ફ્યુંનેરલ   હળવે   હૈયે -હેમંત ઉપાધ્યાય

( સુરત  જીલ્લા માં બોલાતી   ભાષા   માં  આ  લેખ  લખું  છું,  ત્યાના  લોકો ની  રજૂઆત કરવાની  આદત  અને  ભાષા   તથા  માનાર્થે એક  વચન  વાપરવાની  રીત  સાથે  આ લેખ  હૈયા  ને  હળવું  લાગે  તેવી  રીતે  ગંભીર  વાત   રજુ કરે  છે જે  ખુબ  માણવા  લાયક  છે. મને આશા  છે કે  આ લેખ ગમશે. કોઈ ની ટીકા  કરવાનો   આશય  નથી  )

 માર    તાલી 

 રમેશ  નવસારી માં રહે છે  અને  મારો  દોસ્ત  છે, કોઈ  પણ  વાક્ય  પતે   એટલે  તે  કહેશે   ‘ માર   તાલી  ‘   અમે  એનું નામ   જ  માર  તાલી  રાખ્યું   છે,અમે  એક વાર નવસારી  માં  ગોલવાડ  પાસે  મળી  ગયા,  ઘણા  વખત  પછી  મળ્યા   એટલે પહેલા જ   પૂછ્યું  કેમ  દેખાતો નથી   ? માર   તાલી  ‘  મેં   કીધું   બહારગામ  ગેલો  તે  કાલે જઆયવો,  હું  નવાજુની ? કેય   તને  ખબર   પયડી   કે  ની  ?મેં  કયું  હું ?

પરમ દાડે  મારો  ડોહો  ઉકલી   ગયો ?   માર   તાલી  ‘

મેં  કયું  હે ?  હું   થયેલું?  અને  ડોહો   ઉકલી   ગયો   ને  તું  તાલી   માંગે ? હરમ  બરમ  છે  કે ની?

 તો  કેય   કે  કેમ  રડું ?    રડવાથી   ડોહો   પાછો   આવહે ?

દીકરા    એ   તો  ઉપર   પરી  ઓ   જોડે   રાસ   રમતો   ઓહે  ..

મેં પુયછું  હું   થેલું ?  એકદમ  ઉકલી  ગયો ?

 તો  ફેય  કે  રવિવાર  નો  દહઅડો    હૂતો,  હવારે   છ   વાગે  મને  બૂમ   પડી ને  કેય   કે  લોચો  લી આવ.  મારે  લોચો  ખાવો  છે

મેં  કેયુ કે  હવારે  છ  વાગતા   માં  કયો   બાપો  દુકાન  ખોલી  ને  બેઠેલો છે ? થોડું  ખમી જાવ ,    પછી  લી  આવા.

આઠ   વાગે  મારી  બૈરી  કેય  કે  ડોહા   નો  લોચો  લી  આવને?  હું  લોચો  લી  આયવો   ને ડોહા  ની  આરામખુરશી   પાહે  મૂકી  ને  કેયુ   કે  લેવ   બાપા   લોચો  લાયવો,  માર    તાલી 

 પછી  દસ  વાગે  ગયો   તો લોચો   તા  જ   પડેલો, મેં   કેયુ  કે  બાપા  લોચો  ખાધો  ની ? તો કંઈ   બોલે  જ  ની , હલાયવા   તો હો ની  બોયલા,  માર    તાલી 

પછી   દાકતર   ને  બોલાયવા,  તો  દાકતર  કેય  કે  ડોહો    તો ઉકલી  ગયેલો  છે..  માર    તાલી 

 મેં  કેયુ   કે  બો  દુખ  થયું,   મને  કેય  કે  દુખ  ની  કરવાનું.,પેલા  કોણે  કહેલું છે  કે  આયવા  તે જવાના , પેલી   ચોપડી  માં  હો  લખેલું   છે,પછી  દુખ  ની  કરવાનું    માર    તાલી ,

 મેં  કીધું  કે  કૃષ્ણ  એ  કહેલું  ને  ગીતા   માં  લખેલું.   એ  બધું   કોણ  યાદ  રાખે , જો નાના મગજ   ને  બો  તકલીફ  ની  આપવાની     માર    તાલી  ,

પછી   કેય    કે  કાલે   હવારે  દસ   વાગે  ઉઠમણું   રાખેલું  છે ,  આવી  જજે ,  ઉઠામણાં  માં લોચો  રાખેલો   છે   , માર    તાલી 

જે   આવે  તે  લોચો  ખાઈ  ને  જાય ,ને  ડોહા  ના  ફોટા  ની  પાછળ   ના  રૂમ  માં  પાલી  વાળું  રાખેલું  છે , પી  પી  ને   ચાયલા   કરે , માર    તાલી    મેં   પુયછું   કે  ફોટા  ની  પાછળ  ના રૂમ  માં  કેમ  ?

રમેશ  કેય  કે  કોઈ  ને  એમ ની  થાય  ને  કે  ડોહા  ની  પાછળ   કઈ   ક્યરુ  ની ,   માર    તાલી , મસ્ત   આયડિયા   લાયવો,અને   રમેશ   મારા  ખભે  માથું  મૂકી  ને  નાના  પોયરા  ની  માફક  બો  રયડો,

                              ઓમ   માં   ઓમ 

 

હેમંત  ઉપાધ્યાય

 

(સુરત  માં  રીવાજ છે  કે  સ્મશાન  માં  અગ્નિ સંસ્કાર   પછી   ત્યાં જ  ચવાણું ને ખમણ   ખાવાના,

સુરત   માં  ફ્યુંનેરલ  ને હળવે  હૈયે   લેવાનો  રીવાજ છે ,)

“ફયુનરલ_હળવે હૈયે”-પદ્મા કાન્ત

૩૦ નોવેમ્બેર ૨૦૧૫

“ફયુનરલ_હળવે હૈયે”

“ફયુનરલ” અને તે પણ હળવે હૈયે? એ કેવી રીતે બને? એના માટે સારા વિચારોનું મંથન અને નવા વિચારોનું  જીવનમાં અપનાવવું એની તેયારી ને એના માટે મનને મનાવવું પડે છે, જો એ તેયારી તમે રાખી હશે તો કોઈ પણ ‘ફ્યુનરલ ’ હળવે હૈયે હકીકતમાં અનુભવશો.

હવે યુગ પરિવર્તન આવી રહ્યું છે.ને તે નવા વિચારોનું પરિવર્તન સમાજમાં જ્યાં ત્યાં દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. ગીતામાં તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આત્મા મરતો નથી,જુના વસ્ત્રનો ત્યાગ અને નવા વસ્ત્રનું પરિધાન, તો શોક શાને? જનાર વ્યક્તિને યાદ જરૂર કરો રડતા રડતા નહિ પણ સાથે સાથે વિતાવેલી આનંદની પળોને સ્મૃતીમાં રાખી. તમે રડશો, દુખી થશો તો એ આત્માને દુઃખ થશે.તમે દુખી થઈ એ આત્માને દુખી કરો છો

‘ફ્યુનરલ’ – હળવે હૈયે –  એ કેવી રીતે થાય તે મારા નિકટની વ્યક્તિ અને  મારા મિત્રોના જીવન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ.

 

જીવન સાથી નો મારો પોતાનો અનુભવ

જીવન કેમ વિતાવ્યું કે કેમ વીત્યું તેની લાંબી કથા કરતા અંતિમ વિદાયની વિતાવેલી અંતિમ ક્ષણો મારા જીવનસાથી સાથેની. એક દિવસ સવારે તો પેટ ખખડીને સાફ થઈ ગયું છે ને કફ પણ એક જાર ભરીને નીકળ્યો એટલે શ્વાસમાં જે ખરખર અવાજ આવતો હતો તે પણ બંધ થઇ ગયો એટલે લાગ્યું કે એમને થોડી શાંતિ લાગે છે એનો પણ મને ઉચાટ થવા લાગ્યો કદાચ છેલ્લા શ્વાસ તો નહિ હોય?

છેલ્લા શ્વાસ સદા ત્રણ ઘડીનો ,સાડાત્રણ દિવસનો હોઈ શકે એવું આટલા વર્ષોમાં થયેલા પરિવારના ને અન્ય મરણથી એટલું મને જ્ઞાન હતું.મારા દીકરાને વાત કરી. ડોક્ટરને ઘરે બોલાવ્યા. ડોકટરે રાત સુધીનો સમય છે એમ  કહ્યું.બીજા દીકરાને ઓહાયો જાણ કરી. તેને થયું કે તમે હોસ્પીટલમાં કેમ દાખલ  નથી કરતા?  અમારા મનમાં હતું કે ઘરમાં હોય તો પરિવાર જનો બધાય સાથે હોય. હોસ્પીટલમાં એક જણ દર્દી પાસે રહી શકે ને બીજા બધાનો સમય દોડાદોડીમાં જાય. ઘરમાં બધા પરિવાર જનોના સાથમાં, શ્રી કૃષ્ણમ્‍ શરણમ્‍ મમ” નો મંત્ર ગુંજી રહ્યો હોય ને એજ પવિત્ર વાતાવરણમાં સ્વજનની વિદાય થવી એનાથી વધુ કલ્યાણકારી બીજું શું હોઈ શકે? ઘડી પલ સહુના જીવનમાં આવવાની છે તો મૃત્યુને પણ સહર્ષ સ્વીકારી જીવનું પણ કલ્યાણ થાય શું એટલું આપણે ના કરી શકીએ? મેં નક્કી કર્યું હતું તેમની પાછળ  હું એક પણ આંસુ નહિ વહાવું.કારણ કે આપણું  જીવન અનેક જન્મોના કર્મોનો સાર છે. એમાં આપણે કઈ ફેરફાર નથી કરી શકતા,વળી એમ સાંભળ્યું પણ છે જેની અંતિમ ઘડી સુધરી તેનું જીવન સુધરી ગયુંને સાથેસાથે મૃત્યુ પણ.ગળાસુધી ડૂમો ભરાઈ આવતો ડૂમાને ગળે ઉતારવા હું  બધી શક્તિને ભેગી કરી સાથે સાથે પ્રાર્થના કરતી હતી તેમને મનમાં વિનવણી કરતી હતી બસ થોડી ક્ષણ થોભી જાવ ઓહાયોથી નીતિન નાનો દીકરો અને સ્મિતા આવી રહ્યા છે. મોટા દીકરા અતુલને  ખબર હતી કે રાતે દસ વાગ્યા સુધીનો સથવારો છે  પણ મને નોતું કીધું.પણ પણ સમય સુચકતા વાપરીને અતુલે  વેબકેમ સેટ કરી દીધું જેથી ભારતમાં  મારી દીકરી મેધા અને અન્ય પરિવાર જનોને સંતોષ થયો તેમની અંતિમ ઘડી બધા જોઈ શક્યા તેનો સંતોષ હતો.

એજ સંતોષનો પડઘો મૃતાત્માના ચહેરા પર વર્તાતો હતો. જીવતા હતા ત્યારે મંદવાડની છાયામુખ પર વર્તાતી હતી પણ અંતિમ વિદાય પછી દર્શન કરવા આવનાર બધાના મુખમાં એક શબ્દ સાંભળવા મળતો કે મુખ પર કેટલું તેજ છે?  ને ફ્યુનરલ? હળવે હૈયે.

મારી સખી ભાનુ

મારી સખી ભાનુની વાત કરુ તો અમેરિકામાં હતી ત્યારે અવાર નવાર અમારે વાત થતી હતી. ઇન્ડિયા ગયે માંડ મહિનો થયો હશે ને સમાચાર મળ્યા કે તેમને મગજનું કેન્સર 5×5 ઈંચનું હતું .ને ઓપરેશન કરવું પડશે. અમેરિકાથી તેમની ડોક્ટર પોત્રી અને દીકરો નૈમિષ અને પુત્રવધુ સાધના દાદીને જોવા ઇન્ડિયા પહોચી ગયા. ભાનુનો વર સુધાકર અને પરિવાર વિચારી રહ્યા હતા કે ઓપેરશન કરાવવું કે કેમ?

આટલું મગજ કાપી નાખો તો બાકી શું રહે? તેમના બધા રીપોર્ટ જોતા ભાનુ ત્રણ મહિનાની મહેમાન છે એતો સૌને ખબર હતી. ભાનુ કહે “શાની ચિંતા કરો છો?” તેણે ઓપેરેશન કરાવવાની મના કરી અને કહ્યું જેટલું આયુષ્ય છે તેટલું બધા સાથે રહીને આનંદ કરીએ. સૌ ડો.મનુભાઈ કોઠારીને મળ્યા. એમની સ્લાહ – “બેનને શાંતીથી જવા દ્યો.”  ને બસ તે દિવસે નક્કી કર્યું ને ઘર બંધ કરી તેમને હોસ્પીટલમાં એક બધી સગવડ વાળો રહેવાને જૂદો ફ્લેટ મળી ગયો.સાથે વિતાવેલા છેલ્લા દિવસોએ બધાના મન પહેલે થી હળવા કરી દીધા હતા. ઓપરેશન પણ ન કર્યું અને રોજની પંદર દવાને બદલે રોજને માત્ર બે-ત્રણ ગોળી લીધેલી.

૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭ ની તારીખે સૌને ખબર છે કે જવાની તારીખ ૮ ડિસેમ્બર૨૦૦૭ ની છે – આ જાણવા છતાં સૌ સાથે રહ્યા, કેસેટનાં ગીતો સાંભળ્યાં અને આખરે ભાનુએ પાંચ દિવસ વહેલી ૩ ડિસેમ્બરે ૨૦૦૭ ની તારીખે વિદાય લીધી.

સામાન્ય રીતે તો આપણામાં સ્ત્રીઓ સ્મશાને નથી જતી હોતી.પણ ભાનુની દસ બાર સખીઓ તો તેની વિદાયના સમાચાર સાંભળતા સ્મશાને પહોચી ગઈ. ભજન પછી હળવે હૈયે ફ્યુનરલ થઈ.

મારા ફોઈબાનો દીકરો જીતેન્દ્ર

હજી એક તાજો દાખલો. જીતુ એટલે મારો ફઈબાનો દીકરો.અમે સાથે ભણતા.જીવન સંગ્રામમાં લડતા લડતા ખુબ સારી પ્રગતી કરી.તેના પ્રમાણમાં મંજુ થોડું  ઓછુ ભણેલી ને વધુ ગણેલી. બીઝનેસ બહુમોટો તેથી જીતુને વારવાર દેશ વિદેશ જાવુંપડતું. જ્યાં જાય ત્યાં હંમેશા મંજૂને સાથે લઈને જ જાય. એમનો સહચાર અવનવો અને બેનમૂન.

ઓચિંતો એક દિવસ આવી ગયો. ન્યુમોનિયાની સાથે જીતુ વેન્ટીલેટર પર આવી ગયો ને અંતિમ દિવસ આવી ગયો. ખડે પગે મંજુ અને પરિવાર સાથે જ  હતાં. હકીકત સમજવા મંજૂનું મન માનતું નોતું. થોડા દિવસ પછી આ મિત્ર સુધાકર ત્યાં પહોચી ગયા.તેમની સાથે બધી જીતુની વાતોને યાદ કરીને મંજુ સાથે સહુ પરિવારને હળવા કરી દીધા

ડો. મનુભાઈની પોતાની પ્રાર્થન સભા

હજી એક છેલ્લી વાત  ડો. મનુભાઈ કોઠારીની પોતાની છે. ઘરમાં પત્ની સાથે ચાર ડોક્ટર. એક દિવસ સવારે ત્રણ વાગે ઊઠીને કહે “મને બરાબર લાગતું નથી.”  ઘરના કોઈ માને ? મનુભાઈ કહે “અંત આવી ગયો છે.”  પણ પરિવારે ડોક્ટરોને ફોન કરી દીધા. એ કોઈ આઅવે તે પહેલાં મનુભાઈએ વિદાય લીધી.

એમની પ્રાર્થના સભામાં ગીત, સંગીત અને નૃત્ય, હાસ્ય અને રમૂજનો  જલસો હતો.સરવાળે, મેં અનુભવ્યું છે,  જોયું છે અને જાણ્યું છે – મૃત્યુ પણ જોઈ , જાણી, અનુભવી શાંતીથી સ્વીકારી શકાય છે. અને વ્હાલાં સ્વજનને વિદાય આપી શકાય છે. હળવે હૈયે.

પદ્મા કાન્ત

ફયુનરલ હળવા હૈયે-16 જયવંતી પટેલ

આજે આખું ગગન વાદળથી છવાય ગયું છે.  ક્યાંયે સૂર્યદેવના દર્શન નથી થતા.  છત ઉપર મેઘના ઝીણા ઝીણા છાંટા કંઈક જુદોજ તાલ આપતા હતા.  જાણે અષાઢી સંગીત – કે માંના ગરબાનો તાલ – ટપ ટપ , ટપ ટપ.  આવા દિવસે તૈયાર થઇ કામપર જવું એ એક સાહસનું કામ હતું.

 
આજે મને શરીરમાં થોડી બેચેની સવારથી સતાવતી હતી.  છતાં તૈયાર થઇ દુકાને ગયો.  હજુ તો બે કલાક પણ નહીં થયાં હોય – હું નાની સીડી ચઢી સાઇકલનો કંઈક સામાન પાડતો હતો અને ઢબ દઈ મારું શરીર નીચે પછડાયું – શું થયું ? શું થયું ?  હસુભાઈ પડી ગયા.  જુવો બોલતાં નથી.  પાણી છાંટો, હજુ પણ નથી બોલતા, ચાલો ડોક્ટરને બોલાવો.

ડોક્ટર આવ્યા  તપાસીને કહયું – જબરજસ્ત હ્દયનો હુમલો થયો છે.  બચે એમ નથી લાગતું – તો પણ આ દવા આપું છું ઇન્જેક્શન આપ્યું ને બાટલો ચાલુ કરવા કહયું.  વરસાદ ચાલુ જ હતો પણ સારું થયું મને ઘરે જ લઇ આવ્યા.

મને ઊચકીને ઘરમાં લાવ્યા ત્યારે તું તો સાવ ડઘાઈ ગઈ હતી.  શું કરવું એ પણ સુઝતું ન હતું.  બધાએ થઇ મને પલંગ પર સુવાડ્યો.  છાતીમાં અને મગજમાં કંઈક જુદી રીતનું દુઃખ થતું હતું.  ખમાતું ન હતું.  સાથે આવેલા દુકાનનાં ભાગીદારે કહયું, ”  બહેન, જે સેવા થાય તે કરો અને બાકીનું ઉપરવાળા પર છોડી દયો”  તું મારી નજીક આવી, મને જોઈ કંઈક બબડી.  તારી મને દયા આવી  તું કાયમ મને સાચી સલાહ આપતી પણ હું જ સાંભળતો ન્હોતો.  છેલ્લે છેલ્લે તો હું જમવા બેસું ત્યારે તું અચૂક કહેતી કે થોડું ઓછું જમો – થોડું વજન ઓછું કરવાની જરૂર છે.  અને આ ઉપરથી મીઠુ ન લ્યો તો સારું – પણ હું જ તારું કહેવું ન્હોતો સાંભળતો, જીદ્દી હતોને !  અને તારી રસોઈ પણ મને ખૂબ ગમતી – થોડાં પગથિયા ચડતો ત્યાં તો હાંફ ચઢી જતો.  પગમાં થોડા થોડા સોજા પણ રહેતા આ બધુ જોઈ તને વ્યાધી થતી – પણ તું રડ નહીં મને તારો ઉદાસ ચહેરો નથી ગમતો:  પણ આ શું ! ત્રણેય દીકરીઓને કેમ નિશાળેથી બોલાવી લીધી ?  એમનું ભણવાનું બગડશે, પણ વાંધો નહી મને પણ એમની હાજરી ગમી ; જો મને કેવી વિટળાય ને બેઠી છે.

તારા આંસુ તો અટકતા જ નથી.  મને પણ ડર લાગે છે કે હું નહિ હોવ તો તારું શું થશે ?  તારી ઉપર કેટલી જવાબદારી આવી પડશે.  આમે તું ક્યાં મને મદદ નથી કરતી!  ભાગીદારીમાં દુકાન એટલે ભાગીદારો સાથે કેમ કામ લેવું એ તો તું જ મને શીખવતી અને તે પણ ઈમાનદારીથી – ક્યાંય કાવાદાવા નહી.  તારી જુગલબંધી તો કેમ વિસરાય.  પણ હવે તારે માથે બધો બોજો આવી પડશે , કમાવાનો , દીકરીઓની દેખભાળ રાખવાનો , તેમને જીવનમાં સફળ બનાવવાનો.  એકલે હાથે કેમ કરીશ?  આ જોને – મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે હૃદય નબળું પડતું જાય છે.  આંખે અંધારા આવે છે.

તેં હમણાં મારી પાસે બેસી ગીતાનો પાઠ કર્યો અને શાંતિ પ્રાર્થના કરી.  મને ગમ્યું પણ હવે મને ખૂબ થાક લાગ્યો છે  મને સુઈ જવા દે.  આ કોણ આવ્યું ?  બાજુવાળા ખુશાલભાઈ આવ્યા લાગે છે.  મને પલંગ પરથી નીચે સુવાડવાની વાત કરે છે અને હવે નીચે ઉતાર્યો  – ગંગાજળ મારાં મોમાં મુક્યું પણ તે પણ ક્યાં ગળે ઉતર્યું, મોઢામાંથી બહાર વહી ગયું.  મારી આંખો બિડાઈ ગઈ છે  તારી ક્ષમા માંગુ છું તારો અધવચ્ચે સાથ છોડી દીધો.  મને માફ કરીશને ?  પણ મને ખાતરી છે કે તું પહોંચી વળીશ.  તું હિંમતવાળી છે અને કુનેહશીલ છે.  ચાલ હવે રજા આપ.  મારો હાથ ઠંડો લાગ્યો ?  તે તો હોય જ ને !  હવે હું એ શરીરમાં નથી રહયો, તારો સાથ છુટી ગયો.

મને સ્મશાને લઇ જતાં, દીકરીઓ અને તું ખૂબ રડ્યા પણ મને સારી રીતે વળાવ્યો મારી પાછળ પ્રાથના પણ ખૂબ કરી.  હું તારો સાથ શોધતો રહીશ પણ હમણાં તો જવું જ પડશે.  ફૂનરલ હોમનો રસ્તો લાંબો છે અને પાછો ટ્રાફિકનો પણ વિચાર કરવાનોને ?  અને જોજે, ફૂનરલ હોમમાં પણ બહુ લાંબી પ્રાર્થના ન કરતી.  કારણકે તને યાદ છે આપણે એક વખત આપણા સગાના ફૂનરલમાં ગયા હતા અને પ્રાર્થના એટલી લાંબી ચાલી હતી કે બધા થાકી ગયા હતા.  અડધા તો ઊંઘી ગયા હતા.  તેમાં તારી એક સખીએ  ધીમે રહી તમોને સંભળાય એમ કહયું હતું, ” અલી બહેનો, હું મરી જાંવ ત્યારે મારી પાછળ આટલી લાંબી પ્રાર્થના નહીં કરતા મારો તો જીવ પેટીમાં ગુંગળાય જશે.  ખાલી બે કે ત્રણ ભજન અને નાની પ્રાર્થના.  આ તમોને આગળથી કહી દઉં છું” – બધાને એટલું હસું આવ્યું હતું પણ બધા દબાવીને શાંત રહયા હતા પણ બધાની ઊંઘ જરૂર ઊડી ગઈ હતી !!!

જયવંતી પટેલ

 

ફ્યુનરલ હળવે હૈયે- 15-કુંતા શાહ

સહુના સંજોગોને ધ્યાનમાં રાખી ઘરડા ઘરમાં રહેવા જવાનું વિચાર્યુ.  બીજું બધુ તો ઠીક, પણ કોઇ ઓળખિતા તો ત્યાં છે ને એવા પ્રશ્નો સગાઓએ પૂછવા માંડ્યા.  સમઝણી થઇ ત્યારથી જાણું છું કે એકલા આવ્યા અને એકલા જવાના.  આ જીવનની આ યાત્રામાં કેટલાય યાત્રિઓને મળી, કોઇ મા, કોઇ પિતા, કોઇ દાદાજી, કોઇ ભાઇ, કોઇ બહેન, અન્ય સગા, શિક્ષકો, મિત્ર, સાથીઓ, પતિ, પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રી અને સાત પગલા સાથે ચાલનાર સહુની માયામાં વણાઇ પણ સત્ય તો એ જ છે કે એકલા રહેવાની આદત સહુ માટે સારી છે.  મૌન અને એકાગ્રતા વિકસાવે એવું ધ્યાન સહજતાથી સામે આવે એનાથી વધુ શાનો લોભ કરવો?  અને જેમ અત્યાર સુધી મિત્રો, સહચરો, સહાયકો મળી જ ગયા છે તેમ ત્યાં પણ મળશે જ ને?

 

ત્યાં રહેવા જતાં પહેલા, વસિયત નામું કરવાનું, ઘર અને શોખની મોટાભાગની વધારાની વસ્તુનો સદુપયોગ થાય તેની વ્યવસ્થા કરવાની.  મુખ્ય મારા મૃત દેહનુ શું કરવું તેનો નિર્ણય લેવાનો.  દર વર્ષે મારા મુખ્ય ડોક્ટર ફોર્મ તો ભરાવે જ છે અને હંમેશ લખુ છું કે મારા જીવનને કૃત્રિમ રીતે જીવાડશો નહીં અને નવું ડ્રાઇવર લાઇસન્સ લઉં ત્યારે જણાવું છું કે મારા શરીરના જે કોઇ અવયવો કામ લાગે તે ધર્માદા કરી દેજો.  તો કઇ વિધિથી મારા દેહના ટૂકડાનું શું કરવું એનું મહત્વ કેટલુ?  બાળકોને પણ સુચના આપી દેવાની કે મારા મૃત દેહના ટૂકડાને જોવા આવવાની કોઇ જરુર નથી. જેમ પત્નિના અવસાનની ખબર મળવા છતાં વકિલ સરદાર વલ્લ્ભભાઇ પટેલે એક સાક્ષિની ઉલટ તપાસ ચાલુ રાખી હતી અને કેસ જીતી ગયા હતા, તેમ તમારા પર આશ્રિત વ્યક્તિઓના કલ્યાણ હેતુ તમારી ફરજને પહેલા પ્રાધાન્ય આપજો.

ફ્યુનરલ એટલે પરિચિત વ્યક્તિના દેહને અંતિમ વિદાયગીરી. અગ્નિસ્નાન, દફન કે કુદરતને અર્પણ કરવાની વિધિ.  આ ઘડીઓ સુહ્રદયી માટે લાગણીઓની સુનામી જેવી હોય છે.  શું કહેવાનું રહી ગયું?  શું પુછવાનું રહી ગયું? શાની માફી માંગવાની રહી ગઇ? સંગાથે કરવાનાં કોડ અપુરા રહ્યા!  એકલતાનું જીવન કેમ વિતશે એની ચિંતા.  રુદન અને આક્રંદની વચ્ચે ઝોલા ખાતું મન કેમ કરીને સમતોલ રાખીને ખરી વિદાય આપે?  એ વિદાયને અનુચિત તૈયારી કરવા સગા, સ્નેહી અને પડોશી આવી જ રહે છે.  એ મૃત દેહ જ્યારે જીવિત હતો ત્યારે વખ્તને અભાવે એની ખબર પૂછવાનો સમય જેઓ કાઢી શકતા નહોતા તેઓ પણ એને શ્રધ્ધાંજલી આપવા આવી રહે છે.

હા, હા.  એતો મારે ભુલવું જ નથી.  ચાલો સહુને એમને લગતી વાતો, પ્રસંગો અને લાગણીનાં બંધનોને પહેલેથી જ નવાજવા માટે યાદી બનાવી ઇમૈલ મોકલી દઉં.  અરે, આવતી ક્ષણ કોણે જાણી છે? બસ, યાદી તૈયાર થયે એક પછી એક ઇમૈલ લખતી ગઇ અને લખતા, લખતા ફરીથી એ સાથીની સાથે વિતાવેલ ભાવભર્યા ક્ષણોની હૂંફ માણી રહી.  સાથે, સહુને ભલામણ કરી કે જ્યારે મારા અવસાનના સમાચાર મળે ત્યારે ફરી આ ઇમૈલ વાંચજો.   હું તમારી પાસે જ છું એવો અનુભવ તમને જરૂર થશે એથી વિરહના અશ્રુ વહાવશો નહીં.  (મહાદેવ જેવા મહાદેવ સતીના મ્રુત્યુ ખબર મળતા સમતુલના ખોઇ બેઠા હતા તો આપણા જેવા સંસારીને આવી વિનંતી કરવાનો કોઇ અર્થ?)

સાંભળ્યુ છે ને ગુલઝારનું લખેલું, કિનારાનું ગીત —

“નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા, મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે.

વખ્તકે સીતમ, કમ હસીં નહીં, આજ હૈ યહાં, કલ કહીં નહીઃ,

વખ્તસે પરે અગર, મીલ ગયે કહીં

 

જો ગુઝર ગઇ, કલકી બાત થી, ઉમ્ર તો નહીં, એક રાત થી,

રાતકા સીલા અગર ફીર મીલે કહીં


દિન ઢલે જહાં, રાત પાસ હો, ઝિંદગીકી લૌ, ઊંચી કર ચલો

યાદ આયે ગર કભી, જી ઉદાસ હો”

 

— જે હું હંમેશા ગુનગુનાતી રહું છું? બસ, મારો અવાજ કે મારા અવાજમાંથી પ્રગટ થતી તમારા પ્રત્યેની લાગણી તમે જો યાદ રાખશો તો જ્યારે આપણે પાછા મળશુ ત્યારે આપણી ઓળખાણ આપોઆપ થઇ જશે. તમારી સુંવાળી યાદ મેં મારા આત્માને ચોંટાડી જ દીધી છે.

 

હિંદુ, બુદ્ધ ધર્મને પાળનારા અને અમેરિકન નેટીવ ઇંડિઅન લોકો પુનર્જન્મમાં માને છે તેથી તેમની ભવનામાં ફેર હોય છે પણ પ્રત્યેક કોમ આ સમયે પોતાના ભગવાનને પ્રાર્થના કરે છે મૃતાત્માની સદ્ગતિ માટે અને પાછળ રહી ગયેલાઓને ખોટ સહેવાની શક્તિ માટે. મને ખાત્રી છે કે તમારી પ્રાર્થના પ્રભુ સાંભળશે.

અમેરિકાના એક લેખક, એલન કોહનના, થોડા વાક્યો યાદ આવે છે. જેનો અનુવાદ અહીં કરું છું “જેઓ તમને પ્રેમ કરે છે તેઓ તમારી ભૂલો કે તમારા ખરાબ વિચારોથી છેતરાતા નથી.  તે તમારા વ્યક્તિત્વની સુંદરતાને યાદ કરે છે જ્યારે તમને પોતે કદ્રુપા હોવાની ભ્રાંતિ થાય છે અને તમે સંપુર્ણ છો એવું માને છે જ્યારે તમે ભાંગી પડ્યા હો છો;તમે નિર્દષ છો એવું જ માને છે જ્યારે તમે કોઇ ગુન્હો કર્યો હોય એવું માનતા હો છો; અને તમારા ધ્યેયને સાંભરે છે જ્યારે તમે મુંઝવણમાં અટવાતા હો છો.”

તેમ જ, હું માનું છું કે આપણા સંબંધો એવા જ છે.  આપણે એકબીજાના સ્તંભ બનીને વિકસ્યા છીએ, છતાં, પ્રથમ, તમારું મન કદી દુઃખવ્યું હોય તો ક્ષમા કરજો. મારા ગત જીવના સદ્ગુણોને યાદ કરજો, હું તમારે માટે શું હતી તેની યાદ કરજો.  મારા જીવનને શાની લગન હતી, મારા શું શોખ હતા,  મને શાનો ગમો, અણગમો હતો તે યાદ કરી મારા નિરાળા અસ્તિત્વને યાદ કરજો.  સૌથી વિશેષ, મારા જીવનના એવા પ્રંસંગોને યાદ કરજો જ્યારે મારા કાર્ય કે વર્તનને લીધે આજુબાજુનાં સર્વે ખડખડાટ હસી પડ્યા હતા અને એવા પ્રસંગો જેમાં મેં તમને આંનદ અને પ્રેમ આપ્યા હતા.

બીજી એક મને ગમતી, જીવન અને મરણને લગતી બુધ્ધિસ્ટ અંગ્રેજી કવિતા યાદ આવે છે જેનો અનુવાદ કરવાનો મારો વિનમ્ર પ્રયત્ન છેઃ

જીંદગી એક મુસાફરી છે અને મૃત્યુ પ્રુથ્વી પર પાછા લાવે છે,

ભ્રંમાંડ જાણે એક વિસામાની જગ્યા છે અને વિતતા વર્ષો ધૂળની રજકણો સમાન છે.

સમઝી લો કે આ સંસાર માનસિક આભાસ છે જેમ મળસ્કે દેખાતો તારો,

ઝરણામાં એક પરપોટૉ, ગ્રિષ્મ્ના વાદળમાં વીજળીના ઝબકારા,

દીવાના કાંપતા ઝબકારા, આભાસ , સ્વપ્ન!

છેલ્લા પચાસ વર્ષમાં ટેક્નોલોજીને લીધે આપણે આપણું જ્ઞાન વધારવાની  ઘણી તક મળી. ખાસ તો વિમાનોના ઉડ્ડ્યન સાથે આપણી સંસ્કૃતિ પણ ઉડી.  ઘણા રીતરિવાજોને આપણે સ્વજનની જેમ સંભાળીને જકડી રાખ્યા.  આજના આંતરજાતિય લગ્ન થવાથી એકબીજાનાં રીતરિવાજોને સન્માન આપી સમઝુતિ સ્વિકારતા થયા.  એમના બાળકોને પોતાનો ધર્મ અને રીતરિવાજોને ચૂંટ્વાનો લાભ મળ્યો.  આવા પરિવર્તન લાવનારા માટે જીવવું સરળ નહોતુ.  હવે ધીમે ધીમે જાણે આપણે વધુ સહનશીલ અને વિસ્તરિત મનનાં થયાં છીએ.  આજના મોટા ભાગના યુવાનો ખરેખર સમઝીએ તો એક રીતે પરમ જ્ઞાની છે.  તેઓને કોઇની માયા નથી  બીજા શું વિચારશે તેનો વિચાર કરવાનો તેમને વખત કાઢવો ગમતો નથી.  પોતાના અને પોતાના બાળકોના વિકાસ માટે તન મન અને બુધ્ધીને કેંદ્રિત કરી જીવે છે. અપવાદો પણ અગણ્ય છે.

જો આપણા સ્વજનો આપણા મૃત દેહને શાસ્ત્રોક્ત અંજલી ના આપી શકે તો સમાજ એમની અપમાનજનક અવગણના કરશે તે સહી લેશું? કદાપી નહીં.  બીજા જનમનું ભાથુ બાંધી જ રાખ્યુ છે!

કુંતા શાહ

ફ્યુનરલ હળવે હૈયે-(14)-રેખા શુક્લ

ભારે હૈયે…કૂમણી યાદો
રૂડા અવસરિયા આવ્યા ને લગભગ ઘણું બધું યાદ છે…મારે હાથે બધાને પૈસા દેવા છે..દિવાળી ની ખુશી છેલ્લે છેલ્લે માણી લંઉ !! અને હા, તમે બધા પાસે છો ખુશ છો આથી વિશેષ હવે મારે જોઈએ પણ શું ? વહુને કહ્યું હતું તે બધી ગુજરાતી ચોપડીઓ..ના વાર્તા સંગ્રહો પણ પૂરા કર્યા, જતા પેહલાં વાંચી નાંખ્યા…તને પણ યાદ છે ને બાપુજી ને કેટલો બધો વાંચન નો શોખ હતો !! ભલે ને આંખમાંથી પાણી હાલ્યાં જાય..ટકોર પણ સાંભળી લીધી બા, તમે તો પરીક્ષા આવી હોય તેમ વાંચો છો ને આંખો લૂંછતા જાવ છો…હા બેટા ટાઇમ ઘણો ઓછો છે ને તેડું ક્યારે આવે તેની ક્યાં ખબર છે …!! ઓક્ટોબર માં ખબર પડી કે સંધ ઉપડ્યો છે વ્રજ જાવા તો એમની ખૂબ ઇરછા હતી..જાણે ભગવાને સાંભળ્યું ને બસ ની ટુર માં અમને જગા મળી ગઈ.શું કહું શું આવી મજા…હા, પણ હું તો દવાખાને…એડમીટ થયેલી ને દરેક જણા વારા ફરતી મળી જાતા..દિકરી પણ લંડનથી આવી ગઈ છે !! હવે મને જાવ દ્યો…શું બા તમારે તો હજુ બધાના લગ્ન માણવાના છે…બસ હવે બહુ થયું ..આ ડોકટર જોને હાડપીંજરમાં પણ સોયું મારે જ રાખે છે…મારાથી સહન થાતુ નથી….આ નાનક્ડાં ભલે હોય ડોકટર પણ મને અંદર તપાસે તે નથી ગમતું…ઓ બા..પણ સોરી તપાસે નહીં તો શું ખબર પડે !! બળ્યું આ ભૂંડાળા શો જોઈ જોઈ ને પણ થાકી…મોંમા અમીરસ નથી તો કંઈ ભાવતું પણ નથી. પણ તું આ ફોટા કેમ લઈ આવી ? કહો તો બા આ કોણ છે? ઇ કૄષ્ણ ..પણ એની સાથે કોણ છે ?? ભૂલી ગયા..?? બા એ તો યશોદા મા છે..હા, હા સાચું ..હવે શું કામ આ ફોટો લાવી…કેહતા જલેબી જેવડુ મલક્યા…બાપુજી..નો પિક જોઈને. ટી.આઈ.ઍ ના લીધે જીભ બંધ..આંખો બંધ ને પરાણે ઘેનમાં સૂપ ગળે. અમારી ચિંતા ના કરશો..હું ઓકે છું ..રાધાજી ના ગળે પેહરાવેલી પૂષ્પમાળાને પ્રસાદ માં પેંડો ચાખ્યો..બસ બધાને માંડ માંડ પૈસા આપ્યા ને નજર સામે હોસ્પિટલમાં દેવલોક પામ્યા તેમ કેહવાયું ..ચારેકોર ઉજવાસ..ને સુખડની સુગંધ…અરે પણ શું હું સાચે જ મરી ગઈ..!! રૂડા પર્વે…કંકુપગલાં લઈ ચાલી હું તો ….વહુ-દીકરા-દીકરી ને પોતાપોતી બધા હિબકા લે છે …પણ તમે લોકો રડો નહીં…હું અહીંજ તમારામાં પણ ખરીશ. નવેમ્બર ની ૧૩ ના રોજ બા ચાલ્યા ગયા…૨૦૦૩ માં પણ આજે બધુ જ યાદ છે જાણે કાલે જ ના બન્યું હોય..!!
—રેખા શુક્લ ૨૦૧૫

ફ્યુનરલ હળવે હૈયે-(13)પ્રજ્ઞા દાદભાવાળા

આજ નો દિવસ રોજ કરતા જુદો જ ઉગ્યો અજવાળું થાય પહેલા હું નિયમિત ઊઠતી પણ આજે કોણ જાણે કેમ આંખો ખોલી ને સામે અજવાળું!આજે થોડી થોડી ઊંઘે જાણે મને લાંબી ઊંઘાડી રાખી,ખેર સવિતા આવી કે નહિ?પણ આ કોણ મારી પાસે ? આ મારી મોટી વહુ કોકિલા,અને દીકરો અહીં ક્યાંથી ? અરે અહીં તો બધાજ છે જરૂર કૈક કામ લાગે છે, નહી તો આમ મારા આ ભેકાર ઘરમાં આટલા માણસો શેના આવે ? કે પછી પુત્રો,પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે હર્યા-ભર્યા ઘરમાં જીવનની સંધ્યા માણવાના ઓરતા શું ભગવાને આજે માંગ્યા વગર જ પુરા કર્યા, નક્કી વેકેશન પડ્યું લાગે છે ,મને પણ જોવોને મહિના દિવસો ક્યાં યાદ રહે છે ?હા છેલ્લા કેટલાય વર્ષથી હું આ ઘરમાં મારી જ સાથે રહું છું.પ્રભુ તમારો આભાર માનું તેટલો ઓછો છે. આજે મારું ઘર ફરી ચહેકી  ઉઠ્યું,બાળકોના કિલ્લોલથી ઘર હવે ગુંજશે, હાશ આ સન્નાટો સૂમસામ ઘરની એ અભાગણી શાંતિ મને હવે નહિ  હીજરાવે, જર્જરિત ભીંતોના પોપડા હવે નહિ ખરે,બસ મારા માળામાં તો આનંદ જ ખરશે. આ કલશોર ,ભર્યું-ભાદર્યું ઘર રંગરોગાન વગર જ કેવું શોભે છે. ભગવાન હવે હું  જીવતરથી ગભરાતી નથી અને હવે મને મારા મોતથી તમે મને નહિ બીવડાવી શકો.આ જોઓ મારો નાનકો કેવો અમેરિકન બાળ ગોપાળ જાણે,આવ મારા ખોળામાં બેસતો,તને ખબર છે તારા બાપા ને પાંખો આપીને ઊડતાં મેં શીખવાડ્યું  અને તને પણ શીખવીશ હો! પણ જોજે તારા પપ્પા ની જેમ વિમાનમાં ફરર ઉડી ન જતો,હાલ તને આજ ઘીમાં જબોડી ને પુરણપોળી જમાડું ,અલ્યા હસ તો ખરા,આજના છોકરાવ ને કૈક નથી આવડતું, લે લે આજે તો મોટાનો  મોટો એ આવ્યો છે ને? અને આ શું મારો ભાઈ આજે ક્યાંથી ભૂલો પડ્યો આજે તો રક્ષાબંધન નથી ને.જે હોય તે ચોલો સહુ  ભેગા થયા તે સારું કર્યું,ત્રણે ત્રેણ વહુ પણ હાજર છે અને લે બેબી તું ક્યારે આવી ? કેટલા વખત થી કહું છું ગામમાં છો તો બા સાથે રહેવા આવ પણ તારા વહુ દીકરા માંથી નવરી થાય તો આવે ને, તને એમ ન થાય કે બીચાળા બા એકલાં જીવે છે.એકલતા કેટલી વસમી હોય છે એ તને નહિ સમજાય ચાલ જવા દે આટલા વર્ષે  આવી છું તો બધાય ભાઈઓ સાથે મજા કરી લે,અરે આ હીંચકે  કોણ બેઠું છે અઓહો જમાઈ પણ આવ્યા છે ને લ્યો સારું કર્યું, નહીતો તમારી ખોટ વર્તાતે અને આ કોણ તમારા ખોળામાં છે? તમારા દીકરાનો દીકરો  ચાલો સારું કર્યું સહુ કોઈ સાથે આવ્યા તો ઘર ગુંજી ઉઠશે, હું તમને નહોતી કહેતી કે છોકરાવ બચાળા કામમાં હશે એમ કઈ કોઈ આપણને થોડા ભૂલી જાય, જોવો આવ્યા તો કેવા એક સામટા આવ્યા,ચાલો જટ કામે વળગું, નાનકા માટે લડવા અને મોટા માટે મેથીના ગોટા બનાવવાના છે. અને બેબી માટે ગુલાબ જાંબુ,જમાઈનું શાક થોડું મોળું બનવવાનું છે,લે આજે જ આ કામવાળી તો જો કેવી રિસાઈને બેઠી છે.આમ રોતલ મોઠે ન બેસાય, હાલ હવે ઉભી થા,તને હું નહોતી કહેતી કે બધા આવશે અને ઘર ભરાઈ જશે. જો આજે બધા એક સાથે આવ્યા તારું કામ વધી ગયું ને ? અને હા ચાલ ઝટ હાથ પગ હલાવ અને આમ રોતલા મોઢે નહિ બધાને હસીને આવકાર,મને ખબર છે કામ વધ્યું છે પણ બધા સાથે આનંદ કરશું અને જો મારા પગના સોજા પણ ઉતરી ગયા છે હું જો લાકડી વગર ચાલુ છું.ચાલ હું તને મદદ કરાવીશ.ચાલ ઉભી થા ઝટ કર, લે આજે તો ચુલો પણ પેટાવ્યો નથી? સવિતાબાઈ સાચું કહ્યું મારી આજે ભૂખ ઉઘડી ગઈ છે.હું ચા આજે બનાવું છું આજે નાસ્તામાં ખાખરા નથી ખાવા જા ઝટ જલેબી ગાઠીયા લઇ આવ અને મરચાં પપીયાનો વઘારો ભૂલતી નહિ જમાઈને જોશે અને જતા પહેલા મારો નવો સાડલો કાઢ પેલો નાનકો અમેરિકાથી લાવ્યો હતો ને હકોબાવાળો હું પહેરીશ તો રાજી થશે પેલે દિવસે ફોન પર પુછતો હતો ને બા તમેને મેં મોકલાવેલો  સાડલો ગમ્યો કે નહિ? હું ઝટ તૈયાર થઇ જાવ,  આ ફાટેલો સાડલો જોશે તો રોષે ભરાશે.અરે આ શું કર્યું ગાંડી,નવા સાડલા સાથે આ મારો ફોટો ,દીવો,અગરબતી અને આ સુખડનો હાર,આજે કેમ કાઢ્યો ? હું મરી નથી ગઈ, મારે હજી જીવવું છે….

પ્રજ્ઞા દાદભાવાળા

   

ફ્યુનરલ હળવે હૈયે-(12) કલ્પના રઘુ

ધીમા ડગલે, ગંભીર વદને, ભારે હૈયે હું મારા પતિ સાથે ફ્યુનરલ હોમના કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરીને વિધિમાં જઇ રહી હતી. ફ્યુનરલ અને હળવે હૈયે! કેટલો વિરોધાભાસ? આતો રણમાં ખીલ્યા ગુલાબ જેવી વાત થઇ! રસ્તામાં મૃત્યુ વિષેના અનેક વિચારોએ મારા મન ઉપર કાબૂ જમાવ્યો હતો. जातस्य हि ध्रुवों मृत्युः। જે જન્મ્યો છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે … એક નવા પંથે પ્રયાણ કરે છે. અને લાગતી વળગતી દરેક વ્યક્તિ તેની રૂટીન જીન્દગીમાં ગોઠવાઇ જાય છે. તેમાં ય લીલી વાડી જોયા પછીનુ સૌરીનભાઇના પિતા કાંતિકાકાનું, ૮૦ વર્ષની ઉમેરે મૃત્યુ એક સુખદ ઘટનાજ કહી શકાય!

સૌરીનભાઇ હિન્દુ મંદિરનાં ટ્રસ્ટી છે. એમને કોણ ના ઓળખે? મારે અમેરીકામાં આવે ૪ વર્ષ થયાં. તેમની સાથે મંદિરમાં, એક લેખીકા હોવાને નાતે સારા એવા પરિચયમાં આવી છું. જે વ્યક્તિના ત્યાગ, બલિદાન અને તન-મન-ધનની સેવાથી મંદિરની પ્રવૃત્તિઓ ધમધમતી હોય એવી વ્યક્તિનાં જન્મદાતા માટે માન હોય અને તેમના મૃત્યુનું દુઃખ પણ હોય, સ્વાભાવિક છે. આ લાગણી સાથે અને મારા થોડા લાગણીશીલ સ્વભાવને કારણે ભારે હૈયે! કદાચ મારે બોલવું પડે તો શાંત્વન માટેનાં વાક્યો મગજમાં ગોઠવતી હું જઇ રહી હતી.

આમેય અમે સમય કરતાં અડધો કલાક વહેલા હતાં. બહાર કંમ્પાઉન્ડમાં સફેદ કાળા કપડામાં, પુરુષો અને સ્ત્રીઓ, નાના નાના ગ્રુપમાં વાતો કરી રહ્યાં હતાં. અહીંનું સ્મશાનગૃહ ભારતનાં સ્મશાનગૃહોની સરખામણીમાં રળીયામણુ જરૂર લાગે. અહીં દરેક રીત-રસમમાં એટીકેટ જોવા મળે એટલે થોડુ આર્ટીફીશીયલ અને ફોર્મલ પણ! આજે શનિવાર હતો. વિકેન્ડ પર વિધિ અનુકૂળ પડે.

ત્યાંજ મને મંદિરનાં સક્રિય કાર્યકર મધુમાસીએ બૂમ પાડીને બોલાવી. તેઓ સૌરીનભાઇના ફેમીલી મેમ્બર જેવા હતાં. તેમણે વાત કરી, સૌરીનભાઇનાં મમ્મી જયાબેનની જે ૧૦ વર્ષ પહેલા મુંબઇમાં ગુજરી ગયા હતાં. કાંતિભાઇને ૧૨ વર્ષ પહેલાં લક્વાની અસર થઇ હતી. આ વાતથી પરેશાન જયાબેનને એમજ કે હું કાંતિભાઇ પછી જઇશ તો મારું શું થશે? તેથી તેમણે તેમના વીલમાં પોતાનાં દેહદાનની વાત કાંતિભાઇ પાસે લખાવી લીધી હતી. ભર્યું ભાદર્યું કુટુંબ, પરંતુ બન્ને એકલાં મુંબઇમાં રહેતાં. ખૂબજ વ્યસ્ત જીવનચર્યામાં બન્ને ગોઠવાઇ ગયેલાં. આખો પરીવાર અમેરીકામાં અલગ અલગ જગ્યાએ સ્થાયી થયેલો હતો. તેઓને અહીં આવવુ ન હતું અને બાળકો અહીંનુ છોડીને ત્યાં જઇ શકે તેમ ન હતાં. કાંતિભાઇએ તેમની કારકીર્દીના સમયગાળા દરમ્યાન અનેક ધંધા કર્યા હતા. બીઝનેસ માઇન્ડને કારણે દરેક ધંધામાં તેમને ફાવટ હતી. ‘હાથ નાંખે ત્યાં સોનુ’ તેમના નસીબમાં હતું. બાળકોને પણ જરૂર પડે કામ ધંધામાં અવારનવાર અમેરીકા આવીને મદદ કરતાં રહેતાં. બાળકોને તેમનાથી ખૂબજ સંતોષ હતો. સૌરીનભાઇ સૌથી નાના, અને તેમને એક ભાઇ અને બે બહેનો છે, જે સપરિવાર છેલ્લા અઠવાડીયાથી અહીં બધા સાથેજ છે.

કાંતિભાઇને લક્વો થયો ત્યારે થોડો થોડો સમય વારાફરતી, બાળકો મુંબઈ જઇને કાકાની ચાકરી કરતા. જયાબેને કાંતિભાઇની ચાકરી કરવામાં જાત ઘસી નાંખી. પરીણામે કાંતિભાઇ લકવાની અસરમાંથી બહાર આવી ગયા. અને જ્યાબેન ધીરે ધીરે ગળતા ગયાં. અને એક દિવસ પરિવારને સૂનો મૂકી દેહ છોડી ગયાં … સુહાગણના શણગારમાં સજાવીને તેમના દેહને સ્મશાનગૃહના બદલે હોસ્પીટલમાં વિદાય આપવામાં આવી. તેમનુ દેહદાન કર્યુ હતુંને! પતિ અને બાળકોના હાથે તેમની ઇચ્છા પૂરી થઇ અને તેમના આત્માને શાંતિ મળે તેવી રીતે તમામ ક્રિયાઓ, સૌરીનભાઇ અને સમગ્ર પરિવારે કરી. બાળકો જીદ કરીને કાંતિભાઇને અમેરીકા લઇ આવ્યાં.

ધીમે ધીમે બધા સ્મશાનગૃહમાં જવા લાગ્યા. અમે અને મધુમાસીએ પણ અંદર જઇને અમારૂ સ્થાન લીધુ. ઘણા બધા જાણીતા ચહેરા હતા. સૌના મુખ પર ઉદાસીનતા જોવા મળતી. કેમ ના મળે? સૌરીનભાઇનું દુઃખ, સૌનું દુઃખ બની ગયુ હતુ. કાંતિકાકાને છેલ્લાં ૪ મહીનાથી મંદિરમાં જોયાં ન હતાં. જોકે ૧ વર્ષથી તેઓ વ્હીલચેરમાં સૌરીનભાઇની પત્ની શેફાલીબેન સાથે આવતાં. શેફાલીબેન વ્યવસાયે, CPA હતાં. છતાં વ્યસ્ત જીવનમાં સસરાની સેવામાં સારો સમય ફાળવતા. જેની ચર્ચા મંદિરની બેનોમાં અવાર નવાર સાંભળવા મળતી.

મંદિરના સક્રીય કાર્યકર ડૉ. દેવેશભાઇએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાથમાં લીધુ ..

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

ગીતાના શ્લોક અને સર્વ ધર્મની પ્રાર્થના સાથે કાર્યક્ર્મની શરૂઆત થઇ. પ્રથમ બે હરોળમાં કાંતિકાકાનો સમગ્ર પરિવાર, ત્રણ પેઢી એક સાથે હાજર હતી. સામેજ કોફીનમાં કાંતિકાકા સૂટ-બુટમાં સૂતા હતાં. પાછળ એમના જીવનનાં યાદગાર પ્રસંગોનુ પાવર પ્રેઝન્ટેશન ચાલુ હતુ. અન્ય શ્રધ્ધાંજલી પત્યા બાદ છેલ્લે સૌરીનભાઇએ માઇક હાથમાં લીધુ. અને સૌ સાંભળતાજ રહ્યાં …

તેમણે પિતા, પરિવાર અને પુત્રના પવિત્ર સંબંધોનુ પુનરાવર્તન શબ્દો દ્વારા જીવંત કર્યુ. તેમણે જે અંતમાં કહ્યુ તે હું આજેય ભૂલી શકતી નથી. તેમણે કહ્યુ, છેલ્લાં ૪ મહિનાથી પપ્પા પથારીવશ થઇ ગયા હતાં. તે પહેલા તે છેલ્લાં થોડા વર્ષોજ મારી સાથે રહ્યાં હતાં. બાકી અમેરીકા આવ્યા બાદ ભાઇના ઘરે વધુ સમય રહેતા. હુ ઘરમાં સૌથી નાનો. મારાં નસીબ કે પપ્પા માંદા થયા પછી મારી સાથે રહ્યા. હું મારી કેરીયરમાં જોડાયા પછી પપ્પા સાથે રહી નહોતો શકયો, પરંતુ છેલ્લાં ૪ મહીનામાં મેં એમને સમય આપવા પ્રયત્ન કર્યો તેનો મને આજે સંતોષ છે. હુ સવારે પપ્પાને બ્રશ કરાવતો, તેમને શેવીંગ કરી આપતો, ચા-નાસ્તો કરાવતો, સ્પંજ કરતો અને ઓફીસે જતો ત્યારે જય શ્રીકૃષ્ણ કહીને જતો. તે પણ મારી રાહ જોતાં જ હોય. સાંજે આવીને પહેલાં એમના રૂમમાં જતો. શેફાલી પણ જાણતી કે હુ પપ્પા પાસે કલાક બેસીને એમને સૂવડાવીને પછીજ જમવા બેસીશ. અને તમે નહી માનો કે એ મારા બાળક હોય અને હુ તેમનો પિતા … આ રીતે અદલા બદલીનો ખેલ અમે બન્ને રમ્યા. એનો મને આજે ખૂબ જ સંતોષ છે. મારાં પપ્પાની ખુશી ભરેલી અને આશિર્વાદ આપતી આંખો હજુ મારી સામે તરવરે છે. હું ભૂલી નથી શકતો, એમની સાથે વીતાવેલા એ ૪ મહીના જે મારા જીવનનાં કિમતી અને યાદગાર હતા. મારા માટે એ સિવાય કશુંજ મહત્વનું ન હતું. બસ મને પપ્પા જ દેખાતા. આજે મારા જીવનમાં ખાલીપો આવી ગયો છે. મારા બન્ને બાળકો સ્ટડી માટે દૂર રહે છે. હવે હું અને શેફાલી. મારા જીવનનો એક ખૂણો ખાલી થઇ ગયો!

બધા પોતાના રૂટીનમાં ગોઠવાઇ જશે. આજે અત્યારે પણ મારાં પપ્પાના મોઢા પર શાંતિની અને સંતોષની રેખા જોઇ શકુ છું. બસ, અમારા બાપ દિકરાનો અદલા બદલીનો આ ખેલ મારા માટે મારા જીવનની એક મોટી કમાઇ, મહા મૂડી છે. આ યાદગાર ક્ષણોને હું જકડીને રાખીશ. મારા પપ્પા માટેની મારી આજ શ્રધ્ધાંજલી છે. તેમણે શાંતિથી દેહ છોડયો છે અને શ્રીજી ચરણોમાં અહીં પણ રહેતા હતા ત્યાં પણ પહોંચી ગયા છે. અને જતાં જતાં કુટુંબના નાના-મોટા સૌએ સાથે મળીને તેમને જય શ્રીકૃષ્ણ કહ્યા છે. મારા દુઃખમાં સહભાગી થનાર આપ સૌનો હુ આભાર માનુ છું. જય શ્રીકૃષ્ણ!

આ પ્રકારની શ્રધ્ધાંજલીના પુષ્પોથી કાંતિકાકાનું જીવન અને મૃત્યુ સુગંધીત બની ગયું. જેની ફોરમ ત્યાં બેઠેલા સૌને સ્પર્શી ગઇ. દરેકનું હૈયુ આ ફ્યુનરલમાં હળવુ બની ગયું. આપણે જયારે કોઇના ફ્યુનરલમાં જઇએ ત્યારે સામેની વ્યક્તિને મરનાર વ્યક્તિની મોટી ખોટ પડી હોય છે માટે ભારે હૈયે જતાં હોઇએ છીએ. જે તે વ્યક્તિને ખોટ પડી હોય એ એનુ હૈયુ હળવુ કરે તો જ આવનાર વ્યક્તિ હળવા હૈયે પાછી જઇ શકે બાકી તો ભારે હૈયે સ્મશાન વૈરાગ્ય સાથે જ પાછી જાય.

સૌરીનભાઇએ પિતા-પુત્રના અદલા-બદલીના ખેલથી ફ્યુનરલમાં આવેલી દરેક વ્યક્તિઓને હળવા હૈયે વિદાય આપી. અને ખરેખર! અંતમાં લાઇનમાં પુષ્પાંજલી આપવા મારો વારો આવ્યો ત્યારે આ કહાની સાંભળીને મારી આંખોમાંથી શોક અને સન્માનના અશ્રુને હું રોકી ના શકી અને ત્યારે જય શ્રીકૃષ્ણ કહેતા મારા પતિએ સૌરીનભાઇને ખભે હાથ મુકતાં તેમની આંખમાંથી થીજેલા અશ્રુને ટપકતા હું જોઇ રહી.

મારૂ મન વિચાર કરતું થઇ ગયું. સૌરીનભાઇનું વ્યક્તિત્વ અને વક્તવ્ય … અદલા બદલીનો ખેલ … દરેક ઘરમાં સૌરીનભાઇ જેવો પુત્ર હોય તો ઘરડાઘર બનતાં ચોક્કસ અટકી જાય. શું આ શકય નથી??? આવાં પુત્રે પિતાનાં મૃત્યુ પછીની કોઇ વિધિ કરવાની કયાં જરૂર પડે!? આવા ફ્યુનરલ પછી જીવન પણ પસાર થાય હળવે હૈયે … !

ક્થાબીજઃ સત્ય ઘટના પર આધારિત …..

કલ્પના રઘુ