આમુખ-‘નિવૃત્તિનું વિજ્ઞાન’ -કલ્પના બેન રઘુ શાહ

મિત્રો,

આ બેઠકમાં જે પુસ્તક વિષે હું કહેવાની છું તેની પ્રસ્તાવના તેનાં લેખકે લખેલી છે. માટે હું તેનું આમુખ કહીશ. આમુખ એ પ્રસ્તવનાનો બીજો પ્રકાર છે.

અત્યારનો આપણો એટલેકે, નિવૃત્ત અને વૃધ્ધ લોકોનો સળગતો પ્રશ્ન એ નિવૃત્તિ અને વૃધ્ધાવસ્થા છે. આખી જીંદગી આપણે નૉવેલો વાંચી, ઇતિહાસ વાંચ્યો, હવે આપણે જ્યારે વૃધ્ધાવસ્થાને આરે પહોંચ્યા છે ત્યારે હવે આપણું ખુદનું જીવન વાંચવાનો સમય પાકી ગયો છે ત્યારે મેં પ્રસ્તાવના માટે પસંદ કર્યું છે પુસ્તક ‘નિવૃત્તિનું વિજ્ઞાન’ જેનાં લેખક છે હ્યુસ્ટન  નિવાસી શ્રી વિજ્યભાઇ શાહ. તેઓ નિવૃત્તિ પરના વિષયોમાં ખૂબજ ઉંડા ઉતરેલાં છે અને ‘સહિયારુ સર્જન’, ‘ગદ્ય સર્જન’, ‘વિજ્યનું ચિંતન જગત’, વિગેરે બ્લોગ ચલાવે છે.

તેમણે આ પુસ્તક હરિકૃષ્ણ મજમુદાર દાદાનાં અનુભવી માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે અને નામ આપ્યું છે ‘નિવૃત્તિનું વિજ્ઞાન’. વિજ્ઞાન એટલે પ્રયોગો અને વિજ્ઞાન માંગે પૂરાવા. કૈંક નિવૃત્ત લોકોનાં જીવનમાં બનેલી ઘટનાઓને પૂરાવા સ્વરૂપે રજૂ કરીને આ ઘટનાઓનું હવેની નિવૃત્ત પેઢીમાં પુનરાવર્તન ના થાય અને નિવૃત્તોની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરવા માટેનાં અનેક પ્રકારનાં ચિંતનો, સુવાક્યો, પોઝીટીવ વિચારો અને મહાન વ્યકિતઓનાં નોંધપાત્ર ઉદાહરણો ટાંકીને ઉત્તરાવસ્થા લીલીછમ કેવી રીતે થાય તે અંગેનું સચોટ માર્ગદર્શન એટલે ‘નિવૃત્તિનું વિજ્ઞાન’. આ પુસ્તકમાં મળતાં માર્ગદર્શન હેઠળ વૈશ્વિક સ્તરે દરેક નિવૃત્ત વૃધ્ધને પછી તે સ્ત્રી હોય કે પુરુષ, કેવી રીતે શેષ જીંદગી પસાર કરવી તે પોતાનાં ઘરની પરિસ્થિતિને અનુરુપ વિવેકબુધ્ધિ વાપરીને અન્ય કોઇ વ્યક્તિ નક્કી કરી શકે.

એ સિધ્ધ છે કે ગુરુ જેનું જ્ઞાન આપતાં હોય તેનુ આચરણ કરે તોજ તેની અસર શિષ્ય પર થાય છે. આ પુસ્તકનાં મૂળ સ્ત્રોત્ર દાદા કે જેઓ આજે ૯૫ વર્ષની ઉંમરે પણ રોજના ૧૦,૦૦૦ પગલાં ચાલે છે અને આ તેમની શતાયુ બનવાની એક જડીબુટ્ટી છે. જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કર્યો છે. તેમના મત મુજબ ‘શરીરને સાચવો, માણો અને ક્યારેય કોઇને ના નડો’. તે ઉપરાંત કેટલાક અનુભવી અને નિષ્ણાત લેખકોનાં આ પુસ્તક વિષેનાં મંતવ્યો પુસ્તકની શરૂઆતમાં આલેખ્યાં છે.

નિવૃત્ત થયા પછી એકલતાને સહારો બનાવ્યા વગર દિવસ કેવી રીતે પસાર કરવો? તે માટેના સફળ કિમિયા વાંચવા મળે છે. પાણીનાં પ્રયોગો, જરૂરી ખોરાક, જરૂરી યોગાસન અને ધ્યાનની માહિતિ કે જે તમને આરોગ્ય અને ઇશ્વરની અનુભૂતિ માટે અત્યંત આવશ્યક છે, તેનો પણ સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત વૃધ્ધો જ્યારે અસલામતીની ભાવનાથી પિડાતા હોય છે ત્યારે સૌથી મૂંઝવતો પ્રશ્ન નાણાંકીય બચત, ટેક્સ, વીમો અને વીલ અંગેનાં યોગ્ય માર્ગદર્શનનો હોય છે. એ જરૂરી માર્ગદર્શન આ પુસ્તકમાંથી મળે છે. ‘ઓબામાકેર’, ‘મેડીકેર’ અને ‘મેડીકેઇડ’ વિષેની માહિતિ પણ આપવામાં આવી છે. આમ નાણાંકીય અને કાયદાકીય બાબતોથી જ્ઞાત કરવાંમાં લેખક સફળ નિવડ્યા છે. પરંતુ જેમ દર્દીએ દર્દીએ દવા અલગ અલગ હોય છે તેમ દરેકે પોતાની બાબત માટે જે તે ઍડવાઇઝરની મદદ લેવી જોઇએ.

આમ આ કોઇ નવલકથા નથી પરંતુ વડીલો માટેની સંપૂર્ણ કાળજી લઇને, તેમની દ્વિધા અને તમામ પ્રશ્નનાં જવાબને સરળ ભાષામાં રજૂ કર્યાં છે.

અંતિમ સમયે થતાં વિષાદો અને તેનાં નિરાકરણો ઉદાહરણ અને ગઝલ દ્વારા દર્શાવ્યાં છે અને છેલ્લે મૃત્યુ વિષે અને ‘તારુ શરણુ પ્રભુ’ એ લેખ સાથે વિજય શાહે આ પુસ્તકમાં તેમની કલમને વિરામ આપ્યો છે.

અંતે, હું કહીશ કે ફરી ફરીને વાંચવાનું મન થાય તેવું સાહિત્યનું, નિવૃત્ત લોકો માટેનું એક ઉત્તમ કૃતિનું સર્જન છે, આ પુસ્તક ‘નિવૃત્તિનું વિજ્ઞાન’.

કલ્પના બેન રઘુ શાહ