નાતાલ પર્વને ઉમંગે વધાવીએ…..સંકલન- રમેશ પટેલ(આકાશદીપ).

cristmas

વિશ્વના બહુધા દેશોમાં , ઘર , વૃક્ષો ને શેરીઓ લાઈટ સિરિઝથી એક મહિનાથી, ડિસેમ્બરમાં ઝગમગી રહ્રા છે. ઘરમાં ચ્રીસ્ટમસ ટ્રી ને હવે ગીફ્ટનો , ઢગલો કરી સૌ ૨૫મીની રાહ જોઈ રહ્યા છે.આવો નાતાલ પર્વને ઉમંગે વધાવીએ….હિંસાનો માર્ગ છોડી કરૂણા ને પ્રેમને અંતરમાં ઉછાળીએ…જેની આજે તાતી જરૂર છે. 

ઈસુ મસીહાનો જન્મ સ્થળ એટલે જેરુસલેમનું જંગલ.  બાઈબલને આધારે કહીએ તો માતા મરિયમને એવો સંદેશ મળ્યો હતો કે તેમની કૂખેથી ઈશ્વરપુત્ર જન્મ લેશે. ફિલિસ્તાનમાં હિરોદ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે સમયે માતા મરિયમે ઈસુ મસીહાને આ ધરાએ જન્મ આપ્યો. બાળપણથી ઈસુને ધર્મ અને જ્ઞાનની વાતોમાં રસ હતો. તેઓ બાર વર્ષના હતા ત્યારથી જ સૌથી વધારે સમય ચર્ચમાં પસાર કરતા હતા અને તેમને ચર્ચનું આધ્યાત્મિક વાતાવરણ હંમેશાં પ્રભાવિત કરતું. ઈસુ જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે તેમની મુલાકાત એક મહાત્મા યૂહન્ના કે જેઓ જોનના નામે ઓળખાતા હતા તેમની સાથે થઈ. તેમનું પ્રવચન સાંભળ્યા બાદ ઈસુનું સમગ્ર જીવન બદલાઈ ગયું. જોનની દિવ્ય વાણીએ ઈસુને પણ માનવધર્મના સંરક્ષક તરીકે કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી. તેમણે જોન પાસેથી ગુરુદીક્ષા લીધી અને તે પણ ગુરુના દર્શાવેલા પથ પર ચાલી નીકળ્યા.

ત્રીસ વર્ષની ભરયુવાનીમાં તેમણે ગૃહત્યાગ કરી દીધો અને લોકોને નાતજાત, અમીર-ગરીબના ભેદભાવ ભુલાવીને પ્રેમ અને કરુણાનું હૃદયમાં નિર્માણ કરવાની પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે, પ્રેમ, કરુણા અને સૌહાર્દથી જ આ જગતમાં પ્રભુનું રાજ્ય સ્થપાશે.

ઈસુનો જીવનસંદેશ

પ્રભુ ઈસુએ પોતાના સ્વ મુખેથી આપેલા સુવર્ણ સંદેશાઓ આ પ્રમાણે છે.

  • સર્વને પ્રેમ કરો અને દયા રાખો.
  • ક્રોધ અને લોભ ન કરો.
  • વિષય વાસનામાં ન પડો.
  • અપરાધીને પણ ક્ષમા કરો.
  • પાપને ઘૃણા કરો, પાપીને નહીં.
  • જે સત્ય છે તેને પ્રગટ કરવામાં સંકોચ ન રાખો.
  • અન્યાય કે અત્યાચાર ન કરો.
  • ગરીબોની સેવા કરો
  • ઈશ્વરીય સત્તા પર વિશ્વાસ રાખો.

નાતાલની ઉજવણી

નાતાલ એટલે કે ક્રિસમસની ઉજવણી પ્રભુ ઈસુના જન્મના સ્મરણાર્થે ઉમગથી કરવામાં આવે છે. પરંપરાગત રીતે સૌ આજે, ૨૫ ડિસેમ્બરને ઈસુની જન્મજયંતી તરીકે મનાવે છે. નાતાલનૂં પર્વ , મનુષ્ય માત્રને ઈશ્વર સાથે જોડાવાની તક આપે છે. આપણે ઈશ્વરના પ્રેમને ઓળખીએ, તેમના પ્રેમથી સભર બનીએ ત્યારે, જાણે સમગ્ર દુનિયાને પણ આ પ્રેમસૂત્રમાં આપણે બાંધીએ છીએ. નાતાલનું પર્વ પ્રેમ અને આશાનું પર્વ છે. નાતાલના દિવસે ચર્ચમાં જઈને ખ્રિસ્તિ લોકો પ્રાર્થના કરે છે. ચર્ચ તથા અન્ય જગ્યાઓ પર ઈસુ મસીહાના જન્મ સમયની આબેહૂબ ઝાંખી તૈયાર કરવામાં આવે છે. લોકો ઘરે પવિત્ર ક્રિસમસ ટ્રી લાવીને તેને લાઇટિંગ સહિત અન્ય શણગારની વસ્તુઓથી સજાવે છે. લોકો એકબીજાને ભેટ આપે છે અને ‘મેરી ક્રિસમસ’ કહીને આનંદ વ્યક્ત કરે છે. બાળકો કેક, પેસ્ટ્રી, કૂકીઝ અને મીઠાઈ ખાઈને મજા કરે છે. ઘણી જગ્યાએ સાંતાક્લોઝ આવીને બાળકોને વિવિધ ગિફ્ટ આપે છે.

પર્વ વિશેષ : કેરોલિના મેકવાન….આભાર સંદેશ ન્યુઝ પેપર.

………………………………………………………………………..

સંત ફ્રાન્સિસ અસિસીની શાંતિ પ્રાર્થના….

હે ભગવાન!

તવ શાન્તિનું ઝરણ બનું હું

એવું દે વરદાન! એવું દે વરદાન!

વેરઝેર ત્યાં તારો પ્રેમ વહાવું,

અન્યાય જોઈ તારો ન્યાય પ્રસારું,

કુશંકાઓ શ્રધ્ધાદીપથી બાળું,

હોય હતાશા ત્યાં આશા પ્રગટાવું,

એવું દે વરદાન!

અન્ય પાસથી દિલાશો છો નવ મળતો,

તો પણ સહુને રહું દિલાસો ધરતો,

ભલે ન કોઈ ચાહે-સમજે મુજને,

મથું સમજવા-ચાહવા હું તો સહુ ને,

એવું દે વરદાન!

આપી આપીને બેવડ થાય કમાણી,

ક્ષમા આપતાં મળે ક્ષમાની લહાણી,

મૃત્યુમાં મળે અમર જીવનનું વરદાન,

પ્રભુજી, એનું રહેજો અમને ધ્યાન,

એવું દે વરદાન! એવું દે વરદાન!

(પ્રાર્થનાનો અનુવાદ-શ્રી યોસેફ મેકવાન)

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)..ગુજરાત ટાઈમ્સ-ફાધર વર્ગીસ પોલનો લેખ.