇથી જાતે કરતા શીખીએ, સમય પહેલા બધા કામ આટોપી લઈએ અને વળી બીજાને પણ મદદ કરીએ,  આપણી વસ્તુ જ્યાંથી લીધી ત્યાં બરાબર ગોઠવી દઈએ. આપણો રૂમ જાતે સાફ કરતા શીખીએ ત્યારે આપણે જવાબદાર બન્યા કહેવાઇએ. આવું બધુ બરાબર શીખી લેશો ત્યારે તમારા માટે ડોગી લેવાનું વિચારીશું.”

પણ આ તો વગર માંગ્યે ડૉગી આવીને ઉભુ હતું. એકદમ સફેદ ફરવાળુ આ ડૉગી કોનું હશે ? ક્યારેય જોયું નહોતું એટલે સૌ મુંઝાઇને ઉભા રહ્યા. શું કરવું એની સમજણ પડતી નહોતી. ડૉગી તો થરથર  કાંપતું હતુ. એને પકડવા જાવ તો આમથી તેમ દોડાદોડ કરી મુકતું હતું અને લાગતું હતું કે જાણે રડી રહ્યું છે. ગટુ-બટુ, આરવ-રિયા અને રિશ તો સ્ટોન માઉન્ટન જવાનું છે એ ભૂલીને એ ડૉગી કોનું હશે એ પૂછવા આજુબાજુના ઘરમાં દોડાદોડી કરવા માંડ્યા.

એક તો લોંગ વીક એન્ડ અને રવિવારનો દિવસ.. કોણ ઘરમાં હોય? પપ્પાએ ડૉગીને ધીમે રહીને ઉચક્યું. પહેલા તો ઉચકાવા જ તૈયાર નહોતું પણ પપ્પાએ પંપાળી પંપાળીને એને શાંત કર્યું. એને થોડું પાણી પિવડાવ્યું. ડૉગી તો પપ્પાના હાથમાં પણ હજુ તો થરથર કાંપતું હતું.

આજુબાજુના ઘરમાંથી કંઇ પત્તો પડ્યો નહીં. એક બાજુ સ્ટોન માઉન્ટન જવાનું મોડું થતું હતું. કેટલો બધો ઉત્સાહ હતો જવાનો? આમ તો જો કોઇ કારણસર મોડું થયું હોત બાળકો જ અકળાઇ ગયા હોત પણ અત્યારે તો એ સૌને પેલા નાનકડા ગભરાઇ ગયેલા ડૉગીનો જ વિચાર આવતો હતો.

કોને ખબર ક્યાંથી આવ્યું હશે? ગટુ-બટુ, રિયા-આરવ અને રિશ તો એને ઘડીભર રેઢું મુકવા તૈયાર નહોતા. એ શું ખાશે અને શું પીશે એની ચિંતામાં પાંચે ટાબરિયા સ્ટોન માઉન્ટન જવાનું પણ જાણે ભૂલી ગયા. આજુબાજુના બધા ઘરમાંથી તો કોઇ એને શોધવા નિકળ્યું નહોતું એટલે નજીકના ઘરમાંથી કોઇનુ નથી એવું સમજાઇ ગયું.

હવે કરવું શું ? પપ્પાને એવી ખબર હતી કે આવી જાતના ડૉગી માટે તો ખાસ  એમનું જ ફુડ હોય એને કંઇ આપણું ખાવાનું કે બ્રેડ- બિસ્કીટ તો શું દૂધ પણ ના અપાય.

“બિચારું, ક્યારનું ભૂખ્યુ હશે નહીં??” આરવ-રિશ પણ ગટુ- બટુની જેમ ચિંતા કરતા હતા. એમને પણ ડૉગી બહુ ગમે પણ લાવી કોણ આપે?

એકવાર તો સૌને થયું કે જો આ ડૉગીને કોઇ લેવા ના આવે તો આપણે જ રાખી લઈશું. વારાફરતી એકબીજાના ઘેર લઈ જઈશુ.

“ શું નામ પાડીશું એનું? ? ગટુએ પૂછ્યું.

“બડી, એ આપણું દોસ્ત બની જશેને ? દોસ્ત એટલે બડી.. આપણે એને બડી કહીશું.” આરવે જવાબ આપ્યો અને સૌએ એક સાથે વધાવી લીધું…….બડી.

નામ તો પાડ્યું , હવે શું? રિયા બોલી. “આપણને તો એ આપણી સાથે રહે એ બહુ ગમે પણ એના ઑનર  કેટલી ચિંતા કરતા હશે અને બડી પણ એમને મિસ કરતું જ હશેને એટલે તો એ રડે છે.” બીજા બધા કરતાં રિયા થોડી મોટી અને ડાહ્યી હતી.  “ યાદ છે આપણે લાસ્ટ ઇયર લિટલે સિમ્બાનો પ્લે કર્યો હતો એમાં લિટલ સિમ્બાના ડેડી કિંગ સિમ્બાને મારી નાખ્યા અને લિટલ સિમ્બા એકલું પડી ગયું તો કેવું ખરાબ લાગતું હતું ? એવી રીતે બડીને એના ઑનરથી છુટુ પાડીને આપણે રાખી લઈને તો એને કેવું લાગે ? “

“ હેં રિયા તને કેવી રીતે ખબર કે આ એના ઑનર સાથે રહેતું હશે? “ આરવથી પૂછ્યા વગર ના રહેવાયું.

“ કેમકે મારી ફ્રેન્ડ મિયા અને જેડનના ઘરની બાજુમાં રહેતા અંકલના ઘેર પણ ડૉગી છે. ટેડી બેર જેવું દેખાય છે એટલે એનું નામ ટેડી પાડ્યું છે. એને પણ એ અંકલ ક્યાંકથી લઈ આવ્યા હતા પણ હવે તો એ એમનું એટલું પૅટ થઈ ગયું છે કે અંકલને એના વગર જરાય ગમતું નથી એવી રીતે બડીના ઑનર પણ બડીને મિસ કરતા જ હશે.”

પાંચે છોકરાઓ બડીની ચિંતા કરતા હતા ત્યાં સુધીમાં રિશના ડૅડીએ એનિમલ રેસ્ક્યુ ટીમને ફોન કરીને એમને ઇન્ફોર્મ કરી દીધું હતું. એમના જણાવ્યા મુજબ બડીના ગળા પરના ટૅગ પરથી ઑનરનો નંબર લઈને ફોન પણ કરી દીધો .

ગટુ-બટુ, રિયા-આરવ અને રિશ તો બડીથી એક ક્ષણ પણ આઘા ખસવા તૈયાર નહોતા. થોડી વારમાં એક ગાડી આવીને ઉભી રહી. એમાંથી એક આંટી અને રિયા કરતાં થોડી મોટી છોકરી ઉતરીને બડીને વળગી પડ્યા. બડી પણ એકદમ ખુશ થઈને કાંઉ કાંઉ કરતું કૂદા-કૂદ કરવા માંડ્યુ, એની ગોળ ગોળ ફરવા લાગ્યુ અને એના હાથ ચાટવા માંડ્યુ.

“ એરિકા, આઇ એમ એરિકા એન્ડ શી ઇઝ માય ડૉટર જુલી. થેન્ક્સ ફોર એવ્રીથિંગ…યુ ડીડ રીયલી ટેક ગુડ કેર ઓફ માય બેબી..”આંટીએ વ્હાલથી બડીને ઉચકી લીધુ અને પોતાની ઓળખાણ આપી.

જુલી પણ રિયા-આરવ-રિશ અને ગટુ- બટુ સાથે વાતોએ વળગી. એ લોકો ચર્ચમાં પ્રેયર કરવા ગયા હતા અને ભૂલથી બેક ડૉર ખુલ્લુ રહી ગયું એમાં બડી બહાર આવી ગયું.

પણ એ દિવસથી જુલી , ગટુ-બટુ, રિયા-આરવ અને રિશ પાકા દોસ્તારો બની ગયા. જુલીને બડી પાછો મળ્યાનો આનંદ થયો અને પાંચે છોકરાઓને એક નવી દોસ્ત મળી અને બડી જેવા ક્યુટ ડૉગી સાથે ભાઇબંધી થઈ ગઈ.

બીજા દિવસે એરિકાએ પાંચે છોકરાઓને એના ઘેર બોલાવીને ઘરમાં બનાવેલી ફ્રેશ કુકી અને કેક ખવડાવ્યા.

“ દે તાળી ગટુ, મમ્મી કહે છે ને કે સારા કામ કરીએ તો ભગવાન પણ આપણને સારો બદલો આપે. આપણે બડીનું ધ્યાન રાખ્યું તો જુલી અને બડી જેવા દોસ્ત મળ્યાને ?”

“ હા બટુ, લે તાળી.” કહીને ગટુ- બટુ એમને મમ્મી ક્યારે બડી કે ટૅડી જેવું ડૉગી અપાવશે એના વિચારોમાં ખોવાઇ ગયા.

બાળ વાર્તા (૧૨) અમેરિકામાં આવ્યા શેકરી એન્ડ બકોર-

 

 

 

 

 

 

 

 

ગટુ અને બટુ   ચાલો આજે તમને  એવા મિત્રો સાથે ઓળખાણ કરાવું જેને તમારા મમ્મી અને પપ્પા ગમતા લાડીલા મિત્રો સાથે ,બકોર પટેલ અને તેમના પત્ની શકરી પટલાણી એને એમના મિત્ર ,વાઘભાઈ ,ટીમુ પંડિત,ડૉક્ટરઉંટડિયા,હાથીશંકરજી,ખુશાલડોશી.

આમ તો હવે તેમની પેઢી અમેરિકામાં આવી વસે છે માટે એમની વાર્તા કહીશ પણ એ આવ્યા કેવી રીતે ? એ પહેલા જોઈએ ,અને આવ્યા પછી શું થયું ?

ગટુ- અને આ પેઢી એટલે શું ?

હા આ પેઢી એટલે તેમના સંતાનો  , તો સાંભળો તેમના સંતાનો ની વાતો .પણ હમણાં આપણે તેમણે તેમના પપ્પાના નામથી જ બોલાવશું  તમે કોઈ નવા અમેરિકન નામ આપશો ત્યારે  નવું નામ  રાખશું બરાબર ને ! માટે તમે નવું નામ ગોતી કાઢજો મને મદદ કરશો ને?

અને હા એ પણ અમેરિકા આવવાની લયમાં અને વિઝાના ચચ્ક્ક્રમાં ફસાઈ ગયા હતા એની વાત કરું.

સાંભળો અત્યારના નવા સમાચાર અનુસાર વાત એમ હતી કે  ભગવાન પાસે જઈ જનાવરોએ ફરિયાદ કરી કે અમે અહી જગલમાં પડ્યા છીએ અને આ માણસો તો કેવા મોટા બંગલામાં અમેરિકામાં જલસા કરે છે. અમારી સાથે આવો પક્ષપાત કેમ ?

ભગવાને સમજાવ્યા કે જોવો એ લોકો ત્યાં પણ ક્યાં સુખી છે તમે તો તમારા મનના રાજા મન ફાવે તેમ જીવો પણ આ વાત અમુક પ્રાણીના મનમાં ન ઉતરી,કહે તમે અમને મનાવો નહિ ગઈ કાલે પેલી પુસી બિલાડી અહી આવી હતી કેવા સરસ કપડા સાથે તેનો ફેન્ડ ટોમી કુતરો બંને તેના અમેરિકન શેઠ શેઠાણી સાથે ગોગલ પહેરી છત્રી ઓઢી સરસ મજાની જીપમાં ફરતા હતા.અને અમને કહો છો એ ક્યાં સુખી છે ?

ભગવાન બોલ્યા જુઓ જે દુરથી દેખાય તે બધું સરસ હોય તેવું જરૂરી નથી,મારું માનો સ્વતંત્રતા જેવું સુખ બીજે ક્યાંય નથી પણ કોઈ માનવા તૈયાર જ ન હતું,એટલે ભગવાને કહ્યું તમે એમની સાથે જઈ રહો,અનુભવ લ્યો અને કૈક શીખો અને શીખવાડીને આવો જાવ….. મારે મીટીંગમાં જવું છે.

ત્યાં તો વાઘભાઈ બોલ્યા હું ત્યાં આ રીતે જઇશ તો મને જોઈ ડરી જશે કાં તો પકડીને પાંજરામાં પૂરી દેશે  કાંતો  ગોળીએ દેશે ,એ લોકોમાં માનવતા જેવું ક્યાં છે. હા એ વાત પણ ખરી !ઉંટ કહે એક કામ કરો અમને માણસ જેવા બનાવો એટલે અમને ઓળખે જ નહિ,બધું માણસ જેવું જ.. ! પણ બકરી બોલી આપણી  પોતાની ઓળખનું શું ?  હા એ પણ વાત વિચારવા જેવી ખરી.જુઓ  આ બિલાડી અને કુતરા એમના ઘરમાં ઘુસ્યા તો ખરા પણ જોવો ભસવાનું અને મિયાઉં બોલવાનું પણ ભૂલી ગયા છે.અરે એટલું જ નહિ આપણા માણસોની પણ અમેરિકા ગયા પછી પોતાની ઓળખ ભુલાઈ ગઈ છે.એક કામ કરીએ આમ આપણે માણસ જેવા પણ  થોડા થોડા આપણે  આપણા જેવા રહેશું… બરાબર ને ? અને એક સાથે બધા નહિ જઈએ  ધીરે ધીરે વારા ફરથી વારા ,ત્યાં તો ભગવાને તથાસ્તુ કહી નીકળી ગયા.

પણ આ શું ?બધા જે હાજર  હતા તે માણસ બની ગયા ,માત્ર કોઈના કાન તો કોઈનું મોઢું પ્રાણી જેવા રહ્યા ,બધું બોલવાનું ચાલવાનું અને ખાવાનું પીવાનું  આદતો બસ બધું જ માણસ જેવું .

હવે ક્યાં જશું ? બકરી ઠુમકો કરતા બોલ્યા ? લ્યો હું તો કેવી મજાની સ્ત્રી થઇ ગઈ અને તમે પુરુષ, હીરો લાગો છો.આપણા જેવું કોઈનું મોઢું નહિ હોય. 

બકરીએ નામ શકરી રાખ્યું અને બકરાએ બકોર… ચાલો શેકરી અમેરિકા જઈએ,ત્યાં ખુબ પટેલ રહે છે  મજા આવશે.હવે આપણી અટક પટેલ.

ત્યાં તો હાથીભાઈ બોલ્યા આ વિઝા વગર આપણને કોણ આવવા દેશે ?આ અંગ્રેજી શીખવું પડશે. પાસપોર્ટ જોશે ,બકોર બોલ્યા થઇ પડશે  ફરે એ ચરે….

અને બધા સામ, દામ, દંડ  લગાવી કામે લાગી ગયા.

અને ભારતમાં ભુલાઈ ગયેલા બકોર પટેલે ફરી અમેરિકામાં મી.બેકોર જીવિત થયા.

બકોર પટેલ ને મોટેલમાં નોકરી મળી અને શકરી પટલાણી સાથે મદદ કરતા.તેની આખેઆખી જીવનશૈલી બદલાઇ ગઇ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, શૉપિંગ મૉલ, ડિજિટલ કેમેરા, મેટ્રો જેવી ઘણી ચીજો બકોર પટેલના જમાનામાં ન હતી. છતાં અહી જોતા તોક્યારેક વાપરવી પડતી..  પણ પહેલેથી  છાપા વાંચતા બકોર પટેલ મોટલના કામમાંથી અને છાપુ  વાંચવા માટે નવરા જ  ન થતા  અને છાપા પણ ક્યાં આવતા ? કોઈ લઇ આવે ત્યારે વાંચવા મળે અને શકરી પટલાણી તો કકળાટ કરી મુક્યો …..બધા જોવો કેવા શોપિંગમાં જાય અને અમે આખો દિવસ બસ ઢસરડા કરીએ.આ કુતરાભાઈભાઈ ને જોવો કેવા બીલાડીબેનને ફરવા, પાર્કમાં બીચ પર અને પિક્ચર જોવા લઇ જાય છે ! ગ્રૂમીન્ગના ક્લાસમાં પણ જાય છે. મોંઘુંદાટ ટેબ્લેટ ખરીદ્યા છે અને તમે  રોજબરોજના ઉપયોગ માટે સાવ પ્રાથમિક ફોન ખરીદીને હાશ અનુભવતા અને સસ્તા ભાવમાં આઇ-ફોન ખરીદવાની લાલચમાં સેલની રાહ જોતા આરામ ખુરસી પર બેઠા છો.

બકોર પટેલ કહે પણ પટલાણી તમે સમજો આપણી પાસે ડોલર બચે તો જવાય ને ! આ કુતરાભાઈને તો સાહબી છે, જેના ઘરે નોકરી કરે તેને એણે એમને દતક લીધા છે એટલે જલસા જ હોય ને ! અને આ બિલાડીબેન એને તમે મળવાનું ઓછુ  કરો એના નખરા તો જોવો, કપડા ચશ્માં અને સાહબી ,તમને બગાડી નાખશે..નામ પણ જોવો કેવું બદલી નાખ્યું છે.. પુસી  અને કુતરાભાઈ એના બડી બની ચશ્માં પહેરી ફેરે છે.આપણને આવા ખર્ચા ન પોસાય ..તમે એવો કોઈ ઉપાય ગોતો કે આવક ની આવક અને તમારા પોકેટ મની તમને મળે,  આ દેશમાં તમારે જાતે મહેનત કરવી પડશે !

બીજે દિવસે શકરી પટલાણીએ મોટેલનું કામ પતાવી ખુશાલડોશી પાસે  ગયા ,તેમણે મગના લોટનો મોટો પિંડો પાપડનો બંધાવી રાખ્યો. ગૂંદવાનું બાકી રાખ્યું.. બકોર પટેલને કહ્યું જરા મદદ કરશો  તો કહે મારે મોટેલના ઘણા કામ છે અને આ છાપુ પણ ક્યાં વાચ્યું છે અને બકોર પટેલ તો છાપા વાંચતા સુઈ ગયા.. શકરી પટલાણી તો બિચારા શું કરે……

પણ શકરી પટલાણી હાર્યા નહિ… 

વણવા માટે આડણીવેલણ જોઈએ ને !. આડોશપડોશમાંથી ચાર પાંચ આડણી વેલણ બહેનપણી પાસે મગાવ્યા ..ઝટ મોટેલનું કામ પતાવી  બહેનપણી  સાથે ગીતો ગાતા પાપડ વણી સુકવી નાખ્યા અને સાંજ પડે પાપડ વીણતાં બોલ્યા ,વાહ અમેરિકા નો તડકો એટલે કહેવું પડે  ને ! 

રાત્રે જમવા માટે શકરી પટલાણીએ ટેબલ પર પટેલને બોલાવ્યા. આજે તેમણે ખૂબ હોંશથી પાપડ બનાવ્યા હતા.  તેથી બકોર પટેલને ચખાડવા પોતે તલપાપડ બની ગયાં હતાં. થાળી પીરસીને એક બાજુ રકાબીમાં બે પાપડ મૂક્યા.

બકોર પટેલ આવીને બીરાજ્યા. પાપડ ઉપર નજર પડતાં જ મલકાતાં મલકાતાં બોલી ઊઠ્યા : ‘ઓહોહોહોહો ! આજે તો પાપડમ્ વણી નાખ્યામ્ ને કંઈ !’
‘શું કરું ત્યારે ?’ શકરી પટલાણીએ જવાબ આપ્યો, ‘રોજરોજ તમે બબડોકે  અહી ખર્ચા પોસાતા નથી તેથી આજે બપોરે બેચાર બહેનપણીને બોલાવી તાબડતોબ વણી નાંખ્યા !’ આ ..લ્યો ચાખો ..અને કહો કેવા છે ? હું પાપડ વેચીશ અને પૈસા ભેગા કરીશ.

બકોર પટેલ પાપડના બડા શોખીન. હાલ બે’ક મહિનાથી પાપડ ખાધેલા નહિ, તેથી સૌ પ્રથમ તેમણે પાપડનો જ કટકો ભાંગીને મોંમાં દાબ્યો..થોડોક ચાવ્યો ન ચાવ્યો ત્યાં તો મોટેથી હસવા લાગ્યા : ‘હોહોહોહો ! હીહીહી ! હુહુહુહુહુ !’ શકરી પટલાણી તો આભાં જ બની ગયાં ! તેમને કંઈ જ સમજ ના પડી !

પટેલ બોલ્યા આમ  ડોલર ભેગા ન થાય,  કોઈ નોકરી ગોતો !

શકરી પટલાણી બોલ્યા પણ સ્વાદમાં કેવા છે ? તે વાત કરો ને……મને ખબર છે આમ તો હું  લોકો કરતાં તો ઘણા સારા બનાવું છું. આતો તમને જરીક પુછ્યું ..ન ખવો હોય તો મેલો પડતો.. અને તમને પાપડ વેચી કમાઈને દેખાડીશ.

પટેલ બોલ્યા ‘હા ! હા ! હા ! જોવું છે. સત્તર વાર જોવું છે. જોઉં તો ખરી, કે તમને કેવો  પાપડ બિઝ્નેઝ કરો છો ?
‘તો લાગી !

લાગી !

જુઓ  ! ઝીલી લઉં છું તામારો પડકાર. તક મળતાં જ પાપડ બનાવીને વેચું ત્યારે હું શકરી પટલાણી ખરી..   એવા તો પાપડ બનાવું કે ચાખીને તામારો રોલો ઊતરી જાય. મગજની રાઈ પણ ઊતરી જાય. 

પટેલ બોલ્યા આમ મોં બગાડવું નહિ પડે !’

થઈ ચૂક્યું ! બકોર પટેલ અને શકરી પટલાણી વચ્ચે  જંગનો પડકાર ફેંકાઈ ગયો ! પટલાણીએ ઝીલી લીધો ! ને પછી તેઓ યોગ્ય તકની રાહ જોવા લાગ્યા.

બરાબર લાગ મળવો જોઈએ ને ?

એક દિવસ ગુજરાત ગૌરવ દિવસે  શકરી પટલાણીએ આયોજકને ફોન કરી રીક્વેસ્ટ કરી પાપડ.. વેંચવા દેશો ? અને સ્ટોલ રાખી પાપડ  વેચ્યાં બધા વેચાઈ ગયા.આમ બે એરિયા ગુજરાતી સમાજમાં પાપડ વેચી આવ્યા.અને ફોનપર ઓર્ડેર પણ મળ્યા. 

આમ રોજ કામ કરતા એમની પાસે સારા એવા ડોલર ભેગા થયા.

એટલે એક રવિવારે બધી બહેનપણી સાથે સકરી પટલાણી શોપીંગ કરવા ગયા.

છેક સાંજે આઈસ્ક્રીમ ખાતા આવ્યા.

બકોર પટેલને  શોપિંગ દેખાડતા ખુશ ખુશ થઈ બોલ્યા.. કહો  તો કેવું છે મારું શોપિંગ ?

બકોર પટેલ બોલ્યા તમે મારે માટે શું લાવ્યા ?

શકરી બોલ્યા ખર્ચવા હોય તો જાતે મહેનત કરવી પડે તમે કહ્યું હતું ને !

આ દેશ બધાને તક આપે છે.પોતાનો બોજો પોતે જ ઉપાડવો પડે.

અને ગોગલ ચડાવી ,માથે ટોપી મૂકી બોલ્યા

કેવી લાગુ છે પટેલ ?

શકરી પટલાણી તમે અમેરિકામાં આવી સાવ બદલાઈ ગયા, મારું તારું ક્યારથી કરવા માંડ્યા ?

એ તો દેશ તેવો વેશ.. 

‘પણ મને તો રાખ્યો અંધારામાં ! તમે બૈરાં માળાં બહુ પાક્કાં !’

જુઓ આમ બડબડ કરવાથી કાંઈ ન વળે પહેલા કહો કેવી લાગુ છું?

હા સારી લાગે છે  – સોવાર, હજારવાર, લાખવાર !’

બસ ત્યારે બધાયે આગળ આવવા જાતેજ મહેનત કરવી પડે…આમ છાપુ વાંચવાથી  થોડા બીલ ભરાવાના  હતા ?

હા હવે થી મને  મારી અમેરીકાન મિત્ર બોલાવે છે તેમ શેકરી-shekri બોલાવજો અને તમે પણ આ જુનવાણી નામ બદલો તો સારું મને તો તમને આવ નામે બોલવતા શરમ આવે છે.. Bakor…

ગટુ અને બટુ તો વાતો સંભાળતા ઊંઘી ગયા 

પણ બીજી દિવસે ઉઠ્તાવેત બોલ્યા આજે શેકરીની વાતો કરશો ને !

અને મમ્મી પાસે દોડતા ગયા અને કહે અમને પાપડ ખાવો છે આપો ને !

 

 

 

 

 ગિજુભાઈ બધેકા

મિત્રો આજે ૨૩મી જુન  ગિજુભાઈ બધેકા યાદ આવી ગયા …

 

આપણે નાના હતા ત્યારે એક વાર્તા ખુબ સાંભળી છે એક હતો ચકો અને એક હતી ચકી…  ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો એની બનાવી ખીચડી … ..

આવી જ એક બીજી વાર્તા હતી…..

“કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.”

પણ મિત્રો તમને ખબર છે એને રચયિતા કોણ હતા  ?………..

ચાલો ત્યરે એ વાર્તા વાંચી જ લઈએ.

ચલ ભંભોટિયા અપને ગામ


એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે.

ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે – ડોશી, ડોશી! તને ખાઉં.

ડોશી કહે –

દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.

વાઘ કહે – ઠીક.

પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે – ડોશી, ડોશી! તને ખાઉં.

ડોશી કહે –

દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.

સિંહ કહે – ઠીક.

વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં વરુ, ચિત્તો વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો.

ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું – માડી! ખાતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો?

ડોશી કહે – દીકરી, બાપુ! હું તો પાછી ઘેર જઈશ ને, ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કે…હું પાછી આવું પછી મને ખાજો.

દીકરી કહે – અરે માડી! એમાં તે બીઓ છો શું? આપણે ત્યાં એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.

ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો.

રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે – ભંભોટિયા, ભંભોટિયા! ક્યાંય ડોશીને દીઠા?

ભંભોટિયો કહે –

કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.

વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો – માળું, આ શું? આ ભંભોટિયામાં તે શું હશે?

વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, વરુ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો.

કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.

આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યાં.

છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો.

ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે – ડોશી! તને અમે ખાઈએ. ડોશી! તને અમે ખાઈએ.

એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં.

પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.

બાળવાર્તા માટે  ગીજુભાઈ બધેકા નીએક વાત અહી ખાસ કહીશ કે 

“બાળકને વાર્તા સંભાળવા નો અધિકાર છે.”

હા એમની વધુ વાર્તા વાંચવા અહી આપેલ લીંક પર જજો…… http://mavjibhai.com/balvarta.htm

આ બાળવાર્તાના લેખક જે ગુજરાતના બાળકોની મૂછાળી મા તરીકે જાણીતા છે. એ છે ગીજુભાઈ બધેકા: 

જન્મ: 15/11/1885, નિધન: 23/06/1939

શું કર્યુ…. મોન્ટેસરી (બાળકો માટેની) શિક્ષણ પ્રણાલિને ભારતમાં પ્રસ્તુત કરી. જે બોધ આપતા હતા… બાળકોમાં શિક્ષણને પ્રિય બનાવવું હોય તો એક બાળકની જેમ શિક્ષણ રચવું રહ્યું.. શિષ્ય કોઈ વ્યક્તિગત શિષ્યનું સર્જન કરવા કરતાં તેમના દ્વારા સ્થાપિત શિક્ષણ પ્રણાલિએ ભારતમાં બાળ શિક્ષણનું સ્વરૂપ બદલી નાંખ્યુ હતું. ગિરિજાશંકર બધેકા આમ તો વ્યવસાયે હાઈકોર્ટના વકીલ અને આ વ્યવસાય તેમને પહેલા ઈસ્ટ આફ્રિકા અને પછી મુંબઈ સુધી લઈ ગયો. ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજ અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર બધેકાએ બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે તેવા માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટકનું સર્જન કર્યું. બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ તેમણે સર્જી છે. ગીજુભાઈ બધેકાએ પોતાના શિક્ષણના પ્રયોગો પર લખેલું ‘દિવાસ્વપ્ન’ પુસ્તક આજે પણ અનેક શિક્ષકોને આદર્શ બનવાનો માર્ગ બતાવે છે.

વિકિપીડીયામાં આપેલ અમુક વિગત અહી મુકું છું

(૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી,તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.એટલે

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

  • શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( ૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો),
  • બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા),
  • જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦),
  • બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
  • ચિંતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં.
  • દિવાસ્વપ્ન.

વધુ વિગત અહી મળશે ….

શ્રી ગિજુભાઈ બધેકા ‘મુછાળી મા’ – પ્રો. ડૉ. રણજિતસિંહ પવાર

https://sureshbjani.wordpress.com/2006/07/19/gijubhai_badheka/

*************************************************************
બધેકા ગિજુભાઈ ભગવાનજી (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯) : બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મૅટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે.

‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ’- ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) વગેરે છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે.

બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલોકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલો પ્રવાસે ગ્રંથમાળા, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક ગ્રંથમાળા, પશુપક્ષી ગ્રંથમાળા, પાઠપોથી ગ્રંથમાળા, રમ્યકથા ગ્રંથમાળા અને હાસ્યવિનોદ ગ્રંથમાળા બાલોપયોગી છે.

‘બાળસાહિત્યગુચ્છ’માં ‘લાલ અને હીરા’, ‘દાદાજીની તલવાર’, ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે; તો ‘બાળસાહિત્યવાટિકા’- મંડળ : ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : ૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪), ‘ઈસપકથા’ (૧૯૩૫), ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪) જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે.

બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, ‘કેમ શીખવવું’ (૧૯૩૫), ‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) જેવાં ઉપયોગી પુસ્તકો અને ‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧), ‘સાંજની મોજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

‘પ્રાસંગિક મનન’ (૧૯૩૨), ‘શાંત પળોમાં’ (૧૯૩૪) વગેરે એમનું ચિંતનસાહિત્ય છે

-ચંદ્રકાન્ત ટોપીવાળા

બાળવાર્તા -અમે પાંચ -ગીતાબેન ભટ્ટ

આ વાર્તા નાના બાળકો માટે લખી છે . Preschool  age kids માટે.બે થી પાંચ વર્ષનાં બાળકોને રસ પડે તે માટે તેમાં લય છે ; ફરી ફરી ને એજ વાક્યોનું પુનરાવર્તન છે ; અને તેમનો રસ જળવાઈ રહે તે માટે oથોડી એક્શન મૂકી છે . એનો કોન્સેપટ – વિચાર – અંગ્રેજી nursery rhymes  “ફિંગર ફેમિલી ” માંથી લીધોહાથની હાથની વચલી ત્રણ આંગળીઓ તે ગટુ, બટુ અને    બકુડી! ✋️અંગુઠો અને ટચલી આંગળી તે પપ્પા – મમ્મી . 🤙વાર્તા વધારે રસમય બનાવવા આંગળીઓ પર આંખ અને સ્માઈલી ફેસ ચીતરી શકાય .

વાર્તા: 

ગટુ ખા ખા કરે ! ( index finger ઉભી  કરો.☝

બટુ ગા ગા કરે ( વચલી આંગળી ઉભી કર✌

 બકુડી  રમ રમ કરે !(  રિંગ ફિંગર  ઉભી  કરો.)✋

ત્રણે જણા ને મમ્મી – પપ્પા 

ખુબ મઝા કરે !   (અંગુઠો અને ટચલી આંગળી)

અરે ભાઈ ખુબ મઝા કરે .👋

ગટુ ખા ખા  કરે!

 બટુ ગા ગા કરે ( વચલી આંગળી ઉભી કર✌બકુડી   રમ રમ કરે !(  રિંગ ફિંગર  ઉભી  કરો.)✋

ત્રણે જણા ને મમ્મી – પપ્પા 

ખુબ મઝા કરે !   (અંગુઠો અને ટચલી આંગળી) અરે ભાઈ ખુબ મઝા કરે .👋

 નિશાળમાં રજાઓ પડી ! 

પપ્પાએ કહ્યું :” છોકરાઓ ! દાદીબાની ઘેર જાઓ !”

મમ્મી એ તો સેન્ડવીચ બનાવી 

પપ્પાએ તો કપ કેક બનાવી ! 

 છોકરાઓ  તો દાદી ઘેર જવા અધીરા થઇ ગયા 

“દાદી ઘેર જઈશું .

ખાશું પીશું રમશું !  

દોડાદોડી  ;પકડાપકડી !ધીંગામસ્તી કરીશું!

મઝા કરીશું , મઝા કરીશું !

ત્યાંતો-

 વુફ વુફ કરતો કૂતરો આવ્યો ! નામ તેનું બડી 

મ્યાઉં મ્યાઉં કરતી મીનડી આવી ! નામ તેનું  બ્રાઉની 

ચીં ચીં કરતી ચકલી આવી!

ને રંગ બે રંગી પતંગિયું આવ્યું !

અને  એ બધાં કહે  :

અમારે પણ દાદી ઘેર જાઉં છે ! 

રમવું છે ! જમવું છે ! દોડાદોડીપકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે !

છોકરાઓ કહે:

 “નો વે ! અમારે શેર નથી કરવું !”

“ગો અવે ! અમારે વહેંચી ને નથી ખાવું ! “

“અમારાં દાદીને ત્યાં તમને નહીં લઇ જઈએ!

ડોન્ટ ફોલો  અમને !”

છોકરાંઓ તો દોડ્યા દાદીને ઘેર !

પણ રસ્તામાં બકુડીના  માથા પરની ટોપી ઉડી ગઈ! છોકરાઓનું ધ્યાન નહોતું પણ એમના મિત્રો કુતરાભાઈ બિલ્લીનેન અને ચકલીબેન અને પતંગિયાએ જોયું . એ ઉપાડીને એ લોકો પણ દાદીબા ઘેર આવ્યાં.

દાદી તો હરખાઈને વાટ જ જોઈ રહ્યાં હતાં !

આવો બાળકો આવો! 

અને પેલાં બધાં મિત્રો , તમે પણ આવો !  

એમણે બકુડીની ટોપી આપી ! થેંક્સ! બકુડીએ કહ્યું. 

પણ ગટુ – બટુ તો હજુ રમવાના મૂડમાં જ હતા 

છોકરાઓ  બોલ્યા:

“દાદી ! અમારે આ સેન્ડવીચ કોઈની સાથે શેર નથી કરવી !”

“આ બધી કપ કેક અમારે એકલા એ જ ખાવી છે !”

રમવું છે ! જમવું છે ! દોડાદોડીપકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે 

અમારે એકલા એકલા જ મઝા કરવી છે ! 

દાદી એ કહ્યું ;

“ભલે , તો એમજ કરીએ !  તમે એકલા એકલા જ મઝા કરો!

ત્યાં તો દાદા પીઝા અને આઈસક્રીમ  લઇ ને આવ્યા. 

” દાદીબા!આ પીઝા અને આઈસ્ક્રીમ  આપણે પેલા મિત્રો સાથે વહેંચીને ખાઈએ તો કેવું ?” દાદાએ કહ્યું .

 ” ભલે! આછોકરાંઓને એકલાં એકલાં સેન્ડવીચ ને કેક ખાવાં દો!” દાદી એ કહ્યું!

ના ! ના! ના! દાદીબા અમારે પણ પીઝા અને આઈસ્ક્રીમ ખાવાં છે!

ના ..  દાદી !અમારે શેર કરવું છે ! 

અમારે વહેંચીને ખાવું છે !

પીઝા ને આઈસ્ક્રીમ પણ ખાવાં છે ! સેન્ડવીચ ને કેક પણ ખાવાં છે!

અમારે બધાં  એ સાથે ભેગા મળીને મઝા કરવીછે ! 

રમવું છે ! જમવું છે ! દોડાદોડી પકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે !

રમવું છે ! જમવું છે ! દોડાદોડી પકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે !

અને ત્યારે દાદીબાએ કહ્યું:

બાળકો ! આપણે શિખામણ લેવાની  છે કે વહેંચી ને ખાવામાં જે મઝા આવે તે એકલાં એકલાં ખાવામાં ને એકલાં એકલાંરમવામાં નથી આવતી .

અને બધાં છોકરાઓ અને તેમના મિત્રો સૌએ ભેગા મળીને દાદી ઘેર મઝા કરી ! 

દાદી ઘેર રમતાંતા , 

    દાદી ઘેર જમતાંતા ! 

ભેગા મળીને  ભેગા મળીને-

દોડાદોડીપકડાપકડી!

ધીંગા મસ્તી    કરતાતાં!

ધીંગા મસ્તી. કરતાતાં!

મઝા પડી ભાઈ મઝા પડી !

ખાધું પીધું ને રાજ કર્યું !

Geeta Bhatt.  

( while listening to the story, singing  along with it, kids start learning Gujarati at early age. They also love to listen to the same story over and over again as they know what would comes next. So go ahead and tell this story to young audience ..)

Sent from my iPhone

Subhash (Sam) Bhatt

બાળવાર્તા  (૧૧)બળ કે બુધ્ધિ- કલ્પના રઘુ

શહેરથી દૂર દૂર એક ગાઢ મોટું જંગલ હતું. જંગલની વચ્ચે મસ મોટુ તળાવ. આ તળાવમાં રંગબેરંગી માછલીઓ રહેતી. કેસરી ને પીળી, કાળી ને સોનેરી. સફેદ મઝાના બતકો તરતા. એક બાજુ કમળ પણ ઉગે. તળાવની આજુબાજુ નાના મોટા વૃક્ષો હતાં. તેમાં રંગેબેરંગી ફૂલો ઉગે અને ફળોનું તો પૂછવું જ શું? બાપ રે … કેરી, કેળા, પપૈયા, ચીકુ, અધધધ … સાચું કહું, આપણને પણ ત્યાં રહેવાનું મન થાય. પણ આ તો જંગલ કહેવાય. અહીં હિંસક પ્રાણીઓનો એટલોજ ભય હોય. દિવસ હોય કે રાત, વાઘ-સિંહની એક ત્રાડ પડે અને આપણે તો ધ્રૂજી ઉઠીએ. પરંતુ જંગલ વચ્ચે આ જગ્યા એટલી રળિયામણી હતી કે તમામ પશુ-પંખી સવાર-સાંજ પાણી પીવા આવે. ભર તડકામાં પણ ઘટાદાર વૃક્ષોને કારણે ત્યાં આવીને પોરો ખાય. હિંસક પ્રાણીઓ આખો દિવસ શિકારની શોધમાં ફરે અને થાકીને અહીં આવીને આરામ કરે.

તમને તો ખબર છે, સિંહ જંગલનો રાજા કહેવાય. બધાંજ પ્રાણીઓમાં બળવાન. અને એ પણ ખબર છે, સાપ અને નોળિયો, કાચબો અને સસલુ, સિંહ અને ઉંદર, કાગડો અને શિયાળ, આ બધા પશુ-પંખી એકબીજા વચ્ચે હોડ કરે એટલેકે હરીફાઇ કરે. પરંતુ વર્ષોથી બધા આ જ જંગલમાં નાના મોટા ઝઘડા કરે તોય સંપીને રહેતા.

એક દિવસની વાત છે. સિંહે સભા ભરી છે. પૂનમની રાત છે. આખો મોટો ચાંદો આકાશમાં ઉગ્યો છે. ચાંદાની ચાંદનીનો પ્રકાશ કેટલો બધો હોય? એના અજવાળામાં બધાના મોઢા દેખાય છે. તળાવમાં ચાંદાનુ પ્રતિબિંબ પડે એટલે કેટલુ રળિયામણુ લાગે? પરંતુ આવા સુંદર વાતાવરણમાં પણ લીડર સિંહભાઇનું મોઢું ચિંતાથી પડી ગયુ હતુ. આ સિંહભાઇને વળી શું ચિંતા હોય? બધા એકબીજાને પ્રશ્ન કરે. પણ સિંહને પૂછવાની કોઇની હિંમત ના ચાલે. સિંહને થોડુ કહેવાય કે તારૂ મોંઢુ ગંધાય છે? ત્યાં તો સભામાં બધા આવી ગયા એટલે સિંહભાઇએ વાત શરૂ કરી.

આજે હું જંગલમાં દૂરદૂર નિકળી ગયો હતો. ફરતા ફરતા એક ગામની નજીક પહોંચી ગયો. ત્યાં મેં એક કૌતુક જોયુ. એક ઘેટાનું ટોળુ જઇ રહ્યું હતું. આગળ એક વૃધ્ધ ઘેટુ ચાલતુ હતુ અને બધા તેની પાછળ જઇ રહ્યા હતા. કેટલી નવાઇની વાત કહેવાય? સૌથી વધુ આશ્ચર્ય તો મને એ વાતનું થયું કે સાથે કોઇ માણસ ન હતો. સભામાં સ્તબ્ધતા ફેલાઇ ગઇ. બધા વિચારમાં પડી ગયા. સિંહભાઇ કહે અહીં તો આપણે બધા સાથે જતા હોઇએ અને હું આગળ હોઉ તો પણ કોઇ મારૂં કહ્યુ માનતુ નથી. હુ તો જંગલનો રાજા છું તો પણ … ! મારે આનો ઇલાજ શોધવો પડશે. હું એલાન કરૂ છુ કે આજ પછી જે મારા બનાવેલા નિયમનો ભંગ કરશે તેને હુ ખાઇ જઇશ … આ સાંભળીને બધા ધ્રુજવા માંડ્યાં. સભા બરખાસ્ત થઇ. આખી રાત બધાને ઉંઘ ના આવી.

બીજા દિવસે જંગલમાં સિંહ સીવાયના બધા પ્રાણી ભેગા થયા. આગેવાન શિયાળ બન્યુ. શિયાળ સ્વભાવે લુચ્ચુ કહેવાય. એને કાવાદાવા કરતા આવડે. આ બુઢ્ઢા સિંહથી કેવી રીતે બચવુ તેની બધા વચ્ચે ચર્ચા ચાલી. કોઇ ઉપાય કામમાં નહી આવે તેવુ લાગતા સભા બરખાસ્ત થઇ.

આમને આમ એક અઠવાડીયુ પસાર થયુ. સિંહ બળવાન હતો. તેની દાદાગીરી વધતી જતી. જંગલનો રાજા એટલે કોઇથી કશુંય બોલાય નહીં. બધા પાછળ ગણગણાટ કરે. બીજા બધા બુધ્ધિશાળી હતા તેથી પહેલા મન ફાવે તેમ કરતા. પરંતુ કહ્યું ના માને તો ખાઇ જવાની વાત કરી તેથી બધા ઢીલા પડી ગયા હતા,

શિયાળને રાત્રે ઉંઘ નથી આવતી. ત્યાં તેને યાદ આવ્યું કે શહેરમાં તેના મિત્ર સસલુ અને ઘોડો રહેતા હતા. તેમને ગટુ  અને બટુ નામના મિત્રો હતા. તેમના પપ્પા સરકસ ચલાવતા હતા. સરકસમાં નાના મોટા પશુ અને પક્ષીઓને પાળીને ખેલ કરાવે એ તો સૌને ખબર હશે. શિયાળભાઇના મનમાં સિંહ માટે લુચ્ચો વિચાર આવ્યો કે આ જંગલના સિંહને શહેરના સરકસમાં મોકલી દઇએ તો કેવું? સવારના પહોરમાં શિયાળભાઇ શહેરના રસ્તે નિકળી પડ્યા. ત્યાં સસલાને મળ્યા અને બધી વાત કરી. બધાએ ભેગા થઇને ગટુ -બટુના પપ્પાને બધી વાત કરી. તેઓ તો ખુશ થઇ ગયા. આ સિંહને પાઠ ભણાવવા બુધ્ધિને બળવાન કરવીજ પડશે. તેમણે એક પ્લાન બનાવ્યો. સિંહને શહેરમાં સરકસમાં લાવવા માટે કેવી રીતે ફસાવવો એની યોજના ઘડી કાઢી. શહેરના વાતાવરણથી સસલુ અને ઘોડો ટેવાયેલા હતા. સસલા અને ઘોડાએ બંટી-બબલી પાસેથી ટેબ્લેટ અને મોબાઇલ ફોન વાપરતા શીખી લીધુ. એક સવારે, ટેબ્લેટ અને મોબાઇલ ફોન લઇને સસલુ અને ઘોડો, શિયાળ સાથે જંગલ ભણી ચાલી નિકળ્યા.

સસલુ અને શિયાળ, ઘોડા પર સવાર થઇને જંગલમાં જાય છે. સાથે સાથે, મોટેથી ગીત ગાતા જાય છે.

જંગલ જંગલ હવા ચલી છે, હવા ચલી છે,
શહેરમાં, સરકસ આવ્યું છે, હવા ચલી છે.
ઢમ ઢમ ઢમ ઢમ,ઢમ ઢમ ઢમ ઢમ,
ચાલો જોવા જઈએ સૌ, હવા ચલી છે.
મોર ને પોપટ, કાગડો ને સમડી,
સાપ ને નોળિયો, શિયાળ ને ઉંદર,
સિંહ ને વાંદરો, હરણ ને હાથી,
ચાલો જોવા જઈએ સૌ, હવા ચલી છે…..

ઘોડાભાઈ તબડાક, તબડાક કરતા જંગલના રસ્તે દોડતા, ગાતા નીકળી પડ્યા … આવો અવાજ સાંભળીને તમામ પશુ-પક્ષીના કાન ઉંચા થઇ ગયા. ગીત ગાતા ગાતા, તબડાક તબડાક કરતા ઘોડાભાઇ જંગલની વચ્ચે તળાવ પાસે આવી ગયા. સાંજ પડી ગઇ હતી. સિંહભાઇ સભા ભરીને બેઠા હતા. બધાજ ત્યાં હાજર હતા.

શિયાળ સાથે અજાણ્યા સસલા અને ઘોડાને જોઇને સૌ વિચારમાં પડી ગયા. ત્યાં ઘોડાભાઇના મોબાઇલ પર તેના માલિકનો ફોન આવ્યો. સસલાએ ઘોડાના કાને મોબાઇલ ધર્યો. ઘોડાભાઇએ મોટી હણહણાટી કરીને ફોનમાં એના માલિક સાથે વાત કરી, ‘અમે પહોંચી ગયા છીએ.’ આ જોઇને સિંહ અને સૌ પ્રાણીઓ વિચારમાં પડી ગયા. પછી શિયાળભાઇએ સિંહ સાથે સસલા અને ઘોડાની ઓળખાણ કરાવી, કહ્યુ કે આ બન્ને એના મિત્રો છે. શહેરમાં સરકસ આવ્યું છે એની જાણ કરવા આવ્યા છે. તેમાં આપણા બધા પ્રાણીઓ માટે ખાસ શો રાખ્યો છે. આ સાંભળી સૌ પશુ-પંખીઓ ખુશ થઇ ગયા. જાતજાતના અવાજથી દરેકે પોતાની ખુશી વ્યક્ત કરી. સિંહે કહ્યુ કે જાહેરમાં મારાથી ના અવાય. હું તો આ જંગલમાં સારો. પરંતુ તમારે બધાએ જવું હોય તો જાવ. શિયાળ કહે, તમે અમારા રાજા. તમને મૂકીને અમે બધા કેવી રીતે જઇએ? સિંહ કહે, હું જંગલની સરહદ સુધી તમારી સાથે આવીશ. તમે પાછા આવો એટલે આપણે સૌ પાછા આવીશુ. સૌ ખુશ થઇ ગયા. સસલાભાઇએ ટેબ્લેટ દ્વારા બધાની ટીકીટ બુક કરાવી દીધી, મોબાઇલથી ગટુ  બટુના પપ્પા સાથે પ્લાનની વાત કરી લીધી. સૌ આ કૌતુક જોતાંજ રહ્યાં. તેમને થયુ કે આ સસલુ અને ઘોડા પાસે આ શું છે? સૌ વિચારમાં પડી ગયાં.

બીજે દિવસે સરકસ જોવા શહેરના રસ્તે સૌ પશુ-પક્ષીઓ, સિંહની આગેવાની હેઠળ નિકળી પડ્યા. જંગલ પુરૂ થાય એ પહેલા પ્લાન મુજબ સૌ આરામ કરવાના હતા. એક ઘટાદાર વૃક્ષ નીચે સૌ આરામ કરવા બેઠા. સિંહભાઇ થોડા થાકેલા હતા અને તેને સરકસ જોવા નહોતુ જવાનુ. એટલે શાંતિથી સૂઇ ગયા. જેવા નસકોરા બોલવા માંડ્યા કે ઝાડ ઉપરથી સરકસના માણસે મોટી જાળ સિંહ પર નાંખીને ખેંચી લીધી. અગાઉ પ્લાન મુજબ, ગટુ  અને બટુ, પપ્પા બધી તૈયારી સાથે આવ્યા હતા. સિંહભાઇ પકડાઇ ગયા. સિંહ ખૂબ ધમપછાડા સાથે ગર્જના કરવા માંડ્યો. તેને મોટુ ઘેનનુ ઇન્જેક્શન આપ્યુ. સિંહ સૂઇ ગયો. સર્કસના માણસો પકડીને ગાડીમાં શહેરમાં લઇ ગયા. બધા પશુ પંખીઓ ખુશખુશ થઇ ગયા. સૌને હાશ થઇ. સૌએ શિયાળ, સસલુ, ઘોડો, ગટુ  અને બટુએ અને તેના પપ્પાનો આભાર માન્યો. અને સૌ જંગલમાં નાચતા ગાતા પાછા ફર્યા. હવે તેમને કોઇનો ડર ન હતો.

બોધપાઠ:

એવુ કહેવાય છે કે ઘેટા ટોળામાં ફરે અને લીડરની પાછળ જાય. એનામાં બુદ્ધિ થોડી ઓછી હોય. પરંતુ જ્યાં બુધ્ધિ વધારે હોય ત્યાં દરેક પોતાની બુધ્ધિ પ્રમાણે ચાલે!

બળ કરતાં હમેશા બુધ્ધિ જીતે છે.માટે વધુ બળવાન લોકોએ પોતાના બળથી બીજાને કનડગત ના કરવી જોઈએ.

એવી કહેવત છે કે,’સંપ ત્યાં જંપ’. સંપીને રહો તો જંગલમાં પણ મંગલ કરાય.

કલ્પના રઘુ