પ્રેમ એક પરમ તત્વ -10-સમર્પણ -સપના વિજાપુરા

લાલ પાનેતર ઓઢી  કંકુ વરણા પગલે એ જ્યારે સ્ત્રી  અજાણ્યા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એનું હ્રદય સ્નેહ,પ્રેમ, આદર અને વિશ્વાસ થી તરબતર હોય છે!! એ અજાણ્યા ઘરમાં પ્રવેશતા હ્રદયની ધડકન વધી જાય છે પણ અહીં જીવનભર પતિનો સાથ આપશે એ વચન પણ આપી જાય છે.
પ્રેમનું એક નામ સમર્પણ પણ છે!! સ્ત્રી તો સમર્પણની દેવી ગણાય છે!! પ્રેમ એક એવું સમર્પણ છે જ્યાં પોતાની ગમતી વ્યકિતની થોડી લાગણી મેળવવા આખી જિંદગી જીવી  જાય છે. અજાણી વ્યકિત માટે પોતાના મા બાપ ભાઈ બહેન સર્વ સગા વહાલાને છોડી ને આવે છે.અને પોતાની આખી જિંદગી સમર્પિત કરી દે છે!! સાત ફેરામાં આપેલા સાતે વચન નીભાવવાની કોશિશ કરે છે!! મન વચન અને કર્મથી પતિ સાથે જોડાય છે! કોઈને જીવન સમર્પિત કરવું એ માટે હ્દયમાં ભારોભાર પ્રેમ હોય તો જથાય! એ હ્રદય સંવેદના થી ભરપૂર હોય તો જ થાય! પ્રેમ એ પાનેતરની ગાંઠમાં અને મંગળસૂત્ર કાળા મોતીમાં પરોવીને પતિનોહાથ પકડી ગૃહપ્રવેશ કરે છે.
એ પતિની સહચારિણી બની ને રહે છે. તે દરેક કાર્યમાં પ્રેમ અને ઉષ્મા છે ક્યારેક પત્ની, પ્રેયસી ક્યારેક મા બની જાય છે. બે માંથી પતિ પત્ની એક બની જાય છે.બન્ને વચ્ચેનો પ્રેમ અલગ અલગ સપનાને એક તાંતણે બાંધે છે. પ્રેમમાં આશ અને વિશ્વાસ બન્ને હોય છે.પ્રેમ એટલે તને ઓઢું,તને પહેરું, તને શ્વસું,તું જ રહે સદા મારી આસપાસ!! એવું કોેઈએ  કહ્યું છે.
હક અપેક્ષા અને શકના પંક માંથી કમળ બની જે ખીલી ઊઠે એ પ્રેમ છે!! જ્યારે અપેક્ષા રાખીએ ત્યારે નીરાશા મળે છે!! આજકાલના સંબંધમાં વ્યકિત જેવી છે તેવી સ્વીકારવા કોઈ તૈયાર નથી!! પણ આપણે જેવી જોવા ઈચ્છીએ એવી વ્યકિત આપણને જોઈએ છે!વ્યકિત પાસે અપેક્ષા રાખવામાં આવે છે અને એ અપેક્ષા માં જો વ્યકિત પાર ના ઉતરે તો પ્રેમ આપવો તો અલગ વાત છે પણ નફરત ના બીજ વવાઈ જાય છે!! માટે  હક અપેક્ષા અને શક છોડી દઈ કમળની જેમ ખીલી ઊઠે તે પ્રેમ છે!! સ્ત્રી પાસેહ્દયમાં ખૂબ પ્રેમ અને સંવેદના છે!! કારણકે ભગવાને એને એવી જ કોમળ હ્રદયની બનાવી છે.જેટલો પ્રેમ એ આપે છે એટલાંપ્રેમની એ આશા રાખે છે!! પ્રેમ એ અરસપરસ છે!! એક હાથે દે એક હાથે લે!!
સ્ત્રી માં સમર્પણની ભાવના હોવાથી એ નમીને ચાલે છે અને પુરુષને ઈશ્વરે શરીર અને મનથી મજબૂત બનાવ્યાં છે. જેથી એ હકની ભાવના ધરાવે છે!! પ્રેમ એમાં પણ છે!! પણ એ પ્રેમ અધિકાર થી મેળવે છે!!પ્રેમ દરેક વ્યકિતની જરૂરિયાત છે ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી !!
પ્રેમ વગર માણસ માનસિક બીમારીનો અને હતાશાનો ભોગ બને છે.ઘણા યુવાન યુવતીઓ તો આપઘાત પણ કરે છે!! પ્રેમમાંઉંમરનો બાદ નથી મોટી ઉમરે પણ પ્રેમની જરૂર પડે છે. કારણકે ફકત શારિરીક સંબંધનું ના પ્રેમ નથી પણ પ્રેમનો સીધો સંબંધ હ્રદય સાથે છે!! અને હ્રદય ક્યારેય વૃધ્ધ થતું નથી!! પણ મોટી ઉમરે વધારે સાથ અને સહકાર અને પ્રેમ ની જરૂર પડે છે કારણકે માણસ દુનિયાની ઠોકર ખાઈને હતાશ થયો હોય છે અને એકલવાયો પણ!! આવા સમયે પતિ પત્ની એકબીજાના જીવનને સહારો આપે છે. જીવનમાં મીઠાશ ઘોળે છે.શાકમાં મીઠાં જેટલો પ્રેમ પણ મળે તો જીવન મધુર લાગે છે!! પતિ અને પત્ની વચ્ચેના પ્રેમમાં વિશ્વાસ જરૂરી છે. એમ કહી શકાય રથનું એક પૈડું પ્રેમ છે તો બીજું વિશ્વાસ!!
જ્યારે આ પ્રેમ સમતોલ બને છે ત્યારે એક સુખી સંસારની વ્યાખ્યા બને છે!! બન્નેના દિલમાં થી અહમ્ જ્યારે નીકળી જાય ત્યારે પ્રેમ પરમ તરફ વળે છે!! “હું એટલે તું અને તું એટલે હું”અને “હું” કે “તમે” માં થી “આપણે” બની જઈએ ત્યારે પ્રેમપરિપક્વતાએ પહોંચે છે!!” માન અપમાન તણું ભાન નિરંતર શાને? પ્રેમમાં આવો અહંકાર શાને? પ્રેમમાં વળી માન અપમાન શું? બસ કોઇના દિલમાં રહેતા આવડવું જોઈએ!! કોઈના દિલમાં ઘર કરી લેતા આવડવું જોઈએ!
બન્ને તરફથી પ્રેમમાં દિવ્યતા આવે ત્યારે પ્રેમ પરમ તત્વ બને છે!! તમારી જાત કરતા બીજાને વધારે પ્રેમ કરતા હો એનું નામ સમર્પણ અને સમર્પણનું  બીજું નામ પ્રેમ!!તેજ પ્રેમ પરમ તરફ લઈ જાય!!
સપના વિજાપુરા

પ્રેમ એક પરમ તત્વ-૪

પ્રથમ પ્રણયાનુભુતિ!! …પ્રથમ પ્રેમનો પ્રથમ એહસાસ!! …કેવો આહ્લાદક હોય છે!!..હ્રદયમાં કોઈનું પ્રથમ  આગમન થવું!! ..અને કોઈનું વગર ઈજાજતે હ્ર્દય પર રાજ કરવું!….દુનિયા નવી નવી લાગે!! .ચાંદ ,સૂરજ, ધરા ,ફૂલ, અને પાન સર્વ પર જાણે પ્રેમની એક ચાદર …. પહેલો વરસાદ, ધરાને ભીંજવે પણ  મનને પ્રિતમનો પ્રથમ પ્રેમ ભીંજવી જાય! ..સૂર્યનું પ્રથમ કિરણ ફૂલોને ચૂમી જાય અને ઝાકળ રૂપે ફૂલોની આંખો આંસું છલકાવી જાય!! …આ અદબૂત અહેસાસ   પ્રિયતમાના ગાલ પર શરમના શેરડા પડી જાય!! શરાબ વગર સવાર સાંજ જાણે નશીલા બની જાય  પોતાની જાતને શણગારવાનું મન થાય!! દર્પણ માં એક નવો ચહેરો દેખાય!! આ કોણ? સવાલ કરતા શરમાઈ જવાય!!… પ્રિતમને એક નજર જોવા માટે દિલ તરસવા માંડે ..તરબોળ થઇ જવાય ….રાતભર પ્રિયતમના વિચાર ….. રાતભર પડખા બદલતા રહેવું!!..આ પ્રેમનું કોઈ નામ નહીં બસ એક માત્ર એહસાસ!!..આસપાસની દુનિયા ધીમે ધીમે અદ્ર્શ્ય થઈ જાય છે અને પ્રિયતમના હ્દયમાંથી પણ  સૂર ફૂટી નીકળે છે!!

સૂરજ હુઆ મધ્ધમ. ચાંદ જલને લગા!!
મૈં ઠહેરા રહા, જમીં ચલને લગી
ક્યાં યહ મેરા પહેલા પહેલા પ્યાર હૈ?

પ્રિયતમ પણ આ પ્રથમ પ્રેમનો એહસાસ અનુભવે છે!! જીવન જાણે મીઠું મધ બને!!પ્રિયતમાની ગલીઓના ચક્કર !! બસ, એક ઝલક પ્રિયતમાની જોવા મળી જાય તો ? ….કોલેજના દરવાજા પાસે સતત  પ્રતીક્ષામાં તાકીતી આંખો … કે પછી કોઈનું  પીરિયડમાં વારંવાર  જોયા કરવું!! …. કોલેજની લેબોરેટરી માં મહેબુબાના ધ્યાનમાં પ્રયોગ કરતા કરતા કેટલાય બીકર અને ટેસ્ટટ્યુબને તોડી નાખવું !! ..વરસાદમાં એક છત્રી નીચે  થોડું થોડું ભીંજાવુ અને હાથમાં હાથ લઈ ચાંદની રાતમાં દરિયા કિનારે ચાલવું …એક અવર્ણીય આનંદ !!

બન્ને પ્રેમીઓને લાગે છે છે કે જાણે આ દુનિયામાં બીજું કોઈ નથી ફકત એ બે જણા જ છે!! જો જુદાં થાય   તો ?… એક બીજા વગર ન રહી  શકે એવો અહેસાસ.. આજ તો  આ મહોબતની કેફિયત છે !!!… સમાજ, વિરોધ,  ગમા અણગમા, આ બધી જ વસ્તુથી  પર .અહી કવિ શ્રી રિષભ મહેતાની એક પંક્તિ યાદ આવી ગઈ!

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

જયારે જાગે છે  પ્રથવારનો  પ્રેમ … થાય છે કરું તારા પ્રેમની પુજા કે ખુદાની બંદગી બન્ને એક સરખા…..  પ્રેમ એટલે જ ઈશ્વરનો અહેસાસ .. ઈશ્વર એટલેકે  પ્રેમ અને પ્રેમ એટલે ઈશ્વર!  પ્રથમ પ્રણયાનુભુતિ!! …પ્રેમ એક પરમ તત્વ

સપના વિજાપુરા

-પ્રેમ એક પરમ તત્વ-૩

“મોટા ભાગના પ્રેમી પ્રેમીકાઓને પ્રેમ જતાવવા માટે ‘આઈ લવ યુ’ કહેવાની ટેવ હોય છે અને તેઓ એમ માની લે છે કે એમાં બધુ આવી ગયુ, પરંતુ ફક્ત આઈ લવ યુ કહેવાનું પૂરતું નથી. શું આઈ લવ યુ”એક સામન્ય થતો વહેવાર છે ?…પ્રેમમાં શું કહેવાની જરૂર છે ખરી ? પ્રેમ દર્શાવવા માટે વાણી કે સ્પર્થીની જરૂર છે? ?”હું તને પ્રેમ કરું છું’ આજ કાલના યુવાનોમાં આ વાત ખૂબ સામાન્ય થઈ ગઈ છે!! ફોન કરે તો પણ ,આઈ લવ યુ’ કહેવાનું અને મૂકે તો પણ આઈ લવ યુ કહેવાનું!!પાર્ટીમાં મળે તો કહે આઈ લવ યુ’ એની આંખમાં જોઈને ખબર પડી જાય કે એનો તમારા પ્રત્યે કેટલો પ્રેમ છે!! તડપ શબ્દોમાં વર્ણવી ના શકાય!!પૂરી મહેફીલમાં ફક્ત એક જ વ્યકિતની શોધ જયારે આંખો કરે ત્યાં પ્રેમ..
ભરી મેહફીલમે બેતહાશા તુમ્હે દેખના પ્યાર તો નહીં?
તેરા મેરી તરફ પલટ પલટકે દેખના ઈકરાર તો નહીં? 
શબ્દોની કિંમત છે, પણ પ્રેમ એ શબ્દોનો મોહતાજ નથી હોતો!!
હવે આ બીજું દ્રશ્ય જોઓં …એક સ્ત્રી છે એક પુરુષ છે બેઠા છે.. રોજ મળે દરિયા કિનારે, એકબીજાના સાનિધ્યમાં હૂફ મેળવે છે. સ્ત્રી કાંઈ નથી  કહેતી પુરુષ પણ મૌન છે…  આમ જ ચાલ્યાં કરે છે . કોઈ વાર મળતા પણ નથી …એક બીજાથી દૂર હતાં છતાં એક બીજાથી નજીક !! ક્યારેક પ્રેમને શબ્દો દ્વારા વ્યક્ત કરવાને બદલે ચૂપકીદી જ પ્રેમની ભાષા બની જતી હોય છે…ચૂપકીદીમાં જ પ્રેમનો પૂરો અહેસાસ  થાય છે.તો  ક્યારેક એકબીજા માટેની ઘેલછા ટકાવી રાખવામાં શારીરિક આકર્ષણ પણ બહુ મોટુ પરીબળ સાબિત થતું હોય છે.પ્રેમમાં પામી લેવું જરૂરી છે? પામવું એટલે પ્રેમ ? પામવું એટલે શું ?..શું પ્રેમમાં બે શરીરનું મળવું જરૂરી છે?  શરીર સંબંધ જ પ્રેમની પરાકાષ્ટા  છે ? …..અહી વાત સાનિધ્યની છે. પ્રેમ કોઈના સાનિધ્યમાં પાંગરે …દરેક સંબંધનું એક સત્‍ય હોય છે. બે વ્‍યકિતના સત્‍ય જયારે એક થાય છે ત્‍યારે જ સાત્‍વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવળત..દૂર રહીને પણ એક બીજાના થવાય છે!! જે નામ લેવાથી દિલમાં સ્પંદન થઈ આવે!! જે નામ લેવાથી હ્રદય ઊછળીને બહાર આવી જાય! કે જે નામ લેવાથી વિરહ માં આંખ ભીની થઈ જાય, જે નામ સવાર સાંજ તમારાથી સંકળાયેલું હોય!! જેની હાજરી અને ગેરહાજરીની નોંધ હૃદય લે છે એ જ તો પ્રેમ છે. ભલે એ દૂર હોય કે પાસે !! સ્પર્શ વગર આખા શરીરમાં ઝણઝણાટી એટલે પ્રેમ!! સ્પર્શ વગર સ્પર્શી લેવું એટલે પ્રેમ! ઘનિષ્ઠતાનવી ઊંચાઈ પર પહોંચે, જે દિલ માં આ પ્રેમ રહે છે ત્યાં ઈશ્વરનો વાસ છે અને ઈશ્વરનો વાસ ત્યારે પ્રેમ પરમ તત્વ બને છે!!
અહી આ ચિરાગ આર. કોઠારી”ની પંક્તિઓ જરૂર મુકીશ …તમને પણ બીજો પ્રેમનો અંક મુકું ત્યાં સુધી વાગોળવાની મજા આવશે….
“હું” તને કંઈ કહીશ નહિ
અને તું પણ
કંઈ જણાવીશ નહિ …
બધું આમ જ ચાલ્યા કરશે ,
કંઈ કહ્યા વગર
રહ્યા વગર
વરસો બાદ
યાદ રહશે એટલું જ કે’
“આપણે “
એક બીજા ની ઘણા નજીક હતા
એક -બીજા ના થયા વગર …….”
સપના વિજાપુરા