૪૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પચે તો જ બચે

પચે તો જ બચે. પછી એ જ્ઞાન હોય, અન્ન હોય, ધન હોય કે પ્રેમ! આ વાત જ્ઞાનીઓ કહી ગયાં છે, જે દરેક વ્યક્તિના જીવન માટે લાગુ પડે છે.

હમણાં સાઇરામ દવેના ડાયરામાં તેમણે કહ્યું, “આપણા કરતાં વધારે હોશિયાર, કાંકરિયાની પાળે બેઠેલાં જોવા મળશે. આ તો આપણા પર ઈશ્વરની કૃપા છે એટલે આ પદ, પ્રતિષ્ઠા મળે છે.” કેટલી સાચી વાત છે? “ઇદમ્ ન મમ”નો ભાવ રાખનાર વ્યક્તિએ જ્ઞાન, પદ-પ્રતિષ્ઠાને, હુંપણાને પચાવ્યું કહેવાય. એ જ તેના જીવનની મૂડી હોય છે. માન અપમાનને પણ પચાવતાં આવડવું જોઈએ. આ માટે સમાધિ દશામાં સ્થિત રહેતાં શીખવું જોઈએ, તેવું સંતો કહી ગયાં છે. દાદા ભગવાન કહે છે કે જ્યારે દુનિયાની અન્ય વ્યક્તિએ કરેલું માન કે અપમાન તમને અસર ના કરે ત્યારે સમજવું કે આપણે જ્ઞાનને પચાવી જાણ્યું છે. અપમાન પચાવવું અઘરું છે તેમ માનને પચાવવું પણ અઘરું છે. એમાં માન, પદ-પ્રતિષ્ઠા, હોદ્દો, અહંકારને આમંત્રણ આપે છે અને અહમ્‍ને પોષે છે, જે વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિમાં દિવાલ ઊભી કરે છે. તેના આત્માથી તેને દૂર લઈ જાય છે. પરિણામે કંઈ બચતું નથી અને એ પતનનું કારણ બને છે. કોઝ અને ઈફેક્ટ એક સિક્કાની બે બાજુ છે. તેના માટે કોઈ નિમિત્ત બને છે. માટે માન કે અપમાનનું પરિણામ ભોગવી, પચાવીને જીવનમાં આગળ વધવાનું છે. ત્યાં અટકીને બીજા કોઝ ઉભા કરવાનાં નહીં. કડવાશને પણ મીઠાશથી પચાવતાં આવડવું જોઈએ.

પ્રતિષ્ઠાનો પણ નશો હોય છે. કોઇપણ વ્યસનનો નશો ઉતારવો સહેલો હોય છે પણ માન-પ્રતિષ્ઠાનો નશો ઉતારવા તેને પચાવવી જરૂરી બને છે. ઇદમ્ ન મમ કહીને તેને કૃષ્ણાર્પણ કરવું જ રહ્યું. એક સરસ વાત એક મિત્રે વોટ્સઅપ પર મોકલી, “ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો, તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યાં છે!”

અન્નનાં પચવા માટે એમ કહેવાય છે કે, ના પચે તો ચૂર્ણ કે હવાબાણ હરડે લેવાય છે. અપચો થયો હોય ત્યારે નહીં પચેલો ખોરાક ઝાડા-ઊલટી દ્વારા બહાર ફેંકાય છે. પાચન થયેલો ખોરાક જ બચે છે. જેનાથી શરીરનું બંધારણ થાય છે. મન અને શરીરને સીધો સંબંધ છે, માટે તંદુરસ્ત શરીર માટે મનની તંદુરસ્તી હોવી જરૂરી છે. દ્વેષીલું, અસંતુષ્ટ કે ચિંતિત મન અન્નનું પાચન વ્યવસ્થિત નથી થવા દેતું. જેથી શરીરને યોગ્ય પોષણ મળતું નથી અને શરીર રોગોનું ઘર બને છે. અન્ન પચે તો જ શરીરને પોષણ મળે અને તંદુરસ્ત રહેવાય.

ધનને ગર્ભશ્રીમંત વ્યક્તિ જ પચાવી શકે, આ વાત વ્યક્તિની વાણી, રહેણીકરણીમાં દેખાઈ આવે છે. વ્યક્તિના ધનનો અપચો દેખાયા વગર રહેતો નથી. લક્ષ્મીને ધારણ કરવાં વિષ્ણુ જેવાં ગુણ કેળવવાં પડે. રાતોરાત કરોડપતિ બનનારને રોડપતિ થતાં વાર નથી લાગતી. લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. જે રીતે આવી હોય તે રીતે ચાલી જાય છે. તેને યોગ્ય રીતે વાપરીને, વહેંચીને, તેનો સદ્‍માર્ગે ઉપયોગ કરવાથી લક્ષ્મી પ્રસન્ન રહે છે અને તેની કૃપાનું ફળ મળે છે.

પ્રેમની ભૂખ માનવમાત્રને મરણપર્યંત રહેતી હોય છે. વિશ્વનું સૌથી મોટામાં મોટું ટોનિક પ્રેમ છે. જેને સતત પ્રેમ મળતો રહે છે તે ક્યારેય વૃદ્ધ થતો નથી. પ્રેમ મળે તો વ્યક્તિ સૂકો રોટલો ખાઈને પણ સુખપૂર્વક જીવન જીવી શકે છે. પણ બત્રીસ પકવાન વચ્ચે પણ પ્રેમ ના મળે તે વ્યક્તિ મુરઝાઈ જાય છે. પ્રેમ વગર જીવનમાં વેક્યુમ ઊભું થાય છે. પણ અતિશય પ્રેમ પચાવવો અઘરો છે. પ્રેમનો અતિરેક ક્યારેક બંધન પણ બની જાય છે. જે માણસને ગૂંગળાવે છે. જે પ્રેમને પચાવે છે તે જીવન જીવી જાણે છે.

સુખને પચાવવું અઘરું છે. દુઃખને પચાવવા માણસને આધ્યાત્મિકતા તરફ વળવું પડે છે. દુઃખના ઘૂંટડા ગળવા વ્યક્તિએ શિવત્વ ધારણ કરવું પડે છે. જેને કારણે તે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જળકમળવત્ રહીને સંસારસુખ માણી શકે છે. આ તમામ જ્ઞાન માટે ખુદને જાણવું જરૂરી બને છે, કે “હું કોણ છું?” આ તમામ જ્ઞાન ત્યારે જ પચે જ્યારે વિદ્યા સાથે વિનય અને વિવેક હોય. જ્ઞાન ભંડાર છે અને વિવેક તેની ચાવી છે. જ્ઞાન પચે નહીં તો ગર્વનું રૂપ લે છે. પરિણામે પતન નિશ્ચિત બને છે .આત્મજ્ઞાન વગર આ તમામ ચીજોનું પચવું મુશ્કેલ હોય છે કારણ કે “પચે તો જ બચે.”