૨૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પાણીમાંથી પોરા કાઢવાં

પોરા એટલે પાણીમાં થતો બારીક જીવ. હમણાં વિશ્વ વિખ્યાત ધનાઢ્ય વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગે જમણમાં અગણિત વિવિધ વાનગીઓ પીરસાઇ હતી. પરંતુ વોટ્સએપ પર વાંચવા મળ્યું કે એમને ત્યાં જમણમાં ભુંગળા ન હતાં! લો બોલો, થઈને પાણીમાંથી પોરા કાઢવા જેવી વાત? કોઇના દોષ તરફ આંગળી ચીંધવી, કોઈને નીચું દેખાડવું સરળ અને સહેલું છે પરંતુ કોઈના ગુણની પ્રશંસા કરવી, કોઈના પ્રત્યે માન દર્શાવવું અઘરું છે. જળને જીવન કહ્યું છે. પાણી કેટલું ઉપયોગી છે? આવી જીવન ઉપયોગી વસ્તુમાંથી પોરા કાઢવાનું માણસ ચૂકતો નથી.

તત્વચિંતક કોન્ફ્યુશિયસ હંમેશા કહેતા કે જો દોષ જ જોવા હોય તો આપણી અંદર રહેલાં દોષોને જોવા. તેનાથી બે ફાયદા થાય છે. આપણો અંતરાત્મા શુદ્ધ થાય છે અને બીજાની મર્યાદાઓની સમજણ પ્રકટે છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે,

“દોષ ના જોઈએ કોઈના, સુણીયે નહીં તે કાન,

ન કહીએ ન વિચારીએ, જાણી પુણ્યનું જ્ઞાન.”

અહીં ગાંધીજીની ત્રણ વાંદરાની વાત યાદ આવ્યા વગર રહે નહીં. કોઈનું બૂરું સાંભળો નહીં, કોઈનું બૂરું બોલો નહીં, કોઈનું બૂરું જુઓ નહીં.” આ વાત જીવનમાં અપનાવવી રહી. હંસ અને સંત ગુણ ગ્રહણ કરી લે છે. માટે હંસવૃત્તિ રાખવી જોઈએ. સામેની વ્યક્તિને તમારી માપપટ્ટીથી માપવાનું બંધ કરી દેવું અને પાણીમાંથી પોરા કાઢવાના બદલે સ્વની ત્રુટિઓ પ્રત્યે સજાગ રહેવું સારું.

આ કહેવત માણસનાં સ્વભાવ સાથે જોડાયેલી છે. સ્વભાવ એટલે તમે અંદરથી જે છો તે. જે સફળ થાય એની પાણીમાંથી પોરા કાઢીને ટીકા કરવી એ માનવ સ્વભાવ છે. બીજા વિષે મનમાં આવે તે અભિપ્રાય આપી દેવો તે યોગ્ય તો નથી જ. તીર છૂટી ગયા પછી પાછું વાળી શકાતું નથી. હા, કેટલાંકમાં તીરને અડધે રસ્તેથી પાછું વાળવાની આવડત હોય છે. બાકી થૂંકેલું ચટાતું નથી. દો કાઢનારને તો ચંદ્રમામાં પણ કાળો ડાઘ દેખાય છે. સમાજમાં સફેદ સ્વચ્છ પડદા પર કાળો ડાઘ જોનારની સંખ્યા ઓછી નથી. રાધાકૃષ્ણનાં પ્રેમને વગોવનારાં પણ છે. કેટલાય એવાં ભારતીયો છે કે જે અન્ય સંસ્કૃતિથી અંજાઈને ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવ લેનારાઓને પછાત અને જુનવાણી ગણે છે. આવો સ્વભાવ ધરાવનાર વ્યક્તિ હું જ સાચો તેવો અભિગમ ધરાવતી હોય છે. રાજકારણમાં વિરોધપક્ષો એકબીજા માટે પાણીમાંથી પોરા કાઢવાં તૈયાર જ હોય છે. દેશમાં વાંકદેખુઓનો તોટો નથી. ધર્મ કે જ્ઞાતિ સાથે કોઈ પણ બાબતને જોડીને પાણીમાંથી પોરા કાઢવાનું સહજ બની ગયું છે. કુટુંબમાં અને સમાજમાં આમ જ બનતું વ્યું છે. વ્યક્તિઓનાં દોષો ઉડીને આંખે વળગે અને ગુણો પ્રત્યે આંખ આડા કાન કરે. કોઈની જરા સરખી નબળાઈને વાજતે-ગાજતે જાહેર કરીએ. રજનું ગજ કરવામાં આપણે માહેર. માનવને દોષદર્શનમાં આનંદ આવે છે તેટલું સુખ બીજાના ગુણગાન ગાવામાં નથી આવતું. માનવે આ મનોવૃત્તિ સુધારવાની જરૂર છે.

ગમે તેટલી જીનિયસ વ્યક્તિ પણ ક્યારેક તો નિષ્ફળ જતી હોય છે. કેટલાંક લોકો બીજાની ભૂલો તરફ ધ્યાન દોરી અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવા તક જ શોધતાં હોય છે અને તક ન મળે તો ક્યારેક પાણીમાંથી પોરા કાઢીને તક ઊભી કરે છે. અન્યની ભૂલ તરફ અંગૂલિનિર્દેશ કરીને તે તરફ અન્ય લોકોનું ધ્યાન દોરે ત્યાં સુધી આ પ્રકારની વ્યક્તિઓનાં જીવને શાંતિ નથી મળતી. આમ જાહેરમાં અન્યની ભૂલનો ઢંઢેરો પીટવાથી ભૂલ કરનાર વ્યક્તિને માનહાનિ જેવું લાગે છે. સામેની વ્યક્તિનું અપમાન કરવા, તેને નીચી દેખાડવા કે તેની લીટી નાની કરવાને બદલે તેની ભૂલ સામે અંગુલિનિર્દેશ કેવી રીતે કરવો તે પણ એક કળા છે. સ્નેહીજનની ભૂલ પ્રત્યે ધ્યાન દોરવું આપણી ફરજ બને છે. આપણે જ્યારે ટીકાકાર, આલોચક કે ન્યાયાધીશની ભૂમિકામાં આવી જઈએ ત્યારે વાત વણસે છે. તેની અસર સંબંધો પર થાય છે.

માનવીનાંનનાં ગુણદોષ એક સિક્કાની બે બાજુ છે. વ્યક્તિ માટે પોતાનો સ્વભાવદોષ સ્વીકારવો કઠિન હોય છે. અહમ્ વચ્ચે આવે છે. પાણીમાંથી પોરા કાઢવાને બદલે પોતે તટસ્થ રહી હકારાત્મક અભિગમ કેળવવો જરૂરી બને છે.