કવિતામાં બાળબોધ-૨,3-પી.કે.દાવડા

કવિતામાં બાળબોધ-૨

આ કવિતામાં દલપતરામે બાળકોને એ સમજાવ્યું છે કે કંજૂસ માણસ પાસેથી કંઈ ઇનામ મેળવવાની આશાથી, આપણે આપણી શક્તિઓનો વ્યય કરવો નહિં, કારણ કે એ કંઈપણ આપવાનું ટાળવા બેહૂદી દલીલ કરશે, અને તમારી આવડતને ઉતારી પાડશે.

એક શરણાઈવાળો
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ
ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:

પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.

-દલપતરામ

થોડા દિવસ પહેલા અચાનક દુલા ભાયા કાગની એક પંક્તિ યાદ આવી “કરને બાળક કાગડા”. બસ એક અઠવાડિયા માટે બાળક બનવાનું મન થઈ ગયું, અને શોધી કાઢી છ-સાત બાળબોધ વાળી કવિતાઓ. આજે ત્રીજો દિવસ છે, ત્રીજી કવિતા રજૂ કરૂં છું.

આ કવિતામાં દલપતરામ બાળકોને ઉદ્યમી થવા સમજાવે છે. પ્રયત્ન અને મહેનત કરવાથી બધું કામ થઈ શકે છે એ સમજાવવા માટે દલપતરામે ત્રણ ઉદાહરણ આપ્યા છે. ઉદ્યમ ન કરનારને કાયર અને આળસુ સાથે સરખાવીને કહ્યું છે કે આવા લોકો તો ગધેડા જેવા છે. છેલ્લી બે પંક્તિઓમાં ગમે તેવું કઠણ કામ પણ મહેનતથી પાર પાડી શકાય છે, એનું ઉદાહરણ આપ્યું છે. (એક જ જગ્યાએ વારંવાર રસ્સી ઘસાંતાં, કુવાની પાળના પથ્થરમાં પણ Groove પડી જાય છે.)

ઉદ્યમ વિષે

ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;

ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય.

પોપટ પણ અભ્યાસ થી, શીખે બોલતા બોલ;

કાયર થઇ આળસ કરે, તે નર ખરની તોલ.

કુવા પરના કઠણ જે, પાકા કાળા પાણ;

દોરડીએ છેદાય છે, એ લેવું એંધાણ.

-દલપતરામ

 

કવિતામાં બાળબોધ-૧-પી.કે.દાવડા

મિત્રો,

આજે ફરી બચપણમાં એક ડોકીયું કરવાની ઈચ્છા થઈ છે. આ અઠવાડિયે આપણે બાળપોથીથી ચોથા ધોરણ સુધી ફરી આવશું. બે મીનિટનો સમય આપી, માણવા કોશીશ જરૂર કરજો.

 

કવિતામાં બાળબોધ-૧

આ કવિતામાં દલપતરામે બાળકોને એ શીખવવાનો પ્રયત્ન કર્યો છે કેપોતાની અનેક ખામીઓ પ્રત્યે દુર્લક્ષ કરી, બીજા લોકોની નાની નાની ખામીઓપ્રત્યે આંગળી ચીંધવી ન જોઈએ, કારણ કે ક્યારેક કોઈ એવું નીકળી આવે કે જેઆપણી બધી ખામીઓ એક સાથે ગણાવી દે.

 

ઊંટ કહે આ સભામાં

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસના તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

– દલપતરામ (

ઊર્મકાવ્ય’ -ગુજરાતી સાહિત્યકોશ ૩’માંથી)

ઊર્મકાવ્ય’ એ સંજ્ઞા આપણે ત્યાં પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક પછી પ્રચલિત થઈ છે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસે ‘લિરિક’ (Lyric) કાવ્યસંજ્ઞાનો આપણને પરિચય થયો. ‘લિરિક’ શબ્દ ‘લાયર’ (Lyre) -વીણા જેવું વાદ્ય, પરથી આવેલો છે. ‘લાયર’ની સાથે ગવાતું ગીત ‘લિરિક’ તરીકે ઓળખાતું. એટલે કે એ સંગીતપ્રધાન ગેયરચના હતી. આ કારણે જ અર્વાચીન સમયના આરંભકાળે નર્મદે એને ‘ગીતકવિતા’, નવલરામે ‘સંગીતકવિતા’, ‘ગાયનકવિતા’, નરસિંહરાવે ‘સંગીતકાવ્ય”, આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ (એમાં રાગ શબ્દ શ્લેષથી સંગીતનો સૂચક છે) જેવા ‘લિરિક’ના પર્યાયો આપ્યા હતા. પરંતુ ક્રમેક્રમે સંગીત સાથેનો એનો સંબંધ ઓછો થતો ગયો કહો કે છૂટી ગયો એટલે જે ગાઈ શકાય એ જ ‘લિરિક’ એવી મર્યાદિત વ્યાખ્યામાંથી તેને મુક્તિ મળી. ન્હાનાલાલે તેને ‘ભાવકાવ્ય’ તરીકે ઓળખાવ્યું અને બળવંતરાયે ‘ઊર્મિકાવ્ય’ એવી સંજ્ઞા આપી જે આપણે ત્યાં ‘લિરિક’ના પર્યાય તરીકે પ્રતિષ્ઠા પામી અને રૂઢ થઈ.

(‘ગુજરાતી સાહિત્યકોશ ૩’માંથી)

ગુજરાતી સાહિત્ય મંચ-​મહેન્દ્ર ઠાકર

મિત્રો આ જરૂરથી વાંચશો આપને માર્ગદર્શન મળશે.
 
‘મારેય લેખક બનવું છે. શું કરવું?’
વાંચો-વાંચો-વાંચો. આ છે પહેલો મંત્ર.
અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર.
જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની.

લખવાનો શોખ છે અને લેખક બનવાનું સપનું જુએ છે.
• કોઈને પોતાની વાર્તા-કવિતા છપાવવી છે
• કોઈને કોલમ્નિસ્ટ બનવું છે
• કોઈને ધારાવાહિક નવલકથા લખવી છે
• કોઈને પુસ્તક પ્રગટ કરવું છે
તેઓ ફોન કરે,ઈમેઈલ મોકલે, વોટ્સએપ અને ફેસબુક પર મેસેજ મૂકે, પોતાની કૃતિ વાંચી આપવા માટે વિનંતી કરે.
પ્રત્યેક લેખક સૌથી પહેલાં તો વાચક હોય છે અને આ પ્રકારના તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હોય છે.

વાંચવું એટલે માત્ર છાપું અને પૂર્તિની કોલમો વાચંવી એમ નહીં. આ બધું તો ખરું જ, પણ તે સિવાય તમે બીજું શું શું વાંચો છો?અઠવાડિયે, મહિને, બે મહિને, વરસે તમે પાંસ-દસ-વીસ-પચ્ચીસ પુસ્તકો વાંચી નાંખો છો? તમને જેમાં ખૂબ રસ પડે છે તે વિષયનાં પુસ્તકો? પછી તે નવલકથાઓ, વાર્તાસંગ્રહો, કવિતાની ચોપડીઓ, જીવનકથાઓ, સાયન્સ ફ્ક્શિન, નોન-ફ્ક્શિન કંઈ પણ હોઈ શકે.

મારે વાર્તા-નવલકથા લખવી છે એવું કોઈ કહે એટલે એની સામે ફટાક કરતું આ લિસ્ટ ધરી દઉં છું:
શું તમે ઓલરેડી પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી, મધુ રાયને વાંચી કાઢયા?
કુંદનિકા કાપડિયા, વીનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટને?
આ સિવાય પણ ખૂબ બધાં નામો છે.
ઓકે, આ સૌનું સમગ્ર સાહિત્ય ભલે ન વાંચ્યું હોય તોપણ તેમનાં કમસે કમ બેસ્ટ પાંચ-સાત-દસ પુસ્તકો વાંચ્યાં?
કવિતા લખવાનો શોખ હોય તો આપણા ભાષાના ગઈ કાલના અને આજના ઉત્તમોત્તમ કવિઓનાં સંગ્રહોમાંથી પસાર થયા?
તેમાં રમમાણ રહૃા?
આપણે સવારે જે વાંચ્યું હોય તે સાંજે પણ યાદ હોતું નથી, પણ એવું તે શું છે આ સાહિત્યકારોનાં લખાણમાં કે લોકો પચીસ-પચાસ-સો વર્ષ પછી પણ ભારે રસથી વાંચે છે? અને વાંચીને જબરદસ્ત આંતરિક સમૃદ્ધિનો અનુભવ કરે છે? આ પ્રશ્નોનો જવાબ જાતઅનુભવથી મેળવ્યો?

વાંચતાં વાંચતાં આપણો ટેસ્ટ કેળવાતો જાય છે. ક્યા પ્રકારના લેખકો અને ક્યાં પ્રકારનાં પુસ્તકો આપણને વધારે અપીલ કરે છે તે સમજાતું જાય છે.
શક્ય છે કે, તમને ગ્રામ્ય કથાઓ ઓછી અને શહેરી મિજાજવાળું સાહિત્ય વધારે સ્પર્શે. આના કરતાં ઊલટું પણ બને.
શક્ય છે કે કોઈ મધુ રાય પાછળ ગાંડા ગાંડા થઈ જાય તો કોઈને મધુ રાય બધુ અઘરા લાગે.

ફેર ઈનફ. જ્યાં સુધી વાંચનભૂખ અકબંધ છે ત્યાં સુધી બધું જ માફ. વાંચનની રીતસર ઘેલછા જાગવી જોઈએ. રાત-રાત જાગીને ચોપડી પૂરી કરી નાંખવી, વાંચવામાં એવા ખૂંપી જવું કે ભૂખ-તરસ-ટીવી-ફેસબુક-વોટ્સએપનું ભાન ન રહેવું, મનગમતાં પુસ્તક ખરીદવા બીજાં ખર્ચ પર કાપ મૂકવો – જો તમારામાં આ બધાં લક્ષણો દેખાય તો, કોન્ગ્રેચ્યુલેશન્સ! તમે સાચા રસ્તે જઈ રહૃા છો.
ગુજરાતી સાહિત્ય પછી હિન્દી અને અંગ્રેજી ભાષા તરફ્ નજર દોડાવવી. અંગ્રેજી પુસ્તકો વાંચવાની ટેવ ખાસ કેળવવી. આગળ જતાં તમારું ગુજરાતી વાંચન મર્યાદિત થઈ જાય અને અંગ્રેજી પુસ્તકોનું વાંચન મોટા ભાગનો સમય રોકી લે એવુંય બને.

ગોલ્ડન રૂલ નંબર ટુ.
લખવાનો રિયાઝ શરૂ કરો. શરૂઆત ડાયરીથી કરો. સરસ મજાનો બસ્સો પાનાંનો ફુલસ્કેપ ચોપડો લઈ આવો. રોજ એમાં કંઈક ને કંઈક લખો. એક પાનું, બે પાનાં, ત્રણ પાનાં. કંઈ પણ લખો.
• મનમાં ઘુમરાતા વિચારો વિશે
• દોસ્તો -પરિવારના સભ્યો – સગા-સંબંધી
• સમાજમાં ને દેશમાં બનતી ઘટના
• જે પુસ્તક વાંચી રહૃા હો તેના વિશે,
• સરસ ગમી ગયેલા લેખ
• મનગમતી ફ્લ્મિ-ટીવી શો-નાટક
રોજેરોજ નિયમિતપણે શિસ્તપૂર્વક લખતા રહેવાથી ધીમે ધીમે ભાષા ઘડાતી જશે, લખાણમાં સફાઈ આવતી જશે, વ્યાકરણ અને જોડણી આવડતાં જશે, અભિવ્યક્તિની સમજ અને કૌશલ્ય કેળવાતાં જશે, આત્મવિશ્વાસ દઢ બનતો જશે.
પત્રલેખન પણ એક સરસ એક્ટિવિટી છે, પણ આ ડિજિટલ જમાનામાં તે અપ્રસ્તુત બની ગઈ છે.

ઓકે. ફાયનલી તમે વાર્તા (કે લેખ, કવિતા કે કંઈ પણ) લખવાના તબક્કા સુધી પહોંચો છો.
જે લખ્યું છે તેને ફરી ફરીને લખવાનું,બે-ત્રણ-ચાર કે તેનાથીય વધારે ડ્રાફ્ટ લખીને લખાણને બને એટલું સુરેખ બનાવવાની કોશિશ કરવાનું. જેમના પર તમને ભરોસો હોય તેવા મિત્ર કે પરિચિતના અભિપ્રાય અનુસાર તમારાં લખાણમાં નવેસરથી સુધારાવધારા કરો. યાદ રાખો, આળસ કરવાથી નહીં ચાલે.
ક્યાં ક્યાં છાપાં-મેગેઝિનમાં ટૂંકી વાર્તા-કવિતા વગેરે છપાય છે તેની તમને ખબર હોવી જોઈએ. ખબર ન હોય તો લાઈબ્રેરીમાં જઈને વ્યવસ્થિત સમજી લેવાનું. અમુક છાપાં-મેગેઝિન દિવાળી અંક અને વાર્ષિક અંકમાં ખૂબ બધી વાર્તાઓ પ્રકાશિત કરે છે. બસ, તેમને સુંદર-સુઘડ અક્ષરમાં લખેલી અથવા પ્રિફરેબલી ટાઈપ કરેલી કૃતિ મોકલો અને જવાબની રાહ જુઓ.
અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં નવોદિતો માટે પણ લિટરરી એજન્ટ્સ હોય છે, જે તમારી કૃતિની છપાવવાની માથાકૂટ સંભાળી લે છે. આપણે ત્યાં આવી લકઝરી નથી એટલે બધું જાતે જ કરવું પડશે. કૃતિ ‘સાભાર પરત’ થાય તો નિરુત્સાહી બિલકુલ નહીં બનવાનું. ભલભલા લેખકોની કૃતિઓ શરૂઆતમાં સાભાર પરત થઈ હતી. અરે, જાણીતા બની ગયા પછી પણ થાય છે.
પાછી ફરેલી કૃતિને અન્ય પ્રકાશનમાં ટ્રાય કરો. હિંમત નહીં હારવાની. અહીં જ તમારામાં કેવુંક ઝનૂન અને લગની છે તેની કસોટી થશે. મેઈનસ્ટ્રીમ છાપાં-મેગેઝિનોમાં છપાતી વાર્તાઓની ગુણવત્તા કાયમ ટનાટન હોય છે તે જરૂરી નથી. ‘પરબ’-‘શબ્દસૃષ્ટિ’ જેવાં સાહિત્યિક સામયિકોની વાત અલગ છે. આવી કોઈ જગ્યાએ તમારી વાર્તા-કવિતા છપાય તો સમજવાનું કે તમને હવે ખરેખર લખતા આવડવા માંડયું છે. ચિયર્સ!
હવે જોકે, ફેસબુકને કારણે ઊભરતા લેખકોની ‘સાભાર પરત’ની પીડા ખાસ્સી ઓછી થઈ ગઈ છે.
અહીં તો સૌ પોતાનું લખાણ દુનિયા સાથે શૅર કરી શકે છે. લખાણ કાલુંઘેલું ન હોય તો પણ લાઈક્સ અને ‘વાહ વાહ’ મળવા લાગે છે.
સોશિયલ મીડિયા પર મળી જતી આ ઈન્સ્ટન્ટ સ્વીકૃતિ ખતરનાક નીવડી શકે છે. નબળું લખનારો ભ્રમમાં જીવ્યા કરે છે અને પોતે કેટલા છીછરા પાણીમાં ઊભો છે તેનો એને અંદાજ આવતો નથી. આથી આપણે પોતે જ પોતાના અત્યંત કડક જજ બનવાનું છે. સોશિયલ મીડિયાના પ્લસ પોઈન્ટ્સ પણ છે. શૅર થયેલી કૃતિને યોગ્ય વ્યક્તિઓ દ્વારા મળતી કમેન્ટ્સ ચોક્કસ ઉપયોગી બને છે. ફેસબુક પર અવારનવાર મુગ્ધ થઈ જવાય એવાં સુંદર લખાણ આપણે સૌએ જોયાં છે. કોલમ્નિસ્ટ અભિમન્યુ મોદી ફેસબુકની ડિસ્કવરી છે. અક્ષય આંબેડકર નામના યુવાનની અફ્લાતૂન ફેસબુક પોસ્ટ્સ વાંચો તો તમને થાય કે આ કોઈ ઘડાયેલા ફિલ્મ કોલમ્નિસ્ટનું લખાણ છે. અભિષેક અગ્રાવત પોતાની ક્ષિતિજ વિસ્તારશે તો એમને ફુલફ્લેજ્ડ લેખક-વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થતાં કોઈ રોકી શકવાનું નથી. અવનિ દલાલ અને જિતેશ દોંગાની નવલકથા પહેલાં ડિજિટલ માધ્યમમાં વખણાઈ હતી. પછી તેનું પ્રિન્ટ વર્ઝન બહાર પડયું. – શિશિર રામાવત

આ મંચના બધા મિત્રોને આ લખાણ પર વિચારી, તેમના વિચાર જણાવવા આમંત્રણ છે.-સુરેશભાઈ જાની 

કવિ–પી. કે. દાવડા

આપણી બેઠકના સભ્યોને Projector ની મદદથી આ રીતે સમજાવવામાં આવે તો બધાને સહેલાઈથી સમજાય

ગા ગા ગા ગા ગા ગા ગા ગા
મે યા વો વા રે વા રે,
હો કે બી જા રૂં કા ક્યા રે?
ઠી ને વા રે મા વા વા નું
મા યા વિ ના બી થી ચા વા નું
ઠી ને વા રે ળું જો મો ને
કી કા હા થી તો વા નું
છી સે ભી થી જી વા નું
મે યા વો ઉંઘ માં તો સા રૂં

આ મેં હમણાં જ લખ્યું છે. આ રીતે લોકો વર્ગમાં જ લખતાં શીખે.

કવિ

(લગાગા લગાગા લગાગા લગાગા)

થતા ઘંટનાદો સવારે સવારે

સુણે બાંગ જ્યારે મિનારે મિનારે

ચઢે ચાદરો જ્યાં મઝારે મઝારે

લખે એ કવિતા વિચારે વિચારે

થતી રાત રોશન સિતારે સિતારે

થતી શાંતી જ્યારે ઉતારે ઉતારે

મળે શાંત નિદ્રા સહારે સહારે

લખે એ કવિતા વિચારે વિચારે

અહીં માણસો છે પ્રકારે પ્રકારે

અહીં ડોલતા જન ઇશારે ઇશારે

અહીં અંગ વેંચે બઝારે બઝારે

લખે એ કવિતા વિચારે વિચારે

થશે શાંતિ જ્યારે જગતમાં વધારે

કવિતા તણો થાય અવસર અમારે.

-પી. કે. દાવડા

‘રુબાઈ’ વિષે થોડું જાણી/શીખી લઈએઃ-ચમન

સુરાહી-કિસ્મત કુરેશી

લેખઃ ચીમન પટેલ ‘ચમન’

મારા પુસ્તકોની ગોઠવણી કરતાં પુસ્તિકા મળી. લેખક્નું નામ પરિચિત લાગ્યું. પુસ્તકના છેલ્લા બહારના પાનપર ફોટો જોતાં થયું કે ચહેરો પરિચિત લાગે છે. એમનો જન્મ ભાગનગર અને એઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૧માં મેટ્રિક થયા હતા વાંચી ૭૯ પાનની પુસ્તિકા કે જેરુબાઈથી ભરેલી હતી એટલે વિષયની જાણકારી માટેની ઈંતેજારીએ આમુખથી વાંચવાની શરુઆત કરાવી!

રુબાઈવિષે થોડું જાણી/શીખી લઈએઃ

મારા માટે શબ્દ નવો હતો અને મને થયું કે મારા કેટલાક સાહિત્યિક મિત્રો માટે પણ હશે ! કવિઓ/શાયરોના લાભાર્થે આજ પુસ્તિકામાંથી રુબાઈની સમજૂતી ટૂંકાવીને અહીં મૂકી છેઃ

 

રુબાઈનું મૂળ બંધારણ અરબ્બી છે. લગાગાગા, લગાગાગા, લગાગા એનું સ્વરૂપમાપ છે.

માપ અક્ષરવૃતનું નથી, માત્રામેળનું છે. ઈરાનના સૂફી કવિ બાબા તાહિરે આ વજનમાં સર્વોત્તમ એવી ઘણી રુબાઈ લખી તેથી તાહિરી રુબાઈ નામે તે પ્રખ્યાત થઈ. પ્રાસાનુપ્રાસ એ તો રુબાઈનું લક્ષણ છે.

 

આ પુસ્તિકામાંથી રુબાઈના થોડા નમૂના વાંચી લઈ, વાંચક રુબાઈ લખતા થઈ જશે તો આ લેખ તૈયાર કરવા પાછળનો સમય યોગ્ય લેખાશે.

 

            શ્રધ્ધા                    નર્તન                       હું

મને ઝંખે ભલે પુષ્પો ચમનમાં,      તમારી  આંખડીમાં  પ્યાર નાચ્યો,    હું મંઝિલથી સુદૂર ભટકી રહ્યો છું,

મને તેડે તારક ભલે ગગનમાં,       અમારા દિલ તણો દરબાર નાચ્યો,   અધૂરી આશ સહ  લટકી રહ્યો છું,

મઢૂલી આ તજી, નહિ જન્મવા દઉં    જરા ઝાંઝર તમારાં રણઝણ્યાં, ત્યાં    હું કંટક રાખી, આપું છું ગુલાબો,

હું શ્રધ્ધા બદલે શંકા તુજ મિલનમાં.  અમારો તો સકળ  સંસાર  નાચ્યો.    છતાં સહું નેનમાં ખટકી રહ્યો છું!

 

               રૂપની હઠ                          કસોટી                           લાચાર

સૂરીલો  કંઠ ને  વાતે   રસીલાં,       કરે છે વેદના મનની કસોટી,         હસી શક્તો નથી ત્યારે રડું છું,

વદન મોહક અને લોચન મદીલા      કરે છે પ્રેમ જીવનની કસોટી,         ચડી શક્તો નથી ત્યારે પડું છું

હસ્યાં, બોલ્યાં; રહ્યાં છેટા ને છેટા,      છુપાઈને સદા પડદાની પાછળ,     જગતના જુલ્મ ને અન્યાય વચ્ચે

રૂપાળા સર્વે શું આવા  હઠીલાં ?        કરે છે રૂપ લોચનની કસોટી.        જીવી શક્તો નથી ત્યારે લડું છું.

                                                                                                      

કવિતાનો આસ્વાદ

કવિતાનો આસ્વાદ

આસ્વાદ કરાવનાર વ્યક્તિ સાહિત્યજગત જોડે સંલગ્ન હોવી જોઈએ. એને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો અભ્યાસ હોવો જોઈયે, અને સાહિત્યના પ્રાચીન અને અર્વાચીન પ્રવાહોની માહીતિ હોવી જોઈયે.

કોઈપણ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે, શરૂઆતમાં એ કવિ વિષે થોડી માહીતિ આપવી જોઈયે. એ કવિ ખાસ કવિ બાબતમાં જાણીતા છે, ઉદાહરણ તરીકે પ્રેમાનંદ આખ્યાનો માટે, અખો છપ્પા માટે, ભોજા ભગત ચાબખા માટે, અમૃત ઘાયલ ગઝલ માટે વગેરે..વગેરે.

ત્યારબાદ કવિતાના વિષયની ટુંકમાં ચર્ચા કરવી જોઈયે. આ વિષય માટે કવિએ અપનાવેલું કવિતાનું બંધારણ (છંદ, અલંકારો, ગીત, ગઝલ કે અન્ય) યોગ્ય છે કે નહિં, તેની ચર્ચા પણ કરી શકાય. પછી વારો આવે શીર્ષકનો. શીર્ષક સૂચક હોવું જોઈયે, આકર્ષક હોવું જોઈયે, ટુંકું હોય તો વધારે સારૂં પણ કોઈવાર લાંબા શીર્ષકની જરૂર પડી શકે,

પછી વારો આવે કાવ્યપંક્તિઓનો. કાવ્યપંક્તિઓને વિષયના સંદર્ભમાં સમજાવો, એમાં વપરાયલા પ્રતિકો અને ખાસ શબ્દોનું વિષેશ વિવરણ કરો. એમાં રહેલા ગર્ભિત ઈશારા, કવિના મનમાં રહેલા વિચારો વગેરેની સમજ આપો. એકે એક પંક્તિ સમજાવવી જરૂરી નથી, પણ એકપણ મહત્વની પંક્તિ રહી ન જવી જોઈયે.

ત્યારબાદ, કવિનો શું સંદેશ છે એની ચર્ચા કરો, અને અંતમાં ઉપસંહારમાં તમારા વિચારો લખો. કવિતામાં તમને જે જે ખામીઓ લાગે તેની ચર્ચા કરો, પણ તમારી મર્યાદાને ધ્યાનમાં રાખીને.

હવે આપણે ઉદાહરણ તરીકે એક નાટ્યગીતનો રસાસ્વાદ લખીયે.

http://mavjibhai.com/MadhurGeeto/104_Mithalagya.htm મીઠા લાગ્યા તે મને

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.

આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પ્રભુલાલ દ્વિવેદી

પ્રભુલાલ દ્વિવેદી એટલે જૂની રંગભૂમીના બાદશાહ. દેશી નાટક સમાજ દ્વાર ભજવાયલા અને લોકપ્રિયતાની તમામ હદો તોડી ગયેલા નાટકો, એટલે પ્રભુલાલ દ્વિવેદીના નાટકો. માત્ર પટકથા સંવાદ જ નહિં, પણ નાટકના ગીતો પણ એ પોતે જ લખતા. એમના અતિ લોકપ્રિય નાટક વડિલોના વાંકેનું આ અતિ લોકપ્રિય ગીત છે. એક નવોઢા, કોઈ કામઅંગે બહાર ગયેલા, અને ગમે ત્યારે આવી પહોંચવાની સંભાવનાવાળા પતિની વાટ જૂએ છે, એનું આ ગીત છે. મોટા ભાગના નાટક-સિનેમા માટે લખાયલા ગીતોનું શીર્ષક એ ગીતની પહેલી પંક્તિ જ હોય છે, અને અહીં પણ એ નિયમ જ પાળવામાં આવ્યો છે.

આપણે જાણીયે છીએ કે કોઈની અચોક્ક્સ સમય સુધી વાટ જોવાનું કેટલું કંટાળાજનક કામ છે, કોઈ ટ્રેઈન મોડી આવવાની હોય, એરપોર્ટ ઉપર વિમાન આવવાની રાહ જોતાં હોઈયે વગેરે ખૂબ જ કંટાળાજનક પ્રવૃતિ છે, અને તેમાં પણ રાતે મોડેથી આવું કરવાનું આવે તો માત્ર કંટાળાજનક જ નહિં પણ વસમું પણ લાગે.

આ ગીતમાં નવોઢા એના પતિની વાટ જૂએ છે. કવિએ અહીં પતિની વાટ માટે વહાલાની વાટ શબ્દો વાપર્યા છે, અર્ધો કંટાળો તો અહીં જ ઓછો થઈ જાય છે. અહીં કંટાળાને બદલે ઉત્સાહપુર્વકનો ઈંતેજાર આપોઆપ આવી જાય છે. એને ઉજાગરો વસમો નહિં પણ મીઠો લાગે છે. જ્યારે કોઈ મનપસંદ કામ માટે ઉજાગરો કરવો પડે ત્યારે એ ઉજાગરો ઉત્સવ બની જાય છે. અહીં કવિ માત્ર વહાલા કહીને જ નથી પતાવતા પણ નવોઢાના મનની લાગણી વધારે સ્પષ્ટ કરતાં એના માટે અલબેલા શબ્દ પણ વાપરે છે. એનો પતિ કંઈ સામાન્ય નથી, અલબેલો છે.

હવે કવિ એ વાટ જોતી નવોઢાની મનસ્થિતિને વધારે સ્પષ્ટ કરતાં કહે છે એને કોઈના પગલાંનાં ભણકારા વાગે છે, “એ આવ્યા..એ આવ્યા..” અને પછી જ્યારે સમજાય કે હજી નથી આવ્યા ત્યારે અંતરમાં ઉચાટ થાય છે, “બહું ઠીકઠાક તો હશેને?” આ ઉચાટને વધારે સ્પષ્ટ કરવા કવિ કહે છે, અમથો ઉચાટ. શંકા કરવાનું કોઈ કારણ નથી, છતાંપણ ઉચાટ થાય છે.

પછીની પંક્તિઓમાં તો કવિએ કમાલ કરી છે. એ નવોઢા નીંદર સાથે ફરિફાઈ કરે છે, નીંદરને કહે છે કે હું તને જીતવા નહિં આપું. આવી કલ્પના તો પ્રભુલાલભાઈ જ કરી શકે. એ વાટ જોવા બેઠી તો હીંડોળા ઉપર છે, પણ હિંડોળા ઉપર ઊંધ આવી જાય તો? એટલે હીંડોળાખાટને એ વેરણ કહે છે.

હવે પછીની પંક્તિઓમાં નવોઢા ઊંધ ન આવી જાય માટે આંખોને સોગંદ આપે છે, ખબરદાર જો તેં મટકું પણ માર્યું છે તો ! આવી અંતરને છબી જાય એવી કલ્પના ભાગ્યેજ કોઈ કવિતામાં જોવા મળે. અંતિમ પંક્તિઓ આ ગીતની શિરમોર પંક્તિઓ છે. એ કહે છે, આજે હું નથી જાગતી, મારો આત્મા જાગે છે, હું તો જાણે પવિત્ર ગંગા ઘાટે ઉભી છું, અને મુક્તિની રાહ જોઉં છું.

આજથી ૭૦-૭૫ વર્ષ પહેલા લખાયલા આ ગીતનું આકર્ષણ મારા મનમાં કોઈપણ આધુનિક ગીતથી જરાપણ ઓછું નથી.

-પી. કે. દાવડા

મિત્રો આપ બધાની  ઈચ્છાને માન  આપી વધુ વિગત અહી મળશે.

https://sureshbjani.wordpress.com/2011/06/16/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80-prabhulal-dwivedi/

https://junirangbhumi.wordpress.com/2011/02/18/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF/

‘વાર્તા રે વાર્તા ‘ (3)બેઠકની ચર્ચા -જયશ્રીબેન મર્ચન્ટ

એક સર્જક કે લેખક કે એક વાર્તાકાર માટે સતત અભ્યાસ કરવો એ એ એટલો જ જરુરી છે જેટલો એક સારા ગાયક કે સંગીતકાર માટે રિયાઝ જરુરી છે.

આ અભ્યાસ એટલે સતત વાંચવું.

ઉત્તમ અભ્યાસ તો ગુરુ સાથે કરો તે પણ ગુરુની અવેજીમાં, સર્વકાલિન અને સમકાલિન સર્જકોની સબળ કૃતિઓનું, વાગોળીને વાંચન, એક વ્યસનની જેમ કરવું જોઈએ. આ વાંચનથી સહ્રદયી વાચકની સંવેદનશીલતા કેળવાય છે, એટલું જ નહીં પણ દરેક વખતે નવા અર્થ એમાંથી નિપજે છે. મારા અંગત જીવનમાં ઘટેલી ઘટના વખતે ગુજરાતી ભાષાના ઉત્તમોત્તમ વિવેચક અને પ્રખર વિદ્વાન, ડો. મધુસુદનભાઈ કાપડિયાએ મને એક સરસ વાત કહી હતી કે એક સર્જકને સંવેદનશીલતાનો અભિશાપ ગણો તો અભિશાપ અને વરદાન ગણો તો વરદાન મળ્યું છે. એ તો સર્જક પર છે કે આ વેદનાનું મંથન કરીને એમાંથી “સ્વ થી સર્વ સુધી” પહોંચતી કૃતિઓનું સર્જન કરે કે પછી કડવાશનું વિષ નિપજાવે જે એને- સર્જકને- સર્જનક્રિયાથી વિમુખ જ ન કરે પણ જગતને પણ એના માતબર અને માલદાર સર્જનોથી વિમુખ કરી દે. “સ્વ થી સર્વ સુધીની” આ મુસાફરી ની મોજ માણવા કે નિજાનંદ પામવા માટે એક ખાસ વાત સહુ સર્જકે યાદ રાખવાની છે અને તે એ છે કે જ્યારે સર્જક પાસે નવું કંઈ અર્થસભર કે જીવનન પ્રતિબિંબો ઝીલતું સાહિત્ય ન હોય ત્યારે અટકી જવું જોઈએ. અભ્યાસ માટેનું લખાણ અનુકરણમાંથી પણ નિપજ્યું હોય તો તેને કે નબળી રચનાને રચી હોય તો એનો પણ વિચાર કરવો કે કઈ રીતે આ રચાનામાં ક્યાં ખામી રહી ગઈ છે. આ આત્મનિરિક્ષણ પ્રત્યેક સર્જકે સતત કરતાં રહેવું જોઈએ.

આજનો યુગ એ માહિતીનો યુગ છે. આ યુગમાં સામાન્ય માનવી સારા અને સાચા લેખકોની સાહિત્યિક મૂલ્યવાળી કૃતિઓના વાંચનથી દૂર થતો જાય છે. આજનો લખનાર એની સર્જનક્રિયામાં સૌષ્ઠવ અને સુઘડતાથી પોતાની રચનાનો નિખાર કે શણગાર કરવામાં ઊણો ઉતરે છે કારણ કે વિશ્વના મુખ્ય ભાષાઓમાં રચાયેલી સુંદર રચનાઓને નથી જાણી, માણી કે નથી વિગતવાર ભણ્યા કે નથી શાસ્ત્રોક્ત રીતે અભ્યાસ કર્યો. ઉમાશંકર, સુંદરમ, હરીન્દ્ર કે સુરેશ દલાલ, અનિલ જોષી કે લાભશંકર, પન્ના નાયક, પ્રીતિ સેનગુપ્તા કે મીરાં-નરસિંહ ના કાવ્યો વાંચ્યા વિના કવિતા લખવાની ધૃષ્ટતા કરવી અથવા તો આદિલભાઈ, મનોજ, બેફામ, શયદા, ઘાયલ, કૈલાસ પંડિત કે ચીનુભાઈ મોદીની ગઝલો વાંચ્યા વિના ગઝલો લખવી અથવા તો સુરેશ જોષી, ગુલાબદાસ બ્રોકર, ધૂમકેતુ કે જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ વાંચ્યા વિના ટૂંકી વાર્તાઓ લખવી અને એવી આશા રાખવી કે આપણી કવિતા, ગઝલ કે વાર્તા અન્ય કોઈ વાંચે તો એ કઈ રીતે બની શકે? સાચી વાત તો એ છે કે “લખતાં લહિયો થાય અને વાંચતા વિદ્વાન થાય” તો ખૂબ વાંચો, વાગોળો અને પછી લખો. એક ખાસ વાત કહેવી છે કે એ જ સાહિત્ય ટકે છે જેમાં કાળ, દેશ, સ્થળ અને સમયને લાગે વળગતી સમસ્યા કે બીનાઓનું પ્રતિબિંબો કોઈ પણ છોછ વિના, નિઃસંકોચ ઝીલાયું હોય. એક સર્જકમાં એવા અછૂતા વિષયોને હિંમતભેર છેડવાની સક્ષમતા અને સજ્જતા હોવી જ જોઈએ. માત્ર ગોઠ્વાયેલું “ફીલ ગુડ” લખાણ ગોઠવાયેલું અને સગવડિયું લાગે છે. લેખકની પરિપક્વતાની કસોટી વિવિધ વિષયોને સહજતાથી અને કોઈ પણ પૂર્વગ્રહ વિના રજુ કરવાની હથોટીથી થાય છે.

આપ સહુ ખૂબ જ ઉત્સાહ્પૂર્વક લખો છો તો સારું, સાચું અને સતત લખતા રહો એવી શુભેચ્છા સાથે વિરમું છું.

જયશ્રીબેન મર્ચન્ટ -કેલીફોર્નીયા –

 

 

‘વાર્તા રે વાર્તા ‘(2) બેઠકની ચર્ચા -જયશ્રીબેન મર્ચન્ટ

સર્જક કે લેખકનું કામ એક ઈમારતના આર્કીટેક જેવું છે. એક સારી ઈમારત માટે એનો પ્લોટ, પ્લાન અને નકશો હોવો જેમ અત્યંત આવશ્યક છે તેમ એક સારી ટૂંકી વાર્તા માટે પણ પ્લોટ, પ્લાન અને નકશો હોવો અનિવાર્ય છે.

તો એક બીજો પ્રશ્નો એ થાય છે કે વાર્તાનો – એ ટૂંકી વાર્તા હોય, નવલિકા, લઘુ નવલકથા કે પછી સંપૂર્ણ સ્વરુપધારી નવલકથા હોય, – પ્લોટ, પ્લાન અને નકશો એટલે શું અને એ નક્કી કેમ કરાય? વાર્તાનો આવિર્ભાવ સહુ પ્રથમ તો અંતરમનની સચ્ચાઈમાંથી થાય છે અને એ ક્યો વિષય છે, સર્જક નક્કી કરે છે. આ વિષયનો ઉદ્ભવ ટૂંકી વાર્તાનો પ્લોટ છે. આ પ્લોટ નક્કી થાય પછી કપરું કામ છે સ્થળ, સમય અને પાત્રોનું ચયન, જે પ્લોટ્ને અનુકુળ હોય. આ છે ટૂંકી વાર્તાનો પ્લાન. આ પ્લાન જો precise – સુનિશ્ચિત અને પરિશુધ્ધ ન હોય તો પાત્રોનું લેખન દિશાહીન બની જાય છે. પન્નાલાલ પટેલ ની “કંકુ” વાર્તા ઉદાહરણ રુપે ટાંકુ છું. આખી વાર્તામાં કંકુનુ પાત્ર ક્યાંય પણ ભટકી નથી જતું. લેખક એના ભટકતા મનને જ્યારે આલેખે છે ત્યારે પણ વાર્તાતત્વનું સ્ખલન નથી થતું અને વાર્તા એના વિષયના પાટા પરથી ભટકી નથી જતી. આ તો જ શક્ય બને છે જો પ્લાનમાં યથાર્થતા હોય. વિષયનો ઉઘાડ ક્યા સથળ અને સમયમાં છે અને એ નક્કી થયા પછી એને અનુરુપ ભાષા તથા પાત્રોનું પાત્રાલેખન હોવું જોઈએ. અગર એ ન હોય તો વાર્તાનો flow – વહેળો સહજ નથી લાગતો. સહજતા ચૂકી ગયા તો પછી સશક્ત પાત્રો કે વિષય પણ વાચકના ભાવવિશ્વને ઝંકૃત કરી શકતા નથી. ઘણી વાર્તાઓનો પોત – પ્લોટ પાંખો હોય, પણ સહજતાનો વહેળો એટલી સચ્ચાઈથી વહેતો હોય છે કે વાંચનાર એમાં ગળાડૂબ ભીંજાય છે. આ જ છે સાચા સર્જકનો જાદુ. અહીં હું ગુલાબદાસ બ્રોકરની “ધૂમ્રસેર” વાર્તાનો ઉલ્લેખ કરીશ. આ વાર્તા હવે સહજતા અને પાંખા પોતને ધ્યાનમાં લઈ વાંચી જવાની હું નમ્ર વિનંતી કરીશ.

લેખકના હ્રદયમાંથી જ્યારે કોઈ ઘટના, કોઈ બીના સ્ફૂરે છે તો એ વિષયને કઈ રીતે આલેખશે એની સ્પષ્ટતા સહુ પ્રથમ હોવી જોઈએ. એના પછી પાત્રોનું ઘડતર અને પાત્રાલેખન માટેનું વસન વણાય છે. આ પાત્રો વાર્તાના વિષયની પૂર્તિ કઈ રીતે અને કઈ પૃષ્ઠભૂમિમાં કરશે એનું સતત ધ્યાન લેખકે રાખવું પડે છે. વાચકનો કથારસ આરંભથી અંત સુધી બની રહે એ માટે વિષયનું નાવિન્ય અથવા તો આલેખનમાં વૈવિધ્ય તો હોવું જોઈએ જ પણ વાતને વાતમાં ને વાતમાં રસની ક્ષતિ સિવાય સ્ફૂર્તિથી આગળ લઈ જવી એમાં જ સર્જકની સચ્ચાઈ, સહજતા તથા સક્ષમતાની કસોટી થાય છે. પાત્રો થકી વાત આગળ વધારવી અને જે કહેવું છે લેખકને એ કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના કહી જવું એમાં સર્જકની પરિપક્વતા પ્રગટ થાય છે. સારી ટૂંકી વાર્તાના આરંભ, મધ્ય અને અંત એક પાતળા પણ મજબૂત તાંતણે બંધાયેલા હોય છે. આરંભ એવી રીતે થવો જોઈએ જે વાંચનારના મનમાં આગળ શું થાય છે એ વિષે કુતુહલ અને જિજ્ઞાસા ઉત્પન કરે અને વાચક ઉત્સુકતાથી આગળ શું થાય છે એ વાંચવા આતુર બને. આ આતુરતાને વાર્તાના મધ્યમાં સબળ પાત્રો અને સુઘડ ચિત્રાંકનથી એક દેહમાં સર્જક ઢાળે છે. આ વાર્તાના દેહમાં વાર્તાના અંતની ચમત્કૃતિ પ્રાણપ્રતિષ્ઠા કરે છે જેના લીધે વાર્તા, ભાવક-વાચકના દિલો-દિમાગ પર અમીટ છાપ છોડી જાય છે. આ બધામાં એક સર્જક્ને સતત સતર્ક રહેવું પડે છે ટૂંકી વાર્તાના કદ વિષે જેથી કરીને વાર્તામાં જે કહેવાનું છે તે તાઝગી અને સાદગી સાથે કહી શકે.  આ આખી વાત ને અહી એક ઉદાહરણ રુપે રજુ કરીશ. મારે અમેરિકામાં નોકરી કરતી એક એવી ભારતીય સ્ત્રી- ઉષ્મા-ની વાત કરવી છે જે, ૭૦ અને ૮૦ ના દાયકામાં અમેરિકા આવે છે, ભારતમાં લગ્ન કરીને. અહીં આવીને સાંસ્કૃતિક આઘાત અને મનમાં ઉભરાતી ગડમથલ સાથે નોકરી કરતી આ નારી, ઉષ્મા, અહીં sexual harassment – જાતિય શોષણનો શિકાર બને છે અને અંતમાં મારે આ ઉષ્માને માનસિક અને સામાજિક અપઘાત અને આઘાતોમાંથી સદંતર મુક્ત – liberated- બતાવવી છે. તો હું, એક લેખક તરીકે કઈ રીતે આ વાર્તાને પ્રારંભ, એક સશક્ત મધ્ય દેહ અને પ્રાણવંત અંતથી જીવિત કરીશ? હું આરંભ કરીશ કે ઉષ્મા આખા દિવસના કામ પછી ઘરે આવે છે સાંજના અને ખૂબ જ હતાશા ને ક્રોધથી ગ્રસિત છે. ઉષ્માનો નોકરીનો આજનો દિવસ સારો નથી ગયો કારણ એના બોસે આજે એનું જાતિય શોષણ કરવાની કોશિશ કરી જેના લીધે એને પોતાના અસ્તિત્વ માટે ઘૃણા ઉપજે છે. હવે એક લેખક તરીકે મારે નક્કી કરવાનું છે કે મધ્યમાં વાર્તાના દેહને હું કેવી રીતે ઘડીશ જેથી વાર્તાનો અંત વાર્તામાં પ્રાણ પૂરનાર સંજીવનીનું કામ કરે? વાર્તાના મધ્યમાં, શું હું ઉષ્માને અતિ મહત્વાકાંક્ષી પણ મધ્યમ વર્ગની ર્નૈતિકતાના મૂલ્યોનો આદર કરનારી બતાવીશ કે પછી એના લગ્નજીવનમાં અસંતોષ બતાવીશ કે એને કામ કરવા બહાર જવું પડે છે અથવા તો એક સીધી, સાદી મધ્યમ વર્ગીય, કૌટુંબીક તથા સામાજિક જવાબદારીને નૈતિકતા પૂર્વક નિભાવનારી પત્ની તરીકે એના પાત્રને વિકસાવીશ? અંતમાં, શું ઉષ્મા એની મહત્વાકાંક્ષા પૂરી કરવા, ન ઈચ્છવા છતાં એના બોસની જાતિય શોષણની માંગણીને તાબે કઈ રીતે થાય છે અને છતાંયે એની આગળ વધવાની મહત્વાકાંક્ષા પૂરી ન થવાથી એ હતાશ થઈને, સ્વયં પોતાને બરબાદ કરે છે તો એનો અંજામ કઈ રીતે આવે છે કે પછી ખૂબ ગણત્રીપૂર્વક લગ્નજીવનના અસંતોષને પોતા પર હાવી થવા દઈને, બોસની માંગણીને આધીન થઈ પોતાના લગ્નજીવનમાં કઈ રીતે અને કેટલા સમજોતા કરે છે જે એના મનને સાવ ભાંગી નાખે છે? સર્જકે આ પૃષ્ઠભૂમિ નક્કી કરીને એના પાત્રોને ઘડવાના હોય છે. લેખકમાં કે સર્જકમાં પોતાના લખાણ કે સર્જનમાં, અંતરમનને આધીન થઈને સત્યને એના સદંતર નગ્ન સ્વરુપે રજુ કરવાની એક હિંમત અને સચ્ચાઈ હોવી જ જોઈએ, નહીં તો એ લખાણ કે સર્જન, વિષય કે પાત્રાલેખન ગમે તેટલું સારુ હોય પણ શાશ્વતતાની એરણ પર ખરું ઊતરતું નથી. વાર્તાનો લેખક તો ખરા અર્થમાં સર્જેનહાર જ નહીં પણ સૂત્રધારનું પાત્ર નેપથ્યમાં રહીને એને ભજવવાનું હોય છે. પાત્રો, વાર્તાનું પોત, વાર્તાનો વિકાસ અને વાર્તાનો અંત, આ બધી ક્રિયા-પ્રક્રિયાનું સંકલન એવી સિફત અને સહજતાથી કરી જાય કે વાર્તાનુ શિર્ષકથી માંડી, એનો અંત પણ સાર્થક લાગે, તો જ સુત્રધારનું કાર્ય સર્જકે સારી રીતે ભજવ્યું એમ કહી શકાય. વાર્તાનો મધ્યદેહ, વાર્તાના આરંભ અને અંત વચ્ચેનો “રામ-સેતુ” બનાવી શકે ત્યારે જ લેખક કે સર્જક, સાચા અર્થમાં સર્જનહાર બને છે.

​મિત્રો ભાગ -3 – આવતા હપ્તામાં

જયશ્રીબેન મર્ચન્ટ -કેલીફોર્નીયા –

‘વાર્તા રે વાર્તા ‘ (1)બેઠકની ચર્ચા -જયશ્રીબેન મર્ચન્ટ

મિત્રો “બેઠક” દ્વારા આયોજિત ટૂંકી વાર્તા સ્પર્ધા આ પહેલા પણ યોજવામાં આવી હતી જેમાં મનીષાબેન અને જયશ્રીબેન મર્ચન્ટે આપણી વાર્તા સ્પર્ધાના નિર્ણયો લીધા અને માર્ગદર્શન આપ્યું હતું અને ત્યાર બાદ આપણી પાઠશાળામાં પાનાઓ અને વિષયો ઉમેરતા ગયા તો ચાલો આજે ફરી જયશ્રીબેન મર્ચન્ટે આપેલા મુદ્દા યાદ કરી વાગોળીને મુદ્દાસર રીવાઈઝ કરી લઈએ..

એક સર્જક તરીકે, ટૂંકી વાર્તા લખતા થયેલી અનુભૂતિ અને ટેક્નીકની વાત કરીશ. અછાંદસ કવિતાગઝલ, ગીત, નાટક, નિબંધ, નવલકથા, નવલિકાટૂંકી વાર્તા બધા જુદા જુદા સાહિત્ય સર્જનના પ્રકારોમાં મને સૌથી વધુ કપરું ટૂંકી વાર્તા લખવાનુ લાગે છે.

એક સર્જકે, ટૂંકી વાર્તાના સર્જનની પ્રુષ્ઠભૂમિ અને એની મર્યાદાને ઝીણવટથી સમજી લેવી ખૂબ જરુરી છે. વાર્તાનું બેકડ્રોપપ્રુષ્ઠભૂમિના ઘોડા પર બેસાડીને ટૂંકી વાર્તાના પાત્રો આખી સફર ખેડે છે. સફરમાં આવતી મુસીબતો, હળવાશની ક્ષણો કે પછી નિરાશા, હતાશા, આશા અને સુખદુઃખને પાત્ર્રો ક્ષણે ક્ષણે જીવે છે અને વાર્તાનેઆગાજ થી અંજામ” – આરંભ થી અંત સુધી લઈ જાય છે. જે આરંભથી અંત સુધીની સફર સર્જકે સર્જેલા પાત્રો ખેડે છે એની સફળતાનો આધાર ચુસ્ત પાત્રાલેખન પર છે. વાર્તાના કિરદારો પોતાનું કામ, વાર્તા સક્ષમતાથી કહેવાનું તો નિભાવી શકશે જો કિરદારોને વિકસાવવામાં લેખકે સંવાદિતા જાળવી હોય. કોઈ સર્જકની વાર્તા કહેવાની ટેકનીકની સાચી પરીક્ષા પાત્રાલેખનમાં સંવાદિતા જાળવી છે કે નહીં એમાં અને એનું સફળ ચિત્રાંકન કર્યું છે કે નહીં એમાં હોય છે. આપને પ્રશ્ન થાય સ્વાભાવિક છે કે એક સર્જક કે લેખક સારું ચિત્રાંકન કરી શક્યો છે કે નહીં એની પરખ કેવી રીતે થાય? ટૂંકી વાર્તાના પાત્રો story elements – કથા તત્વને વફાદાર રહીને જ્યારે કથારસની ક્ષતિ થયા વિના, જે સમય કે કાળમાં કથા આકાર પામી હોય સ્થળ, સમય કે કાળને અનુરુપ રહીને, વાચકના ભાવવિશ્વને રસતરબોળ કરી જાય તો માનજો કે એક સુંદર વાર્તાનું કલેવર રચાયું છે. સમય કે કાળને અનુરુપ કથન એટલે હોવું જોઈએ જેથી વાર્તાના વહેણમાં સહજતા લાગે. કોઈ એક નવા સર્જકની વાર્તા હું વાંચતી હતી ત્યારે ગામડાની પ્રુષ્ઠભૂમિમાં કહેવાતી કથામાં વહેલી સવારનું વર્ણન કઈંક આ પ્રકારનું લખાયું હતું. ખૂબ જ સુંદરતાથી આલેખી હતી ઉગતી સવાર. “ઊગતા સૂરજને જોઈને એમ લાગતું હતું કે સાત ઘોડાના સોનેરી રથ પર બેસીને સૂરજ વરરાજા, શરમાતી, બલખાતી, નવોઢા સવારનો ઘુંઘટ ધીરેધીરે ઊઠાવી રહ્યા છે અને એના ગુલાબી ગાલો પરની લાલીથી આખુંયે આકાશ ગુલાબી ઝાંયભર્યું થઈ ગયું હતું.”  ખૂબ જ સરસ છે આ વર્ણન પણ હવે આ જ વાત પીતાંબર પટેલની “નવોઢા” – ટૂંકી વાર્તામાં આ રીતે આલેખાઈ છે. (આ વાર્તા પણ ગ્રામ્યજીવન પર જ આલેખિત છે) “પહો ફૂટું ફૂટું થઈ રહ્યું હતું.  રાતાચોળ સૂરજને લીધે, આભ, ગૌરીની રાતી ગાય જેવું રાતુંચોળ લાગતું હતું.” આ એક કે બે વાક્યમાં એક સારા કથાકાર કેટલી સહજતાથી સ્થળ, સમય કે કાળને અનુરુપ, ચિત્રાંકન કરીને કથાનો ઉઘાડ કરે છે, એ સમજણ લેખક માટે ખૂબ જ જરુરી છે જેથી કરીને વાર્તાની સહજતા જળવાઈ રહે. આ સમજણ કેળવવા માટે અઢળક અને મબલખ વાંચવું એ અનિવાર્ય છે.

​મિત્રો ભાગ બે  આવતા હપ્તામાં

જયશ્રીબેન મર્ચન્ટ -કેલીફોર્નીયા –