ફિલ્મ સમીક્ષા (11) જયવંતી પટેલ

ફિલ્મ સમીક્ષા  – ફિલ્મ ” જોય ઓફ ગીવીંગ ”

અનુરાગ કશ્યપ દ્વારા બનેલી આ ફિલ્મ ખૂબ ટુંકી છે પણ ધારદાર છે. ચાલો જોઈએ તેના કારણો!  કેટલાં વિકલ્પ હતાં

એ ગરીબ બાળક પાસે :-
1)  દુકાનદાર પાસે આજીજી કરી થોડું ખાવાનું માંગે
2)  કોઈ કામ કરી મહેનતનાં પૈસા કમાઈને ખાવાનું ખરીદે
3)  ચોરી કરીને ખાવાનું મેળવે

માની લઇએ કે ઉપલા બે વિકલ્પો એ બાળકે અજમાવી જોયા હોય અને ના છુટકે છેલ્લો વિકલ્પ અજમાવવા સિવાય બીજો રસ્તો રહયો ના હોય.  બાળક નિર્દોષ હોય છે તે એમ નથી વિચારતો કે આની અસર બીજા ઉપર શું પડશે.  કે
મારા ભવિષ્ય ઉપર શું થશે! તેને માટે તો વર્તમાન જ બધાં કોયડાનો ઉકેલ છે.

અનુરાગ કશ્યપે  ખૂબ અસરકારક માર્ગે ફિલ્મની શરૂઆત કરી કહેવાય.  તદ્દન સામાન્ય માણસના જીવનની સચોટ પ્રકિયા બતાવે છે કે મનુષ્ય કેટલો મજબૂર હોય છે.  પેટનો ખાડો પૂરવા કેટલાયે કષ્ટો સહન કરવા તૈયાર થઈ જાય છે.
આઘેડ વયના માણસને સવારે દુકાન ખોલવી, સાફસૂફી કરવી, ધંધો બરાબર જળવાય રહે તે માટેની તકેદારી રાખવી
અને ઘરાકોના મન અને સગવડ પણ સાચવવી એ વેપારી બુદ્ધિનો અણસારો આપે છે.  અને આ બધાની વચમાં એક ફાલતું ગરીબ બાળક, કોઈનું આપેલું મોટી સાઈઝનું ટી શર્ટ પહેરી, હિંમત કરી, દુકાનમાં આવી, ધીરે રહી ખાવાનું પેકેટ ચોરી જાય છે અને તે પણ દિવસનાં ઉજાસમાં, બધાની હાજરીમાં, ભીડમાં.  એ રાતનો સમય ન હતો.

અહિ એક વાત મને જરા નથી રૂચતી અને તે છે અંધારાનો ઉપયોગ.  જયારે એ નાનો બાળક ચોરી કરવા જાય છે ત્યારે રાત્રિ નથી.  સવારનાં દુકાન ખોલી છે એટલે પુરેપુરો ઉજાસ હતો તો જ્યાં ચોરી થાય છે ત્યાં ઉજાસ કેમ નથી ?
મુખ્ય ઉદેશ્ય એ છે કે ભૂખને સંતોષવા ચોરી કરવી પડે છે.  અને તે પણ પોતાને  જ માટે નહી  – તેનાં જેવાં બીજા ગરીબ અનાથ બાળકો માટે પણ.  એ એનાં દોસ્તો બની ગયા છે.  જીવનની અટપટી ચાલે તેમને એક બીજાની નજીક
લાવી દીધા છે.  આ બધું દિવસનાં ભાગમાં થાય છે. તો અંધારાનો ટેકો લીધા વગર વાર્તાને આટોપી હોત તો મારી દ્રષ્ટીએ વધારે અસરકારક બનત.

બીજી વખતે પાછો આવે છે ત્યારે થોડું વધારે લઇ જવા પ્રેરાય છે.  તે વખતે નાનો સુપરમેન ઘેરાય જાય છે પણ શરીરનું કદ નાનું હોય મોટાઓના પાસમાંથી નાસી છુટે છે.  તે પછી ખજુરની લારીમાંથી પેકેટ ચોરી કરતી વખતે એજ આઘેડ વયનો આદમી એને જોય જાય છે અને બૂમો પાડતો તેનો પીછો કરે છે ત્યારે તેનું રહેઠાણ જોઇને આશ્ચર્ય પામે છે  તેનાં જેવાં ઘણાં યતીન બાળકો જે ભુખ્યા હતા તેમને માટે તે માં અન્નપુર્ણા ની પ્રતીતિ કરાવે છે.  બાળકો હસી ખુશી નાનો સુપરમેન જે લાવે છે તે ખાય છે.

અને આ દ્રશ્ય એક જબરજસ્ત પલટો લાવે છે,  જે બાળકને તે ચોર સમજતો હતો તે દાનવીર બની જાય છે.  બીજી વખતે તે સુપરમેન બાળક દુકાનમાં ચોરી કરવા આવે છે ત્યારે તેને પકડીને એક ઊચાં કબાટ ઉપર બેસાડે છે અને વાત કરતાં કરતાં સહજ રીતે થેલીમાં બિસ્કીટ ભરી આપે છે તેનાં શેઠને પણ જાણવા નથી દેતો કે તે શું કરે છે!  શેઠને તે બીજા નોકરની વાતમાં વણાયેલો રાખે છે – એ વસ્તુ એના મનની પરસ્થિતિ નો પડઘો પાડે છે.  કે જે છોકરાને એ ચોર સમજી સજા કરાવવા તૈયાર હતો તેને તે માફ કરી મદદ કરવા અને મિત્ર બનાવવા પણ તૈયાર છે.  કેટલો સચોટ ફેરફાર !! ખૂબ જ ગમ્યો આ વિચાર –

અને છેલ્લે આવી છોકરાના મનની વાત.  આપણે કદાચ માનીએ કે અભણ, અજ્ઞાન, રસ્તે રખડતો ગરીબ બાળકને માનવતા અને ઉપકાર શું છે એનો શું ખ્યાલ હોય – કારણકે તે પણ બીજા બાળકોની જેમ જ અનાથ છે.  કોઈએ તેને આ નાજુક જ્ઞાન અને શિખામણ નથી આપી પણ તેનો અંતરાત્મા જ બોલી ઉઠયો કે ઉપકારનો બદલો ઉપકાર જ હોય અને તેની સમજ પ્રમાણે મદદ કરવા પ્રેરાયો – કઈ રીતે મદદ કરવી!  આઘેડ વયના માનસ પાસેથી થેલો ખૂચવી લઇ, તેને તેના ઘર સુધી પહોંચાડી દીધો.  જો માંગ્યો હોત તો પેલો માણસ એને આપત ખરો?  એટલો વિશ્વાસ એના ઉપર મૂક્યો હોત?  મોટે ભાગે નહી – અને પછી તેની વાટ જોતો પગથિયા ઉપર બેસી રહયો,  નજર મળી એટલે થેલો મૂકી હસતા હસતાં મસ્ત રીતે ચાલ્યો ગયો – ખુબ જ સુંદર રજુઆત અને અંત.  જરાપણ બોલ્યા વગર બધુ જ સમજાવી દીધું.

“જોય ઓફ ગીવીગ ”  ફિલ્મ માત્ર 9/10 મિનિટની છે.  છતાં તેનો ઉપદેશ ખૂબ સચોટ રીતે કરાવી જાય છે.  એટલે તે ખૂબ અસરકારક છે. દેશી કે વિદેશી આ ટુંકી ફિલ્મ જોઇને જીવનનો એકાદ પાઠ તો જરૂર શીખશે.  કોઈ પણ ફિલ્મ બનાવતી વખતે નાચ, ગાન , સંગીત, દ્રશ્યો વિગેરે નો ભારોભાર ઉપયોગ ફિલ્મને સફળ બનાવવા માટે કરાય છે.  આ ફિલ્મમાં એવું કંઈ જ ન હોવા છતાં ખૂબજ સારો સંદેશ આપે છે.  પેક્ષકનું સંપૂર્ણ ધ્યાન ખેચી રાખે છે.  આ ફિલ્મમાં ભાગ લેનાર દરેક પાત્રને, ખાસ કરીને નાનો બાળક, નયન જૈન, આઘેડ વયમાં ઉદય ચંદ્રા, પ્રોડયુસર અનુરાગ કશ્યપ, લેખક કલ્કી કોચલીન, અને ડાયરેક્ટર શ્લોક શર્મા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું  મારી દ્રષ્ટીએ ફિલ્મ સફળ રહી છે.

જયવંતી પટેલ

ફિલ્મ સમીક્ષા-(10) રોહીત કાપડિયા

ફિલ્મ – ધ જોય ઓફ ગીવીંગ-https://youtu.be/O8EnJU2lFGE

            અનુરાગ કશ્યપની આ નાનકડી ફિલ્મનું કથાનક તો બહુ જ પાતળું છે. પણ ખૂબ જ નાજુકાઈથી એ કથાનકની માવજત કરાઈ છે. થોડોક અંધકાર, થોડોક પ્રકાશ અને ચાલુ ન થયેલાં સિગ્નલની ઝબૂક ઝબૂક લાઈટ દ્વારા દિગ્દર્શક વહેલી સવારનો નિર્દેશ કરી ફિલ્મની શરૂઆત કરે છે. એક આઘેડ વયનો વ્યક્તિ પેટની આગ બુઝાવવા ધીમે પગલે એક હાથમાં સામાનનો થેલો એટલેકે    જવાબદારીનો બોજ અને બીજા હાથમાં છત્રી એટલેકે પરિવારનું છત્ર ઊંચકી હોટલમાં કામ કરવા જઈ રહ્યો છે. ઈમાનદારીના પ્રતિક સમી હોટલની ચાવી વડે એ બંધ શટરને ખોલી, લાઈટ અને પંખાની સ્વીચ ચાલુ કરી એ રાતના થંભી ગયેલા જીવનને પાછું ગતિમાન કરે છે. ને પછી તો નવ નંબરના ટેબલનો ઓર્ડર, તેર નંબરના ટેબલનો ઓર્ડર અને પાણીની માંગણી એમ જાત જાતના ઓર્ડરથી જિંદગી ધબકતી થઇ જતી બતાવવામાં દિગ્દર્શક એમની કલાસૂઝ દાખવે છે. સુપરમેનનું ટી-શર્ટ પહેરી એક છોકરો ખાવાનું ચોરી કરે છે. ચોરી કરતા પહેલાં એ જે રીતે  આજુ બાજુ જુએ છે ને પછી શિફતથી ખાવાનું શેરવી લે છે તે દૃશ્ય જોતાં જ ખ્યાલ આવી જાય છે કે તે છોકરો પણ જાણે છે કે ચોરી કરવી ખોટું છે. છતાં પણ પાપ-પુણ્યની પરિભાષાથી અજાણ એ કહેવાતો સુપરમેન એનાં જેટલાં જ મિત્રોનું પેટ ભરવા ચોરી કરે છે. પેલો આઘેડ વયનો નોકર એને ચોરી કરતા જોઈ જાય છે ને એને પકડવા વ્યર્થ ફાંફા મારે છે. એ એની જ હોટલના બીજા નોકર મુરારીને એ છોકરાને પકડવા બૂમ પાડે છે. મુરારી – માખણચોર કૃષ્ણની જ જાણે રાસ લીલા ચાલતી હોય તેમ પકડા પકડીને અંતે છોકરો ભાગી જાય છે.

          બીજા એક દૃશ્યમાં પેલો નોકર ખાવાનો ડબ્બો ખોલી હજુ ખાવાની શરૂઆત કરતો હોય છે ત્યાં જ પકડો, પકડોની બૂમ સાંભળી એ ઉભો થઇ બહાર જુએ છે અને પેલા છોકરાને નાસી જવામાં સફળતા મળી છે એ જાણી પાછો જમવા બેસે છે પણ એનું મન નથી માનતું. ભીતરમાં સરતાં આંસુઓ ખાધા વગર પણ જાણે તેની પેટની આગ ઠારી દે છે.  રોઝા પછી આવતાં રમઝાનના તહેવાર નિમિતે ઠેર ઠેર ખજૂર-ખારેક અને મીઠાઈની દુકાનો બતાવી દિગ્દર્શક ભૂખને જાગૃત રાખે છે. ફરી એક વાર પેલો છોકરો ચોરી કરે છે ને પેલો નોકર એની પાછળ જાય છે ને જ્યારે  એ છોકરાને એનાં મિત્રોમાં ખાવાનું વહેંચતા જુએ છે, એનું મન ભરાઈ આવે છે. ખાવાનું મળતા છોકરાઓનાં ચહેરા પર જે આનંદ બતાવાયો છે તે અવર્ણનીય છે.

         આખરે એક વાર પેલો નોકર એ ચોર છોકરાને પકડે છે પણ સજાને બદલે બિસ્કુટનું પડીકું આપે છે ત્યારે એ બાળક શરમ અનુભવે છે. દિગ્દર્શકે એ બાળકને નતમસ્તક બતાવી જે ભાવ ઉપસાવ્યા છે તે દાદ માંગી લે છે. પેલો નોકર પણ શેઠને વાતમાં રાખી છોકરાને બિસ્કુટ આપવાનું કામ કરે છે તે પણ ખોટું જ છે છતાં યે ભૂખના દુખની તેને ખબર છે એટલે જ કોઈના રોઝા ખોલવામાં એ નિમિત બન્યો એનો સંતોષ એનાં મુખ પર બતાવ્યો છે.બિસ્કુટ આપતાં એ કશું જ નથી બોલતો અને તો યે ઘણું બધું કહી જાય છે. આખરી દૃશ્યમાં તો પેલા નોકરના થેલાને જ આંચકી જતા બાળકને બતાવી દિગ્દર્શક આંચકો આપે છે. પણ જયારે એ છોકરો એ થેલાને હોટલ પાસે મૂકી નોકરના ભારને ઓછો કરવામાં મદદરૂપ બન્યો હોય છે તેની પ્રતીતિ થતાં વહેંચીને ખાવાનાં આનંદની જાણે છોળો ઉછળતી હોય તેવું લાગે છે. થેલો લઈને ભાગતાં એ બાળકને જોઈ દૂર રહેલો એક કૂતરો ભસે છે જ્યારે બાજુમાં રહેલો કૂતરો પૂંછડી પટપટાવે છે. દિગ્દર્શક જાણે સંદેશ આપે છે કે ઘણી વાર ખોટું કરવા પાછળનો આશય પણ સારો હોય છે.

રોહીત કાપડિયા

ફિલ્મ સમીક્ષા-(9)વિનોદ પટેલ

ફિલ્મ સમીક્ષા – ફિલ્મ ..“જોય ઓફ ગીવીંગ” … ”https://youtu.be/O8EnJU2lFGE

જે ફિલ્મ પ્રેક્ષકના દિલ અને દિમાગ પર સચોટ અસર નીપજાવી શકે ,ફિલ્મ જોયા પછી એને બે ઘડી વિચાર કરતો કરી મુકે અને જેમાં જીવન જીવવા માટેનો એક પ્રેરક સંદેશ હોય અને જે પ્રેક્ષકોના મનોજગતને હલબલાવી મુકે એને સફળ ફિલ્મ કહેવાય.

આજની લગભગ બધીજ ત્રણ કલાકની ફિલ્મોમાં ગીતો, પ્રેક્ષકના મનને ગલીપચી કરાવે એવાં દ્રશ્યો અને મનોરંજનની અન્ય તરકીબો અજમાવ્યા પછી એમાં જીવન માટેનો સંદેશ બહુ નહિવત હોય છે જ્યારે “જોય ઓફ ગીવીંગ” જેવી ટૂંકી ફિલ્મો પણ સંદેશ મૂકી શકે છે એ ફિલ્મ જોયા પછી પ્રતીતિ થાય છે .

સાહિત્યમાં પણ એવું ઘણી વાર જોવા મળે છે કે કોઈ નવલકથામાં એનો લેખક મુખ્ય વાતને અનેક પ્રકરણોમાં ફેલાવીને રજુ કરતો હોય છે તો કોઈ લેખક એક લઘુ કથા લખીને એ દ્વારા જીવનનો એક સચોટ સંદેશ આપી જતો હોય છે.એવું જ આ ફિલ્મનું છે.એમાં કોઈ મોટી ચમક દમક – ઝગમગાટ કે મોટા સંવાદો ભલે ના હોય પણ  વાર્તાનું તીર સીધું એના ધારેલા નિશાન તરફ સડસડાટ જતું જોવા મળે છે.

આ ટૂંકી ફિલ્મના મુખ્ય બે હીરો બાળ કલાકાર નમન જૈન અને આધેડ વ્યક્તિના પાત્રમાં ઉદય ચંદ્રાએ સુંદર અદાકારીનું દર્શન કરાવ્યું છે.ફિલ્મનો આ બાળ કલાકાર બહુ બોલતો નથી,એનો કોઈ સંવાદ નથી પણ એનો બિન્દાસ સ્વભાવ, હાસ્ય અને નિર્ભયતા અને મુખ ઉપરનો ભાવ ઘણું બધું બોલી જાય છે અને પ્રેક્ષકના મનમાં સંવેદનો જગાડે છે.એ ચોરી કરે છે તો પણ એના ભૂખ્યા મિત્રો માટે કરે છે . એની અદાકારી એવી છે કે આપણને એના પ્રત્યે તિરસ્કાર નહિ પણ સહાનુભૂતિની લાગણી થાય છે. આપણને આ બાળ કલાકાર  ગમી જાય છે.એને ઉચકી લેવાનું મન કરે છે.ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં હોટલના આધેડ વયના કારીગર પાસેથી એનો થેલો ઊંચકી એને મદદ કરીને હસતો કૂદતો ઘર તરફ જતો બતાવ્યો છે એ દ્રશ્ય કેટલું ભવ્ય છે ! 

નાના શહેરની એક હોટલમાં નોકરી કરીને કુટુંબનું ભરણ પોષણ કરતા આધેડ વયના વ્યક્તિમાં માનવતાના જે ગુણો બતાવ્યા છે એ આપણું ધ્યાન ખેંચે છે. શરૂઆતમાં ચોરી કરનાર બાળક પર એને તિરસ્કાર થાય છે. પકડો ..પકડો…એમ બુમો મારી એને પકડવાની કોશિશ કરે છે. પરંતુ પછી વારંવાર ચોરી કરીને ભાગી જતા આ બાળકને સમજવામાં એ રસ લે છે. એનો છુપાઈને પીછો કરે છે અને એ જ્યારે જુએ છે કે આ છોકરો એના માટે નહિ પણ એના બીજા ભૂખ્યા નાનકડા સાથીને ખવડાવવા માટે હોટલમાંથી બિસ્કીટ વગેરે ખાદ્ય ચીજોની ચોરી કરે છે ત્યારે એનું હૃદય દ્રવી જાય છે. એક વખત જ્યારે હોટલમાં આ બાળક ચોરી કરતાં પકડાય છે ત્યારે એને સજા કરવાને બદલે એને ખાદ્ય ચીજોથી થેલો ભરીને બાળકના હાથમાં આપે છે.

રોજ સવારે નાની હોટલ ખોલતા અને આખો દિવસ કામ કરીને સાંજે બંધ કરતા આ સામાન્ય નોકર માં પણ માનવતા કેવી ભરી પડી હોય છે એ આ ફિલ્મ દ્વારા બતાવાયું છે.એની જગ્યાએ જો હોટલનો માલિક હોત તો કદાચ બાળકને એવી મદદ કરી ન હોત . આજના ઘણા અમીરોની માનસિક ગરીબાઈ આપણે જોતા હોઈએ છીએ એની સામે એક ગરીબ વ્યક્તિની માનસિક અમીરીનું આ દ્રશ્ય કેટલું ભવ્ય છે ! 

આપણામાં કહેવત છે પેટ કરાવે વેઠ. આ ફિલ્મના નિર્માતા એ પણ બતાવવા માગે છે કે ગરીબો ચોરી કેમ કરે છે.એમની ભૂખ એમને એ કરવા ફરજ પાડે છે. દેશમાં હજુ ગરીબી પનપી રહી છે. સમાજમાં સુખ શાંતિ માટે ગરીબી જો ઓછી નહિ થાય તો લોકો ગુના કરતા રહેશે . ગુના કરવા ગરીબોને ગમતા નથી હોતા પણ એમની એ મજબુરી હોય છે એ પણ આ ફિલ્મમાં બતાવ્યું છે.

આ ફિલ્મનું ટાઈટલ બતાવે છે એમ એનો મુખ્ય આશય અને સંદેશ તો એ બતાવવાનો છે કે ભોગવવામાં નહિ પણ આપવામાં કેટલો બધો આનંદ રહેલો છે.ફિલ્મમાં બાળકને સ્પાઇડરમેનનો ડ્રેસ પહેરેલો બતાવ્યો છે. જેમ અંગ્રેજી ફિલ્મનો સ્પાઇડર મેન છુપી રીતે બીજાને મદદ કરીને આનંદ લુંટે  છે એમ આ ટચુકડી ફિલ્મનો ૫ કે ૬ વર્ષનો ટચુકડો બાળક એના સાથીઓ માટે ચોરી કરીને પણ એમને ખવડાવીને હસાવે છે અને આનંદ લુંટે છે.  નિખાલસ અને નિર્ભય બાળકને સદા હસતો બતાવ્યો છે.આમ ફિલ્મમાં ત્યેક્તેન ભુંજીથા :  નો જે સંદેશ છે એ પ્રેક્ષકનું ધ્યાન ખેંચે છે.

આ નાનકડા બાળકમાં પણ ઉપકારનો બદલો અપકારથી  નહી પણ ઉપકારથી વાળવાની ઉન્નત ભાવના રહેલી છે. હાથમાં થેલો લઇને હોટલ તરફ જતા આધેડ નોકરના હાથમાંથી થેલો ખૂંચવી લઈને એ કશું બોલ્યા વગર આગળ દોડી જાય છે.આ જોઈ આપણને થાય છે કે જે ચોર હોય એ કદી સુધરે નહિ .પરંતુ આ ફિલ્મની ચરમ સીમા સમા દ્રશ્યમાં બાળકને હોટલ નજીકના ઓટલા ઉપર થેલા સાથે હોટલના નોકરની રાહ જોતો બતાવ્યો છે.આ નાના બાળકના નાજુક મગજમાં પણ એ વિચાર મુક્યો છે કે જે વ્યક્તિએ મને મદદ કરીને ઉપકાર કર્યો છે એને વળતી મદદ કરીને એ ઉપકારનો બદલો વાળવો જોઈએ.

આ દ્રશ્ય મુકીને નિર્દેશકે ફિલ્મના અંતે વાર્તાને ગજબનો વળાંક આપ્યો છે. ફિલ્મની ચરમ સીમા સમા આ દ્રશ્ય માટે દિગ્દર્શકને ખરેખર અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. 

આ લેખની શરૂઆતમાં સફળ ફિલ્મનાં જે લક્ષણો જણાવ્યાં છે એ આ ફિલ્મમાં પ્રેક્ષકને જોવા મળે છે. આ ટૂંકી ફિલ્મ “જોય ઓફ ગીવીંગ”માં માનવ સંવેદનાઓ છે,ખોટું  મનોરંજન નથી પણ જીવન માટેનો પ્રેરક સંદેશ છે .ફિલ્મનાં બે મુખ્ય પાત્રો બાળક અને હોટલનો આધેડ વયનો નોકર બહુ બોલતા નથી પણ એમની અદાકારી કાબિલે દાદ છે અને ના બોલીને પણ ઘણું બધું કહી જાય છે.ફિલ્મના નામ પ્રમાણે આપવામાં આનદ છે એ એમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. 

આ “જોય ઓફ ગીવીંગ” ફિલ્મ માત્ર ૯ મીનીટની જ ટૂંકી છે પણ એમાં  નિર્દેશકે મુકેલ  ” આપીને ભોગવી જાણો “નો જે સંદેશ છે એ મન ઉપર એક ઊંડી સચોટ અસર મૂકી જાય છે.ફિલ્મ જોયા પછી પ્રેક્ષકને બે ઘડી વિચાર કરતો કરી મુકે છે.

આ ફિલ્મના બે સફળ અદાકારો , બાળ ક્લાકાર નમન જૈન અને આધેડ વ્યક્તિના પાત્રમાં ઉદય ચંદ્રા તથા ફિલ્મના લેખક કલ્કી કોચલીન, પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ અને ડાયરેકટર શ્લોક શર્મા અને એમની સમગ્ર ટીમને આવી એવોર્ડ વિજેતા સફળ ફિલ્મ બનાવા માટે મારા જેવા અનેક પ્રભાવિત પ્રેક્ષકો તરફથી ખુબ ખુબ હાર્દિક અભિનંદન — વિનોદ પટેલ.

 

ફિલ્મ સમીક્ષા

માનનીય પ્રજ્ઞાબેન,

           કુશળ હશો. આ મહિનાનાં ફિલ્મ સમીક્ષાના વિષય પર લખવા અનુરાગ કશ્યપની ટૂંકી ફિલ્મ જોઈ .લેખન પ્રવૃતિ શરુ કર્યાં પછી સમીક્ષા લખવાનો આ પ્રથમ પ્રસંગ હતો. લખવાની શરૂઆત કરતાં જ એક વિચાર આવ્યો —માનવીની જિંદગી એક ફિલ્મની વાર્તા જેવી જ હોય છે. જો દરેક માનવી ખુદની ફિલ્મના રીલને થોડીક વાર થંભાવીને પાછળની ફિલ્મ ફરી જોવાની કોશિષ કરે એટલેકે ફ્લેશબેકમાં  જાય અને પછી એની સમીક્ષા લખવા બેસે તો , ક્યાંક સુખનો ગુલાલ ઉડતો જોવા મળે,તો ક્યાંક દુખની શ્યામળ છાયા જોવા મળે. ક્યાંક વસંતનો વૈભવ મળે તો ક્યાંક પાનખરની ઉદાસી મળે. ક્યાંક સૂરીલું સંગીત સાંભળવા મળે તો ક્યાંક કોલાહલ સંભળાય. ક્યાંક નીરવ શાંતિ હોય તો ક્યાંક વ્યર્થ સંવાદ હોય. ક્યાંક પ્રેમ-લાગણી- સંવેદના હોય તો ક્યાંક શુષ્કતા અને જડતા હોય. ક્યાંક સમર્પણની સુવાસ હોય તો ક્યાંક સ્વાર્થની દુર્ગંધ હોય. ક્યાંક ભારોભાર જીવંતતા હોય તો ક્યાંક મૃત્યુનો અહેસાસ હોય. આ બધી જ પરીસ્થિતિની  તટસ્થ ભાવે સમીક્ષા કરીએ તો આપણે આપણાં પાત્રને ભજવવામાં કેટલા ન્યાયી હતાં ,કેટલો અન્યાય કર્યો હતો. ક્યાં શું ચૂકી ગયા હતાં. ક્યાં અહં નડ્યો હતો. ક્યાં પ્રસંશા નડી હતી.  ક્યાં આપણે ખોટા હતાં. ક્યાં આપણે સાચા હતાં. ક્યાં સહજતા, સરળતા અને સાલસતા કામે આવી હતી. ક્યા સંસ્કારોની સુવાસ ફેલાવી હતી એનો ખ્યાલ આવે. અને પછી આપણે જ આપણાં રાહબર બની બાકી રહેલી ફિલ્મને ભજવીએ તો એ સર્વાંગ સુંદર બની શકે. જીવન સાચા અર્થમાં સાર્થક બની જાય. મૃત્યુનો ડર ગાયબ થઇ જાય.અંતિમ પળો વસમી નહીં પણ ઉત્સવ સમી બની જાય. પડદો પડી જાય પણ નામ ગુંજતું રહી જાય.

                                                                                   રોહીત કાપડિયા

ફિલ્મ ઉપર સમીક્ષા-(8)કલ્પના રઘુ

ફિલ્મ સમીક્ષા – “જોય ઓફ ગીવીંગ”https://youtu.be/O8EnJU2lFGE

અંગ્રેજી ફિલ્મ સ્પાઇડરમેન પર એકથી વધુ ફિલ્મો બની. તેમા સ્પાઇડરમેન ડ્રેસ પહેરીને, પોતાની ઓળખ છૂપાવીને હમેશા બીજાને મદદ કરીને આનંદ લેતો આ પાઠ આ ફિલ્મનો હીરો, ૫ વર્ષનો બાળક જીવનની કઇ પાઠશાળામાં ક્યારે ભણ્યો હશે? સ્પાડરમેનની જેમ માસ્ક પહેરીને હમઉંમરનાં બાળકોની ભૂખ માટે, ચોરી કરીને, ખાવાનું વહેંચીને આનંદ મેળવે છે!

ઇશાવાસ્ય ઉપનિષદનો ‘ત્યાગીને ભોગવો’ ‘આપીને આનંદ મેળવો’ આ માનવતાવાદનો મેસેજ માત્ર ૯ મીનીટમાં ફિલ્મના લેખક કલ્કી કોચલીન, પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ અને ડાયરેકટર શ્લોક શર્માએ અને તેમની સમગ્ર ટીમે પ્રેક્ષકો સુધી પહોંચાડયો છે. બાળ કલાકાર નમન જૈન અને આધેડ વ્યક્તિના પાત્રમાં ઉદય ચંદ્રાનો અભિનય દાદ માંગી લે છે. આ ફિલ્મમાં ગીતો નથી, સંવેદના અને વાતાવરણને જગાડવા પૂરતું સંગીત છે. બાળકનો મૂક અભિનય અને જરૂરી સૂચક સંવાદ પ્રેક્ષકોને વિચારતા કરી મૂકે છે.

આધેડ વ્યક્તિનો દયાભાવ, જે ટીફીન ખોલે છે પણ ચોરી કરીને ભાગતા બાળકને યાદ આવતાં ખાતાં ખાતાં અટકી જાય છે. તે પોતે પણ મહેનત કરીને માંડ બે ટાંટીયા ભેગા કરતો હોય છે. એક ગરીબજ બીજા ગરીબને ઓળખી શકે, એ સુંદર રીતે બતાવ્યું છે. ચોરી, જે છે પેટનો ખાડો પૂરવા માટેનો ગરીબના હથિયાર સમો અવગુણ! પરંતુ આખરે તો એ બાળક પણ માનવ છે. જયારે આધેડ વ્યક્તિ મદદ કરે છે ત્યારે, તેનામાં રહેલી માનવતા જાગે છે. અંતમાં વહેલી પરોઢે હોટલ તરફ જતાં, આધેડ વ્યક્તિના હાથમાંથી સામાન ખૂંચવીને લઇ લે છે … ત્યારે ફિલ્મની ચરમસીમા સર્જાય છે. એમજ લાગે કે ચોર ચોરજ રહે … ગરીબ બાળક આમજ કરે … નેગેટીવ સોચ … પરંતુ સલામ ડાયરેકટરને! ફિલ્મને જબરજસ્ત વળાંક આપીને પ્રેક્ષકના દિલ જીતી જાય છે. એ ગરીબ બાળક જે નીજમસ્તીમાં જતો બતાવે છે તેને ઉચકીને વ્હાલ કરવાનું મન થઇ આવે છે. આ બાળક અને આધેડ વ્યક્તિની જુગલબંધી ઘણું બધુ કહી જાય છે.

૩ કલાકની ફિલ્મની હરોળમાં અગ્રસ્થાને આવી શકે તેવું એક સફળ ટીમવર્કનું સચોટ સર્જન એટલે ‘જોય ઓફ ગીવીંગ’. પ્રેક્ષકોના મનોજગતમાં તેના પડઘા ક્યાંય સુધી સંભળાયાજ કરશે.

કલ્પના રઘુ

ફિલ્મ ઉપર સમીક્ષા-(7)રશ્મિબેન જાગીરદાર

ફિલ્મ —જોય ઓફ ગિવીંગ -https://youtu.be/O8EnJU2lFGE

અનુરાગ કશ્યપ ફિલ્મ્સ પી.વી.ટી. એલ.ટી.ડી.પ્રેઝન્ટેશન 

વાર્તાકાર ( લેખક ) —-કલ્કી કોચલીન

દિગ્દર્શક ——શ્લોક શર્મા 

છબીકલા દિગ્દર્શક —–મિલિન્દ શ્રીન્કે 

મુઝીક —– કરન કુલકર્ણી 

એડિટર —-શ્રેયસ 

લોકેશન — અઝીઝ મર્ચન્ટ 

કલાકારો —-ઉદય ચંદ્રા , નમન જૈન , મુરલીકુમાર.

             આ ફિલ્મ એક ટૂંકી ફિલ્મ છે આવી ફિલ્મો માં કોઈ અસરદાર સંદેશ અપાતો હોય  છે,  જે  ઓછા માં ઓછા પાત્રો દ્વારા, ઓછા સંવાદ વડે અભિનય ના ઊંડાણથી   રજુ કરવામાં આવે છે. આ ફિલ્મ ની કથા કલ્કી કોચલીન દ્વારા લખવામાં  આવી  છે , કલ્કી એક ઉમદા અભિનેત્રી  તો છે જ ઊપરાંત આવી અસરકારક વાર્તા લખવામાં પણ    નિપુણ છે.  “આપવાનો આનંદ” એ મુદ્દા ને લઇ ને , ઓછા સંવાદો અને ઓછા પાત્રો થકી  પોતાની વાત જે કુશળતા થી રજુ કરી છે તે કાબિલે તારીફ છે. એક બાળક જે સંપૂર્ણ નિર્દોષ અને માસુમ છે , તે હોટેલ માંથી બિસ્કીટ ચોરીને  પોતાના બીજા અનાથ મિત્રો ને ખવડાવે છે. આ કામ તેના માટે એક દિવસ નું નથી કારણ કે પેટ નો કુવો એકવાર પુરાવાથી પુરાતો નથી.  આવા જ કોઈ એક દિવસે એક આધેડ ઉમરના ભાઈ એ બાળક ને ચોરી કરતાં જોઈ જાય છે , પકડવા માથે છે મુરલી નામના માણસ ને બુમ પડી ને પકડવા કહે છે પણ ચંચળતા નું સ્વરૂપ ધારણા કર્યું હોય તેમ બાળક ભાગી જાય છે.બીજીવાર પણ તે ભાઈ, બાળક ને ચોરી કરતાં જોઈ લે છે પણ પકડી શકતા નથી ને એનો પીછો કરીને  ત્યાં જઈ પહોચે   છે જ્યાં તે બાળક બીજા બાળકો ને બિસ્કીટ ખવડાવી રહ્યો  હોય છે,   ત્રીજીવાર તે બાળક ને પકડી ને ચોરી કરતાં અટકાવી   પોતે  બિસ્કીટ ભરી આપે છે   અને એમ કરી ને પોતે પણ આપવા નો આનંદ લે છે!!!વાર્તા તો આટલી જ છે પણ દિગ્દર્શક શ્લોક શર્માની કમાલ આપણ ને દેખાઈ આવે છે, બાળક જયારે મિત્રો ને બિસ્કીટ આપવા જાય છે ત્યારે બધા બાળકો ખુશ થઇ ખાતા હોય છે અને એ વાત નો આનંદ તે બાળક ના ચહેરા પર આપણે  જોઈ શકીએ છીએ.  અહિ એક બીજું બાળક આપણ ને   બોલતું સંભળાય છે ,” સુપર મેન મુઝે ભી  બિસ્કીટ દે  ના!” સૌ બાળકો માટે તે ચોર બાળક સુપરમેન છે તે એક વાક્ય થીજ સમજાવે છે  અને તે ના અનુસંધાન રૂપે બાળક જયારે ત્રીજીવાર પકડાય છે ત્યારે સુપરમેન નું મોહરું પહેરેલો બતાવે છે , ઉપકારવશ પેલો બાળક આધેડ ભાઈ નો થેલો લઇ ને ભાગે છે પણ કેમ?

                   વાર્તા ને રજુ કરવામાં અભિનય ના ઊંડાણ આપણ ને ડગલે ને પગલે  જોવા મળે છે, બાળક તો માસુમ છે તે ચોરી જેવો ગુનો પણ બિલકુલ અજાણતા ને સમજ્યા વગર પણ સંપૂર્ણ નિષ્ઠા થી કરે છે, તેનો  ધ્યેય તો ભૂખ્યા મિત્રો ને ખવડાવવાનો જ છે, તેઓ ને ખાતા જોઈ ને પોતાને થતી ખુશી તે ગઝબ રીતે હસી ને દર્શાવે છે ,  તે પકડાતો નથી ને ભાગી જાય છે ત્યારે , આ સંજોગો માં પણ હસે  છે!!! છેલ્લે પેલા કાકા નો થેલો લઇ ને ભાગે ત્યારે બે ઘડી કાકાની સાથે આપણે પણ ચિંતા માં પડીએ છીએ અને ત્યાં જ તે કાકાનો ભાર ઓછો કરવા થેલો લઇ ને ભાગ્યો હતો તે માત્ર એક નજર નાખીને સમજાવે છે     તો સામે એ આધેડ કાકાપણ  “રફ અને ટફ” દેખાતા હોવા છતાં કેટલા નરમ દિલ ને ઉમદા માણસ હતા તે  પડદા પર ની તેમની હાજરી દરમ્યાન સતત  જતાવતાં રહે છે.અને આમ હરેક સીન માં માત્ર આભિનય ના ઊંડાણથી  આખી વાર્તા ને શબ્દો ની મદદ વગર રજુ કરે છે એ જ ફિલ્મ ની પરાકાષ્ટા છે.

છબી કળા ની વાત કરીએ તો દરેક દ્રશ્ય ને અનુરૂપ વાતાવરણ , દિવસ ની શરૂઆત ને પડતી સાંજ તેમેજ ચહેરા ના ભાવો ને સ્પસ્ટ કરવાનો પ્રયાસ એ ફોટોગ્રાફી નો   કમાલ  જ કહેવાય, ખાસ તો કાકા સળિયા માંથી રૂમ ની અંદર નું દ્રશ્ય જુવે છે ને અંદર નું દ્રશ્ય પણ ખુબ સમજપૂર્વક   કંડાર્યું છે. આ બધા સાથે મ્યુઝીક નો જે સમન્વય થયો છે તે  પણ ફિલ્મ ને અવોર્ડ વિનર બનાવવા માં પોતાનો ભાગ ભજવે છે બજાર  માં સંભાળતા ફિલ્મી ગીતો અને   રેડિયો માં ચાલતું સંગીત, સમય અને વાતાવરણ નો તાગ સમજાવે  છે. આ  દ્રશ્યો જ્યાં લેવાયા છે તે લોકેશન ની પસંદગી માટે આપણે અઝીઝ મર્ચન્ટ ને શ્રેય આપવો જ રહ્યો !!! 

                   આમ જયારે કોઈ ફિલ્મ ના બધાજ પાસા સંપૂર્ણ ને  શાનદાર હોય ત્યારે તે ફિલ્મ ને અવોર્ડ વિનર બનતાં કોઈ ન રોકી  શકે, ટૂંકી ફિલ્મો ની જાન  એટલે તેની સદેશ વાહક જાનદાર સ્ટોરી અને અદ્ભુત અભિનય નો સમન્વય અને અનુરૂપ દિગ્દર્શન અને  ફોટોગ્રાફી તો વળી  લોકેશન ની પસંદગી પણ એટલી જ મહત્વ ની     ગણાય. “જોય ઓફ ગિવીંગ ” ના સઘળા પાસા શાનદાર છે એટલેજ તે મઝેદાર છે અને અવોર્ડ વિનિંગ ફિલ્મ છે.

                બેઠક માં આ વિષય રાખી ને અમારે માટે જુદી  જ દિશા ના દ્વાર ખોલવા બદલ , વિજયભાઈ , પ્રજ્ઞાબેન અને સંકળાયેલા તમામ નો જેટલો  આભાર માનું તેટલો ઓછો છે  , આભાર  —   રશ્મિ જાગીરદાર 

ફિલ્મ ઉપર સમીક્ષા-(6)-ડો ઇન્દુબેન શાહ

The Joy of Giving-ફીલ્મ- https://youtu.be/O8EnJU2lFGE

અનુરાગ કશ્યપની આ ટચુકડી ફિલ્મમાં  થોડામાં ઘણું કહેવાયું છે.નાનો બાળક ચોર એક જ જગ્યાએ રોજ જઠરાગ્નિને શાંત કરવા ખાવાનાની ચોરી કરે છે, તે શાળામાં ગયો નથી તેને કોઇએ સારું શું, ખરાબ શું વિષે સમજાવ્યું નથી. ફક્ત બધાની નજર ચૂકવી કેવી રીતે ચોરી કરવી અને દોડીને ભાગવું તે તેને આવડે છે. સ્ટોરના બે કામદારો વચ્ચેથી રસ્તો કરી સિફતથી ભાગે છે. આ ખાવાનું તે એકલો નથી ખાતો દૂર બેઠેલા પોતાના જેવા બીજા મિત્રો સાથે મળી આનંદથી મિજબાની કરે છે.છોકરાની હલન ચલન સાથે ફક્ત તાલ બધ્ધ પરકસન સંગિત મુકવાનુ પણ ડીરેક્ટર ભૂલ્યા નથી. અનેક ગરીબ ઘરના બાળકો ભારતમાં આવા કામ કરી રહ્યા હશે.અનુરાગ કશ્યપે તે ચિત્ર તાદૃષ્ય કચક્ડામાં કંડારી આપણી સમક્ષ રજુ કર્યું છે.

મુંબઇ નગરીની સવારની થતી ધમાલનું પણ ડીરેક્ટરે સુંદર ચિત્ર રજુ કર્યું છે,નેપથ્યમાં વાગતુ તાલ બધ્ધ સંગીત, કપ રકાબીના અવાજ  માલિક નોકર વચ્ચે કામ સાથે થતા સંવાદ તેર નંબરને ચા, બે નંબરના પૈસા રસ્તા પરના કુતરાઓ.

આધેડ ઉમરનો માણસ બે વખત ચોર પકડૉ પકડોની બૂંમ મારે છે. ચોરને ચોરેલું ખાવાનું મિત્રો સાથે વહેંચતા જુએ છે, તેના મુખ પર કરૂણાના ભાવ ઘણું કહી જાય છે,પોતાનું ટીફીન બોક્ષ બંધ કરે છે.છોડ દો …છોકરો તો પછો એજ દુકાનમાં પોતાનું બિસ્કીટ ચોરવાનું કામ કરવા આવી ગયો, આજે ચૂપચાપ એક કપડુ લઇ તેમાં જે મળ્યું તે ભરવા લાગ્યો ગાસડી બાંધી ખભે લટકાવી સામે એજ માણસ છત્રી સાથે ઊભો છે, જોતા જ પોટલું નીચે મુક્યું દોડ્યો આધેડ માણસે ઉપાડી બેસાડ્યો બોક્ષ ભરી  બિસ્કીટ આપ્યા, માલિકને વાતમાં વ્યસ્ત રાખ્યો, ચોકરાને  જવા દીધો મુખ પર સંતોષ આનંદ …”Joy of giving”.

આજે છોકરાએ આધેડ માણસના હાથનો બોજ અને છત્રી ઉપાડ્યા ભાગ્યો, દુકાનના ઓટલે વસ્તુઓ મુકી શાંતિથી માણસની રાહ જોઇ, માણસે સટર ખોલ્યું પોતાની વસ્તુઓ જોઇ બન્ને મૌન એકબીજા સામે જોયું,બન્નેના મુખ પર અનોખા ભાવ, છોકરો તેના રસ્તે…એજ .નેપધ્ય સંગીત.આ બે પાત્રોની ઓલમોસ્ટ મુંગી ફિલ્મમાં અનુરાગ કશ્યપે ઘણું કહી દીધું. જોવા જેવી શોર્ટ ફીલ્મ.

અસ્તુ.

ડો ઇન્દુબેન શાહ

ફિલ્મ ઉપર સમીક્ષા-(5)-પી. કે. દાવડા

The Joy of Giving-ફીલ્મ- https://youtu.be/O8EnJU2lFGE

ડોક્યુમેન્ટરી ફીલ્મ એ કોઇપણ માહીતિ કે સંદેશ, સચોટ રીતે લોકો સુધી પહોંચાડવાનું સાધન છે. The Joy of Giving એ અનુરાગ કશ્યપ દ્વારા નિર્માણ કરેલી ડોક્યુમેન્ટરી છે. માત્ર દસ મીનીટમાં જ આ ફીલ્મમાં કોઈને કંઈ આપવામાં કેટલો આનંદ છે, એ સમજાવવાની કોસીશ કરી છે. ફીલ્મમાં માત્ર બે મુખ્ય પાત્રો છે, એક બાળક અને એક આઘેડ વયનો હોટેલમાં કામ કરતો નોકર. માત્ર નામ પૂરતા જ સંવાદ, એકાગ્રતામાં વિક્ષેપ ન પાડે એવું ઘીમું પાર્શ્વ સંગીત અને વાસ્તવિકતા મુજબનો જ પ્રકાશ, આ ત્રણે વસ્તુ ખાસ ધ્યાન ખેંચે છે.

ફીલ્મમાં દર્શાવેલો પ્રસંગ એક નાના શહેરનો છે. દરેક શહેરમાં જેમ ગરીબોના, મધ્યમ વર્ગીય લોકોના અને શ્રીમંત લોકોના વિસ્તારો હોય છે, એમ આ ફીલ્મમાં શરૂઆતમાં ગરીબ વસ્તીનો ઈલાકો દેખાડવામાં આવ્યો છે, ચાલીને કામે જતો નોકર, વચ્ચે એક પહોળો અને સ્વચ્છ રસ્તો ક્રોસ કરે છે, હજી વહેલી સવારનો સમય હોવાથી ટ્રાફીક સીગ્નલ બ્લીંકર ઉપર છે, અને પછી એ ગરીબ અને મધ્યમ વસ્તીના લોકો માટેની બજારના રસ્તે આવી જાય છે. અહીં એ જે હોટેલમાં કામ કરે છે, એ હોટેલના રોલીંગ શટરની બાજુની દીવાલ ઉપર હંમેશાં જોવા મળતી કોકાકોલાની જાહેરખબર ધ્યાન ખેંચે છે. હોટેલનું નામ પણ ભીંત ઉપર જ લખવામાં આવ્યું છે, The Army Restaurent અને નીચે લખ્યું છે Chinese Dishes. આનો અર્થ એમ થાય કે નજીકમાં આર્મી હોસ્ટેલ કે બંદરગાહ હશે.

આ સાફ સફાઈ કરનાર નોકર માલિકનો અતિ વિશ્વાસુ નોકર હશે, કારણકે હોટેલનું શટર ખોલવાની ચાવી એની પાસે છે. સવારના ખૂબ વહેલો આવી એ શટર ખોલે છે અને બત્તી-પંખો ચાલુ કરે છે. ત્યારબાદ તરત જ ડાયરેકટર હોટેલની ચહેલપહેલ અને એમાં સામાન્ય રીતે સંભળાતા શબ્દો મૂકી પ્રક્ષકોને વાસ્તવિક હોટેલના વાતાવરણનો અનુભવ કરાવે છે. હવે અહીંથી ફીલ્મના સંદેશની શરૂઆત થાય છે. ફીલ્મનો નાયક બાળક હોટેલમાં દાખલ થાય છે, અને જરૂરી સાવધાની વર્તી, કાઉન્ટરપરથી એક ખાવાની વસ્તુનો પેકેટ હાથચાલાકીથી ઉપાડી લે છે. જ્યારે એ હોટેલની બહાર નીકળતો હોય છે ત્યારે પેલા નોકરની નજર પડે છે, અને એ alarm raise  કરે છે. પછીનો પકડદાવ દિગદર્શકે સરસ રીતે બતાવ્યો છે, આ વખતે એ છોકરો છટકી જઈને નાસી જવામાં સફળ થાય છે. અહીં પણ જાણે કે હોટેલનો નોકર એ બાળકને છટકવાની તક આપતો હોય એવું લાગે છે. બીજી એક વાત ધ્યાન ખેંચે છે એ બાળકના ટી શર્ટની સાઈઝ. એમાં પણ એક છૂપો સંદેશ છે.

બપોરના જમવાના સમયે સફાઈ-નોકર પોતાનું ટીફીન ખોલીને જમવા બેસે છે, તો બહારથી ફરી ‘પકડ.. પકડ..” નો અવાજ એના કાને પડે છે. એ બહાર આવીને જૂવે છે તો ફરી એ જ છોકરો ચોરી કરીને નાસી જતો જોવા મળે છે. અંદર આવીને એ જમવા બેસે છે, પણ એના મનમાં ઉઠેલા વિચારોને લઈને એની ખાવાની ઇચ્છા મરી જાય છે, અને એ જમ્યા વગર જ ટીફીન બંધ કરી દે છે. અહીં એક બાળગુનેગાર વિષે એક ગરીબ માણસના મનમાં કેવી લાગણી થાય છે, એ ડાયરેકટરે બહુ નાજુક રીતે દર્શાવ્યું છે. ફરી રાત્રે એ નોકર કામપરથી છૂટો થઈ ઘરે જતો હોય છે, ત્યારે એની નજર એ બાળકને ફરી ચોરી કરી નાસી જતો જૂએ છે. આ વખતે એ એનો પીછો કરી, એ બાળક જે વસ્તીમાં રહે છે ત્યાં પહોંચી જાય છે, અને ત્યાં એ જૂએ છે કે ચોર બાળક, ચોરીનો માલ બીજા ગરીબ બાળકો સાથે વહેંચીને ખાય છે. બધા બાળકોનો આનંદ ખૂબ સરસ રીતે બતાવ્યો છે, અહીં જ આ ફીલ્મનો સંદેશ છે The Joy of Giving. ચોરી કરનાર બાળક પોતે ચોરી કરીને લાવેલો માલ બીજા બાળકોને આપી ખુશ થાય છે.

આ જ વાતને આગળ વધારતાં ફીલ્મમાં દેખાડ્યું છે કે ફરી એક વાર એ બાળક એ જ હોટેલમાં ચોરી કરવા આવે છે. એને હોટેલમાં કોઈની હાજરી ન વર્તાતાં, બાળકસહજ વૃતિથી વધારેમાં વધારે ખાવાનું લઈ જઈ શકાય એ માટે એક મોટું વસ્ત્ર શોધી કાઢી, એમાં બધું એકઠું કરી, એ લઈ જવાની તૈયારીમાં હોય છે, ત્યારે જ પેલા નોકરની નજર પડે છે. ફરી થોડો પકડદાવનો સીન દેખાડી, ડાયરેક્ટર દેખાડે છે કે નોકર એ બાળકને ઉચકી લઈ, એક ઉંચા કબાટ ઉપર બેસાડે છે, અને એને આપવા એક થેલીમાં બિસ્કીટ ભરે છે. એટલામાં હોટેલના માલિક આવી જાય છે, એને સહજતાથી સલામ માલેકુમ કહી પોતાનું કામ જારી રાખે છે. બધું નોર્મલ છે એ દેખાડવા એ માલિકને હોટેલના બીજા એક નોકરનો સંદેશ આપે છે, અહીં એ પણ ધ્યાનમાં આવે છે કે માલિક મુસલમાન છે, પણ અચાનક છૂટીપર ચાલ્યો ગયેલો નોકર હિંદુ છે. અહીં આ સફાઈવાળૉ નોકર કેટલો નર્વસ છે, એ ડાયરેકટર શેઠને એકની એક વાત નોકર બે ત્રણ વાર કહે છે એ દેખાડીને સચોટ રીતે દર્શાવ્યું છે. એ ચોરી કરનાર છોકરાને જ્યારે બિસ્કીટની થેલી આપે છે, ત્યારે બન્નેના ચહેરા પરના ભાવ ઘણુંબધું કહી જાય છે.

આ ડોક્યુમેન્ટરીનો અંત પણ બહુ સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે. હંમેશની મારફત વહેલી સવારે એ સફાઈનોકર વજનદાર થેલા સાથે કામપર જતો હોય છે. અચાનક પેલો ચોર છોકરો એના હાથમાંથી થેલી ઝુંટવા દોડી જાય છે. પ્રેક્ષકને આશ્ચર્ય લાગે એવો આ સીન છે, પણ થોડીવારમાં જ એનો ખુલાસો થાય છે, કે એ છોકરો પોતાના ઉપરના ઉપકારનો બદલો વાળવા એ વડિલનો બોજો ઉચકીને હોટેલ સુધી લઈ જાય છે.

આ આખી વાતમાં કહ્યું છે એના કરતાં વગર કહ્યે સમજવા જેવા અનેક નાનામોટા સંદેશ છે. નાના બજેટવાળી આ ફીલ્મ આર્ટની દૃષ્ટીયે ખૂબજ સારી છે. બધા સેટીંગ Real છે, પ્રકાશની માત્રા ખૂબ જ સમજદારીથી રાખવામાં આવી છે. સંવાદો જરૂર પુરતા જ છે, સંગીત સૌમ્ય છે.

આ ડોક્યુમેન્ટરીની પટકથા કાલ્કી કોચલીને લખી છે, સંગીત કરણ કુલકર્ણીનું છે, વસ્ત્રભુષા અનુભુતિ કશ્યપની છે. ફીલ્મનું દિગદર્શન સ્લોક શર્માનું છે. મીલીંદ શિરડેનું કેમેરાવર્ક પણ સારૂં છે.

હું આ ફીલ્મને પાંચમાંથી સાડાત્રણ અંક આપું છું.

-પી. કે. દાવડા

ફિલ્મ ઉપર સમીક્ષા-(4) તરુલતા મહેતા

‘જોય ઓફ ગીવીંગ’-શોર્ટ ફિલ્મ A joy of giving- https://youtu.be/O8EnJU2lFGE

અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મને જોતાં પહેલાં આ જ વિષય પરની બીજા પ્રોડુયુસરની ફિલ્મ જોવાની લાલચને હું રોકી ન શકી.2010માં ‘જોય ઓફ ગીવીંગ ‘નું સેલીબ્રન કરવામાં આવ્યું હતું.યુ ટ્યુબ ક્લીક એટલે મઝા.ફિલ્મ -નાટક માં પણ મઝા,મનોરંજનની

અપેક્ષા રહેતી જ હોય છે.કોઇપણ કલામાં  જીવનનું વત્તુંઓછું પ્રતિબિબ પડે છે.પણ કલાકારની દ્રષ્ટીએ સર્જેલી ફિલ્મ એક અલગ ,નવીન વાત રસપ્રદ રીતે રજૂ કરે છે.કઠોર વાસ્તવિકા હોય કે દુખદ હોય કે સુખદ ઘટનાનું રૂપાંતર કલાકાર આગવી માવજતથી કરે છે.નાટકની જેમ ફિલ્મ પણ ગાયન,વાદન ,અભિનય એમ બધી કલાનું પિયેર છે,એમ કહો કે મિલનસ્થાન છે.ફિલ્મ દ્શ્યમાન છે.તેથી કેમેરાનો સૂઝપૂર્વકનો ઉપયોગ કમાલનું કામ કરે છે.અનુરાગ કશ્યપ આ ફિલ્મમાં ટોર્ચ લાઈટની જેમ ધારદાર પ્રકાશમાં એક લાંબી ફિલ્મ બને તેવા વિષયને શોર્ટ ફિલ્મમાં કંડારે છે.’ગાગરમાં સાગર સમાવ્યો છે.’ ઉદ્દેશ કે સંદેશ અભિપ્રેત આ ફિલ્મ ફોર સ્ટાર આપવા જેવી કેમ બને છે?

તે વિશેનું  મારું કુતૂહલ મને બે કે ત્રણવાર ફિલ્મ જોવા પ્રેરે છે.મને ફિલ્મ જોવાની ગમી,આનંદ મળ્યો તો તેનું કારણ એ છે તેમાં બીજાને આપીને મળતાં આનંદની માનવતાસૂચક વાત કહી છે ? ના એવો સંદેશો તો ઉપનીષદના જમાનાથી ‘ત્યેન ત્યક્તેન ‘ આપણે સાંભળતા આવ્યા છે.એટલું જ નહિ અનુભવ્યું છે,સારી ,બોધપ્રેરક વાતને જયારે તટસ્થ રીતે ‘જજમેન્ટ’ કર્યા વિના જીવંત રજૂ કરવામાં આવે છે ત્યારે આનંદ મળે છે.ભારતના મોટા શહેરોમાં ગરીબ બાળકોની દશા જોઈ આપણું હદય ફિલ્મમાં અને વસ્તવિકતામાં દ્રવી ઊઠે છે,ધરબાર વગરનાં આ છોકરાં નથી નિશાળે જતાં કે નથી નીતિના પાઠ શીખતા. ચોરીચપાટી ,છેતરર્પીડી,ઉઠાંતરી માટે આ બાળકોની માથાવટી મેલી છે જ ,અમદાવાદના સ્ટેશનની બહાર નીકળતાં મારું પર્સ ખેચાયેલું ,સૂરતના ચોપાટી વિસ્તારમાં મારી સોનાની ચેન તૂટેલી ત્યારે મેં દોડતા અને સાઈકલ પર  ભાગતા  છોકરાને જોયેલો  મને ગુસ્સો આવેલો અને  ‘જોય ઓફ ગીવીંગ ‘ના અંતિમ દ્રશ્યમાં મોટી વયના પાત્રની જેમ હું હતપ્રભ થઈ ઊભી હતી.’કોઈ પકડો’ જો આ ફિલ્મ અહી પૂરી થઈ હોત ?મારા આનંદમાં એક પ્રકારની નિરાશા આવત.મને એમ થાત કે એ તો

એવું થતું હોય છે.એમાં નવું શું કહ્યું? ‘કોઈ પકડો ‘ ફિલ્મની  શરૂઆતથી અંત સુધી પડધાયા કરે છે.મને રાજકપૂરની જાગતે રહો ફિલ્મ યાદ આવે છે.બીજાને આપતા મળતા આનંદને પકડો -જાણો।  મોટી ઉમરના પુરુષના પાત્રમાં ઉદિત ચન્દ્ર નો અભિનય મને અસર કરી ગયો,જે બાળકને બપોરે બિસ્કીટ આપ્યાં હતાં કારણકે તે ચોરી કરેલું ખાવાનું બીજાં બાળકોમાં વહેચીને હસતો હતો.તે બાળક પોતાની બેગ ઉપાડીને દોડી ગયો! એના ચહેરા પર  રોષ ,નિરાશા થીજી જાય છે.માનવતા સાવ મરી પરવારી।  મોટી સાઈઝનું

ભૂરા રંગનું ટી શર્ટ પહેરેલો બાળક દોડતો આવી જયારે એને બિસ્કીટ આપનાર વડીલ પાસેથી થેલી લઈને ભાગ્યો ,ત્યારે મારો સ્વાસ રોકાઈ ગયો,’આ ય આવો નીકળ્યો ‘ એમ કહેવા જતી હતી ત્યાં જ એ ભૂરું શર્ટ દેખ્યું ,’હાશ ‘થઈ,પોતાને મદદ કરનારને ઘર -કુટુંબ વગરનો

સ્ટ્રીટ પર રહેતો બાળક શું આપી શકે? જેણે કદી બાપનો  વહાલભર્યો હાથ સ્પર્શ્યો નથી તે એટલું તો જાણે છે કે એ વુદ્ધ હાથનો થેલીનો બોજ ઉપાડી એ આનંદનું  અમી છાટી શકે.આપણને સૌને અનુભવ છે કે ધેર આવીએ ત્યારે જો દોડીને દીકરો ,દીકરી કે પોતા ,પોતી હાથમાંથી ગ્રોસરી બેગનો ભાર લઈ લે તો કેવા ખુશ થઈએ ‘સો વરસના થજો ‘એવા આશીર્વાદ આપી દઈએ ,મારા ધારવા મુજબ   એ બાળ કલાકાર નમન જેન હશે.કમાલનો અભિનય છે.છેલ્લે ડાન્સ કરતો હોય એમ બિન્દાસ દોડી જાય છે.સંવાદો ઓછા છે.અભિનય સહજ છે  ,બાળકના હાસ્યને સંગીતમાં વણી લીધું છે.અંતે વડીલ એનું ઘર જે કોઈ ઓરડી હશે તેનું શટર ખોલે છે.ફિલ્મની શરૂઆતમાં દુકાનનું શટર ખૂલે છે.બે શટરમાં જીવાતી શહેરની જીદગીનું જકડી રાખે તેવું નિરૂપણ અહી છે.ફિલ્મના બે ગ્રાઉડમાં મ્યુઝીકની સાથે હોટલના માણસોની વાતચીત ,નાયકની એના શેઠ સાથેની વાત ,ચા-પાણીના ઓર્ડર પ્યાલા રકાબીનો ખખડાટ વાતાવરણને જીવત કરે છે,બીજાને આપીને આનંદ મેળવનાર માણસ નાત જાત ,ગરીબ ,તવંગર એવા  ભેદભાવોથી પર છે.એ માણસમાંથી મુઠ્ઠીભર ઉચો ઊઠેલો માનવ છે.’હું માનવી માનવ થાઉં તો ધણું ‘ અનુરાગ કશ્યપની ‘જોય ઓફ ગીવીંગ ‘ફિલ્મ પાત્રનું આવું રૂપાંતર કરે છે.વડીલનું પાત્ર અને બાળકનું પાત્ર શોર્ટ ફિલ્મના પહેલા દ્રશ્યથી અંતિમ સુધીમાં વિકાસ કરે છે.આપણે પણ રીવ્યુ લખ્યા પછી આપણી અંદર દટાયેલું કઈક મેળવ્યાનો આનંદ અનુભવીએ છીએ.ફિલ્મ બનાવવાનું ,તેને જોવાનું અને મમળાવવાનું કે રીવ્યુ કરવાનું બધું આનન્દમય છે.મને આશા છે કે બિનભારતીય-ફોરેનર પ્રેક્ષકો ‘જોય ઓફ ગીવીગ ‘ફિલ્મને જોયા પછી ભારતના દીન બાળકોની સ્થિતિ જોશે પણ ત્યાંના માનવોમાં રહેલાં બીજાને આપીને મળતાં આનંદને જોશે। ફિલ્મકલાને

માણશે,સાચી કલાનો પ્રાણ જીવન છે.જેવું છે તેવું સ્વીકારી તેને  પોઝીટીવ રીતે જોવાનું અને માણવાનું છે.કોઈ પણ ફિલ્મ કે કળા

જીવનમાં આનંદ પૂરવાનું ભાથું છે.

તરુલતા મહેતા 6ઠ્ઠી ઓક્ટોબર 2015

મિત્રો મેં જયારે બેઠકનો આ મહિનાનો વિષય  આપ્યો ત્યારે એક સુંદર પ્રતિભાવ અંગ્રેજીમાં આવ્યો હતો, દાવડા સાહેબે  અનુવાદ કરી આપ્યો છે. જે આપ સહુને વાંચવા મુકું છું.

વિષય છે – ફિલ્મ ઉપર સમિક્ષા કરવી

(જયશ્રીબહેનના કોમેન્ટનો અનુવાદ)

પ્રજ્ઞાબહેન, આ એક સારૂં અને સાહસભર્યું પગલું છે. છતાં મને લાગે છે કે લેખકને ઓછામાં ઓછું પટકથા, સંવાદ, વગેરે શું છે એનું જ્ઞાન હોવું જરૂરી છે.(બીજા શબ્દોમાં એના માટે વપરાતા શબ્દોની સમજ હોવી જરૂરી છે). કલાકારનું કામ કેવું હતું, સંગીત, ગીતો, સંવાદ, ઉત્તેજના, ચિત્રકલા, વસ્ત્રોની ડીઝાઈન, અને સૌથી અગત્યનું દીગદર્શન વગેરેનું મુલ્યાંકન કરવાની આવડત હોવી જોઈયે. ફીલ્મી પત્રકારીત્વ માટે આ બધી વાતોના ચોક્કસ નિયમો હોય છે. ઉદાહરણ તરીકે “કહાની” ફીલ્મમાં જેમ કલકતા દેખાડવામાં આવ્યું છે તો એવું લાગે છે કે કલકતા એ ફીલ્મનું એક મુખ્ય પાત્ર છે. તમે આ બધું ધ્યાનમાં રાખીને ફીલ્મ ન જૂઓ તો ફીલ્મનો સાર્થ રીવ્યુ લખવો અઘરૂં છે.

ફીલ્મ કે નાટકના રીવ્યુ અને ઈન્ટરવ્યુ લેવા એ પત્રકારીત્વના ભાગ છે. સર્જનાત્મક લખાણ જેવા કે કવિતા, નિબંધ, વાર્તા કે નવલકથાથી એ અલગ છે. શ્રી હરીન્દ્ર દવે અને શ્રી વેણીભાઈ પુરોહીત એ બે જણ સાહિત્યકાર અને પત્રકાર બન્ને હતા.

મને ખાત્રી છે કે લખનારા પુરતી શોધખોળ કરીને રીવ્યુ લખશે, પણ કહેવાય છે કે તમે સારા લેખક હો તો જરૂરી નથી કે તમે સારા કવિ પણ હો.

આશા છે કે તમને ખરાબ નહિં લાગે. મને લાગે છે કે આ સાહસભર્યું પગલું છે. એક બીજી વાત, લખનારાઓને જણાવજો કે આ લકતી વખતે તમારે તમારી સાહિત્યકાર તરીકેની શક્તિ દેખાડવાની નથી. બસ આટલું જ.

આવજો.

Jayshree Merchant says:

Pragnaben, it is a bold step and good one. I do think, though, a writer should least of all, know e.g. What it means by screenplay, script, editing etc.. (In other words, understanding of the Lingo). One should also understand the technic of how to evaluate star performances, music, lyrics, dialogue, thrills, photography, costume designs and most importantly direction. There are specific standards for all these aspects of the film journalism. For example, the way Kolkatta is filmed in the “Kahani” movie, it feels like the filming of the city was another star character of the entire screenplay. Unless one views the film with all these aspects in the mind, it is very difficult to write the meaningful review of a film.

Film or drama reviews, taking interviews are part of journalism writing vs. Creative Writing like poetry, an assay or a story or a novel. There were 2 great literature writers who were great journalists as well. They were, Shri Harindra Dave and Shri Venibhai Purohit who did film journalism as well.

I am sure every one will conduct enough research before they write reviews but it is said that if you are a good writer, it does not mean you will be a great poet. I just thought I will share my views with you.

I hope you did not feel bad. I do think it is a bold step. Only thing, please share with them that writing reviews does not reflect on your creative writing skills. That is all.

Take care.
Jayshree