‘મનની મોસમ’ લલિત નિબંધ (9) મનની મૌસમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મૌસમ  આવે ને જાય. મૌસમ  ફરી ફરી આવે. મૌસમ માણવા મળે. વર્ષાઋતુ, શિયાળો અને ચોમાસુ ત્રણ ઋતુ વિષે આપણે સહુ જાણીએ છીએ. મનની મોસમ, મોસમ એટલે સારી એકસરખી ઋતુ.મૌસમ એટલે ઋતુ નવાઈ લાગશે જરા વિચાર કરીએ તો સમજાશે મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે. મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે. એજ મન હરીભરી મોલાતોમાં  નિરસતા પણ ભરી શકે છે.
મન કે જેનું આ પાર્થિવ શરીરમાં રહેવાનું ઠેકાણું નથી છતાંય તેની આણ સર્વત્ર વરતાય છે. મન અને વાંદરો બેમાંથી કોણ ચડે? આ પ્રશ્ન ઉકેલવાની કોઈનામાં તાકાત નથી. મન નાચ પણ કરાવે. મન મધુરતા પણ ફેલાવે. મન, ‘અમન’ થાય ત્યારે પરમ આહલાદક શાંતિનો અહેસાસ પણ કરાવે. મન, ‘નમન’ કરે ત્યારે  જગતમાં સહુને તેની સાથે પ્રેમ થઈ જાય છે.
હવે આ મન શું છે ? બાળક હોઈએ ત્યારે નિર્દોષ અને નિર્લેપ. ન તારું, ન મારું એવી ભાવના. મન છે ને તેને સંગ નો રંગ જલ્દી લાગી જાય. જેમ કાજળની કોટડીમાંથી કાળા ડાઘ લાગે, તેમ મન જેવું પાત્ર જુએ તેમાં ઢળી જાય. બાળપણમાં આ સ્વાભાવિક ક્રિયા છે. ભણવામાં ચિત્ત લગાડ્યું . મન ચોટલી બાંધીને  વિદ્યાર્થી જીવનનું કાર્ય હેમખેમ પાર પાડે. જો એ મન આડે રસ્તે ચડી જાય તો ભણવાના નામનો ભમરડો અને પછી આખી જીંદગી પેટ ભરીને પસ્તાય. એ મન બાળપણને માણી તેની સાથે ચેડા કરવાને બદલે યોગ્ય રીતે વળે તો જુવાનીની કેડી સરળતાથી પાર કરી શકે. મનની મોસમ ત્યાર પછી એવી ખીલે કે જીવનને હર્યું ભર્યું બનાવે .
જુવાની આવે, શરીરના અંગોપાંગમાં વસંત ખીલે, મનનો મોરલિયો ટહુકી ઉઠે અને વાણી તેમજ વર્તનમાં તેની સ્પષ્ટ છાંટ વરતાય. આમ મનને મોસમ પણ હોય અને જો કોઈ વાર કમસોમ હોય તો લેવા ના દેવા પણ થઈ જાય. સંયમ દ્વારા મનને અંકુશમાં રાખવું પણ આવશ્યક બને. બેફામ બનીને વિહરે તો પછી તેનું મૂલ્ય ચૂકવવું પડે. મનની લગામ છે વિચાર. આ વિચાર જો સીધા રસ્તે ચાલતા હોય તો જીવન સુગમ બની જાય. બાકી અવળા રસ્તે ચાલે ત્યારે ઝાડી ઝાંખરમાંથી માર્ગ કાઢવો મુશ્કેલ બને.
મન તને શું કહી બોલાવું ? મન તું ગહન છે, તારો તાગ કાઢવો મુશ્કેલ નહી અશક્ય છે. તને નાથવાનો પ્રયત્ન કદી સફળ થયો નથી. હા, અભ્યાસ દ્વારા તેનામાં શિસ્ત જરૂર આવે.
“તારા મનમાં શું છે એ મને ખબર છે” .
આ વાક્ય પાયા વગરનું છે. કદી કોઈના મનમાં શું છે એ વિચાર કરવો યોગ્ય નથી. તેનો તાગ ભલભલા ભૂપતિઓ પણ કાઢી શક્યા નથી. હાથમાં શું છે ,એ અટકળ કરી શકાય. ખિસ્સામાં કેટલા પૈસા છે એ ગપ્પું મારી શકાય. બાકી કોઈના મનમાં શું છે એ કલ્પવું મુશ્કેલ છે. પતિ અને પત્ની વર્ષોના સહવાસ પછી પણ તે કળી શક્તા નથી. બીજાની વાત ક્યાં કરીએ.
હવે આ મન મોક્ષનો માર્ગ પણ સરળ કરી આપી શકે તેમ છે. મન બંધનકર્તા પણ છે. મન શરીર દ્વારા એક પગલું પણ ચાલ્યા વગર આખા વિશ્વની મુસાફરી કરી પાછું આવી શકે તેમ છે. મનની શક્તિ અમાપ છે. મનને નાથવું એટલે હવામાં બાચકા ભરવા બરાબર છે.  મન એ એવી સ્થિતિ છે જે માનવીને ઈશ્વરની નજીક લઈ જવામાં સહાય કરે છે. ઉદ્યમી મન ઉર્ધ્વ ગતિ કરી અસાર સંસારને રસમય બનાવી, પથ આસાન કરે છે.
મન શાંતિ પ્રદાન કરી શકે છે. મન અશાંતિનો દાવાનળ પ્રગટાવી જીવનને દોઝખ પણ બનાવી શકે છે. એ દરેક વ્યક્તિની પોતાની પસંદગી છે. મનને જો સુંદર રીતે કેળવવામાં આવે તો તે ધરતી પર સ્વર્ગ ઉતરવાને શક્યમાન છે. બાકી સ્વર્ગ અને નરક એ કોઈ ભૌગોલિક જગ્યા નથી. એ મનના કારસ્તાન છે. અસંતોષ, દ્વેષ અને તુલનાના સંકજામાં મન ફસાય તો પછી જોઈલો તેનો ઉપદ્રવ.
મન ઉપરનો સંયમ જીવન યાત્રાની અંતિમ ક્ષણોને સુખદ બનાવી પરિવારમાં શાંતિ અને સુમેળની મહેક રેલાવશે. મન છે તો માનવી છે. એ મન જીવનને સાચો રાહ બતાવી જીવનના ઉપવનમાં  સુંદર ફૂલો ખીલવી સુગંધ પ્રસરાવશે. મનની મોસમ સદા બહાર રહે તો દુનિયામાંથી ઘણા અનિષ્ટ તત્વો ગેરહાજર થઈ જાય. અતિશયોક્તિ નથી કરતી મન, માનવીને પશુ બનાવવા પણ સમર્થ છે.  બે પગાં માનવી અને ચાર પગા પ્રાણી વચ્ચે મહત્વનો તફાવત હોય તો તે આ ‘મન’ છે.
મનની મોસમનો વાયરો, ઠંડી યા તાપ બહુ પરેશાન નથી કરતાં. તે પરિસ્થિતિ અને સંજોગોનું ગુલામ છે. તે પણ જોવા જઈએ તો માત્ર બહાનું છે. બાકી સાર વિચાર, સંસ્કાર, વાણી અને વર્તન જેવા પર્ણોથી મનનું વૃક્ષ લહેરાતું હોય તો  કુદરત પણ રીઝી ઉઠશે. સદા વસંતના વાયરા વાશે. મનનો મોરલિયો ટહુકા કરી થનગનાટ કરતો નાચી ઉઠશે.

પ્રવિણા કડકિયા

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી-પ્રવિણાબેન કડકિયા

 

kano

 

‘કૃષ્ણ કૃપાદૃષ્ટિનું પાન કરી, આજ થઈ હું ઘાયલ

હૈયું કોને હું બતાવું વેદના કેમ કરી સમજાવું.”

કૃષ્ણ જન્મની સહુને વધાઈ હો. જ્ન્માષ્ટમીનું નામ સાંભળતાં કનૈયો આંખ સામે તરી આવે. જન્માષ્ટમી દર વર્ષે આવે. સાથે ઉમંગ અને આનંદ ભેગા લાવે. કૃષ્ણનું નામ સાંભળતાં તેની નટખટ અદા, તેનાં મુખ પરનું મધુરું હસ્ય, તેની વાંસળીના સૂર અને નંદ, જશોદા સહુ નજર સમક્ષ તરવરી ઉઠે. પેલો માખણ ચોર, મટકી ફોડ, ગેડીદડે રમતો દેખાય .  ગોપીઓને રંજાડતો ગૈયા ચરાવતો, કાળિય નાગ નાથતો કૃષ્ણ નજર સામેથી ખસવાનું નામ ન લે!

કૃષ્ણના નામમાં જે ટેઢાપણું છે તે આંખને ઉડીને વળગે છે. તેથી તેનું બીજું નામ ‘બાંકે બિહારી’ છે. જેનું બધું જ વાંકુ. છતાંય એ જ કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં ‘ગીતા’નો અમર સંદેશો આપે છે ત્યારે તેના નામની અને જીવનની સાર્થકતાનો સાક્ષાત્કાર થાય છે. પાંચ હજાર વર્ષ પહેલાં અપાયેલો ‘ગીતા’નો સંદેશ આજે  ૨૧મી  સદીમાં પણ અક્ષરસઃ  સત્ય છે.

જીવનના કાળ દરમ્યાન ઉદભવતા દરેક પ્રશ્નનો હલ ‘ગીતામાં’ સાંપડે છે  .એ કૃષ્ણની વિલક્ષણતાને શું નામ આપીશું . આજના સમયમાં ‘સાચા ગુરૂ’ મળવા એ લગભગ અશક્ય છે. એવા સમયે ‘ગીતા’ને ગુરૂ માની તેના શરણે જવું હિતાવહ છે. તેના શરણમાં જવાથી સહુ ચિંતાનો હલ મળશે. એવી કોઈ સમસ્યા એવી નથી જેનો હલ શ્રીકૃષ્ણએ “ગીતા” માં ઉલ્લેખી ન હોય. તે નટખટ દરેકને વાંકી રીતે સુલઝાવે છે.

ઊંટના તો માત્ર અઢાર વાંકા છે. આ બાંકેબિહારી તો શિરથી પાંવ સુધી બાંકો છે.  તેની મોહક અદા, તેનું મધુરું મુસ્કાન, તેનું ચાતુર્ય અને તેનું અલ્લડપણું બધું જ ગમે. તેની વિદ્વતા અજોડ.

બોલો બોલો

શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય.

શ્રાવણ વદ આઠમ અને કૃષ્ણ જન્મની રાત.
સાહેલી દોડી  આવ કહું  એક  ખાનગી વાત        .

વાસુદેવ અને દેવકીની કુખે જનમશે મધરાત
તનના  તાપ દૂર  થશે ને  મનને  થાશે  હાશ

સાત સાત બાળકોનાં કંસે કર્યા ઘોર અપરાધ
કાળો કેર વરતાવ્યો, ઉદ્ધારવા આવ્યા શ્રીનાથ.

નંદ જશોદાની ઓસરીએ ગુંજી ઉઠી ગાયકી
‘નંદ ઘેર આનંદ  ભયો  જય  કનૈયાલાલકી’

જળ જમનાની ધરામાં કાળિ્યા નાગનો વાસ
ગોકુળ નગરી ઉગારી સહુએ લીધો ઉંડો શ્વાસ

ભૂરી કાળી ગોરી ગાવડી લઈ નિકળે પ્રભાત
માખણ મિસરી રીઝ્યા બંસી છડીની સંગાથ

ગોપ ગોવાલણ સાટુ ટચલીએ ગોવર્ધન ધારી
૨૧મી સદીમાં પધારશે આજે શ્રીકૃષણ મુરારી

કૃષ્ણ જન્મની સહુને વધાઈ. તેણે બતાવેલ માર્ગ પર ચાલવાનો નિર્ધાર કરીએ. જીવન ભલે પ્રવૃત્તિઓથી ધમધમતું હોય કે, મુસિબતોથી ઉભરાતું હોય, કૃષ્ણની નિખાલસતા, ચાતુર્ય, અલ્લડતા અને ઉપદેશ વિષે વિચારીશું તો માર્ગ સાંપડશે એમાં શંકા નથી. માત્ર જુગાર રમીને જન્માષ્ટમી ન ઉજવશો. ઉપવાસ થાય તો કરવો વરના જે થાય તે કરી લેજો !

‘ના હોય’-(2)-પ્રવિણા કડકિયા

અરે આ ગણિતનો દાખલો આમ કેવી રીતે કર્યો. તારો જવાબ સાવ ખોટો છે. ‘અરે યાર મારો જવાબ કદી ખોટો ‘ના હોય’! નથી લાગતું આ વાક્ય બાળપણમાં વારંવાર સાંભળ્યું હતું. મને બરાબર યાદ છે. અમારા પ્રભુદાસ પટેલ સર કાયમ મને કહેતાં. તેઓ બૉર્ડ ઉપર દાખલા લખે. એ જ્યારે લખી રહે ત્યારે મારા ગણાઈને જવાબ પણ લખાઇ ગયા હોય. કોઈક વાર એકાદ ખોટો હોય ઉતાવળને કારણે વરના બધા ખરા હોય, તરત સર કહેશે ‘ના હોય’. આટલા ઝડપથી તે કેવી રીતે ગણ્યા.
જીવનમાં હોય કે ના હોય એ સવાલ ઉભો થતો જ નથી.’ જે છે તે છે નથી તે નથી! ‘ત્યાં ‘ના હોય’ એ સંભવ કેવી રીતે હોઈ શકે? શું કામ ‘ના હોય’. આપણને કેવી રીતે ખબર પડે. ભર ચોમાસામાં બે કાંઠે વહેતી નદી અને તેમાં માણેલી નાવડીની સહેલગાહ કેવી રીતે ભૂલાય. હવે એ જ નદીને કાંઠે છ મહિના પછી ધોમ ધખતા તાપમાં પાણીનું ટીપું ય નજરેન ચડે. તે સમયે મારા દોસ્તને મેં કહ્યું ગયા વર્ષે આ નદીમાં નાવડી મેં જાતે હંકારી છે.
પળવારનો વિલંબ કર્યા વગર કહે ‘ના હોય’ શાનો ગપ્પાં મારે છે. હવે આને કેમ કરી સમજાવવો. ખાલી વાદ વિવાદ થાય તેના કરતાં ,હા ભાઈ તું સાચો કહી વાત આટોપી લીધી. જ્યાં કોઈ સબૂત નથી! હકિકત સ્વિકારાવી શું પામવું?
‘ના હોય’ કહીએ એટલે શંકાનું સમાધાન કરવું એ આસાન કાર્ય નથી. કારણ વગર ‘ના હોય’ કહી મમરો મૂકવાની ઘણાને ટેવ હોય છે. એમ કહી કોણ જાણે તેઓ શું પૂરવાર કરવા મથતા હોય છે. કાં તો વાતનું વતેસર કરે યા કોથળામાંથી બિલાડું કાઢે.
‘અરે, આ અમેરિકાના લગ્ન કદી માણ્યા છે’.
‘હા, કેમ એવું પૂછવું પડ્યું’?
ઓપન બાર અને નૉન વેજ વગર લગ્ન અધૂરાં ગણાય !
“ના હોય”.
અરે ભાઈ હોય. તમે સમજો હવે જમાનો બદલાયો છે.
યાર, જમાનો નથી બદલાયો માનવીની દૃષ્ટી બદલાઈ છે!
‘ના હોય’
યાર, આંખ તો એની એ જ છે !
‘શું તું પણ ફેંકે છે. કૉનટેક્ટ પહેર્યા છે’. ?
‘ના હોય ‘.
આ ‘ના હોય’ નું ‘હોય’ કયારે થશે?
જ્યારે મારી વાતમાં;’હા માં હા મિલાવીશ ત્યારે’!
‘ના હોય’ તો પછી એ શક્ય નથી.
આજે સવારથી નક્કી કર્યું આખા દિવસમાં એક પણ વાર આ ‘ના હોય’ બોલવાનું નહી અને સાંભળવાનું પણ નહી !
નોકરી પર જવા તૈયાર થયો. ઘરની બહાર નિકળતાં પત્ની કહે આજે વહેલાં આવશોને?
કેમ ?
પહેલી તારીખ છે.નવી ફિલમ મેટ્રોમાં આવી છે.દર વખતની જેમ ‘ગઝિબો’માં જમીને ઘરે આવીશું.
‘ના હોય’, આજે તો મારા સ્ટાફને મિટિંગ માટે રોકાવાનું નક્કી કર્યું છે. આજનો પ્લાન કેન્સલ.
‘ના હોય’.
ઘરેથી નિકળતાં, હું અને મારા ઘરવાળા બન્ને એ શબ્દોનો પ્રયોગ કરી ચૂક્યા. હવે આખા દિવસમાં કેટલીવાર આ ‘ના હોય’ સાંભળવા મળશે તે ઈશ્વર જાણે.

કોઈ પણ કાર્યમાં નન્નો ભણવાની આદત બહુ સારી નહી. જરા વિચાર કરીને જવાબ આપીશું તો સત્ય સમજાશે. આજે બાળકોને બહાર ખાવાનું મન છે. ચાલુ દિવસે એ શક્ય ‘ના હોય’. કારણ સાચું છે કે રાતના સૂવાનું મોડું થાય તો સવારે શાળાએ જવા માટે ઉઠતા તકલિફ પડે. છતાં તેમને સમજાવી ઘરે બહારથી તેમનું ગમતું ખાવાનું લાવી સમયસર રાતનું વાળુ કરી સૂવાડી શકાય એ પણ એટલું સરળ છે.
ખરું જોતા’ના હોય ‘શબ્દ બને તેટલો ઓછો જીવનમાં ઉપયોગમાં લઈશું એટલું જીવન સરળ બનશે.બધી વસ્તુ સ્થળ,સમય અને પ્રસંગ પર આધારિત છે. મન હોય ત્યારે એને અનુસરવામાં જરા પણ તકલિફ પડતી નથી. કદાચ તેને માટે બે કદમ ચાલવું પડે યા થોડો સમય યા દ્રવ્યનો ભોગ આપવો પડે. તેની સામે મળતો અનેરો આનંદ, ઉલ્લાસ યા સ્મિત તેની કશી કિમત નહી ?

અરે આજે મારો પૌત્ર શાળાએથી આવ્યો. ‘ગ્રાન્ડ મૉમ આજે મારા ટીચરે કહ્યું કે જીભ સહુથી મજબૂત ભગવાને બનાવી છે.
મારાથી કહેવાઈ ગયું, ‘બેટા ના હોય’. એમાં તો એક પણ હાડકું નથી. તેની આજુબાજુ ૩૨ ચોકીદાર છે. તેને કદી થાક લાગતો નથી. તેના કામ પણ કેટલાં બધાં. બોલવામાં જરૂર પડે. ચાવવામાં જરૂર પડે. ભલેને ડાબલીમાં હોય સહુથી વધુ સળવળાટ પણ તેને હોય. ભગવાને કેવી સાચવીને મૂકી છે. માણસ વગર વિચારે તેની પાસેથી એકધારું કામ લીધા કરે છે.

મારો ગ્રાન્ડસન બોલી ઉઠ્યો, ‘ના હોય’. તેને ગુજરાતી ઘણું ઓછું આવડે છે.સમજે છે બધું. આ ‘ના હોય’ તેને બરાબર ખબર પડે છે.

બીજી વખત વિચારીને ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું તો ‘ના હોય’ ને બદલે ‘એમ જ હોય’ શબ્દો મુખમાંથી સરી પડશે. ખુશી મહેકી ઉઠશે !

ના હોય
એમ જ હોય
સુશોભિત હોય
સંવેદના સભર હોય

પ્રવિણા અવિનાશ કડકિયા