પ્રેમ એક પરમ તત્વ-રવિવાર પૂર્તિ-

મિત્રો એક વાત ની જાહેરાત કરતા ખુબ આનંદ અનુભવું છું કે હવેથી રવિવારની પૂર્તિ સપનાબેન વિજાપુરા લખશે.
તેમનો વિષય છે.પ્રેમ એક પરમ તત્વ 
શું આપણે જાણીએ છીએ ખરા કે પ્રેમ એટલે શું? માત્ર સ્ત્રી-પુરુષના સંબંધોમાં જ નહીં પણ સંસારના તમામ સંબંધોની સાથે પ્રકૃતિ સાથેનો આપણો નાતો એટલે પ્રેમ. આવો જાણીએ એક પરમ તત્વ  “પ્રેમ” ઈશ્વર એક એવું સત્ય જે હર કોઈ વ્યક્તિ જાણે છે પણ તેના અસ્તિત્વ નો અનુભવ જીવનમાં અનેક રીતે અનેક સંબધોમાં કરીએ છીએ. પ્રેમ ભીતરની ઘટના છે.પ્રેમ એ જીવન છે. એક એવું તત્વ જે અનિવાર્ય છે. બસ આ વાત સપનાબેન એમની  ચિંતનિકામાં પીરસી આપણ પ્રેમને અને  પ્રેમની વ્યાખ્યાને ખીલવશે . 

સપનાબેન શબ્દોથી મોસમ ખીલવે છે.

આમ જોવા જઈએ તો સપનાબેન  મળી ત્યારેથી એવું લાગે કે જાણે  અમે ખુબ પરિચિત છીએ.એક વ્યક્તિના બેઠકમાં પ્રવેશથી મારા પણાનો અહેસાસ અનુભવાય છે, એક નિર્દોષ હાસ્ય અને મલકાતું હૃદય.એમને મળીએ ત્યારે લાગે પ્રેમથી તમામ કડવાશ મધુરમ મધુરમ.એવા સપનાબેન એક ધબકતા સર્જક છે.તેઓ શબ્દ સાથે જીવી રહ્યા છે અને આમ શબ્દો સાથે જીવતા જીવતા ભાષાને ગતિમય રાખવાના બેઠકના આ યજ્ઞમાં પોતે પણ જોડાઈ ગયા છે.એમણે ભાષા અને શબ્દને અનેક રીતે જીવંત રાખ્યા  છે.અનેક લેખન પ્રવૃતિની વચ્ચે એમણે ગઝલને કાયમ જીવંત રાખી છે.અહી મરીઝને યાદ કરતા સપનાબેન ને પુછીશ  કે…. 
એક જ જવાબ દે મારો એક જ સવાલ છે;
આ મારા પ્રેમ વિષે તારો શું ખયાલ છે ?
બસ આનો જવાબ મેળવવા આપણે એમને દર રવિવાર પૂર્તિમાં માણશું.સાચી સંવેદના અને  નિખાલસતાથી  અભિવ્યક્તિથી સહજ વસંત ખીલે છે અને પક્ષી ટહુકે જેનો આનંદ બધા જ લે, લખનાર અને વાંચનાર બન્નેનો સંતોષ પરાકાષ્ઠાએ પહોંચે અને મનની મોસમ ખીલી ઊઠે….
બેઠકના આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા

પ્રેમ વિશે થોડા હાઈકુ.-શૈલા મુન્શા

પ્રેમ વિશે થોડા હાઈકુ.

૧ – પ્રેમનો માર્ગ,
વિના સાથી અધુરો
કેમ ખુટશે?

૨ – વેલેન્ટાઈન
તહેવાર પ્રેમનો
ક્યાં છે પ્રેમ?

૩ – મીરાનો પ્રેમ,
છે જગથી નિરાળો!
કનૈયા સંગ.

૪ – ચાંદની રાત,
બને અમાવસ શી!
દિલ તુટતાં.

૫ – ક્યાં માંગુ પ્રેમ?
દિલમા જગા થોડી,
એટલું બસ!

શૈલા મુન્શા

પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે ! વાસંતીબેન રમેશ શાહ

પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે !
 
અઢી અક્ષરના પ્રેમ શબ્દમાં અણમોલ,અલૌકિક,અદભુત ,અકળ,અવિનાશી શક્તિ છુપાયેલી છે 
પ્રેમના અનેક રૂપ છે ,જીવનમાં અનેક સમયે અનેક રીતે આપણે અનુભવ કરીએ છીએ 
પ્રેભુ પ્રેમ ,પરિવાર પ્રેમ ,ગુરુ શિષ્ય પ્રેમ તો મિત્ર અને સ્વદેશ પ્રેમ ,તેમજ પ્રાણી માત્ર માં પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે.
 ની:સ્વાર્થ   સમર્પણના ,ત્યાગ અને બલિદાન પ્રેમના સ્તંભ છે ,સ્તંભ જેટલા મજબુત તેટલો પ્રેમ અડ્ગ ,પ્રેમ માપવા માટે નથી તેને તોલી તોલીને ન અપાય 
 પ્રેમની અનુભૂતિનો એક પ્રસંગ આપને જરૂર કહીશ। …એક અંધ બાળા હતી આંખની ખોટ જન્મથી જ હતી એટલે ક્યારેય દુનિયા દેખી જ નહિ। ..આસપાસ ની વ્યક્તિઓ પાસે સંભાળતી કે પ્રેભુએ કુદરતનું સર્જન તદ્દન અનોખું કર્યું છે  કુદરત સપ્તરંગી અને મનોહર છે ,બ્રેઇલ લીપીથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુના સર્જનના અનેક વર્ણનો વાંચી માણ્યા હતા પરંતુ જોઈ ના શકી। ..એક દિવસ પ્રભુ પાસે પ્રાર્થનામાં ગોષ્ટી કરતી હતી ત્યારે પ્રભુને નમ્ર વિનંતી સ્વરૂપે કહું હે પ્રભુ શું તમે મને થોડી ક્ષણો માટે ચક્ષુ આપી ના શકો ? અને હા પ્રભુ મારા અંતરની ઈચ્છા છે કે મારી માંનું મુખડું જોઈ લઉં !આ કુદરતનું સોંદર્ય હું બીજાના મુખે સાંભળી અથવા વાંચી માણી લઉં છું પણ મારી માં જેને મને જન્મ આપ્યો અને મારું લાલન પાલન કોઈ પણ બદલા વગર કર્યું ,માન્યું જેણે માટીને રતન એવી માંને મને એકવાર જોવા દયો   હે પ્રભુ … હે પરમાત્મા…   મારા સર્વે વિચારો… મારી સર્વે ઉર્મીઓ… મારા ઉરનું અણુએ અણુમાં  જેનો વાસ છે એવી મારી માંને મારે થોડીક ક્ષણ માટે નહાળવી છે જેની  નિસ્વાર્થ પ્રેમ ધરામાં હું જીવી રહી છું પ્રભુ જેના દ્વારા હું આપના પણ દર્શન કરીશ। ….આજ પ્રેમ એટલે કે પ્રેમ 
 
વાસંતીબેન રમેશ શાહ 

પ્રેમ એટલે બસ પ્રેમ!.. ફુલવતી શાહ..

Displaying Mom 75th birthday.png
પ્રેમ એટલે  બસ પ્રેમ!
પ્રેમ વિષે ઘણી બધી ચર્ચા થઇ ગઈ. પ્રેમ વિષે નાં મારા વિચારો બહુ ટુંકાણ  માં રજુ કરવા પ્રયત્ન કરીશ  .
પ્રેમ એટલે શું? એને રંગ ,રૂપ કે સુગંધ નથી. એને નથી આકાર ! એની ફક્ત અનુભૂતિ જ થઇ શકે. જે મનથી અનુભવાય અને
માનિસક આનંદ ઉપજાવે એવી પરિસ્થિતિ એનુ જ નામ પ્રેમ!
માતા-બાળક , પિતા-પરિવાર , ભાઈ-બેન,પતિ-પત્ની ,ગુરુ-શિષ્ય ,મિત્ર-મિત્ર કે સમાજ નાં બીજા કોઈ પણ સબંધો એકબીજા સાથે
પ્રેમની સાંકળે બંધાયેલા છે. અરે ફક્ત માનવ – માનવ વચ્ચે જ  નહિ પણ માનવ અને પ્રાણી  વચ્ચે , તેમજ  પ્રાણી -પ્રાણી વચ્ચે    પણ
પ્રેમ સંબંધ બંધાય છે  . પ્રશ્ન એટલો જ છે કે આ  સબંધો માં ‘પ્રેમ ‘ ક્યારે ઉદ્ભભવે?   મારી સમજ પ્રમાણે ” સમર્પણ અને ક્ષમા” ની ઉચ્ચ ભાવના પ્રગટે તો જ ! અને એનું જ નામ પ્રેમ! પરસ્પર હૃદય પૂર્વક  આનંદ આપતું વર્તન કરી એકબીજાને પ્રેમનો સાચો  અનુભવ કરાવી  શકાય  .આ થઇ દુન્યવી પ્રેમ ની વાત.
ભક્ત અને ભગવાનના દિવ્ય પ્રેમની તુલના દુન્યવી પ્રેમ સાથે ક્દાપી ન થઈ શકે. ભક્તનું જીવન પ્રભુની સેવા અને પ્રેરણા રૂપ છે.  પ્રભુભક્ત સૃષ્ટિના સૌ જીવ માં પરમાત્માને નિહાળે .હર મનુષ્ય અને પ્રાણી માં પરમાત્માનું પ્રતિબિંબ નિહાળે છે. હંમેશા વિચારે કે પ્રભુ મારું વર્તન એવું કરાવ કે જેથી મારા થકી કોઈને  દુ:ખ નાં પહોંચે .મારા થાકી મારા પ્રભુને કષ્ઠ ન પડે એવું વિચારે છે . આવું ઉદાર અને અભિમાન રહિત જીવન દુનિયામાં ” પ્રેમ” ની વર્ષા વરસાવે ! ” સબસે ઉંચી પ્રેમ સગાઇ ” ભજન દ્વારા શ્રી કૃષ્ણ એ  પોતે મનુષ્ય સ્વરૂપે ભક્ત માટે કેટલો કષ્ઠ વેઠ્યો અને કેવું વર્તન કર્યું તે કવિ વર્ણવે  છે.માટે જ પ્રેમ એટલે પ્રેમી માટે સમર્પણ ભર્યું વર્તન !
Fulvati Shah

ફુલવતી શાહ

પ્રેમ

મિત્રો આજે ફરી પ્રેમ વિષે આપણે  વિચારશું પ્રેમ ની વ્યાખ્યા શું છે એના કરતા શું નથી વધારે કદાચ સ્પસ્ટતા આપશે  ….  પ્રેમ નફરત નથી ,પ્રેમ બદલો નથી,  તિરસ્કાર વૃતિ નથી ,માંગણી નથી ,અપેક્ષા નથી ,વાસના નથી ,સંકુચિત નથી ,ઉપેક્ષા નથી ,જૈન ધર્મ અને બુદ્ધ ધર્મમાં કહ્યું છે પ્રેમ નફરત હિંસા કે રૂક્ષ  નથી,બંધન છે ત્યાં પ્રેમ નબળો પડી જાય છે ,સરળાથી ગુસ્સે થતો પ્રેમ નથી ,ભૂલોનો હિસાબ પ્રેમ રાખતો નથી….પ્રેમ મતભેદ ને પોસ્તો નથી…બડાસ મારતો નથી ને મેં કર્યાનું અભિમાન પણ પ્રેમ કરતો નથી જ્યાં અવિશ્વાસ છે ત્યાં પ્રેમ નથી…ને માટે જ પ્રેમ અનાદર કરતો નથી…………………………….હા જયાં સરળતા ,અને સહજતા છે  અને દીવ્યપ્રેમમાં તો આસક્તિ પણ નથી….મિત્રો આવા પ્રેમની વાત કુંતાબેન ની કલમે માણીએ
પ્રેમ
 
પ્રેમ શું છે એ સમજવા દીલ ઉદાર જોઇએ
જન્મથીએ પહેલાં, વિષ્વ્ના ખોળેથી નીસરીએ.
 
કોખની હૂંફમાંથી માતાની મમતા જાણી લઇએ,
ને જન્મે –  માતપિતા, બન્ધુ સ્વ્જનનાં સ્વિકાર માણી લઇએ.
 
માર્ગે મળેલા સુહ્રુદ સખાની મઝા વીણી લઇએ,
અને કોઇ પર વારી ગયું જો દીલ, સમર્પણ સોહં કરી દઇએ.

મન માંકડું, ભટકે કદી તો માફ કરી દઇએ,
સન્માન સહુનું એમાં જ રહે, જો મીણને ઓગાળી દઇએ.
 
પાછા જવાનું જ છે – ડાઘ સહુ ધોઇને જઇએ,
ક્ષમા પ્રેમનું મ્રુગજળ, સહુને દેખાડીને જઇએ.
kunta shah

પ્રેમની વ્યાખ્યા

Mr. P.K.DAVDA

 
પ્રેમની વ્યાખ્યા – લેખક શ્રી પી.કે. દાવડા
 
પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક વ્યાખ્યા માટેના કારણો પણ આપ્યા છે.
“પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.
“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.
     
“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે, રોકવું મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.
“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષયમાં મારે કંઈ કહેવાની જરૂરત છે?
“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.
“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બંધ થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.
આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમા તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કર્યાં પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે,
પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.
આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય ,
રાજા-પરજા  જેહી રુચે, સીસ દેઈ લે જાય.  
પ્રેમ છિપાયા ના છીપે, જો ઘટ પ્રગટ હી હોય ,
જોકિ મુખ બોલે નહિ, નયન દેત હૈ રોય . 
     -પી.કે.દાવડા, ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા .
પ્રેમ એક  દિવ્ય અનુભૂતિ છે 
આપણે જયારે સંવેદનાની વાત કરીએ કે તરત પ્રેમ યાદ આવે તો આવા પ્રેમ ની વ્યાખ્યા કઈ ?ઘણાએ  પોતાના અનુભવ અને દ્રષ્ટીબિંદુ પૂર્વક કરી છે, દાખલા તરીકે પ્રેમ એટલે -કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ આ હું નીથી કહેતી  ઘણી જગ્યાએ વાંચેલું  અને આ જમાનાને ન લાગુ પડતું સત્ય,કોઈ પણ વ્યક્તિ  સૌ પ્રથમ પોતાને પ્રેમ કરે છે પછી પોતાને પ્રેમ કરનારને ,વિજ્ઞાન કહે છે પરમાણું નું આકર્ષણ એટલે પ્રેમ.આમ જોવા જઈએ તો કોઈ મને પ્રેમ કરે છે અને હું કોઈને પ્રેમ કરું છું  આ પણ એક આપણી ભ્રાંતિ જ છે ,સામાન્ય રીતે જોશોતો મનુષ્ય માં પ્રેમ એટલે બે વ્યક્તિના હકારત્મક વિચારો પછી થતી લાગણીની અભિવ્યક્તિ ,મોટે ભાગે તો પછી એજ લાગણી અને સંવેદના સાથે ,આકર્ષણ ,સાહનુંભૂતિ,સમર્પણ ,આશા વિશ્વાસ વગેરે વગેર જોડાઈ જતા હોય છે જે હકીકતમાં રાગના વિવિધ સ્વરૂપ છે..આવો પ્રેમ તો આકર્ષણ ને વિકર્ષણ છે આવો પ્રેમ ઊતરી જાય તો દ્વેષમાં પરિણામ પામે.પણ  પ્રેમ એક  દિવ્ય અનુભૂતિ છેએ ભૂલવું ન જોઈએ  .જેનું અવલંબન કશા પર નથી.
વધુ જાણતી નથી પરંતુ એ શુદ્ધ સ્વરૂપી આત્માનો ગુણ છે જયાં  અભેદતા ત્યાં પ્રેમ 
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા
 

છેલ્લે તો આપણે બે જ હોઈશું- “મૃગાંક શાહ

મિત્રો
આજે એક ખુબ જ સુંદર અને  અતિ સંવેદનશીલ કાવ્ય લાવી છું.
બહુ જ સરસ શબ્દો છે.ઉમરની સાથે પ્રેમ કરવાની રીત પણ બદલાઈ જાય.
પ્રેમ કયારે વ્યક્તિની આદતમાં સમાય જાય છે અને આપણને ખબર પણ પડતી નથી ..
રોજ રોજની આપણી ક્રિયા અને કાર્ય … દવા આપવી ,ચશ્માં ગોતવા ,પ્રેમ દર્શાવવાનું માધ્યમ બની જાય છે ..
હવે વેણી લાવવી નથી પડતી પણ મોજા પહેરાવી વ્હાલ દર્શાવાય છે,અને

જગડવાનો તો સવાલ જ નથી પરંતુ એમના સિવાય હવે કોઈ જગડવા માટે છે પણ નહિ . .
છેલ્લે તો આપણે બે જ હોઈશું આ શબ્દો કહે… .માળો ખાલી છે….

કવિ, ર્જક અને સર્જન
ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્રભાઈ  ના પત્ની ના શબ્દો માં કહું તો….
એનું બધુ જ જેવું હોય તેવું ગમે ગમે… -નયના શુક્લા

ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,

એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.

ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ ,
એમ કહીને એકબીજાને છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.

સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બે જ હોઈશું.

“મૃગાંક શાહ

 

પ્રેમની સુંદર અભિવ્યક્તિ

મિત્રો
આવતીકાલે વેલેન્ટાઇન ડે
પ્રેમનો એકરાર કરવાના અનોખો દિવસ
જે હૃદયમાં ઉગે  ને ખબર પણ ના પડે
જેમાં વાચા મૌન બનીને મ્હોરે ,
જ્યાં આંખોને વાણી બનાવી કૈક કહેવાય
જ્યાં નજર નજરથી વાતો કરે
જેની સામે સંતાઈને જોવાનું મન થાય એ પ્રેમ છે ,
કોઈના સમીપ આવતા બસ દિલ એક ધડકન ચુકી જાય
એ એહ્સાસનું નામ પ્રેમ
ચિત્ર- કાર્તિકભાઈ ત્રિવેદી -આભાર

મિત્રો
આજે પ્રેમની સુંદર અભિવ્યક્તિ કાવ્યમાં લાવી છું
…કવિતા માં સ્પર્શ નો અહેસાસ  છે પણ  નિર્દોષ પ્રેમની વાતો છે ..પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં છતા અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ  જયારે શબ્દો માં સર્જાય ત્યારે કવિતા બનીને ફૂટી નીકળે .. આવોજ એક અહેસાસ  તમને પદ્માબેનની  કવિતામાં જોવા મળશે .

પ્રેમનોફૂવારો

 

સાંવરી સૂરત એની મોહિની મૂરત

નયનોમાં એ છે સમાયો

નાવલિયો મારા મનમાં ભાયો

 નીરખી સહેલીઓ એ કાનમાં કહ્યું

અલી તારો વર છે વરણાગિયો

શું કહું સખી મારા મનને એ બહુ ભાયો

 છેલ રે છબીલાને દુરથી હું ભાળું

શરમના શેરડેથી લાજીમરુ ને

નજીક આવે તો કાળજે થતો ધબકારો

 સખી! એ તો મારી કીકીઓમાં એવો સમાયો

પૂજા, વ્રત, શ્રીફળને ફૂલોધરીને

મારી ગોરમાના આશિષે મેં એને પામ્યો

 સખી મારો સાંવારીઓ ભોળોને નખરાળો

નાની નણદી છે મારી ખૂબરે વ્હાલી

વારે વારે વીરને દેતી અણસારો

 મારે માથેથી ઓઢણીનો છેડો ખેંચી મલકાતી

કહેતી ભાભી તમે ક્યારે થાશો વરણાગી?

વરણાગી ભાઈને તમે વ્હાલા થશો ભાભી

 લાજી મરું હું તો શરમાઈ શરમાઈને

મારા અંતરમાં કૈક કૈક થાય સહેલી

ને ઓઢણીથી ચહેરાને મેં ઢાંક્યો

 ત્યાં તો વરણાગી વ્હાલમ સરકીને ધીરે

અંબોડે ચમેલીના ફૂલનો ગજરો પહેરાવ્યો

શું કહું  સખી! મારા મનડાને એ બહુભાવ્યો

 કોમળ કળીશી એની રેશમી હથેળીથી

એણે મારી ઓઢણીનો છેડો સરકાવ્યો

મારા ગાલના ખંજન પર ધીમે હાથ પ્રસરાવ્યો

 હર્ષ ઉલ્લાસે મારૂં કાળજું ફફડેને

રોમરોમ પુલકિત થઇ હું એના સ્પર્શની ક્ષણોએ

ત્યારે પ્રગટ્યો ત્યાં પ્રેમનો ફૂવારો

 મ્હેંકી ગઈ હું તો અંતરના ઓરડે

મારા હૈયામાં પીયુની સુગંધ પ્રસરાય

ને નાવલિયો મારા મનમાં સમાયો

 યાદ કરું એની મસ્તીને વહી જશે આયખું

પ્રભુ પાસે માંગ્યો સાતજન્મનો સથવારો

સાવરિયો મારો ભોળોને નખરાળો

 શું કહું સખી! એતો મારા હૈયામાં સમાયો

એતો મારા હૈયામાં સમાયો

 

પદ્માબેનકનુભાઈશાહ

 

 

( કોપીરાઈટ

: પદ્માબેનકનુભાઈશાહ, Jan . 29 2011 CA )

વેલેન્ટાઈન ડે-પૂછવું જ શું ?

 

મિત્રો ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમની મોસમ …..પછી તો પૂછવું જ શું ?..
હા આવા  પ્રશ્ન સાથેની મેઘલાતામાસીની એક સરસ મજાની કવિતા લાવી છું. .

માસીની એક ખૂબી છે  એ શબ્દોને ગમે ત્યાં વાપરીને કવિતામાં સજાવી શકે છે ..પ્રશ્નાર્થ ચિન્હ દરેક બે પંક્તિ એ વાપર્યા છે .પરંતુ જેમાં  હરેક પશ્ન એક મોન નો જવાબ છે .. પૂછવું જ શું ?થી વાત અધુરી નથી પ્રેમની પૂર્ણતાનો  અહેસાસ છે …

શરમાય ને પ્રેમ કેવી રીતે થાય એ ખુજ સુંદર રીતે રજુ કર્યું  છે ..પ્રેમને પાંગરવા માટે શબ્દો નો કે વાચા ની જરૂર નથી ….અમે નજરો થી જોઈને તમને કર્યે પ્રેમ અને તમે જવાબ વાળો મોંન  થી .. તો ચાલો પ્રશ્ન પૂછીને પ્રેમનો અહેસાસ  માણીયે..

પૂછવું જ શું ?
અમે સામું જોયું ને તમે શરમાઈ  ગયાં
ને પછી વાતો કરવાનું તો પૂછવું જ શું ?
અમે કેમ છો ?કહું  ને તમે લજવાઈ ગયાં
ને પછી આગળ તો પૂછવું જ શું ?
અમે મોગરો ધર્યો ને તમે મહેકી ઉઠ્યાં
ને પછી ગજરો ગૂંથવાનું તો પૂછવું જ શું ?
અમે પાણી માગ્યું ને તમે વરસી પડ્યાં
ને પછી બીજા કશાનું તો પૂછવું જ શું?
અમે હોઠે  મલક્યાં ને તમે છલકી  પડ્યાં
ને પછી છલકે ભીંજાવાનું તો પૂછવું જ શું ?
અમે નજર્યું નાંખી ને તમે ડૂબી ગયાં
ને પછી દરિયો તરવાનું તો પૂછવું જ શું ?
અમે હળવે પૂછ્યું ને તમે હસી પડ્યાં ,
ને પછી ‘હા’ ‘ના’કહેવાનું તો પૂછવું જ શું ?

વેલેન્ટાઈન ડે

મિત્રો,

વેલેન્ટાઈન ડે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ

વેલેન્ટાઈન ડે નિમિત્તે જયાબેનની સુંદર  રચના લાવી છું

એમણે વેલેન્ટાઈન ડે ને   ઉત્સવ દરીકે વર્ણવ્યો છે .

પ્રેમથી સમજવા અને સમજાવવાનો એમનો આ પ્રયત્ન છે..

પ્રેમનું વલણ અને પ્રેમની દષ્ટિને ખુબ જ સરસ રીતે આલેખી છે...

પ્રેમનો અનુભવ ક્યાં ક્યાં થઇ શકે.જ્યાં જ્યાં થાય અને જયારે થાય એજ વેલેન્ટાઈન ડે.. 

એજ  વેલેન્ટાઈન ડે

કરી જો તું  પ્રભુ ને પ્યાર  એજ  વેલેન્ટાઈન ડે..

રડતા  બાળક ને હસાવી જો  એજ વેલેન્ટાઈન ડે

દુખ ને પણ માન પ્રભુ નો પ્રસાદ  એજ  વેલેન્ટાઈન ડે

ને  સુખ ને સહુને  વહેંચતો જા એજવેલેન્ટાઈન ડે

વૃદ્ધ માં બાપ ને દેજે મીઠો ટહુકો એજ  વેલેન્ટાઈન ડે 

 

ને સ્વજનો ના સ્નેહ ને રાખજે મહેકતો એજ   વેલેન્ટાઈન ડે 

 

પડકારો ને હિંમત  થે દેજે હોંકારો  એજ   વેલેન્ટાઈન ડે 

 

ને શાંતિ માટે  હાથ  જોડનારો એજ   વેલેન્ટાઈન ડે 

 

શોભે જીવન માં પ્રારબ્ધ પૈસો ને પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે 

 

જનની  , જન્મભૂમી અને દેશ ને કરીએ પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે


ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
૧૦૬૫  વેસ્ટ હિલ્લ કોર્ટ
કેલીફોર્નીયા અમેરિકા- ૪૦૮-૯૪૫-૧૭૧૭