એક કબુલાત -વર્તમાન માણી લે..

આ વખતે ભારતની મુલાકાતમાં અનેક ફોટા પડ્યા  સીધા, આડા. હસતા રોતા, મિત્રો સાથે અજાણ્યા સાથે પત્થર, કારીગરી, કળા, આકાશ, જમીન, ખેતરો… શું નથી ઝડપી લીધું .આ અપેલના ફોને આંખોને તસ્તી ઓછી આપી મગજને કહ્યું હું તને ગમતું ચિત્ર સાચવું છું.નવરી પડે ત્યારે જોજે ..અને આંખોમાં ભરી લેવાનું અને હૃદય સાથે કોતરી નાખવાની વાત સાવ વહી ગઈ..એ સાથે એ ક્ષણ માણવાની તક પણ ફોટા પાડવામાં ગઈ ..મિત્રો સાથે કેટલી વાતો કરવી હતી પણ સમય ફોટામાં ગયો…વર્તમાન ક્ષણને જીવવાનો આનંદ જુદો હોય છે એ વાતની પ્રતીતિ થઇ… મને સમજાણું વર્તમાન માણી લે .. પ્રત્યેક ક્ષણ  આનંદ આપશે. ફોટા વગર પણ એક એવો આનંદ, ઉત્સવ અને પ્રતિપળ નવા થઈને જીવવાનું સુખ પણ …….પણ ના  જિંદગીનું ફોકસ જ બદલાઈ ગયું.. મનની આવી દશા એ વર્તમાનના આનંદથી મને વંચિત કરી દીધી, આધ્યાત્મિક જગતમાંથી નવા નવા સત્યો મને સમજાયા, ફોટા માંથી સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશા સાથે  મારી જેમ અનેક માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યા છે. આ એક વિચારે મને લખવા પ્રેરિત કરી,અત્યારે જાણે હું  ફોટા જોઉં છું ત્યારે ઐતિહાસિક ક્ષણો માં જીવી રહી છું  તેમ લાગે છે.  પરિવર્તન એટલુ ઝડપી છે કે આપણી નજર વર્તમાન પર પડે ત્યારે વર્તમાન ની ક્ષણ ભૂતકાળ બની ચૂકી હોય છે.પણ ખરેખર, જીવતું જાગતું અસ્તિત્વ, ધબકતું જીવન તો આ ક્ષણમાં જ છે ને? ..વર્તમાન જીવંત હોય છે.એ કેમ ભૂલી ગઈ ? વર્તમાન  ચેતનાના દરિયામાં લહેરાતું હોય છે.આનંદના આકાશમાં વિહરતુ હોય છે.સ્વર્ગ જેવો આનંદ અને આંખની કીકીમાં સાચવવાનો હોય ને ?હૃદયમાં આંકવાનો હો ને ..મારી સખીને  મળી, છેટ દેવલાલીથી  મને મળવા આવી ત્યારે ચશ્માં પહેર્યા હતા ૩૫ વર્ષે  મળ્યા હું એના ચશ્માની પાછળ મારી સખી  અલકાને શોધતી હતી..જૂની યાદો ગુલાબનાં પાંદડાં પર પડેલા ઝાકળના ટીપાની જેમ તાજી થઈ ગઈ..એ યાદો મારો એપલનો કેમેરો ઝડપી ના શાક્યો…. અને ફોટા પાડવામાં એક એક કરીને જીવનની ઘણી અમૂલ્ય ક્ષણો હાથમાંથી કોરી જ સરી ગઈ .આજે કબુલ કરીશ કે મેં પણ બીજાની જેમ એક તક ઝડપી ફોટા પડવાની,અને એની  લયમાં ક્ષણ ગુમાવી અને સાથે ફોટા પાડ્યા પણ ખરા અને મિત્રોને મળવાનો લ્હાવો લીધો.પણ સાચું કહું આંખોમાં સમાવેલું મારી સખીનું ચિત્ર ,હૃદયમાં ઉગેલી યાદો અને  મારા સ્વહસ્તાક્ષરના  ડાયરીના પાના સામે આ ઢગલો ફોટા સાવ ફિક્કા લાગે….હો .. સાવ ફિક્કા લાગે….

પ્રજ્ઞાજી

​ ​