ઋણ સ્વીકાર

પોસ્ટર -શિશિર રામાવત

નમસ્કાર મિત્રો,
છેલ્લા બે વર્ષથી સૌ કોઈએ કોરોનાકાળમાં ઘરમાં પોતાની સાથે રહી, ઘરમાં બેસી અનેક પ્રવૃત્તિ કરી. “શબ્દોનું સર્જન” બ્લોગનાં લેખકે એક વિષય પકડી ૫૧ લેખ લખ્યા અને લખવા માટે વાંચન કર્યું અને વાંચને તેમને સર્જન કરતાં શીખવ્યું.
વાંચન એ લેખિત અથવા મુદ્રિત શબ્દોમાંથી અર્થ કાઢવાની પ્રક્રિયા છે એવું મને સદાય લાગ્યું છે.દરેક વાચક વાંચન દરમ્યાન અંદરની સમજણથી પસાર થાય છે.એટલે લેખનની પ્રવૃત્તિ સારા વાંચનનો સાર છે એમ કહી શકાય.
આપણે લખીએ ત્યારે કેવો વાચક જોઈએ છે? આજના દોડતા યુગમાં આપણને પ્રતિભાવની અપેક્ષા પણ વધારે હોય છે.હું લખું તો કોણ વાંચશે ?આવો પ્રશ્ન થાય ત્યારે કલમ બંધ કરી મૂકી દેવી જોઈએ..કારણ આપણે બીજા માટે જ લખીએ છીએ.લેખન માણસને વિકસવાની પ્રક્રિયામાં લઇ જાય છે.અર્થગ્રહણ થાય તો જ અભિવ્યક્ત કરી શકાય.
હવે કોણ વાંચશે? નો જવાબ શોધવા-સેમ્યુઅલ ટેલર કોલરિજની વાતને સમજવા જેવી છે.
“વાચકો ચાર પ્રકારના હોય છે.પ્રથમ રેતીની ઘડિયાળ જેવા હોય છે,તેમનું વાંચન રેતી જેવું  હોય છે, તે ચાલે છે અને બહાર નીકળી જાય છે અને પાછળ કશું રહેતું નથી. બીજા નંબરના વાચક એ સ્પોન્જ જેવા હોય છે.લગભગ એક જ વારમાં નીચોવીને તે પાછું આપે છે, તો ક્યારેક માત્ર ધીરે ધીરે નીચોડ આપે છે. ત્રીજા વાચક એ જેલી-બેગની જેમ છે, એ માત્ર કચરો અને રેતીને જાળવી રાખે છે અને ચોથા વાચક હીરાનાં શોધક છે,જે નકામું છે તે બધાને કાપીને તરાસી, માત્ર શુદ્ધ રત્નો જાળવી રાખે છે. “
“શબ્દોનું સર્જન” બ્લોગ પર આપણે ઘણા બધાને આમંત્રણ આપીએ છીએ કે આપ અહીં આવી તમારી કોલમ કે શ્રેણી કે આર્ટીકલ લખી વ્યક્ત થાવ વિકસો અને વિકસાવો, એક ભાઈએ મને પૂછ્યું કે તમારા કેટલા વાચક છે.? મેં કહ્યું ખબર નથી.અહીં માનસિકતાની વાત કરવી છે.મેં કહ્યું અહી ઘર સમજી લખો પછી બીજે પ્રગટ કરી શકો છો.તેમણે કહ્યું મારે વિકસવું છે હું એવા facebook પર કે છાપામાં લખીશ જે ૨૦૦ બીજી સંસ્થાને મોકલી મને પ્રચલિત કરે. મેં કહ્યું સારું ! ઘણાનાં બોલાયેલા શબ્દો તેમના વિચારોના પ્રતિબિંબ પાડતા હોય છે .અભિવ્યક્ત થયેલાં શબ્દો દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વની ચોક્કસ છબી પ્રગટ થાય છે એમ હું માનું છું.
“શબ્દોનું સર્જન” બ્લોગ લેખકને પોતાની વાત, વિચાર અને અનુભવને પ્રગટ કરવાનું માધ્યમ આપે છે. કોઈવાર ન લખ્યું હોય તો બળ અને ધ્યેય પણ આપે છે.દરેક વ્યક્તિમાં વિચારની ક્ષમતા છે.અને સર્જનશક્તિ પણ હોય છે.શ્રેણી કે કોલમ લખવાથી પ્રતિભા અને પ્રતિબદ્ધતા બન્ને ખીલે છે.
હવે મારે ખાસ અભિમાન સાથે વાત કરવાની કે સોમ થી શનિવાર દરમ્યાન આપણા બ્લોગના લેખકો જેમણે નિયમિત લખી પોતાની પ્રતિબદ્ધતા તો પુરવાર કરી છે પણ સાથે વાંચન કરી અર્થગ્રહણ કરી પોતાની સર્જનાત્મકતા ને ખીલવી છે.જેનો મને ગર્વ છે.અને તેઓ દરેક અભિનંદન ને પાત્ર છે.
કોણે શું લખ્યું ?તો ચાલો જોઈએ.
સોમવારે રાજુલ કૌશિકે -વાર્તાઓનાં ભાવાનુવાદ કર્યા.
મંગવારે -ગીતાબેન ભટ્ટે -સિક્કાની બીજી બાજુ દર્શાવી.
બુધવારે -જિગીષા દિલીપે “અજ્ઞાતવાસ “નવલકથા લખી
ગુરુવારે -અલ્પા શાહે“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”અન્ય ભાષાની કવિતાના ભાવાનુવાદ આપ્યા.
શુક્રવારે-રીટાબેન જાનીએ” સ્પંદન”ની લેખમાળામાં સ્વરચિત પંક્તિ રચી રસાસ્વાદ કરાવ્યો.
શનિવારે -મૌલિક નાગરે  “હોપસ્કોપ”  તેમના પત્ની ડો. અંજલિના અનુભવનો ખજાનો લઈને આવ્યા.
તો ક્યારેક કુમુદબેન પરીખે પણ પોતાના અનુભવ પીરસી આપણા જ અનુભવ લખતા હોય તેવો અહેસાસ કરાવ્યો.
આ બધામાંથી આપણે શું શીખ્યા?
આપણે ભાવ અને વિચાર પ્રગટ કરતાં શીખ્યાં, અનુભવ અને લાગણીઓની અભિવ્યક્તિ કરી, વાચકવર્ગ  ઉભો કર્યો.સતત દર અઠવાડિયે લખ્યું માટે વિચારોમાં ક્રમબદ્ધતા મળી,વાંચન થકી જ્ઞાન સંચિત કર્યું .આમ વાંચનનું મહત્વ સમજ્યા,તો ઘણા લેખકે વાચિકમ કરી વિડીયો પ્રસ્તુત કરી,જેને લીધે સમયના અભાવને લીધે,ન વાંચન કરતા લોકોએ તેમને સાંભળી,વાંચવા જેવો આનંદ મેળવ્યો. ટૂકમાં બધું મેળવ્યું અને ગુમાવ્યું કશું જ નહિ.આમ આપણે વાંચતા લખતાં સ્વતંત્રપણે વિચારતાં અને અભિવ્યક્ત કરતાં શીખ્યાં.
દરેકનાં લખાણમાં એક પ્રકારનું આકર્ષણ અને ઊંડાણ તો છે જ ..પણ વાચકોએ લેખકોને ખૂબ પ્રેમથી ઝીલ્યાં,એટલો જ હૂંફાળો પ્રતિસાદ આપ્યો એનો મને રાજીપો છે.દરેક લેખક માટે વાચક અગત્યનાં છે જ. નિજાનંદ માટે લખતો લેખક અંતે તો કોઈના હ્રદય ને સ્પર્શવા અને કોઈ એક નાના ખૂણે પડેલી સિતારના તારને રણકારવાની ખેવના રાખતો જ હોય છે. લેખનયાત્રા દરમ્યાન અનેક સંકટોનો સામનો કરતાં કોરોનાકાળનાં પડકારોને પણ સ્વીકારી લેખકોએ પ્રતિબદ્ધતા દેખાડી ત્યારે હું નિયમિત નથી લખતી તેનો વસવસો તો સાથે ક્ષોભ પણ અનુભવું છું.આપણે સૌ વિકસી રહ્યાં છીએ માટે આપણા લેખકો માટે ગર્વ થયો અને તેમના ઉજળા ભવિષ્યના સંકેત દેખાયાં.જે પહેલાં બ્લોગ પર લખતાં હતાં તે કલમ કેળવી અને હવે બીજા બ્લોગ કે છાપામાં બેધડક લખે છે ત્યારે અભિમાન અનુભવું છું. હું વખાણ કરું ત્યારે લાગે છે કે “વરના વખાણ કોણ કરે વરની માં” પણ સાચું કહું,તમારા  પ્રતિભાવો દ્વારા તેઓને વધુ લખવા તમે સૌએ પ્રોત્સાહિત કર્યા છે, માટે વાચકોનો પણ ઋણ સ્વીકાર કરું છું.

અહીં હું જશ લઇ માત્ર ગર્વ થયાની વાત નથી કરતી ‘બેઠક’ પ્રેરણા આપી માત્ર નિમત્ત બન્યું છે,એ ખરું ,પણ દરેક વ્યક્તિ ઈશ્વરનો તેજ -તણખો છે.દરેક તિખારામાં પરમ આનંદ, જ્ઞાન અને શક્તિ છે. આ વાત અહીં પુરવાર થાય છે,અંતે સૌના ઋણ સ્વીકાર સાથે દરેક સર્જકોનો આભાર માની વધુ લખો અને લખતાં રહો તેવા ભાવ સાથે તેઓને ફરી નવી શ્રેણી શરૂ કરવા આમંત્રણ આપું છું.

પ્રજ્ઞા દાદભાવાળા

તુષારભાઈ શુકલ

અનુભૂતિ-પ્રજ્ઞા દાદભાવાળા

તમે  મારી સાથે,મારી પાસે છો.

તમારો પાસે હોવાનો અર્થ ઘણો ઘણો છે.

કારણ તમે પાસે હોવ  છો,ત્યારે

મારા “હું” માં તમે  જ હોવ છો.

તમે  મારા માટે જ બોલો છો..

અને હું ભરવાડન બની

“મુરારી લ્યો” કહી તમને  વેચું છું.

મીરાની જેમ તમારું સ્મરણ માત્ર

આરતી અને પૂજા બની જાય છે.

 અને હું મીરાનું પાગલપણું ઘૂટું છું.

તમે  ક્યારેક મારામાં નરસિંહ બની આવો  છો

નરસિંહના દરેક પદમાં ,

શબ્દોમાં તમે  ઉતરી આવો છો,

તમારું નામ મારા માટે વેદ અને ઉપનિષદ બને છે.

તમે  મને ક્યારેક અર્જુન ની જેમ પડકારો  છો.

અને હું તમને સારથી તરીકે સ્વીકારું છું.

ખરેખર તો તમારો સ્વીકાર જ મારું બળ છે.

હવે તમે  બધે દેખાવ છે અને હું બધે બધામાં,

બસ તમને  યાદ કરું છું,અને મંજીરા વાગે છે.

તમે  મને હાથ પકડીને લખાવો  છો,

અને હું જાણે કબીર બનું છું.

મૌનને શબ્દની કુંપણ ફૂટે છે.

 અને તમારા જ શબ્દો વસંત બની મ્હોરી ઉઠે છે.

પ્રકૃતિ વિશાળતાનો પરિચય આપે છે.

વસંત મને તમને  પ્રેમ કરવાનો અધિકાર આપે છે.

અને હું તમને “તું” કહી બોલવું છું.

ત્યારે “તું” ક્યાંય દુર નથી,

 મારામાં મારી પાસે છો.

અને ભ્રમણા તૂટે છે.

 રોમ રોમ માં અજવાળું પ્રગટાવે છે.

અને આપણા વચ્ચેનું અંતર,

આપો આપ ઓગળી જાય છે.

આવરણ વગર ની અનુભૂતિ થાય છે.

અને આત્મા એજ પરમાત્મા.

એવો અહેસાસ થતા મન બોલે છે,

અહો શિવોહમ્‍! અહો શિવોહમ્‍!અહમ્‍ બ્રહ્માસ્મિ!

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

“શુભેચ્છા સહ”-પ્રજ્ઞા દાદભાવાળા

દિવાળીના દીવડાની જેમ ઝગમગતા બધાજ લખનાર અને વાચનાર, પ્રોત્સાહના આપનાર અને લખવાનો ઉત્સાહ દેખાડનાર બધા જ અમારા મિત્રોને દિવાળીના શુભ અવસરે નવીન હર પળ મુબારક દિવાળીની ખૂબ ખૂબ શુભ કામનાઓ અને નવા વરસના સૌને નુતનવર્ષાભિનદન .

Happy Diwali

દિવાળી આવી દિવાળી આવી, દીવડા સાથે શુભેચ્છા લાવી

શુભ: લાભ: ઘરના ઉંબરા ને કુમ કુમ પગલે વધાવતી આવી

નિર્મળ મનથી  સ્વચ્છ આંગણીયે દીપતી રંગોળી લાવી

સાથીયા ને તોરણ જ શુભેચ્છા બની, કલ્યાણની ભાવના લાવી    

સુંવાળી, મઠીયાં, ઘૂઘરા સાથે ફટકડા જેવી ઈચ્છાપૂર્તિ લાવી

વાઘ બારશ, ધન તેરસ, કાળી ચૌદશ, અમીની દ્રષ્ટિ લાવી

પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા ને શુભેચ્છા  સાથે લાવી

સ્વસ્તિવચન,તૃષ્ટિવચન શુભ ઈચ્છા અંતકરણ લાવી

આત્માની જ્યોત પ્રગટવાનો ઉત્તમ અવસર લાવી

 નૂતન  વરસના આ નવલુ મંગલકારી  પ્રભાત લાવી  

મનોકામના લાવી,ઉજળા ભવિષ્યનો આવાહન લાવી

દિવાળી શુભ શુભેચ્છા સુસ્વાગતમ ઝગમગ  લાવી

cropped-diwali1.jpgમિત્રો, સ્વજનો સાથે” શબ્દોનું સર્જન”  તથા “બેઠકના” પરિવારને નવા વર્ષની શુભકામનાઓ.

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા