૨૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં

“પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં”, આ કહેવત કવિ શ્રી દલપતરામની જાણીતી  ઉક્તિ, “મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત., પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.” ઉપરથી બની છે. પટોળામાં જે ભાત હોય છે એ તાણાવાણાથી બને છે. એ ભાત ઉપરછલ્લી કે છાપેલી નથી હોતી. એટલે પોત ફાટ્યા વગર મીટે નહીં.

આ કહેવતને માણસના સ્વભાવ સાથે સંબંધ છે. માણસનો સ્વભાવ, તેનામાં રહેલાં ગુણો જન્મજાત હોય છે. તેના અસ્તિત્વનો ભાગ હોય છે. ખાનદાની ગુણો મર્યા પછી જ જાય બાકી પરાણે વિકસાવેલા અને કુદરતી ન હોય એવા ગુણો કસોટીના સમયે પરખાઈ જ જાય. વાલ્મિકી રામાયણના અયોધ્યાકાંડમાં કહ્યું છે, “લીમડામાંથી મધ ટપકતું નથી.આ સત્ય છે કારણકે લીમડાનો ગુણધર્મ કડવાશ છે. એમાંથી મધની આશા રાખવી વ્યર્થ છે. હરિવંશપુરાણમાં કહ્યું છે, “સ્વભાવથી જ બધાની ઉત્પત્તિ થાય છે, સ્વભાવથી જ પરમાત્મા પૂર્વોકતરૂપમાં પ્રગટ થયા છે. સ્વભાવથી જ અહંકાર તથા આખું જગત પ્રગટ થયું છે.

આ કહેવત માટે એક વાર્તા છે. એક રાજા ખૂબ જ ચિંતિત રહેતાં હતાં. રાણીની તબિયત દિન-પ્રતિદિન લથડતી જતી હતી. સારામાં સારો ખોરાક તેમને મળતો, તેમનો પડ્યો બોલ ઝીલવા દાસીઓ તૈયાર રહેતી. દેશ દેશાવરથી સારામાં સારા વૈદ્યો, નિષ્ણાતો બધાંજ પ્રયત્નો કરી ચૂક્યાં પણ સફળતા ન મળી. છેવટે એક સંતનો ભેટો થયો. તેમણે પ્રયત્ન કરવાની તૈયારી બતાવી પણ શરત મૂકી કે તેમનાં બધાંજ પ્રશ્નોનો રાજાએ સાચો ઉત્તર આપવો. રાજા સહમત થયાં. પ્રશ્નો પૂછતાં સંતને જાણવા મળ્યું કે રાણી લગ્ન પહેલાં એક ભિખારણ હતી પરંતુ તેના કામણગારા રૂપથી મોહિત થઇને રાજાએ લગ્ન કર્યાં હતાં. સંતને જવાબ મળી ગયો. તેમણે રાજાને યુક્તિ બતાવી. રાજમહેલની દીવાલોમાં ગોખલા બનાવડાવ્યાં. હવે ખાવાનું રાણીને પીરસવાને બદલે ગોખલામાં મૂકાતું. તેઓ “આપો બા” કહીને ભીખ માંગતા અને ખાતા. ધીરે-ધીરે તબિયત સુધરી અને તેઓ તંદુરસ્ત બની ગયા. કેટલી સૂચક વાર્તા?

૨૧મી સદીમાં દરેક બાબતનું નવું અર્થઘટન જરૂરી બને છે. જડ નિયમોને તોડવા સારા. કહેવાતી જૂની ભાતો બદલીને પોતાના પોતને નવી ભાતોથી શણગારવું જરૂરી છે. પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ. નાના સંતાનો ઉપર સંસ્કાર કે કુસંસ્કાર, સુટેવ કે કુટેવ, આપણા દ્વારા તેમને આપવામાં આવે છે તે મોટી ઉંમરે પણ તેવી જ રીતે અકબંધ જળવાઈ રહે છે. સંતાનોને લાડકોડ, સ્નેહ આપવો તે મા-બાપની પ્રથમ અને અનિવાર્ય ફરજ છે. પણ લાગણીના અતિરેકમાં તેમના ભાવિને નુકસાન થાય તેવા લાડ-પ્યાર પરિવાર માટે હાનિકારક બને છે. પાકટ ઉંમરે કોઈ જ સંસ્કાર, સુટેવ શીખવાડી શકાતા નથી. પાણી વહી ગયા પછી પાળ ના બંધાય, આગ લાગે પછી કૂવો ના ખોદાય. માટે સમયસરની સાવધાની સારી. બાળકો જે માંગે તે નહીં પણ જે આપવા યોગ્ય સંસ્કાર છે તે અચૂક આપવા.

આજે દંપતી વચ્ચે થતાં છૂટાછેડાના પ્રશ્નના મૂળમાં આ કહેવત રહેલી છે. છૂટાછેડા એટલે આર્થિક, માનસિક અને સામાજીક ઉપાધિ વ્હોરી લેવાનો રસ્તો. આજનો યુવાવર્ગ પોતાની ભાત બદલવા તૈયાર નથી માટે તેમના સંતાન માટે છૂટાછેડા સૌથી વધુ પીડાદાયક બને છે. માતા-પિતાનો વિખૂટા પડવાનો નિર્ણય સંતાન માટે ભારે માનસિક સંતાપ લઈને આવતો હોય છે. ઘણી વખત આ નિર્ણયની નકારાત્મક અસર એના તન-મનને કોરી ખાતી હોય છે.

વિચારો અને પસંદગીની બાબતમાં વૃદ્ધે વૃદ્ધે ભિન્નતા જોવા મળે છે. આ કહેવત સૂચવે છે, પ્રાણ અને પ્રકૃતિ એકસાથે જાય છે . વડીલોમાં સ્વભાવગત વળગેલા દુષણોને કારણે આજની પેઢી સાથે સતત ઘર્ષણ રહેતું હોય છે. તે સ્વભાવ છોડવો જ રહ્યો. વૃદ્ધ લોકો પોતાની માન્યતા અને સંસ્કારને, “પડી પટોળે ભાત”ની જેમ વળગી ને રાખે છે ત્યારે તેમના ગયા પછી પરિવારનો વડલો ગયો અને છાંયડો ગયોતેમ બોલવાને બદલે “ઝાડ ગયું અને જગ્યા થઇ” એવું કહેનાર લોકો વધુ હોય છે. માટે પોત ફાટે તે પહેલાં ભાત બદલવી હિતાવહ છે.

સમય પ્રમાણે જીવનના દરેક પડાવ પર સમજમાં પરિવર્તન જરૂરી છે. બદલાતા સમય પ્રમાણે પોત ફાટે ત્યાં સુધી ભાતને અકબંધ રાખવાની જરૂર નથી. હા, બાકી નવી વહુનો પાટણના પટોળા માટે ગાયેલો ગરબો સહુને ગમશે, “છેલાજી રે! મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો!”