૩૪ – શબ્દના સથવારે – પિતા – કલ્પના રઘુ

પિતા

‘પિતા’ એટલે બાપ, તાત, જનક, બાબા, અબ્બુ. અંગ્રેજીમાં ‘father’ કહેવાય છે. ‘પીતા’ એટલે કટકો, અંગ્રેજીમાં ‘piece, fragment, bit, portion’ કહેવાય, પીવું, અંગ્રેજીમાં ‘drink, absorb, suck, inhale tobacco smoke’ કહેવાય છે. પરમેશ્વર કે જે સર્વનું રક્ષણ કરે છે તેને, બ્રહ્માજીને કે જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એમને, સૂર્યનારાયણ કે જે આખી દુનિયાની પ્રાણશક્તિ છે તેમને ‘પિતા’ કહેવાય છે. જન્મ ના આપ્યો હોય પરંતુ પાલન પોષણ કરીને મોટાં કરે તે પાલક પિતા કહેવાય. ખેડૂતને જગતનો તાત કહેવાય છે. કોઇ શોધ કરનારને જે તે શોધના શોધક પિતા ગણવામાં આવે છે.

બાળકનો જન્મ માતા પિતાનાં સમાગમ થકી થાય છે. પિતા, માના અંગમાં તેનું બીજારોપણ કરીને છૂટાં થઇ જાય છે કારણકે માના ગર્ભાશયમાં બીજ, ફલિત થઇને બાળકનુ સ્વરૂપ લઇને ૯ મહિને બહાર આવે છે ત્યાં સુધી માતા અને બાળકનાં પોષણની તમામ જવાબદારી પિતાની હોય છે. માનું આંતરિક શરીર ગર્ભમાંથી વિકસતાં બાળકને સહાયક બને છે. જ્યારે પિતા તન-મન-ધનથી આવનાર બાળકની અને માની તંદુરસ્તી માટે સુસજ્જ બની જાય છે. આ પિતાને કુટુંબ-બાગનો માળી જ કહેવાય. ઇશ્વરે સંસારની રચના જ આ પ્રમાણે કરી છે. માટે જ માતૃદેવો ભવઃ પછી પિતૃદેવો ભવઃ કહીને પિતાને વંદન કરવામાં આવે છે. પિતા કરતાં માતા પર કવિતાઓ વધુ લખાઇ છે કારણકે માતાના શરીર થકી શિશુનું સર્જન થાય છે બાકી કોણ કોનાથી ચઢિયાતું તે ચર્ચાસ્પદ વિષય છે. બન્ને એકબીજાનાં પૂરક હોય છે. પિતા ઘરનો ‘મોભ’ છે તો માતા ‘આડી’ છે. મોભ એટલે છાપરાનાં ટેકારૂપ મુખ્ય આડું લાકડું. આજે સંદર્ભો બદલાતાં જાય છે. મકાનનાં બાંધકામમાંથી મોભ જતો રહ્યો છે એવાં સમયે મોભ શબ્દ પિતા માટે સમજવો રહ્યો. જેમ મોભને ઋતુ ઋતુનો માર સહન કરવો પડે, મોભારે પક્ષીઓ બેસે, વાંદરા કૂદે, આંધી-વરસાદનો બધો જ ભાર મોભને માથે હોય ત્યારે મોભને કારણે ઘરમાં વસતા સભ્યોને નિરાંત હોય છે. મોભ પોતે સહન કરે પણ પોતાને આધારે રહેનારને સાચવે છે. તે તેની જવાબદારી નિભાવે છે. તેની ભીતર કથા અને વ્યથા બન્ને હોય છે. ઘરનાં પૂર્વજોથી તે વાકેફ હોય છે. મોભારાની ઉંચાઇ પ્રાપ્ત કરવી તે જેવી તેવી વાત નથી. મોભ તૂટી પડતાં એટલે કે પિતાનાં મૃત્યુ બાદ કેટલાંય પરિવારો છિન્નભિન્ન થતાં જોવા મળે છે.

પિતા એટલે પુરુષત્વની મિસાલ! આદર્શ પુરુષનાં તમામ ગુણોની જીવંત મૂર્તિ એટલે પિતા! પિતા એટલે અનુશાસન. પરંતુ શ્રીફળની જેમ બહારથી દેખાતાં કઠણ અને કડક વ્યક્તિત્વની ભીતર કૂણું, માખણ જેવું હ્રદય જેમાં લાગણીઓનો લાવા ખદબદતો હોય એ તો માત્ર દીકરી જ અનુભવી શકે. દીકરીનાં સગપણ માટે ઉંબરા ઘસતાં પિતા અને સગપણ બાદ દીકરીનાં જાનૈયા સામે પાઘડી ઉતારનાર વિવશ પિતાની વાતો ક્યાં અજાણી છે?! પુત્ર હોય કે પુત્રી, ખભે કે માથે રાહતનો હાથ તો પિતાનો જ ફરતો હોય છે.

પિતા એટલે એક મૂક વ્યક્તિત્વ. મા, આસું દ્વારા દુઃખ વહાવે છે. તમામ ભાર પિતાને સોંપી દે છે. પરીવારજનોમાં બેલેન્સ કરવાનું કામ એક પિતાજ કરી શકે. દાઢી વધેલો ચહેરો, ઘસાયેલાં જૂતાં, કાણાંવાળાં અન્ડરવેર પહેરનાર માત્ર પિતા હોય છે. આર્થિક કે સામાજીક વિટંબણાંઓ સામે અંદર દાવાનળ અને બહાર હસતું મોઢું રાખી, આંખમાં ધસી આવતા આંસુને ગળી પીને યોગ્ય નિર્ણય એક પિતાજ લઇ શકે. પિતાને પત્ની, બાળક ઉપરાંત, પોતાના માતા-પિતા, તેમજ કૂળની જવાબદારી આજીવન નિભાવવાની હોય છે.

દેવકીએ કારાગારમાં કૃષ્ણને જન્મ આપ્યો પણ કાળી ડીબાંગ મધરાતે નદીના પૂરમાં કાનાને સૂપડામાં માથે મૂકીને નંદ-યશોદા ઘેર સુરક્ષિત પહોંચાડનાર તો એક પિતા હતા. રામનાં વનવાસનો ઘા પિતા દશરથથી ના જીરવાયો. કૌશલ્યાપુત્ર રામનાં વિયોગથી તરફડીને મૃત્યુને શરણ થયાં એક પિતા. અસુરો સામે લડવાની શક્તિનું માતાને ભાન કરાવનાર, તેમની શક્તિઓને જાગ્રત કરાવનાર હતાં, મહાદેવ.

સંસ્કાર સાથે વારસાની મૂડી પિતા પાસેથી મળે છે. આજની એ કરૂણતા છે કે હિન્દુ કુટુંબમાં વસિયતની સાથે ભાગલામાં દીકરાઓ વૃધ્ધ માને માંગે છે, વૃધ્ધ પિતાને નહીં. મા રોટલા તો ઘડી શકે, વૃધ્ધ પિતા કામમાં ના આવે. આજના વૃધ્ધ પિતાને સમસ્યા, પત્નીની હયાતી બાદ રોટલા ખાવાની હોય છે. માટેજ દીકરી,

માના મૃત્યુ બાદ વૃધ્ધ પિતાનાં લગ્ન કરાવતાં દાખલા જોવા મળે છે. ત્યારે એમ થાય કે પાશ્ચાત્ય દેશોમાં ફાધર્સ ડે નિમિત્તે પિતાનો એક દિવસ ઉજવાય છે તે આવકાર્ય છે. આજની પેઢી જેણે પિતા માટે કંઇ નથી કર્યું તે પિતૃઓથી ગભરાય છે પરંતુ માતા-પિતાનો આદર કરે છે તેને પિતૃદોષ કે કોઇ ગ્રહો નડતા નથી તે નિર્વિવાદ છે.

માતા સાથે પિતાનું પણ એટલું જ મહત્વ હોય છે. પુત્ર હોય કે પુત્રી, આજે પિતાને શબ્દાંજલિ થકી સાચુ તર્પણ કરીએ.

પિતૃ દેવો ભવઃ

“એક પ્રભુની બાદ તમારો હાથ છે અમારે માથે”-પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો જાણો  છો આજે ફાથર્સ  ડે ..માં ઘરનું માંગલ્ય તો પિતા એ ઘરનું  અસ્તિત્વ હોય છે જે ઘરમાં પિતા હોય તે ઘર તરફ કોઈ પણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.દેવકી અને યશોદા ના કાર્યની પ્રશંશા જરૂર કરજો પરંતુ મધરાતે નદીના પૂરમાં માથા પર બાળકને સુરક્ષિત લઇ જનાર વાસુદેવ ને પણ જરૂર પ્રણામ કરજો .રામ કૌશલ્યા  પુત્ર હતા, પરંતુ ભૂલતા નહિ પુત્રના વિયોગથી તરફડીને મૃત્યુ પામનાર એક રાજા નહિ પરંતુ પિતા દશરથ હતા.ઠેશ વાગે ત્યારે શબ્દ નીકળે છે “ઓ માં “પરંતુ જીવનની મુશ્કેલીઓમાં “બાપ રે “ના ઉદગાર અનાયસે નીકળી જાય છે. .આજે પણ જયારે જયારે છે મારી આંખો માં આંસુ આવે છે ત્યારે પપ્પા યાદ આવી જાય છે …જેણે મને નાનપણમાં રાજકુમારી અને પરીઓની વાર્તાઓ સભળાવતા.એજ પપ્પા જેણે હિચકે બેઠા વિચારોની એવી ઉંચાઈએ લઇ જાય જે હું સ્વપને પણ ન પામી શકું ..એજ પપ્પા જેણે મારો પરિચય લાઓત્સું ,કબીર કૃષ્ણ ઈશુ અને ગાંધી જોડે કરાવ્યો ,જીદગીની ભુલભુલામણી માં માર્ગ શોધતા શીખવ્યું .એજ પપ્પા જે નાની નાની વાતે ખીજવાય જાય અને વખત બેવખત  જોયા વગર ચા અને પાણી માંગે ,અને કયાં છે મારી પેન ?કોને લીધી કહીને ગુસ્સે થનારા અમારા પપ્પાજી અમારી વગર એકલા રહી પણ ન શકે,અને જમી કે તૈયાર થઇ પણ ના શકે .આ એસો આરામ આજે એમના જ લીધે … ખોટા વ્યહવારોમાં ઢંકાયેલી દુનિયાની ઝાંખી એમને વાતવાતમાં કરાવી…આંગળી પકડીને ચાલતા એમણે શીખવ્યું અને ઘરની ચાર દિવાલની બહાર પણ મારા પહેલા કદમ એમણે જ માંડી  આપ્યા ,   પપ્પા એ મને પાંખો આપી….. ..મિત્રો લખવા બેસું તો શબ્દો, પાના અને શાહી ઓછી પડે. …પરંતુ આજે આપણા જાણીતા લેખિકા પદ્મામાસીએ એક સુંદર કવિતા લખી મોકલી છે જેમાં મારે જે કહેવું છે તે બધું જ આવી જાય છે.મને ઘણી વાર એમ થાય ફાધર ઉપર નિબંધ લખવો સરળ છે પણ તેના પર કાવ્યમાં રજુઆત એટલી સહેલી નથી .   પિતાશ્રી કુટુંબનો ‘મોભ’ અને તે મોભને આંબી જવું એટલું સહેલુ નથી હોતું!!! . 

 

પિતાશ્રી! આપને “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ

પિતાશ્રી! સ્વીકારજો વંદન આપના પુત્ર પુત્રીના
ઉછેર્યા સદાયે  અમોને અતુલ્ય પ્રેમ વાત્સલ્યમાં
અપમાન ગળતા શિખવ્યું, સંયમ, ત્યાગ ને સહનશીલતા
એક લોહીની સગાઇ કદી ન તૂટતી ભાઈબેનની એકતામાં

ભાઈ બેનના હૈયાના વાત્સલ્ય ઝરણા નિરંતર વહેતા રહ્યા
શિખવ્યા અનેરા પાઠ બાળપણથી, શિસ્ત, આજ્ઞાપાલનના
ક્રોધી ક્રોધાગ્નિમાં જાતે બળે ને અપશબ્દ બોલી બીજાને બાળતા
‘ક્ષમા વિરસ્ય ભૂષણમ’ એ અમુલ્ય જ્ઞાન દીધુ તમે અમ જીવનમાં

દયા, નમ્રતા, ઉદારતા, ધીરજ ને હિંમતના બોધ અનેક દીધા તમે
હે પરમ પિતા પરમેશ્વર!!  મુજ પિતાનું  તેં  શ્રેષ્ઠ સર્જન દીધું  મને

****પદ્માબેન  કનુભાઈ  શાહ****

આજે મારા પપ્પા હાજર નથી પરંતુ જયારે જયારે હું લખવા  બેસું ત્યારે  મારા પપ્પાની જેમ મને કનુકાકા મદદ કરવા આવી જાય છે એમના માર્ગદર્શન વગર હું જાણે લખવા  માટે અધુરી છું , એવું મને હંમેશા  લાગે છે ..એવા મારા પિતા સમાન કનુકાકાને મારા “ફાધર્સ ડે”ના સાદર પ્રણામ