મનની મોસમમાં ભાષાની સુગંધ રેલાવતા નીલમબેન દોશી

કેટલાક વખત થી ગુજરાતી સાહિત્યનો ચહેરો બદલાઈ રહેલો જોઈ રહી છું.ઉત્તમ પ્રકારના પુસ્તકો બીજી ભાષાના લોકો વાંચે તેના જેવો બીજો આંનદ શું હોય શકે ,માત્ર પુસ્તકો જ નથી પ્રગટ કરવાના સાથે બોહળો વાચક વર્ગ ઉભો કરવાની વાત અને આંનદ છે,અહીં હું હું નીલમબેન સાથે ડો.રંજન શાહ ને પણ આભારની લાગણી વ્યક્ત કરતા યશ આપીશ કે તમે ગુજરાતી પુસ્તકપ્રસાર અને પ્રચારના હેતુને સાર્થક કર્યો છે. સાહિત્યમા અનુવાદનું કામ સમગ્ર ચૈતન્યને ઉજાળવાનું છે આંનદ આપવાનું છે શબ્દોમાં સોંસરવા તીરની ગતિ હોય છે મેં ટાગોરના અનેક અનુવાદ વાંચ્યા છે, ત્યારે વિચાર આવતો કે ગુજરાતીભાષામાં રચાયેલ સાહિત્યને અનેક ભાષામાં મૂકીએ તો …ગુજરાતી ભાષાના કેમ ખુબ ઓછા અનુવાદ થયા છે,હા આજે નિલમબેન દોશીનું એક પુસ્તક મરાઠી ભાષામાં આવ્યું ત્યારે ખુબ આંનદ થયો. નીલમબેન પ્રત્યેક નવા વળાંક આંતરજીવનને સભર અને સમૃદ્ધ કરતા હોય છે.અને હું  મારી જાતને ન રોકી શકી….

નિલમબેનનો  પરિચય સૌ પ્રથમવાર યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના કવિ સંમેલનમાં ૫મિ માર્ચ ૨૦૧૬મા થયો.બંને એક સાથે એરપોર્ટ ઉતર્યા,વહાલ થી ભેટ્યા અને સંવેદના અનુભવી, હકારાત્મ વિચારો નો ખજાનો,કૈક જુદું કરવું ,લખવું ,મનને ગમે તે જ લખવું ,મનની મોસમને માણતી લેખિકા, બધા કવિતા રજુ કરવાના હતા ત્યારે નીલમબેન વાર્તા, થોડું જુદું લાગે, ડર પણ લાગે,એક પછી એક સુંદર રજૂઆત પછી એમનો વારો આવ્યો,શરુઆતમાં જ કહી દીધું હું બધા કરતા જુદું બોલવાની છું,હું કવિતા નહિ મારા સૂંડલામાં વાર્તા લાવી છું.થોડું લાબું લાગશે પણ સાંભળજો,પણ એમની રજૂઆત શરુ થઇ અને અંત આવ્યો ત્યારે પ્રેક્ષક અવાચક હતું ,બસ આટલું જ… જેવું લખાણ ,તેવીજ સુંદર રજૂઆત તીરની જેમ સોંસરવી ઉતરી જાય તેવી વાર્તા,કેટલાક લેખકોના શબ્દો એટલા સરળ હોય કે આપણે આજુબાજુ રોજ સાંભળતા હોય તેવું લાગે છે.એમની  વાર્તા ક્યારે શરુ થઇ અને પુરી થઇ ખબર ન પડી. અમારા  ધબકારા અમને  સંભળાવ્યા ત્યારે અમારી લાગણીઓ ઝણહણી, નીલમબેને દીકરીના ખોળાભરવાની વાતને લગતી વાર્તા પીરસી ને વાર્તાને અવસરમાં  ફેરવી નાખી.એમના શબ્દોએ અમારા તારમાં ઝંકાર પ્રગટ કર્યા ત્યારે તાળીઓની જગ્યાએ આંખો છલકાણી…આંખમાં ઝળહળીયા સાથે “વાહ” શબ્દ ગુંજ્યો,.કશુંક નવું અને જુદું લખવું એમની આવડત છે.તમે બધા એના પુસ્તક તો વાંચશો જ પણ હવે મરાઠી પ્રજા પણ ગુજરાતી સંવેદનાને માણશે….

પ્રત્યેક મોસમનું એક સૌંદર્ય હોય છે એમ દરેક ભાષા ની એક સુગંધ હોય છે.બસ એને માણતા આવડવું જોઈએ,એને તો મનની મોસમ કહેવાય.ડો.રંજન શાહએ મોસમને અને એની સુગંધને માણી માટે જ પોતાની ભાષાની અત્તરની ની બાટલીમાં મૂકી દીધી છે.નીલમબેન સાથે રંજનબેનને પણ  “બેઠક” અને સમગ્ર લેખક અને વાચક તરફથી ખોબો ભરીને અભિનંદન આપું છું.”બેઠક”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાએ આપને ખુબ ખુબ આશીર્વાદ આપ્યા છે.

બેઠકના:આયોજક -પ્રજ્ઞા દાદભાવાળાના વંદન

 

Image may contain: 1 person, smiling, indoor

નીલમબેન દોશી 

એક ઝલક 

દીકરી મારી દોસ્ત…. (પત્રસ્વરૂપે )

બેટા ઝીલ,

સગાઇ પછી પહેલીવાર કાલે સાસરેથી છલકતી અને મલકતી તું શુભમ સાથે મને મળવા આવી ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ચર્ય અને હરખથી છલકાઇ ગઈ. આમ તો દેખીતું કોઈ પરિવર્તન તારામાં નહોતું આવ્યું અને છતાં…. છતાં તારું એક મનગમતું અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી. સુરેશ દલાલની આ પંક્તિ મારા મનમાં રમી રહી :

પંખી ટહુકા મૂકી ને ઝાડ છોડી ગયું,

એના ગમતા આકાશ પાસે દોડી ગયું.

યૌવનના ઉંબરે પગ મૂકતી છોકરીના તન, મનમાં ઉઠતાં આવેગોથી દરેક મા પરિચિત હોય જ છે. કેમકે એ અવસ્થામાંથી તે પોતે પણ પસાર થયેલ છે. અને છતાં, ઘણીવાર મા દીકરી વચ્ચે આ પ્રશ્ને ચકમક કે તણખા ઝરતા રહે છે. એનાં કારણો જોકે ઘણાં હોઇ શકે અને બધા માટે એ કારણો અલગ અલગ જ હોય. એટલે એ માટે કોઈ સર્વસામાન્ય નિયમ બાંધી ન શકાય પણ લગભગ દરેક મા થોડી ઘણી રોકટોક કરતી રહે છે. દીકરી રાત્રે મોડી આવે ત્યારે ચિંતા કરતી રહે છે અને એ ચિંતા શબ્દોમાં વ્યકત થાય છે ત્યારે દીકરીને મા જુનવાણી લાગે છે. ‘એમાં શું ?’ આ દીકરીનો સર્વસામાન્ય જવાબ હોય છે. જે માને સ્વીકાર્ય નથી હોતો.

યાદ છે, આપણી સામે રહેતા અંજુ આન્ટીની પુત્રી, દિશાની સગાઇ થઈ અને ગામમાં જ સાસરું હોવાથી રોજ બંને ફરવા જતા. રાત્રે મોડું થતું ત્યારે આન્ટી કેવા ગુસ્સે થતા. પુત્રીને મા નો ગુસ્સો સમજાતો નહીં… અને મા દીકરી વચ્ચે રોજ એ પ્રશ્ને ચકમક ઝરતી રહેતી. અંજુ આન્ટીના એક સગાની પુત્રીની સગાઈ આવા જ કોઇ સંજોગોને લીધે તૂટી ગઇ હતી. તેથી આન્ટી ડરતા હતા. જોકે પાંચેય આંગળીઓ સરખી ન હોય. બધાની સાથે કંઈ આવું નથી થતું…છતાં દીકરીની મા ની ચિંતા અવગણી શકાય તેમ પણ નથી જ. અત્યારે સમાજમાં બનતા બનાવોથી દરેક માના મનમાં એક અજાણ્યો ડર રહે જ છે. ખેર…! અત્યારે આ વાત અચાનક મનમાં ઊગી આવી. બાકી પાંખ આવે ને પંખી માળામાંથી ઊડી જાય એમ દીકરી પણ સમય આવે અને પોતાના આગવા આકાશમાં ઊડી જાય. દીકરીના મા બાપે જીવનનું આ પરમ સત્ય સ્વીકારવું જ રહ્યું અને ફકત દીકરી જ નહીં….દીકરા માટે પણ આ એટલું જ સત્ય છે. પાંખો આવે ને ઉડ્ડયન શરૂ થાય એ તો કુદરતનો ક્રમ છે. એનો અફસોસ શા માટે ? એક ધરામાં પ્રગટી, બીજી ધરામાં ધરબાવું એ દરેક પુત્રીની આગવી વિશિષ્ટતા છે. હું એને મજબૂરી નહીં કહું. સદીઓથી ચાલ્યો આવતો એ ક્રમ છે.

આજે તારી પણ આગવી દુનિયાની શરૂઆત થઈ છે. એને હોશે હોંશે મૌન બની હું નીરખી રહું છું….વધાવી રહું છું. અને મારા અંતરમાંથી અજાણતા જ તમારા બંને માટે આશિષો વરસી રહી છે. તારી ક્ષિતિજો વિસ્તરતી રહે, અનંત આકાશમાં તું તારા સાથી સાથે ઉડાન ભરતી રહે એથી વિશેષ ખુશી એક મા માટે બીજી કઈ હોઈ શકે ? આજે સ્કૂલમાં કવિ વિઠ્ઠલરાય આવસત્થીનું ‘મીઠી’ કાવ્ય ભણાવતા ભણાવતા અનાયાસે મારી આંખો છલકી રહે એ સ્વાભાવિક જ છે ને ? તારું એ માનીતું કાવ્ય….! જે નાનપણથી આજ સુધી તું સંભળાવવાની ફરમાઇશ મને કરતી આવી છો અને હું ગાતી આવી છું.

ડુંગર કેરી ખીણ માં ગાંભુ નામે ગામ,

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ

આપણી કેટકેટલી સ્મૃતિઓ આ કાવ્ય સાથે સંકળાયેલી છે. તું નાની હતી ત્યારે આ કાવ્ય હું તને સૂવડાવતી વખતે અચૂક ગાતી. કેમકે મને યે એ બહુ પ્રિય છે અને ન જાણે કેમ પણ એ કાવ્ય તારી ઊંઘ સાથે અજબ રીતે સંકળાઈ ગયું. તને ઘોડિયામાં હિંચોળતી હું કેટલાંયે કાવ્યો લલકારતી રહેતી. ગાતા ભલે ને સારું નહોતું આવડતું પણ છતાં હું સતત ગાતી રહેતી અને તું જાણે હું લતા મંગેશકર હોઉં તેમ સાંભળતી રહેતી. કેટલાંયે જોડકણાં, હાલરડાં અને કાવ્યોની અખૂટ ધારા વહેતી રહેતી. તું કંઈ ન સમજતી અને છતાં મને થતું કે તું બધું સમજે છે ! ઘોડિયામાં સૂતાં સૂતાં તું સૂવાનો ડોળ કરી લુચ્ચું હસતી ત્યારે મને યશોદામા અચૂક યાદ આવતા અને સાથે યાદ આવતી આ પંક્તિ :

પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;

મૃદુ,મલિન મ્હોંમાં, બ્રહ્માંડો અનેક અવલોકતી.

શિશુની આંખમાં બ્રહ્માંડ જોવા, અનુભવવા માટે એક માની દ્રષ્ટિ જોઈએ. તારી આંખો બંધ થાય એટલે તું સૂઇ ગઈ માની હું ગાવાનું બંધ કરતી અને બીજી જ મિનિટે તું ઘોડિયામાં બેઠી થઈ ખોયાની બંને સાઇડ પકડીને ટગર ટગર મારી સામે જોઈ ડિમાન્ડ કરતી હોય તેમ જોઈ રહેતી અને બે મિનિટ રાહ જોઈને જો હું મારો લલકાર શરૂ ન કરું તો તું તારી ભાષામાં કહેતી. અર્થાત્ રડવાનું ચાલુ કરી દેતી. ને હું ગમે તેટલી થાકી ગઈ હોઉં તોયે મારું ગાવાનું ચાલુ થઇ જાય ! અને તું સંતોષ પામી….. ‘હં હવે બરાબર’નું સ્મિત કરી ધીમેથી સાચવીને પાછી ઘોડિયામાં લંબાવી દેતી….! એ પછી થોડું બોલતા શીખી ત્યારે તો ઊંઘ આવે ત્યારે અચૂક ‘મીઠી’ એટલું બોલતી અને મારે સમજી જવાનું કે તને ઉંઘ આવે છે એટલે મારે હવે એ કાવ્ય ગાવાનું છે….! આ વાત તો તું આજેય યાદ કરે જ છે ને ? આજેય હોસ્ટેલમાંથી ફોન પર પણ તેં કેટલીયેવાર રાત્રે મારી પાસે ‘મમ્મી, મીઠી ગાને. આજે ઊંઘ નથી આવતી…’ કહીને ગવડાવ્યું છે. પપ્પા ફોનનું બિલ ભરતા રહેતા અને આપણે મા દીકરી ‘મીઠી’ ગાતા રહેતા.મને ડર છે કે પછી ખાતરી છે કે લગ્ન કરીને તું અમેરિકા જઈશ ત્યારેય કયારેક અચાનક તારી ફરમાઇશ આવશે જ કે ‘મમ્મી, મીઠી ગાને….’ અને શુભમ બિલ ભરતો રહેશે…!

માઇલોના માઇલોનું અંતર ખરી પડે.

જયાં અંતરનો સેતુ નિરંતર.

અને ત્યારે આપણી વચ્ચેનું માઈલોનું અંતર પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડશે અને ફરી એકવાર આપણું મા-દીકરીનું આગવું ભાવવિશ્વ રચાઈ જશે….સાત સાગરની પાર… કેવી કેવી કલ્પનાઓ મન કર્યા કરે છે, નહીં ? હાલરડાં…કદાચ આપણી સંસ્કૃતિનું આગવું પ્રતીક છે. બાળ શિવાજીને હાલરડા સુણાવી ભવિષ્ય માટે તૈયાર કરતી માતા જીજાબાઇનું સ્મરણ આજે સહેજે થઈ આવે છે.

આભમાં ઊગ્યો ચાંદલોને જીજીબાઇને આવ્યો બાળ,

બાળુડાને માતા હિંચોળે, ધણણણ ડુંગરા બોલે,

શિવાજીને નીંદરુ ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે

આ ભાવવાહી હાલરડું ઈતિહાસમાં એક સ્થાન બનાવી ચૂક્યું છે. બાળ શિવાજીને ગર્ભમાંથી જ સંસ્કાર આપતી, આવનાર ભવિષ્ય માટે તૈયાર કરતી, માતા જીજાબાઈનું નામ ઇતિહાસકારો આદરપૂર્વક લે છે. આજે વિજ્ઞાન પણ કહે છે બાળકના સંસ્કાર…. તેની શીખવાની શરૂઆત માતાના ગર્ભમાંથી શરૂ થઈ જાય છે. (હવે તો ઘણી જગ્યાએ સગર્ભા સ્ત્રીને આ માટે રીતસરની ટ્રેનીંગ આપવામાં આવે છે. કેમકે માતાના વિચારોની અસર બાળક પર ગર્ભમાંથી પડે છે એ સાબિત થઈ ચૂકયું છે.) મહાભારતમાં બાળક અભિમન્યુ માતાના ગર્ભમાં હતો ત્યારે જ ચક્રવ્યુહના છ કોઠા શીખીને જન્મેલ…. તે વાતથી આપણે કોઈ અજાણ નથી જ. એટલે હાલરડાં સાંભળતું બાળક કંઈ નથી સમજતું એમ કેમ કહી શકાય ? હા, બની શકે કે પછી ભવિષ્યમાં એને એ મુજબના ખાતર, પાણી અર્થાત્ વાતાવરણ ન મળે તો એ બધું વિસરાઈ જાય. માતાના અવાજને બાળક ચોક્કસ ઓળખે જ છે. એ અવાજ કદાચ એના અજ્ઞાત મનમાં સુરક્ષાની ભાવના ઉત્પન્ન કરે છે. એ અવાજ માતા પોતાની આસપાસ છે એનો અહેસાસ બાળકને કરાવે છે. એટલે જ બાળક સમજતું હોય કે નહીં પણ એને ગીત, સંગીત ગમે છે. સંગીતની અસર વૃક્ષ પર પણ થતી હોય તો ચૈતન્યથી ભરપૂર, પરમના અંશ સમાન બાળક પર કેમ ન થાય ? માતાના કંઠે ગવાતા હાલરડામાં છલકતો ઉત્સાહ બાળક ચોક્કસપણે અનુભવી શકે છે. શિશુને પોઢાડતી દરેક માએ કંઈક ગાયું કે ગણગણ્યું જ હશે. હાલરડાના એ શબ્દો માના અંતરના ઊંડાણમાંથી પ્રગટ થાય છે. એ સામાન્ય શબ્દોમાં ભાવનાનો અર્ક ભળેલ હોય છે. તેથી જ એ અવિસ્મરણીય બની દરેક બાળકની યાદ સાથે જોડાઈ જાય છે. એ શબ્દો વહાલના પ્રતીક બની રહે છે. જેમ તારે માટે ‘મીઠી’ શબ્દ વહાલનો લાડનો પર્યાય બની ગયો છે.

કેટકેટલી સ્મૃતિઓ માનસ પટ પર છલકાય છે. શું યાદ કરું ને શું ભૂલું ? તારા લગ્નની કલ્પના કરું કે તારા શૈશવની ગલીઓમાં યાદોને સહારે ઘૂમું ? આ બધું શું કામ લખુ છું. એ યે આજે અત્યારે તો ખબર નથી. બસ છલકાઉં છું… એટલે શબ્દો સરતા જાય છે. કોઈ સભાનતા વિના… આ કંઈ મારી એકની વાત નથી. દુનિયાની દરેક સ્ત્રીના આંતરમનની આ લાગણી છે. દરેક મા-દીકરીનું આ વ્યકત કે અવ્યક્ત ભાવવિશ્વ છે. વહાલનો દરિયો સેતુ બનીને માતા પુત્રી વચ્ચે ઘૂઘવતો રહે છે. કોઈ ઓટ વિના. અહીં તો છે ફકત ભાવોની ભરતી, લાગણીના સતત ઊછળતાં મોજાં….એ કયારેક ન દેખાય તોપણ હાજર હોય જ ! ઉપરથી સૂકી દેખાતી નદીને પણ ખોદો તો એની ભીનાશ અકબંધ હોય જ. એમ ઘણીવખત સંજોગોને લીધે ઉપરથી શુષ્ક જણાતાં મા કે દીકરીના અંતરના ઊંડાણમાં તો લાગણીનો અખૂટ ઝરો વહેતો જ રહે છે. નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઈના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે : ‘ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.’ હકીકતે તારા ફોનની રાહ જોઈ ને બેઠી છું. આંખોમાં ઊંઘ નથી એટલે હાથમાં ફરી એકવાર ડાયરી લઇને બેઠી છું અને મનમાં જે ભાવો ઉઠે તેને શબ્દદેહ આપું છું.

આજે શું કર્યું શુભમ સાથે ? કયાં ફર્યા ? શું વાતો કરી ? મને ખબર છે કે મને વાત કર્યા વિના તનેય ઊંઘ નહીં જ આવે અને મને તો આવવાનો સવાલ જ નથી. બસ…હવે કાલે વાત.

પપ્પા જાણી જોઇને તારી કોઈ વાત મારી પાસે કાઢતા નથી. કેમકે એને ખબર છે કે હું રડીશ. એ પણ તને એટલી જ યાદ કરે છે. જોકે પુરૂષ હંમેશાં પોતાની લાગણી જલ્દી વ્યકત નથી કરતો કે નથી કરી શક્તો. પણ હું જાણું છું, અનુભવુ છું. પપ્પાનું મન પણ છલકાઈ રહ્યું છે. ફકત આંખો જ મારી જેમ નથી છલકતી. દરેક દીકરીની જેમ તું પણ પપ્પાની ચમચી રહી ને ! તારી કિલકારી તો કેટલે દૂરથી પણ પપ્પા સાંભળી શકે છે. દીકરી હમેશાં બાપની સંવેદનાને અનાયાસે વધુ ઉજાગર બનાવે છે. વહાલને એક વિશિષ્ટ અર્થ દીકરી દ્વારા મળે છે. મારી જેમ જ કયા માતા-પિતા પાસે આવાં કોઈ ને કોઈ સંસ્મરણો નહીં હોય ?

હૈયાના ઝાડવાને મૂળિયાં અનેક,

એને ખોદો તો નીકળે પરભવમાં ઠેઠ.

તું સારી પત્ની, સારી વહુ, સારી માતા , સારી ભાભી વગેરે જરૂર બનજે…પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મસન્માન અને અભિમાન વચ્ચે બહુ

બારીક અને અદ્રશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતાં શીખજે. અહંકાર હંમેશાં બંને પક્ષે વિનાશકારક જ બની રહે છે. પતિની આગળ કે પાછળ નહીં….પણ પતિની સાથે ચાલી રહેજે. તને મિત્ર પતિ મળ્યો છે. ત્યારે સાચા

અર્થમાં તમ પતિ-પત્ની વચ્ચે મૈત્રીનું આકાશ વિસ્તરી રહે…. અક્ષુણ્ણ મૈત્રીનો દીપ તમારી વચ્ચે પ્રજવલિત રહે એ પ્રાર્થના…….અને મૈત્રીએ પિંજર નહીં…..ખુલ્લું…..મુકત આકાશ છે એ ભૂલીશ નહીં. તમારી મિત્રતાનું વર્તુળ સદા વિસ્તરી રહેશે…એ શ્રધ્ધા સાથે….

 

– માનું વહાલ.

આવું છું.-નીલમબેન દોશી

..
‘મમ્મી, આજે હું મા બની છું. તમારી વ્યથા સમજાય છે. પણ પપ્પા, એક વાર બધું ભૂલીને મને માફ કરીને મારા નાનકડા દીકરાને જોવા,રમાડવા નહીં આવે ? નાની હતી ત્યારે મારી કેટલી ભૂલો, તોફાન તમે હસતા મોઢે માફ કર્યા છે. આજે પણ તમે મને માફ નહીં કરી શકો ? કોઇ વાંકગુના વિના મારું બાળક નાના,નાનીના પ્રેમથી વંચિત રહેશે ? તમારી ઇચ્છા વિરુધ્ધ મેં લગ્ન કર્યા.મારી જિંદગી જાતે જીવવાનો અધિકાર ભોગવવાની મેં ભૂલ કરી. પણ એકવાર..બસ એકવાર મારા આ નાનકડા દીકરાને આશીર્વાદ નહીં આપો ? ‘

ફોનમાં પડઘાતા પુત્રીના શબ્દો આશાબેનના અંતરમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા. બે વરસથી ધીરજ રાખીને પતિના સોગંદ પાળી પુત્રીને નહોતા મળ્યા.પણ આજે હવે…

એ બપોરે જમીને શાંતિભાઇ આડા પડખે થયા હતા ત્યાં મનોમન કશો નિર્ધાર કરી આશાબહેને ધીમેથી સૂતેલ પતિ સામે નજર કરી ને હળવેકથી દરવાજો ખોલ્યો,
’ પાંચ મિનિટ ઊભી રહે. હું પણ આવું છું. ’

પાછળથી પતિનો…ના, ના, એક બાપનો ભીનો ભીનો અસ્ફૂટ અવાજ….!

ભાષાને જીવંત રાખવાના પ્રયત્નોને સલામ.-નિલમ દોશી

nd1

 

 

 

 

ગુજરાતથી દૂર રહીને ગુજરાતી ભાષાને જીવંત રાખવાના આપ સૌના પ્રયત્નોને સલામ.
બેઠકમાં ખૂબ સરસ કામ થઇ રહ્યું એ જાણીને. વાંચીને ખૂબ આનદ થયો.સર્વે સર્જકોને દિલના અભિનંદન..અને બેઠક ફૂલતી, ફાલતી રહે એવી શુભેચ્છાઓ..
કદીક રૂબરૂ પણ ચોક્ક્સ મળીશું.અત્યારે શબ્દો થકી આપ સૌને જાણૂં છું એ પણ કયાં ઓછું છે ?
પ્રજ્ઞાબહેન અને અન્ય સૌ સ્રજકોને ફરી એકવાર હાર્દિક વધાઇ

નિલમ દોશી

“કયા સંબંધે”-(2)નીલમ દોશી.

બેઠકનો આ મહિનાનો વિષય છે “કયા સંબંધે”નીલમ બેને સુંદર લેખ મોકલ્યો છે આ સાથે એમનો પરિચય પણ મોકલું છું.એમના બ્લોગની મુલાકાત લેજોnilam_doshi_4 

                      નામ વિનાના સંબંધોનું સૌન્દર્ય..

                    ચાલો, મળીએ કોઇ કારણ વિના;

                    રાખીએ સંબંધ કોઇ સગપણ વિના..”

                            આટલા બધા સંબંધ એને કેમ કરી ચાખુ ?

                               શબરીની જેમ એક પછી એક બોર ને ચાખુ.


કોઇ કારણ વિના મળવું ગમે.. હોંશે હોંશે મળવાની ઇચ્છા થાય એવા સંબંધો જીવનમાં કેટલા ?  એવા સંબંધો જેને મળ્યા હોય એ આજના જમાનામાં  નસીબદાર જ કહેવાય ને ?  અમુક સંબંધોને કોઇ નામ નથી હોતું. હોય છે ફકત એની સુવાસ…એ  સુવાસ જેને સાંપડે છે એનું જીવન સભર બની રહેતું હોય છે. આજે આવા જ કોઇ સગપણ વિનાના સંબંધની વાત કરવી છે. આપણી આસપાસ આવા સગપણ વિનાના અનેક  સુંદર સંબંધો નજરે પડતા  હોય છે.

કેટકેટલું લખાતું રહે છે..સંબંધ નામના આ ત્રણ અક્ષરના શબ્દ પર.! કદાચ કોઇ લેખક, કોઇ કવિ એવો નહીં હોય કે જેમણે સંબંધ વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કશું નહીં લખ્યું હોય ? શા માટે ? વરસોથી અનેક પુસ્તકો આ વિષય પર લખાયા  છે, લખાતા રહે છે અને વંચાતા રહે છે.  કારણ ? કારણ એક જ..કવિ શ્રી ગૌરાંગ ઠાકરના શબ્દમાં કહું તો..

એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે,

પણ દોસ્ત, એકલા કયાં જિવાય છે ?

કે પછી એકલાને અહીં લાગે બધું અળખામણું,

તમારે તે સંગ સઘળુ સોહામણું.

યેસ..માનવી આ વિશ્વમામ એકલો આવે છે અને એકલા જ જવાનું છે એ સનાતન સત્યથી આપણે કોઇ અજાણ નથી. પણ એકલા જીવવાનું આસાન નથી બનતું. ચપટીભર હૂંફ માટે માનવી જીવનભર મથતો રહે છે. કેમકે માનવીમાત્રનો પિંડ ભાવના અર્કથી બંધાયેલો છે. પ્રેમ અને આનંદ એની જરૂરિયાત છે. અને એ પ્રેમ, હૂંફ સાચુકલા  સંબંધ સિવાય કયાંથી મળે ?

અમુક સંબંધો આપણને જન્મથી આપોઆપ મળે છે ,જેમાં પસંદગીને કોઇ અવકાશ નથી હોતો. જયારે મિત્રતા , કે જીવનસાથીમાં આપણને પસંદગીનો અવકાશ મળે છે.

આજકાલ સૌ કોઇ કહે છે,સંબંધ બાંધવા સહેલા છે, નિભાવવા અઘરા છે. વાત સાચી છે.સંબંધોનું ગણિત થોડું અટપટું તો ખરું જ. કેમકે..

ઘાવ સહે એ વજ્જરના, ને ભાંગી પડે એક વેણે…

કોઇ સંબંધ અનેક ઘાવ પણ ખમી જાય છે અને કોઇ એક કઠોર શબ્દથી પણ તૂટી જાય છે. સંબંધોની બારાખડી જાણવી, એની લિપિ ઉકેલવમાં ઘણી વાર આપણે થાપ ખાઇ જતા હોઇએ છીએ.

જેમ વાસણને અવારનવાર માંજીને ચકચકિત કરવા પડે છે એમ સંબંધોને પણ સમય આપીને સ્નેહના, લાગણીના ઉંજણથી  માંજવા પડતા હોય છે. નહીંતર એને કાટ લાગી જતા વાર નથી લાગતી.

જોકે અનેક સંબંધો આપમેળે પણ જળવાઇ રહેતા હોય છે. દિલના સંબંધો દરેક વખતે શબ્દોના કે સમયના મોહતાજ નથી હોતા. કોઇ નિયમિત સંપર્ક સિવાય પણ વરસો પછી પણ એ લીલાછમ્મ રહી શકે છે. એવા સંબંધોમાં સાચુકલું સૌંદર્ય ઝળહળી રહે છે.હિસાબ કિતાબની ભાષા સંબંધોના સૌન્દર્યને ઝાંખપ લગાડે છે. એવા વહેવારિયા, હાય હેલ્લોના સંબંધોનું આયુષ્ય બહું લાબું નથી હોતું.જીવનમાં અનેક વાર નામ વિનાના સંબંધો સાવ અચાનક મ્હોરી ઉઠે છે ત્યારે આપણે એને રૂણાનુબંધનુણ નામ આપીએ છીએ. કેમકે એવા સંબધોનું કારણ  આપણી સમજણની ક્ષિતિજ બહાર હોય છે.

આજે એવા જ એક સાચુકલા સંબંધની સાચુકલી વાત…

સંપતરાયને આજે બાંકડો સાવ અડવો લાગ્યો. કશુંક ખૂટતું હોય તેવું કેમ લાગતું હતું ?  રીટાયર્ડ થયા પછી છેલ્લા એક વરસથી પોતે રોજ  સવારે અને સાંજે આ બગીચામાં આવતા હતા. બે વરસથી પત્નીનો સાથ છૂટી ગયો હતો. જોકે ઘરમાં દીકરો વહુ હતા..કોઇ તકલીફ નહોતી.આર્થિક રીતે સધ્ધર હતા. વાંચનનો, સંગીતનો શોખ હતો. તેથી સમય પસાર કરવામાં ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. આમ પણ તેમનો સ્વભાવ અતર્મુખી હતો. બહું બોલવાની આદત નહોતી.

રીટાયર્ડ થયા પછી મનમાં એક ભાવના હતી કે ભગવાને બધું આપ્યું છે. શારીરિક આર્થિક કે માનસિક કોઇ ચિંતા નહોતી. તો હવે સમાજની થોડી સેવા કરવી જોઇએ. કોઇને મદદરૂપ  થવું જોઇએ એવી ભાવના..ઇચ્છા મનમાં જાગતી. પરંતુ શું કરવું..કેમ કરવું..એવી કોઇ સમજ નહોતી પડતી. અંતર્મુખી સ્વભાવને લીધે ખાસ કોઇ મિત્રો નહોતા…
પણ હમણાં એક નવો મિત્ર મળી ગયેલ. જોકે આમ તો મિત્ર ન કહેવાય. એવી ખાસ કોઇ ઓળખાણ નહોતી. જે હતી તે ફકત મંદિરના આ બાંકડા પૂરતી જ સીમિત હતી. તેમની બાંકડા મૈત્રી કહી શકાય.  સંપતરાયને એકલા એકલા હસવું આવી ગયું. બાંકડામૈત્રી…મૈત્રીનો એક સાવ અલગ જ પ્રકાર..પોતે આ કેવું નામ શોધી કાઢયું છે.

એક વરસથી નિખિલભાઇ અને સંપતરાય બંને અહીં લગભગ સાથે જ આવતા. અને આ  એક જ બેંચ પર સાથે બેસતા. શરૂઆતમાં તો કોઇ વાતચીત નહોતી થતી. પણ રોજ એક જ જગ્યાએ બેસવાથી ધીમે ધીમે પરિચય થયો. પ્રારંભિક વાતચીતની શરૂઆત થઇ. નિખિલભાઇનો સ્વભાવ સંપતરાયથી સાવ અલગ ..તેમને બોલવા જોઇએ..હસવા જોઇએ… સંપતરાયને તેમની સાથે ફાવી ગયું. નિખિલભાઇ જાત જાતની વાતો કરતા રહેતા..હસતા રહેતા અને હસાવતા રહેતા…

પછી તો બંનેની મૈત્રી બરાબરની જામી. સંપતરાય સારા શ્રોતા અને નિખિલભાઇ સારા વકતા…. જોકે બંને વચ્ચે અંગત વાતો ઓછી જ થતી.એવી  કોઇ પૂછપરછ ખાસ થતી નહોતી. પુરૂષોને કદાચ એવી કોઇ અંગત વાતોની બહું જરૂર નહીં પડતી હોય. નિખિલભાઇની વાતમાં એક જીવંતતા રહેતી. કોઇ રોદણા નહીં..કોઇની ટીકા નહીં..જાતજાતની વાતોનો ભરપૂર ખજાનો તેમની પાસે રહેતો. સંપતરાયના ગંભીર ચહેરા પર પણ હાસ્ય ફરી વળતું. તાજગી અનુભવી તેઓ ઘેર પાછા  ફરતા. નિખિલભાઇ આર્થિક રીતે પોતાની જેટલા કદાચ સમૃધ્ધ નહોતા લાગતા પણ તેથી કોઇ ફરક નહોતો પડતો. બસ..આ  માણસ તેને ગમી ગયો હતો.  

હવે તો એક દિવસ નિખિલભાઇ ન દેખાય કે મોડા દેખાય તો સંપતરાય ઉંચા નીચા થઇ જાય.પણ હમણાંથી આ ક્રમ જરાક તૂટયો હતો. છેલ્લા આઠ દિવસથી નિખિલભાઇ બગીચામાં દેખાતા નહોતા. સંપતરાયને તેમના વિના એકલું લાગતું હતું. જાણે બધે સૂનકાર છવાઇ ગયો હતો. શું થયું હશે ? કેમ નહીં આવતા હોય ? માંદા પડી ગયા હશે ? પોતે તપાસ તો કરવી જ જોઇએ.

એકાદવાર વાતવાતમાંથી ખબર પડી હતી..નિખિલભાઇનું ઘર કયાંક આટલામાં જ હતું.

સંપતરાયને ચિંતા થઇ. થોડી મહેનત..પૂછપરછ કરી તેમણે નિખિલભાઇનું ઘર શોધી કાઢયું. તેમણે ત્યાં પહોંચી બેલ વગાડી.
એક સ્ત્રીએ બારણું ખોલ્યું.
’ નિખિલભાઇ અહીં રહે છે ? ‘
સ્ત્રીએ સંપતરાય સામે જોયું.

તમારે શું કામ છે ?

કામ કશું નથી. તેઓ મારા મિત્ર છે. અને અમે રોજ બગીચામાં સાથે….
તેને આગળ બોલવા દીધા સિવાય સ્ત્રીએ કહ્યું
જે હોય તે..હવે તેઓ અહીં રહેતા નથી.’
મતલબ ?
મતલબ જે હોય તે..એકવાર કહ્યું ને હવે તેઓ અહીં નથી રહેતા’
તો કયાં રહે છે ?
જહન્નમમાં…અને જહન્નમનો રસ્તો મને ખબર નથી. કહી સ્ત્રીએ ધડામ દઇને બારણું બંધ કર્યું.
સંપતરાય તો ડઘાઇ જ ગયા. આનો અર્થ શો કરવો કે હવે પોતે શું કરવું તે સમજાયું નહીં.
પણ મિત્ર બહારથી જેવો દેખાતો હતો તેવો સુખી તો નથી જ એટલી ખાત્રી તેમને થઇ ચૂકી.

અને ખરેખર તે કોઇ મુશ્કેલીમાં હોય તો પોતે કશુંક કરવું જ જોઇએ. પણ હવે તેમની તપાસ કેમ કરવી ? કયાં કરવી ?

ત્યાં બાજુવાળા ફલેટનું બારણું ખૂલતા તેમણે નિખિલભાઇ વિશે પૂછયું.

જવાબ સાંભળી સંપતરાય સ્તબ્ધ બની ગયા.

દીકરા,  વહુએ નિખિલભાઇને વૃધ્ધશ્રમમાં પહોંચાડી દીધા હતા. નિખિલભાઇએ પોતાનો ફલેટ દીકરાના નામે કરી દીધો હતો અને પૈસા બધા ખલાસ થઇ ગયા હતા. પિતાને ખાલી કરી, ખંખેરીને હવે તેમની પાસે કશું નથી એની ખાત્રી થતાં તેમને ઘરમાંથી કેવી રીતે હાંકી કાઢયા હતા..તે વાત સાંભળતા સંપતરાય હલબલી ઉઠયા.

તે સાંજે ઘેર આવી સરખી રીતે જમી પણ ન શકયા. દીકરા વહુએ પપ્પાનો ચહેરો ચિંતાતુર થયેલ જોઇ પ્રેમથી પૂછપરછ કરી ત્યારે તેમણે બધી વાત કરી.
દીકરાએ તુરત જવાબ આપ્યો.

‘પપ્પા, તમે ચિંતા ન કરો. કાલે જ આપણે તેમને શોધી કાઢીશું. આપણા ગામમાં એક  જ તો આવો વૃધ્ધાશ્રમ છે. ‘
બીજે દિવસે બાપ, દીકરો બંને ગાડી  લઇને ઉપડયા.ત્યાં પહોંચ્યા બાદ

નિખિલભાઇને શોધી કાઢતા કેટલી વાર ?

નિખિલભાઇ તો મિત્રને જોઇ ગળગળા થઇ ગયા. આવી તો કલ્પના પણ કરી નહોતી કે સંપતરાય તેમને શોધતા અહીં આવી પહોંચે. મિત્ર પાસે ઉઘાડા થઇ જતાં મનમાં થોડો ક્ષોભ જરૂર થયો. આટલા સમય સુધી કયારેય પોતાની તકલીફની વાત નહોતી કરી. કયારેય પરોક્ષ રીતે પણ ઇશારો નહોતો કર્યો. સંપતરાયને જાણ ન થાય માટે પોતે કેટલા સતર્ક રહ્યાં હતાં…પોતાના જ ખોટા સિક્કાની  વાત કેમ કરે ?

 

સંપતરાયે નિખિલભાઇને સારો એવો ઠપકો આપ્યો.બધા થોડીવાર બેઠા. નિખિલભાઇએ કેવી રીતે ભોળવાઇને દીકરા વહુની વાતમાં આવી જઇ..ભાવનાના પ્રવાહમાં ફલેટ પુત્રના નામે કરી દીધો હતો તથા પુત્રે કેવી રીતે બધા પૈસા પડાવી લીધા હતા.બધી વાત આંસુભીની આંખે કરી. હવે છૂપાવવાનો કોઇ અર્થ કયાં રહ્યો હતો ?
થોડીવારે સ્વસ્થ થયા બાદ નિખિલભાઇ પાછા પોતાના ઓરીજીનલ ફોર્મમાં આવી ગયા.

‘ મારી રામકહાણી કંઇ નવી નથી. આ તો ભાઇ, ઘેર ઘેર માટીના ચૂલા છે. સંસાર છે ચાલ્યા કરે. અને હું કંઇ અહીં દુ:ખી નથી..પૂછી જુઓ..આ લોકોને..અહીં આવીને બીજે જ દિવસે કેટલી પ્રવૃતિઓ અહીં ચાલુ કરી દીધી છે. ઇશ્વરે અહીં સેવા કરવાનો રસ્તો બતાવ્યો છે. આ કદાચ ઇશ્વરનો જ કોઇ સંકેત હશે…કોઇનો દોષ કાઢવાની જરૂર નથી. જે થાય કે થશે તે સારા માટે એમ દિલથી સ્વીકારી લીધા પછી કયાંય કોઇ તકલીફ પડતી નથી. હા, બાંકડે બેસી તમારા જેવા મિત્રની કંપની ગુમાવવી પડી એનો અફસોસ થાય ખરો. પણ સંપતરાય સાચું કહું ? તમે મને શોધતા અહીં સુધી આવ્યા..અને એ પણ તમારા પુત્ર સાથે. એ જોઇને સંબંધોમાંથી..દીકરામાંથી મારો ઉડી ગયેલ વિશ્વાસ મને પાછો મળ્યો છે.

હવે સંપતરાયનો દીકરો બોલ્યો,
’અંકલ, એક વાત કહું ? આજથી તમે પણ મારા પિતાની જગ્યાએ છો..હું તમને અમારે ..ના.ના..આપણે ઘેર લઇ જવા આવ્યો છું. તમારે હવે અમારી સાથે જ રહેવાનું છે. તમારા આવવાથી પપ્પાને ખૂબ સારું લાગશે. ને ઇશ્વરની દયાથી ભગવાને અમને ઘણું આપ્યું છે.

સંપતરાયે પણ પુત્રની વાતમાં સાથ પૂરાવતા કહ્યું,
અને ત્યાંથી આપણે રોજ અહીં આવતા રહીશું..આ બધાને મદદરૂપ થવા માટે. જે શકય હશે તે આ લોકો માટે પણ કરીશું. ઇશ્વરે મને માર્ગ બતાવ્યો છે.
નિખિલભાઇને  તો આ  નિસ્વાર્થ સ્નેહ આગળ શું બોલવું ત જ ન સમજાયું. પેટનો દીકરો જયારે તરછોડી ગયો ત્યારે આ પારકો દીકરો તેને ઘેર લઇ જવા આવ્યો છે.
ભીની આંખે અને ભીના હૈયે તેમણે જવાબ આપ્યો.
’ બેટા, તારી વાત મને સ્પર્શી ગઇ છે. તમે એક સાવ અજાણ્યા માનવીને આટલું કહ્યું તેનો સધિયારો કંઇ ઓછો છે ? બેટા, હું રહીશ તો અહીં જ..પણ હમેશા યાદ રાખીશ કે મારો એક દીકરો હજુ છે જેને પિતાની સંભાળ છે, લાગણી છે. બસ..બેટા..આગળ કશું બોલીશ નહીં. મને  નહીં ગમે તે દિવસે વિના સંકોચે તારું બારણું જરૂર ખટખટાવીશ.
નિખિલભાઇ હમેશ માટે જવા તો  તૈયાર ન થયા. પરંતુ સંપતરાય બીજે દિવસથી રોજ સવારથી સાંજ અહીં આવતા થઇ ગયા. અને અહીં જ સેવાની ધૂણી ધખાવીને રહે છે. તન, મન ધન આવા તરછોડાયેલા વડીલો પાછળ અર્પણ કરતા રહે છે. રાત પડયે બંને મિત્રો છૂટા પડે છે.

જોકે દર રવિવારે નિખિલભાઇને સંપતરાયના બંગલે અચૂક જવું પડે છે.

 

કયું નામ આપીશું આ સંબંધને ? નામનો મોહતાજ છે ખરો આ સંબંધ ?

નામ વિનાના..કોઇ સગપણ વિનાના આવા અગણિત સંબંધો જીવનમાં પાંગરતા રહે છે. એમને સલામ.

આમ કોઇ પૂછે તો કહી શકાય ના,
આમ કોઇ ભવભવનો નાતો.
માનવી માનવી જોડે મારી માટી કેરી સગાઇ

અસ્તુ..

નીલમ દોશી.મારો ગુજરાતી બ્લોગ..

http://paramujas.wordpress.com            -https://paramujas.wordpress.com/about/
Awards my books received…શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ
1

 ગમતાનો ગુલાલ પુસ્તક ને ..( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ )
2 અંતિમ પ્રકરણ..વાર્તા સંગ્રહને…(  ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ )
3 જન્મ દિવસની ઉજવણી. બાળનાટય સંગ્રહ ( ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ..)
my published books… 12 ..
1 દીકરી મારી દોસ્ત ,અંતિમ પ્રકરણ, સાસુ વહુ ડોટ કોમ ,અંતિમ પ્રકરણ.,  ગમતાનો ગુલાલ,.જન્મદિવસની ઉજવણી.   , દીકરો વહાલનું આસમાન, , નવલકથા દોસ્ત, મને માફ કરીશ ને ?, આઇ એમ સ્યોર, પાનેતર, ડોટર માય ફ્રેન્ડ, ( અન્ગ્રેજી ) , બેટી મેરી દોસ્ત ( હિન્દી )
મારી નિયમિત કોલમ..
1 સંદેશ ( વાત એક નાનકડી )
2 સ્ત્રી..જીવનની ખાટી મીઠી
3 .. સ્ત્રી…સંબંધસેતુ
4 જનસત્તા..ચપટી ઉજાસ, દીકરો વહાલનું આસમાન
5 ગુજરાત ગાર્ડિયન…અત્તરકયારી..
6 ગુજરાત ગાર્ડિયન…પત્રસેતુ
7 માર્ગી મેગેઝિન…પત્રને ઝરૂખેથી
8 કેડી કંકુવર્ણી..જયહિન્દ દૈનિક
મારા આગામી પુસ્તકો..
અત્તરકયારી,
ચપટી ઉજાસ
ઝિલમિલ
ખંડિત મૂર્તિ,
સંબંધસેતુ.
સ્માઇલ પ્લીઝ.. હાસ્ય  નવલકથા..
જીવનની ખાટી મીઠી..
પત્રસેતુ..