પાઠશાળા-3

મિત્રો ,

ગઈ બેઠકમાં દેવિકાબેન અને મહેશભાઈની ,ગઝલો સાંભળી ,ઘણાએ શીખવાની ઉત્સુકતા દાખવી ,મને પણ મહેશભાઈએ થોડું ઘણું શીખવાડી હિમત કરી આગળ વધવા કહું ,હૃદયમાંથી નીકળેલા શબ્દોને છંદમાં ગોઠવી સુંદર રજૂઆત થતી હોય તો શીખવું જ જોઈએ ,મારી જેમ હેમંતભાઈ એ પણ રસ લીધો ,એના જવાબમાં મહેશભાઈ વર્કશોપ ગોઠવવા તૈયાર છે જેમને રસ હોય તે જરૂરથી જણાવશો પરંતુ આજે એમની પાઠશાળા ની એક ઝલક જોઈએ।..

સીધો મુદ્દાની વાત પર આવું તો, પહેલી વાત તો એ કે ગઝલનાં કેટલાક પાયાના સિદ્ધાંતને જો જાણી લેવાય તો ગઝલ લખવા માટે તૈયાર થઇ શકાય. અને એ પાયાની વાત એ કે,
પહેલા છંદ નક્કી કરવો પડે અને એ માટે આપણે આવતી “બેઠક”માં મેં  એવું નક્કી કર્યું છે કે ખાસ ગઝલ લેખન માટે એક વર્કશોપ જેવું કરીએ જેમાં પાયાની માહિતિથી બધાને વાકેફ કરી અને એ આધારે ગઝલ લખતા કરીએ કારણ કે, ત્યાં જે સાહિત્યનાં શોખીન આવે છે એ બધા આપની જેમ લાગણીથી ભરપૂર અને સમજવા માટે પૂરેપૂરા સક્ષમ છે એટલે માત્ર થોડી જ જાણકારી મળશે તો ધાર્યું પરિણામ લાવી શકાશે જ એવું મને લાગે છે.

પણ એ પહેલા આપને સમજવામાં સહેલું પડે એટલે કેટલાક શબ્દોનો પરિચય કરાવી દઉં….
-ગઝલમાં બે પંક્તિનો એક શેર બને
– ગઝલ મોટાભાગે એકીસંખ્યામાં શેર લખાય છે ૫,૭,૯,૧૧ એમ… ઘણીવાર એ સંખ્યા વધારે પણ હોઇ શકે…(એવો ફરજીયાત કોઇ નિયમ નથી પણ મોટેભાગે એવું બને છે)

-ગઝલના પ્રથમ શેરને મત્લા કહે છે.

મત્લાની

પ્રથમ પંક્તિ ઉલા મિસરા

અને બીજી પંક્તિ સાની મિસરા …! 

જે લોકો ગઝલ શીખવા માગે છે એમના માટે ગઝલના પ્રથમ શેરને મત્લા કહેવાય
એટલું ય કાફી છે !

રદિફ એટલે પહેલી અને બીજી પંક્તિના છેલ્લે આવે અને એ બન્ને પંક્તિમાં રીપીટ કરવો ફરજીયાત છે.

કાફિયા એટલે પંક્તિમાં રદિફની પહેલા પ્રાસ મેળવવાનો હોય એ
મક્તા એટલે આખી ગઝલના અંતિમ શેરમાં ગઝલકારનું પોતાનું નામ કે ઉપનામ લખેલું હોય એ છેલ્લો શેર.પણ જો એવું કંઇ નામ-ઉપનામ લખ્યા વગરનો શેર હોય એને મક્તા ન કહેવાય પણ આકરી કે અંતિમ શેર કહી શકાય.

હવે છંદની વાત. આમ તો ગઝલના છંદોને લગતાં ઘણાં પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. મોટા ગજાનાં ગઝલકારોએ પોતાની રીતે લખીને કે સંપાદીત કરીને બજારમાં મૂકેલા છે.
શૂન્ય પાલનપુરી,અમૃત ઘાયલ થી લઈને રાજેશ વ્યાસ”મિસ્કિન” અને રઈશ મનીઆર સુધીના બધાએ છંદને લગતા પુસ્તકો લખ્યાં છે

પણ મને સરળ ભાષા અને સમજવામાં આસાન રહે એવા ઉદાહરણ સાથે રઈશભાઇનું પુસ્તક “છંદોવિધાન” વસાવવા જેવું લાગ્યું(આપના કોઇ સંબંધી કે મિત્ર અહીં આવતા હોય તો મંગાવી લેવા જેવું ખરૂં )
માત્ર ૩૦ કે ૪૦ રૂ. કિમત છે અને સાહિત્ય સંગમ – સુરતનું પ્રકાશન છે (આપને જરૂર જણાય તો એડ્રેસ મારી પાસેથી મેળવી શકાશે)

અરબી શાસ્ત્ર પ્રમાણે ,મૂળ તો ૩૦૦ ઉપર છંદ છે જેમાં કેટલાક મૂળ અને કેટલાક બનાવેલા છે પણ એમાંથી ગુજરાતી ગઝલમાં વપરાતા હોય એવા ૧૯  અને એ ૧૯ માં પણ વધારે અને લગભગ બધાએ અજમાવેલા ૧૪ છંદ વધુમાં વધુ ચલણમાં છે પછી તો પોતાની આવડત મુજબ એક કટકો એક છંદનો અને બીજો બીજા છંદનો કટકો લઈ ઘણાં  સાંધા જોડીને છંદ બનાવતા હોય છે.
આપણે એમાં ન પડતાં માત્ર મૂળ છંદને જ વળગી રહેવું ઉચિત ગણાશે.

હવે એક વાત આપને ખાસ જણાવવાની કે આપ સમય ફાળવીને મહેશભાઈ ની  વેબસાઇટ પર આવી, થોડી ગઝલો ધ્યાનથી વાંચો અને વિચારો…ત્યાં લગભગ સવા ત્રણસો જેટલી ગઝલો એમણે  પોસ્ટ કરી છે અને અલગ અલગ છંદમાં લખાયેલી છે.(http://drmahesh.rawal.us/?author=1) 

 

આવતી બેઠકમાં આટલું જાણ્યા પછી વર્કશોપ માટેના આપના વિચાર દર્શાવશો।

 

છંદ અને છંદમાં લખાય તો શું નિખાર આવે એ સમજવા બધાને મહેશભાઈ પ્રોત્સાહન આપી રહ્યા છે તો આપણે કેમ પાછા પડવું ?