હળવે થી હૈયાને હલકું કરો.-8

‘હૈયું’, નામનો કોઈ શરીરનો ભાગ નથી જ્યાં આપણે અંગળી મૂકીને દાવા સાથે કહી શકીએ કે તે અંહી છે ! હા, કોઈ પૂછે હૈયું ક્યાં છે, તો હાથ તરત જ છાતીના ડાબા હિસ્સા પર પહોંચી જશે. જ્યાં ‘હ્રદય’ હોય છે. જો હ્રદયને હૈયું માનતા હોઈએ તો અલગ વાત છે.હવે ​આ હૈયું  ​છે ને ​આજુબાજુનું વાતાવરણ, સંજોગ, સમય અને પરિસ્થિતિ એકબીજા સાથે ખૂબ નાજુક તારથી ​જોડાયેલું છે  જરાક પણ એક ખેંચાય યા તો ચટકાય તો​ ?​ હૈયા ને નંદવાતા વાર શી ?
મારી જ વાત કરું, જીવનમાં અચાનક સાથીનો સાથ છૂટ્યો ત્યારે, આ ‘હૈયું’ હાથ રહ્યું ન હતું. કેવા ગાંડા વિચાર આવતા હતાં.’શું ​મને  પાગલખાનામાં ભરતી કરવી પડશે ?’એમના વગર જિંદગી કેમ ખૂટશે?
​તે દિવસે મારા દીકરાના લગ્ન હતા..  લગ્ન ચાલતા હતા ત્યારે   તેમને અચાનક ​છાતીમાં ​દુઃખવા લાગ્યું હતું ​પણ ​ ​એમણે  દર્દ ગણકાર્યું ન હતું ​,​પાછી  રિસેપ્શનની ધમાલ ! ​લગ્ન પતાવી ​દીકરો અને વહુ ​તો ​શિકાગો ગયા.
“કાલે, સોમવારે આપણે ઓફિસ નથી જવું”.મેં કહ્યું,હું પણ બેંકમાં સિકલિવ લઈ લંઉ છું અને એપોઈન્ટમેંટ લઈને હોસ્પિટલમાં લઈ ગઈ. ડોક્ટરે ખૂબ ગભરાવી માર્યા. સંપૂર્ણ ચેક અપ કર્યા પછી કહે, ‘બને તેટલું જલ્દી બાઈ પાસ કરાવો’.
ઘરમાં રૂમઝુમ કરતી વહુ આવી હતી અને આ તરફ હું નવી વહુ ને આવકારું એ પહેલા અમે એમના બાઈપાસને ન ગમવા છતાં આવકાર્યું અને ​અઠવાડિયામાં ​તો ​સેંટ લ્યુક હોસ્પિટલમાં બાઈપાસ કરાવવાનું નક્કી કર્યું. સરસ રીતે ઓપરેશન થઈ ગયું… તબિયત ધીરે ધીરે સુધારા તરફ પ્રયાણ કરતી હતી. દુઃખાવો ઘણો રહેતો. લગભગ બે મહિના થયા પણ રૂઝ આવતી ન હતી. ​હું ​ હમેશા તેની આજુબાજુ આંટા મારતી. તેમને ક્યારેય ​મે ​નબળા જોયા ન હતા.​મારા માટે આમ એમને પથારીમાં જોવા અસહ્ય હતું. અમને ખાવામાં ઘણા બધા બંધન આવ્યા હતા.ધીરી પ્રગતિને કારણે તેમને જે ખાવું હોય તે ગરમા ગરમ બનાવી પ્રેમથી ખવડાવતી. ​ઘરમાં મિંયા બીબી બે જ હતાં. બાળકો એકાદ મહિને આવી ખબર કાઢી જતાં. દિવાળી આવી તેમનો ભાવતો ચેવડો બનાવ્યો. ક્રિસ્ટમસ પણ આવી, હજુ તો સાતેક મહિના થયા ત્યાં બધી બાયપાસ બ્લોક થઈ ગઈ. આ લગભગ ૨૫ વર્ષ પહેલાંની વાત છે. ડોક્ટરોએ બલુન મૂકવાની સલાહ આપી. બલુન મૂકાવ્યા અને બે મહિનામાં બધા બર્સ્ટ થઈ ગયા. નવ મહિનાની અંદર બીજી વાર બાઈ પાસ કરાવવાની નોબત આવી.આ વખતે અમે બન્ને જરા ધ્રુજી ગયા પણ કોને ખબર કેમ મને વિશ્વાસ હતો.અમેરિકાની હોસ્પિટલ અને ડોક્ટરો મારા ‘એમને’ ​જલ્દી સાજા કરી દેશે,૧૨મી માર્ચે લગ્નની વર્ષગાંઠ હોસ્પિટલમાં ઉજવી. ૧૪ મીના સવારે ૧૧ વાગે ઓપરેશન હતું. ખૂબ વ્યસ્તતાને કારણે છેક પાંચ વાગે ઓપરેશન થિએટરમાં લઈ ગયા. રાતના દસ વાગે બહાર આવ્યા. કલાકમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યો​.​ 
​એમના અવસાન પછી મનમાં સતત એક પ્રશ્ન આવતો,​હવે આ બાકી રહેલી જીંદગીનો શો મતલબ? કોઈ પ્રિયજન ગુમાવવું એ  ખૂબ જ આઘાતજનક સમય હો​ય છે.જો કે ​ખોટનો સામનો કરવો એ એકદમ વ્યક્તિગત અનુભવ ​છે પણ ​ આજે તમારી સમક્ષ હૈયું હળવું કરી ​વાત કરતા એટલું જ કહીશ કે આટલા વર્ષો પછી ​જયારે ​હૈયામાં નથી કોઈ જીવન પ્રત્યે ઉદાસી યા એવી કોઈ ધાડ મારવાની મહત્વકાંક્ષા !​ત્યારે એટલું જ કહીશ કે ​​મેં મારી વાસ્તવિકતા સાથે ​દિલ અને દિમાગ​થી ​શાંતિ પૂર્વક સમાધાન કર્યું છે.જે સનાતન સત્ય છે, એમાં મિનીમેખ થવાનો ​નથી. હા, જીવનના હર તબક્કાનું તેનું પોતાનું આગવું સૌંદર્ય છે. ​જિંદગીનો મતલબ તો આપણે શોધવાનો છે.​
દરેક વ્યક્તિ મૃત્યુ માટે અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.​જિંદગીના અર્થના નવીકરણ માટે ​દરેક અવસ્થામાં આવતી મુસિબત યા પડકાર ઝિલવાની તૈયારી રાખવી જોઈએ. સાચું પૂછો તો માર્ગ નજર સમક્ષ હોય છે પણ ચક્ષુ સમક્ષ ​લાગણી, પ્રેમ, સંવેદનાનો ​પડદો પડૅલો હોવાથી એ સ્પષ્ટ રીતે ​દેખાતો જ નથી. ​હું પણ આ રોલર કોસ્ટર લાગણીઓમાં ચક્કરો ફર્યા કરતી હતી બધા કહેતા ​તમારા પોતાના સ્વ પ્રયત્નો​,​ ઉમંગ,ઉત્સાહ અને સતત પ્રયાસ દ્વારા ​જ ​પરિસ્થિતિને પોહચી વળવાનું  બળ મળશે,તમારે મજબૂત બનવું જ પડશે,અને મેં આ વાત ને સ્વીકારી,​મારે પણ મારી જીવન યાત્રા પુરી કરવાની છે.હલકા થવા માટે કોઈ ખાસ કિમિયો નથી. માત્ર ​મેં ​સરળતા​ને ​અપના​વાની, ​સત્યનો સ્વીકાર કર્યો અને ​​મેં એમની યાદોમાંથી બળ મેળવ્યું,જિંદગીનો મતલબ,હેતુ અને દિશા મળી ગયા.​
 યાદ છે, કબીરનું લખેલું,​…​
ઝીની રે ઝીની ચદરિયા ઝિની રે ઝિની.
નવ દસ માસ બુનનકો લાગે મૂરખ મૈલી કીની .
ચદરિયા ઝીની રે ઝીની
​જીવન અનેક કર્મોથી મલિન  હોય છે ​હવે મેલી કરેલી આ ચદરિયા ( શરીર) ભગવાનને ધોઈને આપવાનું મન સાથે ​મેં ​નક્કી​ કરી લીધું .​

મિત્રો

 પરિસ્થિતિ નો સ્વીકાર કરી લેવો,કારણ કે સ્વીકારમાં પરિસ્થિતિ નો અંત અને નવી શરૂઆત હોય છે .મિત્રો તમારા હૈયાને હળવેથી હલકું કરજો બાકી તો હૈયા ને નંદવાતા વાર શી​?​ ​ તમારી વાત અમારી સાથે વંહેચજો કારણ ઘણીવાર  ​આ નાની નાની લાગતી વાતો કેટલી મોટી ​હોય ​છે ​ખબર છે ?​ ​તમારી વાતો ક્યાંયક કોઈને સ્પર્શી જશે અને બસ ​અને ડાળીઓ વચ્ચેથી સરસર વહેતી હવા અને એના અદીઠ ધ્વનિનો ગુંજારવ ​કદાચ કોઈના ​હૈયામાં​ ​મધુર શીતળતા રોપી જાય ​કહેવાય નહીં !”
પ્રજ્ઞા દાદ્ભાવાળા

‘બેઠક’ -વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-1-પ્રવિણા કડકિયા

 

અષાઢની મેઘલી રાત
*********************

આમ પણ મેહુલો મને ખૂબ ગમે . ઝરમર ઝરમર વરસતો હોય અને હું છત્રી વગર રસ્તા પર ચાલતી હોંઉ. મમ્મી બૂમો પાડતી રહે, ‘બેટા પલળે છે ને તો શરદી થઈ જશે. પછી તાવ આવશે’.
મમ્મીની વાત ગણકારે એ બીજા. .’ આવા વરસાદમાં નાચવાનું મન થાય, હું તો માત્ર પલળીને આનંદ માણતી હતી’.
અષાઢ મહીનો આવે ને બારે મેઘ ખાંગા થાય. સ્લેટર રોડ ઉપર પાણી ઘુંટણ સમાણા ભરાઈ જાય. હવે અંધેરી જવાનું હોય, ઝડપથી પહોંચવાનો એક જ રસ્તો .મુંબઈની લોકલ ટ્રેન. ગાડી પકડવાની ગ્રાન્ટ રોડથી, સ્લેટર રોડ પર ગયા વગર છૂટકો ન થાય. ચાલુ દિવસોમાં વાંધો ન આવે. ઉનાળાની બાફ મારતી ગરમી અને શિયાળાની ખુશનુમા સવાર ,ટ્રેનમાં જવાની મસ્તી કાંઈ ઔર હોય. આ તો પેલો મેઘ માથું ખાઈ જાય. કોઈક વાર ગમે પણ જ્યારે વરસાદની ઝડી અઠવાડિયા સુધી અટકે નહી તો ભારે થાય.
બે દિવસથી વરસાદ થંભ્યો ન હતો પણ ગાંડાની જેમ વરસ્યો પણ ન હતો. એટલે ચાલ્યું. સવારે મમ્મીએ બનાવેલું ટિફિન લઈને નિકળી, ગ્રાંટરોડથી ફાસ્ટ ટ્રેન મળી ખૂબ આનંદ થયો. સમયસર પહોંચી ગઈ. મુસિબત તો ત્યારે થઈ જ્યારે પાછા આવવાનું હતું. અંધેરીથી ટ્રેનમાં બેઠી હજુ તો વાંદરા સ્ટેશન આવે ત્યાં વરસાદ ટૂટી પડ્યો. ટ્રેનનો ડ્રાઈવર, ઝાઝુ દેખાતું નહી એટલે કાન ફાડી નાખે તેવો ભોંપું વગાડતો. બધા મુસાફરો પરેશાન થઈ ગયા.
.
મુંબઈની પરાની ગાડીમાં મુસાફરી કરી હોય તો ખબર પડે કેટલી ગિર્દી હોય છે. ખિચોખીચ ડબ્બો ભરેલો હતો. વરસાદને કારણે બારણા બંધ કરવા પડ્યા. અંદાઝ પણ નહી આવે માણસો કેટલી ગિર્દીમાં ઉભા હતા. ભલેને તમે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા હો. ગિર્દીમાં ભાગ્યે બહુ ફરક પડે. સાંજના છ વાગી ગયા હતા. મેઘલી રાત બરાબર જામતી જતી હતી. ચાર જણાની બેસવાની જગ્યા પર આઠ જણા બેઠા હતા. ઉભેલાઓ એકબીજાની અડોઅડ મરજી ન હોવા છતાં દબાઈને ઉભા હતા.
હું અંધેરીથી ગાડીમાં બેઠી હતી. ત્યાંથી ખાલી ઉપડી હતી એટલે બારી પાસે બેસવાની જગ્યા મળી હતી. આજે જ પરિક્ષા પૂરી થઈ હતી એટલે મગજ પર કોઈ ભાર ન હતો. બેઠાં બેઠાં ડબ્બાની અંદર ચાલતા જાતજાતના ખેલનું નિરિક્ષણ કરી રહી.
મારી બાજુમાં બે જણાની વચ્ચે બેઠેલી ,મીઠીબાઈ કોલેજની છોકરી , બેઠાં બેઠાં સ્કર્ટ તાણતી જણાઇ. એટલો ટુંકો હતો કે ક્યાંથી ખેંચે તે પણ નવાઈ લાગે. મને ઘણીવાર ટ્રેનમાં ભેગી થતી એટલે હલ્લો કેહેવાનો સંબંધ હતો.
ત્યાં વળી પેલા ધોતિયાવાળાભાઈએ જોરથી છિંક ખાધી. આખા ડબ્બામાં જાણે ધરતિકંપ થયો હોય તેવું લાગ્યું.. હવે આપણે ત્યાં છિંક આવે ત્યારે આડો હાથ દઈએ એટલું પણ એ કાકાને જરૂરી ન લાગ્યું. ચારે બાજુ વરસાદની છાંટ ઉડી. લોકોના મોઢા વિચિત્ર થયા. બસ ખેલ ખતમ. ગાડી ખૂબ ધીરે ચાલતી હતી. લોકોને બફારો થતો હતો પણ નાઈલાજ હતા.
ત્યાં તો એક બહેનના હાથમાં નાનું બાળક હતું. મારી નજર પડીકે તરત મેં કહ્યું ,’અંહી આવીને મારી જગ્યાએ બેસો. મને ઈશારતથી કહે,’ત્યાં આવું કેવી રીતે’ ? એમની નજીક એક ભાઈએ આ ઈશારા જોયા. તેમના હ્રદયમાં રામ વસ્યા. ઉભા થઈને કહે, ‘બહેન આવો અંહી બેસો. ‘ અમારા બન્નેની આંખમાંથી તેમણે આભાર નિતરતો જણાયો. બહેન શાંતિથી બેઠા ત્યાં બાળકે બે હાથે બહેનને પકડ્યાં. મા સમજી ગઈ દીકરીને ભૂખ લાગી છે. એક વસ્તુ કહેવી પડશે, બધા મુસાફરોએ મ્હોં ફેરવી લીધું જેથી મા દીકરીને  અમરતનું પાન સરળતાથી કરાવી શકે. આ સભ્યતા જોઈને મારું શીશ નમી ગયું. ૧૯ વર્ષની એંન્જીનયરિંગમાં ભણતી મને દુનિયાનો અનુભવ ન હતો .
આજે મને આ બધું નિરિક્ષણ કરવાનો લહાવો મળ્યો. ત્યાં થોડે દૂર એક ચોકલેટ વેચતો નાનો પંદરેક વર્ષનો છોકરો દેખાયો. બિચારો ઠંડીમાં ધ્રુજતો હતો. તેનું ખમીસ પણ ફાટેલું લાગ્યું. જો કે ફર્સ્ટ ક્લાસમાં આવા ફેરિયાની બંધી હોય છે. પણ ઝરમર વરસાદ વરસતો હતો એક જુવાનિયાએ તેને ગાડીની સાથે દોડતો હતો તેથી ઉપર ડબ્બામાં ખેંચી લીધો. ઉપર આવીને તેને મફતમાં કેડબરી આપવા ગયો તો પેલા કોલેજના વિદ્યાર્થીએ પૈસા આપીને લીધી. પેલા ફેરિયાના મુખ પરે પ્રસરેલી ખુશીની ઝલક જોઈને મેં પણ તેને નજીક બોલાવ્યો. ચપળતાથી ઘુસ મારીને મારી પાસે આવીને ઉભો. મેં બે ચોકલેટ લીધી અમે મારી પર્સમાંથી નાની શાલ હતી તે તેને ઓઢવા આપી દીધી.
મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. મેં તેને વહાલથી કહ્યું, ‘છોટે ભૈયા રખ લો.’ તેની આંખમાં ધસી આવતા આંસુ હું જોઈ શકી. હજુ તો ટ્રેન માંડ માંડ માટુંગા આવી હતી. તડામાર વરસાદને કારણે પાટા પાણીમાં ડૂબી ગયા હતા. કાળું ડિબાંગ આકાશ હતું. ત્યાં એક મોટી ઉમરના બહેને રામ નામની ધુન લગાવી. રામ એક એવા ભગવાન છે જે સહુ કોઈને પ્યારા છે. બધા મુસાફરો ઘડી ભર ભૂલી ગયા કે કલાકથી ટ્રેન ખોડાયેલી છે. જાણે રામ સહાય માટે આવવાના ન હોય. ખેર બધા થાક્યા, દિવસભરના થાકેલા થોડા તો ઉંઘવા લાગ્યા.
મારી ઉંઘતો ગચ્છન્તી કરી ગઈ હતી. કોને ખબર ડબ્બામાં ચાલતી ચહલ પહલ જોઈને મારા મનમાં વિચારોનું પૂર ઉમટ્યું હતું. દરેક વ્યક્તિ અલગ, દરેકની પ્રતિભા અલગ, દરેકના ચહેરા પરના ભાવ અલગ. કોઈ દિવસ આવો વિચાર આવ્યો ન હતો. આજની મેઘલી સંધ્યા હવે રાત્રીનું રૂપ ધારણ કરી રહી હતી. અચાનક યાદ આવ્યું મમ્મી ચિંતા કરતી હશે. મમ્મીના સેલ ફોન પર ટેક્સ્ટ કર્યોને ટુંકમાં પરિસ્થિતિ જણાવી.
મમ્મીનો જવાબ આવી ગયો, ‘બેટા, સાચવીને ઘરે આવજે’.
ત્યાં બીજો ટેક્સ્ટ આવ્યો,’ પપ્પા ઘરે આવશે પછી તને ગાડી લેવા સ્ટેશને આવશે’.
ત્યાંતો મારી સામેની સીટ પર બેઠેલાં બે જુવાનિયા કાનમાં ગુસપુસ કરી રહ્યા હતા.  મને તેમનો ચહેરો જોવાની મઝા આવી. લાગતું હતું તાજા પરણેલા છે. છોકરી પેલાની સોડમાં ભરાતી હતી. મને લાગ્યું તેને ઠંડી લાગે છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. એમાં પાછા ડબ્બામાં પંખા ચાલે . હવે એનો પતિ હતો કે મિત્ર કળવું મુશ્કેલ હતું. જે પણ હોય તે મારે શું કામ ચિંતા કરવાની ? ધીરે રહીને પર્સમાંથી બટાકાની વિફરનું પેકેટ કાઢી બન્ને જણા ખાવા લાગ્યા.
ત્યાં તો મારી જ કતારમાં બીજી તરફની બારી પાસે બેઠેલાં ભાઈ કમપ્યુટરમાં મોઢું ખોસીને કામ કરી રહ્યા હતાં. જેને કારણે ઘરે જઈને જમી પરવારી સીધા સૂવા જવાય.   આ તો મારું અનુમાન હતું, કદાચ કોઈ બહેનપણી સાથે યા પત્ની સાથે ‘ચેટ’ કરતાં હોય તો નવાઇ નહી. તેમના મોઢાના ભાવ ચાડી ખાતા હતાં કે તેમને મઝા આવતી હતી. નક્કી બહેનપણી હશે ! પત્ની સાથે તો પતિદેવોને બે મીઠ બોલ બોલતા પહેલાં પેટમાં ચુંક આવે. ઘણી પત્નીઓ પણ જાણે પતિદેવ પર ઉપકાર ન કરતી હોય તેમ જમવાનું પિરસે. ભૂલી જાયકે આ ચમન પતિ દેવની કમાણી પર છે!’
ત્યાં ગાડીની ચીસ સંભળાઇ, લાગ્યું ગાડી ધીમે ધીમે ચાલી રહી છે. ડ્રાઈવર ખૂબ સાવધ લાગ્યો. વરસાદ તો ખમા કરવાનું નામ જ લેતો ન હતો. મને પણ થોડો કંટાળો આવતો હતો. બધાનું અવલોકન કરીને મારી આંખો અને દિમાગ થાક્યા હોય એવું લાગ્યું. ત્યાં તો ભીડમાંથી એક બહેને બૂમ મારી,
‘સાલા હાથ લગાતા હૈ’?
પેલો માણસ ડઘાઈ ગયો.
‘નહી બહેનજી, ઐસા કુછ નહી હૈ, ગાડી અચાનક ખડી રહ ગઈ તો મૈં અપનેકો સંભાલ નહી પાયા’. માણસ સજ્જન લાગતો હતો એટલે બહેને ઉદારતા દાખવી,
‘જરા ઠીકસે ખડા રહો, દુબારા ઐસા નહી હોના ચાહિએ’.
‘જી’ પેલામાં આંખ ઉંચી કરવાની હિમત ન હતી. હવે એ, સાચું બોલ્યો કે જુઠું એ કોણ જોવા ગયું છે ?
બારી બહાર નજર કરી તો એલફિન્સટન રોડ સ્ટેશન પસાર થયું. હજુ,’ લોઅર પરેલ ‘અને ‘મહાલક્ષમી’ બે પસાર થવાના હતા.
મનોમન પ્રાર્થના કરી રહી, ‘હે ભગવાન જલ્દી કરને. પપ્પાએ ગાડી ગ્રાન્ટરોડ સ્ટેશન પર મોકલી છે. વિચારોમાં ગાડીમાં બેસીને ઘરે પહોંચી ગઈ’.  મુખ પર સ્મિત આવી ગયું, ‘બચ્ચા અભી દિલ્હી દૂર હૈ”.
લોઅર પરેલ ગયું અને મહાલક્ષ્મી સ્ટેશનની ઝગમગતી લાઈટો દેખાવા લાગી. ત્યાં ટ્રેનમાં જાહેર કરવામાં આવ્યું, ‘અબ યે ટ્રેન આગે નહી જાએગી, રાસ્તા દિખતા નહી હૈ’. મારા તો બાર વાગી ગયા. બધા મુસાફરો ધીરે ધીરે બે સ્ટેશનની વચ્ચે ઉતરવા લાગ્યા. ત્યાં મારી નજર સમક્ષ મારા વર્ગનો અને બાજુની ગલીમાં રહેતો સાહિલ દેખાયો. જાણે ડૂબતાંને સહારો મળી ગયો.
‘સાહિલ હું સલોની, તેણે નજર ફેરવી’.
‘ચા
લ આપણે સાથે જઈશું.’ સાહિલ મને બરાબર ઓળખતો લાગ્યો.
ટ્રેનમાંથૂ ઉતરતાં ભુસ્કો મારવાનો હતો સાહિલે મને સાચવીને નીચે ઉતારી. વરસાદે ખમૈયા કર્યા હતા.  પણ પાણીમાં બન્ને પગ આખા ડૂબી ગયા હતા. પાટા પર ચાલવાનું તેથી જુતા કાઢવાનો વિચાર આવ્યો તેવો ખંખેરી નાખ્યો. પગમાં પત્થર વાગે તે સહન ન થાય.
સાહિલે મારો હાથ પકડ્યો અને મારી બેક પેક પણ લઈ લીધી. સાહિલ હતો પાંચ ફૂટ અગિયાર ઈંચ . ખૂબ સંભાળીને મારી સાથે ચાલતો હતો. રસ્તામાં મને હસાવવાની કોશિશ પણ કરી. મારું મોઢું જોઈ ઈરાદો બદલી નાખ્યો.
થોડીવાર બન્ને મુંગા મંતર થઈને ચાલી રહ્યા. મનમાં વિચાર્યું એક માઈલ જેટલું ચાલવાનું બાકી છે. ગ્રાન્ટરોડ  પાસે પાણી ભરાયા હશે તો ગાડી ‘ભારતિય વિદ્યા ભવન’ પાસે ઉભી હશે. સાહિલ કોઈ સારા જોક્સ કહે આ તો રસ્તો કાપતા ખૂબ વાર લાગવાની છે’
સાહિલ મૂછમાં હસ્યો, ‘બહેનબાની શાન ઠેકાણે આવી’.
આજે કોલેજમાં પ્રોફેસરને કેવા સંકજામાં લીધા હતા તેની વાત કરી રહ્યો. સાહિલ , ખૂબ હોંશિયાર હતો એવું સાંભળ્યું હતું. સલોનીને ભણવા સિવાય બીજામાં અત્યારે રસ ન હતો. આજે કોને ખબર તેને સાહિલનો સાથ ગમ્યો. સારું હતું શુક્લ પક્ષ હતો એટલે ચાંદા મામા અજવાળું પાથરી રહ્યા હતા.  સલોનીની મમ્મી અગિયારસ કરે તેટલે તેને ખબર હતી આજે સુદની તેરસ છે.
લગભગ કલાક પાટા પર ચાલીને બન્ને ગ્રાન્ટરોડ સ્ટેશન પર પહોંચ્યા. સાહિલ, ‘મારા પપ્પાએ ગાડી મોકલાવી છે. જોઈએ ડ્રાઈવરે  ક્યાં ઉભી રાખી છે’?
ત્યાં ડ્રાઈવરનો ફોન આવ્યો, ‘બેબીજી શેટ્ટિકે સામને ગાડી ખડી હૈ’.
સાહિલ ગાડી બહુ દૂર નથી. સ્ટેશન પાસે ખૂબ પાણી ભરાયા હતા. મારી ઉંચાઇ ઓછી એટલે લગભગ તરતી હોંઉ એવું લાગે. કોઈક વાર તો સાહિલ મને કેડેથી ઉંચકીને આગળ ચાલતો હતો. મુંબઈમાં અષાઢ મહિનામાં મેહુલો મન મૂકીને વરસે છે ,તેનો પાકો અનુભવ આજે થયો. આમ તો ઘરે છકે સાડા છની વચ્ચે પહોચી જાંઉ.
આજે આ મેઘલી રાતે અવનવા અનુભવ કરાવ્યા.  રાઇઅવરજી પહેલે .’સાહિલ કો છોડના હૈ, બાદમેં હમે છોડના’. સાહિલ સલોનીની વાત કરવાની ઢબ જોઈને ખુશ થયો. મનમાં તો તેને પણ લડ્ડુ ફુટતાં હતા. સલોની મનોમન ગમતી હતી. આજે મેઘલી રાતે તેના મનની મુરાદ પૂરી થઈ.
આભારવશ તેની સામે જોઈ રહે લી સલોનીનો રૂપાની ઘંટડી જેવો મદુર અવાજ સંભળાયો. ‘સાહિલ આજે આ ‘અષાઢની મેઘલી રાતે’, તું ન મળ્યો હોત તો મારા શું હાલ થાત”?

 

તરુલતા વાર્તા સ્પર્ધા-(૧)આધુનિક ઉપકરણો?-પ્રવિણા કડકિયા

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

” ઓ મારી માવડી, આ સવાર પડી નથીને તું પાછી મંડી પડી. આ તારી ચા ઠંડી થઈ ગઈ’. નીરા સાંભળે તો ને! હાથમાં સેલ ફોન !

આ રોજની માથાકૂટથી નિલમ કંટાળી હતી. તેની કાંઇ ઉમર થઈ ન હતી. આ તો બે બાળકોને પતિદેવ હમેશા ,’ફટવે’. એટલે આ રસ્તો એણે અપનાવ્યો હતો. નીલ અને નીરા સવારના પહોરથી ‘ટેક્સટ’ કરતા હોય. બન્નેને કોલેજ જવાનું મોડું થાય.  રાતના ‘૨’ વાગ્યા સુધી ફોન યા ફેસબુક પર ગુંદરની જેમ ચોંટ્યા હોય. ઉપરથી ‘હુ કેર્સ”ની નીતિ અપનાવે. ત્યાં સુધી તો તેને વાંધો ન હતો. તેની ગાડીની પાછળ બન્ને જણ ગાડી પાર્ક કરે એટલે  બેંકમાં પહોંચવાનું  નિલમને મોડું થાય.

રોજ યાદ અપાવે, મારી કાર પાછળ તમે કાર પાર્ક ન કરો. હમેશા  બાળકો બે કાનનો ઉપયોગ કરે.

બેંક મેનેજરે ,સવારના પહોરમાં બેંક સમયસર ખોલવાની , નહિ તો કસ્ટમર્સની લાઈન લાગી જાય.  તેની પોતાની ગાડી ,ફુલ્લી લોડેડ હતી. ફોન ,’એપલનો, બ્રાન્ડ ન્યુ હતો. નિલમ , “ઔરંગઝબ ન હતી બાળકોના જવાબદારી વગરના વર્તનથી થાકી ગઈ હતી. હજુ તો કોલેજ ગયા ન હતા. અમેરિકામાં લાઈસંસ આવે કે તરત બાળકોને ગાડી મળે. ન આપી હોય તો ચાલે. બાપ સર્જન હોય પછી પૂછવું જ શું?

નિરવની ગાડીનું ગરાજ ‘ડીટેચ’ હતું જેને કારણે તેને તકલિફ પડતી નહી. નિલમની તકલિફ સમજવાનો તે પ્રયત્ન કરતો નહી. તેને મન તો તેના બાળકો ‘બેસ્ટ ઈન ધ વર્લડ ‘હતા.

નિલમે વિચાર્યું આ બધાને પાઠ ભણાવવાની જરૂર છે. આખા ઘરમાં બધના ફોન એક કંપનીના હતા. તેણે ટેમ્પરરી સર્વિસ કેન્સલ કરી. તેની પાસે બેંકનો પ્રાઈવેટ ફોન હતો. પતિ પાસે હોસ્પિટલનો ફોન અને બીપર બન્ને હતા. આજે તેણે પોતાની ગાડી કર્બ પર પાર કરી હતી. નિરવ, સવારે ઉઠીને વહેલી સર્જરી હતી એટલે નિલમ સાથે ચા પીને નિકળી ગયો.

નિલમ બાળકોના રૂમમાં જોવા પણ ન ગઈ. એલાર્મ ક્લોકે તેની ફરજ બજાવી. મમ્મી, રોજ ઉઠાડવા આવતી એટલે નીલ અને નીરા ઉઠ્યા નહી. આજે સીધા દોર કરવા હતા. નિલમ તૈયાર થઈને બેંક પર જવા નિકળી ગઈ. હવે બાળકો મોટા હતા એટલે મેઈડ ને સાંજે ‘૫’ વાગ્યા પછી બોલાવતી. જેને કારણે ડીનર પછી બધું કામ પણ તે કરીને જાય.

નિલમે બેંકના ફોનનો નંબર નિરવ સિવાય કોઈને આપ્યો ન હતો. નીલ અને નીરા  આખરે ઉઠ્યા. ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા. તેમણે ૮॥ વાગે ઘર છોડવું પડૅ તો ૯ પહેલાં સ્કૂલમાં પહોંચે. કોમકાસ્ટ વાળા લાઇન ઉપર કામ કરતા હતા, જેને કારણે ‘આઈ પેડ પણ ન ચાલ્યું. ‘વાઈ ફાઈ’ હોય તો કનેક્શન મળેને !.   હવે ‘ટાર્ડી’ મળવાનો ભય હતો. કારણ શું આપવું?

મમ્મીને ફોન કરવા પ્રયત્ન કર્યો, ‘ફોન વૉઝ ડેડ’. પપ્પાને  વૉટ્સ એપ’ પર પેજ’ કર્યા.  નસિબદાર કે એટલો વખત કનેક્શન કામ કરી ગયું. પેજર હતું નર્સિસ સ્ટેશન પર .

‘ ડો. દલાલ ઈઝ ઈન ધ સર્જરી.’ હવે શું ?

મમ્મીની બેંકમાં ફોન કર્યો. બેંકમાં તો આદત હોય, ‘ધિસ ઈઝ નેશન્સ બેંક, લોરા સ્પિકિંગ, કેન યુ હોલ્ડ” ? બસ પછી લોરા બહેન તો દસ મિનિટ સુધી કસ્ટમર્સને અટેન્ડ કરતાં હોય. જ્યારે ફોન લાઈન ઉપર પાછા આવે ત્યારે લાઈન કટ થઈ ગઈ હોય.  સ્માઈલ કરે અને ફોન પાછો મૂકે.

તમને શું લાગે છે,’નીલ અને નીરામાં આટલી ધિરજ હોય ખરી’?

છેવટે એવા નિર્ણય પર આવ્યા કે બન્ને જણા એક ગાડીમાં મમ્મીની બેંક ઉપર જઈએ. નહાયા વગર તો ચાલે નહી. ભૂખ હોય તો બ્રેકફાસ્ટ કરે ને ? ઉપડ્યા ‘નેશન્સ બેંક’ પર.

બેંકમાં આજે કોઈને મોટી ,’બિઝનેસ લોન ‘ જોઈતી હતી. કસ્ટમર મોટો વ્યાપારી હતો. નિલમને બધું કામ કમપ્યુટર પર કરવાનું હતું. કમપ્યુટરની સિસ્ટમ બે મહિના પહેલાં ‘અપ ગ્રેડ’ થઈ હતી. ત્યાર પછી આટલું મોટું કામ આજે પહેલીવાર આવ્યુ હતું. જ્યારે મોટી લગભગ મિલિયન ડોલરની લોનનું કામ કરવાનું હોય તો ખૂબ સાવચેતી રાખવી પડૅ. હવે પેપર વર્ક તો કશું હોય જ નહી. કમપ્યુટર પર બધા કામના ફોર્મ લોડ કરવાના, ભરવાના , પૂછે એટલા બધા સવાલના જવાબ ન આપો તો ‘નેક્સ્ટ પેજ’ના દર્શન જ ન થાય.

નિલમ તેના કામમાં ખૂબ ‘એફિશ્યન્’ટ હતી. જેને કારણે એક વર્ષથી, ‘બ્રાન્ચ મેનેજર’નું પ્રમોશન મેળવ્યું હતું. આમ પણ ભારતિય કામકાજના ચોક્કસ અને હાથના સાફ હોવાને કારણે અમેરિકામાં ખૂબ તરક્કી પામ્યા છે. તેની ઓફિસની બહાર “ડુ નોટ ડિસ્ટ્ર્બનું” બોર્ડ હતું. બે ટેલર હતા, નીલ અને નીરાએ કહ્યું કે અમારે .નિલમને મળવું છે. તેમને પેલું લટકતું બોર્ડ બતાવ્યું. નિલમ શિસ્તની ખૂબ પાકી હતી.

‘હવે શું ‘?

ચાલો પપ્પા પાસે હોસ્પિટલ જઈએ. નીલ અને નીરાને ખબર હતી ,’પેરન્ટસની નોટ્સ’ વગર હાઈસ્કૂલમાં અંદર જવા નહી દે.

પપ્પા સર્જન, ઓપરેશન નાનું હોય તો અડધો કલાક અને સિર્યસ હોય તો બે કલાક. તેમાં જો,’કોમ્પલીકેશન ‘ હોય તો લંબાઈ પણ જાય. ખબર છે ને ‘દુકાળમાં તેરમો મહિનો’. ઓપરેશન ટેબલ પર પેશન્ટ્નું હાર્ટ સ્ટોપ થઈ ગયું હતું. તેને ‘રીવાઈવ’ કરતાં સમય લાગ્યો. પપ્પાને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવવાને અડધો કલાક હતો.

નીલ અને નીરા કાફેટેરિયામાં ડોનટ પિક અપ કરવા ગયા. કાફેટેરિયાનું કેશ રજિસ્ટર ‘આઉટ ઓફ ઓર્ડર ‘ હતું. કેશિયરને પૈસા ગણતા ખૂબ વાર લાગતી હતી. સમય જતો રહ્યો ને પપ્પાને બીજી સર્જરીમાં જવું પડ્યું. બન્ને માથે હાથ મૂકીને બેઠા.

ઓપરેશન થિયેટરની બહાર નર્સિંગ સ્ટેશન પર કહ્યું હતું કે , ‘વી આર ડોક્ટર દલાલ્સ’ ચિલડ્રન’.

નર્સે કહ્યું,’ ધિસ ઈઝ સ્મોલ સર્જરી, હી વિલ બી આઉટ’ ઇન ૨૦ મિનિટ્સ. ‘

બન્ને બહાર બેઠા. પપ્પા બહાર આવ્યા.

‘કેમ શું થયું ?

‘પપ્પા, ફોન ચાલતો નથી. અમે મોડા ઉઠ્યા.  હાઈસ્કૂલમાં પેરન્ટ્સની નોટ્સ નહી લઈ જઈએ તો દાખલ નહી થવા દે.’

ડોક્ટર દલાલના પ્રિન્સિપલ, ફ્રેંડ હતાં.  ડો દલાલે તેમને ટેક્સ્ટ કરીને મેસેજ આપી દીધો. બન્ને જણા લંચ ટાઈમે સ્કૂલમાં પહોંચ્યા.

જોઈને આધુનિકતાના ઉપકરોણોની બલિહારી.

બાળવાર્તા -(૧)”ચીબાવલી બટુ”

ચમેલીની સુગંધ જે દિશામાંથી આવે ત્યાં સમજી જવું કશું ઉંધુ ચત્તું થયું હશે. નામ ‘ચમેલી’, પણ બટુ કહે મમ્મીએ કુંડામાં બધા ફુલ ચમેલીના વાવ્યા હતાં. બટુ ચંચળ, ચપલાક, ચકોર, ચમેલી ખૂબ મોહ પમાડે તેવી હતી. જેવી તેની અદા તેવી તેની સદા. નાનો નાનો પણ રાઈનો દાણો. મારી બેટી ચમેલી બે વર્ષની થઈ ત્યાં તો ગામના નાના મોટાં સહુના દિલ જીતવા લાગી.લોકો વ્હાલથી કહે બટુ..બોલકણી
પટ પટ એવા પલાખાં બોલે કે મમ્મીને થાય આના મગજમાં કમપ્યુટર છે. તેથી તો આપણે પૂર્વ જન્મમાં માનીએ છીએ. નક્કી ગયા જન્મના સંસ્કાર લઈને આવી હતી. ત્યાં તો બટુ નાનો ભાઈ આવ્યો. એ હતો એકદમ ગોળમટોળ. ‘ગટુ’ જાણે ગોળના રવામાંથી ન ઉત્પન્ન થયો હોય. ખૂબ ગળ્યો, એટલે કે મીઠો. બન્ને ભાઈ અને બહેનની જોડી આખા ગામમાં ધુમ મચાવે. બાળપણ કોઈનું ટક્યું નથી ને ટકવાનું પણ નથી.
રમણભાઈ અને રમિલા બન્ને બાળકોને જોઈ ફુલ્યાં ન સમાય. ગટુ અને બટુની જોડી હવે તો નિશાળમાં પણ પ્રખ્યાત થઈ ગઈ. બટુ આવી બીજા ધોરણમાં અને ગટુભાઈ ‘એકડિયુ પાપડિયું ‘ ભણતા. પાટી અને પેન સાથે બાપે માર્યા વેર. જો જો કાંઇ ઉંધું સમજતાં. પાટી હોય તો પેન ભૂલી જાય અને પેન હોય તો પાટી ઘરે રહી ગઈ હોય. બટુ ખૂબ હોંશિયાત. તેની પાસે બધું જ હોય. ગટુ ચલાકી ન ચાલે. એટલે તો ને ‘બટુને દીદી’ને બદલે ‘ચીબાવલી  બટુ’ કહીને બોલાવે.
બટુ ખૂબ મુંઝાય. ‘હું બકુની દીદી, મારું નામ ‘ચમેલી’ અને મારો ભાઈલો મને કહે ‘ચીબાવલી બટુ ‘, તો હું કોણ ?’
ગટુ  પણ મઝાનો, ‘તું મારી ,દીદી’, મારી બધી ગડમથલ કરે સીધી, મને ક્યારેય ન કરવાદે ‘મનમાની’ તેથી કહું, હું તને ચીબાવલી બટુ ‘ કહીને દોડી જાય.
ભલે ગટુ હતો ગોળમટોળ પણ ભાગે એવો કે બટુના હાથમાં કદી ન આવે. ગટુ અને બટુની જોડી ખૂબ જામી હતી. બટુને ગટુ વગર એક પળ પણ ન ગમે. બટુનો ભાઈલો બધું ભૂલી જાય એટલે તે પોતાના દફતરમાં બધું વધારે રાખે. અરે કોઈવાર શાળામાં ખાવા, નાસ્તાનો ડબ્બો પણ ભૂલી જાય. બટુ પોતે ભૂખી રહી પોતાનો ડબ્બો ભાઈલાને વહાલથી આપી દે. ગટુ ચિબાવલી બટુ દીદીને ખૂબ વહાલ કરતો.  તેને બટુ ભણવમાં મદદ કરતી.  પોતે નાનો પણ બટુ પર રોફ જમાવે, ‘જો તને કોઈ શાળામાં સતાવે તો મને કહેજે’.
બટુ હસે, તું આટલો નાનો મને કેવી રીતે સાચવીશ. એકવાર બન્યું પણ એવું કે શાળાએથી ચાલતાં બન્ને ભાઈ બહેન ઘરે આવતા હતાં. રસ્તામાં મળ્યો પેલો ચમન. આજે ગણિતમાં બટુને બે આંક વધારે મળ્યા હતાં. રસ્તામાં ચાલતાં બટુની સામે ચાળા પાડતો હતો. ગટુભાઈ શરૂમાં તો કાંઇ બોલ્યા નહી. ઘર નજીક આવતાં દોડીને પાછળથી તેનું દફતર ખેંચી પાડી નાખ્યો.
‘બટુ દોડ, ઘર આવી ગયું’.
બન્ને ભાઈ બહેન દોડીને ઘરમાં ઘુસી ગયા. બારીમાંથી ચમનના હાલ જોઈ તાળી પાડી નાચતાં હતા. બટુ બીજા ધોરણમાં પહેલે નંબરે પાસ થઈ. તેનાં પુસ્તકો ખૂબ સાચવીને વાપરે. રમિલા બહેન કુશળ ગૃહિણી હતાં. એક વર્ષ સાચવી રાખે જેને કારણે ગટુને વરસ પછી વાપરવા ચાલે. રમણભાઇને થતું  ા ૧૯મી સદીની જેમ મારી બૈરી પુસ્તકો કેમ સાચવી રાખે છે. પપ્પાએ બટુ સાથે વાત કરી.
ચીબાવલી ચમેલીને પણ આ વાત ન ગમી. તેમના ઘરમાં કામવાળી બાઈનો ભીખલો ચમેલી કરતાં એક વર્ષ નાનો હતો. મમ્મીને કહ્યા વગર પોતાના બધા પુસ્તકો ભીખલાને આપી દીધાં.  મમ્મી જ્યારે તેનું ખાનું સાફ કરવા ગઈ ત્યારે ખાલીખમ!
બટુ ,’તારા પુસ્તકો બધા ક્યાં ગયા?’
‘મામી ભીખલો કાલે લઈ ગયો’.
‘ચીબાવલી ‘.
બટુ મનમાં ને મનમાં હસી રહી. ઉનાળાની રજામાં ગલીના બધા છોકરાઓ ભેગાં રમવાની મઝા આવતી. ‘થપ્પો’ રમવો સહુને બહુ ગમતો. બટુ બધાની કપ્તાન હોય એ તો નક્કી હતું. કોઈનામાં તાકાત ન હતી કે બટુનો બોલ ઉથાપી શકે. બટુમાં ડહાપણ ભરેલું હતું. એટલે તેને ‘ચીબાવલી’ હવે બધાં બાળકો કહેતાં. બટુને પણ હવે એનામ ગમવા માંડ્યું હતું. થપ્પો રમવામાં જો કોઈ અનાડીવેડાં કરે તેને રમતમાંથી બાકાત કરતી. એ પાંચ ઉઠબેસ કરે પછી જ તેને રમતમાં ભાગ લેવા મળતો. તે પણ પાછી બે કાન પકડીને . સીધા હાથે નહી. હાથની આંટી મારીને.
આજે બટુના પપ્પા બેટરીથી ચાલે એવી મોટર લાવ્યા હતાં. પેલો ભીખલો દબાવીએ ત્યારે કૂદકા મારે તેવો દેડકો. ચકુ ભમરડો લઈને આવ્યો હતો. બટુને એમ કે મારી ગાડી બધાને ગમશે. પણ જમીન લીસી ન હોવાથી ગાડી સરખી ચાલતી ન હતી. ચકુનો ભમરડૉ અને ભીખલાનો દેડકો રમવાની બધાએ મઝા માણી. બટુબહેન જરા ઠાંડા પડ્યા. દોડીને ઘરમાં જઈને કૂદવાનાં દોરડા લઈને પાછાં આવ્યા. પછી તો જે બધાએ રમવાની મઝા માણી કોઈને ઘરમાં પાછાં નહોતું જવું. ભૂખ પણ નહોતી લાગી.
આજે ગટુઅને બટુએ મમ્મી અને પપ્પાને સતાવવાનું નક્કી કર્યું. બટુને ગમ્યું નહી પણ ભાઈલાની વાતમાં આવી ગઈ. ગટુડા ખાવી હતી ખીચડી. પપ્પાને ભાવે નહી, તેથી મમ્મી બહુ બનાવે નહી.
‘દીદી આજે મારા પેટમાં દુઃખે છે’. કહીને ગટુએ દીદી સામે જોઈ આંખ મારી.
બટુ સમજી ગઈ. દોડતી મમ્મી પાસે ગઈ. ‘મમ્મી, ગટુનથી લાગતું.’
‘શું થયું’.
‘મમ્મી એના પેટમાં દુઃખે છે’.
સારું તો જમવામાં ઓસામણ ભાત બનાવીશ’.
‘મમ્મી, ગટુને તો ખિચડી ખાવી છે’.
‘તારા પપ્પાને ભાવતી નથી. મને બહુ તેના પર પ્રેમ નથી,’
‘તો, મમ્મી હું અને ગટુ ખિચડી ખાઈશું’.
મમ્મીએ મોઢું બગાડ્યું , બે અલગ રસોઈ કરવી પડશે, પણ બાળકોને નારાજ તો ન કરાય.
વાત એમ હતી કે ગટુ નાનપણથી  ચીબાવલી દીદી પાસેથી આ વાર્તા સાંભળતાં થાકી ગયો હતો.
એક હતો ચકો
એક હતી ચકી
ચકો લાવ્યો ચોખાનો દાણો
ચકી લાવી મગનો દાણો
બન્ને એ બનાવી ખિચડી.
બસ આટલી નાની વાત ગટુને ખબ મઝા પડતી.
ઉનાળાની રજા તો રમતાં રમતાં પૂરી થઈ ગઈ. ટી.વી. બહુ ઓછું જોવા મળતું. જેને કારણે બાળપણની મઝા લુંટતા બટુ અને ગટુમ ભર્યો સહવાસ માણી શકતાં. પપ્પા એક અઠવાડિયું ‘વિલ્સન ડેમ’ લઈ ગયા હતાં. ત્યાં પાણીના ધોધની નીચે નહાવાની મઝા પડતી.
તોફાની ચકુડાને તુક્કો સુઝ્યો. ચમેલીના કાનમાં કહ્યું. ચમેલી હસી હસીને બેવડ બની ગઈ. ભાઈલાને તેમ કરવાની ના પાડી. આજે ચકુડાએ દીદીનું ન સાંભળ્યું. નીચે ફોલમાં ત્રણ ટાલિયાઓ નહાવાની મઝા માણતા હતાં.. ઉપર જઈ ગટુડાએ પાણી ભેગાં થોડા કાંકરા નાખ્યા.   નીચે ટાલિયાઓના માથામાં તડ તડ વાગ્યા. બધા નવાઇ પામી બહાર નિકળી ગયા. ગટુભાઈ તો શાંતિથી ઉભા ઉભા તમાશો જોતા હતાં. જો તાળી પાડે તો પોતાની ચોરી પકડાઈ જાય.
બટુ દોડતી મમ્મી અને પપ્પા પાસે જઈ પહોંચી. ગટુ ના પરાક્રમની વાત કરી. પપ્પા દોડતા આવ્યા.
‘ગટુ’ કહીને રાડ પાડી.  ગટુજરા ગભરાયો. પપ્પા તેને હાથ પકડીને હોટલની રૂમમાં લઈ ગયા. દીકરાને સમજાવીને પૂછ્યું. જુઠ્ઠું બોલતા આવડતું ન હતું. સાચી વાત કહી દીધી.
‘બેટા આ સારું કામ ન કહેવાય’.
‘પપ્પા મને જોવાની મઝા પડી’.
‘એમ, તો આજે તને સાંજના જમવાનું નહી મળે, મને જોવાની મઝા પડશે’.
‘પપ્પા મારા પેટમાં ઉંદરડા દોડે છે’.
‘જો પોતાને કોઈ વસ્તુ ન ગમે, તેમ બીજાને પણ આપણે હેરાન કરીએ ખોટી રીતે તે સારું ન કહેવાય’.
ગટુ સમજી ગયો આ કારસ્તાન ચીબાવલી દીદી બટુના છે. નહી તો પપ્પાને ખબર કેવી રીતે પડી!
મનમાં થયું ,’પપ્પાની વાત સાચી છે’.
દીદી, એક વાત કહું’?
‘હા’
‘આજથી તું ચીબાવલી નહી પણ મારી વહાલી ‘બટુ દીદી’ છે .
પ્રવિણા કડકિયા

ચાલો લ્હાણ કરીએ.પ્રવિણાબેન કડકિયા -(૧)લ્હાણી

         લ્હાણી
         ******

બચપનથી આ ગાયન ગમતું હતું. આજે પણ એટલું જ પ્યારું છે. ફિલ્મ મુનિમજી અને અદાકાર હતો દેવાનંદ. દેવાનંદ ચાલે ત્યારે જાણે એના શરીરમાં હાડકા ન હોય એવું લાગે અને રડે ત્યારે પ્રેક્ષકો હસે.

 

જીવનકી સફરમેં રાહી મિલતે હૈ બિછડ જાને કો

ઔર દે જાતે હૈ યાદે તનહાઈમેં તડપાનેકો

આખું ગાયન તો યાદ નથી. આ ગાયનની પહેલી બે પંક્તિ દિલને હચમચાવવા માટે પૂરતી છે.

જીવનની સફર ,આમ જોઈએ તો તેની વ્યાખ્યા સાવ સરળ છે. જનમ્યા ત્યારે જે પ્રથમ શ્વાસ લીધો હતો અને અંત સમયે જે આખરી શ્વાસ લઈશું તે વચ્ચેના ગાળાને જીવન કહેવાય.  એ બે શ્વાસની વચ્ચેનું અંતર માપવું સહેલું નથી. કોઈનામાં તાકાત પણ નથી. હજુ ગઈકાલની વાત છે. મારા મિત્રનો  ડોક્ટર જમાઈ ૪૦થી ૪૨ વર્ષની ઉમરનો કુટુંબ સાથે વેકેશન લઈને આવ્યો. બીજે દિવસે કામ પર ગયો. તબિયત ઠીક ન લાગવાથી ઘરે આવ્યો. અચાનક દુખાવો ઉપડ્યો. ડોક્ટર હતો ઈમરજન્સીમાં એમબ્યુલન્સમાં પહોંચી ગયો. ચાર દિવસમાં તો ખેલ ખતમ ‘માસિવ હાર્ટએટેક”.

જનારે વિચાર કર્યો કે પાછળ રહેલાંની શું હાલત થશે? બાલકોનું કોણ? જુવાન પત્ની તેની ઉમર કેવી રીતે કાપશે? જનાર તો જતો રહ્યો. જો કે તેની મરજી ઓછી હતી ? અરે તેને ખબર પણ ન હતી કે દુખાવો થયા પછી ‘મારી હાલત શું છે”. હવે આ રાહી ૩૭ વર્ષની પત્ની અને પાંચ વર્ષની અંદરની બે દીકરીઓને કોને ભરોસે મૂકી ગયો? જીવન પથના રાહી મળે છે તે બિછડવાના છે એ નક્કી છે. એમાં શંકાને સ્થાન નથી. તેનો અર્થ એ નથી કે જીવનને માણવું નહી . બધા રાહી આમ જતા રહેશે એવો વાહિયાત વિચાર પણ કરવો નહી.

જીવન જીવવ માટે છે. બની શકે તો સારા કૃત્યો કરવા. મહેનત કરી બે પૈસા રળવા. જીવનમાં જો સુખ અને શાંતિ જોઈતા હોય તો પૈસા જરૂરી છે. તેની પાછળની આંધળી દોટ અને ગાંડપણ  અર્થહીન છે.  માતા, પિતા, બાળકો, ભાઈ ,બહેન, પતિ અને પત્ની સહુ જીવનમાં તેમના સ્થાને મહત્વના છે. કોઈની ઉપેક્ષા યા અનાદર એ હિતાવહ નથી.

જીવન દરમ્યાન સાથી એ જીવનનું અભિન્ન અંગ છે. જે જીવનને મઘમઘતું રાખે છે. એ સાથી સાથેનો પવિત્ર રિશ્તો જીવનનો પ્રાણવાયુ છે. એ રિશ્તાના વફાદારી, લાગણી, આદર, પ્રેમ, સત્યતા પાયા રૂપ છે. એકબીજાને સમજવાની ભાવના, હુંપણાનું ઓગાળવું ખૂબ અગત્યના છે. જ્યારે આવી સુંદર વ્યક્તિનો સાથ હોય અને અચાનક વાયરો દીવો બુઝાવી જાય તેમ મૃત્યુ આવીને દૂરી સર્જી જાય ત્યારે પાછળ રહેલા સાથીની હાલત કલ્પવી પણ અસંભવ છે. તનહાઈમાં તે પુરાણી યાદો વિંંટળાઈ  હેરાન પરેશાન કરી મૂકે. છતાં પણ એ યાદો મમળાવવી ગમે .

ગાયનમાં ચોખ્ખું કહ્યું છે, મિલાપ જ બિછડવા માટે થયો છે. શું તેનો અર્થ એવો તો નહી કરવો રહ્યો કે, મિલાપ જ શું કામ થયો? હરગિઝ નહી . જનમ્યા ત્યારે ખબર હતી મુસાફરી મૃત્યુ તરફની છે , તો શું કામ જન્મ ધર્યો? જીવનની સફરમાં જેમ મિલાપ અણધાર્યો હોય છે. તેમ વિયોગ પણ કહીને નથી થતો. હા, થોડા અપવાદ સિવાય. જ્યાં હું, હું ને પંપાળવામાં આવે ત્યારે છૂટાછેડા નો માર્ગ ખુલ્લો થાય. એ સમયે બિછડવાનું દુખ થવાને બદલે છૂટકારો મળ્યાનો આનંદ થાય છે.

જીવનની સફરમાં રાહી મળ્યો ભલે બિછડવાનું નક્કી હોય પણ મિલાપ દરમ્યાન જે સુંદર સાથ નિભાવ્યો. જીવન મધુરું બનાવ્યું. કલ્લોલ કરતું કુટુંબ મેળવ્યું. તે શું પૂરતું નથી? સારા નસિબે મનગમતો સાથી મેળવ્યો. વસંતમાં મોહર્યા, વર્ષાની રિમઝિમમાં પલળ્યા, પાનખરની સુંદરતા માણી, ઠંડીમા ઉષ્મા માણી. એ સાથીની યાદ ભલે તડપાવે પણ એ તડપનમાં પણ ઝીણું ઝીણું મધુરું દર્દ છે.  જે મિલન આનંદની હેલી ઉભરાવે છે. તેવા મિલનનો વિયોગ ખૂબ દર્દ પણ આપે છે.

જીવનની સફરમાં રાહી અનેક રૂપે મળે છે. દરેકનો મેળાપ અને વિયોગ છાપ છોડી જતાં નથી. કોઈ આવે અને જાય, કોઈનો સાથ થોડો ટકે કોઈ જીવનભર સાથ નિભાવે. અંતે તો તે પણ વિદાય થવાના. જે અગત્યના યા નજીકના હોય તેમની ગેરહાજરી વરતાય. જેમની ગેરહાજરી વરતાય તેમાં પણ અનેક પ્રકાર હોઈ શકે. ગેરહાજરીમાં હાજરી જણાય તે અનેરા હોય. પછી તે માતા, પિતા , પતિ, પત્ની કે બાળકો હોય.

અંહી સાકાર અને નિરાકારનો ભેદ સમજાય. જ્યારે વ્યક્તિ હયાત હોય ત્યારે તેના પ્રત્યેની આસક્તિ કે પ્રેમ વ્યક્ત હોય. પણ જ્યારે એ વ્યક્તિ સાથ ત્યજી દે ત્યારે એની મધુરી યાદ, તેના દ્વારા મળતું માર્ગદર્શન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એ દર્દ પણ મીઠું લાગે. એ સહવાસની સુગંધ દ્વારા વિરહમાં પણ પ્રેરણાનો સ્તોત્ર વહેતો રાખે. એ તડપનમાં તિવ્રતાનો સંગમ થઈ જીવનના હરકદમ પર સાથ નિભાવે.

હાજરીનો અભાવ હોય અને ગેરહાજરીમાં હસ્તી ચારેકોર ડોકાતી હોય. જીયરામાં તડપન હોય અને એ તડપનમાં દિલ દર્દ દ્વારા સહવાસ માણતું હોય. યાદોનો સાગર ઉમટ્યો હોય અને હૈયું તેમાં હિલોળા લેતું હોય. ખૂણેખાંચરેથી યાદ ડોકિયા કરતી હોય. નજર સમક્ષથી સાથીની તસ્વીર ખસતી ન હોય. કણકણ સાથીની યાદ સભર હોય. યાદ અને વિષાદ હાથ મિલાવી જાણે સાદ ન દેતાં હોય! હૈયું ચિત્કાર પાડી ઉઠે, નિભાવવો ન હતો તો સાથ શું કામ આપ્યો ! દ્વંદ્વની ઉલઝન સુલઝાવવી કેમ? હા, પ્યારનો સાદ સુણાય અને હૈયાને શાતા મળે કે,”નિશાનીઓ દ્વારા” સંતોષ માણવો રહ્યો.

જીવનની સફર જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી ચાલી રહેવાની. હવે એ સફરમાં કોણ કેટલો સાથ નિભાવશે એ કહેવું મુશ્કેલ નહી પણ નામુમકીન છે. જેવું મળવું અને છૂટા પડવું એક સિક્કાની બે બાજુ જેવા છે તેવું તડપવું અને તરબતર રહેવુંનું પણ છે.  એ તડપનમાં પણ પ્રેમ છે. જે તરબતર હતાં ત્યારે પામ્યા હતા. તનહાઈ હોય કે  માનવ મહેરામણ એ સાથ નહી છોડે. તનહાઈમાં તમને ઘેરી વળશે. છતાં જુનું આવલંબન સહારો દેશે. માનવ મહેરામણમાં અગ્નિ પરની રાખ જેવું લાગશે. રાખ દૂર થાયને અગ્નિ પ્રજ્વળી ઉઠશે.

જીવનની સફર ઉમંગભેર સાથીની હાજરી કે ગેરહાજરી, તનહાઈ કે મિલન, આનંદ યા વિષાદ , યાદોની બારાતની સંગે વણથંભી ચાલવાની. હાજરી અને ગેરહાજરીની ચરમ સીમા છે ” મધુરી યાદ”.

‘મનની મોસમ’ લલિત નિબંધ (9) મનની મૌસમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મૌસમ  આવે ને જાય. મૌસમ  ફરી ફરી આવે. મૌસમ માણવા મળે. વર્ષાઋતુ, શિયાળો અને ચોમાસુ ત્રણ ઋતુ વિષે આપણે સહુ જાણીએ છીએ. મનની મોસમ, મોસમ એટલે સારી એકસરખી ઋતુ.મૌસમ એટલે ઋતુ નવાઈ લાગશે જરા વિચાર કરીએ તો સમજાશે મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે. મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે. એજ મન હરીભરી મોલાતોમાં  નિરસતા પણ ભરી શકે છે.
મન કે જેનું આ પાર્થિવ શરીરમાં રહેવાનું ઠેકાણું નથી છતાંય તેની આણ સર્વત્ર વરતાય છે. મન અને વાંદરો બેમાંથી કોણ ચડે? આ પ્રશ્ન ઉકેલવાની કોઈનામાં તાકાત નથી. મન નાચ પણ કરાવે. મન મધુરતા પણ ફેલાવે. મન, ‘અમન’ થાય ત્યારે પરમ આહલાદક શાંતિનો અહેસાસ પણ કરાવે. મન, ‘નમન’ કરે ત્યારે  જગતમાં સહુને તેની સાથે પ્રેમ થઈ જાય છે.
હવે આ મન શું છે ? બાળક હોઈએ ત્યારે નિર્દોષ અને નિર્લેપ. ન તારું, ન મારું એવી ભાવના. મન છે ને તેને સંગ નો રંગ જલ્દી લાગી જાય. જેમ કાજળની કોટડીમાંથી કાળા ડાઘ લાગે, તેમ મન જેવું પાત્ર જુએ તેમાં ઢળી જાય. બાળપણમાં આ સ્વાભાવિક ક્રિયા છે. ભણવામાં ચિત્ત લગાડ્યું . મન ચોટલી બાંધીને  વિદ્યાર્થી જીવનનું કાર્ય હેમખેમ પાર પાડે. જો એ મન આડે રસ્તે ચડી જાય તો ભણવાના નામનો ભમરડો અને પછી આખી જીંદગી પેટ ભરીને પસ્તાય. એ મન બાળપણને માણી તેની સાથે ચેડા કરવાને બદલે યોગ્ય રીતે વળે તો જુવાનીની કેડી સરળતાથી પાર કરી શકે. મનની મોસમ ત્યાર પછી એવી ખીલે કે જીવનને હર્યું ભર્યું બનાવે .
જુવાની આવે, શરીરના અંગોપાંગમાં વસંત ખીલે, મનનો મોરલિયો ટહુકી ઉઠે અને વાણી તેમજ વર્તનમાં તેની સ્પષ્ટ છાંટ વરતાય. આમ મનને મોસમ પણ હોય અને જો કોઈ વાર કમસોમ હોય તો લેવા ના દેવા પણ થઈ જાય. સંયમ દ્વારા મનને અંકુશમાં રાખવું પણ આવશ્યક બને. બેફામ બનીને વિહરે તો પછી તેનું મૂલ્ય ચૂકવવું પડે. મનની લગામ છે વિચાર. આ વિચાર જો સીધા રસ્તે ચાલતા હોય તો જીવન સુગમ બની જાય. બાકી અવળા રસ્તે ચાલે ત્યારે ઝાડી ઝાંખરમાંથી માર્ગ કાઢવો મુશ્કેલ બને.
મન તને શું કહી બોલાવું ? મન તું ગહન છે, તારો તાગ કાઢવો મુશ્કેલ નહી અશક્ય છે. તને નાથવાનો પ્રયત્ન કદી સફળ થયો નથી. હા, અભ્યાસ દ્વારા તેનામાં શિસ્ત જરૂર આવે.
“તારા મનમાં શું છે એ મને ખબર છે” .
આ વાક્ય પાયા વગરનું છે. કદી કોઈના મનમાં શું છે એ વિચાર કરવો યોગ્ય નથી. તેનો તાગ ભલભલા ભૂપતિઓ પણ કાઢી શક્યા નથી. હાથમાં શું છે ,એ અટકળ કરી શકાય. ખિસ્સામાં કેટલા પૈસા છે એ ગપ્પું મારી શકાય. બાકી કોઈના મનમાં શું છે એ કલ્પવું મુશ્કેલ છે. પતિ અને પત્ની વર્ષોના સહવાસ પછી પણ તે કળી શક્તા નથી. બીજાની વાત ક્યાં કરીએ.
હવે આ મન મોક્ષનો માર્ગ પણ સરળ કરી આપી શકે તેમ છે. મન બંધનકર્તા પણ છે. મન શરીર દ્વારા એક પગલું પણ ચાલ્યા વગર આખા વિશ્વની મુસાફરી કરી પાછું આવી શકે તેમ છે. મનની શક્તિ અમાપ છે. મનને નાથવું એટલે હવામાં બાચકા ભરવા બરાબર છે.  મન એ એવી સ્થિતિ છે જે માનવીને ઈશ્વરની નજીક લઈ જવામાં સહાય કરે છે. ઉદ્યમી મન ઉર્ધ્વ ગતિ કરી અસાર સંસારને રસમય બનાવી, પથ આસાન કરે છે.
મન શાંતિ પ્રદાન કરી શકે છે. મન અશાંતિનો દાવાનળ પ્રગટાવી જીવનને દોઝખ પણ બનાવી શકે છે. એ દરેક વ્યક્તિની પોતાની પસંદગી છે. મનને જો સુંદર રીતે કેળવવામાં આવે તો તે ધરતી પર સ્વર્ગ ઉતરવાને શક્યમાન છે. બાકી સ્વર્ગ અને નરક એ કોઈ ભૌગોલિક જગ્યા નથી. એ મનના કારસ્તાન છે. અસંતોષ, દ્વેષ અને તુલનાના સંકજામાં મન ફસાય તો પછી જોઈલો તેનો ઉપદ્રવ.
મન ઉપરનો સંયમ જીવન યાત્રાની અંતિમ ક્ષણોને સુખદ બનાવી પરિવારમાં શાંતિ અને સુમેળની મહેક રેલાવશે. મન છે તો માનવી છે. એ મન જીવનને સાચો રાહ બતાવી જીવનના ઉપવનમાં  સુંદર ફૂલો ખીલવી સુગંધ પ્રસરાવશે. મનની મોસમ સદા બહાર રહે તો દુનિયામાંથી ઘણા અનિષ્ટ તત્વો ગેરહાજર થઈ જાય. અતિશયોક્તિ નથી કરતી મન, માનવીને પશુ બનાવવા પણ સમર્થ છે.  બે પગાં માનવી અને ચાર પગા પ્રાણી વચ્ચે મહત્વનો તફાવત હોય તો તે આ ‘મન’ છે.
મનની મોસમનો વાયરો, ઠંડી યા તાપ બહુ પરેશાન નથી કરતાં. તે પરિસ્થિતિ અને સંજોગોનું ગુલામ છે. તે પણ જોવા જઈએ તો માત્ર બહાનું છે. બાકી સાર વિચાર, સંસ્કાર, વાણી અને વર્તન જેવા પર્ણોથી મનનું વૃક્ષ લહેરાતું હોય તો  કુદરત પણ રીઝી ઉઠશે. સદા વસંતના વાયરા વાશે. મનનો મોરલિયો ટહુકા કરી થનગનાટ કરતો નાચી ઉઠશે.

પ્રવિણા કડકિયા

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (9)પ્રવિણા કડકિયા

100_1617

પ્રવિણા કડકિયા

રાખી મને મળી

*************

અમેરિકા દર વર્ષે એકવાર આવતી. અચાનક આજે રાખીની યાદ આવી ગઈ. સાંભળ્યું હતું તે પણ અમેરિકામાં છે. હું તો આવું બાળકો સાથે સમય પસાર કરી બે અઠવાડિયામાં પાછી ભારત આવી જાંઉ. મારા નાના દીકરાની દીકરી એવી મિઠી અને વહાલી લાગે તેવી હતી. તેનું નામ રૈના. તેને બોલાવું ત્યારે રાખી મોઢામાંથી નિકળે.

આજે ભારત જવના વિમાનમાં બેઠી હતી. હવે બાળકો મને ‘બિઝનેસ ક્લાસમાં’ મોકલે છે. અમેરિકામાં બાળકોએ સારી પ્રગતિ સાધી  છે. આ કહેવાનો આશય કાંઈ જુદો છે.  વિમાનમાં, મારી જગ્યા બહારની હતી. મને બારી પાસેની જગ્યા ગમતી નહી. બાજુમાં એક તરવરાટ ભરી લગભગ ૪૦થી ૪૫ વર્ષની સ્ત્રી આવીને બેઠી. તેનો ઠસ્સો જોઈને મને બહુ ગમ્યું. એક  જમાનામાં હું પણ યુવાન હતી. હજુ તો એ બેઠી ન હતી ત્યાં અચાનક ઉભી થઈ મારી સામે ટગર ટગર જોવા લાગી.

માફ કરશો” તમે અનુબહેન ચોકસી છો”?

આવી સુંદર યુવતી મારા જેવા ખર્યા પાનને ઓળખી આવો અહોભાવ દર્શાવે એ મનમાં તો ગમ્યું પણ આશ્ચર્ય થયું.

‘હા’.

‘મારી અનુ આન્ટી’. કહી મને વળગી પડી.

‘બેટા, મેં તને ઓળખી નહી’.

‘બસ ને આન્ટી, આવું કરવાનું કહી મારે પગે પડી’.

હવે મને ખૂબ અચંબો થયો. ‘ બેટા હવે ઉમર થઈ. આંખમાં મહિના પહેલાં મોતિયો ઉતરાવ્યો છે. મારી આંખો નબળી થઈ ગઈ છે.’

‘આન્ટી, એવી રીતે બોલી કે મને બચપનમાં મારી બાજુમાં રહેતી રાખી યાદ આવી ગઈ. મા તેને નાની ઉમરમાં મૂકીને મરી ગઈ હતી. પિતા ફરી પરણ્યા, નવી માને રાખી આંખના કણાંની જેમ ખૂંચે.

મેં ધીરે રહીને કહ્યું , ‘બેટા તું રાખી તો નહી?’

‘હા, આન્ટી, હવે ઓળખાણ પડી ને’!

‘અરે, તને કેમ ભુલાય? પણ અંહી, આવી રીતે!  ન્યૂયોર્કથી મુંબઈ જતાં વિમાનમાં બિઝનેસ ક્લાસમાં તારી સાથે મુલાકાત થશે એ કેવી રીતે માની શકું?’

આન્ટી, આન્ટી કહીને રડવા જેવી થઈ ગઈ. ‘તમારા આશિર્વાદ અને મીઠી મનોકામના મને અંહી લાવ્યા. ‘

પહી તો આખે રસ્તે કઈ કેટ કેટલી વાતો મારી સાથે કરી રહી હતી. અંતે જ્યારે થાકી ત્યારે એક રેડ વાઈનનો ગ્લાસ પીને સૂઈ ગઈ.

એ તો સૂઈ ગઈ પણ મારી ઉંઘ ઊડી ગઈ.

રાખીની મમ્મી તાજી પરણીને અમારી બાજુમાં રહેવા આવી હતી. ખૂબ પ્રેમાળ મને માસી કહે. તેની સુવાવડ પણ મેં કરી હતી. તેની મા તબિયતની નરમ ગરમ રહેતી. સાસુ વહુની સુવાવડ શું કામ કરે? સુંદર કન્યાને જન્મ આપી વર્ષમાં તે નાની બિમારી ભોગવી વિદાય થઈ. રાખી ઘણું ખરું મારી પાસે રહેતી. પરાણે વહાલી લાગે તેવી સુંદર દીકરી હતી. બે વર્ષમાં પિતા ફરી પરણ્યા. રાખીને માથે આભ ટૂટી પડ્યું. નવીમાને તે દીઠી ગમતી નહી. તેમાં ય જ્યારે એને પેટે બે જોડિયા દીકરી જન્મી પછી તો ખેલ ખતમ.

રાખી દોડી દોડી મારે ત્યાં આવતી. ગભરૂ હરણી જેવી આવીને મારી સોડમાં લપાતી. મને બે દીકરા હતાં. તેથી દીકરીની ખોટ પૂરાતી જણાઈ.  શાળામાં જાય ત્યારે ઘરનું કામ કરવાનું. ઘરે આવે એટલે નાની બહેનોને રમાડવાની. તેમનું ધ્યાન રાખવાનું. એનું ધ્યાન ભગવાન રાખે. નસીબ સારાં કે ભણવામાં રાખી ખૂબ હોશિયાર હતી. તેને કાંઈ પણ જોઈએ તો આ એની આન્ટી તેની વહારે ધાય. તેની નવીમાને મારે સાચવવી પડતી.

‘એની મા મરવા ટાણે રાખી મને સોંપીને ગઈ હતી’.

બહાનું એવું બનાવ્યું કે તેને ગળે શીરાની માફક ઉતરી ગયું.  તેને તો ટાઢે પાણીએ ખસ ગઈ તેવું લાગ્યું. આમ પણ મને રાખી ખૂબ વહાલી હતી. તેને હમેશા કહેતી, બેટા સારું શિક્ષણ લેજે. તારું ભવિષ્ય ઉજ્જવલ બનાવજે.  વિદ્યા  માનવને જીવન જીવવામાં ખૂબ સહાય કરે છે. પ્રગતિનો રસ્તો તેને માટે સરળ બને છે. કોને ખબર રાખીને મારું પ્રોત્સાહન અને પ્યાર ખપમાં લાગ્યાં. તે પોતાની જાતને નમાયી માનતી ન હતી. જાણે હું જ તેની મા ન હોંઉ ? લાડ, જીદ બધું મારી પાસે કરતી. જ્યારે  તેની તબિયત નરમ હોય તો તેને હું મારે ત્યાં લઈ આવતી. તેના પિતા આ બધું જોતા. તેમની લાચારી હું સમજી શકતી.

રાખી એ ઘરમાં બધાના દિલ જીતી લીધા હતાં. મારા બે દીકરાઓ અમેરિકા ગયા તેમને રાખડી પણ મોકલતી. તેઓ પણ આવે ત્યારે રાખીને પ્રેમથી નવાજે. નવીમા જલી મરતી પણ બોલવાની તેનામાં તાકાત ન હતી. રાખી પણ પોતાની ચીજોમાંથી નાની બહેનોને આપી ખુશ થતી. જાણે આપવું એ એનો સ્વભાવ જ ન હોય! આમ રાખીને જે ઘરમાં ન મળ્યું તે મારા પ્યારમાં પામી. મને તેના મોઢા પર જરાય નરમાશ કે દયામણાપણું પસંદ ન હતાં.

અમારા ઘરમાં મળેલા પ્રેમથી તે ખૂબ સંવરી. આવી સુંદર દીકરીને રાજા જેવો કુંવર મળ્યો. લગ્ન કરીને સુખી થવાના આશિર્વાદ આપ્યા. કમનસિબે તેનો પીછો ન છોડ્યો.  તેનો વર અકસ્માતમાં હાથ ગુમાવી બેઠો. રાખી હિમત ન હારી. પોતાની આવડત પર અમેરિકન કંપનીમાં નોકરી લઈ અમેરિકા જતી રહી. ત્યાર પછી મારો તેની સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો.

‘હું તો અવાર નવાર બાળકોને મળવા અમેરિકા આવતી હતી. ‘

એક ઝોકુ ખાઈ લીધા પછી રાખી પાછી વાતો એ વળગી. આન્ટીને બધી વાત કહી.

તેણે અમેરિકા આવી પોતાના પતિને સર્જરી દ્વારા નવો હાથ બેસાડાવ્યો. રાખીનો પતિ કમપ્યુટરનો કાબેલ વ્યક્તિ હતો. નાના પાયા પર પોતાનો ધંધો શરૂ કર્યો. આન્ટી  મેં નોકરીમાં તરક્કી કરી. આજે હું બે બાલકોની માતા છું. મારી કંપનીમાં ‘ચીફ એક્ઝીક્યુટિવનો’ હોદ્દો ધરાવું છું. કંપનીના કામે લંડન જઈ રહી છું. બાળકોની સાર સંભાળ માટે ઘરમાં નેની પણ છે.  મારા પતિ રાકેશનો કમપ્યુટરનો ધંધો ખૂબ વિકસી રહ્યો છે.

‘આન્ટી તમે બધા બહુ યાદ આવો છો. તમને ખુશ ખબર આપું ,’મારી નાની બહેનોને આગળ ભણવા સ્પોન્સરશિપના કાગળ પણ મોકલ્યા છે. આમ તો હું કોલોરાડો રહું છું. ન્યુયોર્કનું કામ પતાવી લંડન બે દિવસ રહી પાછી આવીશ. આન્ટી જ્યારે કંપનીમાં ઉંચા હોદ્દા પર હોઈએ ત્યારે આવી રીતે કામકાજ માટે અવારનવાર જવું પડે છે. રાકેશ બાળકોને પ્રેમથી સાચવે છે. તે સમયે મને તમે અચૂક યાદ આવો છો. જુઓ આજે પણ આટલા વર્ષો પછી તમે મને ભૂલી ગયા પણ મેં તમને ઓળખી કાઢ્યા.’

‘રાખી, બેટા જે સંજોગોમાં તું મોટી થઈ અને આજે આવી સુંદર રીતે જીવન જીવે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. જીવન એવું જીવજે તારી મરેલી માને તારા પર ગર્વ થાય’.

‘આન્ટી મને મારી મા યાદ નથી. મારી મા તો તમે છો. આજે હું જે કાંઈ પણ છું તેનો યશ તમને મળે છે. હા, મારી ભૂલ થઈ કે મારા જીવનમાં ઓતપ્રોત થયેલી હું તમને વિસરી ગઈ હતી. આજે ફરીથી મળ્યા. તમને વચન આપું છું. ભારત આવીશ ત્યારે જરૂરથી મળીશ. તમે બંગલામાં રહેવા ગયા પછી હું આવી નથી શકી.  બોલતાં બોલતાં એની બન્ને આંખોમાંથી આંસુ સરી પડ્યા.

‘બેટા તને આ સ્થિતિમાં જોઈ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે.’

‘બેટા તને આ સ્થિતિમાં જોઈ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે.’

એ તો લંડન ઉતરી ગઈ અને હું તેના વિચારોમાં ડૂબી ક્યારે સૂઇ ગઈ તેનું ભાન પણ ન રહ્યું.

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)(9)-બિન્દાસ-પ્રવિણા કડકિયા

હીમા કાગળ અને પેન્સિલ લઈને બેઠી હતી. આજે સવારથી મન ઉદ્વિગ્ન હતું. કેમે કરી મનને વાળી શકતી નહોતી. યોગનું પાલન કરતી, દરરોજ સવારે પ્રાણાયામ કરી ધ્યાનમાં બેસતી. વિહવળ મન તેની એક પણ વાત માનવાને તૈયાર ન હતું. આજે તેણે નક્કી કર્યું, જો મનનો ઉભરો કાગળ પર લખીને ઠાલવીશ તો કદાચ કાંઈક ફરક પડશે.  સારું હતું હિરેન ઘરમાં ન હતો.

કલમને બસ તું સડસડાટ ચાલવા દે

હૈયાની વાણીને બિન્દાસ  વહેવા દે

‘ પાછું તું એ બાબતમાં શા માટે વિચારે છે?’

‘શું કરું મારું મન કાબૂમાં નથી રહેતું.’

‘જો સાંભળ, એમ સમજ કે હવે તારી એની સાથેની લેણદેણ પૂરી થઈ ગઈ.’

‘હું પણ તારી જેમ સરળતાથી નિર્લેપ થઈ શકું તો કેવું સારું ?’

હીમા વિચારી રહી, ‘હિરેન અને હું બન્ને એક જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. શા માટે વિચારો મારો પીછો છોડતા નથી ? એતો કેવો મસ્તરામ થઈને ફરે છે.  એને કાંઈ નહી થતું હોય ? તેના મોઢાની એક પણ રેખા બદલાઈ નથી. સામેવાળી વ્યક્તિ તેને જોઈને એના મનમાં શું ચાલી રહ્યું છે તે કળી ન શકે! ભૂતકાળને દિલ તેમ જ દિમાગમાંથી હડસેલવાની કળા તેને વરી છે.’

વળી પાછી હીમા વર્તમાનમાં પટકાઈ. ‘હિરેન, તું કહે છે એ બધું સમજુ છું. અમલમાં મૂકવાનો પ્રયત્ન હ્રદયથી કરું છું પણ સફળતા મળતી નથી.’ હિરેન કહી  કહીને થાક્યો, ‘હીમા તારા મનને સંભાળ. સર્વ કલેશ યા દુઃખનું કારણ મન છે. જે નથી તેનો ચિતાર, મન તારી સમક્ષ રજૂ કરે છે. તું તેમાં ભરમાય છે. પછી નિરાશા અને હતાશા સાથે તારે મૈત્રી રચાય છે. ભૂતકાળને વાગોળવાનો કદી નહી, ભૂલવાનો!

તારા જેવી બિન્દાસ આવી રીતે નિરાશ થાય એ મારા માનવામાં આવતું નથી. કોઈની પરવા ન કરનાર આજે કેમ ઢીલી થઈ ગઈ છે? ‘

‘શું મને આ બધું ગમે છે? કેવી રીતે હું છૂટું ? હા, હિરેન, હું તારા જેવા મક્કમ અને દૃઢ મનોબળવાળી નથી. જ્યાં દિલની વાત આવે છે ત્યાં હું નરમ બની જાંઉ છું. તારો સુહાનો સાથ છે એટલે તો હું ટકી રહી છું. જે નથી તે હું કેવી રીતે બની શકું?’

‘હા, તું નથી એ થઈ ન શકે. કિંતુ મારી વાત સાંભળ, મારામાં વિશ્વાસ રાખ. એટલું પણ તારાથી ન થઈ શકે?  કરવાનું તારે કાંઈ નથી. માત્ર ખોટા વિચારોમાં ઉલઝી, સીધી સાદી પરિસ્થિતિને અટપટી બનાવીને તને શું મળે છે?’

‘અશાંતિ, ઉદ્વેગ અને અપાર દર્દ !

’હજુ પણ તારી પાસે પૂરતો સમય છે. તેનો સદઉપયોગ કર. સમય વેડફ નહી. તે કોઈને માટે થોભતો નથી.’  હીમા મનના ઠાલા વિચારોને કાગળ પર ઉતારી હૈયુ હળવુ કરવા માંગતી હતી. તે જાણતી હતી ‘જો વિચારો કાગળ ઉપર ટપકાવી દેવામાં આવે તો મન ખાલી કરવું સરળ બને. મનમાં ચાલતું તુમુલ યુદ્ધ પીછો છોડે અને મનમાં શાંતિનું સામ્રાજ્ય છવાઈ જાય. નાનપણથી તે આ રીત અપનાવતી આવી છે, જેને કારણે તેને સફળતા પ્રાપ્ત થતી હતી.  હૈયુ કાગળ પર ઠલવાઈ જાય પછી હળવી ફુલ જેવી બની જતી. આમ તો હીમા વજ્રથી પણ કઠોર બની શકતી. છતાં લાગણીશીલ હોવાને કારણે તેના હાથ હેઠા પડતા. જ્યાં દિલની વાત આવે ત્યાં ઢીલીઢસ થઈ જાય. બાકી તેની હિમત, આવડત અને કુશળતા દાદ માગી લે તેવા હતા.

કોણ જાણે કેમ આજે કોરો કાગળ અને અણીદાર પેન્સિલ હાથમાં હતી પણ એક અક્ષર પણ હીમા લખી શકી નહી. હરહમેશ તેની વહારે ધાતો આ કીમિયો, આજે કેમ તેને સાથ આપવા તૈયાર ન હતો? જરૂર ન હતી છતાં પણ સંચો હાથમા લઈ પેન્સિલની અણી ફરીથી કાઢી. કાગળ પણ રાહ જોતો હતો કે ક્યારે લખવાનું શરૂ કરે?

હીમાએ હાથ ઉંચક્યો. હજુ તો કશું લખે ત્યાં દરવાજાની ઘંટડી રણકી. બારણું ખોલવા જવાનો કંટાળો આવ્યો. નોકર સૂતો હતો અને બાઈ બજારમાં શાક લેવા ગઈ હતી. હીમાને આ છ મણની કાયા સોફા પરથી ઉ્ચકી બારણા સુધી જવાની તકલીફ લીધા વગર છૂટકો ન હતો. જેવું બારણું ખોલ્યું તો આશ્ચર્યથી મોં વકાસીને ઉભી રહી ગઈ. સ્વપનું છે કે સત્ય તે નક્કી ન કરી શકી.

‘અરે, આમ બારણામા ઉભી રહીશ કે મને ઘરમાં આવવા માટે કહીશ પણ ખરી? ‘

હીમા હોશમા આવી, ‘અરે યાર, માફ કરજે, આવ, અંદર આવ’. આ હકીકત છે કે સ્વપનું?  હજુ હીમા તેની ગડમથલમાં હતી.’અરે, મને ચુંટી ખણી જો. જો હકીકત હશે તો હું  ચિલ્લાઈશ.’

હીમાએ ચુંટી ભરવા હાથ લંબાવ્યો. હીનાએ તેનો હાથ પકડી લીધો.

‘શું આમ ગાંડા કાઢે છે. યાર, હું તારી બાળપણની સહેલી હીના, સીધી પેરિસથી આવી રહી છું. ફ્લાઈટ બપોરે બે વાગે લેન્ડ થઈ તેથી વણકહે આવી. મારે માટે મુંબઈ ક્યાં નવું છે. એરપૉર્ટથી ટેક્સી કરીને આવી ગઈ. તું ક્યાં રહે છે તે હું જાણું છું. હ્રદય પર હાથ રાખીને બોલ તને આ સરપ્રાઈઝ ગમી કે નહી ? જો ના પાડીશ, તો હું વળતા પ્લેનમાં વિદાય થઈશ. રિટર્ન  ટિકિટ લઈને આવી  છું.’

હીમા ખુશીની મારી હીનાને વળગી પડી. ‘વૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ,’ કહીને ખુશી દર્શાવી રહી. ‘અરે યાર, અંદર આવ અને આરામથી બેસ. પહેલાં પાણી પી, ત્યાં હું એક્દમ સરસ એલચી  કેસરવાળી ચા બનાવું.  ગઈકાલે  હિરેન ભૂલેશ્વરના હીરાલાલા ભજીયાવાળાને ત્યાંથી તાજા ગાંઠિયા લાવ્યો છે. આપણે બંને સાથે બેસીને ઝાપટીએ. ગપ્પા પણ મારીશું.’ હીમા બધી નિરાશાજનક વાતો  વીસરી ગઈ. અચાનક તે ઉમંગથી છલકાઈ ઉઠી. હિરેન હાજર હોત તો હીમાનું આ સ્વરૂપ જોઈને પાગલ થઈ જાત. બંને સખી વાતે વળગી. ચા વધારે બનાવી હતી. બન્ને જણા ઘણા વખતે મળ્યા. સરસ મનભાવતો નાસ્તો હતો પછી પૂછવું શું?’

હીના છેક પેરિસથી આવી હતી. મહારાજે  હીમાના કહેવાથી હીનાની મનપસંદ વાનગી રાત્રી ભોજન માટે ખાસ બનાવી. હીનાના આગ્રહ આગળ હીમાએ નમતું જોખવું પડ્યું. બન્ને જણાએ  ગયા વર્ષે સરખો પંજાબી સૂટ અમરસન્સમાંથી ખરીદ્યો હતો. આજે સાંજના હિરેન આવે ત્યારે એને સતાવવા એ સૂટ પહેર્યો. નટખટ હીનાએ હિરેનને પરેશાન કરવાનો પેંતરો રચ્યો. હીમા ના પાડતી રહી પણ સાંભળે તો હીના શાની?

રાતના હિરેન આવ્યો ત્યારે  બન્ને ઉંધા ઉભા રહ્યા. પાછળથી હીમા કોણ અને હીના કોણ પારખવું હિરેન માટે મુશ્કેલ થઈ ગયું. બન્ને હાઈટ બૉડીમાં સરખા લાગતા.  હિરેનને તો ખબર ન હતી કે હીના પેરિસથી આવી છે. બે એકસરખી યુવતી, સરખી હેર સ્ટાઈલ અને સરખા કપડા. તે જાણી તો ગયો કે આ પરાક્રમ હીનાનું છે. લગ્નના ટાણે, લગ્ન પહેલાં અને પછી આવી કાંઈ કેટલી શરારત હીના કરી ચૂકી હતી. આજે તે આવી છે તે સમજતા તેને વાર ન લાગી.

એક યુવતીની નજીક જઈને ઉભો રહ્યો. હીના તરત દૂર ખસી ગઈ. હિરેન સમજી ગયો કે બીજી હીમા છે. પરાયો પુરૂષ એકદમ નજીક આવે એટલે સ્વાભાવિક છે ખસી જવાય.

હીના તાળી પાડી ઉઠી. ‘યાર, હજુ તું એવોને એવો શરારતી છે!’ કેટલો બધો નજીક આવ્યો એટલે હું ખસી, તેથી તને હીમા ઓળખતા વાર ન લાગી !

‘મારી ગુરૂ તો તું છે,’ કહી હિરેન ખડખડાટ હસ્યો. હીમાનું બદલાયેલું રૂપ તેની આંખો દ્વારા માણી રહ્યો હતો. તેને ઓળખ્યા પછી આલિંગનમાં લઈ ગાઢ ચુંબન આપ્યું. હીમા શરમાઈ. આજે છ મહિના થઈ ગયા હીમાને આવા સરસ કપડામાં અને હસી ખુશીના માહોલમાં જોઈ તેને રોમરોમમાં લાગણીઓ દોડી રહી. હીનાની આમ તો એ શરમ ન રાખત પણ હીમાને કદાચ ન ગમત તેથી સંયમ દાખવ્યો.

‘અરે, શરમાય છે શું ? તારી જ બૈરી છે, પછી રાહ કોની જુએ છે?’

જવા દેને યાર, હવે લગ્નના ૨૦ વર્ષ પછી અને તે પણ તારી હાજરીમાં ?

‘કેમ મારી તને શરમ આવે  છે?’

‘મને નહી તારી સખીને. તેને એમ લાગે છે, આ ઉમરે આવી ઘેલછા ન શોભે!’

‘શું હીમા સાચી વાત છે?’ હીમાએ જવાબ આપવાનું ટાળ્યું. એક જ દિવસમાં હીનાને સમજતા વાર ન  લાગી  કે હીમા અને હિરેન વચ્ચે તનાવ છે. બંને જણાએ વર્તન ખૂબ સાચવીને કર્યું, જે હીનાના સમજવા માટે પૂરતુ હતું. રવિવારને દિવસે વરંડામાં બેઠા ચાની જયાફત માણી રહ્યા હતા. ગરમાગરમ બટાટાપૌંઆ,  સાથે ઝીણા સમારેલા કાંદા,  બીકાનેરી સેવ અને લીંબુ. મોજથી નાસ્તો ચાલતો હતો. હીનાનો માનીતો ‘ગંગા જમુના ‘ના ઘુટ ભરાતા હતા. ( મોસંબી અને સંતરાનો તાજો રસ.)

અચાનક હીનાએ બોંબ ફોડ્યો, ‘બસ હવે બહુ થયું ! મને ગુંગળામણ થાય છે. હીમા શરૂઆત તું કરે છે કે પછી હિરેનને જબરદસ્તી કરું?’

બન્ને જણા ચમક્યા. ‘હવે નાટક બંધ કરો. તમારા બન્નેના મનમાં મૂંઝવણ છે. વર્તનમાં નરી કૃત્રિમતા જણાય છે. જે પણ મુશ્કેલી હોય ખુલ્લા દીલે વાત કરો. કોઈ પણ પ્રશ્ન જીવનમાં એવો નથી કે જેનો ઉત્તર ન મળી શકે?’

હીમા માંડ આંખના આંસુ રોકી શકી. હિરેન તેને સમજાવવાની વૃથા કોશિશ કરી રહ્યો હતો. હીમા કાંઈ નહી બોલે તે જાણતો હતો. વાતનો દોર હાથમાં લીધો.

‘હીના. છ મહિના પહેલાં અમારી એકની એક દીકરી તેની ખાસ બહેનપણી સાથે પરણી ગઈ. બસ ત્યારથી હીમાના આ હાલ છે. બોલ હવે તને વધારે શું કહું? છ મહિના થયા સમજવાનો પ્રયત્ન જ નથી કરતી.’

હીના ખડખડાટ હસી રહી, “બસ આટલી વાતનું શું બૂરું માનવાનું?  તમને સરપ્રાઈઝ આપું, મારા લગ્નને ૧૫ વર્ષ થયા બે બાળકો છે. ગયા અઠવાડિયે મારા પતિએ મને દિલની વાત કરી.’

‘શું સરપ્રાઈઝ આપી ?” બન્ને જણા સાથે બોલી ઉઠ્યા.

મારા પતિએ મને કહ્યું, “હું ‘ગે ‘ છું. તારી સાથે હવે નહી રહી શકું!”

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(8)દીકરીએ દિ’ ફેરવ્યો !-પ્રવિણા કડકિયા

‘મમ્મી તને આજે ‘સિનિયર્સ હોમ’માં મૂકવા જવાની છે’.

લતાની એકની એક દીકરી અનુષ્કા જાણે ગ્રોસરી લેવા ન જઈ રહી હોય તેવા સાવ સાદા ટોનમાં પોતાની લાડલી મમ્મીને જણાવી રહી.

૮૨ વર્ષની લતા છેલ્લા પાંચ વર્ષથી કાયમ માટે અમેરિકા રહેતી હતી. તેને ખબર હતી. અંહી ઘરડાં લોકોની સ્થિતિ ખૂબ દયનિય હોય છે. પોતાની વહાલી એકની એક દીકરી, જેને લાખોની મિલકત મળવાની છે તે આવો ‘ધડાકો’ કરશે? પહેલા તો તેને પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. પણ પછી તે સડક થઈ ગઈ. તબિયત અવારનવાર નરમ ગરમ રહેતી. જ્યારે સાજી હોય ત્યારે પોતાની દીકરી અનુષ્કાને બધી તરફની મદદ કરતી. અનુષ્કા તેની એકની એક દીકરી હતી. લક્ષ્મીચંદના વિયોગ પછી તે એકલી થઈ ગઈ હતી. લક્ષ્મીચંદ લાખોમાં રમતો વ્યાપારી હતો. સંતાન માત્ર એક જ હતું. અનુષ્કા પરણીને સાસરે ન્યૂયોર્ક આવીને સ્થાયી થઈ હતી. પપ્પા હતાં ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું. અચાનક ૬૫ વર્ષની ઉમરે પહેલો હાર્ટ એટેક આવ્યો અને લતા એકલી થઈ ગઈ. ૭૫ વર્ષની થઈ ત્યાં સુધી તો મુંબઈ નોકર ચાકર વિગેરેની હાજરીમાં બાદશાહની જેમ રહેતી.

જેમ ઉમર વધે તેમ દીકરીને ચિંતા થતી. ‘કાલે ઉઠીને મમ્મીને કાંઈ થઈ જાય તો આ બધું કોણ અવેરશે? અનુષ્કાનો પતિ ખૂબ વિચારીને ડગલાં ભરતો. ખબર હતી લાખોની જાયદાદ તેને જ મળવાની છે. પોતે પણ ડોક્ટર હતો. પૈસાની ક્યાં કમી હતી? આ તો જાણે લોટરી લાગી હોય તેવી વાત હતી. ધીમે ધીમે અનુષ્કાને સમજાવી મગજમાં ઠોકાવ્યું કે મમ્મીનું બધું મુંબઈથી સમેટી ઘર ભેગું કરી લે.  મમ્મી નહી હોય પછી મુંબઈના ચક્કર કોણ કાપશે?

અનુષ્કાને  આ વાત વ્યાજબી લાગી. મમ્મીને પ્યારથી સમજાવી. લક્ષ્મીચંદને મિત્રો ઘણા હતાં. તેના સ્વભાવમાં સહુને સહાય કરવી એવો મુદ્રાલેખ કોતરેલો હતો. જેને કારણે લતાને મુંબઈનું બધું સમેટતાં કોઈ અગવડ પડી નહી. અમરે બધા પૈસા બેંક મારફત અમેરિકા મગાવી લીધાં. લતા અમેરિકા ઘણીવાર આવીને રહી હતી તેથી તેને અંહી રહેવામાં પણ કોઈ વાંધો ન હતો. લતાને પ્રસુતિ આવે ત્યારે હમેશા આવતી અને છ મહિનાનું બાળક થાય ત્યાં સુધી અનુષ્કાને મદદ કરતી. પાછી ‘નેની’ તો હોય જ.

પાંચેક વર્ષ તો અનુષ્કાના બાળકો નાના હતાં એટલે મમ્મી આશીર્વાદ જેવી લાગે. બાળકોની ચિંતા નહી. તેમને ઘરની સુંદર અને તાજી ભાતભાતની વાનગીઓ પણ મળી રહેતી. બાળકો કાંઇ કાયમ નાના રહેવાના ન હોય ! મોટો તો હવે કૉલેજ ગ્રેડ્યુએટ થવાની તૈયારીમાં હતો. નાના બન્ને હાઈસ્કૂલમાં આવી ગયા હતાં.

અનુષ્કાએ અમરની ક્લિનિક પર જઈ ફાઇનાન્સ સંભાળી લીધું.

લતા પહેલાં કોઈક કોઈક વાર ગાડી ચલાવતી હતી. ૭૫ની થયા પછી સદંતર બંધ કરી દીધું. અનુષ્કાને કાંઇ પણ કહે તો ગલ્લાંતલ્લાં કરે. મનમા કહે,’ મમ્મી છે તો શું થઈ ગયું ? હું પણ થાકી જાંઉં છું. મારે ઘરે આવી અમર સાથે સમય પસાર કરવો હોય. બાળકોને એમની મનગમતી જગ્યાઓએ લઈ જવાનાં હોય.’

લતા સમજતી પણ બોલતી નહી. પોતાનાં કાંડા કાપી આપ્યા હતાં. મુંબઈની જગ્યા વેચી નાખી હતી. ધંધાની દુકાન ખૂબ મોકાની હતી. અરે માત્ર ભાડે આપી હોત તો પણ લતાને ચમન હતું. સંબંધીઓ પુષ્કળ હતાં. લક્ષ્મીચંદના ભાઇ તેમજ બહેન પણ મુંબઈમાં હતાં. દીકરીના પ્રેમમાં પાગલ થઈ બધું સમેટી લીધું હતું. છતાંય મુંબઈ જવું હોય તો જેઠનું અને નણંદનું ઘર તેને માટે ખુલ્લું હતું. મોટીભાભી હોવાને કારણે સહુ તેની ઈજ્જત કરતાં. મુંબઈમાં બધું સમેટતાં પહેલાં દિયર અને નણંદે ખૂબ સમજાવ્યાં હતાં. મોટી ભાભી તો ‘મા’ સમાન ગણાય. લતા એકની બે ન થઈ.

છેલ્લાં છએક મહિનાથી લતા વિચારી રહી હતી અનુષ્કા ઓછું બોલે અને મમ્મીની હાજરી ઘરમાં હોવા છતાં પણ ગણકારે નહી. મા હતી તેથી તેની પાસે જતી પણ ત્યારે ઉત્તર હા કે નામાં આપતી. તેને  ખૂબ અતડું લાગતું. શબ્દ બોલે નહી. અમર તો સવારે વહેલો જાય, રાતના મોડો આવે. બાળકો ભણવામાં વ્યસ્ત રહેતાં.

આજે સવારે અનુષ્કાએ કહ્યું, ‘મમ્મી તને ‘સિનિયર્સ’ હોમમાં મૂકવાની છે. હવે ભારત પાછાં જવાના બધા દરવાજા બંધ હતાં. મમ્મીને કારણે તેમને વેકેશન પર જવું હોય ત્યારે ખૂબ અગવડ પડતી. નાના બન્ને હવે રજામાં કૉલેજ જવાની તૈયારી કરી રહ્યાં હતાં.

અમરના માતા અને પિતા તો ૬૫ વર્ષની ઉમરે બદ્રીનાથ ગયા ત્યારે અકસ્માતમાં સાથે વિદાય થઈ ગયા હતાં. એ લપ અનુષ્કાને હતી નહી.

લતા વિચારી રહી હવે શું? તેને એમ કે ‘સિનિયર્સ હોમ’ એક જ શહેરમાં હશે. પણ ના, લગભગ ૫૦૦ માઈલ દૂર. અમર તો વ્યસ્ત હોય એટલે મૂકવા પણ ન ગયો. અનુષ્કાએ ખૂબ પ્યાર જતાવ્યો.

‘મમ્મી, તને રોજ ફોન કરીશ’.

‘મમ્મી, તને દર મહિને હું અને અમર મળવા આવીશું.’ સાવ ખોટાં અને બેહુદાં વચન લતાને આપી રહી !

લતા તો બહેરી અને મૂંગી થઈ ગઈ. તેનું દિમાગ કામ ન કરતું. બોલવાનો કોઈ અર્થ ન હતો. તેને ખબર હતી તેની જીદ્દી દીકરી પોતાના મનનું ધાર્યું જ કરવાની. જરૂરી સામાન લીધો. આમ પણ પતિ ગુમાવ્યા પછી તેની જરૂરિયાત ખૂબ ઓછી થઈ ગઈ હતી. જાણે ચાવી દીધેલું પૂતળું ન હોય. સારું હતું એને ઈંગ્લીશ આવડતું હતું. શરૂ શરૂમાં તો બે મહિના અનુષ્કા આવી. એક વાર અમર સાથે આવી ત્યારે સવારે આવી સાંજના જતી રહી.

‘મમ્મી, તારે કાંઈ જોઈએ છે?’

‘ના, બેટા’.

એકવાર તો કહે, ‘મમ્મી, મને આ મહિને ફાવે એવું નથી. હું આવતા મહિને આવીશ’.

‘સારું બેટા’.

લતાને હવે કોઈ ઉમળકો રહ્યો ન હતો. તેણે તો અંહી પોતાના મીઠા અને મળતાવડા સ્વભાવને કારણે ઘણા મિત્રો બનાવી લીધાં. ઈંગ્લીશમાં ભારતીય ફિલોસોફીની લોકોને વાતો કરતી.  પોતાની વાકચાતુર્યતાને કારણે લોકોમાં પ્રિય થઈ પડી. હમેશા સહુમાં સારું જોનાર દીકરીમાં શું કામ ખરાબ જુએ ? હકીકતનો સામનો કરવાનો મનોમન નિર્ધાર કર્યો. ‘ મા’  હમેશા પોતાના સંતાનનું સુખ અને સમૃદ્ધિ વાંછે.

લતા ખૂબ હોંશિયાર હતી. મુંબઈમાં તેને બધી સગવડ હતી. બાળપણમાં તેની માતાએ તેને ખૂબ લાડકોડ અને કાળજીથી ઉછેરી હતી. પૈસો કદાપિ તેના દિમાગ પર છવાયો ન હતો. હા, કોઈની ખુશામત કરી ન શક્તી. પોતાની આગવી પ્રતિભાને કારણે નર્સિંગહોમમાં આદર પામતી. પતિ સાથે આખી દુનિયા ફરી હતી. તે જાણતી હતી, મનુષ્ય માત્રમાં, ‘ માત્ર ચામડીના રંગ અલગ હોય બાકી સ્વભાવે સહુ સરખાં.’ અંહી બધી જ જાતની પ્રજા હતી પણ સહુની સાથે હળીમળીને તેની એકલતા દૂર થઈ ગઈ. તેની સગવડ બધી સચવાતી. હાથની છૂટ્ટી હોવાને કારણે બધાં તેનું કામ પણ પ્રેમથી કરતાં. એક વસ્તુ ખૂબ સુંદર રીતે પતિએ શિખવાડી હતી.

‘ભલે અનુષ્કા દીકરી છે. તારા પૈસાનો વહીવટ અને કાબૂ તારા હાથમાં રાખજે. તું નહિ હોય ત્યાર પછી બધું એ લોકોનું જ છે.’ તેને હવે અનુષ્કા મળવા આવે તો સારું, ન આવે તો ફિકર ન હતી. ‘એકલા આવ્યા એકલા જવાના’. મનોમન તેણે દીકરીનો આભાર માન્યો,  ‘હા, દીકરી તારે કારણે મારો દિ’ ફર્યો’.

સાંસ્કૃતિક સંઘર્ષ -7-અમે ગુજરાતી, અમેરિકાવાસી -પ્રવિણા કડકિયા

 

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”. આ છે ઘાંચીના બળદ જેવી વાત. ગોળ ગોળ ફરે પણ ભાઈ હોય ત્યાં ના ત્યાં. હરીફરીને આપણે આ ચક્કરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન તો કરીએ ?

‘હું ને મારો વર’.

‘મારા વરને આ ગમે’.

‘મારા વરને આના વગર ન ચાલે’?

‘મારી પત્ની ગુસ્સે થશે’.

‘મારી પત્નીને ખબર પડશે તો ઘરમાં ત્રીજું વિશ્વયુદ્ધ’.

‘મારી રસોઈ કદી વખાણતાં નથી’.

‘ગમે એટલું કમાઉ પણ મારી કિમત કોડીની’.

‘અમેરિકામાં તમે અને હું બન્ને કમાઈએ છીએ, જરા સોફામાંથી ઉભા થાવ”.

“તારી બહેનપણી સાથે પછી વાત ન થાય?”

‘એ તો છે જ એવા ભૂલકણા, મારી વર્ષગાંઠ પણ એમને યાદ રહેતી નથી,’

‘અરે, ભાઈ જો જે કોઈને કહેતો, ઘરે ખબર પડશે તો મારા બાર વાગી જશે’.

‘કમાય છે તો શું થઈ ગયું ? ઘરનું કામ અને રાંધતા તારી મમ્મીએ શિખવાડ્યું નથી લાગતું.’

‘તમારી મમ્મીએ, સોફામાં બેસી જમતાં જ શિખવાડ્યું છે’.

‘ઓ લાટસાહેબના દીકરા, જાવ લિસ્ટ બનાવ્યું છે, ગ્રોસરી લઈ આવો.’

આ બધી પંક્તિઓ જાણીતી લાગે છે. કદાચ સાંભળી પણ હોય. અરે, ન સાંભળી હોય તો બોલ્યા પણ હોઈએ ? લગ્ન પહેલાં ગોર મહારાજ  કેટલી વાર સાવધાન બોલ્યા હતાં. હવે કોઈના લગ્ન માણવા જાવ તો જરૂરથી ગણજો.

ઓ મારા મિત્રો, આ ૨૧મી સદી છે. હા, લગ્ન થયા,  કુટુંબ વધ્યું, બાળકો થયા, સાસુ અને સસરા ( બન્ને પક્ષ તરફથી) ઘરમાં આવે જાય. સંસાર તો આમ જ ચાલે. જો નાની નાની વાતોમાં સમય બગાડશો તો જીવન ક્યાય હાથતાળી દઈને પસાર થઈ જશે. હા, શરૂઆતના વર્ષો પતિ અને પત્નીને એક બીજાને અનુકૂળ થવા જોઈએ. એવું માત્ર આપણા ગુજરાતીઓમાં જ છે એવું નથી. દુનિયાની કોઈ પણ જાતની બે વ્યક્તિ લગ્ન કરે એટલે એ તો રહેવાનું જ. પછી ભલે ને તે અમેરિકન હોય, યુરોપિયન હોય, ચાઈનીઝ કે જાપાનીસ.  નહિતર ખબર છે ને, ૨૧મી સદીનો સહુથી ભયંકર અને ચેપી રોગ, “છૂટાછેડા”. જે એટલો ચેપી છે કે ગમે તેટલા ‘વેક્સિન’ લેવાથી તમે ‘રોગ મુક્ત ‘ બનતાં નથી.

તેના માટે તો સહુથી સરસ અને અકસીર વેકસિન છે, “સમઝણ, સંયમ, ધીરજ, સહનશક્તિ અને સન્માન”. જેની સાથે લગ્ન કર્યા છે તેના માટે અનહદ પ્રેમ. આ બન્ને જણાને સરખાં લાગુ પડે છે. તેનો અર્થ એવો નહી કે ત્રાજવે તોલીને અડધાં અડધાં કરવા. પોતાની બુદ્ધિ યા અંતરનો અવાજ સુણીને પગલાં ભરવા. બેમાંથી એક પણ પહેલ કરવામાં ‘નીચા બાપનું ‘ નથી થઈ જતું.

એક વાત યાદ રાખવી, ” માત્ર હું કહું એ જ થવું જોઈએ”, એ વાક્યને કચરાની ટોપલીમાં પધરાવીએ તો સારું. તેના માટે  આનાથી યોગ્ય બીજી જગ્યા કોઈ નથી. આજે કોઈ ભાષણ આપવાનો ઈરાદો નથી. આ તો જ્યાં ત્યાં  ‘પુરૂષ સ્ત્રીનો અને સ્ત્રી પુરૂષની’ ઈજ્જતનો ફાલુદો કરે છે એટલે લખવા બેઠી. “સન્માન ન આપો તો કાંઈ નહી સ્વમાનને ન છંછેડશો.” એકબીજા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી જુઓ, જીવન મહેકતું થઈ જશે. “એને ખબર છે” કહીને વાત આડા પાટા પર નહી લઈ જવાની. મનુષ્યનો જન્મજાત સ્વભાવ છે, “સારા શબ્દો કાને પડે તો ગમે.”

હા, આપણે એક બીજાને પ્રેમ કરીએ છીએ તેમાં ના નહી. કોઈ તેમાં ભાગીદાર થવા આવે તે સહન પણ નથી કરી શકતાં. ત્યાં એક “લાલબત્તી” ધરવાનું મન થાય છે. તમે કહેશો .’મૂકને તારા ડહાપણમાં પૂળો.’ ચાલો બસ, તમારું સાંભળીને મૂક્યો.

આપણું અસ્તિત્વ નાના નાના ચોકઠાનું બનેલું છે. દરેક ચોકઠાને સાંધતી લીટી .સીધી પણ હોઈ શકે, ગોળાકારમાં પણ હોય યા ત્રિકોણ પણ બનાવે. અંતે તે રૂપ ધરે માનવીનું. હવે તમને કહેવામાં આવે કે તમને આંખ ગમે કે કાન તો શું જવાબ આપશો? સ્વાભાવિક છે તમે કહેશો કાન સાંભળવા માટે જોઈએ અને આંખ જોવા માટે. જેમ દરેક અંગનું મહત્વ છે જે પોતાની જગ્યાએ યોગ્ય છે તેને માટે કોઈ બાંધછોડ આપણે કરવા તૈયાર નથી. એ જ નિયમ અનુસાર જન્મ લેતાંની સાથે માતા, પિતા, નસીબદાર હો તો ભાઈ યા બહેન તમને સર્જનહારે આપ્યા છે. વણમાગ્યે તમને તમારું શરીર અકબંધ માતાના ગર્ભમાં પોષણ દ્વારા પ્રાપ્ત થયુ છે. હવે વખત જતાં તેમાં બાંધછોડ કઈ રીતે શક્ય છે?

એક જ જવાબ છે તમે આ ફાની દુનિયા છોડી જતાં રહો. હવે તમે મોટાં થયા, ભણ્યા, પ્રેમ કર્યો, લગ્ન કર્યાં, બાળકો થયા. તમારા સંબંધોનો વિસ્તાર કૂદકે ને ભૂસકે વધ્યો. તમે ઉંમર, શરીર, પરિસ્થિતિ અને બુદ્ધિમાં પાંગર્યા. તમારા “ચોકઠાં”નો આંકડો વધ્યો. તમારે એ સહુને પ્રેમથી સજાવવા રહ્યા. નવા આવે એટલે જુનાને ત્યજાય નહી!

એક વાત યાદ રહે, ” જુનું તે સોનું, નવા એટલે હીરા. પણ હીરાને જડવા સોનાની જરૂરત પડવાની.’

હવે વાત આગળ ચલાવીએ. લગ્ન થયા, પ્રેમ હતો એટલે લગ્ન કર્યાં. પ્રેમનું પ્રદર્શન વખતોવખત કરતાં રહેવું એ સુખી લગ્નજીવનનો પાયો છે. હા, મોટાભાગની વસ્તુઓ એકબીજા સમજી જતાં હોય છે. અભિવ્યક્તિ ‘આભૂષણ’ છે. જે દરેક વ્યક્તિ અંતરથી ચાહતી હોય છે. યાદ રહે તે ઘેલછામાં પરિવર્તિત ન થાય ! સમય, સ્થળ અને સંજોગો પર આધારિત હોય છે.

આપણે રહ્યા ભણેલાં, ગણેલાં, જીવનને વ્યર્થ શા માટે જવા દેવું? આપણે અંગુઠાછાપ નથી. જીવનનું મહત્વ સમજીએ. ‘આજે છીએ, કોણ જાણે કાલે ક્યાં?’ શા માટે ફાલતુ વાતોમાં કિમતી સમય વેડફી દેવો? અરે, અમેરિકામાં આવીને વસ્યા છીએ. નાસા યાન ‘મંગળ’ પર મોકલવાની તડામાર તૈયારી કરે છે. આપણે થોડાંક તો સુધરીએ. પછી ભારતના ગામડામાં વસતા ગમાર અને આપણામાં ફેર શો રહ્યો? આપણે તેનાથી ચડિયાતા છીએ એવું મારો કહેવાનો ઈરાદો નથી. માત્ર સમય અને સંજોગ પ્રત્યે સજાગ રહી આ અણમોલ જીવનને જીવી જઈએ. બાકી સમય કોઈને માટે થંભતો નથી. એની એકધારી ગતિ ચાલુ રહેવાની. તમારા અને મારાં જેવા કંઈક આવ્યા અને ગયા.

“પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય

એ છે નિશાની ઈશની રે કેમ વેડફી દેવાય”.

જીવન એવું જીવવું કે આપણે જઈએ ત્યારે મુખ પર સ્મિત રેલાયું હોય. કાણે આવેલાના મોઢા પર વિષાદની વાદળી ભલેને પાંચ મિનિટ માટે અંકિત થઈ હોય. પંચકોષનો બનેલો આ દેહ જે આનંદથી છલોછલ ભરેલો છે, જેમાં મગજ નામનો અવયવ છે અને તેમાં “વિચાર કરવાની શક્તિ છે”. હવે સારા, ખોટાં, સાચા યા ભૂલભરેલાં કરવા તે તમારા પર છોડ્યું.

મિત્રો, જીવનની હર પળ કિમતી છે. જે ન દેખાય તેમ સરી રહી છે. યાદ છે ને ‘ગયો અવસર આવે નહી, ગયા ન આવે પ્રાણ’.   એકબીજાની ત્રુટીઓ જોવી ત્યજો. જે છે તેનો લહાવો લો. મંગલકામના કરો. આતંકવાદના ઓળા સમસ્ત જગમાં ઉતર્યા છે. કોણ ક્યારે ક્યાં હશે તેની કોને ખબર ! જુઓ તો ખરા અમારામાં ઈશ્વરે કેટલી તાકાત ઠાંસી ઠાંસીને ભરી છે. અમે કેટલી જગ્યાના પાણી પીધાં છે. અમે દરેક સ્થિતિમાંથી પાર ઉતર્યા છીએ . અમને દરેક જગ્યાએથી ઉત્તમ ગ્રહણ કરવાની સોનેરી તક સાંપડી છે.

જીવન એટલે રેતીમાં પગલાં પાડવા. વાવંટોળ આવશે અને નામોનિશાન ભુંસાઈ જશે. બસ શ્વાસ છે ત્યાં સુધી મુસાફરી ચાલુ રહે. ઉન્નત મસ્તકે ગંતવ્ય સ્થળ પર પહોંચવાની શક્તિ મળે.

મારી વહાલી મા હંમેશા કહેતી, “બેટા વિચાર ઉંચા રાખજે નજર નીચી.”

**********************************************************************************