૩૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

બાપ કરતાં બેટા સવાયા

સમગ્ર વિશ્વમાં “ફાધર્સ ડે”ની ઉજવણી થઈ રહી છે ત્યારે આ કહેવત યાદ આવ્યાં વગર રહે નહીં. દલા તરવાડી અને વશરામ ભુવાની વાત ખૂબ જાણીતી છે. દલા તરવાડીને રીંગણાનું શાક બહુ ભાવે. એક વખત વશરામની વાડીએથી રીંગણા ચોરીને લાવતાં પકડાઈ જતાં વશરામે શિયાળાની ઠંડીમાં કૂવાના ઠંડા પાણીમાં ડૂબકીઓ ખવડાવેલી. આ ધ્રુજારી હજુ પણ દલા તરવાડી ભૂલ્યાં ન હતાં. હવે પેઢી બદલાઈ ગઈ છે. દલાએ એકના એક દીકરા ભગાને તેને થયેલા અનુભવથી વાકેફ કર્યો અને કહ્યું કે વશરામના દિકરા શિવરામની વાડીએ ના જતો. ત્યાં જઇએ અને રીંગણા દેખાય એટલે ખાવાનું મન થાય. ભગાએ કહ્યું, બાપુ હું ચોરી કર્યા વગર રીંગણા લઇ આવું તો? આજે મારે તમને એ વાડીના રીંગણાનું શાક ખવડાવવું છે. એમ કહી તે નીકળ્યો. વાડીએ પહોંચ્યો. વાડી ફરતે થોરની ઉંચી વાડ. ઝાંપલી ખોલી અંદર ગયો. વાડીમાં મજાનાં રીંગણા લલચાવતાં. તેણે બુમ પાડી. જવાબ ન મળતાં થયું કે ચૂંટી લઉં. પછી થયું ચોરી તો નથી જ કરવી. ઘેર પાછો ફરતાં રસ્તામાં શિવરામ મળ્યો. વાતવાતમાં તેનો હાથ જોઈને જ્યોતિષની વાત કરી. શિવરામ ભોળવાયો. ખુશ થઈને કહે, ગોરજી, વાડીએ હાલો, મફત હાથ ના જોવડાવાય. દક્ષિણા લેતા જાઓ. પરાણે દસ-બાર રીંગણા આપ્યાં. ભગો રીંગણા લઈ ઘેર આવ્યો. દલા તરવાડી રીંગણા જોઈને ચમક્યા. તેમના માન્યામાં ન આવ્યું કે ચોરી કર્યા વગર બેટો રીંગણા લઈ આવ્યો. ભગો કહે, બાપ કરતાં બેટો સવાયો. આ એક સૂચક વાર્તા છે. પણ જે ઘરમાં બેટો બાપ કરતાં સવાયો હોય તે બાપની આંતરડી ઠરે તે નિર્વિવાદ છે. હા, બેટા પાછળ બાપનું નામ લખાય છે. પરંતુ બેટો મોટો થાય પછી બાપ હંમેશા બેટાના નામથી ઓળખાવાનું પસંદ કરે તેમાં જ બાપ અને કુળનું ગૌરવ ગણાય છે. બાપ માટે એ સવાયાપણાનો આનંદ જ અનેરો હોય છે.

ઇતિહાસમાં એવા દીકરા થઈ ગયા કે જે બાપ કરતાં સવાયા હતાં. અર્જુનનો દીકરો અભિમન્યુ, ઘટોત્કચનો દીકરો બરબરીક, રાવણનો દીકરો ઇન્દ્રજીત જેવાં અનેક ઉદાહરણ દંતકથાઓમાં જોવાં મળે છે. બાકી અનેક એવા પણ ઉદાહરણ છે, જે દીકરાઓ પિતાની છત્રછાયામાં વિકસી શક્યાં નથી. પિતાની પ્રતિષ્ઠા ગગનચૂંબી હોય અને પુત્ર આખી જિંદગી અસફળ રહે. અરે! કેટલાક મહાન પિતાના પુત્રોના નામ સુદ્ધા લોકો જાણતાં નથી.

હવેની સદીમાં બાપ દીકરા વચ્ચે સુમેળ જોવા મળતો નથી. જનરેશન ગેપ વધતો જાય છે. પિતાના કાર્યક્ષેત્રમાં પુત્ર જવા નથી માંગતો. લાગણી અને સંતાનની સફળતા, સંઘર્ષમાં અટવાય છે. બાળ ઉછેર એ ખૂબ મોટી સમસ્યા છે. કોઈ બાપ તેમાં સો ટકા પાર નથી પડતો. પોતાના જીવનમાં જે નથી મેળવ્યું અથવા તો પોતે જે ભૂલ કરી છે તે તેના સંતાનના ઉછેરમાં ના થાય તે માટે તે સચેત રહે છે. કુટુંબે કુટુંબે સમસ્યા અલગ અલગ હોય છે. બેટો સવાયો થાય તે માટે સંતાનનો ઉછેર મહત્વનો ભાગ ભજવે છે.

બુઢાપો આવતાં, બાપની તમામ ભૌતિક, શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થતી જાય છે. શરીરના અંગો પણ એક પછી એક શિથિલ થાય છે. આવે સમયે બાપ આશ્રિત બની જાય છે. પરવશતા અનુભવે છે. આ બુઢાપાની વાસ્તવિકતા છે. બાપે બેટાને જીવનમાં સક્ષમ બનાવ્યો હોય ત્યારે બેટા માટે જે પણ કર્યું હોય તે દરેક વસ્તુ સવાઈ કરીને બેટો પાછી વાળે ત્યારે ખરા અર્થમાં આ કહેવત યોગ્ય ગણાય. બાકી તો આજે ભારત કે ભારત બહાર મોટા ભાગે એવા બેટા જોવા મળે છે જે બાપા વિરુદ્ધ પેંતરા રચવામાં દીકરો, વહુ સવાયા બને છે. આવા કિસ્સાઓ સમાજમાં ઓછા નથી. પૈસો, પ્રતિષ્ઠા કે હું પણું રાખવાથી મહાન કે સવાયુ થવાતું નથી.

જે ઘરમાં પિતાનો પડ્યો બોલ ઝીલાતો હોય, પિતાની જરૂરિયાતો પૂરી થતી હોય, બેટાનો સથવારો હોય એ બેટો ભલે પૈસે ટકે સુખી ના હોય પણ બાપને એ બેટા પર ગર્વ હશે. એની દુઆ હંમેશા બેટા માટેની રહેશે. એવા બેટાને પિતાના મૃત્યુ બાદ શ્રાદ્ધ, તર્પણ કે પિતૃદોષની કોઈ વિધિ કરાવવાની જરૂર ના રહે ત્યારે સાચા અર્થમાં બાપ કરતાં બેટો સવાયો કહેવાય. હાલમાં નવા યુગની દેન છે કે બેટી બાપ કરતાં સવાઇ બનીને રહે છે.