પુસ્તક એટલે જિજ્ઞાસુની પરબ.-તરુલતા મહેતા

મિત્રો ,

આજે આપણે એકબીજાનો હાથ મિલાવી મનગમતો દિવસ ઉજવીએ કારણ કે આપણી મૈત્રીનું કારણ પુસ્તકો છે .
પુસ્તક  એટલે જિજ્ઞાસુની પરબ.
રોજરોજની તડામાર પ્રવુતિમાં મારા જેવાને થાય કે ,
(પ્રિયતમ પિયુ મિલનની એકાંત પળોની  ઝન્ખના કરે તેમ સ્તો ) કયારે સમય મળે ને બારી પાસેના સોફામાં બેસી કોલેજકાળમાં ભજવેલું ‘રોમિયો જૂલિયેટનું ‘નાટક આજે વાંચું.આજે જગતના સુપ્રસિદ્ધ નાટ્યકાર ,કવિ શેક્સપિયરની બર્થ ડે વિશ્વભરમાં પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે.23મી એપ્રિલ 1564માં શેક્સપિયરનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો.મહાન પુસ્તકોના સર્જક સમય અને સ્થળની મર્યાદાને પાર કરી લોકોના હૈયામાં ,પ્રજાના પ્રાણરૂપે જીવે છે.એટલેજ તો ભારતના કાલિદાસનું ‘અભિજ્ઞાન શાકુન્તલમ ‘ને જર્મનીનો મહાન કવિ ગટે ખુશીનો માર્યો માથે મૂકી નાચ્યો હતો.ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના નિવાસ દરમ્યાન ટૉલ્સ્ટૉયનાં પુસ્તકો વાંચી પ્રેરણા મેળવી હતી.મારી સાડી કે ડ્રેસ મારા બાહ્ય વ્યક્તિત્વનો પરિચય આપે પણ મારાં પુસ્તકોનું વાંચન કે મૂવી ,નાટકોની રુચિ કે મને ગમતા ગીતો મારાં માહ્યલાનો પરિચય છે.આપણી વચ્ચેનો પ્રેમ,મિત્રતા અને માનવતા જીવંત રાખે છે પુસ્તકો .

‘to be or not to be,that is the question’ ‘શેક્સપિયરના હેમ્લેટ નાટકનો હીરો બોલે છે.આવી મથામણ આપણે પણ અનુભવીએ છીએ ,હું કોઈ ગૂંચમાં ડામાડોળ થાઉં ત્યારે પુસ્તકનો સહારો લઉં છું .’ભાગવત ગીતા ‘ના અઢાર અધ્યાય એટલે સમગ્ર જ્ઞાનનો નિચોડ.’વાંચું કે ન વાંચું  એવો પ્રશ્ન જ નથી.વાંચો ,વાંચો અને
વાંચો .ગુજરાતીમાં ,હિન્દીમાં,ઈગ્લીશમાં દુનિયાની કોઈ પણ ભાષામાં વાંચો .આ એક શોખ છે,વ્યસન છે,કેફ છે,જીવનની રણઝણતી સંવેદના છે.(ખનજ્વાળ જેવું -ખરજવું થાય ને વલૂર્યા કરવાનું ગમે ) કવિ,પ્રેમી ને પાગલ સરખા કહેનાર પણ શેક્સપિયર.હું કહીશ વાંચનાર ત્રણેનો સરવાળો છે,અને સરવાળે આંતર સમુદ્ધિથી ભર્યો ભર્યો થાય છે.

મને તો ભાગવત પારાયણ નો મહિમા ઘણો જણાય છે.સાત દિવસના સતત ભાગવત પારાયણથી પરીક્ષિત રાજાનો મૃત્યુનો ડર જતો હોય અને પુણ્યનો ઉદય થતો હોય તો કોઈપણ ઉત્તમ પુસ્તકનું  સાત દિવસનું વાંચન અલોકિક આંનદની અનુભૂતિ કરાવે જ .આપણા એપિક્સ (મહાક્વ્યો)પાંચ હજાર વર્ષ પહેલાં લખાયેલાં

અતિ ઉત્તમ કાવ્યકલા,નાટ્યકલા,સન્ગીત,નૃત્ય,સર્વ કલાઓના સમન્વય કરતાં ઉદાત્ત નમૂના છે.એનાં એકે એકે મન્ત્રોના વાંચન પઠન અને ઉચ્ચારણ આપણામાં દૈવી રૂપાંતર કરી શકે છે.એ જ દ્દષ્ટિએ આપણું પૌરાણિક ,મધ્યકાલીન ધાર્મિક સાહિત્ય મને પારાયણ કરવા પ્રેરે છે.રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યને કે શ્રી અરવિદના ફિલોસોફીકલ મહાકાવ્યને માટે જીવનભરનું વાંચન પણ ઓછું પડે.
રોજ મીઠાઈ અને ફટાકડા તો રોજ   દિવાળી
(મોંઘી પડે),રોજ વેલેન્ટાઈ ડે ઉજવાય તો ગુલાબોની અછત થઈ જાય પણ રોજ પુસ્તક વંચાય તો મન તાજું રહે .’જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની ‘સર્જનહારની દુનિયાના અખૂટ સૌંદર્યની જેમ કોઈપણ પુસ્તકોના સ્ટોરમાં જાવ ,આહા આજકાલ બાર્ન્સ નોબલ કે ક્રોસવર્ડ જેવા સ્ટોર કે લાયબ્રેરી મારે મન સ્વર્ગ છે.કોફીનો કપ લઈ દસ વર્ષ પહેલાં હું  ‘હેરી પોર્ટર ‘ની અજીબ દુનિયામાં હું એવી તલ્લીન થઈ ગયેલી કે સ્ટોર બન્ધ થવાનો સમય થઈ ગયો,ઘરની ચીજો માટે લાવેલી બેગમાં પુસ્તકો ભરી ઘેર ગઈ.(તે દિવસે જમવામાં મીરાં કહે છે તેમ ફાકમફાકા )એવું તો કનેયાલાલ મુન્શી ,ર.વ.દેસાઈ ,દર્શક ,પન્નાલાલ પટેલ ….

નામાવલિ અતિ લાંબી અને જિંદગી ટૂંકી વાંચવામાં કરો જલ્દી.

તરુલતા મહેતા 23મી એપ્રિલ 2017.

આ સાથે ફિલિંગ મેગેઝીન માં આવેલ આ લેખ પણ જોઈએ….